sanjog news, society, vichar valonun

રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

સબ હેડિંગ: મોટાને જોઈને નાના અનુસરણ કરતા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સંસ્કૃતિમાં વિકૃતિ આવી ગઈ હતી અને તે હજુ છે જ. મોટાને પગે ન લાગવું, લગ્નવિધિમાં વિધિ કમ, તમાશો વધુ જેવું થઈ ગયું છે. આવા સમયે ચાર ઘટનાઓ એવી છે જે આવનારાં વર્ષોમાં ફરીથી આ વિકૃતિને સુધારવાની ક્ષમતા ધરાવે છે. કઈ છે આ ચાર ઘટનાઓ?

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૪/૦૩/૧૯)

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः।

स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।।૩.૨૧।।

શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ મનુષ્ય જેવું આચરણ કરે છે, બીજા માણસો પણ એવું જ આચરણ કરે છે. તે જે કંઈ પ્રમાણ આપે છે બીજા મનુષ્યો પણ તેવું જ આચરણ કરે છે.

શ્રેષ્ઠ મનુષ્યો એટલે આજના સમયમાં રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, નટનટીઓ અને ક્રિકેટરો જેવું આચરણ કરે છે તેવું જ આચરણ સમાજના નીચેના વર્ગમાં થવા લાગે છે. અર્થાત્ સામાન્ય માનવીઓ પણ તેવું જ વર્તન કરે છે. દુર્ભાગ્યે છેલ્લાં કેટલાંક વર્ષોથી સમાજનો આ કહેવાતો ભદ્ર વર્ગ એવું વર્તન કરતો હતો જે ભારતની સંસ્કૃતિથી વિરુદ્ધ હતું. આજે પણ મોટા પાયે આવું થાય જ છે. આના લીધે નીચેના વર્ગમાં પણ આવું થવા લાગ્યું છે.

હવે બેસતા વર્ષે કોઈના ઘરે જવું નહીં, જાવ તો સંતાનો વડીલોને પગે લાગે નહીં, પગે લાગે તો પણ પગને સ્પર્શવાના બદલે ઘૂંટણિયે સ્પર્શી લે. એટલી ઝડપથી આ કાર્ય કરવામાં આવે કે વડીલ આશીર્વાદ આપવા માથે હાથ મૂકે તે પહેલાં તો બાળક કે યુવાન ઊભા થઈ ગયા હોય ને ચાલતી પકડી હોય. માબાપ સાથે સંતાન હવે કોઈના ઘરે બેસવા ન જાય અને માબાપ આગ્રહ પણ ન કરે.

આવું જ તહેવારોની ઉજવણી અને લગ્નવિધિમાં પણ થવા લાગ્યું. લગ્નવિધિમાં વિધિ કમ અને દેખાડો ઝાઝો હોય છે. હવે તો વધૂ ખ્રિસ્તી જેવા ગાઉન પહેરવા લાગી છે. તો વર પણ કૉટ, પેન્ટ અને બૂટ સાથે ગરમીમાં પણ હોય છે. આ સિવાય વસ્ત્રોમાં પણ શરીરની શોભા વધારવાના બદલે શરીર વધુ ને વધુ કેમ દેખાય તેવાં પહેરાવા લાગ્યા છે.

વિધિ કરતાં આગલા દિવસે ડાંડિયા રાસમાં મોડી રાત સુધી ઝૂમ્યા હોય પછી બીજા દિવસે ઊઠવામાં વહેલા ઊઠે તો પણ હોશ ન હોય. જાનને તૈયાર કરી નીકળે. લગ્ન સ્થળ પાસે વરઘોડો કાઢે. આગલા દિવસે નાચવામાંથી થાક્યા ન હોય તે રસ્તા પર ગરમી હોય તો પણ વર્તુળ બનાવીને નાચે અને ‘તૂં મુંગડા’, ‘આ રે પ્રીતમ પ્યારે’, ‘બાંગો બાંગો બાંગો માંગો માંગો’ જેવાં સિલ્ક સ્મિતા અને હેલનનાં આઇટમ ગીતો પર નાચે. ટ્રાફિકને રોકી રાખે. માંડમાંડ મોડા મોડા લગ્નસ્થળે પહોંચે. તેમાં મુહૂર્ત તો ચૂકાઈ જ ગયું હોય.

વિધિમાં પુરોહિતનું મહત્ત્વ તો સાવ શૂન્યવત્. તેમને લગ્નના આયોજક આદેશ આપે તેમ વિધિ પતાવી આપવાની. કર્મકાંડી બ્રાહ્મણોમાં પણ એકતા નહીં. તેથી તેઓ પૈસા માટે થઈને આદેશ અનુસાર સંપૂર્ણ કે ટૂંકી, જેમ કહે તેમ, વિધિ પતાવી આપે. વિધિ વખતે કાન ફાડી નાખે તેવા સ્પીકરમાં હિન્દી ફિલ્મોનાં ગીતો વાગતાં હોય અને જાનૈયા-કન્યા પક્ષવાળા કૂથલી કે રાજકારણ/મેચની ચર્ચામાં પડ્યા હોય. અવાજ એટલો બધો હોય કે વર-કન્યાને પુરોહિત શું સંકલ્પ કરવાનું કે શું વિધિ કરવાનું કહે છે તે સંભળાય જ નહીં. જેમ સંગીત કાર્યક્રમ માટે કૉરિયોગ્રાફર રખાય છે તેમ લગ્નની વિધિ માટે પહેલાં પ્રશિક્ષણનો વિચાર આવતો નથી. કોઈ પંડિત હજુ એમ વિચારતો નથી કે પહેલેથી એક કાગળમાં શ્લોક લખીને અર્થ સહિત આપી દઈએ તો વર-વધૂ તે વાંચીને સમજી લે જેથી વિધિ વખતે શ્લોકનું ઉચ્ચારણ બરાબર થાય અને વિધિ સાચી રીતે થાય.

લગ્નની વિધિ વખતે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું એટલું મહત્ત્વ હોય કે બૂટચંપલ પહેરીને વિડિયોગ્રાફર-ફોટોગ્રાફર ચાલતા હોય. ખરેખર વિધિની જગ્યાએ બૂટચંપલ પહેરીને અવાય જ નહીં. પરંતુ પંડિતો પણ વિરોધ નથી કરતા કે જેમનાં લગ્ન હોય તે લોકો પણ વિરોધ નથી કરતા.

માત્ર લગ્નની વિધિની જ વાત નથી. મૃત્યુમાં કે વાસ્તુમાં પણ આવું જ થઈ ગયું છે. આ ઉપરાંત એવૉર્ડ સમારંભમાં પણ આ જ રીતે ભારતીય મૂલ્યોનો હ્રાસ થયેલો જોવા મળે છે. ખાસ કરીને જે એવૉર્ડ આપતા હોય તે લોકો પોતાને એવૉર્ડ મેળવનારાથી મુઠ્ઠી ઊંચા સમજતા હોય છે. તેમાંય રાષ્ટ્રપતિ પદે હોય તો? આપણે ત્યાં તો સરપંચોનો કે જિલ્લા પંચાયત પ્રમુખોનો રૂઆબ પણ ઓછો નથી હોતો. સામાન્ય માનવી જો છકડાની ફરિયાદ કરે તો કોઈ ધ્યાને ન લે, પરંતુ ન્યાયાધીશને કૉર્ટ જતી વખતે માર્ગમાં છકડાનો ત્રાસ લાગે તો સુઓ મોટો ફરિયાદ લઈ છકડા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે. તો પછી રાષ્ટ્રપતિ પદે હોય તેનો વટ કેવો હોય?

પરંતુ સદ્નસીબે આજે રાષ્ટ્રપતિ પદે રામનાથ કોવિંદ જેવા વ્યક્તિ બેઠા છે. તેમણે તાજેતરમાં પદ્મ પુરસ્કારોને આપતી વખતે ‘વૃક્ષ માતા’ તરીકે ઓળખાતાં ૧૦૬ વર્ષનાં સાલુમરદા થીમક્કાના પ્રૉટોકોલ તોડીને આશીર્વાદ લીધા. તમને થશે કે આશીર્વાદ લેવામાં પ્રૉટોકોલ શાનો? પણ અત્યાર સુધી હતો અને હજુ કદાચ રહેશે. આ થીમક્કાના આશીર્વાદ રાષ્ટ્રપતિ જેવા દેશના વડાએ કેમ લીધા? કારણ એ કે થીમક્કાએ વડનાં ૪૦૦ સહિત કુલ ૮,૦૦૦ ઝાડ વાવ્યાં છે.

આ પણ એક બદલાયેલા ભારતની પરિચાયક ઘટના છે કે અત્યાર સુધી માતા કૉંગ્રેસ તરફી હોય એટલે સૈફ અલી ખાન જેવા અભિનેતાને પદ્મ પુરસ્કાર મળી જતો હતો પરંતુ છેલ્લાં ચારેક વર્ષથી એવા લોકોને મળી રહ્યા છે કે જેઓ તેના ખરેખર હકદાર છે, પાત્રતા ધરાવે છે. આ ‘વૃક્ષમાતા’નું નામ પણ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. આવા તો ઘણાય લોકોને છેલ્લાં ચાર વર્ષમાં પદ્મ પુરસ્કાર મળ્યા છે.

પણ રાષ્ટ્રપતિ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના ધામત્રી જિલ્લામાં ૧૦૪ વર્ષની મહિલાના જાહેરમાં ચરણસ્પર્શ કર્યા હતા અને તે પણ એકદમ ઝૂકીને, માત્ર દેખાવ પૂરતા નહીં. એ દૃશ્ય કોઈને પણ ભાવવિભોર કરી દે તેવું હતું. વડા પ્રધાનને સત્તા તરફથી મળતા લાભ માટે વૃદ્ધો પણ ચરણસ્પર્શ કરતા હોય તેવા દાખલા જોયા છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પગે તેમનાથી ઘણા મોટી ઉંમરના ૬૬ વર્ષીય ટી.એસ.સિંહ દેવ જાહેરમાં લાગ્યા હતા. નરેન્દ્ર મોદીને પણ લાગતા હશે પરંતુ મોદી જે મહિલાના ચરણસ્પર્શ કરે તે જેવીતેવી મહિલા નહોતાં. તેમણે બે શૌચાલય બનાવવા માટે થઈને પોતાની બકરીઓ વેચી દીધી હતી.

મોદી જાહેરમાં અડવાણીજીને પણ પગે લાગે તે તસવીર જાણીતી છે. જોકે આની વિરુદ્ધમાં દલીલો કરનારા કરી શકે છે. પરંતુ આ એક સંસ્કૃતિ છે.

સફાઈ કર્મચારીઓના પગ વડા પ્રધાન ધૂએ તે પણ એક ગૌરવાન્વિત કરવાની ઘટના છે. સ્વચ્છતા અભિયાનને વેગ આપવા વડા પ્રધાન પોતે ઝાડુ લગાવે અને તેમની પ્રેરણાથી રાજનેતાઓ- કલાકારો પણ તેમાં જોડાય તે મોટી વાત છે. દશેરા વખતે રામલીલાની ઉજવણીમાં મોઢું લૂછવા આપેલા ટિશ્યૂ પેપરને નીચે ન નાખતા વડા પ્રધાન પોતાના ખિસ્સામાં નાખી દે છે. આમાં પણ વિરુદ્ધ દલીલ કરનારા કરી શકે પરંતુ એક દાખલો આપું તો સમજાશે કે આવા અભિયાનની હકારાત્મક અસર કેવી પડતી હોય છે. એક જાણીતી ટીવી ચેનલ ‘સંદેશ’ના મુખ્ય તંત્રી વિવેકકુમાર ભટ્ટ બગીચામાં રોજ સવારે ચાલવા જાય છે. તેમણે જોયું કે બગીચામાં જન્મદિવસની પાર્ટી ઉજવનારા લોકો અને અન્ય લોકો કેવી ગંદકી કરીને જાય છે. પરંતુ તેઓ તેનાથી અટકી ન ગયા. તેમણે વિડિયોગ્રાફી કરાવી અને આ કચરાને એક કોથળીમાં ભરીને તે કચરાપેટીમાં નખાવ્યો. આ વિડિયોની પણ ખૂબ અસર થઈ છે. અલબત્ત, પાકા ઘડે કાંઠા ન ચડે તેમ મોટી ઉંમરના લોકોમાં હજુ સુધારો નથી આવ્યો, પરંતુ બાળકોમાં ઘણી અસર થઈ છે.

આ રીતે જ દેશનું વાતાવરણ બદલાય છે. આવું જ એક બીજું અને મોટું ઉદાહરણ દેશે મૂકેશ અંબાણીને ત્યાં બે લગ્નમાં જોવા મળ્યું. મૂકેશ અંબાણી એટલે વિશ્વના સૌથી ધનવાન લોકો પૈકીના એક તેવો પરિચય આપવાની જરૂર નથી. આ ધનવાન લોકો જે પ્રકારે લગ્ન કરે તેની અસર નીચેના લોકો પર પડે જ.

આપણે ઈશા અને આકાશ અંબાણીનાં લગ્નમાં જોયું કે સંપૂર્ણ વિધિ સાથે આ લગ્નો થયાં. ઈશાના લગ્ન તો સમજી શકાય કે વેવાઈની વિધિ પ્રમાણે થયા હોય પરંતુ આકાશ અંબાણીનાં લગ્ન સંપૂર્ણ ગુજરાતી વિધિ સાથે થયા. સામાન્ય રીતે ગુજરાતીઓમાં જ અન્ય સંસ્કૃતિઓની વિકૃતિ જલદી ઘૂસી જતી હોય છે. તાજેતરમાં એક ખૂબ જ ભદ્ર સ્થાન ગણાય તેવી ક્લબમાં જમવાનું થયું. ત્યાં ગુજરાતીઓનો એક સમૂહ આવેલો. તેમાં એક મહિલા બોલી, “તમારે ગુજરાતી ખાવું છે? અહીં ગુજરાતી ખાવા આવ્યા છો? અહીં ગુજરાતી ખવાય?” એટલે શું બહાર જઈએ ત્યારે પંજાબી, ચાઇનીઝ કે કૉન્ટિનેન્ટલ જ ખાવાનું? ટીવી પર કે મોટી મીટિંગમાં જઈએ એટલે કૉટ-પેન્ટ પહેરીને જ જવાનું? સૂટબૂટમાં જ જવાનું? જન્મદિવસની ઉજવણી કેક કાપીને જ થાય? લગ્ન ભપકાદાર જ કરવા પડે? સાદગીથી ન થાય? આવી બધી માન્યતાઓ પૂર્વગ્રહ જમાવીને કેમ બેસી ગઈ?

તો, આકાશ અંબાણીનાં લગ્નમાં આપણે જોયું કે નીતાબહેન સંપૂર્ણ ગુજરાતી પહેરવેશમાં સાડી સાથે કેવાં સુંદર દીસતા હતાં! આપણે ત્યાં લગ્નમાં ગુજરાતી ઢબની સાડી પહેરાતી હશે? તેવી માન્યતા જડ જમાવીને બેસી ગઈ છે. લગ્નમાં જ નહીં, ઘરની બહાર નીકળીએ એટલે પહેલાં તો સાડી પહેરાય? આવો પ્રશ્ન આવે. પછી ગુજરાતી ઢબની સાડી પહેરાતી હશે તેવો પ્રશ્ન આવે. અને હવે તો બેકલેસમાં એટલી બધી પીઠ ઉઘાડી હોય છે કે બ્લાઉઝ છે કે બ્રા તે કહેવું મુશ્કેલ હોય છે.

આકાશના લગ્નમાં સંપૂર્ણ વિધિ થઈ. જયમાળા મંડપમાં જ પહેરાવાઈ. દરવાજા પર નહીં. તેની બહેને લૂણ ઉતારવાની વિધિ પણ બરાબર બજાવી. નાક ખેંચવાની રમૂજી વિધિ હોય કે પછી સેંથો પૂરવાની કે પછી મંગળસૂત્ર પહેરાવવાની, કે પછી બધાને સાફા પહેરાવવાની વિધિ હોય, કે પછી કંસાર પીરસવાની વિધિ…આ બધું જ વિધિવત્ થયું. રામણ દીવડો, અમિતાભ સહિતના મહેમાનો દ્વારા ચાંદીની ઘંટડી વગાડી દુષ્ટ તત્ત્વોને દૂર રાખવાની વિધિ, આ બધું જ થયું. ઈશાનાં લગ્નમાં ચીના હોય કે ગોરાઓ, અમિતાભ જેવા મોટા કલાકારો હોય કે બીજા કોઈ, બધાને આરતીની થાળી આપી, ‘જય જગદીશ હરે’ની મધુર આરતી ઉતારાવાઈ. હવે જમણવારમાં કન્યા પક્ષના કે વર પક્ષના લોકો મહેમાનોને આગ્રહ કરવા નીકળે તેવું પણ જોવા નથી મળતું. કેટરિંગનો જમાનો છે તે બરાબર પરંતુ બધાને પૂછવા તો નીકળતા જ હોય છે. “બરાબર જમ્યા ને?” કે પછી થાળીમાં મીઠાઈ લઈને આગ્રહપૂર્વક ‘મીઠાઈ તો લેવી જ પડે’ તેમ કહે ત્યારે સ્નેહની ગાંઠ મજબૂત બનતી હોય છે. પરંતુ હવે આવું કંઈ રહ્યું નથી. (ક્યાંક અપવાદો હશે.)

પરંતુ આપણે જોયું કે ઈશાનાં લગ્નમાં અમિતાભથી લઈને આમીર ખાન સુધીના કલાકારો પીરસવા નીકળેલા. આ કોઈ ધનનું પ્રદર્શન નહોતું. ઘમંડ પણ નહોતું. આપણે ત્યાં લગ્ન રહેતા તો જેમના લગ્ન હોય તેમના સગાવહાલા કે સ્નેહીજનો આ રીતે પીરસવાનું કામ હોંશેહોંશે કરતા જ હતા. આ રીતે બધાના સહિયારા પ્રયાસોથી અને સહકારથી લગ્નપ્રસંગ રંગેચંગે ક્યારે પૂરો થઈ જતો તે ખબર પડતી નહોતી. ઈશાના લગ્નમાં નીતાબહેને પાછળ વિરાટ શ્રીનાથજીની મૂર્તિ આગળ ‘મધુરાષ્ટકમ્’ પર સુંદર નૃત્ય કર્યું તો આકાશના લગ્નમાં ‘અચ્યુતમ્ કેશવમ્’ પર નૃત્ય કર્યું. નીતાબહેનને આઈપીએલની મેચમાં પણ ટીમની જીત માટે મંત્રોચ્ચાર કરતા જોઈ શકાય છે.

આ પ્રકારે ‘યદ્યદા ચરતિ શ્રેષ્ઠઃ’નો મંત્ર જો વધુ પ્રમાણમાં સાકાર થશે તો નીચેના વર્ગમાં પણ આવનારા સમયમાં જે બગાડ આવ્યો છે તે સુધરી શકે છે.

Advertisements
politics, sanjog news, vichar valonun

૧૯૭૧નું યુદ્ધ, વિપક્ષો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૭/૦૩/૧૯)

સબ હેડિંગ: લોકસભાના તમામ પક્ષોના સભ્યોએ ઈન્દિરાજીના નેતૃત્વમાં ભારતના વિજયને મેજોને થપથપાવીને વધાવી લીધો હતો અને હવામાં કાગળો ફેંકી ‘જય બાંગ્લા, જય ઈન્દિરા ગાંધી’નાં સૂત્રો પોકાર્યા હતાં તે વખતે જનસંઘના પ્રમુખ અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું, “પરિસ્થિતિને પહોંચી વળવા જો સરકારને વધુ સત્તાની જરૂર હોય તો આ પક્ષ સંપૂર્ણ સહકાર આપતા જરીકેય ખચકાશે નહીં.”

ભારતમાં અત્યારે જે પરિસ્થિતિ છે તે લગભગ ૧૯૭૧ના યુદ્ધ પછીની પરિસ્થિતિ જેવી જ છે. ૧૯૭૧ના યુદ્ધમાં ભારતને પાકિસ્તાન સામે જબરદસ્ત વિજય મળ્યો હતો. પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ નામના એક નવા દેશ તરીકે માન્યતા અપાવવામાં ભારત સફળ થયું હતું.

તે વખતે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી. વડાં પ્રધાન તરીકે લોખંડી મહિલા ઈન્દિરા ગાંધી હતાં. કોઈ શંકા નથી કે તેમની મજબૂત રાજકીય ઈચ્છાશક્તિના કારણે જ આ થઈ શક્યું હતું. અત્યારે પ્રિયંકા ગાંધીની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે થઈ રહી છે ત્યારે એ જોવું રહેશે કે તેઓ માત્ર ઈન્દિરાજી જેવા બોલચાલ અને દેખાવમાં જ લાગે છે કે પછી તેમના જેવા ગુણો પણ ધરાવે છે?

૧૯૭૧માં ભારતના વિજય વખતે વિપક્ષોની કેવી ભૂમિકા હતી તે જાણવું પણ અત્યારે રસપ્રદ રહેશે, કારણકે અત્યારે વિપક્ષો ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ પુરાવા માગી પાકિસ્તાનની સરહદની અંદર બાલાકોટમાં ત્રાસવાદીઓનાં સ્થાનો પર વાયુ સેનાએ દાખવેલા અદ્ભુત પરાક્રમનું મહત્ત્વ ઘટાડી રહ્યા છે. એ તો ઠીક, પણ રાહુલ ગાંધીએ મસૂદ અઝહર જેવા ત્રાસવાદીનું નામ બોલતી વખતે તેમના નામ પાછળ ‘જી’ લગાડી તેને સન્માન આપી દીધું! અજિત ડોભાલને પણ રાજકીય વિવાદોમાં ઢસડવામાં આવ્યા છે. ઈન્દિરાજી હોત તો આવું કરત? અત્યાર સુધી ઓસામા બિન લાદેન અને હાફીઝ સઈદ જેવા ત્રાસવાદીઓને માનથી બોલાવવાનું કામ કૉંગ્રેસમાં બી ગ્રેડના નેતાઓ દિગ્વિજયસિંહ અને અન્યો કરતા હતા. આ રીતે તેઓ ભારતના કટ્ટર મુસ્લિમોને ખુશ કરવાનો ભૂંડો પ્રયાસ કરતા હતા. સલમાન ખુર્શીદે પણ દિલ્લીના બાટલા હાઉસ એન્કાઉન્ટર (જે કૉંગ્રેસની સરકારમાં જ થયેલું) પછી સોનિયા ગાંધી મૃત ત્રાસવાદીઓ માટે રડેલાં તેમ કહીને કૉંગ્રેસની રાષ્ટ્રવાદી છબીને ધબ્બો લગાડેલો. સોનિયાએ તેનો ઈનકાર પણ કર્યો હોય તેવું જાણમાં નથી.

કૉંગ્રેસના એક સમયના ગુજરાતના પ્રભારી બી. કે. હરિપ્રસાદે તો પુલવામા હુમલો ભારત-પાકિસ્તાન વચ્ચે ફિક્સિંગ કહી દીધો! શરમ ન આવે તેમને આમ કહેતા? એનો અર્થ તો એ થયો કે કૉંગ્રેસે અગાઉ આવી ઘટનાઓ ફિક્સિંગ કરાવી હશે! નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાનમાં ત્રાસવાદીઓને માર્યા કે ત્યાં ઝાડવાંનો નાશ કર્યો તેમ કહે છે! આવાં નિવેદનોના કારણે કૉંગ્રેસની છબી રાષ્ટ્રવિરોધી પક્ષની બની રહી છે.

પરંતુ દુર્ભાગ્યે અત્યારે મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ વગેરે વિપક્ષી નેતાઓ પણ આવા જ સૂર આલાપી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે શરૂઆતમાં તો સેનાની કાર્યવાહી અને સરકારને સમર્થન આપ્યું પરંતુ પછી વિધાનસભાની જમીન પરથી તેમણે આક્ષેપ કર્યો કે લોકસભાની ચૂંટણીમાં ૩૦૦થી વધુ બેઠકો માટે મોદીજી હજુ કેટલા સૈનિકોને મરાવી નાખશે! મમતા બેનર્જી પણ પુરાવા માગી રહ્યાં છે! સત્તા માટે થઈ વિપક્ષો આટલી હદે ક્યારેય દેશવિરોધી જણાયા નહોતા.

૧૯૭૧ના યુદ્ધ પછીની વાત કરીએ એટલે વધુ સ્પષ્ટ થશે. ૧૯૭૧ના યુદ્ધ પછી લોકસભાના તમામ પક્ષોના સભ્યોએ ઈન્દિરાજીના નેતૃત્વમાં ભારતના વિજયને મેજોને થપથપાવીને વધાવી લીધો હતો અને હવામાં કાગળો ફેંકી ‘જય બાંગ્લા, જય ઈન્દિરા ગાંધી’નાં સૂત્રો પોકાર્યા હતાં! સંસદના તમામ સભ્યોએ ઈન્દિરાજીને ઊભા થઈને સન્માન આપ્યું હતું.

તેના થોડાં વર્ષો પહેલાં જ કૉંગ્રેસના બે ઊભાં ફાડિયાં થયાં હતાં અને મોરારજી દેસાઈના નેતૃત્વમાં કૉંગ્રેસ (ઓ) એટલે કે કૉંગ્રેસ સંસ્થા રચાઈ હતી, પરંતુ ૧૯૭૧ના યુદ્ધ પછી મોરારજી દેસાઈએ કોઈ કટુતા રાખ્યા વગર મોકળા મને ઈન્દિરાજીને અભિનંદન આપ્યા હતા.

તે વખતના સમાચારપત્રોમાં નોંધાયું હતું કે “જનસંઘ (ભાજપના પૂર્વાવતાર)ના પિતામ્બર દાસ, કૉંગ્રેસ (ઓ)ના મોરારજી દેસાઈ સહિત સીપીઆઈ, ડીએમકે વગેરેના નેતાઓએ વડાં પ્રધાનની ભરપૂર પ્રશંસા કરી હતી.” જોકે આ અહેવાલોમાં એ જરૂર નોંધાયું છે કે તે વખતે પણ ડાબેરી સીપીએમે ઈન્દિરાજીની વ્યક્તિગત પ્રશંસા નહોતી કરી!

અત્યારે પણ સીપીએમના સચિવ અને વરિષ્ઠ નેતા કોડિયેરી બાલાકૃષ્ણને કહ્યું છે કે “લોકસભા ચૂંટણીમાં હારના ભયે ભાજપ સરકાર યુદ્ધનો ઉન્માદ ફેલાવીને લોકોનું ધ્રૂવીકરણ કરવા માગે છે.”

અત્યયારના વિપક્ષોના નેતાઓને બીક હતી કે અત્યારની પરિસ્થિતિમાં કટોકટી ન જાહેર કરવામાં આવે, પરંતુ ૧૯૭૧ના યુદ્ધ પછી તે વખતના વિપક્ષોએ જ એક સ્વરે કહ્યું હતું કે ભારત પર હુમલાથી રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. તે વખતે જનસંઘના પ્રમુખ અટલબિહારી વાજપેયીએ જે કહ્યું હતું તેમાંથી રાહુલ ગાંધીએ સાંભળીને શીખવા જેવું છે. તેમણે કહ્યું હતું, “હવે વડાં પ્રધાને દેશનું નેતૃત્વ કરી શત્રુ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. પરિસ્થિતિને પહોંચી વળવા જો સરકારને વધુ સત્તાની જરૂર હોય તો આ પક્ષ સંપૂર્ણ સહકાર આપતા જરીકેય ખચકાશે નહીં.” એટલું જ નહીં, જે ભારત વિરોધી હતા તેવા દેશની ટીકા કરવામાં પણ તેમણે સરકારને સાથ આપ્યો હતો.

અટલજીએ લોકસભામાં અને મોરારજી દેસાઈની કૉંગ્રેસ (ઓ)ના એસ. એન. મિશ્રએ રાજ્યસભામાં અમેરિકા પ્રમુખ રિચાર્ડ નિક્સનનાં ભારત વિરોધી નિવેદનોની ટીકા કરી હતી. એટલું જ નહીં, જનસંઘના અન્ય નેતાઓ એલ. કે. અડવાણી, બલરાજ મધોક અને કેદારનાથ સહાનીએ અમેરિકાના દૂતાવાસ બહાર પ્રદર્શનો કરી વિરોધ નોંધાવ્યો હતો. સીપીઆઈ, ડીએમકે સહિતના પ્રાદેશિક પક્ષોએ પણ અમેરિકાના દૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. શું આજે કોઈ વિપક્ષોએ પાકિસ્તાનના દૂતાવાસ બહાર પ્રદર્શનો કરી વિરોધ નોંધાવ્યો?

જવાહરલાલ નહેરુ સાથેના મતભેદોના કારણે અલગ પડેલા સી. રાજગોપાલાચારીએ સ્થાપેલા સ્વતંત્ર પક્ષ, સીપીઆઈ જે તે વખતે કૉંગ્રેસનો સાથી હતો અને સીપીએમ જે સીપીઆઈમાંથી જુદો પડ્યો હતો અને ડીએમકે જેવા પ્રાદેશિક પક્ષોએ સરકારને સમર્થન જાહેર કર્યું હતું.

તે સમયે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી. પરંતુ યુદ્ધની પરિસ્થિતિમાં તેને મોકૂફ રાખવાની વાત આવી ત્યારે અટલજી અને સ્વતંત્ર પક્ષના નેતા પી. કે. દેવે વડાં પ્રધાન ઈન્દિરાજીને મજબૂત સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ચૂંટણીઓ એક વર્ષ પાછી ઠેલી દો. જોકે એક માત્ર સીપીએમ જ એવો પક્ષ હતો જે ત્રણ મહિનાની અંદર ચૂંટણી યોજાય તેમ માગણી કરી રહ્યો હતો.

અત્યારે તો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ, પરંતુ માનો કે ન થઈ હોત તો વિપક્ષ એવો જ આક્ષેપ કરત કે લોકસભામાં હારના કારણે પાકિસ્તાનના નામે ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી.

આ પછી ૧૯૭૨માં ગુજરાત સહિતનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. તે વખતના ચૂંટણી અભિયાન અંગે રસપ્રદ વાતો નોંધાયેલી છે તે યાદ કરવી જોઈએ કારણકે આજની પરિસ્થિતિ બિલકુલ તેનું પુનરાવર્તન લાગશે.

તે વખતે વિવિધ અહેવાલો અને પુસ્તકોમાં નોંધાયું છે કે પાંચમી સામાન્ય ચૂંટણીઓ વખતે ભારતમાં રાજકીય વાતાવરણ કૉંગ્રેસ અને ઈન્દિરા તરફી હતું. ૧૯૭૧માં (યુદ્ધ પહેલાં) લોકસભાની મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી માર્ચ ૧૯૭૨માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ તે દરમિયાન ઈન્દિરાજીના મુગટમાં સિદ્ધિનાં વધુ બે છોગાં ઉમેરાયાં હતાં. તે એ હતાં કે ભારતે પાકિસ્તાન સામે લડાઈ જીતી હતી (અલબત્ત, તેમાં ટેબલ પર ભારતની હાર થઈ હતી કેમ કે આપણે સીમલા સમજૂતી વખતે જીતેલી જમીન પાકિસ્તાનને પરત આપી દીધી અને તે પછી આપણે ૯૦ હજાર પાકિસ્તાની સૈનિકોને પણ છોડી દીધા. જ્યારે ભારતના તે સમયના સૈનિકો હજુ પણ પાકિસ્તાનની જેલોમાં છે અને આ વિજય પછી પણ કાશ્મીર વિવાદ ઉકેલી તો નથી જ શકાયો, પરંતુ આમ છતાં યુદ્ધમાં વિજયના કારણે ઈન્દિરાજીની તરફેણમાં ખૂબ જ વાતાવરણ તે વખતે હોય તે સ્વાભાવિક છે.) અને બીજું પૂર્વ પાકિસ્તાનનું બાંગ્લાદેશ નામે સર્જન તેમજ બાંગ્લાદેશના નેતા મુજાબિર રહેમાનની મુક્તિ.

આ બધા પ્રસંગોના કારણે દેશભરમાં ઈન્દિરાજીની તરફેણમાં લહેર ફરી વળી હતી. ભારતના લોકોને લાગ્યું હતું કે ભારતનું ભવિષ્ય ઈન્દિરાજીના હાથોમાં સુરક્ષિત છે. માત્ર આ યુદ્ધના કારણે જ નહીં, પરંતુ ઈન્દિરાજીના વ્યક્તિત્વ અને તેમનાં વચનોથી પણ ભારતની જનતા તે સમયે ખૂબ પ્રભાવિત હતી. દા.ત. કૉંગ્રેસે દેશના કોઈ ને કોઈ ભાગમાં આવતી પૂર અને દુષ્કાળની આપત્તિને નાથવા લાંબા ગાળાનાં પગલાં પહેલી વાર જાહેર કર્યાં હતાં.

ઈન્દિરાજીના ‘ગરીબી હટાવો’ના કાર્યક્રમો પણ લોકોને આકર્ષી રહ્યા હતા. નરેન્દ્ર મોદી અત્યારે કહે છે તેમ તે વખતે ઈન્દિરાજીએ પ્રચારમાં કહેલું કે કેન્દ્ર જેવી જ મજબૂત સરકાર રાજ્યોમાં જોઈતી હોય તો કૉંગ્રેસને મત આપો. કૉંગ્રેસની સરકાર હશે તો કેન્દ્રને સમાજવાદ અને ચોતરફી વિકાસમાં સહકાર આપશે.

એટલું જ નહીં, આ ચૂંટણીઓમાં ૧૯૭૧ના પાકિસ્તાન સામેના વિજયનો પણ ઈન્દિરાજીએ ઉપયોગ કર્યો હતો. તેઓ જાહેર સભાઓમાં કહેતા, “કેન્દ્રની મજબૂત સરકારના કારણે જ ભારત પાકિસ્તાન સામે યુદ્ધ જીતી શક્યું છે અને બાંગ્લાદેશને તેના સ્વતંત્રતા આંદોલનમાં મદદ કરી શક્યું છે.” આમ, અત્યારે કૉંગ્રેસ સહિતના વિપક્ષો મોદી સરકાર પર સેનાના પરાક્રમનું રાજનીતિકરણ કરવા માગતા હોય તો તેમણે ભૂતકાળ જોવો જોઈએ.

દિલ્લી ખાતેના લેખક અને કૉલમિસ્ટ સુધીર બિશ્તે બે વર્ષ પહેલાં ઈન્દિરાજીની જન્મજયંતી નિમિત્તે એક લેખમાં લખ્યું હતું, “એમાં કોઈ શંકા નથી કે ૧૯૭૧ના યુદ્ધમાં તેમની હિંમત અને તેમની રાજનીતિજ્ઞતા (સ્ટેટ્સમેનશિપ) માટે ઈન્દિરાજીને પૂરો શ્રેય મળવો જોઈએ, પરંતુ ૧૯૭૧ના યુદ્ધ માટે તેમને વધુ પડતો શ્રેય મળે છે. આના માટે શ્રેય ખરેખર તો સેનાધ્યક્ષ જનરલ સામ માણેકશાને મળવો જોઈએ. તેઓ વહેલા યુદ્ધ કરવાના ઈન્દિરાના દબાણને તાબે થયા નહોતા. પાકિસ્તાન સામે ક્યારે યુદ્ધ કરવું તેનો સમય જો માણેકશાએ નક્કી ન કર્યો હોત તો લાંબી લડાઈ બાદ બાંગ્લાદેશનું સર્જન થઈ શક્યું હોત. માણેકશાની રણનીતિના કારણે ભારત માત્ર ૧૩ જ દિવસમાં  યુદ્ધ જીતી ગયું.”

ઈન્દિરાજી વખતે કેવો રાષ્ટ્રવાદ હતો? રાકેશ શર્મા અવકાશ યાત્રાએ ગયા હતા ત્યારે ઈન્દિરાજીએ પૂછ્યું હતું, “ઉપરથી ભારત કેવું દેખાય છે?” ત્યારે રાકેશ શર્માએ કહેલું, “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા.” આ ઘટનાક્રમ કેટલો ગૌરવશાળી હતો! પરંતુ અત્યારે આવું થયું હોય તો “વડા પ્રધાન નાટકિયા છે”, “ગરીબી દૂર નથી થઈ અને અંતરિક્ષમાં બેચાર ભારતીયોને મોકલવાનો ખર્ચ કરવાની શું જરૂર હતી?” તેવું વિપક્ષો તેમજ વિપક્ષોના મુખપત્ર જેવા સમાચારપત્રો લખત. (ગરીબોને મદદ કરતી અદ્ભુત આયુષમાન યોજના વખતે પૈસા ક્યાંથી આવશે તેવું લખી શકે તો આવું પણ લખી જ શકે.)

જેમ અત્યારે ભાજપના વિરોધીઓ કહે છે કે અમને વિરોધી કહેવા માટે દેશદ્રોહી કહી દેવાય છે, તેમ ઈન્દિરાજીના સમયમાં તેમના વિરોધીઓને આઈએસઆઈ એજન્ટ કે સીઆઈએના એજન્ટ કહી દેવાતા હતા. ઈન્દિરાજી પ્રચારમાં કહેતા, “વો કહતે હૈ, ઈન્દિરા હટાઓ, મૈં કહેતી હૂં, ગરીબી હટાઓ.” અત્યારે નરેન્દ્ર મોદી પણ આવો જ પ્રચાર કરે છે ને!

તે વખતે યુદ્ધના યશોગાન, ગરીબી હટાવોના સફળ પ્રચાર પછી ગુજરાતમાં ૧૯૭૨ની ચૂંટણીમાં કૉંગ્રેસને ૧૬૮માંથી ૧૪૦ બેઠક મળી હતી. ઘનશ્યામ ઓઝા જીત્યા હતા. પરંતુ તે પછી ચીમનભાઈ પટેલે બળવો કર્યો હતો અને ઈન્દિરાજીએ ચીમનભાઈને હટાવવા ઘઉંનો પૂરવઠો અટકાવતાં તેમની જ પ્રેરણાથી નવનિર્માણ આંદોલન થયું જે પછી વિપક્ષોએ હાઇજેક કરી લીધું તેના લીધે ચીમનભાઈની સરકાર તો ગઈ જ, સાથે કટોકટી પણ આવી પડી હતી, જે પછી ઈન્દિરાજીની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ અને તેમની સરકાર પણ ગઈ. તે પણ કૉંગ્રેસ અને ભાજપે યાદ રાખવું જોઈએ.

gujarat, politics

ગુજરાત કૉંગ્રેસ કેમ તૂટી રહી છે?

(લ.દિ. ૧૧/૦૩/૧૯)

છેલ્લા ત્રણ દિવસમાં કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો જવાહર ચાવડા, પરસોત્તમ સાબરીયા, વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાયા. જવાહર ચાવડાને કુંવરજી બાવળિયાની જેમ જ ચોવીસ કલાકમાં જ પ્રધાનપદું મળ્યું. વલ્લભભાઈ તો પહેલાં ભાજપમાં જ હતા એટલે તેમની ઘરવાપસી કહી શકાય. પરસોત્તમ સાબરીયા સામે ભાજપ સરકારે જ ફોજદારી કેસ કરેલો. હવે છૂટી જશે? જોકે અત્યારે નેરેટિવ એવું બન્યું કે ભાજપ ધાકધમકી, લોભલાલચથી કૉંગ્રેસના ધારાસભ્યોને તોડે છે. આ વાત સાચી છે. આ વાત સાથે કેટલીક વણચર્ચાયેલી પણ મહત્ત્વની વાતો છે જેના તરફ ધ્યાન દેવા જેવું છે.

– કૉંગ્રેસે સત્તામાં હતી ત્યારે ધારાસભ્યોને રાજીનામાં આપ્યાં વગર તોડ્યા હતા. સુરેશ મહેતા સરકાર વખતે તેણે ભજવેલી ભૂમિકા, તેના કહ્યાગરા રાજ્યપાલ કૃષ્ણપાલસિંહે ભજવેલી ભૂમિકા, કેન્દ્રની કૉંગ્રેસ સમર્થિત દેવેગોવડા સરકારે ભજવેલી ભૂમિકા, હરિયાણાની આયારામ ગયારામની કુપ્રથા ભૂલવી ન જોઈએ. ચીમન પટેલના આખેઆખા જનતા દળ ગુજરાતને કૉંગ્રેસમાં સમાવી લેવાયો હતો, માત્ર ને માત્ર સત્તા માટે. પોતાની જ કુપ્રથા એક વાર પોતાના સામે જ ગમે ત્યારે આવશે જ તે કૉંગ્રેસે જ નહીં, ભાજપે પણ યાદ રાખવી જોઈએ.

– કૉંગ્રેસ આજે પણ બળવાખોર નેતાઓને પોતાના તરફ ખેંચે જ છે. તે માટે પૈસા પણ વેરે છે. પ્રધાનપદાની લાલચ પણ આપે જ છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહની આકરી ટીકા કરનાર ભાજપના નેતા અને નરેન્દ્ર મોદીના માનીતા નવજોતસિંહ સિદ્ધુને કૉંગ્રેસમાં હારતોરા સાથે સમાવાયા ને સરકારમાં પ્રધાન પણ બનાવાયા. આ જ રીતે ભાજપના કીર્તિ આઝાદ ને દલિત સાંસદ સાવિત્રીબાઈ ફૂલેને પણ કૉંગ્રેસમાં લેવાયાં છે. તૃણમૂલ કૉંગ્રેસમાંથી લઘુમતી કહેતાં મુસ્લિમો એવા ૨૦૦૦ લોકોને કૉંગ્રેસનો ખેસ પહેરાવાયો છે. ગુજરાતમાં ભાજપના એક સમયના પ્રધાન બીમલ શાહને કૉંગ્રેસે પોતાને ત્યાં લીધા છે. તેલંગણામાં કૉંગ્રેસમાંથી ટીઆરએસમાં જોડાયેલા બે ધારાસભ્યોએ આક્ષેપ કર્યો છે કે તેમને પચાસ-પચાસ લાખની દરખાસ્ત કરી હતી.

– ગુજરાતમાં કૉંગ્રેસ કેમ તૂટી રહી છે તેની ચર્ચા, આ લેખની શરૂઆતમાં કહ્યું તેવું નેરેટિવ બનવાના કારણે, થતી નથી. ચર્ચા ન થાય તો વાંધો નહીં, જ્યાં સુધી કૉંગ્રેસની અંદર ચર્ચા થતી હોય. પરંતુ મને નથી લાગતું કે કૉંગ્રેસની અંદર પણ ચર્ચા થતી હોય કારણકે જ્યારે પણ કોઈ નેતા કે ધારાસભ્ય કૉંગ્રેસ છોડીને જાય છે ત્યારે તેમના નેતા કે પ્રવક્તા એમ કહે છે કે તેઓ લોભલાલચ કે ધાકધમકીથી જાય છે અને જતા હોય તો ભલે જાય. આનાથી એવો સંદેશો જાય છે કે તેમને તેમના નેતાઓ-કાર્યકર્તાઓની જરીકેય પડી નથી. ઉંઝાનાં ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલે હજુ તો કૉંગ્રેસ છોડી નહોતી ને માત્ર ચર્ચા જ ચાલતી હતી ત્યાં કૉંગ્રેસ આવાં નિવેદન આપવા લાગેલી. પછી આ વાત પાકી બની ત્યારે આશાબહેનને મનાવવા પ્રયાસ શરૂ કર્યા. આ કામ પહેલાં કરવા જેવું હતું.

– કૉંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા કે કુંવરજી બાવળિયા તરત નથી ગયા. તેમણે વારંવાર રજૂઆતો કરી હતી. પોતાના કાર્યકર્તાઓનાં સંંમેલનો કર્યાં હતાં. તેમની રજૂઆતો સાંભળવામાં ન આવી.

– ભાજપ અને મોટા ભાગના મીડિયાને બાપે માર્યા વેર જેવું છે એટલે શંકરસિંહે ૧૯૯૬માં બળવો કર્યો ત્યારે મીડિયાએ કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા જેવું નેરેટિવ નહોતું બનાવ્યું પણ ભાજપમાં કાર્યકર્તાઓની કદર નથી તે નેરટિવ બન્યું હતું. તેનો ફાયદો ભાજપને એ થયો કે તે પછી ભાજપ સજાગ અને સતર્ક બની ગયો. શંકરસિંહના બળવા પછી પોતાના માણસો પર પણ નજર રખાવા લાગી કારણકે કેશુભાઈ સાથે અમેરિકા ગયેલા વિપુલ ચૌધરીએ પણ શંકરસિંહના બળવામાં સાથ આપ્યો હતો. સાથે જ, જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી લાગી ત્યારે નેતૃત્વ પરિવર્તન મક્કમ મને કરવા લાગ્યા. જીતી ન શકે તેવા લાગતા સાંસદો, ધારાસભ્યો, નગરસેવકોની ટિકિટ કાપવા લાગ્યા. પરંતુ કૉંગ્રેસમાં આ વાત શક્ય જ નથી. ભાજપમાં ઝીણાની કથિત પ્રશંસા પછી વિવાદ સર્જાય તો અડવાણીની જગ્યાએ વેંકૈયા નાયડુ, પૂર્તિ કૌભાંડમાં ફસાયા પછી નીતિન ગડકરીની જગ્યાએ રાજનાથસિંહ આવી શકે છે પણ કૉંગ્રેસમાં સોનિયા કે રાહુલના સ્થાને બીજા કોઈ નેતા અધ્યક્ષ બને તેવી કલ્પના પણ થઈ શકતી નથી. આ વખતે કૉંગ્રેસમાં કુંવરજી કે જવાહર ચાવડા જેવા નેતાની કૉંગ્રેસને વિદાય કૉંગ્રેસના ગુજરાતના વર્તમાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે બળવારૂપ જણાય છે.

– આ ઉપરાંત ૨૨ વર્ષ સુધી સત્તા બહાર રહેલા કૉંગ્રેસીઓ હજુ ૨૦૨૨ સુધી સત્તા મળવાની નથી તેમ જણાતાં સત્તા માટે બેબાકળા બન્યા હોય તેમ જણાય છે.

– બીજી એક વાત એ પણ નોંધવી જોઈએ કે ભાજપ જે રીતે ‘મેરા પરિવાર ભાજપ પરિવાર’ કે બાઇક રેલી વગેરે દ્વારા સંગઠનને ધમધમતું રાખે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે વિધાનસભાની ચૂંટણી વખતે વડોદરાના ભાજપ કાર્યકરને ફૉન કરી અંગત ખબરઅંતર પૂછે છે, બૂથ કાર્યકરોને વિડિયો કૉન્ફરન્સથી સંબોધે છે, પક્ષ પ્રમુખ અમિત શાહ સતત રાજ્યોના પ્રવાસ કરી કાર્યકરોને મળતા રહે છે તેવું કૉંગ્રેસમાં થતું નથી. આવતી કાલે (૧૨ માર્ચે) પણ કૉંગ્રેસની કારોબારી છે. કૉંગ્રેસને ૫૮ વર્ષે ગુજરાત (કારોબારી માટે) યાદ આવ્યું. ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું, કૉંગ્રેસનું મળ્યું?

– ભાજપ પર આક્ષેપો કરવા હોય ને ચર્ચા આડા પાટે ફંટાવવી હોય તો ગુજરાત કૉંગ્રેસ તેમ કરી શકે છે, પણ આ રસ્તો છેવટે આત્મહત્યા તરફનો જ હશે.

national, sanjog news, vichar valonun

પુલવામા: આગામી કેટલાક દિવસો જનતા સહિત બધા માટે કસોટીના!

સબ હેડિંગ: અનેક ક્ષેત્રના જાણીતા લોકો બોલીને વાતાવરણ બગાડી રહ્યા છે. તેઓ એવીએવી ટીપ્પણી કરી રહ્યા છે જેથી રાષ્ટ્રવાદીઓ ઉશ્કેરાય. આ ઉશ્કેરાટ રમખાણોમાં પરિવર્તન પામે તેવું તેઓ ઈચ્છે છે જેથી પાકિસ્તાન સામેની લડાઈ એક તરફ રહી જાય. તેથી આગામી દિવસો ખૂબ જ કસોટી, ધૈર્ય અને માનસિક સંતુલનના રહેવાના છે, સહુ કોઈ માટે.

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૨૪/૨/૧૯)

પુલવામામાં પાકિસ્તાન પ્રેરિત નૃશંસ, નિર્મમ ને જઘન્ય ત્રાસવાદી હુમલા પછી લોકોના મનમાં રણભેરી વાગવા લાગી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ મગનું નામ મરી નથી પાડ્યું, પરંતુ બેચાર વાર કહી દીધું છે કે આ વખતે પાકિસ્તાને બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આમ બહુ બોલવા જાણીતા મોદી ઉડીના હુમલા પછી કેરળમાં રેલી કરી ત્યારે આખી જુદી વાત કરી હતી અને મારા સહિત અનેક લોકોનો રોષ વહોરી લીધો હતો. તેમણે પાકિસ્તાન અને તેની જનતાને સંબોધતા કહ્યું હતું કે લડવું હોય તો આવો, આપણે મળીને ગરીબી સામે લડીએ. જોકે તે પછી કેટલાક જ દિવસમાં ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો. એટલે આ વખતે મોદી ‘બહુ મોટી કિંમત’ની વાત કરતા હોય તો ખાતરી રાખવી પડે કે તેમણે કંઈક વિચારી લીધું જ છે. પરંતુ શું? આમ તો પાકિસ્તાનથી આયાત થતી ચીજો પર ૨૦૦ ટકા કસ્ટમ ડ્યુટી નાખીને તેમજ તેને મળેલો ‘મૉસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચીને આર્થિક રીતે મોટો ફટકો પાડ્યો છે જેની સામે પાકિસ્તાનના વેપારીઓ ‘ઓય બાપા મારી નાખ્યા’ જેવા નાદ પોકારવા લાગ્યા છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન કદાચ અત્યાર સુધીના સૌથી નબળા વડા પ્રધાન પુરવાર થશે. આમેય નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો કે પછી પરવેઝ મુશર્રફ જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમનું જરા પણ દેખાતું નથી. સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાતે આવ્યા ત્યારે ‘ગાર્ડ ઑફ ઑનર’ વખતે ઈમરાનની સાથેસાથે સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવા પણ ચાલ્યા. આ જ બતાવે છે કે વર્તમાનમાં ઈમરાન સેનાની કઠપૂતળી જ છે. ઈમરાને જે લુખ્ખી અને રડમસ ચહેરે પાકિસ્તાન જવાબ આપશે તેવી ધમકી આપી તે પણ બોદી જ હતી. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે ઈમરાનનું મહત્ત્વ ભારત માટે ‘બિચ્છુ’ જેવા નવજોતસિંહ સિદ્ધુના મનમાં હોય શકે પરંતુ ઈમરાનનું કંઈ ચાલવાનું નથી.

હવે આ ‘બહુ મોટી કિંમત’ના રૂપમાં શું હોઈ શકે? કેમ કે આર્થિક ફટકાથી ચાલવાનું નથી. એ તો અટલ સરકારે પણ ૨૦૦૧ના સંસદના હુમલા પછી મારીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. પરંતુ અટલજીએ ‘અબ આરપાર કી લડાઈ હોગી’ જાહેર કર્યા પછી યુદ્ધ ન કર્યું તેનાથી સંઘપરિવાર અને તેમના સમર્થકો બહુ જ નારાજ થયા હતા. તે વખતે સ્થિતિ પણ એવી હતી કે જો આરપાર કી લડાઈ થઈ હોત તો ભારતને બહુ જ નુકસાન ગયું હોત કારણકે તે વખતે સેનાને સરહદ પર તૈનાત કરવામાં આવતી હતી ત્યારે રસ્તામાં સુરંગ વિસ્ફોટ થતા. શસ્ત્રાગારોમાં આગ લગાડી દેવામાં આવતી. અને ૧૯૯૯ના યુદ્ધ વખતે વિપક્ષ કૉંગ્રેસની ભૂમિકા પણ નિંદનીય હતી. ૧૯૯૯માં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બ્રિટનના એક સમાચારપત્ર ‘ગાર્ડિયને’ અહેવાલ છાપ્યો અને તેને ટાંકીને કૉંગ્રેસે આક્ષેપ કર્યો કે વાજપેયી સરકારે પાકિસ્તાન સાથે કારગિલ પર સમજૂતી કરી લીધી છે. આ સમજૂતી થઈ હોવા છતાં વાજપેયી સરકારે આ યુદ્ધને રાજકીય લાભ ખાટવા ખેંચ્યું છે.

કારગિલ યુદ્ધ શરૂ થયું ત્યારે પણ શરૂઆતમાં કૉંગ્રેસના સભ્યો અટલજીની લાહોર યાત્રાની બસમાં કારોબારીની બેઠકમાં ભાગ લેવા ગયા હતા, એવું દર્શાવવા કે તમારા શાંતિના પ્રયાસો છતાં યુદ્ધ થયું, પરંતુ કૉફિનમાં પાછી ફરી રહેલી સૈનિકોની લાશોનાં દૃશ્યો ટીવી ચૅનલો પર આવવા લાગ્યાં એટલે બસને પડતી મૂકવી પડી.

‘ગાર્ડિયન’ના ઉપરોક્ત અહેવાલથી બે જણાને ફાયદો થતો હતો: એક, પાકિસ્તાન. બે કૉંગ્રેસ. (બ્રિટન આજે પણ ભારત સામે પાકિસ્તાનને મહત્ત્વ આપે છે. આ સમયમાં તેના વિદેશ પ્રધાને ભારતના કબજાવાળું કાશ્મીર કહીને સળી કરી છે.) પાકિસ્તાનને રિપૉર્ટથી ફાયદો થવાનું કારણ એ હતું કે તેના સૈનિકો મરી રહ્યા હતા. વિદેશોમાં તે બદનામ થઈ રહ્યું હતું. કૉંગ્રેસને પેટમાં એ દુઃખતું હતું કે ૧૯૯૮માં તેણે જયલલિતા સાથે મળીને એક મતે ઉથલાવી દીધેલી વાજપેયી સરકાર ૧૯૯૯ની ચૂંટણીમાં ફરી જીતીને આવી જાય તેવી સંભાવના હતી.

ટૂંકમાં, અટલજી તો કહ્યા પ્રમાણે આરપાર કી લડાઈ કરી ન શક્યા. હવે મોદીજી જો ‘બહોત બડી કિંમત’ પાકિસ્તાન પાસે ન ચુકવડાવે તો તેમને પણ તકલીફ પડવાની છે. રોજેરોજ ટીવી ચેનલો યુદ્ધનો રાગ આલાપે છે. પ્રિન્ટ મિડિયા પણ આ ગાણું ગાય છે. આના બે હેતુ હોઈ શકે. સારી ટીઆરપી-સર્ક્યુલેશન અને વર્તમાન સ્થિતિમાં મોદી જો મોટું પગલું ન લે તો તેમની ‘છપ્પનની કાયરતા’નું બિરુદ આપી શકાય. બીજી તરફ, જો લે તો, ‘અમે કહ્યું ને કરવું પડ્યું’ તેવો જશ ખાટી શકાય.

પરંતુ જે રીતે વિદેશના રાજદૂતોને સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિના પાંચ કાયમી સભ્ય દેશોના રાજદૂતો સાથે બેઠક કરી છે, જે રીતે અમેરિકા-રશિયાએ-ઇઝરાયેલે ભારતને ટેકો આપ્યો છે, ચીને પણ ઝાટકણી કાઢવી પડી છે, ફ્રાન્સે મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રોના વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં મૂકવા માટે પોતે પૂરતું જોર આપશે તેમ કહ્યું છે તે જોતાં આ વખતે માત્ર સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય. શું મર્યાદિત યુદ્ધ થશે? શું ભારતના કમાન્ડો મસૂદ અઝહરને પકડીને લઈ આવશે?

ઈરાન અને અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનના ત્રાસવાદીઓથી ત્રસ્ત છે. પુલવામા હુમલાના એક દિવસ પહેલાં જ ઈરાનના ૨૭ સુરક્ષા જવાનોની પાકિસ્તાનના જૈશ અલ અદ્દલના આત્મઘાતી હુમલામાં હત્યા કરી છે. તો પુલવામા હુમલાના બે દિવસ પછી અફઘાનિસ્તાનના ૩૨ જણાની તાલિબાને હત્યા કરી હતી. આમ, પાકિસ્તાનના ત્રણેય પડોશી દેશો પાકિસ્તાનની નાપાક ચેષ્ટાઓથી ખૂબ જ ત્રસ્ત છે. ઈરાને પાકિસ્તાનને જૈશ અલ અદ્દલ સામે કડક કાર્યવાહી કરવા ચેતવણી આપી છે. આ સંજોગોમાં જો ત્રણેય દેશો મળીને પાકિસ્તાન સામે યુદ્ધનો મોરચો ખોલે તો પાકિસ્તાનને ભારે પડી જાય. પરંતુ સૌથી મોટું જોખમ એ છે કે પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે અને હાફીઝ સઈદ કે મસૂદ અઝહર જેવા ઉન્માદી લોકોના હાથમાં તે આવી જાય કે સેના તેનો ઉપયોગ કરવાનું નક્કી કરી લે તો તેની સામે ભારત ગમે તેવો મોટો જવાબ આપે તો પણ ભારતને નુકસાન તો થાય જ.

ગમે તેમ, પણ આગામી દિવસો ખૂબ જ કસોટી, ધૈર્ય અને માનસિક સંતુલનના રહેવાના છે, સહુ કોઈ માટે. વડા પ્રધાન અને સરકાર માટે તો ખરા જ. રણનીતિ વગેરે તો છે જ, પરંતુ સફળ કાર્યવાહી પછી જશ ખાટવામાં અતિરેક ન થાય તો સારું. વિપક્ષો માટે પણ કસોટી છે. સદ્નસીબે આ વખતે રાહુલ ગાંધીએ ખૂબ જ શાણપણ દાખવ્યું છે અને સરકારને કોઈ પણ કાર્યવાહી માટે સમર્થન આપવાની વાત કરી છે. અરવિંદ કેજરીવાલ સિદ્ધુની ટીકા કરી રહ્યા છે. કદાચ આ શાણપણ એટલા માટે પણ હોઈ શકે કે જનતા આ વખતે રોષિત અને જાગૃત છે. જનતાના દબાણના કારણે સોનીએ સિદ્ધુને ‘કપિલ શર્મા શૉ’માંથી કાઢવો પડ્યો.

કસોટી મિડિયા માટે પણ રહેશે. યુદ્ધ જેવી કાર્યવાહી શરૂ થાય ત્યારે જવાનોની ખુવારી બાબતે તે કેટલો સંયમ દાખવી શકે છે તે જોવાનું રહ્યું. (આઈસી ૮૧૪ ફ્લાઇટનું અપહરણ થયું ત્યારે મિડિયા સંયમ ન દાખવી શક્યું અને પરિવારજનોના સતત રડતા ચહેરા બતાવીને સરકાર પર મસૂદ અઝહરને છોડી મૂકવા દબાણ ઊભું કર્યું હતું. અલબત્ત, સરકાર દૃઢ રહી હોત તો તે પછી થયેલા હુમલાને ખાળીને એટલા નાગરિકો સામે બીજા અનેક ગણા નાગરિકો અને જવાનોના જીવ બચાવી શકાયા હોત.) કારગિલ કે મુંબઈ હુમલા વખતે બરખા દત્ત સરહદ પર પહોંચી ગઈ હતી. દીપક ચોરસિયા પણ નાટકીય રીતે મુંબઈ હુમલા વખતે રિપૉર્ટિંગ કરતા હતા. બરખા દત્તે તો ફસાયેલા લોકો વિશે સંવેદનશીલ માહિતી જાહેર કરી દીધી હતી. પઠાણકોટ હુમલા વખતે પણ બરખા દત્ત પર સેના પાસેથી માહિતી મેળવી તેની રણનીતિ જાહેર કરી દેવાનો આક્ષેપ થયો હતો. એટલે આ વખતે યુદ્ધની સ્થિતિમાં મિડિયાએ બહુ સંયમિત રહેવું પડશે.

બીજી તરફ, પાકિસ્તાન પ્રેમી ભારતીયો સૉશિયલ મિડિયા પર ખુશી વ્યક્ત કરવા લાગ્યા તે બહુ જ આઘાતજનક હતું. તેમની સામે કેટલીક કંપનીઓએ કડક કાર્યવાહી કરી. ખુશી વ્યક્ત કરવામાં એનડીટીવી ચેનલમાં ડેપ્યુટી ન્યૂઝ એડિટર પદે રહેલી નીધિ શેઠી પણ હતી! લિબરલ ઇકો સિસ્ટમ જુઓ. કેવી વ્યક્તિઓ આવા ઉચ્ચ પદે બેઠી છે! આવી વ્યક્તિને એનડીટીવીએ માત્ર સસ્પેન્ડ જ કરી છે તે પણ બે સપ્તાહ માટે. જેએનયૂની ટુકડે ગેંગવાળી શેહલા રશીદે કાશ્મીરી છાત્રો અસુરક્ષિત હોવાની અફવા ફેલાવી હતી. તે પછી રાજદીપ સરદેસાઈ-બરખા દત્ત વગેરેએ પાકિસ્તાને પુલવામામાં કરેલી નાપાક હરકત તરફથી દેશનું ધ્યાન કાશ્મીરી નિર્દોષ છાત્રોને કરાતી હેરાનગતિ તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો. તો બીજા અનેક ક્ષેત્રના જાણીતા લોકો બોલીને વાતાવરણ બગાડી રહ્યા છે. તેઓ એવીએવી ટીપ્પણી કરી રહ્યા છે જેથી રાષ્ટ્રવાદીઓ ઉશ્કેરાય. આ ઉશ્કેરાટ રમખાણોમાં પરિવર્તન પામે તેવું તેઓ ઈચ્છે છે જેથી પાકિસ્તાન સામેની લડાઈ એક તરફ રહી જાય. જનતાએ માત્ર એટલું જ કરવાનું કે આ જે લોકો છે તેમને ઓળખી તેમની સામે બેફામ કે ગંદી ટીપ્પણીના બદલે સિદ્ધુની સાથે કરી તેવી આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક કરવાની. તેમના શૉ, ભાષણો, કાર્યક્રમો, તેમનાં પુસ્તકો, ઉત્પાદનો વગેરેનો બહિષ્કાર કરવાનો.

લેટ્સ બી રેડી ફૉર ટૅસ્ટ ઍન્ડ ચૅલેન્જ!

national, sanjog news, vichar valonun

શારદા કૌભાંડ સાથે નક્સલ અને ત્રાસવાદના તંતુ પણ જોડાયેલા છે!

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૨/૧૯)

આજકાલ મમતા બેનર્જી સેક્યુલર મિડિયા માટે હિરોઇન થઈ ગયાં છે! વર્ષ ૨૦૧૪માં કૉંગ્રેસ તેનાં કૌભાંડોના કારણે લગભગ હારી ચૂકી હતી. સેક્યુલર મિડિયા પણ આ વાત જાણતું હતું. મુખ્ય લડાઈ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની હતી. પરંતુ સેક્યુલર મિડિયાને ખબર હતી કે રાહુલ ગાંધી (તે વખતે)માં દમ નથી. અચાનક અરવિંદ કેજરીવાલને આ સેક્યુલર મિડિયાએ એટલી હાઇપ આપી અને કેજરીવાલને પણ તેમના આશુતોષ, આશીષ ખૈતાન સહિતના પત્રકાર દોસ્તોએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવા ચગાવ્યા, તેથી કેજરીવાલ સોનિયા-રાહુલના બદલે મોદી પાછળ પડી ગયા. મિડિયાએ કૉંગ્રેસનાં પાપોને ભૂલાવવા રાતોરાત ચિત્ર બદલી નાખ્યું! નરેન્દ્ર મોદી વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની હરીફાઈ બતાવી દીધી કારણકે અરવિંદ કેજરીવાલ પ્રમાણિક છબી (તે સમયે) ધરાવતા હતા.

વર્ષ ૨૦૧૯માં પણ આવી જ સ્થિતિ થઈ. મિડિયાને નાછુટકે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની લડાઈ બતાવવી પડી. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને કર્ણાટકમાં કૉંગ્રેસને પછડાટ છતાં આ સેક્યુલર મિડિયાએ રાહુલ ગાંધીની નૈતિક જીત ગણાવી! પરંતુ રાહુલનો જાદુ નહીં ચાલે તેમ લાગતા (અને રાહુલજીને પણ આ વાતની ખબર પડતાં) પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતારાયાં. મિડિયા માટે પ્રિયંકા હિરોઇન બની ગયાં! તમામ સમાચારપત્રો અને સામયિકોએ પાનાંનાં પાનાં ભરીને છાપ્યું. પ્રિયંકાનું નાક દાદી ઈન્દિરા ગાંધી સાથે મળે છે ને સ્મિત મળે છે. આ બધી ક્ષુલ્લક વાતોની મહાન (!) ગાથા છાપી. હવે સેક્યુલર મિડિયા મોદી વિરુદ્ધ પ્રિયંકાનું ચિત્ર ઉપસાવવાની તૈયારીમાં જ હતું ત્યાં તેમાં મમતા બેનર્જીએ ફાચર મારી. અને ફાચર મારી તે એવી મારી કે રાતોરાત સેક્યુલર મિડિયાને તેઓ વડાં પ્રધાનની ખુરશીએ બિરાજેલા દેખાવા લાગ્યાં.

મમતા બેનર્જીએ જે કર્યું તેને મમતા વિરુદ્ધ મોદી અને સીબીઆઈ વિરુદ્ધ પોલીસની લડાઈ બતાવી. હદ તો ત્યારે થઈ જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્દેશ આવ્યો ત્યારે પણ આ બદમાશ સેક્યુલર મિડિયાએ તેનું અર્થઘટન નરો વા કુંજરો વા જેવું કર્યું. સુપ્રીમે જો એમ કહ્યું હોત કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તેમ મોદી સરકારની વાત સાચી છે તો પણ સેક્યુલર મિડિયા દર્શાવત કે સુપ્રીમે સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેમ કહી નરો વા કુંજરો વા કર્યું છે. આમેય આ સેક્યુલર મિડિયા તમને ક્યારેય ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વગેરે રાજ્યો સિવાયનાં રાજ્યોની વાત કરતું નથી. કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ, પંજાબમાં શું બને છે તેના સમાચારો તમારા સુધી પહોંચાડતું નથી. પંજાબમાં ડ્રગ્ઝના વિરોધમાં ચૂંટાઈ આવેલી કૉંગ્રેસ સરકારમાં ૩૦ દિવસમાં ૪૨ મૃત્યુ થાય કે કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ શાસનને હજુ એક વર્ષ પણ નથી થયું ત્યાં તેમના શાસનમાં ૩૭૭ ખેડૂતોનાં મૃત્યુ થયાં છે કે કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામી ફૉન પર આદેશ કરે કે તેમના પક્ષના કાર્યકરની હત્યા જેણે કરી છે તેનું એન્કાઉન્ટર થઈ જવું જોઈએ તે તમારા સુધી પહોંચતું નથી.

મમતા બેનર્જીએ સીબીઆઈની તપાસમાં જે કર્યું તે રીતસર સશસ્ત્ર બળવાને ઉશ્કેરવાનું કામ જ હતું. શારદા ગ્રૂપનું કૌભાંડ જેના આધારે તૃણમૂલ પક્ષનું મોટા ભાગનું ફંડિંગ થતું હતું તેનો ચૅરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુદીપ્તો સેન, જેને સુદીપ્તા સેન પણ કહે છે, પ.બંગાળની નક્સલ ચળવળનો હિસ્સો હતો. મમતા બેનર્જી ભલે સીપીઆઈ કે સીપીઆઈ (એમ) પક્ષમાં ન હોય, પરંતુ બંગાળમાં રહીને ડાબેરીઓ સામે લડતાંલડતાં તેમણે પણ સામ્યવાદી વિચારધારા જ અપનાવી લીધી છે. આ કેસમાં તૃણમૂળના સાંસદો કુણાલ ઘોષ અને શ્રીંજય બૉઝ તથા મમતા સરકારના રમત અને પરિવહન પ્રધાન મદન મિત્રાની ધરપકડ થઈ છે.

શારદા ગ્રૂપના સુદીપ્તો સેને તમામ જગ્યાએ તૃણમૂળને જ આગળ વધારવાનું કામ કર્યું હતું. તેણે જે પૈસા આવ્યા તેમાંથી બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં રોકાણ કર્યું અને તૃણમૂળનાં સાંસદ તેમજ અભિનેત્રી શતાબ્દિ રોયને પોતાનાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં. હિન્દી ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી જે તૃણમૂળના રાજ્યસભામાં સાંસદ છે તેમને પણ મિડિયા પ્લેટફૉર્મના સાંસદ બનાવ્યા. (મિથુન પ્રત્યે, તેમના અભિનય-વ્યક્તિત્વ પ્રત્યે પૂરતું માન છતાં તેઓ પણ નક્સલ ચળવળમાં પહેલાં સામેલ હતાં તે ન ભૂલવું જોઈએ). આ ગ્રૂપે મિડિયામાં સૌથી મોટું રોકાણ કર્યું. પાંચ ભાષાઓમાં આઠ સમાચારપત્રોની માલિકી તેની પાસે હતી. ૧,૫૦૦ પત્રકારોને તે કમાણી આપતું હતું. બે બંગાળી સમાચાર ચેનલ અને બે બંગાળી મનોરંજન ચેનલ, એક પંજાબી ચેનલ, એક એફ.એમ. રેડિયો સ્ટેશન સહિત જંગી મિડિયા તેણે બનાવી લીધું હતું. શું આ યોજના-કવાયત મમતા બેનર્જીને વડાં પ્રધાન પદના ઉમેદવાર બનાવવા તરફની હતી? પ્રશ્ન તો ઊઠે છે.

બીજો આકરો પ્રશ્ન જે કદાચ સેક્યુલર મિડિયાએ વાતને મોદી વિરુદ્ધ મમતા શીર્ષક હેઠળ આડા પાટે ફંટાવી દીધી તેમાં છૂટી ગયો તે એ છે કે સપ્ટેમ્બર ૨૦૧૪માં આનંદબજાર પત્રિકા (જે હવે એબીપી તરીકે મોટું મિડિયા છે) તેણે શ્રેણીબદ્ધ લેખો છાપી જણાવ્યું હતું કે તૃણમૂળનો સાંસદ અહેમદ હસન ઈમરાન જે આતંકવાદ માટે પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયાના સ્થાપક પણ છે (!) તેમણે બીજા એક આતંકવાદી સંગઠન- બાંગ્લાદેશના જમાત-એ-ઇસ્લામી મારફતે પૈસા ભારત બહાર મોકલી દીધા છે. જમાત-એ-ઇસ્લામીને આ કામ માટે જે દલાલી મળી તેનો ઉપયોગ તેણે બાંગ્લાદેશમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા માટે કર્યો છે (જેમાં ત્યાંના લઘુમતી હિન્દુઓની પણ હત્યા-બળાત્કાર સહિતની પ્રવૃત્તિ આવી ગઈ). આમ, જોવામાં આવે તો શારદા કૌભાંડ કે મમતા-તૃણમૂળ માત્ર આર્થિક કૌભાંડ પૂરતા સીમિત નથી, નક્સલ અને ત્રાસવાદના તાર પણ તેમની સાથે જોડાય છે. શું આ વાત ક્યારેય સેક્યુલર મિડિયાએ તમારી સુધી પહોંચાડી કે સિમીનો સ્થાપક તૃણમૂળના સાંસદ છે? કે પછી મમતાના સાંસદના કારણે ભારત પર ત્રાસવાદના આક્ષેપ લાગ્યા?

ભારત તરફી અને ઉદારવાદી બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શૈખ હસીનાએ આ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા તો મમતા બેનર્જી જાણે અલગ દેશ ચલાવતા હોય તેમ, તેમણે બાંગ્લાદેશના ઉપ ઉચ્ચાયુક્તને બોલાવી ‘મિડિયામાં ચોક્કસ બાબતો લીક કરવા માટે’ શિષ્ટાચારના ભંગ બદલ વિરોધ નોંધાવ્યો. સ્વાભાવિક જ, જો આપણે પાકિસ્તાન તરફથી ત્રાસવાદની પ્રવૃત્તિ થતી હોય તો પાકિસ્તાનના પ્રધાનને ફરિયાદ કરીએ તો પછી આ ઘટનામાં બાંગ્લાદેશ પીડિત હતું. તેના વિદેશ પ્રધાન અબુલ હસન મહેમૂદ અલીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ સમક્ષ ફરિયાદ કરી કે ત્રાસવાદ માટેના નાણાં ભારત તરફથી મોકલાય છે! બાંગ્લાદેશના માનવ અધિકાર કાર્યકર શહરીયાર કબીરે પણ શારદા ગ્રૂપનાં નાણાં એક ત્રાસવાદી સંગઠન દ્વારા અલ કાયદાને મોકલાતા હોવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

શારદા ગ્રૂપે પોતાના સીએસઆર (સામાજિક જવાબદારી) કાર્યક્રમના ભાગરૂપે કોલકાતા પોલીસને પોતે ખરીદેલી ગ્લૉબલ ઑટોમોબાઇલ કંપનીમાંથી મોટરસાઇકલો આપી. (આવા કૌભાંડને ઉઘાડું પાડવા સીબીઆઈ જાય તો પોલીસ પણ કોને સાથ આપે? સીબીઆઈને કે મમતાને?)

હવે આ કેસમાં ભાજપની સરકાર તરીકે સંડોવણી કેટલી છે તે જુઓ. સુદીપ્તોની ધરપકડ થઈ ૨૪ એપ્રિલ ૨૦૧૩એ. ત્યારે કૉંગ્રેસના નેતૃત્વમાં યુપીએનું શાસન હતું. પરંતુ ૨૦૧૨માં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા, ગેસ સિલિન્ડરની સંખ્યા મર્યાદિત કરવી, રિટેલમાં એફડીઆઈને છૂટ વગેરે મુદ્દે કૉંગ્રેસ સાથે ફારગત કરી લીધી હતી. કૉંગ્રેસ સરકારની તો તે વખતે સુપ્રીમ કૉર્ટે સીબીઆઈને પાંજરાનો પોપટ કહી સીબીઆઈના દુરુપયોગ કરવાની આકરી ઝાટકણી કાઢી હતી. ડીએમકેએ ફારગત લીધી તે પછી કરુણાનિધિના પુત્ર સ્ટાલિનને ત્યાં થોડા જ દિવસમાં સીબીઆઈના દરોડા કૉંગ્રેસ (યુપીએ) શાસનમાં પડ્યા જ હતા. ટૂંકમાં, શારદા કૌભાંડ વખતે મમતા યુપીએના હિસ્સા નહોતાં, તેથી આ કાર્યવાહી થઈ. તો તે વખતે સુદીપ્તો સેને સીબીઆઈને પત્ર લખેલો કે તૃણમૂળના સાંસદ કુણાલ ઘોષે જ તેમને ખોટ ખાતાં મિડિયા સાહસોમાં ઝંપલાવવા ફરજ પાડી હતી. ૨૫ એપ્રિલ ૨૦૧૩ના રોજ એક જાહેર હિતની અરજીના જવાબમાં કોલકાતા ઉચ્ચ ન્યાયાલયે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ કહેલું. પરંતુ મમતા બેનર્જી સરકારે સુપ્રીમમાં કહેલું કે ના, ના, અમારી વિશેષ તપાસ ટુકડી (સિટ) તો બરાબર જ તપાસ કરી રહી છે, સીબીઆઈની કોઈ જરૂર નથી.

પરંતુ આ કેસ માત્ર પશ્ચિમ બંગાળ પૂરતો સીમિત નહોતો, તેના તાર ઝારખંડ, ઓડિશા અને ત્રિપુરા સાથે પણ જોડાયેલા હતા. અને તે સમયે ઝારખંડમાં યુપીએના હિસ્સેદાર પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાનું શાસન હતું. ઓડિશામાં બીજુ જનતા દળ જે કૉંગ્રેસ અને ભાજપ કોઈનો ટેકેદાર નથી, તેની સરકાર હતી. ત્રિપુરામાં તો ડાબેરીઓનું જ શાસન હતું. તેમણે સીબીઆઈ તપાસની માગણી કરેલી. ૯ મે ૨૦૧૪એ જ્યારે હજુ પણ કૉંગ્રેસના યુપીએનું શાસન હતું ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયે શારદા કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી.

આ બધું કહેવાનો અર્થ એ કે અત્યારે સીબીઆઈ શારદા ચીટ ફંડ કેસમાં તેનું કામ કરે છે ત્યારે આ આખા ઘટનાક્રમને મોદી વિરુદ્ધ મમતાનો બનાવી દેવા પાછળ સેક્યુલર મિડિયાની બદમાશી તમને સમજાય.

ભાજપવાળા હંમેશાં લઘુતાગ્રંથિમાં રાચતા હોય છે. અલબત્ત, ઘણી વાર તેઓ તર્કવિહોણી દલીલ અહંકારવાળા ટૉન સાથે જરૂર કરે. અને એટલે જ જ્યારે સીબીઆઈ પર દબાણની વાત આવે ત્યારે ‘ના, ના, સીબીઆઈ પર કોઈ દબાણ નથી’ તેમ કહે. પરંતુ તેમણે છાતી ઠોકીને કહેવાની જરૂર છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ જે મોટાં મોટાં ભાષણો કર્યાં હતાં તેમાં રોબર્ટ વાડ્રા, લાલુપ્રસાદ યાદવ સહિતના ભ્રષ્ટાચારીઓ સામે જંગ છેડવાની વાત કરી હતી. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ તેવો જનતાને સવાલ પૂછ્યો હતો અને પોતે સત્તામાં આવશે તો આ બધા જેલ પાછળ હશે તેવા મેસેજ તેમના સમર્થકો મોકલતા હતા ત્યારે હવે જો સીબીઆઈ આ કૌભાંડોમાં કાર્યવાહી ન કરે તો મોદી અને કેજરીવાલ વચ્ચે ફરક શું જેઓ શીલા દીક્ષિત સામે કાર્યવાહીના બણગાં મારીને સત્તામાં બેસી તો ગયા પરંતુ કોઈ કાર્યવાહી કરી નહીં. ઉલટાનું હવે કૉંગ્રેસ સાથે (ચૂંટણી પહેલાં નહીં થાય તો ચૂંટણી પછી) ગઠબંધન કરવાની વેતરણમાં છે.

જોકે અહીં પ્રશ્ન એ પણ છે કે તૃણમૂળમાંથી ભાજપમાં આવી ગયેલા મુકુલ રોય જેમની સામે પણ શારદા કેસમાં આરોપો છે તેમની સામે પણ કેટલી કાર્યવાહી થશે?

મમતા બેનર્જી જો વડાં પ્રધાન બનશે તો તેમના પક્ષના કાર્યકર્તાઓ ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીને સારી કહેવડાવે તેવી કાર્યવાહી કરી શકે. માનો કે વિપક્ષવાળા હડતાલ પાડે અને સરકારી કર્મચારી ન આવે તો તેનો કાન કાપી દઈ શકે! તમને થતું હશે કે આવું હોય? પણ આવું આવું તો પશ્ચિમ બંગાળમાં ઘણું બન્યું છે જેની વાત આવતા અંકે.

(ક્રમશઃ)

Jaywant nee je bbat, patriotism

રાજીવ ગાંધીના જમાનાની દેશભક્તિ

*જયવંતની જે બ્બાત*

એવું નથી કે દેશભક્તિનો માહોલ માત્ર નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા પછી જ આવ્યો છે. સ્વ. રાજીવ ગાંધીના સમયમાં, મને યાદ છે, જ્યારે હું વિદ્યાર્થી કાળમાં હતો, ત્યારે રોજ, તે વખતે એક માત્ર ચેનલ દૂરદર્શન પર, ‘સારે જહાં સે અચ્છા’ ગીત ગાયક અને વાદક વૃંદ સાથે આવતું. જેથી એ અદ્ભુત ગીત કંઠસ્થ થઈ ગયેલું. આવું ‘હમ હોંગે કામિયાબ’ (જે હમ લોગ સિરિયલમાં પણ આવતું) ગીત પણ ઉજ્જવળ ભાવિની આશા જગાડતું. શાળામાં હિન્દીમાં ઝંડા ઊંચા રહે હમારા કવિતા કંઠસ્થ કરાવાતી. ‘એક ચીડિયા અનેક ચીડિયા’ની એનિમેશન ફિલ્મ અદ્ભુત હતી. દૂરદર્શન પર ‘કહાં ગયે વો લોગ’, ‘રાજ સે સ્વરાજ’ સિરિયલ આવતી. એક રવિવારે આવતી સિરિયલનું નામ ભૂલી ગયો છું પણ તેમાં ‘અંગ્રેજ બડા ચાલાક નીકલા’ ગીત આવતું. આકાશવાણી પર સવાર ‘વંદે માતરમ્’થી પડતી. દર બુધવારે અને શુક્રવારે પંદર ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી આસપાસ ‘નન્હા મુન્હા રાહી હૂં’, ‘મેરે દેશ કી ધરતી’, ‘કર ચલેં હમ ફિદા’ ગીતો અવશ્ય આવતા. રાજીવજીએ ‘મેરા ભારત મહાન’ સૂત્ર પ્રચલિત બનાવેલું. તો ‘મિલે સૂર મેરા તુમ્હારા’ ગીત પણ દેશમાં એકત્વ પ્રગટાવનારું હતું. અને ગાયકો-કલાકારો-ખેલાડીઓ બધા ટૉપમૉસ્ટ! આ જ રીતે ‘બજે સરગમ હર તરફ સે’ માત્ર એકતાના સંદેશની રીતે જ નહીં, પણ શાસ્ત્રીય સંગીતના સીમાચિહ્ન રૂપ મહાન લોકોની કૃતિ હતી. ‘કર્મા’ જેવી દેશભક્તિની ફિલ્મો પણ આવતી.

ફેર માત્ર એ હતો કે ત્યારે અત્યાર જેવું સેક્યુલર- લિબરલ મિડિયા, બુદ્ધુજીવી કે કલમઘસુઓ કે તથાકથિત ફિલ્મ સમીક્ષકો તેને હાઇપર ટૉક્સિક નેશનાલિઝમ તરીકે ઉતારી પાડતા નહોતા!