film, international, media, sanjog news, vichar valonun

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮)

સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી સેક્સ, લોકો ગમે તેવાં કપડાં પહેરે તો પણ ચાલે, જાહેરમાં ભેટાભેટી કે કિસમકિસી કરે તો પણ ચાલે, બધી વૈજ્ઞાનિક શોધો ત્યાં જ થઈ, એ લોકો વૈજ્ઞાનિક અને તર્કવાદી જ્યારે ભારતના લોકો ગમાર, ગામડિયા, અંધશ્રદ્ધાળુ, જડસુ, વાનરસેના જેવા, અપ્રમાણિક, અસ્વચ્છ, સેક્સ પ્રત્યે સૂગ ધરાવે, કપડામાં અને ખાણીપીણીમાં રૂઢિચુસ્તતતા વગેરે વગેરે.

આનું કારણ એ છે કે આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ બહુ સંશોધનમાં પડવા નથી માગતા. તેમનો વન પૉઇન્ટ એજન્ડા જ હોય છે કે ભારતને ખરાબ ચિતરવું જેથી ભારતનું ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ વિદેશ જતું રહે. આના માટે તેમને વિદેશ તરફથી ડૉલર મળતા હશે કે નહીં તે તો રામ જાણે, પણ હા, તેનાથી તેમને કેટલાંક વર્તુળોમાં વાહવાહ જરૂર મળી રહે છે. આ વર્તુળમાં રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા છતાં લઘુતાગ્રંથિથી પીડાતાં સંગઠનોનો પણ સમાવેશ થાય છે જે પણ પેલા બ્રાહ્મણની મનોદશામાં આવી જાય છે કે ખભે ખરેખર કૂતરું જ છે.

હકીકતે ભારતની સંસ્કૃતિ પ્રશ્નો પૂછવાની અને તર્ક કરવાની રહી છે છતાં આપણને અંધશ્રદ્ધાળુઓમાં ખપાવી દેવામાં આવે છે. ભારતમાં તર્ક કરવો અને સંવાદ કરવો તે મુખ્ય સંસ્કૃતિ રહી છે. તેથી ખુલ્લું મન રાખવું જરૂરી છે. ભારતે અને હિન્દુ ધર્મે જેટલી નવી બાબતો સ્વીકારી, કેટલીક તો નુકસાન જાય એ હદે સ્વીકારી, (હવે તો ભગવાનની જન્મજયંતીએ કેક ધરાવાય છે!) તેટલી અન્ય કોઈ પંથે સ્વીકારી નથી, તેમ છતાં આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુ આ ધર્મને-આ દેશને સતત બદનામ કરવાની પ્રવૃત્તિમાં મંડી પડ્યા છે. તમે પરંપરાનો વિરોધ કરો તો તમે પ્રગતિશીલ ગણાવ તેવી માન્યતા ઠોકી બેસાડી છે. લઘુમતીને ભડકાવો, સ્ત્રીઓને પરંપરાઓ સામે બળવો કરવા ઉશ્કેરો, કપડાં ટૂંકા પહેરો, જાતીયતાનું પ્રદર્શન કરો, પબ્લિક ડિસ્પ્લે ઑફ અફૅક્શનના નામે જાહેરમાં પ્રેમચેષ્ટાઓ કરો તો તમે ઉદાર. તમે અંગ્રેજી બોલો તો તમે આધુનિક. તમે ખભા ઉલાળીને વાત કરો તો તમે વેલ બિહેવ્ડ. જાહેરમાં પ્રેમની ચેષ્ટા કરો તો તે કુદરતી આવેગની અભિવ્યક્તિ પરંતુ કુદરતી આવેગવશ અને જાહેર શૌચાલયના અભાવે દેવીલાલ (પૂર્વ નાયબ વડા પ્રધાન) સડક પર લઘુશંકા કરે તો તેનો અખબારમાં ફોટો છાપી તેમને બદનામ કરવામાં આવે! આનું કારણ ભારતીય મિડિયામાં ભારતીયતાના વિરોધી લોકો કુંડાળું મારીને બેઠા છે. રાષ્ટ્રવાદીઓ ખુલીને બહાર આવતા નથી. તેમનામાં સંપ નથી એ પણ કડવી હકીકત છે. ફિલ્મ જગત અને શિક્ષણ જગતમાં પણ આવું જ છે.

પરંતુ માત્ર ભારતમાં જ આવું નથી, પશ્ચિમના જે લોકો શિષ્ટતામાં માને છે, જે લોકો પરંપરામાં માને છે તેમની પણ આ જ વેદના છે. પશ્ચિમમાં હૉલિવૂડ, મિડિયા અને શિક્ષણમાં આ લિબરલો-કલ્ચરલ માર્ક્સિસ્ટો કઈ રીતે ચડી બેઠા? અને તેમણે એવો તે કઈ રીતે પગદંડો જમાવી દીધો કે કોઈ રૂઢિચુસ્ત (કન્ઝર્વેટિવ) હોય (રૂઢિચુસ્તનો અર્થ નેગેટિવ ન લેવો જોઈએ, સારી પરંપરા હોય તો શું તે માત્ર પરંપરા છે એ જ કારણસર ફગાવી દેવાની?) તો તેને કામધંધાની પણ મુશ્કેલી પડી જાય?

જે બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ એવી દલીલ કરે છે કે પશ્ચિમમાં તો અભિવ્યક્તિની ખૂબ જ સ્વતંત્રતા છે તેમના સુધી આ લેખ પહોંચશે અને વાંચશે તો ચોંકી જશે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર લિબરલો પૂરતી જ સીમિત છે. તમે જો લિબરલ ન હો તો તમને અભિવ્યક્તિની કોઈ સ્વતંત્રતા નથી. અને જો તમે એ સ્વતંત્રતાનો પ્રયોગ કરો તો તમારે કામધંધો ભૂલી જવાનો. તમારું જીવવાનું હરામ કરી નાખે આ લિબરલો. તેઓ ભારે અસહિષ્ણુ હોય છે, તેઓ ટોળકી જમાવીને બેસે છે. આ ટોળકીનું નેટવર્ક જબરદસ્ત હોય છે. માનો કે મિડિયાની જ વાત કરીએ તો, અલગ-અલગ ચેનલ કે અખબારમાં લિબરલો રહેલા હોય તો તેમની વચ્ચે જોરદાર સંપર્ક હોય છે. એમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ તેઓ તેમના પોતાના અખબાર કે ચેનલ તો ઠીક, પરંતુ હરીફ અખબાર કે ચેનલમાં પણ કોઈ વિરોધી વિચારવાળાને ઘૂસવા નહીં દે.

અમેરિકાની જ વાત કરીએ એટલે આ દાખલા વધુ સમજાશે કારણકે આપણને પશ્ચિમનાં ઉદાહરણોની ટેવ પડી ગઈ છે. નીલ ગ્રોસ નામના સૉશિયૉલૉજીના પ્રૉફેસર છે. તેમણે સૉશિયૉલૉજી અને પૉલિટિકલ વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં લેખ છે (અને તે પણ ગત જાન્યુઆરીનો એટલે કે તાજો જ) – ‘વ્હાય હૉલિવૂડ ઇઝ સૉ લિબરલ?’. આ લેખ વાંચવા જેવો છે. જેમ ભારતના ફિલ્મી એવૉર્ડમાં અભિનેતા-અભિનેત્રીઓ, ખાસ કરીને અભિનેત્રીઓ હવે નામ પૂરતાં કપડાં પહેરે છે, હિન્દી ફિલ્મ માટેનું ભાષણ અંગ્રેજીમાં આપે છે, વિદેશમાં પ્રશંસા મેળવવા પ્રિયંકા ચોપરા રોહિંગ્યા મુસ્લિમોને મળવા જાય છે (પરંતુ કાશ્મીરી પંડિતોને મળવા નથી જતા) તેમ હૉલિવૂડના એવૉર્ડનું પણ છે. ભારતમાં અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો ગમે તેટલી હિટ ફિલ્મો આપે તેમને એવૉર્ડ નહીં મળે. પોતાની એકેય ફિલ્મમાં હજુ સુધી કિસનું દૃશ્ય ન કરનાર સલમાનને પણ એવૉર્ડ ઓછા મળશે. આમીર ખાનને નહીં જ મળે. પરંતુ એવૉર્ડના સ્ટેજ પર ગે ચેષ્ટાઓ અને તેવા જૉક ફટકારનાર, બીજાનું અપમાન કરનાર, શાહરુખ-કરણ જોહર પર એવૉર્ડની વર્ષા થશે. નીલભાઈ લખે છે કે ગૉલ્ડન ગ્લૉબ અને ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડમાં પણ અભિનેતા-અભિનેત્રી પોતે કેટલા ‘પ્રૉગ્રેસિવ’ છે તે બતાવશે. એવૉર્ડ સ્વીકારતાં ભાષણોમાં વંશીય ન્યાય, માધ્યમોનું સ્વાતંત્ર્ય, માનવ અધિકારો વગેરેની મોટીમોટી વાતો કરશે.

આનું એક કારણ તો એ છે કે ભારતમાં જેમ મોટા ભાગના કલાકારો મુંબઈમાં રહે છે તેમ અમેરિકામાં હૉલિવૂડના ૫૭ ટકા લોકો કાં તો કેલિફૉર્નિયામાં રહે છે અથવા તો ન્યૂ યૉર્કમાં. કેલિફૉર્નિયા અને ન્યૂ યૉર્ક સામાન્ય રીતે ડેમૉક્રેટિક પક્ષના મજબૂત ગઢ છે. આથી ડેમૉક્રેટ પક્ષને નાખુશ કરીને તમે હૉલિવૂડ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકો.  ફિલ્મ જગતમાં રહેવું હોય તો યૂનિયનના સભ્ય પણ રહેવું પડે. ચાહે તે સ્ક્રીન ઍક્ટર ગિલ્ડ હોય કે ઍક્ટર્સ ઇક્વિટી ઍસોસિએશન, આ યૂનિયનો મોટાભાગનાં સામ્યવાદી છે. (ડિટ્ટો ભારતીય ફિલ્મ જગત. ત્યાં પણ સામ્યવાદીઓ પહેલેથી જ ચોકો જમાવી બેસી ગયા છે.) કોઈ ગુંડો કોઈ વ્યક્તિને એક વાર માર પડે પછી તે વ્યક્તિ હંમેશાં ગુંડાથી દબાયેલી જ રહે છે, તેમ કૉંગ્રેસે કટોકટી (ઇમર્જન્સી) લાદી અને તે વખતે ફિલ્મ કલાકારોને સંજય ગાંધીના દરબારમાં ફરજિયાત કાર્યક્રમો કરવા પડેલા. તે પછી એટલી હદે ધાક પેસી ગઈ કે તમે ૮૦ના દાયકામાં આવેલા જિતેન્દ્ર, હેમા માલિની, શ્રીદેવી અભિનિત ‘જસ્ટિસચૌધરી’ ફિલ્મમાં જસ્ટિસ ચૌધરી બનેલા જિતેન્દ્રના ઘરમાં દીવાલ પર પં. નહેરુની તસવીર જોઈ શકો. અરે! ૨૦૦૮માં આવેલી આમીર ખાન નિર્મિત ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’માં પરેશ રાવલના પોલીસ મથકની દીવાલ પર ઈન્દિરા ગાંધીની તસવીર દેખાશે. નરેન્દ્ર મોદીજીના માનીતા અને ભાજપ માટે પ્રચાર પણ કરતા નિર્માતા-કલાકારોની સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નહેરુ કે ઈન્દિરાજીની તસવીર પૉલીસ મથકમાં જોવા મળી હતી. પરંતુ જો આજે કોઈ ફિલ્મમાં દીવાલ પર અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદીની તસવીર દેખાય તો આ લિબરલો હોબાળો મચાવી દે! (આ તસવીરો પણ અચેતન મગજમાં એક સંદેશ આપતી હોય છે. જો તેમ ન હોત તો ભાજપના નેતાઓ મંચ પર નરેન્દ્ર મોદી-અમિત શાહ કે કૉંગ્રેસના નેતાઓ મંચ પર સોનિયા-રાહુલની વિશાળ તસવીરો સાથેનું બૅનર ન લગાડતા હોત)

આમ, હૉલિવૂડ કે બૉલિવૂડમાં તમારે કામ કરવું હોય તો લિબરલ ટોળકીના ભાગ રહેવું જ પડે. કલાના જગતમાં કોઈ અનામત નથી હોતી કે કોઈ એવા નિયમો નથી હોતા કે જેના વિરુદ્ધ તમે કૉર્ટમાં જઈ શકો. ઈમરાન હાશ્મીને મુંબઈમાં ઘર ન મળે તો તે બૂમરાણ મચાવી શકે છે જેને મિડિયા હાઇપ પણ આપે છે પરંતુ વિવેક ઓબેરોય ઐશ્વર્યા રાયને અતિશય હેરાનગતિ કરનારા સલમાન ખાન સામે પડે તો વિવેકની કારકિર્દીને એટલું નુકસાન થાય કે તે ક્યારેય બેઠો થઈ શકતો નથી. (આમાં અભિનયક્ષમતાની જો કોઈ બુઠ્ઠી દલીલ કરે તો તે ન ચાલે કારણકે વિવેકે ‘કંપની’ જેવી હાર્ડ હિટિંગ, ‘સાથિયા’ જેવી રોમેન્ટિક ફિલ્મ કે પછી ‘મસ્તી’ જેવી સેક્સ કૉમેડી ફિલ્મો દ્વારા પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરેલી જ છે.) એટલે હૉલિવૂડમાં પણ આવું જ છે. અહીં જો તમે લિબરલોની ટોળીના ભાગ ન હો તો તમને કામ મળવું મુશ્કેલ છે. સ્ટેશી ડેશ જેવી જાણીતી અભિનેત્રી, ટીમ એલન જેવા પ્રસિદ્ધ અભિનેતા અને કૉમેડિયન, અભિનેતા કેલસી ગ્રામર, અભિનેત્રી એન્જી હાર્મન સાથે શું કર્યું આ લિબરલોએ તે આવતા અંકે. લિબરલોની દાદાગીરી અંગે ઘણીઘણી વાતો કરવાની છે. આ કૉલમ ચૂકવાનું પોસાશે નહીં.

(ક્રમશ:)

Advertisements
religion, terrorism

હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

એક તરફ હિન્દુઓ છે જે અમરનાથ યાત્રામાં હુમલો થાય તો પણ ક્યારેય ફરિયાદ નથી કરતા કે અમને ડર લાગે છે. છેલ્લાં ત્રીસ વર્ષથી કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી ગુજરાતમાં સેંકડો બોમ્બ ધડાકાઓ થાય, અક્ષરધામ, રઘુનાથ મંદિર પર હુમલાઓ થાય, કાશ્મીર, કૈરાનામાંથી ષડયંત્રપૂર્વક હિન્દુઓને કાઢી મૂકવામાં આવે અને બીજી ઘણી બધી જગ્યાએ પણ આ પ્રક્રિયા ચાલુ હોય, હુલ્લડો થાય તો પણ હિન્દુઓ ડર વગર બિન્દાસ્ત જીવે છે કારણ એક, તેમને (આજીવિકાના વિચાર સિવાય) ક્યારેય નથી લાગતું કે તેમનો બીજો કોઈ દેશ હોઈ શકે. હામીદ અન્સારી જેવાઓની વાત અલગ છે. અને બીજું કે શક, હૂણ, મુસ્લિમો, અંગ્રેજો સહિત અનેક આક્રાંતાઓ આવ્યા અને ગયા. કોઈ હિન્દુ ધર્મ કે હિન્દુઓને મિટાવી શક્યું નથી. તેમને ક્યારેય લાચારી બતાવીને રોતલ મોઢે ફરિયાદ કરવાની ટેવ નથી. એક હદ સુધી આ પ્રજા કાં તો સહન કરે છે અને સહનશક્તિની મર્યાદા વટી જાય પછી સીધો જવાબ જ આપે છે. 
 
ઉત્તર પ્રદેશમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીના  પિતરાઈ ગુંડા મુખ્તાર અન્સારી, બિહારમાં મોહમ્મદ શાહબુદ્દિન હોય, પશ્ચિમ બંગાળમાં ઈમામ બરકાતી હોય, દિલ્લીમાં પ્રગટપણે પોતાને આઈએસઆઈ એજન્ટ ગણાવતો ઈમામ બુખારી હોય, મહારાષ્ટ્રમાં એક સમયે દાઉદ ઈબ્રાહિમ, ઝાકીર નાઈક, આંધ્રમાં – પોલીસને હટાવી દ્યો તો ઔકાત દેખાડી દેવાની- વાત કરતો અસાઉદ્દીન ઓવૈસી છે, રાજસ્થાનમાં સોહરાબુદ્દિન રહ્યો- કાશ્મીરમાં યાસીન મલિક, સઈદ ગિલાની, ઝાકીર મુસા, હાફીઝ સઈદ, મસૂદ અઝહર હોય, કેરળ આઈએસઆઈએસનું ગઢ બને છતાં હામીદ અન્સારી કહે છે કે મુસ્લિમોને ડર લાગે છે. મુસ્લિમોને નહીં, તમારા જેવા કટ્ટરવાદીઓને કદાચ ડર લાગતો હશે કારણકે માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં કટ્ટરવાદી મુસ્લિમો વિરુદ્ધ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અમેરિકા પ્રમુખ હવે પ્રગટ પણે ઈસ્લામી ત્રાસવાદ એવું બોલી રહ્યા છે (જોકે ભારતના નેતાઓ તો હજુ બોલતા ડરે છે).
ડર તો જર્મનીના ખ્રિસ્તીઓને લાગવો જોઈએ જ્યાં ૨૦૧૬માં ૧૨૦૦ સ્ત્રીઓ પર મુસ્લિમ શરણાર્થીઓએ સેક્સ્યુઅલ હુમલાઓ કર્યા હતા, જ્યાં ટ્રક ચડાવી દેવામાં આવે છે. ડર તો પેરિસવાળાઓને લાગવો જોઈએ નવેમ્બર ૨૦૧૫માં ૧૩૦ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે. ડર તો અમેરિકાના લોકોને લાગવો જોઈએ જ્યાં ન્યૂયૉર્કના ટ્વિન ટાવર પર પ્લેન અથડાવી દેવામાં આવે. ડર ખરેખર તો ઈઝરાયેલના યહૂદીઓને લાગવો જોઈએ જેના પર હમાસ ત્રાસવાદી હુમલાઓ કરતું રહ્યું છે.
 
ડર તો લાગે છે વિકરાળ મહાસત્તા બનવા મથતા ચીનને જે પાકિસ્તાન સાથેની સરહદ બંધ કરી રહ્યું છે જેથી તેના શિનજિયાંગ પ્રાંતમાં ત્રાસવાદ ન ફેલાય. તેથી જ તો તે રમઝાન પર પ્રતિબંધ મૂકી દે છે. સદ્દામ જેવાં નામો રાખવાની મનાઈ ફરમાવે છે પરંતુ તેમ છતાં તમને જે દેશ વધુ ગમે છે તે પાકિસ્તાનને ચીન સાથે પ્રગાઢ દોસ્તી છે. ડર તો ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુકે, અમેરિકાના લોકોને લાગે છે જેથી તેઓ બુરખા પર પ્રતિબંધ મૂકે છે અને વિદેશથી આવતા મુસ્લિમો પર પણ મનાઈનો આદેશ આપે છે.
 
ડર તો સુન્ની સિવાયની તમામ મુસ્લિમ પ્રજા, ખાસ કરીને શિયાઓને લાગે છે જેમના પર સાઉદી અરેબિયાથી લઈને યમન, સિરિયા, પાકિસ્તાન વગેરે દેશોમાં હુમલાઓ થાય છે. મસ્જિદ જેવાં પવિત્ર ગણાતાં સ્થાનોને પણ છોડાતા નથી અને બૉમ્બ હુમલાઓ કરી અલ્લાહમાં માનનારા ભાઈઓને મોતને ઘાટ ઉતારાય છે.  ઈદ જેવા પવિત્ર તહેવારો પણ હવે ઇસ્લામિક દેશોમાં શિયા તથા (સુન્ની સિવાયના) અન્ય મુસ્લિમો માટે ડરનું કારણ બની ગયા છે કારણકે આ પવિત્ર દિવસે પણ સુન્ની ત્રાસવાદીઓ ત્રાટકે છે. અરે, મુસ્લિમો માટે સૌથી પવિત્ર ગણાતું મક્કા-મદીના પણ સુન્ની ત્રાસવાદથી મુક્ત નથી રહ્યું. શું વાત કરો છો, અન્સારી ?
 
પારસીઓને, યહૂદીઓને, બૌદ્ધોને ભારતમાં ક્યારેય ડર નથી લાગ્યો પણ તમને જ કેમ ડર લાગ્યો? કદાચ એટલે કે આ લઘુમતીઓ હિન્દુઓ સાથે હળીમળીને રહે છે જ્યારે તમારા જેવા હજુ પણ મુગલ સલ્તનત ફરીથી સ્થપાય અને શરિયા લાગુ થાય તેની તીવ્ર ઝંખના ધરાવતા હશે. તમે ઉપરાષ્ટ્રપતિ પદે દસ દસ વર્ષ રહ્યા, તમામ સુખસાહ્યબી ભોગવી એ પહેલાં પણ ભારતમાં તમે વિવિધ ઉચ્ચ સરકારી પદોએ રહ્યા. બીજા કયા ઈસ્લામી અને ખ્રિસ્તી દેશમાં મુસ્લિમ કે ખ્રિસ્તી સિવાયના (ઓબામાને પણ બાઇબલ પર શપથ લેવી પડે છે) લોકો ટોચના પદે પહોંચ્યા છે તે જરા યાદ કરી જોજો.  
અન્સારી, તમે જો પાકિસ્તાનમાં હોત ને તો ખબર પડત કારણકે ત્યાં કોઈ પણ વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ ગાદી પરથી ઉતરે પછી તેને કાં તો ફાંસીની સજા અપાય છે, કાં તો બોમ્બ ધડાકામાં મારી નાખવામાં આવે છે, કાં કોઈ ભ્રષ્ટાચારના કેસમાં સંડોવી નવાઝ શરીફની જેમ ગાદી પરથી ઉતારી દેવામાં આવે છે અથવા તો દેશવટો ભોગવવો પડે છે. એક વાર જાવ તો ખરા ભારતની બહાર, ખરો ડર કોને કહેવાય ને તે ખબર પડી જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને પણ વિનંતી છે કે હવે એક કાયદો ઘડો કે જે વ્યક્તિ પાકિસ્તાન મુર્દાબાદ બોલે, જે વ્યક્તિ વંદેમાતરમ્ ગાય, જે વ્યક્તિ ગાયને માતા માનતા હોય, જે વ્યક્તિ તિરંગાને નમન કરતા હોય, તેવી જ વ્યક્તિઓને હવે નોકરીમાં કે ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદો પર બિરાજમાન કરાશે. આમ કરશો તો અન્સારી જેવા કટ્ટર લોકો તો બંધારણીય પદ પર પહોંચતા અટકશે કારણકે ભારતની સર્વ ધર્મ સમભાવની પ્રકૃત્તિ અહીં રહેતા સરેરાશ લોકોના લોહીમાં હોવા છતાં સમયે સમયે હામીદ અન્સારી જેવા લોકો ભારતની છબીને એક ઝાટકે તોડી નાખે છે. કોઈ પણ છબી બનતાં વર્ષો લાગે છે અને તેને બગાડતા સહેજ પણ વાર નથી લાગતી.
gujarat guardian, health, hindu

યોગે બધાને જોડવાનું કામ કર્યું

celebration of first international yog day
celebration of first international yog day

ગુજરાતીમાં કહેવત છે કે જેનો અંત ભલો તેનું બધું ભલું. પણ જે રીતે ભારત સહિત વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાયો તે જોતાં કહેવું પડે જેની શરૂઆત સારી તેનું બધું સારું. અનેક વાદ-વિવાદની વચ્ચે પણ ભારતમાં યોગદિવસ હેમખેમ જ નહીં, પરંતુ પૂરા ઉત્સાહ-ઉલ્લાસ સાથે ઉજવાયો. એવું લાગ્યું કે રવિવાર ૨૧ જૂને આખું ભારત યોગમય બની ગયું હતું. મોટા કરે તો પછી નાના પણ તેમાં જોડાય જ એ ઉક્તિને ચરિતાર્થ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગાસન કરીને દાખલો બેસાડ્યો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિદેશ ચાલ્યા ગયા, ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી માંદા પડી ગયા, પરંતુ રાજકીય મતભેદો-કડવાશ ભૂલીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના નાયબ મનીષ સિસોદિયા પણ રાજપથ, સોરી, યોગપથમાં યોગાસનો કરવામાં જોડાયા. મોદીના કારણે અનેક મંત્રીઓએ પણ આસનો કરવા પડ્યાં, થાય કે ન થાય, પણ છૂટકો નહોતો. રાજ્યોમાં પણ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત અનેકોએ યોગાસનો કર્યાં. નવાઈ તો એ વાતની હતી કે ભારતમાં વિરોધ થવાથી ઓમ્ નું ઉચ્ચારણ પડતું મૂકાયું, પરંતુ અમેરિકામાં ધર્મથી પર ઉઠીને ઘણા અહિન્દુઓએ પણ ટાઇમ્સ સ્ક્વેર પર ઓમ્ સાથે યોગાસનો કર્યા. ભારતમાં સૂર્ય નમસ્કાર પડતા મૂકાયા (જોકે અજ્ઞાનીઓ જાણતા નથી કે સૂર્ય નમસ્કારમાં પણ અંતે તો છથી સાત યોગાસનોનો સમૂહ જ છે, અને ૨૧ જૂને રાજપથ પર જે આસનો કરવામાં આવ્યાં તેમાં ઘણાં યોગાસનો સૂર્યનમસ્કારમાં આવતાં આસનો જ હતાં) પરંતુ બૌદ્ધ દેશ તાઈવાનના તાઈપેઈમાં સૂર્યનમસ્કાર પણ થયા. અમેરિકાના અખબાર યુએસએટૂડેના અહેવાલ અનુસાર તાઈપેઈમાં સૂર્યનમસ્કાર કરનારામાં એક ભારતીય મુસ્લિમ પાઇલોટ જે મિડલ ઇસ્ટ એરલાઇન્સ માટે કામ કરે છે તે ફઝેલ શાહ પણ હતો.

જોકે સૂર્યનમસ્કારની વાત આવે ત્યારે એ નોંધવું જોઈએ કે અકબરના સમયના મુલ્લા અબ્દુલ કાદિર બદાયૂની નામના ભારતીય ઈતિહાસકારે નોંધ્યું છે કે અકબર પર બિરબલનો સારો પ્રભાવ હતો અને બિરબલે તેમને સૂર્યનો મહિમા સમજાવ્યો હતો કે સૂર્ય પ્રકાશ આપે છે. તેના કારણે વાદળો બંધાય છે અને વરસાદ વરસે છે. વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. તેથી સૂર્યની પૂજા કરવી જોઈએ. બિરબલે અકબરને અગ્નિ, પાણી, પથ્થરો અને વૃક્ષોની પણ પૂજા કરવા સમજાવ્યું હતું. અને આ પ્રમાણે અકબરે રોજ સવારે સૂર્યના દર્શન કરવાનું ચાલુ થયું હતું અને આ સૂર્યદર્શનના પ્રતાપે તો તેઓ આગ્રાના કિલ્લાના ઝરોખામાં પણ (જનતાને) દર્શન આપવા લાગ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રોમાં યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ થયો અને તે મંજૂર થયો તેમાં સિરિયા, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા જેવા અનેક ઈસ્લામી દેશોનું સમર્થન પણ જવાબદાર ગણાય, પણ સૌથી પહેલાં અને સૌથી ઝડપી ટેકો ચીને આપ્યો હતો. મોદીએ પ્રસ્તાવ કર્યો તેના એક અઠવાડિયા પછી ભારતના સંયુક્ત રાષ્ટ્રોમાંના મિશને ચીનનો ૨ ઑક્ટોબર ને ગુરુવારે સંપર્ક કર્યો અને ચીને ૬ ઑક્ટોબર ને સોમવારે તો સમર્થન આપતો જવાબ પણ આપી દીધો. યોગનો અર્થ એટલે જોડવું થાય છે અને યોગ દિવસની ઉજવણીમાં દુશ્મનો ભારત-ચીન સાથે આવ્યા; યુએઈ, તુર્કી, અનેક મુસ્લિમ દેશો (પાકિસ્તાન સિવાય)માં યોગાસનો થયાં; ભારતમાં પણ મુસ્લિમોએ, રમજાનના રોઝા હોવા છતાં મોટા પાયે ઉજવણીમાં ભાગ લીધો; કાશ્મીર જેવા આતંકવાદગ્રસ્ત રાજ્યમાં પણ અનેક મુસ્લિમોએ યોગાસનો કર્યા; રાજકીય દુશ્મની ભૂલીને અરવિંદ કેજરીવાલે રાજપથ પર મોદીના નેતૃત્વ હેઠળ યોગાસનો કર્યા; આ સમગ્ર ચિત્ર જુઓ તો યોગે ખરેખર બધાને જોડવાનું કામ કર્યું  છે.

જોકે પશ્ચિમી મિડિયા જે ભારત વિરોધી માનસિકતા ધરાવે છે તે જ્યારે ભારતમાં ચર્ચ પર પથ્થર પણ પડે છે ત્યારે એટલો હોબાળો કરે છે તેણે ભારતમાં યોગ દિવસ સાથે જોડાયેલા વિવાદને મહત્ત્વ આપ્યું, પરંતુ તેની ઉજવણીને નહીં. અને પોતાના દેશોમાં થયેલી ઉજવણીની તો કોઈ વાત જ કરી નથી. જેમ કે, ડેઇલી મેઇલ એવું છાપું અને વેબસાઇટ છે જેના પર આવા મોટી સંખ્યામાં કોઈ કાર્યક્રમો થયા હોય તો તેના અઢળક ફોટા સાથે તેની વિગતો અપાય છે, પરંતુ તે ત્યારે કે જ્યારે અમેરિકા કે બ્રિટન જેવા પશ્ચિમી દેશમાં થયા હોય, પરંતુ યોગ દિવસનો એક પણ ફોટો તેના મુખ્ય પાના પર જોવા ન મળ્યો. અહેવાલની તો વાત જ દૂર છે. તેનું એક સેક્શન છે – ઇન્ડિયા, જેમાં ભારતના સમાચાર હોય છે, પણ તેના પર પણ સંઘે રામમંદિરનો મુદ્દો ફરી છેડ્યો તે મુખ્ય સમાચાર છે અને તેની નીચે રાજપથ યોગપથ બન્યું તે સમાચાર છે. આ જ રીતે બ્રિટનના ઇન્ડિપેન્ડન્ટ પર યોગ દિવસની ઉજવણીના સમાચાર નથી, પરંતુ નકારાત્મક રીતે સમાચાર લીધા છે કે ‘નોટ ઓલ ઇન્ડિયન્સ વોન્ટ ટૂ જોઇન મિ. મોદી ઓન અ યોગ મેટ’ (બધા ભારતીયો યોગ દિવસની ઉજવણીમાં જોડાવા માગતા નથી). તેમજ બીબીસી પર યોગ દિવસની ઉજવણીના સમાચાર નથી, હા, બીબીસી પર ભારતીયોએ કઈ રીતે અંગ્રેજી ભાષાને બદલી નાખી તે સમાચાર જરૂર છે. અમેરિકાના ન્યૂ યોર્ક ટાઇમ્સ સહિતના અખબારોએ પણ યોગ દિવસની (બે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છતાં) કોઈ મહત્ત્વ આપવાનું પસંદ નથી કર્યું. આ જ રીતે પાકિસ્તાનના અખબાર ડોનમાં પણ યોગ દિવસની ઉજવણીના સમાચાર સિંગલ કોલમમાં પણ નથી છપાયા. પાકિસ્તાનના એક્સ્પ્રેસ ટ્રિબ્યુન અખબારમાં પણ યોગ દિવસની ઉજવણીના સમાચાર નથી.

આ બધામાં એક રસપ્રદ લેખ સ્ટીફન મોસનો છે. સ્ટીફન મોસ બ્રિટનના ઇન્ડિપેન્ડન્ટ અખબારના ફીચર રાઇટર છે તેમજ ક્રિકેટની ગીતા ગણાતા વિઝડનના તંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે ‘માય ફર્સ્ટ એડ્વેન્ચર ઇન યોગ: લેસ કોબ્રા, મોર કોર્પ્સ’ શીર્ષકથી પોતાના યોગના અનુભવ લખ્યા છે. ૨૧ જૂનના રોજ પ્રસિદ્ધ આ લેખમાં, તેમણે લંડનમાં શિવાનંદ યોગ વેદાંત સેન્ટરમાં યોગ શિખવા ગયા તેનો અનુભવ લખ્યો છે. તેઓ શરૂઆતમાં જ લખે છે કે પહેલું આશ્ચર્ય તો મને એ જાણીને થયું કે સ્વામી જ્યોતિર્મયાનંદ (સાધ્વી) ડચ છે. મૂળ નેધરલેન્ડના સામાજિક કાર્યકર એવાં સ્વામી જ્યોતિર્મયાનંદે યોગ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તેમના સહિત ૩૦ સ્વામીઓ વિશ્વભરનાં શિવાનંદ યોગ વેદાંત કેન્દ્રો ચલાવે છે. મૂળ તો આ કેન્દ્રો તમિલનાડુના જાણીતા સંત સ્વામી શિવાનંદ સરસ્વતી, જે બહુ મોટા યોગી પણ હતા, તેમના નામે ચાલે છે. સ્વામી શિવાનંદના શિષ્ય ગણાતા સ્વામી વિષ્ણુદેવનંદને આ કેન્દ્રો સ્થાપ્યાં હતાં. વિષ્ણુદેવનંદન ૧૯૫૭માં સ્વામી શિવાનંદની સૂચનાને અનુસરી પશ્ચિમમાં આવ્યા અને સૌથી પહેલું કેન્દ્ર કેનેડાના મોન્ટ્રીયલમાં સ્થાપ્યું. www.sivananda.org વેબસાઇટ મુજબ અત્યારે વિશ્વભરમાં ૬૦ જગ્યાએ આ કેન્દ્રો, આશ્રમ, અને સંલગ્ન કેન્દ્રો છે.

જ્યોતિર્મયાનંદ તેમજ પોર્ટુગલના એક શિક્ષક જેમણે અર્જુન નામ રાખ્યું છે તેમણે સ્ટીફન મોસને યોગના પાઠ ભણાવવા કોશિશ કરી તેનું વર્ણન લખતાં સ્ટીફન મોસ કહે છે કે “તેઓ મને હઠયોગ શિખવી રહ્યા છે. યોગ એ ભારતની ૫,૦૦૦ વર્ષ કરતાં પણ જૂની પરંપરા છે, જે મક્કમતા, મૌન અને ધ્યાન પર ભાર મૂકે છે.” લંડનના શિવાનંદ યોગ વેદાંત કેન્દ્રમાં ૪૦ યોગ શિક્ષકો છે જે યોગ શિખવે છે. સ્ટીફન મોસ લખે છે કે સ્વામી એકદમ શાંત ચિત્તવાળા છે અને તેમનું આ શાંત ચિત્ત ત્રણ કલાકના વર્ગ દરમિયાન અકબંધ રહે છે.

સ્ટીફન મોસ એ સ્વામી આગળ દલીલ કરે છે કે યોગ તો ધર્મ છે, પરંતુ સ્વામી કહે છે, “આ તો તંદુરસ્ત રીતે જીવવાની એક શૈલી છે, જેમાં જીવવાનાં તમામ પાસાંઓને એકબીજા સાથે જોડવાનાં છે.”  શિવાનંદ સરસ્વતીએ છ શબ્દોમાં પોતાનો ઉપદેશ આપ્યો હતો : સેવા કરો, પ્રેમ કરો, આપો, શુદ્ધ બનો, ધ્યાન કરો અને અનુભૂતિ કરો. આ બધું વ્યાયામ, પ્રાણાયામ, હળવા થવું, આરોગ્યપ્રદ આહાર, હકારાત્મક વિચારસરણી અને ધ્યાન દ્વારા સાકાર કરવામાં આવે છે. આ કેન્દ્રોના જે ચુસ્ત અનુયાયીઓ હોય છે તે ચા, કોફી, આલ્કોહોલ, માંસ અને ડુંગળી-લસણ ત્યજી દે છે. સ્વામી જ્યોતિર્મયાનંદજીએ પણ લગ્ન કર્યાં નથી. સ્ટીફન મોસ કહે છે, “જોકે મને યોગ વર્ગ પછી નિઃશુલ્ક શાકાહારી ભોજન મળ્યું, જે ખૂબ જ સ્વાદિષ્ટ હતું.”

એ તો જાણીતી વાત છે કે (અને આ પૂર્તિમાં ગયા બુધવારે તેના પર લેખ પણ હતો) યોગના અનેક ફાંટા પડ્યા છે અને પશ્ચિમમાં તો યોગના નામે સાચાખોટાં તૂત ચાલે છે. પરંતુ સ્વામી જ્યોતિર્મયાનંદ તેમના પ્રત્યે સહાનુભૂતિથી જુએ છે અને કહે છે કે આટલા બધાં પ્રકાર અને આધુનિક સંસ્કરણો બતાવે છે કે તમામ પ્રકારના લોકો તેમને માફક આવે તેવી યોગ પદ્ધતિ શોધી શકે છે. કોઈની વચ્ચે ઝઘડો નથી. લોકો અલગ-અલગ પરંપરાને માન આપે છે.

સ્ટીફન મોસને જે શીખવાડવામાં આવે છે તે હઠ યોગમાં નહીં નહીં તો ૩૬,૦૦૦ આસનો છે. પરંતુ શિવાનંદ આશ્રમમાં માત્ર ૧૨ જ શીખવાડાય છે. અનેક પ્રાણીઓ પરથી આસનો બન્યાં છે, પરંતુ સ્ટીફન મોસને વીંછી, કાગડા, મોર પરથી બનેલાં આસનો કરાવાતાં નથી. સ્ટીફન મોસ રમૂજમાં કહે છે કે બધાં આસનો કરી શકાય તેવાં નથી.  કેટલાંકમાં તો એમ્બ્યુલન્સ બોલાવીને રાખવી પડે તેમ છે. જો મેં બધાં આસનો કર્યાં હોત તો, (આસન પછી જે શવાસન એટલે કે શબની જેમ પડ્યા રહીને હળવા થવું, ધ્યાન કરવું) શબની જેમ મારે પડવું ન પડત, હું પોતે જ શબ બની ગયો હોત.

આ આસનો મનનું નિયંત્રણ કરવા માટે છે તેમ સમજાવી સ્વામી અને અર્જુન સ્ટીફન મોસને ‘ઓમ્’ના જાપ કરાવે છે. સ્ટીફન મોસ લખે છે કે તે ખૂબ જ શાંતિદાયક છે. મારું માથું ફરી હળવું થવા લાગ્યું છે. ઊંડા શ્વાસ લેવાથી વધુ ઑક્સિજન મળે છે. અંતમાં મને ચાદર ઓઢાડીને સૂવાડવામાં આવે છે. મને ઊંઘ આવવા લાગી છે. મને વિચારવિહીન અવસ્થામાં જવા કહેવાયું છે. પરંતુ મને તો આ અવસ્થા પ્રાપ્ત કરવી અશક્ય છે તેવા વિચાર આવવા લાગ્યા છે. અને બપોરના બે વાગ્યા છે અને મને ભૂખ લાગી છે તેથી મને તેના સિવાય બીજા કોઈ વિચાર આવતા નથી.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૨૪/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

gujarat guardian, technology

ઇન્ટરનેટ પર હુમલો: ડરના ઝરૂરી હૈ

અત્યારે આપણી દુનિયા ઇન્ટરનેટ આધારિત વધુ ને વધુ થતી જાય છે. સ્માર્ટ ફોન અને વૉટ્સ એપ આવ્યા પછી તો આપણે ઇન્ટરનેટ આધારિત વધુ થઈ ગયા છીએ. જો સ્પીડ સહેજ પણ ધીમી પડે તો પણ આપણે અકળાઈ જઈએ છીએ, પરંતુ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તો આપણી અકળામણનો પાર જ ન રહે!

પણ ધારો કે, ઇન્ટરનેટ હંમેશ માટે બંધ થઈ જાય, કે નાશ પામે તો?

તમે  કહેશો કે આવું ધારવાનું પ્લીઝ, અમને ન કહો, અથવા તમારો જવાબ હશે આવું ધારવું અકલ્પનીય છે. અમે આવી કલ્પના પણ નથી કરી શકતા. ઇન્ટરનેટ બંધ થાય તો ફટ દઈને ગૂગલમાં સર્ચ ક્યાંથી થાય? ઇન્ટરનેટ બંધ થાય તો ફેસબુક, ટ્વિટર અને વૉટ્સ એપ ક્યાંથી વપરાય?કિમ કર્દશિયન કે સન્ની લિયોનીના ફોટા જોવાનું બંધ થઈ જાય. (સુજ્ઞ વાચકોએ અહીં ફોટાની જગ્યાએ આપોઆપ વિડિયો શબ્દ ધારી લીધો હશે. એટલું ધારવું તો સરળ જ છે. J)

ઇંગ્લેન્ડમાં કેનેરી વાર્ફની ઈશાન (ઉત્તર-પૂર્વ) દિશામાં એક ડોકલેન્ડ્સ નામનો વિસ્તાર છે. આ વિસ્તારમાં એક મોટું બિલ્ડિંગ છે. તેની આસપાસના વિસ્તારમાં ધાતુની વાડ છે. સિક્યોરિટી કેમેરા તેની બારી વગરની દીવાલો પર લાગેલા છે અને તેના દ્વારા બિલ્ડિંગ આસપાસ કડક નજર રખાય છે. આજુબાજુમાંથી નીકળતી વ્યક્તિને ખ્યાલ પણ ન આવે કે આ બિલ્ડિંગનું મહત્ત્વ શું છે, પરંતુ હકીકતે ઇન્ટરનેટ માટે તે ખૂબ જ મહત્ત્વનું બિલ્ડિંગ છે. તેનું નામ ‘લિન્ક્સ’ છે. લંડન ઇન્ટરનેટ ઍક્સચેન્જનું ટૂંકું નામ એટલે લિન્ક્સ. વિશ્વભરમાં ગમે ત્યાં ઇન્ટરનેટ પર ટ્રાફિકના વિનિમયનું આ સૌથી મોટું સ્થળ છે. લિંક્સ જેવી ૩૦ વિશાળ ઇમારતો છે જે ઇન્ટરનેટ સાથે સંકળાયેલી છે.

લંડનની આવી એક ઈમારત જેવી અનેક ઈમારતો વિશ્વભરમાં છે. (એક ઍક્સચેન્જ અમદાવાદમાં પણ છે.) આવી ઈમારતોમાંથી જ ટાટા, રિલાયન્સ, એરટેલ, એમટીએસ જેવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આપણને ઇન્ટરનેટ પૂરું પાડે છે.  માનો કે જો આમાંની એક પણ ઈમારતમાં વીજળી ગૂલ થઈ કે ભૂકંપ આવ્યો તો? એકાદમાં થાય તો તો અમુક પ્રદેશ પૂરતી ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જાય. અને આવું થતું પણ હોય છે, પરંતુ જો તમામ ૩૦ ઈમારતોમાં થાય તો તો સમગ્ર વિશ્વમાં જ ઇન્ટરનેટ ઠપ થઈ જાય ને.

આને હિન્દુઓની ભાષામાં કહીએ તો પ્રલય અને મુસ્લિમોની ભાષામાં કહીએ તો કયામત જેવી સ્થિતિ કહેવાય.અંગ્રેજીમાં તેને ડૂમ્સડે કહે છે. પરંતુ ચિંતાની જરૂર નથી. આ પ્રકારની સ્થિતિ શક્ય નથી. આવાં ઇન્ટરનેટ એક્સચેન્જને અતિ અતિ સુરક્ષિત રાખવામાં આવ્યા હોય છે, તેમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની લેવલ-૩ના મુખ્ય ટૅક્નિકલ ઑફિસર (સીટીઓ) જેક વોટર્સનું કહેવું છે. આ માટે દરેક પર ચાંપતી નજર રખાય છે. આસપાસ અંતરાયો મૂકાય છે અને પૂરતી સાવધાની લેવાય છે. આ ઈમારતો ભારે સુરક્ષિત હોય છે. લેવલ-૩ની એક પણ ઈમારત પર ક્યારેય ભાંગફોડનો પ્રયાસ થયો નથી.

પરંતુ અતિ સુરક્ષિત એવા ન્યૂયોર્કના  ટ્વિન ટાવર પર પણ હુમલો થયો જ હતો ને. આથી ભાંગફોડ કે નુકસાનનનાં તમામ પાસાં ચકાસવાં જરૂરી છે. માનો કે, આવાં સ્થળો વચ્ચેની કડીઓ કાપી નાખવામાં આવે તો? વિશ્વભરમાં કિલોમીટરના કિલોમીટર ગૂંચળુંવાળેલા વાયરો (વાયર અંગ્રેજી શબ્દ જ છે, પણ તેને આજકાલ કેબલ કહેવાય છે) પડ્યા હોય છે. તેમાંના ઘણા તો અસુરક્ષિત પડ્યા હોય છે. ઘણા તો દરિયામાં હોય છે. ભૂકંપ વખતે કે જ્યારે જહાજ તેને કાપીને આગળ વધે તો? ૨૦૦૮માં ઇન્ટરનેટ મોટા પાયે ખોરવાયું હતું જેનું કારણ આ રીતે કેબલ કપાયા તે  હતું અને ઘણા દેશોને તેની અસર થઈ હતી.

આનો તોડ પણ કાઢવામાં આવ્યો છે. પોલેન્ડમાં જન્મેલા અમેરિકન એન્જિનિયર પોલ બારનને આ માટે ધન્યવાદ આપવા પડે. બારન સહિત કેટલાક લોકો ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં, (જ્યારે આપણે તો ટૅક્નૉલૉજીની રીતે બહુ પછાત હતા. ટીવીનું હજુ પગરણ પડ્યા હતા) માનતા હતા કે કમ્યૂનિકેશનના નેટવર્કની એ રીતે ડિઝાઇન કરી શકાય કે જેથી તે પરમાણુ હુમલો થાય તો પણ ટકી રહે.

તેમણે આ અંગે ઘણાં સંશોધનપત્રો લખ્યાં, પરંતુ એ વખતે પહેલાં તો કોઈએ તેમને ગંભીરતાથી ન લીધાં. વેલ્શના એક કમ્પ્યૂટર વૈજ્ઞાનિક ડોનાલ્ડ ડેવિસ લગભગ એ જ સમયે પરંતુ બારનથી સંપૂર્ણ સ્વતંત્ર રીતે બારન જેવો જ વિચાર લઈને આવ્યા. આ વિચારને ‘પેકેટ સ્વિચિંગ’ નામ મળ્યું. તેમાં એક કમ્પ્યૂટર શિષ્ટાચાર (પ્રોટોકોલ)ની વાત છે. આ પ્રોટોકોલમાં સંદેશાઓને નાના-નાના ટુકડાઓમાં અથવા કહો પેકેટમાં તોડી નાખવામાં આવે છે. અને તેમને જે માર્ગ સૌથી ઝડપી પ્રાપ્ય હોય તે માર્ગે મોકલવામાં આવે છે. જ્યારે તેઓ તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચે ત્યારે ત્યાં તેમને ભેગા કરાય છે. જો નેટવર્કમાંની કોઈ એક કડી (લિંક) માનો કે કામ નથી કરતી, ખોરવાઈ છે તો પણ સંદેશાઓને કોઈ અસર નહીં પહોંચે. તે વૈકલ્પિક રૂટે તેના નિર્ધારિત સ્થાને પહોંચી જશે. વોટર્સ મુજબ, આ ખૂબજ અદ્ભુત સ્થાપત્ય અથવા આર્કિટૅક્ચર છે જેની કલ્પના પણ ન આવે. એક છેડાથી બીજા છેડા વચ્ચે સંદેશાવ્યવહાર થાય છે, પરંતુ વચ્ચે શું છે તે વિચારવાની જરૂર જ નથી.

આથી કેબલ કાપી નાખવામાં આવે કે ડેટા સેન્ટરને ઓફલાઇન કરી દેવામાં આવે તો વિશાળ નેટવર્કને થોડું જ નુકસાન થાય છે. ધારો કે, સીરિયામાં લડાઈ ચાલે છે અને પશ્ચિમી દેશો તે માટે તેને ઇન્ટરનેટ સેવાથી વંચિત રાખવા નેટવર્ક ખોરવી નાખે તો પણ સીરિયાની અંદર નેટવર્ક ચાલુ જ રહેશે. હા, ગૂગલ જેવી વિદેશી વેબસાઇટ તેમને નહીં મળી શકે.

ચાલો, આપણે ત્યાં સુધી નિશ્ચિંત થઈ ગયા કે વચ્ચેથી કેબલ કપાઈ જાય કે ભૂકંપ આવે તો પણ ચિંતા નહીં. તો હવે પ્રશ્ન એ છે કે માનો કે એક એવો હુમલો કે એટેક થાય છે જેમાં ઇન્ટરનેટ ટ્રાફિકનો પ્રવાહ એ જાણી જોઈને એવાં સર્વર તરફ વાળવામાં આવે છે જે આટલો બધો ટ્રાફિક ખમી શકે તેમ નથી તો? તો નો જવાબ મેળવતા પહેલાં આવા હુમલાને શું કહેવાય તે જાણી લો. આને ટૂંકા નામે ડીડીઓએસ એટેક (DDoS) કહે છે અને તેનું પૂરું નામ છે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાઇલ ઑફ સર્વિસ. આવા હુમલાઓનું પ્રમાણ વધતું પણ જાય છે. જોકે, અમેરિકાની વેબસાઇટ સામગ્રી બનાવી આપતી અને વેબસાઇટનું નામ (ડોમેઇન) પૂરું પાડતી કંપની ક્લાઉડફ્લેર અને આવાં અન્ય નેટવર્કોએ તેમના ગ્રાહકોને આવા હુમલા સામે રક્ષી શકાય તેવી યોજના કરી છે. ક્લાઉડફ્લેરનું અતિશય ઊંચી ક્ષમતાવાળું નેટવર્ક આવા હુમલાને ગળી જાય છે અને તેને બીજે વાળી (ડાઇવર્ટ) દે છે, જેથી પબ્લિક વેબસાઇટ તો ઓનલાઇન જ રહે. જોકે એ પણ સ્વીકારવું પડે કે આ સમસ્યા હલ કરવી વધુ ને વધુ મુશ્કેલ બની રહી છે. હવે આવા હુમલાઓ ધંધાદારી હરીફો દ્વારા પણ કરવામાં આવે છે.

બીજી એક શિરોદર્દ પેદા કરતી એક સમસ્યા છે ‘બૉર્ડર ગેટવે પ્રોટોકોલ’. ટૂંકમાં બીજીપી. આ કઈ રીતે તકલીફ પેદા કરે છે તે પહેલાં તે શું છે તે સમજી લો. આ એવી પ્રણાલિ છે જે ઇન્ટરનેટ ટ્રાફિક જે અબજો પેકેટોનો બનેલો હોય છે તેને કહે છે તેમણે કઈ તરફ જવાનુ છે. નેટવર્કમાં વિવિધ સ્થળોએ બીજીપી રાઉટર મૂકવામાં આવેલા છે. તે આવા પેકેટોને સાચી દિશામાં મોકલે છે. પરંતુ આ માટે રાઉટરમાં ગંતવ્ય સ્થાનની માહિતી દાખલ કરેલી હોય છે. હવે જો આ માહિતી સાથે ચેડાં કરવામાં આવે તો મુશ્કેલી થાય કે નહીં? માનો કે, તમે અમેરિકા ટપાલ લખી છે, પરંતુ ભારત બહાર આ ટપાલ નીકળે અને પાકિસ્તાન પહોંચી જાય તો? અને તે પણ ગુપ્ત સંદેશાવાળી ટપાલ હોય તો? અને એટલે જ એવો મોટા પાયે ખતરો છે કે આમ કરીને હેકરો ઇન્ટરનેટ ડેટાની ચોરી કરી શકે અથવા ગુપ્તચર સંસ્થાઓ જેવા ત્રાહિત લોકો તેની જાસૂસી કરી શકે.

બીજું એ થઈ શકે કે ટ્રાફિકના મોટો હિસ્સો એવા નેટવર્ક તરફ મોકલવામાં આવે જેને બરબાદ કરી નાખવાનું હોય. આવું થોડાં વર્ષો પૂર્વે પાકિસ્તાનમાં થયું હતું. પાકિસ્તાન સરકારે લોકોને યૂ ટ્યૂબ જોતા અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ માટે બીજીપી રાઉટરમાં ફેરફારો કરવામાં આવ્યા હતા, પણ (આ ફેરફારની) માહિતીની વિશ્વભરમાં નકલ કરી લેવાઈ અને એવું કરાયું કે બધો ટ્રાફિક પાકિસ્તાન તરફ જવા લાગ્યો. તેનું નેટવર્ક અનહદ બોજાથી લદાઈ ગયું. અને ઇન્ટરનેટની થિયરી પ્રમાણે, બીજીપીમાં ફેરફાર સાથે જો અનહદ બોજો આવી જાય તો સમગ્ર ઇન્ટરનેટ ઑફલાઇન થઈ શકે.

આ રીતે અન્ય માર્ગે વાળી દેવાયેલો ટ્રાફિક જે લોકો સર્વર અને ઓનલાઇન પ્રણાલિઓને ચાલુ રાખવા મથે છે તેમના માટે માથાનો દુખાવો સર્જી શકે. એક મેઇલ સર્વર ઑફલાઇન થઈ ગયું. તેની પાછળનું કારણ જાણવા એક બ્લોગરે તપાસ કરી તો ખબર પડી કે આ રીતે બીજા માર્ગે વળાયેલો ટ્રાફિક કારણરૂપ હતો. અને આ બધો ટ્રાફિક ચીન તરફથી આવી રહ્યો હતો.

જોકે આ બધા પ્રયાસો એક રીતે ભાંગફોડના છે, કેટલાક ઇન્ટરનેટને તોડવા માટેના પણ હતા, પરંતુ એવું ક્યારેય બન્યું નથી જ્યારે આખા વિશ્વમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું હોય. આનો અર્થ એવો નથી કે આવું થશે જ નહીં, અથવા ઓછામાં ઓછું, આવું વિચારવું જ નહીં.

માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં પ્રાધ્યાપક વિન્સેન્ટ ચાન તો કમ સે કમ આવું જ વિચારે છે. સમગ્ર ઇન્ટનેટને બંધ કરી દેવા માટેનો તોતિંગ હુમલો શક્ય છે. જોકે ઇન્ટરનેટના માળખા પર ભૌતિક હુમલો થાય તો કાયમી નુકસાન થવાની શક્યતા નથી. માનો કે, નેટવર્કના ૧,૦૦૦ નોડમાંથી એકનો નાશ કરી નાખવામાં આવે તો તેનાથી આખું નેટવર્ક પડી નહીં ભાંગે. પરંતુ જો કોઈ એવું સૉફ્ટવેર હોય જેના લીધે ૧,૦૦૦ નોડને અસર પડે તો ચોક્કસ સમસ્યા થાય.

ચાન તો પોતે એવા અખતરા કરે છે જેના લીધે સમગ્ર ઇન્ટરનેટ બંધ થાય. ત્રાસવાદી સામે લડતી વખતે ત્રાસવાદીની જેમ જ વિચારવું પડે (ફિલ્મ  ‘હોલિ ડે’નો સંવાદ) તેવી જ રીતે ઇન્ટરનેટ સામેના ખતરાઓના સામનાનું વિચારતી વખતે પહેલાં કયા કયા ખતરા હોઈ શકે તે વિચારવું પડે ને. તેમની પ્રયોગશાળામાં ડેટા સિગ્નલ અને ઊંચા સ્તરના ઘોંઘાટને જોડવાનો પ્રયોગ કરી જોયો. વિશ્વભરમાં દૂરનાં સ્થળોએ જ્યાં ઓછી સુરક્ષા છે ત્યાં જંક્શન બૉક્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને ફાઇબર ઑપ્ટિક કેબલ વચ્ચે તોડફોડ કરનારું બ્લેક બૉક્સ જ મૂકવાનું રહે. જો તમે સિગ્નલમાં એટલો બધો ઘોંઘાટ મૂકી દો જેથી પ્રણાલિ સંપૂર્ણપણે બંધ નહીં થાય પરંતુ એ એટલું બધું ક્ષતિવાળું થઈ જશે કે જે ડેટા તેના દ્વારા આવશે તે વાંચી શકાય તેવો નહીં હોય. નેટવર્ક પુનઃપ્રસારણ માટે સતત પૂછ્યા કરશે અને તેનાથી તે તેની ક્ષમતાના ૧ ટકા ધીમું પડી જશે. જે લોકો નેટવર્ક ચલાવી રહ્યા હશે તેમને ખબર નહીં પડે કે શું થયું છે. તેમને લાગશે કે તે કદાચ વ્યસ્ત છે. આમ, ચાન એવું દૃઢ માને છે કે ઇન્ટરનેટ પર હુમલા અને તેના બચાવ માટે ચર્ચા થવી જોઈએ.

હવે મહત્ત્વની વાત. અત્યારે બૅન્કો, વાણિજ્ય, વેપાર, સરકારી પ્રણાલિઓ, અંગત સંદેશાવ્યવહાર, ઉપકરણો ઘણું બધું છે જે ઇન્ટરનેટ આધારિત છે. જો સ્થાનિક કક્ષાએ કંઈ ખોરવાય તો તો વાંધો નહીં, પરંતુ ખરેખર જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો આપણને લાગશે કે આપણે ૧૮મી સદીમાં પહોંચી ગયા છીએ. જોકે, વૈજ્ઞાનિકોને એ ખબર નથી કે આવું કઈ રીતે થઈ શકે. આવું ક્યારેય બન્યું નથી તેથી આવી કોઈ કલ્પના પણ થતી નથી. શોધક, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને લેખક એવા ડેની હિલિસે ૧૯૮૨માં ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. તેમણે વર્ષ ૨૦૧૩માં ‘ટેડ’ (ટૅક્નૉલૉજી, એન્ટરટેઇનમેન્ટ, ડિઝાઇન)ની પરિષદમાં ચેતવણી આપી હતી કે ઇન્ટરનેટ પડી ભાંગી શકે છે. આવું થાય તો તેને કઈ રીતે ચાલુ કરવું કે બેઠું કરવું તેની યોજના (પ્લાન બી) વિચારી રાખવો પડશે.

હજુ સુધી આવું થયું નથી એટલે કોઈ હિલિસની ચેતવણી કાને ધરતું નથી. પણ ટ્વિન ટાવર પર ન વિચાર્યું હોય તેમ, વિમાનથી હુમલો થઈ શકે તો ઇન્ટરનેટ કઈ વાડીનો મૂળો છે? ઇન્ટરનેટ અમેરિકાના આધિપત્યમાં છે અને તેણે પોતાનું નિયંત્રણ ઘટાડવાની વાત તો કરી છે, પરંતુ તે તેના નિયંત્રણમાં છે ત્યાં સુધી કોઈ પણ તેને શિકાર બનાવી શકે છે…તેનું દુશ્મન રશિયા, ચીન કે આઈએસઆઈએસ..અને અમેરિકાના હાથમાંથી નીકળી જશે (જોકે એવું થવાની શક્યતા ઓછી છે) તો પણ આ શક્યતા તો ઊભી જ રહેશે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં આ લેખ તા.૨૮/૩/૧૫ના રોજ પ્રસિદ્ધ થયો.)