film, international, media, sanjog news, vichar valonun

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮)

સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી સેક્સ, લોકો ગમે તેવાં કપડાં પહેરે તો પણ ચાલે, જાહેરમાં ભેટાભેટી કે કિસમકિસી કરે તો પણ ચાલે, બધી વૈજ્ઞાનિક શોધો ત્યાં જ થઈ, એ લોકો વૈજ્ઞાનિક અને તર્કવાદી જ્યારે ભારતના લોકો ગમાર, ગામડિયા, અંધશ્રદ્ધાળુ, જડસુ, વાનરસેના જેવા, અપ્રમાણિક, અસ્વચ્છ, સેક્સ પ્રત્યે સૂગ ધરાવે, કપડામાં અને ખાણીપીણીમાં રૂઢિચુસ્તતતા વગેરે વગેરે.

આનું કારણ એ છે કે આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ બહુ સંશોધનમાં પડવા નથી માગતા. તેમનો વન પૉઇન્ટ એજન્ડા જ હોય છે કે ભારતને ખરાબ ચિતરવું જેથી ભારતનું ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ વિદેશ જતું રહે. આના માટે તેમને વિદેશ તરફથી ડૉલર મળતા હશે કે નહીં તે તો રામ જાણે, પણ હા, તેનાથી તેમને કેટલાંક વર્તુળોમાં વાહવાહ જરૂર મળી રહે છે. આ વર્તુળમાં રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા છતાં લઘુતાગ્રંથિથી પીડાતાં સંગઠનોનો પણ સમાવેશ થાય છે જે પણ પેલા બ્રાહ્મણની મનોદશામાં આવી જાય છે કે ખભે ખરેખર કૂતરું જ છે.

હકીકતે ભારતની સંસ્કૃતિ પ્રશ્નો પૂછવાની અને તર્ક કરવાની રહી છે છતાં આપણને અંધશ્રદ્ધાળુઓમાં ખપાવી દેવામાં આવે છે. ભારતમાં તર્ક કરવો અને સંવાદ કરવો તે મુખ્ય સંસ્કૃતિ રહી છે. તેથી ખુલ્લું મન રાખવું જરૂરી છે. ભારતે અને હિન્દુ ધર્મે જેટલી નવી બાબતો સ્વીકારી, કેટલીક તો નુકસાન જાય એ હદે સ્વીકારી, (હવે તો ભગવાનની જન્મજયંતીએ કેક ધરાવાય છે!) તેટલી અન્ય કોઈ પંથે સ્વીકારી નથી, તેમ છતાં આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુ આ ધર્મને-આ દેશને સતત બદનામ કરવાની પ્રવૃત્તિમાં મંડી પડ્યા છે. તમે પરંપરાનો વિરોધ કરો તો તમે પ્રગતિશીલ ગણાવ તેવી માન્યતા ઠોકી બેસાડી છે. લઘુમતીને ભડકાવો, સ્ત્રીઓને પરંપરાઓ સામે બળવો કરવા ઉશ્કેરો, કપડાં ટૂંકા પહેરો, જાતીયતાનું પ્રદર્શન કરો, પબ્લિક ડિસ્પ્લે ઑફ અફૅક્શનના નામે જાહેરમાં પ્રેમચેષ્ટાઓ કરો તો તમે ઉદાર. તમે અંગ્રેજી બોલો તો તમે આધુનિક. તમે ખભા ઉલાળીને વાત કરો તો તમે વેલ બિહેવ્ડ. જાહેરમાં પ્રેમની ચેષ્ટા કરો તો તે કુદરતી આવેગની અભિવ્યક્તિ પરંતુ કુદરતી આવેગવશ અને જાહેર શૌચાલયના અભાવે દેવીલાલ (પૂર્વ નાયબ વડા પ્રધાન) સડક પર લઘુશંકા કરે તો તેનો અખબારમાં ફોટો છાપી તેમને બદનામ કરવામાં આવે! આનું કારણ ભારતીય મિડિયામાં ભારતીયતાના વિરોધી લોકો કુંડાળું મારીને બેઠા છે. રાષ્ટ્રવાદીઓ ખુલીને બહાર આવતા નથી. તેમનામાં સંપ નથી એ પણ કડવી હકીકત છે. ફિલ્મ જગત અને શિક્ષણ જગતમાં પણ આવું જ છે.

પરંતુ માત્ર ભારતમાં જ આવું નથી, પશ્ચિમના જે લોકો શિષ્ટતામાં માને છે, જે લોકો પરંપરામાં માને છે તેમની પણ આ જ વેદના છે. પશ્ચિમમાં હૉલિવૂડ, મિડિયા અને શિક્ષણમાં આ લિબરલો-કલ્ચરલ માર્ક્સિસ્ટો કઈ રીતે ચડી બેઠા? અને તેમણે એવો તે કઈ રીતે પગદંડો જમાવી દીધો કે કોઈ રૂઢિચુસ્ત (કન્ઝર્વેટિવ) હોય (રૂઢિચુસ્તનો અર્થ નેગેટિવ ન લેવો જોઈએ, સારી પરંપરા હોય તો શું તે માત્ર પરંપરા છે એ જ કારણસર ફગાવી દેવાની?) તો તેને કામધંધાની પણ મુશ્કેલી પડી જાય?

જે બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ એવી દલીલ કરે છે કે પશ્ચિમમાં તો અભિવ્યક્તિની ખૂબ જ સ્વતંત્રતા છે તેમના સુધી આ લેખ પહોંચશે અને વાંચશે તો ચોંકી જશે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર લિબરલો પૂરતી જ સીમિત છે. તમે જો લિબરલ ન હો તો તમને અભિવ્યક્તિની કોઈ સ્વતંત્રતા નથી. અને જો તમે એ સ્વતંત્રતાનો પ્રયોગ કરો તો તમારે કામધંધો ભૂલી જવાનો. તમારું જીવવાનું હરામ કરી નાખે આ લિબરલો. તેઓ ભારે અસહિષ્ણુ હોય છે, તેઓ ટોળકી જમાવીને બેસે છે. આ ટોળકીનું નેટવર્ક જબરદસ્ત હોય છે. માનો કે મિડિયાની જ વાત કરીએ તો, અલગ-અલગ ચેનલ કે અખબારમાં લિબરલો રહેલા હોય તો તેમની વચ્ચે જોરદાર સંપર્ક હોય છે. એમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ તેઓ તેમના પોતાના અખબાર કે ચેનલ તો ઠીક, પરંતુ હરીફ અખબાર કે ચેનલમાં પણ કોઈ વિરોધી વિચારવાળાને ઘૂસવા નહીં દે.

અમેરિકાની જ વાત કરીએ એટલે આ દાખલા વધુ સમજાશે કારણકે આપણને પશ્ચિમનાં ઉદાહરણોની ટેવ પડી ગઈ છે. નીલ ગ્રોસ નામના સૉશિયૉલૉજીના પ્રૉફેસર છે. તેમણે સૉશિયૉલૉજી અને પૉલિટિકલ વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં લેખ છે (અને તે પણ ગત જાન્યુઆરીનો એટલે કે તાજો જ) – ‘વ્હાય હૉલિવૂડ ઇઝ સૉ લિબરલ?’. આ લેખ વાંચવા જેવો છે. જેમ ભારતના ફિલ્મી એવૉર્ડમાં અભિનેતા-અભિનેત્રીઓ, ખાસ કરીને અભિનેત્રીઓ હવે નામ પૂરતાં કપડાં પહેરે છે, હિન્દી ફિલ્મ માટેનું ભાષણ અંગ્રેજીમાં આપે છે, વિદેશમાં પ્રશંસા મેળવવા પ્રિયંકા ચોપરા રોહિંગ્યા મુસ્લિમોને મળવા જાય છે (પરંતુ કાશ્મીરી પંડિતોને મળવા નથી જતા) તેમ હૉલિવૂડના એવૉર્ડનું પણ છે. ભારતમાં અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો ગમે તેટલી હિટ ફિલ્મો આપે તેમને એવૉર્ડ નહીં મળે. પોતાની એકેય ફિલ્મમાં હજુ સુધી કિસનું દૃશ્ય ન કરનાર સલમાનને પણ એવૉર્ડ ઓછા મળશે. આમીર ખાનને નહીં જ મળે. પરંતુ એવૉર્ડના સ્ટેજ પર ગે ચેષ્ટાઓ અને તેવા જૉક ફટકારનાર, બીજાનું અપમાન કરનાર, શાહરુખ-કરણ જોહર પર એવૉર્ડની વર્ષા થશે. નીલભાઈ લખે છે કે ગૉલ્ડન ગ્લૉબ અને ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડમાં પણ અભિનેતા-અભિનેત્રી પોતે કેટલા ‘પ્રૉગ્રેસિવ’ છે તે બતાવશે. એવૉર્ડ સ્વીકારતાં ભાષણોમાં વંશીય ન્યાય, માધ્યમોનું સ્વાતંત્ર્ય, માનવ અધિકારો વગેરેની મોટીમોટી વાતો કરશે.

આનું એક કારણ તો એ છે કે ભારતમાં જેમ મોટા ભાગના કલાકારો મુંબઈમાં રહે છે તેમ અમેરિકામાં હૉલિવૂડના ૫૭ ટકા લોકો કાં તો કેલિફૉર્નિયામાં રહે છે અથવા તો ન્યૂ યૉર્કમાં. કેલિફૉર્નિયા અને ન્યૂ યૉર્ક સામાન્ય રીતે ડેમૉક્રેટિક પક્ષના મજબૂત ગઢ છે. આથી ડેમૉક્રેટ પક્ષને નાખુશ કરીને તમે હૉલિવૂડ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકો.  ફિલ્મ જગતમાં રહેવું હોય તો યૂનિયનના સભ્ય પણ રહેવું પડે. ચાહે તે સ્ક્રીન ઍક્ટર ગિલ્ડ હોય કે ઍક્ટર્સ ઇક્વિટી ઍસોસિએશન, આ યૂનિયનો મોટાભાગનાં સામ્યવાદી છે. (ડિટ્ટો ભારતીય ફિલ્મ જગત. ત્યાં પણ સામ્યવાદીઓ પહેલેથી જ ચોકો જમાવી બેસી ગયા છે.) કોઈ ગુંડો કોઈ વ્યક્તિને એક વાર માર પડે પછી તે વ્યક્તિ હંમેશાં ગુંડાથી દબાયેલી જ રહે છે, તેમ કૉંગ્રેસે કટોકટી (ઇમર્જન્સી) લાદી અને તે વખતે ફિલ્મ કલાકારોને સંજય ગાંધીના દરબારમાં ફરજિયાત કાર્યક્રમો કરવા પડેલા. તે પછી એટલી હદે ધાક પેસી ગઈ કે તમે ૮૦ના દાયકામાં આવેલા જિતેન્દ્ર, હેમા માલિની, શ્રીદેવી અભિનિત ‘જસ્ટિસચૌધરી’ ફિલ્મમાં જસ્ટિસ ચૌધરી બનેલા જિતેન્દ્રના ઘરમાં દીવાલ પર પં. નહેરુની તસવીર જોઈ શકો. અરે! ૨૦૦૮માં આવેલી આમીર ખાન નિર્મિત ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’માં પરેશ રાવલના પોલીસ મથકની દીવાલ પર ઈન્દિરા ગાંધીની તસવીર દેખાશે. નરેન્દ્ર મોદીજીના માનીતા અને ભાજપ માટે પ્રચાર પણ કરતા નિર્માતા-કલાકારોની સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નહેરુ કે ઈન્દિરાજીની તસવીર પૉલીસ મથકમાં જોવા મળી હતી. પરંતુ જો આજે કોઈ ફિલ્મમાં દીવાલ પર અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદીની તસવીર દેખાય તો આ લિબરલો હોબાળો મચાવી દે! (આ તસવીરો પણ અચેતન મગજમાં એક સંદેશ આપતી હોય છે. જો તેમ ન હોત તો ભાજપના નેતાઓ મંચ પર નરેન્દ્ર મોદી-અમિત શાહ કે કૉંગ્રેસના નેતાઓ મંચ પર સોનિયા-રાહુલની વિશાળ તસવીરો સાથેનું બૅનર ન લગાડતા હોત)

આમ, હૉલિવૂડ કે બૉલિવૂડમાં તમારે કામ કરવું હોય તો લિબરલ ટોળકીના ભાગ રહેવું જ પડે. કલાના જગતમાં કોઈ અનામત નથી હોતી કે કોઈ એવા નિયમો નથી હોતા કે જેના વિરુદ્ધ તમે કૉર્ટમાં જઈ શકો. ઈમરાન હાશ્મીને મુંબઈમાં ઘર ન મળે તો તે બૂમરાણ મચાવી શકે છે જેને મિડિયા હાઇપ પણ આપે છે પરંતુ વિવેક ઓબેરોય ઐશ્વર્યા રાયને અતિશય હેરાનગતિ કરનારા સલમાન ખાન સામે પડે તો વિવેકની કારકિર્દીને એટલું નુકસાન થાય કે તે ક્યારેય બેઠો થઈ શકતો નથી. (આમાં અભિનયક્ષમતાની જો કોઈ બુઠ્ઠી દલીલ કરે તો તે ન ચાલે કારણકે વિવેકે ‘કંપની’ જેવી હાર્ડ હિટિંગ, ‘સાથિયા’ જેવી રોમેન્ટિક ફિલ્મ કે પછી ‘મસ્તી’ જેવી સેક્સ કૉમેડી ફિલ્મો દ્વારા પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરેલી જ છે.) એટલે હૉલિવૂડમાં પણ આવું જ છે. અહીં જો તમે લિબરલોની ટોળીના ભાગ ન હો તો તમને કામ મળવું મુશ્કેલ છે. સ્ટેશી ડેશ જેવી જાણીતી અભિનેત્રી, ટીમ એલન જેવા પ્રસિદ્ધ અભિનેતા અને કૉમેડિયન, અભિનેતા કેલસી ગ્રામર, અભિનેત્રી એન્જી હાર્મન સાથે શું કર્યું આ લિબરલોએ તે આવતા અંકે. લિબરલોની દાદાગીરી અંગે ઘણીઘણી વાતો કરવાની છે. આ કૉલમ ચૂકવાનું પોસાશે નહીં.

(ક્રમશ:)

Advertisements
national, sanjog news, vichar valonun

ખેડૂતોનું શાંત આંદોલન સફળ કેમ રહ્યું?

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ,૧૮-૩-૧૮)

મહારાષ્ટ્રમાં ખેડૂતોએ સંયમિત ૧૮૦ કે ૨૦૦ કિમી લાંબી પગપાળા યાત્રા કાઢી પોતાના પ્રશ્નો પર સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું. તેમને માઓવાદી, નક્સલવાદી તરીકે ભાજપવાળા તરફથી કહેવાયા. જે હોય તે પરંતુ અંતે મહારાષ્ટ્ર સરકારે જરા પણ અહંકાર રાખ્યા વગર તેમની માગણીઓ સ્વીકારી લીધી, તેના કરતાં એમ કહેવું ઘટે કે સ્વીકારી લેવી પડી. આ રીતે આ ખેડૂતોનો એક મોટો વિજય કહી શકાય.
આ ખેડૂતોની શું માગણીઓ હતી? ખેડૂતોનું ધિરાણ માફ કરો, વીજળી બિલ માફ કરો, સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કરો, કૃષિ ઉત્પાદનો માટે લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરો અને ખેડૂતોને પેન્શનની સ્કીમ આપો.

શું આ ખેડૂતોએ આ આંદોલન પહેલી વાર કર્યું હતું? નહીં. તે પહેલાં ગયા વર્ષે જૂન અને ઑગસ્ટમાં દેશનાં અનેક રાજ્યોમાં કર્યું હતું અને તેનું કારણ હતું ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા ભાજપે ખેડૂતોને ધિરાણ માફીનું વચન આપેલું અને તે ચૂંટણી જીત્યા પછી પાળ્યું પણ ખરું. એટલે સ્વાભાવિક છે કે બીજાં રાજ્યોમાં આ પ્રકારની રાહત મેળવવા ખેડૂતો પ્રેરાય અથવા તેમને ઉશ્કેરવામાં આવે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવી ભાજપ માટે ત્રણ રીતે મહત્ત્વની હતીઃ એક તો, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવી હોય તો આ જીત અગત્યની હતી. બીજું, રાજ્યસભામાં ભાજપે બહુમતી તરફ આગળ વધવું હોય તો દેશનાં સૌથી મોટા રાજ્યો પૈકીનું એક આ રાજ્ય જ્યાં રાજ્યસભાની કુલ ૩૧ બેઠકો છે તેમાંથી ભાજપના મોટા ભાગના સભ્યો જીતે તે જરૂરી હતું અને ત્રીજું, ૨૦૧૪ની ચૂંટણીમાં વારાણસી અને વડોદરા પરથી જીત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની બેઠક જાળવી છે. તેથી નરેન્દ્રભાઈના મતવિસ્તાર સમા રાજ્યમાં ભાજપ જીતે તે પણ અગત્યનું હતું. એટલે ભાજપે બધા જ પ્રયત્નો કર્યા અને તેમાં આ ખેડૂતોના ધિરાણની માફીવાળું વચન પણ સમાવિષ્ટ હતું.

આ વચન પાળ્યા પછી સ્વાભાવિક છે કે વિરોધ પક્ષો પણ ખેડૂતોને ઉશ્કેરવામાં જોડાય અને તે વખતે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આંદોલનો થયાં. મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તરત જ માગણીઓ માની લીધી જેમાં ધિરાણ માફીનો પણ સમાવેશ થતો હતો. તે વખતે આંદોલન હિંસક અને નકારાત્મક બંને રીતે હતું. હિંસક એ રીતે કે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં જે ટ્રકો શાકભાજી વગેરે લઈને જતા હતા તેમને રોકાયા અને તોડફોડ કરાઈ. નકારાત્મક એટલા માટે કે ખેડૂતોએ દૂધ અને બીજી ચીજ રસ્તા પર ફેંકી દીધી અને હાઇ વે બ્લૉક કરી દીધા.

પરંતુ તે સમયે ફડણવીસે માગણીઓ માની લીધી તેમાં ખેડૂતોને એવું લાગ્યું અથવા તેમને સમજાવાયું કે જે શરતોએ ધિરાણ માફી કરાઈ છે તે છેતરામણી છે અને તેનાથી ખેડૂતોને લાભ નથી અને પરિણામે આ આંદોલન થયું.

આ આંદોલન પાછળ કોણ છે? સ્વાભાવિક છે કે ટીવી પર કે અખબારોમાં દાતરડું અને હથોડી સાથેના ધ્વજવાળા ખેડૂતોની તસવીરો જોઈને ખ્યાલ આવી જાય કે આ આંદોલન પાછળ સામ્યવાદીઓ છે. અખિલ ભારતીય કિસાન સભાએ તેની સંચાલક અને આયોજક હતી અને આ સંગઠન સામ્યવાદી સીપીએમની ખેડૂત પાંખ છે.

સીપીઆઈ (એમ)ના નેતા અને મહારાષ્ટ્રમાં સામ્યવાદીઓના એક માત્ર પ્રતિનિધિ ધારાસભ્ય જિતુ પાંડુ ગાવિત પણ આ આંદોલન પાછળનું એક ભેજું કહેવાય છે. ગાવિત સાત વાર નાશિકમાંથી ચૂંટાયા છે. આદિવાસી છે. આથી ખેડૂતોની સાથે આદિવાસીઓ પણ ભળ્યા છે.
એટલે આ આંદોલનને સામ્યવાદી કહીને નકારી કાઢવું સહેલું છે અને સગવડભર્યું પણ છે. ભાજપના સમર્થકોને તે વાત ગળે ઉતરી પણ જશે. પરંતુ સામા પક્ષે એ પણ જોવું રહ્યું કે ભાજપને સત્તા મળે છે ત્યાં સંઘ પરિવારનાં સંગઠનો પોતાનો અવાજ બરાબર રજૂ કરી શકતા નથી તેવી એક છાપ એટલા માટે ઉપસે છે કારણકે સંઘ પરિવારમાં બંધ બારણે સમન્વય વધુ થતું હોય છે. અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે સંઘ પરિવારનાં સંગઠનો બોલકાં હતાં અને તેના કારણે મિડિયાને મસાલો મળી રહેતો હતો. આથી એ સરકારનો અડધો સમય તો સ્પષ્ટતાઓ આપવામાં જતો હતો અને સરકાર નબળી તેમજ સંઘની કઠપૂતળી જેવી ઉપસતી હતી.
નરેન્દ્ર મોદીને પોતાની આવી છબી પસંદ નથી.. તેથી ગુજરાત હોય કે કેન્દ્ર, તેમણે સંઘ પરિવારની સંસ્થાઓ સાથે સમન્વય માટે બંધ બારણાની રીત અપનાવી છે. પરંતુ આમાં કેટલીક વાર સમન્વય થતું દેખાતું નથી. વળી, મોદીની પદ્ધતિ એવી છે કે કોઈ સમુદાયને હંમેશ માટે સરકાર પર આધારિત બનાવી રાખવાના બદલે તેને અન્ય મદદ કરીને સ્વાવલંબી બનાવો. આથી, ઉત્તર પ્રદેશની ચૂંટણીને બાદ કરો તો તેમણે મોટા ભાગે આવાં વચનો આપવાનું ટાળ્યું છે જે કોઈ સમુદાયને પરાવલંબી અને સરકાર આધારિત બનાવેલો રાખે અને તેમાંથી મતો ઉસેડ્યા કરાય. એટલે તો કૉંગ્રેસે ગુજરાતમાં ખેડૂતોનું દેવુ માફ કરવું અને બેરોજગારોને રોજગારી ભથ્થું આપવાં સહિતનાં વચનો આપેલાં તો પણ મોદીને વિશ્વાસ હતો કે ગુજરાતમાં આવાં લોભામણાં વચનો વગર ચૂંટણી જીતી શકાશે એટલે ભાજપે આવાં કોઈ વચનો આપેલાં નહીં.
પરંતુ જેમ ભાજપ વિપક્ષમાં હોય ત્યારે રાજનીતિ રમે તેમ કૉંગ્રેસ-સામ્યવાદી વગેરે વિપક્ષો પણ રાજનીતિ રમવાના જ. ભારતીય કિસાન સંઘ, સંઘ પરિવારના નામે ખેડૂતોના પ્રશ્નો પર મનાવી ન શકે તો તેનો લાભ સામ્યવાદી કે કૉંગ્રેસ પ્રેરિત ખેડૂત સંગઠનો લેવાના જ. અને જ્યારે એક પછી એક રાજ્યમાંથી કૉંગ્રેસનો સફાયો થઈ રહ્યો હોય ત્યારે તો ખાસ. તેમાં વળી સામ્યવાદીઓ પણ જોરશોરથી ભળ્યા. આમ તો ૨૦૧૫માં એવોર્ડ વાપસી નાટક એ કૉંગ્રેસ-સામ્યવાદીઓની મિલીભગતનું પરિણામ જ હતું. પરંતુ ત્રિપુરામાંથી સામ્યવાદીઓની સરકાર ભાજપે ઉખાડી ફેંકી તેથી સામ્યવાદીઓ હવે વિફરવાના. જે રીતે ત્રિપુરામાં લેનિનની પ્રતિમા તોડી પડાઈ તે પછી પશ્ચિમ બંગાળમાં ભાજપના પૂર્વાવતાર જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા તોડી પડાઈ છે તે જોતાં આવનારા દિવસોમાં કૉંગ્રેસ-સામ્યવાદીઓ હવે વધુ વેગથી સરકારને ઘેરવા પ્રયાસ કરવાના છે. એટલે આ તો હજુ પાશેરામાં પૂણી (મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની ચૂંટણીમાં હાર પછી) જેવું કહી શકાય.

સામે પક્ષે ખેડૂતોની શિસ્ત અને આત્મસંયમની પણ ખૂબ જ પ્રશંસા થઈ રહી છે અને થવી જ જોઈએ. આ ગરમીમાં (હજુ કાળઝાળ નથી તો પણ) બહાર નીકળવાનું મન સ્કૂટર હોય કે કાર, આપણા કૂણા, નાજુક શહેરીજનોને થતું નથી, ત્યારે ખેડૂતો અને આદિવાસીઓ સ્લિપર પહેરીને ૧૮૦ કિમી જેટલું અંતર ચાલીને કાપે એ નવાઈની વાત જરૂર છે, પણ જ્યારે કોઈ સહારો ન રહે ત્યારે મજબૂર લોકો કરે પણ શું! વળી, દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રએ પહોંચવામાં તકલીફ ન પડે તેથી મુંબઈમાં તેમણે કેટલાય કિલોમીટર રાત્રે ચાલવાનું પસંદ કર્યું તે પણ આ ઓછું ભણેલા લોકોના વખાણ માટેનું એક કારણ જરૂર છે. અહીં અમદાવાદમાં જે દિવસે દસમા અને બારમાની પરીક્ષા શરૂ થઈ તે જ દિવસે બપોરે ૧૦ કે ૧૧ વાગ્યા આસપાસ વરઘોડો નીકળ્યો હતો-ગાજેબાજે કે સાથ. અડધીથી પોણી કલાક સુધી એણે ઘોંઘાટ કર્યો. તેમાંના કોઈને વિદ્યાર્થીઓની ચિંતા ન થઈ. ન તો કોઈ માબાપે તેમને ટપાર્યાં. એટલે શહેરના ભણેલા લોકો કરતાં ઘણી વાર આ ઓછું કે સાવ નહીં ભણેલા લોકોની ‘મેનર્સ’ સારી તેવું ફરી સ્થાપિત થયું. ન કોઈ ટ્રાફિક જામ તેમણે સર્જ્યો, ન કોઈ તોડફોડ કે આગચંપી તેમણે કરી. મુંબઈ જેવા શહેરને ગામડાની લોક સંસ્કૃતિથી તેમણે પરિચિત પણ કરાવ્યું. તેમની સમસ્યાઓ જરૂર હતી પરંતુ મોટા ભાગનાં આંદોલનોમાં થતી હોય છે તેમ ગીત-સંગીતની મસ્તી હતી પરંતુ અન્ના આંદોલનમાં આવી શહેરી મસ્તી હતી જ્યારે અહીં ખરેખર લોકગીત-લોકસંગીતની મસ્તી હતી. એટલે શાંતિપૂર્ણ રીતે પણ સફળ આંદોલન કરી શકાય છે તેવું તેમણે સ્થાપિત કર્યું. તેમાં સકુબાઈ જેવાં ઘણાના પગ છોલાઈ ગયા. પગે પાટા બાંધવા પડ્યા.

જોકે આ સફળ આંદોલન છતાં પ્રશ્ન એ પણ છે કે જો ખેડૂતોની મત બૅંક ન હોત તો સરકાર ઝૂકત ખરી? અને આ વાક્યમાં એક શબ્દ ઉમેરવો જોઈએ કે ખેડૂતોની સંગઠિત મત બૅંક. કારણકે સંગઠિત મત બૅંકથી ફેર પડે છે. એક સામટા ઢગલો મત કોઈ એક રાજકીય પક્ષ તરફ પડે તે મોટો તફાવત સર્જતો હોય છે. બાકી, શાંતિપૂર્ણ આંદોલન તો મિઝોરમની ‘લોખંડી મહિલા’ તરીકે ઓળખાતી આઈરોમ શર્મિલાએ તો પોતે ૨૮ વર્ષનાં હતાં (ઈ.સ.૨૦૦૦) ત્યારથી દિલ્લીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું ત્યારથી ૨૦૧૪ સુધી તેમનું ઉપવાસ આંદોલન ચાલે. બહુ ખેંચાય એટલે દર વખતે સરકાર તેમની આત્મહત્યાના પ્રયાસ હેઠળ ધરપકડ કરે, હૉસ્પિટલમાં લઈ જવામાં આવે અને તેમની સારવાર કરી પછી પોલીસ છોડી મૂકે.

અલબત્ત, મણિપુરમાં આસામ રાઇફલ્સના જવાનોએ ૧૦ જણાને મારી નાખ્યા તેની સામે શર્મિલાનું આંદોલન હતું. એટલે એમ કહી શકાય કે મણિપુર જેવા બળવાખોરીથી ધમધમતા રાજ્યમાં આફ્સ્પા ખેંચવાની માગણી યોગ્ય નહોતી, પરંતુ વિચાર કરો કે ખેડૂતોની જેમ સંગઠિત થઈને વિરોધ કર્યો હોત તો?

મધ્યમ વર્ગ બોલકો છે, પરંતુ સંગઠિત નથી. આથી તેમની માગણીઓ પર ક્યારેય કોઈ વિચારતું નથી. આવું જ વેપારી વર્ગનું પણ છે, પરંતુ આની સામે દલિત, સ્ત્રીઓ, લઘુમતી જેવી નક્કર સંગઠિત મત બૅંક દ્વારા જ્યારે સંગઠિત વિરોધ થાય ત્યારે સરકાર મોટા ભાગે ઝૂકે જ છે. પ્રશ્ન એ છે કે કેટલાં શાંત આંદોલનોમાં સરકાર ઝૂકી? જ્યારે સરકાર સંવેદનશીલ થઈ મહારાષ્ટ્રની જેમ શાંત આંદોલનોને સાંભળવા લાગશે ત્યારે આ દેશમાં સાચો ગાંધીવાદ આવશે. બાકી, નક્સલવાદને લાવવા ચીનના પીઠબળથી કેટલાક લોકો તૈયાર જ બેઠા છે.

international, sanjog news, terrorism, vichar valonun

સાઉદી અરેબિયા અને ઈરાનનો ટકરાવ ત્રીજું વિશ્વ યુદ્ધ છેડશે?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૩/૧૨/૧૭)

 ગયા રવિવારે ૨૬ નવેમ્બર હતી, પરંતુ આપણે મુંબઈ પર નવ વર્ષ પહેલાં થયેલો ભયાનક હુમલો ભૂલી ગયા. મીણબત્તી ગેંગ ક્યાંક ગૂમ થઈ ગઈ! ભારતની પ્રજા જૂના ઇતિહાસને પણ ભૂલી જાય છે અને નજીકનાને પણ. એવું ન હોત તો મુંબઈમાં ત્રાસવાદી હુમલા પછી તરત જ ૨૦૦૯માં થયેલી લોકસભાની ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ-એનસીપીનું ગઠબંધન કઈ રીતે વિજેતા બન્યું હોત કેમ કે ૨૦૦૮ના એ હુમલા દરમિયાન ન માત્ર સરકારનું જાસૂસી તંત્ર ઉંઘતું ઝડપાયેલું પરંતુ સુરક્ષાના પણ લીરા ઉડ્યા હતા. એ તો ઠીક, પણ આ હુમલાઓ પછી ઘા પર મીઠું ભભરાવતા હોય તેમ એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહ પ્રધાન આર. આર. પાટીલે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના શાહરુખ ખાન જેવો ડાયલોગ મારતા કહેલું, ‘મોટાંમોટાં શહેરોમાં આવી નાનીનાની ઘટનાઓ બનતી રહે છે’!

તે વખતે કૉંગ્રેસના કેન્દ્રીય સરકારના ગૃહ પ્રધાન શિવરાજ પાટીલે પોતાને એનએસજીના કમાન્ડો સાથે આવવાનું હતું અને ફ્લાઇટને મોડી કરાવી હતી તેવા બિનસત્તાવાર અહેવાલો હતા, પરંતુ સત્તાવાર વાત એ હતી કે આ પછી તેમને ગૃહ પ્રધાન પદેથી દૂર કરાયા હતા.

સારી વાત એ છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં મોદી સરકારમાં જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓના હુમલા, પઠાણકોટના સેના ડેપો પર હુમલો આ બનાવોને બાદ કરતાં દેશમાં અન્યત્ર આતંકવાદીઓએ ત્રાટકવાની હિંમત કરી નથી. પરંતુ એનાથી નિશ્ચિંત થઈને ઊંઘી જવા જેવું નથી, કેમ કે આ દેશમાં હજુ પણ ત્રાસવાદીઓને સમર્થન આપનારાં તત્ત્વો છે જ…

પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તોઇબાના ત્રાસવાદી હાફીઝ સઈદને છોડી મૂકાયો તે વાત પર ઉત્તર પ્રદેશના લખીમપુર શહેરમાં ઉજવણી કરાઈ હોવાના સમાચાર છે. ૨૪ નવેમ્બર ને શુક્રવારે સવારે શિવપુરી વિસ્તારની બેગમબાગ કૉલોનીના કેટલાક રહેવાસીઓએ પોતાનાં ઘરોને લીલા ધ્વજથી શણગાર્યા હતાં અને ‘હાફીઝ સઈદ ઝિંદાબાદ’ તથા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ જેવાં સૂત્રોચ્ચાર કર્યા હોવાની જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવામાં આવી હતી. પોલીસને આ વાતની ખબર હતી જ, પરંતુ પોલીસે તેને ગંભીરતાથી ન લીધી! જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ થતાં તેમણે પોલીસને તાકીદ કરી. તેથી પોલીસ ઊંઘમાંથી જાગી.

દરમિયાનમાં સાઉદી અરેબિયાથી સમાચાર મળી રહ્યા છે કે તેણે ૨૬ નવેમ્બર ને રવિવારે ૪૦ ઇસ્લામિક દેશો સાથે ઇસ્લામિક મિલિટરી કાઉન્ટર ટેરરિઝમ એલાયન્સ (આઈએમસીટીસી)ની પહેલી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આપણને ખુશી થાય તેવા સમાચાર એ છે કે આ બેઠક જેની હતી તેનું નામ ઇસ્લામિક કાઉન્ટર ટેરરિઝમ એલાયન્સ છે! ભારતમાં બુદ્ધુજીવીઓ અને સેક્યુલરો કહે છે કે શીશશશ…ત્રાસવાદ જ કહો. તેને ધર્મનું નામ ન આપો. પણ સાઉદી અરેબિયા કહે છે કે અમે પણ ઇસ્લામિક ત્રાસવાદથી પીડિત છીએ. સાઉદીમાં રિયાધમાં ૨૦૦૦ના વર્ષમાં કાર બૉમ્બ વિસ્ફોટમાં બ્રિટિશ નાગરિક ક્રિસ્ટૉફર રૉડવે અને તેની પત્નીનું મૃત્યુ થયું હતું. ત્યારથી લઈને આ વર્ષ સુધી સાઉદી અરેબિયામાં અનેક ત્રાસવાદી હુમલાઓ થયા છે. અરે! મુસ્લિમો માટે તીર્થ જેવા મદીનામાં મોહમ્મદ સાહેબની મસ્જિદ બહાર મગરીબ (સાંજ)ની નમાઝના થોડા સમય પહેલાં હુમલો થયો હતો જેમાં ચાર પોલીસ અધિકારી માર્યા ગયા હતા!

આ સાઉદી અરેબિયાએ ૪૦ દેશો સાથે મળીને ઇસ્લામિક મિલિટરી કાઉન્ટર ટેરરિઝમ એલાયન્સ બનાવ્યું છે. હસવું આવે તેવી વાત એ છે કે તેમાં ચોરને જ પોલીસ ઇન્સ્પેક્ટર બનાવાયા છે એટલે કે પાકિસ્તાનના સેનાના પૂર્વ અધ્યક્ષ રાહીલ શરીફને આ એલાયન્સના પહેલા કમાન્ડર ઇન ચીફ બનાવાયા છે! ચોરો મળીને એમ કહે કે અમે ચોરી અટકાવવા સક્રિય બનશું તેમ સાઉદી અરેબિયાના નેતૃત્વમાં રિયાધમાં મળેલી આ એલાયન્સની બેઠકમાં સાઉદી અરેબિયાના યુવરાજ મોહમ્મદ બિન સલમાને સંકલ્પ વ્યક્ત કર્યો કે “જ્યાં સુધી પૃથ્વી પરથી ત્રાસવાદીઓનો સફાયો ન થઈ જાય ત્યાં સુધી અમે તેમનો પીછો કરીશું.”

જોકે અહીં એ અર્થ નિહિત છે કે આ ત્રાસવાદીઓ એટલે ઈરાન પોષિત શિયા ત્રાસવાદીઓ કારણકે આ મોરચામાં ઈરાન, ઈરાક કે સિરિયાને બાકાત રાખવામાં આવ્યા છે. કતારે પણ પોતાના કોઈ પ્રતિનિધિને આ નાટકમાં જોડાવા મોકલ્યો નહોતો. આવાં ૧૦૦થી વધુ ત્રાસવાદી જૂથો હોવાનું કહેવાય છે. પરંતુ તેઓ સુન્ની ત્રાસવાદીઓ જેટલા ખતરનાક નથી, અને તે મધ્ય પશ્ચિમ (મધ્યપૂર્વ તો અમેરિકા વગેરે પશ્ચિમી દેશો માટે થયું, આપણે શા માટે મધ્ય પૂર્વ કહેવું જોઈએ?)ના દેશોમાં વધુ સક્રિય છે. જ્યારે સુન્ની ત્રાસવાદી સંગઠનો તો સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યા છે.

સાઉદી અરેબિયાએ આ કંઈ પહેલી વાર ત્રાસવાદીઓને નિર્મૂળ કરવાની વાત નથી કરી. ૨૦૧૫માં જ્યારે આ મોરચો રચાયો ત્યારે પણ સાઉદી અરેબિયાએ આવી જ ડાહીડાહી વાતો કરી હતી. આ મોરચાનો ઉદ્દેશ પશ્ચિમી દેશોના ટીકાકારોને શાંત પાડવાનો છે. આટલા બધા ત્રાસવાદી હુમલા અને તે પણ પશ્ચિમી દેશોમાં થવા લાગ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે પશ્ચિમી દેશોની જનતા પણ તેમના સાઉદી અરેબિયા સાથેના સંબંધો અંગે જાગે અને તેની ટીકા પણ કરે.

અમેરિકાની જનતા તેના દેશના સાઉદી અરેબિયાની સાથે અનૈતિક સાંઠગાંઠથી દુઃખી હતી, તેનો લાભ ઉઠાવવા ડૉનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના પ્રમુખ પદ માટેના પ્રચારમાં ન્યૂ યૉર્કમાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના હુમલા માટે સાઉદી અરેબિયાની સરકારને જવાબદાર ઠરાવી હતી, પરંતુ જે રીતે ભારતમાં વિરોધ પક્ષમાં હોય ત્યારે પાકિસ્તાનને ગાળો દેતો ભાજપ સરકારમાં આવી ગયા પછી પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ દેવાનું ભૂલી જાય છે તેમ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાનો પહેલો જ વિદેશ પ્રવાસ સાઉદી અરેબિયાનો કર્યો હતો જેમાં સાઉદી અરેબિયાએ તેમને ૮૩ જેટલી મોંઘીમોંઘી ભેટો આપી હતી. આમ તો આ પ્રવાસ ગત મે મહિનામાં થયો હતો પરંતુ વાત બહાર આવી ગત સપ્ટેમ્બરમાં, આપણા આરટીઆઈની જેમ ત્યાં ફ્રીડમ ઑફ ઇન્ફૉર્મેશન છે તેના દ્વારા.

જોકે એક સારી વાત એ બની કે મે મહિનાના પોતાના પ્રવાસ દરમિયાન સાઉદી અરેબિયાની ધરતી પર ડૉનાલ્ડ ટ્રમ્પે માન્યું કે ભારત ત્રાસવાદનો ભોગ બનેલું છે. અગાઉ તો ભારતની સરકારો કહી કહીને થાકી ગઈ પણ અમેરિકા માનવા જ તૈયાર નહોતું કે ભારત સરહદ પારના ત્રાસવાદનો શિકાર છે. જ્યારે અમેરિકાના નાક નીચે પાણી પહોંચ્યું ત્યારે તેણે સ્વીકાર્યું.

અમેરિકાના સાઉદી અરેબિયા સાથેના સંબંધો નિતાંત સ્વાર્થના છે. આ સંબંધોની શરૂઆત ૧૯૪૫થી થઈ હતી જ્યારે અમેરિકાના પ્રમુખ ફ્રૅન્કલીન ડી. રૂઝવેલ્ટ સાઉદી અરેબિયાના સ્થાપક રાજા અબ્દુલ અઝીઝને મળ્યા હતા. એ વખતે બંને વચ્ચે એક સોદો થયો હતો- અમેરિકા તેને સુરક્ષા આપશે જ્યારે સાઉદી બદલામાં તેને તેલ (ઑઇલ) આપશે. અમેરિકાના કોઈ પ્રમુખે આ લાઇન છોડી નથી. અમેરિકા જેમાંથી જન્મ્યું તે બ્રિટનને પણ સાઉદીમાં રસ છે અને તેનું કારણ એ છે કે સાઉદી અરેબિયા યુકેનાં શસ્ત્રોનો સૌથી મોટા ખરીદનારા પૈકીનું એક છે. એટલે જ વડાં પ્રધાન થેરેસા મેએ એક સત્તાવાર અહેવાલ દબાવી દીધો હતો જેમાં ત્રાસવાદીઓને નાણાં ભંડોળ પૂરું પાડવામાં સાઉદી અરેબિયાની સૌથી મોટી ભૂમિકા હોવાની વાત સ્પષ્ટપણે જણાવાઈ હતી. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના ન્યૂ યૉર્ક હુમલાના ૧૯ અપહરણકારો પૈકી ૧૫ સાઉદી નાગરિકો હતા તો પણ અમેરિકાને કોઈ વાંધો નથી. આ બાબતે તે ગાંધીજીના ત્રણ વાંદરા જેવી ભૂમિકામાં આવી જાય છે. અમેરિકાના વિદેશ વિભાગના એક દસ્તાવેજમાં પણ એ વાત જાહેર થઈ હતી કે સાઉદી જ ત્રાસવાદીઓને સૌથી વધુ નાણાં ભંડોળ પૂરું પાડે છે, પરંતુ અમેરિકાને તેનાથી કોઈ ચિંતા નથી.

જોકે અમેરિકા નાક દબાવવા માગતું હોય કે પછી હવે તેનું પોતાનું ઑઇલ પ્રૉડક્શન વધતાં ગરજ ઓછી થઈ હોય, અમેરિકામાં સાઉદી અરેબિયાને શસ્ત્રો વેચવા સામે સાંસદોનો વિરોધ વધી રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૧ અબજ ડૉલરની કિંમતની અમેરિકાની બનાવટની ટૅન્ક અને અન્ય શસ્ત્રો વેચવા સામે સેનેટમાં ખરડો લાવવામાં આવ્યો હતો, તે ૭૧ વિરુદ્ધ ૨૭ મતે પરાસ્ત થયો હતો, પરંતુ આ વર્ષે જૂનમાં ૫૧ કરોડ ડૉલરના પ્રિસિશન ગાઇડેડ મ્યુનિશન સાઉદીને વેચવા સામેનો ખરડો ૫૩ વિરુદ્ધ ૪૭ મતે પરાજય પામ્યો હતો. આ બિલના કૉસ્પૉન્સર અને ડેમોક્રેટિક સેનેટર ક્રિસ મર્ફીનું કહેવું છે કે “હું સાઉદી અરેબિયાને બિનલોકશાહી દેશ માનું છું જે વિશ્વ ભરમાં ત્રાસવાદનું સમર્થન કરી રહ્યું છે.”

દરમિયાનમાં, તાજેતરમાં રિયાધ ઍરપૉર્ટ પર ઈરાને બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યાનો સાઉદીએ આક્ષેપ કર્યો છે. મિસાઇલોને વચ્ચે જ આંતરી લેવાઈ હતી. પરંતુ સાઉદી અરેબિયા કહે છે કે “અમે આને યુદ્ધની જાહેરાતરૂપે ગણીએ છીએ.” નિષ્ણાતો માને છે કે આ બાબત ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત માટેનો મુદ્દો હોઈ શકે છે અને તે માત્ર મધ્ય પશ્ચિમ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક હોઈ શકે છે. સાઉદી અરેબિયા અને ઈરાન યમન, સિરિયા, કતાર અને લેબેનોનના કારણે ટકરાઈ રહ્યા છે. લેબેનોનમાં ઈરાન સમર્થિત ત્રાસવાદી જૂથ હિઝબુલ્લાએ આક્ષેપ કર્યો છે કે ત્યાંના વડા પ્રધાન સાદ અલ હરીરીએ સાઉદીના દબાણથી રાજીનામું આપવું પડ્યું છે અને સાઉદીએ તેના પર યુદ્ધ જાહેર કર્યું છે.

આ તરફ, પાકિસ્તાનમાં ચૂંટણી લડતા ઉમેદવારોએ લેવાના શપથમાં સુધારો કરાયાના વિરોધમાં લોકો રસ્તા પર નીકળી પડ્યા છે. આ વિરોધ સાવ ખોટેખોટો છે કારણકે શપથમાં સુધારો કરાયો પરંતુ તે પાછો ખેંચી લેવાયો છે. એટલે ઈશનિંદા થઈ હોવાની વાત પૂરી થઈ ગઈ છે, પરંતુ વિરોધીઓની પિન કાયદા પ્રધાન ઝહીદ હમીદના રાજીનામા પર ચોંટી ગઈ છે. આ વિરોધ પાકિસ્તાનના એક રાજકીય પક્ષ તહેરીક-એ-લબાયક પાકિસ્તાન નામના પક્ષ દ્વારા પ્રેરિત છે. તે પાકિસ્તાનમાં શરિયતના કાયદાનું શાસન ઈચ્છે છે. ૨૦૧૮માં પાકિસ્તાનમાં લોકસભાની ચૂંટણી છે. જેમ ગુજરાતમાં ૨૦૧૫માં અચાનક આંદોલનો ફૂટી નીકળ્યાં તેમ પાકિસ્તાનમાં પણ આ ઈશનિંદાનો લાભ લઈ આ વિરોધને વધુ ભડકાવવામાં અને હિંસક બનાવવામાં આવી રહ્યો છે. તહેરીક-એ-લબાયક આ વિરોધનો લાભ લઈ ૨૦૧૮ની ચૂંટણી જીતવા માગે છે અને નવાઝ શરીફના પક્ષ મુસ્લિમ લીગ (એન)ની સરકાર વિરોધીઓ પર પોલીસને છોડીને આંદોલન બંધ કરવાથી તે વધુ ભડકશે તેવી બીકથી ફૂંકી ફૂંકીને છાશ પીવા માગે છે. ભારતની સરકારથી લઈને નિષ્ણાતોને ભય છે કે આ સ્થિતિનો લાભ લઈ પાકિસ્તાનમાં લશ્કરી શાસન સ્થપાઈ શકે છે અને હાફીઝ સઈદ જેલમાંથી છૂટ્યો છે તે જોતાં ત્રાસવાદીઓના હાથમાં પણ સત્તા આવી શકે છે.

આમ, ૨૦૧૭ના અંતના સંકેત સારા જણાતા નથી.

international, national, society

૩૧મી ડિસેમ્બરે છેડતી: બેંગલુરુથી લઈ જર્મની સુધી…

(સંકલન શ્રેણી પાક્ષિક તા., ૨૧/૦૧/૧૭ની કવર સ્ટોરી)
મનોજકુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’માં ‘હૈ પ્રીત જહાં કી રીત સદા’ ગીત બહુ જાણીતું છે. આ ગીત સાંભળીને દેશભક્તિ ચાર ચાસણી ચડી જાય. તેમાંય ‘જહાં રામ અભી તક હૈ નર મેં, નારી મેં અભી તક સીતા હૈ’ પંક્તિ તો અદ્ભુત. આ પંક્તિ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતી હતી. પરંતુ હવે શું આ પંક્તિ સાર્થક રહી છે ખરી? આ દેશનાં નર-નારી રામ અને સીતા જેવાં રહ્યાં છે ખરાં? આ પ્રશ્ન એટલે ઉપસ્થિત થાય છે કે ૩૧મી ડિસેમ્બરે બેંગાલુરુમાં અનેક મહિલાઓની છેડતી થઈ.

૩૧મી ડિસેમ્બરે બેંગલુરુમાં શું બન્યુ હતું? આમ તો, કેલેન્ડરનો ઇતિહાસ અને વર્તમાન એવું કહે છે કે દુનિયામાં મોટા ભાગે વસંત ઋતુમાં જ નવું વર્ષ ઉજવાય છે. તેના પર આ લેખકે મુંબઈ સમાચારની કૉલમ સિક્કાની બીજી બાજુમાં લખેલું નવું વર્ષ ક્યારે? કાલે? કે ચૈત્ર સુદ એકમે? કે ૧ જાન્યુઆરીએ? જે તમે http://wp.me/phzA7-Ei પર વાંચી શકશો. પરંતુ ચાલો માની લઈએ કે ૩૧મી ડિસેમ્બર એ હવે મોટા ભાગે સ્વીકૃત ગ્રેગોરિયન કેલેન્ડરનો વર્ષનો અંતિમ દિવસ છે અને તેની ઉજવણી ધામધૂમથી થાય છે તો, તે મુજબ બેંગલુરુમાં પણ તેના માટે યુવાનો-યુવતીઓ શેરીઓમાં ઉમટી પડ્યા હતા. આપણું નવું વર્ષ કે નવો દિવસ સૂર્યોદયથી શરૂ થાય છે. પરંતુ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, તારીખ મધ્ય રાત્રિ ૧૨ વાગ્યાથી બદલાય છે અને એટલે લોકો બરાબર રાત્રે બાર વાગ્યે નવા વર્ષને આવકારવા રસ્તા પર ઉમટી પડે છે.

બેંગલુરુમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એમ. જી. માર્ગ અને બ્રિગેડ માર્ગ પર  ૧,૫૦૦ પોલીસ જવાનો ફરજ પર હાજર હતા. આમ છતાં માહોલની અસર હોય કે પછી ખરેખરા ગુંડા, (કારણકે ઘણા સામાન્ય લોકો પણ માહોલની અસરમાં બહેકી જતા હોય છે) કેટલાક યુવાનોએ યુવતીઓ પ્રત્યે ખરાબ ટીપ્પણીઓ કરવાનું ચાલુ કર્યું. તેમનાં અંગ-ઉપાંગોને છેડવા લાગ્યા. કેટલીક યુવતીઓ રડતી રડતી મહિલા પોલીસ તરફ ભાગવા લાગી. એક પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, અનિયંત્રિત ટોળામાં ઝડપાઈ ગયેલી યુવતીઓની સાથે કોઈ પુરુષ (મિત્ર, ભાઈ કે પિતા) નહોતો. તેમણે મહિલા પોલીસ પાસે દોડી જઈ રક્ષણ માગ્યું.

આ હજુ ઓછું હોય તેમ બીજો એક આઘાતજનક સીસીટીવી વિડિયો બહાર આવ્યો જેમાં બાઇક પર આવેલા બે યુવાનો એક યુવતીની છેડતી કરે છે. આ કિસ્સામાં જે પીડિતા હતી તે ઈશાન ભારતની હતી. ઈશાન ભારતના યુવાનો-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ માટે દિલ્લી-બેંગલુરુ જેવા શહેરમાં જતા હોય છે અને ત્યાં તેમની સાથે ખરાબ વર્તન થાય છે, તે જાણીતું છે અને ચિંતાજનક પણ છે.

જોકે, આ વિડિયોમાં જે દૃશ્યો છે તે કેટલાક પ્રશ્નો પણ ઉઠાવે છે. નવ વર્ષની ઉજવણી મધ રાત સુધી ચાલે પરંતુ અહીં વિડિયોમાં યુવતી આવે છે તે સમય ૨.૪૦નો બતાવે છે. આટલા મોડા સમયે યુવતી તો શું, કોઈ યુવકની સાથે પણ દુર્વ્યવહાર કે ચોરી-લૂટ થઈ શકે છે. વિડિયોમાં હકીકતે છ યુવાનો છે. અને વિસ્તાર રહેવાસી છે, પરંતુ તેમાં બે યુવતી પણ છે. બંને એક જ રિક્ષામાંથી આવતી જણાય છે. પરંતુ તેમણે રિક્ષા છેક ઘર સુધી લેવાના બદલે ગલીના નાકે ઊભી રાખી દીધી. તેમાંથી પહેલાં એક યુવતી ઉતરે છે. મવાલીઓ તેને કંઈ કરતા નથી. બીજી યુવતીને જ છેડે છે. આ વિડિયો જોયા પછી એવું લાગે કે કદાચ બંને યુવતીઓ સાથે આવી હોત તો મવાલીઓની આવી હિંમત ન થાત. પરંતુ પ્રશ્ન એ પણ છે કે એમ. જી. રોડ અને બ્રિગેડ રોડ પર ૧,૫૦૦ પોલીસ અને અનેક યુવાનોની હાજરીમાં કેટલાક બદમાશો અનેક યુવતીઓની છેડતી કરી શકે છે તો પછી આ તો સૂમસામ વિસ્તાર દેખાય છે.

દિલ્લીના મુખર્જી નગર વિસ્તારમાં ટોળાએ બાઇક પર સવાર એક યુવતીની છેડતી કરી હતી. તે વખતે પોલીસ જવાન તેને બચાવવા જતાં ટોળાએ પોલીસ જવાનને પણ ધક્કો મારી દીધો હતો! એટલું જ નહીં, ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ સહિત પોલીસની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ટોળાએ બાદમાં તે વિસ્તારની પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી. પોલીસ ચોકીમાં જઈને પોલીસ જવાનોને સળિયાઓથી માર્યા જેમાં મહિલા પોલીસો પણ ઘવાઈ હતી. જો પોલીસની પણ આવી હાલત થઈ શકે તો સામાન્ય માનવીની શું વાત કરવી?

૩૧ ડિસેમ્બરે મહાનગરો કે અન્ય નાનાં-મોટાં શહેરોમાં આવી છેડતીની કે બળાત્કારની ઘટના નવી નથી. ગુજરાતના અમદાવાદમાં ૩૧ ડિસેમ્બર ૨૦૦૩ એક કાળું ટિલું બનીને રહી ગઈ છે કેમ કે આ દિવસે શાહીબાગની એક હોટલમાં બીજલ જોશી નામની યુવતીને તેના મિત્ર સજલે નવું વર્ષ ઉજવવા બોલાવી અન્ય પાંચ મિત્રો સાથે બળાત્કાર કર્યો હતો. તે પછી ૭ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ બીજલે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. આ કેસનો ચુકાદો છેક નવ વર્ષ પછી આવ્યો હતો! તેમાં પાંચ આરોપીને જન્મટીપની સજા થઈ હતી. સાત આરોપી નિર્દોષ છોડી મૂકાયા હતા. મુખ્ય આરોપી સજલ જૈન દિલ્લી સ્થિત વગદાર વેપારીનો દીકરો છે. અન્ય આરોપીઓ ચંદન પન્નાલાલ જયસ્વાલ, તેનો ભાઈ મદન, સુગમ ઉપાખ્યે મોન્ટી જયસ્વાલ, અજમેર સ્થિત ધર્મેન્દ્ર ઉપાખ્યે કરણ જૈન પણ વેપારીઓ અથવા તેમના સંતાનો છે. જે સાત આરોપીઓને છોડી મૂકાયા તેમના પર પુરાવાઓનો નાશ કરવાનો આરોપ હતો.

ઈસુના નવ વર્ષની પૂર્વ રાત્રિએ (પૂર્વ સંધ્યા તો ન જ કહેવાય) બનતા આવા જાણીતા કિસ્સામાં એક મુંબઈનો પણ છે. પતિ, તેની પત્ની અને બે પિતરાઈ બહેનો રાત્રે ૯થી બે વાગે મુંબઈમાં જે. ડબ્લ્યુ. મેરિઅટ હૉટલમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. તેઓ ઉજવણી કરીને બહાર નીકળ્યા કે તેમને ૭૦-૮૦ માણસોનાં એક ટોળાએ ઘેરી લીધું. પતિ હોવા છતાં તેની પત્ની અને નણંદોની છેડતી કરાઈ. આ લોકો કેલિફૉર્નિયા રહેતા હતા અને પતિનાં લગ્ન એક દિવસ પહેલાં જ થયેલા. તેમણે પોલીસ ફરિયાદ નહોતી નોંધી કારણકે તે કોઈ અપરાધીને ઓળખી શકે તેમ નહોતો. પરંતુ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ દૈનિકના એક પત્રકારે પોલીસ વાન જોઈ તેને મદદ માટે બોલાવી હતી. બાદમાં આ કિસ્સામાં પંદર જણાની ધરપકડ થયેલી. આ ઘટનાના એક વર્ષ પહેલાં ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે એક યુવતીની ૬૦ જણાના ટોળાએ છેડતી કરી હતી.

ભારત માટે આ ઘટનાઓ નીચાજોણું કરનારી જરૂર છે પરંતુ આવી ઘટનાઓ માત્ર ભારતમાં જ બને છે તેમ નથી. પ્રગતિશીલ કહેવાતા જર્મનીમાં વર્ષ ૨૦૧૫ના અંતિમ દિવસે મોટા પાયે છેડતી અને બળાત્કારની ઘટનાઓ બની હતી, જેમાં ઓછામાં ઓછી ૨૪ તો બળાત્કારની ઘટનાઓ હતી! મોટા ભાગની ઘટનાઓ કૉલોન શહેર અથવા તેની આસપાસ ઘટી હતી. તેમાં જે ૬૮ આરોપીઓ મનાય છે તે જર્મનીમાં શરણ માગનારા હતા અને ૧૮ અવૈધાનિક રહેનારા હતા. યુકેના ‘ઇન્ડિપેન્ડન્ટ’ સમાચારપત્ર મુજબ, કૉલોનમાં ૧,૨૦૦ યુવતી અથવા મહિલા પર જાતીય હુમલો ૨,૦૦૦ લોકોએ કર્યો હતો! જર્મનીની પોલીસના કહેવા મુજબ, આરોપીઓ મોટા ભાગે આરબ અથવા ઉત્તર આફ્રિકાના મુસ્લિમ હતા. જર્મનીમાં આ વર્ષે પણ ત્રાસવાદી હુમલાના ભયે ચુસ્ત સુરક્ષા છતાં, હેમ્બર્ગ શહેરમાં ૧૮થી ૨૬ વર્ષની ૧૪ સ્ત્રીઓ પર જાતીય હુમલાઓ થયા હતા. તેમાં પકડાયેલા ૧૦ લોકોમાં ત્રણ સિરિયન, બે અફઘાની, એક એરિટ્રીયન અને એક જર્મન છે. આ વર્ષે ઑસ્ટ્રિયાના ઇન્ન્સબ્રક શહેરમાં પોલીસની ચુસ્ત સુરક્ષા છતાં ૧૮ મહિલાઓ પર જાતીય હુમલો થયો હતો. પોલીસને આ ઘટનાઓ માટે કાં તો ઉત્તર આફ્રિકી અથવા એશિયાની વ્યક્તિઓ પર શંકા છે. ઑસ્ટ્રિયાના વિએનામાં પણ મહિલાઓની છેડતી થઈ હોવાના સમાચાર મળ્યા હતા. ફ્રાન્સમાં નવા વર્ષની ઉજવણીના વિરોધમાં શંકાસ્પદ મુસ્લિમ ત્રાસવાદીઓએ ૧,૦૦૦ કારોને નુકસાન પહોંચાડ્યું હતું. જોવાની વાત એ છે કે આપણા મિડિયામાં ભારતના સમાચારો તો ગાઈ વગાડીને બતાવાય છે પરંતુ જર્મની, ઑસ્ટ્રિયા કે ફ્રાન્સના સમાચાર બતાવાયા નહીં. આનો અર્થ એ નથી કે વિદેશોમાં પણ આ બધું બને છે તેથી ભારતમાં પણ આ બધું બનવું જોઈએ.

બેંગલુરુમાં આ ઘટનાઓ બની તે પછી રાજકારણીઓનાં નિવેદનોના કારણે ઘા પર મીઠું ભભરાવ્યું હોય તેવી લાગણી થાય તે સ્વાભાવિક છે. સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવે તો બળાત્કારના બચાવમાં અગાઉ કહેલું કે લડકોં સે ગલતી હો જાતી હૈ. તેમના જ પક્ષના મુંબઈ સ્થિત નેતા અબુ અઝમીએ બેંગલુરુની સામૂહિક છેડતીના સંદર્ભમાં છેડતી માટે યુવતીઓને જ જવાબદાર ઠરાવતાં નફ્ફટાઈથી કહેલું કે જો ક્યાંક પેટ્રોલ હશે તો આગ તો લાગશે જ. ખાંડ ઢોળાશે તો ત્યાં કીડી જરૂર જશે. જો છોકરાઓ ખોટા રસ્તે જતા હોય તો છોકરીઓએ સાવધાની રાખવી જોઈએ. સાંજ પછી કોઈ પરાયા પુરુષ સાથે છોકરીઓએ બહાર ન જવું જોઈએ. તેમણે કપડાં પણ પૂરાં પહેરવા જોઈએ. જોકે અબુ આઝમીના ગાલે તમાચારૂપ ઘટનામાં, તેમના નિવેદન પછી, ૩૧મી ડિસેમ્બરના એક અઠવાડિયા પછી, બેંગ્લુરુમાં જ બુરખો પહેરેલી એક મહિલાની છેડતી થયાની ઘટના બહાર આવી હતી. આ બાબતે અબુ આઝમી શું કહેશે?

તો કર્ણાટકમાં કૉંગ્રેસની સરકારના ગૃહ પ્રધાન જી. પરમેશ્વરે એવી ચોંકાવનારી પ્રતિક્રિયા, (જેને મિડિયાએ દબાવી દીધી) આપી કે નવા વર્ષ (૩૧ ડિસેમ્બર) અને ક્રિસમસે તો આવી ઘટનાઓ ઘટતી રહે છે! ગૃહપ્રધાન આવા હોય તો પોલીસ વડા પણ એવા જ હોય ને. શહેરના પોલીસ વડા પ્રવીણ સૂદે પહેલાં તો કહ્યું કે “આવું કંઈ બન્યું જ નથી.” થોડા સમય પછી તેમણે કહ્યું કે “આવું બન્યું હોઈ શકે છે.” તેમણે “સામૂહિક છેડતી” શબ્દ સામે પણ વાંધો લીધો. પોલીસ જવાનો અને મહિલા પોલીસ હાજર હતી તે ઘટના બાબતે પોલીસ વડા આવું કહે તેનો શું અર્થ કાઢવો?

પણ આ બધી ઘટનાઓમાં એક વાત સામાન્ય છે. તે એ કે આરોપીઓ ૩૧મીની ઉજવણીના વાતાવરણમાં દારૂ પીધેલા હતા. એબીએન ચેનલે બતાવેલા એક ફૂટેજમાં તો બેંગ્લુરુમાં એક પુરુષ તેના બીજા મિત્ર પુરુષ જેણે ચિક્કાર પીધેલો છે અને જેને હોશકોશ નથી તેને ચુંબન જડતો દેખાય છે! આમ, ૩૧મીની ઉજવણીમાં માત્ર યુવતીઓ જ નહીં, યુવાનોએ પણ ચેતવા જેવું છે. બીજું, જર્મની, ઑસ્ટ્રિયાની જેમ ભારતમાં પણ છેડતી કરનારાઓ કોણ છે અને તેની પાછળ ક્યાંક ઈસ્લામી ત્રાસવાદ જવાબદાર નથી ને, તે દૃષ્ટિકોણથી પણ તપાસ કરવી રહે.

પોલીસની તો ફરજ છે જ પરંતુ આ ઘટનાઓમાં સમાજ પણ એટલો જ જવાબદાર છે. જ્યારે આ છેડતી થઈ ત્યારે અન્ય ઘણા લોકો હાજર હતા. તેમણે કેમ કંઈ કર્યું નહીં? દુર્જનોના અત્યાચાર માટે સજ્જનોની નિષ્ક્રિયતા પણ એટલી જ જવાબદાર છે. યુવતીઓએ પણ સ્વસુરક્ષા માટે માર્શલ આર્ટ શીખવાની જરૂર છે. અને એક વાત તો મને-કમને સ્વીકારવી જ પડશે કે યુવતીઓ ગમે તેટલી પુરુષ સમોવડી કેમ ન થઈ જાય તેણે (અને બેંગલુરુનો વિડિયો જોતાં યુવાનોએ પણ) પોતાની સુરક્ષા માટે કેટલીક મર્યાદાઓ સ્વીકારવી જ પડશે. મોડી રાત (ઉપરોક્ત કિસ્સામાં તો વહેલી સવાર) સુધી બહાર ન રહેવું, રહેવું તો એકલા ન રહેવું. પરંતુ ઉપરોક્ત અનેક કિસ્સામાં જોયું તેમ એકલા ન હોય તો પણ ટોળા બેકાબૂ બનીને છેડતી કરવાની પૂરી શક્યતા રહે જ છે. પોતાના પર્સમાં મરચું રાખવું. મોબાઇલમાં પોલીસનો તેમજ માતા-પિતાનો નંબર સ્પીડ ડાયલ પર રાખવો. આ ઉપરાંત સમાચાર ચેનલોથી લઈને જાહેરખબરો, સિરિયલો, ફિલ્મો, સમાચારપત્રોમાં સ્ત્રીઓને ઉપભોગની વસ્તુ તરીકે દર્શાવવાનું બંધ થવું જરૂરી છે. ફિલ્મો-સિરિયલો-જાહેરખબરોમાં રસ્તે જતી સ્ત્રીને સરળતાથી પટાવીને શય્યા સુધી લઈ જઈ શકાય છે તેવું ચિત્રણ બંધ થવું જોઈએ. સરકારે પણ આના માટે જર્મનીની જેમ દર ડિસેમ્બરમાં ઝુંબેશ ચલાવવી જોઈએ.

બીજી એક વાત એ પણ છે કે શું દારૂ-ડ્રગ્સ-બેલે ડાન્સ-વેશ્યાગમન-કૉલગર્લ વગેરે અનૈતિક પ્રવૃત્તિઓ કરો તો જ નવ વર્ષની ઉજવણી થાય? કારતક શુક્લ એકમ કે ચૈત્ર શુક્લ એકમના રોજ મંદિરે દર્શન કરી, ગાયને ઘાસચારો ખવડાવી, માતાપિતા સહિત વડીલોને પગે લાગી નવ વર્ષ ઉજવાય છે તેવું ૩૧મીએ કેમ ન થઈ શકે?

media, sikka nee beejee baaju

“કૉંગ્રેસ સરકારે સૂચના આપેલી કે તેલંગણા, અન્નાને ન દેખાડો”

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૦૪/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

(ગતાંકથી ચાલુ)

કહેવાતા લિબરલો કેટલા ઉદાર છે તેનાં ત્રણ ઉદાહરણ આપણે ગયા અંકે જોયાં. વાતને આગળ ધપાવીએ. ‘ન્યૂઝ લૉન્ડ્રી’ વેબસાઇટના સ્થાપક તંત્રી મધુ ત્રેહાને પુણ્ય પ્રસૂન વાજપેયીના લીધેલા ઇન્ટરવ્યૂમાં કહેવાતા ઉદારતાવાદીઓની ઉદારતા વધુ ખુલ્લી પડે છે. પુણ્ય પ્રસૂન કહે છે કે “કૉંગ્રેસ સરકાર અમને એડવાઇઝરી આપે છે. કેટલીક ચીજો તમારા સ્ક્રીન પર ન દેખાડો. અત્યારે દરેક સંપાદક કાં તો ડરેલો છે અથવા તો સત્તાની સમીપ રહેવાનું સુખ મેળવવા માગે છે….તે સમયે તેલંગણાનો મુદ્દો (આંદોલન) ચાલી રહ્યો હતો. તો સરકારે કહેલું કે તેને ન દેખાડો….અત્યારે કહે છે કે અન્નાને ન દેખાડો…પહેલાં જે (ચેનલો) અન્નાને દેખાડતી હતી તે હવે નથી દેખાડતી.” મધુ કહે છે કે “અન્નાએ છેલ્લા જે ઉપવાસ કર્યા તે ટીવીમાં ઓછા દેખાડ્યા…તેનું કારણ તમે જે કહો છો તે (સરકારની સૂચના) છે.” પુણ્ય પ્રસૂન કહે છે, “ (મનમોહન સરકાર વખતે) પીએમઓમાં જ્યારે ટી. કે. નાયર પ્રિન્સિપાલ સેક્રેટરી હતા ત્યારે તેમણે એક પાર્ટી રાખી હતી. બધા જ એડિટરો હાજર હતા અને બધાના હાથમાં (દારૂના) જામ હતા.” હવે આ બધું બંધ થઈ ગયું છે અને એટલે જ દિલ્લીના પત્રકારોના પેટમાં દુઃખે છે!

આઈબીએન સેવન (અત્યારે ન્યૂઝ ૧૮)  હિન્દી ચેનલના પૂર્વ મેનેજિંગ એડિટર અને અત્યારે આમ આદમી પક્ષના નેતા આશુતોષનો પણ મધુએ ઇન્ટરવ્યૂ લીધો છે. (જોકે તે વખતે તેઓ ‘આપ’માં જોડાયા નહોતા.) આ ઇન્ટરવ્યૂમાં અંગ્રેજી પત્રકારત્વ સામે હિન્દી (આપણે તેની જગ્યાએ ગુજરાતી કે અન્ય સ્થાનિક ભાષાને પણ મૂકી શકીએ) પત્રકારત્વ વચ્ચેની સરખામણી આબાદ છતી થાય છે.

પછી અન્ના હજારેની વાત નીકળે છે. આશુતોષ કહે છે, “કહેવાતા બુદ્ધિજીવીઓ ભ્રષ્ટાચાર સામે જબરદસ્ત આંદોલન ખડું કરનાર અન્નાને નીચા દેખાડવા પ્રયાસ કરે છે કારણકે એ માણસ સાતમું ધોરણ પાસ છે, તેણે સેના છોડી છે, તેઓ અંગ્રેજી નથી બોલતા, કૉન્વેન્ટ ગ્રેજ્યુએટ નથી, તેમણે જેએનયુમાંથી ભણતર નથી મેળવ્યું.” હવેની વાત ધ્યાન દઈને વાંચજો. આશુતોષ કહેવાતા ઉદારતાવાદી-દંભી બુદ્ધુજીવીઓને કેવા ઉઘાડા પાડે છે. તેઓ કહે છે, “આ બુદ્ધિજીવીઓનો દંભ જુઓ. આ જ લોકો વિનાયક સેનનું મહિમા ગાન કરે છે કારણકે તે સારું અંગ્રેજી બોલે છે અને અંગ્રેજીમાં ભણાવે છે. અને વિનાયક સેન કોણ છે? એ જે ભારતીય બંધારણમાં માનતા નથી. તેઓ ભારતની લોકશાહીમાં માનતા નથી. તેઓ ભારતની સંસદમાં માનતા નથી. અને તેઓ હિંસામાં માને છે. “

અનેક પત્રકારોના આદર્શ, હિન્દુ વિરોધીઓના પ્રિય એવા રાજદીપ સરદેસાઈના ઇન્ટરવ્યૂમાં ટૅક ઑફ પોઇન્ટ રાજદીપના પુસ્તક ‘૨૦૧૪: ધ ઇલેક્શન ધેટ ચેન્જ્ડ ઇન્ડિયા’ છે. આખા ઇન્ટરવ્યૂ પર બેથી ત્રણ લેખ થાય તેમ છે, પરંતુ આપણે તેમાંથી થોડી જ વાત લઈશું.

શરૂઆતમાં રાજદીપ નામ લીધા વગર મોદી વિરોધી વાત કરે છે કે “અત્યારના નેતાઓ કરતાં પહેલાંના નેતા સારા હતા. અત્યારે તો ટીકા કરો તો તમને દુશ્મન માનવા લાગે છે.” તો મધુ ત્રેહાન કહે છે, “ના રાજદીપ. હું તમને કહું. મોરારજી દેસાઈએ મને પ્રેસ કૉન્ફરન્સમાંથી તગેડી મૂકી હતી. ઈન્દિરા ગાંધીએ ‘ઇન્ડિયા ટૂડે’ના પત્રકારને કાઢી મૂક્યો હતો. જવાહરલાલ નહેરુને જ્યારે લાગ્યું કે તેમની ટીકા થઈ રહી છે ત્યારે તેમણે કલમ ૧૯માં સુધારો કર્યો હતો.”

રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત વગેરે સેક્યુલર પત્રકાર ટોળીએ ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો છેક સુધી ઉછાળ્યે રાખ્યો. વર્ષ ૨૦૧૨માં સુપ્રીમ કૉર્ટ તરફથી નરેન્દ્ર મોદીને રમખાણો અંગે ક્લીન ચિટ મળી અને વર્ષ ૨૦૧૩માં યુકેના સાંસદો તરફથી તેમને આમંત્રણ મળ્યું ત્યારે સીએનએન-આઈબીએન પર રાજદીપે બ્રિટનના લેબર પાર્ટીના સાસંદ બેરી ગાર્ડનર સાથે વાત કરી તે ઇન્ટરવ્યૂ યૂ ટ્યૂબ પર જોવા જેવો છે. બેરી ગાર્ડનર મોદીની ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સફળતાની વાત કરે છે, ગુજરાતમાં થયેલી આર્થિક ક્રાંતિની વાત કરે છે, તેઓ ભારતના ખૂબ જ મહત્ત્વના રાજકારણી અને વિપક્ષના નેતા હોવાની વાત કરે છે, પરંતુ રાજદીપની પિન ૨૦૦૨ પર ચોંટી જાય છે. બેરી કહે છે કે “સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે માન આપીએ છીએ.” પણ રાજદીપ પ્રશ્ન પૂછે છે કે શું મોદી મનમોહન કરતાં વધુ સારા વડા પ્રધાન પદના ઉમેદવાર છે? ગાર્ડનર કહે છે કે “ભારતના રાજકારણમાં અમારે માથું ન મારવાનું હોય. અમે તો બ્રિટનના ગુજરાત સાથેના સારા સંબંધોને ધ્યાનમાં લઈએ છીએ.”

અરે! રાજદીપે તો મોદી વડા પ્રધાન બન્યા અને અમેરિકા ગયા તો ત્યાં પણ મેડિસનમાં ૨૦૦૨નાં રમખાણોના મુદ્દે પ્રશ્ન પૂછી એનઆરઆઈઓને ઉશ્કેર્યા અને તેમના હાથે માર ખાધો. એટલે રાજદીપના પુસ્તકની વાતમાં રમખાણોનો મુદ્દો કેમ છૂટી જાય? મધુ વારંવાર પૂછે છે કે “તમે મોદીને જ કેમ નિશાન બનાવ્યા? અન્ય રમખાણો કેમ નહીં?” રાજદીપ હાસ્યાસ્પદ બચાવ કરે છે કે “૮૪નાં રમખાણો વખતે હું ૧૯ વર્ષનો જ હતો…તે વખતે પત્રકાર નહોતો. એટલે કેમ કહી શકું? ૯૨-૯૩ વખતે મેં કૉંગ્રેસ-એનસીપીની સરકારને ઘેરી હતી અને શિવસેના-ભાજપને પણ.” અહીં રાજદીપ ભૂલી જાય છે કે તે વખતે એનસીપીનો ઉદ્ભવ પણ નહોતો થયો. અને તેઓ શિવસેના-ભાજપનું નામ લેવાનું ભૂલતા નથી. માની લઈએ કે ‘૮૪ વખતે રાજદીપ નાના કીકલા હતા પરંતુ ૨૦૦૨ વખતે તો તેઓ ‘૮૪ની વાત કરી શકતા હતા. ૯૨-૯૩ વખતે શરદ પવારે તેમને પત્રકાર પરિષદમાંથી હાંકી કાઢેલા કારણ કે સેના મોકલવામાં વિલંબ અંગે રાજદીપે પ્રશ્ન પૂછેલો, પરંતુ ૯૨-૯૩નાં રમખાણો વખતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કોણ હતા તે યાદ છે? મધુ રાજદીપને છોડે તેમ નથી. તેઓ પૂછે છે કે “એ બધું જવા દ્યો. મુઝફ્ફરનગર…” તો રાજદીપ ફરી એ જ રેકર્ડ વગાડે છે કે “મેં ૯૨-૯૩નાં રમખાણો પણ ગુજરાતનાં રમખાણોની જેમ સઘન રીતે જ કવર કર્યા હતા.”

આ ઇન્ટરવ્યૂ જેમ અંત તરફ આગળ વધે છે તેમ રાજદીપ પોતે જ કહે છે, “જ્યારે અમે દૂરદર્શન માટે એનડીટીવીનો કાર્યક્રમ ન્યૂઝ ટુનાઇટ કરતા હતા ત્યારે અમારે એક માણસને વિડિયો ટેપ લઈને દૂરદર્શન પર મોકલવો પડતો. તે કાર્યક્રમ સેન્સર થાય પછી જ અમે તે પ્રસારિત કરી શકતા. એક વખત નરસિંહરાવના સચિવે અમને કહ્યું કે ન્યૂઝ તો સરકારની મોનોપોલી છે. તેને તમે વાપરી શકો નહીં. અને અમારે આખા કાર્યક્રમમાંથી એ શબ્દ દૂર કરવો પડ્યો હતો. અને એ રીતે એ કાર્યક્રમનું નામ ન્યૂઝ ટુનાઇટમાંથી ટુનાઇટ થયું.” વિચારો! જો અત્યારે આવું થયું હોય તો રાજદીપ, બરખા, રવીશકુમાર આણિ મંડળી એનડીટીવી પર, ફેસબુક-ટ્વિટર પર કેટલી મજાક ઉડાવે? માઇમવાળાઓને બોલાવી કેવાં નાટકો કરે! ઇન્ટરવ્યૂના અંતમાં રાજદીપ પોતે જ સ્વીકારે છે કે “દૂરદર્શનના જમાના કરતાં અત્યારનો જમાનો વધુ સારો છે. અત્યારે આપણે માનવું પડશે કે (અભિવ્યક્તિની) સ્વતંત્રતા શું છે અને તેનો વધુ સારો ઉપયોગ (મોદીને ગાળો દેવા માટે) કરવો પડશે.”

કહેવાતા ઉદારતાવાદી રાજદીપ સરદેસાઈની ઉદારતાનો વધુ એક દાખલો એટલે કેશ ફૉર વૉટ કૌભાંડ. ૨૦૦૮માં અમેરિકા સાથે પરમાણુ સમજૂતીના મુદ્દે ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો અને સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો. પૂરી શક્યતા હતી કે સોનિયા ગાંધી દ્વારા પડદા પાછળ ચલાવાતી કૉંગ્રેસ સરકાર તૂટી પડે. આ મુદ્દે ડાબેરી પક્ષના એ. બી. બર્ધને હૉર્સ ટ્રેડિંગ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં કહેલું કે એક સાંસદ માટે રૂ. ૨૫ કરોડની બોલી બોલાય છે. આ મુદ્દે કૉંગ્રેસના નેતાઓ પકડાય તેમ હતા. તેઓ ભાજપના ત્રણ સાંસદોને ખરીદવા માગતા હતા. ભાજપે સીએનએન-આઈબીએન પર આ સ્ટિંગ થાય તે માટે રાજદીપનો સંપર્ક કર્યો. ચેનલના યુવાન પત્રકાર સિદ્ધાર્થ ગૌતમે સ્ટિંગ કર્યું, પરંતુ રાજદીપ સરદેસાઈએ સ્ટિંગનું પ્રસારણ અટકાવી દીધું! તેમણે ચેનલ પર તે રાત્રે કારણ શું આપ્યું? ‘રાષ્ટ્રના હિતમાં અમે આમ  કર્યું છે.” આ સ્ટિંગમાં ચર્ચાતી વાતો મુજબ, સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ પણ સાંસદોને ખરીદવાના કૌભાંડમાં સામેલ હતા. ઇન્ટરવ્યૂમાં રાજદીપ ગોળગોળ શબ્દોમાં કહે છે, “અમે જર્નાલિસ્ટિક એક્સર્સાઇઝ કરવા માગતા હતા…તે દિવસે બીજા ઘણા મહત્ત્વના સમાચારો હતા…અમે વકીલોનો અભિપ્રાય માગ્યો હતો…” મધુ પોઇન્ટેડ સવાલ પૂછે છે, ““વ્હાય ડિડ યૂ કિલ ધ સ્ટોરી? તમારે એવા વકીલ પકડવા જોઈએ જે ગમે તેમ આ સ્ટોરી પ્રસારિત કરવા તમને કાનૂની રસ્તો શોધી આપે.” રાજદીપ પાસે કોઈ જવાબ નથી.

મધુ પૂછે છે, “સિદ્ધાર્થ ગૌતમે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ ટેપને બાદમાં એડિટ કરીને તપાસ સમિતિને અપાઈ હતી.” રાજદીપ ફરી પાંગળો બચાવ કરે છે, “મને નથી લાગતું, તેણે આવું કહ્યું હોય. અમે તો ટેપને હાથ પણ નહોતો લગાડ્યો.” પણ રાજદીપ સ્વીકારે છે કે કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે અને અહેમદ પટેલને આ ટેપ અંગે તેમને ફોન કર્યો હતો. હકીકતે તો એ વખતે ભાજપનું નેતૃત્વ જ બેવકૂફ પુરવાર થયું. અડવાણીજીના સલાહકાર સુધીન્દ્ર કુલકર્ણી મૂર્ખ બનાવી ગયા કે બન્યા. તેમને ખબર હોવી જોઈએ કે આટલાં વર્ષોથી રાજદીપનો ઝોક હંમેશાં ભાજપવિરોધી જ રહ્યો છે. તેને આવી સ્ટોરી ન સોંપાય.

બીજાને ઉદાર થવાની અને પોતાને પ્રશ્નો પૂછવાની સત્તા આપવા સલાહ આપતી ચેનલ એનડીટીવીની ફરી વાત કરીએ. બરખા દત્તે વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલાના લાઇવ પ્રસારણ દરમિયાન કેવા ગંભીર ઇનપૂટ ત્રાસવાદીઓને પૂરા પાડી દીધા તે અંગે ચૈતન્ય કુંતે નામના બ્લૉગરે બ્લૉગ પૉસ્ટ લખેલી. (બ્લૉગ અને સોશિયલ મિડિયા જેવા અલ્ટરનેટિવ મિડિયાના કારણે કેટલાક સ્થાપિત હિત ધરાવતા પત્રકાર-કૉલમિસ્ટોને પેટમાં દુઃખી રહ્યું છે કારણકે તેમની પોલ ખુલ્લી પડી જાય છે.) બરખા દત્તે એનડીટીવી દ્વારા લિગલ નૉટિસ આપીને એ પૉસ્ટ દૂર કરાવડાવી! (જો મોદીએ આવું એનડીટીવીની વેબસાઇટ પર કરાવ્યું હોય તો એ જ બરખા દત્ત ગોકીરો મચાવી દે.) મધુ ત્રેહાનને આપેલા ઇન્ટરવ્યૂમાં બરખા દત્તે સ્વીકારવું પડ્યું કે ઓબેરોય હોટલમાં કેટલા લોકો છુપાયા છે તેની માહિતી તેણે આપી હતી. સુપ્રીમ કૉર્ટે ૨૦૦૮ના મુંબઈ હુમલા પર ચુકાદો આપતી વખતે કહેલું કે લાઇવ ટીવી કવરેજના કારણે રાષ્ટ્રની સુરક્ષા ખતરામાં મૂકાઈ ગઈ હતી!

gujarat, sikka nee beejee baaju, society

મુંબઈના ગુજરાતીઓ: હવે મુંબઈના ફાંકા નથી મારતા, ગુજરાતનું ગર્વ લે છે

આજથી દસ-વીસ વર્ષ પહેલાંનો સમય હતો. મુંબઈથી સગાવહાલાં આવતા તો જેમ અમેરિકા-યુકે વગેરે વિદેશોથી મૂળ ભારતના મહેમાનો આવે ને આદર-સત્કાર થતો તેવો આદર-સત્કાર થતો. અલબત્ત, અમેરિકા-યુકેથી આવતા મહેમાનો જેટલો તો નહીં, પરંતુ તે પછીના ક્રમે મુંબઈથી આવતા મહેમાનોને જરૂર મૂકવામાં આવતા. જો મુંબઈથી આવતા મહેમાનો બાળકો-કિશોરો કે તરુણો હોય તો ત્યાંના ટ્રેન્ડની એટલી બધી વાતો કરતા કે ગુજરાતના લોકો લઘુતાગ્રંથિથી સાંભળતા રહેતા. “અમિતાભ બચ્ચન બૂટ ખરીદતો હતો ને અમને મળી ગયો.” “હેમા માલિની પડદા પર જેટલી ગોરી દેખાય છે તેટલી ગોરી નથી.” “અમે જુહૂ ચોપાટીએ ગયા હતા ને ત્યાં જિતેન્દ્ર-રેખાની ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું.”

જો મોટા લોકો હોય તો વાતો કંઈક આવી હોય. “જિતેન્દ્રને તો પત્તાનો જુગાર રમવાનો શોખ છે. અમારા એક ઓળખીતા તેની સાથે રમવા ગયા ત્યારે અમને લઈ ગયા હતા.” “જેકી શ્રોફ સાથે અમે ફોટો પડાવ્યો ને એણે અમારી સાથે ગુજરાતીમાં વાત બી કરી.” “અમારે ત્યાં તો શિવસેનાનું બહુ જોર. પણ અમે લોકોને મરાઠી આવડે એટલે વાંધો ન આવે. હપ્તા દઈ દેવાના. પણ આપણે બાળાસાહેબ સાથે ઓળખાણ એટલે આપણું શિવસૈનિકો માન રાખે.” વાનખેડેમાં મેચ જોવા ગયા હોય તો તેનીય વાતો કરે. “સુનીલ ગાવસ્કરને રિયલમાં બેટિંગ કરતા જોવાની મજા જ કંઈક ઓર છે. એણે ચોગ્ગો માર્યો હોય ને દૂરદર્શન પર રૂકાવટ કે લિયે ખેદ હૈ આવી જાય! અમે તો તેને લાઇવ જોઈએ.” “હર્ષદ મહેતા પહેલાં તો કંઈ નહોતો. અમારી સાથે ટ્રેનમાં જ આવતો જતો. અમને શું ખબર કે એ શેરબજારનો કિંગ બની જશે. પણ યાર, એણે મને જે ટિપ આયપી તેના કારણે મને તો ફાયદો થઈ ગ્યો.”

આવી ઘણી સત્ય-અર્ધસત્ય-નરી ગપ્પાબાજી મુંબઈથી આવતા મહેમાનોના મોઢે સાંભળવા મળતી ને ગુજરાતના લોકો લઘુતાગ્રંથિથી સાંભળ્યે રાખતા. મુંબઈથી આવતા મહેમાનો અવનવી ભેટસોગાદો લઈ આવે. ડ્રેસ, બાળકો માટે રમતો…આ બધું ગુજરાતના લોકોને નવીન લાગતું. પરંતુ હવે સ્થિતિએ ૧૮૦ ડિગ્રીનો વળાંક લીધો છે. છેલ્લાં દસેક વર્ષથી જ્યારે ગુજરાતી મુંબઈમાં આવે ત્યારે મુંબઈના લોકો અહોભાવથી ગુજરાતીઓને પૂછે છે, “સાંયભળું છે કે તમારે ત્યાં મોદીએ બહુ વિકાસ કર્યો છે. રસ્તા બહુ જોરદાર છે…તમારે ત્યાં અમદાવાદમાં પ્રોપર્ટીના શું ભાવ ચાલે છે?” ગુજરાતીઓ પણ અમદાવાદના રિવરફ્રન્ટની ને વાઇબ્રન્ટ ગુજરાતની અને ગુજરાતના રસ્તાઓની વાતો કરે ત્યારે મુંબઈના ગુજરાતી સગાઓ રસપૂર્વક સાંભળી રહે, ને કહે, “?” “હા, સાચી વાત છે. અમારે ત્યાં તો નકરી ઝૂંપડપટ્ટી જ જ્યાં ને ત્યાં દેખાય. પણ અમે છેલ્લે દેશમાં આયવા’તા ત્યારે ત્યાં મસ્ત રસ્તાઓ હતા.” આમ છતાં, હજુ મુંબઈવાસીઓ ગુજરાતના સગાંઓને નાક ચડાવીને કહે છે, “તમારે ત્યાં ગરમી/ઠંડી બહુ.”

મુંબઈના ગુજરાતીઓને મોદીની વાતો જાણવામાં પણ બહુ રસ. મોદી વિશે ઝીણી ઝીણી વિગતો પૂછે. ગુજરાતના લોકો પણ ગર્વથી મોદીની વાતો કરે. બધી વાતોના અંતે મુંબઈવાસીઓનો સવાલ હોય, “શું લાગે છે, મોદી પ્રાઇમમિનિસ્ટર થાશે?” હવે લગભગ ગુજરાત અને મુંબઈ રાજકીય રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, ફેશન કે અન્ય ટ્રેન્ડની રીતે સમાંતર થઈ ગયા છે. અલબત્ત, મોદીના (મુખ્યમંત્રી તરીકે) આવ્યા પછી અમુક રીતે ગુજરાત મુંબઈથી ચડિયાતું થઈ ગયું છે.

એક સમયે જે માત્ર મુંબઈમાં હતું તે બધું હવે ગુજરાતમાં છે…ફેશન, પિકનિક સ્પોટ્સ, પૈસો, ચોખ્ખા ને લિસ્સા રસ્તાઓ, શિક્ષણ. અરે! હવે તો વડાપાંઉ પણ ગુજરાતમાં ઠેરઠેર મળી રહે છે! બિગ બઝાર, ડી માર્ટ જેવા શોપિંગ મોલ, બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ જ્વેલરી શોપ, મલ્ટિપ્લેક્સ થિયેટર, મેકડોનાલ્ડ્સ, ડોમિનોઝ, યુએસ પિત્ઝા, કોન્ટિનેન્ટલ, મેક્સિકન, ઇટાલિયન ફૂડની રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, મોંઘા મોબાઇલ, ટેબલેટ, કમ્પ્યૂટર…બધું જ. ગુજરાતમાં પણ ગણેશપૂજા એટલી જ ધામધૂમથી થાય છે. નવરાત્રિની તો વાત જ ન પૂછો. ઉત્તરાયણની જેવી મજા ગુજરાતમાં છે તેવી ક્યાંય નથી. હવે મુંબઈના કલાકારો છાશવારે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત ને રાજકોટ આવતા થયા છે. છેલ્લાં બે વર્ષથી પતંગ તો જાણે અમદાવાદમાં જ ઉડાડવાના એવો શિરસ્તો કલાકારોમાં પડી ગયો હોય એમ લાગે. ગયા વર્ષે સલમાન ખાન આવેલો ને આ વખતે અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન માટે તો ગુજરાત જાણે બીજું ઘર હોય એમ લાગે કેમ કે ગુજરાતનાં વિવિધ સ્થળોની પર્યટનલક્ષી અદ્ભુત જાહેરખબરો તેમણે કરી. અને મુંબઈનાં સગાવહાલા સામે ગુજરાતના લોકો ગર્વથી કહે, “જોયું અમારા મોદીસાહેબે ઉત્તર પ્રદેશના વતની ને તમારા મુંબઈના જુહૂમાં રહેતા અમિતાભ પાસે ગુજરાતની જાહેરખબર કરાવી.”

ટીવી સિરિયલોમાં આવતા ગુજરાતી પાત્રો અને ગુજરાતી કલાકારોએ પણ મુંબઈવાસીઓની ગુજરાત પ્રત્યેના માનમાં વધારો કરવામાં સારી ભૂમિકા ભજવી છે. મુંબઈના ગુજરાતીઓ હવે ગુજરાતમાં પ્રોપર્ટીમાર્કેટમાં રોકાણ કરતા થયા છે. સુરતનું હીરાબજાર હવે મુંબઈની લગભગ લગોલગ છે. ક્યારે મુંબઈમાંથી સુરતમાં શિફ્ટ થઈ જાય તે કહેવાય નહીં. ગુજરાતના અદાણી હવે ગુજરાતની બહાર તેમનો વિસ્તાર કરી રહ્યા છે. તો મુંબઈમાં બેઝ ધરાવનાર અંબાણી બંધુઓની નજર હવે ગુજરાત પર મંડાયેલી છે. શેરબજાર પર હવે મુંબઈવાસીઓનો ઈજારો જ રહ્યો નથી. ડીમેટ અને ઇન્ટરનેટ આવ્યા પછી ગુજરાતના લોકોય શેરબજારમાં ખૂબ કમાણી કરતા થયા છે. ચીનના પ્રમુખ શી ઝિનપિંગ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હિંચકા ખાઈ આવ્યા પછી ગુજરાત પ્રત્યેનું માન માત્ર મુંબઈમાં વસતા મૂળ ગુજરાતીઓના મનમાં જ નહીં, દેશભરના લોકોના મનમાં વધ્યું છે. પહેલાં માત્ર કુળદેવીના દર્શને કે લગ્ન જેવા પ્રસંગે જ દેશમાં (મુંબઈના ગુજરાતીઓ માટે ગુજરાતનું તેમનું વતનનું ગામ એ દેશ છે!) આવતા મુંબઈના ગુજરાતીઓ હવે ફરવા પણ આવતા થયા છે!

આમ છતાં એક વાત છે. હજુ મુંબઈવાસીઓને મુંબઈ છોડવું નથી. જીના યહાં, મરના યહાં, ઇસકે સિવા જાના કહાં. અહીં ઘણી વાર શિવસેના અને (હવે તો) કૉંગ્રેસ-મનસે દ્વારા ગુજરાતીઓને ગાળો ભંડાય છે. તેમ છતાં મુંબઈવાસીઓને કેમ મુંબઈ છોડવું નથી? અહીં શિસ્ત છે, ખોટી પંચાત નથી, એકબીજાને મદદ છે, પણ ડોકિયાં નથી. દેશ જવું ગમે છે, પણ ત્યાં રહેવું નહીં. ચાલીમાં રહેવું મંજૂર છે, પણ ગુજરાત પાછું જવું નથી. સવારની ૯.૨૦ની લોકલની ટેવ પડી ગઈ છે. ૭૨ નંબરની બસમાં ગડદાગડદીમાં પણ જવું ગમે છે. અહીંની ભેજવાળી હવા માફક આવી ગઈ છે. અમદાવાદની મુંબઈ સામેની હરીફાઈ ગમે છે અને પોતાના બિનગુજરાતીમિત્રોમાં ‘અમારા ગુજરાત’ અને “અમારા મોદી”ના વખાણ પણ કરવા ગમે છે, પણ એનઆરજી (નોન રેસિડન્ટ ગુજરાતી)ને જેમ, અમેરિકા કે બ્રિટન નથી છોડવું તેમ મુંબઈમાં રહેતા ગુજરાતીઓને પણ મુંબઈ છોડવું નથી. હવે મુંબઈના ગુજરાતીઓ ગુજરાતમાં રહેતા તેમના સગાવહાલા સમક્ષ ફાંકા નથી મારતા, પરંતુ તેમના બિનગુજરાતી મિત્રોમાં ગરવા ગુજરાતનું ગૌરવ લે છે.

પહેલાં કરતાં હવે અહીં મુંબઈમાં પત્રકારત્વ સીમિત છે, પહેલાં મુંબઈ પત્રકારત્વનું ધમધમતું કેન્દ્ર હતું, હવે ફોકસ ગુજરાત પર છે. પત્રકારોને પણ પહેલાં મુંબઈ આવવું પડતું. અનેક છાપાં ને મેગેઝિનોના બેઝ મુંબઈમાં હતાં. સમાચારો-લે આઉટ સહિતના પત્રકારત્વના ટ્રેન્ડ મુંબઈમાં શરૂ થતા. હવે સ્થિતિ બદલાઈ છે. ગુજરાતમાં જ કમાણી છે. સારા પગાર છે. ગુજરાતી પત્રકારત્વના ટ્રેન્ડ હવે અમદાવાદથી નક્કી થાય છે. ઘણા પત્રકારો ગુજરાતથી મુંબઈમાં કામ કરવા આવ્યા ને અહીં વસ્યા. પણ ૨૦૦૩થી નવો પવન વાયા પછી મુંબઈના નામાંકિત કટારલેખકો ને પત્રકારોએ ગુજરાતભણી ધસારો કર્યો.

મુંબઈવાસીઓમાં ઘણી જગ્યાએ ફરજિયાત સંયુક્ત કુટુંબનું ચલણ મોંઘાં ઘરોના લીધે આવી રહ્યું છે. એ બાબતમાં ગુજરાતના ગુજરાતીઓની મુંબઈવાસીઓને કદાચ ઈર્ષા પણ થાય છે. મુંબઈવાસીઓ અઠવાડિયાના અંતે રજામાં લોણાવળ કે માથેરાન ભાગી જાય છે અથવા નજીકમાં ગોવા જઈ આવે છે. મુંબઈવાસીઓને એક બીજી બાબતમાં પણ ગુજરાતના લોકોની ઈર્ષ્યા આવે છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં મુંબઈ જેવો જ વૈભવ અને સુવિધાઓ છે, પણ મુંબઈ જેટલો સમય ટ્રાવેલિંગમાં આપવાની કે લોકલ ટ્રેનની ગડદીમાં ભીંસાઈને જવાની એમને ચિંતા નથી. ટ્રેનમાં મુસાફરી કરતા કરતા બેગ પર રાખીને છાપું વાંચવું પડતું નથી. ઉલટું તેઓ તો પોતાના સ્કૂટી, એક્ટિવા, બાઇક કે પોતાની ગાડીમાં એકથી બીજા સ્થળે વધુમાં વધુ ત્રીસ મિનિટમાં પહોંચી જાય છે.

મુંબઈના જૂની પેઢીના લોકોને ચિંતા છે કે બીજી પેઢી તો હિન્દી-મરાઠીની ભેળસેળવાળું ગુજરાતી બોલતી હતી પણ ત્રીજી પેઢીને ગુજરાતી ભાંગ્યુતૂટ્યુ જ આવડે છે. સ્કૂલમાં અંગ્રેજી- હિન્દી ને પડોશમાં મરાઠીના કારણે ગુજરાતી ઘરમાં બોલાય તેટલું જ આવડે છે. નવી પેઢી ગુજરાતી વાંચતી નથી, પણ તેમાં ચિંતા કરવા જેવું નથી. ગુજરાતના ગુજરાતીઓની પણ આ જ હાલત છે. ગુજરાતના અખબારોની ગુજરાતી બગડી છે. ન્યૂઝ ચેનલો કે મનોરંજન માટે મોટા ભાગે હિન્દી ચેનલો જોવાય છે. બાળકો કાર્ટૂન ચેનલો જુએ છે. તેથી ગુજરાતના ગુજરાતીઓની નવી પેઢીની ભાષા પણ બગડી રહી છે.

મુંબઈના ગુજરાતીઓ અને ગુજરાતના ગુજરાતીઓ હવે સમાન કક્ષાએ આવી ગયા છે કે પછી ગુજરાતના ગુજરાતીઓ આગળ વધી ગયા છે?

(‘મુંબઈ સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧/૨/૧૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો)

humor

નોટો સે છૂલો તુમ, મેરા સારા ઘર ભર દો

મુંબઈમાં એક રેસ્ટોરન્ટે બિલ પર છાપ્યું કે યુપીએ સરકાર કૌભાંડને જરૂરિયાત માને છે પરંતુ એસી રેસ્ટોરન્ટમાં ખાવાને લક્ઝરી માને છે. આ સંદર્ભે મને જગજીતસિંહના બહુ જાણીતા ગીતની પેરોડી સૂજી.
નોટો સે છૂલો તુમ, મેરા સારા ઘર ભર દો
બન જાઓ મીત મેરે, મેરા સારા ઘર ભર દો

ના ખાને કી સીમા હો, ના પકડાને કા હો બંધન
જબ ઘૂસ ખાયે કોઈ, તો દેખે કેવલ બંડલ
તુમ દેકર ઘૂસ અપની, અપની સ્કીમ પાસ કરવા દો