gujarat guardian, health

તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?

તાજેતરમાં ભાજપના એહમદનગરના સાંસદ દિલીપ ગાંધીએ એવું નિવેદન કરી ખળભળાટ મચાવી દીધો કે તમાકુથી કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આની સામે એનસીપીના વડા શરદ પવારે પોતાનો દાખલો આપી કહ્યું કે એ વાત ખોટી છે અને તમાકુના ઉપયોગથી કેન્સર થાય છે તેનું હું પ્રત્યક્ષ ઉદાહરણ છું. હકીકતે તમાકુના વપરાશકારો, ચાહે તેઓ પાન-માવામાં તમાકુ તરીકે લેતા હોય, સિગારેટ કે બીડી ફૂંકવાની રીતે લેતા હોય તેમનો દાવો હોય છે કે જે લોકો સિગારેટ કે તમાકુવાળા પાન-માવા નથી ખાતા તેમને પણ કેન્સર થાય છે. તેઓ લાંબું જીવતા નથી. જ્યારે એવા ઘણા લોકો છે જે તમાકુ ખાતા હોવા છતાં, કે, સિગારેટ પીતા હોવા છતાં લાંબું જીવે છે. જોકે આવા દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી હોતો.

આ ઉપરાંત તમાકુ તરફીઓની એવી દલીલ પણ હોય છે કે તમાકુ ભોજન પચાવી દે છે. તેઓ દાખલા આપે છે કે લાડુ ખાનારા લોકો તમાકુ ખાતા જેથી તેમણે ઘણા બધા લાડુ ખાધા હોવા છતાં તેનું પાચન થઈ જતું. તો એક વર્ગ એવું પણ કહે છે કે તમાકુના કારણે તમારી વિચારસરણી ખીલે છે અને યુરોપમાં પહેલાં સામંતશાહી હતી પરંતુ સિગારેટ પીનારા, તમાકુ લેનારા લોકોએ ક્રાંતિ કરી અને લોકશાહી આવી, આથી યુરોપ અને અમેરિકા એવું ઈચ્છે છે કે કોઈની મુક્ત અને શાસનવિરોધી વિચારસરણી ન રહે. તેથી તેઓ તમાકુ પર પ્રતિબંધ મૂકવા માગે છે. તમાકુનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને એ પણ હકીકત છે કે સરકારે તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ નથી મૂક્યો. અર્થાત્ જેનાથી મોત આવી શકે, કેન્સર જેવી જીવલેણ બીમારી થઈ શકે તેનું સેવન વિદેશના લોકો કરે તો સરકારને વાંધો નથી!  તમાકુ તરફીઓની એક દલીલ એવી પણ છે કે ખાંડથી ડાયાબિટીસ થઈ શકે છે તો શું ખાંડ પર પણ પ્રતિબંધ મૂકી દેશો? દારૂથી લીવર બગડે છે, કિડની પર અસર થાય છે તો દારૂ પર કેમ પ્રતિબંધ મૂકતા નથી? એવી ઘણી બધી દવાઓ છે જે વિદેશમાં પ્રતિબંધિત છે પરંતુ ભારતમાં ખુલ્લેઆમ વેચાય છે. આવી હાનિકારક દવાઓ પર કેમ ભારતમાં પ્રતિબંધ મૂકાતો નથી.

એક વાત એ પણ સત્ય છે કે તમાકુ અને સિગારેટના વપરાશને હતોત્સાહ કરવા માટે સરકાર, પછી તે ગમે તે પક્ષની હોય, દર વખતે અંદાજપત્રમાં તમાકુ અને સિગારેટના ભાવો વધારતી જ આવે છે, પરંતુ ગમે તેટલા ભાવ વધે તો પણ વ્યસનીઓ આ ખરાબ વ્યસન મૂકતા નથી, તેના કારણે તેમના ઘરના બજેટને ફેર પડે તો પણ.

આની સામે તમાકુથી મોટા પ્રમાણમાં આરોગ્યને હાનિ થાય છે તેમ કહેનારો વર્ગ પણ છે. તે અનેક સંશોધનો અને અનેક જીવિત, મૃત વ્યક્તિના દાખલા આપે છે. તાજેતરમાં સુનીતા તોમરનું નિધન થયું. કોણ હતી આ સુનીતા? મધ્યપ્રદેશના ભીંડના એક ટ્રક ડ્રાઇવરની પત્ની અને બે પુત્રોની માતા સુનીતા તોમર તમાકુ સામેની ઝુંબેશનો ચહેરો બની ગઈ હતી. એક વર્ષ પહેલાં કેન્દ્રીય મંત્રાલયના એક વિડિયો જેનું નામ સુનીતા હતું તે સુનીતા પર ફિલ્માવાયો હતો. ૩૦ સેકન્ડના આ વિડિયોમાં ધૂમ્ર વગરની તમાકુથી થતી હાનિ દર્શાવાઈ હતી. સુનીતાને પણ કેન્સર થયું હતું. મૃત્યુ પામતા પહેલાં તેણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલીપ ગાંધીના ઉક્ત નિવેદન સામે પત્ર લખ્યો હતો. તેણે લખ્યું હતું, “મારો ચહેરો જેવો હોવો જોઈએ તેવો નથી. લોકો મને મળતા કે મારી સાથે વાત કરતા ખચકાય છે.” તેણે લખ્યું કે દિલીપ ગાંધી જેવા ઉચ્ચ સ્થાને બિરાજમાન લોકો આવી બેજવાબદાર રીતે વર્ત્યા છે તેનાથી તે નિરાશ થઈ છે. આજે પણ આપણી ઘણી બધી પ્રજા તમાકુની આડ અસરથી અજાણ છે.

સુનીતાએ એક વર્ષ પહેલાં પણ વડા પ્રધાનને કાગળ લખ્યો હતો કે તમાકુ પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવે. સુનીતા એવા કેન્સર દર્દીઓ પૈકીની હતી જે તેમના નિદાનના એક કે બે વર્ષમાં જ મૃત્યુ પામે છે, કારણકે તેમનું નિદાન મોડું થાય છે. સુનીતાને તમાકુ ચાવવાનું વ્યસન હતું અને તેનું ગયા વર્ષે જ હજુ નિદાન થયું હતું, પરંતુ તેનું કેન્સર ચોથા તબક્કામાં હોવાનું પુરવાર થયું હતું. તેણીએ રેડિયોથેરેપી લીધી હતી અને ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી. ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં બીજા દર્દીઓની દશા જોઈને તેણે ઉપરોક્ત વિડિયોમાં ભાગ લેવા તૈયારી બતાવી હતી. તેનું વજન ૧૨ કિલો ઘટી ગયું હતું.

સુનીતા તમાકુ વિરોધી અભિયાનનો ચહેરો બની તે અગાઉ મૂકેશ હરાણે ઓરલ કેન્સર સામેની ઝુંબેશનો ચહેરો બન્યો હતો. ૨૪ વર્ષનો આ યુવાન મહારાષ્ટ્રના ભૂસાવળનો વતની હતો. ગુટકાના વ્યસનના કારણે તે બોલી પણ શકતો નહોતો. તેણે સર્જરી કરાવતા પહેલાં પોતાની વાત રેકોર્ડ કરાવી હતી. જોકે તે પછી થોડા જ સમયમાં તેનું કરુણ મોત થયું હતું.

એક તરફ સરકાર વધુ મોટું ચિત્ર સિગારેટ અને તમાકુનાં ઉત્પાદનો પર મૂકવા વિચારી રહી છે તેવા જ સમયે સુનીતાના મોતે તમાકુના ઉત્પાદનોના વપરાશ સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જી દીધો છે. ભારતની વાત કરીએ તો, ભારતમાં કેન્સરના જે દર્દીઓ છે તેમાંના ૪૦ ટકા દર્દીઓ તમાકુના કારણે કેન્સરગ્રસ્ત થયા હોય છે. તેમજ ભારતમાં જે ત્રણ કે પાંચ કેન્સરદર્દીઓનાં મૃત્યુ તમાકુના કારણે થાય છે. આમ છતાં ચોંકાવનારી વાત એ છે કે ૨૭.૫ કરોડ ભારતીયો તમાકુ લેનારા છે. તેઓ મુખ્યત્વે ધૂમ્ર વગરની તમાકુ લે છે. આમાં ૩૫ ટકા પુખ્ત વયના છે અને ૧૪.૧ ટકા લોકો બાળકો છે, જેમની સરેરાશ ઉંમર ૧૩-૧૫ વર્ષ છે.

આપણે ત્રણ રિપોર્ટના આધારે તમાકુથી થતા નુકસાનને દર્શાવી શકીએ. આ ત્રણ રિપોર્ટ છે: (૧) ભારતમાં તમાકુ નિયંત્રણનો અહેવાલ, ૨૦૦૪ (૨) બીડી ધૂમ્રપાન અને લોક આરોગ્ય, ૨૦૦૮ અને (૩) વૈશ્વિક પુખ્ત લોકોમાં તમાકુ અંગેનો સર્વે, ભારત, ૨૦૧૦. યાદ રહે, આ ત્રણેય રિપોર્ટ કોઈ એલ ફેલ કંપનીના કે એજન્સીના નથી, પરંતુ ભારત સરકારના પોતાના છે. આ ત્રણેય રિપોર્ટ તમાકુથી કેન્સર તેમજ તમાકુ સંબંધિત રોગો થાય છે તે વાતને અનુમોદન આપે છે.

દર રોજ ૫,૫૦૦ યુવાનો તમાકુ ખાવાનું અથવા ધૂમ્રપાન કરવાનું શરૂ કરે છે. ૨,૫૦૦ ભારતીયોના રોજ તમાકુ સંબંધિત રોગોથી મૃત્યુ થાય છે અને દર વર્ષે ૧૦ લાખ ભારતીયો તમાકુથી થતા રોગોથી મૃત્યુ પામે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ૨૦૧૪માં તમાકુ સંબંધિત રોગોના કારણે પડતા આર્થિક બોજા અંગે રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો જે મુજબ, વર્ષ ૨૦૧૧માં ૩૫થી ૬૯ વર્ષના લોકો માટે તમામ રોગોમાંથી તમાકુના વપરાશ સંબંધિત આર્થિક બોજો રૂ. ૧ લાખ કરોડથી વધુ હતો. એની સામે તમામ તમાકુ ઉત્પાદનોમાંથી મળતી આવક તમાકુની અંદાજિત કિંમતના ૧૭ ટકા હતી.

માત્ર ભારત જ નહીં, વૈશ્વિક સ્તરે તમાકુનો ઉપયોગ ઘટાડવા વિચારણા અને ઝુંબેશો ચાલે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ની તમાકુ નિયંત્રણ પર કાર્યમાળખા સભા (હૂ એફસીટીસી)માં તમાકુની માગ અને પૂરવઠો ઘટાડવા માટે મહત્ત્વની રણનીતિ ઘડાઈ હતી. ભારત સરકારે પણ આને માન્યતા આપી હતી. તેથી તમાકુ વિરોધીઓનું કહેવું છે કે સરકાર તમાકુની માગ અને પૂરવઠો ઘટાડવા માટે કાનૂની, પ્રશાસકીય અને નીતિગત પગલાં લેવા માટે કાનૂની રીતે બાધ્ય છે. આ હૂ એફસીટીસીએ તમાકુ ઉત્પાદનો પર મોટી ચિત્રાત્મક ચેતવણીઓ આપવા અનુરોધ કર્યો છે. ઉપરાંત ઉત્પાદનના પેકેટ પર આગળ અને પાછળ એમ બંને બાજુએ તે હોવાં જોઈએ તેમ પણ તે કહે છે.

હૂ એફસીટીસીની કલમ ૫.૩માં તમાકુથી લોક આરોગ્ય નીતિની સુરક્ષા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને ભલામણો આપવામાં આવી છે. તેઓ તમાકુ ઉદ્યોગ દ્વારા આવી નીતિમાં હસ્તક્ષેપથી સુરક્ષિત રહેવા સરકારને કહે છે. ભારત સરકારે પણ તમાકુ ઉત્પાદનોનો વપરાશ ઘટાડવા માટે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (જાહેરખબર પર પ્રતિબંધ અને ધંધાકીય તેમજ વાણિજ્ય ઉત્પાદન, પૂરવઠા અને વિતરણ પર નિયંત્રણો) અધિનિયમ (કોટ્પા) ૨૦૦૩ લાવેલો છે. ભારતમાં જાહેરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકાયો છે. આમ છતાં, ધૂમ્રપાન કરનારા બેધડક રીતે જાહેરમાં ધૂમ્રપાન કરતા હોય છે. આ રીતે જાહેરમાં ધૂમ્રપાન કરનારા કાયદા મુજબ તો દંડને પાત્ર  બને છે, પરંતુ લગભગ કોઈને દંડ કરાતો નથી. તમાકુ ખાનારા તો પોતાને જ નુકસાન કરે છે, પરંતુ ધૂમ્રપાન કરનારા તો આજુબાજુ રહેલા લોકોને પણ નુકસાન કરે છે. જોકે ધૂમ્રપાન નહીં કરનારા લોકોમાં પણ એટલી જાગૃતિ હજુ નથી આવી કે તેઓ તેમની આજુબાજુમાં ધૂમ્રપાન કરનારા લોકોને ધૂમ્રપાન કરતા બંધ કરે.

હવે તો હદ એ થઈ ગઈ છે કે ભારતમાં સ્ત્રીઓ, ખાસ કરીને કોલેજમાં ભણતી, નોકરી કરતી સ્ત્રીઓ ધૂમ્રપાન કરતી થઈ ગઈ છે. પોતે પુરુષ સમોવડી છે તેવું દેખાડવા કે કુછંદે ચડીને તે બિન્દાસ્ત ધૂમ્રપાન કરે છે, હુક્કા બારમાં જાય છે. પરંતુ આવી સ્ત્રીઓએ એ જાણી લેવું જોઈએ કે અમેરિકન અભ્યાસો પ્રમાણે, જે મહિલાઓ ધૂમ્રપાન કરે છે તેમને અન્ય મહિલાઓ કરતાં ફેફસાનું કેન્સર થવાની ૨૫.૭ ગણી વધુ શક્યતા રહેલી છે. જ્યારે પુરુષમાં જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને અન્ય પુરુષો કરતાં ૨૫ ગણું જોખમ વધુ છે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની રવિવારની પૂર્તિમાં આ લેખ તા. ૧૨/૪/૧૫ના રોજ પ્રગટ થયો.)

Advertisements
film, hindu, sikka nee beejee baaju

‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?

કોઈ ધર્મના મૂળ અર્થને સમજ્યા વગર જ ફિલ્મ બનાવે તો કેવી ફિલ્મ બને?

જવાબ છે: ‘પીકે’ જેવી.

‘પીકે’ વિશે ઘણું બધું લખાયું છે અને લખાશે, પણ આપણે તેના વિશે નહીં, તેમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને શા માટે માત્ર આ ફિલ્મનો જ વિરોધ થયો, ‘ઓહ માય ગોડ’ ફિલ્મ આના પૂર્વાવતાર જેવી હતી તો તેનો વિરોધ કેમ આટલો જલદ ન થયો, શા માટે આમીર ખાનનો જ વિરોધ થયો, અક્ષયકુમારનો કેમ નહીં આ સવાલના જવાબ મેળવવા પ્રયાસ કરીશું.

પ્રથમ વિરોધની વાત કરીએ. ‘ઓહ માય ગોડ’માં જે પ્રશ્નો ઉઠાવાયા હતા તે થોડા ગંભીર રૂપે હતા જ્યારે ‘પીકે’માં આ જ વાત મજાકરૂપે કરાઈ છે. બીજું, ‘ઓહ માય ગોડ’માં એ સમજાવાયું હતું કે એ વાત સાચી કે કેટલાક હિન્દુઓમાં પાખંડ પ્રવર્તે છે પરંતુ તમામ પ્રશ્નોનો જવાબ ‘ગીતા’ નામના ધર્મગ્રંથમાં છે. જ્યારે ‘પીકે’માં તો એલિયન આમીર ખાનના મોઢે સવાલ પૂછાયો છે કે મારે શું વાંચવું? ગીતા, કુર્આન કે બાઈબલ? અરે ભાઈ. ગમે તે ધર્મગ્રંથ વાંચ. બધા એક જ વસ્તુ કહે છે. એક જ ઉપદેશ આપે છે. એક દલીલ એવી પણ છે કે ‘ઓહ માય ગોડ’માં પ્રશ્નો ઉઠાવનાર પરેશ રાવલ ભાજપના સાંસદ છે અને હિન્દુ છે તેથી તેમની સામે વિરોધ નહોતો થયો. જ્યારે આમીર ખાન મુસ્લિમ છે તેથી તેની સામે વિરોધ થયો. આવું નથી. પરેશ રાવલ ૨૦૧૨માં ભાજપના સાંસદ ક્યાં હતા? અને આમીર ખાનનો વિરોધ તે મુસ્લિમ છે તેથી નથી થયો. તેના પાખંડ સામે થયો છે. વળી, અધૂરામાં પૂરું, રોજે રોજ અખબારોમાં મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે હિન્દુ બનીને લગ્ન અને પછી છેતરપિંડી કરીને છોડી દેવાના કિસ્સા, અથવા, હિન્દુવાદીઓની ભાષામાં કહો તો, લવ જિહાદના કિસ્સા આવતા હોય (જે મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીને લગ્ન કરીને વફાદારીથી તેને સારી રીતે રાખે છે તેમની સામે વિરોધ છે જ નહીં, અને હોય તો તે અસ્થાને છે), વળી, પાકિસ્તાન દ્વારા સરહદ પર રોજ અટકચાળાં થતાં હોય એટલું જ નહીં, તેમાં આપણા લોકો, આપણા સૈનિકો મરતા હોય, પાકિસ્તાનમાં પેશાવરમાં ત્રાસવાદી ત્રાટકીને બાળકોને મારી નાખે તેમ છતાં તેમાંથી બોધપાઠ લેવાના બદલે પાકિસ્તાન તેની ભાષામાં સારા ત્રાસવાદી ‘લખવી’ને જામીન આપે, હાફીઝ સઈદને ભારત વિરોધી ઝેર ઓકતી રેલી કરવા દે, તેવા પાકિસ્તાનના યુવકને ‘પીકે’માં સારા પ્રેમી તરીકે બતાવાય તો સ્વાભાવિક છે કે લોકોનું લોહી ઉકળી જ ઉઠે ને?

આમીર ખાન ‘સત્યમેવ જયતે’ નામનો શો દૂરદર્શન પર અને સ્ટાર પ્લસ ચેનલો પર કરે છે. આવું બહુ ઓછું બનતું હોય છે કે એક જ શો સરકારી અને ખાનગી ચેનલ પર સમાંતર રજૂ થાય. અને ઊંચી લાગવગ બંને ચેનલોમાં હોય તો જ આવું બને. આ શોમાં બધા ધંધાઓને ઉઘાડા પડાય છે. બધી કુરીતિઓને ઉઘાડી પડાય છે. તેથી આમીર ખાન પોતે અળખામણો બની ગયો છે. કારણકે જેમ તે શોને હિટ કરવાની ક્રેડિટ પોતે લઈ જાય છે, વળી પ્રોડક્શન પણ તેનું છે, તેમ તેમાં આપતા ઉપદેશના કારણે લોકો તેના વિશે પણ પ્રશ્નો ઉઠાવવાના; જેમ કે, ડૉક્ટરો તરફી એક સંદેશ સોશિયલ મિડિયામાં ફરે છે કે એક તરફ આમીર ડૉક્ટરોને મફતમાં સેવા કરવાનો ઉપદેશ આપે છે અને બીજી તરફ તે પોતે ફિલ્મ અને સત્યમેવ જયતેમાં કામ કરવાના કરોડો રૂપિયા મેળવે છે. પેલી સાધુની વાર્તાની જેમ સાધુ પોતે ત્યારે જ બાળકને ગોળ ન ખાવાની શિખામણ આપી શકે જો પોતે ગોળ ન ખાતા હોય, તેમ આમીર ખાન એવું જીવન જીવતો હોય અને ‘સત્યમેવ જયતે’ જેવા શોમાં બીજાને સલાહ આપે તો સમજાય, પરંતુ આવું ન હોય ત્યારે સ્વાભાવિક છે કે તેના શો, તેની ફિલ્મોનો એક યા બીજા સ્વરૂપે વિરોધ જાગી નીકળે.

‘પીકે’નો એક વિરોધ હિન્દુઓની ઘવાયેલી લાગણીઓના કારણે પણ છે. દરેક હિન્દુ તહેવાર વખતે જ તે તહેવાર ન ઉજવવાની અપીલ કરતાં મેસેજ ક્યાંકથી ઉગી નીકળે છે અને ફેલાવા લાગે છે. એમાં વર્તમાનપત્ર કે ચેનલ પણ ઝુંબેશ આદરીને જોડાય છે. પણ ઈસ્લામ કે ખ્રિસ્તીઓના તહેવાર વખતે આવા સંદેશા આવતા નથી. (જેમ કે, શ્રાવણમાં શિવલિંગ પર દૂધ ચડાવવાના બદલે ગરીબ બાળકોને દૂધ પહોંચાડવાના સંદેશા આવ્યા, પરંતુ ઇદ પર બકરી ન કાપવાના કે ૩૧ ડિસેમ્બરે કરોડો રૂપિયાનો દારૂ ન પીવાના મેસેજ આવ્યા?) વળી, તહેવાર ન હોય ત્યારે પણ એવા સંદેશા આવતા હોય છે જેના કારણે આવો વિરોધ પ્રબળ બને છે; જેમ કે આ મેસેજ: ભગવાન માટે કરાતા ઉપવાસથી જો ભગવાન ખુશ થતા હોત તો ભીખારીઓ ક્યારનાય સુખી થઈ ગયા હોત. આવા મેસેજ કે ‘પીકે’ જેવી ફિલ્મ ખરેખર ‘ઉપવાસ’નો અર્થ સમજ્યા વગર દે-ઠોક સંદેશાઓ પાઠવે છે. હકીકતે ‘ઉપવાસ’નો અર્થ માત્ર ભૂખ્યા રહેવું તેવો નથી, પરંતુ ભૂખ્યા રહીને કે સંયમિત સાત્વિક ભોજન કરીને ભગવાનનું ભજન કરવું તેવો અર્થ છે. અને ભીખારીઓ સુખી નથી હોતા તેવું કોણે કહ્યું? બલકે, અખબારોમાં આપણે એવા કિસ્સા વાંચ્યા જ છે કે કેટલાક ભીખારી મરે છે ત્યારે કરોડપતિ નીકળે છે. બીજી તરફ, હિન્દુઓનો આક્રોશ એટલે પણ છે કે સરકાર, સેન્સર બૉર્ડ અને કોર્ટ આ ત્રણેયની એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ.

જ્યારે તમિલનાડુમાં મુસ્લિમોએ ‘વિશ્વરૂપમ્’ ફિલ્મનો વિરોધ કર્યો ત્યારે જિલ્લા કલેક્ટરોએ આ ફિલ્મ ન દેખાડવા પ્રતિબંધ મૂકી દીધો હતો. મુસ્લિમોને પસંદ ન પડતા પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવાયો હતો. એટલું જ નહીં, તેના લેખક સલમાન રશ્દી બેએક વર્ષ પૂર્વે જયપુરમાં આયોજિત સાહિત્ય ઉત્સવમાં આવવાના હતા ત્યારે તેમને જયપુર આવવા દેવાયા નહોતા, કેમ તે વખતની કેન્દ્રની યુપીએ સરકારે કે રાજ્યની કૉંગ્રેસ સરકારે તેને સુરક્ષા પૂરી ન પાડી? ‘ધ વિન્ચી કોડ’ પુસ્તક અને ફિલ્મ સામે ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના વિરોધના કારણે પંજાબ, નાગાલેન્ડ, ગોવા, મેઘાલય, મહારાષ્ટ્ર, જ્યાં મોટા ભાગે કૉંગ્રેસ કે તેના મોરચાની સરકાર હતી, ત્યાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પ્રિયદર્શનની કોમેડી ફિલ્મ ‘કમાલ ધમાલ માલામાલ’નાં કેટલાંક દૃશ્યોના કારણે કેથોલિક ખ્રિસ્તીઓની લાગણી દુભાઈ હતી. તેમણે તે વખતની યુપીએ સરકારના માહિતી-પ્રસારણ મંત્રી અંબિકા સોનીને ફરિયાદ કરી. સોનીના હસ્તક્ષેપના કારણે ખ્રિસ્તીઓની લાગણી દુભાય તેવાં દૃશ્યો કાપી નખાયાં. આની સામે ‘પીકે’ રજૂ થઈ ત્યારે હિન્દુઓને લાગ્યું કે માત્ર તેમની જ લાગણીઓની કોઈ દરકાર કરતું નથી (તે કેન્દ્રમાં ભાજપ, અને ગુજરાત-મહારાષ્ટ્ર સહિતનાં અનેક રાજ્યોમાં ભાજપના રાજમાં રજૂ થઈ છે એટલે ભાજપના શાસકો પણ ધાર્યું હોત તો ફિલ્મને અટકાવી શકત, કેમ? આ જ આમીર ખાનની ‘ફના’ ફિલ્મને ગુજરાતમાં રજૂ નહોતી જ થવા દેવાઈ ને?). જ્યારે બીજા પંથના લોકોની લાગણીઓને હંમેશાં ન્યાય મળે છે. આથી ‘પીકે’ સામે આટલો જલદ વિરોધ થયો.

હવે વાત તેમાં અને ‘ઓહ માય ગોડ’માં ઉઠાવાયેલા કેટલાક પ્રશ્નોની. ઉપવાસના પ્રશ્નનો જવાબ તો ઉપર આપી જ દીધો. તે ઉપરાંત એલિયન આટલી પૂજા કરે છે, આળોટતો મંદિરમાં જાય છે તેમ છતાં ભગવાન કેમ એલિયનનાં કામ કરતા નથી? આ પ્રશ્નનો જવાબ ફિલ્મમાં જ આપી દેવાયો છે! ફિલ્મમાં બતાવાયું છે કે જ્યારે તે ભૂખ્યો હોય છે ને મંદિરે ભીખારીઓ સાથે બેઠો હોય છે ત્યારે તેને કોઈક રોટી આપી જાય છે. પરંતુ ફિલ્મના અંત સુધીમાં તેને તેનું રિમોટ તો મળી જ જાય છે ને. એક વિડિયો જે ‘પીકે’ સામે સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે તેમાં સરસ ઉદાહરણ અપાયું છે કે કોઈ લાયકાત વગર રિલાયન્સ, વોડાફોન, ટાટા વગેરે કંપનીમાં જઈ કામ કર્યા વગર પગાર માગે તો શું કંપનીવાળા આપી દે? ના. તેના માટે એક મહિનો કંપની કહે તે શરતે અને તેટલા કલાક કામ કરવું પડે. અને બોનસ તો વર્ષમાં એક જ વાર મળે! કોઈ પણ કામનું તાત્કાલિક ફળ ન મળે. તેના માટે કર્મના હિસાબ ભોગવવા પડે.

મંદિરમાં ચપ્પલ ખોવાઈ જતા હશે પરંતુ કેટલાના? પ્રમાણ કાઢીએ તો ઓછું નીકળશે. ભગવાન જૂઠા છે, છેતરનારા છે તેવી વાત ફિલ્મમાં છેક સુધી ચલાવાય છે અને છેક છેલ્લે, જેમ મ્યુચ્યુઅલ ફંડમાં ડિસ્ક્લેઇમર ફટાફટ બોલી જવાય, તેમ આવે છે કે સાચા ભગવાન તો છે જ. પાખંડીઓના ભગવાન ખોટા છે, પરંતુ ત્યાં સુધી ૯૫ ટકા ફિલ્મમાં એવો જ સંદેશો દૃઢ થાય છે કે ભગવાન છે જ નહીં અને રોંગ નંબર લાગે છે. તો શું રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, નરસિંહ મહેતા, સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર વગેરે ખોટા?

શું કોઈ પૂજારીને તમે પર્સમાંથી ફરજિયાત પૈસાનું દાનપેટીમાં દાન કરાવતા જોયા છે? માન્યું કે તપસ્વી મહારાજ પાખંડી હતા, પરંતુ તેના કારણે ભગવાન સાથે વાર્તાલાપ કરવાનું ખોટું સાબિત નથી થતું. જ્યારે વાયરલેસ ફોન નહોતા કે ટીવી નહોતા ત્યારે વાયર વગર વાત કરવી તે મહા જોક લાગતી- દૂર રમાતી મેચનું પ્રસારણ જોવું કલ્પના લાગતી, પરંતુ આજે મોબાઇલ અને ટીવી હકીકત છે. મંત્રજાપને પણ ‘પીકે’માં ખોટો ઠરાવાયો છે. ‘પીકે’ના બનાવનારા દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ ‘થ્રી ઇડિયટ્સ’માં ‘ઓલ ઇઝ વેલ’ મંત્રના ગુણગાન નહોતા ગાયા? ‘ઓલ ઇઝ વેલ’થી જ જો બાળક પેટમાં લાત મારવાનું શરૂ કરી દે કે તેની પ્રસૂતિ સફળ રીતે થઈ જાય તો પછી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આપેલા મંત્રો તો વૈજ્ઞાનિક જેવા ઋષિમુનિઓએ સિદ્ધ કરેલા છે. કાશ, હિરાણી અને અભિજાત જોશીએ ફિલ્મની સ્ક્રિપ્ટ અને અન્ય બાબતો પાછળ પાંચ વર્ષ ગાળ્યાં તેના બદલે હિન્દુ ધર્મને સાચી રીતે સમજવા પાંચ વર્ષ આપ્યાં હોત!

જે હિરાણી ફિલ્મમાં મંદિરમાં દાન ન કરવાનો સંદેશ આપે છે (પરંતુ તેને ખબર નહીં હોય કે મંદિરો દ્વારા સદાવ્રતથી માંડીને અનેક સેવાપ્રવૃત્તિઓ પણ થતી હોય છે અને તેને ત્યાં આવતા લોકોનાં કામ થાય તે તો ખરું જ, જો તેમ ન હોય તો મહારાષ્ટ્રમાં લાલ બાગચા રાજા સહિત ગણેશપૂજા મોટા પાયે કેમ થાય છે? લોકો શિરડી સાઇબાબા મંદિરમાં કેમ અધધ દાન ઠાલવે છે? અને માનો કે કામ નથી થતાં, પરંતુ તેમનામાં, ફિલ્મમાં આમીર જ કહે છે તેમ, એક આશા તો જાગેલી રહે છે ને. તે આત્મહત્યા કે ચોરી-લૂટફાટના કે અન્ય અપરાધોના માર્ગે તો નથી વળતા ને?) પાછા એ જ હિરાણીએ જે મંદિર અને ચર્ચમાં ફિલ્મનાં દૃશ્યો ફિલ્માવાયાં હતાં તે નાશિકના કલારામ મંદિર ટ્રસ્ટને રૂ.૨૫,૦૦૦નું અને જયપુરના ચર્ચને પણ રૂ.૨૫,૦૦૦નું દાન આપ્યું. મંદિરમાં દૃશ્યો ફિલ્માવા દેવામાં આવ્યાં જ્યારે ચર્ચમાં ક્રુસિફિક્સ આગળ નાળિયેર ફોડવાના દૃશ્યમાં બદલાવ કરાયો અને નાળિયર ફોડે  તે પહેલાં જ તેને બહાર કાઢવામાં આવે છે તેવું રખાયું. (ઇન્ડિયન એક્સપ્રેસ વેબસાઇટ, તા.૨/૧/૧૫, આતીખ રશીદની સ્ટોરી) અને એનડીટીવીની વેબસાઇટ મુજબ, ‘પીકે’ની ટીમ, જેમાં રાજુ હિરાણી અને આમીર ખાનનો સમાવેશ થાય છે તેમણે ‘ઓહ માય ગોડ’ ફિલ્મ ન બનાવવા તેને કથિત રીતે રૂ. ૮ કરોડ જેવી મોટી રકમની ઓફર કરી હતી. આમ, ફિલ્મમાં કંઈક સંદેશો દેવો અને તેનું પાલન ન કરવું તે અલગ વાત છે. જોકે ફિલ્મવાળા એવો દાવો કરી શકે કે અમે તો મનોરંજન માટે ફિલ્મ બનાવેલી. પરંતુ તે માટે કોઈની લાગણી ન દુભાવાય.

‘પીકે’થી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી એટલે એમાં સેક્યુલર રાજકારણીઓ કૂદી પડ્યા. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે અને બિહારમાં નીતીશકુમારના પ્રોક્સી માંઝીની સરકારે તેને કરમુક્તિ આપી દીધી. આ બનાવે હિન્દુઓના આક્રોશરૂપી અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું. હિન્દુઓએ તોય સહિષ્ણુ રીતે વિરોધ કર્યો (કહેવાતા હિન્દુવાદીઓએ પણ માત્ર અમુક સિનેમામાં તોડફોડ કરી એટલું જ) પરંતુ પેરિસમાં તો પયગંબરનાં કાર્ટૂનો દોરાયા તેમાં ૧૨ જણાની હત્યા કરી દેવાઈ. વૉટ્સ એપ પર આવેલા એક સંદેશામાં કહેવાયું:

ભગવાનની મજાક ઉડાવો તો ટૅક્સ ફ્રી, અલ્લાહની મજાક ઉડાવો તો ડેથ ફ્રી!

આ બહુ ગંભીર વાત છે. આ દેશમાં હિન્દુઓને તાલિબાનો જેવા કટ્ટર થતા અટકાવવા હશે તો તેમની લાગણીઓને વારંવાર ઠેસ પહોંચાડવાનું બંધ કરવું પડશે. તેમને એવું ન લાગવું જોઈએ કે તેઓ તેમના જ દેશમાં સેકન્ડ ક્લાસ સિટિઝન થઈને રહી ગયા છે ને તેમનું સાંભળનાર કોઈ નથી.

(પ્રસ્તુત લેખ મુંબઈ સમાચાર દૈનિકની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજી’ કૉલમમાં તા.૧૧/૧/૧૫ના રોજ છપાયો)

national

સંસદમાં લોકપાલ પર સંમતિ સધાઈ જશે, પણ મોટો અંતરાય હજુ બાકી છે!

સંસદમાં આજે લોકપાલ પર ચર્ચા છે. શરદ યાદવ જેવા નબળા સ્તરના નેતાએ અગાઉ પણ સર્વપક્ષીય બેઠક પછી અણ્ણા અને તેમના સમર્થકોની ઠેકડી ઉડાવી હતી. આજે પણ ચર્ચા દરમ્યાન તેઓ એ કહેવાનું ન ભૂલ્યા કે સાંસદ બનવા માટે કેટલો પરિશ્રમ કરવો પડે છે. એમ ને એમ સાંસદ નથી બનાતું.

શરદ યાદવની વાત સાચી છે. સાંસદ બનવા કેટલા રૂપિયા વેરવા પડે, કેટલી દારૂની કોથળીઓ છૂટી મૂકવી પડે, કેટલી ધોતી ને કેટલી સાડીઓ આપવી પડે, કેટલાં (ઠાલાં) વચનો આપવા પડે છે, કેટલા ભાડૂતી ગુંડા રાખવા પડે, કેટલું બુથ કેપ્ચરિંગ કરવું પડે, કેટલા મત ખરીદવા પડે, કેટલું જ્ઞાતિવાદી (વિભાજનકારી) રાજકારણ ખેલવું પડે, તે અબૂધ અણ્ણા સમર્થકોને ક્યાંથી ખબર હોય. સંસદમાં ગયા પછી ઉદ્યોગગૃહો કહે તે પ્રશ્નો પૂછવા પડે (અને તેના બદલામાં પૈસા મળે), સંસદમાં સહી કરીને પછી ગેરહાજર રહેવાનું (જેમ વડા પ્રધાન સર્વપક્ષીય બેઠકમાં અને પોતાનું નિવેદન આપીને સંસદમાંથી ચાલ્યા ગયા હતા તેમ). સંસદના સત્રોમાંથી કેટલા (ઓછા) દિવસો કામ કરવાનું (અને બાકીના દિવસો તોફાનો અને શોરબકોર કરીને વોકાઉટ અથવા તો આખા દિવસ માટે મુલતવી રહે તેવું કરવાનું)…સાંસદ બનવા માટે કેટલી લાયકાત જરૂરી છે તે ભણેલા ગણેલા અને ઘણા અભણ સમર્થકોને ક્યાંથી ખબર હોય? તેના માટે બળાત્કાર કે ખૂન કે ચોર કે ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો હોવો જરૂરી છે તે અણ્ણા સમર્થકોને ખબર ક્યાંથી હોય?

ખેર. આજે ચર્ચા થશે અને જનલોકપાલ પર બધા (બહુમત) પક્ષો સંમત છે તેવું વાતાવરણ બની જશે અને મોટા ભાગે અણ્ણાના ઉપવાસ પણ તૂટી જશે. પરંતુ તેનાથી ખુશ થઈ જવા જેવું નથી. પ્રણવ મુખર્જીએ કહ્યું છે તેમ સંસદમાં ચર્ચા પછી સંસદીય સમિતિ (સ્ટેન્ડિંગ સમિતિ, જેમાં લાલુપ્રસાદ યાદવ જેવા લોકો બેઠા છે) પાસે જશે અને તેઓ આ ખરડો ‘વ્યવહારુ’ છે કે કેમ તે જોશે. તે કેટલો અમલ થઈ શકે તેમ છે તે જોશે. એટલે એ મોટો અંતરાય તો છે જ. તેના માટે અણ્ણાએ બીજું ઉપવાસ આંદોલન કરવું ન પડે તો સારું.