media, sanjog news, vichar valonun

આઠ કૉલમ અને બાઇટની દુનિયામાં ખોવાયો છે પત્રકાર

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૭/૧૮)

પત્રકારત્વ જગત માટે તાજેતરમાં ત્રણ આઘાતજનક સમાચાર આવ્યા. એક તો ‘ભાસ્કર’ સમૂહના નેશનલ એડિટર કલ્પેશ યાજ્ઞિકની આત્મહત્યાના. ‘અસંભવની વિરુદ્ધ’ એવી કૉલમ લખતા તંત્રી આત્મહત્યા કરે તેવું માનવામાં જ ન આવે. શરૂઆતમાં તો તેમનું અવસાન હૃદયરોગના હુમલાથી થયાના સમાચાર ‘ફેલાયા’. પછી પોલીસ ચિત્રમાં આવી અને ‘આત્મહત્યા’ કર્યાની પુષ્ટિ થઈ. આ આત્મહત્યા પાછળ અનેક કારણોની ચર્ચા/ગોસિપો ચાલી રહી છે. એક પત્રકાર-કૉલમિસ્ટના અવસાન પાછળનું રહસ્ય ક્યારેય બહાર આવશે? કદાચ નહીં. સંજય ગાંધી હોય કે સુનંદા પુષ્કર, આવા મોટા લોકોના રહસ્યમય મૃત્યુ વિશે રહસ્ય અને તેમના વિશે થતી વાતો ક્યારેય અટકતી નથી.

બીજા સમાચાર એટલે એક ગુજરાતી સમાચાર ચેનલમાં વરસાદનું થોડું પાણી ભરાયું તેને ચાર-પાંચ ફૂટ તરીકે રિપૉર્ટર દ્વારા વર્ણવાયું. ત્રીજા સમાચારમાં એક જગ્યાએ વરસાદનું એટલું પાણી નહોતું ભરાયું તો લીંબડી પાસે રણોલ ગામમાં લોકોને પાણીમાં બેસી જવા કહ્યું અને કેમેરા ટ્રિકથી તેઓ પાણીમાં ગળાડૂબ હોય તેમ દેખાડાયું.

પત્રકારને કેવું સ્ટ્રેસ? પત્રકાર તો મજાની જિંદગી જીવે. રોકટોક વિના ગમે ત્યાં જઈ શકે. પૉલિટિશિયન, પોલીસ અને પ્રૉસિક્યૂટર (વકીલો) સહિતના ત્રણેય ‘પી’ (અંગ્રેજી મૂળાક્ષર) ચોથા ‘પી’ એટલે કે પ્રેસ (પત્રકારો)ને હંમેશાં નમસ્કાર કરતા ફરે. તેમની ઓળખાણો નરેન્દ્ર મોદીથી માંડીને મેયર સુધી, રતન તાતાથી માંડીને કરશનભાઈ પટેલ સુધી, અમિતાભ બચ્ચનથી માંડીને નરેશ કનોડિયા સુધી, વિરાટ કોહલીથી લઈને પાર્થિવ પટેલ સુધી હોય. ચપટી વગાડતાં તેમનાં કામ થઈ જાય. તેમની અવગણના કરવાનું કોઈને પોસાય નહીં. તેમને અમેરિકામાં ડૉનાલ્ડ ટ્રમ્પ શું કરે છે તેનાથી માંડીને આગામી લોકસભાની ચૂંટણીમાં કોનેકોને ટિકિટ મળવાની છે ત્યાં સુધી બધી જ જાણકારી હોય.

ટીવીની સમાચાર ચેનલોમાં કામ કરતાં એન્કરો (આમ તો કામ કરતી એન્કરો, કારણકે ટીવી પત્રકારત્વમાં મહિલા ચહેરા વધુ દેખાય છે)ને તો કેટલા જલસા! સુંદર કપડાં, સરસ મજાનો મેક-અપ કરીને ચિલ્ડ એસીવાળા સ્ટુડિયોમાં મોટા-મોટા લોકો સાથે ડિબેટ કરવાની. સમાચાર વાંચવાના. ગમે તેવા રાજકારણી હોય કે પોલીસ, લાઇવ ટેલિકાસ્ટમાં ‘કામ કેમ નથી કરતા’ તેમ પૂછવાની સત્તા!

ઉપર કહ્યા તેવા મતો પત્રકારો વિશે જનતામાં સામાન્ય રીતે હોય છે. આ વાતો સાચી, પરંતુ શું પત્રકાર પણ એક સામાન્ય માણસ નથી? ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, માર્કેટિંગ, મેનેજમેન્ટ, આઈ.ટી. એન્જિનિયર જેવા ક્ષેત્રના લોકોને જેવો સ્ટ્રેસ હોય છે તેવો જ સ્ટ્રેસ પત્રકારોને પણ હોય જ છે. ચીફ એડિટરથી માંડીને રિપૉર્ટર સુધી બધા આ અનુભવ કરે જ છે. દરેક પર ટીઆરપી સારા લાવવા કે સમાચારપત્રનું વેચાણ વધારવાનું દબાણ હોય છે. સાચો પત્રકાર ચોવીસે કલાક પત્રકાર તરીકે જ જીવતો હોય છે. તેને દરેક બાબતમાં કોઈક સ્ટૉરીની આશા હોય છે. કોઈ સમાચાર બને તો તેનું રસાળ શૈલીમાં નાનકડું પણ ધ્યાનાકર્ષક મથાળું શું બની શકે તે વિચારો તેના મગજમાં તરત ચાલુ થઈ જાય છે. તેના મગજમાં કોઈ વિચાર ઝબુકે એટલે તે અડધી રાત્રે કે મોડી રાત સુધી પણ પેનથી ડાયરીમાં કે હવે મોબાઇલના જમાનામાં કલરનૉટમાં ટપકાવવા લાગે છે.

પરંતુ આ બધી મહેનત પર ક્યારેક ‘ઉપરવાળા’ (શ્લેષ અભિપ્રેત છે) પાણી ફેરવી દે અને આવું વારંવાર બને ત્યારે તેના મનમાં સ્વાભાવિક જ નિરાશા જન્મે છે. કામ માટે સમય ન જોનારો પત્રકાર જ્યારે તેના કામની કદર તો ઘરે ગઈ, પરંતુ તેના વિચારો, તેની સ્ટૉરી, તેના હેડિંગ, તેના એન્કરિંગને પાણીમાં પધરાવવામાં આવે, કોઈ ‘પૉલિટિક્સ’ ખેલાઈ જાય, તેની જાણ બહાર તેની સ્ટૉરીનું એડિટિંગ કોઈ બીજાને અપાઈ જાય, તેણે આખી સ્ટૉરી કે પૂર્તિ માટે મહેનત કરી હોય, પરંતુ છેલ્લી ઘડીએ બૉસના માનીતા કોઈ પત્રકારનું નામ ક્રેડિટ લાઇનમાં ઘૂસી જાય ત્યારે આવો સાચો પત્રકાર પડી ભાંગતો હોય છે.

પોતે સારું કામ કરતો હોય પરંતુ નવા તંત્રી આવે એટલે ઊંચા પગારે લાવેલા પોતાના માનીતા પત્રકારને જ્યારે એ જ ‘બીટ’ સોંપી દઈ પોતાને કોઈ બીજી નકામી (જેમ આઈએએસ અધિકારીને સાવ નકામા વિભાગમાં ફેંકી દેવામાં આવે કે ધારાસભ્ય/સાંસદને નકામું ગણાતું ખાતું આપવામાં આવે તેમ) ‘બીટ’ સોંપવામાં આવે ત્યારે આ પત્રકારનું હૈયું રડી ઊઠતું હોય છે. પોતે જે સ્ટોરીનો આઇડિયા આપ્યો હોય તે જ સ્ટોરી એડિટરે બીજા કોઈને સોંપી દીધી હોય તે જાણીને પત્રકારને આઘાત લાગવો સ્વાભાવિક છે. પોતે ઘણી મહેનત કરીને, દોડધામ કરીને, કોઈ ઑફિસમાં અજાણી વ્યક્તિ તરીકે ઘૂસ મારીને ઉદ્યોગપતિ-મંત્રી-પોલીસનું કૌભાંડ શોધી લાવ્યો હોય અને તે સ્ટોરી આવા વ્યક્તિ સાથે ‘સેટિંગ’ થઈ જવાથી ‘કિલ’ થઈ જાય ત્યારે પત્રકારની મનોદશા કલ્પના કોઈ ન કરી શકે.

સમાચાર કોને કહેવાય? સામાન્યતઃ વ્યાખ્યા આવી છે- કૂતરું માણસને કરડે તે સમાચાર ન કહેવાય, હા, માણસ કૂતરાને કરડે તો સમાચાર કહેવાય. ચીલાચાલુ સ્ટૉરી નહીં, મસાલેદાર, ધમાકેદાર સ્ટૉરી અખબાર વેચવા કે ન્યૂઝ ચૅનલ ચલાવવા જોઈએ. અખબારમાં હવે તસવીરોનું મહત્ત્વ યથાર્થ જ છે. તસવીરો માટે પણ ફૉટોગ્રાફરોની દોડધામની કલ્પના પત્રકારત્વ જગતની બહારના લોકો ન કરી શકે. સારા સમાચાર કે સારી તસવીર આવે તેની કદર મેનેજમેન્ટ તરફથી મોટા ભાગે નથી થતી, પરંતુ કોઈ સમાચાર ચૂક્યા કે ફૉટોગ્રાફર સારી તસવીર ન લાવી શક્યો તો આવી બન્યું! શહેરોમાં કેટલી બધી ઇવેન્ટ થતી હોય, તે બધી ઇવેન્ટ એક અખબારના જૂજ ફૉટોગ્રાફરોએ કવર કરવાની હોય. એટલે બાઇક કે કારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની મારામારી, વળી, સમયસર એ ફૉટો મોકલવાની મગજમારી…આ બધી પડદા પાછળની કવાયત છે. જનતા તો બીજા દિવસે સારો ફૉટો જોઈને રાજી થાય. કેટલા લોકો એ ફૉટો જોઈને તેના તસવીરકારનું નામ વાંચતા અને યાદ રાખતા હશે?

ઘણા વાચકોની યાદશક્તિ અદ્ભુત હોય છે. સ્વ. હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો રમૂજી કિસ્સો છે. “ઝરમર વરસાદ પડતો હતો. માંડ એક રિક્ષા મળી. હું તેમાં બેસવા જતો હતો, ત્યાં બે યુવાનો મારી પાસે આવ્યા. બેમાંના એકે કુતૂહલથી મને પૂછ્યું : “તમે જ વિનોદ ભટ્ટ છો?” મને એમ કે જો હું હા પાડીશ તો કદાચ તે વધુ પૂછશે અથવા મારો ઑટૉગ્રાફ માગશે. આમાં ને આમાં માંડ મળેલી આ રિક્ષા હાથમાંથી છટકી જશે. તેથી મેં નમ્રતાથી જણાવ્યું કે “ના, હું વિનોદ ભટ્ટ નથી”, ને રિક્ષામાં ગોઠવાઈ ગયો, એટલે બીજા યુવકે પહેલા યુવકને કહ્યું કે હું નહોતો કહેતો કે વિનોદ ભટ્ટ આવો ન હોય?”

આજે તો ‘સંજોગ ન્યૂઝ’ સહિત સમાચારપત્રોમાં લેખકોનાં નામ ઉપરાંત ફોટોગ્રાફ પણ પ્રસિદ્ધ થાય છે, ઇ-મેઇલ આઈડી પણ હોય છે, પરંતુ કેટલા વાચકો કૉલમિસ્ટોને ઓળખી શકે? એ તો જવા દો, પણ કેટલા વાચકો પોતે લેખનસામગ્રી માણી તે બદલ સમાચારપત્રોને ઇ-મેઇલ કે વૉટ્સએપ કરે છે? કૉલમિસ્ટોને માટે કદાચ સૌથી મોટું સન્માન કોઈ વાચક તેને પત્ર લખી કે રૂબરૂ મળે ત્યારે ઓળખીને તેનું લખાણ સાચા અર્થમાં (ખુશામત માટે નહીં) કેમ ગમ્યું તે કહે તે હોય છે.

ટીવીના રિપૉર્ટર અને કેમેરામેનનું કામ વધુ કપરું છે. તેમને વિઝ્યુલી સમાચાર બતાવવાના છે. અને એટલે જ દૃશ્યો સારાં હોવા જોઈએ. જેની સ્ટૉરી હોય તે વિઝ્યુઅલી સારી રીતે પ્રૅઝન્ટ થઈ શકે તેવી હોવી જોઈએ. સમાચારના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ પાસે નાનકડું નિવેદન (બાઇટ) લાવવું ફરજિયાત છે. જો તેમ ન હોય તો સ્ટૉરી ચાલે નહીં અને સ્ટ્રિંગરના કિસ્સામાં તો તેને પૈસા ન મળે. કદાચ ઉપરોક્ત કિસ્સા જેમાં રિપૉર્ટરે ચાલાકી કરી પાણીમાં બેસાડી કેમેરા ટ્રિકથી વધુ પાણી બતાવ્યું તેનું કારણ આ હોઈ શકે.

પત્રકાર માટે ઉનાળો, ચોમાસું કે શિયાળો, ત્રણેય ઋતુ સરખી. ૪૦થી ૪૫ ડિગ્રીમાં પણ સ્ટૉરી માટે કોઈએ સમય આપ્યો હોય તો દોડીને જવું પડે. વરસતા વરસાદમાં પણ ક્યાં ખાડો પડ્યો છે તેની જાણકારી લાવવી પડે. ટીવી પત્રકારને તો બિચારાને પલળતાંપલળતાં પણ સમાચાર આપવા પડે. અને આ બધામાં જે લોકો ઑફિસમાં કે સ્ટુડિયોમાં બેસીને કામ કરતા હોય છે તેમનો સ્ટ્રેસ ઓછો નથી હોતો. છેલ્લી ઘડીએ આવતી સ્ટૉરી વાંચી-મઠારી તેને આકર્ષક હેડિંગ આપીને જેટલી જગ્યા હોય તેમાં ફિટ બેસાડવાની છે. તેમાં જો જાહેરખબર આવી તો એડિટ કરવાની છે. આમ કરવા જતાં તેને સ્ટૉરી આપનાર પત્રકારના મનદુઃખનો સામનો પણ કરવાનો છે. સ્ટૉરીમાં કંઈ ચુકાય જાય તો પહેલો ઠપકો રિપૉર્ટરને નહીં, ડેસ્ક પરના કૉપી એડિટરને પડે છે. સ્ટુડિયોમાં બેસીને ઇનપુટનું કામ સંભાળતી વ્યક્તિને સાંભળવું પડે છે.

પત્રકાર તો ચોવીસ કલાક પત્રકાર હોય જ છે પરંતુ આજે બદલાયેલી કામ કરવાની પદ્ધતિમાં તેને ઑફિસ કે ઑફિસની બહાર દસ-બાર કલાક કામ કરવું પડે છે. વીકલી ઑફ જતા કરવા પડે છે. આ બધામાં પરિવાર-સામાજિક કામોને તે સમય ફાળવી શકતો નથી. ઘરમાં પત્ની કે પતિ માંદાં હોય તો ડૉક્ટર પાસે જવા માટે રજા કેટલાક કિસ્સામાં નથી પણ મળતી. બાળકોને પરીક્ષા હોય ત્યારે સરકારી કર્મચારી ફટાક દઈને રજા લઈ શકે છે, પરંતુ આવી સાહ્યબી પત્રકાર માટે નથી. પોતાનાં લગ્ન માટે પણ માંડ અઠવાડિયાની રજા મળતી હોય છે. અને તેની આગલા દિવસોમાં ઍડવાન્સમાં કામ પૂરું તો કરીને જવાનું જ. દિવાળી, બેસતું વર્ષ, નવરાત્રિ, ૩૧ જાન્યુઆરી લગભગ ઑફિસમાં જ વિતે છે.

રાતે ઉજાગરા, ખાવાપીવાના કોઈ ધડા નહીં, સતત સ્ટ્રેસ અને ટેન્શન.. પરિણામે સમાજ અને દેશનું આરોગ્ય સારું રહે તે માટે ઝઝૂમતા પત્રકારનું પોતાનું આરોગ્ય ક્યારે કથળી જાય છે, ક્યારે નાની ઉંમરે ધોળા વાળ થઈ જાય છે તે ખબર નથી પડતી. અને હવે વધુ ને વધુ પ્રૉફેશનલ અને ‘પ્રાઇવસી’ચાહક બનતા જતા સમાજમાં પત્રકારને સાજે-માંદે ખબર કાઢવાવાળું કોઈ ન આવે ત્યારે દુનિયાના રંગો સમજાઈ જાય છે. સ્ટૉરી માટે રોજ મળતા મિત્ર જેવા પત્રકારો ખરેખર મિત્રો હોય છે ખરા? કેટલા પત્રકારોના પરિવારો એકબીજાને ઓળખતા હશે? આવવાજવાનો સંબંધ હશે? કોઈ પત્રકારને શારીરિક-માનસિક કે આર્થિક તકલીફ પડે ત્યારે કેટલા પત્રકારો તેમને બીજી કોઈ મદદ તો ઘેર ગઈ, સધિયારો આપવા-હૂંફ આપવા પણ જાય છે?

એટલે જ હવે જ્યારે માહિતી અને મનોરંજનથી સભર ‘સંજોગ ન્યૂઝ’ વાંચો, કોઈ ચૅનલ જુઓ ત્યારે તેના આઠ કૉલમના આકર્ષક સમાચાર-લેખો પાછળનો પત્રકારોનો આ અકથ્ય સંઘર્ષ-પીડા-વેદના-મહેનત અચૂક યાદ કરજો.

Advertisements
gujarati films

ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન અને માધ્યમોની ઉપેક્ષા

બહુ દુઃખની વાત છે કે ગુજરાતના દિગ્ગજ સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદીનું નિધન થયું પણ ચેનલો કે (એકાદ છાપા સિવાય) મોટા ભાગના છાપાઓ માટે અંદરના પાનાના સમાચાર બની રહ્યા. તેને પહેલા પાને નહીં તો કમ સે કમ છેલ્લા પાને તો સ્થાન આપવા જેવું હતું જ. (તેઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.)  વિશેષ પેજ કરવાનું પણ એકાદને જ સૂજ્યું. તે માટે ‘દિવ્ય ભાસ્કર’ને અભિનંદન.

જો દક્ષિણના કોઈ આવા સ્ટારનું નિધન થયું હોત તો ત્યાં તો અનેકોએ આપઘાત કર્યો હોત! તેવા અંતિમની હિમાયત નથી, પણ ગુજરાતી ચેનલો કે છાપામાં હિન્દી સ્ટારના અવસાન વખતે જે રીતના સમાચાર-શ્રદ્ધાંજલિઓ આવે છે તે રીતની શ્રદ્ધાંજલિને લાયક શું ઉપેન્દ્રભાઈ નહોતા?

હું ‘દિવ્ય ભાસ્કર’ની ફિલ્મ પૂર્તિ ‘નવરંગ’નું સંપાદન કરતો ત્યારે અને તે પછી પણ મેં હિતેનકુમાર, નેહા મહેતા (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી), દીપક અંતાણી, સંદીપ પટેલ, કાજલ ઓઝા વૈદ્ય સહિતના  ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા મારા કલાકાર-લેખક-દિગ્દર્શક મિત્રોને આ વાત કરી છે જેનું હું પુનરાવર્તન કરું છું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ વિચારવા જેવું છે કે તેમની કોઈ વેબસાઇટ કે વિકિપિડિયા જેવું કંઈ કેમ નથી? ગુજરાતી ફિલ્મોની ફિલ્મોગ્રાફી મળી રહે તેવી કોઈ વ્યવસ્થા કેમ નથી? જેમ હિન્દી ફિલ્મોનાં અનેક સામયિકો અંગ્રેજી -હિન્દીમાં નીકળે છે તેમ ગુજરાતી ફિલ્મોદ્યોગને લગતા સમાચારો (પ્રેસ રિલિઝ જેવા નહીં, એવા સમાચારો બહુ ત્રાસદાયક હોય છે- એવા સમાચારો કોઈ પ્રધાને કરેલા ઉદ્ઘાટન જેવા હોય છે, એને છાપી ન જ શકાય) ને લગતું કોઈ સામયિક કેમ ન હોય? ગુજરાતી ફિલ્મોની મેકિંગની વાત, તેના  ગીતના મેકિંગની વાત કેમ ન થઈ શકે? પૈસા લગાડીને ફિલ્મો બનાવો છો તો પછી તેનો ઇતિહાસ, તેનું પ્રમોશન બરાબર થાય તેવી કાળજી પણ લો ને. હિતુ કનોડિયા, હિતેનકુમાર સહિતના કલાકારોએ પણ આ બાબતે જાગૃત થઈને પહેલ કરવા જેવી છે. હમણાંથી મલ્ટિપ્લેક્સમાં રિલિઝ થાય અને કથિત બૌદ્ધિક-ભદ્ર વર્ગને પણ ગમે તેવી ફિલ્મો આવવા લાગી છે તે ચોક્કસ સારી વાત છે. પરંતુ ગીત-સંગીત-બજેટ આ બધાની રીતે દક્ષિણ કે ઇવન બંગાળી જેવી ફિલ્મોની સરખામણીએ આપણે ચોક્કસ ઉતરતા છીએ.

ઉપેન્દ્રભાઈનું તત્ત્વચિંતન કેટલું ઊંચું હતું તે આ ઇન્ટરવ્યૂમાં જોવા મળે છે.

 

 

film, music

તૂ ગીત કા સાગર હૈ

2013-10-24-08-06-18_deco

મન્ના ડે. મહાન ગાયક આપણી વચ્ચે પાર્થિવ દેહ રૂપે ન રહ્યા,બાકી તેમનો ઘૂંટાયેલો,શાસ્ત્રીય તાલીમ પામેલો અવાજ તો હંમેશાં આપણા મન-મસ્તિષૂકમાં રહેશે જ. કાકા કે.સી.ડે અભિનેતા,ગાયક હતા. તેમના પગલે મન્ના ડે હિન્દી ફિલ્મની દુનિયામાં આવ્યા. જો મૂકેશ રાજ કપૂરનો પ્રથમ અવાજ ગણો તો મન્ના ડેને બીજો અવાજ ગણવા પડે.
પણ રાજ કપૂરના માનીતા શંકર જયચિશન સાથે તો સારાં ગીતો આપ્યા જ, પણ એ સિવાય સચીનદેવ બર્મન, રાહુલદેવ બર્મન, સલીલ ચૌધરી, કલ્યાણજી-આણંદજી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે પણ સુમધૂર ગીતોની હારમાળા સર્જી દીધી. કેટલાં ગીતો યાદ કરવા ને કેટલાં નહીં?
– દિલ કી ગિરહ ખોલ દો
– પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ
-મૂડ મૂડ કે ના દેખ
-હમ ભી હૈ તુમ ભી હો, દોનો હૈ આમને સામને
-આજા સનમ મધુર ચાંદની મેં હમ
-યે રાત ભીગી ભીગી
– જહાં મૈં જાતી હૂં વહી ચલે આતે હો
-લાગા ચુનરી મેં દાગ
-એ ભાઈ ઝરા દેખ કે ચલો
-ના તો કારવાં કી તલાશ હૈ
– ના માંગૂ સોના ચાંદી
-તૂ પ્યાર કા સાગર હૈ
– એ મેરે પ્યારે વતન
-પૂછો ના કૈસે મૈને રૈન બિતાઈ
-કસ્મે વાદે પ્યાર વફા
– નદીયા ચલે ચલે રે ધારા
-ઝિંદગી કૈસી હૈ પહેલી હાય
-જીવન ચલને કા નામ
-યે દોસ્તી હમ નહીં તોડેંગે
-યારી હૈ ઈમાન મેરા
તેમણે ગુજરાતીમાં પણ અફલાતૂન ગીતો આપ્યાં:
– ચરર ચરર મારું ચકડોળ ચાલે (જે નવરાત્રિમાં અનિવાર્ય ગીત બની ગયું છે)
-મારો હેલો સાંભળો જી
– વૈષ્ણવજન તો તેને કહીએ (ભલે બંગાળી ઉચ્ચારોની છાંટ સાંભળવા મળે, પણ ભલભલા ગુજરાતી ગાયકો કરતાં તેમના અવાજમાં સાંભળવાની મજા પડે)
મન્ના ડે મોટા ભાગે સાઇડ હીરો – જેમ કે મહેમૂદ કે અન્ય ચરિત્ર અભિનેતાઓના ગાયક બની રહ્યાં, પરંતુ રાજ કપૂરની ફિલ્મોમાં અને અન્ય ફિલ્મોમાં મૂકેશ, મોહમ્મદ રફી કે કિશોરકુમારના કંઠે મોટાભાગનાં ગીતો ગવાયેલાં હોય અને મન્નાડેના ભાગે એક જ ગીત આવ્યું હોય, પરંતુ એ એક જ ગીત બીજાં ગાયકોનાં ગીતો બરાબર હોય, યાદ કરી જુઓ
‘આનંદ’માં મૂકેશનાં ગીતો અને સામે મન્ના ડેનું એક ગીત.
‘દિવ્ય ભાસ્કર’માં હતો ત્યારે અમદાવાદ એક કાર્યક્રમમાં મન્ના ડેને સાક્ષાત ગાતા જોયા-સાંભળ્યા. એ વખતે સદ્નસીબે મારી માતા તરલાબહેન હયાત હતા અને તેમને પણ સાથે લઈ જઈ શકેલો. (મારા પિતા હોત તો તેમને કેટલો આનંદ થયો હોત તે કલ્પી શકતો નથી.) એ પછી તેમનો ઇન્ટરવ્યૂ પણ કરેલો. આ બધા સહિત મન્ના ડે વિશે તો ઘણી વાત લખવાની છે, પરંતુ અત્યારે એટલું જ.

media

પત્રકારોનો ‘ટાઇમ્સ’ : આપ આયે બહાર આઈ

પત્રકારોની આ મૌસમ છે. દસ વર્ષે આવી છે. આમ તો, લોકસભા કે વિધાનસભાની પેટા ચૂંટણી આવે તેમ ૨૦૦૭માં અડધી મૌસમ આવેલી જ્યારે ‘અમદાવાદ મિરર’, ‘ટીવી ૯’, ‘ગુજરાતી ઇકોનોમિક ટાઇમ્સ’, ગુજરાતી ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ વગેરે શરૂ થયાં અને ‘અભિયાન’ મુંબઈથી અમદાવાદ ખસેડાયું. પણ ૨૦૦૩માં “દિવ્ય ભાસ્કર” આવ્યું ત્યારે જેવો માહોલ હતો તેવો જ કંઈક અત્યારે “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા”નું ગુજરાતીમાં અખબાર આવવાથી થઈ રહ્યો છે.
પત્રકારો પોતે ઘણી વાર શોષણ વિશે લખતા હોય છે, પરંતુ તેઓ પોતે જ શોષિત હોય છે. (એના વિશે લખેલી પંક્તિઓ: દુનિયા બદલવા નીકળ્યા’તા, પત્રકારો પોતે જ બદલાઈ ગયા….https://jaywantpandya.wordpress.com/2013/05/07/%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA/) પત્રકારોમાં મૂળ તો સંગઠનનો અભાવ પહેલેથી રહ્યો છે. મોટા ભાગે (આઇ રિપિટ, મોટા ભાગે, બધા નહીં) પત્રકારો દેડકા જેવા છે. એકબીજાના ટાંટિયા ખેંચે. મેનેજમેન્ટની ચાપલૂસી કરે. અને પત્રકારો જ શા માટે? કોલમિસ્ટો, ટ્રાન્સલેટરોમાં પણ આવું જ છે. ઓછા પૈસે કામ કરવા તૈયાર થઈ જશે. કેટલાક પ્રોફેસરો તો માત્ર નામ છપાય તે માટે મફત અથવા તો ચણામમરાના ભાવે અનુવાદો કે કોલમો/પુસ્તકો લખતા હોય છે! આટલી મોંઘવારી વધી પણ પત્રકારોના પગારમાં છેલ્લા ઘણા સમયથી નોંધપાત્ર વધારો નહોતો થતો. હવે “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” આવવાથી જે વધારો મળે છે તે આમ જોઈએ તો માત્ર ખોટ સરભર થવા જેવું જ છે. વિચાર કરોને, અમદાવાદમાં છેલ્લાં દસ વર્ષમાં ઘરભાડાં -રીક્ષા ભાડાં કે બસ ભાડાં કેટલા વધ્યાં? પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા વધ્યા? તેના પગલે શાકભાજીના ભાવ, દૂધ, કઠોળ, ખાંડ, ચોખાના ભાવ કેટલા વધ્યા? સ્કૂલની ફી કેટલી વધી?કપડાં પગરખાંથી માંડીને બધી ચીજો બમણી કે ચાર ગણી મોંઘી થઈ છે. (આમાં ઘરનું ઘર લેવાની તો વાત જ નથી આવતી).

પત્રકારોને ન્યૂઝથી અપડેટ રહેવું પડે. તે માટે ઇન્ટરનેટ જોઈએ, કમ્પ્યૂટર જોઈએ, મોબાઇલ જોઈએ. ટીવી ચેનલો જોઈએ. ચેનલો જોવા સેટ ટોપ બોક્સ ફરજિયાત થઈ ગયું. (જોકે તેની સામે પત્રકારોએ ઓછું લખ્યું છે.) પણ પત્રકારોના પગાર વાજબી રીતે વધારવા પણ કેટલી મથામણ! ક્યારેક તો થાય કે એનાં કરતાં તો કડિયાદાડિયા, કેશકર્તનકારો કે ચાવાળાને સારું કે પેટ્રોલ કે ખાંડના ભાવ વધે એટલે ફટ દઈને પોતાના ભાવ વધારી નાખે. કરુણતા કે વિચિત્રતા તો એ છે કે લોકોના હક માટે લખતા પત્રકારને પોતાને નોકરી બદલવી હોય તો સાત તારીખે પગાર થઈ જાય તેની રાહ જોવી પડે (કારણકે નહીં તો  પગાર અટકાવી દેવામાં આવે.)
ખેર, આપણે રોદણાં નથી રોવા. આપણે તો હસવું છે. આનંદ કરવો છે. ગીત ગાવાંથી મોટો આનંદ કયો હોય? એમાંય પત્રકારોની આજની પરિસ્થિતિને અનુરૂપ ગીતો મળે તો? મળે શું કામ, મળી ગયાં છે…તો આવો આનંદ કરીએ…

(૧) છેલ્લા કેટલાય સમયથી બધા વિકલ્પની રાહમાં હતા. પણ વિકલ્પ ક્યાં હતો? ઇન મીન ને સાડે તીન…જેવો ઘાટ હતો. વળી, ૨૦૦૮માં મંદી આવી ને બિઝનેસ સ્ટાન્ડર્ડનું ગુજરાતી અખબાર બંધ થયું તે પગલે તો બેકારી આવી ગઈ હતી. કેટલાય પત્રકારો બેકાર થઈ ગયા હતા. પત્રકારો માટે જાણે એ પાનખર હતી. હવે વસંત આવી છે, જેને હિન્દીમાં ‘બહાર’ કહે છે. આ પરિસ્થિતિમાં આ ગીત કેટલું બંધ બેસે છે?

‘સારે ઝમાને પે, મૌસમ સુહાને પે
ઇસ દિલ દીવાને પે, વિરાની સી થી છાયી
આપ આયે બહાર આઈ હો ઓ ઓ’

(૨) હવે મોટા ભાગે પત્રકારોને નવી નોકરી માટે અખબારની કચેરી કરતાં બહાર કોઈ ખાણી પીણીના સ્થળે બોલાવાય છે. ત્યાં પત્રકાર પોતે અને સામે તંત્રી કે તેના પ્રતિનિધિ હોય છે. બીજું કોઈ હોતું નથી. બંને જણાને જો સોદો (સોદો શબ્દ જાણી જોઈને વાપર્યો છે. કારણકે જે વ્યક્તિ નોકરીએ રાખવા બેઠી છે તેને સામેવાળાનો પગાર ખબર હોય છે અને તે શાકબકાલું લેતા હોય તેમ સોદો કરે છે, જ્યારે નોકરી મેળવવા ગયેલો પત્રકાર પોતાનો પગાર વધારીને જ કહે છે અને જે અપેક્ષિત પગાર પણ વધારે કહે છે, પછી મકાન ખરીદતા હોય તેમ એકબીજા ઘટે- વધે. એ સોદો ન થયો તો શું થયું?)  થઈ જાય તો, આ ગીત ગવાતું હોય છે:

‘તૂ મુઝે કુબૂલ, મૈં તુઝે કુબૂલ,
ઇસ બાત કા ગવાહ ખુદા, ખુદા ગવાહ’

(૩) જે. પી. દત્તાની એક ફિલ્મ હતી – ‘બટવારા’. તેનું એક ગીત આ પરિપ્રેક્ષ્યમાં જુઓ:
પત્રકાર નવા વિકલ્પની રાહમાં હોય ત્યારે
‘તેરે વાસ્તે રે સજના નૈન મેરે જાગે રે જાગે’

વિકલ્પ મળી જાય પછી જૂની નોકરીને-જૂના બોસને
‘તૂ મેરા કૌન લાગે’

અને પછી ‘કાલિયા’નું આ ગીત :
‘કૌન કિસી કો બાંધ સકા, સૈયાદ તો એક દીવાના હૈ
તોડ કે પીંજરા એક ના એક દિન પંછી તો ઉડ જાના હૈ’

‘ભાભી’નું આ ગીત આ પણ ગાઈ શકાય:
‘ચલ ઉડ જા રે પંછી કે અબ યે દેસ હુઆ બૈગાના’

અને નવી નોકરી માટે :
ફિલ્મ ‘દિલવાલા’ ‘સાતોં જનમ મેં તેરે મૈં સાથ રહૂંગા યાર’

(૪) નવી નોકરી મળે એટલે ઉત્સાહ બહુ હોય અને ત્યારે ‘ચાલબાઝ’નું આ ગીત સાંભરે:
‘અરર મુઝ કો સંભાલો મૈં ચલા, રોક સકો તો રોક લો ઓ સાલો મૈં ચલા’

ત્યારે જૂની નોકરીનું મેનેજમેન્ટ આગળની પંક્તિ ગાય:
‘કહાં ચલાં (અભિવ્યક્તિની સ્વતંત્રતા, અસલ ગીતમાં કહાં ચલી તૂં છે) તૂ, લૌટ કે આ જા’

પણ ઘણી વાર નવી નોકરીમાં પાંસરું નય પડે અને થોડી વારમાં જ છોડી દેવું પડે ત્યારે આ જ ગીતની આગળની પંક્તિ કામમાં આવે:
‘અરર ગડબડ હો ગઈ, છુટ્ટી હો ગઈ.’

(૫) નવું અખબાર શરૂ થતું હોય એટલે મોટાં માથાંને (પત્રકારોમાં બોલાતી ભાષામાં) તોડવા પડે. ત્યારે નવું મેનેજમેન્ટ ‘નસીબ’ ફિલ્મનું આ ગીત ગાય:
‘ચલ ચલ મેરે ભાઈ, તેરે હાથ જોડતા હૂં, હાથ જોડતા હૂં, તેરે પાંવ પડતા હૂં’

ઘણી વાર આવા સમયે જૂનું મેનેજમેન્ટ પણ તેનાં મોટાં માથાંને આ જ રીતે ન જવા માટે હાથ પગ જોડે ત્યારે પેલો પત્રકાર આ ગીતની કડી ગાય કે:

‘અરે ટેક્સીવાલેને ભી ના બૈઠાયા (તુમને મેરા પગાર ના બઢાયા), ડમડમવાલે ને (એડિટરને) ચાબુક દિખાયા’

આવા સમયે જૂનું મેનેજમેન્ટ કેટલી હદે સમાધાન કરવા તૈયાર થઈ જાય. જુઓ આ પંક્તિ :
‘અપની પીઠ પર તુમ્હે બિઠાકર, ઘોડા બન કર લે મૈં દોડતા હૂં…ચલ ચલ મેરે ભાઈ”

પણ આ ખેંચતાણમાં નવા અખબાર કે ચેનલના તંત્રી કે અધિકારી કહે:
‘રૂક જાના નહીં, તૂ કહીં હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે’

અથવા ‘નમક હલાલ’નું આ ગીત પણ યાદ આવે તો ગાઈ શકે:
‘રાત બાકી, બાત બાકી, હોના હૈ જો, હો જાને દો
સોચો ના, દેખો તો, દેખો હાં, જાને જાં મુઝે પ્યાર સે’

(૬) ઘણા હતભાગી પણ હોય છે. નવું અખબાર કે ચેનલ આવતી હોય તેના કારણે સ્વાભાવિક છે કે નવી જગ્યાએ નહીં તો જે જૂના અખબારો છે કે ચેનલો છે તેમાં અવકાશ કે જગ્યા ઊભી થવાની જ, પણ તેઓ તેનો લાભ લઈ શકતા નથી અને જે લોકો તેનો લાભ લે છે તેને જોઈને દુઃખી થાય છે. તેમના માટે ‘હરિયાલી ઔર રાસ્તા’નું આ ગીત:

લાખોં તારેં આસમાન મેં, એક મગર ઢૂંઢે ના મિલા
દેખ કે દુનિયા (બીજા પત્રકારો) કી દિવાલી, દિલ મેરા ચૂપચાપ જલા

આવા કમનસીબ પત્રકારના ખુશનસીબ સાથીઓ નવી નોકરી મેળવી લે (અને ચા પીવાની કંપની ન રહે) ત્યારે તેઓ ‘બરસાત’નું આ ગીત ગાય:
છોડ ગયે બાલમ, મુઝે હાય અકેલા છોડ ગયે

(૭) પણ પત્રકારોમાં, મેં અગાઉ કહ્યું તેમ કટ્ટર સ્પર્ધા હોય છે. એટલે જ નવું અખબાર કે નવી ચેનલ લોંચ થવાની હોય ત્યારે બધાની નજર તેના પર મંડાઈ જાય, પણ બહુ ઓછા કબૂલે કે અમે લંગર નાખી દીધાં છે. એટલે તેઓ મનમાં એકબીજા માટે ‘કાલિયા’નું આ ગીત ગણગણે:
‘જહાં તેરી યે નઝર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ
બચ ના સકા કોઈ આયે કિતને, લંબે હૈ મેરે હાથ ઈતને’

(૮) ઘણા પત્રકારો ખૂબ જ કન્ફ્યૂઝ્ડ હોય છે. એમની ગાડીને સ્ટાર્ટ કરવા ધક્કા મારવા પડતા હોય છે. આવા પત્રકારોને તેમના સાથીદારો કહેતા હોય છે કે આ તક આવી છે તો ઝડપી લે, કાલે આ તક નહીં મળે:

‘આજ કા યે દિન કલ બન જાયે કા કલ, પીછે મૂડ કે ના દેખ પ્યારે આગે ચલ’

(૯) ફિલ્મી દુનિયાના હીરો કે હિરોઇનના કેટલાક જવાબોના અર્થ બીજા નીકળતા હોય છે, જેમ કે કોઈ નવરો હીરો બેઠો હોય તો એમ કહેશે કે મુઝે અચ્છી સ્ક્રિપ્ટ કી તલાશ હૈ, હીરો હિરોઇન વચ્ચે ચક્કર હોય તો કહેશે કે હમ તો સિર્ફ અચ્છે ફ્રેન્ડ હૈ….

એમ પત્રકારોનાય આવાં વિધાનો હોય છે:
– મને નવી ઓફર સારી મળી એટલે મેં સ્વીકારી લીધી…

(મોટાભાગે સામેથી ઓફર બોફર કંઈ હોતી નથી…પાર્ટીએ પોતે જ  કોન્ટેક્ટ કર્યો હોય છે…ગોઠવાઈ જાય એટલે પછી આવું કહેશે)
– મને સાહેબે સમજાવ્યો કે તારે કંઈ જવાનું નથી એટલે પછી મેં (નવી નોકરીને) ના પાડી દીધી…

(સાહેબ કંઈ સમજાવતા હોતા નથી, પણ આ તો શું..ટંગડી ઊંચી રાખવા….હકીકતે નવી નોકરી માટે પગાર-હોદ્દોમાં મેળ ન પડ્યો હોય એટલે…પાર્ટી આવું કહે)
– મનેય ઓફર હતી…મને ૧૧ લાખનું પેકેજ આપતા હતા.(આ ૧૧ લાખનું પેકેજ ઈ.સ. ૨૦૧૩નો ભાવ છે…) પણ હું તો આ ચેનલ કે અખબારને જ વફાદાર એટલે મેં ના પાડી.

(ના બા કાંઈ પાડી ન હોય…૧૧ લાખનું પેકેજ આપતા હોય તો કયો કાકો ના પાડે? આ તો શું કે પોતાનો ભાવ વધારવા માટે આવી વાત વહેતી મૂકે…નવી નોકરીમાં જોઈતો પગાર ન મળે એટલે જૂની નોકરીમાં પોતાનો ભાવ વધારી આપે તે માટે ગતકડું…)

-ઓફર તો સારી હતી, પણ આ ઉંમરે હવે કૂદકા ક્યાં મારવા?

(પાર્ટી એમ નથી કહેતી કે જ્યાં છે ત્યાં તેને સુરક્ષા લાગે છે અને એ જ પદ્ધતિએ કામ કરવાનું ફાવી ગયું છે. નવી જગ્યાએ નવી ટેક્નોલોજીમાં કામ કરવાની કે વધુ કલાકો કામ કરવાની દાનત-ત્રેવડ નથી.)
-હું તમને એક્સક્લુઝિવ સ્ટોરીઓ આપીશ. દસ બાર કલાક કામ કરીશ…

(નવી નોકરી મેળવવા આવા વાયદા કરનાર પત્રકારો વિશે નવા અખબાર કે ચેનલના તંત્રીને પણ ખબર જ હોય છે કે એની કઈ એક્સક્લુઝિવ સ્ટોરીઓ છે…એકાદ ગાંધી આશ્રમની સ્ટોરી હોય અથવા તો દર્પણ એકેડેમીની હોય અથવા તો પછી ઓર્ગેનિક ખેતીની હોય કે પછી ફલાણા ડીજીપીએ મોદી વિરુદ્ધ આવો બળાપો વ્યક્ત કર્યો હતો…ટૂંકમાં તેણે અગાઉની નોકરીની શરૂઆતમાં જે એક્સક્લુઝિવ સ્ટોરીઓ આપી હોય તે જ હોય…અને દસ બાર કલાક કામ કરીશ તેવું કહેતી વખતે તો તે એટલું જ બાકી રાખે છે કે કહેશો તો તમારા ઘરમાં આવીને કચરાપોતું પણ કરી જઈશ.)

 

personal, society

બાનો એક જ મંત્ર હતો : સૌ સારાં વાનાં થઈ જશે.

બા. માતા માટે આનાથી કોઈ રૂડો શબ્દ ન હોઈ શકે તેવું મારું દૃઢ માનવું છે. મા, માવડી અને માડી પણ વહાલા લાગે. આજે ‘મધર્સ ડે’ નિમિત્તે બધા ‘મધર્સ’ને યાદ કરશે, પણ મારે મારી બાને યાદ કરવી છે.

યાદ કરવી છે? કે કરવા છે? ના કરવી છે. બાને અમે તુંકારે જ બોલાવતા. અમારો પરિવાર એ પરિવાર હતો જેમાં પુરુષ અથવા પતિ અને પિતાનું ધાર્યું થતું. મારા પિતા જેમને અમે ‘ભાઈ’ કહેતા તેમના વિશે તો હું લખી ગયો છું, આજે મારી બા વિશે.

નામ એનું તરલાબહેન. હિંમતલાલ વેણીશંકર જાની અને લલિતાબાની ચાર દીકરીઓ અને એક દીકરામાં ચોથા ક્રમની દીકરી હતી મારી બા. સંયુક્ત કુટુંબમાં ઉછરેલી. લલિતાબા (મારા નાની)એ પણ ઘણો સંઘર્ષ કરેલો તે જોયેલો અને લલિતાબા પ્રેમની મૂર્તિ. સગાવ્હાલાથી લઈને મહેમાનો સુધી બધાની આગતાસ્વાગતા કરે. બધાને સારી રીતે રાખે. આ બધું તેણે જોયું હતું. લલિતાબા જેને મરજાદી કહેવાય તેવા હતા. હકીકતે તો આ ‘મરજાદી’ હોવું એ સારું છે, એમ ક્યારેક મને લાગે છે. તેનાથી બીમારી ન આવે. અમેરિકીઓ કે અન્ય વિદેશીઓ પણ મરજાદી છે જ. તેમના કોફી પીવાના કપરકાબી અલગ. જાજરૂ જાય તોય સાડલો બદલીને જ જાય. છેક છેલ્લી ઉંમર સુધી લલિતાબા, ઘસડાઈને ચાલવું પડતું ત્યારે પણ આ રીતે સાડલો બદલાવીને જતાં. વ્યવહાર પણ મોટો હતો. (ચાર દીકરીઓ, એક દીકરો, ત્રણ દિયર-દેરાણી, ભાઈ-ભાભી અને તેમનાં ત્રણેક સંતાનો, લલિતાબાની બહેનો –  આ બધાંનો વ્યવહાર અને તે વખતે તો એ સિવાય પણ ઘણે લાંબે સુધી વ્યવહાર કરવો પડતો – સાચવવો પડતો, એટલે એ વ્યવહાર તો મોટો જ કહેવાય.) ઘણા બધો વ્યવહાર સાચવતાં. મારા નાના હિંમતલાલને જોયાનું યાદ નથી, પણ લલિતાબા જેમને અપભ્રંશમાં અમે ‘લલતાબા’ કહેતા, તેમની સ્મૃતિઓ ઘણી તાજી છે. ગીતા મોઢે. પૂજાપાઠ છેક છેલ્લે સુધી કરતાં. મામાને ગરમ રોટલી પીરસવા જાય. અમે મામાના ઘરે ગયા હોઈએ તો પણ પીરસવા આવી જાય. અને પીરસવાનું એવું કે પૂછવાનું નહીં, રોટલી થાળીમાં મૂકી જ દેવાની. (કાઠિયાવાડમાં કહેવત છે, પીરસવામાં પૂછવાનું શું? પીરસી જ દેવાનું હોય.)

લલતાબાને ઘણાં વર્ષોથી પેટની તકલીફ હતી. તેઓ ઘઉં તો ખાઈ શકતાં જ નહોતાં. બટેટાપૌંઆ જેવું જ ખાય. હા, ઈચ્છા થાય તો એકાદ કણી ચાખી લે ખરાં. એમના માટે જ બટેટાપૌંઆ બનાવ્યા હોય તો એમની સાથે જમવા બેસીએ તો એમાંથી પણ આગ્રહ કરી લે. તેમના માટે તેમનો દીકરો, અમારા મામા, ‘બાબો’ જ હતો. તે જમવા બેઠા હોય તોય પીરસવા પહોંચી જાય…

જોયું? લખતો હતો મારી બા વિશે, પણ વાત થઈ ગઈ તેની બા વિશે. લલતાબા આવાં હોય તો મારી બા તેમની જ દીકરી હતી ને. હમણાં ગયા વર્ષે મારી બા જેવા જ મોટાં માસી જ્યોતિબાળા (જેને અમે મોટાં માસી જ કહેતાં) ગુજરી ગયાં. એ પણ મારી બા ગયાં પછી મારી બા જેવા જ હતા. તેમના ઘરે આરએમએસ સોસાયટી, મેમનગરમાં જઈએ ત્યારે ખૂબ જ પ્રેમભર્યો આવકારો (લલતાબા જેવો જ અને મારી બા જેવો જ) મળતો. તેમને ઘણા સમયથી હૃદયની બીમારી હતી. ચાલવા માટે સ્ટેન્ડ લેવું પડે. હું અને મારી પત્ની ગયાં હોઈએ તોય પાણી દેવા જાતે ઊભાં થવા જાય. તેમની અને તેમના ઘરે બનતી રસોઈ પણ બા જેવો જ સ્વાદ. મારે લગ્ન માટે કન્યા જોવા જવાનું હોય તો અમદાવાદમાં તેઓ મારી સાથે આવતાં. મારાં જેની સાથે લગ્ન થયાં તે ક્રિષ્નાને જોવા, તેના વાસણાના ફ્લેટે, સ્ટેન્ડની મદદથી ત્રણ દાદર ચડી ગયાં હતાં! ‘

અમદાવાદ ‘દિવ્ય ભાસ્કર’માં જોડાયો ત્યારે એકલો રહેતો હતો. તે વખતે એક તો, મારી બહુ જ ચિંતા કરતી મારી બહેન શીલા (જેને ઘરમાં શીલુ કહીએ છીએ) તે દોડીદોડીને મારી પાસે આવતી. તે અને મોટી બહેન સોનલ (જેને મારા ભાઈ અને બા શોભન કહેતાં, હું અને શીલુ બેની કહીએ) પણ મારી બાની સમાન જ. એટલે આજે મારી બા વિશે લખવું હતું પણ ભેગાભેગ મારા જીવનમાં બા સમાન ભૂમિકા ભજવનાર બધાં યાદ આવી રહ્યાં છે. હા, તો ‘દિવ્ય ભાસ્કર’માં જોડાયો ત્યારે એકલો રહેતો હતો. તે વખતે શીલુ મહેસાણાથી દોડીને આવી જતી. બનેવી મનીષભાઈ પણ અવારનવાર આવતા. અને બીજી તરફ, મોટાં માસીનો ફોન અચુક આવતો. હું વેકેશનમાં કોઈના ઘરે રોકાવા ગયો હોઉં અને લગભગ એકાદ મહિનો જેવું રોકાયું હોઉં તો તે મારા મામાના ઘરે નહીં, મારાં મોટા માસીના ઘરે.

અમદાવાદમાં ‘દિવ્ય ભાસ્કર’માં નોકરી મળી તે પછી તેમના ઘરે અઠવાડિયે – પંદર દિવસે અચૂક જવાનું થતું. ‘દિવ્ય ભાસ્કર’માં મુખ્ય સમાચારપત્ર કે ‘નવરંગ’ અને અન્ય પૂર્તિ – ટૂંકમાં ક્યાંય પણ મારા લેખ આવ્યાં હોય તે મોટાં માસીને નજરે પડી જ જતું. તેમને બધી ચીજોનું જ્ઞાન, ઘરમાં બેઠાંબેઠાં જ. એટલે તેમને ત્યાં ગયા હોઈએ તો આ બધી ચર્ચા પણ થાય. સગાવ્હાલાના ખબર પણ તેમને ત્યાં મળી જાય. અને માત્ર હું જ નહીં, અમારાં મોસાળપક્ષે જેટલા સગાવ્હાલાં રહે તેમના ક્ષેમકુશળની તેઓ ચિંતા કરે. દરેકના વ્યવહાર સચવાય તેનું તેઓ ધ્યાન રાખે. મારી બાનું ૨૦૦૬માં અવસાન થયું તે પછી મારી અને મારી પત્ની ક્રિષ્નાની ખબર પૂછવા અઠવાડિયે – પંદર દિવસે તેમનો ફોન અચુક આવે જ. અને તેમના પગ ઓછા ચાલતા હતા પણ તેમનો મીઠો અવાજ તો ફોન મારફતે, માત્ર મારા સુધી જ નહીં, અમદાવાદમાં રહેતાં અને ભાવનગર- પાલિતાણા – વાપી રહેતા અમારા દરેક સગાસંબધી સુધી પહોંચતો.

છેલ્લે ગયા વર્ષે માર્ચ મહિનામાં મેં ભાગવતકથા ભાવનગરમાં કરી હતી તો ત્યાંય તેઓ આવ્યાં હતાં. અને તે પછીના બે મહિનામાં બીમારી એવી વધી ગઈ કે ઊભાં જ ન થઈ શક્યાં. પણ એ બીમારીમાં પણ હું મળવા જાઉં ત્યારે ભાગવતકથાની વાતો કાઢે. એ મોટાં માસી ગુજરી ગયા તો પણ ક્યારે? ૧૯ જૂને! જે દિવસે મેં અને મારી બાએ મારા અમદાવાદના ઘરમાં પ્રવેશ કર્યો અને મેં મારો પહેલો મોબાઇલ ફોન લીધો હતો તે દિવસે? અને મારી સગાઈ થઈ હતી એ જ તારીખે – ૨૦ જૂને તેમને અગ્નિદાહ દેવાયો!

મોટાં માસી ગુજરી ગયા પછી બીજા માસી – નલિની માસી (પાલિતાણા) પાસેથી મારી બાની નાનપણની વાતો સાંભળવા મળી હતી. હા, મારી બા પણ નાનપણમાં રિસાઈ જતી. તે પણ અન્ય બાળકો જેવી જ હતી. પણ મેં તો તેને ક્યારે રિસાયેલી જોઈ? ના. અણગમો તેના ચહેરા પર જોવા મળતો. ભાઈ સાથે કોઈ વિવાદ થયો હોય કોઈ બાબતે તો અણગમો હોય, પણ તેના કારણે અમારી રસોઈ પર કે અન્ય કોઈ બાબતો પર અસર પડી હોય તેવું ક્યારેય નથી જોયું.

ભાવનગરમાં રહેતી મારી બા પરણીને પોરબંદર અને તે પછી માણાવદર અને રાણાવાવ બાવીસેક વર્ષ રહી. પોરબંદરમાં મારા કાકા અમારી સાથે રહેતા અને કોલેજમાં ભણતા. તેમને દીકરાની જેમ રાખ્યા (એ વખતે મારો જન્મ નહીં.) પણ રાણાવાવ તો સાવ ગામડું. ત્યાં પણ એડજસ્ટ કર્યું. ભાઈનો મહેમાનગતિવાળો સ્વભાવ હતો અને ગરમ સ્વભાવ પણ એવો જ. એટલે રોજ કોઈ ને કોઈ મહેમાન હોય જ. બા બધાને પ્રેમથી સાચવતી.

અમારાં ભણતર માટે થઈને ભાઈએ વડોદરા બદલી કરાવી, તો રાણાવાવથી સાવ અલગ જ સંસ્કૃતિ ધરાવતા વડોદરામાં પણ બા રહી. રાણાવાવમાં માયાળુ સ્વભાવ તો વડોદરામાં તો પાણી પણ પૂછીને આપવાનું (તેવી છાપ અમારા પર પડી છે. અને ચાપાણી કંઈ પણનો આગ્રહ હોય તો પૂછે અને ના પાડીએ કે હા પાડીએ, ‘સારું’ એવો જવાબ મળે જે અમારા જેવા પોરબંદર – રાણાવાવ કે ભાવનગરમાં રહેલા લોકોને જરા તોછડો લાગે.) ત્યાંથી એક જ વર્ષમાં, મારા દાદાની તબિયતના કારણે ભાવનગર જવાનું થયું તો પણ કોઈ વાંધો નહીં.

ભાવનગરમાં સંયુક્ત કુટુંબમાં રહેવાનું હતું. તેના પ્રશ્નો હતા, પણ દરેક રીતે તે એડજસ્ટ થતી. કોઈ વાર અલગ રહેવાની માગણી નહીં. અને ભાવનગરમાં પણ ભાઈ તો એના એ જ હતા. એટલે ઘરે કોઈ ને કોઈ મહેમાન – સગાંવ્હાલાં હોય. ભાઈની બહેનો હોય કે ભાઈને ભત્રીજાના બદલે તેમનો સગો ભાઈ ગણતાં ફઈઓ હોય (હા. તેમના દીકરા-દીકરીઓ સગપણમાં મારા ભાઈને ભાઈ-બહેનો થતાં પણ તેઓ ભાઈને મામા કહેતા અને ફઈઓ પણ ભાઈને રાખડી બાંધતાં! ન સમજાય તેવા અટપટા સંબંધો છે ને!). ભાઈની બહેનો જેવી ફઈમાં તો માત્ર એક સુશીલાફઈ જ છે અને બહેનોમાં માત્ર દીપ્તિફઈ (બકુફઈ) જ છે, પણ કોઈ એમ નહીં કહી શકે કે મારી બાએ કોઈને સાચવ્યા નથી.

ભાઈનો મેં કહ્યું તેમ ગરમ સ્વભાવ. જોકે હું જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેમનો સ્વભાવ શાંત થતો મેં જોયો. જોકે અમુક બાબતે તેઓ ક્યારેય બાંધછોડ ન કરી શકતા. માણાવદરમાં તેમની તબિયત સારી નહોતી રહેતી તે પછી તેઓ આયુર્વેદ શીખવા લાગ્યા હતા અને તેનું તેમણે સારું એવું જ્ઞાન મેળવી લીધું. એનું સૌથી મોટું ઉદાહરણ, મારો પોલિયો તેમણે મટાડેલો તે. આના કારણે અમુક શાક અમુક ઋતુમાં જ ખવાય તેવું માને. આ ચીજ આ રીતે જ કરાય તેવા દૃઢાગ્રહ. પણ મને કે મારી બહેનોને અમુક ચીજ ન ભાવે તો ભાઈ ઓફિસે જાય તે પછી બીજું શાક કરીને બા ખવરાવે. અને ઘણી વાર તો અમારી બધાની અલગ- અલગ પસંદગી અનુસાર બે શાક થતાં! બા રીંગણાંનો ઓળો – રોટલો સરસ બનાવતી. મને માત્ર રીંગણાનો ઓળો ન ભાવે તો મારા માટે બટેટા- રીંગણાનો ઓળો જુદો બનાવતી! અને જમવામાં ખરેખર જેને ફૂલ ડિશ કહેવાય તેવું અને તેટલું તે બનાવતી. બે શાક, દાળ કે કઢી, રોટલી, છાશ, ટીંડોરા કે ગાજરનો સંભારો હોય, તળેલાં મરચાં હોય, પાપડ હોય, અથાણાં તો હોય જ. ઉનાળામાં અથાણાં પણ બા ઘરે જ બનાવતી અને પતરી પણ ઘરે જ પાડતી. ચોખાના પાપડ પણ ઘરે જ બનતા અને આ સિવાય નોનસિઝનલ (બિનમૌસમી) નાસતા તો ઘરે તે બનાવતી જ બનાવતી. ચવાણુ, ચેવડો, ચક્રી, ગાઠિયા, ચોળાફળી…અને હા, એવું નહોતું કે ભાઈ નાસ્તા નહોતા લાવતા. ઘરમાં નાસ્તા તો ક્યારેય ખાલી જ ન હોય. ડબ્બા ભરેલા હોય, પણ છતાં. અમે મોટાં થતાં ગયાં તેમ અમારો ખોરાક વધતો હતો. બપોરે ચાની સાથે નાસ્તાની ઈચ્છા થાય તો ગરમાગરમ ખીચું બનાવી આપે. રોટલીનું શાક (છાશ વઘારીને લસણ નાખીને બનાવેલું ટેસ્ટી શાક.) બનાવી દે. ઢોસા, પાઉંભાજી, ઈડલી જેવું ફાસ્ટ ફૂડ પણ તે સરસ બનાવે. મારા ફુઆ શૈલેશભાઈને તો બાના હાથની તુર (તુવેર)ની દાળની ખીચડી બહુ જ ભાવે. વટાણા બટેટાનું શાક હોય કે ગુવાર બટેટાનું શાક, કે ચોળીનું શાક કે ટીંડોરાનું શાક કે પછી સરગવાનું શાક (એમાંય પાછું બટેટા સાથે લાલ રંગના રસાવાળું અને બીજું, ચણાના લોટવાળું) કે પછી કારેલાનું કે ભીંડાનું શાક કે મગ-મઠ કે ચણાં, દરેક શાક અને કઠોળ બાના હાથે સરસ બનતું. રોટલો અને ઓળો તો અફલાતૂન. અને માત્ર સવારની જ ડિશ ફૂલ હોય તેવું નહોતું. રાત્રે પણ જમવામાં ફૂલ ડિશ જ હોય! સવારનું શાક રાત્રે ન ચાલે. એટલે રાત્રે શાક અલગ બનાવવું પડે. સવારે રોટલી હોય તો રાત્રે ભાખરી અથવા થેપલા હોય. શિયાળો હોય તો બાજરાના રોટલા હોય. પણ બા? નાખી ન દેવું પડે એટલે સવારનું વધ્યું હોય તો ટાઢું ખાય. પણ એ ટાઢું ટેસ્ટી કેવી રીતે બનાવવું તે કોઈ બા આગળથી શીખે. માનો કે રોટલી ટાઢી પડી હોય તો ગરમ દાળમાં રોટલી નાખે. ઉપરથી તેલ અને મરચું નાખે. ક્યારેક લીંબુ પણ નીચોવે. દાળઢોકળી તૈયાર! ટાઢી ખીચડી હોય તો તેમાં તેલ, અથાણું, દહીં નાખીને ખાવાની. ટાઢા થેપલા કે ભાખરી હોય તો એક વાટકામાં તેલમાં મરચું, મીઠું અને ધાણાજીરું નાખીને તેની સાથે થેપલું કે ભાખરી ખાવાની. તેમાં દહીં પણ નાખી શકાય. (પ્રયોગ કરી જોજો! શું ટેસ્ટી લાગશે!) ભાત વધ્યો હોય તો ભાતને વઘારીને ખાવાનો.

અને ઘરમાં એકએક ચીજનું ઠેકાણું નક્કી હોય ત્યાં જ પડી હોય. લોટ ક્યાં હશે, ખાંડ કયા ડબ્બામાં હશે, અથાણાની બરણી ક્યાં પડી હશે, નાસ્તાના ડબ્બા ક્યાં હશે તે બધું જ ચોક્કસ સ્થાને જ. અંધારું હોય તોય મળી જાય.

ભાઈ એસબીએસ બેંકની નોકરીને પહેલું પ્રાધાન્ય આપતા. ફિલ્મો જોવા તો તેય લઈ જતા પણ તે રાજ કપૂરની. એટલે બા, ભાઈ ઓફિસે જાય પછી અમને ફિલ્મો જોવા લઈ જતી. આ રીતે અમે ‘શોર’ (મનોજકુમારવાળી), ‘ખૂન ભરી માંગ’ ‘ચાંદની’ વગેરે ફિલ્મો જોયેલી છે. એક અર્થમાં કહીએ તો બા જલસા કરાવતી. ગોળા (બરફના ગોળા) લઈ દે અથવા તો લેવાની છૂટ આપે. નાસ્તો કરવો હોય તો તે બનાવી દે. અરે! વડોદરામાં હું પાંચમું ધોરણ ભણતો હતો ત્યારે પતંગના શોખ માટે મારી સાથે મેદાનમાં પતંગ લૂટવા પણ તે આવી હતી!

ભાઈને લગ્નમાં ન જવાની બાધા હતી. એટલે ઘરના વ્યવહાર, બધા તે જ સાચવતી, ચાહે તે શ્વસુર પક્ષે હોય કે પિયર પક્ષે. કોણ કોનું સગું થાય, શું વિધિ થાય, શું અને કેટલો વ્યવહાર થાય તેનું તેને સુપેરે જ્ઞાન. ભાઈના ગયા (અવસાન) પછી પણ તેણે બધાં જ વ્યવહારો – બંને પક્ષે – સરસ રીતે સાચવ્યા.

હું બીએસસી પૂરું કરીને એમસીએ કરતો હતો અને પછી ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં નોકરી કરતો હતો તે વખતે બહુ મુશ્કેલી આવી – આર્થિક, સામાજિક, કૌટુંબિક અને માંદગી…દરેક પ્રકારની. એક તરફ, બહેનોનાં લગ્નનો પ્રશ્ન હતો. હું હજુ એમસીએ કરતો હતો. એવામાં ભાઈને પ્રોસ્ટેટ, પ્રોસ્ટેટ પછી ન્યુમોનિયા અને પછી કિડની ફેઇલનું નિદાન થયું. ૧૯૯૬માં ભાઈનું અમદાવાદમાં પ્રોસ્ટેટનું લેસરથી ઓપરેશન. ૧૯૯૭માં બેનીની પ્રેગ્નન્સી અને પછી મિસડિલિવરી! ૧૯૯૮માં ભાઈને ન્યુમોનિયા. કંઈ ખાવાનું ભાવે નહીં, પણ રોજ તેમને ભાવે એટલે નવી નવી ટેસ્ટી ચીજો બનાવી દે. તાવ શે વાતેય ઉતરતો નહોતો. વચલી બહેન શીલાની સગાઈ કરવા પણ ભાઈની નબળી તબિયતના કારણે તેમને ઘરે મૂકીને મહેસાણા ગયાં હતાં. ૧૯૯૮ના મેમાં તો ભાઈને ન્યુમોનિયાના કારણે તેમને સૂઈ જ રહેવું પડે તેમ હતું અને ૧૨ મેએ શીલાનાં લગ્ન હતાં અને તેય પાછા ભાવનગરમાં નહીં , અમદાવાદમાં! અજાણ્યા શહેરમાં લગ્ન. વિચારી જુઓ! ચિંતા કેટલી હશે, એક તરફ પતિની બીમારી, બીજી તરફ, દીકરીનાં લગ્ન. એય પાછા આર્યસમાજથી – સાદાઈથી હતા કારણકે શીલાના ફુઆજીનું અવસાન થયું હતું. એટલે તેમાં પાછા કયા સગાંવ્હાલાંને લઈ જવા અને કયાને નહીં, આ બધું ટેન્શન. લગ્ન માંડ ઉકલ્યા અને તે પછી કેટલાક પ્રશ્નો આવ્યા ત્યાં ૮ જૂને ભાઈને, તાવ ઉતરતો નહોતો (ન્યુમોનિયા તો નડિયાદ કિડની હોસ્પિટલમાં દાખલ થયા પછી ખબર પડી હતી) તે બતાવવા ભાવનગરના ડાયમંડ ચોકની શાંતિલાલ શાહ હોસ્પિટલમાં ગયા ત્યારે ખબર પડી કે કિડની ફેઇલ છે, નડિયાદ જવું પડશે!

મને જો ભૂલાતું ન હોય તો બા દુ:ખી જરૂર હતી, ખૂબ દુ:ખી હતી પરંતુ તેણે હવે શું કરશું અને હે રામ,  આ શું થઈ ગયું આવું નબળું રિએક્શન નહોતું આપ્યું. આવું તે પછી પણ ક્યારેય નથી આપ્યું કેમ કે આ તો હજુ મુસીબતોની શરૂઆત હતી. એક તરફ તેના દીકરાની એટલે કે મારી પણ નવી નોકરી હતી. કેમ કે મને હજુ તો ૧ મે, ૧૯૯૮ના રોજ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં નોકરી મળી હતી, બીજી તરફ મારું એમસીએનું ભણવાનું પણ ચાલુ જ હતું ને. કંઈ નહીં. હું, મારી બા, મારી માતા સમાન બેની અમે બધાં નડિયાદ ગયા. ત્યાં દોઢેક મહિનો રહેવું પડ્યું. મને તો બહુ પાછળથી ખબર પડી કે તે સમયે બેની પ્રેગ્નન્ટ હતી. પહેલી મિસડિલિવરી પછી પણ તે બીજી પ્રેગ્નન્સી, અને તે વખતે પણ તેની ઉંમર તો પ્રેગ્નન્સીની દૃષ્ટિએ મોટી કહેવાય તેવી, ૩૧ વર્ષની હતી, તોય નડિયાદ હોસ્પિટલમાં એકાદ મહિનો તો રહી જ. મને ભલે કદાચ તે વખતે નહીં ખબર પડવા દીધી હોય, પણ મારી બા તો આ વાત જાણતી જ હશે ને. તેની મન:સ્થિતિ શું હશે, કલ્પના કરી જુઓ.

નડિયાદમાં પણ એક એક દિવસ એક એક યુગની જેમ પસાર થતો હતો. ભાઈ આયુર્વેદમાં માનવા વાળા. એટલે આ એલોપેથિક ટ્રીટમેન્ટને ઝટ સ્વીકારી શકતા નહોતા. ડાયાલિસિસ થતા હતા. પણ ભાઈનું મન અને મોઢું બંને એક જ રટ પકડીને બેઠું હતું : અહીંથી ચાલ્યા જઈએ. અહીં તો ટ્રીટમેન્ટ લંબાતી જ જાય છે. અને એકાદ બે કેસ એવા જોયેલા પણ ખરા કે રાજસ્થાનથી આવ્યા હતા ટ્રીટમેન્ટ માટે અને ખેતર વેચાઈ ગયા હોય. રોગ એવો હતો કે હોસ્પિટલની ટ્રીટમેન્ટ એવી હતી, કંઈ નક્કી થઈ શકતું નહોતું. છેવટે જુલાઈની મધ્યમાં પાછા આવ્યા. બેની પ્રેગ્નન્ટ હતી એવી સ્થિતિમાં ભાઈ માટે શિહોરી માના દર્શન કરવા ડુંગર ચડીને ગઈ હતી! મહામૃત્યુંજય મંત્રના જાપ માટે તેણે બ્રાહ્મણને કહ્યું.  પણ તબિયત સુધરવાની નામ નહોતી લેતી. ૧૪ ઓગસ્ટે રાત્રે ફરી જોરદાર તબિયત બગડી. બીજી તરફ, ઓફિસમાં, મારા સાહેબ, ઉમેશ શાહ, જન્માષ્ટમી કે ૧૫ ઓગસ્ટની રજામાં પોરબંદર ગયા હોવાથી, પૂર્તિની જવાબદારી મારા પર. છતાં ૧૫મીએ ભાઈની તબિયત બતાવવા જવું જ પડ્યું. (વિચાર કરો, ૧ મે, ૧૯૯૮એ હું જોઈન થયો હતો. જૂનમાં મારે દોઢ મહિનો નડિયાદ રહેવું પડ્યું ને ઓગસ્ટમાં ફરી જવાનું થયું અને એ પણ એવા સમયે, જ્યારે મારા પર પૂર્તિની જવાબદારી હતી. એ વખતે મેં સૌરાષ્ટ્ર સમાચારના દીપકભાઈ શાહને ફોન કર્યો અને કહ્યું તો તેમણે નિશ્ચિંત રીતે જવા કહી દીધું! એ ભલા માણસ એ ઓગસ્ટ પછીના સપ્ટેમ્બરમાં બીજી તારીખે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા!) અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં રહ્યા પણ ત્યાં હિપેટાઇટિસ ડિટેક્ટ થયો. આથી અલગ વોર્ડમાં રહેવાનું થયું. આ વોર્ડ, તેનો બાથરૂમ, તે સમયે અમને એવો ગંદો લાગ્યો હતો કે નરક જ ભાળી ગયા હોય તેવું લાગ્યું હતું. આ અલગ વોર્ડ અને સામે અલગ બિલ્ડિંગના વોર્ડ વચ્ચે એક જ મેટ્રન. તેનું કામ હોય તો ત્યાં બોલાવવા જવાનું. ભાઈને ફિશ્ચુલા (ડાયાલિસિસ માટે પરમેનન્ટ કાણું પાડે તે)નું ઓપરેશન કરવાનું હતું ત્યારે વોર્ડબોય નહીં. હું સ્ટ્રેચરમાં લઈ ગયો સામેની બિલ્ડિંગમાં. આવી પરિસ્થિતિમાં પણ બા હિંમત હારી નહીં.

એ પછીના ઓક્ટોબરની ૨૩મી તારીખે ભાઈનો દેહાંત થઈ ગયો. કારતક સુદ ત્રીજ! કારતક સુદ ચોથે તેમનો અગ્નિસંસ્કાર અને પાંચમે – લાભપાંચમે મારો જન્મદિન!

ભાઈ આખી જિંદગી ક્યારેય માંદા નહોતા પડ્યા. તેમના પગ પણ ક્યારેય નથી દુખ્યા અને તાવ તો બહુ ઓછી વાર આવ્યો. તેમનું બોડી એકદમ સ્ટાઉટ  છેક છેલ્લે સુધી હતું . પણ ૧૯૯૬ પછી બહુ જ માંદા પડ્યા અને બહેનોના લગ્નપ્રસંગો ઉકેલવાના આવ્યા…આ બધા સમય દરમ્યાન સગાવ્હાલા સાથે સંબંધોનાં સમીકરણો બદલાઈ રહ્યા હતા. કેટલાકે મોઢું ફેરવી લીધું હતું તો કેટલાકે આવા જ સમયે વાંકું પાડ્યું હતું. જેનો ભાઈને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. (તેમની બીમારી પાછળ આ પણ મોટું કારણ હતું જ. ખાસ તો ૧૯૯૮માં તાવ આવ્યો ત્યારે.) આવા બદલાયેલાં સમીકરણો  અને કુટુંબના મુખ્ય મોભી – આધાર  ભાઈ પણ હવે રહ્યા નહીં. બા પર કુટુંબના મોભી તરીકે જવાબદારી આવી ગઈ. બહેન શીલા – બનેવી મનીષભાઈને સંજોગોવશાત અમારી સાથે ભાવનગર રહેવા આવવું પડ્યું. એ વખતેય સમાજના સવાલો હતા. બીજી તરફ, મોટી બહેનની મિસડિલિવરી અને ભાઈના મૃત્યુ ઉપરાંત નોકરી અને આ સંજોગોના કારણે મારે એમસીએ અધૂરું છોડી દેવું પડ્યું તેનાથી આઘાત ત્રેવડાયો હતો. આ બધા સંજોગામાં બાનો એક જ જવાબ રહેતો : “સૌ સારાં વાનાં થઈ જશે.”  ભાઈ પૂજા પાઠમાં નહોતા માનતા એટલે તેઓ  હતા ત્યાં સુધી બા પૂજાપાઠ કરતી નહોતી, પણ તેઓ ગયા પછી બાએ જબરદસ્ત પૂજાપાઠ શરૂ કર્યા. તેના કારણે હોય કે ગમે તે કારણે, તેનામાં જબરદસ્ત હિંમતનો સંચાર થયો હતો. આ બધા સંજોગોમાં હવે બીજી એક મુશ્કેલી તેમાં ઉમેરાઈ હતી…મારાં લગ્નની ચિંતા.

કોઈક કારણે એ વખતે હું લગ્ન માટે તૈયાર નહોતો. પણ તેમ છતાં કન્યા જોવાનું મેં ચાલુ કર્યું, પણ મારી અનિચ્છાના કારણે કે ગમે તેમ, લગ્નનો મેળ પડતો નહોતો. ભાઈના ગયા પછી તેમના પૈસાથી લઈને બધી બાબતોમાં ઓફિસોના મેં અને બાએ સાથે ધક્કા ખાધા. કોઈ મદદે આવતું નહોતું. નોમિનેશન નહીં કરવાની ભૂલ થઈ ગઈ હતી. પણ એ બધું મુશ્કેલીથી પાર પાડ્યું. કોઈકે કહ્યું તો બે વાર નારાયણ બલિ કરાવ્યો, એક વાર ભાઈ હતા ત્યારે અને એક વાર ભાઈના ગયા પછી. જે જાણતા હશે તેમને ખબર હશે કે નારાયણ બલિમાં પણ કોઈ પ્રસંગની જેટલી જ ઉપાધિ-ભાગદોડ હોય છે. આ બધામાં મારી બા ઉપરાંત મારી બહેનોનો પણ સાથ સારો મળ્યો.

આ બધા કપરાસંજોગોની વચ્ચે બાને જો કોઈએ આનંદ આપ્યો હોય તો તે ઉદિતે. બેનીના દીકરાએ. ભાઈના અવસાનના માત્ર ચાર જ મહિનામાં તેનો જન્મ થયો. અને તે માત્ર બા માટે જ નહીં, અમારા બધા માટે આનંદને ઉદિત કરીને લાવ્યો. તેનું નટખટપણું, તેની સેન્સ ઓફ હ્યુમર, તેની ઇન્ટેલિજન્સી..આ બધું જ આનંદ પમાડે તેવું હતું. મારી બા તો ફરી વાર બા બની ગઈ હતી. મોટી બહેનને એલ.આઈ.સી.ની સર્વિસ. તે પણ શિહોરમાં. ભાવનગરથી અપડાઉન કરવું પડે. એટલે ઉદિત પહેલેથી અમારી સાથે રહ્યો. તેના નટખટપણાના કારણે તે દોડાદોડી કરે, તોફાન કરે તો બા પણ તેની પાછળ દોડાદોડી કરતી. સદનસીબે બાની તબિયત સારી હતી. કાઠિયાવાડી બોલીમાં કહીએ તો ‘કડેધડે’ હતી. બધું જ કામ કરી લેતી. ઉદિતને સાચવવાનું કામ પણ.મોટી બહેનને ત્યાં પણ, તેને સર્વિસ હોવાથી પતરી પાડવાની હોય કે અથાણાં બનાવવાનાં હોય કે તે માંદી હોય તો બા દોડીને જતી. ઉદિત બીમાર હોય તો ડોક્ટર પાસે તેને લઈ જતી. આમ ઉદિતના કારણે દિવસ સારી રીતે પસાર થઈ જતો. જોકે ઉદિત પણ સાંજે તો બેની સાથે પાછો ચાલ્યો જતો. મારે સાંજની જ નોકરી હતી. અને એકલપણું સાંજે કે રાત્રે જ વસમું લાગતું હોય છે. દિવસ તો પસાર થઈ જાય છે, રાત કાઢવી બહુ મુશ્કેલ હોય છે. એમાંય ખાસ તો પતિ વગર. સંતાન ન હોય તો ચાલે પણ પતિને પત્ની કે પત્નીને પતિ વગર ન ચાલે. પરંતુ રાત્રે હું આવું ત્યારે મેં ક્યારેય બાને રડતી જોઈ નથી. કદાચ હું નહીં હોઉં ત્યારે રડી લેતી હશે? ખબર નથી.

ધીમેધીમે સારો સમય શરૂ થવા લાગ્યો હતો. મારો પગાર પણ વધતો હતો. પણ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં હું કાયમી – પરમેનન્ટ નહોતો થયો. અને એ વખતના પત્રકારત્વમાં ‘કાયમી’ થવું મહત્ત્વનું હતું. એવામાં ૨૦૦૩માં ‘દિવ્ય ભાસ્કર’માં મને નોકરી મળી ગઈ! મારે અમદાવાદ રહેવું પડશે તેવું નક્કી થયું. હું ૧૯૯૧માં મુંબઈ ભણવા ગયો હતો ત્યારે મારી તબિયત બગડી ગઈ હતી અને તે વર્ષ બગડ્યું હતું. એનાં કડવાં સંસ્મરણોના કારણે અમદાવાદમાં પણ મારી તબિયત સારી રહેશે? મને ફાવશે કે નહીં ફાવે? આ બધી અનેક ચિંતા હતી, પણ બાએ મને હા પાડી. બા ફરી એકલી પડી જવાની હતી, કેમ કે શીલા તો ૨૦૦૧માં પાછી મહેસાણા ચાલી ગઈ હતી. મોટી બહેનને એલ.આઈ.સી.માં સર્વિસ હતી. એટલે બાને સાથ હતો તો માત્ર ઉદિતનો. પણ ઉદિતેય સાંજે તો મોટી બહેન સાથે તેના ઘરે પાછો ચાલ્યો જવાનો હતો. રાત્રે હું પણ ઘરે પાછો, મોડો તો મોડો, પણ આવીશ, તેવી કોઈ આશા નહોતી, કારણકે હું તો અમદાવાદ હતો. હા, શનિવારે વીક ઓફ હોય ત્યારે અચૂક ભાવનગર બા પાસે હોઉં. મહિનામાં એકાદ શનિવાર શીલાને ત્યાં મહેસાણા જાઉં.

૨૦૦૪માં મારી સગાઈ થઈ અને ૨૦૦૫માં મારાં લગ્ન. અગાઉ બહેનોના લગ્નમાં ખાસ ધામધૂમ નહોતી થઈ અને મારાં લગ્નમાં પણ મારી ઈચ્છા ધામધૂમની નહોતી, પણ ઘરમાં બધાનો મત ધામધૂમથી લગ્ન કરવાનો હતો. એટલે બધી રીતે સરસ રીતે લગ્ન થયાં. બેન્ડ બાજા બારાત કે સાથ. વ્યવહાર પણ સરસ રીતે ઉકેલાયો. લગ્ન પછી ઘરમાં અમે બા, માસી, મામા બધાં જ અંતાક્ષરી રમ્યા. બધાં કહે છે કે એ અંતાક્ષરી રમવાની જે મજા આવી હતી તે ફરી ક્યારેય આવી નથી. ‘દિવ્ય ભાસ્કર’માં મારો પગાર પણ સારો હતો. પોતાનો ફ્લેટ લેવાઈ ગયો હતો. કોઈ વાતે ચિંતા નહોતી, પણ બાને ઉદિતનો સાથ છૂટ્યો અને ઉદિતને બાનો. એ અણકહી, અપ્રગટ ચિંતા હતી. ઉદિતને પણ બા વગર એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ હતા. તે સરખી રીતે જમે નહીં. જોકે ઉદિતનાં દાદાદાદી બહુ જ સારા છે અને તેઓ તેમના બંને દીકરા સાથે રહેવા આવી ગયાં હતાં. વળી, અમદાવાદમાં નવું નવું અને ફ્લેટમાં ખાસ ઓળખાણ નહીં. વળી, ભાવનગર જેવી બોલચાલ અમદાવાદમાં રહે નહીં. એટલે ઘણી વાર જેલમાં પુરાઈ ગયા જેવું લાગતું. એવામાં પાછી લગ્ન પછી તરત જ ક્રિષ્નાને એસ.એલ.ઈ. નામના લુપસ રોગનો હુમલો થયો. (એ વાત પછી ક્યારેક). એક તરફ ક્રિષ્નાની ખરાબ તબિયત અને બીજી તરફ વહાલા ઉદિતને વધરાવળનું ઓપરેશન. બા ભાવનગર ગઈ. આ તરફ, ત્રણ ચાર મહિના તો ક્રિષ્નાને તેના ઘરે રહેવાનું થયું, પણ તબિયત એવી ખરાબ હતી કે ચિંતા તો હતી જ. એમાંથી પણ ધીમે ધીમે બહાર આવ્યા.

ધીમે ધીમે હવે બાને અમદાવાદ પણ ફાવવા લાગ્યું હતું. સવારે સવારે તે પ્રહલાદનગર ગાર્ડનમાં ચાલવા જતી થઈ. ત્યાં લાફિંગ ક્લબમાં જતી. ત્યાં તેની આ ઉંમરે (સિનિયર સિટિઝનની ઉંમરે) બહેનપણી પણ બની હતી. ૨૦૦૫ની દિવાળી વખતે એક બહેનપણી – બહેને કોડિયાં બનાવ્યાં હતા અને તેમને ઘરે ઘરે વેચવા જવા હતા, તો બા તેમને કંપની આપવા સાથે ગઈ હતી! એ દિવાળી પર મારે સારું બોનસ આવ્યું હતું. મારી ઈચ્છા બા ચાર ધામની જાત્રા પર જાય તેવી હતી. પણ સગવડ એવી નહોતી કે બધાં જઈ શકીએ. એટલે હું ઈચ્છતો હતો કે મારી બા એકલી જઈ આવે. પણ તેણે ના પાડી. તેણે કહ્યું કે તારે મને કંઈ આપવું જ હોય તો મને સોનાની બુટ્ટી લઈ દે. બા, હું અને ક્રિષ્ના એ જ દિવસે – ધનતેરસે જઈને બુટ્ટી લઈ આવ્યા. હું કમાવા લાગ્યો એ પછી બાને મારી એ પહેલી ભેટ હતી! બીજી ભેટ હતી ડિસેમ્બરમાં તેના જન્મદિવસે હું સાંઈબાબાની લાઇટિંગવાળી ફોટોફ્રેમ લઈ આવ્યો તે! તેના જન્મદિવસની પહેલી ઉજવણી અને મારા તરફથી પહેલી ભેટ! આટલાં વર્ષોમાં અમે કદાચ બાનો જન્મદિવસ જ નહોતો ઉજવ્યો! (ભાઈનો તો ઉજવ્યો જ નહોતો). ખબર નહીં કેમ, ભાઈઅને બાના જન્મદિવસની ઉજવણીનો વિચાર ક્યારેય ઝબુક્યો જ નહોતો. હા, મારા બંને જન્મદિવસ (લાભપાંચમ અને ૧૯ નવેમ્બર) અને બંને બહેનોના જન્મદિવસ (બેનીનો દેવદિવાળી અને શીલાનો ૧ મે)  ઘરમાં ઉજવાતા. પણ ભાઈ અને બાના જન્મદિવસ? આશ્ચર્ય થાય છે, પણ કદાચ એ બંને આવી બાબતોમાં માનતા જ નહીં. તેમની મેરેજ એનિવર્સરી પણ લગભગ રાજ કપૂરના જન્મદિન ૧૪ ડિસેમ્બરે જ હતી, પણ તેય ક્યારેય ઘરમાં ઉજવાતી નહોતી. પરણ્યા પછી મેરેજ એનિવર્સરીનું મહત્ત્વ મને બરાબર સમજાય છે.

પણ બાના એ પહેલા જન્મદિવસની ઉજવણી આખરી બની રહી! ૧૯૯૩માં જે સૂકી ઉધરસ થઈ હતી તે બાના શરીરમાં ઘર કરી ગઈ હતી તે વધી ગઈ હતી. ૨૦૦૫માં હૃદયની બીમારીનું નિદાન થયું. ૨૦૦૫ની આખરમાં અને ૨૦૦૬ની શરૂઆતમાં જે અતિ ઠંડી પડી તેમાં તકલીફ વધી ગઈ. ૩૧મી ડિસેમ્બર, ૨૦૦૫. દુનિયા આખી વર્ષને વિદાય કરવાની ઉજવણી કરી રહી હતી, ત્યારે બાની અંતિમ વિદાયના છેલ્લા દિવસો આવી ગયા હતા…

૩૧મીએ તબિયત બહુ બગડી. ૧લીએ મેડિલિન્કમાં દાખલ કરી. હોસ્પિટલમાં પણ ચિંતા કરતી હતી. પૈસાની સગવડ ક્યાંથી થશે? કોની પાસેથી પૈસા લીધા છે? ફલાણી વ્યક્તિ પાસેથી પૈસા લીધા હોય તો બેની પાસેથી પૈસા લઈ પહેલાં તેને ચુકવી દેજે નહીંતર તારે આખી જિંદગી સાંભળવું પડશે. આવી બધી ચિંતા. મારા કરતાંય વધુ ચિંતા વચલી બહેનની હતી. ૩જીએ આઈસીયુમાંથી નોર્મલ વોર્ડમાં તેને ખસેડવામાં આવી. ૧લી અને ૨જીએ તો મેં રજા પાડી હતી, પણ ૩જીએ મારે ‘નવરંગ’ પૂર્તિનું કામ શરૂ કરવાનું હતું. મંગળવારના એ ગોઝારા દિવસે સવારે ખૂબ તબિયત બગડી હતી. વેન્ટિલેટર પર હોવા છતાં શ્વાસ બરાબર નહોતા લેવાતા. ડોક્ટરો નોર્મલ છે નોર્મલ છે કહ્યા કરે. ડોક્ટરો પણ ટ્રેઇની જેવા લાગતા હતા. આખરે ખરેખર શ્વાસ બરાબર લેવાતો થયો. એટલે ઘરે જમીને એકબે કલાક ઓફિસે જઈને કામ પતાવી આવું અને પછી ચા લઈને પાછો હોસ્પિટલે જઈશ એવું નક્કી કરીને નીકળ્યો. ઓફિસે કામ કરતો હતો પણ ત્યારે ખબર નહોતી કે હોસ્પિટલે બાને નોર્મલ વોર્ડમાં શિફ્ટ કર્યા પછી હાર્ટ એટેક આવી ગયો હતો ને તે જીવલેણ સાબિત થવાનો હતો. હોસ્પિટલેથી ક્રિષ્નાનો ફોન આવ્યો અને પહોંચ્યો ત્યારે પમ્પિંગ ચાલુ હતું. એક તરફ રડવું આવતું હતું અને બીજી તરફ ડોક્ટરો પર ગુસ્સો. પણ કદાચ ભગવાનનું જ તેડું હશે તે ડોક્ટરો પણ લાચાર બની ગયા હશે. બાએ આ દુનિયા છોડી દીધી.

ભાઈ અને બા વગર જે ક્યારેય નહીં રહેલો , જ્યારે વડોદરાથી સામાન ભાવનગર લાવવાનો હતો ત્યારે ભાઈ અને બા બંને વગર જેને તકલીફ ખૂબ જ પડી હતી, તેવો હું ૧૯૯૮માં ભાઈ વગરનો અને ૨૦૦૬માં ભાઈ અને બા બંને વગરનો બની ગયો…મને નોકરી મળી જ હતી, ‘સિનેવિઝન’ નામની ફિલ્મની કોલમથી દીકરાની શરૂઆત પત્રકારત્વમાં થઈ હતી (કોઈ પત્રકારને પૂછજો, અખબારમાં કોલમ લખવાનું સરળતાથી નથી મળતું), એમસીએ થવાની પણ આશા તો એ વખતે હતી જ ત્યારે ભાઈ ચાલ્યા ગયા. અને જ્યારે દીકરાએ ઘરનું સરસ ઘર લઈ લીધું, જ્યાં ભાવનગરની જેમ, એકાંતરે પાણી કાપ નહોતો, મોટું ઘર હતું, હવે પુત્રવધૂ પણ હતી, પગાર-મોભો પણ સારો હતો, દીકરાને મોટામોટા ફિલ્મકલાકારો અને અન્ય હસ્તીઓને મળવાનું થતું હતું, પૈસાની પણ ખેંચ નહોતી, એવા સમયે જ બા પણ ચાલી ગઈ. કદાચ એ સંતોષ સાથે કે પોતાના જેવી જ, ક્રિષ્ના સાથે પરણાવીને તેની આખરી જવાબદારી પૂરી થઈ છે.