film, sanjog news, vichar valonun

અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

(સંજોગ ન્યૂઝ’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘વિચારવલોણું’ કૉલમમાં આ લેખ તા. ૦૮-૧૦-૨૦૧૭નાં રોજ છપાયો.)

આવતા બુધવારે અમિતાભ બચ્ચનનો જન્મદિન આવે છે. તેઓ ૭૫ વર્ષ પૂરાં કરશે. અમિતાભ પર જો લખવા બેસીએ તો પુસ્તકોનાં પુસ્તકો લખાય જાય એટલું મહાન જીવન તેમનું છે. તેમને લિવિંગ લિજેન્ડ કહેવાય છે તે ખોટું નથી. નિષ્ફળતા અને સફળતા, જીવન અને મૃત્યુ આ બંને અંતિમોમાંથી તેઓ પસાર થયા છે. શરૂઆતની કારકિર્દી નિષ્ફળતા ભરી રહી. સફળતા મળી તે પછી બૉફૉર્સ કૌભાંડમાં નામ બહાર આવ્યું તે કાળ કટોકટીનો રહ્યો. તેમાંથી નિર્દોષ બહાર આવ્યા તે પછી એબીસીએલમાં ખતા ખાધી. દેવામાં ખૂંપી ગયા.

બ્રેક પછીની ફિલ્મો મૃત્યુદાતા, કોહરામ, મેજરસાબ વગેરે નિષ્ફળ નિવડી. પરંતુ સમય બદલાયો અને ‘કૌન બનેગા કરોડપતિ’થી સ્પર્ધકોને તો નાણાં રળાવ્યા જ, પરંતુ પોતે પણ દેવામાંથી ધીમેધીમે બહાર આવ્યા અને દરમિયાનમાં યશ ચોપરા નિર્મિત ‘મોહબ્બતેં’ પણ હિટ રહી. એ પછી અમિતાભની ગાડી સુપરફાસ્ટ દોડવા લાગી. દરમિયાનમાં ‘કુલી’ના શૂટિંગ વખતે અને તે પછી ૨૦૦૫માં ફરી ગંભીર માંદગી આવી. બંનેમાંથી દેવહુમા પક્ષીની જેમ  આજના કોઈ ટોચના સ્ટારને પણ ન મળે તેટલી જાહેરખબરો તેમને મળી રહી છે. ફરીથી તેમની ‘કૌન બનેગા કરોડપતિ’ શ્રેણી ચાલુ થઈ છે. લોકો આજે પણ અમિતાભ બચ્ચનને જોવા, સાંભળવા અને જ્ઞાનવર્ધન કરવા વાળુ કરીને નવ વાગે ટીવી સામે ગોઠવાઈ જાય છે.

અમિતાભ બચ્ચનની ફિલ્મ કારકિર્દીની વાતો તો ઘણા લોકો કરશે, પરંતુ આપણે વાત કરવી છે અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વની. ઘણા કલાકારો પોતે પડદા પર આવે ત્યારે જાદુ કરી નાખે, તમે વાહ વાહ પોકારી ઊઠો પરંતુ ક્યારેક તેમને ઇન્ટરવ્યૂ આપતા જુઓ તો તમને થાય કે વ્યક્તિ તરીકે આ કલાકાર એટલો ખિલી નથી શકતો જેટલો કલાકાર તરીકે ખિલે છે. શ્રીદેવી આવી જ એક કલાકાર છે. અક્ષયકુમાર અને અજય દેવગનનું પણ આવું જ. સલમાન ખાન પણ હવે કંઈક બોલતો થયો જ્યારે શાહરુખ ખાન ઇન્ટરવ્યૂમાં ચોગ્ગા-છગ્ગા જ મારે. આમીર ખાન પણ બુદ્ધિશાળી હોવાની છાપ ઉપસાવી જાય. પરંતુ માત્ર ઇન્ટરવ્યૂની વાત ન કરતાં સમગ્ર વ્યક્તિત્વની વાત કરીએ તો અમિતાભ બચ્ચન એમ કહી શકે કે “હમ જહાં ખડે હોતે હૈં, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ” (અલબત્ત, તેઓ આવું કહેશે નહીં). જો કોઈ યુવાને કે યુવતીએ સફળ થવું હોય તો અમિતાભમાંથી શું શીખવા જેવું છે?

સૌ પ્રથમ તો નમ્રતા. અમિતાભ બચ્ચન ક્યારેય શાહરુખ ખાન કે સલમાન ખાન જેવા ઉદ્દંડ લાગ્યા નથી. ઇન્ટરવ્યૂમાં પત્રકાર શીખાઉ હોય અને ફાલતુ પ્રશ્ન પૂછી નાખે અથવા કોઈ હોશિયાર પત્રકાર હોય અને પજવતા પ્રશ્ન પૂછે તો પણ ક્યારેય મિજાજ ગુમાવવાનો નહીં. શાહરુખ, સલમાન જેવા કલાકારો કે ઘણા લેખકો કે અન્ય ક્ષેત્રના લોકો સહેજ વિરોધ થાય તો પણ પોતાનું અસલી શેરી છાપ રૂપ દેખાડી બેસે છે. અમિતાભ આવા વર્તનથી મોટા ભાગે બચ્યા છે.

આની સાથે સમય પાલન પણ ખૂબ જ જરૂરી છે. અમિતાભ બચ્ચન હોય કે નરેન્દ્ર મોદી, સમયપાલનમાં ખૂબ જ માને છે. સેલિબ્રિટી કે મોટી હસ્તી થઈ ગયા એટલે એવું ગુમાન નહીં રાખવાનું કે “એ તો બધા રાહ જુએ.” હા, ક્યારેક ટ્રાફિક કે બીજા કોઈ અણધાર્યા વાસ્તવિક કારણસર મોડું થાય તે સ્વાભાવિક છે. પરંતુ સમયપાલન એ ખૂબ જ જરૂરી ગુણ કારકિર્દીમાં રહે છે. જો તમે સમયને સાચવી લો તો સમય તમને સાચવી લેશે.

ત્રીજો ગુણ છે સતત નવું નવું શીખતા રહેવું. નવી પેઢી સાથે, નવા જમાના સાથે, નવા વિચારો સાથે તાલમેળ બેસાડીને ચાલવું. વ્યક્તિ ચાલીસ-પચાસ વર્ષની થાય તે પછી પોતાના જૂના સમયમાં જ રાચવા લાગે તો તે નવા જમાના સાથે તાલમેળ બેસાડી નહીં શકે. વ્યવસાય હોય કે કુટુંબ કે પછી સમાજ, બંનેમાં તે ખૂણામાં ધકેલાતી થઈ જશે. કાં તો પછી સમવયસ્કો સાથે બેસીને નવા જમાનાની નિંદા અને ટીકા કરતી બેસી રહેશે. પરંતુ જો નવી પેઢી પાસેથી કંઈ સારું શીખવા મળતું હોય તો તે શીખવામાં કંઈ ખોટું નથી.

બ્લૉગની દુનિયામાં પ્રવેશનાર અમિતાભ બચ્ચન, એલ. કે. અડવાણી જેવા ઉંમરથી વૃદ્ધ પરંતુ કામ અને મનથી યુવાન એવા વ્યક્તિઓ સર્વપ્રથમ પૈકીના હતા. અમિતાભ ઇન્ટરનેટ પર બ્લૉગ લખીને એક સાથે બે કામ કર્યાં. એક તો તેઓ યુવા પેઢી તેમજ ઇન્ટરનેટથી માહિતગાર વ્યક્તિઓ સાથે જોડાયા. અને બીજું, મિડિયામાં પોતાના વિરુદ્ધ કંઈ આવે તો તેના વિશે તેઓ બ્લૉગ પર લખી નાખતા. આમ, નરેન્દ્ર મોદી કરતાંય કદાચ પહેલાં સોશિયલ મિડિયાનો ઉપયોગ અમિતાભે શરૂ કરેલો. તેમના બ્લૉગની મિડિયાને પણ નોંધ લેવી પડતી. તે પછી તો તેઓ ટ્વિટર અને ફેસબુક પર પણ આવ્યા. એટલે જ એક મોબાઇલ એપની જાહેરાતમાં રણવીરસિંહ કે વરુણ ધવન જેવા યુવાન અભિનેતાના બદલે અમિતાભ બચ્ચન જોવા મળે છે.

અમિતાભનો ચોથો ગુણ માતાપિતાની સેવા અને ભક્તિનો અપનાવવા જેવો છે. અમિતાભે ગયા વર્ષે કહેલું કે “મારી માતાનો ખૂબ જ પ્રભાવ મારા પર હતો. તેમની કોઈ પણ બાબત, ચાહે તે સારી હોય કે ખરાબ, હું તેને માનતો. મારી માતા પશ્ચિમી વાતાવરણમાં અંગ્રેજી આયાઓની વચ્ચે ઉછરેલાં. મારાં પિતા નિમ્ન મધ્યમ વર્ગના હતા.” તેઓ તેમની માતાને આ પૃથ્વી પરની સૌથી સુંદર સ્ત્રી માને છે. તેઓ તેમનાં માતાપિતામાંથી હંમેશાં પ્રેરણા લેતા રહે છે. માતાપિતાના આશીર્વાદ માત્ર સફળતા અપાવવામાં જ કામ નથી આવતા, પરંતુ સાથે સાથે મુસીબતોમાંથી બચાવનારા પણ સાબિત થતા હોય છે. એટલે જ અમિતાભ બચ્ચનની એક સિમેન્ટની જાહેરખબરમાં તેમનો માતાપિતા પ્રેમ દેખાઈ આવે છે.

અમિતાભ બચ્ચનનો કુટુંબપ્રેમ પણ દાદ માગી લે તેવો છે. આજે જ્યારે કુટુંબો છિન્નભિન્ન થતાં જાય છે ત્યારે અમિતાભ બચ્ચને પત્ની જયા, દીકરા અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને એક જ છત નીચે રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. કુટુંબ સાથે હશે તો કોઈ પણ મુશ્કેલી સામે લડી શકાશે.

ધર્મને ક્યારેય છોડવો નહીં. અમિતાભ બચ્ચનનું જીવન આ શીખવે છે. મોટી સેલિબ્રિટી થાવ એટલે કહેવાતા પ્રગતિશીલોમાં તમારી ઉઠકબેઠક થાય. પાર્ટીઓ થાય અને ગુણો કરતાં અવગુણોનો પ્રચાર વધુ થાય. પરિણામે તમારો ધર્મ તમારાથી છૂટતો જાય. આઈ ડૉન્ટ લાઇક ટૂ વિઝિટ ટેમ્પલ્સ, યૂ નો. આઈ બિલિવ ઇન ઇનર ગૉડ. આવા વાક્યો સાથે વાત ચાલુ થાય અને પછી ખરેખર બોલનારા ભાઈ કે બહેન ખરેખર તો અંદર રહેલા ઈશ્વરમાં કંઈ માનતા-બાનતા ન હોય, પરંતુ ધીમેધીમે આ વાતો, સંગ તમને તમારા ધર્મથી દૂર લેતો જાય. તમને મંદિરે જવાનું ન ગમે. તમને તમારા રીતરિવાજો ન ગમે. ગમતા હોય તો તમારી જેની સાથે ઉઠકબેઠક છે તે તમારા વિશે શું કહેશે? તે વિચારીને તમે આ બધું છોડતા જાવ. પરંતુ અમિતાભે દૃઢપણે હિન્દુ ધર્મને અપનાવી રાખ્યો છે. ગણેશચતુર્થી નિમિત્તે ઘરમાં ગણપતિજીની પૂજા હોય કે પછી વારેતહેવારે સિદ્ધિવિનાયકજીના દર્શને જવાનું હોય, અમિતાભ સપરિવાર ધાર્મિક વિધિવિધાન સાથે પૂજાપાઠ કરે છે. ઐશ્વર્યા રાયને મંગળ હોવાથી તેના કુંભવિવાહ કરાયા તેની ટીકા થઈ હતી, પરંતુ અમિતાભે કહેવાતા ભદ્ર વર્ગની પરવા નહોતી કરી. જ્યોતિષને અંધશ્રદ્ધા ગણવી તે હિન્દી ફિલ્મ જગતમાં ઘણા સમયથી ફેશન છે. પરંતુ અમિતાભે પોતે જેમાં માને છે તે પૂજાપાઠ કરાવ્યા જ.

દુશ્મનોને ઉચિત જવાબ આપવો. અમિતાભ સત્તાધારી વર્ગની હંમેશાં નજીક રહે છે તેવી એક ટીકા થાય છે. માતાપિતાને જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે ખૂબ જ સારા સંબંધ. રાજીવ-સોનિયાનાં લગ્ન થયાં ત્યારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, કન્યા તેના સાસરે નથી રહેતી. આથી લગ્ન વખતે સોનિયા અમિતાભનાં ઘરે રહ્યાં હતાં. એટલું જ નહીં, તેજીએ સોનિયાની માતાની ગેરહાજરીમાં તેમની માતા તરીકે વિધિ કરી હતી. અમિતાભ કૉંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અને જીત્યા પણ ખરા. રાજીવ ગાંધીના ખૂબ જ ઘનિષ્ઠ મિત્ર. તે પછી અમિતાભ-જયા સમાજવાદી પક્ષના એક સમયના સર્વેસર્વા મુલાયમસિંહની નજીક સર્યા અને થોડાં વર્ષો પહેલાં તેમણે પવન પારખીને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ગુજરાત પર્યટનની જાહેરખબર કરી. અત્યારે પણ તેઓ કેન્દ્ર સરકારની જાહેરખબરો કરે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે અમિતાભ સત્તા સામે બાથ નથી ભીડતા. તેમણે રાજીવની હત્યા પછી સોનિયા ગાંધીના વર્ચસ્વવાળા ગાંધી પરિવારના પોતાના પરિવાર પ્રત્યે બદલાયેલા વલણના સંદર્ભમાં બહુ જ સારા શબ્દોમાં કહેલું, “વો રાજા હૈ ઔર હમ રંક.” આવકવેરા ખાતાએ અમિતાભ બચ્ચન તથા તેમના પરિવારને હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું પરંતુ અમિતાભ ન ઝૂક્યા તે ન જ ઝૂક્યા.

ઉંમર ગમે તેટલી થાય, હંમેશાં કામ કરતા રહો તે મંત્ર પણ અમિતાભમાંથી ઘરડા લોકોએ શીખવા જેવો છે. અમિતાભ પાસે ઘણી સંપત્તિ છે તેમ છતાં તેઓ ફિલ્મો કરતા રહે છે, જાહેરખબરો કરતા રહે છે, ટીવી શો કરતા રહે છે અને દર વખતે તેઓ એક નવું શિખર સર કરે છે. અમિતાભે તેમના બાબુજીની કવિતાને મંત્ર તરીકે અપનાવી છે તે આપણે પણ અપનાવા જેવી છે.

તૂ ન થકેગા કભી, તૂ ન થમેગા કભી, તૂ ન મૂડેગા કભી, કર શપથ! કર શપથ! કર શપથ! અગ્નિપથ! અગ્નિપથ! અગ્નિપથ!

Advertisements
gujarat guardian, television

સિરિયલો અને રિયાલિટી શોના ‘ચેનલપલટા’

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘ટેલિટૉક’ કૉલમમાં તા. ૯/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.)

આજકાલ ચૂંટણીની ઋતુ ફરી ચાલી રહી છે અને તેના કારણે પક્ષપલટાનો પણ વાયરો ફૂંકાયો છે. પરંતુ પક્ષપલટા કંઈ રાજકારણીઓનો જ ઠેકો નથી. કોઈક રીતે વાંધો પડ્યો હોય તો રિયાલિટી શો પણ ચેનલપલટો કરતા હોય છે. તેનું તાજું ઉદાહરણ ‘ડીલ ઓર નો ડીલ’ છે.

રોનિત રોયે આ શો દ્વારા એન્કર તરીકે શરૂઆત કરી છે એ સમાચાર તો હવે જાણીતા છે, પરંતુ આજકાલ એટલી બધી સિરિયલો અને શો આવે છે તેથી નજીકનો જ ભૂતકાળ હોવા છતાં યાદ રાખવું/દેવડાવવું પડે તેમ છે. ભૂતકાળમાં આ શો સોની ટીવી પર શરૂ થયો હતો, જેમાં એન્કર તરીકે આર. માધવન હતો. એ વખતે તેનું નામ થોડું ભારતીય લાગે તેવું રખાયું હતું. ‘ડીલ યા નો ડીલ’.

માધવન પછી તો મંદિરા બેદી અને રાજીવ ખંડેલવાલ એમ એન્કરો બદલાયા, પરંતુ તાજેતરમાં તો આ શોએ તેનું નામ અને એન્કર બંને બદલી નાખ્યા. અને અધૂરામાં પૂરું, ચેનલ પણ બદલી નાખી! હવે આ શોનું નામ ‘ડીલ ઓર નો ડીલ’ છે. જે મૂળ ડચ સંસ્કરણનું પણ નામ છે. એન્કર તરીકે ઉપર કહ્યું તેમ હવે રોનિત રોય છે. અને સોની ટીવીમાંથી હવે તે એન્ડ ટીવી પર આવી રહ્યો છે.

શો ચેનલ બદલે ત્યારે નિર્માતાને ચેનલના કર્તાહર્તા સાથે પડેલો વાંધો મુખ્યત્વે જવાબદાર હોય છે. કોઈ પણ સિરિયલ કે રિયાલિટી શોને અમુક સમય મળવો (દા.ત. પ્રાઇમ સ્લોટ), તેની ઇનિંગ્સ લાંબી ચાલવી, તેનું પુનઃપ્રસારણ પણ એક જ સમયે લાંબા સમય સુધી ચાલતું રહે (દા. ત. ‘તારક મહેતા…

‘નું પુન:પ્રસારણ વર્ષોથી રાતના અગિયાર વાગે થાય છે.) આ બધું નિર્માતા અને ચેનલના અધિકારીઓ (મુખ્યત્વે સીઇઓ) વચ્ચેના સંબંધો પર આધારિત હોય છે. આ સંબંધો બગડે એટલે શોને કાં તો તેના જાણીતા પ્રસારણ સમયમાંથી ખસેડી લેવામાં આવે અને કાં તો તેને બંધ કરી દેવાનું કહેવામાં આવે.

ગજેન્દ્રસિંહ અને ઝી ટીવીને કોઈક કારણસર વાંધો પડ્યો. એટલે બંને છૂટા પડ્યા. પરિણામે સૌથી લાંબો ચાલતો શો ‘અંતાક્ષરી’ ઝી ટીવી પરથી વિદાય લઈને સ્ટાર વન નામની(વર્તમાનમાં લાઇફ ઓકે તરીકે જાણીતી) સ્ટાર પરિવારની ચેનલ પર ગયો. આ જ રીતે ‘સારેગમપ’ શો પણ ગજેન્દ્રસિંહે ઝી ટીવી માટે બનાવેલો. આ જ નામ તો ગજેન્દ્રસિંહ રાખી ન શક્યા એટલે તેમણે સ્ટાર પ્લસ પર ‘સ્ટાર વોઇસ ઑફ ઇન્ડિયા’ના નામે શો ચાલુ કર્યો. (જોકે સામે પક્ષે ઝી ટીવીએ પણ ગજેન્દ્રને બતાવી દેવા કે એ શોની લોકપ્રિયતા જોઈને ‘સારેગમપ’ શો ચાલુ રાખ્યો અને કહેવું પડે કે ગજેન્દ્રની ખોટ પૂરાઈ ગઈ હતી. પુખ્તોના કાર્યક્રમમાં આદિત્ય નારાયણ અને બાળકોના કાર્યક્રમમાં ધૈર્ય સોનેચા-આફશા મુન્શીએ જમાવટ કરી દીધી હતી.) એ પછી તો એક પહેલાં સબ ટીવી પર પણ ગજેન્દ્રસિંહે સબ ટીવી પર ‘ફેમિલી અંતાક્ષરી’ શો કર્યો હતો.

‘અંતાક્ષરી’ની રમતમાં એક જણ ગીત ગાય અને તેનો છેલ્લો અક્ષર આવે એટલે બીજો તેને ઝીલે. કદાચ રિયાલિટી શોનું પણ આવું જ હશે. ‘અંતાક્ષરી’ અને ‘સારેગમપ’ને સ્ટાર પ્લસે ઝીલી લીધો તો સ્ટાર પ્લસને ટોચ પર લઈ જનારો શો ‘કૌન બનેગા કરોડપતિ’ અથવા ટૂંકમાં કહીએ તો ‘કેબીસી’ સ્ટાર પ્લસ પાસેથી સોનીએ ઝડપી લીધો. ના, આના માટે ઝૂંટવી લીધો શબ્દ વાપરવો યોગ્ય નથી, કેમ કે, બન્યું હતું એવું કે એ વખતે ‘કેબીસી’નો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો અને સ્ટાર પ્લસે તેને આગળ વધારવામાં રસ ન લીધો. પરિણામ? સોની ટીવી પર આજેય કેબીસી આવે છે. અને તે સોની ટીવી માટે ટીઆરપી લાવનાર શો ગણાય છે. બાકી તો ટીઆરપીના ખેલમાં સોની ટીવી પાછળ પડી ગયું છે.

‘અંતાક્ષરી’ની ગેમ આગળ વધે છે. ‘કેબીસી’ સ્ટારે છોડ્યો અને સોનીએ પકડી લીધો, તો સોનીના નહીં નહીં તો આવા પાંચ શો કલર્સ અને એન્ડ ટીવીએ પકડી લીધા! એક શો ‘ડીલ યા નો ડીલ’ની વાત તો શરૂઆતમાં જ કરી ગયા. બીજા જે શો છે તે ‘બિગ બોસ’, ‘ખતરોં કે ખિલાડી’ અથવા ‘ફીયર ફેક્ટર’, ત્રીજો શો છે ‘ઝલક દિખલા જા’ અને ચોથો શો છે ‘કોમેડી સર્કસ’. આમાં ‘ડીલ યા નો ડીલ’ અત્યારે એન્ડ ટીવી પર ચાલુ થયો છે. જ્યારે ‘બિગ બોસ’, ‘ઝલક દિખલા જા’ અને ‘ફીયર ફેક્ટર’ છેલ્લી કેટલીક શ્રેણી (સિઝન)થી કલર્સ પર આવી રહ્યા છે. ‘કોમેડી સર્કસ’ કલર્સ ચેનલ પર ‘કોમેડી બચાઓ’ નામે શરૂ થયો છે. (તેના ફોર્મેટ સોની પર હતો ત્યારે પણ દર વર્ષે બદલાતા રહ્યા હતા, જેમ કે તીન કા તડકા, તાનસેન, જાદૂ વગેરે. તેવી જ રીતે અત્યારે કલર્સ ચેનલ પર ‘કોમેડી બચાઓ’માં જે ફોર્મેટ છે તે યૂટ્યૂબ પર મૂકાયેલા વિડિયો જે ખૂબ જ બિભત્સ અને વિવાદાસ્પદ બનેલો તે એઆઈબી નોકાઉટ રોસ્ટ પ્રકારનું છે એટલે કે જાણીતી હસ્તીઓને બોલાવીને તેનું રીતસર અપમાન કરવાનું.)

આ જ રીતે ‘રાખી કા સ્વયંવર’ શોમાં રાખી સાવંતે પરણવાનું નાટક કરીને બધાને બેવકૂફ બનાવ્યા હતા. આ શો એનડીટીવી ઇમેજિન પર આવેલો. તે પછી તેમાં ‘નથિંગ ફોર ગુડ’ જેવા રાહુલ મહાજન અને રતન રાજપૂતે પણ આ શો કર્યો હતો. પાકિસ્તાનથી ઘણા કચરાની આયાત કરાય છે તેમાં એક છે વીણા મલિક. આ વીણાના પણ આ પ્રકારના શોની જાહેરાત એનડીટીવી ઇમેજિન પર કરાઈ હતી, પરંતુ શો આવ્યો જ નહીં. કારણ? આ ચેનલ જ બંધ થઈ ગઈ! તે પછી લાઇફ ઓકે પર મલ્લિકા શેરાવતે ‘બેચલરેટ ઇન્ડિયા: મેરે ખયાલોં કી મલ્લિકા’ નામનો શો કર્યો હતો.

માત્ર શોની બાબતમાં જ આવા ‘ચેનલપલટા’ નથી થતા. સિરિયલો પણ ચેનલપલટા કરે છે. કેટલીક સિરિયલોએ તો ખંધા રાજકારણીની જેમ એક કરતાં વધુ ચેનલ બદલી છે. જોકે ખંધા રાજકારણી તો સત્તા માટે આવું કરતા હોય છે જ્યારે આ સિરિયલોની બાબતમાં એવું હોય છે કે તેમની લોકપ્રિયતાને જોઈને નવી ચેનલ તેમની ટીઆરપી વધારવા આવી સિરિયલો શરૂ કરતા હોય છે. એટલે ક્યારેક તેનું પુનઃપ્રસારણ પણ થતું હોય તેમ બને. દા.ત. દૂરદર્શન કાળમાં જઈએ તો, નુક્કડ સિરિયલ દૂરદર્શન પર આવી હતી. આ શોમાં થોડા ફેરફાર કરીને ‘નયા નુક્કડ’ સિરિયલ દૂરદર્શનની ભગિની ચેનલ ડીડી મેટ્રો પર શરૂ કરાઈ હતી. દૂરદર્શન પર ‘સોહની મહિવાલ’ નામની સરસ કોમેડી સિરિયલ આવતી હતી. તેમાં કલાકારો હતાં – વરુણ બડોલા અને શ્વેતા ક્વાત્રા. આ કંઈ વર્ષો જૂની વાત નથી. નવ વર્ષ પહેલાંની જ વાત છે. આ જ સિરિયલ ત્રણ વર્ષ પછી એટલ કે વર્ષ ૨૦૦૯માં સબ ટીવી પર આવતી હતી. ફરક એ હતું કે તેમાં કથા એક જ હતી, સિરિયલનું નામ હતું ‘સોનુ સ્વીટી’. તેમાં કલાકારો પણ એના એ જ. માત્ર પાત્રોનાં નામ બદલી નખાયેલાં.

ડીડી મેટ્રો પર ‘દેખ ભાઈ દેખ’ અને ‘ઝબાન સંભાલ કે’ નામની બે અફલાતૂન કોમેડી સિરિયલો આવતી. તેમાંથી ‘દેખ ભાઈ દેખ’ સોની ટીવી શરૂ થયું ત્યારે તેના પર પુનઃપ્રસારિત કરવામાં આવી હતી. તો ‘ઝબાન સંભાલ કે’ સિરિયલ, અત્યારે કોઈને યાદ પણ નહીં હોય તેવી ચેનલ પર આવતી હતી. તે ચેનલનું નામ હતું હોમ ટીવી. ‘ઝબાન સંભાલ કે’ પછી તો સબ ટીવી પર પણ આવી અને બિન્દાસ ચેનલ પર પણ પ્રસારિત થઈ.

આપણી આ અંતાક્ષરીમાં છેલ્લે શું આવ્યું? સબ ટીવી! તો તેને લઈને વાત આગળ વધારીએ. સબ ટીવી પર અશ્વિની ધીર નામના નિર્માતા-નિર્દેશકની ભારતના સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરતી કોમેડી સિરિયલ ‘ઑફિસ ઑફિસ’ આવતી હતી. આ સિરિયલ પછી સ્ટાર વન ચેનલ પર ગયો અને તેનું નામ રખાયું ‘નયા ઑફિસ ઑફિસ’.

આમ ચેનલમાં ઑફિસ ફરે (એટલે કે નવા અધિકારી આવે અને હવે એ આવવાનું પ્રમાણ વધી ગયું છે કારણકે લોકો નોકરી બહુ બદલવા લાગ્યા છે) એટલે તેની સાથે સિરિયલો-રિયાલિટી શોમાં પણ સખળડખળ થાય અને તેના કારણે આવા ચેનલપલટા થતા હોય છે. જોકે માર્કેટિંગ અને પ્રિન્ટ એડ્ના કારણે દર્શકોને તેમના સિરિયલ-શોના નવા ઠેકાણાની ખબર પડી જ જતી હોય છે એટલે આ સિરિયલ-શો જે ચેનલ પર ખસે તે ચેનલને એટલા નવા દર્શકો મળી રહેતા હોય છે.

film, sikka nee beejee baaju

એઆઈબી અને ફિલ્મ કલાકારો : હદ કર દી આપને

ધારણા પ્રમાણે જ ‘એઆઈબી’ શો સામે એફઆઈઆર થઈ અને સત્તાવાર રીતે વિડિયો હટાવી લેવાયો. સત્તાવાર એટલે કે યૂટ્યૂબની અન્ય ચેનલો પર આ વિડિયો છે જ. તેના પક્ષમાં અને વિપક્ષમાં ઘણી દલીલ-ટ્વીટ થયા છે. આવું કંઈક બને એટલે મોરલ પોલિસિંગની ટીકા કરનારા વધી જાય છે. અને દલીલ કરાય છે કે બળાત્કાર, કાળા નાણા, સંસદમાં ગાળાગાળી થાય તેનો વાંધો નહીં, પરંતુ આવી ક્રિએટિવ બાબતો સામે વાંધો નહીં.

એમાં ના નહીં કે વરલીમાં યોજાયેલા આ શોમાં ક્રિએટિવિટી હતી અને અમુક શાલીન જોક પણ હતી, પરંતુ હદ બહારની અશ્લીલતા હતી. નવાઈની વાત એ હતી કે તેમાં કરણ જોહરે તેનાં માતા હીરુ જોહર હાજર હતાં અને અત્યંત છિછરી હરકતો કરી, છિછરા જોક કહ્યા. કરણ જોહરે દુર્યોધનને પણ પાછળ રાખી દીધો. (કરણ જોહર એક સારો નિર્માતા, નિર્દેશક અને રિયાલિટી શોનો સારો એન્કર છે, સારો ડાન્સર છે, એ રીતે તેના પ્રત્યે ભરપૂર માન છે પરંતુ તેણે જે રીતે સજાતીયતાને અને આ શોને ઉત્તેજન આડકતરી રીતે પણ આપ્યું છે તે ટીકાપાત્ર છે જ). મહાભારતના યુદ્ધ પહેલાં પુત્રને શક્તિશાળી બનાવવા દુર્યોધનને ગાંધારીએ કહેલું કે તું મારી સામે નગ્ન થઈને આવજે. હું ત્યારે મારી પટ્ટી આંખ પરથી ઉતારીશ. આંધળા પતિ માટે થઈને દેખતા હોવા છતાં ગાંધારીએ આંખ પર પટ્ટી બાંધી દીધી હતી. તેથી તેમની આંખોમાં તેજ હતું. પરંતુ શ્રી કૃષ્ણએ દુર્યોધનને સમજાવ્યું કે તું તારી માતા સમક્ષ નગ્ન જઈશ? અને દુર્યોધન સમજી ગયો. જાંઘ પર વસ્ત્ર પહેરીને ગયો. આથી દુર્યોધનના બીજા બધા ભાગો વજ્ર જેવા થઈ ગયા. પરંતુ જાંઘ બાકી રહી ગઈ. કરણ જોહરે તો તેની માતા સમક્ષ જ આ બધું બોલ્યું – કર્યું.

શોમાં અર્જુન કપૂરે પણ તેના વડીલ કાકા સંજય કપૂરની હાજરીમાં અણછાજતી ચેષ્ટાઓ કરી. આલિયા ભટ્ટની પટ્ટી તેની માતા સોની રાઝદાનની હાજરીમાં અને બહેન શાહીન ભટ્ટની હાજરીમાં ઉતરી. તો આલિયાની મોટી બહેન શાહીન ભટ્ટની હાજરીમાં તેના પ્રેમી રોહન જોશી, જે એઆઈબીનો સભ્ય છે, તેની ફિલમ ઉતારાઈ.

આ શોમાં જનનાંગો, વિકૃત વાતો એટલી હદે થઈ કે ખરેખર શરમજનક કહેવાય. જોકે ફિલ્મ ઉદ્યોગમાં વિકૃતિની હવે નવાઈ નથી રહી. શાહરુખ ખાન અને સૈફ અલી ખાને એવોર્ડ સમારંભોમાં આવી વિકૃતિઓ હાસ્યની રીતે રજૂ કરી જ છે. વિદ્યા બાલનની ‘ડર્ટી પિક્ચર’ આવી એ સાલે એવોર્ડ સમારંભોમાં શાહરુખ ખાને હદ વટાવી દેતી રજૂઆત કરી હતી. ફિલ્મોદ્યોગમાં છેલ્લા દાયકાથી ફિલ્મો જે રીતની બની રહી છે તેમાં મોટાભાગની ફિલ્મોને ક્યાં તો યુએ અથવા એ સર્ટિફિકેટ મળેલું હોય છે. પણ તેના ટ્રેલર અથવા પ્રોમોને સર્ટિફિકેટ અપાતા હશે કે કેમ તે ખબર નથી, પરંતુ તેની જાહેરખબરો ટીવી પર આવે છે. અને બાળકો પણ તેને જોતા હોય છે. શું હવે ફિલ્મોદ્યોગમાં મોટા ભાગના ફિલ્મ સર્જકો પાસે આવી વિકૃતિ બતાવવા સિવાય કંઈ રહ્યું જ નથી? કોણે કેટલાં ચુંબનો આપ્યા અને કોના કેટલાં, કેટલી હદ સુધીનાં ઉત્તેજક અંતરંગ દૃશ્યો છે તેના પર જ ફિલ્મનું વેચાણ થશે? દરેક ઉદ્યોગની એક સામાજિક જવાબદારી હોય છે તેને કૉર્પોરેટ ભાષામાં કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) કહે છે અને ગયા વર્ષે યુપીએ સરકારે કંપની કાયદામાં સુધારો કરીને સીએસઆર ફરજિયાત બનાવી દીધી છે. હવે જ્યારે ફિલ્મોદ્યોગનું કૉર્પોરેટાઇઝેશન થયું છે ત્યારે શું તેની કોઈ સીએસઆર નથી? વ્હી. શાંતારામ, ગુરુ દત્ત, બી. આર. ચોપરા, રાજશ્રી જેવા અનેક ફિલ્મ સર્જકો થઈ ગયા જેમણે સામાજિક રીતે ચેતના જાગે તેવી ફિલ્મો બનાવી. સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યને બરાબર સમજ્યું. સૂરજ બડજાત્યા પણ (‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ને બાદ કરતા) આ જ માર્ગે ચાલે છે. પરંતુ આજના ઘણા ફિલ્મ સર્જકો માત્ર સેક્સ અને હિંસા પર જ ફિલ્મ બનાવે છે. અરે! પૌરાણિક વિષય કથાની ફિલ્મોમાંય અંતરંગ પળોનાં દૃશ્યો ઘૂસાડાય છે. ફિલ્મોમાં બેફામ ગાળો બોલાય છે.

આ વિષય પર જ્યારે ચર્ચા નીકળે ત્યારે ‘તે આમ કરે છે તો અમે કેમ ન કરીએ’ જેવી બાલિશ દલીલો થાય છે. ઇન્ટરનેટ પર બધું જ પ્રાપ્ય છે. તે બાળકો નહીં જોતા હોય તેવી દલીલ કરે છે. ઇન્ટરનેટવાળા ટીવી પર દોષારોપણ કરે છે કે ટીવી પર એમ ટીવી-વી ટીવી અને ફેશન ટીવી જેવી ચેનલો છે જ ને. તો ટીવીવાળા ફિલ્મોદ્યોગ પર દોષનો ટોપલો ઢોળે છે. આમ, આખું વિષચક્ર ચાલતું રહે છે. આ તો એના જેવું થયું કે એલોપથીવાળાં નશાના સિરપ કે અન્ય પ્રતિબંધિત દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે ને આયુર્વેદ પર દોષનો ટોપલો ઢોળે અને આયુર્વેદવાળા યુનાનીનો હવાલો આપે. ભાજપવાળા એમ કહે કે કૉંગ્રેસમાં આ બધું થાય જ છે ને અને કૉંગ્રેસવાળા અન્ય પક્ષોની વાત કરે. ઇન્ટરનેટની અમુક વેબસાઇટોને માતાપિતા પ્રતિબંધિત કરી શકે છે, એ જ રીતે ટીવી પર ચાઇલ્ડ લોક આવે જ છે, પરંતુ ફિલ્મોના ટ્રેલર તો ન્યૂઝ ચેનલો પર પણ આવે ને સિરિયલોમાં પણ પોતાની ફિલ્મના પ્રમોશન માટે કલાકારો ટપકી પડે. જોકે આપણે વાત એઆઈબીની કરી રહ્યા છીએ.

એઆઈબીએ યૂટ્યૂબનો ફાયદો ઉઠાવ્યો. પોતાની ક્રિએટિવિટીને વ્યક્ત કરવા સોશિયલ મિડિયા સારું માધ્યમ છે. એમાંય યૂટ્યૂબ વગેરેને ભારતના કાયદા લાગુ પડતા નથી, એટલે એમાં જે ધારો તે મૂકી શકાય. જોકે સરકાર ધારે તો તેના અમુક વિડિયોને પ્રતિબંધિત કરી શકે પરંતુ આપણી સરકારો ઉદાર છે. એઆઈબીએ અત્યાર સુધી બાવનેક વિડિયો મૂક્યા અને તેમાં વપરાતી ભાષા ઘણી ગંદી હતી, પરંતુ ક્રિએટિવિટી સારી હતી. ગયા વર્ષે તેનો કેજરીવાલ પરનો વિડિયો ઘણો લોકપ્રિય થયો હતો. તો એક અંગ્રેજી અખબારનો દીપિકા પદુકોણેના ક્લિવેજ સંબંધી વિવાદ થયો તે સંદર્ભમાં તે અંગ્રેજી અખબારની બરાબર પટ્ટી ઉતારાઈ હતી કે છાપામાં કેટલા ફોટા ક્લિવેજના મૂકાય છે, તેની વેબસાઇટને કેટલી સોફ્ટ પોર્ન જેવી બનાવી દેવાઈ છે. અને અમને પત્રકારોને રસ પડે તેવી વાત એ હતી કે તેમાં બહુ સારી રીતે બતાવાયું કે આજે માર્કેટિંગ એડિટિંગ વિભાગ પર કેટલું હાવી થઈ ગયું છે.

એઆઈબીની ક્રિએટિવિટીને પ્રણામ, અને સાથે એ પણ સ્વીકાર્યું કે નવા યુવાનો અત્યંત ક્રિએટિવ છે, પરંતુ ક્રિએટિવિટી સાચી અને સારી રીતે નીકળે તો સારું રહે. તે જો વિકૃત રીતે નીકળે તો તે ખતરનાક બની જાય. એઆઈબીના બધા વિડિયો તો નથી જોયા પણ જેટલા જોયા તેમાં આ ડિસેમ્બરવાળો રણવીરસિંહ, અર્જુન કપૂર અને કરણ જોહરવાળો વિડિયો સૌથી વલ્ગર હતો. સોનાક્ષી સિંહા, જેણે હજુ ખાસ અંગ પ્રદર્શન નથી કર્યું અને તેના પિતા શત્રુઘ્નસિંહાનો ડર પણ છે, તે આ શોમાં હાજર રહી અને પોતાના અર્જુન કપૂર સાથેના જોક તેણે માણ્યા તે જોઈને નવાઈ લાગી. અત્યારની અભિનેત્રીઓમાં સોનાક્ષી સુંદર છે, તેની ફિલ્મો જોવી ગમે છે, તેના ડાન્સ સારા હોય છે, પણ તે આ શોમાં હાજર રહી?! આઘાત તો ચોક્કસ લાગે. વળી, આ જ સોનાક્ષી સિંહાએ વાયડી અને નોનસેન્સ આઇટમ કમાલ આર ખાનની ટ્વીટ બાબતે મહિલાઓના સન્માનની વાત કરી હતી! કમાલ આર ખાને જાતે ટ્વિટર સૌથી સેક્સી અભિનેત્રીઓ અંગે લોકોના અભિપ્રાય પૂછ્યા હતા, તેમાં તેણે નિતંબની વાત કરી હતી અને સોનાક્ષી સિંહા બાબતે પણ લોકોનો મત પૂછ્યો હતો. જોકે બાદમાં તેણે સોનાક્ષીનું નામ કાઢી નાખેલું, તેમ છતાં સોનાક્ષી સિંહાએ ટ્વીટ કરીને જ કેઆરકેને મહિલાઓના સન્માનની વાત યાદ અપાવી હતી.

આ જ રીતે અંગ્રેજી અખબારના વિવાદ વખતે દીપિકા પદુકોણેએ પણ મહિલાની ગરીમાની દુહાઈ આપી હતી, અને તે આ શોમાં તેના અને રણવીરસિંહના ભદ્દા જોક માણી રહી હતી. સૌથી હદ તો એ વાતની થઈ કે એઆઈબીના એક સભ્ય આશીષ શક્યાના કાળા હોવા વિશે એકથી વધુ લોકોએ અને એકથી વધુ મજાક કરી. યાદ છે ને ૨૦૧૪માં દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે મધરાતે પાડેલા દરોડામાં સોમનાથ ભારતીના એક સમર્થકે યુગાન્ડાની મહિલાઓએ ‘એન’ શબ્દ વાપર્યો તો હોહા થઈ ગઈ હતી. અમેરિકા જેવો દેશ હોય અને એઆઈબી સામે ફરિયાદ થાય તો શક્યાની મજાક ઉડાવનારા નિશ્ચિત રીતે જેલભેગા થઈ ગયા હોત!

આ શોમાં હાજર નહીં રહેલાઓને પણ બક્ષવામાં આવ્યા નહોતા. પરિણીતી ચોપરાએ પહેલાં તેમાં હાજર રહેવા હા પાડી હતી પરંતુ તે ન આવી એટલે તેની પણ ભદ્દી મજાક ઉડાવાઈ હતી. આ ઉપરાંત નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરા, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, આયેશા ટકિયા,નરેન્દ્ર મોદી આ બધા હાજર નહોતા પરંતુ તેમને ખૂબ જ ખરાબ રીતે મજાકને પાત્ર બનાવાયાં. ફરીદા જલાલની તો એટલી ખરાબ મજાક કરાઈ કે ફરીદા તેનાથી ભારે ગુસ્સે થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. જોકે તેમણે કોઈ કાનૂની માર્ગ અપનાવ્યો નથી. બીજું તો ઠીક, પણ ધર્મોને પણ બક્ષવામાં નથી આવ્યા. ભગવાન ગણેશની ઉપમા આપીને એક સભ્યની મજાક કરાઈ (જોકે ગણેશજીનું ચોખ્ખું નામ લેવાયું નહોતું, પણ વિસર્જનની વાત એ પ્રત્યે ઈશારો જ હતો, કેમ કે બધા જાણે છે કે મુંબઈમાં ગણેશજીનું વિસર્જન ધામધૂમથી થાય છે) કેથોલિક સંપ્રદાય અને જીસસને પણ બક્ષવામાં આવ્યા નહોતા.

આ માત્ર તોછડાઈ નહોતી પરંતુ હદ બહારની અશ્લીલતા હતી. મનસે અને એનસીપી હવે આ શોનો વિરોધ કરી રહ્યા છે. એનસીપીના કથિત વિરોધના કારણે આ શોની સભ્ય અદિતિ મિત્તલનો એક રેસ્ટોરન્ટે શો રદ્દ પણ કર્યો. એઆઈબીનો જ કેમ વિરોધ થયો? સોની ટીવી પર કોમેડી સર્કસ આવતું તેનો વિરોધ પણ થવો જોઈતો હતો. તેમાં દ્વિઅર્થી જોક આવતી. જોકે તેની સામે કદાચ વિરોધ એટલે નહીં થયો કેમ કે તેનું કન્ટેન્ટ એઆઈબી જેટલું અશ્લીલ નહોતું. વળી, કોમેડી સર્કસની ક્રિએટિવિટી પણ જબરદસ્ત હતી. વર્ષો અગાઉ નીના ગુપ્તાએ ‘કૌન બનેગા કરોડપતિ’ની સામે ‘કમઝોર કડી કૌન’ શો કર્યો હતો જેમાં નીના ગુપ્તા સ્પર્ધકોનું ભયંકર અપમાન કરતી હતી. તે વખતે પણ તે શો પચ્યો નહોતો અને ટૂંક સમયમાં જ સંકેલી લેવો પડ્યો હતો. તેની સામે ‘કૌન બનેગા કરોડપતિ’ શો લાંબો ચાલ્યો. કેબીસીમાંય એક સિઝનમાં શાહરુખ ખાન આવી ગયો, પણ તે તમામ સ્પર્ધકોને ભેટવાનો આગ્રહ રાખતો હતો. પણ એક પ્રાધ્યાપિકાએ તેને તેમ કરવાનો ઇનકાર કરી તેનું સજ્જડ અપમાન કર્યું હતું. તરત જ તે પછીની સિઝનમાં અમિતાભનું પુનરાગમન થઈ ગયું હતું.

આ જ રીતે વચ્ચેના સમયમાં એવી શૃંખલા ચાલી કે મ્યૂઝિક અને ડાન્સના ટીવી શોમાં અનુ મલિક, હિમેશ રેશમિયા, ઇસ્માઇલ દરબાર જેવા જજ સ્પર્ધકો સાથે બહુ જ તોછડાઈ અને કઠોરતાથી વર્તતા હતા. તેનો પણ વિરોધ ભરપૂર થયો. હવે ફરીથી બધા જ જજો સારી રીતે વર્તતા થઈ ગયા છે. ભારતીય સમાજમાં આ બધું ન ચાલે.

એઆઈબીનો વિરોધ વાજબી જ છે. કારણકે જો તેને અહીં રોકવામાં નહીં આવે તો દિગ્દર્શક અશોક પંડિતે ટ્વીટ કર્યું તેમ આ વિકૃતિ કેટલી આગળ વધશે તેની કલ્પના મુશ્કેલ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ગમે તે ન ચલાવી શકાય.

(‘મુંબઈ સમાચાર’ની રવિવારની પૂર્તિ ઉત્સવમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૮/૨/૧૫ના રોજ આ લેખ છપાયો.)