national, politics, sanjog news, vichar valonun

સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ,તા.૨૯/૪/૧૮)
અચાનક ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા છે? કે પછી અસહિષ્ણુતા અને એવૉર્ડ વાપસી પછી કૉંગ્રેસ અને ડાબેરીઓનું આ બીજું એક અભિયાન મોદી સરકાર સામે છે? ચાર ન્યાયમૂર્તિઓએ જાહેરમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે બળવો પોકારીને દીવાસળી ચાંપવાનું કામ કર્યું હતું ત્યારે તેમાં સામ્યવાદી ડી. રાજાની બળવાખોર ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સાથેની મુલાકાતના કારણે સામ્યવાદીઓ આ અભિયાન પાછળ હોવાની શંકા ગયા વગર નથી રહેતી. તે પછી કૉંગ્રેસ અને વિપક્ષોએ મહાભિયોગની દરખાસ્ત માટે નૉટિસ આપી પરંતુ તેની ગુણવત્તાના આધારે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેને ફગાવી દીધી.
આ મહાભિયોગની દરખાસ્ત પર પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ્, પૂર્વ કાયદા પ્રધાન અશ્વિની કુમાર, પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલી અને પૂર્વ માહિતી-પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ આ દરખાસ્ત પર સહી કરવાની ના પાડી દીધી! અલબત્ત, સમાચાર માધ્યમોએ યશવંતસિંહાના સમાચાર જેટલા ચગાવ્યા તેટલા આ સમાચારને મહત્ત્વ ન આપ્યું. પરંતુ રિમૉટ કંટ્રૉલ ગણાતા મનમોહને પણ તેના પર સહી કરવાની ના પાડી! એ તો ઠીક, વિપક્ષોમાં પણ તૃણમૂલ, ડીએમકેએ કૉંગ્રેસના આક્ષેપોના પુરાવા માગ્યા.
પરંતુ કૉંગ્રેસના નેતા અને પૂર્વ માનવ સંસાધન વિકાસ પ્રધાન કપિલ સિબલ તો એટલી હદે ગયા કે તેમણે મુખ્ય ન્યાયમૂર્તિની કૉર્ટનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી! કેમ? કદાચ એટલા માટે કારણકે રામમંદિર, પી. ચિદમ્બરમ્ ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ નો કેસ, અમિત શાહના પુત્ર જય શાહનો માનહાનિનો કેસ સામા પક્ષ વતી, કપિલ સિબલ લડે છે. અને આ બધા કેસ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર પાસે છે. કપિલ સિબલે રામમંદિરનો કેસ ૧૫ જુલાઈ ૨૦૧૯ સુધી મોકૂફ રાખવા અનુરોધ કર્યો હતો. કદાચ તેમને અથવા કૉંગ્રેસને ડર છે કે આ કેસનો ચુકાદો હિન્દુઓ તરફી આવ્યો તો તેનો સીધો ફાયદો ભાજપને લોકસભાની ચૂંટણીમાં થશે.
દીપક મિશ્રના નામે ત્રાસવાદી યાકૂબ મેમણને ફાંસી, દિલ્લીની પેરા મેડિકલ વિદ્યાર્થિની પર બળાત્કાર કેસમાં કડક ચુકાદો, ૨૦૦૮ના બળાત્કારના કેસમાં કડક ચુકાદો, સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવાનો ચુકાદો બોલે છે. આના કારણે એક દલીલ એવી પણ થાય છે કે કૉંગ્રેસ અને સાથી પક્ષોની મતબૅંક પર અસર પડતી હોવાથી તેઓ આટલી હદે ઉકળી ઉઠ્યા છે.
આ કપિલ સિબલે ન્યાયમૂર્તિ રામાસ્વામીની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો માટે મહાભિયોગ વખતે તેમનો જોરદાર બચાવ કર્યો હતો. ન્યાયમૂર્તિ સૌમિત્ર સેનના મહાભિયોગ વખતે તેઓ ૨૦૧૦માં એમ કહેતા હતા કે રાજકારણીઓએ ન્યાયાધીશોના મહાભિયોગમાં પડવું જ ન જોઈએ!
ન્યાયમૂર્તિ લોયાના મૃત્યુ કેસમાં ઈચ્છિત ચુકાદો ન આવે કે ૨૦૦૨ના નરોડા પાટિયા કેસમાં ઈચ્છિત ચુકાદો ન આવે એટલે ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા તેવી બૂમરાણ મચાવવી કેટલી હદે વાજબી? અને એમ જોવા જાવ તો ખરેખર ન્યાયતંત્ર, સંસદ કે સરકારી સંસ્થાઓની સ્વાયત્તતા સૌથી વધુ ક્યારે ખતરામાં હતી? અને કોના થકી?
પ્રથમ વડા પ્રધાન નહેરુ ઘણી વાર ફરિયાદ કરતા કે ન્યાયાધીશો તેમના ‘આઇવરી ટાવર’માં રહે છે અને તેથી તેઓ બહુ રૂઢિચુસ્ત છે. ૨૭ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ પહેલી વાર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંઘર્ષ થયો. ગોલકનાથ કેસ તરીકે જાણીતા કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ કે. સુબ્બા રાવે છ વિરુદ્ધ પાંચની બહુમતીથી સરકારને મૂળભૂત અધિકારોમાં ચેડા કરતા અટકાવી દીધી હતી.
૧૯૬૯માં અજિતનાથ રે (એ.એન.રે)ને ઈન્દિરા ગાંધી સરકારે ત્રણ સિનિયર જજોને બાકાત રાખીને તેમનાથી જુનિયર હોવા છતાં મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા હતા. એ. એન. રે વિશે એવું કહેવાય છે કે તેઓ ઈન્દિરા ગાંધી કે તેમના સલાહકારોને ટેલિફૉન કરી કરીને નાનાનાના કેસોમાં પણ તેમનો અભિપ્રાય માગી તે મુજબ ચાલતા.
જે ન્યાયમૂર્તિઓ એ. એન. રે કરતાં સિનિયર હતા તેમાં એક હતા ન્યાયમૂર્તિ જયંતિ મણિલાલ શેલત. તેમની નિવૃત્તિને આડે એક મહિનો જ બાકી હતો તેથી કદાચ એમ બહાનું કાઢી શકાય કે તેમની નિમણૂક એક મહિના માટે જ શા માટે કરવી? પરંતુ ન્યાયમૂર્તિ કાવદૂર સદાનંદ હેગડેની નિવૃત્તિમાં હજુ બે વર્ષ બાકી હતાં. ઈન્દિરાની ચૂંટણીને પડકારતી એક અરજી તેમની કૉર્ટમાં અનિર્ણિત હતી. તેમને જણાયું હતું કે ઈન્દિરા ગાંધીએ જે સોગંદનામું કર્યું છે તે ખોટું છે. આથી તેમણે તો ઉલટું ઈન્દિરાને મદદ કરવા પ્રયાસ કર્યો, પરંતુ ઈન્દિરાના ચમચાઓને લાગ્યું કે તેઓ ઈન્દિરાની વિરુદ્ધ છે. આથી તેમને મુખ્ય ન્યાયમૂર્તિ ન બનાવાયા. અમરનાથ ગ્રોવરે પોતાની સિનિયૉરિટી છતાં એ. એન. રેને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાયા તેના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું!
જે ન્યાયાધીશોને પાછળ રાખીને એ. એન. રે મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા, તેમણે કહ્યું હતું કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર ન કરી શકે. એ. એન. રે આ ન્યાયાધીશો સાથે અસંમત અને સરકાર સાથે સંમત હતા. આ ચુકાદાના કારણે ઈન્દિરા ગાંધીને બંધારણમાં ફેરફાર (ખરેખર તો ચેડા) કરવાની છૂટ મળી ગઈ. આ ફેરફાર ૪૨મો સુધારો ગણાય છે જેમાં આમુખથી માંડીને ઘણી કલમોમાં ફેરફાર કરી નખાયા. ચૂંટણીના વિવાદો કૉર્ટના અધિકારક્ષેત્રથી બહાર રખાયા. રાજ્ય સરકારો સામે કેન્દ્ર સરકારની સત્તા વધી ગઈ. ન્યાયતંત્ર સામે સંસદની સત્તા વધી ગઈ. બંધારણના આમુખમાં સેક્યુલર અને સૉશિયલિસ્ટ શબ્દો ઉમેરાયા. તેમ છતાં ઈન્દિરા ગાંધી પછીની કોઈ પણ સરકારે આ ફેરફારો પાછા ખેંચ્યા નથી.
કટોકટી કાળમાં વિરોધીઓને ઈન્દિરા ગાંધીના આદેશથી પોલીસ પકડી પકડીને જેલમાં પૂરી દેતી હતી. તેથી પોતાના લોકોની ભાળ મેળવવા માટે થયેલા હેબિયસ કૉર્પસ કેસમાં સરકાર વિરુદ્ધ વલણ લેનાર હંસરાજ (એચ. આર.) ખન્ના સૌથી સિનિયર હોવા છતાં ઈન્દિરા ગાંધી સરકારે તેમને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા નહોતા.
કૉંગ્રેસે ઈન્દિરા ગાંધીના કટોકટી કાળમાં રાજ્યો કરતાં વધુ સત્તા કેન્દ્ર સરકારને આપી દીધી લોકતંત્રને નબળું પાડ્યું. તેણે રાષ્ટ્રપતિ શાસન લાદ્યાં, રાજ્યપાલોની મદદથી સરકારો ઉથલાવી, પક્ષપલ્ટાને પ્રોત્સાહન આપી લોકતંત્રને નબળું પાડવા કોશિશ કરી તેટલી કોઈ પક્ષે કરી નથી. ગુજરાતમાં માત્ર વિધાનસભામાં કૉંગ્રસના સભ્યોએ તોફાન કર્યું તેના પર રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ નબળી પડી ગઈ હોવાનો રિપૉર્ટ કર્યો હતો અને વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં મૂકાવી દીધી હતી! કૉંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી સાથે વાત કરી આ જ રાજ્યપાલે ૧૯૯૭માં શંકરસિંહ વાઘેલાને બહુમતી પૂરવાર કરવા સાત દિવસનો સારો એવો સમયગાળો સામેથી આપ્યો હતો જેથી તેમને ધારાસભ્યોની ખરીદી-વેચાણ માટે સમય મળી રહે!
૧૯૮૯ની ચૂંટણીમાં હારી ગયા પછી લોકસભાના વિસર્જનની પ્રક્રિયામાં રાજીવ ગાંધી વિલંબ કરી રહ્યા હતા. તે વખતે એવી અફવા પ્રસરી કે અજિતસિંહ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ખેડૂતોનો મોરચો કાઢી દિલ્લી આવી રહ્યા છે જેથી રાજીવ પર લોકસભાના વિસર્જન માટે દબાણ કરી શકાય. તે વખતે દિલ્લીના ઉપરાજ્યપાલ રોમેશ ભંડારીએ સેના બોલાવી હતી! જોકે તેઓ તેમના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા. આ વાત ભંડારીએ તેમની આત્મકથામાં નોંધી છે.
સંવૈધાનિક સંસ્થાઓની સ્વાયત્તતા પર પણ સૌથી વધુ તરાપ કૉંગ્રેસે જ મારી હતી. આકાશવાણી અને દૂરદર્શન માત્ર નહેરુ, ઈન્દિરા અને રાજીવ દર્શન બનીને રહી ગયાં. મોરારજી દેસાઈની જનસંઘ અને અન્ય વિપક્ષો સાથેની સરકાર વખતે સંચાર માધ્યમોની સ્વાયત્તતા માટે એક સમિતિ જ્યૉર્જ વર્ગીઝના નેતૃત્વમાં બનાવાઈ હતી. ‘જનસત્તા’ હિન્દીના પૂર્વ તંત્રી સ્વ. પ્રભાષ જોશીએ પોતાના ‘જબ તોપ મુકાબિલ હો’ પુસ્તકમાં લખ્યું છે કે “આ સમિતિએ અધ્યયન કર્યું, સૂચનો પણ કર્યાં, પરંતુ દૂરદર્શન અને આકાશવાણી જેવાં માધ્યમ સ્વાયત્ત અને સ્વતંત્ર થઈ જાય તેવું કૉંગ્રેસ ક્યારેય ઈચ્છતી નહોતી. અઢી વર્ષમાં જનતા સરકારનું પતન થઈ ગયું અને ઈન્દિરા ગાંધી સત્તામાં પાછાં ફર્યાં. તેમની હત્યા પછી પાંચ વર્ષ સુધી (રાજીવ ગાંધીના નેતૃત્વમાં) કૉંગ્રેસની સરકાર રહી. દૂરદર્શન પર સતત અને વારંવાર ઈન્દિરા ગાંધીનું શબ દેખાડી દેખાડીને અને તેમની શહીદીને તેમના દીકરા રાજીવ ગાંધી માટે સહાનુભૂતિ તેમજ મતોમાં પરિવર્તિત કરવામાં દૂરદર્શન અને આકાશવાણીની મોટી ભૂમિકા રહી.
૧૯૯૦માં જ્યારે વી. પી. સિંહના જનતા દળની સરકાર બની ત્યારે પ્રસાર ભારતીનો ખરડો પસાર થયો. પરંતુ તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થાય અને સરકારી અધિસૂચનાથી તે અમલમાં આવે તે પહેલાં તે સરકાર પણ જતી રહી. કેટલાક સમય સુધી ચંદ્રશેખરની કૉંગ્રેસના ટેકા સાથેની સરકાર રહી. તે પછી નરસિંહરાવની કૉંગ્રેસ સરકારે પણ આ ખરડાને કાયદો બનાવવાની કોશિશ ન કરી. દેવેગોવડા અને ગુજરાલ સરકારમાં માહિતી-પ્રસારણ પ્રધાન જયપાલ રેડ્ડી અને ગુજરાલે પોતે પ્રસાર ભારતીને પુનર્જીવિત કરવામાં રૂચિ લીધી. ત્યારે પણ રાજ્યસભામાં કૉંગ્રેસની બહુમતી હતી અને તે સ્વાયત્તતા વિરુદ્ધ હતી. આથી નવો ખરડો સંસદમાં પસાર થઈ શકે તેમ નહોતો. આથી ગુજરાલ સરકારે જૂના ખરડામાં કેટલાક સુધારા કર્યા અને વટહુકમ બહાર પડ્યો. આ રીતે પ્રસાર ભારતી બૉર્ડની રચના થઈ.
પ્રભાષ જોશી લખે છે કે આ બૉર્ડમાં ગુજરાલના મિત્રો અને વામપંથીઓની બોલબાલા હતી. આમ છતાં પહેલી વાર ચૂંટણીમાં દૂરદર્શન અને આકાશવાણીએ પ્રમાણમાં સ્વાયત્તતા દાખવી અને સ્વતંત્ર રીતે કામ કર્યું.
૨૦૦૬માં યુપીએ સરકાર વખતે વિદેશ સચિવની નિમણૂક વખતે મનમોહનસિંહના માનીતા શિવશંકર મેનનની પસંદગી ૧૨ વરિષ્ઠ અધિકારીઓને અવગણીને કરાઈ હતી. કે. કે. પૉલ પછી કિરણ બેદી દિલ્લી પોલીસ કમિશનર બને તેમ હતાં, પરંતુ કિરણ બેદીને બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનનાં વડાં તરીકે સાઇડલાઇન કરી દેવાયાં. તેમના બદલે તેમનાથી બે બૅચ જુનિયર વાય. એસ. દડવાલની પસંદગી કરાઈ હતી. ૨૦૧૩માં ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે યશોવર્ધન આઝાદથી એક બૅચ જુનિયર એવા સૈયદ આસીફ ઇબ્રાહિમની પસંદગી કરાઈ હતી.
વર્ષ ૨૦૧૩માં કૉલસા કૌભાંડની સુનાવણી સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહી હતી. અને તે વખતે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર ચાલી રહી હતી. સુપ્રીમના ન્યાયમૂર્તિ આર. એમ. લોઢાએ તે વખતે સીબીઆઈને પાંજરામાં પૂરાયેલો પોપટ અને ‘માસ્ટર્સ વૉઇસ’ કહી હતી. સીબીઆઈની તપાસ સરકારની સૂચના મુજબ થતી હોવાના આક્ષેપો ઘણા સમયથી વિપક્ષો કહી રહ્યા હતા, તેને આ અનુમોદન હતું. ૧૯ માર્ચ ૨૦૧૩ના રોજ ડીએમકેએ કેન્દ્રમાં કૉગ્રેસના ગઠબંધનવાળી સરકારને ટેકો પાછો ખેંચ્યો અને તેના બે દિવસમાં જ ડીએમકેના વડા કરુણાનીધિના વડા એમ. કે. સ્ટાલિનના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા!
ભારતના વડા પ્રધાન મનમોહનસિંહ અમેરિકા હતા ત્યારે સરકારમાં કોઈ જવાબદારી પણ ન ધરાવતા રાહુલ ગાંધીએ સરકારે લાવેલો એક ખરડો પત્રકાર પરિષદમાં ફાડીને ફેંકી દીધો હતો.તે ગેરબંધારણીય પગલું હતુ઼ જ પણ સાથે પોતાના પક્ષના જ વડા પ્રધાનની કૉંગ્રેસને અને દેશને પોતાની જાગીર માનતા ગાંધી પરિવારને મન કેટલી કિંમત છે તે સાબિત થયું હતું.
હવે મા-દીકરા સોનિયા અને રાહુલ ગાંધી સંવિધાન બચાવો કે લોકતંત્ર બચાવો રેલી યોજે ત્યારે કેટલું હાસ્યાસ્પદ લાગે!

Advertisements
society

એક કબૂતરીની સત્યકથા

આ સત્ય કથા છે, જે અમારા ઘરમાં ગઈ કાલે (તા.૧૫ જૂન, ૨૦૧૪)ના રોજ બની. અમારું ઘર ચોથા માળે છે એટલે સ્વાભાવિક જ કબૂતરોનો ખૂબ જ ત્રાસ રહે છે. જો જરીક વાર પણ બારી ખુલ્લી રાખી તો દિવસના ભાગમાં કબૂતર ઘરમાં ઘૂસી જ જાય. ગઈ કાલે એવું થયું કે પત્ની રસોડામાં હતી અને હું કમ્પ્યૂટર પર કામ કરતો હતો ત્યારે અચાનક કબૂતર આગળના રૂમમાં ઘૂસી આવ્યા. એટલે સ્વાભાવિક જ તેમને કાઢવા ગયા તો જોયું તો કબૂતર હિંસક રીતે કબૂતરી પર બળાત્કાર કરવા પ્રયાસ કરતો હતો. એટલે ભાગીને કબૂતરી રૂમમાં ટીવી પાસે પોર્ટેબલ ડીવીડી પ્લેયર છે તેની પાછળ સંતાઈ ગઈ હતી. તેને ઉડાડવા પ્રયાસ કર્યો, પણ પછી લાગ્યું કે કબૂતરી ખૂબ જ ડરી ગઈ છે અને ગમે તેટલું કરવા છતાં તે ઉડશે નહીં.

એટલે પછી એક કામ કર્યું. તેને ત્યાં બેસવા દીધી અને હું પણ એ જ રૂમમાં બેસી ગયો, જેથી પેલું બદમાશ કબૂતર ઘરમાં ઘૂસી ન જાય. વળી પંખો પણ ચાલુ ન કર્યો. કેમ કે કબૂતર હોય બીકણ, બીકના માર્યા ઉડવા જાય ને પંખામાં આવી જાય તો! પણ કબૂતરી એટલી ડરી ગઈ હતી કે શે વાતેય ત્યાંથી ખસે નહીં. ડીવીડી પ્લેયરની પાછળ એકદમ લપાઈને બેસી ગઈ હતી. પછી તો ઓફિસે જવાનું હતું એટલે નીકળી ગયો.

મારો ઘરે આવવાનો સમય રાત્રે ૧, ૧.૩૦ વાગ્યાનો છે. રાત્રે આવીને પત્નીને પૂછ્યું તો કહે, ‘કબૂતરી આખરે જાતે જ હિંમત કરીને ઉડી. પહેલાં ડીવીડી પ્લેયર પર ચડી અને પછી મેં રૂમનો દરવાજો ખોલ્યો એટલે ઉડી ગઈ.’ કબૂતરી ડરના માર્યા કેટલું ચરકી ગઈ હતી.

આ આખી ઘટના પછી મનમાં વિચારોની હારમાળા ચાલી અને થયું કે અત્યારે જે બળાત્કારો અને એમાંય સામૂહિક બળાત્કારોની ઘટનાઓ બની રહી છે, તેમાં જે સ્ત્રી પીંખાય છે, તેની હાલત આ કબૂતરી જેવી જ થતી હશે ને…તેના મનમાં કેટલો ડર પેસી જતો હશે, તેની શારીરિક-માનસિક સ્વસ્થતા કેટલી હલી જતી હશે…આ કબૂતરી તોય હિંમત કરીને ઉડી ગઈ કેમ કે તેના પર તો બળાત્કારનો પ્રયાસ થયો હતો પણ જે  સ્ત્રીઓ પર આ દુર્ઘટનાઓ ઘટે છે તેમની હાલત કેવી થતી હશે?

national

‘મારે શું’માંથી ‘આપણી ચિંતા’ની માનસિકતા અપનાવવી જરૂરી

દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનીને મૃત્યુ પામેલી હતભાગી બાળાના મિત્રે હિંમત દાખવીને ટીવી પર આવવાનું સાહસ કર્યું ને પોતાની આપવિતી કહી. પીસીઆર વાનવાળા કયા પોલીસ સ્ટેશનમાં આ કેસ આવે તે નક્કી કરતાં રહ્યા, કોઈએ કપડાં ન આપ્યાં…વગેરે પાષાણહૃદયીનું પણ હૈયું પીગળી ઊઠે અને આંખ ભીની થયા વગર ન રહે તેવી વાતો કરી. બહુ અઘરું કામ હતું એ. આ યુવાને એ વાત પણ કરી કે સરકાર કઈ રીતે આક્રોશ – વિરોધને દબાવવા પ્રયાસો કરી રહી છે. આ યુવાનને વંદન.

ગઈ કાલે (૪ જાન્યુઆરીએ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના, ‘વધુ બળાત્કાર ઇન્ડિયામાં થાય છે અને ભારતમાં નથી થતા’ નિવેદને અને મધ્યપ્રદેશના મંત્રી વિજય વર્ગીયના ‘લક્ષ્મણરેખા ઓળંગશો તો રાવણ હરણ કરી જશે’ નિવેદને વિવાદો સર્જ્યા. આ નિવેદનો પર ટીવી ચેનલોમાં ભારે ચર્ચા થઈ. પત્રકાર તવલીનસિંહ અને તહેલકાનાં મહિલા તંત્રી શૌમા ચૌધરી વગેરેએ આક્રોશ સાથે ભાગવત અને વિજય વર્ગીયનાં નિવેદનોને સમજ્યા વગર જ શબ્દોને પકડી લઈ તેને ફગાવી દીધા અને એવું કહ્યું કે મહિલાઓ હવે સ્વતંત્ર છે. તેને જે પહેરવું હશે તે પહેરશે. તેને જેમ કરવું હશે તેમ કરશે.

જેમ પુરુષો તરફથી હિંસક કે આધિપત્યવાળું વલણ ઠીક નથી, તેમ કહેવાતી મુક્તિવાદી મહિલાઓનું આ વલણ પણ યોગ્ય નથી. લક્ષ્મણરેખાનો અર્થ થાય છે – મર્યાદા. આ લક્ષ્મણરેખા દરેકને લાગુ પડે છે. શાસન નાગરિકો માટે લક્ષ્મણરેખા દોરે છે, જેમ કે ૨ લાખ ઉપરની આવક થતી હશે તો આવક વેરો ભરવો પડશે, નહીં ભરો તો દરોડા પડશે. વેપારી હશો તો ‘વેટ’ ભરવો પડશે. દારૂ પીને વાહન હંકારતા હશો તો આટલો દંડ થશે. કોઈની હત્યાનો પ્રયાસ કરશો તો આટલી સજા થશે…વગેરે વગેરે. આ જ રીતે માણસ જ્યારે સભ્યતા તરફ વળ્યો ત્યારે એક ચોક્કસ લક્ષ્મણરેખા દોરવામાં આવી, નિયમો ઘડવામાં આવ્યા, આ મુક્તિવાદી મહિલાઓ જે સંસ્કૃતિમાં માને છે, તે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જેને ‘મેનર્સ’ કહે છે, તે નક્કી કરાઈ. આ લક્ષ્મણરેખા બહાર કોઈ વર્તન ન કરી શકે. કપડાંના નિયમો માત્ર સ્ત્રીને લાગુ નથી પડતા. કદાચ પુરુષ સ્ત્રી કરતાં વધુ કપડાંના નિયમો પાળે છે. સલમાન જેવાને બાદ કરો તો મોટા ભાગે પુરુષ નખશિખ કપડાંમાં જ હોય છે. મને સંગીત સાંભળવું ગમે તેટલું ગમતું હોય, સંગીતનો અવાજ હું ધારું તેટલો ઊંચો ન રાખી શકું, કારણ આજુબાજુ વિદ્યાર્થી ભણે છે, મોટી ઉંમરના વડીલોને તકલીફ પડે…વગેરે. ચિત્ર દોરવું હોય તોય સુરુચિનો ભંગ થાય તેવું ન દોરી શકાય. એટલે એ અર્થમાં જોઈએ તો પુરુષ હોય કે સ્ત્રી, દરેકે લક્ષ્મણરેખા માનવી જ પડશે, જો તેનો ભંગ કરશો તો રાવણ હરી જશે. એ અર્થમાં વિજય વર્ગીય સાચા છે.

પીડિતાના મિત્રએ કહ્યું કે મીણબત્તી પ્રગટાવવાથી કંઈ નહીં વળે. સાચું પરિવર્તન લાવવા માનસિકતા બદલવી જરૂરી છે. આપણી આજુબાજુ જે કંઈ બને છે તેનાથી આપણે આંખ આડા કાન કરતા હોઈએ છીએ. મૂળ તો કહેવાતા સજ્જનોની નિષ્ક્રિયતા નડે છે. બહુ મોટી ઉપાધિ ન આવે ત્યાં સુધી જાગતા નથી. દા.ત. એક ફ્લેટમાં પચાસ જણા તેમના પરિવાર સાથે રહે છે. એક પરિવારમાં ત્રણ જણા ગણો તોય દોઢસો થયા. તેમાંથી પુખ્ત વયના ગણો તો સો જણા થયા. આવા ફ્લેટમાં એક શખ્સ એવો રહે છે જે અવારનવાર નવી છોકરી સાથે આવે છે. ફ્લેટમાં દારૂ પીએ છે, હો હલ્લા કરે છે. એ એક શખ્સ સામે સો જણા મૂંગા રહે છે. બહુ મોટો કાંડ થાય ત્યારે પછી હોહા કરી મૂકે છે. પછી નિયમો ઘડાશે કે પરિવારવાળાને જ ફ્લેટ વેચવો કે ભાડે દેવો.

ઉપાધિ કે આફત કે કોઈ મોટો કાંડ બની જાય ત્યાં સુધી શા માટે રાહ જોઈએ છીએ આપણે? આપણને ખબર છે કે ભાવનગર કે રાજકોટ જેવા શહેરોમાં અગાઉ કોઈની છોકરી બીજા સાથે ફરતી હોય તોય જોનારા હિતેચ્છુની રીતે ઘરે કહી દેશે. સમયસર ઘરે પાછા ફરવું એ નિયમ માત્ર છોકરી માટે નહીં, છોકરા માટેય હતો. કોઈ છોકરાને બેત્રણ જણા મારતા હોય તો લોકો વચ્ચે પડતા. જેટલા ‘આધુનિક’ આપણે થતા જાય છે તેમ તેમ વધુ ને વધુ એકલા આપણે થતા જાઈએ છીએ અને ‘મારે શું’ની ભાવના ઘર કરતી જાય છે. ‘વેટ’માં વધારો કરાશે તો નોકરિયાત વિચારશે કે ‘મારે શું’?, આવકવેરાની મર્યાદા નહીં વધારાય તો વેપારીને કંઈ નહીં પડી હોય. ગેસના બાટલાની સંખ્યા મર્યાદિત કરી દેવાય, તો ગેસની પાઇપલાઇન ધરાવતા લોકો વિચારશે કે આપણે તો ગેસ પાઇપમાં મળી જાય છે ને? આ જ વાતનો ફાયદો સરકાર કે સામેવાળા ઉઠાવે છે. જંતરમંતર કે રામલીલામાં વિરોધની શરૂઆત થઈ છે એ સારી વાત છે. ‘મારે શું’ની ભાવનામાંથી ‘આ આપણી વાત પણ છે’ તેવો વિચાર યુવાનોને આવતો થયો છે. પણ માત્ર વિરોધ પ્રદર્શન પૂરતી આ કવાયત સીમિત ન રહે, ઘરે પાછા ફરીએ, રસ્તામાં જતા હોઈએ કે નોકરી કે વેપાર વખતેય આ ભાવના સતત રહે તે જોવું જરૂરી છે.