politics, sanjog news, vichar valonun

જ્યૉર્જ ફર્નાન્ડિઝ: સાચા અર્થમાં સેક્યુલર રાષ્ટ્રવાદી નેતા

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩/૨/૧૯)

પ્રિયંકા ગાંધી વાડ્રાને માત્ર ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગનો કાર્યભાર સોંપાયો તે માટે જેટલો સમય કે સમાચારપત્રની જગ્યા ફાળવી તેનાથી દસમા ભાગની જગ્યા મોટા કદના નેતા જ્યૉર્જ ફર્નાન્ડિઝના અવસાન સમયે તેમને મળી હશે! આજીવન કૉંગ્રેસ વિરોધી રહેવાનું કદાચ એ પરિણામ હશે? લિબરલ ઇકૉ સિસ્ટમ જાણે.

જી હા, કૉંગ્રેસના નહેરુ-ગાંધી પરિવારના સરમુખત્યાર પ્રકારના શાસન-ભ્રષ્ટાચારના વિરોધમાં નીકળ્યા હતા તો ઘણા નેતાઓ અથવા પક્ષો, ચાહે તે પ્રણવ મુખર્જી હોય, એન.ડી. તિવારી હોય, ચાહે તે સામ્યવાદીઓ હોય, લાલુપ્રસાદ યાદવ હોય, શરદ પવાર હોય, ચંદ્રાબાબુ નાયડુ હોય, મમતા બેનર્જી હોય, અરવિંદ કેજરીવાલ હોય કે સ્વયં જ્યૉર્જના શિષ્ય નીતીશકુમાર, આ બધાએ એક સમયે સત્તા માટે થઈને કૉંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો અથવા હવે હાથ મિલાવવા તલપાપડ છે, પરંતુ ભાજપને બાદ કરો તો જ્યૉર્જ ફર્નાન્ડિઝ અને ઓડિશા પર પંદર વર્ષથી શાસન કરતા મુખ્ય પ્રધાન નવીન પટનાયક બે નેતાઓ અત્યારે યાદ આવે છે જેમણે ક્યારેય કૉંગ્રેસ સાથે જવાનું પસંદ નથી કર્યું!

જ્યોર્જના ખાસ મિત્ર અને ‘જનસત્તા’ના તંત્રી રામબહાદુર રાય લખે છે, “તેઓ નહેરુ-ગાંધી પરિવારના કટ્ટર વિરોધી હતા. તેઓ માનતા કે નહેરુ-ગાંધી પરિવારે રાષ્ટ્રને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને તે પરિવારની સામે તેઓ કોઈની પણ સાથે હાથ મેળવવા તૈયાર હતા.” જોકે આ ‘કોઈની સાથે’માં પણ શરત હતી. રામબહાદુર રાય લખે છે, “તેમને બે અંતિમો વચ્ચે પસંદ કરવાનું હતું. તેઓ સામ્યવાદીઓ સાથે જવા તૈયાર નહોતા. ન તો તેઓ કૉંગ્રેસમાં જવા તૈયાર. આથી તેમણે ભાજપનો સાથ પસંદ કર્યો.”

એ ભાજપ એટલે ભારતીય જનસંઘનો ઉત્તરાર્ધ અવતાર. બાકી પહેલાં તો તેઓ ભારતીય જનસંઘના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કટ્ટર વિરોધી હતા. એટલે સુધી કે પહેલી જે મોરારજી દેસાઈની બિનકૉંગ્રેસી સરકાર બની તેમાં તેમણે વિશ્વાસ મત વખતે જિદ પકડી કે અટલ-અડવાણીએ સંઘના સ્વયંસેવક તરીકે રાજીનામું આપવું જ પડે. પરંતુ અટલ-અડવાણી પણ એટલા વિચારના મક્કમ કે તેમણે સત્તાના ભોગે સ્વયંસેવકત્વ છોડવાનું પસંદ ન કર્યું. સરકાર પડી. અને ફરી કૉંગ્રેસે પડદા પાછળથી ચરણસિંહને ટેકો આપીને સરકાર બનાવી. અંતે ફરી દસ વર્ષ કૉંગ્રેસ સત્તામાં રહી.

કદાચ, જ્યૉર્જને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ ૧૯૯૪ની આસપાસ તેમણે ભાજપના પહેલા સાથીદાર તરીકે પોતાના સમતા પક્ષનો ટેકો જાહેર કર્યો. આનું કારણ રાષ્ટ્રીય સ્તરે બિનકૉંગ્રેસી સરકાર બનાવવાનું તો હતું જ પરંતુ સાથેસાથે, એ લાલુપ્રસાદ યાદવની સામ્યવાદીઓના ટેકાથી ચાલી રહેલી ગુંડારાજવાળી સરકારને ઉખાડી ફેંકવાનું કારણ પણ હતું, આ એ જ લાલુપ્રસાદ યાદવ હતા જે ૧૯૮૭ની આસપાસના અરસામાં જ્યારે પણ જ્યૉર્જ પટના વિમાનમથકે આવતા ત્યારે ત્યાં ચાની કીટલી અને કપ સાથે સ્વાગત માટે હાજર રહેતા. તે સમયે જ્યૉર્જ સાથે તમે જોડાવ તો રાજકારણ, સમાજ કે પછી તમારા અંગત વર્તુળમાં તમને માનભેર જોવામાં આવે તેમ મનાતું.

૧૯૯૬માં અટલજીની ૧૩ દિવસ ચાલેલી સરકારમાં સમતા પક્ષ પણ સામેલ હતો અને અટલજીએ રાજીનામું આપ્યું એટલે ૨૦૦૪ની આસપાસ રામવિલાસ પાસવાને અને ચંદ્રાબાબુ નાયડુએ પવન પ્રમાણે સઢ બદલ્યું તેમ જ્યૉર્જે કર્યું નહીં. બે વર્ષ ધીરજ ધરી અને ૧૯૯૮માં જ્યારે અટલજીના નેતૃત્વમાં બીજી બિનકૉંગ્રેસી સરકાર રચાઈ તેમાં સંરક્ષણ પ્રધાન બન્યા. હજુ તો માર્ચ ૧૯૯૮માં અટલ સરકારે શપથ લીધા અને ૧૧મેથી ૧૩ મે ૧૯૯૮ એમ માત્ર બે જ મહિનામાં પોખરણમાં પરમાણુ પરીક્ષણો કર્યાં અને તે પણ અમેરિકાની જાસૂસી સંસ્થા સી.આઈ.એ.ને ગંધ આવ્યા વગર! આ બાબત ‘પરમાણુ: ધ સ્ટૉરી ઑફ પોખરણ’ ફિલ્મ જોઈ હોય તે વધુ સારી રીતે સમજી શકશે. કૉંગ્રેસીઓ જેમને માન નથી આપતા (પરંતુ નાણા પ્રધાન મનમોહનસિંહના ઉદારીકરણ માટે જશ જરૂર ખાટે છે) તેવા દિવંગત વડા પ્રધાન નરસિંહરાવે પણ પરમાણુ પરીક્ષણો કરવા તૈયાર કરેલી પરંતુ સીઆઈએને ગંધ આવી જતાં તેને મોકૂફ રાખવા પડેલાં. અટલ સરકારમાં માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને જ આ પરીક્ષણોની જાણ હતી, તેમાંના એક હતા…જ્યૉર્જ.

જ્યૉર્જ આમ તો સમાજવાદી હતા અને એટલે પરમાણુ શસ્ત્રોના વિરોધી હતા પરંતુ ૧૯૯૮માં તેમણે પૂરા અંતઃકરણથી પરમાણુ પરીક્ષણોનું સમર્થન કરેલું. પરમાણુ પરીક્ષણોની સફળ રહ્યાની જાહેરાત થઈ તે વખતની તસવીરમાં કેવો સુયોગ છે! અટલજી હિન્દુ, એ. પી. જે. અબ્દુલ કલામ મુસ્લિમ અને જ્યૉર્જ ખ્રિસ્તી!

જી હા, જ્યૉર્જ ફર્નાન્ડિઝનો જન્મ ૩ જૂન ૧૯૩૦ના રોજ ચુસ્ત કેથોલિક ખ્રિસ્તી પરિવારમાં મેંગ્લુરુ (અગાઉનું મેંગ્લોર)માં થયો હતો. છ ભાંડરડાંમાં સૌથી મોટા જ્યૉર્જ. માતાએ તો નામ બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમ પરથી રાખેલું પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પુત્રનું નામ ભલે જ્યૉર્જ પરથી હોય તે થશે પૂરા સ્વદેશી! મેટ્રિક પછી તેમણે અભ્યાસ પડતો મૂકી દીધો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે વાત કરી તે મુજબ, તેમના પિતા જૉન જૉસેફ તો તેમને વકીલ બનાવવા માગતા હતા, પરંતુ તેમને વકીલ બનવું નહોતું. તે પછી તેમને બેંગ્લુરુ (અગાઉનું બેંગ્લોર)માં ખ્રિસ્તી મિશનરીમાં પાદરી બનવા મોકલવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમણે જોયું કે સમાનતાની વાત કરતા ચર્ચમાં રેક્ટરને ખૂબ જ સારું ભોજન મળતું હતું અને તાલીમાર્થીઓને ખરાબ. વળી, રેક્ટર ઊંચા ટેબલ પર બેસતાં અને તાલીમાર્થીઓને નીચે બેસવાનું થતું. આમ, સમાજવાદથી પ્રભાવિત થતા પહેલાં જ જ્યૉર્જમાં જન્મજાત જ કદાચ સમાજવાદનો સમાનતાનો સિદ્ધાંત ઇન બિલ્ટ આવ્યો હતો! તેના લીધે તેઓ કોઈ પંથ કે સંપ્રદાયમાં માનવાના બદલે તર્કવાદમાં માનતા થઈ ગયા હતા.

નોકરીની શોધમાં જ્યૉર્જ મુંબઈ આવ્યા. તે વખતે જેમ ઘણા અભિનેતાઓને પણ સંઘર્ષ કરવો પડ્યો તેમ જ્યૉર્જને પણ શેરીઓ પર સૂવું પડ્યું પરંતુ તેમને એક સમાચારપત્રમાં પ્રૂફરીડર તરીકે કામ મળી ગયું. પરંતુ આ તેમનું ગંતવ્યસ્થાન નહોતું. તેઓ પ્લેસિડ ડીમેલો અને રામમનોહર લોહિયા જેવા સમાજવાદી ધૂરંધર નેતાના સંપર્કમાં આવ્યા અને તે પછી તેમણે સમાજવાદી યુનિયન ટ્રેડ મૂવમેન્ટ શરૂ કરી શ્રમિકોના હકો માટે લડ્યા. તે વખતે તેમની લડાઈ કંપનીઓ સામે હતી. તેમને અનેક વખત જેલમાં જવું પડ્યું. તે પછી મુંબઈ મહાનગર પાલિકામાં પણ તેઓ સાત વર્ષ સુધી નગરસેવક રહ્યા. ત્યાંથી સીધી છલાંગ મારી લોકસભા ચૂંટણીમાં.

૧૯૬૭નું એ વર્ષ. કૉંગ્રેસનો સૂર્ય મધ્યાહ્ને તપે. તેમાંય બે દાયકાના અનુભવી, ત્રણ વાર મેયર, ત્રણ વાર સાંસદ અને નહેરુ, શાસ્ત્રી અને ઈન્દિરા પ્રધાનમંડળમાં પ્રધાન રહેલા એસ. કે. પાટીલ મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા, પરંતુ જ્યૉર્જે તેમને હરાવી ‘જાયન્ટ કિલર’નું બિરુદ પ્રાપ્ત કરેલું.

અત્યાર સુધી કંપનીઓને નડતા રહેલા જ્યૉર્જ ૧૯૭૪ની રેલવે હડતાળથી હવે ઈન્દિરા સરકારને પણ નડવા લાગ્યા. ઈન્દિરાએ કટોકટી લાદી તો વડોદરા આવીને પત્રકારો કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ સાથે મળીને શું કરવું તેની વિચારણા કરતા. અને તેવામાં ડાયનેમાઇટ હાથ લાગ્યો, પરંતુ આ વિસ્ફોટ વારાણસીમાં ઈન્દિરા ગાંધીની જાહેરસભા શરૂ થાય તે પહેલાં કે મોડી રાત્રે કરવાનો હતો જેથી કોઈને ઈજા ન થાય. આ વિસ્ફોટ માત્ર ઈન્દિરા સરકારને ધ્રૂજાવવા માટે જ હતો. તેમની ધરપકડ કોલકાતામાં હતા ત્યારે થઈ. તેમને જેલ ભેગા કરાયા, પરંતુ એ સરમુખત્યાર શાસને પછી ચૂંટણી આપી તો તેમાં જેલમાં બેઠાબેઠાં તેઓ બિહારના મુઝફ્ફરપુરમાં ત્રણ લાખ મતોથી વિજયી બન્યા! મોરારજી દેસાઈમાં ઉદ્યોગ પ્રધાન બન્યા.

એક વાર તેઓ પોતાના મતવિસ્તારની મુલાકાતે હતા. ત્યાં પાણીની તંગી અને તેમને કૉકાકોલા આપવામાં આવી. તે પછી તેમણે કૉકાકોલા અને આઈબીએમને દેશમાંથી તગેડી દીધી. સ્વદેશીની વાતો કરનારા સંઘપરિવારના અટલજી કે નરેન્દ્ર મોદીની સરકારમાં આવું થયું નહીં, ઉલટાનું વિદેશી કંપનીઓની બોલબાલા વધી. જોકે આઈબીએમ કમ્પ્યૂટર કંપની હતી અને તે રહી હોત તો કદાચ ટૅક્નૉલૉજીની રીતે ફેર પડ્યો હોત.

એ પછી માત્ર ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યાની સહાનુભૂતિ લહેરમાં તેઓ હાર્યા. તે પછી ક્યારેય હાર્યા નહીં. વી. પી. સિંહ વખતે તેઓ જનતા દળમાં જોડાયા અને રેલવે પ્રધાન બન્યા. કૉંકણ રેલવે પ્રૉજેકટ તેમની દૂરંદેશીનું પરિણામ ગણાય છે. જોકે જનતા દળ તૂટ્યું તે પછી તેમણે સમતા પક્ષ બનાવ્યો. જનતા દળમાં વધુ ભાગલા પડ્યા. જનતા દળ યુનાઇટેડ બન્યું તો તેમાં પોતાનો પક્ષ ભેળવી શરદ યાદવના જૂથ સાથે હાથ મેળવી અને બીજી તરફ ભાજપનો સહયોગ લઈ બિહારમાં લાલુના શાસનને અને કેન્દ્રમાં કૉંગ્રેસ સમર્થિત ત્રીજા મોરચાની સરકારને ઉથલાવી દીધી.

અત્યારે નરેન્દ્ર મોદી દર બેસતા વર્ષે જવાનો વચ્ચે જાય છે કે નિર્મલા સીતારમણ તિબેટ સરહદે જાય છે પરંતુ જ્યૉર્જ ફર્નાન્ડિઝ સિયાચીન સરહદે ગયેલા. તેમણે ચીન ભારતનું પ્રથમ ક્રમાંકનું શત્રુ હોવાનું નિવેદન કરી ખળભળાટ મચાવી દીધેલો. જોકે બાદમાં તે બદલ ખેદ પણ પ્રગટ કર્યો. તેમની સામે કૉફીન કૌભાંડના આક્ષેપો થયા પરંતુ ૨૦૦૯માં કૉંગ્રેસ શાસનમાં તેમને ક્લીન ચિટ મળી ગયેલી.

સત્તામાં આવ્યા પહેલાં બીજા ઘણા નેતાઓ ચોળેલા ઝભ્ભા પહેરતા હોય પરંતુ સત્તામાં આવ્યા પછી ઈસ્ત્રી ટાઇટ અને મોંઘા કુર્તા પહેરવા લાગે. પરંતુ જ્યૉર્જ ફર્નાન્ડિઝ સાદગીને વરેલા રહ્યા. ૧૯૯૫ સુધી તેમનાં કપડાં જાતે જ ધોતા, પરંતુ તે પછી એક વાર બાથરૂમમાં પડી ગયા ને માથામાં ઈજા થઈ તે પછી તે કામ બંધ કર્યું.

ગુરુ અને શિષ્ય વચ્ચે સમય જતાં સંઘર્ષ થાય છે તેમ જ્યૉર્જ અને નીતીશ વચ્ચે પણ થયું. બન્યું એવું કે નીતીશ મુખ્ય પ્રધાન હતા તેથી પક્ષના પ્રમુખ વિરોધી જૂથના શરદ યાદવને ન બનાવે તો તેઓ બળવો કરે. તેથી જ્યૉર્જને પ્રમુખ ન બનાવાયા. તે પછી તેમને ૨૦૦૯માં ચૂંટણીની ટિકિટ પણ ન અપાઈ. કાબે અર્જુન લૂટિયોની જેમ તેઓ અપક્ષ ઊભા રહ્યા પરંતુ હારી ગયા. જોકે તે પછી તેમણે રાજ્યસભા માટે દાવેદારી કરી તો નીતીશ અને શરદે સન્માનપૂર્વક તેમને ચૂંટાવા દીધા.

આવા જ્યૉર્જની અંતિમ વિધિ, આ લખાય છે ત્યારે એવી માહિતી છે કે હિન્દુ રિવાજ પ્રમાણે દાહસંસ્કાર કરાશે અને પછી ખ્રિસ્તી રિવાજ પ્રમાણે તેમના અસ્થિ અને રાખને દફનાવાશે. સાચા અર્થમાં સેક્યુલર નેતા જ્યૉર્જને વંદન!

Advertisements
gujarat, politics

રાજ્યસભા: ભાજપે ક્યાં કાચું કાપ્યું? અહમદ પટેલની ચૂંટણીએ કોંગ્રેસને એક કરી? હવે ખરાખરીનો જંગ

અતિ વિશ્વાસ ક્યારેક હાર અપાવે તે જાણીતી વાત છે. ભાજપ માટે આ ચોથી-પાંચમી વાર સાચું પડ્યું. સત્તા મળે તે પછી પ્રચારના ઢોલ સરકાર તરફથી પીટવામાં આવે, ટેક્નૉલૉજીની સહાય લેવામાં આવે માત્ર તેનાથી વિજય નથી મળતો. ખરી રણનીતિ મેદાનની મહત્ત્વની છે. ખરું યુદ્ધ મેદાનમાં લડાય. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી એટલે જ ભાજપ હાર્યો હતો. અતિ વિશ્વાસ, ટેક્નોલોજી પર વધુ પડતો આધાર અને ભાજપની અંદર બીજી હરોળના નેતાઓ વચ્ચે ડખા. પ્રમોદ મહાજને ‘આપ કી અદાલત’માં આ સ્વીકાર્યું હતું . ૨૦૧૫ની દિલ્લી અને બિહારની વિધાનસભા ચૂંટણીમાં વધુ પડતા આત્મવિશ્વાસ, સૂટબૂટની સરકારની છબી, વડા પ્રધાન મોદી દ્વારા બિહારના પેકેજની જાહેરાત, કેજરી-નીતીશ પર વધુ પડતા અંગત હુમલાથી પણ ભાજપ હારેલો.

તે પછી ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં કૉંગ્રેસની રાહે ભાજપ પ્રવર્તમાન સરકારને તોડવા ગયો અને આ ઑગસ્ટ ૨૦૧૭ રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને હરાવવા ગયો પણ કૉંગ્રેસે સાબિત કર્યું કે બચ્ચે જિસ સ્કૂલ મેં તુમ પઢે હો, ઉસકે હમ હેડમાસ્તર રહ ચૂકે હૈ…

અત્યારે મુખ્ય વાત રાજ્યસભાની ચૂંટણીની છે. તેમાં ૨૭મી જુલાઈ સુધી ભાજપનો હાથ ઉપર હતો. કૉંગ્રેસના છ ધારાસભ્યો તૂટી ચૂક્યા હતા. પણ ભાજપે (વાંચો અમિત શાહે) અહમદ પટેલની વિચક્ષણતાને નજરઅંદાજ કરી બળવંતસિંહ રાજપૂતને ઊભા કરી દીધા. અત્યાર સુધી કૉંગ્રેસનું નેતૃત્વ પણ શંકરસિંહ જતા હોય તો ભલે જાય, બળવંતસિંહ-વીરમગામનાં ડૉ. તેજશ્રીબેન પટેલ અને વીજાપુરના પી.આઈ. પટેલ ગયા તો ભલે ગયા તેમ અક્કડ વલણ ધરાવતી હતી. તેને અંદાજ નહોતો કે ભાજપ બળવંતસિંહને ઊભા રાખશે. ૨૬મી જુલાઈએ બળવંત-તેજશ્રી-પી.આઈ. ગયા. ૨૭મીએ વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ અને ઠાસરાના રામસિંહ પરમારે પણ રાજીનામાં આપ્યાં અને ૨૮મીએ બળવંતસિંહે રાજ્યસભાની ઉમેદવારીનું ફોર્મ ભરતાં કૉંગ્રેસ (અહમદ પટેલ એમ વાંચો) સફાળી જાગી અને પોતાના ધારાસભ્યોને સાચવવા રાતોરાત બેંગ્લુરુ લઈ ગઈ.

બેંગ્લુરુના જે ફાઇવ સ્ટાર રિસૉર્ટમાં કૉંગ્રેસના ધારાસભ્યોને રખાયેલા ત્યાં આઈ.ટી.ના દરોડા પડ્યા પણ તેનો ખાસ લાભ ન થયો. હવે અહમદભાઈનું પ્લાનિંગ ફૂલપ્રૂફ બન્યું હતું. ચૂંટણીના આગલા દિવસે સાત ઑગસ્ટે ધારાસભ્યોને ગુજરાત પાછા તો લવાયા પણ આણંદના નિજાનંદ રિસૉર્ટમાં કેદ જ રખાયા. પરિણામે તેઓ તૂટ્યા નહીં. છેક મતદાનના સમયે જ તેમને લવાયા. સાથોસાથ અહમદભાઈએ કદાચ કરમશી પટેલના પુત્ર બેંગલુરુ આવ્યા તેથી કરમશીનો અંદાજ હોય કે સાવચેતીરૂપે વધારાના મત તરીકે જદયુના છોટુ વસાવાનો મત અંકે કર્યો.જદયુએ બિહારમાં ભલે ભાજપનો ટેકો લીધો પણ આ ચૂંટણીમાં તેણે પણ રમત રમી જ છે. આગલા દિવસે કે. સી. ત્યાગીનું નિવેદન આવ્યું કે શરદ યાદવ અને નીતીશ વચ્ચે ખટરાગ હોવાથી અમે વ્હીપ નથી આપ્યો. મતદાનના દિવસે કહ્યું કે ભાજપની તરફેણમાં વ્હીપ આપ્યો છે પણ આ કહ્યું ત્યાં સુધીમાં છોટુ વસાવા મત આપી ચૂક્યા હતા. તે પછી જદયુએ નાટક લંબાવતા છોટુ વસાવાના બદલે પ્રમુખ અરુણ શ્રીવાસ્તવને વ્હીપ ન દેવા માટે હટાવ્યા પણ આ રમત હકીકતે શરદ અને નીતીશ વચ્ચેની નીકળી કારણકે અરુણ શરદ યાદવના જૂથના છે.

મતદાન વખતે ધારાસભ્યએ પોતાનો મત રાજકીય પક્ષના એજન્ટને બતાવવાનો હોય છે. આથી શંકરસિંહ જૂથના સાત ધારાસભ્યો ક્રૉસ વૉટિંગ કરવાના હતા તે તો અંદાજ હતો જ પણ અહમદ પટેલ અને શક્તિસિંહ વગેરેની રણનીતિ હતી કે ક્રૉસ વૉટિંગ કરનારાના મત રદ્દ થાય તેવું કંઈક તિકડમ કરવું. એ મુજબ જસદણના ભોળાભાઈ ગોહિલ અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલના મતદાન વખતે શક્તિસિંહે હોબાળો કર્યો. પણ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં વિલંબ કર્યો. કરમશી પટેલે વિરુદ્ધ મતદાન કર્યાની ખબર પડી પછી કૉંગ્રેસને લાગ્યું કે હવે બાજી હાથમાંથી જઈ રહી છે ત્યારે તેણે સાંજે પાંચ વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી ત્યારથી હોબાળો મચાવવાનો શરૂ કર્યો. કૉંગ્રેસનું દિલ્લી ખાતેનું પ્રતિનિધિમંડળ ત્રણ વાર ચૂંટણી પંચ આગળ જઈ આવ્યું અને કોંગ્રેસની પાછળ પાછળ અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ વગેરે પણ ત્રણ વાર મળ્યા પણ ચૂંટણી પંચે કૉંગ્રેસની વાત માન્ય રાખી. આનાથી કોંગ્રેસ છાવણીમાં રાહત અને હાશનું મોજું ફરી વળ્યું. સાથે કોંગ્રેસ તરફથી ભોળાભાઈના મતદાનની ક્લિપ ટીવી ચેનલોમાં સર્ક્યુલેટ કરાઈ. એટલે તેમના તરફી વાતાવરણ બન્યું. એ ક્લિપમાં પણ ભોળાભાઈ ભાજપના લોકોને મતપત્રક બતાવે છે તે એકદમ સ્પષ્ટ થતું નથી.

તે પછી ગાંધીનગર ખાતે ભાજપે વાંધા લીધા એટલે મતગણતરી હજુ શરૂ ન થઈ. છેવટે દિલ્લીથી ચૂંટણી પંચે આદેશ આપતાં મતગણતરી શરૂ થઈ. પરિણામ અહમદભાઈની તરફેણમાં આવ્યું. કૉંગ્રેસમાં અભૂતપૂર્વ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.

ભાજપે મતદાનમાં જ કાચું કાપ્યું. હજુ એ જાણકારી નથી મળી કે ભાજપના એજન્ટ કોણ હતા પરંતુ શંકરસિંહ વાઘેલા જેમણે ૧૯૯૪માં ચીમનભાઈ પટેલ, અહમદ પટેલને રાજ્યસભાની ચૂંટણીમાં ભૂ પીવડાવી ભાજપના બે ઉમેદવારોને જીત અપાવેલી તે મેદાનમાં પ્રત્યક્ષ નહોતા. મોડી રાત્રે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વાત કરી કે રાઘવજી સાથે શક્તિસિંહે બળજબરી કરી અને મતપત્રક ઝૂંટવવા પ્રયાસ કર્યો. રાઘવજીએ પોતાનું મતપત્રક શક્તિસિંહ સિવાય કોઈને બતાવ્યું નહોતું. તે સમયે રાઘવજીની મતદાનની ક્લિપ પણ ચેનલોમાં વહેતી થઈ. તેના પરથી નીતિનભાઈની વાત સાચી લાગે છે. પણ તો પછી પ્રશ્ન એ થાય કે ચૂંટણી પંચે કેમ કૉંગ્રેસની વાત માની? શું કૉંગ્રેસના આક્રમક વલણથી તે દબાણમાં આવી ગયું કે પછી કૉંગ્રેસના શાસનમાં નિમાયેલા હોવાથી ચૂંટણી અધિકારીઓએ નિષ્ઠા દાખવી? ભાજપે બધી સરકારી સંસ્થાઓમાં સંઘનિષ્ઠ અધિકારીઓને નોકરીએ રાખવા પડશે. કૉંગ્રેસ અને સામ્યવાદીઓએ આ જ કામ દેશભરમાં કર્યાં છે. પણ ભાજપ કોઈ સામ્યવાદીમાંથી કે સેક્યુલરમાંથી હિન્દુવાદી બને તો તેના પ્રભાવમાં આવી જાય છે અથવા તો જેમનાં નામ મોટાં હોય તેમના પ્રભાવમાં આવી જાય છે. સુધીન્દ્ર કુલકર્ણી, ગાંધીનગરમાં એક કવિ વગેરે આનાં ઉદાહરણો છે.

બીજું, નીતિનભાઈએ પોતે જ કહ્યું કે (સંભવતઃ “ભાજપ અથવા કૉંગ્રેસ ઇત્તર કેટલાક ધારાસભ્યોએ શક્તિસિંહને મતપત્રક બતાવ્યાં ત્યારે અમે વાંધો ન લીધો.” આ તો મોટી ભૂલ કહેવાય નીતિનભાઈ. આવી એક પણ તક જતી ન કરાય.

ત્રીજું, ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણીએ રાત્રે ત્રણેક વાગે મતગણતરીનાં પરિણામો પછી કરેલી વાત મુજબ, ગુજરાત ચૂંટણી પંચે ગુજરાત ભાજપના વાંધા દિલ્લી મોકલ્યા જ નહીં. પંચે કહ્યું કે મતગણતરીનાં પરિણામોની સાથે મોકલીશું. હજુ પંચ તરફથી પરિણામો સત્તાવાર જાહેર નથી થયાં. પ્રશ્ન એ થાય કે તો પછી ગુજરાત ભાજપ દબાણ ઊભું કરવામાં નિષ્ફળ કેમ રહ્યો? મતગણતરી અટકાવેલી રાખવામાં કેમ નિષ્ફળ રહ્યો?

ચોથું, કેન્દ્ર સ્તરે ભાજપ (નરેન્દ્ર મોદી એમ વાંચો) એમાં મેદાન મારી ગયો કે પહેલી વાર કૉંગ્રેસના રણદીપ સૂરજેવાલા વગેરે પ્રવક્તા કક્ષાના નેતાઓ ચૂંટણી પંચ સમક્ષ ગયા તે પછી ભાજપ તરફથી નાણા અને સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, વીજ પ્રધાન પીયૂષ ગોયલ, વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારામન, પેટ્રોલિયમ પ્રધાન ધમેન્દ્ર પ્રધાન, સંસદીય બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી એમ લગભગ આખું પ્રધાનમંડળ પંચ સમક્ષ ગયું એટલે બીજી વાર કૉંગ્રેસ પણ સફાળી જાગી અને તેને તાબડતોબ પૂર્વ કેન્દ્રીય પ્રધાનો પી. ચિદમ્બરમ અને આર. એન. સિંહને મેદાનમાં ઉતારવા ફરજ પડી અને તેઓ પંચ સમક્ષ ગયા. પરંતુ બંને પક્ષોના પ્રતિનિધિમંડળો દ્વારા આ વારાફરતી ત્રણ મુલાકાતો છતાં વાત કૉંગ્રેસની તરફેણમાં કેમ ગઈ? પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન આર. એન.સિંહે જે વાત કહી તે મહત્ત્વની છે. તેમણે કહ્યું કે ભાજપે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદને તો મેદાનમાં ઉતાર્યા પણ કયો કાયદો તેઓ સમજાવવા ગયા? તેમની પાસે કોઈ દસ્તાવેજ જ નહોતા જ્યારે અમારી પાસે હરિયાણા અને રાજસ્થાન અંગે આવા કિસ્સા બન્યા ત્યારના સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા હતા.

કદાચ આ કારણે ભાજપનો કેસ નબળો પડી ગયો. શું કેન્દ્રના પ્રધાનો વધુ આત્મવિશ્વાસમાં રહ્યા? કે પછી મોદી સામે આ છૂપો બળવો હતો?

અહમદ પટેલને હરાવવાની જીદ કોની હતી? મોદીની કે પછી એન્કાઉન્ટર કેસમાં પોતાને ગુજરાત બહાર જવા અહમદ પટેલના ઈશારે યુપીએ સરકારે ફરજ પાડી તેના લીધે અમિત શાહની? શું શંકરસિંહે ભાજપના પ્રેશરમાં અધૂરા મનથી બળવો કરેલો? જો ના તો પછી તેમના સમર્થનમાં વસંત વગડામાં ગુરુદાસ કામત સમક્ષ ૩૬ ધારાસભ્યો હતા તે ઘટીને માત્ર સાત જ કેમ રહ્યા? શંકરસિંહ તો રાજ્યસભામાં વિપક્ષીઓને હરાવવાની રમતના માસ્ટર છે. તેમના જૂથની બેઠક મતદાન પૂર્વે કેમ ન યોજાઈ અને રાઘવજી-ભોળાભાઈ સહિતનાઓને માર્ગદર્શન કેમ ન અપાયું? અહમદ પટેલ તરફથી કૉંગ્રેસના ૪૩ ધારાસભ્યોને કયું પ્રલોભન કામ કરી ગયું?

આ ચૂંટણીએ એ બતાવ્યું કે જ્યારે સત્તાનો વધુ પડતો દુરુપયોગ થાય ત્યારે વિરોધીઓ મરણિયા બની જાય છે. આ ચૂંટણીએ જૂથબંધીમાં રાચતી કૉંગ્રેસને એક કરી છે. શું આ એકતા રાજ્યસભાની ચૂંટણી પૂરતી જ ટકશે કે હવે કૉંગ્રેસ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં બતાવી દેશે?

હજુ ભાજપ પાસે કાયદાકીય વિકલ્પો છે પણ તેનાથી વાત સરશે કે કેમ એ પ્રશ્ન છે કારણકે માનો કે રાઘવજી-ભોળાભાઈના બે મત માન્ય ઠરે તો પણ જીત માટે (૧૮૨ – છ ધારાસભ્યોનાં રાજીનામાં તેથી) ૧૭૬/ત્રણ બેઠક + ૧ એમ ૪૪ મત જીતવાના રહે જે અહમદભાઈને મળ્યા જ છે. આ સંજોગોમાં પણ અહમદભાઈ જીતે જ છે.

જોકે ભાજપ પાસે હવે વિધાનસભા માટે ઘણી મનોવૈજ્ઞાનિક સરસાઈ રહેશે. ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે ત્યાંના ધારાસભ્યો બેંગ્લુરુના ફાઇવ સ્ટાર રિસૉર્ટમાં જલસા કરતા હતા અને આણંદના નિજાનંદ રિસૉર્ટમાં જલસા કર્યા. રૂ. ૬૫ લાખ પૂરગ્રસ્તો પાછળ ખર્ચવાના બદલે બેંગ્લુરુના રિસૉર્ટમાં ૪૪ ધારાસભ્યોના જલસા પાછળ ખર્ચ્યા. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્વરિત બનાસકાંઠા સહિત હવાઈ સર્વેક્ષણે આવી ગયા અને રૂ. ૫ અબજનું પેકેજ જાહેર કર્યું. વિજયભાઈ રૂપાણી અને શંકર ચૌધરી ધસમસતી બનાસમાં હોડીમાં બેસી પાંચ દિવસ પૂરગ્રસ્તોની વહારે ઊભા રહ્યા. અમદાવાદમાં પણ હોડીમાં બેસી વરસાદગ્રસ્ત લોકો વચ્ચે ગયા. બનાસકાંઠામાં સહાયનું વિતરણ કર્યું. ભાજપની માતૃ સંસ્થા સંઘના સ્વયંસેવકોએ પણ નેત્રદીપક સહાય કરી. આ સિવાય પણ સૌની યોજના, નર્મદા ડેમ, દહેગામમાં ઓપેલ પ્લાન્ટ, ભરૂચનો ગૉલ્ડન બ્રિજ, વિદ્યા સહાયકો-આશા વર્કરોના પગારમાં વધારો, શ્રમિકો માટે રૂ. દસમાં ભોજન, જેનેરિક દવા, દારૂબંધી અને ગોવંશ રક્ષાનો કડક કાયદો, સરહદે દર્શન, વૃદ્ધો માટે યાત્રાધામોના પ્રવાસની શ્રવણ યોજના, આનંદીબહેન દ્વારા આર્થિક પછાત એવા કથિત સવર્ણો માટે ઉચ્ચ ભણતરમાં સહાય, આનંદીબહેનનું મહિલાલક્ષી બજેટ …આવા અનેક મુદ્દા છે અને આ પછડાટ પછી નરેન્દ્રભાઈ-અમિતભાઈ પણ હવે વિધાનસભામાં કોઈ કચાશ નહીં રાખે. આ સંજોગોમાં આવનારી વિધાનસભા ચૂંટણી પણ ખરાખરીની લડાઈ બની રહેશે તેમાં શંકા નથી.

film, media, politics

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. ‘બોલ રાધા બોલ’ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને.

એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની બન્યા જેમ્સ બૉન્ડ માટે. પહલાજ નિહલાનીનો પક્ષ માત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ને તેના ગુજરાતી નવગુજરાત સમયમાં છપાયાનું યાદ છે. શિકારીઓની રજૂઆત એવી હતી કે પહલાજ નિહલાનીએ જેમ્સ બૉન્ડમાં પ્રણય પ્રચુરતાનાં દૃશ્યો પર કાતર ફેરવડાવી. પણ ઉપરોક્ત સમાચારપત્રમાં છપાયેલા પહલાજ નિહલાનીના પક્ષ મુજબ, જેમ્સ બૉન્ડના ફિલ્મકારે ‘એ’ના બદલે ‘યુએ’ સર્ટિ. માગેલું તેથી તેમને કટ કરવા પડ્યા.

ડાબેરી કમ લિબરલ ગેંગનો ત્રીજો શિકાર સૂરજ બડજાત્યા બન્યા. સૂરજ અને તેમના બાપદાદાની ફિલ્મોની વિશેષતા એ રહી છે કે તેઓ સારો સંદેશ આપતી, ઘણી હદે સ્વચ્છ, પારિવારિક અને સુમધૂર સંગીતમય ફિલ્મો આપે છે. આ ફિલ્મોમાં હિન્દુત્વ ઝળકતું હોય છે. જેનાથી આ ગેંગ સૂરજને ઝપટમાં લેવા માગે છે. ‘ગે’ સહિત અનેક વિકૃતિ ફેલાવતા શાહરુખ ખાનની ચમચી ફરાહ ખાને શાહરુખ નિર્મિત ‘ઓમ્ શાંતિ ઓમ્’માં સૂરજની મજાક ઉડાડેલી. તે પછી સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’ આવી એટલે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની ચિબાવલી સમીક્ષકે લખ્યું સંસ્કારી ઑર્ગેઝમ! બીજા સમીક્ષકોએ પણ ફિલ્મને ઉતારી પાડી. (આ સમીક્ષકો યશરાજ, કરણ જોહર, વિધુ વિનોદ ચોપરા/રાજકુમાર હિરાણી, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શાહરુખ ખાન, આમીર ખાન જેવા મિડિયાના ફેવરિટ લોકોની સમીક્ષામાં સમરકંદ બુખારા ઓવારી જાય છે પણ અક્ષયકુમાર, ૠત્વિક રોશન, ટાઇગર શ્રોફ જેવાની ફિલ્મોને ઉતારી પાડે છે. તાજેતરમાં આ લોકો શાહરુખની ‘ફેન’ પર આફરિન થઈ ગયા હતા જ્યારે ટાઇગરની ‘બાગી’ ને ઉતારી પાડેલી. આ જ રીતે ‘ઉડતા પંજાબ’ વિશે પણ થયું. એક સમીક્ષકે તો હેડિંગમાં લખ્યું: સોલિડ કિક! બીજી તરફ અક્ષયકુમારની ‘હાઉસફૂલ-3’ને ઉતારી પાડી. પણ દર્શકોએ ‘બાગી’ અને ‘હાઉસફૂલ-3’ બંનેને હિટ બનાવી દઈ આ બબુચકોને મોઢે તમાચો માર્યો.)

એકતા કપૂરની વાહિયાત ‘ક્યા કૂલ હૈ હમ-૩’માં પણ સૂરજ બડજાત્યા અને સંસ્કારીપણાની મજાક ઉડાવાઈ.
સૂરજ પોતે શરમાળ છે. તે પોતાની ફિલ્મનો પણ ખાસ પ્રચાર નથી કરતા તો આવા લોકોને જવાબ ક્યાંથી આપે? એટલે આ લિબરલ ગેંગની વાયડાટી ચાલે છે. આ લિબરલ ગેંગનો ચોથો શિકાર બન્યાં સચીન તેંડુલકર અને લતા મંગેશકર. તન્મય ભટ્ટ ને એના બીજા મિત્રો જેમાં એક મહેશ ભટ્ટનો થનારો કે થઈ ચૂકેલો જમાઈ રોહન જોશી પણ છે એ ભેગા થઈને ‘એઆઈબી’માં મહાન હસ્તીઓની અત્યંત બેહૂદી મજાક ઉડાવે છે. આમાંથી તન્મયે સ્વતંત્ર રીતે સચીન ને લતાજીની કનિષ્ઠતમ મજાક ઉડાવી પબ્લિસિટી મેળવી લીધી.

આ ગેંગનો ૨૦૧૪થી નિરંતર એક પ્રયાસ છે અને તે એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તેને મોદીભક્ત ગણાવી દેવા. મિડિયાની હલકાઈ જુઓ સાહેબ! તે મનમોહનસિંહ આગળ ડૉ. લખવાનું ચૂકતું નથી. મનમોહન વ્યવસાયિક ડૉ. નથી. તેમ છતાં પૂર્વ વડાપ્રધાન છે અને દસ વર્ષ રાજકીય સ્થિરતા આપી દેશ ચલાવ્યો એ સિદ્ધિ બદલ એમની આગળ ડૉ. લખાય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ જેણે કાશ્મીરનું ઇસ્લામીકરણ ને પાકિસ્તાનીકરણ કર્યું કે થવા દીધું તે ફારુક અબ્દુલ્લાના નામ આગળ પણ લિબરલ તંત્રી- પત્રકાર ડૉ. લખવાનું ભૂલતા નથી. એ લોકો નહેરુ આગળ પં. એટલે કે પંડિત લખવાનું ચૂકતા નથી. ઇન્દિરાનો ઉલ્લેખ કરે ત્યારે એમની કલમ આપોઆપ પાછળ જી લગાવી દે છે. સોનિયા પાછળ પણ તેઓ જી અચૂક લગાવે જ પણ મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ મોદીના નામની આગળ વડા પ્રધાન તો જવા દો, પાછળ જી પણ લગાવતા નથી. સ્મૃતિ ઇરાની ભૂતકાળમાં નિપુણ અભિનેત્રી હતાં. પણ હવે તેઓ ફૂલટાઇમ પોલિટિશિયન છે અને માનવ સંસાધન વિકાસ જેવા મહત્ત્વના ખાતાના પ્રધાન પણ છે પરંતુ આ મિડિયા તેમના નામ આગળ એક્ટ્રેસ ટર્ન્ડ પોલિટિશિયન લખીને સ્મૃતિને ઉતારી પાડવાનો મોકો ચૂકતા નથી. ‘ટેલિગ્રાફ’એ તો તેમને ‘આંટી નેશનલ’નું બિરુદ આપી દીધું. પણ લિબરલ ગેંગનું સાચું નિશાન મોદી નથી, મોદી સમર્થકો છે. એ લોકો એક વાત સારી રીતે જાણે છે કે મોદીજી તેમના તમામ પ્રપંચોને નિષ્ફળ બનાવી દેશે પણ સમર્થકો નહીં હોય તો મોદીજી શું કરવાના? આજે કદાચ સંઘ કે બીજી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ કરતાં મોદીજી સૌથી લોકપ્રિય છે. લિબરલ ગેંગને એ ખબર નથી કે સંઘના સ્વયંસેવકો કરતાં બહારના લોકો વધુ મોદીસમર્થક છે. સંઘના સ્વયંસેવકો તો વ્યક્તિપૂજામાં માનતા નથી. એટલે એમને માટે ભગવાધ્વજ સિવાય કોઈ મોટું નથી. મોદી પણ નહીં.

લિબરલ ગેંગ મોદીસમર્થકોને મોદીભક્ત કહી હવે ભક્તિ શબ્દને ગાળમાં ખપાવવા જોરશોરથી પ્રયત્નશીલ છે. કોઈ વ્યક્તિ મોદીની કોઈ વાતનું સમર્થન કરે એટલે એને મોદીભક્તમાં ખપાવી તેને ઉતારી પાડવાનો જેથી એ બીજી વાર મોદીજીનું સમર્થન ન કરે.

કોઈ વ્યક્તિ સતત સારું કરે તો તેની પ્રશંસા થવાની જ. પછી તે અમિતાભ બચ્ચન હોય કે માધુરી દીક્ષિત, સચીન તેંડુલકર હોય કે લતા મંગેશકર. લાખો-કરોડો લોકો રોજ અમિતાભ-માધુરી-સચીન કે લતાના ફોટા કે તેમની વિગતો મૂકે છે. તો શું એ એમના ભક્ત થઈ ગયા? આમાંના ઘણા એવા પણ હશે જે ઉપરોક્ત હસ્તીઓની સાથે રાજેશ ખન્ના, શ્રીદેવી, સૌરવ ગાંગુલી કે આશા ભોસલેના ચાહક હશે. આ જ રીતે મોદીનું સમર્થન કરનારા મનમોહન, જયલલિતાનું સમર્થન કરનારા પણ હોઈ શકે.

જે તંત્રી-પત્રકાર સોનિયા કે પ્રિયંકાને જોઈને મોઢેથી લાળ ને નીચેથી શી***ન કરી બેસે છે કે અહેમદ પટેલના ચમચા છે તેઓ કે તેમની શેહમાં આવીને અન્યો સોનિયાના બારગર્લવાળા ભૂતકાળ વિશે  છાપવાની હિંમત ધરાવતા નથી.  સોનિયાને કઈ રહસ્યમય બીમારી છે એ જાણવા એ લોકો ઇન્વેસ્ટિગેશન કરાવી શકતા નથી. સુબ્રમણિયન સ્વામી એ બહાર પાડ્યું તો પણ નેશનલ હેરાલ્ડ કૌભાંડના સમાચાર કરતાં અન્ય સમાચારને પ્રાથમિકતા આપવી એ તેમનો ચમચાધર્મ છે. અને સમાચાર છાપશે તો મોદીજી જાણે ખોટી રીતે સોનિયાને ફસાવતા હોય એ રીતે છાપશે. કેજરીવાલે કાયદો તોડીને ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવપદની લહાણી કરી દીધી. એ સમાચાર હોય કે કેજરીવાલના મુખ્ય સચિવના કૌભાંડના કારણે સીબીઆઈના દરોડાના સમાચાર, આ ચમચાઓ કેજરીવાલ સામે મોદીજી વેરવૃત્તિથી કાર્યવાહી કરતા હોય એવાં મથાળાં બાંધશે. આ ચમચાઓ અનુગોધરા રમખાણો પછી ‘સિટ’ તપાસ, ઈશરત કેસ વગરેમાં આવાં મથાળાં બાંધતા નહોતાં.

લિબરલ ગેંગને કોઈએ પ્રશ્ન ખરેખર તો એ પૂછવા જોઈએ કે
૧. મોદીજીમાં એવા તે શું હીરામોતી ટાંગ્યાં છે કે લોકો વધુ ને વધુ મોદીસમર્થક બની રહ્યા છે?
૨. શું મોદીજી એવા હેન્ડસમ છે અથવા અમિતાભ જેવાં હાઇટ-બૉડી ધરાવે છે?
૩. શું મોદીજી સોનિયા જેવા ગોરા છે?
૪. શું મોદીજી ચિદમ્બરમ્ જેવું અંગ્રેજી કે અટલજી જેવું હિન્દી બોલી શકે છે?
૫. શું મોદીજી સંપત્તિમાંથી બધાના એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા કરાવે છે?
૬. મોદીજી ગરીબ દેખાતા નથી. એ કેજરીવાલ કે મમતા બેનર્જીની જેમ સાદાં કપડાં નથી પહેરતા, આ લિબરલ ગેંગ લખે છે તેમ હવામાં સતત ઉડતા રહે છે, તો પછી સામાન્ય માનવી કેમ મોદીસમર્થક છે? જેને અમેરિકાએ નવ નવ વર્ષ વિઝાનો ઇન્કાર કર્યો તે મોદીને જ્યારે અમેરિકા બોલાવે ત્યારે સામાન્ય ભારતીય કેમ વિજય મળ્યો હોય એમ ખુશ થાય છે?
૭. લિબરલ ગેંગ જ એવું લખે છે કે મોદી યુઝ એન્ડ થ્રો કરે છે ને અરુણ શૌરી આવું બોલે છે ત્યારે એને સમાચાર તરીકે ચગાવે છે પણ પ્રશ્ન એ છે કે મોદીજી આવું કરતા હોય તો એમના સમર્થકોની સંખ્યા તો એકદમ ઘટી જવી જોઈએ? એવું કેમ નથી થતું?
૮. માન્યું કે મોદીજી પાસે આઇટી પ્રોફેશનલની સારી ટીમ છે પણ મોદીજીને જિતાડનાર (મોદીજીને યશ ન દેવો પડે એટલે સોનિયાચમચા આવાં ગતકડાં શોધી કાઢે છે) પ્રશાંત કિશોર તો હવે આ તંત્રી-પત્રકારોના માનીતા સોનિયા-રાહુલને સેવા આપે છે. કેમ એ મોદીની જેવી હવા રાહુલની તરફેણમાં ઊભી નથી કરી શકતા?
૯. લિબરલો શોધે છે કે કૉંગ્રેસ નહીં તો કોણ? એટલે નીતીશ-કેજરી-વગેરે જે મોદીવિરોધી છે તેમની પછેડી પકડી લે છે. કેજરીવાલ પાસે પણ યુવાનોની આઇટી ટીમ છે. એ કેમ કેજરીની તરફેણમાં મોજું છોડો, લહેરખી પણ સર્જી નથી શકતા?
૧૦. એવું શું કારણ છે કે આજતક, એનડીટીવી સહિતની ચેનલો ને અનેક છાપાં મોદીવિરોધી છે, રોજેરોજ તેઓ મોદીવિરોધી સમાચાર ચગાવે છે ને મોદીતરફી સમાચાર દબાવી દે છે, આ જ રીતે મોદીવિરોધીઓના સારા સમાચાર ચગાવે છે ને મોદીવિરોધીઓના ખરાબ સમાચારને દબાવી દે છે તો પણ મોદીના સમર્થકોની સંખ્યા ઘટતી કેમ નથી?
૧૧. જ્યારે જ્યારે ચીન, અમેરિકા કે પાકિસ્તાન ભારતવિરોધી કૃત્યો કરે છે ત્યારે આ લિબરલ ગેંગ દેશની દુશ્મન હોય તેમ ખુશ થઈ ‘હાથતાળી’ કેમ આપે છે? ભારતની પીછેહટ તેમને ‘મોદીના ગાલ પર તમાચો’ કેમ લાગે છે? શું તેઓ મોદીવિરોધમાં આંધળા થઈને અજાણતા મોદી = ભારત આવું સમીકરણ તો નથી બેસાડી રહ્યાને?
૧૨. ક્યાંક આ લિબરલ ગેંગના રોજેરોજ આંધળા વિરોધના કારણે જ મોદીની લોકચાહના આટલી વધી નથી રહી ને? કારણકે હંમેશાં મક્કમ મજબૂત વ્યક્તિની પાછળ દુનિયા પડે ત્યારે લોકો તેના સમર્થક બની જતા હોય છે. આથી જ ભારતમાં લોકો માટે મહારાણા પ્રતાપ હારવા છતાં અકબરથી વધુ મહાન છે. સિકંદર કરતાં પોરસ વધુ લોકપ્રિય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે આજે પણ કહેવાય છે કે ખૂબ લડી મર્દાની, વો ઝાંસીવાલી રાની થી.
૧૩. દુર્યોધનો કે શિશુપાલો સત્તાના મદમાં શ્રી કૃષ્ણની ઊંચાઈ સમજી શક્યા નહોતા. (સાવધાન! આ નઠારા ક્યાંક એવું ન કહી દે કે મેં મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા.વાતને આડે પાટે ચડાવવામાં આ લોકો હોશિયાર હોય છે.) લિબરલ ગેંગ સાથે આવું તો નથી ને?

gujarat guardian, national

નરેન્દ્ર મોદી મુશ્કેલીઓનો ચક્રવ્યૂહ ભેદી શકશે?

પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આખા વિશ્વમાં શાનદાર ઉજવણીના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના તમામ અખબારોએ મને-કમને સારી રીતે નોંધ લેવી પડી તેના પછીના દિવસથી મોદી માટે ‘બૂરે દિન’ ચાલુ થઈ ગયા. આરએસએસમાંથી ભાજપમાં આવેલા રામ માધવના ટ્વિટથી વિવાદ થયો. આ વિવાદ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીને લગતો હતો. ઉપરાષ્ટ્રપતિ યોગના કાર્યક્રમમાં હાજર રહ્યા નહીં.

હમીદ અન્સારી અને વિવાદને બહુ મૈત્રી છે. ૨૬ જાન્યુઆરીની ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે રાષ્ટ્રપતિ, વડા પ્રધાને ધ્વજને વંદન કરતી સ્થિતિ (સલામી) કરી હતી પરંતુ હમીદ અન્સારીએ તેમનો હાથ લમણા પર રાખીને આ સ્થિતિ કરી નહોતી. તેના કારણે વિવાદ થયો હતો. ગયા દશેરાએ રામલીલા મેદાનમાં રામલીલા યોજાઈ ત્યારે હમીદ અન્સારીએ આરતી લેવાનો ઈનકાર કરતાં સારો એવો વિવાદ થયો હતો. જોકે, રામ માધવના ટ્વીટના કેસમાં, રામ માધવે તરત જ ટ્વીટ કોઈક કારણોસર રદ્દ કરી નાખ્યું અને માફી પણ માગી કે તેમને જાણવા મળ્યું છે કે અન્સારી માંદા છે. પરંતુ અન્સારીએ ચોખવટ કરી કે તેઓ માંદા નહોતા, તેમને આ કાર્યક્રમનું આમંત્રણ જ નહોતું. તો વિહિપનાં નેતા સાધ્વી પ્રાચીએ વળી સામું તીર છોડ્યું કે કોઈ નેતાની દીકરીનાં લગ્ન નહોતાં કે આમંત્રણ આપવું પડે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પક્ષના લોકો અને ભાજપનાં સાથી સંગઠનો પરેશાન કરતા હોવાનું જણાય છે. આ વ્યૂહ હોઈ શકે અથવા ન પણ હોય. સાથી સંગઠનો માટે તેમના કાર્યકરોને જાળવી રાખવા જરૂરી હોય છે. ભાજપની સરકાર બને ત્યારે ભાજપના નેતાઓ સેક્યુલર બની જાય છે, પણ સાથી સંગઠનો માને છે કે સરકારની ઐસી કી તૈસી. તેઓ છે તો સરકાર બને છે. વાત પણ સાચી છે. આ સંગઠનો અને તેમના સમર્પિત કાર્યકરો ભાજપને ચૂંટણી જીતાડવા આકરી મહેનત કરે છે. ભાજપ નેતાઓની અનેક ત્રૂટિઓ છતાં ભાજપ માટે પ્રચાર કરે છે. આ સંગઠનોનો મુખ્ય ઉદ્દેશ હિન્દુત્વની રક્ષા અને તેના વિકાસનો છે. તેમાં જો ભાજપ પણ અવરોધ બનતો હોય તો તેઓ સાંખી શકે નહીં. જોકે મોદી માટે આ મુખ્ય પ્રશ્ન નથી.

મોદી માટે અત્યારે મુખ્ય પ્રશ્ન ભાજપની ચાર મહિલાઓ છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સામે આઈપીએલના પૂર્વ કમિશનર અને મેચ ફિક્સિંગ તથા મની લૉન્ડરિંગના આરોપી લલિત મોદીને મદદ કરવાનો આરોપ બહુ ચગ્યો છે. જોકે આ બંને મહિલાઓને સીધો કોઈ આર્થિક ફાયદો થયો નથી, પરંતુ સનસનાટી શોધતા મિડિયા અને મુદ્દાની રાહમાં રહેલા વિપક્ષો માટે આ બહુ મોટા મુદ્દા છે. તદુપરાંત દિલ્હીમાં ‘આપ’ના નેતા અને કાયદા મંત્રી જિતેન્દ્રસિંહ તોમરની બનાવટી ડિગ્રી સર્ટિફિકેટના કેસમાં જેટલી ઝડપથી અને જે રીતે ધરપકડ થઈ તે રીતે માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની સામે પણ બનાવટી ડિગ્રીનો કેસ છે જે દિલ્હીની પતિયાલા હાઉસ કૉર્ટે માન્ય રાખ્યો છે. તેથી સ્વાભાવિક જ વિપક્ષો સ્મૃતિ ઈરાનીની ધરપકડ કરવા અને તેમના રાજીનામાની માગણી કરવાનાં.

ચોથી મહિલા છે પંકજા મુંડે. મહારાષ્ટ્રમાં તેઓ બાળ વિકાસ અને મહિલા મંત્રી છે. તેમની સામે આરોપ છે કે તેમના ખાતાએ એક જ દિવસમાં ૨૪ જીઆર બહાર પાડીને ટેન્ડર મગાવ્યા વગર  રૂ. ૨૦૬ કરોડની ચિક્કી, નોટબુક, ચોપડીઓ વગેરે ચીજોની ખરીદી કરી. પંકજા મુંડેએ ભાજપના રાષ્ટ્રીય નેતા અને ગયા વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગોપીનાથ મુંડેના દીકરી છે. તેમનું કૌભાંડ તેમના પિતરાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડેએ બહાર પાડ્યું હોવાનું કહેવાય છે. પહેલાં ગોપીનાથ મુંડે તેમના પર બહુ જ ભરોસો કરતા હતા અને તેમને આગળ ધપાવતા હતા, પરંતુ ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પંકજાને આગળ કરી અને પાર્લી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરાવી, તેથી ધનંજય રિસાઈને ભાજપ છોડીને એનસીપીમાં જતા રહ્યા. આમ, મોદી માટે આ ચાર મહિલાઓના પ્રશ્નમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવું અને એ રીતે બહાર નીકળવું કે તેમની પ્રમાણિકતાની છાપ જળવાઈ રહે તે અઘરો પ્રશ્ન અત્યારે બની રહ્યો છે.

આ બધું એવા સમયે બની રહ્યું છે જ્યારે બિહારમાં અને બંગાળમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ થવાની છે. એક તરફ, મોદીના ભ્રષ્ટાચાર નહીં થવા દેવાના (લોકપ્રિય સૂત્રો ‘ખાતો નથી, ખાવા દેતો નથી’, ‘સરકારી તિજોરી પર કોઈનો પંજો પડવા નહીં દઉં’) દાવા હોય (મોદી સરકારને એક વર્ષ પૂરું થયું ત્યારે એક સિદ્ધિ એ પણ કહેવાઈ હતી કે સરકારનું એક વર્ષમાં કોઈ કૌભાંડ બહાર આવ્યું નથી) અને એવા જ સમયે સુષમા, વસુંધરા અને પંકજા મુંડેના સમાચારો બહાર આવે ત્યારે એ દાવાનો છેદ ઉડી જાય. વળી, બિહારમાં તકલીફ એ પણ છે કે ત્યાં મતભેદ અને વિરોધ છતાં નીતીશકુમારના નેતૃત્વમાં જદ (યૂ) અને લાલુપ્રસાદવનું રાજદ એક થઈ ગયાં છે. ભાજપને નીતીશકુમારના પૂર્વ સાથી અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જિતન રામ માંઝીના પક્ષ હિન્દુસ્તાન અવામ મોરચા (એચએએમ)નો ટેકો મળ્યો છે, પરંતુ અનેક વિવાદાસ્પદ નિવેદનોના કારણે માંઝીની છાપ ખરડાયેલી છે, વળી, તેમનો પક્ષપલટાનો ઈતિહાસ પણ જાણીતો છે. પહેલાં કૉંગ્રેસ, તે પછી રાજદ અને ત્યાર બાદ તેઓ જદ(યૂ)માં જોડાયા હતા. આમ, તેમનો લોટો એ તરફ ગબડે છે જે તરફ સત્તા હોય. એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે તેઓ ભાજપને પણ છેહ નહીં જ દે. વળી, બિહારમાં વિરોધીઓને ટક્કર દેવાની વાત એક તરફ રહી, ભાજપની અંદર જ ભારે જૂથવાદ છે. અહીં મુખ્યપ્રધાનના દાવેદાર સુશીલ મોદી મુખ્ય છે. તેઓ અટલ અને અડવાણીના સમયમાં બિહારના સર્વોચ્ચ નેતા હતા અને તે કારણે જદ(યૂ) સાથેની મિશ્ર સરકારમાં તેઓ નાયબ મુખ્યપ્રધાન પણ હતા. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને નીતીશ તેમને બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા આવવા નહોતા દેતા તે વખતથી સી. પી. ઠાકુર મોદીનું સમર્થન કરતા રહ્યા છે. મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા માટે પણ તેમણે અને બિહાર ભાજપના અન્ય નેતા ગિરીરાજ સિંહે જોરદાર નિવેદનબાજી કરી હતી. સી. પી. ઠાકુરની મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા છુપાયેલી નથી. આ ઉપરાંત વાજપેયીની સરકારમાં રહેલા રામવિલાસ પાસવાને નરેન્દ્ર મોદીનું અનુગોધરાકાંડમાં નામ ખરડાતાં તે મુદ્દે રાજીનામું આપી સરકાર છોડી હતી, તે જ પાસવાન ૨૦૧૪માં સમય પામી જઈને નરેન્દ્ર મોદી સાથે સમાધાન કરી, એનડીએમાં પાછા આવી ગયા હતા. પાસવાનની ઈચ્છા પણ મુખ્યપ્રધાન બનવાની છે.

સામાન્ય રીતે ભાજપની સ્ટ્રેટેજી રહી છે કે ચૂંટણીમાં અગાઉથી જ મુખ્ય પ્રધાન અને વડા પ્રધાનના ઉમેદવાર જાહેર કરી તેમના વ્યક્તિત્વ પર (અમેરિકાના પ્રમુખની ચૂંટણીની જેમ) મત માગવા. ૧૯૯૮ની લોકસભા ચૂંટણીમાં આ રીતે જ તેણે વાજપેયીના નામે સત્તા મેળવી હતી. ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમજ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ તેણે મોદીના નામે આમ જ સત્તા મેળવી. પોતાના ઉમેદવાર નક્કી હોય ત્યારે તે કૉંગ્રેસ સહિતના વિપક્ષોને લલકારતો રહ્યો છે કે તમારા કેપ્ટન જાહેર કરો. પરંતુ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કેજરીવાલને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી ભાજપ સામે તેનો જ દાવ અજમાવ્યો. જેમાં ભાજપ ખતા ખાઈ ગયો. બિહારમાં પણ આ જ પરિસ્થિતિ થવાની આશંકા છે. અહીં વિપક્ષના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર નક્કી છે- નીતીશકુમાર. અને બિહારની રાજનીતિમાં નીતીશકુમાર સૌથી ઓછા બિનવિવાદાસ્પદ અને સૌથી ઓછા અપ્રમાણિક નેતા છે. વળી, તેમણે ભાજપ સાથેની સરકાર બનાવી તે પછી બિહારનો ઠીક-ઠીક  વિકાસ પણ કર્યો છે. જ્યારે ભાજપે હજુ બિહારમાં મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા નથી. આથી, બિહારમાં પણ વડા પ્રધાન મોદીની સારી કસોટી થવાની છે.

સંસદનું સત્ર આજથી ૨૦ દિવસ પછી ચાલુ થવાનું છે. આ સત્રમાં જમીન સંપાદન ઉપરાંત જીએસટી, લોકપાલ અને લોકાયુક્તમાં સુધારા, રેલવે (સુધારા), જળમાર્ગ, બેનામી વ્યવહારો પ્રતિબંધ જેવા અનેક ખરડાઓ પણ પસાર કરવાના છે. અને વિપક્ષોનો મિજાજ જોતાં ત્યારે સુષમા, વસુંધરા, પંકજા અને સ્મૃતિ ઈરાનીના મામલાઓ જોરશોરથી ચગવાના અને તેના કારણે ગૃહની કાર્યવાહી પણ ખોરવાવાની. આથી અત્યાર સુધીમાં જમીન સંપાદનના ત્રણ કે ચાર વાર વટહુકમ લાવી ચુકેલી મોદી સરકારને આ ખરડો રાજ્યસભામાં પસાર કરવા માટે નાકેદમ આવી જવાનો.

ચાર સાથી મહિલાઓ, બિહારની ચૂંટણી જેવા દેશના આંતરિક મામલાની સાથોસાથ વડા પ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘેરાઈ રહ્યા છે. અશાંત ઈરાક અને યમનમાંથી હજારો ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લવાયા, યોગ દિવસને જાહેર કરવામાં તેમણે સફળતા મેળવી, યોગ દિવસની ઉજવણી પણ સારી રીતે થઈ, બાંગ્લાદેશ સાથે ૪૧ વર્ષ જૂનો સીમા વિવાદ પણ ઉકેલાયો, નેપાળ, ભૂતાન અને શ્રીલંકા સાથે પણ સારા સંબંધો બંધાયા, આ બધી આંતરરાષ્ટ્રીય સફળતા છે, પરંતુ ચીનના પ્રમુખની સાબરમતી નદીના કિનારે ભારે આગતાસ્વાગતા છતાં ચીન ભારતને વારેતહેવારે  હેરાન કર્યા રાખે છે. એમાં તાજો ઉમેરો એ અહેવાલથી થયો છે કે ચીન ભારતીય જળસીમામાં થઈને કરાચી બંદરે સબમરિન લઈ ગયું હતું અને આ રીતે તેણે ભારતની સુરક્ષા સાથે ચેડા કર્યા હતા. પાકિસ્તાન અને ચીનની વધતી નિકટતા ભારત માટે ભારે ચિંતાનો વિષય છે. સબમરિનવાળી ઘટના એવા સમયે  બની હતી જ્યારે નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે હતા. તે અગાઉ ચીનના  પ્રમુખ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે ચીનના સૈનિકો લદ્દાખમાં ઘૂસી આવ્યા હતા. આમ, એક તરફ ચીન મૈત્રીની વાતો કરે છે અને બીજી તરફ, લશ્કરી દબાણ પણ બનાવી રહ્યું છે.

તો આ તરફ, ભારતે મેગીની સામે અનેક દિવસો સુધી કડક કાર્યવાહી કરી તેના કારણે અમેરિકા પણ ઉકળી ઉઠ્યું છે. મેગી સાથે અમેરિકાને સીધો સંબંધ નથી, પરંતુ નેસ્લે એ સ્વિત્ઝર્લેન્ડની કંપની છે અને સ્વિત્ઝર્લેન્ડ અમેરિકાનું સાથી છે. (યુરોપના દેશો અમેરિકાના સાથી છે.) અમેરિકાએ આથી ભારતની હલ્દીરામ સામે કાર્યવાહી કરી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ ટાટા કન્સલ્ટન્સી અને ઇન્ફોસીસ સામે પણ એચવન-બી વિઝાના નિયમોના ઉલ્લંઘન માટે કાર્યવાહી શરૂ કરી છે. લલિત મોદી મામલે હવે જો મોદી સરકારે કાર્યવાહી કરવાની થાય અને તેમનું પ્રત્યર્પણ કરવાની માગણી મોદી સરકાર કરે તો બ્રિટન સાથે ભારતના સંબંધોના મામલે મોદી સરકારની કસોટી થશે.

નરેન્દ્ર મોદી માટે કસોટી નવી વાત નથી. ગુજરાતમાં ૧૨ વર્ષના શાસન દરમિયાન આવી અને આના કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ તેમની સામે આવી ચુકી છે. ભાજપમાંથી કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, સુરેશ મહેતા, ગોરધન ઝડફિયા વગેરેનો વિરોધ, તે પછી જીપીપી પક્ષ રચાવો, સીબીઆઈ દ્વારા કેસ, મંત્રીઓ પુરુષોત્તમ સોલંકી અને બાબુભાઈ બોખિરિયા સામે ભ્રષ્ટાચારના કેસો, તત્કાલીન ગૃહ પ્રધાન અમિત શાહ સામે કેસ, બનાવટી એન્કાઉન્ટર, ગોધરાકાંડ પછીનાં રમખાણો વગેરે અનેક મુદ્દાઓ હતા, પરંતુ મોદી બધા સામે ઝીંક ઝીલીને સફળતાપૂર્વક રાજ કરતા રહ્યા, ત્રણવાર ચૂંટાઈને આવ્યા. રાષ્ટ્રીય સ્તરે પણ તેઓ આ ગુજરાત મોડલનું પુનરાવર્તન કરી શકશે?

(ગુજરાત ગાર્ડિયનની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૧/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

gujarat guardian, national

પેટ્રોલિયમ જાસૂસી : ટાંકી ક્યાંથી લિક થાય છે તેની તપાસ કરો

૧૯ ફેબ્રુઆરીએ જ્યારે મોટા ભાગના સમાચારમાધ્યમોનું ધ્યાન શુક્રવારે ૨૦મીએ બિહાર વિધાનસભામાં શું થાય છે તેની પૂર્વભૂમિકારૂપે (હવે પૂર્વ) મુખ્યમંત્રી માંઝીના ઘરે રાત્રિભોજમાં કેટલા ધારાસભ્યો આવે છે અને નીતીશકુમારના ઘરે કેટલા ધારાસભ્યો એકઠા થાય છે તેના પર હતું ત્યારે કેટલીક ટીવી ચેનલો અને બીજા દિવસે અખબારોએ તેના સ્થાને બીજા એક સમાચારને પ્રમુખ મથાળું આપ્યું. એ સમાચાર હતા, પેટ્રોલિયમ મંત્રાલયમાં જાસૂસી કરવા માટે પાંચેક જણાની થયેલી ધરપકડ. ૨૦મીએ માંઝીએ પોતે જ ત્યાગપત્ર દઈ દીધું અને એ સમાચાર ઠર્યા એટલે પેટ્રોલિયમ મંત્રાલયમાં જાસૂસીના ગરમાગરમ અને હજુ ઉકળી રહેલા સમાચાર પર હવે માધ્યમોની નજર પડી અને ૨૧મીએ તો એ હોટ બર્ગર કે ગરમાગરમ ફૂલકા રોટલી જેવા સમાચાર બની રહ્યા કેમ કે એ જાસૂસીમાંથી કૌભાંડમાં રૂપાંતરિત થયું અને તેનો આંકડો ૧૦,૦૦૦ કરોડનો હતો!

જે પાંચ જણાની ધરપકડ થઈ તેમાંના ચાર તો પેટ્રોલિયમ મંત્રાલયના જ કર્મચારી હતા. તેમણે અત્યંત સંવેદનશીલ અને ગોપનીય કહેવાય તેવા દસ્તાવેજોની ચોરી કરી હતી. તેમાં કુદરતી ગેસની જાળ પર વર્ગીકૃત સ્થિતિ રિપોર્ટ હતો, વડા પ્રધાનના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રએ ઓઇલ મંત્રાલયને લખેલો પત્ર હતો, ઊર્જા બાબતે વિદેશો સાથે જે સહકારની સમજૂતી થઈ હોય તેના કાગળો હતા, જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની સમજૂતીના કાગળોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ૨૮મીએ કેન્દ્રીય અંદાજપત્ર  રજૂ થવાનું છે તેના ભાષણના પણ કેટલાક અંશો હતા.

આ બધું કઈ રીતે થયું હતું તે સમજવું રસપ્રદ છે. સ્વાભાવિક છે કે ‘અંદર’ના માણસો વગર આ બધું શક્ય ન બને. જે પકડાયા તેમાંના ચાર પેટ્રોલિયમ મંત્રાલયમાં કામ કરતા હતા અથવા ભૂતકાળમાં કામ કરી ચૂક્યા હતા. હવે સ્વાભાવિક છે કે આ કૌભાંડમાં એક પૂર્વ પત્રકારની ધરપકડ થઈ છે. તેનું નામ છે શાંતનુ સાઇકિયા. શાંતનુની વાત માંડતા પહેલાં એક બહુ જ કડવું સત્ય અમારી પત્રકાર જાત વિશે જાણી લેવું પડશે.

કેટલાક લોકો પોતે પત્રકાર બની જાય છે. તેઓ કહેવા પૂરતું તો અખબારો કે ટીવી ચેનલોમાં કામ કરતા હોય છે પરંતુ તેઓ સત્તાની નજીક પહોંચી જાય છે. પત્રકાર હોવાથી તેમને સચિવાલય સહિતની મહત્ત્વની જગ્યાએ આસાનીથી પ્રવેશ મળી જાય છે. ધીમે ધીમે તેઓ, ચોખ્ખી ભાષામાં કહીએ તો, ‘દલાલ’ અને સુષ્ઠુ ભાષામાં કહીએ તો, ‘લોબિઇસ્ટ’નું કામ કરવા લાગે છે. ઘણા તેને ‘લાયેઝનિંગ  વર્ક’ જેવું રૂપાળું, છેતરામણું નામ પણ આપતા હોય  છે. મંત્રી, સચિવ વગેરેને સાધવા જે કથિત લાંચ આપવી પડે કે બીજા ‘વ્યવહારો’ કરવા પડે તે આ લોકો મારફતે જે તે કંપનીવાળા કરાવતા હોય છે. તમે ભૂતકાળમાં નીરા રાડિયાનું નામ સાંભળ્યું છે. નીરા રાડિયા આમ તો વૈષ્ણવી નામની એક પીઆર ફર્મ ચલાવતાં હતાં. પરંતુ ૨-જી સ્પેક્ટ્રમ કેસ કૌભાંડમાં કેટલીક ટેપો બહાર આવી ત્યારે ખબર પડી કે નીરા રાડિયા તો પત્રકાર, ઉદ્યોગપતિ અને સરકાર વચ્ચે કડી તરીકે કામ કરતા હતા. આ ટેપમાં પત્રકાર તરીકે એનડીટીવીના તંત્રી બરખા દત્તનું નામ પણ બહાર આવ્યું હતું. કોને ટેલિકોમ પ્રધાન બનાવવા તે પણ આ લોકો જ નક્કી કરતા હતા, તેવો ટેપમાં ઉલ્લેખ હતો.

આમ, શાંતનુ સાઇકિયાભાઈ પણ આ પ્રકારનું જ કાર્ય કરતા હતા. તેઓ પૂર્વ પત્રકાર હતા પણ ઊર્જા સલાહકાર અથવા એનર્જી કન્સ્ટલ્ટન્ટના રૂપાળા ઓઠા હેઠળ દલાલીનું કામ કરતા હતા. શંકા એવી છે કે મંત્રાલયના દસ્તાવેજો ચોરીને તેઓ બિઝનેસ હાઉસીસને પહોંચાડતા હતા.

ઘણી વાર શેરબજાર સાથે નહીં સંકળાયેલા અથવા નાના પાયે સંકળાયેલા હોય તેવા લોકોને નવાઈ લાગતી હશે કે ઘણી વાર સરકાર કોઈ નિર્ણય લેવાની હોય તે જાહેર થાય તે પહેલાં જ શેરબજાર ઉછાળો મારે અથવા તેમાં કડાકો બોલે. તેના જે સમાચાર બને તેમાં લખાયેલું હોય કે અમુક નિર્ણયની આશંકાએ શેરબજારમાં ઉછાળો/કડાકો. ત્યારે નવાઈ એ લાગે કે શેરબજારમાં જે કંપનીઓ પડેલી છે અને જે લોકો મોટા પાયે લેવેચ કરે છે તેમને કઈ રીતે આ ગંધ આવી ગઈ? પરંતુ હવે પેટ્રોલિયમ મંત્રાલયમાં જાસૂસીનું કૌભાંડ બહાર આવ્યા પછી આ નવાઈ ન રહેવી જોઈએ, કેમ કે હવે એ સત્ય જાણવા મળી ગયું છે કે મોટી મોટી મગરમચ્છ જેવી કંપનીઓ મંત્રાલયમાં જાસૂસી કરાવતી હતી અને મહત્ત્વના નિર્ણયોની તેમને આ જ રીતે જાણ થઈ જતી હોવી જોઈએ. વિચારો કે માત્ર શેરબજારમાં જ કેટલો નફો આ કંપનીઓ કમાઈ શકે? તો બીજા બધા નીતિવિષયક નિર્ણયોની જાણ અગાઉ થઈ જાય તો કંપનીઓ એ મતલબની વ્યવસ્થા કરે તો તો કેટલા કરોડો-અબજો રૂપિયાની કમાણી થઈ શકે?

એક સાદો દાખલો જ લઈએ. સામાન્ય રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધઘટના નિર્ણય જાહેર જેતે દિવસે બપોરે કે સાંજે થાય છે, પરંતુ તેનો અમલ મધરાતથી થતો હોય છે. હવે, જો ભાવ વધવાના હોય તો ઘણા પેટ્રોલ પંપો “પેટ્રોલ નથી” (આઉટ ઑફ સ્ટોક)નાં પાટિયાં મારી દે છે. પરિણામે તમારે ફરજિયાત બીજા દિવસે વધેલા ભાવે જ પેટ્રોલ પૂરાવવું પડે છે. આ પેટ્રોલ પંપોને તો ઓછા ભાવે જ પેટ્રોલ મળ્યું હતું પરંતુ તેમણે વેચ્યું વધેલા ભાવે. કેટલો નફો તેમને થાય? જો આ પેટ્રોલ પંપોને આવા ‘જાહેર’ નિર્ણયથી આટલો ફાયદો થાય તો મોટી કંપનીઓને ‘ગુપ્ત’ નિર્ણયો જાહેર થવા અગાઉ જ ખબર પડી જાય તો તેઓ કેટલો નફો ભેગો કરી શકે?

ક્યારેક આપણને આ માધ્યમો- ૨૪ કલાક કામ કરતી ચેનલો સારાં લાગે. તેમના એક્સક્લુઝિવ રિપોર્ટ ગમે, પણ આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં એવી વાત જાહેર થઈ જાય તો તે દેશવિરોધી કૃત્ય ચોક્કસ જ છે. એક આડ વાત. પોરબંદરના દરિયામાં મધ દરિયે પાકિસ્તાની બોટને ત્રાસવાદીઓને ફૂંકી મારી તેવા સમાચારને કોસ્ટ ગાર્ડના ડીઆઈજી બી. કે. લોશાલીએ રદિયો આપ્યો અને કહ્યું કે અમારા આદેશ પર તેને ફૂંકી દેવાઈ હતી. હવે કેટલાક વિષયો પર વાત જાહેર કરાતી નથી. ‘બેબી’ ફિલ્મ જોઈ હશે તેઓ આ સમજી શકશે. પાકિસ્તાનના ત્રાસવાદીને સઉદીમાં પકડીને ભારત લાવી મારી નખાયાના સમાચાર જાહેર કરવાના હતા એ રીતે કે તે કાશ્મીરમાં ઘૂસણખોરી કરતા પકડાયો છે. આ બોટ ફૂંકી મારવાની લોશાલીની શેખી અથવા સચ્ચાઈ હોય તો સચ્ચાઈને માધ્યમો મહત્ત્વ જ ન આપે અને પ્રકાશિત ન કરે તો? દેશહિતમાં તેમણે એમ કરવું જોઈતું હતું, પરંતુ આજકાલ સ્પર્ધા એટલી છે કે એવું શક્ય નથી બનતું. બીજા પ્રસારિત કરી નાખશે તેવા ભયે આગળ રહેવાની હોડમાં આવા સમાચારને મહત્ત્વ મળી જાય છે. એટલે ટૂંકમાં, ગુપ્ત નિર્ણયો ગુપ્ત જ રહેવા જોઈએ.

તો પેટ્રોલિયમ મંત્રાલયમાં જાસૂસી કૌભાંડના સમાચાર બહાર આવવાથી મોટો ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડમાં મૂકેશ અંબાણીની રિલાયન્સ, અનિલ અંબાણીના એડીએજી રિલાયન્સ, એસ્સાર, કૈર્ન વગેરેના અધિકારીઓ પકડાયા છે. આવનારા દિવસોમાં હજુ વધુ રહસ્યસ્ફોટ થવાની શક્યતા છે, પરંતુ નીરા રાડિયા પ્રકરણ અને આ પેટ્રોલિયમ જાસૂસી કૌભાંડ પછી એક વાત પાકી છે કે કોર્પોરેટ હાઉસ મંત્રાલયોની જાસૂસી કરાવે છે. જેઓ આવી જાસૂસીનું લક્ષ્ય બને છે તેમાં નાણા મંત્રાલય, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, સંરક્ષણ, વીજળી, નવી અને પુનઃપ્રાપ્ત થઈ શકે તેવી ઊર્જા, કોલ અને ખાણ સહિતના મંત્રાલયો મુખ્ય હોય છે. આ મંત્રાલયો દિલ્હીના નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, શાસ્ત્રી ભવન અને શ્રમ શક્તિ ભવનમાં ઑફિસ ધરાવે છે. આથી જ થોડા સમય પહેલાં શાસ્ત્રી ભવનમાં આગ લાગવાના સમાચાર આવ્યા ત્યારે બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. કોર્પોરેટ આ મંત્રાલયોમાંથી સબસિડી, ભાવનિર્ધારણ, ટેન્ડર, પ્રાપ્તિ (પ્રોક્યોરમેન્ટ), વગેરે જેવી મહત્ત્વની બાબતો પર શું નિર્ણય લેવાયા છે તે જાણવા માગતી હોય છે. આ માટે તે સીધી કામ હાથમાં નથી લેતી, પણ શાંતનુ સાઇકિયા જેવા વચેટિયાનો સહારો લે છે, જેથી પોતાનું નામ સીધેસીધું આવે નહીં.

પોતાના ૨૦૧૧ના રિપોર્ટમાં, એસોસિએટેડ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એસોચેમ)એ સ્વીકાર્યું હતું કે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી ૩૫ ટકા કંપનીઓ તેમની સ્પર્ધક કંપનીઓ કરતાં વધુ ફાયદો મેળવવા કોર્પોરેટ જાસૂસી કરાવતી હોય છે.

જો જાસૂસીની વાતનું ફલક વિસ્તારીએ તો, દરેક મોટા સ્થાને બેઠેલી વ્યક્તિ કે કંપની હરીફો પર નજર રાખતી જ હોય છે અને જાસૂસી કરાવતી હોય છે. રાજકીય પક્ષો પણ પોતાના માણસોને વિપક્ષમાં મોકલીને ત્યાંથી જાણકારી મેળવતા હોય છે. હદ તો ત્યારે થાય કે જ્યારે પોતાના જ પક્ષના લોકો પોતાના જ માણસો પર જાસૂસી કરાવે; જેમ કે અત્યારે આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી જ્યારે નાણા પ્રધાન હતા ત્યારે તેમના કાર્યાલયમાં જાસૂસીનું એક સાધન મળી આવતા ચકચાર થઈ હતી. જોકે પીઢ અને અનુભવી હોવાના કારણે મુખરજીએ પોતે જ બાદમાં આ વાતનો ઈનકાર કરી દીધો હતો. તો તાજેતરના ઇતિહાસમાં જોઈએ તો ૨૬ જુલાઈ, ૨૦૧૪ના રોજ એવા સમાચાર બહાર આવ્યા હતા કે ભાજપના પૂર્વ પ્રમુખ અને અત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરમાં વાતચીત સાંભળી શકાય એવા ઉપકરણો મૂકવામાં આવ્યાં હતાં અને આ કામ વિદેશી જાસૂસી સંસ્થાએ કર્યું હોવાનું મનાતું હતું.

જાસૂસી માટે અમેરિકા અને રશિયા સૌથી વધુ બદનામ છે. ૨૦૧૩માં એવી માહિતી બહાર આવી હતી કે અમેરિકાની સુરક્ષા સંસ્થા એનએસએએ ૩૫ દેશોના પ્રમુખ નેતાઓની વાતચીતની જાસૂસી કરી હતી જેની સામે ભારત અને જર્મની સહિતના દેશોએ વાંધો પણ ઉઠાવ્યો હતો.

મૂળ વાત પર પાછા ફરીએ તો પેટ્રોલિયમ જાસૂસીનો મુદ્દો ચોંકાવનારો જરૂર છે, પણ નવો નથી. હકીકતે, નીરા રાડિયા પ્રકરણ બહાર આવ્યું ત્યારે જ તે સમયની યુપીએ સરકારે ગોપનીયતા જાળવવા માટે જો કડક પગલાં લીધાં હોત અથવા તે પછી મોદી સરકારે પણ પગલાં લીધાં હોત તો આવું ન બન્યું હોત. જાગ્યા ત્યારથી સવાર. હવે આવા કૌભાંડનું પુનરાવર્તન ન થાય તે જોવું જોઈએ.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૨૫/૨/૧૫ના રોજ આ લેખ છપાયો.)

gujarat guardian, politics

જ્યારે કઠપૂતળી તેના દોરીસંચાર કરનારા સામે બળવો પોકારે…

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બિહાર રાજ્યમાં ૪૦ બેઠકો પૈકી જનતા દળ (યુનાઇટેડ)ને માત્ર બે જ બેઠકો મળી. સામાન્ય રીતે હાર થાય એટલે પક્ષ પ્રમુખ રાજીનામું આપતા હોય છે, પરંતુ કોણ જાણે કેમ, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે હારની જવાબદારી સ્વીકારી રાજીનામું ધરી દીધું. તેમણે પોતાના માનીતા જિતનરામ માંઝીનું નામ આગળ ધર્યું. લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ઓબીસી કાર્ડ ખેલ્યું હતું, તો નીતીશે મહાદલિતનું કાર્ડ ખેલ્યું. બિહારમાં આમેય આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની જ છે, એટલે નીતીશને એમ કે મહા દલિતના કાર્ડના આધારે નવા દુશ્મન ભાજપના દલિત કાર્ડને ખાળી શકાશે અને સત્તા ફરીથી મેળવી શકાશે.

નીતીશનું આ પગલું તેમને ફળ્યું પણ ખરું. ૨૧ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ જે પેટા ચૂંટણી થઈ તેમાં બિહારમાં ૧૦ વિધાનસભા બેઠકો પૈકી નીતીશ-લાલુ એટલે કે જદ (યૂ) અને રાજદને છ બેઠકો મળી.

જોકે તે પછી એક બાદ એક એવી ઘટના બનતી ગઈ કે નીતીશના કઠપૂતળી તરીકે આવેલા માંઝી પોતાના પુરોગામીની વિરુદ્ધ થતા ગયા. માંઝીને સત્તાનો નશો વળગી ગયો. તેઓ મુખ્યમંત્રી પદ છોડવા માગતા નહોતા જ્યારે નીતીશકુમારને સત્તા પાછી મેળવવી હતી. આથી બંને વચ્ચે સંઘર્ષ જાગ્યો. તેનું પરિણામ એ આવ્યું કે માંઝીએ રાજીનામું આપીને વફાદારી બતાવવાના  બદલે વિધાનસભા ભંગ કરવાની દરખાસ્ત રાજ્યપાલને કરી. તો સામે પક્ષે જદ(યુ) અને તેના સાથી પક્ષો રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને કૉંગ્રેસે એકમત થઈને નીતીશકુમારને પોતાના નેતા જાહેર કરી દીધા.

અહીં સવાલ થાય કે ચૂંટણી સાવ ઢુકડી છે ત્યારે નીતીશ કેમ સત્તા પાછી મેળવવા માગતા હતા? તેનાં કેટલાંક કારણો જોઈએ: ૧. લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે નીતીશ સામે રોષ પ્રવર્તતો હતો, પરંતુ હવે તેને આઠ મહિના વિતી ગયા છે ત્યારે નીતીશને લાગ્યું હોઈ શકે કે આ રોષ ઓસરી ગયો છે. ૨. નીતીશને માંઝી સામે કેમ રોષ જાગ્યો તેના કારણોમાં માંઝીનો બફાટ જવાબદાર છે. માંઝીએ કહ્યું હતું કે નીતીશ મુખ્યપ્રધાન હતા તે વખતે ટોચથી લઈને તળિયા સુધી ભરપૂર ભ્રષ્ટાચાર વ્યાપ્ત હતો. તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે બેએક વર્ષ પહેલાં તેમના પોતાના કુટુંબીજનોને વીજળી બિલ સુધારવા માટે વીજળી ખાતાના અધિકારીઓને રૂ. ૫,૦૦૦ની લાંચ આપવી પડી હતી. વળી, જ્યારે માંઝીને પૂરપીડિતોની દશા વિશે એમ પૂછવામાં આવ્યું કે તમને ખબર છે કે પૂરપીડિતોને ઉંદર ખાવા પડે છે ત્યારે માંઝીએ એમ કહ્યું કે એમાં વાંધો શું છે? તેઓ પણ ઉંદર ખાતા હતા. અહીં હકીકતે માંઝીએ પોતાની જાતિ મુશહર વિશે કહેલું જેમાં ઉંદર ખાવામાં ખરાબી મનાતી નથી, પરંતુ માંઝીના આ નિવેદનથી હોબાળો થઈ ગયો. માંઝીએ એમ પણ કહેલું કે આખો દિવસ કઠોર પરિશ્રમ કરનાર વ્યક્તિ રાત્રે થાકીને ઘરે આવે અને જમીને દારૂ પીવે તેમાં કંઈ ખોટું નથી. તેમણે તો કાળા બજાર કરનાર નાના વેપારીને પણ છાવર્યા અને કહ્યું કે તેઓ કાળા બજાર કરે તે ગુનો નથી! બિહારમાં ‘વીજળી નહીં તો મત નહીં’ તેવા બેનરો સાથે વિરોધીઓ ટોળું લઈને આવ્યા ત્યારે માંઝીએ કહેલું કે હું તમારા મતથી જીત્યો નથી.

ઉપરાંત માંઝીનો પુત્ર તેની મહિલા પોલીસ ગર્લફ્રેન્ડને લઈને એક હોટલમાં જતો હતો. માંઝીના હોદ્દાનો લાભ લઈ તેણે હોટલમાં ડિલક્સ સ્વીટ માગ્યો. હોટલવાળાઓએ માંઝીના દીકરાની વારંવાર માગણીથી કંટાળી એક વાર તેને ગર્લફ્રેન્ડ સાથે હોટલના એક રૂમમાં પૂરી દીધો અને પોલીસ બોલાવી. છેવટે માંઝીના પુત્રએ પૈસા દઈને વાતને રફેદફે કરાવી. આ મામલે પોલીસની એફઆઈઆર ન નોંધાઈ એટલે વિપક્ષ ભાજપે હોબાળો મચાવ્યો હતો. આ મામલે મુખ્યપ્રધાન જિતનરામ માંઝીએ પોતાના દીકરાનો એમ કહીને બચાવ કર્યો કે “યુવાનને ગર્લફ્રેન્ડ તો હોય ને. મારા દીકરાએ કંઈ ખોટું કર્યું નથી.”

૩. ગત ઑક્ટોબર મહિનામાં દશેરા નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમમાં ભાગદોડ થઈ અને ૩૨ લોકો માર્યા ગયા. તે મામલો પણ માંઝીએ બરાબર સંભાળ્યો નહોતો તેમ નીતીશકુમાર તરફીઓનું માનવું હતું. ૪. માંઝીએ મંત્રીઓમાં પણ પોતાના માનીતા ગોઠવવાનો કારસો ઘડવા માંડ્યો હતો. તેમણે નીતીશના માનીતા બે મંત્રીઓને બરખાસ્ત કરી નાખ્યા હતા.

માંઝીએ નીતીશકુમાર અને તેમના ફરી દોસ્ત બનેલા લાલુપ્રસાદ યાદવ ગુસ્સે થાય તેમ લાલુના સાળા સાધુ યાદવ જે લાલુના વિરોધી બની ગયા છે તેમને મળવા ગયા હતા. વળી, તેમણે નીતીશના કટ્ટર વિરોધી નરેન્દ્ર મોદીના વખાણ કરીને પોતાના બોસને ગુસ્સે કર્યા હતા. તેમણે કહેલું કે મોદી પાકિસ્તાનને (સરહદ પર ગોળીબાર માટે) જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આ બાબતે અમે મોદીની સાથે છીએ. સપ્ટેમ્બર, ૨૦૧૪માં પણ તેમણે મોદીના વખાણ કરીને કહ્યું હતું કે તેમને મોદીમાં વિશ્વાસ છે. મોદીની ગરીબ તરફી છબી છે અને મહાદલિત મુખ્યપ્રધાન તરીકે તેમની સફળતાથી મોદીની છબી વધુ મજબૂત બનશે! બિહાર માટે ભંડોળ માગવા તેઓ મોદીને મળશે. આ બધાં કારણોના લીધે નીતીશકુમારને વ્યક્તિગત રીતે પણ ગુસ્સો ચડી રહ્યો હતો. તદુપરાંત માથે ઝળૂંબી રહેલી વિધાનસભા ચૂંટણીમાં પક્ષની જીતની સંભાવનાઓને પણ માંઝીના કારણે ફટકો પડી રહ્યો હતો. આથી તેમણે પોતાના તરફીઓ દ્વારા માંઝીને પદ પરથી ઉતરવા કહેવડાવ્યું, પણ માંઝી જેનું નામ. તેમણે તો નીતીશને ભીષ્મપિતામહ કહી દીધા અને કહ્યું કે નીતીશ પોતે શા માટે મને પદ ત્યાગ કરવા નથી કહેતા? વાત એટલી વણસી ગઈ કે હવે માંઝીએ વિધાનસભા ભંગ કરવાની દરખાસ્ત કરી દીધી છે. માંઝીને ભાજપનો ટેકો મળવા આશા છે. તો બીજી બાજુ નીતીશકુમારના નેતૃત્વમાં જદ(યૂ)ના જૂથને રાજદ અને કૉંગ્રેસના ટેકાથી બહુમતની આશા છે. એટલે હવે ખરાખરીનો જંગ વિધાનસભામાં જ થશે. નીતીશકુમારને પોતાની સાથે આ બધું બની રહ્યું છે ત્યારે પોતાનો ભૂતકાળ યાદ આવી રહ્યો હશે. તેમણે પોતાના ગુરુ જ્યોર્જ ફર્નાન્ડિઝ સાથે જે કર્યું હતું તે આનાથી ક્યાં ઓછું હતું?…

એનડીએ સરકારમાં સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા ફર્નાન્ડિઝ એક સમયે તેજતર્રાર નેતા હતા. કટોકટી વખતે ફર્નાન્ડિઝે અન્ય જનતા પક્ષના નેતાઓ સાથે બહુ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી જેના માટે ઇન્દિરા ગાંધીએ તેમની સામે વડોદરા ડાયનેમાઇટ કેસ દાખલ કરી આરોપ મૂક્યો હતો કે તેમણે સરકારી ઈમારતોને બોમ્બથી ફૂંકી મારવાનું કાવતરું ઘડ્યું હતું. આવા ફર્નાન્ડિઝે એનડીએ સરકાર રચવામાં અને બિહારમાં પણ ભાજપની સાથે એનડીએ સરકાર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ફર્નાન્ડિઝ જ નીતીશને આગળ લાવ્યા પરંતુ ફર્નાન્ડિઝે પોતાના શબ્દોમાં કહ્યા પ્રમાણે, “નીતીશે મને હાંસિયામાં ધકેલવા તમામ પ્રયાસો કર્યા.” ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ફર્નાન્ડિઝને નીતીશકુમારે તેમની ખરાબ તબિયતના બહાને ટિકિટ આપવા ઈનકાર કર્યો હતો. પરંતુ ફર્નાન્ડિઝે તો કહ્યું કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમણે મુઝફ્ફરપુર પરથી અપક્ષ તરીકે ઝુકાવ્યું તો નીતીશના નેતૃત્વમાં જદ (યૂ)એ તેમને પક્ષમાંથી જ હાંકી કાઢ્યા હતા!

આ જ રીતે નરેન્દ્ર મોદી અને તેમના ગુરુ લાલકૃષ્ણ અડવાણીનો ઇતિહાસ તો તાજો જ છે. હકીકતે મોદી આજે જે કંઈ છે તેનો તમામ શ્રેય અડવાણીને આપવો જોઈએ. મોદી અડવાણીમાંથી જ બધું શીખ્યા છે. અડવાણી જ મોદીને આગળ લાવ્યા. મોદીને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવામાં પણ અડવાણીની ભૂમિકા હતી. તો ૨૦૦૨નાં રમખાણો પછી ગોવાના અધિવેશનમાં વાજપેયી સહિત ઘણા લોકો મોદીને બરખાસ્ત કરવાના મૂડમાં હતા ત્યારે પણ અડવાણીએ વિટો પાવર વાપરીને મોદીને બચાવેલા. જોકે, ૨૦૦૫ પછી ગુરુ-શિષ્યના સંબંધો બગડવા માંડેલા. ગુજરાતમાં અડવાણીને મોદી બોલાવે ખરા, પરંતુ સભામાં અડવાણીનું પ્રવચન મોદીના પ્રવચન પછી રાખવામાં આવે અને તેમના ભાષણ વખતે બધા ચાલતી પકડે. ૨૦૦૯માં મોદીની ઈચ્છા હતી કે તેમને વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે, પરંતુ અડવાણી ન હટ્યા. એટલે યુપીએના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અડવાણી રથયાત્રા કાઢવાના હતા તેમાં મોદીએ અડિંગો નાખ્યો હોવાનું મનાય છે. પોરબંદરથી યાત્રા શરૂ કરવાના બદલે તેમણે બિહારમાં સમસ્તીપુરમાંથી યાત્રા શરૂ કરી. અને તે વખતે જ મોદીએ સદ્ભાવના ઉપવાસ કરી બધી લાઇમલાઇટ પોતાના પર મેળવી અને પોતાની ઇમેજ હિન્દુ હૃદય સમ્રાટમાંથી સેક્યુલર બનાવવા પ્રયાસ કર્યો. પરિણામ એ આવ્યું કે ૨૦૦૯માં ભાજપના નેતૃત્વમાં એનડીએને સત્તા ન મળી.

હવે વારો અડવાણીનો હતો. જ્યારે ૨૦૧૩માં મોદી રાષ્ટ્રીય નેતા તરીકે આગળ આવવા માગતા હતા ત્યારે અડવાણીએ બધા જ પ્રયાસો કરી જોયા અડિંગો નાખવાના. તેઓ ગોવા અધિવેશનમાં હાજર ન રહ્યા. તો સામે નરેન્દ્ર મોદીના સમર્થકોએ દિલ્હીમાં અડવાણીના ઘર બહાર ‘માન જાઈએ અડવાણીજી’વાળા બેનરો સાથે પ્રદર્શન કર્યાં. અડવાણીના કારણે મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ પણ ગેરહાજર રહ્યાં. મોદી ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર બની ગયા પછી પણ મધ્ય પ્રદેશમાં એક ચૂંટણી રેલીમાં અડવાણીને મોદી પગે લાગતા હોય અને અડવાણી નારાજગીના કારણે અન્યત્ર જોતા હોય તેવી તસવીર બધું કહી દેતી હતી. જોકે, મોદી વડા પ્રધાન બનવામાં સફળ રહ્યા, પરંતુ તેમણે અડવાણીને એનડીએના અધ્યક્ષ ન બનાવ્યા, સંસદમાં તેમને ફાળવાયેલો રૂમ પણ છિનવાઈ ગયો. અડવાણી અને મુરલી મનોહર જોશીને ભાજપમાં માર્ગદર્શક મંડળમાં મૂકીને મોદીએ ગુરુદક્ષિણા આપી દીધી!

કર્ણાટકમાં બી. એસ. યેદીયુરપ્પાને ભ્રષ્ટાચારના આરોપસર સત્તા છોડવી પડે તેમ હતી ત્યારે તેમણે પણ નીતીશકુમારની જેમ પોતાના માનીતા સદાનંદ ગોવડાને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. નીતીશની જેમ જ યેદીયુરપ્પા પણ મુખ્યપ્રધાન પદ પાછું મેળવવા માગતા હતા. જોકે સદાનંદ ગોવડાએ આ વિરુદ્ધ તે વખતના ભાજપના પ્રમુખ નીતિન ગડકરીને પત્ર લખ્યો હતો. બંનેના સંઘર્ષના પરિણામે યેદીયુરપ્પાના અન્ય માનીતા જગદીશ શેટ્ટારને કર્ણાટકના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. શેટ્ટાર પણ ધીમે ધીમે યેદીયુરપ્પાના કહ્યામાંથી બહાર નીકળી ગયા. યેદીયુરપ્પાને કેન્દ્રીય સ્તરેથી પણ ટેકો નહોતો. આથી તેમને પોતાનો અલગ પક્ષ કર્ણાટક જનતા પક્ષ (કેજેપી) રચ્યો. જોકે પરિણામ એ આવ્યું કે કર્ણાટકમાં ભાજપ કે કેજેપી કોઈને સત્તા ન મળી. જોકે બાદમાં યેદીયુરપ્પા ફરીથી ભાજપમાં આવી ગયા.

મધ્યપ્રદેશમાં પણ આવો જ ખેલ ભજવાયો હતો. તત્કાલીન મુખ્ય પ્રધાન ઉમા ભારતી સામે કર્ણાટકના હુબલીના ઇદગાહ મેદાનમાં કર્ફ્યુ છતાં તિરંગો ફરકાવવાનો કેસ થયો હતો. આથી ઉમા ભારતીને રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે પોતાના માનીતા બાબુલાલ ગૌરને મુખ્યપ્રધાન બનાવ્યા, પરંતુ પછી ગૌર સત્તા છોડવા તૈયાર નહોતા. જ્યારે ગૌર સામે ભોપાલની કોર્ટે ૧૩ વર્ષ જૂનો ફોજદારી કેસ ફરી ઉખેળ્યો ત્યારે ઉમા ભારતીના ટેકેદારોએ એમ કહીને પુનઃસત્તાની માગણી કરી હતી કે જો ઉમા ભારતીને ફોજદારી કેસ બદલ સત્તા છોડવી પડી હોય તો બાબુલાલ ગૌરને શા માટે સત્તા પરથી ઉતારાતા નથી? જોકે આ ઝઘડામાં પણ ઉમા ભારતી અને બાબુલાલ ગૌર બંનેને એકબાજુએ મૂકી રાજ્યના પક્ષ પ્રમુખ શિવરાજસિંહ ચૌહાણને ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મુખ્યપ્રધાન તરીકે પસંદ કર્યા હતા.

ગુજરાતની વાત કરીએ તો, અહીં ચીમનભાઈ પટેલે તેમને મુખ્યપ્રધાન બનાવનાર ઇન્દિરા ગાંધી સામે બળવો કર્યો હતો. ૧૯૭૧ની વાત છે. ત્યારે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દેશના સર્વેસર્વા જેવાં હતાં. એ વખતે મુખ્યપ્રધાનોને પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો ચૂંટતા નહીં, પરંતુ ઇન્દિરા ગાંધી નક્કી કરે તે જ મુખ્યપ્રધાન બનતા. ઓરિસ્સામાં નંદીની સત્પથીને, પ. બંગાળમાં સિદ્ધાર્થ શંકર રેને અને ગુજરાતમાં ઘનશ્યામ ઓઝાને મુખ્યપ્રધાન બનાવાયા. પરંતુ ચીમનભાઈ પટેલને આ નિર્ણય મંજૂર નહોતો. તેમણે ઓઝા સામે બળવો કર્યો. ઇન્દિરા ગાંધી ચીમનભાઈ પટેલને મુખ્યપ્રધાન બનાવવા માગતા નહોતા કારણકે તેઓ તેમના કહ્યામાં રહે તેવા નહોતા. પરંતુ ચીમનભાઈ પટેલ ઇન્દિરા ગાંધીને નવી દિલ્હીમાં મળ્યા અને મોઢા પર જ કહી દીધું કે, પક્ષના નેતા ધારાસભ્યો ચૂંટશે, તેમાં તમારી મરજી નહીં ચાલે!

જોકે, ધારાસભા પક્ષના નેતાની ચૂંટણી તો ગાંધીનગરમાં થઈ પરંતુ તેની મતગણતરી દિલ્હીમાં તત્કાલીન વિદેશ પ્રધાન સ્વર્ણસિંહની ઑફિસમાં! ચીમનભાઈ કાંતિલાલ ઘિયા સામે સાત મતે પણ જીત્યા ખરા. એ જ વખતે ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને પાઠ ભણાવવાની ગાંઠ વાળી લીધી. ચીમનભાઈની સરકાર બની એટલે તેમણે ગુજરાતને મળતો ઘઉંના પૂરવઠામાં કાપ મૂક્યો. એક લાખ પચાસ હજાર ટનમાંથી માત્ર પંચાવન હજાર ટન ઘઉં જ ગુજરાતને મળવા લાગ્યા! પરિણામ એ આવ્યું કે ચીમનભાઈએ છાત્રાલયને અપાતી સબસિડી બંધ કરી દીધી. ભોજનની થાળી પાંચ ગણી મોંઘી થઈ ગઈ! આમાંથી જન્મ્યું નવનિર્માણ આંદોલન. આંદોલન પાછળ શરૂઆતમાં ઇન્દિરા ગાંધીનો જ દોરીસંચાર હતો તે એ વાત પરથી પ્રતિપાદિત થાય છે કે આંદોલનના ઘણા નેતા બાદમાં કૉંગ્રેસમાં જોડાયા હતા.

પરિણામે ચીમનભાઈ પટેલને રાજીનામું આપવું પડ્યું. જેમ અરવિંદ કેજરીવાલના રાજીનામા પછી દિલ્હી વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં એક વર્ષ સુધી રાખવામાં આવી તેમ ગુજરાતની વિધાનસભા પણ ભંગ ન કરાઈ. જોકે, મોરારજી દેસાઈ ઉપવાસ પર બેસતાં અંતે ઇન્દિરા ગાંધીને વિધાનસભા ભંગ કરવી પડી હતી.

આમ, સત્તા એક એવો નશો છે જેમાં કઠપૂતળી તરીકે બેસાડેલા લોકો પોતાના બોસને વફાદાર રહેતા નથી. રામાયણમાં ભરત જેવા અપવાદો ઓછા છે જે રામ પરત આવે એટલે તેમને ગાદી સોંપી દે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિની વિશેષ કૉલમમાં તા.૧૧/૨/૧૫ના રોજ આ લેખ છપાયો.)

film, politics, sikka nee beejee baaju, society

…ફિર જુદા હો ગયે, દેખો ફિર મિલ ગયેં!

સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રોકી’નું એક ગીત છે : હમ તુમ સે મિલે, ફિર જુદા હો ગયેં, દેખો ફિર મિલ ગયેં, અબ હોંગે જુદા…આ ગીત ઘણા મોટાં માથાંઓને લાગુ પડે છે. શાહરુખ-સલમાન-આમિર ખાન, અમિતાભ બચ્ચન-શત્રુઘ્નસિંહા ને જુઓ કે ભાજપ-શિવસેના, મુલાયમ-લાલુપ્રસાદ હોય કે કૉંગ્રેસ-અરવિંદ કેજરીવાલ. ચૂંટણી સમયે અથવા તો સમયના કોઈ તબક્કે આ લોકો અથવા આ પક્ષો અલગ-અલગ હોય છે, પણ પછી તેઓ એક થઈ જાય છે. ગયા જ રવિવારે આવું ‘વીરલ’ દૃશ્ય જોવા મળ્યું. એનો અણસાર તો જોકે અર્પિતાનાં લગ્ન વખતે જ આવી ગયો હતો…

‘આપ કી અદાલત’વાળા રજત શર્માના એક કાર્યક્રમમાં સ્ટેજ પર સલમાન-શાહરુખ-આમિર ખાન સ્ટેજ પર એક સાથે આવ્યા. લાંબા સમય પછી ત્રણેય સુપરસ્ટાર ખાનનું આવું જાહેર મિલન થયું. તેઓ એક થાય તે સારી જ વાત હોઈ શકે. પરંતુ તેમના ચાહકો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ ઊભી થઈ ગઈ તેનું શું? સલમાન અને શાહરુખ વચ્ચે ઝઘડો થાય એટલે સલમાનના ચાહકો કદાચ શાહરુખને પણ પસંદ કરતાં હોય તેવું બને, પરંતુ ઝઘડા બાદ તેમના મનમાંથી શાહરુખ ઉતરી જાય તેવું બનવાની ૧૦૦ ટકા શક્યતા છે. કટ્ટર ચાહકો તો પછી શાહરુખની ફિલ્મ જોવાનું કે તેનો કોઈ કાર્યક્રમ હોય તો તે જોવાનું પણ બંધ કરી દે. હવે જ્યારે એ જ સલમાન અને શાહરુખ હાથ મિલાવી લે ત્યારે આ કલાકારો તો ફરી પાછા હતા એવા ને એવા થઈ જવાના, પરંતુ ચાહકોના મનમાં જે મજબૂત દીવાલ રચાઈ ગઈ તે કેમ કરીને તૂટે?

અમિતાભ અને શત્રુઘ્નસિંહાની વચ્ચે પણ આવી જ અભેદ્ય દીવાલ રચાઈ ગઈ હતી. બંને એકબીજાના હરીફ હતા, પણ અમિતાભનો જ્યારે સંઘર્ષ કાળ હતો ત્યારે શત્રુઘ્ન,અમિતાભ, અને મહેમૂદના નાના ભાઈ અનવર અલીની સારી દોસ્તી હતી. ત્રણેય જણા ડિસ્કોથેકમાં સાથે જતા. એ વખતે શત્રુ પ્રસ્થાપિત અભિનેતા હતા. અમિતાભના અતિ આગ્રહથી શત્રુએ મહેમૂદની ‘બોમ્બે ટૂ ગોવા’ સ્વીકારી. પરંતુ શત્રુના કહેવા પ્રમાણે, ધીમે ધીમે અમિતાભ સફળ થતા ગયા અને તેમને શત્રુ તેમની સાથે કામ કરે તે પસંદ નહોતું. એટલે ‘નસીબ’, ‘શાન’ વગેરે ફિલ્મોમાં શત્રુ કામ કરે તેવી ઈચ્છા અમિતાભની નહોતી. તેમની છેલ્લી ફિલ્મ સાથે હતી ‘કાલા પત્થર’. તે પછી તેમની વચ્ચે ‘દોસ્તાના’ તૂટી ગયો. શત્રુ ‘ફિલ્મફેર’ મેગેઝિનમાં સવાલોના રમૂજી ને વન લાઇનર જેવા જવાબો આપતા. તેમાં અમિતાભની ઠેકડી ઉડાડવાની તક જતી નહોતા કરતા. થોડા વખત પહેલાં બંને વચ્ચે ફરી જૂનો સેતુ સંધાયો. પરંતુ અભિષેકના લગ્નમાં મહેમાનોની યાદીમાંથી અમિતાભે શત્રુને કાપી નાખ્યા. શત્રુએ તેનો તો વિરોધ વ્યક્ત કર્યો જ, પણ સાથે આઈફા એવોર્ડમાં ‘ગુરુ’નું નામાંકન થયું તેનો પણ કટાક્ષ કર્યો કે ‘સબ કિસી કા બેટા હૈ, યા કિસી કી બહુ, યા કિસી કી બીવી’, જેની ચોખવટ અમિતાભે પોતાના બ્લોગ પર કરવી પડી. જોકે બહુ તાજેતરમાં શત્રુઘ્ન સિંહા ‘આપ કી અદાલત’માં આવ્યા ત્યારે તેમણે જૂની કડવાશ ભૂલી જઈ કહ્યું કે ક્યાંક એનો વાંક હશે, ક્યાંક મારો, હવે અમે બંને મિત્રો છીએ. એક ઇન્ટરવ્યૂમાં તો શત્રુએ અમિતાભને ભારતના રાષ્ટ્રપતિ જેવી ગરીમાવાળા કહી દીધા! હવે તેમના પોતપોતાના ચાહકો, જેમણે પોતાના દેવતા સમાન અભિનેતા માટે બીજા અભિનેતાને તડકે મૂકી દીધા હોય તેમણે શું કરવાનું?

અભિનેતાઓ કરતાંય ખતરનાક ચાહના પક્ષો પ્રત્યે હોય છે. ઘણાના મનમાં એક છાપ બેસી જાય તે આજીવન કાયમ રહે છે અને તેઓ એક જ પક્ષને મત આપતા રહે છે. તેના માટે પાનના ગલ્લે, ટીવીમાં ચર્ચા ચાલતી હોય તે દરમિયાન કે સાઇબર સ્પેસ પર જંગ ખેલાતો હોય તેમ તેઓ ઉગ્રતાપૂર્વક પોતાના માનીતા પક્ષ માટે ઉગ્ર ટીપ્પણીઓ કરતા હોય છે. (વેબસાઇટ પર ક્યારેક કોઈ લેખ કે સમાચારની નીચે મૂકાયેલી ટીપ્પણીઓ જોવી.) ઘણી વાર તો વાત મારામારી સુધી પહોંચી જાય છે. હવે આ પક્ષો જ્યારે તેનું વલણ ૧૮૦ ડિગ્રી ફેરવી નાખે અથવા ચૂંટણીમાં જેની સામે અનહદ આક્ષેપો કર્યા હોય તેની જ સાથે ચૂંટણી પછી ઘર માંડી દે તો ચાહકોના મનમાં કેટલો તીવ્રતમ આઘાત લાગે તે કલ્પના કરી છે?

ભાજપ હંમેશાં હિન્દુવાદી વાતો કરતો આવ્યો છે પરંતુ સત્તામાં આવ્યા પછી તે સેક્યુલર બની જાય છે. નરેન્દ્ર મોદી તો એમાં પાછા હિન્દુ હૃદય સમ્રાટ. ચૂંટણી પહેલાં સુધી તેમણે મુસ્લિમ ટોપી પહેરવાનો ઇનકાર કરી દીધો. રમખાણો માટે કદી માફી ન માગી. તેમના ચાહકોને થયું કે આ સાચો ભાયડો. ચૂંટણી જીતવા આવા કોઈ સેક્યુલર ગિમિક કરતો નથી તો ચૂંટણી પછી પણ નહીં કરે. પરંતુ તાજેતરમાં કાશ્મીરમાં એક રેલી દરમિયાન તેમણે ‘અલ્લાહતાલા’ શબ્દ વાપરી દીધો, તો બીજી બાજુ મોદી જેવી જ છબિ ધરાવતા અમિત શાહે પ. બંગાળમાં એક રેલી દરમિયાન મુસ્લિમોની અઝાન (પ્રાર્થના) વખતે તેમણે પોતાનું ભાષણ અટકાવી દીધું! ખલ્લાસ! જે ભાજપી સમર્થકો વારાણસીમાં અઝાન વખતે પોતાનું ભાષણ અટકાવી દેનાર અરવિંદ કેજરીવાલને સેક્યુલર કહીને લબડધક્કે લેતા હતા તેમનાં મોઢાં સિવાઈ ગયાં. તેઓ તમતમી ઉઠ્યા. મોદી સરકાર આધારકાર્ડ કે અન્ય બાબતે યૂ ટર્ન મારે તે ચાલે, પણ આવા યૂ ટર્ન કેવી રીતે સાંખી લે?

આવું જ કેજરીવાલ બાબતે થયું હતું. અરવિંદ કેજરીવાલનું સમગ્ર આંદોલન મૂળ તો કૉંગ્રેસના ભ્રષ્ટાચાર સામે હતું. આંદોલન દરમિયાન જોખી જોખીને કૉંગ્રેસને ગાળો દીધેલી. એટલે એક સમયે (જ્યારે નરેન્દ્ર મોદી ભાજપના મુખ્ય નેતા નહોતા બન્યા) સુપ્ત જેવી અવસ્થામાં રહેલા ભાજપના વિકલ્પે લોકો કેજરીવાલના ‘આપ’ને સ્વીકારતા થઈ ગયા હતા અને એટલે દિલ્હીમાં ‘આપ’ને ૨૮ બેઠકો આપી દીધી. પણ કેજરીવાલે એક યા બીજી રીતે (ભલે એમ કહે કે પોતાની શરતે) કૉંગ્રેસનું સમર્થન લીધું ને એ જ બાબતના કારણે કેજરીવાલ લોકોની નજરમાંથી ઉતરી ગયા. (લોકસભા ચૂંટણી પૂરતું તો એમ કહી શકાય, હવે જે કંઈ થાય તે).

એક સમયે કેજરીવાલની જેમ જ કૉંગ્રેસના વિકલ્પ તરીકે જનતા દળ ઊભરી આવ્યો હતો પરંતુ સત્તાકાંક્ષી નેતાઓએ આ પક્ષથી જુદા પડી પોતપોતાના અલગ-અલગ ચોકા રચ્યા. મુલાયમના પક્ષ સપાએ ઉત્તર પ્રદેશમાં સરકાર રચી તો લાલુપ્રસાદ યાદવના પક્ષ રાજદએ બિહારમાં. બંનેની દુશ્મનાવટ હમણાં સુધી બરાબર ચાલી હતી. લોકસભા ચૂંટણી પહેલાં મુઝફ્ફરનગરના રમખાણપીડિતોને લાલુ મળવા ગયા ત્યારે મુલાયમના પેટમાં દુખ્યું હતું અને તેમને કૉંગ્રેસના ચમચા કહી દીધા હતા, તો લાલુએ મુલાયમ પર પ્રહારો કર્યા હતા કે એ રમખાણપીડિતોની મદદ કરવાના બદલે સૈફઇ (એ નામના ગામ)માં મુલાયમ મનોરંજનના કાર્યક્રમો યોજે છે. એ જ મુલાયમ અને લાલુ હવે વેવાઈ બની ગયા છે! એટલું જ નહીં, તેઓ હવે તેમના પક્ષો વિલીન કરીને એક પક્ષ રચી, નરેન્દ્ર મોદીના અશ્વમેઘી ઘોડાને કાબૂમાં કરવા યોજના બનાવી રહ્યા છે. તેમની આ યોજનામાં નીતીશકુમાર પણ છે, જેમનો પક્ષ જનતા દળ (યૂ) લાલુપ્રસાદના જંગલરાજનો જબરદસ્ત વિરોધ કરીને સત્તામાં આવ્યો છે!

…તો મહારાષ્ટ્રમાં તો સાવ નજીકનો દાખલો છે… ભાજપ-શિવસેનાનો. બંને હિન્દુવાદી પક્ષો. બંને જૂના સાથીઓ. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં બેઠકો બાબતે સમજૂતી ન થઈ. ચૂંટણીમાં બંનેએ એકબીજા સામે ભારોભાર ઝેર ઓક્યું. શિવસેનાએ કહ્યું : મોદીના પિતાશ્રી આવ્યા હોત તો પણ લોકસભામાં મહારાષ્ટ્રમાં અમારા સમર્થન વગર જીતી શક્યા ન હોત. તેણે ભાજપને અફઝલખાનની સેના સાથે સરખાવ્યો, તો ભાજપે શિવસેનાને હપ્તા વસૂલ કરનાર પક્ષ ગણાવ્યો. આજે બંને સરકારમાં સાથે-સાથે છે! ચૂંટણી વખતે એમના સમર્થકોમાં કેવા તડાં પડી ગયેલાં! ભાજપના સમર્થકો શિવસેનાની અને શિવસેનાના સમર્થકો ભાજપની નિંદા કરતા. હવે તેના મનમાં શું વિતતી હશે?

સૌથી વધુ તો પીડા માતાપિતાના ઝઘડાઓના લીધે તેમનાં સંતાનોમાં થતી હોય છે. ઘણી વાર માતાના લીધે પિતા પ્રત્યે, તો ઘણી વાર પિતાના લીધે માતા પ્રત્યે સંતાનોના મનમાં ગ્રંથિ બંધાઈ જાય છે. માતાપિતા તો પછી બધું ભૂલીને પાછા એક થઈ જતા હોય છે, પણ સંતાનોના મનમાં જે ગ્રંથિ બંધાઈ તે આજીવન એમની એમ જ રહે છે.

(‘મુંબઈ સમાચાર’ દૈનિકની રવિ પૂર્તિ ‘ઉત્સવ’ની ‘સિક્કાની બીજી બાજુ’ કોલમમાં તા.૧૪/૧૨/૧૪ના રોજ લેખ છપાયો)