humor, politics

પોલીસની ભાષામાં બે રાજકીય ઘટનાઓ

જયવંતની જે બ્બાત

(આ હાસ્ય લેખ છે)

આજથી કેટલાક મહિનાઓ પહેલાં ચાર ઈસમો જેઓ જજ હતા અને એમાં એક આજે મુખ્ય ન્યાયમૂર્તિ છે, તેમણે જાહેરમાં ગુનો આચરેલ. તેમણે જાહેરમાં કેટલાક પત્રકારોને બોલાવેલ અને સંસ્થાની શિસ્તનો ભંગ કરેલ. તે સમયે ડી. રાજા નામના રાજકીય ઈસમની હાજરી જાણવા મળેલ. મજકૂર ઈસમ સામે ચાર ઈસમોને બળવો પોકારવા ઉશ્કેરવાનો આરોપ છે.

ત્યાર બાદ, ગઈ કાલે પણ ભારતની બહાર જ્યાં કેમ્બ્રિજ એનાલિટિકા આવેલી છે જે લોકોનો ફેસબુક પરથી અંગત ડેટા જેને અંગત માહિતી પણ કહે છે, તેનો ઉપયોગ કરી ચૂંટણીમાં ખોટી માહિતી ફેલાવે છે, જેનો ઉપયોગ ભારત દેશના મોટા રાજકીય પક્ષ કૉંગ્રેસ, જે ૭૦ વર્ષ સુધી ભારતમાં સત્તામાં રહી છે પણ છેલ્લાં સાડા ચાર વર્ષથી અને ખાસ તો છેલ્લાં એક વર્ષથી સત્તામાં પાછી ફરવા વ્યાકુળ અને મરણિયી બનેલ છે, તે કરવા ધારેલ, તે લંડન શહેરમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરેલ. આ પરિષદમાં એક ઈસમ સૈયદ સૂજા, જે પોતાને હેકર ગણાવે છે તેણે વિડિયો કોન્ફરન્સથી સંબોધેલ. આ ઈસમે પોતાનું મોઢું ઢાંકેલું હોઈ શંકા ઉપજાવે છે. તેણે ભારતના ઇવીએમ હેક કરવાનો દાવો અમેરિકામાં બેસી લંડનની પત્રકાર પરિષદમાં કરેલ. તેમાં પણ કપિલ સિબલ નામના રાજકીય ઈસમની હાજરી હતી જે આ આખા કાર્યક્રમના આયોજક યા તો ટેકેદાર હોવાની શંકા ઉપજેલ છે. આનાથી કેટલાક પ્રશ્નો જાગેલ છે:

. મજકૂર ઈસમે એવાં તો કયાં કામ કરેલ કે પોતાનો ચહેરો છુપાવવો પડેલ?

. મજકૂર ઈસમ ચૂંટણી પંચ સમક્ષ આવીને ઇવીએમ હેક કરીને કેમ નથી બતાવતો? ભારતીય મિડિયાના બદલે આંતરરાષ્ટ્રીય મિડિયા સમક્ષ આ દાવો કરવાનો ઈરાદો ભારતને બદનામ કરવાનો નહોતો?

૩. મજકૂર કપિલ સિબલ ત્યાં કોના પૈસે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના રૂપિયા ખર્ચીને હાજર રહ્યા? તેઓશ્રી કઈ રૂએ ત્યાં હાજર રહ્યા? પત્રકાર તરીકે? પણ પત્રકાર તો તેઓ છે નહીં? આથી તેમની હાજરી ગુનાની ઉશ્કેરણી કરવા માટે હોય તેમ પ્રથમ દૃષ્ટિએ જણાય છે.

. મજકૂર શ્રી સિબલ જો વ્યક્તિગત હાજર રહ્યા હોય તો પણ પ્રશ્ન છે કે રામમંદિર કેસમાં તેઓશ્રી કેસને લોકસભા ચૂંટણી સુધી પાછો ઠેલવા વિનંતી કરે છે જે સૂચનાનું પાલન આડકતરી રીતે બાદમાં વારંવાર મુદ્દતો આપીને મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ જેમના પિતા કોંગ્રેસના આસામમાં મુખ્ય પ્રધાન રહેલ, તેઓની બેચ કરી રહેલ છે, તેમાં પણ મજકૂર ઈસમ પોતાની વ્યક્તિગત રૂએ હાજર રહે છે તેમ કોંગ્રેસ કહે છે, તેના પરથી શંકા જાય છે કે આ ઈસમ પોતાની સગવડતા અનુસાર ક્યારેક કોંગ્રેસી નેતા તો ક્યારેક વકીલ તો ક્યારેક લંડન પ્રવાસી બની જાય છે (ક્યારેક ફિલ્મી ગીતકાર પણ બની જાય છે) તે મજકૂર ગુનાની ઉશ્કેરણીનો પુરાવો ગણવા પોલીસ પ્રેરાયેલ છે.

. મજકૂર ઈસમ હેકર દાવો કરે છે કે ૨૦૧૪માં ભાજપ ઇવીએમ હેકિંગ કરીને જીતેલ, પણ મજકૂર ઈસમ ભૂલી જાય છે કે એ વખતે કોંગ્રેસની સરકાર હતી, તો ભાજપ કઈ રીતે ને કોની મદદથી હેકિંગ કરેલ તે પ્રશ્ન છે. તે વખતે મજકૂર શ્રી સિબલ પણ કોંગ્રેસમાં હતા ને ટેલિકોમ પ્રધાન ને પછી વિજ્ઞાન ને ટેક્નોલોજી પ્રધાન જેઓ ગુનો કે જે લંડનમાં અમેરિકાથી આચરાયેલ છે તેની ઉશ્કેરણી કરવા શંકાસ્પદ છે તેમણે કે કોંગ્રેસ સરકારે કેમ કોઈ તપાસ ન માગી? તે વખતે પરિણામો કેમ ન અટકાવ્યાં? તે વખતે કેમ કોર્ટમાં દાદ ન માગી? તે વખતે તો મજકૂર ઈસમ શ્રી સિબલ, જેઓ ગુનો કે જે લંડનમાં અમેરિકાથી આચરાયેલ છે તેની ઉશ્કેરણી કરવા શંકાસ્પદ છે, તેમના પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પરાજય સ્વીકારી તેની જવાબદારી પોતે સ્વીકારેલ.

૬. મજકૂર ઈસમ કે જેણે અમેરિકા બેસી લંડનમાં ગુનો આચરેલ હોવાનો આરોપ છે તે ગોપીનાથ મુંડે જેઓ ૨૦૧૪ની નરેન્દ્ર મોદી સરકારમાં પ્રધાન હતા, તેમનું અકસ્માતમાં મૃત્યુ થયેલું. પરંતુ તેમની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો જે પાયાવિહોણો જણાય છે, કારણકે દિવંગત પ્રધાન જવાબ દેવા હાલ હયાત નથી. આવો આક્ષેપ માત્ર સનસનાટી ફેલાવવાનો જણાય છે.

ઉપરોક્ત વાતોને ધ્યાનમાં લેતાં પ્રથમ દૃષ્ટિએ ઉપરોક્ત ઈસમો વિદેશોમાં ભારત વિરોધી છબી બનાવવાના ઈરાદાવાળા જણાય છે.

Advertisements
humor, politics

અમ્મા તેરે મુન્ને કી ગઝબ હૈ બાત

૧૧ ડિસેમ્બર સાંજથી કોણ કયું ફિલ્મી ગીત ગાઈ રહ્યું છે? (આને હળવાશથી લેવું)

*ભાજપ-* મત રો મેરે દિલ, ચૂપ હો જા હુઆ સો હુઆ, વો જો પ્યાર મેં હોતા હૈ, ઐતબાર મેં હોતા હૈ, મેરે યાર તેરે સાથ ભી વહી તો હુઆ

*કૉંગ્રેસ-* બદતમીઝ દિલ બદતમીઝ દિલ માને ના, યે જો હાલ હૈ, સવાલ હૈ, કમાલ હૈ, જાને ના, જાને ના

*ભાજપ સમર્થકો-* તેરે ઈશ્ક ને સાથિયા મેરા હાલ ક્યા કર દિયા
ગુલશન ભી અબ તો વીરાના લગતા હૈ, હર અપના હમ કો બેગાના લગતા હૈ,
હમ તેરી યાદોં મેં ખોયે રહતે હૈ,
લોગ હમેં પાગલ દીવાના કહતે હૈ,
તેરે બિના, તેરે બિના, તેરે બિના નામુમકિન હૈ, જીવન કા ગુજારા સનમ

*કૉંગ્રેસ સમર્થકો-* તુમ ભી થે ખોયે ખોયે,
મૈં ભી બુઝા બુઝા, થા અજનબી ઝમાના, અપના કોઈ ના થા,
દિલ કો જો મિલ ગયા હૈ, તેરા સહારા
એક નઈ ઝિંદગી કા નિશાં મિલ ગયા

*સેક્યુલર મિડિયા-* સજ રહી ગલી મેરી અમ્મા
સુનહરી ગોટે પે, સુનહરી ગોટે પે, રૂપહરી ગોટે પે,
અમ્મા તેરે મુન્ને કી ગઝબ હૈ બાત,
ઓ ચંદા જૈસા મુખડા, કિરણ જૈસે હાથ,

*લિબરલો-* ઐસા કભી હુઆ નહીં, જો ભી હુઆ, ખૂબ હુઆ
દેખતે હી તુજે હોશ ગૂમ હો ગયે
હોશ આયા તો દિલ મેરા દિલ ના રહા

*વિહિપ, આંહિપના હિન્દુવાદીઓ-* મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગયે
જૈસે મેરે સપને બિખર કે
જલે મન તેરા ભી કિસી કે મિલન કો, અનામિકા તૂ ભી તરસે

*’નોટાવાળા-* દેખેં હમેં નસીબ સે અબ અપને ક્યા મિલેં, અબ તક તો જો ભી દોસ્ત મિલેં બેવફા મિલે

politics, sanjog news, vichar valonun

૧૧મી ડિસેમ્બર કોના માટે લાભદાયક રહેશે?


(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૯-૧૨-૨૦૧૮)
૧૧ ડિસેમ્બરે એટલે કે પરમ દિવસે પાંચ રાજ્યોનાં ચૂંટણીનાં પરિણામો છે. નરેન્દ્ર મોદીની ૨૦૧૪ની સરકાર બની ત્યારથી દર ચૂંટણી તેમની લોકપ્રિયતાની લહેરની કસોટી બની રહેશે તેમ સેક્યુલર મિડિયા ગણાવતું આવ્યું છે. પરંતુ દિલ્લી અને બિહાર જેવાં અમુક રાજ્યોને બાદ કરો તો મોટા ભાગે આ લોકપ્રિયતાની કસોટી પર ન માત્ર નરેન્દ્ર મોદી, પરંતુ ૨૦૧૪ની ચૂંટણી પછી મોદીના ભરોસે નિયુક્ત અમિત શાહ પણ ખરા ઉતર્યા. આ જોડી અજેય માનવા લાગી. જોકે આ બધામાં એક વાત એ પણ નોંધવા લાયક છે કે જે રાજ્યોમાં વિજય મળ્યો તેમાં ગુજરાતને બાદ કરતાં મોટા ભાગે વિપક્ષ અથવા કૉંગ્રેસની સરકાર હતી. હરિયાણા, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા વગેરેમાં કૉંગ્રેસની સરકાર, નેશનલ કૉન્ફરન્સની સરકાર અથવા સામ્યવાદી સરકાર સામે ભારે અસંતોષ હતો.

હરિયાણામાં ભૂપેન્દ્ર હુડા, મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચવ્હાણ, હિમાચલ પ્રદેશમાં વીરભદ્ર સિંહ વગેરેની સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા અને તેમાંય કૉંગ્રેસનું મા-બેટાનું નેતૃત્વ હતું જેની સામે પણ આરોપો થઈ શકતા હતા. પરંતુ ગુજરાત અને ગોવામાં થોડા ઘટાડા સાથે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ કબજો જમાવી રાખી શક્યા છે. કર્ણાટકમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે જરૂર ઉભર્યો પરંતુ સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યો. આની સામે પંજાબ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં તે ખાસ કાઠું કાઢી ન શક્યો. પંજાબમાં અકાલી દળ સાથેની મિશ્ર સરકારનો ખરાબ દેખાવ નડી ગયો. કેરળમાં ખાતું ખૂલ્યું. પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો મેળવી શક્યો. તમિલનાડુમાં ખાતું ખૂલ્યું નહીં.

આ ઉપરાંત પેટા ચૂંટણીઓમાં પણ ભાજપે હાર મેળવી છે. વર્ષ ૨૦૧૪માં જીતેલી આઠ બેઠકો તેણે ગુમાવી દીધી. તો ૨૭ બેઠકો વિપક્ષ પાસેથી ખૂંચવી લેવામાં પણ તે નિષ્ફળ રહ્યો છે.

આવું કેમ બન્યું? તેનાં કારણો જાણીએ અને પછી વાત કરીએ ૧૧ ડિસેમ્બરે આવનારાં પાંચ રાજ્યોનાં પરિણામોની. પહેલી વાત તો એ કે ભાજપને સામે મુખ્ય હરીફ તરીકે કૉંગ્રેસ હોય એટલે મજા આવે છે. કૉંગ્રેસના સાઇઠ-સિત્તેર વર્ષનો શાસનનો ખરડાયેલો ભૂતકાળ ભાજપ માટે કારગત નિવડે છે. વળી, લઘુમતીના તુષ્ટીકરણનો કૉંગ્રેસ પર આક્ષેપ છે તે હજુ પણ ભૂંસાય તેમ નથી. ઉલટું તેલંગણાના મુસ્લિમો લક્ષી ચૂંટણી ઢંઢેરાથી ઓર મજબૂત બન્યો છે. ભ્રષ્ટાચાર અંગેના કૉંગ્રેસ સામેના આક્ષેપો અગણિત છે. તેમાં ઑગસ્તા વૅસ્ટલેન્ડ વીવીઆઇપી ચૉપર કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન માઇકલના પ્રત્યર્પણથી આ આક્ષેપો ઓર પ્રબળ બનશે. કૉંગ્રેસમાં જૂથવાદ પ્રબળ છે. તેથી બહુ ઓછાં રાજ્યોમાં પહેલેથી મુખ્ય પ્રધાનના ઉમેદવાર નક્કી હોય છે. જ્યાં નક્કી હતા તે પંજાબમાં કૉંગ્રેસે વિજય મેળવ્યો છે. પરંતુ બીજી જગ્યાએ તેમ થતું નથી. સૌથી મોટું પાસું રાહુલ ગાંધી પોતે બને છે. તેમના પિછત્તીસ હજાર કે સાડે તીન લાખ પચાસ હજાર જેવાં છબરડાઓ થતા રહે છે. તેમનાં ભાષણો લખનાર સારું હૉમ વર્ક કરતા નથી. સંશોધન કરતા નથી. રાજ્યોમાં પણ નરેન્દ્ર મોદી સરકારને રાફેલ, નોટબંધી, જીએસટી જેવા મુદ્દા ઊછાળતા રહે છે. બીજી તરફ વચનોમાં પણ ખેડૂતોના દેવા માફી જેવી ઘસાયેલી રેકૉર્ડ જ વાગે છે. જોકે મધ્ય પ્રદેશમાં ગોશાળા જેવી પહેલ જરૂર કરી છે.

આની સામે નરેન્દ્ર મોદી રાજ્યલક્ષી મુદ્દા ઊછાળે છે, જેમ કે તેમણે કોટાને સ્માર્ટ સિટી બનાવવું જોઈએ તેમ કહ્યું. આના લીધે નેગેટિવ પ્રચારની સાથે પક્ષનો પૉઝિટિવ પ્રચાર પણ થાય છે. આથી જ ભાજપ કૉંગ્રેસ સામે બળવત્તર સાબિત થાય છે. પરંતુ…જ્યાં સ્થાનિક પક્ષોની વાત આવે ત્યાં ભાજપે પોતાની ક્ષમતા હજુ ઉત્તર પ્રદેશ સિવાય ક્યાંય બતાવી નથી. ઉત્તર પ્રદેશમાં લોકો મુલાયમસિંહ અને માયાવતીના વારાફરતી શાસનથી જબરદસ્ત કંટાળેલા હતા અને તેમાં યોગી આદિત્યનાથની લોકપ્રિયતા ભળી. નરેન્દ્ર મોદીનાં ભાષણો અને અમિત શાહની રણનીતિ રંગ લાવી. ઉત્તર પ્રદેશમાં એકલે હાથ ભાજપને બહુમતી મળી. પરંતુ દિલ્લી, બિહાર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર વગેરેમાં ભાજપ સ્થાનિક પક્ષોને પછાડી શક્યો નથી. એ અલગ વાત છે કે બિહારમાં નીતિશ અને લાલુને ડખા થયા તેમાં ભાજપને સત્તા મળી ગઈ અને જમ્મુ-કાશ્મીરમાં મુફ્તી મોહમ્મદ સઈદ અને બાદમાં મહેબૂબા મુફ્તી સાથે સમજૂતી કરવાથી સત્તાનાં ફળ ચાખવાં મળી શક્યાં. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ વિધાનસભા ચૂંટણીમાં ચાલુ રહ્યો છે. તમિલનાડુમાં જયલલિતાનો જાદુ હતો. હવે અન્ના દ્રમુક અને દ્રમુક બંનેમાં અંદર-અંદર ભારે સંઘર્ષ છે. કમલ હાસને નવો પક્ષ રચ્યો છે. આથી ત્યાં પણ ભાજપનો ગજ વાગ્યો નથી.

આ સ્થિતિમાં ૧૧ ડિસેમ્બરે જે પાંચ રાજ્યોનાં પરિણામો આવશે તે મહત્ત્વનાં બની રહેશે કેમ કે આ રાજ્યો ભાજપનો ગઢ ગણાતાં રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં ભાજપનું પંદર વર્ષથી શાસન છે. શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રિયતા છે, પરંતુ સામે કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજયસિંહનો વિભાજિત પડકાર છે. વિભાજીત એટલે કે તેમની વચ્ચે ડખા છે. વળી, બસપ કે સપએ કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું નથી. આ સંજોગોમાં અહીં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખશે તેમ એક કાચો અંદાજ મૂકી શકાય. મધ્યપ્રદેશ વિશે એવું કહેવાય છે કે જે માળવા જીતે તે મધ્ય પ્રદેશ જીતી શકે. બીજી તરફ, રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાની સામે પક્ષની અંદર અસંતોષ છે. તેને એકબાજુએ મૂકીએ પરંતુ રાજસ્થાનનો ઇતિહાસ એવું કહે છે કે જે મેવાડ જીતે તે રાજસ્થાન જીતી શકે.

વર્ષ ૨૦૧૩માં મધ્ય પ્રદેશમાં માળવા અને રાજસ્થાનમાં મેવાડમાં ભાજપનું મોજું ફરી વળ્યું હતું. મધ્ય પ્રદેશના માળવા અને મધ્ય ક્ષેત્રમાં ભાજપે પચાસ ટકાથી વધુ મતો મેળવ્યા હતા. માળવા પ્રદેશની ૫૦ બેઠકોમાંથી ભાજપે ૪૫ બેઠકો કબજે કરી હતી જ્યારે કૉંગ્રેસના ભાગે ચાર બેઠકો જ આવી હતી. અહીં ભાજપને ખેડૂતોનું આંદોલન અને સવર્ણોની નારાજગી નડી શકે છે. માળવાની ઓળખ ધાર્મિક કેન્દ્ર તરીકે પણ છે. આ પ્રદેશમાં ઉજ્જૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર આવે છે. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, અમિત શાહ અને રાહુલ ગાંધી એ બધા જ મહાકાળ બાબાના દર્શન કરી આવ્યા છે.

તો રાજસ્થાનમાં વર્ષ ૨૦૧૩માં મેવાડ અથવા ઉદયપુર પ્રદેશની ૨૮માંથી ૨૫ બેઠકો ભાજપે પ્રાપ્ત કરી હતી. કૉંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી હતી. રાજસ્થાન વિશે એમ કહેવાય છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાય છે. ગયા વખતે કૉંગ્રેસની સરકાર હતી તે પછી હાલ ભાજપની સરકાર છે. આ વખતે મતદારો કોની સરકાર લાવશે? તે તો ૧૧ ડિસેમ્બરે જ જવાબ મળશે પરંતુ આ સરકાર દર પાંચ વર્ષે બદલાવાનું કારણ મેવાડની જનસંખ્યા છે. અહીં ૭૦ ટકા વસતિ આદિવાસીઓની છે. તેમનો પ્રભાવ ૧૬ બેઠકો પર છે, જે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આદિવાસીમાં મુખ્યત્વે ભીલ વર્ગ છે. તે પછી મીના જનજાતિ વધુ છે. અહીંના મતદારો સરકારના કામકાજ પર મતદાન કરે છે. તેમને લાગે કે સરકારે પોતાનાં વચનો પૂરાં કર્યાં નથી તો તે સરકાર બદલી નાખે છે.
મેવાડની કહેવત છે, “પૂરી છોડ ને આધી ખાની, પણ મેવાડ છોડને કઠેઈ ન જાની’. અર્થાત્ ભલે અડધી રોટલી ખાવી પડે તો ખાવી, પરંતુ મેવાડ છોડીને ક્યાંય ન જવું. પદ્માવતીના પતિ રતનસિંહ, મહારાણા પ્રતાપ, રાણા સાંગા જેવા બહાદુર રાજાઓનો અહીં શૌર્યનો ઇતિહાસ સચવાયેલો છે. મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત અહીંથી જ કરી હતી. એક માન્યતા એવી છે કે જ્યારેજ્યારે તેમણે અહીંથી ચૂંટણી પ્રચાર આરંભ્યો ત્યારેત્યારે તેઓ સત્તામાં પાછાં આવી શક્યાં છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સવર્ણોને જીતવા રાહુલ ગાંધીએ બ્રાહ્મણ કાર્ડ ખેલ્યું છે અને પોતાનું ગોત્ર દત્તાત્રેય હોવાનું જાહેર કર્યું છે, પરંતુ બ્રાહ્મણો મૂર્ખ નથી. તેમને ખબર છે કે પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ખ્રિસ્તી હોય અને રાજીવના પિતા ફિરોઝ ગાંધી પારસી હોય (કે એક અફવા પ્રમાણે મુસ્લિમ હોય) તો ગોત્ર દાદીમાનું ન આવે. વળી, એક માન્યતા પ્રમાણે, દત્તાત્રેય આજીવન બ્રહ્મચારી હતા. તેથી તેમનો વંશ હોઈ શકે જ નહીં. આથી, જેમણે પણ રાહુલ ગાંધીને આ માહિતી શોધીને આપી છે તેમણે રાહુલ ગાંધીને ભોંઠા પાડવા જેવું કામ કર્યું છે. રાહુલે પોતે પણ અવિચારી રીતે આ માહિતી સ્વીકારી લઈ ભોપાળું વાળ્યું છે. આ બધી વાતોમાં પડવાના બદલે શાસક વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવાની જરૂર હતી, પરંતુ કૉંગ્રેસ ગુજરાતની ચૂંટણી હોય કે કર્ણાટકની, કે પછી રાજસ્થાનની, જાતિવાદના સહારે ચૂંટણી જીતવા જાય છે અને જીતની બાજી હારમાં પલટાવી દે છે.

આ જ રીતે છત્તીસગઢમાં ભાજપ, કૉંગ્રેસ અને માયાવતી-અજિત જોગીનો ત્રિકોણીયો જંગ છે. માયાવતી-જોગીની યુતિ બહુ ચમત્કારિક કાઠું ન કાઢે તો અહીં ભાજપની ફરીથી સરકાર બનશે. જ્યારે તેલંગણામાં ટીઆરએસ સત્તા જાળવી રાખશે તેમ મનાય છે કારણકે એવી ખાસ સત્તાવિરોધી લહેર નથી.

ડિસેમ્બર મહિનો આમ પણ નરેન્દ્ર મોદી માટે લાભદાયક સાબિત થતો રહ્યો છે. ગુજરાતની ચૂંટણી મોટા ભાગે ડિસેમ્બરમાં યોજાતી રહી છે. ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યર્પણથી મોદી અને ભાજપના બાવડામાં નવું જોર તો આવી જ ગયું છે. જોવાનું રહે છે કે ૧૧ ડિસેમ્બરનાં પરિણામો વધુ જોર આપે છે કે નહીં?

(લ.દિ.૦૫-૧૨-૨૦૧૮)

hindu, national

રામમંદિર માટે હજુ કેટલી રાહ? કેટલો સંઘર્ષ?

(લ. દિ. ૨૫/૧૧/૧૮)

કોઈ ચોક્કસ સંપ્રદાય (કેટલાક તેને ધર્મ કહે છે, જે ખોટું છે)ની રાજનીતિ એ વાઘની સવારી છે. પાકિસ્તાનથી માંડીને અનેક દેશો સાંપ્રદાયિક આધારે દેશ ચલાવવામાં નિષ્ફળ રહ્યા છે. જ્યારે પણ દેશમાં હિન્દુવાદમાં ઊછાળો આવે છે ત્યારે સૌથી વધુ ડર કેટલાક હિન્દુઓને લાગે છે. આ ડર કેમ લાગે છે તેનો જવાબ પછી, હિન્દુવાદ ઊછાળો કેમ મારે છે તેનો જવાબ પહેલાં.

ભારતમાં હિન્દુઓને અન્યાયની લાગણી અંગ્રેજોના ગયા પછી એક પછી એક ઘટના થકી બળવત્તર બનતી ગઈ. સંસ્કૃતની મજાક ઊડે, પણ મોગલોની ઉર્દૂ મિશ્રિત હિન્દી બોલાય તો વાહ વાહ થાય, નમસ્તે કહો તો જૂનવાણી કે નેતામાં ખપો, પણ આદાબ કરો કે શેક હેન્ડ કરો તો આધુનિક, વંદે માતરમ્ ગાવ તો સાંપ્રદાયિક પણ સારે જહાં સે અચ્છા ગાવ તો બિનસાંપ્રદાયિક, હિન્દુઓ માટે
સિવિલ કાયદો અલગ પણ મુસ્લિમો-ખ્રિસ્તીઓ માટે જુદો, હિન્દુઓનાં મંદિરોનો વહીવટ સરકાર કરે પણ મસ્જિદ, મદરેસામાં ત્રાસવાદી પ્રવૃત્તિ કે અલગતાવાદી પ્રવૃત્તિ થાય તો પણ તે બંધ ન થાય, નવરાત્રિમાં લાઉડ-સ્પીકર રાત્રે દસ વાગે બંધ કરાવી દેવામાં આવે પરંતુ મસ્જિદો પર દિવસમાં પાંચ વાર ભૂંગળા પરથી (મોટા ભાગે) બેસૂરા અવાજે આઝાનો થતી રહે. ફટાકડા હોય કે પતંગ, હિન્દુ તહેવારો અંગે ફટ ચુકાદા આવે અને તેનો અમલ પણ કરવામાં આવે પરંતુ અન્ય પંથોના તહેવારોને પર્યાવરણ કે ઘોંઘાટનો કોઈ પ્રશ્ન ન નડે. હિન્દુ બળાત્કારી બાવાની તરત ધરપકડ થાય, પણ પોતાને પાકિસ્તાનના એજન્ટ ગણાવનાર ઈમામ બુખારી છૂટા ફરે, બળાત્કારી બિશપને તરત જામીન મળી જાય અને તેના સમાચાર પણ સાવ ખૂણેખાંચરે આવે …આવાં તો ઘણાં ઉદાહરણો આપી શકાય.

માર ખાઈ ખાઈને, અન્યાય સહન કરીને અનેક હિન્દુ એટલા ભીરુ બની ગયા કે દસ હિન્દુ હોય પણ એક મુસ્લિમ આવે તો બાવા હિન્દી ચાલુ થઈ જાય, પોતે તો બધા ધર્મોને સમાન માને છે અને હિન્દુ ધર્મના કુરિવાજોમાં પોતે માનતા નથી તેમ કહી હિન્દુ ધર્મની બુરાઈ શરૂ કરી દે. મોહમ્મદ રફીએ કેટલાં ભજનો ગાયાં ને નૌશાદે કેટલા સંગીતબદ્ધ કર્યા તેની વાત કરવા લાગે. આમ, સંગીતને પણ સાંપ્રદાયિક રંગ આપે. રફીની વાત કરતી વખતે રફીને રફીસાહેબ કહેવા, તેમજ તે આવા હતા ને તેવા હતા તેવું માનવાચક ક્રિયાપદ આવે અને કિશોરકુમાર તો ગાંડો હતો ને ચક્રમ હતો તેમ તુંકારો આવે. (મને આ બંને ગાયકો અને મન્નાડે, તલત મહેમૂદથી લઈ તલત અઝીઝ સુધીના અને સોનુ નિગમ, કૈલાસ ખેર સહિતના અનેક ગાયકો ગમે જ છે અને હું રફીને રફીસાહેબ તેમના અવાજ અને સાલસ-કોઈ સંત જેવા સ્વભાવના કારણે કહું છું). પરંતુ રફી કે નૌશાદના પૂર્વજો હિન્દુ હતા જ, તેથી આમાં આશ્ચર્ય ન થવું જોઈએ. આશ્ચર્ય તો એમાં થવું જોઈએ કે હિન્દુ માતા શર્મિલા ટાગોરનો દીકરો સૈફ અલી ખાન અને જેમની ફિલ્મો શિવ-આરાધના કરતા પૃથ્વીરાજ કપૂરથી શરૂ થતી હતી તે રાજ કપૂરના દીકરાની દીકરી કરીના કપૂર તેમના દીકરાનું નામ એક રાક્ષસી વ્યક્તિ તૈમૂર લંગ પરથી રાખે.

કેટલાક લોકો પતંગ કે દિવાળી પૂજનમાં ચોપડા બનાવનારા પરિવારો મુસ્લિમ છે તે વાતને સાંપ્રદાયિક એકતા સાથે જોડે છે. મારી દૃષ્ટિએ એ સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ નથી. એ તો વેપાર છે. આવી રીતે તો હિન્દુઓ પણ મુસ્લિમ તહેવારોમાં વપરાતી ચીજોના ઉત્પાદનમાં જોડાયેલા જ હશે. હા, જન્માષ્ટમીએ બુરખો પહેરેલી મુસ્લિમ માતા પોતાના બાળકને કન્હૈયો બનાવીને લઈ જતી હોય કે હિન્દુ ઈદ મનાવે તે ચોક્કસ સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ છે, બાકી હિન્દુ ગાયક કવ્વાલી કે સૂફી ગીત ગાય કે મુસ્લિમ ગાયક ભજન ગાય તે તો શુદ્ધ વ્યાવસિયકતા જ છે.

કેટલાક મુસ્લિમોને રાષ્ટ્રીય પ્રવાહમાં ન ભળવા દેવા માટે આવા માનસિક ગુલામ હિન્દુઓ પણ જવાબદાર છે. મુસ્લિમ કે શીખ સારું ગુજરાતી બોલતો હોય તો પણ તેની સાથે ‘ક્યા બાવા, તુુમ કાયકુ પૂછતા હૈ?’ કહીને બાવા હિન્દી ચાલુ કરી દેવું, તેને ધર્મના બદલે ફિલ્મોની વાત કરવી હોય તો પણ માનસિક ગુલામ હિન્દુ એવી જ વાતો કાઢે જેનાથી પેલાને કટ્ટર ન થવું હોય તોય તેના મનમાં કટ્ટરતા જન્મે. પાકિસ્તાની ક્રિકેટરો સારા, પાકિસ્તાનમાં ફલાણું સારું તેમ કહી જાણે પેલો મુસ્લિમ પાકિસ્તાન તરફી જ હોય તેમ માની લઈ પાકિસ્તાનના ખોટા વખાણ ચાલુ કરી દે. અંગ્રેજો-મોગલોના શાસનની ગુલામી અને તે પછી પણ ચાલુ રહેલી તુષ્ટિકરણની નીતિના કારણે આ પરિસ્થિતિ થઈ છે.

આ દેશમાં બહારથી આવેલા ઇસ્લામિક આક્રાંતોએ અનેક મંદિરો તોડી મસ્જિદો બનાવેલી છે તે જગજાહેર અને પુરાતત્ત્વની રીતે સિદ્ધ વાત છે. પરંતુ આવાં અનેક મંદિર નહીં, માત્ર એક રામમંદિર ભવ્ય બનાવવા (રામમંદિરનું નિર્માણ તો ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ થઈ જ ચુક્યું છે, પણ રામલલ્લા હજુ તંબુમાં છે) પણ કુલ એકોતેર વર્ષ અને રામમંદિર તંબુમાં બન્યા પછી ૨૬ વર્ષ રાહ જોવી પડે! (સરેરાશ હિન્દુ ‘અયોધ્યા તો ઝાંકી હૈ, કાશીમથુરા બાકી હૈ’ ભૂલી જ ગયો છે) અને તે રાહનો હજુ અંત આવ્યો નથી! શેરીથી લઈ શહેર સુધીનાં નામો આવા અત્યાચારી આક્રાંતાઓનાં નામો પરથી છે. પરંતુ સ્વતંત્રતાનાં એકોતેર વર્ષ પછી પણ નામો બદલવામાં આટલી કાગારોળ થાય? જહાંગીરને અન્યાયની મૂર્તિ બતાવવામાં આવે પણ શ્રી રામ અન્યાયકર્તા ચિતરાય અને ન્યાય માટે જેમની વાત માત્ર કૉમિક્સ અને વૈતાલની વાર્તા સુધી સીમિત રહી ગઈ છે તે રાજા વિક્રમાદિત્ય, ભોજ, ચંદ્રગુપ્ત, જેવા રાજાઓનો ક્યાંય કોઈ ઉલ્લેખ જ નહીં? કહેવાતા હિન્દુવાદી ભાજપના ૨૨ વર્ષના દીર્ઘકાલીન શાસનમાં અમદાવાદનું નામ પહેલાં કર્ણાવતી હતું અને તે વેપારવાણિજ્યથી સમૃદ્ધ હતું તે ભણાવવામાં ન આવે? યાદ રાખો, પક્ષ કે સંસ્થા મહાન નથી, વિચારધારા મહાન છે અને જો આપણે આપણા પ્રાચીન વારસાનું ગૌરવ નહીં કરાવી શકીએ તો નવી પેઢીને આ દેશ માટે ગૌરવ નહીં જ થાય. સામ્યવાદીઓ તો કેન્દ્રમાં સત્તામાં નહોતા છતાં પોતાના વિચારો ઘૂસાડવામાં સફળ રહ્યા કારણકે તેમના માટે સત્તા સાથે વિચાર પણ મહત્ત્વનો રહ્યો. તેનું જ પરિણામ છે કે આજે ચોતરફ ભાજપ સત્તામાં હોવા છતાં વૈચારિક યુદ્ધમાં ઘણી વાર નબળો દેખાય છે.

આ પૂર્વભૂમિકાના સંદર્ભમાં અયોધ્યામાં વિહિપ અને શિવસેના કાર્યક્રમો કરી રહ્યા છે તે જુઓ. ફરી એક વખત હિન્દુવાદીઓ જોશમાં દેખાઈ રહ્યા છે. આ જોશ ઉન્માદમાં ન પરિણમે તે જોવાનું કામ અને જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેની છે. હિન્દુઓના નામે મતો મેળવવા, હિન્દુ હૃદય સમ્રાટ બનવું પણ પછી તેમની આશાઓ પર ખરા ન ઉતરવું તે નિરાશા કે ઉન્માદ, બંનેમાંથી કંઈ પણ જન્માવી શકે છે. સંઘ પરિવારે પણ યાદ રાખવું પડશે, આ વખતનું આંદોલન છેલ્લું આંદોલન હશે. રામમંદિર માટે વર્ષ ૧૯૯૦ અને ૨૦૦૨માં અનેક લોકોનાં લોહી રેડાયાં છે. આવી પરિસ્થિતિ પછી રમખાણો થાય ત્યારે જેલમાં ગયેલાની પડખે વિહિપના નેતાઓ ઊભા રહ્યા? કાયદાકીય સહાય કેટલી કરી? ભાજપે તેમના પરિવારો માટે શું કર્યું? વિહિપના જૂના નેતા પ્રવીણ તોગડિયાએ તો નિરાશ થઈ અલગ માર્ગ કરી લીધો છે. પણ આ વખતે પણ કંઈ ન થયું તો હવે પછી કોઈ ભોજિયો ભાઈ આવાં આંદોલનમાં નહીં જોડાય. અમદાવાદના કર્ણાવતી નામ બાબતે પણ સરેરાશ હિન્દુવાદી સંઘ-ભાજપની ઉદાસીનતાથી દુ:ખી છે.

બીજી એક વાત એ પણ સત્ય છે કે દેશ સાંપ્રદાયિક આધાર પર આગળ ન વધી શકે. વિચિત્ર લાંબાં ટીલાંવાળા જટાધારી બાવાઓ એક મંત્ર શુદ્ધ ઉચ્ચારણ ન કરી શકતા હોય તેવાને ટીવી પર ચર્ચામાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે બેસાડી દેવામાં આવે તે કરુણતા જ છે. સ્વામી સચ્ચિદાનંદ જેવા સાચા સંત તો પોતાનાં સાચાં કામોમાં જ લાગેલા હોય છે. એટલે હિન્દુને ચિંતા એ વાતની પણ રહે છે કે મુસ્લિમોમાં જેમ ઈમામ કે મૌલવી કુર્આન/હદીસનું સાચુંખોટું અર્થઘટન કરે તેમ જ કરવું પડે તેવું ક્યાંક હિન્દુઓ બાબતે ન થઈ જાય. આસારામ સહિત બાવાઓના એટલા કિસ્સા બહાર આવ્યા છે અને સામે પક્ષે મિડિયા પણ અન્ય પંથોની સરખામણીમાં તેને જ હાઇલાઇટ અને હાઇપ આપતા રહે છે તેથી સરેરાશ હિન્દુને પણ આવા બાવાઓથી ચીડ છે અને તેથી જ્યારે હિન્દુઓના આવા આંદોલનને જુએ છે ત્યારે ડરે છે કે ક્યાંક આવા બોદા હિન્દુ બાવાઓ દેશમાં સર્વોપરી ન થઈ જાય.

વિહિપ (જૂની હતી ત્યારની વાત છે, કારણકે હવે તે નવું સ્વરૂપ ધારણ કરી રહી છે) જન્માષ્ટમીએ કે રામનવમીએ યાત્રા કાઢે ત્યારે ટ્રકોમાં ગાળો બોલતા કે પછી ઉશ્કેરણીજનક નારા લગાવતા લોકો રહેતા હતા. સાંપ્રદાયિક કાર્યક્રમોની ઉજવણી એવી હોવી જોઈએ જેનાથી બીજા પંથવાળા પણ આકર્ષાય. વિહિપની સ્થાપના મૂળ તો હિન્દુઓમાં આવી ગયેલી આભડછેટ સહિતની કુરીતિ ભગાવવાની હતી પરંતુ તે કાર્યક્રમો ઘટી ગયા અને આવા ઉન્માદી કાર્યક્રમો-ભાષણો વધી ગયાં. નવરાત્રિ કે ગણેશ ચતુર્થી વખતે ડીજેમાં પૌવા ચડા કે આઈ કે પછી વરઘોડામાં આ રે પ્રીતમ પ્યારે જેવાં ગીતો વગાડવા સહિતની ખોટી બાબત સામે કેમ કોઈ વિહિપ નેતા કંઈ ન બોલે? ૧૯૯૦ પછી ભાજપના ઉમેદવારોમાં વિહિપનો ક્વૉટા કેટલો હશે તેના પર મગજમારી શરૂ થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં જઈ વિહિપ નેતા સુપર સીએમ તરીકે વર્તતા તે ઘણા જાણે જ છે. એટલે હવે વિહિપ ફરી બેઠી થવા પ્રયાસરત છે ત્યારે આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

પરંતુ એક વાત સ્પષ્ટ છે જ કે ભવ્ય રામમંદિર બનવું જ જોઈએ. સાથે એક વાત એ પણ છે કે શાહબાનો કેસ સાથે તેને સરખાવી ન શકાય. શાહબાનો કેસમાં સર્વોચ્ચનો ચુકાદો આવી ગયો હતો. તે પછી તેને કાયદામાં સુધારા દ્વારા તેને ફેરવી તોળાયો. અત્યારે આ બાબત સર્વોચ્ચમાં અનિર્ણિત (પેન્ડિંગ) છે. જો તેમ છતાં સરકાર વટહુકમ લાવે તો (શાહબાનોમાં જેમ સર્વોચ્ચના ચુકાદાને ફેરવી તોળી ખોટું ઉદાહરણ બેસાડાયું તેમ) ખોટું ઉદાહરણ બેસે. ભવિષ્યમાં અન્ય પંથનો કોઈ સળગતો મુદ્દો સર્વોચ્ચમાં અનિર્ણિત હશે ત્યારે તે પણ ઉન્માદના સહારે તેને બદલવા દબાણ લાવશે તો શું?

પરંતુ તેનો અર્થ એ પણ નથી કે સરકાર પર ઉગ્ર દબાણ ન ઊભું કરવું. રાજકારણીઓએ એવી ખોટી ટેવ પાડી છે કે તેઓ શાંત માગણીઓને ગણકારતા જ નથી. તેમ ન હોત તો મહારાષ્ટ્રમાં ખેડૂતોને ત્રણ-ત્રણ વાર આંદોલન શા માટે કરવું પડે? અમદાવાદનું કર્ણાવતી કરવાની માગણી જનસમૂહનું ઉગ્ર દબાણ નહીં હોવાથી વર્ષોથી બહેરા કાને અથડાયા કરે છે અને નિવેદનબાજીમાં અટવાયા કરે છે. એટલે સારું એ જ છે કે શાંત આંદોલન છે ત્યાં જ રામમંદિરના મુદ્દાનો ન્યાયાલયમાં જ નિવેડો આવે. સાથે કર્ણાવતી નામ પણ થઈ જાય.

જો નિવેડો ન આવ્યો તો આ આંદોલન, ભલે વિરોધીઓના મત મુજબ, ભાજપ માટે હિન્દુ મતો નક્કી કરવા થતું હોય, પણ તે બૂમરેંગ સાબિત થઈ શકે છે. યાદ રહે કે, ૨૦૦૨માં પણ સંપાદિત જમીન પર ભૂમિ પૂજા બાબતે આવું જ વાતાવરણ હતું. પછી શું થયું? વિકાસ છતાં અટલ સરકાર ગઈ! રામમંદિરની ચ્યુઇંગ ગમમાં આ આંદોલન પછી કોઈ સ્વાદ રહેવાનો નથી, પણ તે જો ભૂલથી ક્યાંક ચોંટી ગઈ તો નુકસાન કરાવીને જ રહેશે. એટલે હવે સરકાર સર્વોચ્ચમાં અરજી કરી આ મુદ્દે ઝડપથી સુનાવણી કરી ચુકાદા માટે દબાણ લાવે તે જરૂરી છે. કૉંગ્રેસ સહિત કોઈ વિપક્ષો રામમંદિર માટે દબાણ લાવવાનો જ નથી, ઉલટું, કપિલ સિબલ કે મહાભિયોગની ધમકી દ્વારા તેને ટાળવાના જ છે. આથી અપેક્ષા માત્ર ભાજપ સરકાર પાસે જ છે. ચાર બળવાખોર જજ પૈકીના એક રંજન ગોગોઈ મુખ્ય ન્યાયમૂર્તિ છે ત્યારે, સરકારની અરજી પછી પણ આ મુદ્દાને લટકાવવાનો પ્રયાસ થાય તો વટહુકમનું બ્રહ્માસ્ત્ર છોડ્યા વગર છૂટકે જ નથી.

ahmedabad

અમદાવાદનું નામ કર્ણાવતી શા માટે થવું જ જોઈએ?

 

IMG_20181125_150714.JPG

(વિચારવલોણું કૉલમ, દિ. ૨૫/૧૧/૧૮)

અમદાવાદનું નામ કર્ણાવતી થવું જોઈએ તે વિશે કોઈ શંકા નથી. આજે કેટલાક કહેવાતા બુદ્ધુજીવીઓ આ વિશે ભ્રમ ઊભો કરી રહ્યા છે. આ અંગે આંખ ઉઘાડનારા તથ્યો વાંચશો તો ખબર પડી જશે કે શા માટે અમદાવાદનું નામ કર્ણાવતી થવું જ જોઈએ. અહીં ઈ. સ. ૧૯૨૯માં રત્નમણિરાવ ભીમરાવ દ્વારા લખાયેલા ‘ગૂજરાતનું પાટનગર અમદાવાદ’નો આધાર લેવામાં આવ્યું છે. આ પુસ્તક પાછું આધારવિહોણું નથી. તેમાં પણ અનેક ઐતિહાસિક અને અન્ય ગ્રંથોનો સહારો લેવામાં આવ્યો છે.
➡ “આશાવલ અને કર્ણાવતી એક જ શહેર છે. આ માટે વિદ્વાનોમાં મતભેદ ચાલે છે. કર્ણાવતી નગરી ક્યાં હતી તે માટે પણ મતભેદ તો છે. પરંતુ એ બંને શહેરો એક જ છે એવા ઉલ્લેખો મળે છે. કેટલાક વિદ્વાનો કર્ણાવતીને આશાવલ્લીની પાસે અગર તો સાબરમતીને સામે પશ્ચિમ કિનારે મૂકે છે, પરંતુ એમ માનવાને ખાસ આધાર નથી.” (ઈ. સ. ૧૯૨૯માં પ્રકાશિત થયેલું પુસ્તક, ગૂજરાતનું પાટનગર અમદાવાદ, લેખક રત્નમણિરાવ ભીમરાવ, પૃષ્ઠ ૩૭,). સિદ્ધરાજના પિતા કર્ણદેવે આશાભીલને હરાવી કર્ણાવતી વસાવ્યું, ત્યાં જયંતીદેવી અને કર્ણેશ્વર મહાદેવનાં મંદિરો બંધાવ્યાં, એમ કહેવાય છે, અને સારા શુકન થવાથી કોચરવા દેવીનું સ્થાપન કર્યું.
➡ કર્ણદેવે કર્ણાવતી વસાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ મેરૂતુંગાચાર્યે સદીની શરૂઆતમાં લખેલા ‘પ્રબંધ ચિંતામણિ’ નામના ગ્રંથમાં છે. ઈ. સ. ૧૮૮૦માં ડૉ. હરિલાલ હ. ધ્રુવને જમાલપુર દરવાજા બહારના સપ્તર્ષિના આરા પાસેથી એક પથરો જડ્યો હતો, તેમાં ૧૫ લીટીની એક ખંડિત પ્રશસ્તિ છે. છેલ્લી રેલ (ઈ. સ. ૧૮૭૫માં સાબરમતીમાં મોટી રેલ, એટલે કે પૂર, આવી હતી અને ઘણું નુકસાન થયું હતું- Ahmedabad Gazet p.12) ડૉ. ધ્રુવે ‘બુદ્ધિપ્રકાશ’ના ઈ.સ. ૧૮૮૦ના ઑગસ્ટ અંકમાં પૃષ્ઠ ૧૭૪ પર આ વિશે લખ્યું હતું. કર્ણાવતી પણ સાબરમતીના કિનારે હતું એવો ઉલ્લેખ હમ્મીર મદમર્દન નામના નાટકમાં છે. ‘પ્રભાવક ચરિત્ર’માં પૃષ્ઠ ૨૮૩ પર પણ કર્ણાવતીનો ઉલ્લેખ આવે છે. આમ, કર્ણાવતીનો ઉલ્લેખ માત્ર પ્રબંધ ચિંતામણિમાં જ મળે છે તેમ કહેવું ખોટું છે.
➡ “અહમદશાહ ધાર્મિક મુસલમાન હોવા છતાં તેના વડવાઓ ટાંક રજપૂત હતા. (એટલે એના સમયમાં હિંદુઓને કોઈ તકલીફ ન પડી તેમ દલીલ થાય તો એમાં એના આ મૂળ-કુળને ધ્યાને લેવો જોઈએ.) અણહિલવાડ પાટણ જેવું તે વખતના હિંદુસ્તાનનું એક મોટામાં મોટું નગર નમૂના માટે હતું. (મીરાતે અહમદી) અને બાંધનારા મોટા ભાગે હિંદુ અથવા હિંદુમાંથી તાજા વટલાયેલા હતા. એટલે અમદાવાદની નગરરચના પ્રાચીન હિંદુ શહેરની રચનાને અનુસરીને થાય તેમાં કોઈ નવાઈ નથી.”
➡ “મીરાતે અહમદી પૃ.૩. મીરાતે અહમદીમાં જ આગળ પુરાંઓના વર્ણનમાં લખેલું છે કે શહેરની શરૂઆતમાં બહુ વસ્તી આબાદ નહોતી…કાળુપુર, સારંગપુર, દરિયાપુર, તાજપુરનાં પરાં તથા લત્તા સ્થાપ્યાં. આ નામ મહેમૂદ બેગડાના સમયનાં છે, અહમદશાહના સમયના નહીં. એટલે કોટની અંદર ગણાતો કેટલોક ભાગ પણ મહેમૂદ બેગડાના સમયમાં વસીને વધ્યો જણાય છે. તવારીખે ફિરિશ્તામાં સ્પષ્ટ લખ્યું છે કે હી.સં.૮૯૨, ઈ.સ. ૧૪૮૬માં બાદશાહ મહેમૂદ બેગડાએ શહેરનો કોટ બાંધ્યો.”
તો પછી અહમદ-આબાદ એવું શા માટે બોલવાનું?
➡ મીરાતે સિકંદરી અને અહમદીમાં બાદશાહે આશા ભીલને હરાવી ત્યાં શહેર વસાવ્યું. ત્રણસો વર્ષ ઉપર આશા ભીલને હરાવી કર્ણદેવે કર્ણાવતી નામ એ જ સ્થળનું પાડ્યું હતું. (તેથી આશાવલ ->કર્ણાવતી-> અમદાવાદ એક જ તે પુરવાર થાય છે. કાળક્રમે તેમાં નવા વિસ્તારો ઉમેરાયા હોઈ શકે.) એ આશો ભીલ ઈ.સ. ૧૪૧૧માં ક્યાંથી આવ્યો એ પ્રશ્ન છે. મુસલમાન તવારીખકારોએ જૂની આખ્યાયિકાઓને અમદાવાદની સ્થાપના સાથે ભેળવી દીધી છે.
➡ કર્ણદેવે કર્ણાવતી વસાવી તે પછી કર્ણાવતી તરફ ધ્યાન ન આપ્યું તેવી દલીલ બાદશાહો પ્રિય લોકો કરે છે. “સિદ્ધરાજના સમયમાં શાંતુપ્રધાને શાંતુવસહિ અને ઉદા પ્રધાને ૭૨ જિનાલયવાળું ઉદયવરાહ નામનું મંદિર કર્ણાવતીમાં બંધાવ્યાના ઉલ્લેખો પણ છે. (બોમ્બે ગેઝેટિયર vol I, p.1, p.170) વસ્તુપાળ તેજપાળે પણ આવા શહેરમાં મંદિરો બંધાવ્યા હશે એમ જણાય છે. એટલે કર્ણાવતી પ્રાસાદો અને મંદિરોથી સમૃદ્ધ હશે એમાં શંકા છે જ નહીં અને અમદાવાદ વસતી વખતે તેના પથ્થરોનો છુટથી ઉપયોગ થયો હોય એમ માની શકાય. (અર્થાત્ પ્રાસાદો-મંદિરો તોડી પડાયાં હશે.) કર્ણાવતી જેવા શહેરમાંથી અમદાવાદના કિલ્લાનો એકએક માથોડું કોટ પથ્થરનો કરવા જેટલા અને શરૂઆતની મસીદો બાંધવા જેટલા પથ્થરો ન મળે એમ સંભવ છે. કર્ણાવતીની વસ્તી અને મકાનોનો પૂરેપૂરો નાશ તો નહીં થયો હોય એમ કર્ણાવતી અઢારમી સદી સુધી કાયમ રહ્યું તેના પરથી જણાય છે. અમદાવાદમાં સર્વથી પ્રથમ બંધાયેલી ભદ્રની અહમદશાહની મસ્જિદ અને જમાલપુરની હૈબતખાંની મસ્જિદ કેવળ હિંદુ મંદિરોના પથ્થરોની બનેલી છે. ભદ્રની મસ્જિદમાં તેરમી સદીના મહારાજા  વિસલદેવના સમયનો એક ખંડિત લેખ છે.”
“તેરમી સદીમાં બનેલા ‘પ્રભાવકચરિત્ર’ નામના ગ્રંથમાં આશાપલ્લીના સ્થાને કર્ણાવતી નામ લખેલું છે. આ બંને ગ્રંથો પ્રબંધચિંતામણિ કરતાં જૂના છે. ‘પ્રભાવક ચરિત્ર’માં પૃષ્ઠ ૨૮૩ પર કર્ણાવતીનો ઉલ્લેખ આ પ્રમાણે છે: अथ कर्णावती संघोऽन्येद्युसत्कण्ठितः प्रभोः अव्हाययन्महाभक्त्या चातुर्मासिकहेतवे। આ ઉલ્લેખ પરથી આશાપલ્લી એ જ કર્ણાવતી એ સ્પષ્ટ થાય છે. મહેમૂદ બેગડાએ રાજ્યધાની ચાંપાનેર વિકસાવી. તે અમદાવાદ માત્ર હવાફેર માટે જ આવતો હતો.” તેથી કર્ણદેવે કર્ણાવતી વસાવી અને તે પછી ધ્યાન ન આપ્યું તેમ ખોટું છે અને અહમદશાહ અને તે પછીના બાદશાહોએ અહમદ-આબાદ વસાવી તે પછી બહુ સારું ધ્યાન આપ્યું તેમ કહેવું પણ એટલું જ ખોટું છે.
શું અમદાવાદ બન્યા પછી જ અમદાવાદ સમૃદ્ધ થયું? ના. અલઇદ્રીસી ઇલિયટ હિસ્ટરી ઑફ ઇન્ડિયા, ભાગ-૧, પૃષ્ઠ ૮૭ પર લખ્યું છે- “….A town populous commercial rich, industrious and productive of useful articles.” આ સંદર્ભ સાથે રત્નમણિરાવે લખ્યું છે કે “અગિયારમી સદીના અંતમાં અલઇદ્રીસી ધોળકા સાથે સરખાવતાં આશાવલ સારી વસ્તિવાળું, ઉદ્યોગી અને સારી પેદાશવાળું હતું એમ લખે છે.” ઈ. સ. દસમી સદીથી અમદાવાદ વસતા સુધી ગુજરાતનાં સ્થળોમાં પાટણ અને ખંભાતથી બીજી પંક્તિમાં આશાવલનું નામ જ જણાય છે. ઉદ્યોગી અને ધનવાન વેપારીઓની વસ્તી મોટી હોવાના લીધે અને ખંભાત બંદરથી અને ભરૂચથી આશાવલ હંમેશાં ગુજરાતમાં જાણીતું શહેર ગણાયું છે. હેમચંદ્રસૂરિ, ઉદયનમંત્રી વગેરે નામાંકિત વ્યક્તિઓએ ત્યાં નિવાસ કરેલો છે. તેથી અન્ય હિન્દુ કોમો અને વિશેષ કરીને જૈન કોમે મંદિરાદિથી એ શહેરને શણગાર્યું હતું. સિંધથી મુંબાઈ (ચેવલ બંદર) સુધીના કિનારાના બંદરોનાં નામ બાદ કરીએ તો પરદેશી મુસાફરોએ અમદાવાદ વસ્યા પહેલાં ગુજરાતની અંદરનાં શહેરોમાં જે ત્રણચાર ગણાવ્યાં છે તેમાં આશાવલ ખાસ આવે છે. વસ્તુપાળ, તેજપાળે પણ પાટણ અને ખંભાત એ મુખ્ય નગરો સાથે આશાવલનું નામ મંદિરો બાંધવાના વ્યવસાયમાં ગણાવ્યું છે.
➡ મુસ્લિમ બાદશાહોના સમયમાં કર્ણાવતી (અમદાવાદ)માં મંદિરો તોડી પડાયાં નથી તેમ કેટલાક બાદશાહ પ્રેમીઓ કહે છે. ડૉ. બર્જેસે આર્કિઑલૉજિકલ સર્વે ઑફ વેસ્ટર્ન ઇન્ડિયાના અમદાવાદના વૉલ્યૂમ બીજામાં આપેલી છે. તેમાં શિવની, પાર્વતીની, વિષ્ણુની, મહિષાસુરમર્દિનીની ગણેશની એવી હિંદુમૂર્તિઓ પણ જડેલી (મળી આવી) છે. ડૉ. બર્જેસ આ મૂર્તિઓ અને જૂની મસ્જિદો (ભદ્રની હૈબતખાની વિગેરે) જૂના આશાવલનાં મંદિરોના અવશેષોની જ હોય તેમ માને છે.
ડિસ્ટ્રિક્ટ કૉર્ટનું મકાન વધારતાં કોટ તોડેલો તે વખતે ઘણી મૂર્તિઓ નીકળી હતી. એ બધા પથ્થરો કૉન્ટ્રાક્ટરોને વેચી દેવામાં આવ્યા હતા (એટલે કે એ પુરાવાઓ નષ્ટ કરી દેવાયા હતા). આમાંની કેટલીક મૂર્તિઓનો ફૉટોગ્રાફ લેવાનો યત્ન મેં (એટલે કે રત્નમણિરાવે) કરેલો છે તેમ રત્નમણિરાવ પુસ્તકમાં ફૂટનૉટ રૂપે (પૃષ્ઠ ૪૬ પર) લખે છે.
➡ અહમદ-આબાદની સ્થાપના ક્યારે થયેલી તે અંગે પણ કોઈ ચોક્કસ વર્ષ મળતું નથી. ફિરિશ્તા (ભાગ-ચાર)માં અહમદશાહ ઈ. સ. ૧૪૧૦માં ગાદીએ આવ્યો તેમ લખાયેલું છે. તેનો અર્થ અમદાવાદ તે પછી વસ્યું. અમદાવાદની વંશાવળીમાં સંવત ૧૪૫૮નું વર્ષ લખ્યું છે. બર્ડની અહમદીના તરજુમામાં હી.સં. ૮૩૧ લખી છે. જેમ્સ ફૉર્બ્સ ઈ. સ. ૧૪૨૬ લખે છે. કોઈ ૧૪૫૨ની સંવત પણ લખે છે. શહેર વસ્યા પછી ત્રણ વર્ષે જુમામસ્જ્દિ બંધાઈ તે ૮૨૭માં બંધાઈ એ ઉપરથી (અમદાવાદ વસ્યાની) ૮૨૪ની હી. સં. ધારીએ તો પણ સંવત સાથે મેળ નથી આવતો. મીરાતે સિકંદરી અને અહમદીમાં અમદાવાદ વસ્યાની સાલ ૧૪૧૧ આવે છે પરંતુ સંવત અને શક ઈ. સ. સાથે મેળ બેસતો નથી. તારીખે ફિરિશ્તામાં હી. સ. ૮૧૫ એટલે ઈ. સ. ૧૪૧૩, અને આઈને અકબરીના બ્લૉકમેનના તરજુમામાં સંવત ૮૧૩ આપેલી છે. અમદાવાદ ગેઝેટિયર તા. ૪થી માર્ચ ૧૪૧૧ અને ગુજરાત ગેઝેટિયર ઈ. સ. ૧૪૧૩-૧૪ લખે છે.
➡ “જબ કુત્તા પર સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા એ દંતકથા પણ અર્થ વગરની છે. કેટલાંક મોટાં શહેરોને માટે એવી વાત કરવામાં આવે છે.” એક બીજી દંતકથા એ છે કે અહમદશાહ આશા ભીલની પુત્રી શિપ્રા અથવા અસનીના પ્રેમમાં હતો અને તે માટે કર્ણાવતીને પોતાની રાજધાની બનાવી. પરંતુ આ દંતકથા પણ ખોટી છે. રત્નમણિરાવ લખે છે, “સસલાએ શિકારી કૂતરા પર હુમલો કર્યો અગર અહમદશાહ ભીલકુમારીના મોહમાં હતો એ એકે વાત કોઈ તવારીખકારે નોંધી નથી.” અર્થાત્ આ બંનેના ઐતિહાસિક પુરાવા નથી.
➡”માણેકનાથ બાવાની દંતકથા પણ કોઈ મુસલમાન તવારીખમાં નથી. માણેકનાથ જાદુ કરનાર બાવો હોય એમ માનવા કરતાં કોઈ તપસ્વી કે સંત હોય એમ માનવું વધારે સારું છે. વળી, માણેક નામ ત્રણ જુદાં-જુદાં સ્થળોમાં આજે પણ દેખાય છે.”
➡”અમદાવાદના દરવાજા પણ હાલ અસલના જેટલા નથી. દિલ્હી દરવાજાની આસપાસ બે બારીઓ તોડી પાડી ત્રણ દ્વાર કરવામાં આવ્યાં છે તે પણ પાછળથી. પાંચકુઆ દરવાજો પણ અવરજવરની સગવડ માટે ત્રણ દ્વારવાળો કરવામાં આવ્યો છે. બધા દરવાજા દેખાવમાં લગભગ સરખા જ છે.” આમ, હેરિટેજવાળી વાત પણ ખોટી છે કારણકે અહમદશાહ વખતનું યથાતથ કેટલું સચવાયું છે?
➡રહી વાત અહમદાબાદ નામની વાત. રત્નમણિરાવ સંદર્ભ સાથે લખે છે, “અહમ્મદવાદ, અહિમ્મદાવાદ, અહમદાવાદ, અહમદપુર, અકમિપુર અને અહમદનગર વગેરે નામો પણ પ્રાચીન જૈન અને ગુજરાતી ગ્રંથો અને લેખોમાં આવે છે. પરદેશી મુસાફરો પણ કોઈ ખરું નામ અહમદાબાદ લખતા નથી. યુરોપીય મુસાફરોમાં બારબોસા અમદાવાત (Amdavat) લખે છે. સર ટૉમસ રૉ અમદાવાઝ (Amdavaz) લખે છે. વિલિયમ હૉકિન્સ વગેરે કેટલાક અમદાવાર (Amdawar) અને વિલિયમ ફીન્ચ અમદાવાર (Amdaver) લખે છે. ભાટનાં ગીતોમાં ‘અમદા’ એટલું જ નામ દેખાય છે.” રાજનગરનો ઉલ્લેખ આવે છે તે રાજ્યધાનીના સંદર્ભમાં આવતો હોય તેમ કેટલાકનું માનવું છે. તેથી રાજનગર એ અમદાવાદનું નામ હતું તેમ કહેવું ખોટું છે. શ્રીનગર પણ આ શહેર સમૃદ્ધ હતું તેથી તેનું ઉપનામ હતું, મુખ્ય નામ નહીં. વચ્ચે કેટલાક સમયમાં અમદાવાદને ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું, તેથી કંઈ આ શહેરનું નામ ‘ગુજરાતનું માન્ચેસ્ટર’ કહી શકાય?
➡ બાદશાહોના સમયમાં બિનમુસ્લિમો પર જજિયાવેરો નખાયો હતો. ઉપરાંત “મુસલમાન લશ્કરીઓ હિન્દુઓની દુકાન લૂટી લેતા હતા.” સુબા તરીકે હિન્દુ મહારાજા અજિતસિંહ હતા ત્યારે “એક સિપાઈએ સુન્ની વહોરાઓને અટકાવી કુર્બાની માટેની ગાય લઈ લીધી. આ કામ એ સિપાઈએ હિંદુ સુબાને ખુશ કરવા કર્યું હતું એમ તવારીખકાર લખે છે, પરંતુ મુસલમાનોની લાગણી ઉશ્કેરાઈ અને તેમણે કાજીને ફરિયાદ કરી. કાજીનું સુબા પાસે કંઈ વળ્યું નહીં. તેથી લોકોને શાંત પાડવા માટે ઈદ પછી એણે જાહેરમાં ગાય મારવા દીધી હતી.” આમ મુસલમાન બાદશાહના સમયમાં સુબા તરીકે હિંદુ હોય તો પણ હિંદુઓની લાગણી સાથે આ રીતે ચેડા થતા હતા અને તેમને સહન કરવાનું આવતું હતું.
➡અમદાવાદની સમૃદ્ધિનો જ શ્રેય બાદશાહોને આપવાનો હોય તો તેમાં અહમદશાહ કરતાં મહેમૂદ બેગડાને વધુ આપવો પડે. રત્નમણિરાવ લખે છે, “કુતુબુદ્દીન પછી એનો ભાઈ મહેમૂદ બેગડો ગાદીએ આવ્યો. હવે અમદાવાદની ખરી ચઢતી હતી. એના સમયમાં અમદાવાદની જે શોભા વધી તેવી બીજા કોઈ બાદશાહના સમયમાં વધી નથી.” તો પછી અમદાવાદનું નામ અહમદ-આબાદ તેવી પ્રાર્થના, તેનું નામ લેતી વખતે સતત થતી રહે તેવો વિચાર ક્યાંથી અને કોને આવ્યો?

ahmedabad, national

“શેરીને બદલી શકો તો તમે વિશ્વને બદલી શકો”

અમદાવાદનું કર્ણાવતી થવું જોઈએ કે નહીં? આ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે અને અમદાવાદતરફી લોકોનો હાથ પહેલા રાઉન્ડમાં ઉપર જણાઈ રહ્યો છે. આ મુદ્દો હિન્દુ-મુસ્લિમ કે હિન્દુ-આદિવાસીનો નથી, પરંતુ સોલંકી કાળ જે ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે તેની સ્મૃતિ પુનર્જીવિત અને પુનઃસ્થાપિત કરવાનો છે. અહમદશાહ અત્યાચારી હતો તેમાં કોઈ શંકા નથી. બાકી, મરાઠાઓએ પણ આક્રમણ કર્યું હતું વગેરે મુદ્દા ગૌણ બની જાય છે અને કર્ણાવતી ન થાય તે માટે ભટકાવવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી.

વિખ્યાત લેખક ચંદ્રકાંત બક્ષી ઇતિહાસના જાણકાર હતા અને તેમના લેખો માહિતીસભર રહેતા હતા. તેમણે એક લેખમાં લખેલું તે અક્ષરશ: આ મુજબ છે:

“ચીને એના નેતાઓનાં નામો, શહેરોનાં નામો, નદીઓનાં નામો, પૂરી લિપિ બદલી નાખ્યાં છે, અને આપણે હજી અલાહાબાદને પ્રયાગરાજ કે અમદાવાદને કર્ણાવતી કરતાં ફફડીએ છીએ. જ્યાં સુધી જાતિગર્વ નથી આવતો, જ્યાં સુધી જાતિ માટે ફના થવાની કુરબાની ભાવના નથી આવતી ત્યાં સુધી શક્તિમાન દુનિયા જ નહીં, પણ ફાલતુ મેધા પાટકરો પણ લાતો મારતી રહે છે. ગુજરાતની અસ્મિતા આપણે કનૈયાલાલ મુનશીની મુઠ્ઠીમાંથી લઈને મુંબઈના હોલસેલ વેપારીઓની બંડીના અંદરના ખિસ્સાઓમાં સરકાવી દીધી છે.”

ચીન તિબેટને, આપણા અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવી અલગ નામથી ઓળખે છે. તો પછી તેણે પોતાનાં સ્થળોનાં નામો તો ઉપર ચંદ્રકાંત બક્ષીજીએ ઘણાં વર્ષો પહેલાં લખ્યું તે મુજબ, બદલી જ નાખ્યાં છે. એટલું જ નહીં, ચીને ગૂગલ, પશ્ચિમી જગત દ્વારા નિયંત્રિત સૉશિયલ મિડિયા અને ઇ-મેઇલ પર પ્રતિબંધ મૂક્યાં છે અને પોતાના સર્ચ એન્જિન, સૉશિયલ મિડિયા અને ઇ-મેઇલ વિકસાવ્યાં છે. ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ, જાપાન સહિતના અનેક પોતાની જ ભાષામાં વહીવટથી લઈને શિક્ષણ આપે છે. આ બધાં માટે હજુ આપણે માનસિક રીતે તૈયાર નથી.

વર્તમાન સરકારોના વહીવટ અને બોલચાલમાં અંગ્રેજી શબ્દોનો પ્રવેશ વધુ ને વધુ વધી રહ્યો છે. કદાચ વર્તમાન સમયમાં ગાંધીનગરના માર્ગોનાં નામો રાખવાનાં થયા હોત તો ગુજરાતી કક્કા પરથી પડ્યાં હોત? પાડ્યાં હોત તો પણ બુદ્ધુજીવીઓએ કકળાટ મચાવી દીધો હોત. અંગ્રેજી જાણકારીની ભાષા છે. પરંતુ હજુ પણ અનેક લોકોને અંગ્રેજીમાં સમજ નથી પડતી. બૅન્કનાં કે બીજાં કોઈ ફૉર્મ ભરવાનાં હોય તો બીજાની મદદ લેવી પડે છે. સામે પક્ષે એક વાત એ પણ છે કે અંગ્રેજીના અનુવાદમાં કાં તો બેઠ્ઠેબેઠ્ઠા અંગ્રેજી શબ્દો મૂકી દેવાય છે અથવા એટલા જટિલ અનુવાદ કરાય છે કે સમજ ન પડે. યહૂદીઓએ પોતાનો પ્રદેશ પાછો મેળવ્યો તે પછી હિબ્રૂ ભાષાને પુનજીર્વિત કરી. આપણે સંસ્કૃત સાવ ભૂલી જ ગયા છીએ. જોકે તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો કેટલાંક ઠેકાણેથી ચાલુ છે જ પરંતુ જ્યાં સુધી લોકોમાં સ્વાભિમાન નહીં આવે ત્યાં સુધી સંસ્કૃત હોય કે સ્થળોનાં નામો, તેના વિશે ચર્ચાઓ ચાલવાની જ છે.

બૉમ્બેનું મુંબઈ થઈ ગયું તો પણ ગુજરાતના લોકો ગર્વથી બૉમ્બે જ બોલે છે. વડોદરાના બદલે બરોડા બોલવામાં એક પ્રકારનો ગર્વ અનુભવાય છે! પરંતુ મરાઠીઓનો ભાષા અને સંસ્કૃતિ પ્રેમ જોવા જેવો છે. તેઓ ક્યારેય બૉમ્બે નથી બોલતા. તેમનાં છાપાંઓ અને સમાચાર વેબસાઇટોમાં અંગ્રેજી શબ્દો બહુ ઓછા હોય છે. તેમનાં દુકાનોનાં પાટિયાં પણ મરાઠીમાં જોવા મળી શકે છે. આપણે ત્યાં હવે નવાં ઉદ્યોગો, દુકાનો હોય કે ઘર હોય, તેમનાં નામો પણ વિદેશનાં દેવીદેવતા કે સ્થળોનાં નામ પરથી રાખવામાં આવે છે. વચ્ચે અમદાવાદમાં એક જળની અંદર હૉટલ ખૂલી હતી. તેનું નામ પૉસેઇડન રાખવામાં આવ્યું હતું. પૉસેઇડન ગ્રીક દેવતા છે જે ભગવાન વિષ્ણુ જેવા જ છે. આપણે ત્યાં માત્ર વિષ્ણના જ હજારથી વધુ નામો છે! પરંતુ તેમાંથી કોઈ નામ પસંદ નથી પડતું અને ગ્રીક દેવતાનું નામ પસંદ કરાય છે. કેટલીક બિલ્ડિંગ સ્કીમનાં નામ તો વળી, ન્યૂ યૉર્ક કે વૉશિંગ્ટન જેવાં નામો પરથી હોય છે.

યાદ રાખવા-રખાવવાની વાત એ છે કે આ દેશમાં એક સમયે હિન્દુ શાસકો પણ હતા. તેમના કાળમાં દેશ સોને કી ચિડિયા કહેવાતો હતો. શું તેમના દરેક અંશ મિટાવી દેવા છે? માત્ર અંગ્રેજો, મોગલો, તુર્કો, ખિલજીઓ, તુઘલખો વગેરેએ જ આ દેશને સમૃદ્ધ બનાવી દીધો તેવું પ્રસ્થાપિત કરાયું છે તેને જાળવી રાખવું છે? હિન્દુઓ પ્રત્યે આટલી નફરત કેમ? હિન્દુ વારસા પ્રત્યે આટલી સૂગ અથવા આટલું અજ્ઞાન કેમ?

ભાવનગરમાં આજે પણ વાઘાવાડી રૉડ પર જે બાગ છે તે વિક્ટૉરિયા પાર્ક તરીકે ઓળખાય છે. બ્રિટનમાં રહેલા ગુજરાતી મહાનુભાવો સગર્વ બ્રિટનની ઉપાધિ લૉર્ડથી ઓળખાવાનું પસંદ કરે છે. આજે પણ આપણા દેશની માનસિક ગુલામ પ્રજાતિ કૉટ-પેન્ટ અને ટાઇ જોઈને કે સ્કર્ટ-મીડી જોઈને અંજાઈ જાય છે. તેમાંય ગોરી ચામડી જોઈને તો વિશેષ પ્રભાવિત થઈ જાય છે. જોકે આ ગોરી ચામડીમાં પણ કેટલાક ભેદ કરી શકે છે. ઈઝરાયેલના વડા પ્રધાન આવે ત્યારે હિન્દી ફિલ્મ જગતના ખાન અભિનેતાઓ આવવાનું ટાળે છે કારણકે ઈઝરાયેલ તેની આસપાસના મુસ્લિમ પડોશી દેશોને જડબાતોડ જવાબ આપવાનું જાણે છે. આ જ ખાનો કેનેડાના પ્રમુખ આવે ત્યારે ફોટા પડાવવા પડાપડી કરે છે.

એટલે જ ગોરી ચામડીવાળા દેશની વાત કરીએ તો વધુ સમજાશે. જેણે ભારત માનીને અમેરિકા શોધ્યું તે કૉલંબસના દેશ સ્પેનમાં બે વર્ષ પહેલાં સરકારે નિર્ણય કર્યો કે તે ૨૦૦૭નો કાયદો અમલમાં મૂકશે. આ કાયદા મુજબ, દેશમાં જે સરમુખત્યાર પ્રકારના-ફાસીવાદી પ્રકારના નેતાઓ થઈ ગયા તેમનાં નામો પરથી શેરીઓનાં નામો હશે તો તે બદલી નાખવામાં આવશે. જો ભારતમાં આવો નિર્ણય લેવાય તો અસંખ્ય નામો બદલવા પડે! કારણકે ઈન્દિરા ગાંધીના નામ પરથી કેટલા વિસ્તારો-રહેણાંકો-વિસ્તારો-રૉડ વગેરેનાં નામો હશે? સ્પેનના ન્યૂ યૉર્ક શહેરના પૂર્વ પરિવહન કમિશનર જેનેટ સાદિક ખાનનું કહેવું છે, “જો તમે શેરીને બદલી શકો તો તમે વિશ્વને બદલી શકો.” સ્પેને બહુ સ્તુત્ય નિર્ણય કર્યો કે આ નામો બદલીને એ મહિલાઓનાં નામો પરથી કરવામાં આવ્યાં જેમને ફાસીવાદી નેતાઓના શાસનમાં પ્રતાડિત કરાઈ હતી.

અહમદશાહના પ્રેમીઓને કદાચ જૉર્ડનનું ઉદાહરણ ગમે. જૉર્ડન સપ્ટેમ્બર ૧૯૨૨માં ટ્રાન્સજૉર્ડન તરીકે ઓળખાતું હતું. ૧૯૪૬માં સ્વતંત્રતા મળ્યા પછી તેણે પોતાના દેશનું નામ તરત જ ‘હશેમિત કિંગ્ડમ ઑફ ટ્રાન્સજૉર્ડન’ કરી નાખ્યું. ૧૯૪૯માં તેણે પોતાના દેશનું નામ વળી બદલ્યું અને ‘હશેમિત કિંગ્ડમ ઑફ જૉર્ડન’ કરી નાખ્યું. કારણ? જૉર્ડન પહેલાં હશેમિત વંશના શાસનના લીધે હશેમિત રાજ્ય તરીકે ઓળખાતું હતું. આપણે ત્યાં સ્વતંત્રતા પછી ઊંધું થયું. બંધારણ ઘડાયું તેમાં વિદેશી નામ અપનાવી લખાયું: ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. અંગ્રેજો તેમની ચાલમાં સફળ થઈ ગયા હતા…

શ્રીલંકા જેવા નાના દેશે બ્રિટિશરોએ પાડેલા સિલૉન નામથી છૂટકારો મેળવી ૧૯૭૨ના વર્ષમાં પોતાના દેશનું નામ શ્રીલંકા કરી નાખ્યું. જેમ અત્યારે અમદાવાદ માટે સેક્યુલરો-લિબરલો રાજનગર, શ્રીનગર, આશાવલ, આશાપલ્લી જેવાં નામો શોધી પ્રશ્ન ગૂંચવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જોતાં આવી પ્રજાતિ શ્રીલંકામાં હોત તો તેનું નામ પણ શ્રીલંકા ન થવા દીધું હોત કારણકે શ્રીલંકાનાં પણ અનેક નામો ઇતિહાસમાં મળી આવે છે. ‘મહાવંશ’ મુજબ, તેનું નામ ‘તાંબાપાન્ની’ (તાંબાયુક્ત હાથ) હતું. ગ્રીક ભૂગોળવેત્તાઓએ તેના પરથી તેનું નામ તપ્રોબન રાખ્યું હતું. પર્શિયનો અને આરબો તેને સરનદીબ તરીકે ઓળખતા હતા. પૉર્ટુગીઝ શાસકોએ તેનું નામ સૈલાઓ રાખ્યું હતું અને પછી બ્રિટિશરોએ તેનું નામ સિલૉન કર્યું. પરંતુ શ્રીલંકાના શાસકોએ શ્રી એટલે માનવાચક અને લંકા રામાયણ કાળથી ચાલ્યું આવતું નામ છે, તે પરથી શ્રીલંકા રાખ્યું.

ભારત જેવા દેશના શાસકો અને પ્રજા માટે શરમની વાત એ છે આવો ખોબા જેવડો દેશ પોતાના સ્વાભિમાન માટે કટિબદ્ધ છે. વર્ષ ૨૦૧૧માં તેણે નિર્ણય કરેલો કે દેશની તમામ સંસ્થાઓમાં જ્યાં પણ સિલૉન નામ હશે તેને દૂર કરાશે. આપણે ત્યાં બજેટનો સમય બદલતાં જ સ્વતંત્રતા પછી બાવન વર્ષ નીકળી ગયાં! અને ફેબ્રુઆરીના અંતિમ દિવસે જ બજેટ રજૂ થાય એ પ્રથાને તો સિત્તેર વર્ષ થયાં! જો એ જ પ્રથા ચાલુ રાખવાની હતી, એ જ કાયદાઓ, એ જ નામો રાખવાનાં હતાં, તો પછી સ્વતંત્રતા કઈ રીતે મળી તેમ કહી શકાય?

અને જો આ બધી દલીલ ગળે ઉતરે તેમ ન હોય તો એક કડવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે. દરેક શાસક પોતાના પુરોગામીઓના શાસનની ઓળખ મિટાવવા પ્રયાસ કરતા જ હોય છે, સિવાય કે પુરોગામી જો ખૂબ લોકપ્રિય કે બળુકા હોય. પાકિસ્તાને તેના અખંડ ભારતના હિસ્સા તરીકેની ઓળખ મિટાવવાના ભાગરૂપે તેનાં અનેક શહેરોનાં નામો બદલી નાખ્યાં છે! ભારતમાં કૉંગ્રેસે ભલે જૈનોને લઘુમતી જાહેર કરી હિન્દુઓથી અલગ પાડવા પ્રયાસ કર્યો હોય (લિંગાયતને પણ કર્યા, પરંતુ ૨૦૧૭માં બનાસકાંઠાના પૂર વખતે જેમના રિસૉર્ટમાં ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો જલસો કરવા ગયા હતા તે કૉંગ્રેસના નેતા અને પ્રધાન ડી. કે. શિવકુમારે થોડા દિવસો પહેલાં જાહેરમાં સ્વીકાર્યું કે લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપવો તે કૉંગ્રેસની બહુ મોટી ભૂલ હતી. જોકે એ અલગ વાત છે કે તેમના આ નિવેદનને મિડિયામાં જોઈએ તેવું સ્થાન મળ્યું નહીં.), પરંતુ પાકિસ્તાનમાં આવું નથી.

૧૯૯૨માં વિવાદિત ઢાંચાના ધ્વંસ પછી પાકિસ્તાનમાં તેની આકરી પ્રતિક્રિયા થઈ હતી અને જૈન દહેરાસરને ત્યાંના લોકોએ પાડી નાખ્યું! અને તે પછી વિસ્તારનું જૈન મંદિર ચોક નામ બદલી બાબરી નામ આપી દેવાયું કારણકે પાકિસ્તાનના મુસ્લિમો માટે જૈન હિન્દુથી અલગ નથી! પાકિસ્તાને તેની ભાષા પણ અરબી છાંટવાળી કરી નાખી જેથી તે હિન્દીથી વધુ અલગ પડે. બૈસાખી, લોહરી અને બસંત જેવા તહેવારોની ઉજવણી બંધ કરી દેવાઈ.

આપણે પાકિસ્તાનનું અનુસરણ કરવાની વાત નથી, પરંતુ શ્રીલંકાની જેમ જે સારું પ્રાચીન તત્ત્વ હતું તેને પુનઃસ્વીકારી તેમાંથી પ્રેરણા લેવાની વાત છે. અને માટે જ અમદાવાદનું કર્ણાવતી થવું જ જોઈએ.

abhiyaan, economy

પેટ્રોલડીઝલના ભાવવધારામાં રહેલું ટેક્સ ફેક્ટર

(અભિયાન સામયિક, તા.૧૩/૧૦/૧૮ના અંકની કવરસ્ટોરી)

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે એટલે વિપક્ષ, ચાહે તે કોઈ પણ હોય, ગેલમાં આવી જાય છે અને કેન્દ્ર સામે બાંયો ચડાવી જનતાને ઉશ્કેરે છે કે મારી વધી રહી છે છતાં પણ કેન્દ્ર સરકાર કંઈ કરતી નથી. પરંતુ સમજવાની બાબત એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા પાછળના આંતરરાષ્ટ્રીય કારણો અને દેશની અંદરનાં કારણો સમજવા માટે કોઈ તૈયાર નથી. શું પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ આપણે અલગ-અલગ રાજ્યમાં ચૂકવીએ છીએ તે કેન્દ્ર સરકારને આભારી છે? જો ખરેખર તે કેન્દ્ર સરકારને આભારી હોય તો દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સમાન હોવા જોઈએ પરંતુ તેવું નથી થતું.

આજે એટલે કે ૩૦ સપ્ટેમ્બરે ગુજરાતમાં પેટ્રોલના ભાવ ૮૨.૫૯ રૂપિયા છે જ્યારે નવી દિલ્લી જ્યાં આમ આદમી પાર્ટીનું શાસન છે ત્યાં પેટ્રોલના ભાવ ૮૩.૪૯ રૂપિયા છે. પંજાબ જ્યાં કોંગ્રેસનું શાસન છે ત્યાં પેટ્રોલનો આજનો ભાવ ૮૮.૮૬ રૂપિયા છે. કર્ણાટકમાં જ્યાં કોંગ્રેસ અને જેડીએસનું સંયુક્ત શાસન છે ત્યાં પેટ્રોલનો ભાવ ૮૪.૧૫ રૂપિયા છે. મા, માટી અને માનુષના સૂત્ર સાથે પશ્ચિમ બંગાળમાં સરકારમાં આવેલા ગરીબોનાં બેલી મમતા બેનર્જીના શાસનમાં પેટ્રોલનો આજનો ભાવ ૮૫.૩૦ રૂપિયા છે. આ રીતે જોવા જઇએ તો ગુજરાત કરતાં નવી દિલ્લી, પંજાબ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ આ દરેક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ છે. આવું કેમ?

થોડા વખત પહેલાં કૉંગ્રેસે ઇંધણના ભાવવધારાના વિરોધમાં ભારત બંધનું એલાન આપેલું. એ બંધ જોકે સફળ ન રહ્યો પરંતુ તેનાથી કૉંગ્રેસની એક પોલ ખુલ્લી પડી ગઈ. તે એ કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભાજપ શાસિત રાજ્યોની સરખામણીએ કોઈ ખાસ રાહત નથી ઊલટું ઘણાં રાજ્યોમાં તો ભાવ વધુ જ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં વિપક્ષોની સરકારો પણ કેન્દ્ર સરકાર જેટલી જ જવાબદાર છે કદાચ તે કરતાં વધારે જવાબદાર ગણી શકાય. કોંગ્રેસશાસિત ચાર રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અન્ય રાજ્યોમાં છે તે કરતાં પણ વધારે છે. જોકે કૉંગ્રેસ આ મુદ્દે પણ જુઠાણું ચલાવે છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે જો રાજ્ય સરકાર વેરા ઘટાડે તો પણ તેની ભાવ પર આંશિક અસર પડશે કારણકે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ વધુ રાખ્યા છે. જે કોંગ્રેસ સત્તામાં રહી ચૂકી હોય અને કોંગ્રેસના જે પ્રવક્તા તેઓ સરકારમાં પ્રધાન રહી ચૂક્યા હોય તે આવું કહે તે નવાઈ લાગે કારણ કે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય ભાવના આધારે જ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ નક્કી કરતી હોય છે અને કેન્દ્ર સરકાર નહીં, પરંતુ ઓઈલ કંપનીઓ જ ભાવ નક્કી કરતી હોય છે. પેટ્રોલના ભાવ ડીકંટ્રોલ કૉંગ્રેસના શાસનમાં થયેલા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ નું ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે. પેટ્રોલ અને ડીઝલ પર આપણે એક્સાઈઝ ડ્યુટી, વેટ અને ડીલરોનું કમિશન ચૂકવીએ છીએ. એ બાબત સાચી કે કેન્દ્ર સરકારે જ્યારે પેટ્રોલ અને ડીઝલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટે ત્યારે એક્સાઇઝ ડ્યુટી વધારી પોતાની આવક વધારી દીધી હતી અને તે પછી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો નથી. આપણે રૂ. ૧૯ જેટલી એક્સાઈઝ ડ્યુટી પેટ્રોલ ઉપર ચૂકવીએ છીએ. તો ડીલરોને પણ સ્ટાફના પગાર વધતા હોવાથી ગયા વર્ષે ઓગસ્ટમાં કમિશનમાં ૫૫ ટકા સુધીનો વધારો ઓઇલ કંપનીઓએ કરી આપ્યો હતો. પેટ્રોલ ઉપર પ્રતિ લિટર આપણે રૂ. ત્રણથી લઈ રૂ. ૩.૬૫ સુધીનું કમિશન ડીલરોને ચૂકવીએ છીએ. હવે વેટ (વેલ્યૂ એડેડ ટેક્સ)ની વાત.

પેટ્રોલ ઉપર સૌથી વધુ વેટ ભાજપ અને શિવસેના શાસિત મહારાષ્ટ્રમાં છે. મુંબઈ થાણે અને નવી મુંબઈમાં ૩૯.૧૨ ટકા વેટ છે. જયારે બાકીના માસમાં ૩૮.૧૧ ટકા વેટ છે. તે પછી સૌથી વધુ વેટ મધ્યપ્રદેશમાં ૩૫.૭૮ ટકા છે. મધ્ય પ્રદેશ પણ ભાજપ શાસિત રાજ્ય છે. ત્યારબાદ સૌથી વધુ વેટ આંધ્રપ્રદેશમાં ૩૫.૭૭ ટકા છે. આંધ્રપ્રદેશમાં ટીડીપીની સરકાર છે જે અત્યારે વિપક્ષમાં છે. કેન્દ્રમાં ભાજપ સાથે વાંકુ પડ્યા પછી વિપક્ષમાં આવ્યા બાદ ચંદ્રાબાબુ નાયડુએ પણ કૉંગ્રેસના ભારતબંધના એલાનને ટેકો આપ્યો હતો અને પેટ્રોલડીઝલમાં ભાવવધારાનો વિરોધ કર્યો હતો. કૉંગ્રેસ શાસિત પંજાબમાં પેટ્રોલ પર ૩૫.૧૨ ટકા જેટલો ઊંચો વેટ લાગે છે. ત્યારબાદ તેલંગાણામાં જ્યાં ટીઆરએસ એટલે વિપક્ષની સરકાર છે ત્યાં ૩૩.૩૧ ટકા વેટ પેટ્રોલ પર લાગે છે. તમિલનાડુમાં ૩૨.૧૬ ટકા જ્યારે રાજસ્થાનમાં ૩૦.૮૦ ટકા વેટ છે. ગરીબોના બેલી ગણાતા સીપીએમ અને સીપીઆઈની સંયુક્ત એવી કેરળ સરકારમાં પણ પેટ્રોલ પર વેટ વસુલવાનો મોહ છૂટતો નથી અને ત્યાં ૩૦.૩૭ ટકા જેટલો ઊંચો વેટ લાગે છે. કર્ણાટક કોંગ્રેસ અને જેડીએસનું સંયુક્ત શાસન છે ત્યાં પણ પેટ્રોલ પર ૩૦.૨૮ ટકા જેટલો વેટ લાગે છે. આ બધાની સરખામણીએ ગુજરાતમાં તો ઘણો ઓછો વેટ લાગુ પડે છે. ગુજરાતમાં ૨૫.૪૫ ટકા જ વેટ છે. ગોવા જ્યાં ભાજપનું શાસન છે ત્યાં ૧૬.૬૬ ટકા વેટ જ લાગુ પડે છે. પેટ્રોલ પર સૌથી ઓછો વેટ જોકે કેન્દ્ર શાસિત આંદામાન અને નિકોબાર ટાપુમાં છ ટકા જેટલો છે. આમ, પેટ્રોલિયમ પ્રૉડક્ટ પર ઊંચો વેટ નાખીને આવક વસૂલવાની લાલચ વિપક્ષી રાજ્યો પણ રોકી શકતા નથી. તેઓ ધારે તો ગરીબ અને મધ્યમવર્ગને વેટ ઘટાડીને રાહત આપી શકે તેમ છે પરંતુ તેઓ તેમ કરતા નથી કારણકે તેઓ તેમ કરે તો તેમના હાથમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાનું એક છૂટી જાય તેમ છે અને રાજ્યને આવક ગુમાવવી પડે તે તો લટકામાં.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પરના વેરા કેમ ઘટાડતી નથી? જો તેઓ વેરા ઘટાડે તો દેશની અને રાજ્યની તિજોરી પર કુહાડી મારવા જેવું થાય, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો, બંનેમાંથી કોઈ વેરા ઘટાડવાની સ્થિતિમાં નથી. આનું કારણ એ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રાજકીય પક્ષો વોટબેન્કને લલચાવવા માટે જાતજાતની રાહતદાયક અથવા તો મફત આપવાની યોજનાઓનાં વચનો આપે છે અને પછી જ્યારે સરકારમાં આવે ત્યારે તેને એ વચનો પાળવાં મજબૂરી બને છે. ચોખા-ઘઉં જેવી ચીજોનાં વચનો હોય તો ઠીક છે, પરંતુ રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા એ હદે વધી ગઈ છે કે લેપટોપ, મોબાઇલ ફૉન ટીવી જેવી, જરૂરિયાતની નહીં, પરંતુ મોજશોખની ચીજો મફતમાં આપવાનાં વચનો ચૂંટણી સમયે અપાય છે. આ બધી ચીજો મફતમાં આપવા માટેના પૈસા પણ અંતે તો દેશની અથવા તો રાજ્યોની તિજોરીમાંથી જ કાઢવાના ને.

વર્ષ ૨૦૧૪-૧૫માં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પ્રૉડક્ટમાંથી રૂપિયા ૧૦.૦૪ લાખ કરોડની આવક એકઠી કરી હતી. પરંતુ આ આવક વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓમાં તેને લગાવવી પડી હતી. રાજ્યોએ પણ આવું જ કર્યું છે. હવે જો પેટ્રોલિયમ ઉત્પાદનોના મેળામાં એક રૂપિયાનો ઘટાડો કરે તો તે સીધો રૂ. ૧૩,૦૦૦ કરોડ ની ખાધમાં પરિણમે. એમાઈ તે કેટલીક બાબતોમાં તો કેન્દ્ર સરકાર પહેલેથી ખોટ કરી રહી જ છે; જેમકે જીએસટી ઉઘરાણીમાં અંદાજે રૂપિયા ૧૦,૦૦૦ કરોડ પ્રતિ માસની ખાતધ તે વેઠી રહી છે. કેન્દ્ર સરકારનો જી. એસ. ટી વસૂલવાનો લક્ષ્યાંક પ્રતિ માસ રૂ. ૧.૦૪ લાખ કરોડનો છે. પરંતુ એપ્રિલમાં તેને રૂ.૧.૦૩ લાખ કરોડની આવક થઈ હતી. મે માસમાં તે ઘટીને ૯૪, ૦૧૬ થઇ હતી. જૂનમાં તે વધીને ૯૫,૬૧૦ થઈ હતી. જુલાઇમાં તે વધીને ૯૬,૪૮૩ થઈ હતી. પરંતુ ઑગસ્ટમાં તે ઘટીને ૯૩,૯૬૦ થઈ હતી. આમ ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે માત્ર રૂ. ૪.૮ લાખ કરોડની આવક મેળવી છે જે  તેના લક્ષ્યાંક રૂ. ૫.૨૦ લાખ કરોડ કરતાં રૂપિયા ૩૬,૪૭૩ કરોડ ઓછી છે.

કેન્દ્ર સરકાર ગરીબો અને મધ્યમવર્ગ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે; જેમકે નરેગા, ખાદ્ય સુરક્ષા યોજના, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના, ઉજાલા યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. એમાં તાજેતરમાં આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના ગણાય છે. આ બધા માટેનાં નાણાં ક્યાંથી આવે છે?

સ્વાભાવિક જ પેટ્રોલિયમ ઉત્પાદન સહિત જે કોઈ સીધા કે આડકતરા વેરાની આવક થાય તેમાંથી જ આ નાણાં આવવાનાં. વળી કેન્દ્ર સરકારના હાથ બીજી રીતે પણ બંધાયેલા છે. જીએસટીનો સફળ અમલ થવા પાછળ કેટલાંક કારણો છે. એક કારણ એ છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને વચન આપ્યું છે કે રાજ્યોને જીએસટીમાં ઓછી આવક થશે તો પાંચ વર્ષ સુધી તે ભરપાઈ કરશે. ગત એપ્રિલમાં કેન્દ્ર સરકારે એવો દાવો કર્યો હતો કે ભારતના તમામ ગામડાંઓમાં હવે વીજળી પહોંચી ગઈ છે. આ વીજળી હોય એ સિક્કિમમાં એરપોર્ટ બાંધવા જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો હોય, તેનાં નાણાં પણ વેરાની આવકમાંથી જ આવે છે.

તમને યાદ હોય તો નવેમ્બર ૨૦૧૪થી જુલાઈ ૨૦૧૭ દરમિયાન જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ હતા ત્યારે કેન્દ્ર સરકારે તેના કોઈ લાભ જનતાને આપવાના બદલે ઉલટું, પેટ્રોલ પરની એકસાઇઝમાં રૂ.૧૨.૨૮નો પ્રતિ લિટરે અને ડીઝલમાં રૂ. ૧૧.૮૭નો પ્રતિ લિટરે વધારો કર્યો હતો.

આમાંથી કેટલીક યોજનાઓ તો ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગ માટે જરૂરી છે જ પરંતુ ચૂંટણીમાં મત મેળવવાની હોડમાં  મફત ચીજો આપવાની યોજનાઓનાં વચનો અપાય છે તે જો બંધ થાય તો પેટ્રોલ અને ડીઝલ આપણને સસ્તાં મળી શકે. હવે જ્યારે આ બધી ચીજો કે સેવાઓ આપણને મફત અથવા તો ઓછા ભાવે મળે છે રોડ અને વીજળી સારી ગુણવત્તાની અને સમય મળે છે ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે સરકાર એનો ખર્ચો વેરામાંથી જ કાઢતી હોય છે. એના માટે આકાશમાંથી કે કોઈ ઝાડ ખંખેરવાથી પૈસા આવતા નથી. આ દેશમાં સરકાર આપણને બધું જ મફત જ આપે તેવી માનસિકતા આપણે ત્યાં વર્ષોથી સમાજવાદી અને સામ્યવાદી ના મિશ્રણ એવી આર્થિક નીતિના કારણે ઘર કરી ગઈ છે પરંતુ તેના કારણે ૧૯૯૧માં અને ૨૦૧૪માં દેશની તિજોરી તળિયાઝાટક થઇ ગઈ હતી તે આપણે ભૂલી જઈએ છીએ. પેટ્રોલ અને ડીઝલ ઉપરના વેરા ઘટવાની બીજી શક્યતા એ છે કે વેરાના અન્ય પ્રકાર છે તેમાં સરકારને વધુ આવક થાય. પરંતુ આપણે ત્યાં સરકાર પર સાવ અવિશ્વાસ થાય તેવી સ્થિતિનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે અને તેથી વેરા ભરીને આપણને શો ફાયદો તેવી એક મનસ્થિતિ થઈ ગઈ છે.

પેટ્રોલડીઝલના ભાવવધારાની આ પરિસ્થિતિનો એક ઉપાય પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં આવરી લેવાનો છે. જો આમ કરવામાં આવે તો તેની સીધી અસર એ થાય કે સમગ્ર દેશમાં આ બંને જણસો પર એકસરખો વેરો લેવામાં આવે અને ભાવમાં પણ સમાનતા આવે. જીએસટીના જે સ્લેબ છે તેમાં આ જણસોને ૨૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવે તો નજીવો ભાવઘટાડો થાય, પરંતુ જો ૧૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવે તો હાલ છે તેના કરતાં ચાલીસથી પચાસ ટકા જેટલું ટેક્સનું ભારણ ઘટી જાય અને ભાવમાં સારો એવો ઘટાડો થઈ શકે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં એકાદ વખત આ મુદ્દો ચર્ચાયો હતો, પરંતુ રાજ્યો જ આ જણસોને જીએસટી હેઠળ મૂકવા સંમત નથી. રાજ્યો તેમની આવકનો મોટો સ્રોત ગુમાવવા તૈયાર નથી. એટલે આ મુદ્દો અટવાયેલો છે. આ બાબતમાં વિવિધ રાજ્યોમાં શાસન ધૂરા સંભાળતા બધા પક્ષોનું વલણ લગભગ સમાન છે, એથી લોકોના હિતેચ્છુ હોવાના બધાના દાવા પોકળ સાબિત થાય છે. એ સ્થિતિમાં લોકોએ ભાવવધારો સહન કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી.

અલબત્ત, વ્યાપક જનહિતની લોકકલ્યાણકારી યોજનાઓ માટેનાં નાણાંના સ્રોતના ઓઠા હેઠળ પેટ્રોલ-ડીઝલ પરના જંગી કરવેરાનો બચાવ થઈ શકે તેમ નથી. આ બંને વસ્તુના ભાવો એક ચોક્કસ સપાટીએ જળવાઈ રહે એવી સામાન્ય સ્થિતિમાં લોકો આટલા ઊંચા કરવેરા વિશે કશું બોલતા પણ નથી, પરંતુ ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવવધારા જેવી અસાધારણ પરિસ્થિતિમાં લોકોને ભાવવધારા અને મોંઘવારીમાં રાહત આપવાના ઉદ્દેશથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ રોજિંદી અને આવશ્યક જણસ પરના જંગી કરવેરા દ્વારા ધરખમ આવક મેળવવાની લાલચ અને મોહનો ત્યાગ કરવો જોઈએ. કરવેરાને માત્ર પાંચથી દસ ટકા જેટલી એકદમ નીચી સપાટીએ લઈ જઈને ભાવમાં રાહત આપી શકાય તેમ છે. સવાલ શાસકોની દાનત અને ઈચ્છાશક્તિનો છે. સરકાર ધારે તો વહીવટી કરકસર દ્વારા અઢળક નાણાંની બચત કરી શકે તેમ છે. આખરે તો ભાવમાં ઘટાડો અને સ્થિરતા એ પણ એક પ્રકારે લોકકલ્યાણનું પગલું જ છે. આ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનિવાર્ય રીતે વિચારવું જોઈએ અને લોકોના આક્રોશની અભિવ્યક્તિ પહેલાં સક્રિયતા દાખવવી જોઈએ.

(તાજો ઉમેરો) સામે પક્ષે લોકોએ પણ પેટ્રોલ-ડીઝલનો સ્વયંશિસ્તથી ઉપયોગ ઘટાડવો જોઈએ. મારે આવક છે અને મને પોસાય છે અથવા તો પછી મારા માટે પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહનો અનિવાર્ય છે તેવી દલીલ ખોટી છે. એક વ્યક્તિ એક સ્કૂટર પર નીકળે કે એક વ્યક્તિ કાર લઈને નીકળે તે કરતાં ગંતવ્યસ્થાન એક જ દિશામાં નજીક-નજીક હોય કે એક જ હોય ત્યારે કારપૂલિંગ –કારશૅરિંગ જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. નજીકનાં સ્થાનોએ સાઇકલનો ઉપયોગ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી રાહત પણ અપાવશે અને શરીરને સ્વસ્થ પણ રાખશે. બાળકો કે કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને બસ દ્વારા જવાની ટેવ, શક્ય હોય તો પાડીએ. એ યાદ રાખવું જોઈએ કે છેવટે પેટ્રોલ-ડીઝલ વિદેશમાંથી આયાત થાય છે. તેથી જેટલું વધુ વાપરીશું તેટલું વધુ વિદેશી હુંડિયામણ દેશમાંથી ઘટશે. વેપાર ખાધ પણ વધશે. રૂપિયો નબળો પડશે. ડૉલર મજબૂત થશે. પરંતુ સામે પક્ષે સરકારો પણ જાહેર પરિવહનની સુવિધા નિયમિત નહીં બનાવે, તેમાં લોકોને ઊભાઊભા જવાના બદલે આરામદાયક જઈ શકે તેવી સ્થિતિ બને તે માટે ફ્રીક્વન્સી નહીં વધારે, વળી, લોકોના ઘરની ૩૦૦ મીટરના વિસ્તારમાં બસ મળે તેવું નહીં કરે (તે માટે સરકાર પોતે શટલ રિક્ષા શરૂ કરી શકે) તો જાહેર પરિવહનનો ઉપયોગ જનતા નહીં જ કરે. જો જાહેર પરિવહન વધશે તો સ્વાભાવિક લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી તો રાહત મળવાની જ છે પરંતુ સાથે પર્યાવરણનો- પ્રદૂષણનો પ્રશ્ન પણ હળવો થશે.

બીજું કે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી થતી ચક્રવૃદ્ધિ અસર પર નિયંત્રણ મૂકવું પડશે. પેટ્રોલ-ડીઝલથી માત્ર વાહન ચલાવવું જ મોંઘું નથી પડતું, પરંતુ તેની અસર સીધી મોંઘવારી પર પડે છે. દૂધ, શાકભાજીથી લઈને કેશકર્તન-કીટલીની ચા સહિત બધી જ ચીજોના ભાવ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાથોસાથ ટપોટપ વધવા લાગે છે. પરંતુ જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે ત્યારે પાછા, આ ચીજોના વધારાયેલા ભાવ ઘટાડાતા નથી. આના લીધે સૌથી વધુ માર મધ્યમ વર્ગના નોકરિયાત લોકોને અને વેપારીઓને પડે છે. બધા નોકરિયાતોના પગાર પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સાથે વધતા નથી. મધ્યમ વર્ગના વેપારીઓ પણ તેમની ચીજોમાં ભાવવધારો કરી શકતા નથી. આથી સ્કૂલની ફી, કૉલેજની ફી કે હૉસ્પિટલમાં પેમેન્ટ વગેરે સહિત તમામ ભાવો પર નિયંત્રણ રહેશે તો પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે જનતાની આટલી બૂમ નહીં પડે.

 

બૉક્સ

રાજ્યવાર પેટ્રોલડીઝલ પર વેટ

રાજ્યો પેટ્રોલ ડીઝલ

આંધ્રપ્રદેશ     35.77%       28.08%

અરુણાચલ પ્રદેશ      20.00%       12.50%

આસામ        30.90%       22.79%

બિહાર  24.71%        18.34%

છત્તીસગઢ     26.87%       25.74%

દિલ્લી  27.00%       17.24%

ગોવા  16.66%        18.88%

ગુજરાત        25.45%       25.55%

હરિયાણા       26.25%       17.22%

હિમાચલ પ્રદેશ        24.43%       14.38%

જમ્મુ-કાશ્મીર 27.36%       17.02%

ઝારખંડ        25.72%       23.21%

કર્ણાટક 30.28%       20.23%

કેરળ   30.37%       23.81%

મધ્યપ્રદેશ     35.78%       23.22%

મહારાષ્ટ્ર – મુંબઈ, થાણે, નવી મુંબઈ ,       39.12%        24.78%

મહારાષ્ટ્ર (શેષ રાજ્ય) 38.11%        21.89%

મણિપુર        23.67%       13.97%

મેઘાલય       22.44%       13.77%

મિઝોરમ       18.88%        11.54%

નાગાલેન્ડ     23.21%        13.60%

ઓડિશા        24.62%       25.04%

પંજાબ 35.12%        16.74%

રાજસ્થાન      30.80%       24.09%

સિક્કિમ 27.87%       15.71%

તમિલનાડુ     32.16%        24.08%

તેલંગણા       33.31%        26.01%

ત્રિપુરા 23.15%        16.18%

ઉત્તરાખંડ      27.15%        16.82%

ઉત્તર પ્રદેશ    26.90%       16.84%

પશ્ચિમ બંગાળ 25.25%       17.54%

કેન્દ્ર શાસિત પ્રદેશો

આંદામાન અને નિકોબાર ટાપુઓ     6.00% 6.00%

ચંડીગઢ        19.76%        11.42%

દાદરા અને નગર હવેલી      20.00%       15.00%

દમણ અને દીવ       20.00%       15.00%

લક્ષદ્વીપ       –       – –

પુડુચેરી        21.15%        17.15%