humor, politics

પોલીસની ભાષામાં બે રાજકીય ઘટનાઓ

જયવંતની જે બ્બાત

(આ હાસ્ય લેખ છે)

આજથી કેટલાક મહિનાઓ પહેલાં ચાર ઈસમો જેઓ જજ હતા અને એમાં એક આજે મુખ્ય ન્યાયમૂર્તિ છે, તેમણે જાહેરમાં ગુનો આચરેલ. તેમણે જાહેરમાં કેટલાક પત્રકારોને બોલાવેલ અને સંસ્થાની શિસ્તનો ભંગ કરેલ. તે સમયે ડી. રાજા નામના રાજકીય ઈસમની હાજરી જાણવા મળેલ. મજકૂર ઈસમ સામે ચાર ઈસમોને બળવો પોકારવા ઉશ્કેરવાનો આરોપ છે.

ત્યાર બાદ, ગઈ કાલે પણ ભારતની બહાર જ્યાં કેમ્બ્રિજ એનાલિટિકા આવેલી છે જે લોકોનો ફેસબુક પરથી અંગત ડેટા જેને અંગત માહિતી પણ કહે છે, તેનો ઉપયોગ કરી ચૂંટણીમાં ખોટી માહિતી ફેલાવે છે, જેનો ઉપયોગ ભારત દેશના મોટા રાજકીય પક્ષ કૉંગ્રેસ, જે ૭૦ વર્ષ સુધી ભારતમાં સત્તામાં રહી છે પણ છેલ્લાં સાડા ચાર વર્ષથી અને ખાસ તો છેલ્લાં એક વર્ષથી સત્તામાં પાછી ફરવા વ્યાકુળ અને મરણિયી બનેલ છે, તે કરવા ધારેલ, તે લંડન શહેરમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરેલ. આ પરિષદમાં એક ઈસમ સૈયદ સૂજા, જે પોતાને હેકર ગણાવે છે તેણે વિડિયો કોન્ફરન્સથી સંબોધેલ. આ ઈસમે પોતાનું મોઢું ઢાંકેલું હોઈ શંકા ઉપજાવે છે. તેણે ભારતના ઇવીએમ હેક કરવાનો દાવો અમેરિકામાં બેસી લંડનની પત્રકાર પરિષદમાં કરેલ. તેમાં પણ કપિલ સિબલ નામના રાજકીય ઈસમની હાજરી હતી જે આ આખા કાર્યક્રમના આયોજક યા તો ટેકેદાર હોવાની શંકા ઉપજેલ છે. આનાથી કેટલાક પ્રશ્નો જાગેલ છે:

. મજકૂર ઈસમે એવાં તો કયાં કામ કરેલ કે પોતાનો ચહેરો છુપાવવો પડેલ?

. મજકૂર ઈસમ ચૂંટણી પંચ સમક્ષ આવીને ઇવીએમ હેક કરીને કેમ નથી બતાવતો? ભારતીય મિડિયાના બદલે આંતરરાષ્ટ્રીય મિડિયા સમક્ષ આ દાવો કરવાનો ઈરાદો ભારતને બદનામ કરવાનો નહોતો?

૩. મજકૂર કપિલ સિબલ ત્યાં કોના પૈસે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના રૂપિયા ખર્ચીને હાજર રહ્યા? તેઓશ્રી કઈ રૂએ ત્યાં હાજર રહ્યા? પત્રકાર તરીકે? પણ પત્રકાર તો તેઓ છે નહીં? આથી તેમની હાજરી ગુનાની ઉશ્કેરણી કરવા માટે હોય તેમ પ્રથમ દૃષ્ટિએ જણાય છે.

. મજકૂર શ્રી સિબલ જો વ્યક્તિગત હાજર રહ્યા હોય તો પણ પ્રશ્ન છે કે રામમંદિર કેસમાં તેઓશ્રી કેસને લોકસભા ચૂંટણી સુધી પાછો ઠેલવા વિનંતી કરે છે જે સૂચનાનું પાલન આડકતરી રીતે બાદમાં વારંવાર મુદ્દતો આપીને મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ જેમના પિતા કોંગ્રેસના આસામમાં મુખ્ય પ્રધાન રહેલ, તેઓની બેચ કરી રહેલ છે, તેમાં પણ મજકૂર ઈસમ પોતાની વ્યક્તિગત રૂએ હાજર રહે છે તેમ કોંગ્રેસ કહે છે, તેના પરથી શંકા જાય છે કે આ ઈસમ પોતાની સગવડતા અનુસાર ક્યારેક કોંગ્રેસી નેતા તો ક્યારેક વકીલ તો ક્યારેક લંડન પ્રવાસી બની જાય છે (ક્યારેક ફિલ્મી ગીતકાર પણ બની જાય છે) તે મજકૂર ગુનાની ઉશ્કેરણીનો પુરાવો ગણવા પોલીસ પ્રેરાયેલ છે.

. મજકૂર ઈસમ હેકર દાવો કરે છે કે ૨૦૧૪માં ભાજપ ઇવીએમ હેકિંગ કરીને જીતેલ, પણ મજકૂર ઈસમ ભૂલી જાય છે કે એ વખતે કોંગ્રેસની સરકાર હતી, તો ભાજપ કઈ રીતે ને કોની મદદથી હેકિંગ કરેલ તે પ્રશ્ન છે. તે વખતે મજકૂર શ્રી સિબલ પણ કોંગ્રેસમાં હતા ને ટેલિકોમ પ્રધાન ને પછી વિજ્ઞાન ને ટેક્નોલોજી પ્રધાન જેઓ ગુનો કે જે લંડનમાં અમેરિકાથી આચરાયેલ છે તેની ઉશ્કેરણી કરવા શંકાસ્પદ છે તેમણે કે કોંગ્રેસ સરકારે કેમ કોઈ તપાસ ન માગી? તે વખતે પરિણામો કેમ ન અટકાવ્યાં? તે વખતે કેમ કોર્ટમાં દાદ ન માગી? તે વખતે તો મજકૂર ઈસમ શ્રી સિબલ, જેઓ ગુનો કે જે લંડનમાં અમેરિકાથી આચરાયેલ છે તેની ઉશ્કેરણી કરવા શંકાસ્પદ છે, તેમના પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પરાજય સ્વીકારી તેની જવાબદારી પોતે સ્વીકારેલ.

૬. મજકૂર ઈસમ કે જેણે અમેરિકા બેસી લંડનમાં ગુનો આચરેલ હોવાનો આરોપ છે તે ગોપીનાથ મુંડે જેઓ ૨૦૧૪ની નરેન્દ્ર મોદી સરકારમાં પ્રધાન હતા, તેમનું અકસ્માતમાં મૃત્યુ થયેલું. પરંતુ તેમની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો જે પાયાવિહોણો જણાય છે, કારણકે દિવંગત પ્રધાન જવાબ દેવા હાલ હયાત નથી. આવો આક્ષેપ માત્ર સનસનાટી ફેલાવવાનો જણાય છે.

ઉપરોક્ત વાતોને ધ્યાનમાં લેતાં પ્રથમ દૃષ્ટિએ ઉપરોક્ત ઈસમો વિદેશોમાં ભારત વિરોધી છબી બનાવવાના ઈરાદાવાળા જણાય છે.

Advertisements
international, sanjog news, satsanshodhan, society, Uncategorized

બળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા

(સંજોગ ન્યૂઝની સત્સંશોધન કૉલમમાં તા. 8/11/17ના રોજ પ્રસિદ્ધ લેખ.)

લેખની શરૂઆતમાં જ પહેલી ચોખવટ. આ લેખ જાતીય સતામણી કે બળાત્કાર કરનારા પુરુષોની તરફેણમાં નથી. પરંતુ ભારતમાં રહીને ભારતનું ખાતા, ભારતમાં લોકપ્રિયતા મેળવતા, ભારતમાં જ મોટા ભા બનતા બુદ્ધુજીવીઓની એ વાહિયાત દલીલોનું જડમૂળથી ખંડન કરવા માટે છે જેમાં તેઓ કહે છે કે ભારતમાં લોકો ધર્મ-પૂજા-પાઠ કરે છે, પરંપરાઓનું પાલન કરે છે, પરંતુ હકીકતે તેઓ દંભી છે. કામવાસના પર નિયંત્રણની વાત કરે છે પરંતુ હકીકતે ભારતીયો તો વ્યભિચારી છે, બળાત્કારી છે અથવા સેક્સના કીડાઓ તેમના મગજમાં ચોવીસે કલાક સળવળે છે. આ પ્રકારની દલીલો કર્યા પછી આ લોકો એવું કહેતા હોય છે કે પશ્ચિમમાં ખુલ્લી સંસ્કૃતિ છે. ત્યાં કોઈ દંભ નથી. ત્યાં કોઈ જાતની મોરલ પોલિસિંગ નથી. ત્યાં આપણા શાસકો કે તેમના પક્ષના નેતાઓ કે ધર્મગુરુઓ દ્વારા મહિલાઓને જેવી સલાહો આપે છે તેવી કોઈ સલાહો ત્યાંના શાસકો કે પક્ષના નેતાઓ કે ધર્મગુરુઓ આપવામાં નથી આવતી. આથી ત્યાં બળાત્કારો, છેડતી કે જાતીય સતામણી ઓછી થાય છે.

પરંતુ અમેરિકાના હૉલિવૂડના ફિલ્મ નિર્માતા હાર્વે વેઇનસ્ટેઇન સામે સંખ્યાબંધ અભિનેત્રીઓએ પોતાનું જાતીય શોષણ થયું હોવાનું જાહેર કર્યું તે સાથે જ મોટો ખળભળાટ મચી ગયો. ટ્વિટર પર #metooનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. અભિનેત્રી રૉઝ મૅક્ગૉવાને પણ પોતાના પર વેઇનસ્ટેઇને બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો અને ટ્વિટરે તેનું ખાતું સસ્પેન્ડ કરી નાખ્યું. ટ્વિટરનો આક્ષેપ હતો કે મૅક્ગૉવાને ટ્વિટરના નિયમોનો ભંગ કર્યો છે.

ટ્વિટરનું પક્ષપાતી વલણ પણ આમાં છતું થયું. આપણે ત્યાં પણ ટ્વિટર રાષ્ટ્રવાદી વિચારના ગાયક અભિજીત ભટ્ટાચાર્ય અને અફલાતુન અભિનેતા-વક્તા-સાંસદ પરેશ રાવલ સામે આ જ રીતના અવાજ દબાવવા માટે પગલાં લે છે. પરંતુ વિદેશોમાં રૉઝ મૅક્ગૉવાનના સમર્થનમાં લોકો આગળ આવ્યા અને #womenboycotttwitter ટ્રેન્ડ શરૂ થઈ ગયો. પરિણામે ટ્વિટરના સીઇઓ જેક ડૉર્સીએ ટ્વિટર વધુ પારદર્શી બનશે તેવી બાંયધરી આપવી પડી.

હવે એ રૉઝ મૅક્ગૉવાન સામે ડ્રગ ધરાવવા માટે ધરપકડનું વૉરન્ટ નીકળ્યું છે જેના જવાબમાં રૉઝ મૅક્ગૉવાને પ્રશ્ન પૂછ્યો છે કે શું તેઓ મને મૂંગી કરવા માગે છે? જો ભારતમાં આવું બન્યું હોત તો આવી અભિનેત્રીએ કે કલાકારોએ અને તેના સમર્થનમાં કવર ફાયરિંગ કરતી બુદ્ધુજીવીઓની ટોળીઓએ દેશમાં અસહિષ્ણુતા વ્યાપી ગઈ હોવાનો દેકારો કરી સમગ્ર દુનિયામાં ભારતને કુખ્યાત કરી દીધું હોત. (અગાઉ કર્યું જ છે અને આજે પણ આવા પ્રયાસો ચાલુ જ છે. કોઈ પણ નકારાત્મક મુદ્દો હોય તેને હિન્દુત્વ અને હિન્દુત્વના સમર્થનમાં બોલનારાઓ સામે જોડી દઈ તેમને કુખ્યાત કરી દેવાના.) પરંતુ અમેરિકામાં આવું નથી થયું.

અમેરિકા અને વિદેશોમાં ઘણું બધું આપણા જેવું થાય છે, બળાત્કાર/જાતીય છેડતી/જાતીય સતામણી ઘણું બધું. પરંતુ અગાઉ કહ્યું તેમ બુદ્ધુજીવીઓ માત્ર ભારતીયોના મનમાં ભારત પ્રત્યે અને ભારતીયો પ્રત્યે નેગેટિવ માનસિકતા ઊભી કરવા માટે સતત ઠસાવતા રહે છે કે આખી દુનિયાની ગંદકી માત્ર ભારતીયોના મનમાં જ ભરી છે.

આપણે ત્યાં સ્ત્રીઓને મર્યાદાવાળાં કપડાંની સલાહ આપો એટલે આ બુદ્ધુજીવી ટોળકી અને સ્ત્રી સ્વાતંત્ર્ય ઝંડાવાળા તૂટી પડશે, પરંતુ અમેરિકી નાગરિક અને ગાયિકા ક્રિસી હિન્ડેએ પોતાનું ઉદાહરણ આપીને મહિલાઓને સલાહ આપી કે જો તમે વધુ પડતાં અંગપ્રદર્શનક કપડાં પહેર્યાં હશે, જો તમે ડ્રગ્ઝ લેતા હો, જો તમે દારૂ પીતા હો, જો તમે પુરુષો સાથે ફરતા હો (તેણે બાઇકર ગેંગ શબ્દ વાપર્યો છે) તો પછી બળાત્કાર માટે તમે પોતે જવાબદાર છો. પરંતુ જો તમે આવું ન કરો તો પછી બળાત્કાર માટે પુરુષો જવાબદાર છે. તેણે તેના નવા પુસ્તક ‘રેકલેસ’માં લખ્યું છે, “ટૅક્નિકલી વાત કરું તો, જ્યારે તમે એ ઘટના તરફ પાછું વળીને જુઓ છો તો મને લાગે છે કે એ બધી મારી ભૂલ હતી અને હું તેની પૂરેપૂરી જવાબદારી સ્વીકારું છું.” તેણે લખ્યું, “જો તમે આગ સાથે રમશો તો તમે દાઝશો જ. એ કોઈ ગુપ્ત વાત નથી.”

એક ઇન્ટરવ્યૂમાં તેણીએ કહ્યું, “જો હું મારા અંડરવિયરમાં બહાર ફરું અને હું પીધેલી હોઉં તો? એ કોનો વાંક છે? જો હું વ્યવસ્થિત મર્યાદાવાળાં કપડાંમાં બહાર નીકળું અને કોઈ મારા પર હુમલો કરે તો હું કહીશ કે એ તેનો વાંક છે… પણ જો તમે ખૂબ જ ઉત્તેજક વર્તન કરો, અને જે પહેલેથી વિક્ષિપ્ત છે તેને બહેકાવો, તો તેમ ન કરો. આ સાદી સમજની વાત છે. તમે જાણો છો, જો તમે બળાત્કારીને બહેકાવવા ન માગતા હો તો તમે હાઇ હિલ્સ ન પહેરો જેથી તમે તેની પાસેથી ભાગી શકો.”

અમેરિકાના ઑહિયોમાં જન્મેલી, ૧૯૭૩માં લંડન ચાલી ગયેલી, મ્યૂઝિક બૅન્ડ પ્રીટેન્ડરની સ્થાપક પૈકીની એક, હિપ્પી કલ્ચરમાં માનનારી, ૬૩ વર્ષીય ક્રિસી હિન્ડે મહિલાઓની આદર્શ છે. અત્યારે તેને પોતાની ભૂલ સમજાઈ છે, પરંતુ યુવા અવસ્થામાં તેણે પોતાના મધ્યમ વર્ગીય મૂલ્યો સામે બળવો કર્યો હતો. તે ડ્રગ, દારૂ, રૉક એન રૉલ અને ખરાબ છોકરાઓ તરફ આકર્ષાઈ હતી. આ બાઇકરો ડ્રગ વેચતા હતા. બાઇકરોએ તેને એક પાર્ટીનું આમંત્રણ આપ્યું હતું અને હિન્ડેએ તે સ્વીકાર્યું. તે તેમના ક્લબહાઉસમાં ગઈ. તે ખાલી અને અંધારી જગ્યા હતી. બાઇકરો તેને ઉપરના માળે લઈ ગયા જે અંધારિયો હતો. ત્યાં તેનાં વસ્ત્રો કાઢી નાખવાનો આદેશ અપાયો. જ્યારે તેણીએ વિરોધ કર્યો ત્યારે તેમણે તેમને એટલો માર મારવાની ધમકી આપી કે જેનાથી પ્લાસ્ટિક સર્જન ધનિક બની જશે. (મતલબ કે આખું શરીર એટલું વિકૃત થઈ જશે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે.) તે પછી તે લોકોએ તેમની સાથે સેક્સી ક્રિયાઓ કરવા આદેશ આપ્યો. તેનો વિરોધ કર્યો તો તે લોકોએ દિવાસળી સળગાવી સળગાવી તેના શરીર પર ફેંકવા લાગી. છેવટે ક્રિસી હિન્ડેએ આ નરાધમો સામે શરણાગતિ સ્વીકારી લીધી.

ક્રિસી હિન્ડે સાથે આ બધું બન્યું તેનો તેણે અત્યાર સુધી રહસ્યસ્ફોટ નહોતો કર્યો પરંતુ બેએક વર્ષ પહેલાં આ બધું પોતાની આત્મકથામાં કહ્યું અને તે પછી ઇન્ટરવ્યૂઓમાં પણ કહ્યું કે જો સ્ત્રી પોતાનું ધ્યાન ન રાખે તો તે પણ તેની સામેના ગુનામાં જવાબદાર હોઈ શકે. તેની આવી વાતોના કારણે સ્વાભાવિક જ તેની સામે સોશિયલ મિડિયા સહિત ઘણી બધી જગ્યાએ વિરોધનો વાવંટોળ ઊભો થયો. તો પત્રકારો જેનેટ સ્ટ્રીટ પૉર્ટર અને સારાહ વિને સહિત અનેક લોકો તેની તરફેણમાં પણ આવ્યા.

ફરી એક વાર કહી દઉં કે આ લેખનો ઉદ્દેશ્ય બળાત્કારીઓની તરફેણમાં નથી કે નથી તેનો ઉદ્દેશ્ય એ સ્થાપિત કરવાનો કે કપડાંના લીધે બળાત્કાર નોતરી શકે છે. પરંતુ વિદેશોમાં બધું સારું અને ભારતમાં બધું ખરાબ તેવી માનસિકતાનો વિરોધ ચોક્કસ છે. જ્યાં સંપૂર્ણ બુરખો પહેરેલી સ્ત્રીઓ હોય છે, જ્યાં સ્ત્રીઓને પોતાના પિતા,પતિ કે ભાઈ સિવાય જાહેરમાં હળવામળવા પર પ્રતિબંધ હોય છે તેવા સાઉદી અરેબિયામાં પણ બળાત્કાર થાય છે. અને ત્યાં તો બળાત્કારીનું જાહેરમાં માથું કાપી નખાય છે, પરંતુ ઘણી વાર સ્ત્રીને જ સજા મળે છે. તેના પર વ્યભિચારનો આરોપ મૂકી દેવાય છે. બળાત્કાર સાબિત કરવા ચાર સાક્ષીની જરૂર પડે છે. ઉપરાંત બળાત્કારી અને પીડિતા દ્વારા બળાત્કાર થયો હોવાનું કબૂલવું પડે છે. હવે બળાત્કાર વખતે ચાર સાક્ષી ક્યાંથી કાઢવા? બળાત્કારી પણ થોડો કબૂલવાનો? એટલે મોટા ભાગે બળાત્કારી છટકી જાય છે. ઉપરાંત સ્ત્રી પર બળાત્કાર થયો હોય તો પરિવારની આબરૂ જળવાઈ રહે તે માટે તેમને મારી નખાય છે.

ભારતમાં સ્ત્રીઓને વ્યવસ્થિત કપડાં પહેરવાની સલાહ આપે તો લિબરલ અને બુદ્ધુજીવી ગેંગ તેના પર તૂટી પડે છે, અને સામે એવી દલીલ કરે છે કે પશ્ચિમમાં આવું નથી. તેઓ જાણી જોઈને બદમાશી કરતા હોય છે કારણકે પશ્ચિમની એક જ બાજુ આપણી સમક્ષ રજૂ કરાય છે. ઇવન, પશ્ચિમી મિડિયા પણ તેની નકારાત્મક કે વિવાદાસ્પદ બાબત ખૂણામાં રજૂ કરતા હોય છે અને ભારત-ચીન વગેરે જેવા તેના હરીફ દેશોની નકારાત્મક બાબતો જ ચગાવતા હોય છે. આથી આ બધી વાતો આપણા સુધી પહોંચતી નથી. જેમ કે મૉર્ડન ગણાતા અમેરિકાના મિસ્સૌરીમાં સરકારી કચેરીઓમાં ઇન્ટર્નો પર જાતીય હુમલાઓની વ્યાપક ફરિયાદ થઈ. આથી ત્યાં ડ્રેસ કૉડનો પ્રસ્તાવ મૂકાયો કે ઇન્ટર્નોએ મૉડેસ્ટ અને કન્ઝર્વેટિવ ડ્રેસ પહેરવા (મતલબ કે અંગપ્રદર્શક ડ્રેસ ન પહેરવા).
કેલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સમાં ૨૦૧૪માં રેગિના નામની વિદ્યાર્થિની પર બળાત્કાર થયો. તેણે સંસ્થાને તેની જાણ કરી. સ્કૂલના અધિકારીઓએ તેને બળાત્કારીના ભૂતકાળ વિશે ન પૂછ્યું. ઉલટાનું, ‘દામિની’ના વકીલ ચઢ્ઢાની જેમ તેને તેની દારૂ પીવાની ટેવ, કેટલી વાર તે પાર્ટીમાં જતી, તેના ડ્રેસની લંબાઈ કેટલી હતી, ઓરલ રેપ કેવી રીતે શક્ય છે, તેને ચરમસીમાનો અનુભવ થયો હતો કે નહીં, જ્યારે તે તેના પર બળાત્કાર કરનાર સાથે અગાઉ સંબંધ બાંધતી ત્યારે તે બંને વચ્ચે ચરમસીમા કોઈ મુદ્દો હતો કે નહીં-આવા આવા પ્રશ્નો પૂછ્યા.

સ્કૂલ-કૉલેજ જ નહીં, પોલીસ પણ ઓછી નથી. અમેરિકાની ફ્રીલાન્સ લેખિકા ડેનિયલ કેમ્પોઅમોરે પોતાનો અનુભવ લખ્યો છે કે જ્યારે તે પોતાના પર જાતીય હુમલાની ફરિયાદ લખાવા પોલીસ પાસે ગઈ તો તેને પોલીસે ત્રણ વાર પૂછ્યું કે તેણે કેટલો દારૂ પીધો છે. ૧૯૯૯માં રૉમની સુપ્રીમ કૉર્ટે ચુકાદો આપ્યો હતો કે જિન્સ પહેરેલી સ્ત્રી પર બળાત્કાર થઈ જ ન શકે. રૉમ એટલે ખ્રિસ્તીઓનું સર્વોચ્ચ ધામ. એટલે આ વાત આપણા મિડિયામાં આવી જ નહીં. આપણે ત્યાં ઉત્તર પ્રદેશમાં સ્વિસ યુગલ સાથે દુર્વ્યવહાર થાય છે તો આ પરદેશી ચાહક મિડિયાનો એક વર્ગ જેને ભારતીયતાથી મિર્ચી લાગે છે તે કેમ્પેઇન ચલાવે છે કે ‘ડૉન્ટ કમ ટૂ ઇન્ડિયા’. પરંતુ આવો વર્ગ ગત સપ્ટેમ્બરમાં જ રૉમમાં એક પર્યટક મહિલાને એક પાર્કમાં બાંધીને તેના પર બળાત્કાર કરાયો હતો તે તમને જણાવતો નથી. એક પૉલિશ મહિલા પર રિમિનીના બીચ રિસૉર્ટમાં સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો અને તેના સાથીને માર મરાયો હતો તે જણાવતો નથી. આના લીધે રૉમના મેયરે ગત સપ્ટેમ્બરને બ્લેક સપ્ટેમ્બર જાહેર કર્યો હતો તે તમને ખબર છે? ન્યૂઝીલેન્ડમાં હેન્ડરસન હાઇ સ્કૂલના ડેપ્યુટી પ્રિન્સિપાલ ચેરિથ ટેલફૉર્ડે વિદ્યાર્થિનીઓને કહ્યું હતું કે વિદ્યાર્થિનીઓ સલામત રહે અને પુરુષ કર્મચારીઓ માટે કામ કરવાનું સારું વાતાવરણ બને તે માટે તેમણે ઘૂંટણ કે તેનાથી વધુ લંબાઈવાળું સ્કર્ટ પહેરવું!

અમેરિકાના ફેડરલ કમિશન ઓન ક્રાઇમ ઑફ વાયોલન્સના અભ્યાસમાં જણાયું છે કે તમામ રિપૉર્ટ કરાયેલા બળાત્કારના કેસો પૈકી ૪.૪ ટકામાં પીડિતાનું ઉત્તેજક વર્તન જવાબદાર હોય છે! ૨૦૦૫માં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે બ્રિટનમાં એક પૉલ કર્યો હતો તેમાં ત્રીજા ભાગના પ્રતિસાદીઓએ માન્યું હતું કે જાતીય હુમલા માટે તેનાં કપડાં અને વર્તનના કારણે સ્ત્રીઓ પણ આંશિક જવાબદાર હોય છે.

ટૂંકમાં કાગડા બધે કાળા છે, પરંતુ તેના લીધે ભારતને કુખ્યાત કરવાની જરૂર નથી.

international, sarvottam karkirdee margadarshan, terrorism

જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં ‘સાંપ્રત’ કૉલમમાં આ લેખ છપાયો.)

તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી ચિત્ર જેવી જાપાનીઝ ભાષામાં જ કેમ બોલે અને લખે છે? તાજેતરમાં લંડનમાં છેલ્લા છ માસનો પાંચમો ત્રાસવાદી હુમલો થયો. આથી પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્પેન, રશિયા અને થોડા અંશે ચીન પણ ત્રાસવાદથી ગ્રસિત છે. તો પછી જાપાન કેમ આમાંથી બાકાત છે?

તેનું કારણ ‘સકોકુ’ શબ્દમાં રહેલું છે. આ શબ્દ જાપાનના ૧૧૮૫થી ૧૮૬૮ વચ્ચે રહેલી તોકુગાવા શોગુનેટ સૈનિક સરકારે લાગુ કરેલી સ્થળાંતર નીતિ (ઇમિગ્રેશન પૉલિસી) દર્શાવે છે. આ નીતિમાં કોઈ વિદેશી જાપાનમાં ન આવી શકે કે ન તો કોઈ જાપાની વ્યક્તિ જાપાનની બહાર જઈ શકે. જો આમ બને તો આવી વ્યક્તિનું માથું ધડથી અલગ કરી દેવાતું! આ વાત જાપાનની મુખ્ય વિચારસરણીમાં રહેલી છે. આથી જ જાપાન એ એક જ પ્રકારનો (હૉમોજિનિયસ અથવા મોનોલિથિક) સમાજ તરીકે આજ દિન સુધી ટકી રહ્યો છે.

જાપાનના લોકો ઇસ્લામના પરિચયમાં પહેલી વાર ૧૮૭૭માં આવ્યા હતા. પહેલી કોઈ જાપાની વ્યક્તિ મુસ્લિમ બની તે ઘટના ઈ.સ. ૧૯૦૯માં બની હતી અને આ વ્યક્તિનું નામ મિત્સુતારો તાકાઓકા હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનમાં ઇસ્લામને સમજવાની માગ વધી, જાપાનની સેનાએ ઇસ્લામ માટે સંગઠનો અને સંશોધન કેન્દ્રો સ્થાપ્યાં. ઇસ્લામ પર સો પુસ્તકો પ્રકાશિત થયાં. તેનું કારણ ઇસ્લામ પ્રત્યે એકાએક જાગેલું આકર્ષણ નહોતું પરંતુ જાપાની સેનાએ ચીન અને અગ્નિ એશિયામાં જે વિસ્તારો કબજે કર્યા તેમાં રહેલો મુસ્લિમ સમાજ હતો. આથી જ ૧૯૪૫માં યુદ્ધ પૂરું થયા પછી આ સંગઠનો અને સંશોધન કેન્દ્રોને બંધ કરી દેવાયાં.

જાપાનમાં ૧૩ કરોડની વસતિ છે. તેમાંથી લગભગ એક લાખ મુસ્લિમો છે. વર્ષ ૨૦૧૦માં ૧૦૦ ઇન્ટર્નલ મેટ્રૉપૉલિટન પોલીસ ડિપાર્ટમેન્ટના લીક થયેલા દસ્તાવેજો મુજબ, પોલીસે લગભગ ૭૨,૦૦૦ મુસ્લિમોની અંગત વિગતો એકઠી કરી છે જેમાં તેમનાં બૅંક ખાતાનાં સ્ટેટમેન્ટો, પાસપૉર્ટની વિગતો, અને તેમની અવરજવરનો રેકોર્ડનો સમાવેશ થાય છે. આ લીક થયેલા દસ્તાવેજોમાં એવી વાત પણ છે કે જાપાને મસ્જિદોની અંદર જાસૂસી કેમેરા મૂક્યા હતા અને પોતાના અંડરકવર ઍજન્ટોને મુસ્લિમોની નોન પ્રૉફિટ સંસ્થાઓ (એનજીઓ પ્રકારની સંસ્થા જેમાંની કેટલીક પ્રગટપણે સમાજસેવાનું કામ કરતી હોય પરંતુ અંદર ખાને ત્રાસવાદીઓને મદદ કરતી હોય)માં ઘૂસાડ્યા હતા. ૨૦૧૫માં લંડનમાં બૉમ્બ વિસ્ફોટ થયો તે પછી જાપાને મુસ્લિમોના ઘર આસપાસ પણ જાસૂસી શરૂ કરી હતી.

આ દસ્તાવેજો લીક થયા પછી તે દસ્તાવેજોમાં જેમનાં નામ હતાં તે પૈકી ૧૭ મુસ્લિમોએ સરકાર અને પોલીસ સામે કેસ કર્યો. ૨૦૧૪માં ટૉક્યોના જિલ્લા ન્યાયાલયે સ્વીકાર્યું કે પોલીસના આ કામથી ફરિયાદીઓના અંગતતાના અધિકાર (રાઇટ ટૂ પ્રાઇવસી)નો ભંગ થયો છે અને તેણે ૯ કરોડ યેનનું વળતર ચૂકવવા આદેશ પણ આપ્યો પરંતુ મહત્ત્વનું એ છે કે તેણે એમ પણ કહ્યું કે “ગુપ્ત માહિતી એકઠી કરવી જરૂરી અને અનિવાર્ય છે.” અર્થાત્ ભવિષ્યમાં પણ પોલીસ આ કાર્ય શરૂ રાખશે જ. સદ્નસીબે જાપાનનું મિડિયા આપણા જેવું નથી. તેણે આ મુદ્દે ચૂપકીદી સેવી હતી. જે લખાયું તે અંગ્રેજી માધ્યમોમાં લખાયું હતું.

ઈદ જેવા તહેવારે પણ જાપાનમાં ખુલ્લામાં નમાઝ નથી પઢી શકાતી. તેમને નાના રૂમ હોય તો પણ તેમાં નમાઝ પઢવી પડે છે. ‘જાપાન ટાઇમ્સ’ના ૧૩ જુલાઈ ૨૦૧૬ના એક અહેવાલ મુજબ, ઈદ ઉલ ફિત્રના રોજ તેમને ચાર વાર નમાઝનો કાર્યક્રમ યોજવો પડ્યો હતો જેથી બધા લોકો નમાઝ પઢી શકે. ૧,૦૦૦ લોકો બહાર નમાઝના વારા માટે રાહ જોતા હતા.

જાપાનમાં ‘ઘરવાપસી’ના કાર્યક્રમો પણ મોટા પાયે ચાલે છે જેને પોલીસ અને ન્યાયતંત્રનું મૌન સમર્થન હોય છે. જો કોઈ અલગ પંથ અપનાવે તો જાપાનનો કોઈ પરિવાર તેનું રીતસર અપહરણ કરી લે છે. તેને કેદ કરી રાખે છે અને તેના પર તે અલગ પંથ છોડી દેવા દબાણ કરે છે. આ પરિવાર એક્ઝિટ કાઉન્સેલરોની મદદ પણ લે છે. આ કાઉન્સેલરોનું કામ પંથાંતરિત વ્યક્તિને તે પંથ છોડી દેવા સમજાવવાનું હોય છે. ટૉરુ ગૉતો નામની એક વ્યક્તિ ખ્રિસ્તી બની ગયો તો તેનું હિંસક રીતે અપહરણ કરવામાં આવ્યું હતું અને ૧૨ વર્ષ સુધી એક જગ્યાએ કેદ રાખવામાં આવ્યો હતો. આ કિસ્સામાં જાપાનની પોલીસ નિષ્ક્રિય રહી અને તપાસનું ફીંડલું વાળી દીધું. તેના અપહરણકારોને પણ શોધ્યા નહીં. આવા અનેક કિસ્સાઓ બાબતે વિદેશી પત્રકારોને જાપાન દૂતાવાસ કે વિદેશ ખાતા પણ કોઈ પ્રતિક્રિયાઓ આપતા જ નથી.

આ રીતે જાપાનમાં માત્ર દસ ટકા જ સ્થાનિક એવા લોકો છે જેમણે ઇસ્લામ પંથ સ્વીકાર્યો હોય. બાકી જે કોઈ મુસ્લિમો છે તે વિદેશના છે. ખ્રિસ્તીઓની સંખ્યા પણ નહીંવત્ છે. ૨૦૧૫માં પેરિસમાં થયેલા ત્રાસવાદી હુમલા પછી જાપાન વધુ સજાગ બન્યું છે કારણકે તેના દેશમાં ભલે એક પણ ત્રાસવાદી હુમલો નથી થયો પરંતુ આઈએસઆઈએસે સિરિયામાં ૨૦૧૪માં જાપાનના બે લોકોને બંધક બનાવી તેમનો શિરોચ્છેદ કર્યો હતો.

જાપાનની સ્થળાંતર નીતિ બહુ કડક છે. જાપાનમાં વસતિ ઓછી છે અને ઘટી રહી છે તેમ છતાં તેના દરવાજા કૌશલ્ય વગરના વિદેશી કામદારો માટે બંધ છે. તેમને રેસિડેન્શિયલ સ્ટેટસ મળતું નથી. શરણાર્થીઓ માટે તેના દરવાજા ભારત અને યુરોપની જેમ મોકળા નથી. (ક્યારેક દયા ડાકણને ખાય). ૨૦૧૬માં જાપાને ૧૦,૯૦૧ અરજદારો પૈકી માત્ર ૨૮ લોકોને શરણાર્થી તરીકે સ્વીકાર્યા હતા.

સ્વાભાવિક છે કે જે દેશમાં અંદર વસતા લોકો તરફથી કે વિદેશથી આવા અચાનક થતા ત્રાસવાદી હુમલાનો ભય ન હોય તે દેશનો વિકાસ પૂરઝડપે જ થાય.

જાપાનના નેતાઓ રાષ્ટ્રવાદી છે. શિન્ઝો આબેએ પાઠ્યપુસ્તકોમાં જાપાનના સમ્રાટો કે સેના દ્વારા બીજા વિશ્વયુદ્ધ કે તે સિવાય કરેલા અત્યાચારોને દૂર કર્યાં છે. જ્યારે આપણે ત્યાં તો પાઠ્યપુસ્તકોમાં ચેડાં કરીને ખોટો ઇતિહાસ ઊભો કરી ભારતીય વિદ્યાર્થીઓમાં ભારત પ્રત્યે લઘુતાગ્રંથિનું નિર્માણ કરાય છે.

જાપાનને કુદરતનું વરદાન છે તેથી તે વિકસિત છે તેવું નથી. અમેરિકા દ્વારા પરમાણુ હુમલાનો ભોગ બનીને જાપાન સંપૂર્ણ બરબાદ થઈ ગયું હતું. તો ભૂકંપ એ જાપાન માટે લગભગ રોજની ઘટના છે. પરંતુ ભૂકંપથી નુકસાન ન થાય તેવાં મકાનો અને ઇમારતો ટૅક્નૉલૉજીના આધારે બનાવ્યાં છે. જાપાન સ્વચ્છતા માટે પણ આગ્રહી છે. આનું કારણ શિન્તો અને બૌદ્ધ પંથ છે. પંથની માન્યતા મુજબ, અસ્વચ્છતા સાથે દુષ્ટતા જોડાયેલી છે. આથી જાપાની લોકો દિવસમાં ઓછામાં ઓછું એક વાર તો નહાય જ છે પણ સાથે સાથે ઘર કે જાહેર સ્થળોએ ગંદકી પણ નથી રાખતા. ભારતમાં તો ઘણા લોકો પોતે ગંદકી કરે તો પણ સાફ નથી કરતા જ્યારે જાપાનના ફૂટબૉલ પ્રેમીઓએ ૨૦૧૪માં બ્રાઝિલમાં રમાયેલા ફૂટબૉલ વિશ્વ કપમાં આર્જેન્ટિના સામેની મેચ પછી સ્ટેડિયમની સફાઈ કરીને સમગ્ર વિશ્વનું દિલ એ મેચમાં હારી ગયા છતાં જીતી લીધું હતું. પરંતુ આપણે ત્યાં મિડિયામાં સમાચારો અને લેખોમાં ચીનની ધમકી, પાકિસ્તાનના મુશર્રફના ભારત વિરુદ્ધ વિષવમન, અમેરિકામાં સેક્સનાં ટોય કેટલાં વેચાય છે, બ્રિટનમાં શિક્ષિકા વિદ્યાર્થી સાથે સેક્સ કરતાં ઝડપાઈ જેવા સમાચારની જ ભરમાર હોય છે, તેથી આવા પૉઝિટિવ સમાચારથી વાચકો વંચિત રહે છે.

જાપાનમાં સ્વચ્છતા પ્રત્યે એટલો પ્રેમ છે કે જો લોકો પાસે કચરો નાખવા આજુબાજુ કોઈ કચરાપેટી ન હોય તો તેઓ કચરો એક થેલીમાં પોતાના ઘરે કે ઑફિસે લઈ પછી તેનો નિકાલ યોગ્ય રીતે કરે છે. જાપાની લોકો કોઈ પણ સભા, સમારંભ, સંગીતના કાર્યક્રમ, રમત ગમત કે ઉત્સવ પછી જાહેર મેદાન કે સ્ટેડિયમને સાફ કર્યા પછી જ ઉઠવાની પરંપરા છે. જ્યારે આપણે ત્યાં ચૂંટણી સભા હોય કે નવરાત્રિના ગરબા, ગણેશ વિસર્જન હોય કે તાજિયા, કે પછી ૩૧ ડિસેમ્બરની ઉજવણી, કાર્યક્રમ પત્યા પછી પ્લાસ્ટિકની બૉટલો, પ્લાસ્ટિકના પડીકાઓ, ઢોળાયેલી ચટણી અને નાસ્તાથી મેદાન એટલું ગંદુંગોબરું હોય છે કે ન પૂછો વાત. જાપાનનાં બાળકોને નાનપણથી જ સ્વચ્છ રહેવાનું અને આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવાનું શિખવવામાં આવે છે.

જાપાનના લોકો સભ્યતા અને સંસ્કારની મજાક નથી ઉડાવતા પણ તેને પાળીને બતાવે છે. તેઓ નમ્રતાથી સ્મિત સાથે વાત કરશે અને તે પણ ધીમા અવાજમાં. તેઓ ટ્રેનમાં મુસાફરી વખતે જો ફૉન આવે તો ઊભા થઈ દરવાજા પાસે જાય છે અને એકદમ ધીમા અવાજે કહે છે કે તેઓ અત્યારે મુસાફરી કરી રહ્યા છે અને થોડા સમય પછી ફૉન કરશે. ભીડભાડવાળી જગ્યાએ તેઓ અચૂક મેડિકલ માસ્ક પહેરેલા જોવા મળશે. તેમને જો શરદી પણ થઈ હોય તો તેઓ માસ્ક પહેરશે કારણકે તેઓ ઈચ્છે છે કે તેમનો ચેપ બીજા કોઈને ન લાગે. ગમે તેવી આધુનિક ટૅક્નૉલૉજી છતાં જાપાનના લોકો પોતાના પંથને ભૂલ્યા નથી. તેઓ ગમે તેવા ધનવાન હોય કે ઓછા ધનવાન, અચૂક મંદિરે જાય છે અને બાળકોને પણ નાનપણથી ટેવ પાડવામાં આવે છે. આપણે ત્યાં હૉસ્પિટલ હોય કે રેસ્ટૉરન્ટ, કામ કરતા કર્મચારીઓને કેટલાક લોકો સામેથી બક્ષિસ કે ટિપ આપીને તેમને બગાડે છે તો કેટલાક કર્મચારી સામેથી માગી લે છે, પણ જાપાનમાં જો તમે આ આપવા જાવ તો તેઓ સવિનય તમને ના પાડી દેશે. પોતાનું કામ કરવા પગાર મળતો હોય પછી વધારાનાં નાણાંની શી જરૂર? પ્રમાણિકતા જાપાની લોકોમાં ઠાંસી ઠાંસીને પડેલી છે. જાપાનમાં ચોરી કે ખિસ્સા કાપવા જેવા અપરાધોની સંખ્યા બહુ જ ઓછી છે.

જાપાનમાં બેરોજગારીનો દર ઓછો છે કારણકે મોટા ભાગની સ્ત્રીઓ નોકરી કરતી નથી! બેરોજગારીનો દર જે લોકોને કામ ન મળે તેની ટકાવારી હોય છે. આથી બેરોજગારીનો દર જાપાનમાં ઓછો જ હોવાનો. ત્યાંની સ્ત્રીઓને પોતે ગૃહિણી હોવાનું ગૌરવ છે. આપણે ત્યાં સ્ત્રીઓ જ બીજી સ્ત્રી ગૃહિણી હોય તો તેને નીચી નજરે હવે જોવા લાગી છે. જાપાનમાં આમ પણ કંપનીઓ સ્ત્રીઓ કરતાં પુરુષોને વધુ લેવાનું પસંદ કરે છે, જોકે ૧૯૯૯માં મહિલાઓને રોજગારીમાં અન્યાય મુદ્દે કાયદો બનાવાયો છે ખરો. નોકરી મેળવનારી સ્ત્રીઓ પણ કેટલાક સમય પછી પોતાનાં સંતાનો અને પરિવારને ન્યાય આપવા ગમે તેવી સફળ કારકિર્દીને છોડતાં અચકાતી નથી.

આ ઉપરાંત જાપાનના પુરુષોને પણ રોજગાર બાબતે અસંતોષ નથી કારણકે ત્યાં ૧૯૧૦થી લાઇફટાઇમ એમ્પ્લૉયમેન્ટની અવધારણા છે. મતલબ કે કંપની સીધી જ લોકોને રોજગારી આપે છે અને તેમને પગાર સિવાય રાહતદરે આરોગ્ય સેવા, પગાર સાથેનું વેકેશન, બીમારી વખતે પગાર સાથેની રજા, પેન્શન જેવી સુવિધાઓ મળે છે. ત્યાં ભલે સામ્યવાદ ન હોય, પરંતુ કર્મચારીઓના હક માટે જાપાનનું તંત્ર સજાગ છે. ત્યાં મોટા પાયે છટણીઓ પર સામાજિક રીતે પ્રતિબંધ છે. સોની, તોશિબા, પેનાસોનિક અને એનઇસી જેવી કંપનીઓ વધારાના કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિની યોજના આપે છે અને બિનજરૂરી કર્મચારીઓને બેનિશમેન્ટ રૂમમાં મોકલવામાં આવે છે જ્યાં તેમને તેઓ રાજીનામું આપવાનું ન વિચારે ત્યાં સુધી ઓછામાં ઓછું કામ સોંપવામાં આવે છે.

જાપાનના વિકાસ અને ત્યાંના લોકોની સુખાકારી પાછળનું કારણ એ પણ છે કે તેઓ બચતમાં ખૂબ માને છે. તેમનો બચતનો દર અમેરિકા કરતાં વધુ છે. જ્યારે ભારતમાં બચતનો દર દિવસે ને દિવસે લૉન, જાહેરખબરો, માર્કેટિંગ અને ભૌતિક સુખ પાછળની દોટના કારણે સતત ઘટી રહ્યો છે.

અમેરિકા અને ફ્રેન્ચ ક્રાંતિ પછી પરંપરાનો વિરોધ તેને જ આધુનિકતા મનાય છે અને દુર્ભાગ્યે ભારતના કેટલાક લોકો માટે પણ આ જ આધુનિકતા છે. પરંતુ જાપાન તેવું નથી. જાપાનમાં ધર્મ, સમાજ અને કુટુંબનું મહત્ત્વ સર્વોચ્ચ છે.

આમ, ભારતે માત્ર બુલેટ ટ્રેન માટે જ નહીં, પરંતુ સાચા અને વિસરાયેલા વિકાસ માટે પણ જાપાનમાંથી ધડો લેવા જેવો છે.

national, sikka nee beejee baaju

ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

(ભાગ-૧૧)

શેખ અબ્દુલ્લાની તબિયત હવે નરમગરમ રહેવા લાગી હતી. જિંદગીનો બહુ ભરોસો નહોતો. તેમણે ૧૯૮૧માં ફારુક અબ્દુલ્લાને નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ બનાવીને પોતાના વારસદાર જાહેર કરી દીધા હતા. પરંતુ તેમના ઘરમાં જ ફારુક અબ્દુલ્લાના એક પ્રતિસ્પર્ધી હતા – ગુલામ મોહમ્મદ શાહ, જે શૈખના જમાઈ અને ફારુકના બનેવી થતા હતા.

શેખના અંતકાળ તેમજ ફારુકના રાજકીય કારકિર્દીના સમયમાં, જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામીકરણ કેટલું થયું અને અલગતાવાદીઓને કેટલો છૂટો દોર અપાયો તે તો આપણે ગયા હપ્તે જોયું પરંતુ ભ્રષ્ટાચાર પણ કેટલો ફૂલ્યોફાલ્યો હતો તે આજે જોઈએ.

૧૫ એપ્રિલ ૧૯૮૨ના ‘ઇન્ડિયા ટૂડે’ સામયિકે સ્ટોરી કરી હતી. તેમાં જણાવ્યા મુજબ, છેલ્લાં કેટલાંક વર્ષોથી (એટલે કે ૧૯૮૨ પહેલાંના કેટલાંક વર્ષોથી) જમ્મુ-કાશ્મીરનો એકેય ખૂણો એવો નહોતો જ્યાં ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓની વાત ન થતી હોય. શક્ય છે કે એમાંની કેટલીક અતિશયોક્તિવાળી હોય, પરંતુ તેમાં જે તત્ત્વ છે તે ઘણા અંશે વિશ્વસનીય છે. સરકાર અને એનસી (નેશનલ કૉન્ફરન્સ) પોતે જ કાયદો બની ગયા હતા. જમીનની ફાળવણી બાબતે તો ખાસ. દુકાનો, સિનેમાઓ અને રહેવાસી પ્લોટો કથિત રીતે પક્ષ તરફે સહાનુભૂતિ રાખનારાઓ, જેમને વિશેષ ગણવામાં આવતા હતા તેવા અને ઉચ્ચ પદે બેઠેલાઓના સગાંસંબંધીઓને મનફાવે તેમ ફાળવી દેવાતા હતા. દા.ત. સરકારે ઝેલમના કિનારે આવેલી મુખ્ય જમીનની ચાર કેનાલ નેશનલ કૉન્ફરન્સના નવા-ઇ-સુબહ-ટ્રસ્ટ (જે ઉર્દૂ અને અંગ્રેજી દૈનિક કાઢતું હતું)ને ફાળવી દેવાઈ. તેમાં પાંચ માળનું બિલ્ડિંગ જે રૂ. ૧ કરોડની કિંમતનું હતું તે બનાવવાનું હતું અને આ જમીન કયા ભાવે લીઝ પર અપાઈ હતી? ૯૦ વર્ષ માટે એક કેનાલ રૂ. ૧ના વાર્ષિક ભાડા પર અપાઈ હતી! આ ટ્રસ્ટના વડા હતા શૈખના જમાઈ જી. એમ. શાહ!

જમ્મુ-કાશ્મીરની હાઇ કોર્ટને તો જાણે ઘોળીને પી ગયા હતા. (અને ગુજરાતનાં રમખાણો વખતે કેસો ગુજરાત બહાર ચલાવવા આદેશો અપાયા હતા!) કાશ્મીરની હાઇ કોર્ટે એક પત્રકારની અરજીના આધારે આ બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો તો પણ આદેશને અવગણીને બાંધકામ ચાલુ રખાયું. વાત તો એવી હતી કે મંત્રીમંડળનો ભાગ્યે જ કોઈ એવો મંત્રી હશે જેણે તેની મુદ્દતમાં જમ્મુ અથવા શ્રીનગરમાં મહેલ જેવું ઓછામાં ઓછું (આઇ રિપિટ, ઓછામાં ઓછું) એક ઘર નહીં બનાવ્યું હોય! એક પ્રધાનને મોડી ફાળવણી થઈ. તેને દક્ષિણ શ્રીનગરના રાવલપરામાં જમીન અપાઈ હતી. એટલે આ ભાઈએ શું કર્યું? બસ સ્ટેશન માટે ફાળવાયેલી જમીન પર કબજો જમાવી બે પ્લોટ બનાવી નાખ્યા.

દાલ સરોવરના કિનારે મહારાજા હરિસિંહના દીકરા ડૉ. કરણસિંહની ૯૦ એકરમાં ફેલાયેલી એક સંપત્તિ હતી – હરિ નિવાસ. રાજ્ય સરકારે તેમને આ સંપત્તિ સામાજિક કામો માટે આપી હતી. તે સંપત્તિ સાત વેપારી પરિવારોને ૩૦૦ રૂમની લક્ઝરી હોટલ બનાવવા આપી દેવાઈ! તેમાં જે ભાગીદારો હતા તેઓ નેશનલ કૉન્ફરન્સના ટેકેદારો હતા. તેમના પર આવકવેરા ખાતાના દરોડા પણ પડ્યા હતા. પણ આ દરોડા તો શૈખને દબાવવા માટે ઈન્દિરા ગાંધીના ઈશારે પડાયા હતા, કેમ કે, તે વખતે બંને વચ્ચે પાછો સંઘર્ષ ચાલતો હતો. આમ માનવાને કારણ એ હતું કે આ દરોડા પછી કોઈ કાર્યવાહી કરાઈ નહીં કે કોઈ સંપત્તિ ટાંચમાં ન લેવાઈ.

માત્ર જમાઈ જ નહીં, શૈખનો નાનો દીકરો પણ ઓછો નહોતો. એનું નામ તારીક. ૪૪ વર્ષનો તારીક રાજ્યના ટુરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનો ચૅરમેન હતો. તેણે કૉર્પોરેશનના સેંકડો કર્મચારીઓને રાતોરાત કાઢી મૂક્યા હતા. તારીકે પોતે આ આંકડો ૧૯૦નો કહેલો, પરંતુ હકીકતે તે ૫૦૦નો હતો તેમ સૂત્રોએ કહેલું. શ્રીનગરની કૉર્ટે આ છટણીને ગેરકાયદે, નિયમથી વિરુદ્ધ અને બિનઅસરકારક ઠેરવેલી. પરંતુ તારીક આ આદેશને ઘોળીને એ જ રીતે પી ગયેલા જેમ તેમણે તેમના વિરુદ્ધ કોર્ટે કાઢેલા અસંખ્ય સમન્સને પી ગયા હતા.

પરંતુ ૧૯૮૩માં ચૂંટણી આવવાની હતી. (કાશ્મીરમાં બીજી બધી બાબતોની જેમ, આ બાબતમાં પણ દેશનાં અન્ય રાજ્યોથી ઉલ્ટું છે. ત્યાં દર પાંચ વર્ષે નહીં, દર છ વર્ષે ચૂંટણી થાય છે.) એટલે શેખ અને ડૉ. ફારુક અબ્દુલ્લા જાગ્યા. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવાનો દેખાવ કર્યો. ફારુકે જાહેર કર્યું કે કોઈ ભ્રષ્ટાચારીને ફરી ટિકિટ નહીં મળે. શૈખ તેમના પુત્રને જીતાડવા માટે તમામ રીતે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ પોતાના જીવતા જીવ ફારુકને મુખ્યમંત્રી બનતો જોઈ શક્યા નહીં. ૮ સપ્ટેમ્બર, ૧૯૮૨ના રોજ તેમનું મૃત્યુ થયું. ગાંધીજી, નહેરુની જેમ શૈખને ભવ્ય વિદાઈ અપાઈ. પણ કાશ્મીરના માથે જે વ્યક્તિ પનોતી બનીને રહ્યો હતો અને કાશ્મીરને બરબાદ કરવામાં કોઈ કસર નહોતી છોડી તે પનોતીનો કોઈ અંત નહોતો આવ્યો. નેશનલ કૉન્ફરન્સમાં જેમ શૈખે પોતાના વારસદાર ફારુકને બનાવ્યા, તેમ આ પનોતીનો પણ વારસો પસાર કરતા ગયા, કેમ કે, ફારુકના સમયમાં ત્રાસવાદ ભયંકર રીતે માથું ઉંચકવાનો હતો અને અનેક બોમ્બધડાકા રોજબરોજની કહાણી બની જવાના હતા. કાશ્મીર ખીણમાંથી વ્યવસ્થિત અને ક્રૂર ષડયંત્ર હેઠળ કાશ્મીરી પંડિતોની હત્યા, લૂટ અને બળાત્કાર થવાના હતા તેમજ પંડિતોને કાશ્મીરમાંથી ખદેડવાના હતા.

શૈખના મૃત્યુ પછી સ્વાભાવિક જ ફારુકને મુખ્યપ્રધાન બનાવાયા. તેમને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજ્યના ગવર્નર બી. કે. નહેરુનો અંદર ખાને ટેકો હતો. દિલ્હીમાં બેઠેલા લોકોને ફારુક એ વખતે સીધાસાદા લાગતા હતા, જ્યારે તેમના બનેવી અને મુખ્ય દાવેદાર જી. એમ. શાહ હાર્ડલાઇનર હતા. આમ, ચૂંટણી સુધી એટલે કે એક વર્ષ માટે ફારુક અબ્દુલ્લા મુખ્ય પ્રધાન બન્યા. ચૂંટણીમાં શૈખના મૃત્યુના કારણે સ્વાભાવિક જ નેશનલ કૉન્ફરન્સને સહાનુભૂતિનો લાભ મળ્યો અને તેનો વિજય થયો અને ફારુક અબ્દુલ્લા મુખ્યપ્રધાન બન્યા, પરંતુ ફરી એક વર્ષ માટે જ. કેમ કે ૨ જુલાઈ, ૧૯૮૪ના રોજ ઈન્દિરા ગાંધીની સરકારના ઈશારે તેમને મુખ્યપ્રધાન પદેથી બરતરફ કરવાના હતા.

૧૯૮૩ની ચૂંટણી અગાઉ સૈયદ મીર કાસીમ (કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન) જેમણે ઈન્દિરા ગાંધીની ૧૯૮૦માં ફરી સત્તા પર આવ્યા પછીની બિનલોકશાહી રીતરસમોના કારણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, તેમ છતાં તેઓ ઈન્દિરાની નજીક હતા. તેમણે ઈન્દિરાને અને ફારુકને કાશ્મીરની ચૂંટણી સાથે લડવા સમજાવ્યું. પરંતુ એ વખતે કૉંગ્રેસના પ્રમુખ હતા મુફ્તિ મોહમ્મદ સઈદ (જે આજે પીડીપીના મુખ્યપ્રધાન છે). તેમણે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી. કાસીમ તેમના પુસ્તક ‘માય લાઇફ એન્ડ ટાઇમ્સ’માં લખે છે કે “મેં ઈન્દિરાને સમજાવ્યું તો ઈન્દિરાએ કહ્યું કે મુફ્તિએ મારી મંજૂરી વગર આ જાહેરાત કરી નાખી છે.” (આવું બની શકે? ઈન્દિરાની મંજૂરી વગર દેશ આખામાં પત્તુંય ન હલતું હોય, એમાંય આ તો કટોકટી પછી વધારે જોરથી સત્તામાં આવ્યાં હતાં, તો મુફ્તિની શું હેસિયત?) છેવટે કાસીમના કહેવાથી, ફારુકને શ્રીનગરથી દિલ્હી લાવવા ખાસ વિમાન મોકલાયું! (આજે આવું નરેન્દ્ર મોદીએ કર્યું હોય તો કેટલાંય અઠવાડિયાં સુધી આ સમાચાર છાપાં અને ચેનલો પર ગાજે!) ફારુક અને ખાસ તો તેમનાં માતા બેગમ અબ્દુલ્લા કૉંગ્રેસ સાથે બેઠક વહેંચણી માટે સમાધાનના મૂડમાં નહોતા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે કાશ્મીરમાં કૉંગ્રેસ ધોવાઈ જશે. બસ, આનાથી ઈન્દિરા ગાંધીનો અહંકાર ઘવાયો અને તેમણે ફારુકને પાઠ ભણાવવા નિર્ણય લઈ લીધો.

અને તેમણે જગમોહન દ્વારા આ બદલો લીધો. એ જ જગમોહન જે કાશ્મીરના રાજ્યપાલ હતા અને બીજી મુદ્દતમાં, કાશ્મીરમાં ત્રાસવાદે માથું ઉંચક્યું હતું ત્યારે પણ રાજ્યપાલ હતા. આ તરફ, ફારુક પણ તેમના પિતા શૈખના પગલે જ ચાલતા હતા. અહીં એક આડવાત કરવી એટલા માટે જરૂરી છે જેથી ફારુકના તેમના પિતા જેવા સ્વભાવની ખબર પડે. ફારુક ઈંગ્લેન્ડમાં ભણ્યા હતા. ફારુકે લગ્ન પણ લંડનની એક બ્રિટિશ મૂળની નર્સ મોલી સાથે કર્યાં છે. ફારુક દાક્તરીનું ભણતા હતા ત્યારે તેમને મોલી સાથે પ્રણય થઈ ગયો હતો. બંનેનાં લગ્ન ૬૦ના દાયકામાં થયા હતા અને લગ્ન પછી મોલી કાશ્મીર આવેલા. પરંતુ તેઓ ઘણા સમયથી તેમની દીકરી હિના સાથે લંડન જ રહે છે. હમણાં કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી વખતે (૨૦૧૪માં) ફારુક બીમાર પડેલા ત્યારે તેમને મોલીએ પોતાની કિડની આપીને જીવતદાન આપ્યું હતું. ફારુકની એક દીકરી કૉંગ્રેસના નેતા સ્વ. રાજેશ પાઇલોટના દીકરા સચીનને  પરણી છે. ફારુકના દીકરા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમરનો જન્મ પણ યુકેના એસેક્સમાં થયો છે.

તો, ફારુક અબ્દુલ્લા જ્યારે ઈંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે તેઓ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના નેતાઓના પરિચયમાં આવ્યા હતા. તેમાં એક હતો અમાનુલ્લા ખાન. અમાનુલ્લા ખાનને ૧૯૭૧માં તેઓ મળેલા. તે પછી ફારુક ૧૯૭૩માં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં જઈને જેકેએલએફે યોજેલા એક કાર્યક્રમમાં કાશ્મીરને સ્વતંત્ર કરાવવાના શપથ લીધા હતા અને એટલું જ નહીં, ત્યાં હાજર અન્ય યુવાનોને પણ શપથ લેવડાવ્યા હતા. ૧૯૭૫માં જ્યારે શૈખ સત્તામાં ફરી આવેલા (ઈન્દિરાની કૃપાથી) ત્યારે એક સરઘસ કાઢવામાં આવેલું. તેમાં ફારુક, તેમની સાથે ઈંગ્લેન્ડથી આવેલા જેકેએલએફના સાથીઓ સાથે જોડાયા હતા અને ફારુકે નવું સૂત્ર આપેલું, “ચ્યોં દેશ, મ્યોં દેશ, કશૂર દેશ, કશૂર દેશ” અર્થાત્, તમારો અને મારો દેશ કાશ્મીર છે!

મુખ્યપ્રધાન બનતાં વેંત તેમણે ઈન્દિરા ગાંધી સામે બાથ ભીડવાનું ચાલુ કરી દીધું. તેમણે પહેલાં તો પોતાના જૂના સાથીઓને જ કાઢી મૂક્યા અને જાહેરસભામાં પોતાની નવી ટીમ જાહેર કરી અને લોકો પાસે તેની મંજૂરી માગી. લોકોએ હા પણ પાડી દીધી. તે પછી તેમણે જાહેર કર્યું કે તેઓ કાશ્મીરની પ્રતિષ્ઠા અને ગરીમાને ઉની આંચ નહીં આવવા દે અને તે માટે શક્તિશાળી ભારત સામે લડવું પડે તો પણ લડી લેશે. સત્તામાં આવ્યાના ત્રણ મહિનાની અંદર તેમણે કૉંગ્રેસ વિરોધી અને કેન્દ્ર સરકાર વિરોધી પક્ષો અને પરિબળો સાથે હાથ મિલાવ્યા. એ વખતે દેશમાં પાકિસ્તાનના ઈશારે શીખ ત્રાસવાદીઓની સમસ્યા ઉકળતી હતી. ‘કાશ્મીર: ઇટ્સ એબોરિજિન્સ એન્ડ એક્સોડસ’ પુસ્તકમાં કર્નલ તેજ કે ટિકૂ લખે છે, મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં, ફારુકે ભાગીને આવતા શીખ ત્રાસવાદીઓને કાશ્મીરમાં સલામત આશ્રય આપવાનું શરૂ કર્યું હતું. કાશ્મીરની અંદર શીખ ત્રાસવાદીઓને તાલીમ અપાતી હતી. ફારુક સરકારના આ વલણથી શીખ ત્રાસવાદીઓના ટેકેદારોને હિંમત અને જુસ્સો મળ્યો. તેઓ રાજ્યમાં સરઘસો કાઢવા લાગ્યા, પ્રદર્શનો યોજવા લાગ્યાં.

૬ જૂન ૧૯૮૪ના રોજ જ્યારે અંતિમવાદી શીખ જર્નૈલસિંહ ભીંદરાનવાલેનું મૃત્યુ થયું એ વખતે ફારુક અબ્દુલ્લા તુલામુલ્લામાં ખીર ભવાની મંદિર ગયા જ્યાં કાશ્મીરી પંડિતો અષ્ટમીનો ઉત્સવ ઉજવી રહ્યા હતા. તેમણે તેમને શ્રીનગર પાછા જવા સલાહ આપી કારણકે પરિસ્થિતિ બેકાબૂ થવાની પૂરી શક્યતા હતી. પરંતુ તેમણે હનુમાન મંદિર તેમજ આસપાસના નિવાસોને બચાવવા કોઈ પગલાં ન લીધાં. રોષે ભરાયેલા શીખોએ તેમને લક્ષ્ય બનાવ્યાં અને ઘણું નુકસાન પહોંચી ગયું પછી પોલીસને મોકલાઈ.

આ તો હજુ શરૂઆત જ હતી. ફારુકના શાસનમાં હિન્દુઓ આગળ આનાથી પણ ખરાબ દિવસો આવવાના હતા…

(ક્રમશઃ)

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૫/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩ કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૦ કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

gujarat guardian, technology

ઇન્ટરનેટ પર હુમલો: ડરના ઝરૂરી હૈ

અત્યારે આપણી દુનિયા ઇન્ટરનેટ આધારિત વધુ ને વધુ થતી જાય છે. સ્માર્ટ ફોન અને વૉટ્સ એપ આવ્યા પછી તો આપણે ઇન્ટરનેટ આધારિત વધુ થઈ ગયા છીએ. જો સ્પીડ સહેજ પણ ધીમી પડે તો પણ આપણે અકળાઈ જઈએ છીએ, પરંતુ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તો આપણી અકળામણનો પાર જ ન રહે!

પણ ધારો કે, ઇન્ટરનેટ હંમેશ માટે બંધ થઈ જાય, કે નાશ પામે તો?

તમે  કહેશો કે આવું ધારવાનું પ્લીઝ, અમને ન કહો, અથવા તમારો જવાબ હશે આવું ધારવું અકલ્પનીય છે. અમે આવી કલ્પના પણ નથી કરી શકતા. ઇન્ટરનેટ બંધ થાય તો ફટ દઈને ગૂગલમાં સર્ચ ક્યાંથી થાય? ઇન્ટરનેટ બંધ થાય તો ફેસબુક, ટ્વિટર અને વૉટ્સ એપ ક્યાંથી વપરાય?કિમ કર્દશિયન કે સન્ની લિયોનીના ફોટા જોવાનું બંધ થઈ જાય. (સુજ્ઞ વાચકોએ અહીં ફોટાની જગ્યાએ આપોઆપ વિડિયો શબ્દ ધારી લીધો હશે. એટલું ધારવું તો સરળ જ છે. J)

ઇંગ્લેન્ડમાં કેનેરી વાર્ફની ઈશાન (ઉત્તર-પૂર્વ) દિશામાં એક ડોકલેન્ડ્સ નામનો વિસ્તાર છે. આ વિસ્તારમાં એક મોટું બિલ્ડિંગ છે. તેની આસપાસના વિસ્તારમાં ધાતુની વાડ છે. સિક્યોરિટી કેમેરા તેની બારી વગરની દીવાલો પર લાગેલા છે અને તેના દ્વારા બિલ્ડિંગ આસપાસ કડક નજર રખાય છે. આજુબાજુમાંથી નીકળતી વ્યક્તિને ખ્યાલ પણ ન આવે કે આ બિલ્ડિંગનું મહત્ત્વ શું છે, પરંતુ હકીકતે ઇન્ટરનેટ માટે તે ખૂબ જ મહત્ત્વનું બિલ્ડિંગ છે. તેનું નામ ‘લિન્ક્સ’ છે. લંડન ઇન્ટરનેટ ઍક્સચેન્જનું ટૂંકું નામ એટલે લિન્ક્સ. વિશ્વભરમાં ગમે ત્યાં ઇન્ટરનેટ પર ટ્રાફિકના વિનિમયનું આ સૌથી મોટું સ્થળ છે. લિંક્સ જેવી ૩૦ વિશાળ ઇમારતો છે જે ઇન્ટરનેટ સાથે સંકળાયેલી છે.

લંડનની આવી એક ઈમારત જેવી અનેક ઈમારતો વિશ્વભરમાં છે. (એક ઍક્સચેન્જ અમદાવાદમાં પણ છે.) આવી ઈમારતોમાંથી જ ટાટા, રિલાયન્સ, એરટેલ, એમટીએસ જેવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આપણને ઇન્ટરનેટ પૂરું પાડે છે.  માનો કે જો આમાંની એક પણ ઈમારતમાં વીજળી ગૂલ થઈ કે ભૂકંપ આવ્યો તો? એકાદમાં થાય તો તો અમુક પ્રદેશ પૂરતી ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જાય. અને આવું થતું પણ હોય છે, પરંતુ જો તમામ ૩૦ ઈમારતોમાં થાય તો તો સમગ્ર વિશ્વમાં જ ઇન્ટરનેટ ઠપ થઈ જાય ને.

આને હિન્દુઓની ભાષામાં કહીએ તો પ્રલય અને મુસ્લિમોની ભાષામાં કહીએ તો કયામત જેવી સ્થિતિ કહેવાય.અંગ્રેજીમાં તેને ડૂમ્સડે કહે છે. પરંતુ ચિંતાની જરૂર નથી. આ પ્રકારની સ્થિતિ શક્ય નથી. આવાં ઇન્ટરનેટ એક્સચેન્જને અતિ અતિ સુરક્ષિત રાખવામાં આવ્યા હોય છે, તેમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની લેવલ-૩ના મુખ્ય ટૅક્નિકલ ઑફિસર (સીટીઓ) જેક વોટર્સનું કહેવું છે. આ માટે દરેક પર ચાંપતી નજર રખાય છે. આસપાસ અંતરાયો મૂકાય છે અને પૂરતી સાવધાની લેવાય છે. આ ઈમારતો ભારે સુરક્ષિત હોય છે. લેવલ-૩ની એક પણ ઈમારત પર ક્યારેય ભાંગફોડનો પ્રયાસ થયો નથી.

પરંતુ અતિ સુરક્ષિત એવા ન્યૂયોર્કના  ટ્વિન ટાવર પર પણ હુમલો થયો જ હતો ને. આથી ભાંગફોડ કે નુકસાનનનાં તમામ પાસાં ચકાસવાં જરૂરી છે. માનો કે, આવાં સ્થળો વચ્ચેની કડીઓ કાપી નાખવામાં આવે તો? વિશ્વભરમાં કિલોમીટરના કિલોમીટર ગૂંચળુંવાળેલા વાયરો (વાયર અંગ્રેજી શબ્દ જ છે, પણ તેને આજકાલ કેબલ કહેવાય છે) પડ્યા હોય છે. તેમાંના ઘણા તો અસુરક્ષિત પડ્યા હોય છે. ઘણા તો દરિયામાં હોય છે. ભૂકંપ વખતે કે જ્યારે જહાજ તેને કાપીને આગળ વધે તો? ૨૦૦૮માં ઇન્ટરનેટ મોટા પાયે ખોરવાયું હતું જેનું કારણ આ રીતે કેબલ કપાયા તે  હતું અને ઘણા દેશોને તેની અસર થઈ હતી.

આનો તોડ પણ કાઢવામાં આવ્યો છે. પોલેન્ડમાં જન્મેલા અમેરિકન એન્જિનિયર પોલ બારનને આ માટે ધન્યવાદ આપવા પડે. બારન સહિત કેટલાક લોકો ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં, (જ્યારે આપણે તો ટૅક્નૉલૉજીની રીતે બહુ પછાત હતા. ટીવીનું હજુ પગરણ પડ્યા હતા) માનતા હતા કે કમ્યૂનિકેશનના નેટવર્કની એ રીતે ડિઝાઇન કરી શકાય કે જેથી તે પરમાણુ હુમલો થાય તો પણ ટકી રહે.

તેમણે આ અંગે ઘણાં સંશોધનપત્રો લખ્યાં, પરંતુ એ વખતે પહેલાં તો કોઈએ તેમને ગંભીરતાથી ન લીધાં. વેલ્શના એક કમ્પ્યૂટર વૈજ્ઞાનિક ડોનાલ્ડ ડેવિસ લગભગ એ જ સમયે પરંતુ બારનથી સંપૂર્ણ સ્વતંત્ર રીતે બારન જેવો જ વિચાર લઈને આવ્યા. આ વિચારને ‘પેકેટ સ્વિચિંગ’ નામ મળ્યું. તેમાં એક કમ્પ્યૂટર શિષ્ટાચાર (પ્રોટોકોલ)ની વાત છે. આ પ્રોટોકોલમાં સંદેશાઓને નાના-નાના ટુકડાઓમાં અથવા કહો પેકેટમાં તોડી નાખવામાં આવે છે. અને તેમને જે માર્ગ સૌથી ઝડપી પ્રાપ્ય હોય તે માર્ગે મોકલવામાં આવે છે. જ્યારે તેઓ તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચે ત્યારે ત્યાં તેમને ભેગા કરાય છે. જો નેટવર્કમાંની કોઈ એક કડી (લિંક) માનો કે કામ નથી કરતી, ખોરવાઈ છે તો પણ સંદેશાઓને કોઈ અસર નહીં પહોંચે. તે વૈકલ્પિક રૂટે તેના નિર્ધારિત સ્થાને પહોંચી જશે. વોટર્સ મુજબ, આ ખૂબજ અદ્ભુત સ્થાપત્ય અથવા આર્કિટૅક્ચર છે જેની કલ્પના પણ ન આવે. એક છેડાથી બીજા છેડા વચ્ચે સંદેશાવ્યવહાર થાય છે, પરંતુ વચ્ચે શું છે તે વિચારવાની જરૂર જ નથી.

આથી કેબલ કાપી નાખવામાં આવે કે ડેટા સેન્ટરને ઓફલાઇન કરી દેવામાં આવે તો વિશાળ નેટવર્કને થોડું જ નુકસાન થાય છે. ધારો કે, સીરિયામાં લડાઈ ચાલે છે અને પશ્ચિમી દેશો તે માટે તેને ઇન્ટરનેટ સેવાથી વંચિત રાખવા નેટવર્ક ખોરવી નાખે તો પણ સીરિયાની અંદર નેટવર્ક ચાલુ જ રહેશે. હા, ગૂગલ જેવી વિદેશી વેબસાઇટ તેમને નહીં મળી શકે.

ચાલો, આપણે ત્યાં સુધી નિશ્ચિંત થઈ ગયા કે વચ્ચેથી કેબલ કપાઈ જાય કે ભૂકંપ આવે તો પણ ચિંતા નહીં. તો હવે પ્રશ્ન એ છે કે માનો કે એક એવો હુમલો કે એટેક થાય છે જેમાં ઇન્ટરનેટ ટ્રાફિકનો પ્રવાહ એ જાણી જોઈને એવાં સર્વર તરફ વાળવામાં આવે છે જે આટલો બધો ટ્રાફિક ખમી શકે તેમ નથી તો? તો નો જવાબ મેળવતા પહેલાં આવા હુમલાને શું કહેવાય તે જાણી લો. આને ટૂંકા નામે ડીડીઓએસ એટેક (DDoS) કહે છે અને તેનું પૂરું નામ છે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાઇલ ઑફ સર્વિસ. આવા હુમલાઓનું પ્રમાણ વધતું પણ જાય છે. જોકે, અમેરિકાની વેબસાઇટ સામગ્રી બનાવી આપતી અને વેબસાઇટનું નામ (ડોમેઇન) પૂરું પાડતી કંપની ક્લાઉડફ્લેર અને આવાં અન્ય નેટવર્કોએ તેમના ગ્રાહકોને આવા હુમલા સામે રક્ષી શકાય તેવી યોજના કરી છે. ક્લાઉડફ્લેરનું અતિશય ઊંચી ક્ષમતાવાળું નેટવર્ક આવા હુમલાને ગળી જાય છે અને તેને બીજે વાળી (ડાઇવર્ટ) દે છે, જેથી પબ્લિક વેબસાઇટ તો ઓનલાઇન જ રહે. જોકે એ પણ સ્વીકારવું પડે કે આ સમસ્યા હલ કરવી વધુ ને વધુ મુશ્કેલ બની રહી છે. હવે આવા હુમલાઓ ધંધાદારી હરીફો દ્વારા પણ કરવામાં આવે છે.

બીજી એક શિરોદર્દ પેદા કરતી એક સમસ્યા છે ‘બૉર્ડર ગેટવે પ્રોટોકોલ’. ટૂંકમાં બીજીપી. આ કઈ રીતે તકલીફ પેદા કરે છે તે પહેલાં તે શું છે તે સમજી લો. આ એવી પ્રણાલિ છે જે ઇન્ટરનેટ ટ્રાફિક જે અબજો પેકેટોનો બનેલો હોય છે તેને કહે છે તેમણે કઈ તરફ જવાનુ છે. નેટવર્કમાં વિવિધ સ્થળોએ બીજીપી રાઉટર મૂકવામાં આવેલા છે. તે આવા પેકેટોને સાચી દિશામાં મોકલે છે. પરંતુ આ માટે રાઉટરમાં ગંતવ્ય સ્થાનની માહિતી દાખલ કરેલી હોય છે. હવે જો આ માહિતી સાથે ચેડાં કરવામાં આવે તો મુશ્કેલી થાય કે નહીં? માનો કે, તમે અમેરિકા ટપાલ લખી છે, પરંતુ ભારત બહાર આ ટપાલ નીકળે અને પાકિસ્તાન પહોંચી જાય તો? અને તે પણ ગુપ્ત સંદેશાવાળી ટપાલ હોય તો? અને એટલે જ એવો મોટા પાયે ખતરો છે કે આમ કરીને હેકરો ઇન્ટરનેટ ડેટાની ચોરી કરી શકે અથવા ગુપ્તચર સંસ્થાઓ જેવા ત્રાહિત લોકો તેની જાસૂસી કરી શકે.

બીજું એ થઈ શકે કે ટ્રાફિકના મોટો હિસ્સો એવા નેટવર્ક તરફ મોકલવામાં આવે જેને બરબાદ કરી નાખવાનું હોય. આવું થોડાં વર્ષો પૂર્વે પાકિસ્તાનમાં થયું હતું. પાકિસ્તાન સરકારે લોકોને યૂ ટ્યૂબ જોતા અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ માટે બીજીપી રાઉટરમાં ફેરફારો કરવામાં આવ્યા હતા, પણ (આ ફેરફારની) માહિતીની વિશ્વભરમાં નકલ કરી લેવાઈ અને એવું કરાયું કે બધો ટ્રાફિક પાકિસ્તાન તરફ જવા લાગ્યો. તેનું નેટવર્ક અનહદ બોજાથી લદાઈ ગયું. અને ઇન્ટરનેટની થિયરી પ્રમાણે, બીજીપીમાં ફેરફાર સાથે જો અનહદ બોજો આવી જાય તો સમગ્ર ઇન્ટરનેટ ઑફલાઇન થઈ શકે.

આ રીતે અન્ય માર્ગે વાળી દેવાયેલો ટ્રાફિક જે લોકો સર્વર અને ઓનલાઇન પ્રણાલિઓને ચાલુ રાખવા મથે છે તેમના માટે માથાનો દુખાવો સર્જી શકે. એક મેઇલ સર્વર ઑફલાઇન થઈ ગયું. તેની પાછળનું કારણ જાણવા એક બ્લોગરે તપાસ કરી તો ખબર પડી કે આ રીતે બીજા માર્ગે વળાયેલો ટ્રાફિક કારણરૂપ હતો. અને આ બધો ટ્રાફિક ચીન તરફથી આવી રહ્યો હતો.

જોકે આ બધા પ્રયાસો એક રીતે ભાંગફોડના છે, કેટલાક ઇન્ટરનેટને તોડવા માટેના પણ હતા, પરંતુ એવું ક્યારેય બન્યું નથી જ્યારે આખા વિશ્વમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું હોય. આનો અર્થ એવો નથી કે આવું થશે જ નહીં, અથવા ઓછામાં ઓછું, આવું વિચારવું જ નહીં.

માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં પ્રાધ્યાપક વિન્સેન્ટ ચાન તો કમ સે કમ આવું જ વિચારે છે. સમગ્ર ઇન્ટનેટને બંધ કરી દેવા માટેનો તોતિંગ હુમલો શક્ય છે. જોકે ઇન્ટરનેટના માળખા પર ભૌતિક હુમલો થાય તો કાયમી નુકસાન થવાની શક્યતા નથી. માનો કે, નેટવર્કના ૧,૦૦૦ નોડમાંથી એકનો નાશ કરી નાખવામાં આવે તો તેનાથી આખું નેટવર્ક પડી નહીં ભાંગે. પરંતુ જો કોઈ એવું સૉફ્ટવેર હોય જેના લીધે ૧,૦૦૦ નોડને અસર પડે તો ચોક્કસ સમસ્યા થાય.

ચાન તો પોતે એવા અખતરા કરે છે જેના લીધે સમગ્ર ઇન્ટરનેટ બંધ થાય. ત્રાસવાદી સામે લડતી વખતે ત્રાસવાદીની જેમ જ વિચારવું પડે (ફિલ્મ  ‘હોલિ ડે’નો સંવાદ) તેવી જ રીતે ઇન્ટરનેટ સામેના ખતરાઓના સામનાનું વિચારતી વખતે પહેલાં કયા કયા ખતરા હોઈ શકે તે વિચારવું પડે ને. તેમની પ્રયોગશાળામાં ડેટા સિગ્નલ અને ઊંચા સ્તરના ઘોંઘાટને જોડવાનો પ્રયોગ કરી જોયો. વિશ્વભરમાં દૂરનાં સ્થળોએ જ્યાં ઓછી સુરક્ષા છે ત્યાં જંક્શન બૉક્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને ફાઇબર ઑપ્ટિક કેબલ વચ્ચે તોડફોડ કરનારું બ્લેક બૉક્સ જ મૂકવાનું રહે. જો તમે સિગ્નલમાં એટલો બધો ઘોંઘાટ મૂકી દો જેથી પ્રણાલિ સંપૂર્ણપણે બંધ નહીં થાય પરંતુ એ એટલું બધું ક્ષતિવાળું થઈ જશે કે જે ડેટા તેના દ્વારા આવશે તે વાંચી શકાય તેવો નહીં હોય. નેટવર્ક પુનઃપ્રસારણ માટે સતત પૂછ્યા કરશે અને તેનાથી તે તેની ક્ષમતાના ૧ ટકા ધીમું પડી જશે. જે લોકો નેટવર્ક ચલાવી રહ્યા હશે તેમને ખબર નહીં પડે કે શું થયું છે. તેમને લાગશે કે તે કદાચ વ્યસ્ત છે. આમ, ચાન એવું દૃઢ માને છે કે ઇન્ટરનેટ પર હુમલા અને તેના બચાવ માટે ચર્ચા થવી જોઈએ.

હવે મહત્ત્વની વાત. અત્યારે બૅન્કો, વાણિજ્ય, વેપાર, સરકારી પ્રણાલિઓ, અંગત સંદેશાવ્યવહાર, ઉપકરણો ઘણું બધું છે જે ઇન્ટરનેટ આધારિત છે. જો સ્થાનિક કક્ષાએ કંઈ ખોરવાય તો તો વાંધો નહીં, પરંતુ ખરેખર જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો આપણને લાગશે કે આપણે ૧૮મી સદીમાં પહોંચી ગયા છીએ. જોકે, વૈજ્ઞાનિકોને એ ખબર નથી કે આવું કઈ રીતે થઈ શકે. આવું ક્યારેય બન્યું નથી તેથી આવી કોઈ કલ્પના પણ થતી નથી. શોધક, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને લેખક એવા ડેની હિલિસે ૧૯૮૨માં ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. તેમણે વર્ષ ૨૦૧૩માં ‘ટેડ’ (ટૅક્નૉલૉજી, એન્ટરટેઇનમેન્ટ, ડિઝાઇન)ની પરિષદમાં ચેતવણી આપી હતી કે ઇન્ટરનેટ પડી ભાંગી શકે છે. આવું થાય તો તેને કઈ રીતે ચાલુ કરવું કે બેઠું કરવું તેની યોજના (પ્લાન બી) વિચારી રાખવો પડશે.

હજુ સુધી આવું થયું નથી એટલે કોઈ હિલિસની ચેતવણી કાને ધરતું નથી. પણ ટ્વિન ટાવર પર ન વિચાર્યું હોય તેમ, વિમાનથી હુમલો થઈ શકે તો ઇન્ટરનેટ કઈ વાડીનો મૂળો છે? ઇન્ટરનેટ અમેરિકાના આધિપત્યમાં છે અને તેણે પોતાનું નિયંત્રણ ઘટાડવાની વાત તો કરી છે, પરંતુ તે તેના નિયંત્રણમાં છે ત્યાં સુધી કોઈ પણ તેને શિકાર બનાવી શકે છે…તેનું દુશ્મન રશિયા, ચીન કે આઈએસઆઈએસ..અને અમેરિકાના હાથમાંથી નીકળી જશે (જોકે એવું થવાની શક્યતા ઓછી છે) તો પણ આ શક્યતા તો ઊભી જ રહેશે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં આ લેખ તા.૨૮/૩/૧૫ના રોજ પ્રસિદ્ધ થયો.)