(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ)
જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે કેવી રીતે ઉકેલે?
એક સમયે તિબેટ શક્તિશાળી હતું અને ૭૬૩થી ૮૦૧ની વચ્ચે તિબેટે (મહાભારતમાં તેનો ઉલ્લેખ ‘ત્રિવિષ્ટપ’ તરીકે છે) સતત તાંગ સામ્રાજ્ય હેઠળના ચીન પર આક્રમણો કર્યાં અને વિજય મેળવ્યો હતો. તિબેટી સેનાએ આરબ, તુર્ક અને ચીનના આધિપત્યવાળા પ્રદેશો પણ એક સમયે જીતી લીધા હતા. એક સમયે તેણે ચીનની તત્કાલીન રાજધાની ચાંગ-અન (શિયાન) પણ જીતી લીધી હતી. આવા શક્તિશાળી તિબેટને ચીને પોતાનો ભાગ બનાવી લીધું અને દુનિયા જોતી રહી ગઈ. ભાગ બનાવી લીધા પછી પણ વિદ્રોહનો ચરૂ તો ઉકળતો જ રહે. તેને થાળે પાડવા ચીને શું કર્યું?
ચીને જે કર્યું તેને ચીનીકરણ અથવા અંગ્રેજીમાં ‘સિનિસાઇઝેશન’ કહે છે. ૧૯૪૯માં સામ્યવાદીઓ સત્તામાં આવ્યા પછી ત્યાંના નેતા માઓ ઝેદોંગે ચીનની પાંચ રાષ્ટ્રીયતા (નેશનાલિટિઝ)નું એકીકરણ ચીનના સામ્યવાદી પક્ષ હેઠળ કરવા નિર્ધાર્યું હતું. તે પછી તરત જ ચીને તિબેટ તરફ પોતાની સેના મોકલી આક્રમણનો ઈરાદો બતાવી દીધો. બીજી તરફ વાટાઘાટ માટે પણ દબાણ કર્યું. આથી તિબેટે ન્ગાપોઇ ન્ગાવાંગ જિગમેને મંત્રણા કરવા મોકલ્યા. ચીનની સેનાએ ટૂંકમાં ‘ન્ગાપો’ તરીકે ઓળખાતા અધિકારી અને તેમના સાથીઓને ઘેરી લીધા અને કેદ કરી લીધા. આથી ‘ન્ગાપો’એ તિબેટને યુદ્ધ કરવાના બદલે શાંતિથી શરણાગતિ સ્વીકારવા ભલામણ કરી.
તિબેટે શરણાગતિ સ્વીકારી લીધી જેને ચીન “અમે તિબેટને સ્વતંત્રતા અપાવી” તેમ ગણાવે છે! સંધિ મુજબ, તિબેટે ચીનના ભાગ બનવાનું હતું અને ચીન તેને સ્વાયત્તતા આપવાનું હતું (જેમ કાશ્મીરને ૩૭૦ કલમ દ્વારા જાણે કે અલગ દેશ હોય તેવી સ્વાયત્તતા નહેરુજીએ આપી દીધી) અને તેમ તત્કાળ પૂરતું થયું પણ ખરું. પરંતુ તે પછી ચીને તિબેટનું ‘ચીનીકરણ’ શરૂ કરી દીધું.
તિબેટમાં ખેડૂતો મુખ્યત્વે મકાઈ ઉગાડતા હતા પણ ચીને તેમને જવ ઉગાડવા આદેશ આપ્યો. પાક નિષ્ફળ ગયો અને હજારો તિબેટિયનોને ભૂખે મરવાનો વારો આવ્યો. તે પછી જ્યારે માઓ ઝેદોંગે તેમના વિરોધીઓને હટાવવા માટે સાંસ્કૃતિક ક્રાંતિ શરૂ કરી ત્યારે તિબેટમાં લાલ રક્ષકો (રેડ ગાર્ડ)એ તિબેટના નાગરિકો પર સામ્યવાદના દ્રોહી હોવાનું કહી હુમલા શરૂ કર્યા. છ હજાર કરતાં વધુ મઠવાસીઓને લૂટી લેવાયા અને તેમનો નાશ કરાયો. ભિક્ષુઓ અને સાધ્વીઓને શાંતિપૂર્ણ જિંદગી જીવવી હોય તો મઠ છોડીને જવા ફરજ પડી. જેમણે પ્રતિકાર કર્યો તેમને જેલમાં પૂરી દેવાયા. જેલમાં પણ સુખ-સગવડ નહીં, પરંતુ કાળી મજૂરી કરવી પડતી. (અને આપણે ત્યાં અલગતાવાદીઓ હુર્રિયત નેતાઓને માત્ર નજરકેદ કરાવાની વર્ષોથી પરંપરા હતી. હવે હવાલા ફંડિંગમાં તેમની અટકાયત કરાઈ છે.) તેમના પર ખૂબ જ અત્યાચારો ગુજારાયા અને ઘણાને ફાંસી પણ આપી દેવાઈ.
આપણે ચીન જેવા અત્યાચારો કે લૂટ આપણે ન કરી શકીએ પરંતુ જે અલગતાવાદીઓ છે, ચાહે તે કાશ્મીરની અંદર હોય કે કન્હૈયાકુમાર, ઉંમર ખાલીદ જેવા કાશ્મીરની બહાર ફરતા હોય તેમને પકડીને જેલમાં જ ગોંધી રાખવાના હોય. કન્હૈયા, ઉંમર જેવા અફઝલ પ્રેમીઓ વિરુદ્ધ દેશભરમાં જબરદસ્ત વાતાવરણ બન્યું હતું. તેમને જેલમાં પૂરી રાખ્યા હોત તો કોઈ વિરોધ નહોતો. દિલ્લી ઉચ્ચ ન્યાયાલયનાં મહિલા ન્યાયાધીશ પ્રતીભા રાનીએ તો ૩ માર્ચ ૨૦૧૬ના રોજ કન્હૈયાને જામીનનો આદેશ આપતી વખતે ખૂબ જ આકરી ટીપ્પણી પણ કરી હતી કે રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ આવે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રવિરોધી વલણ ચેપ જેવું છે. તે વ્યાપક રીતે ફેલાઈ જાય તે પહેલાં તેને અંકુશમાં/મટાડવું જરૂરી છે. આજે એ કન્હૈયાકુમાર છુટ્ટો ફરે છે અને કાશ્મીરની સેના બળાત્કારી છે તેવા આક્ષેપ પણ બિન્દાસ્ત કરી રહ્યો છે. એટલું જ નહીં તે સામ્યવાદીઓ માટે ચૂંટણી પ્રચાર પણ કરે છે. પરંતુ જો કન્હૈયા ચીનમાં હોત તો? તેને જેલમાં પૂરી દેવાયો હોત.
ચીને બીજું એ કર્યું કે તિબેટની બહાર જે મૂળ ચીની લોકો હતા તેમને ચીનમાં વસવા માટે વિવિધ સગવડો જેમ કે બૉનસ અને જીવવાની સારી સ્થિતિનાં પ્રલોભનો આપ્યાં. તિબેટના વિકાસના નામે શિક્ષકો, ડૉક્ટરો અને વહીવટકર્તાઓને ત્યાં વસાવ્યા. ૧૯૪૯માં સામ્યવાદી સરકાર આવી ત્યારે તિબેટમાં મૂળ ચીની એટલે કે ‘હાન’ રહેવાસી માત્ર ૩૦૦થી ૪૦૦ જ હતા, પરંતુ ૧૯૯૨માં તેમની સંખ્યા ૪૦,૩૮૭ થઈ ગઈ.
પરિસ્થિતિ એ થઈ છે કે તિબેટનો આર્થિક વિકાસ તો થયો જ છે, તેનું સકલ ઘરેલુ ઉત્પાદન ૧૨ ટકાના વાર્ષિક દરે વધી રહ્યું છે, જે ચીનના વાર્ષિક સરેરાશ કરતાં પણ વધુ છે, સાથે જે ફાવી રહ્યા છે તે તિબેટના મૂળ વાસી નથી, પરંતુ ચીનથી કમાવવા આવતા લોકો એટલે કે હાન (એક જાતિ) છે. તેઓ ધંધા અને નોકરીમાં તિબેટિયનોને પછાડી દે છે. તિબેટિયનોને નોકરી મળે છે તો તે પણ નીચલા દરજ્જાની.
આની સામે આપણે ત્યાં પરિસ્થિતિ શું થઈ? જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ (આપણે ખાલી કાશ્મીર જ બોલીએ છીએ પણ આખું રાજ્ય આ ત્રણ પ્રદેશોનું બનેલું છે)ના કાશ્મીરનું વર્ષોથી ઈસ્લામીકરણ થતું રહ્યું. છેક આઠમી સદીથી ત્યાં અફઘાન અને તુર્કો અને આરબોએ આક્રમણ કરવાનું શરૂ કર્યું ત્યારથી. ઝુલ્જુ નામનો આક્રમણખોર પોતાની સાથે પચાસ હજાર બ્રાહ્મણોને દાસ તરીકે લઈ ગયો હતો. (જોનરાજનું ‘દ્વિતીય રાજતરંગિણી’ પુસ્તક) સિકંદર બુટ્શિકન નામના આક્રમણખોરે ૨૪૦ કિલોગ્રામ જનોઈ ભેગી કરી હોવાનું કહેવાય છે. ત્યારથી લઈને સ્વતંત્રતા પછી શૈખ અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લાના સમયમાં કાશ્મીરનું ઇસ્લામીકરણ થતું રહ્યું, સરકારી કચેરીઓથી લઈને પોલીસ, બધે જ પાકિસ્તાન પ્રેમીઓ ઘૂસી ગયા.
એટલું જ નહીં, ૧૯૯૦માં તો એક વ્યવસ્થિત ષડયંત્રપૂર્વક કાશ્મીરી પંડિતોને અત્યાચાર, હત્યા, બળાત્કાર એમ અનેક રીતે ખદેડી દેવાયા. આનું કારણ આપણે ચીનની જેમ કાશ્મીરમાં જનસંખ્યાનું ગણિત બદલવા વિચાર્યું નહીં. કદાચ આપણે લોકશાહીમાં અને અહિંસા-શાંતિના સિદ્ધાંતમાં માનતા હતા, પરંતુ જ્યારે કાશ્મીરી પંડિતોને ત્યાંથી કાઢી મૂકાયા છે ત્યારે તો તેના પુનર્વસવાટની ફિકર હોવી જોઈએ ને. ૨૦૧૫માં આ મામલો ચગ્યો હતો પરંતુ ત્યાંના અલગાવવાદીઓએ વિરોધ કર્યો એટલે તેને અભેરાઈ પર મૂકી દેવાયો છે. પૂર્વ સૈનિકોના વસવાટની પણ યોજના હતી પરંતુ તેની ખાલી વાતો થઈને રહી ગઈ હોય તેમ લાગે છે. ઉલટાનું ત્યાં મ્યાનમારમાં બૌદ્ધો દ્વારા ભગાડાયેલા ૧૦ હજાર રોહિંગ્યા મુસ્લિમો આવી ચડ્યા હોવાના ગત એપ્રિલના અહેવાલો હતા. બાંગ્લાદેશીઓને તો આપણે કાઢી શકતા નથી, હવે રોહિંગ્યાનું આ નવું શિરોદર્દ!
૧૯૪૯માં સામ્યવાદીઓ સત્તામાં આવ્યા ત્યારથી જ ચીને તિબેટવાસીઓ માટે ચાઇનીઝ ભાષામાં શિક્ષણ લેવાનું ફરજિયાત બનાવી દીધું છે. સરકારી નોકરીમાં પણ તિબેટની ભાષા હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી અથવા ઉર્દૂ ભાષામાં શિક્ષણ અપાય છે. ઉર્દૂ ભાષા ત્યાંના મુસ્લિમોને મુખ્યપ્રવાહમાં ભળવા દેતી નથી. સરકારે હિન્દી માધ્યમને વધુ ઉત્તેજન આપવાની જરૂર હતી.
ચીને તિબેટમાં આંતરમાળખા સહિત વિકાસ ખરેખર કર્યો છે. તે તિબેટ માટે જંગી નાણાં ફાળવે છે પરંતુ આ નાણાં તિબેટના ચીની સત્તાધીશોના ખિસ્સામાં નથી જતા જ્યારે ભારતમાં કાશ્મીર માટેનાં નાણાં અત્યાર સુધી ત્યાંના સત્તાધીશોના ઘરમાં જ ગયા છે અને કાશ્મીરમાં વિકાસના નામે મીંડું રહ્યું. જોકે હવે કાશ્મીરમાં એઇમ્સ, ચેનાની-નશરી ટનલ, ઉધમપુર-કટરા ટ્રેન વગેરે દ્વારા વિકાસ શરૂ થયો છે ખરો.
ચીને તો તિબેટને બળજબરીપૂર્વક પચાવી પાડ્યું. આપણો તો આવો કિસ્સો નથી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ આપણું જ હતું. તેને ભારતના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે આપણે ચીનની નીતિનો આપણી મર્યાદામાં અમલ જરૂર કરવો જોઈએ.
હવે આપણે જોઈએ કે ચીનની જગ્યાએ ઈઝરાયેલ હોત તો તે શું કરત?
ઈઝરાયેલમાં યહૂદીઓ પર અસંખ્ય અત્યાચારો થયા, આક્રમણો થયા જેના કારણે તેમને તેમની જમીન છોડીને વિદેશોમાં શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી, પરંતુ તેમના જ પૂર્વજ ઈબ્રાહિમના વંશજો દ્વારા સ્થપાયેલા બે પંથો- ખ્રિસ્તી અને ઇસ્લામની નફરતનો તેમને એટલી હદે સામનો કરવો પડ્યો કે વિદેશોમાં જ્યાં પણ ગયા ત્યાં તેમના પર અત્યાચારો થયા. નોકરીઓમાં સ્થાન ન મળતું. આ નફરત માટે અંગ્રેજીમાં એન્ટી સિમેટિઝમ શબ્દ વપરાય છે. યહૂદીઓની જર્નલ ‘એવોતાયનૂ’માં નિસ્સિમ મોસીસના ૧ જુલાઈ ૨૦૦૭ના લેખમાં નોંધવામાં આવ્યું છે કે એક માત્ર ભારત દેશ હતો જ્યાં યહૂદીઓ (તો શું એક પણ પંથ) પ્રત્યે નફરત જોવા નથી મળી. ૧૯મી સદીના ઉત્તરાર્ધથી ઝિયોનિઝમ ચળવળ શરૂ થઈ અને ઈઝરાયેલીઓ વિશ્વમાં જ્યાં પણ વસતા હોય, જે પણ સ્થિતિમાં હોય- સારી કે ખરાબ, તેને છોડી-છોડી ઈઝરાયેલની ભૂમિમાં રહેવા આવવા લાગ્યા. આ ભૂમિ આરબોએ પચાવી પાડી હતી. આથી તેમની સામે તેમને સંઘર્ષ ચાલુ થયો. ૧૯૪૮માં અંતે યહૂદીઓને ઈઝરાયેલના રૂપમાં પોતાનું રાષ્ટ્ર મળી ગયું.
તેમનો ઇતિહાસ જોતાં, તેમના પર ચોતરફથી ઇસ્લામિક રાષ્ટ્રોના આક્રમણોને ધ્યાનમાં લેતા, જો ઈઝરાયેલને કાશ્મીર જેવી સમસ્યા હોત તો તેઓ શું કરત? પહેલાં તો તે શત્રુ રાષ્ટ્રને શક્તિશાળી જ ન બનવા દે. તેણે ૧૯૮૧માં હવાઈ હુમલો કરીને ઈરાનના પરમાણુ રિએક્ટરનો નાશ કર્યો હતો. ૧૯૭૨ની ઓલિમ્પિકમાં ઈઝરાયેલના ૧૧ ખેલાડીઓની પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથ બ્લેક સપ્ટેમ્બરે હત્યા કરી. તેના જવાબમાં તેઓ મીણબત્તી કૂચ યોજીને અને ત્રાસવાદને કોઈ ધર્મ નથી હોતો તેવી શાંતિની સૂફીયાણી વાતો કરીને કે આખી દુનિયામાં પ્રવાસ કરીને પેલેસ્ટાઇન કેવું ત્રાસવાદી છે અને તેને સહાય આપવાની બંધ કરવી જોઈએ તેવો પ્રચાર કરીને બેસી ન રહ્યા. આવી બાબતોમાં સમય વેડફવાના બદલે, ઈઝરાયેલની મોસાદ નામની જાસૂસી સંસ્થાએ એક ગુપ્ત કાર્યવાહી હાથ ધરી. તેને નામ અપાયું ‘ઑપરેશન રૅથ ઑફ ગૉડ’. બાર વર્ષ આ કાર્યવાહી (ઑપરેશન) ચાલ્યું અને હુમલામાં સંડોવાયેલા એક-એક ત્રાસવાદીનો સફાયો કરાયો.
ભારત પર તો અસંખ્ય ત્રાસવાદી હુમલા થયા છે. કાશ્મીરમાં ૧૯૭૧થી ત્રાસવાદ ચાલુ છે. પહેલાં જેકેએલએફ દ્વારા ત્રાસવાદ ફેલાયો. તેનો નેતા યાસીન મલિક આજે પણ છૂટો ફરે છે. ત્યાર બાદ હિઝબુલ મુઝાહિદ્દીનનો મસૂદ અઝહરને જેલમાં પૂરી દેવાયો. તેનું પરિણામ એ આવ્યું કે ૧૯૯૯માં કાઠમંડુથી દિલ્લીની ફ્લાઇટનું અપહરણ કરાયું અને આપણને ૧૭૬ મુસાફરોના જીવ બચાવવા મસૂદ અઝહરને છોડવાની ફરજ પડી. તેના કારણે ૨૦૧૬માં પઠાણકોટ પર હુમલો થયો, આપણા સાત જવાનો અને એક નાગરિકનું મૃત્યુ થયું. આ મસૂદ અઝહર આજે પણ પાકિસ્તાનમાં હરેફરે છે અને ભારત વિરોધી ત્રાસવાદને ઉશ્કેરે છે. ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ૨૫૭ જણાનાં મૃત્યુ થયાં. તેનો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં રાજ્યાશ્રય મેળવીને જલસા કરે છે. હાફીઝ સઈદ પણ ભારતમાં હુમલાઓ કરાવતો રહ્યો છે. તેનાં ભાષણો પણ ઉશ્કેરણીજનક હોય છે. તેને પણ ભારત કંઈ કરી શકતું નથી. ભારતમાં વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી હોય, મનમોહનસિંહ હોય કે નરેન્દ્ર મોદી, બધા આખી દુનિયા ફરી માત્ર પાકિસ્તાન વિરોધી રાગ આલાપે છે અને તે પણ પાકિસ્તાનનું નામ લીધા વગર! અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ આ ત્રાસવાદ ઇસ્લામિક ત્રાસવાદ છે તેમ કહેવાની પણ હિંમત નથી કોઈનામાં.
ઈઝરાયેલે પણ ચીનની જેમ વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટી જેવા પ્રદેશ જેને દુનિયા વિવાદિત ગણાવે છે ત્યાં પોતાના ૩.૭૧ લાખ સૈનિકો વસાવ્યા છે. પૂર્વ જેરુસલેમમાં પણ ૨.૧૨ લાખ યહૂદીઓને વસાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આના વિરુદ્ધ બોલતો રહે છે પરંતુ ઈઝરાયેલ તેને ગણકારતું જ નથી.
ચીને તિબેટમાં વિદેશી પત્રકારો પર પ્રતિબંધ મૂક્યો છે. આપણે તો વિદેશી પત્રકારોને કાશ્મીર બતાવીએ છીએ કે જુઓ અહીં કેવી લોકશાહી છે, કેવી સ્વતંત્રતા છે. વિદેશીઓના મત પર ચાલવાનું ક્યાં સુધી આપણે આધાર રાખીશું? આપણી તાકાત હશે તો વિદેશીઓ આપણી સામે ઝૂકશે જ અને કાશ્મીર પર બોલવાનું બંધ કરી દેશે, પરંતુ જો આપણે નબળા હોઈશું તો ગમે તેટલું વિદેશી પત્રકારોને કાશ્મીર બતાવીશું તેઓ કાશ્મીરને વિવાદિત પ્રદેશ જ ગણાવતા રહેશે અને ઇન્ડિયન એડ્મિનિસ્ટર્ડ કાશ્મીર લેખાવતા રહેશે.
ચીને તિબેટમાં સાંપ્રદાયિક સ્વતંત્રતા પર પણ મર્યાદાઓ મૂકી છે. તિબેટીઓના સંપ્રદાયગુરુ દલાઈ લામા તિબેટ તો નથી જ જઈ શકતા પરંતુ તે બીજા કોઈ પણ દેશમાં જાય તો ચીન વિરોધ કરે છે. ચીન રોષે ન ભરાય તે માટે દક્ષિણ આફ્રિકાએ ૨૦૦૯માં દલાઈ લામાની મુલાકાત અટકાવી હતી. તિબેટમાં દલાઈ લામાની તસવીરો પણ કોઈ રાખી શકતું નથી. દલાઈ લામાના ઘર પોટાલા પેલેસની મુલાકાત લેવા કોઈ શ્રદ્ધાળુ જાય તો લાઉડસ્પીકર પર સામ્યવાદી પક્ષનો પ્રચાર સંભળાય છે: “આપણે ચીન રાષ્ટ્રનો હિસ્સો છીએ, મહાન ભવિષ્ય માટે પ્રદાન કરી રહ્યા છીએ- આપણે ચીની લોકો છીએ.” આવો પ્રચાર કાશ્મીરમાં આપણી સરકારો મસ્જિદો અને મદરેસાઓ પર કેમ કરી શકતી નથી? આમાં કોઈ ધર્મની વાત નથી આવતી. અને કાશ્મીર તો શું, દેશના દરેક ઉપાસનાસ્થાન પર આવો પ્રચાર કરાવો જોઈએ.
ચીનમાં કોઈ પણ પંથ જો રાજકીય વિદ્રોહ કરે તો તેની સામે આકરા પગલાં લેવાય છે. ૧૮૫૧થી ૧૮૬૪ દરમિયાન ખ્રિસ્તીઓનો વિદ્રોહ થયો હતો જેને તાઇપિંગ બળવા તરીકે ઉલ્લેખાય છે. તે વખતે કિંગ વંશનું શાસન હતું તેણે આ વિદ્રોહને નિર્દયતાથી કચડી નાખ્યો હતો. અત્યારે પણ ચીન ખ્રિસ્તીઓને અંકુશમાં રાખે છે. બે વર્ષ પહેલાં ચીન સરકારે ઝેજિયાંગ પ્રાંતમાં ૧,૭૦૦ ચર્ચો પરથી ક્રોસ ઉતરાવી દીધા હતા. એટલું જ નહીં ત્યાં તેમના પર નજર રહે તે માટે ઇલેક્ટ્રૉનિક સાધનો પણ મૂકવા ફરજ પાડી હતી. આપણે કાશ્મીરમાં મસ્જિદો અને મદરેસાઓમાં આવું શા માટે ન કરી શકીએ? ચીનમાં નાતાલની જાહેર ઉજવણી પર પણ પ્રતિબંધ છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે તો ખુલ્લી ચેતવણી આપી છે કે કોઈ પણ પંથ કે સમુદાય દ્વારા વિદેશીઓની ઘૂસણખોરી કે સાંપ્રદાયિક ઉગ્રવાદ સાંખી નહીં લેવાય.
ઉપરાંત શીનજિયાંગ પ્રાંતમાં કટ્ટરવાદી મુસ્લિમો સ્વતંત્રતાની લડત ચલાવે છે. આથી ત્યાં બુરખા, લાંબી દાઢી, સદ્દામ, જેહાદ, ઈમામ, મક્કા-મદીના, કુરાન, ઇસ્લામ, હાજી જેવાં નામો રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. બહારથી આવતા શ્રદ્ધાળુઓ અને મસ્જિદો પર ચાંપતી નજર રખાય છે. રમઝાનમાં રોજા રાખવા પર પણ પ્રતિબંધ છે.
એ તો જાણીતું છે કે ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ કાશ્મીરી પંડિતોનો નરસંહાર કરવા માટેનો આદેશ મસ્જિદોમાંથી છૂટ્યો હતો તો તાજેતરમાં કાશ્મીરના ડીએસપી અય્યૂબ પંડિતની હત્યા થઈ ત્યારે પણ તેઓ મસ્જિદની બહાર સુરક્ષા કરી રહ્યા હતા અને એમ મનાય છે કે મસ્જિદની અંદર અલગતાવાદી મીરવાઇઝ ઉમર ફારુકે લોકોની ઉશ્કેરણી કરી હોવાની પૂરી સંભાવના છે. ચીનની જેમ કાશ્મીરમાં મસ્જિદો પર સુરક્ષાનાં સાધનો અને લોકોને સાંપ્રદાયિક કારણોસર એકત્ર થતા રોકવાના નિયમો કેમ ન લાદી શકાય?
માત્ર ઊંચા જીડીપી, પહોળા રોડ, ચમકતા સાઇનબૉર્ડ, મોટી મોટી કારો, બુલેટ ટ્રેનથી જ વિકાસ નહીં સધાય. દેશની અંદર કાશ્મીર, છત્તીસગઢ વગેરેમાં જ્યાં સુધી અલગતાવાદચાલતો રહેશે, આપણા મહામૂલા જવાનો અને નાગરિકો શહીદ થતા રહેશે ત્યાં સુધી આ વિકાસ અધૂરો ગણાશે.