national, politics, sanjog news, vichar valonun

સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ,તા.૨૯/૪/૧૮)
અચાનક ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા છે? કે પછી અસહિષ્ણુતા અને એવૉર્ડ વાપસી પછી કૉંગ્રેસ અને ડાબેરીઓનું આ બીજું એક અભિયાન મોદી સરકાર સામે છે? ચાર ન્યાયમૂર્તિઓએ જાહેરમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે બળવો પોકારીને દીવાસળી ચાંપવાનું કામ કર્યું હતું ત્યારે તેમાં સામ્યવાદી ડી. રાજાની બળવાખોર ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સાથેની મુલાકાતના કારણે સામ્યવાદીઓ આ અભિયાન પાછળ હોવાની શંકા ગયા વગર નથી રહેતી. તે પછી કૉંગ્રેસ અને વિપક્ષોએ મહાભિયોગની દરખાસ્ત માટે નૉટિસ આપી પરંતુ તેની ગુણવત્તાના આધારે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેને ફગાવી દીધી.
આ મહાભિયોગની દરખાસ્ત પર પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ્, પૂર્વ કાયદા પ્રધાન અશ્વિની કુમાર, પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલી અને પૂર્વ માહિતી-પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ આ દરખાસ્ત પર સહી કરવાની ના પાડી દીધી! અલબત્ત, સમાચાર માધ્યમોએ યશવંતસિંહાના સમાચાર જેટલા ચગાવ્યા તેટલા આ સમાચારને મહત્ત્વ ન આપ્યું. પરંતુ રિમૉટ કંટ્રૉલ ગણાતા મનમોહને પણ તેના પર સહી કરવાની ના પાડી! એ તો ઠીક, વિપક્ષોમાં પણ તૃણમૂલ, ડીએમકેએ કૉંગ્રેસના આક્ષેપોના પુરાવા માગ્યા.
પરંતુ કૉંગ્રેસના નેતા અને પૂર્વ માનવ સંસાધન વિકાસ પ્રધાન કપિલ સિબલ તો એટલી હદે ગયા કે તેમણે મુખ્ય ન્યાયમૂર્તિની કૉર્ટનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી! કેમ? કદાચ એટલા માટે કારણકે રામમંદિર, પી. ચિદમ્બરમ્ ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ નો કેસ, અમિત શાહના પુત્ર જય શાહનો માનહાનિનો કેસ સામા પક્ષ વતી, કપિલ સિબલ લડે છે. અને આ બધા કેસ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર પાસે છે. કપિલ સિબલે રામમંદિરનો કેસ ૧૫ જુલાઈ ૨૦૧૯ સુધી મોકૂફ રાખવા અનુરોધ કર્યો હતો. કદાચ તેમને અથવા કૉંગ્રેસને ડર છે કે આ કેસનો ચુકાદો હિન્દુઓ તરફી આવ્યો તો તેનો સીધો ફાયદો ભાજપને લોકસભાની ચૂંટણીમાં થશે.
દીપક મિશ્રના નામે ત્રાસવાદી યાકૂબ મેમણને ફાંસી, દિલ્લીની પેરા મેડિકલ વિદ્યાર્થિની પર બળાત્કાર કેસમાં કડક ચુકાદો, ૨૦૦૮ના બળાત્કારના કેસમાં કડક ચુકાદો, સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવાનો ચુકાદો બોલે છે. આના કારણે એક દલીલ એવી પણ થાય છે કે કૉંગ્રેસ અને સાથી પક્ષોની મતબૅંક પર અસર પડતી હોવાથી તેઓ આટલી હદે ઉકળી ઉઠ્યા છે.
આ કપિલ સિબલે ન્યાયમૂર્તિ રામાસ્વામીની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો માટે મહાભિયોગ વખતે તેમનો જોરદાર બચાવ કર્યો હતો. ન્યાયમૂર્તિ સૌમિત્ર સેનના મહાભિયોગ વખતે તેઓ ૨૦૧૦માં એમ કહેતા હતા કે રાજકારણીઓએ ન્યાયાધીશોના મહાભિયોગમાં પડવું જ ન જોઈએ!
ન્યાયમૂર્તિ લોયાના મૃત્યુ કેસમાં ઈચ્છિત ચુકાદો ન આવે કે ૨૦૦૨ના નરોડા પાટિયા કેસમાં ઈચ્છિત ચુકાદો ન આવે એટલે ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા તેવી બૂમરાણ મચાવવી કેટલી હદે વાજબી? અને એમ જોવા જાવ તો ખરેખર ન્યાયતંત્ર, સંસદ કે સરકારી સંસ્થાઓની સ્વાયત્તતા સૌથી વધુ ક્યારે ખતરામાં હતી? અને કોના થકી?
પ્રથમ વડા પ્રધાન નહેરુ ઘણી વાર ફરિયાદ કરતા કે ન્યાયાધીશો તેમના ‘આઇવરી ટાવર’માં રહે છે અને તેથી તેઓ બહુ રૂઢિચુસ્ત છે. ૨૭ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ પહેલી વાર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંઘર્ષ થયો. ગોલકનાથ કેસ તરીકે જાણીતા કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ કે. સુબ્બા રાવે છ વિરુદ્ધ પાંચની બહુમતીથી સરકારને મૂળભૂત અધિકારોમાં ચેડા કરતા અટકાવી દીધી હતી.
૧૯૬૯માં અજિતનાથ રે (એ.એન.રે)ને ઈન્દિરા ગાંધી સરકારે ત્રણ સિનિયર જજોને બાકાત રાખીને તેમનાથી જુનિયર હોવા છતાં મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા હતા. એ. એન. રે વિશે એવું કહેવાય છે કે તેઓ ઈન્દિરા ગાંધી કે તેમના સલાહકારોને ટેલિફૉન કરી કરીને નાનાનાના કેસોમાં પણ તેમનો અભિપ્રાય માગી તે મુજબ ચાલતા.
જે ન્યાયમૂર્તિઓ એ. એન. રે કરતાં સિનિયર હતા તેમાં એક હતા ન્યાયમૂર્તિ જયંતિ મણિલાલ શેલત. તેમની નિવૃત્તિને આડે એક મહિનો જ બાકી હતો તેથી કદાચ એમ બહાનું કાઢી શકાય કે તેમની નિમણૂક એક મહિના માટે જ શા માટે કરવી? પરંતુ ન્યાયમૂર્તિ કાવદૂર સદાનંદ હેગડેની નિવૃત્તિમાં હજુ બે વર્ષ બાકી હતાં. ઈન્દિરાની ચૂંટણીને પડકારતી એક અરજી તેમની કૉર્ટમાં અનિર્ણિત હતી. તેમને જણાયું હતું કે ઈન્દિરા ગાંધીએ જે સોગંદનામું કર્યું છે તે ખોટું છે. આથી તેમણે તો ઉલટું ઈન્દિરાને મદદ કરવા પ્રયાસ કર્યો, પરંતુ ઈન્દિરાના ચમચાઓને લાગ્યું કે તેઓ ઈન્દિરાની વિરુદ્ધ છે. આથી તેમને મુખ્ય ન્યાયમૂર્તિ ન બનાવાયા. અમરનાથ ગ્રોવરે પોતાની સિનિયૉરિટી છતાં એ. એન. રેને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાયા તેના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું!
જે ન્યાયાધીશોને પાછળ રાખીને એ. એન. રે મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા, તેમણે કહ્યું હતું કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર ન કરી શકે. એ. એન. રે આ ન્યાયાધીશો સાથે અસંમત અને સરકાર સાથે સંમત હતા. આ ચુકાદાના કારણે ઈન્દિરા ગાંધીને બંધારણમાં ફેરફાર (ખરેખર તો ચેડા) કરવાની છૂટ મળી ગઈ. આ ફેરફાર ૪૨મો સુધારો ગણાય છે જેમાં આમુખથી માંડીને ઘણી કલમોમાં ફેરફાર કરી નખાયા. ચૂંટણીના વિવાદો કૉર્ટના અધિકારક્ષેત્રથી બહાર રખાયા. રાજ્ય સરકારો સામે કેન્દ્ર સરકારની સત્તા વધી ગઈ. ન્યાયતંત્ર સામે સંસદની સત્તા વધી ગઈ. બંધારણના આમુખમાં સેક્યુલર અને સૉશિયલિસ્ટ શબ્દો ઉમેરાયા. તેમ છતાં ઈન્દિરા ગાંધી પછીની કોઈ પણ સરકારે આ ફેરફારો પાછા ખેંચ્યા નથી.
કટોકટી કાળમાં વિરોધીઓને ઈન્દિરા ગાંધીના આદેશથી પોલીસ પકડી પકડીને જેલમાં પૂરી દેતી હતી. તેથી પોતાના લોકોની ભાળ મેળવવા માટે થયેલા હેબિયસ કૉર્પસ કેસમાં સરકાર વિરુદ્ધ વલણ લેનાર હંસરાજ (એચ. આર.) ખન્ના સૌથી સિનિયર હોવા છતાં ઈન્દિરા ગાંધી સરકારે તેમને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા નહોતા.
કૉંગ્રેસે ઈન્દિરા ગાંધીના કટોકટી કાળમાં રાજ્યો કરતાં વધુ સત્તા કેન્દ્ર સરકારને આપી દીધી લોકતંત્રને નબળું પાડ્યું. તેણે રાષ્ટ્રપતિ શાસન લાદ્યાં, રાજ્યપાલોની મદદથી સરકારો ઉથલાવી, પક્ષપલ્ટાને પ્રોત્સાહન આપી લોકતંત્રને નબળું પાડવા કોશિશ કરી તેટલી કોઈ પક્ષે કરી નથી. ગુજરાતમાં માત્ર વિધાનસભામાં કૉંગ્રસના સભ્યોએ તોફાન કર્યું તેના પર રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ નબળી પડી ગઈ હોવાનો રિપૉર્ટ કર્યો હતો અને વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં મૂકાવી દીધી હતી! કૉંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી સાથે વાત કરી આ જ રાજ્યપાલે ૧૯૯૭માં શંકરસિંહ વાઘેલાને બહુમતી પૂરવાર કરવા સાત દિવસનો સારો એવો સમયગાળો સામેથી આપ્યો હતો જેથી તેમને ધારાસભ્યોની ખરીદી-વેચાણ માટે સમય મળી રહે!
૧૯૮૯ની ચૂંટણીમાં હારી ગયા પછી લોકસભાના વિસર્જનની પ્રક્રિયામાં રાજીવ ગાંધી વિલંબ કરી રહ્યા હતા. તે વખતે એવી અફવા પ્રસરી કે અજિતસિંહ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ખેડૂતોનો મોરચો કાઢી દિલ્લી આવી રહ્યા છે જેથી રાજીવ પર લોકસભાના વિસર્જન માટે દબાણ કરી શકાય. તે વખતે દિલ્લીના ઉપરાજ્યપાલ રોમેશ ભંડારીએ સેના બોલાવી હતી! જોકે તેઓ તેમના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા. આ વાત ભંડારીએ તેમની આત્મકથામાં નોંધી છે.
સંવૈધાનિક સંસ્થાઓની સ્વાયત્તતા પર પણ સૌથી વધુ તરાપ કૉંગ્રેસે જ મારી હતી. આકાશવાણી અને દૂરદર્શન માત્ર નહેરુ, ઈન્દિરા અને રાજીવ દર્શન બનીને રહી ગયાં. મોરારજી દેસાઈની જનસંઘ અને અન્ય વિપક્ષો સાથેની સરકાર વખતે સંચાર માધ્યમોની સ્વાયત્તતા માટે એક સમિતિ જ્યૉર્જ વર્ગીઝના નેતૃત્વમાં બનાવાઈ હતી. ‘જનસત્તા’ હિન્દીના પૂર્વ તંત્રી સ્વ. પ્રભાષ જોશીએ પોતાના ‘જબ તોપ મુકાબિલ હો’ પુસ્તકમાં લખ્યું છે કે “આ સમિતિએ અધ્યયન કર્યું, સૂચનો પણ કર્યાં, પરંતુ દૂરદર્શન અને આકાશવાણી જેવાં માધ્યમ સ્વાયત્ત અને સ્વતંત્ર થઈ જાય તેવું કૉંગ્રેસ ક્યારેય ઈચ્છતી નહોતી. અઢી વર્ષમાં જનતા સરકારનું પતન થઈ ગયું અને ઈન્દિરા ગાંધી સત્તામાં પાછાં ફર્યાં. તેમની હત્યા પછી પાંચ વર્ષ સુધી (રાજીવ ગાંધીના નેતૃત્વમાં) કૉંગ્રેસની સરકાર રહી. દૂરદર્શન પર સતત અને વારંવાર ઈન્દિરા ગાંધીનું શબ દેખાડી દેખાડીને અને તેમની શહીદીને તેમના દીકરા રાજીવ ગાંધી માટે સહાનુભૂતિ તેમજ મતોમાં પરિવર્તિત કરવામાં દૂરદર્શન અને આકાશવાણીની મોટી ભૂમિકા રહી.
૧૯૯૦માં જ્યારે વી. પી. સિંહના જનતા દળની સરકાર બની ત્યારે પ્રસાર ભારતીનો ખરડો પસાર થયો. પરંતુ તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થાય અને સરકારી અધિસૂચનાથી તે અમલમાં આવે તે પહેલાં તે સરકાર પણ જતી રહી. કેટલાક સમય સુધી ચંદ્રશેખરની કૉંગ્રેસના ટેકા સાથેની સરકાર રહી. તે પછી નરસિંહરાવની કૉંગ્રેસ સરકારે પણ આ ખરડાને કાયદો બનાવવાની કોશિશ ન કરી. દેવેગોવડા અને ગુજરાલ સરકારમાં માહિતી-પ્રસારણ પ્રધાન જયપાલ રેડ્ડી અને ગુજરાલે પોતે પ્રસાર ભારતીને પુનર્જીવિત કરવામાં રૂચિ લીધી. ત્યારે પણ રાજ્યસભામાં કૉંગ્રેસની બહુમતી હતી અને તે સ્વાયત્તતા વિરુદ્ધ હતી. આથી નવો ખરડો સંસદમાં પસાર થઈ શકે તેમ નહોતો. આથી ગુજરાલ સરકારે જૂના ખરડામાં કેટલાક સુધારા કર્યા અને વટહુકમ બહાર પડ્યો. આ રીતે પ્રસાર ભારતી બૉર્ડની રચના થઈ.
પ્રભાષ જોશી લખે છે કે આ બૉર્ડમાં ગુજરાલના મિત્રો અને વામપંથીઓની બોલબાલા હતી. આમ છતાં પહેલી વાર ચૂંટણીમાં દૂરદર્શન અને આકાશવાણીએ પ્રમાણમાં સ્વાયત્તતા દાખવી અને સ્વતંત્ર રીતે કામ કર્યું.
૨૦૦૬માં યુપીએ સરકાર વખતે વિદેશ સચિવની નિમણૂક વખતે મનમોહનસિંહના માનીતા શિવશંકર મેનનની પસંદગી ૧૨ વરિષ્ઠ અધિકારીઓને અવગણીને કરાઈ હતી. કે. કે. પૉલ પછી કિરણ બેદી દિલ્લી પોલીસ કમિશનર બને તેમ હતાં, પરંતુ કિરણ બેદીને બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનનાં વડાં તરીકે સાઇડલાઇન કરી દેવાયાં. તેમના બદલે તેમનાથી બે બૅચ જુનિયર વાય. એસ. દડવાલની પસંદગી કરાઈ હતી. ૨૦૧૩માં ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે યશોવર્ધન આઝાદથી એક બૅચ જુનિયર એવા સૈયદ આસીફ ઇબ્રાહિમની પસંદગી કરાઈ હતી.
વર્ષ ૨૦૧૩માં કૉલસા કૌભાંડની સુનાવણી સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહી હતી. અને તે વખતે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર ચાલી રહી હતી. સુપ્રીમના ન્યાયમૂર્તિ આર. એમ. લોઢાએ તે વખતે સીબીઆઈને પાંજરામાં પૂરાયેલો પોપટ અને ‘માસ્ટર્સ વૉઇસ’ કહી હતી. સીબીઆઈની તપાસ સરકારની સૂચના મુજબ થતી હોવાના આક્ષેપો ઘણા સમયથી વિપક્ષો કહી રહ્યા હતા, તેને આ અનુમોદન હતું. ૧૯ માર્ચ ૨૦૧૩ના રોજ ડીએમકેએ કેન્દ્રમાં કૉગ્રેસના ગઠબંધનવાળી સરકારને ટેકો પાછો ખેંચ્યો અને તેના બે દિવસમાં જ ડીએમકેના વડા કરુણાનીધિના વડા એમ. કે. સ્ટાલિનના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા!
ભારતના વડા પ્રધાન મનમોહનસિંહ અમેરિકા હતા ત્યારે સરકારમાં કોઈ જવાબદારી પણ ન ધરાવતા રાહુલ ગાંધીએ સરકારે લાવેલો એક ખરડો પત્રકાર પરિષદમાં ફાડીને ફેંકી દીધો હતો.તે ગેરબંધારણીય પગલું હતુ઼ જ પણ સાથે પોતાના પક્ષના જ વડા પ્રધાનની કૉંગ્રેસને અને દેશને પોતાની જાગીર માનતા ગાંધી પરિવારને મન કેટલી કિંમત છે તે સાબિત થયું હતું.
હવે મા-દીકરા સોનિયા અને રાહુલ ગાંધી સંવિધાન બચાવો કે લોકતંત્ર બચાવો રેલી યોજે ત્યારે કેટલું હાસ્યાસ્પદ લાગે!

Advertisements
bjp, Mumbai Samachar, national, politics, rss

સુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં તા. ૨૨/૫/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.)

નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે કોઈ સામ્યતા ખરી?

હા. બંનેના જન્મ તારીખ અને મહિનાની રીતે નજીક-નજીક છે. નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે જન્મતારીખ ધરાવે છે તો સુબ્રમણિયન સ્વામી ૧૫ સપ્ટેમ્બર. જોકે ઉંમરમાં સ્વામી મોદી કરતાં અગિયાર વર્ષ મોટા છે. આ ઉપરાંત બીજી અને મોટી સામ્યતા એ છે કે બંને રાજકારણના અઠંગ ખેલાડી છે. બંને તેમના દુશ્મનોને માફ કરવામાં માનતા નથી, સાફ કરવામાં જ માને છે. નરેન્દ્ર મોદીએ તેમના પક્ષના અને પક્ષની બહારના વિરોધીઓને એકબાજુ ધકેલી દેવામાં સફળતા મેળવી અને મેળવી રહ્યા છે તો સુબ્રમણિયન સ્વામીએ અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી અને જયલલિતાને હેરાન-હેરાન કરી મૂક્યા હતા. સુબ્રમણિયન જ્ઞાતિએ બ્રાહ્મણ છે અને ખરા અર્થમાં બ્રાહ્મણ છે. વિદ્વતા તેમનામાં ઠાંસોઠાંસ ભરેલી છે. શિક્ષણવિદ, વકીલ, લેખક અને રાજકારણી જેવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. અને એક બીજા બ્રાહ્મણ ચાણક્યના શબ્દશ: ગુણો ધરાવે છે. ચાણક્ય ધનાનંદ સાથે વેર થયું હતું તો તેઓ તેને સત્તામાંથી પદચ્યુત કરીને જ ઝંપ્યા હતા. સ્વામીનું પણ તેવું જ છે.

આવા ધૂરંધર રાજકારણીઓ સામે પડનાર આ સુબ્રમણિયન સ્વામી છે કોણ? આમ તો, સ્વામી રાજકારણમાં જ ન હોત. તેઓ ખૂબ જ સારા શિક્ષણવિદ હતા અને છે. સ્વામીએ હાર્વર્ડ જેવી પ્રખ્યાત યુનિવર્સિટીમાં ભણાવેલું છે. તેમણે ૨૪ વર્ષે જ હાર્વર્ડમાંથી પીએચ.ડી. કરી લીધેલું. ઇકોનોમિક સાયન્સમાં નોબલ મેળવનાર પહેલા અમેરિકન પૉલ સેમ્યેલ્સન સાથે તેમણે ઇન્ડેક્સ નંબરની થિયરીનું પેપર લખેલું. ૧૯૭૫માં તેમણે ચીનના અર્થતંત્ર પર પુસ્તક લખેલું. તેઓ માત્ર ત્રણ મહિનામાં ચીની ભાષા શીખી ગયેલા! નોબેલ પુરસ્કાર મેળવનાર અમર્ત્ય સેનના આમંત્રણથી તેઓ દિલ્લી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં જોડાયેલા. તો પછી કયા સંજોગો આવા શિક્ષણવિદને અને સંશોધનકારને રાજકારણ તરફ ખેંચી લાવ્યા?

પિતા સીતારામ સુબ્રમણિયનની જેમ સુબ્રમણિયન પણ ગણિતમાં ખૂબ જ વિદ્વાન. પિતા સેન્ટ્રલ સ્ટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હતા. નોકરીના કારણે તેઓ ચેન્નાઈથી દિલ્લી આવી ગયેલા. સુબ્રમણિયન સ્વામી (સ્વામી વકીલ પણ હોવાથી વકીલની ભાષામાં એક ચોખવટ-હવે આપણે તેમના લાંબા આખા નામના બદલે સ્વામી જ લખીશું) ભણ્યા દિલ્લીમાં. તેમણે દિલ્લી યુનિવર્સિટી અંતર્ગત હિન્દુ કૉલેજમાંથી ગણિતમાં બી.એ. (હૉનરરી) ડિગ્રી મેળવી. તેઓ ત્રીજા ક્રમે આવ્યા હતા. અનુસ્નાતકનું ભણવા તેઓ કોલકાતા ગયેલા. સ્વામીને દુશ્મનોનો પનારો ત્યારથી જ પડેલો. એટલે જ કદાચ સ્વામીનો સ્વભાવ દુશ્મનોને માફ નહીં કરવાનો બની ગયો હશે.

બન્યું એવું કે કોલકાતામાં ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના વડા પી. સી. મહાલાનોબિસ હતા જે તેમના પિતા સીતારામના દુશ્મન હતા. પિતાની દુશ્મની તેમણે પુત્ર સામે કાઢી. સ્વામીને ઓછા માર્ક આવવા લાગ્યા. આ મહાલાનોબિસ આયોજન પંચ સ્થાપવા પાછળનું ભેજું કહેવાય છે. મહાલાનોબિસે ઓછા માર્ક આપ્યા હોય કે ગમે તેમ, સ્વામીએ ભણી લીધા પછી આઈઆઈટીમાં હતા ત્યારે તેમણે ડાબેરીઓ પી. એન. હક્સર, મોહન કુમારમંગલમ અને નુરુલ હસ્સન સામે બાથ ભીડેલી. અર્થકારણ માટે ‘સ્વદેશી યોજના’ આપેલી. તેમણે આ પંચવર્ષીય યોજનાને બંધ કરી દેવા સૂચવેલું. કદાચ તેમનું તીર મહાલાબનોબિસ તરફ હતું, પણ આ તીર લાગ્યું ઈન્દિરા ગાંધીને.

ઈન્દિરા ગાંધીનો તે વખતે સૂર્ય મધ્યાહ્ને તપે. તેમની વિરુદ્ધ બોલવું એટલે જેલમાં જવું. તેમના જેવા દિગ્ગજ નેતાને ફરજ પડી કે તેમણે વર્ષ ૧૯૭૦માં બજેટ પરની ચર્ચામાં સ્વામીના વિચારો માટે સ્વામીને ‘અવાસ્તવિક વિચારો સાથેના સાન્તા ક્લૉઝ’ કહીને તેમની ઠેકડી ઉડાવી. એટલું જ નહીં ઈન્દિરા ગાંધીએ ડિસેમ્બર ૧૯૭૨માં આઈઆઈટીમાંથી સ્વામીને કઢાવી મૂક્યા. (સ્મૃતિ ઈરાની સામે થતા આક્ષેપો પરથી નવાઈ ન લાગવી જોઈએ. આગુ સે ચલી આતી હૈ…)

અહીંથી સ્વામીના દુશ્મન બની ગયાં ઈન્દિરા ગાંધી. ભાજપના પૂર્વાવતાર જેવા જનસંઘના નાનાજી દેશમુખની પારખુ નજરે સ્વામીને માપી લીધા. તેમને થયું આ છોકરો આપણા માટે કામનો છે. ૧૯૭૪નો એ સમય. જનસંઘે નાનાજીના કહેવાથી સ્વામીને રાજ્યસભામાં મોકલ્યા.

એ કટોકટી ગાળા વખતે સ્વામીએ ભજવેલી ભૂમિકાથી તેઓ સંઘ અને જનસંઘ બંનેના કાર્યકર્તાઓના હીરો બની ગયેલા. અહીં પણ નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે બીજી સામ્યતા રહેલી છે. કટોકટીના ગાળામાં ઈન્દિરા ગાંધીની પાળતુ પોલીસથી બચવા બંને શીખનો વેશ ધારણ કરેલો. એમાંય સ્વામી તો અમેરિકા જઈને ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને એ કટોકટી દરમિયાન જર્મનીના હિટલરની જેવા કરાતા અત્યાચારોની ગાથા વર્ણવતા. ઈન્દિરાના શાસનમાં, પેલા હિટલરની નકલ જેવા અસરાની ‘શોલે’માં કહે કે ‘પરિન્દા ભી પૈર નહીં માર સકતા’ તેવું હતું. પણ સ્વામી કોને કહે? તેઓ અમેરિકાથી ભારત આવ્યા. સુરક્ષાચક્ર તોડીને સંસદમાં ઘૂસ્યા. ૧૦ ઑગસ્ટ ૧૯૭૬ના રોજ સંસદના સત્રમાં હાજરી આપી. ત્યાંથી પાછા ભાગી ગયા. એટલું જ નહીં, પણ ભાગીને ભારતથી પાછા અમેરિકા પહોંચી ગયા! સંસદમાં સ્વામીએ કોની સામે મુદ્દો ઉઠાવ્યો હતો? ઈન્દિરા ગાંધીનાં પુત્રવધૂ! જી હા, સોનિયા ગાંધી સામે. તેમણે અત્યારે જેમ રાજ્યસભામાં તેમણે પુરાવા સહિત ઑગસ્ટા વેસ્ટલેન્ડમાં સોનિયા-અહેમદ પટેલને ભીંસમાં લીધાં તેમ તે વખતે સંસદમાં દસ્તાવેજી પુરાવા સાથે આક્ષેપ કરેલો કે સોનિયા ઑરિએન્ટલ ફાયર એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના બેનામી ઇન્સ્યોરન્સ એજન્ટ છે. અને તેમણે પોતાના ઑફિસના સરનામા તરીકે વડા પ્રધાન નિવાસનું સરનામું- ૧, સફદરગંજ રૉડ આપેલું છે. આના પરિણામે ઈન્દિરા ગાંધીના આદેશથી સોનિયાને તેમની રોજગારી છોડવી પડેલી!

ઈન્દિરા ગાંધીને સ્વામીની દુશ્મનાવટ મોંઘી પડી. ઈન્દિરાના અને તે રીતે નહેરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનનો અંત લાવવામાં સ્વામી પણ અનેક પરિબળોમાંના એક મહત્ત્વના પરિબળ હતા. જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાં એક હતા સ્વામી. સ્વામી સહિત અનેકોના પ્રયાસોના કારણે ઈન્દિરાને ચૂંટણી આપવી પડી. એ ચૂંટણીમાં જનતા પક્ષની સરકાર બની. અહીંથી શરૂ થઈ સ્વામીની વાજપેયી સાથેની દુશ્મની.

સ્વામી અર્થશાસ્ત્રમાં એટલા બધા નિષ્ણાત હતા કે તેઓ જ સ્વાભાવિક નાણા પ્રધાન તરીકેના અગ્રણી દાવેદાર હતા. એમ કહેવાય છે કે વાજપેયીએ એવી અફવા ફેલાવી કે સ્વામી સીઆઈએના એજન્ટ છે અને સ્વામીને નાણા મંત્રાલય મળતું અટકાવેલું. સ્વામી કટોકટીના સમય દરમિયાન આરએસએસની અંદરનાં વર્તુળોમાં સ્થાન પામી ગયા હતા. પણ નાણા મંત્રાલય ન મળવાના કારણે તેઓ વાજપેયી અને સંઘના વિરોધી બની ગયા. પછીથી તેમણે વાજપેયી અને તત્કાલીન સંઘ સરસંઘચાલક (પ્રમુખ) બાળાસાહેબ દેવરસ પર કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીને માફી પત્ર લખી આપ્યાનો આક્ષેપ કર્યો હતો. વાજપેયી દારૂ પીતા હોવાનું પણ સ્વામીએ તેમની આત્મકથામાં લખેલું છે. તેમણે લખ્યું છે, “મોરારજી અને ચરણસિંહ તેમની નૈતિકતા માટે જાણીતા હતા. પરંતુ જનતા પક્ષમાં રહેલા કેટલાક અનૈતિક તત્ત્વોએ તેમના અંગત ફાયદા માટે બંને વચ્ચે દુશ્મની કરાવી. દા.ત. જ્યારે મોરારજીએ વાજપેયીને દારૂ નહીં પીવા માટે કડક ચેતવણી આપી ત્યારે વાજપેયી ભોંઠા પડી ગયેલા. દિલ્લીમાં જાપાનના વિદેશ પ્રધાને એક પાર્ટી રાખી હતી. વાજપેયી વિદેશ પ્રધાન તરીકે તેમાં હાજર હતા. તેઓ પીધેલા હતા. મને પણ તેમાં ભોજન માટે આમંત્રણ હતું. મને એ જોઈને આઘાત લાગ્યો કે વિદેશ પ્રધાન (વાજપેયી) ફૂલ પીધેલી સ્થિતિમાં હતા…”

“જ્યારે મોરારજીએ મને પૂછ્યું ત્યારે મેં તેમને બધું કહી દીધું…” (બની શકે કે નાણા પ્રધાન ન બનાવવાના કારણે સ્વામીએ વાજપેયી વિરુદ્ધ આ બધી વાર્તા ઊભી કરી હોય…સત્ય તો રામ જાણે.) “તે પછી મોરારજીએ મારી હાજરીમાં વાજપેયીને બોલાવ્યા અને તેમને જોરદાર ઠપકો આપ્યો. પરંતુ વાજપેયી કંઈ બોલ્યા નહીં. તેઓ એવી રીતે ઊભા હતા જેમ કોઈ વિદ્યાર્થી શિક્ષક દ્વારા ચોરી કરતાં રંગેહાથ ઝડપાયો હોય. આની સામે બદલો લેવા અને મોરારજીને મર્યાદામાં રાખવા, વાજપેયીએ મોરારજી વિરુદ્ધ ચરણસિંહના કાનમાં ઝેર રેડ્યું. એ વાજપેયી જ હતા જેમણે સૌ પ્રથમ ચરણસિંહના મનમાં વડા પ્રધાન બનવાની ઈચ્છા રોપી. તેઓ મોરારજી અને ચરણસિંહને અલગ-અલગ મળતા અને બંનેને એકબીજા વિરુદ્ધ ચડાવતા. સામાન્ય માન્યતા એવી છે કે ચરણસિંહે જનતા પક્ષની સરકાર તોડી, પણ હકીકતે વાજપેયીએ આ કામ કર્યું.”

સુબ્રમણિયન સ્વામી અતિ મહત્ત્વાકાંક્ષી છે. અલબત્ત, તેમની મહત્ત્વાકાંક્ષાઓ પૂરી થાય તે માટેની તેમનામાં લાયકાત છે પણ ખરી. લાયકાત વગર જો કોઈના મનમાં મહત્ત્વાકાંક્ષા હોય તો તે વ્યક્તિ પરત્વે આદર ન થાય. પણ સ્વામી માટે એવું નથી.

૧૯૯૮માં જયલલિતાની કૃપાથી સ્વામી મદુરાઈ બેઠક પરથી જીતી ગયા હતા. તે વખતે પણ સ્વામીને હતું કે જનતા સરકાર વખતે ન મેળ પડ્યો તો કંઈ નહીં, આ વખતે તો મેળ પડશે. જયલલિતા પણ તેમના ક્વોટામાંથી સ્વામીને નાણા પ્રધાન બનાવવા માગતા હતા. પણ વાજપેયી સ્વામીની દુશ્મની ભૂલી શકે તેમ નહોતા. સામાન્ય રીતે અજાતશત્રુ કહેવાતા વાજપેયીએ સ્વામીને મંત્રી ન બનાવ્યા. એમાં સ્વામીની વાજપેયી પ્રત્યેની કડવાશ વધી ગઈ. વાજપેયી સ્વામીને જનતા સરકાર વખતથી અલગ રાખતા હોય તેમાં કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે તેઓ પક્ષની અંદર પોતાના હરીફ ઊભા થવા દેવા માગતા ન હોય. પરિણામ એ આવ્યું કે તે વખતે સ્વામીએ સોનિયા ગાંધી અને જયલલિતા વચ્ચે ટી પાર્ટી રખાવીને સરકાર ઉથલાવી દીધી. પણ કારગિલ યુદ્ધ થયું અને ૧૯૯૯માં ફરીથી વાજપેયી વડા પ્રધાન બન્યા. સ્વામીની ઈચ્છા પૂરી ન થઈ.

વી. પી. સિંહ બૉફોર્સ કૌભાંડ સામે ઝુંબેશ ચલાવીને વડા પ્રધાન બન્યા હતા પણ સ્વામીએ પુરાવા સાથે તેમનું નામ પણ તેમાં જોડી દીધું હતું!

સ્વામીએ ભાજપે ટેકો પાછો ખેંચી લીધા પછી વી. પી. સિંહના જનતા દળને તોડવામાં પણ ભાગ ભજવ્યો હતો તેમ કહેવાય છે. અજિતસિંહના જૂથના જનતા દળના ૨૦ સાંસદો તૂટીને ચંદ્રશેખર તરફ આવી ગયેલા તેનો યશ (!) સ્વામીને જાય છે. સ્વામીએ એક પત્રકારને હસતા હસતા કહેલું, “તમારી પત્રકારોની કોઈ સંસ્થાને તોડવી હોય તો મને કહેજો!”

જયલલિતાના એક સમયના મિત્ર સ્વામીએ તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ કરીને તેમને જેલ ભેગા કર્યાં હતાં. જોકે સ્વામીનું કહેવું હતું કે જયલલિતાના કહેવાથી પોલીસે તેમને હેરાન કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. આ એક બાબતમાં નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી જુદા પડે છે. મોદીને જયલલિતા સાથે સારું બને છે (અને આથી ભાજપને પણ!) પરંતુ ભાજપમાં માત્ર સ્વામી જ જયલલિતાના વિરોધી છે. બાકી, ઉદારવાદી આર્થિક નીતિમાં મોદી અને સ્વામી બંને સરખા મતના છે. અલબત્ત, એમ કહેવું જોઈએ કે ઉદારવાદી નીતિ લાવવાનો યશ મનમોહનસિંહને (મિડિયાના પ્રતાપે) જાય છે, પરંતુ હકીકતે ચંદ્રશેખર સરકાર વખતે તેનો પાયો સ્વામીએ નાખ્યો હતો. અને સ્વામી ઉદારવાદી આર્થિક નીતિની તરફેણ તેઓ આઈઆઈટીમાં ભણાવતા ત્યારથી કરતા હતા. આ બધી સામ્યતાઓ અને સ્વામીની અનેક નિપુણતાઓ તેમજ સરકાર ઉથલાવવાની ક્ષમતાના લીધે જ કદાચ મોદીએ સ્વામીને રાજ્યસભામાં લાવીને સાચવી લીધા છે.

સામાન્ય રીતે કૌભાંડોની પાછળ પડતા સ્વામીએ બૉફોર્સ કૌભાંડને હાથ પણ નહોતો લગાડ્યો? કેમ? તેમનો જવાબ એવો હતો કે “બીજા અનેક લોકો આ કામ કરી રહ્યા છે, મારે શું કામ કરવું?” પણ હકીકત એ હતી કે તેમની રાજીવ ગાંધી સાથે ગાઢ મિત્રતા હતી. સ્વામી ઘણી વાર કહે છે કે, “રાજીવને હું રાતના બે કે ત્રણ વાગે પણ મળી શકતો.” એકદમ સમજી શકાય તેવી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે જેમ અંડરવર્લ્ડમાં પૈસા લઈને (અથવા કોઈ બીજા કારણોસર) હત્યા કરનારા ભાડૂતી/કૉન્ટ્રાક્ટ કિલર હોય છે, રાજકારણમાં સ્વામીનું નામ તેવું જ છે. સ્વામીના હિટલિસ્ટમાં કર્ણાટકના મુખ્યપ્રધાન અને મિસ્ટર ક્લીનની છબી ધરાવનારા રામકૃષ્ણ હેગડે, એમ. કરુણાનીધિ, એ. રાજા., પી. ચિદમ્બરમ સહિત અનેક નામો હતાં/ છે. અને અત્યારે તેમણે સોનિયા-રાહુલ અને આરબીઆઈના રાજ્યપાલ રઘુરામ રાજનની સોપારી લીધી હોય તેમ લાગે છે.

national, sikka nee beejee baaju

શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

(ભાગ-૯)

શૈખ અબ્દુલ્લાને તો ભાવતું મળી ગયું. શૈખ-ઈન્દિરા સમજૂતી પછી ઈન્દિરા ગાંધીના ઈશારે કઠપૂતળી જેવા સૈયદ મીર કાસીમે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. એક વાતમાં ઈન્દિરા ગાંધીએ જબરદસ્ત સખ્તી અને હોંશિયારી દાખવી. જ્યાં સુધી શૈખ અબ્દુલ્લા મુખ્યપ્રધાનના શપથ ન લે ત્યાં સુધી ઓલ ઇન્ડિયા રેડિયો પર સતત પ્રચાર કરવામાં આવ્યો કે ભારત અને કાશ્મીરના સંબંધ (જાણે બંને અલગ-અલગ દેશ હોય) યથાવત્ જ રહેશે. આના કારણે કાશ્મીરમાં એવી લાગણી જન્મી કે શૈખ અબ્દુલ્લાએ કાશ્મીરને વેચી દીધું છે. તેમની સામે જબરદસ્ત રોષ પ્રગટ્યો. વિરોધ પ્રદર્શનો થયાં. તેઓ સોગંદવિધિમાં આવ્યા નહીં. ઈન્દિરા ગાંધીએ વિદાય લેતા મુખ્યપ્રધાન સૈયદ મીર કાસીમને શૈખને થાળે પાડવા સ્પષ્ટ સૂચના આપી અને કહ્યું કે તેમને કહો કે જો તેઓ શપથ નહીં લે તો કાસીમ ફરી મુખ્યપ્રધાન બની જશે. શૈખ જેલની જિંદગીથી કંટાળી ગયા હતા. તેમણે વાત માની લીધી. તેમણે જનમત સંગ્રહનો તંત પણ મૂકી દીધો અને જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન વડા પ્રધાન (વઝીર-એ-આઝમ) તેમજ રાજ્યપાલ રાષ્ટ્રપતિ (સદર-એ-રિયાસત) કહેવાય તે જિદ પણ છોડી દીધી.

જોકે આ સમજૂતી થયા પછી ‘અભી બોલા અભી ફૌક’ની જેમ નેશનલ કૉન્ફરન્સના નેતાઓ, શૈખના દીકરા મુસ્તફા કમાલ (જેમણે ૩ જૂન, ૨૦૧૫ના રોજ જ નિવેદન આપ્યું હતું કે કાશ્મીરમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવાય તેમાં કંઈ ખોટું નથી), ભત્રીજા શૈખ નઝીર વગેરે ઈન્દિરા-શૈખ સમજૂતીને માનતા નથી અને સમયે સમયે સવાલ ઉઠાવતા રહ્યા છે કે તેના પર શૈખના હસ્તાક્ષર જ ક્યાં છે. તેઓ એમ પણ કહ્યા રાખે છે કે કાશ્મીરનું ભારતમાં વિલિનીકરણ પણ કામચલાઉ જ હતું.

જમ્મુ અને લદ્દાખના લોકો મીર કાસીમના રાજીનામાથી રોષે ભરાયા. સૈયદ મીર કાસીમ, તે  વખતના મુખ્યપ્રધાન, પોતાના પુસ્તક ‘માય લાઇફ એન્ડ ટાઇમ્સ’માં લખે છે કે “જ્યારે હું દિલ્હીથી જમ્મુ પહોંચ્યો ત્યારે જમ્મુમાં લોકો મને ઘેરી વળ્યા અને મને કહ્યું, “અમે તમને મત આપ્યો હતો, શૈખને નહીં.”” પરંતુ કાસીમને ઈન્દિરા ગાંધીનો આદેશ હતો. ઉપરાંત તેઓ પોતે પણ ઢીલા હતા. અગાઉ સાદ્દિક વખતે તેમનું નામ મુખ્યપ્રધાનના દાવેદાર તરીકે ઉભર્યું અને તે બંને મિત્રો (સાદ્દિક-કાસીમ) વચ્ચે મતભેદો થયા ત્યારે તેમણે રાજીનામું આપી રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો હતો. રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસમાં ભાગલા થયા હોવાથી ઈન્દિરા ગાંધીને મીર કાસીમના ટેકાની જરૂર હતી તેથી તેઓ તેમને રાજકારણમાં પાછા લઈ આવ્યા હતા. સાદ્દિકના અવસાન બાદ મીર કાસીમ સિવાય કોઈ વિકલ્પ દેખાયો નહીં. તેથી તેમને મુખ્યપ્રધાન બનાવી દેવાયેલા. પરંતુ હવે ઈન્દિરા ગાંધી ઈચ્છવા લાગ્યાં હતાં કે તેઓ રાજીનામું આપી દે અને શૈખને મુખ્યપ્રધાન બનાવવામાં આવે! આમ, ચૂંટાયેલી સરકારના મુખ્યપ્રધાન મનમરજી મુજબ બદલવાની રીતરસમ કૉંગ્રેસના વખતથી શરૂ થઈ. આજે આપણે જોઈએ છીએ કે જયલલિતા જેલમાં જાય એટલે તેમના પ્યાદાને મુખ્યપ્રધાન બનાવી દેવાય. તેઓ નિર્દોષ છૂટે એટલે ફરી તેમને મુખ્યપ્રધાન બનાવી દેવામાં આવે. પરંતુ આ બધી ગેરરીતિઓ  કૉંગ્રેસે શીખવી છે.

શૈખ જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન તરીકે ૧૯૭૫માં ફરી બિરાજમાન થયા, પરંતુ કેવી રીતે! તેમને ઈન્દિરા તરફથી કૉંગ્રેસમાં આવી જવા કહેવાયું હતું, પરંતુ તેમણે પ્રસ્તાવ ફગાવી દીધો! જે ઈન્દિરાની વાત ટાળવાની કોઈ હિંમત કરતું નહોતું તેનો પણ પ્રસ્તાવ ફગાવી શકે તે વ્યક્તિ કેવી હશે? અથવા એમ વિચારો કે નહેરુ-જેપી-શાસ્ત્રી-ઈન્દિરા તમામ શાસકો કયા ભેદી કારણસર શૈખ સામે હંમેશાં ઝુક્યા કરતા હતા? એમાંય, ૧૯૭૨ના સમય સુધીમાં તો શૈખનું રાજકારણ ખતમ કરી નખાયું હતું. શ્યામાપ્રસાદ મુખરજી સાથે થયું તેવું ભલે શૈખ સાથે ન કરાય, પરંતુ તેમને તડીપાર કરીને તેમને બોધપાઠ આપી દેવાયો હતો તે ચાલુ રાખવાના બદલે ઈન્દિરાએ તેમને ફરીથી સત્તા આપવાની શી જરૂર હતી? માનો કે કાસીમ ઢીલા હતા, પરંતુ શૈખ સિવાય કોઈ વિકલ્પ જ ન દેખાયો નહેરુ- ઈન્દિરાને? આના કારણે તો પછી એવું થયું કે શૈખ પછી તેમની બે પેઢીએ વર્ષો સુધી કાશ્મીર પર શાસન કર્યે રાખ્યું!

લોખંડી ઈન્દિરાની સખ્તાઈ શૈખ સામે પીગળી જતી હતી. શૈખની નેશનલ કૉન્ફરન્સે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેથી તેમના પક્ષના એક પણ ધારાસભ્ય ચૂંટાયેલા નહોતા. એટલે માત્ર એક વ્યક્તિ જે ચૂંટાયેલી નહોતી તેને બહુમતી પક્ષ કૉંગ્રેસે ટેકો આપી દીધો અને લોકશાહીનું ગળું ટુંપી દેવાયું!

જોકે શૈખ અબ્દુલ્લાના (કદાચ વિચારપૂર્વકના) કેન્દ્ર અને કૉંગ્રેસ સાથે લવ-હેટના સંબંધ ચાલુ રહ્યા. મુખ્યપ્રધાન બન્યા પછી શૈખ અબ્દુલ્લા કૉંગ્રેસમાંથી માણસો તોડવા લાગ્યા. ખાસ કરીને કૉંગ્રેસમાંના મુસ્લિમ નેતાઓને પોતાના પક્ષમાં ખેંચવા લાગ્યા. કૉંગ્રેસમાંથી અબ્દુલ ગની લોન જેવા ઘણાય લોકો નેશનલ કૉન્ફરન્સમાં જોડાવા લાગ્યા. શેખ અબ્દુલ્લાની બીજી અવળચંડાઈઓ પણ ચાલુ થઈ,  પનોતી પણ સાડા સાત વર્ષે ઉતરી જાય, પરંતુ શૈખ અબ્દુલ્લા નામની પનોતી તો દાયકાઓ સુધી જમ્મુ-કાશ્મીર પરથી ઉતરી નહીં. શૈખ અબ્દુલ્લાએ કેન્દ્ર તરફથી મળતા ખાદ્ય રેશન પર અપાતી સબસિડી કાપી નાખી. તેમણે કાશ્મીરના લોકોને પેટે પાટા બાંધી લેવા કહ્યું અને કેન્દ્રની કૃપામાંથી મુક્ત થવા કહ્યું. એક રીતે એમની વાત સાચી હતી. એ રીતે કે એ વખતે ઈન્દિરા ગાંધીનું માત્ર જમ્મુ-કાશ્મીર તરફ જ નહીં, એ કોઈ પણ રાજ્ય જ્યાં તેમની મનગમતી વ્યક્તિ શાસક તરીકે ન હોય ત્યાં હેરાન કરવા માટે આવું જ વલણ હતું. ગુજરાતમાં ચીમનભાઈ પટેલ તેમની મરજી વિરુદ્ધ મુખ્ય પ્રધાન બન્યા તો કેન્દ્ર તરફથી મળતા ઘઉંના પૂરવઠામાં કાપ મૂકી દીધો. ચીમનભાઈએ હોસ્ટેલનું ફૂડ બિલ વધારી દીધું, જેના પરિણામે (ઈન્દિરાના ઈશારે જ) મોંઘવારી સામે આંદોલન થયું જે છેવટે તો ચીમનભાઈ ઉપરાંત ઈન્દિરાની ખુરશી ઉથલાવીને રહ્યું. પરંતુ શૈખ અબ્દુલ્લાના કેસમાં આવું ન થયું.

તેમણે પોતાની બેવડી રમત ચાલુ રાખી. કાશ્મીરમાં હોય ત્યારે ભારત વિરુદ્ધ બોલવાનું અને ભારતીય પત્રકારો કે જમ્મુમાં જાય ત્યારે ડાહી ડાહી વાતો કરવાની! જમ્મુના નેતા પંડિત પ્રેમનાથ ડોગરા શૈખ અબ્દુલ્લા વિશે સાચું જ કહેતા, “એ કમ્યૂનલિસ્ટ ઇન કાશ્મીર, કમ્યૂનિસ્ટ ઇન જમ્મુ એન્ડ નેશનાલિસ્ટ ઇન ઇન્ડિયા.” અર્થાત, કાશ્મીરમાં તે (મુસ્લિમ તરફી) કોમવાદી બની જાય, જમ્મુમાં સામ્યવાદી બની જાય અને ભારતમાં રાષ્ટ્રવાદી! શૈખ અબ્દુલ્લાએ કૉંગ્રેસ પક્ષના માણસોને તોડ્યા એટલે નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસ વચ્ચે ટકાટકી ચાલુ થઈ ગઈ હતી. પરંતુ ૧૩ ઑક્ટોબરે બંને વચ્ચે મતભેદોનો અંત લવાયો અને એક સંકલન સમિતિ બનાવાઈ. જોકે આ લાંબું ન ચાલ્યું. ૨૧ ઑક્ટોબરે તેમણે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું અને પોતાના નવા મંત્રીમંડળમાં ઈન્દિરા ગાંધીને પૂછ્યા વગર જ કૉંગ્રેસના ચાર પ્રધાનોનો સમાવેશ કર્યો. જવાબમાં ઈન્દિરા ગાંધીએ એ ચાર સભ્યોને પ્રધાન તરીકે ન જોડાવા આદેશ આપ્યો. આથી સોગંદ સમારંભ રદ્દ કરવો પડ્યો. (લોકશાહીના નામે કેવું ફારસ ભજવાતું રહ્યું છે એ આના પરથી સ્પષ્ટ થાય છે.)

દરમિયાનમાં ભારતમાં નવનિર્માણ આંદોલન, કટોકટી સામેની લડાઈ ચાલુ થઈ ગઈ હતી. કૉંગ્રેસ વિરુદ્ધ દેશમાં ભયંકર આક્રોશ અને રોષ હતો. ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીના ઈશારે વિરોધી નેતાઓને પકડી પકડીને જેલમાં પુરાવા લાગ્યા હતા. તેમના પર અત્યાચારની હદ થઈ રહી હતી. અખબારોનો અવાજ ઘોંટી દેવાયો હતો. લોકશાહીનો સૂરજ આથમી જાય તેવા એંધાણ થઈ રહ્યા હતા.

માર્ચ ૧૯૭૭માં કટોકટી અને સખત પોલીસ દમન છતાં ચૂંટણીમાં સંયુક્ત થયેલા વિરોધ પક્ષોની પાર્ટી – જનતા પાર્ટી ચૂંટણીમાં જીતી ગઈ. ઈન્દિરા ગાંધીને લાગ્યું કે શૈખ અબ્દુલ્લા આ તકનો લાભ ઉઠાવી કૉંગ્રેસ સાથે ગઠબંધન તોડી નાખશે અને જનતા પાર્ટી સાથે સમાધાન કરી લેશે. તેમણે શૈખ અબ્દુલ્લા સાથ છોડે તે પહેલાં જ કૉંગ્રેસના રાજ્યના નેતાઓને અબ્દુલ્લા સરકારને ટેકો પાછો ખેંચી લેવા આદેશ આપ્યો. (કૉંગ્રેસના ટેકાથી બનેલી તમામ સરકારો સાથે આવું જ થયું છે. આ શરૂઆત કદાચ શૈખ અબ્દુલ્લાથી થઈ, પછી ચરણસિંહ, ચંદ્રશેખર, દેવેગોવડા અને છેલ્લે ઈન્દ્રકુમાર ગુજરાલની સરકારો સાથે આવું જ થયું.) ૭૩ સભ્યોની વિધાનસભામાં કૉંગ્રેસના ૪૫ સભ્યો હતા. તેણે શૈખ અબ્દુલ્લા સરકારને ટેકો પાછો ખેંચી લીધો, જેથી ૨૬ માર્ચ ૧૯૭૭થી ૯ માર્ચ ૧૯૭૭ સુધી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન સ્થપાયું.

હકીકતે કૉંગ્રેસ પાસે અને ઈન્દિરા ગાંધી પાસે આ મોટી તક હતી. તેની પાસે ૪૫ સભ્યો હતા. શા માટે તેમણે શૈખ અબ્દુલ્લા સાથે ૧૯૭૫ની સમજૂતી (એકોર્ડ) કરી? શા માટે તેમણે સૈયદ મીર કાસીમને હટાવીને, જે પક્ષના એક પણ ધારાસભ્ય નહોતા તે, નેશનલ કૉન્ફરન્સના નેતા શૈખ અબ્દુલ્લાને લોકશાહીનું ગળું ઘોંટીને મુખ્યપ્રધાન બનાવ્યા? જો તેમણે કૉંગ્રેસની સરકાર ટકાવી હોત તો જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય પ્રવાહમાં ભળવાની પૂરી સંભાવના હતી. પરંતુ શૈખ અબ્દુલ્લાને આપખુદ રીતે મુખ્યપ્રધાન બનાવીને જમ્મુ-કાશ્મીરની પ્રજાને હેરાન તો કરી જ, સાથે તેને રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવવાની સંભાવનાને દાયકો પાછળ ધકેલી, જે આજ સુધી નથી આવી શકી. અને શૈખ અબ્દુલ્લાએ બદલામાં શું કર્યું? કાશ્મીરના લોકોને ભારત વિરુદ્ધ ભડકાવ્યે રાખ્યા. કૉંગ્રેસને તોડી નાખી. એ પછી કૉંગ્રેસ સત્તા બહાર ગઈ તે ગઈ, તે પછી છેક, ૨૦૦૨માં પીડીપી સાથે યુતિ સરકાર દ્વારા આડકતરી અને ૨૦૦૫માં ગુલામનબી આઝાદ મુખ્યપ્રધાન બન્યા ત્યારે સીધી રીતે સત્તા હાથમાં આવી.

કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધા પછી તેને (એટલે કે ઈન્દિરાને) એમ કે પોતે પાછી સરકાર રચી શકશે પરંતુ શૈખ અબ્દુલ્લા રાજ્યપાલ એલ. કે. ઝા પાસે વિધાનસભાનું વિસર્જન કરાવવામાં સફળ રહ્યા. કૉંગ્રેસ (એટલે કે ઈન્દિરા) આનાથી ડઘાઈ ગઈ, રોષે ભરાઈ ગઈ. તેમણે શૈખ અબ્દુલ્લાના પગલાને રાજકીય દગાબાજી તરીકે ગણાવ્યું. રાજ્યપાલ પણ કેવા કહેવાય! તેમણે માત્ર ત્રણ સભ્યોનો ટેકો ધરાવતા મુખ્ય પ્રધાનની સલાહ માનીને વિધાનસભા વિસર્જિત કરી નાખી! અને શૈખ અબ્દુલ્લાના કાબાપણાને-લુચ્ચાઈને તો શું કહેવું!

હવે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અવશ્યંભાવી બની હતી. દેશમાં જનતા પાર્ટીનું મોજું હતું. પરંતુ શૈખ અબ્દુલ્લાએ જનતા પાર્ટી સાથે સમજૂતી કરવાની ના પાડી દીધી. તેમને લાગ્યું કે તેમ કરવાથી તેમની ભારતવિરોધી છબિ નબળી પડી જશે. આ તરફ રાજ્યમાં જનતા પાર્ટીનું એક એકમ સ્થપાયું હતું. મૌલાના મસૂદીની નીચે. તેમાં કેટલાંક જૂથો અને પક્ષો સામેલ થયાં હતાં જેમાં મૌલવી ફારુકીની અવામી ઍક્શન કમિટીનો પણ સમાવેશ થતો હતો. શૈખ અબ્દુલ્લાની નેશનલ કૉન્ફરન્સ માટે આ ચિંતાનો વિષય હતો, પરંતુ ઈન્દિરા ગાંધીને પણ જે માણસ ભારે પડતો હોય તે આ બધાને તો ઘોળીને જ પી જાય ને!  જનતા પાર્ટીમાં ભારતીય જનસંઘ પણ હતો (રાષ્ટ્રીય સ્તરે) તેથી શૈખ અબ્દુલ્લાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કાશ્મીરની જનતામાં ભય ફેલાવ્યો કે આ લોકો એટલે કે મૌલાના મસૂદીવાળો પક્ષ જો સત્તામાં આવશે તો કલમ ૩૭૦ દૂર થઈ જશે અને કાશ્મીરની જનતા પર ભારે અત્યાચારો થશે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે “જો ભારત તરફથી આપણને માન-સન્માન નહીં મળે તો આપણે ભારતમાંથી છૂટા પડી જઈશું. ૧૯૫૩થી કલમ ૩૭૦ને ઘણી નબળી પાડી દેવામાં આવી છે, તેને આપણે મજબૂત કરવાની છે.” તેમણે રાજ્યમાંથી ભારતીય સેનાને હટાવી લેવા પણ માગણી કરી. ચૂંટણી દરમિયાન શૈખ અબ્દુલ્લા માંદા પડી ગયા! વિરોધીઓને લાગ્યું કે પ્રજાની સહાનુભૂતિ મેળવવા તેઓ નાટક કરી રહ્યા છે. જો ખરેખર નાટક હોય તો શૈખ અબ્દુલ્લા અદ્ભુત કલાકાર કહેવાય!

ચૂંટણી જીતવા શૈખ અબ્દુલ્લાનાં તમામ ઉપાયો કારગત નિવડ્યા. ૧૯૭૭માં યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં શૈખ અબ્દુલ્લા તેમના પક્ષ નેશનલ કૉન્ફરન્સને ભારે બહુમતી અપાવવામાં સફળ રહ્યા. કૉંગ્રેસનું પત્તું સાફ થઈ ગયું. જનતા પાર્ટી કેમ હારી તેની વાત તેમજ જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પ્રયોજાતા શબ્દ ‘શેર-બકરા’માં શેર કોણ હતા અને બકરા કોણ હતા, તેમજ બકરાઓની હાલત શું હતી, તેની વાત આવતા અઠવાડિયે…

(ક્રમશઃ)

(મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૪/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!