sanjog news, society, vichar valonun

…કારણકે બે આંખની શરમ ગાયબ છે!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૦-૧૨-૧૭)

બે આંખની શરમ નડે. આ શબ્દ આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. આ ઉક્તિનું બહુ  મહત્ત્વ આપણા સમાજજીવનમાં રહ્યું છે. બે આંખની શરમના કારણે ઘણા લોકો ખોટું કરતા અટકી જતા. બે આંખની શરમના કારણે ઘણા ખોટા માર્ગે લપસતા બચી જતા. બે આંખની શરમના કારણે ઘણા વિવાહજીવન બચી જતા. બે આંખની શરમના કારણે કેટલાકનું વ્યાજ માફ થઈ જતું.

આ બે આંખની શરમ હવે ક્યાંક ગાયબ થઈ રહેલી જણાય છે. તેનું સૌથી મોટું કારણ હોય તો તે છે સોશિયલ મિડિયા અને અભિનય જગત. ફિલ્મો, સિરિયલો અને ટીવીમાં વડીલો સામે તોછડાઈ, ઉદ્ધતાઈ અને અવિવેક ભરપૂર દેખાડવામાં આવે છે. તેમનો ઉપહાસ કરાતો દર્શાવાય છે. સોશિયલ મિડિયા એ આભાસી દુનિયા છે. તેમાં પૉસ્ટ મૂકતી વખતે કે કૉમેન્ટ કરતી વખતે આ બે આંખની શરમ નડતી નથી. આભાસી દુનિયામાં કોઈ પણ મોટી વ્યક્તિ હોય તે મજાકને પાત્ર બની જાય છે. નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી, અમિતાભ બચ્ચન હોય કે કેઆરકે ખાન, કોઈ આમાંથી બચી શકતું નથી. હમણાં અભિનેતા રાજકુમાર રાવે પણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની અટક સંદર્ભે તેમની હાજરીમાં જ અશોભનીય ટીખળ કરી હતી. કોઈની વિરુદ્ધમાં મત વ્યક્ત કરતી વખતે ઘસી ઘસીને ધાર કાઢેલા શબ્દો વાપરવામાં આવે છે. વાત ગાળાગાળી સુધી પણ પહોંચી જાય છે. મોટા મોટા લેખકો-કલાકારો પણ પોતાની વિરુદ્ધ મત વ્યક્ત કરનારને ભૂંડાબોલી ગાળો લખતા અચકાતા નથી. ત્યારે આવા લેખકોનું અસલી સ્વરૂપ બહાર આવી જાય છે. કેટલાક તો દારૂ પીને અચેતન અવસ્થામાં મન ફાવે તેવું લખે છે. બહુ વિરોધ થાય તો ટ્વીટ કે ફેસબુક પૉસ્ટ ડિલીટ કરી નાખે. વિરોધ અતિશય વધે તો માફી માગી લે. કેટલાક રાખી સાવંત પ્રકારના લોકો વિવાદ પેદા કરવા જ બેફામ લખતા કે બોલતા હોય છે. અમુક સમયે પોતાનું માર્કેટ ડાઉન થતું લાગે એટલે વિવાદાસ્પદ લખી નાખે કે બોલી નાખે, પછી વિરોધ થાય ત્યારે માફી માગવાની ઘેર ગઈ, પણ પોતાના વિવાદાસ્પદ લખાણના સંદર્ભમાં ફરી પાછું વિવાદાસ્પદ લખે છે અને દુનિયાભરના (ખોટા) સંદર્ભોને ટાંકે છે.

ફેસબુક-ટ્વિટરનો ચેપ વૉટ્સએપને પણ લાગ્યો છે. એક પરિવાર અથવા એક વ્યવસાય અથવા એક વિચારના લોકોનું ગ્રૂપ બનાવ્યું હોય તેમાં નાનીનાની વાત પર બે આંખની શરમ રાખ્યા વગર લોકો ઝઘડી બેસે છે. પોતાને ન ફાવે તો શાંતિથી વિરોધ કરતાં આવડતું જ નથી જાણે. કેટલાક ઈચ્છતા હોય છે કે આવાં ગ્રૂપો પોતાના કહેવા પ્રમાણે જ ચાલે. કેટલાક લોકો પોતે જવલ્લે જ પૉસ્ટ કરે પરંતુ એ લોકો ટાંપીને બેઠા હોય છે કે ગ્રૂપમાં કોણ ક્યારે ભૂલ કરે? બસ, કોઈએ ભૂલ કરી નથી ને તેની જરાય બે આંખની શરમ રાખ્યા વગર કડક શબ્દોમાં વિરોધ કર્યો નથી. તમે કોઈ ગ્રૂપમાં જોડાવ છો તેનો અર્થ તેના કોઈ એક એડ્મિનને તો ઓળખો જ છો. આપણે ત્યાં તો કોઈ નાનામાં નાની ગણાતી વ્યક્તિને પણ નામ અને પાછળ ભાઈ કે બહેન લગાડીને બોલાવવાનો રિવાજ છે. તમારી સમક્ષ કોઈ અજાણી વ્યક્તિ હોય તો પણ તેનું નામ જાણી લીધા પછી તેને તમે નામથી જ બોલાવશો.

પરંતુ ખબર નહીં કેમ, વૉટ્સએપમાં આવા વાંકદેખુઓ કોઈ ભૂલ કરે કે તરત ફરિયાદ કરશે અને એ ફરિયાદમાં એડ્મિનનું નામ નહીં લખે, પણ “એડ્મિન, આને સીધો કરો”- તેવું જ લખશે. વૉટ્સએપમાં @ સાથે કોઈને ટેગ કરીને તેને જાણવા જોગ સંદેશો, જન્મદિનની શુભેચ્છા પણ મૂકી શકાય છે, પરંતુ તે ટેગ કર્યા પછી જો માનવાચક ભાઈ કે બહેન અથવા અંગ્રેજીમાં હોય તો મિ. કે મિસ વગેરે મૂકવામાં આવે તો સારું લાગે. પરંતુ આવું થતું નથી. કદાચ કોઈ દલીલ કરે કે આ બધું તો ઇન્ફૉર્મલ અથવા અનૌપચારિક કહેવાય. ઓળખીતામાં માનવાચક ને એવું બધું શું? તો સામે પ્રશ્ન એ થાય કે જે લોકો આવું કરે છે તેમને પોતાને તો પાછું માન મેળવવું ગમતું જ હોય છે. અને ઇન્ફૉર્મલ હોય તો પણ, બધાને પોતાને માન વગર બોલાવાય તેવું પસંદ ન પણ હોય તે ખ્યાલ રાખવો જરૂરી છે.

કેટલાક લોકો તો તેમને સંદેશા મોકલવામાં આવે તો તેના જવાબમાં સ્માઇલીથી પ્રતિક્રિયા આપવાની તસદી પણ લઈ શકતા નથી. આવા લોકો પાછા નરેન્દ્ર મોદીની જેમ અતિશય વ્યસ્ત હોય તેવું નથી હોતું.

તમને કોઈ ગ્રૂપમાં કોઈની ભલામણથી ઉમેરવામાં આવે અથવા તમે તે ગ્રૂપમાંથી નીકળી ગયા છો કે તમને નિયમભંગ બદલ કાઢી મૂકવામાં આવ્યા છે પરંતુ તમારા મિત્રની ભલામણથી જ્યારે તમને ફરીથી તેમાં જોડવામાં આવે ત્યારે તમારી જો ઈચ્છા ન હોય તો પર્સનલ મેસેજ કરીને જાણવું જોઈએ કે તમને શા માટે ફરીથી એડ્ કરવામાં આવ્યા છે. પછી વિનયપૂર્વક સંદેશો મૂકીને ગ્રૂપ છોડવું જોઈએ.

ગ્રૂપના નિયમો હોય તો તેનું ચુસ્ત પાલન કરવું જોઈએ. કેટલાંક ગ્રૂપમાં નિયમો હોય કે ગૂડમૉર્નિંગ, ગૂડનાઇટ વગેરે સંદેશાઓ ન મૂકવા. કવિતાઓ, સુવિચારો, ભગવાનના ફોટા વગેરે મૂકી ગ્રૂપને ભરી ન દેવું. રાત્રે ૧૧ વાગ્યા પછી સંદેશા ન મૂકવા. ગ્રૂપ મુજબ તેના નિયમોનું પાલન થવું જોઈએ, નહીંતર ગ્રૂપ છોડી દેવું જોઈએ. બધા જ ગ્રૂપ બધા જ પ્રકારના સંદેશાઓ માટે નથી હોતા તેટલી નાની વાત મોટા દરજ્જાના લોકો સમજી શકતા નથી. જ્યારે તેમને એડ્મિન તરફથી કહેવામાં આવે ત્યારે તેમને ખોટું લાગી જાય અને ગ્રૂપ છોડી ચાલ્યા જાય છે. આ બધું આભાસી દુનિયા હોવાથી થાય છે. જો વાસ્તવિક દુનિયા હોય તો આવું થવાની શક્યતા ઓછી રહે છે.

મેં ઘણાં એવાં ઉદાહરણ જોયાં છે કે ફેસબુક પર કોઈની પૉસ્ટ પર બેફામ કૉમેન્ટ કરી હોય અથવા તો કોઈના સંદર્ભમાં નામ વગર લખ્યું હોય પરંતુ જ્યારે એ બે વ્યક્તિ રૂબરૂ મળે ત્યારે ખૂબ જ સુમધૂર સંબંધો દેખાય. સોશિયલ મિડિયામાં કોઈ પણ રાજકારણી, કલાકાર કે લેખક વિરુદ્ધ બેફામ લખનાર પત્રકાર પણ જ્યારે એ જ રાજકારણી, કલાકાર કે લેખકનો ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે વિચારોમાં વિરોધ હોય તો પણ શબ્દોમાં ખૂબ જ મર્યાદા હોય છે. (કરણ થાપર, પૂણ્ય પ્રસૂન વાજપેયી, રવીશ કુમાર, વિજય ત્રિવેદી જેવા અપવાદ ગણી શકાય.)

જ્યારે રૂબરૂ મળે ત્યારે એકબીજાના શરીરમાંથી નીકળતા તરંગો કામ કરતા હોય કે આંખમાંથી નીકળતાં કિરણો, પણ એ વાત ચોક્કસ છે કે બે આંખની શરમ નડે છે. આજે જોકે ટીવી પર રાજકારણ પરની ડિબેટમાં આ બે આંખની શરમ દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અર્નબ ગોસ્વામી, અનીશ દેવગન, અંજના ઓમ્ કશ્યપ જેવાં એન્કરો ચર્ચા જ એવી કરાવે છે કે તેમાં સ્વસ્થ રીતે બહુ ઓછા લોકો ચર્ચા કરી શકે છે. મેં તો જાણ્યું છે કે ચેનલના એડિટરો જ ઈચ્છતા હોય છે કે જો ગરમાગરમ ચર્ચા થાય તો જ ટીઆરપી મળે. પરંતુ આ ટીઆરપીના ખેલમાં લોકોને તમે અંદરોઅંદર ઝઘડતા કરી દીધા છે તેનું શું? નેતાઓ કે કલાકારો ઝઘડે એટલે તેમના સમર્થકો પણ ઝઘડે. વચ્ચે જ્યારે શાહરુખ ખાન સલમાન ખાન સાથે ઝઘડેલો ત્યારે ટ્વિટર પર તેના સમર્થકો પણ ઝઘડતા હતા! હવે એ બંને ફરી મિત્રો બની ગયા છે. શું સમર્થકો વચ્ચે ફરીથી સંવાદનો-સુમેળનો તંતુ સધાયો હશે? આવું જ નેતાઓનું છે. નેતાઓના સમર્થકો અંદરોઅંદર વિવાદ કરે છે, પરંતુ કયો નેતા ક્યારે પક્ષપલ્ટો કરી નાખે અથવા પોતાનો વિચાર બદલી નાખે તે કહી શકાય ખરું?

આમીર ખાન દેશમાં અસહિષ્ણુતા વિશે બોલ્યો કે તેની પત્ની કિરણ રાવને ભારતમાં ડર લાગે છે તો તેની વિરુદ્ધ હિન્દુવાદીઓ તૂટી પડ્યા. આમીર ખાનની સ્નેપડીલ એપ ઘણાએ અનઇન્સ્ટૉલ કરી નાખી જેના પરિણામે આમીર ખાનને સ્નેપડીલની જાહેરખબર ખોવી પડી. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે લતા મંગેશકર દ્વારા અપાતા માસ્ટર દીનાનાથ મંગેશકર એવૉર્ડ આમીર ખાનને આપ્યો. આમીર ખાન પણ ફિલ્મફેર સહિત કોઈ એવૉર્ડ સમારંભમાં જતો નથી. પરંતુ આ એવૉર્ડ લેવા તે હસતો હસતો આવી ગયો. ભાગવતજીએ પણ સસ્મિત ચહેરે તેને આ એવૉર્ડ આપ્યો. આ બંનેના સમર્થકોનું શું?

બે આંખની શરમ જ્યારે રૂબરૂ મળે ત્યારે નડે છે. જ્યારે પ્રત્યક્ષ મળો અને વાત કરો ત્યારે વ્યક્તિને જાણી શકાય છે. વિચાર તો ક્યારેય કોઈ બે વ્યક્તિના બધી બાબતોમાં સમાન ન જ હોય, પરંતુ તેના કારણે વ્યક્તિનો વિરોધ કરવા માંડીએ તે ખોટું છે. નરેન્દ્ર મોદી આવા જ વિરોધના શિકાર બન્યા છે.

આ બે આંખની શરમના કારણે જ પહેલાં લગ્નસંબંધ નક્કી કરતી વખતે વચ્ચે બંને પક્ષે કોઈ જાણીતી વ્યક્તિને હાજર રખાતી. લગ્ન પછી જ્યારે પણ વર-વધૂ વચ્ચે કે સાસરિયા-પિયરિયા વચ્ચે સંબંધ વણસે તેવી પરિસ્થિતિ થતી ત્યારે એ જાણીતી વ્યક્તિ સમાધાન કરાવતી. મકાન ખરીદવા જતી વખતે બિલ્ડરને પરિચિત વ્યક્તિને લઈ જવાનું પસંદ કરાતું. ઓળખાણવાળી વ્યક્તિને દુકાનદાર નમતું જોખતા. સમાધાન કરવા માટે આ ‘નમતું જોખવા’નો રૂઢિપ્રયોગ એટલે જ આવ્યો. જો ચીજ ખરાબ નીકળે તો દુકાનદાર પાછી પણ લઈ લે. આજે ઑનલાઇન શૉપિંગ થાય છે ત્યારે કોઈ ઓળખાણ નથી હોતી, તેથી જેની ચીજ લીધી હોય તે ચીજને પાછી લે તેની કોઈ ગેરંટી નથી હોતી, કારણકે ઘણી વાર ચીજ ખરીદતી વખતે જ ફૂદડી કરીને ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી નાખી હોય છે.

હવે પરિવારમાં પણ માતાપિતા પોતે જ પોતાનાં સંતાનોને બે આંખની શરમ નહીં રાખવા શીખવાડે છે. તેના કારણે હવે કહેવાતા પ્રેમી-પ્રેમિકા ઊભા હોય અને રસ્તા પરથી વડીલ નીકળે તો બે આંખની શરમ નડતી નથી. પહેલાં નવયુવાન સિગરેટ પીતો હોય અને શિક્ષક પસાર થાય તો સિગરેટ છુપાવી દે કે ફેંકી દે તેવું આજે બનતું નથી. રસ્તા પરથી અજાણી મહિલા નીકળે અને બે વ્યક્તિ સામાન્ય વાતચીતમાં પણ ગાળ બોલતા હોય તો અટકી જાય તેવું થતું નથી, કારણકે બે આંખની શરમ ગાયબ છે.

film, media, politics

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. ‘બોલ રાધા બોલ’ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને.

એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની બન્યા જેમ્સ બૉન્ડ માટે. પહલાજ નિહલાનીનો પક્ષ માત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ને તેના ગુજરાતી નવગુજરાત સમયમાં છપાયાનું યાદ છે. શિકારીઓની રજૂઆત એવી હતી કે પહલાજ નિહલાનીએ જેમ્સ બૉન્ડમાં પ્રણય પ્રચુરતાનાં દૃશ્યો પર કાતર ફેરવડાવી. પણ ઉપરોક્ત સમાચારપત્રમાં છપાયેલા પહલાજ નિહલાનીના પક્ષ મુજબ, જેમ્સ બૉન્ડના ફિલ્મકારે ‘એ’ના બદલે ‘યુએ’ સર્ટિ. માગેલું તેથી તેમને કટ કરવા પડ્યા.

ડાબેરી કમ લિબરલ ગેંગનો ત્રીજો શિકાર સૂરજ બડજાત્યા બન્યા. સૂરજ અને તેમના બાપદાદાની ફિલ્મોની વિશેષતા એ રહી છે કે તેઓ સારો સંદેશ આપતી, ઘણી હદે સ્વચ્છ, પારિવારિક અને સુમધૂર સંગીતમય ફિલ્મો આપે છે. આ ફિલ્મોમાં હિન્દુત્વ ઝળકતું હોય છે. જેનાથી આ ગેંગ સૂરજને ઝપટમાં લેવા માગે છે. ‘ગે’ સહિત અનેક વિકૃતિ ફેલાવતા શાહરુખ ખાનની ચમચી ફરાહ ખાને શાહરુખ નિર્મિત ‘ઓમ્ શાંતિ ઓમ્’માં સૂરજની મજાક ઉડાડેલી. તે પછી સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’ આવી એટલે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની ચિબાવલી સમીક્ષકે લખ્યું સંસ્કારી ઑર્ગેઝમ! બીજા સમીક્ષકોએ પણ ફિલ્મને ઉતારી પાડી. (આ સમીક્ષકો યશરાજ, કરણ જોહર, વિધુ વિનોદ ચોપરા/રાજકુમાર હિરાણી, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શાહરુખ ખાન, આમીર ખાન જેવા મિડિયાના ફેવરિટ લોકોની સમીક્ષામાં સમરકંદ બુખારા ઓવારી જાય છે પણ અક્ષયકુમાર, ૠત્વિક રોશન, ટાઇગર શ્રોફ જેવાની ફિલ્મોને ઉતારી પાડે છે. તાજેતરમાં આ લોકો શાહરુખની ‘ફેન’ પર આફરિન થઈ ગયા હતા જ્યારે ટાઇગરની ‘બાગી’ ને ઉતારી પાડેલી. આ જ રીતે ‘ઉડતા પંજાબ’ વિશે પણ થયું. એક સમીક્ષકે તો હેડિંગમાં લખ્યું: સોલિડ કિક! બીજી તરફ અક્ષયકુમારની ‘હાઉસફૂલ-3’ને ઉતારી પાડી. પણ દર્શકોએ ‘બાગી’ અને ‘હાઉસફૂલ-3’ બંનેને હિટ બનાવી દઈ આ બબુચકોને મોઢે તમાચો માર્યો.)

એકતા કપૂરની વાહિયાત ‘ક્યા કૂલ હૈ હમ-૩’માં પણ સૂરજ બડજાત્યા અને સંસ્કારીપણાની મજાક ઉડાવાઈ.
સૂરજ પોતે શરમાળ છે. તે પોતાની ફિલ્મનો પણ ખાસ પ્રચાર નથી કરતા તો આવા લોકોને જવાબ ક્યાંથી આપે? એટલે આ લિબરલ ગેંગની વાયડાટી ચાલે છે. આ લિબરલ ગેંગનો ચોથો શિકાર બન્યાં સચીન તેંડુલકર અને લતા મંગેશકર. તન્મય ભટ્ટ ને એના બીજા મિત્રો જેમાં એક મહેશ ભટ્ટનો થનારો કે થઈ ચૂકેલો જમાઈ રોહન જોશી પણ છે એ ભેગા થઈને ‘એઆઈબી’માં મહાન હસ્તીઓની અત્યંત બેહૂદી મજાક ઉડાવે છે. આમાંથી તન્મયે સ્વતંત્ર રીતે સચીન ને લતાજીની કનિષ્ઠતમ મજાક ઉડાવી પબ્લિસિટી મેળવી લીધી.

આ ગેંગનો ૨૦૧૪થી નિરંતર એક પ્રયાસ છે અને તે એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તેને મોદીભક્ત ગણાવી દેવા. મિડિયાની હલકાઈ જુઓ સાહેબ! તે મનમોહનસિંહ આગળ ડૉ. લખવાનું ચૂકતું નથી. મનમોહન વ્યવસાયિક ડૉ. નથી. તેમ છતાં પૂર્વ વડાપ્રધાન છે અને દસ વર્ષ રાજકીય સ્થિરતા આપી દેશ ચલાવ્યો એ સિદ્ધિ બદલ એમની આગળ ડૉ. લખાય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ જેણે કાશ્મીરનું ઇસ્લામીકરણ ને પાકિસ્તાનીકરણ કર્યું કે થવા દીધું તે ફારુક અબ્દુલ્લાના નામ આગળ પણ લિબરલ તંત્રી- પત્રકાર ડૉ. લખવાનું ભૂલતા નથી. એ લોકો નહેરુ આગળ પં. એટલે કે પંડિત લખવાનું ચૂકતા નથી. ઇન્દિરાનો ઉલ્લેખ કરે ત્યારે એમની કલમ આપોઆપ પાછળ જી લગાવી દે છે. સોનિયા પાછળ પણ તેઓ જી અચૂક લગાવે જ પણ મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ મોદીના નામની આગળ વડા પ્રધાન તો જવા દો, પાછળ જી પણ લગાવતા નથી. સ્મૃતિ ઇરાની ભૂતકાળમાં નિપુણ અભિનેત્રી હતાં. પણ હવે તેઓ ફૂલટાઇમ પોલિટિશિયન છે અને માનવ સંસાધન વિકાસ જેવા મહત્ત્વના ખાતાના પ્રધાન પણ છે પરંતુ આ મિડિયા તેમના નામ આગળ એક્ટ્રેસ ટર્ન્ડ પોલિટિશિયન લખીને સ્મૃતિને ઉતારી પાડવાનો મોકો ચૂકતા નથી. ‘ટેલિગ્રાફ’એ તો તેમને ‘આંટી નેશનલ’નું બિરુદ આપી દીધું. પણ લિબરલ ગેંગનું સાચું નિશાન મોદી નથી, મોદી સમર્થકો છે. એ લોકો એક વાત સારી રીતે જાણે છે કે મોદીજી તેમના તમામ પ્રપંચોને નિષ્ફળ બનાવી દેશે પણ સમર્થકો નહીં હોય તો મોદીજી શું કરવાના? આજે કદાચ સંઘ કે બીજી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ કરતાં મોદીજી સૌથી લોકપ્રિય છે. લિબરલ ગેંગને એ ખબર નથી કે સંઘના સ્વયંસેવકો કરતાં બહારના લોકો વધુ મોદીસમર્થક છે. સંઘના સ્વયંસેવકો તો વ્યક્તિપૂજામાં માનતા નથી. એટલે એમને માટે ભગવાધ્વજ સિવાય કોઈ મોટું નથી. મોદી પણ નહીં.

લિબરલ ગેંગ મોદીસમર્થકોને મોદીભક્ત કહી હવે ભક્તિ શબ્દને ગાળમાં ખપાવવા જોરશોરથી પ્રયત્નશીલ છે. કોઈ વ્યક્તિ મોદીની કોઈ વાતનું સમર્થન કરે એટલે એને મોદીભક્તમાં ખપાવી તેને ઉતારી પાડવાનો જેથી એ બીજી વાર મોદીજીનું સમર્થન ન કરે.

કોઈ વ્યક્તિ સતત સારું કરે તો તેની પ્રશંસા થવાની જ. પછી તે અમિતાભ બચ્ચન હોય કે માધુરી દીક્ષિત, સચીન તેંડુલકર હોય કે લતા મંગેશકર. લાખો-કરોડો લોકો રોજ અમિતાભ-માધુરી-સચીન કે લતાના ફોટા કે તેમની વિગતો મૂકે છે. તો શું એ એમના ભક્ત થઈ ગયા? આમાંના ઘણા એવા પણ હશે જે ઉપરોક્ત હસ્તીઓની સાથે રાજેશ ખન્ના, શ્રીદેવી, સૌરવ ગાંગુલી કે આશા ભોસલેના ચાહક હશે. આ જ રીતે મોદીનું સમર્થન કરનારા મનમોહન, જયલલિતાનું સમર્થન કરનારા પણ હોઈ શકે.

જે તંત્રી-પત્રકાર સોનિયા કે પ્રિયંકાને જોઈને મોઢેથી લાળ ને નીચેથી શી***ન કરી બેસે છે કે અહેમદ પટેલના ચમચા છે તેઓ કે તેમની શેહમાં આવીને અન્યો સોનિયાના બારગર્લવાળા ભૂતકાળ વિશે  છાપવાની હિંમત ધરાવતા નથી.  સોનિયાને કઈ રહસ્યમય બીમારી છે એ જાણવા એ લોકો ઇન્વેસ્ટિગેશન કરાવી શકતા નથી. સુબ્રમણિયન સ્વામી એ બહાર પાડ્યું તો પણ નેશનલ હેરાલ્ડ કૌભાંડના સમાચાર કરતાં અન્ય સમાચારને પ્રાથમિકતા આપવી એ તેમનો ચમચાધર્મ છે. અને સમાચાર છાપશે તો મોદીજી જાણે ખોટી રીતે સોનિયાને ફસાવતા હોય એ રીતે છાપશે. કેજરીવાલે કાયદો તોડીને ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવપદની લહાણી કરી દીધી. એ સમાચાર હોય કે કેજરીવાલના મુખ્ય સચિવના કૌભાંડના કારણે સીબીઆઈના દરોડાના સમાચાર, આ ચમચાઓ કેજરીવાલ સામે મોદીજી વેરવૃત્તિથી કાર્યવાહી કરતા હોય એવાં મથાળાં બાંધશે. આ ચમચાઓ અનુગોધરા રમખાણો પછી ‘સિટ’ તપાસ, ઈશરત કેસ વગરેમાં આવાં મથાળાં બાંધતા નહોતાં.

લિબરલ ગેંગને કોઈએ પ્રશ્ન ખરેખર તો એ પૂછવા જોઈએ કે
૧. મોદીજીમાં એવા તે શું હીરામોતી ટાંગ્યાં છે કે લોકો વધુ ને વધુ મોદીસમર્થક બની રહ્યા છે?
૨. શું મોદીજી એવા હેન્ડસમ છે અથવા અમિતાભ જેવાં હાઇટ-બૉડી ધરાવે છે?
૩. શું મોદીજી સોનિયા જેવા ગોરા છે?
૪. શું મોદીજી ચિદમ્બરમ્ જેવું અંગ્રેજી કે અટલજી જેવું હિન્દી બોલી શકે છે?
૫. શું મોદીજી સંપત્તિમાંથી બધાના એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા કરાવે છે?
૬. મોદીજી ગરીબ દેખાતા નથી. એ કેજરીવાલ કે મમતા બેનર્જીની જેમ સાદાં કપડાં નથી પહેરતા, આ લિબરલ ગેંગ લખે છે તેમ હવામાં સતત ઉડતા રહે છે, તો પછી સામાન્ય માનવી કેમ મોદીસમર્થક છે? જેને અમેરિકાએ નવ નવ વર્ષ વિઝાનો ઇન્કાર કર્યો તે મોદીને જ્યારે અમેરિકા બોલાવે ત્યારે સામાન્ય ભારતીય કેમ વિજય મળ્યો હોય એમ ખુશ થાય છે?
૭. લિબરલ ગેંગ જ એવું લખે છે કે મોદી યુઝ એન્ડ થ્રો કરે છે ને અરુણ શૌરી આવું બોલે છે ત્યારે એને સમાચાર તરીકે ચગાવે છે પણ પ્રશ્ન એ છે કે મોદીજી આવું કરતા હોય તો એમના સમર્થકોની સંખ્યા તો એકદમ ઘટી જવી જોઈએ? એવું કેમ નથી થતું?
૮. માન્યું કે મોદીજી પાસે આઇટી પ્રોફેશનલની સારી ટીમ છે પણ મોદીજીને જિતાડનાર (મોદીજીને યશ ન દેવો પડે એટલે સોનિયાચમચા આવાં ગતકડાં શોધી કાઢે છે) પ્રશાંત કિશોર તો હવે આ તંત્રી-પત્રકારોના માનીતા સોનિયા-રાહુલને સેવા આપે છે. કેમ એ મોદીની જેવી હવા રાહુલની તરફેણમાં ઊભી નથી કરી શકતા?
૯. લિબરલો શોધે છે કે કૉંગ્રેસ નહીં તો કોણ? એટલે નીતીશ-કેજરી-વગેરે જે મોદીવિરોધી છે તેમની પછેડી પકડી લે છે. કેજરીવાલ પાસે પણ યુવાનોની આઇટી ટીમ છે. એ કેમ કેજરીની તરફેણમાં મોજું છોડો, લહેરખી પણ સર્જી નથી શકતા?
૧૦. એવું શું કારણ છે કે આજતક, એનડીટીવી સહિતની ચેનલો ને અનેક છાપાં મોદીવિરોધી છે, રોજેરોજ તેઓ મોદીવિરોધી સમાચાર ચગાવે છે ને મોદીતરફી સમાચાર દબાવી દે છે, આ જ રીતે મોદીવિરોધીઓના સારા સમાચાર ચગાવે છે ને મોદીવિરોધીઓના ખરાબ સમાચારને દબાવી દે છે તો પણ મોદીના સમર્થકોની સંખ્યા ઘટતી કેમ નથી?
૧૧. જ્યારે જ્યારે ચીન, અમેરિકા કે પાકિસ્તાન ભારતવિરોધી કૃત્યો કરે છે ત્યારે આ લિબરલ ગેંગ દેશની દુશ્મન હોય તેમ ખુશ થઈ ‘હાથતાળી’ કેમ આપે છે? ભારતની પીછેહટ તેમને ‘મોદીના ગાલ પર તમાચો’ કેમ લાગે છે? શું તેઓ મોદીવિરોધમાં આંધળા થઈને અજાણતા મોદી = ભારત આવું સમીકરણ તો નથી બેસાડી રહ્યાને?
૧૨. ક્યાંક આ લિબરલ ગેંગના રોજેરોજ આંધળા વિરોધના કારણે જ મોદીની લોકચાહના આટલી વધી નથી રહી ને? કારણકે હંમેશાં મક્કમ મજબૂત વ્યક્તિની પાછળ દુનિયા પડે ત્યારે લોકો તેના સમર્થક બની જતા હોય છે. આથી જ ભારતમાં લોકો માટે મહારાણા પ્રતાપ હારવા છતાં અકબરથી વધુ મહાન છે. સિકંદર કરતાં પોરસ વધુ લોકપ્રિય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે આજે પણ કહેવાય છે કે ખૂબ લડી મર્દાની, વો ઝાંસીવાલી રાની થી.
૧૩. દુર્યોધનો કે શિશુપાલો સત્તાના મદમાં શ્રી કૃષ્ણની ઊંચાઈ સમજી શક્યા નહોતા. (સાવધાન! આ નઠારા ક્યાંક એવું ન કહી દે કે મેં મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા.વાતને આડે પાટે ચડાવવામાં આ લોકો હોશિયાર હોય છે.) લિબરલ ગેંગ સાથે આવું તો નથી ને?

Uncategorized

દેવિકા રાણી ભાગ્યાં ને અશોકકુમારનો ભાગ્યોદય થયો!

ashok kumar

આજે મહાન ગાયક, અભિનેતા, સંગીતકાર અને નિર્દેશક કિશોરકુમારની પુણ્યતિથિ છે. કરુણ યોગાનુયોગ જુઓ. આજે જ તેમના ગુરુ બંધુ અને હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર, એન્ટી હીરો (ફિલ્મ ‘કિસ્મત’ જેણે સૌથી વધુ લાંબો સમય એક જ થિયેટરમાં ચાલવાનો રેકોર્ડ કરેલો) અશોકકુમારનો જન્મદિન છે. કિશોરકુમારને તો બધા યાદ કરે છે પણ અશોકકુમારને?
અશોકકુમાર ન હોત તો કિશોરકુમાર પણ ન હોત. અશોકકુમાર પહેલા સુપરસ્ટાર હતા જેમણે ટીવી જાહેરખબર (પાનપરાગ)માં કામ કરવાનું સ્વીકારેલું. એટલું જ નહીં પહેલા ટીવી સૂત્રધાર પણ હતા. આજે જે રીતે શૈલેષ લોઢા તારક મહેતા તરીકે સૂત્રધારનું કામ કરે છે તેમ ‘હમલોગ’ ટીવી સિરિયલના અંતે દાદામુની તરીકે ઓળખાતા અશોકકુમાર આવતા. તેમની છનપકૈયા છનપકૈયા સ્ટાઇલની આજે પણ મિમિક્રી આર્ટિસ્ટો નકલ કરે છે. બી.આર.ચોપરાની ‘બહાદૂરશાહ ઝફર’માં પણ તેમણે બાદશાહની ભૂમિકા કરી હતી.
અશોકકુમારનું કુટુંબ સંપૂર્ણ ફિલ્મી એટલે કે ફિલ્મો સાથે સંકળાયેલું કુટુંબ જ કહી શકાય. બહેન સતી દેવી મુખર્જી કુટુંબના શશધર મુખર્જીને પરણેલાં. શશધર મુખર્જી શરૂઆતમાં બોમ્બે ટૉકિઝ સાથે સંકળાયેલા પણ બાદમાં તેમણે અશોકકુમાર સાથે ફિલ્મીસ્તાન સ્ટુડિયો સ્થાપ્યો હતો. શશધરે અશોકકુમારને હીરો તરીકે લઈને ત્રણ ફિલ્મ બનાવી- ‘બંધન’, ‘કંગન’ અને ‘ઝૂલા’.  તેમનાં ચાર દીકરા. રોનો મુખર્જી, જોય મુખર્જી, દેબ મુખર્જી અને શોમુ મુખર્જી. તેમાંથી જોય મુખર્જી અને તેમનો દીકરો સુજોય મુખર્જી અભિનેતા હતા. દેબુ મુખર્જી પણ અભિનેતા હતા. શોમુ મુખર્જી તનુજાને પરણ્યાં જેના થકી ૯૦ના દાયકાની સુપરસ્ટાર કાજોલ જન્મી. કાજોલનો પતિ એટલે અભિનેતા અજય દેવગન. કાજોલની બહેન તનીષા પણ ચર્ચાસ્પદ નામ તો છે જ. શશધરના મોટા ભાઈ રવીન્દ્રમોહન મુખર્જીના દીકરા રામ મુખર્જીની દીકરી એટલે રાની મુખર્જી અને છેલ્લા દરજ્જા મુજબ શ્રીમતી આદિત્ય ચોપરા! શશધરના બે ભાઈઓ સુબોધ મુખર્જી અને પ્રબોધ મુખર્જી પણ ફિલ્મ નિર્દેશક હતા. દેબ મુખર્જીનો દીકરો અયાન મુખર્જી એટલે રણબીર કપૂરને લઇને ‘યે જવાની હૈ દીવાની’ નામની હિટ ફિલ્મ આપનાર નિર્દેશક. આમ, અશોકકુમાર ગાંગુલીના કુટુંબના ભાણિયાઓ આજે પણ છવાયેલા છે તેમ કહીએ તો ખોટું નથી!
અશોકકુમારના પોતાના કુટુંબની વાત કરીએ તો, તેમના નાના ભાઈ કિશોરકુમારની તો ઉપર વાત કરી જ છે. બીજા ભાઈ અનુપકુમાર પણ અચ્છા કોમેડિયન હતા પરંતુ બે ભાઈઓની પ્રતિભા વચ્ચે દબાઈ ગયા. અભિનેતા અને કોમેડિયન દેવેન વર્મા તેમના જમાઈ થાય. કોમેડિયન અભિનેત્રી સ્વ. પ્રીતિ ગાંગુલી અશોકકુમારની દીકરી છે. ફિલ્મ ‘રેડી’માં સલમાન ખાનની મા બનનાર અને ‘ઉત્સવ’ ફિલ્મમાં શેખર સુમનની પત્ની બનનાર અભિનેત્રી અનુરાધા પટેલ અશોકકુમારની દોહિત્રી થાય. અનુરાધા પટેલ પાછી ‘સત્તે પે સત્તા’ના એક ભાઈની ભૂમિકા કરનાર અને નીના ગુપ્તાની સિરિયલ ‘સાંસ’માં મુખ્ય ભૂમિકા કરનાર કંવલજીતસિંહને પરણી છે.
કિશોરકુમારનું અવસાન પોતાના જન્મદિને થયા બાદ અશોકકુમારે ક્યારેય પોતાનો જન્મદિન ઉજવ્યો નહોતો. પણ અશોકકુમાર અશોકકુમાર ન બન્યા હોત જો હિન્દી ફિલ્મોનાં પ્રારંભિક હિરોઇન દેવિકા રાણી ભાગ્યાં ન હોત!
હકીકતે બોમ્બે ટોકિઝવાળા હિમાંશુ રાય ‘જીવનનૈયા’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. હીરો હતો નઝમ ઉલ હસન. તે હિમાંશુ રાયની પત્ની અને ફિલ્મની હિરોઇન દેવિકા રાણીને ભગાડી ગયો! બંને જણા કોઈક રીતે પાછાં ફર્યા તો ખીજાયેલા હિમાંશુ રાયે પત્નીને તો માફ કરી દીધી (એ સમયે આ બહુ મોટી વાત ગણાય.) પણ હીરોને તગેડી મૂક્યો. અને પછી તેમની નજર લેબોરેટરી આસિસ્ટન્ટ અશોકકુમાર પર પડી. અશોકકુમાર ખરેખર તો દિગ્દર્શક બનવા આવેલા અને બની ગયા અભિનેતા! આ રીતે શરૂ થઈ અશોકકુમારની છ દાયકા જેટલી સુદીર્ઘ ચાલનારી અભિનય કારકિર્દી! (‘જીવનનૈયા’માં એક ગીત હતું ‘કોઈ હમદમ ના રહા’ જે ગીત અશોકકુમારે ગાયેલું અને હિન્દી ફિલ્મોદ્યોગના પહેલાં મહિલા સંગીતકાર સરસ્વતીદેવીએ રચેલું…જોકે બાદમાં કિશોરકુમારે ‘ઝૂમરૂ’ ફિલ્મમાં તે ગાયું અને તેના પર ફિલ્માવાયું પણ ખરું, જે વધુ જાણીતું બન્યું.) સૌથી પહેલી સસ્પેન્સ કમ હોરર ફિલ્મ મહલનું નિર્માણ પણ અશોકકુમારે કર્યું હતું. તેમાં તેમણે મધુબાલા સાથે કામ કર્યું જે પછી તેમના નાનાભાઈ કિશોરકુમારની પત્ની બની. આ ફિલ્મે લતા મંગેશકરને પણ પ્રસિદ્ધ બનાવી દીધાં…’આયેગા આનેવાલા’ ગીતથી!
અત્યારે તરુણોને હનીસિંહના રૅપ (જે ખરેખર તો બળાત્કાર જેવા જ હોય છે) ગીતો પસંદ પડે છે પણ સૌથી પહેલું રૅપ ગીત અશોકકુમારે ‘આશીર્વાદ’ ફિલ્મમાં ગાયેલું…’રેલગાડી’. અને તે પણ કોઈ જાતની ટૅક્નિકલ સહાય વગર!
અશોકકુમારે સમય વર્તે ચરિત્ર ભૂમિકાઓ સ્વીકારી લીધી. પણ ‘જ્વેલ થીફ’માં તેમની વિલનની ભૂમિકા કોઈ ભૂલી શકે તેમ નથી. કોઈને ખ્યાલ પણ ન આવે કે વિલન અશોકકુમાર હશે તેવો અદ્ભુત અભિનય તેમણે કર્યો હતો. બિમલ રોયની ‘પરિણીતા’, ‘બંદિની’ જેવી ફિલ્મોમાં અશોકકુમારે કામ કર્યું હતું. હકીકતે જ્યારે બોમ્બે ટોકિઝનો સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે અશોકકુમારે જ બિમલ રોયને તેમની ફિલ્મ ‘પરિણીતા’નું નિર્દેશન કરવા કહેલું. બધા જાણે છે તેમ ‘પરિણીતા’ એ સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પર આધારિત ફિલ્મ છે જેની આ જ નામવાળી રિમેક તાજા ભૂતકાળમાં આવી ગઈ, જેના માટે વિદ્યા બાલનની ખૂબ જ પ્રશંસા થઈ હતી.
કેટલા લોકો જાણતા હશે કે અશોકકુમાર એક સારા ચિત્રકાર અને હોમિયોપેથીના અચ્છા જાણકાર પણ હતા? ૯૦ વર્ષ જેટલું લાંબુ જીવનાર અશોકકુમાર ૨૦૦૧માં હૃદય બંધ પડી જતાં અવસાન પામ્યા.

celebrity

હસ્તી કા સામાન : મેહદી હસન

લતા મંગેશકરે જેમને ‘ઇશ્વરનો અવાજ’ એવું બિરુદ આપ્યું હતું તેવા જાણીતા ગઝલ ગાયક મેહદી હસન જન્નતનશીન થઈ ગયા. કલાકારોને માટે કોઈ સીમાડા નડતા નથી તેમ મેહદી હસન પાકિસ્તાનમાં જેટલા લોકપ્રિય હતા, તેટલા જ ભારતમાં પણ હતા.

રાજસ્થાનમાં સંગીતકારોના પરિવારમાં જન્મેલા હોવાથી સંગીત તેમને વારસામાં મળ્યું હતું તેમ કહી શકાય. તેમનો પરિવાર દ્રુપદ ગાયિકી સાથે સંબંધ ધરાવતો હતો. અને એમ કહેવાય છે કે તેઓ સંગીત જાણકાર તરીકેની ૧૬મી પેઢી હતા.

ભારતના ભાગલા થયા અને ૨૦ વર્ષે હસન પાકિસ્તાન ચાલ્યા ગયા. ત્યાં તેમને આર્થિક રીતે અગવડ પડી એટલે તેઓ સાઇકલની દુકાનમાં કામે લાગ્યા. પછીથી કાર મિકેનિક તરીકે પણ કામ કર્યું. પરંતુ સંગીતનો જીવડો ઊંચો નીચો થતો હતો. એવામાં રેડિયો પાકિસ્તાન પર કામ મળ્યું અને રેસ્ટ ઇઝ હિસ્ટરી.

તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અખબારી અહેવાલો મુજબ, માર્ચ ૨૦૧૨માં તેમને ભારતમાં સારવાર માટે વિઝા મળી ગયા હતા. પરંતુ તેઓ આવી શક્યા નહીં. તેમનું ગુજરાત કનેક્શન સીધી રીતે તો જાણમાં નથી, પરંતુ જ્યારે તેઓ બીમાર પડ્યા અને તેમની પાસે પૂરતી આર્થિક સગવડ નથી તેવા સમાચાર અખબારોમાં આવતા ગઝલ ગાયક જગજિતસિંહે તો તેમને રૂપિયા ત્રણ લાખની મદદ કરી જ હતી, પરંતુ સુરતના ગઝલપ્રેમી ડો. વિવેક ટેલરે તેમને મદદ માટે બ્લોગ જગત અને ગઝલ પ્રેમીઓ સમક્ષ ટહેલ નાખ્યાનું સ્મરણ છે અને પછી આર્થિક સગવડતાનું જાણ્યા પછી એ ટહેલ પાછી પણ ખેંચી લીધી હતી.

છેલ્લે ૨૦૧૦માં તેમણે લતા મંગેશકર સાથે ‘તેરા મેરા મિલના’ આલબમ કર્યું હતું. આ બંને મહાન હસ્તીઓ એક સ્થળ પર તો રેકર્ડિંગ કરી શકે તેમ નહોતાં, પરંતુ ટૅક્નૉલૉજીની સગવડના કારણે અલગ-અલગ દેશમાં હોવા છતાં પણ રેકર્ડિંગ થઈ શક્યું હતું. બીજી બધી રીતે હિન્દી ફિલ્મોદ્યોગની સામે પાકિસ્તાની ફિલ્મોદ્યોગ વામણો સાબિત થયો છે, પરંતુ ત્યાંના કલાકારોની કૃતિ હિન્દી ફિલ્મોમાં ગીતો રૂપે ઘણી નકલબદ્ધ થઈ છે. એમાં મેહદી હસનની બે ગઝલનું અત્યારે સ્મરણ છે. એક તો, ‘તૂ મેરી ઝિદંગી હૈ’. આ રચનાને સંગીતકાર નદીમ-શ્રવણે જેમની તેમ ‘આશિકી’માં વાપરી હતી, તો ‘રફ્તા રફ્તા વો મેરી હસ્તી કા સામાન હો ગયે’ એમાં ‘રફ્તા રફ્તા’ના બદલે ‘ધીરે ધીરે’, ‘વો’ની જગ્યાએ ‘આપ’ ત થા ‘હસ્તી’ના બદલે ‘દિલ’ અને ‘સામાન’ના બદલે ‘મહેમાં’ મૂકી દો તો ‘બાઝી’નું આમિર ખાન-મમતા કુલકર્ણી પર ફિલ્માવાયેલું ‘ધીરે ધીરે આપ મેરે દિલ કે મહેમાં હો ગયે’ ગીત બને.

એક તથાકથિત એવી વાત પણ ચર્ચામાં હતી કે ‘સરફરોશ’માં જે પાકિસ્તાની ગઝલ ગાયક, જે ભારતમાં ભારત વિરોધી કામ કરે છે, તે નસીરુદ્દીન શાહે ભજવેલી ગુલફામ હસનની ભૂમિકા ગઝલ ગાયક મહેદી હસન કે ગુલામ અલી પર આધારિત હતી. જોકે એવું નહીં જ હોય તેવી આશા રાખીએ.

જેમનો કંઠ આપણી હસ્તીનો સામાન બની ગયો તેવા મેહદી હસનને  ખુદાતાલા જન્નત અને સુકૂન બક્ષે તેવી દુઆ!

city, film

તુમ બિન જાઉં કહાં : રફીના અનેરા ચાહકની વાત

ઉમેશ મખીજાના 'રફીદર્શન'માં પુણ્યતિથિ અને જન્મદિવસે મોહમ્મદ રફીને ભક્તો શ્રદ્ધાપુષ્પ અર્પણ કરે છે
ઉમેશ મખીજાના 'રફીદર્શન'માં પુણ્યતિથિ અને જન્મદિવસે મોહમ્મદ રફીને ભક્તો શ્રદ્ધાપુષ્પ અર્પણ કરે છે

પી ૫૦૪, ઇન્દ્રપ્રસ્થ ટાવર, ગુરુકૂળ પાસે, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ.

આ એડ્રેસ કોનું છે?

જો મોહમ્મદ રફીના ચાહકોને પૂછો તો તેઓ કહેશે, રફીસા’બનું!

અને તેમની વાત પણ સાચી છે. ઇન્દ્રપ્રસ્થમાં તમે પી વિંગમાં લિફ્ટમાં ઉપર ચડીને ડાબી બાજુ બીજા બ્લોક ૫૦૪માં જાવ એટલે દરવાજાની ઉપર જ ‘રફી દર્શન’ લખેલું માલૂમ પડે. અંદર ઘરના માલિકને તમે કહો કે તમે રફીના ચાહક છો અને મળવા આવ્યા છો તો તે તમને એક ભગવાનના કોઈ ભક્ત બીજા એ જ ભગવાનના ભક્તને જેટલો આદર આપે અથવા એક ગુરુના શિષ્ય બીજા શિષ્યને જેટલો આદર આપે તે જ આદરથી પોતાના ભગવાનનું મંદિર બતાવવા માટે લઈ જશે.

રફીના ભક્ત ઉમેશ મખીજા
રફીના ભક્ત ઉમેશ મખીજા

રૂમના દરવાજા પર ફરી રફીનો ફોટો દૃષ્ટિગોચર થાય છે. અંદર જઈને ખબર પડે છે કે મંદિર માટે કોઈ ખૂણો કે કોઈ ગોખલો નહીં, પણ એક આખો રૂમ ફાળવાયેલો છે.

અહીં મંદિર શબ્દ એટલા માટે પ્રયોજ્યો છે કે તેની જાળવણી અને પવિત્રતા મંદિર જેટલી જ રાખવામાં આવે છે. રૂમમાં કોઈને સૂવા કે બેસવાની પરવાનગી નથી, ઘરના માલિક કે સભ્યોની પણ નહીં! જો તમારે આ મંદિર જેવા વિશિષ્ટ રૂમની મુલાકાત લેવી હોય કે તમે તેની મુલાકાત લઈ ચૂકયા હો પણ તમારે આ ભક્ત પાસે તેમના ભગવાન વિશે વધુ જાણવું હોય તો તેમનો અનુકૂળ સમય જાણી લેવો પડે (તેમના ફોન નંબર પણ રફીના જન્મદિવસ અને પુણ્યતિથિના આંકડાવાળા! એક નંબરના છેલ્લા આંકડા છે ૨૪-૧૨-૨૪ અને બીજા નંબરના છેલ્લા આંકડા ૩૧-૭-૮૦!), બાકી જન્માષ્ટમી કે શિવરાત્રિની જેમ જાહેર તહેવાર જેવા દિવસ એટલે કે રફીના જન્મદિવસ ૨૪ ડિસેમ્બર અને પુણ્યતિથિ ૩૧ જુલાઈએ વગર પૂછ્યે બપોરે ૨થી ૬ પહોંચી જાવ તો ચાલે.

૩૦મી જુલાઈ. મારા પર ફોન આવે છે. ‘જય રફીસાબ. કાલે ૨થી ૬ તમારે આવી જવાનું છે. તમને જે અનુકૂળ સમય હોય તે સમયે.’ એઝ યુઝ્યુઅલ, રફી વિશે થોડી વાતચીત પછી ફોન પૂરો થાય છે. પોતાની દીકરી આરતીનાં લગ્ન હોય તેવા ઉમળકાથી રફીની પુણ્યતિથિના કાર્યક્રમનું આમંત્રણ આપતા એ વ્યક્તિ એટલે ઉમેશ મખીજા. ૩૧મી જુલાઈએ સાંજે ૫ વાગ્યે હું ઇન્દ્રપ્રસ્થ પહોંચું છું એટલે માઇકમાં ગવાતા રફીના ગીતનો અવાજ નીચે લિફ્ટમાં થઈને મારા સુધી પહોંચે છે અને ઉપર ઘરમાં પ્રવેશતા જ ડ્રોઇંગરૂમમાં તેમના ચાહકો વારાફરતી તેમના પ્રિય ગાયકનાં ગીતો લલકારી રહેલા નજરે પડે છે. રફીના રૂમમાં ઉમેશભાઈના ખાસ દોસ્ત અને રફીના એવા જ ગાઢ ચાહક વસંતકુમાર સિંધવ વ્યવસ્થા જાળવવામાં મદદ કરી રહ્યા છે. ઉમેશભાઈની સાથે તેઓ વાતચીતમાં જોડાય છે.

૨૦૦૫માં ‘દિવ્ય ભાસ્કર’ની ‘નવરંગ’ પૂર્તિ –મેગેઝિન સાઇઝમાંથી ટેબ્લોઇડ થઈ ત્યારે તેમાં એક કોલમ ચાલુ કરેલી, ‘દીવાના મુઝસા નહીં’. આ કોલમ એવા લોકો માટે હતી જેમને બોલિવૂડના કોઈને કોઈ કલાકાર કે કલાકારો પ્રત્યે ભક્તિભાવ જેટલો અનુરાગ હોય અને કલેક્શન કરતા હોય કે તેમને જીવનમાં અપનાવ્યા હોય. આમાં શરૂઆત વસંતકુમાર સિંધવથી થઈને પછી તો ઉમેશ મખીજા, હરીશ રઘુવંશી, ગૌતમ મિસ્ત્રી, બાબુભાઈ એમ અનેક અમદાવાદ, વલસાડ, મોરબી એમ વિસ્તરતી ગઈ. ‘રોગ લાગુ પાડનારા તમે જ,’ ઉમેશભાઈ એ  ‘દીવાના મુઝસા નહીં’ કોલમમાં આવેલા પોતાના વિશેના લેખને યાદ કરીને કહે છે (આ તેમની ટિપિકલ સિંધી વ્યાપારીની સ્ટાઇલ છે), ‘એ કોલમે તો અનેક લોકો માટે સેતુની ગરજ સારેલી. પણ પછી એ કોલમ કેમ બંધ થઈ ગઈ? તમે ‘દિવ્ય ભાસ્કર’ કેમ છોડી દીધું?’ એવા સવાલોનો મારો થાય છે અને હું યોગ્ય જવાબ આપીને પછી મારી ટેવ મુજબ (ઉમેશભાઈને મળું ત્યારે દર વખતે પૂછાતો પ્રશ્ન) પૂછું છું, ‘નવું શું છે ઉમેશભાઈ એ કહો ને.’ ઉમેશભાઈ રફીના રૂમમાં, ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ એમ ત્રણેય ભાષામાં લખાયેલ રફીની બોર્ડર અને વચ્ચે તેમનાં ગીતોવાળી બેડશીટ, ઓશિકાના કવર બતાવે છે. આ વખતે એક નવી ચીજ જોવા મળે  છે, રફીના દીકરાના લગ્નમાં લતા મંગેશકર (ભૂલથી ઉમેશભાઈ આગળ લતાનું નામ લેવાય નહીં એ ધ્યાન રાખવું પડે, તો બીજા ગાયકોની વાત જ ક્યાં કરવી? ઉમેશભાઈ કહે છે એમ, જ્યારે તેમને રફી અને લતાની સ્પર્ધા કરાવવી હોય અને તેમાં રફીને જિતાડવા હોય ત્યારે જ બંનેનાં ડ્યુએટ સાંભળે છે) અને મદનમોહનની તસવીરવાળું કેલેન્ડર.

યશરાજ ફિલ્મ્સના લેટરહેડવાળો સંજીવ કોહલીનો પત્ર
યશરાજ ફિલ્મ્સના લેટરહેડવાળો સંજીવ કોહલીનો પત્ર

‘યશરાજ ફિલ્મ્સમાંથી સંજીવ કોહલી (મદનમોહનના દીકરા)નો ફોન આવ્યો હતો, મદનમોહનની આ તસવીર તેમને જોઈતી હતી. તે મેં તેમને મોકલી આપી. તે પછી આભાર માનતો પત્ર સંજીવે મોકલ્યો હતો,’ ઉમેશભાઈ કહે છે.

મદનમોહનના અપ્રસિદ્ધ ગીતોનું આલબમ ‘તેરે બગૈર’ રિલીઝ થવાનું હતું ત્યારે રફીના જમાઈ (જી હા, રફીના સ્વજનો સાથે ઉમેશભાઈને સારો ઘરોબો છે. રફીના સ્વજનો જ નહીં, વિતેલા જમાનાનાં પ્રમાણમાં ઓછા જાણીતા ગાયિકા ઉષા ત્રિમૂર્તિ, મહાભારતના અર્જુન – ફિરોઝ ખાન જેવા કલાકારોને મળવાનો પણ આ ઉમેશભાઈ અને વસંતભાઈનો શોખ.)પરવેઝભાઈનો ફોન આવ્યો હતો. પણ ઉમેશભાઈને પોતાની પાસે રહેલી માહિતી કે ગીતોનો ખજાનો કહીને સામેવાળાને આશ્ચર્ય આપવાની ખાસ ટેવ. તેમણે પરવેઝભાઈને ગીતોના નામ આપીને કહ્યું, ‘બે ગીત તો મારી પાસે છે.’ પરવેઝભાઈ કહે, ‘પણ આલબમ તો હજુ ક્યાં રિલીઝ થયું છે?’ પણ જે અપ્રસિદ્ધ હોય, દેશ કે વિદેશના ખૂણે ખાંચરે હોય ત્યાંથી શોધી કાઢીને પોતાનું કલેક્શન અને જ્ઞાન વધારતા જવું એ જ રફીના આ અનન્ય દીવાનાનું કામ.

અને તેમનું આ કામ ચાલુ જ છે અને ચાલુ રહેશે.