sanjog news, society, vichar valonun

બહોત કુછ હૈ લેકિન કુછ ભી નહીં હૈ…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૬/૧૧/૧૭)

 બહુવિકલ્પો માણસને સગવડ આપે છે કે અગવડ? પ્રશ્ન ન સમજાયો? તો જરા ઉદાહરણ સાથે વાત કરીએ. તમને ભૂખ લાગી છે, અને તમારી પાસે જમવા માટે રોટલી, શાક અને ભાત જ છે. સ્વાભાવિક તમને ધરાઈને આ આરોગશો. પરંતુ જો તમારી પાસે ટમેટાંનું સૂપ, મકાઈનું સૂપ, રોટલી, રોટલો, ભાખરી, થેપલાં, બે શાક, દાળ, કઢી, ફરસાણમાં સમોસા, કટલેસ, કચોરી, ભજિયાં, મીઠાઈમાં ગાજરનો હલવો, બરફી, રાયવાળાં મરચાં, તળેલાં મરચાં, અથાણું, તળેલી સિંગ, કાકડી-ટમેટાં-ગાજરનું કચુંબર, ડુંગળી, લસણની ચટણી, કોથમીર-મરચાંની ચટણી, આંબલીની ચટણી, સાથે ચાઇનીઝ નુડલ્સ, પાણી પુરી, સેવ પુરી, દહીં પુરી, આટલું હશે તો? તમે ધરાઈને ખાઈ શકશો? સ્વાભાવિક છે કે તમે મૂંઝાઈ જશો. બહુવિકલ્પોની આ જ વાત છે.

અગાઉ અછતનો જમાનો હતો. પાણીથી માંડીને વાહન સુધી બધી રીતે અછત-મુશ્કેલી-સંઘર્ષ. અત્યારે છતનો જમાનો છે. તમારી સામે બહુ વિકલ્પો છે. (અલબત્ત, અત્યારે પણ ઘણા પરિવારો અછતમાં નિભાવી જ રહ્યા છે) કોઈ પણ વાત હોય, જાણે અલાઉદ્દીનનો ચિરાગ હાજર છે- માગ માગ, માગે તે આપું. તમારે એક શહેરથી બીજા શહેર જવું છે? તો તમારી પાસે તમારી કાર ઉપરાંત એસ.ટી.ની વૉલ્વો, પ્રાઇવેટ મિની બસ, પ્રાઇવેટ વૉલ્વો, ઉબેર/ઑલા જેવી ટૅક્સી, કોઈ વ્યક્તિ તમને પૈસા લઈને લિફ્ટ આપીને કારમાં લઈ જાય તે…આમ, તમારી પાસે અનેક વિકલ્પો છે. તમારે શહેરની અંદર ક્યાંય જવું છે? તો પણ તમારી પાસે સ્કૂટર, કાર, રિક્ષા (રિક્ષામાં પણ છકડો કે અંગત રિક્ષા), સિટી બસ, બીઆરટીએસ બસ, ઉબેર/ઑલા જેવી ટૅક્સી…એમ કેટલાય ઑપ્શન છે. થોડાં વર્ષો પૂર્વેનો સમય યાદ કરો. એસ.ટી.ની ખખડધજ બસો અને એવા જ ખખડધજ રસ્તા. અત્યારે જે જગ્યાએ પહોંચવામાં ત્રણ કલાક લાગે છે ત્યાં છ કલાક લાગતા! વળી રસ્તામાં પંક્ચર પડે તો ખોટી થવું પડે તે અલગ!

ફિલ્મ જોવી હોય તો હવે તમારી આસપાસ અનેક થિયેટરો છે. થિયેટર સુધી લાંબા ન થવું હોય તો નજીકની દુકાનેથી ઑરિજનલ સીડી/ડીવીડી લઈ આવો. તેમ પણ ન કરવું હોય તો ઑનલાઇન મૂવી જોઈ લો. કેટલીક જૂની ફિલ્મો તો યૂટ્યૂબ પર પણ મળી જશે. આ ઉપરાંત સેટ ટૉપ બૉક્સમાં તો ફિલ્મોની કેટકેટલી ચેનલ! આજથી વીસ વર્ષ પહેલાં થિયેટરોની સંખ્યા કેટલી હતી! ટિકિટ મેળવવા લાઇનમાં ઊભા રહેવું પડતું. કેટલાક ઊંચા ભાવે બ્લેકમાં ટિકિટ ખરીદી ફિલ્મ જોવાનો સંતોષ માણતા. તો કેટલાક પરિવારસહ થિયેટરના ડેલે હાથ દઈ પાછા આવતા! અને અત્યારે જેમ ફિલ્મ ગમે ત્યારે ગમે તે સમયે જોઈ શકાય તેવું નહોતું. ભાવનગર સહિતનાં શહેરોમાં તો ફિલ્મો ઘણી વાર એકાદ વર્ષ પછી રિલીઝ થતી! ઉપરાંત બજેટની રીતે પણ પોસાતું નહીં. એટલે લોકો જોઈ આવે પછી ફિલ્મ સારી છે તેવી ખબર પડે તેના આધારે ફિલ્મ જોવા જતા. ઘણી વાર તો ફિલ્મની સંગીતની કેસેટ પણ ભાડે લાવતા! અથવા કોઈ એક ફિલ્મની કેસેટ ખરીદવાના બદલે, બે ચાર ફિલ્મના સારાં પસંદગીનાં ગીતોની યાદી બનાવીને કેસેટની દુકાનવાળાને દઈ આવવાની. તે રેકોર્ડ કરીને એક કેસેટ બનાવી દે.

દૂરદર્શન પર ગુરુવારે અને શનિવારે એમ બે વારે જ ફિલ્મો આવતી! એમાંય જો લાઇટ જાય કે ‘રૂકાવટ કે લિયે ખેદ હૈ’ આવી ગયું તો પત્યું! બીજાના ઘરે જ્યાં લાઇટ હોવાની આશા હોય ત્યાં પહોંચી જવાનું. એમાં વિડિયો કેસેટ આવી. વીસીઆર પણ પાછું ભાડે લાવવાનું. ખરીદવાનું તો પોસાય જ નહીં. અને વીસીઆર-વિડિયો કેસેટ માટે નજીકના દુકાનવાળા કે કોઈ જાણીતા વ્યક્તિની ઓળખાણ આપવાની! પરંતુ તેમાંય વિડિયો કેસેટ સારી ગુણવત્તાની નીકળે તેવી કોઈ ગેરંટી નહીં! ઉપરથી નીચે કે નીચેથી ઉપર જતાં પટ્ટા આવે, અધવચ્ચે અટકી જાય તેવું બનવાની શક્યતા પૂરેપૂરી!

પરંતુ આ વીસીઆર અને વિડિયો કેસેટ પણ એક વ્યક્તિ ન લાવે. સોસાયટી/ફ્લેટમાં ચાર-પાંચ જણા વચ્ચે લાવવામાં આવે અને એ બધા સાથે જોતા હોય તેની મજા જ અનેરી! એ ફિલ્મ જોતી વખતે કૉમેન્ટ થાય, ખાણી પીણી થાય, ક્યારેક કોઈ યુવાન-યુવતી વચ્ચે પ્રેમની કુંપળો પણ ફૂટી નીકળે!

દૂરદર્શન પર સાંજે સાતથી અગિયાર સુધી જ કાર્યક્રમો આવે. રાતે ૧૧ વાગ્યા પછી તમારે જોવા જ હોય તો ઝરમરિયાં જોવાના! અગિયાર વાગે એટલે ફરજિયાત સૂઈ જવાનું!

ચેનલોના પણ કેટલા વિકલ્પો હતા? દૂરદર્શન પછી બહુ બહુ તો ઝી અને સ્ટાર હતા! કેબલવાળો પણ દર સોમવારે વેકેશનમાં નવી ફિલ્મ મૂકે! હવે વિચારો કે એટલી ચેનલો થઈ છે કે પોતાની મનગમતી ચેનલ જોવા ઝઘડા થાય છે. બાળકને કાર્ટૂન જોવું હોય છે, ગૃહિણીને એકતા કપૂરની કકળાટવાળી સિરિયલ, પતિને સમાચારની ચેનલ, દાદાને જૂની ફિલ્મ અથવા ધાર્મિક ચેનલ. દાદીને રસોઈ શો જોવો હોય! આ વિકલ્પો કેવી સ્થિતિ લાવે છે તે વિચારો! હવે ઘરમાં બે ટીવી રખાતાં થઈ ગયાં છે. પણ એ એવા ઘરમાં જે ખાધેપીધે સુખી છે. જે નથી તે?

આ જ રીતે ખાણીપીણીમાં પણ બહુવિકલ્પોએ અને ખાસ તો માતાપિતાનાં સંતાનોને લાડના લીધે ભોજનમાં વેરાઇટી વધી છે. ઘરમાં કોઈ પણ નિર્ણય લેવાય, તેમાં સંતાન ડિસીશન મેકરની ભૂમિકામાં હોય છે. માતાપિતા સંતાનના નિર્ણયને મહત્ત્વ આપતાં થઈ ગયા છે. દાદાદાદી કોરાણે મૂકાઈ ગયાં છે. પરિણામે જો વતનમાં ઘર હોય તો દાદાદાદી પોતાના વતનના ઘરમાં અલગ જ રહેવાનું પસંદ કરે છે. પોતે પોતાની મરજી મુજબ ખાઈ પી શકે, ચેનલ જોઈ શકે. પોતાના મિત્રો-મહેમાનોને ઘરમાં બોલાવી શકે. પરંતુ જો દીકરાના ઘરે મહેમાનોને બોલાવ્યા હોય કે ટીવી જોતા હોય તો પૌત્ર-પૌત્રી જ મોઢા પર કહી દેતાં થઈ ગયાં છે કે અમારે પરીક્ષા છે, અમને ભણવા દો. માતાપિતા પણ સંતાનોને ટોકતાં નથી, સમજાવતાં નથી કે દાદાદાદી સાથે નમ્રતાથી વાત કરાય. પોતે કરતા હોય તો સંતાનોને સમજાવે ને. સંતાનો તો માતાપિતાનું જ અનુકરણ કરવાનાં. બૅન્કોની જાહેરખબરમાં તો હવે માતા જ પુત્રને સલાહ આપે છે કે લગ્ન પછી આપણને સાથે નહીં ફાવે, તું લૉન લઈને અલગ ઘર લઈ લેજે. બીજી એક જાહેરખબરમાં દાદાદાદીની સાથે પૌત્ર સૂવે છે તો પાટા મારીને ઊંઘ હરામ કરી દે છે તેથી દાદાદાદી માટે અલગ રૂમ બનાવવા લૉન લેવાની સલાહ અપાય છે.

અગાઉ એક જ રૂમમાં કેટલા લોકો સાથે સૂઈ શકતા હતા! રાતે આરામથી ગપ્પા મારતા. દાદાદાદી પૌત્ર/પૌત્રીને વાર્તા કહેતાં, બાળગીતો ગાતાં, હાલરડાં ગાતાં અને સંસ્કારસિંચન કરતાં! ક્યારેક વડીલ બનીને તો ક્યારેક દોસ્ત/બહેનપણી બનીને ફઈઓ પણ આ કાર્યમાં જોડાતી.

ન તો સ્કૂલના બહુ ઑપ્શન હતા, ન તો કૉલેજના. ન તો આજના જેટલા કારકિર્દીના વિકલ્પો હતા. પરંતુ જે હતું તે આજે સુખદાયક લાગે છે. આજે સ્કૂલના એટલા બધા વિકલ્પ છે કે વાત ન પૂછો. ઇન્ટરનેશનલ સ્કૂલમાં બેસાડવા છે કે સીબીએસઇમાં કે પછી ગ્રાન્ટેડ સ્કૂલમાં? અંગ્રેજી મિડિયમ કે ગુજરાતી? ત્રીજી ભાષા કઈ રખાવવી? જર્મન-ફ્રેન્ચ-ગુજરાતી કે પછી સંસ્કૃત? ૧૧મામાં કયું ગ્રૂપ લેવું? એ કે બી? એનિમેશનમાં કારકિર્દી બનાવવી કે ફેશન ડિઝાઇનિંગમાં કે પછી ઍરોસ્પેસમાં? યા તો રૉબોટિક્સમાં? જિનેટિક સાયન્સમાં? કે પછી પેથોલોજિસ્ટ બનવું? મેડિકલ લાઇનમાં જવું તો શેના સ્પેશિયલિસ્ટ બનવું? કૉમર્સની લાઇન લેવી તો પછી સીએ બનવું કે સીએસ? કે પછી એમબીએ કરવું? એમસીએ પણ સારો વિકલ્પ છે.

એગ્રીકલ્ચર પણ ખોટો નથી. ભાષા, કલા આ બધામાં તો અત્યારે બહુ જ સ્કૉપ છે. એન્જિનિયરિંગ કરવું તો શેમાં કરવું? મિકેનિકલ કે ઇસી? કે પછી આઈટીની લાઇન લેવી? આઈટીઆઈમાં જવાય? એમએસસી કરવું તો શેમાં કરવું? સ્પૉર્ટ્સમાં કેરિયર પણ અત્યારે બહુ જ ઉજ્જવળ છે. કે પછી નાનપણથી સંગીત શિખવાડીને ‘વૉઇસ ઑફ ઇન્ડિયા’ કે ‘સારેગમપ’માં મોકલીને નાનપણથી જ સંતાનને સ્ટાર બનાવી દેવું? કે પછી એને નાનપણથી જ મોડેલિંગ માટે તૈયાર કરવું? ના, ના, વિદેશ જવા માટેની તૈયારી કરાવવી જ સારી, આપણા દેશમાં તો ક્યાં કોઈ સ્કૉપ છે? વિદેશમાં જવું તો ક્યાં જવું? એન્જિનિયરિંગ માટે તો જર્મની જ સારું. હાર્વર્ડ યુનિવર્સિટીમાં જવું કે મેસેચ્યુસેટ્સમાં?

પહેલાં તો? માબાપને કંઈ ખબર નહોતી. સંતાનને જે કરવું હોય તે કરવા દે. બહુ પહેલાં તો ચાર ચોપડી ભણે એટલે પૂરતું. તે પછી મેટ્રિકનો ક્રાઇટેરિયા આવ્યો. તે પછી ગ્રેજ્યુએટનો. હવે પૉસ્ટ ગ્રેજ્યુએટ હો તો જ કંઈ કામનું.

ડ્રેસ, ગોગલ્સ, નંબરવાળા ગોગલ્સ, જૂતાં, ચપ્પલ, સ્લિપર, નાસ્તા, રેડી ટૂ મેડ ફૂડ, રેઝર, શેવિંગ ક્રીમ, શેમ્પૂ, સાબુ, ટેલ્કમ પાઉડર, ટૂથપેસ્ટ, પર્યટન સ્થળો અને ઇવન કૉન્ડોમમાં પણ કેટલા વિકલ્પો! ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવી છે કે રોકડાથી કે પછી યુપીઆઈ એપથી? સમાચાર જોવા છે તો પ્રિન્ટ, ટીવી, વેબ અને હવે મોબાઇલ એપ અને મોબાઇલમાં પણ લાઇવ ટીવી! ફોટા પાડવા હોય તેટલા ઢગલો પાડો. તેને સંગ્રહિત કરવા છે? તો પેન ડ્રાઇવ, એક્સ્ટર્નલ હાર્ડ ડિસ્ક, ઇન્ટર્નલ હાર્ડ ડિસ્ક, ક્લાઉડિંગ..અનેક વિકલ્પો હાજર છે. પહેલાં તો એક રૉલ લાવવો મોંઘો પડતો. તેમાંય ૩૬ ફોટા જ પડતા. કેમેરા બીજાનો માંગીને લવાતો. અને એ વખતે મોંઘો કેમેરા હોવા છતાં લોકો ખુશીખુશી આપતા. કારણકે આવક ઓછી હતી પરંતુ દિલ વિશાળ હતું.

હવે તો એક જ ઘરમાં પતિ અને પત્ની એકબીજાને પોતાના ફૉન ન આપે. બાળકો તેમના ફૉન માબાપને ન આપે. પ્રાઇવસીનો સવાલ છે ભાઈ! અગાઉ બીજાના પીપી નંબરવાળા ફૉન પર જઈને બિન્દાસ્ત બહારગામથી આવતા ફૉન રિસિવ કરતા. બિચારા માયાળુ પડોશી ફૉન આવે તો બોલાવી પણ જાય. અને ફૉન પર વાત પતી જાય પછી ચાપાણી પણ પીવડાવે!

એ વખતે કદાચ ઘણું બધું નહોતું પણ ઘણું સુખ તો હતું. અત્યારે ઘણું બધું છે પરંતુ સુખ? વિચારજો.

Advertisements
health, sanjog news, Uncategorized, vichar valonun

તબીબી વ્યવસાયિકોની સંવેદનહીનતા: કાગડા બધે કાળા

(સંજોગ ન્યૂઝની વિચાર વલોણું કૉલમમાં તા. 05/11/17ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

તાજેતરમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત એ બે રાજ્યો હૉસ્પિટલોમાં બાળકોનાં મૃત્યુના કારણે ચર્ચામાં રહ્યાં. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઑક્સિજન બાટલાના અભાવના કારણે મૃત્યુ થયાં. ડૉક્ટરો અને સરકારોની સંવેદનહીનતા બહાર આવી. જોકે સરકાર હોય કે સરકારી હૉસ્પિટલ કે ખાનગી હૉસ્પિટલો, મૂળ પ્રશ્ન માનવતાનો છે, સંવેદનાનો છે, જેનો અભાવ સર્વત્ર મહદંશે દેખાય છે.

તમે સરકારી કે ખાનગી બૅન્કોમાં જાવ અને વૃદ્ધ હો તો, અંગ્રેજીમાં ફૉર્મ (હવે તો વિદેશોમાં પણ ફૉર્મ ગુજરાતી, પંજાબી વગેરે ભારતીય ભાષાઓમાં ત્યાંની એશિયન વસતિના કારણે બહાર પડાય છે તો ભારતમાં કેમ નહીં તે એક પ્રશ્ન છે) હોય, અંગ્રેજી સમજાતું ન હોય કે ફૉર્મના પેજ બચાવવા કન્ડેન્સ કરાયેલા ફૉન્ટ વંચાતા ન હોય તો બૅન્ક કર્મચારીઓ ફૉર્મ ભરાવવામાં પણ મદદ ન કરે તેવું બનતું હોય છે. હૉટલોમાં રૂમની લેટ સર્વિસ, રૂમમાં અપાતી ટુવાલ, શેવિંગ ક્રીમ, ટૂથબ્રશ, સ્લિપર જેવી સુવિધાઓ ન અપાય-માગવી પડે, પૂરતું ગરમ પાણી ન આવતું હોય, તેવું પ્રતિ દિવસના હજાર-બે હજાર ચૂકવવા છતાં પણ થાય. ફ્લાઇટમાં જતા હો ત્યાં તમને ફ્લાઇટ મોડી ઉપડે તો પોણી કલાક સુધી કારણ જણાવવામાં ન આવે તેવું બને. તમે કેબલ સર્વિસ પ્રૉવાઇડર પાસેથી હવે ફરજિયાત બનેલા સેટ ટૉપ બૉક્સ લીધું હોય પરંતુ ફ્રી કેટલીક ચેનલો પણ તમને ન જોવા મળે તેવું બને છે.
તમે બૅન્ક કે મોબાઇલ કસ્ટમર કેરમાં ફૉન કરો તો ફૉન એન્ગેજ્ડ આવે, ઇ-મેઇલ કરો તો ટૂંકમાં જવાબ આવી જાય કે વધુ વિગત મોકલો અથવા તો અમે ૨૪ કલાકમાં તમારો પ્રશ્ન ઉકેલી આપીશું, પરંતુ પ્રશ્ન ઉકેલાય નહીં, છેવટે કંટાળીને તમે ટ્વિટર પર ગામના ચોતરામાં બધાની વચ્ચે આ કંપનીઓને ટેગ કરીને લખો ત્યારે તમને કંઈક જવાબ મળે. મફતનું મેળવવાની આશા ઘણા લોકોને ઘણી હોય છે. બૉનસની પ્રથા એવી છે કે તમે જે કંપનીમાં કામ કરતા હો તેના તરફથી ખુશ થઈને દિવાળી નિમિત્તે સદ્ભાવના પ્રસરાવવા માટે બૉનસ આપે. પરંતુ તમે સિક્યોરિટી ગાર્ડ તરીકે કોઈ ફ્લેટમાં કામ કરતા હો ત્યારે તમે ઘરે ઘરે બોણી લેવા નીકળી પડો અને તેમાંય લોકો પોતાની મરજી અને યથાશક્તિ મુજબ આપે ત્યારે હકથી કહો કે પેલાએ તો આટલા આપ્યા છે તો તમારે પણ આટલા આપવા જ જોઈએ તે કેટલું વાજબી? પેટ્રોલ પંપમાં હવા પૂરતી વ્યક્તિ પણ દરેક સ્કૂટર કે કારવાળા જે ત્યાં હવા પૂરાવે છે તેની પાસે દિવાળીએ બોણી માગે તે ઉચિત ગણાય?

ખાનગી કંપનીમાં કામ કરતા હો અને તમારા હકના પીએફ માટે બીજું કંઈ ન કરવાનું હોય પરંતુ એક સહી જ કરવાની હોય તો પણ તમે તેમની કંપની કેમ છોડી તેવા કે કોઈ બીજા કારણસર દ્વેષભાવ રાખીને માલિક સહી ન કરી આપે અને વર્ષ ઉપરાંત સમયથી ટટળાવે, ધક્કા ખવડાવે તે કેટલું ન્યાયી ગણાય?

મૂળ વાત હૉસ્પિટલની હતી. હૉસ્પિટલમાં દાખલ થતી વખતે અને ડિસ્ચાર્જ વખતે કેટલી માથાકૂટ કરવી પડતી હોય છે તે કોઈનાથી અજાણ્યું નથી. દિવાળી અને ૩૧ ડિસેમ્બર જેવા સમયે ડૉક્ટરો બહારગામ જતા રહે કે સ્થાનિક સંગીત-ડાન્સના કાર્યક્રમોમાં ગયા હોય તેના કારણે દર્દીઓને હાલાકી પડતી હોય છે. ડૉક્ટરોનો આવા સમયે વાંક નથી, પરંતુ તેમના જવાથી દર્દીઓને પડતી મુશ્કેલીઓનો હલ શું? ડૉક્ટરો બે મિનિટમાં રોજ રાઉન્ડ મારીને જતા રહે પછી હૉસ્પિટલ જુનિયર ડૉક્ટરો અને સિસ્ટર તથા વૉર્ડબોયના ભરોસે જ હોય છે અને ઘણી વાર તેઓ ગપ્પા મારતા હોય, ટીવી પર પોતાના મનપસંદ કાર્યક્રમો-ફિલ્મો જોવામાં વ્યસ્ત હોય, મોબાઇલ જોવામાં વ્યસ્ત હોય તેવું ઘણા બધાનો અનુભવ હશે. મોટા ભાગની હૉસ્પિટલમાં દર્દીની સાથે એક જ સગાને રાખવાની છૂટ હોય છે. આવા સમયે દર્દીને કોઈ મુશ્કેલી પડે- ચાહે તે મળ કે મૂત્ર વિસર્જનની હોય કે કપડાં બદલાવવાની ત્યારે હૉસ્પિટલનો સ્ટાફ જોઈએ તેવી મદદ ન કરે અને તોય ડિસ્ચાર્જ વખતે બક્ષિસની આશા રાખે તે કેવું! ડિસ્ચાર્જ સવારના ૧૧ વાગ્યાનો મળી ગયો હોય તોય કોણ જાણે હૉસ્પિટલની પ્રૉસિજર એવી તે કેવી હોય છે કે તમે દર્દીને ઘરે લઈ જવા હૉસ્પિટલના ગેટની બહાર નીકળો ત્યારે સાંજના પાંચ વાગી ગયા હોય! બિનજરૂરી ટેસ્ટ, બિનજરૂરી દવાઓ કરાવે તે તો વાત જૂની થઈ ગઈ. સરકારે જનતાના લાભ માટે સ્ટેન્ટ સસ્તા કર્યા તો હૉસ્પિટલોએ બીજા ખર્ચમાં વધારો કરી દીધો! ઘૂંટણની સર્જરી માટે ‘ની ઇમ્પ્લાન્ટ’ સસ્તા કર્યા પરંતુ હૉસ્પિટલોએ બીજા ખર્ચને વધારી દીધા. સરવાળે દર્દીઓને તો નુકસાન ગયું. મેડિક્લેઇમ ચૂકવનારી કંપનીઓને ફાયદા થયા.

તમે હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હો પરંતુ તમારે કંપનીમાં રજા માટે તેનું સર્ટિફિકટ જોઈતું હોય તો તમે તમારી ટ્રીટમેન્ટ કરતો ડૉક્ટર તેમજ સીએમઓ ચલકચલાણું રમે અને પછી સર્ટિફિકેટ ન આપે તે કેવું! પરંતુ તબીબી ક્ષેત્રનો આવો અનુભવ માત્ર ભારતનો જ છે તેવું નથી. અમેરિકા અને બ્રિટનની જનતાને તેમના દેશોમાં પણ કડવા અનુભવો થાય છે…

૨૦૧૧ના અમેરિકન કૉલેજ ઑફ ફિઝિશિયન એક્ઝિક્યુટિવ (એસીપીઇ) સર્વેમાં જાણવા મળ્યું હતું કે ત્રણ ચતુર્થાંશ ડૉક્ટરોને આ પ્રકારના અક્કડ અને કઠોર વલણની ચિંતા છે. તમામ પ્રતિસાદીઓએ કહ્યું કે તેનાથી દર્દીઓની ટ્રીટમેન્ટ પર અસર પડે છે. એસીપીઇના સીઇઓ બેરી સિલબૉએ અહેવાલમાં કહ્યું હતું કે અનેકો દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં અમારા વ્યવસાયમાં અનેક ડૉક્ટરો ખરાબ રીતે વર્તે છે.

ન્યૂ યૉર્ક શહેરની સિવિલ હૉસ્પિટલોમાં ઇન્સેન્સિટિવ સ્કીમ દાખલ કરાઈ જેમાં ફિઝિશિયનોનો પગાર દર્દીઓના અનુભવો સાથે સીધા જોડી દેવામાં આવ્યા. મતલબ કે જેટલા વધુ દર્દી જણાવે કે તેમને તેમની ટ્રીટમેન્ટથી સંતોષ છે તેના આધારે પગાર વધારાની વાત રહે.

બ્રિટનમાં પણ ડૉક્ટરોના ખરાબ વર્તનની નવાઈ નથી. એકાદ ઉદાહરણની વાત કરીએ તો જ્યૉર્જ એજન્ટ હસમુખા વ્યક્તિ હતા. ૮૧ વર્ષના પૂર્વ સેઇલર તેમના મિત્રોને પબમાં મળતા અને આનંદથી જીવતા. પરંતુ સુપરબગ સી. ડિફિસાઇલથી પીડિત આ વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેની સાથે નર્સોએ ખરાબ વર્તન કર્યું. તેમની પથારી બગડી જતી તો તે માટે તેમને ઠપકો અપાતો. જ્યારે તેઓ પોતાની પથારી સાફ કરવા કહેતા તો નર્સો તેમની મજાક ઉડાડતી. તેમની ૪૮ વર્ષીય દીકરી મારીયા એજન્ટે પણ કહ્યું કે ખુશમિજાજની વ્યક્તિ એવા તેઓ હૉસ્પિટલમાં ખૂબ જ હતાશ થઈ ગયા. થોડાં સપ્તાહોમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. આવા તો અનેક કેસો યુકેમાં જોવા મળે છે, જેમાં દર્દીઓ અને તેમનાં સગાઓ સાથે નર્સોએ કે ડૉક્ટરોએ અપમાનજનક કે ખરાબ ભાષામાં વર્તન-વાતચીત કર્યાં હોય. ૨૦૧૧માં જનરલ મેડિકલ કાઉન્સિલના આંકડાઓમાં જાહેર થયું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ડૉક્ટરો સામેની ફરિયાદમાં ૪૦ ટકા જેટલો જબ્બર ઊછાળો થયો છે.
યુકેનું ક્ષેત્રફળ ૨.૪૩ હજાર ચો. કિમી છે અને ભારતનું ૩.૨૮ ચો. કિમી. છે. યુકેમાં દર વર્ષે ૬,૦૦૦ બાળકો અને યુવાનો મરે છે. તેમાંથી બે તૃત્તીયાંશ જેટલા બાળકો પાંચ વર્ષથી નીચેના છે અને તેમાંય બહુમતી એક વર્ષથી નીચેના છે.

આમ, મૂળ પ્રશ્ન માણસોની સંવેદનશીલતાનો છે. બાકી કાગડા બધે કાળા જ છે.
(નોંધ: આ લેખની વાત પરથી કોઈએ એવું ન માનવું કે તબીબી ક્ષેત્રે બધા જ ડૉક્ટરો કે અન્ય મેડિકલ સ્ટાફ સંવેદનહીન છે ઘણા ડૉક્ટર ઓછી ફી લેતા હોય છે, ફી માફ કરતા હોય છે, ઘણી વાર ગરીબ દર્દી પાસે જવાનું ભાડું ન હોય તો પણ આપતા હોય છે તો નર્સો-વૉર્ડબોય વગેરે પણ સેવા કરવામાં પાછી પડતા નથી હોતા.)

education, Mumbai Samachar

સ્કૂલ ફી: લૂટ પર નિયંત્રણથી સંચાલકો છંછેડાયા છે

(મુંબઈ સમાચારની તા. ૭-૬-૧૭ની ઇન્ટરવલ પૂર્તિની કવરસ્ટોરી)

કોઈ પણ યુવાન પિતા બનવાનો હોય એટલે તેની ચિંતા શરૂ થઈ જાય કારણકે બે વર્ષની અંદર જ સંતાનને પ્લે સ્કૂલથી માંડીને તે પછી નર્સરી, કેજી વગેરેમાં મૂકવું. અને આ માટે કહેવાતી સારી શાળા મળવી તે ચિંતાનો વિષય હોય છે. શાળા અને હૉસ્પિટલ બે જગ્યાએ ભવિષ્યની ચિંતા કરીને વ્યક્તિ ગમે તેટલા રૂપિયા ખર્ચ કરવા તૈયાર થઈ જાય છે. તેનો લાભ ઉઠાવીને મોટા ભાગની શાળાઓ અને હૉસ્પિટલોમાં સફેદ કપડામાં લૂંટ ચલાવાય છે. આ બધી સંસ્થાને લાગુ પડતું જનરલ સ્ટેટમેન્ટ નથી પરંતુ શિક્ષણ અને તબીબી જગતના લોકો પણ સ્વીકારશે કે હા, આવી લૂટ અમારા ક્ષેત્રમાં ચાલે છે ખરી.

એવું નથી કે આ બધા સામે કાયદો નથી. શિક્ષણ અધિકાર કાયદો (આરટીઇ) એવું કહે છે કે કોઈ પણ શાળા કે વ્યક્તિ બાળકને પ્રવેશ આપતી વખતે કેપિટેશન ફી લઈ શકે નહીં. પરંતુ બધા જ જાણે છે કે ડોનેશન લેવાય જ છે. આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે પરંતુ ગયા વર્ષના સમાચાર મુજબ, રાજકોટની આઠ શાળાઓએ ૨૬ બાળકોને પ્રવેશ આપવા નનૈયો ભણી દીધો હતો તેવી ફરિયાદ વાલીઓએ કરી હતી. આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં ઠાગા ઠૈયાનો એક બીજો રસ્તો એ છે કે ઘરથી છ કિમીની અંદર આવેલી શાળામાં પ્રવેશ અપાવો જોઈએ પરંતુ ૧૯ મેના સમાચાર મુજબ, અમદાવાદમાં કેટલાંક બાળકોને ઘરથી ૯ કિમીથી લઈને ૨૫ કિમી (!) દૂર સુધીની શાળાઓમાં પ્રવેશ ફાળવી દેવાતાં વાલીઓએ ડીઇઓ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. આમાં ગુસ્સો આવે તેવી વાત એ છે કે ગરીબ બાળકોના ફૉર્મ ઓનલાઇન ભરાય, તે પછી ગૂગલ મેપના આધારે છ કિમીની અંદરની શાળાઓમાં પ્રવેશ અપાય છે, પરંતુ સાત હજાર જેટલા વિદ્યાર્થીઓને છ કિમી કરતાં દૂરની સ્કૂલોમાં અથવા તેમની પસંદગીની શાળા સિવાયની શાળામાં પ્રવેશ અપાયો હતો. અસારવામાં રહેતા એક વાલીના બાળકને ધોરણ ૧માં ૨૫ કિમી દૂર હાથીજણ વિસ્તારના વિવેકાનંદનગર ખાતે સંસ્કાર વિદ્યાલયમાં પ્રવેશ અપાયો હતો!

આરટીઇ કાયદો ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી શકે તે માટે છે જેનો યશ કૉંગ્રેસની યુપીએ સરકારને મળવો જોઈએ પરંતુ ૧ જૂન ૨૦૧૭ના સમાચાર મુજબ, આરટીઇ હેઠળ શ્રીમંત પરિવારનાં બાળકોને પ્રવેશ મળ્યાના અનેક કિસ્સા નોંધાયા છે! બંગલો, કાર, સ્માર્ટ ફોન, બે બીએચકેનો ફ્લૅટ અને બીજી અનેક ભવ્ય સગવડો ધરાવતા હોવા છતાં શ્રીમંત પરિવારોએ વાર્ષિક આવક માત્ર ૬૦થી ૯૦ હજાર જેટલી દર્શાવીને આરટીઇ હેઠળ પ્રવેશ મેળવી લીધો હોવાના કિસ્સા નોંધાયા છે. આરટીઇ અંગે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં કરાયેલી એક જાહેર હિતની અરજીમાં કહેવાયું છે કે સરકાર દ્વારા વેબ પૉર્ટલ મારફતે આરટીઇ હેઠળ અરજી કરાઈ પ્રવેશ પ્રક્રિયા કરાય છે પરંતુ આ પૉર્ટલમાં એટલી બધી ખામીઓ છે કે વિદ્યાર્થીના વાલી હતાશ થઈ જાય. ઑનલાઇન પ્રક્રિયાનો વિરોધ નથી પરંતુ પૉર્ટલ સજ્જ હોવું જોઈએ જે નથી. વેબ પૉર્ટલ ગૂગલ મેપ આધારિત છે. પરંતુ અરજીમાં દાવો કરાયો છે કે અરજદારનું સાચું સ્થળ મેપમાં દર્શાવાતું નથી. તેના કારણે નજીકની શાળાનાં સ્થાન ખોટાં પડે છે.

નેશનલ સેમ્પલ સર્વે ઑફિસે ૨૦૧૫માં જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ વચ્ચે સામાન્ય શિક્ષણ એટલે કે પ્રાથમિકથી લઈને અનુસ્નાતક સુધીના શિક્ષણનો ખર્ચ વિદ્યાર્થી દીઠ ૧૭૫ ટકા વધ્યો છે. મુંબઈની વાત કરીએ તો અહીં બાળકની પ્રિસ્કૂલિંગની ફી એમબીએની ફી કરતાં વધુ છે! એક અહેવાલ પ્રમાણે, જૂહુની પૉશ સ્કૂલ ગણાતી એકોલ મોન્ડિઅલની ફી ગયા વર્ષે રૂ. ૪.૫૫ લાખ હતી જેમાં આ વર્ષે ૬૪ ટકા જેટલો તોતિંગ વધારો કરાયો છે. એટલે કે આ વર્ષે તેની ફી રૂ. ૭ લાખ થઈ છે. (સામેના પક્ષે વાલી નોકરિયાત હોય કે વેપારી, તેની આવકમાં દસ ટકાથી વધુ વધારો ભાગ્યે જ થાય છે.) ખાનગી કૉલેજમાં એમબીએ કરવાનો ખર્ચ પણ વર્ષે રૂ. ૫-૭ લાખ જ થાય છે. પોદારની નર્સરી સ્કૂલમાં વર્ષ ૨૦૦૯માં રૂ. ૪૫,૦૦૦ ફી હતી તે આ શૈક્ષણિક સત્રમાં વધીને રૂ. ૯૩,૦૦૦ થઈ છે. મુંબઈમાં વાલીઓના સંગઠને આ અંગે આઝાદ મેદાન ખાતે પ્રદર્શનો કર્યાં હતાં. મુંબઈના વાલીઓએ વધુ ટેકો મેળવવા મિસ કૉલ અને વૉટ્સએપ ઝુંબેશ પણ આદરી છે. તે માટેનો નંબર પણ અપાયો છે જે છે- ૦૨૨-૩૦૨૫૬૮૨૨.

મહારાષ્ટ્રનો કાયદો એવું કહે છે કે શૈક્ષણિક સત્ર શરૂ થાય તેના છ મહિના પહેલાં ખાનગી શાળા ફીમાં વધારાનો પ્રસ્તાવ કરી શકે છે અને તેણે વાલીઓ-શિક્ષકોની સંસ્થા (પેરન્ટ્સ ટીચર્સ એસોસિએશન-પીટીએ) પાસેથી સ્વીકૃતિ લેવી જરૂરી છે. જોકે વાલીઓનું કહેવું છે કે પીટીએની પસંદગી લૉટરી દ્વારા કરવામાં આવે છે અને તેમની પાસે પૂરતી જાણકારી ન હોય તેમ બની શકે. આવા કિસ્સામાં, શાળાઓ ફાયદો ઉઠાવીને ફી વધારો કરાવી લે તેવું બની શકે. મહારાષ્ટ્રમાં વાલીઓના વિરોધ પછી સરકારે નવ સભ્યોની એક સમિતિ બનાવી છે જે પંદર દિવસમાં ફી કાયદામાં સુધારા કે પરિવર્તન અંગે સૂચનો કરશે.

જોકે ગુજરાતમાં તો આ અંગે કાયદો બનાવાયો છે અને તેના કારણે, સ્વાભાવિક જ સ્કૂલ સંચાલકો દ્વારા ઘણો હોબાળો મચાવાયો છે. આ અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જણાવે છે, “વાલીઓના વાલી તરીકે તેમની મુશ્કેલી સમજીને અમે આ કાયદો લાવ્યા છીએ. મનમાની કરનારા સ્કૂલ સંચાલકો દર વર્ષે ફીમાં વધારો કરતા હતા, ડૉનેશન લેતા હતા, જોડાં વેચતા હતા, કપડાં વેચતા હતા. સેવાના બદલે તેમણે ધંધો કરતા હતા. તેમને અટકાવવા આ ખરડો લાવ્યો છું.”

ગુજરાત વિધાનસભાએ ૩૦ માર્ચે ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) વિધેયક, ૨૦૧૭ પસાર કર્યું છે. તદનુસાર, તમામ બૉર્ડની ખાનગી શાળાઓની ફીનું નિયમન થશે. અર્થાત્ ગુજરાત બૉર્ડની સ્કૂલ હોય કે સીબીએસઇની, ખાનગી શાળા મન ફાવે તેમ ફીમાં વધારો નહીં કરી શકે. કાયદામાં જોગવાઈ છે કે નિર્ધારિત ફી કરતાં જો વધુ ફી કોઈ શાળા વધારશે તો તેણે ફી નિયમનકારી સમિતિ સમક્ષ તેને ઉચિત ઠરાવવી પડશે. આ સમિતિના વડા નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ રહેશે. આ સમિતિ ગુજરાતના ચાર ઝોનમાં રચાશે. વાર્ષિક ફી પ્રાથમિક શાળા માટે રૂ. ૧૫,૦૦૦, માધ્યમિક માટે રૂ. ૨૫,૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક માટે રૂ. ૨૭,૦૦૦ નક્કી કરાઈ છે.

જો નક્કી કરાયેલી ફીથી વધુ ફી લેવાશે તો શાળાએ વાલીને ઉઘરાવેલી ફીની બમણી રકમ તો પાછી આપવી જ પડશે આ ઉપરાંત પહેલી વાર ભૂલ માટે રૂ. પાંચ લાખનો દંડ અને બીજી વારની ભૂલ માટે દસ લાખનો દંડ ભરવો પડશે જ્યારે ત્રીજી ભૂલ વખતે સીધી શાળાની માન્યતા જ રદ્દ કરાશે. એક અંદાજ મુજબ, અત્યારે અમદાવાદની વિવિધ ખાનગી શાળાઓમાં રૂ. ૫૦,૦૦૦થી લઈને રૂ.સાડા પાંચ લાખ જેટલી ફી લેવામાં આવે છે! અમદાવાદની જે.જી. ઇન્ટરનેશનલમાં સીબીએસઇ ઉપરાંત કેમ્બ્રિજ, આઈબી અને આઈબીડીપીનો અભ્યાસ કરાવાય છે અને આઈબીડીપીની વાર્ષિક ફી રૂ. ૫.૫૦ લાખ જેટલી અંદાજે છે. કેમ્બ્રિજની ફી અંદાજે રૂ.૩.૨૦ લાખ છે. (આ અંગે શાળાના સંબંધિત પદાધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ ઉપલબ્ધ નહોતા.) સરકારે જે ફી નક્કી કરી છે તે જોતાં શાળા સંચાલકોમાં રોષ જોવા મળે તે સ્વાભાવિક છે કારણ દેખીતું છે કે શિક્ષણ હવે ‘ધંધો’ બની ગયું છે. અમદાવાદની બોપલની એક હાઇ ફાઇ સ્કૂલ ડીપીએસના વિદ્યાર્થીઓના વાલીઓ મુજબ, સ્કૂલે તો વિદ્યાર્થીઓ માટે એવો ‘ફતવો’ બહાર પાડ્યો હતો કે એડિડાસના બૂટ જ પહેરવા. વિદ્યાર્થીઓ માટે બૂટ પહેરવા એ નિયમ હોઈ શકે પરંતુ કેટલી કિંમતના બૂટ પહેરવા એ નિયમ ન હોઈ શકે અને ચોક્કસ બ્રાન્ડના જ બૂટ પહેરવા એ નિયમ તો બિલકુલ ન હોઈ શકે! (આ અંગે શાળાના સંબંધિત પદાધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ ઉપલબ્ધ નહોતા.) આનો અર્થ તો એ જ થયો કે શિક્ષણનો વેપલો ચાલે છે. આ અંગે વાલીઓએ ૧૮ માર્ચે સ્કૂલ પરિસરમાં સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

આ નવા કાયદા હેઠળ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કોઈ પણ નામ હેઠળ કોઈ પણ પ્રકારના ડૉનેશન કે કેપિટેશન ફી લેવા પર પ્રતિબંધ મૂકાયો છે. જો કોઈ વાલી સ્વેચ્છાએ ચૂકવે તો તેણે ફી નિયમનકારી સમિતિને જાણ કરવાની રહેશે.

જોકે આ નવો કાયદો ચાલુ વર્ષે શરૂ થનારા શૈક્ષણિક સત્રથી જ લાગુ કરાનારો હોવા છતાં કેટલાક સ્કૂલ સંચાલકો કાયદા-નિયમને ઘોળીને પી ગયા હોય તેમ તેમણે વિવિધ હૅડ હેઠળ ડૉનેશન કે કૅપિટેશન ફી લીધી છે તેમ વૉઇસ ઑફ પૅરન્ટ્સ ગ્રૂપનો આક્ષેપ છે. શાળા સંચાલકોએ આ કાયદાને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર્યો પણ છે. સંચાલકોએ દલીલ કરી છે કે સ્વનિર્ભર શાળાઓની ફી બહુ ઓછી નક્કી કરવામાં આવી છે! આવી શાળાઓ દ્વારા જે સુવિધા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય છે, શિક્ષકો તથા સ્ટાફને પગાર ચુકવવા સહિતની બાબતોની અવગણના કરાઈ છે. જોકે શિક્ષણની અંદર રહેલા લોકો જાણે છે કે શિક્ષકોને કાગળ પર કંઈક પગાર અપાય છે અને વાસ્તવમાં કંઈક. કેટલાક સંચાલકોએ તો સ્કૂલો જૂનથી બંધ કરવા સુધીની ધમકી સુદ્ધાં ઉચ્ચારી છે! સ્વાભાવિક તેમનો પ્રયાસ એવો છે કે જૂનથી સત્ર શરૂ થતું હોવાથી વાલીઓનું આ રીતે નાક દબાવી ફી બાબતે ધાર્યું કરી શકાય.

ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા ભાસ્કરભાઈ પટેલ મુજબ, “બહુ સ્પષ્ટ વાત છે. શિક્ષણ એ બંધારણમાં કૉન્કરન્ટ લિસ્ટનો વિષય છે. શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષકો અંગેના નિયમો, શાળાની ફી એ બધું રાજ્યને આધીન છે. પરંતુ ખાનગી શાળાઓ મર્યાદા વટાવી ચૂકી છે. શિક્ષણ સેવાના બદલે ધંધો બની ગયું. ક્યાંક તો નિયંત્રણ મૂકવાની જરૂર હતી જ.” ભાસ્કરભાઈના મત મુજબ, સીબીએસઇ બૉર્ડ હેઠળની શાળાઓને પણ રાજ્ય સરકારનો નિયમ લાગુ પડે છે, જોકે કેટલીક આવી શાળાઓ આ વાત માનવા તૈયાર નથી. આવી એક શાળાનો સંપર્ક કરાતા તેના ડિરેક્ટરે કહ્યું કે આ વાત અત્યારે ન્યાયાલયમાં હોવાથી અત્યારે આ મુદ્દે કોઈ ટીપ્પણી નહીં કરું. તો કેટલીક શાળાઓ લઘુમતી સમાજને મળતા લાભના કાયદા મારફતે છટકવા માગે છે. કેટલીક શાળા એવી પણ નીકળી જેની ફી રૂ. દસ હજાર કે તેથી ઓછી હતી પરંતુ કાયદો બન્યો એટલે રૂ. પંદર હજાર ઉઘરાવવા લાગી તેવો વાલીઓનો આક્ષેપ છે!

ભૂપેન્દ્રસિંહ કહે છે, “આ વિધેયક ખાનગી શાળાઓની વિરુદ્ધમાં નથી પરંતુ સમાજની કોઈ પણ વ્યવસ્થા નિરંકુશ ન ચાલી શકે. રૂ. પાંચથી દસ હજારની વાર્ષિક આવક ધરાવતા વાલીઓ રૂ. પાંચથી દસ લાખની ફી ક્યાંથી ભરી શકે? દેશનાં અન્ય રાજ્યો પણ ગુજરાતની આ કાયદાને અપનાવવા વિચારણા કરી રહ્યા છે.” કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે આ વિધેયકની વિગતો મગાવી છે અને કેન્દ્ર સરકાર પણ આ મોડલને અનુસરે તેવી શક્યતા છે.

ગુજરાત ટૅક્નિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પૂર્વ કુલપતિ ડૉ. અક્ષય અગ્રવાલ કેનેડાથી ખાસ વાત કરતા મહત્ત્વની વાત કરે છે અને તેમની વાત માત્ર સ્કૂલ ફી પૂરતી મર્યાદિત નથી. તેઓ કહે છે, “સમગ્ર દેશમાં શિક્ષણનું વ્યવસાયીકરણ થયું છે. ૯૦ ટકા શિક્ષણ ખાનગી સંચાલકો પાસે છે. તેથી દેશમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે શિક્ષણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનાં બાળકો માટે દોહ્યલું બન્યું છે. બહુ ઓછાં બાળકો સારી શાળાઓમાં ભણીને આગળ આવે છે અને વિદેશ ચાલ્યા જાય છે. જ્યારે ઘણાં બાળકોને સારા શિક્ષણ માટે સંઘર્ષ કરવો પડે છે. અત્યારે સરકારનું નિયંત્રણ જ એક ઉકેલ છે. આપણું કાપડ ફાટી ગયું છે તેને રફ્ફૂ મારીને ચલાવીએ છીએ. આમા કંઈ નવું નિર્માણ નહીં થઈ શકે. આ માટે ધરમૂળથી વિચારવું પડશે. જે નીતિ બનાવીએ તેમાં વિદેશોની નકલ કરવા કરતાં આપણા દેશના પ્રાચીન વારસા અને સંસ્કૃતિને અનુરૂપ નીતિ હોવી જરૂરી છે.”

politics, sankalan shreni

કેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું હિંસાચક્ર

(સંકલન શ્રેણી પાક્ષિકમાં તા.૦૭/૦૧/૧૭ની કવરસ્ટોરી)

આ દેશમાં ચાર વર્ગના લોકો સામે હિંસા થાય તો આખો દેશ ખળભળી ઊઠે છે. એક મહિલા, બે દલિત, ત્રણ બાળક અને ચાર લઘુમતી (તેમાં પારસી વગેરે લઘુમતી નથી આવતી માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી જ આવે કારણકે આ બંને વર્ગના લોકોની સંખ્યા ઘણી બધી વધી હોવા છતાં હિંસા-અત્યાચાર-ભેદભાવના કિસ્સામાં આ બે વર્ગની જ લઘુમતી તરીકે તેમની નોંધ લેવાય છે.)

ગુજરાતમાં ઉના પાસે મોટા સમઢિયાળા ગામમાં ગાયને મારી નાખી તેનું ચામડું ઉતારતા હોવાની શંકાના આધારે સાત લોકોને નિર્દયતાથી માર મારવાની ઘટનાને કેટલો રાજકીય રંગ અપાયો તે વાત તાજેતરનો ઇતિહાસ જ છે. આ બનાવ પછી કઈ કઈ રાજકીય હસ્તીઓ ઉના ખાતે આવી તે પરથી કદાચ તમે જાણી શકો કે આ દેશમાં કેટલા રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે! આ વ્યંગોક્તિનો અર્થ એ છે કે એકેય પક્ષ કદાચ બાકી નહોતો જેના નેતાએ ઉનાની મુલાકાત નહીં લીધી હોય. આવું જ ઉત્તર પ્રદેશના દાદરી નામના નાના નગરમાં થયું હતું. ગાયનું માંસ ખવાયાની શંકા પરથી ટોળાએ માર મારતાં અખલાકનું મૃત્યુ થયું. આ ઘટના બાદ દાદરીની તમામ રાજકીય પક્ષોના નેતાઓએ મુલાકાત લીધી, સહાયની વર્ષા થઈ. આખા દેશમાં અસહિષ્ણુતાનો રાગ આલાપાવા લાગ્યો. શું સાહિત્ય કે શું ફિલ્મ, શું વિજ્ઞાન કે શું ઇતિહાસ, તમામ ક્ષેત્રના મહાનુભાવો આ રાગના આલાપતા આલાપતા પોતાને અગાઉની સરકારો તરફથી મળેલા એવોર્ડ પાછા આપવા લાગ્યા અથવા તો ઓછામાં ઓછું આવી જાહેરાતો કરી. તેલંગણા ભાજપ શાસિત રાજ્ય નથી તોય ત્યાં રોહિત વેમૂલા નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી ત્યારે તેના માટે કેન્દ્રની ભાજપ સરકારને દોષિત ગણાવી તમામ સેક્યુલર નેતાઓ હૈદરાબાદ દોડી ગયા હતા. (તેલંગણાના ગૃહ પ્રધાન નયની નરસિંહ રેડ્ડી મુજબ, વેમૂલા દલિત નહોતો. દલિત ન હોય તોય તેનાથી તેના કિસ્સાની ગંભીરતા ઘટી નથી જતી.)

આ દેશમાં દલિત એ નબળો વર્ગ ગણાય છે. તેમના પર અત્યાચારની વ્યાપક ફરિયાદો છે. હજુ પણ સ્થિતિ ચિંતારૂપ જ છે. મહિલા વર્ગ પણ નબળો ગણાય છે. મહિલાઓ સામે થતા ગુનાઓના પ્રમાણમાં ખાસ ઘટાડો થયો નથી. પરંતુ શું કૉંગ્રેસ કે શું કેજરીવાલનો આમ આદમી પાર્ટી, શું માયાવતી કે શું ડાબેરીઓ, આ બધા ‘સેક્યુલર’ પક્ષોનું દૂરબીન જાણે ભાજપ શાસિત રાજ્યો પર જ મંડાયેલું હોય છે. આ પક્ષોને ડાબેરીઓ શાસિત અથવા પ્રભાવિત બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને કેરળમાં થતી હિંસા દેખાતી જ નથી. ભલે એ હિંસા અને અત્યાચાર દલિત મહિલાઓ સામે જ કેમ ન હોય!

ગુજરાતના ઉના કાંડનો દેકારો મચ્યો (જુલાઈ ૨૦૧૬) તેના એક મહિના પહેલાં ગણ્યા ગાંઠ્યા પ્રસાર માધ્યમોમાં આવેલા આ સમાચાર પર નજર નાખવા જેવી છે કારણકે જે પીડિતો છે તે દલિત વર્ગના પણ છે અને નબળા ગણાતા મહિલા વર્ગના પણ છે. કેરળમાં થાલાસેરી પાસે કુટ્ટીમક્કૂલમાં કૉંગ્રેસના નેતા એન. રાજનની બે દલિત દીકરીઓ અખિલા (૩૦) અને અંજના (૨૫)ની ધરપકડ થઈ. તેમનો ગુનો શું હતો? ગુનો એ હતો કે તેઓ જ્યારે સીપીએમના કાર્યાલય પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પક્ષના કાર્યકર્તાઓએ તેમને જાતિવાદી નામોએ બોલાવી હતી. પરિણામે આ યુવતીઓ પક્ષના કાર્યાલયમાં ફરિયાદ કરવા ગઈ. આ સમયે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. ડાબેરી કાર્યકર્તાઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.

આ ઘટના પછી શું બનવું જોઈતું હતું? પહેલાં તો પક્ષના કાર્યકર્તાઓ જેમણે અખિલા અને અંજના સાથે ખરાબ વર્તન કર્યું તેમની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરવા જોઈતા હતા. બીજું, આ ઘટનાની સમગ્ર દેશના રાજકીય પક્ષોએ કઠોર નિંદા કરવી જોઈતી હતી. ખાસ કરીને કૉંગ્રેસે કારણકે તેના નેતા અને તેમાંય દલિત,ની દીકરીઓ સાથે ખરાબ વર્તન થયું હતું. (આવું ન હોવું જોઈએ પરંતુ આપણા દેશમાં પોતાના પક્ષના લોકો સાથે ખરાબ વર્તન થાય ત્યારે તે પક્ષ વિરોધી પક્ષની ટીકા કરતો હોય છે.) પરંતુ થયું શું? ત્યાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ડાબેરીઓ સત્તા પર આવ્યા હતા. ‘ઉલટા ચોર કોટવાલ કો ડાંટે’ના ન્યાયે પોલીસે પેલી બે દીકરીઓને જેલમાં પૂરી દીધી એવા આરોપસર કે તેમણે સીપીએમના કાર્યકર પર હુમલો કર્યો! તેમાંથી મોટી અખિલાને તો દોઢ વર્ષની દીકરી હતી. તે તેની દીકરી સાથે જેલમાં ગઈ! ન કૉંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી કંઈ બોલ્યા, ન બહેનજી માયાવતી કંઈ બોલ્યાં. ન કેજરીવાલે કોઈ નિવેદન આપ્યું કારણકે આમાં તેઓ નરેન્દ્ર મોદી સામે કોઈ આક્ષેપ કરી શકતા નહોતા (એ કેજરીવાલ ચૂંટણીવાળા પંજાબમાં દલિતો માટે ખાસ ચૂંટણીઢંઢેરો બહાર પાડવાના છે!) જેએનયુમાં ‘જાતિવાદ, મનુવાદ, બ્રાહ્મણવાદ’થી આઝાદી લેવાનાં સૂત્રો બોલાવતા, ત્રાસવાદી અફઝલ ગુરુના તરફદાર, કોમરેડ કન્હૈયાકુમારની તીખી કટાક્ષમય વાણી પણ કેરળના આ બનાવ અંગે પોલિટ બ્યૂરોના દફ્તરમાં કેદ થઈ ગઈ. ડાબેરી નેતાઓ યેચૂરી-કરાત મુલાકાત લે અને આ ઘટનાને રાષ્ટ્રીય સ્તરે ચમકાવે તેવી તો કલ્પના જ અઘરી ગણાય કારણ પોતાની જાંઘ કોણ ઉઘાડી કરે!

કૉંગ્રેસના સ્થાનિક નેતૃત્વએ મદદ માટે આગળ આવતાં બંને બહેનોને જામીન પર તો છોડી દેવાઈ પરંતુ વળાંક તો હવે આવે છે. સામ્યવાદી નેતા વૃંદા કરાતે પક્ષના મુખપત્ર ‘દેશાભિમાની’માં કેરળમાં દલિતોની ખરાબ સ્થિતિ પર એ જ દિવસે લેખ લખ્યો હતો જે દિવસે (બંને બહેનોને જેલમાં પૂરવાની) ઉપરોક્ત ઘટના બની હતી! સ્વાભાવિક છે કે આ મુદ્દો ટીવી ચર્ચાનો બને જ. રાષ્ટ્રીય સ્તરે તો કોઈ ચર્ચા ન થઈ, પણ કેરળમાં એક મલયાલમ ચેનલ પર જરૂર ચર્ચા થઈ. પણ તેમાં થાલાસેરીના જ ધારાસભ્ય સીપીએમના એક નેતા એ. એન. શમશીરે દલિત મહિલા કાર્યકર્તા મૃદુલા દેવી સામે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. (આ મહાશયને વર્ષ ૨૦૧૨માં પોલીસ સામે ભડકાવનારા ભાષણ બદલ ગત નવેમ્બર ૨૦૧૬માં ત્રણ મહિનાની જેલની સજા થઈ. શમશીરે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. સનલકુમારને ધમકી આપી હતી કે જો તે સીપીએમના કાર્યકર્તાઓ સામે બળપ્રયોગ કરશે તો તેમને જોઈ લેવાશે. પોલીસને પણ ઘરે પત્ની અને બાળકો હોય છે. તેમના આ પ્રકારની ‘ગુંડાને શોભે’ તેવી ધમકીના ૧૬ મહિના પછી એક ટોળાએ સનલકુમારના ક્વાર્ટર પર નવેમ્બર ૨૦૧૩માં હુમલો કર્યો હતો. સનલકુમાર અને તેમનો પરિવાર બહાર હોવાથી બચી ગયા હતા પરંતુ બિલ્ડિંગને ઘણું નુકસાન થયું હતું.) શમશીરે મૃદુલા દેવીને કહ્યું હતું કે “તમે કોણ છો? મેં તમારા વિશે ક્યારેય કંઈ સાંભળ્યું નથી.” તેમણે તેમ પણ કહ્યું કે તેઓ તેમનાથી નીચેના સ્તરની હોય તેવી કોઈ વ્યક્તિ સાથે ચર્ચા કરવા માગતા નથી. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે આ દલિતો ઘણી વાર આવા આક્ષેપો કરતા રહેતા હોય છે. આનો અર્થ શું થયો? દલિતોને ખોટા આક્ષેપો કરવાની ટેવ છે તેમ આ મહાશયનું કહેવું હતું? ગુજરાતમાં દલિત-મુસ્લિમની ધરી રચવાના પ્રયાસો કરનારા અને દેશના બાકી દલિત હિત ઈચ્છુક લોકો, નેશનલ મિડિયા, વી. કે. સિંહના નિવેદનના અર્થનો અનર્થ કરી મારીમચડીને મોટું બનાવે ત્યારે કેરળના એક ધારાસભ્યના દલિતો સામે આવા ચોખ્ખા ગંભીર આક્ષેપ મુદ્દે તેમનું ભેદી મૌન શું સૂચવે છે? એ જ કે તેમનો એજન્ડા દલિતોનું હિત કરવાનો નથી, પરંતુ તેમનો એજન્ડા ભાજપનો વિરોધ કરવાનો છે.

સીપીએમના આ એક નેતાએ જ આવી ટીપ્પણી નહોતી કરી. એક બહેન અંજનાએ જેલમાંથી બહાર આવ્યા પછી ઊંઘવાની ગોળીઓ ગળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તેની બહેન અખિલાએ કહ્યું કે એક ટીવી ચેનલ પર સીપીએમના નેતા પી. પી. દિવ્યાએ તેને ‘પબ્લિક ન્યૂસન્સ’ (જનતા માટે નડતર) કહી દેતાં તેને લાગી આવ્યું હતું.

આ ઘટના જે ગામની હતી તે ગામ મુખ્યપ્રધાન પિનરયી વિજયનના વતન જિલ્લા કન્નૂરની છે! ગુજરાતમાં ભાજપના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પિયરમાં દલિત વિદ્યાર્થિની ભણતર છોડે તો પણ મોટા સમાચાર બને છે. તેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે. આવું પ્રેશર અને વિરોધ જરૂરી જ છે તો જ કોઈ પણ શાસક પક્ષ સજાગ રહે અને જનતા માટે સારું કામ થતું રહે, સામાજિક રીતે અન્યાય થતો અટકે. પરંતુ એક દલિત વિદ્યાર્થિની ભણતર છોડે તે રાષ્ટ્રીય સમાચાર બને તો અહીં તો બે દલિત યુવતીઓને તેમના જ્ઞાતિના અપમાનજનક નામે બોલાવાય છે, તેમની સાથે પક્ષના કાર્યાલયમાં જ ખરાબ વર્તન કરાય છે અને તેમને ન્યાય મળે તેવાં પગલાંના બદલે તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે માધ્યમો પર તેની કોઈ ગંભીર અને પૂરતી નોંધ ન લેવાઈ. ભાજપના પણ કેન્દ્રીય નેતાઓએ આ બાબતે ગંભીર ચૂપકીદી રાખી હોવાનું સ્મરણમાં આવે છે. ભાજપ કઈ લઘુતા ગ્રંથિથી પીડાય છે? અને કેરળમાં આ એક નહીં, આવા અનેક કિસ્સાઓ છે.

કેરળમાં કૉંગ્રેસના હો કે ભાજપના, કે પછી સામાન્ય નાગરિક, ડાબેરીઓ સામે ચૂંટણી લડો કે અન્ય કોઈ રીતે પડો તો તમારી સામે હિંસા આચરાવાની ૯૦ ટકા શક્યતા રહે છે. કેરળના કન્નૂર જિલ્લાના ઇરિટી તાલુકાના કક્કયાનગરમાં રાહુલ નામના એક ભાઈએ નવેમ્બર ૨૦૧૫માં યોજાયેલી પંચાયત ચૂંટણીમાં મુઝાકુન્નૂ પંચાયતના ૧૪મા વૉર્ડમાંથી ભાજપની ટિકિટ પર અને તેમનાં પત્ની રમ્યાએ ભાજપની ટિકિટ પર પરાકુંદર વૉર્ડમાંથી ઉમેદવારી કરી હતી. સીપીએમના કાર્યકર્તાઓને આ પસંદ ન પડ્યું. તેઓ ૩૦ મે ૨૦૧૬ના રોજ રાહુલના ઘરે ગયા. પરંતુ રાહુલ બહાર ગયા હતા. રાહુલ ઘરમાં ન હોય તો શું થયું? તેમનો બીજા ધોરણમાં ભણતો દીકરો કાર્તિક તો હતો જ ને. ડાબેરી કાર્યકર્તાઓની નિર્દયતા જુઓ. તેને સામાન્ય ધાકધમકી કે ઠપકારવાના બદલે જાણે તે કોઈ જન્મ-જન્મનો દુશ્મન (તેની સાથેય કોઈ આવું ન કરે) હોય તેમ તેને વાળથી પકડીને તેનું માથું દીવાલ સાથે અફળાવ્યું! તેઓ ત્યાં જ ન અટક્યા. તેઓ રાહુલની હત્યા માટે જે છરી લઈને આવેલા તેના વડે કાર્તિકના ડાબા હાથને ભારે ઘાયલ કર્યો. આટલી ગંભીર ઈજાના કારણે કાર્તિક એક મહિનો શાળામાં જઈ ન શક્યો. જતાંજતાં સીપીએમના કાર્યકર્તાઓ ઘરની બારીઓ તોડતા ગયા. એક રૂમના ફર્નિચરને પણ સળગાવી દીધું. માતા રમ્યાના કહેવા પ્રમાણે, કાર્તિક આજે પણ રાત્રે ઊંઘમાંથી જાગી જાય છે અને રડવા લાગે છે. તેને સતત એવું લાગે છે કે તેને કોઈ મારવા આવી રહ્યું છે. તે પોતાનું દફ્તર ઉપાડી શકતો નથી.

સામ્યવાદી વિચારસરણીનો જન્મ જ કથિત ઉચ્ચ અને શ્રીમંત વર્ગની જોહુકમી અને અત્યાચારોમાંથી થયો હતો. તેનું ઉદ્ભવસ્થાન રશિયા રહ્યું છે, આ વિચારસરણી સારી હતી પરંતુ તેના માટે લેવાતા પગલાં અને શાસનમાં આવ્યા બાદ વિચારપલટાના લીધે આ વિચારસરણી ધીમેધીમે દુનિયાના અનેક દેશોમાંથી દૂર થતી જાય છે. સામ્યવાદીઓ દ્વારા સત્તા મેળવવા અને સત્તા ટકાવવા હિંસાની નવાઈ નથી. રશિયા અને ચીનમાં વર્ષોથી દમનકારી શાસનના લીધે એક જ પક્ષનું શાસન રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ કેરળ જેવી જ હિંસા જોવા મળી છે અને ડાબેરીઓ સામે લડતાંલડતાં તૃણમૂલ કૉંગ્રેસ પણ તેના જેવી જ બની ગઈ છે. તેથી ત્યાં પણ ગુંડાગીરી ચાલુ જ છે. આ બધા કિસ્સાઓ લખવા બેસીએ તો પાર ન આવે, પરંતુ ઉપરોક્ત બે કિસ્સા જ ઘણું બધું કહી જાય છે.

નવાઈની વાત એ છે કે આ મુદ્દાઓ વણચર્ચિત રહી જાય છે અને ડાબેરીઓનું દમનચક્ર ચાલ્યા જ કરે છે. દલિતો અને ગરીબોના મસીહા હોવાનો દાવો કરનારા તેમની સામે જ હિંસા કરે તે કેવું!

international, language

शुभमस्तु !……ब्रिटिश बाळका: संस्कृत वदति।

મિત્ર અને ગુજરાતી – હિન્દી ફિલ્મોના એન્સાઇક્લોપિડિયા જેવા – હરીશ રઘુવંશી તરફથી મળેલો ઇમેઇલ સંસ્કૃત ભાષા શીખતા બ્રિટિશ અને ભારતીય મૂળના બ્રિટિશ બાળકો વિશેનો છે. આપણે ત્યાં સંસ્કૃત ભણાવવા ખાતર ભણાવાય છે અને હવે ‘ણ’, ‘ળ’, ‘દ’, ‘શ’ અને ‘ષ’  જેવા અક્ષરોના ઉચ્ચાર જ ભૂલાતા જાય છે (આપણેને બદલે આપડે બોલાય, પળાય ના બદલે પડાય બોલાય છે) ત્યારે આ પોસ્ટમાં આપેલા વિડિયો જોવા ગમશે. મેઇલ યથાવત જ પોસ્ટ કરેલો છે. (મેં મારી લગ્નની કંકોત્રી અને ૨૦૧૦માં કરેલી ભાગવત સપ્તાહની આમંત્રણ પત્રિકા સંસ્કૃતમાં ભાષાંતર કરાવીને છપાવેલી, જે ઘણા લોકોને પસંદ પડી હતી.)

शुभमस्तु !…… They’ll teach you Sanskrit in London but not in India!!!

I am really “amazed” and “ashamed” at the same time seeing these videos and reading about Sanskrit in British schools.
Don’t miss any of the weblinks given below…..

We should all learn this greatest language on Earth.

sanskrit-300x220.jpgभवतीसंस्कृतंभाषतेवा ?
भवान्संस्कृतंभाषतेवा ?
नालमेकभाषया !

The study of Sanskrit in schools may be dipping in India or may be facing resource cuts, according to news reports,
but it is thriving in a most unlikely place — a set of British schools!

Here are links to the St James Independent Group of Schools, London,
where Sanskrit is taught (indeed, its study is compulsory until age 11):

Link 1:

Link 2: http://sanskritdocuments.org/articles/sanskritlondon.pdf

Link 3: Recitation of Sanskrit slokas from Upanishads outside Buckingham Palace:

Link 4 and 5: (from the school’s web site): http://www.stjamesschool.org.uk/?area=school_life&page=intellectual&sub_page=sanskrit and

http://www.stjamesschools.co.uk/juniorschools/school-life.php?page=Academic&subsection=Languages

Link 6:

A school excursion to Oxford ! Students in their 10th yr of school (10th Std/ 10th Grade) of St James School visit the Bodleian Library at Oxford University to view carefully preserved manuscripts of Kalidasa’s “Shakuntala,” a 300-year old copy of Valmiki’s “Ramayana,” a 200-year old Sanskrit manuscript of “The Mahabharata” and other literary and art treasures: http://claysanskritlibrary.wordpress.com/2011/06/28/sanskrit-show-and-tell-with-st-james-school-pupils/

Interview with one of the Sanskrit teachers follows: