national, politics, sanjog news, vichar valonun

ફણી તથા કેન્દ્ર- રાજ્યો વચ્ચેના સંબંધો

સબ હેડિંગ: આ વાવાઝોડું છેલ્લાં ૪૩ વર્ષમાં ઉનાળામાં આવેલું સૌથી વિનાશક વાવાઝોડું હતું. ૪૫ હજારથી વધુ સ્વયંસેવકો, ૨,૦૦૦ આપાતકાલીન કાર્યકરો, એક લાખ સરકારી અધિકારીઓ, યૂથ ક્લબો અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ઍક્શન ફૉર્સ (ઓડીઆરએફ), પંચાયતી રાજની સંસ્થાઓ વગેરેએ મળીને માત્ર ૨૪ કલાકમાં જ દસ લાખથી વધુ લોકોને તેમનાં ઘરોમાંથી કાઢ્યાં

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૨-૦૫-૧૯)

કુદરતી ઘટનાઓ ચૂંટણીનો સમય જોઈને નથી આવતી! સાપની ફેણ પરથી જેનું નામ બાંગ્લાદેશે પાડ્યું તે વાવાઝોડા ‘ફણી’એ બરાબર ચૂંટણી સમય જ પસંદ કર્યો. સારું છે કે વિપક્ષોની બુદ્ધિ હજુ બરાબર સાબૂત છે, નહીંતર આક્ષેપ કરત કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ બિનભાજપી રાજ્યોમાં આ વાવાઝોડું લાવ્યું.

આ વાવાઝોડાએ બે સારી વાત ઉજાગર કરી અને એક અત્યંત નિમ્ન કક્ષાનું રાજકારણ દેખાડ્યું. બે સારી વાત પૈકી એક સારી વાત એ કે ભારતે આપત્તિ પ્રબંધન એટલું સારું કર્યું કે સંયુક્ત રાષ્ટ્રોએ તેની પ્રશંસા કરી. આપણે ત્યાં મિડિયામાં સંયુક્ત રાષ્ટ્રો, અમેરિકા કે અંગ્રેજોના પ્રભુત્વવાળા કોઈ પણ દેશની સાવ ફાલતુ કક્ષાની સમિતિ પણ જો ભારતની કોઈ બાબતે ટીકા કરે તો અખબારોમાં તેનું સ્થાન પહેલું પાનું અને ટીવીમાં પ્રાઇમ ટાઇમ બને છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રો કે અમેરિકા ભારતની સરકારની સારી વાતની પ્રશંસા કરે તો તેને અંદરના પાને કે નોન સ્ટોપ ન્યૂઝમાં સ્થાન આપી દેવાય છે.

અત્યાર સુધી કોઈ પણ સરકારમાં આવું બનવાના કારણે ભારત અને સરકાર પ્રત્યે સામાન્ય નાગરિકની માનસિકતા નકારાત્મક બની ગઈ છે. ભારતમાં કશું સારું થતું જ નથી તેવું ચિત્ર મિડિયાના આ વલણના કારણે બને છે.

ઠીક છે. આપણે ફરી વાવાઝોડાની વાત પર પાછા ફરીએ. સંયુક્ત રાષ્ટ્રો અને બીજા નિષ્ણાતોએ ભારતની વહેલાસર ચેતવણી આપવાની પ્રણાલિની અને દસ લાખથી વધુ લોકોને તેમનાં ઘર ખાલી કરાવવા માટે પ્રશંસા કરી. તેના લીધે પૂર્વીય કાંઠે આવેલા આ વાવાઝોડાથી જાનહાનિ લઘુતમ થઈ.

અત્યાર સુધી શું સમાચાર આપણે જોતા હતા?

એ જ કે ફલાણા વાવાઝોડાની જાણ હતી તો પણ સરકારે પગલાં ન લીધાં અને આટલા લોકો માર્યા ગયા. કોના પાપે? આવું આવું કહીને સરકાર પર માછલાં ધોવાતાં અને આવું ક્યારે થતું? ચૂંટણી ન હોય તેવા સમયે. હવામાન ખાતું પણ સારું એવું બદનામ થતું. તેનાં કાર્ટૂનો બનતાં જેમ કે કાર્ટૂનમાં અખબારમાં લખ્યું હોય, “આજે વરસાદ પડવાની સંભાવના નથી.” અને પત્ની પતિને કહી રહી હોય કે “છત્રી લઈને જાવ. આજે ચોક્કસ વરસાદ આવશે જ, કારણકે હવામાન ખાતાને તેની ના પાડી છે.”

પરંતુ આ વાવાઝોડા સમયે ચૂંટણી ધમધોકાર ચાલી રહી હતી એવા સમયે જ ૩ મેએ વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડું છેલ્લાં ૪૩ વર્ષમાં ઉનાળામાં આવેલું સૌથી વિનાશક વાવાઝોડું હતું. ૪૫ હજારથી વધુ સ્વયંસેવકો, ૨,૦૦૦ આપાતકાલીન કાર્યકરો, એક લાખ સરકારી અધિકારીઓ, યૂથ ક્લબો અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ઍક્શન ફૉર્સ (ઓડીઆરએફ), પંચાયતી રાજની સંસ્થાઓ વગેરેએ મળીને માત્ર ૨૪ કલાકમાં જ દસ લાખથી વધુ લોકોને તેમનાં ઘરોમાંથી કાઢ્યાં. આ આપત્તિને પહોંચી વળવા ૭,૦૦૦ રસોડાં અને ૯,૦૦૦ આશ્રયગૃહો ઊભાં કરાયાં હતાં. ૧૯૯૯માં આવેલા વાવાઝોડામાં દસ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે આ વખતે આ આંકડો અંદાજે ૩૮ આસપાસ રાખી શકાયો! ક્યાં દસ હજાર અને ક્યાં ૩૮!

બીજી વાત એ સારી જોવા મળી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય હુંસાતુંસી બાજુમાં મૂકીને નવીનબાબુની પ્રશંસા કરી. વડા પ્રધાન પોતે ચૂંટણી પ્રચારમાંથી સમય કાઢીને ઓડિશાને થયેલું નુકસાન જોવા ગયા ત્યારે તેમણે તેમણે આપત્તિ પ્રબંધનમાં સંકળાયેલી રાજ્ય સરકાર, અધિકારીઓ, કર્મચારીઓ, અને લોકોના વિસ્થાપનમાં લાગેલા સહુ કોઈની પ્રશંસા કરી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારું સંકલન રહ્યું તેમ પણ તેમણે કહ્યું. ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની ચૂંટણી પણ લોકસભા સાથે જ હતી. સદનસીબે તેનું મતદાન ૨૯ એપ્રિલે સંપન્ન થઈ ગયું હતું. પરંતુ આમ છતાં પ્રચારમાં કડવાશ અને ખટાશ તે પછી પણ રહી જતી હોય છે. કેટલાકે આમાંથી એવો દૃષ્ટિકોણ કાઢ્યો કે એ તો ૨૩ મે પછી નવીનબાબુના ટેકાની જરૂર વડા પ્રધાનને પડવાની છે એટલે સંબંધ આગોતરા સારા કર્યા.

ખરાબ વાત એ બની કે આ વાવાઝોડાની આપત્તિ વખતે પણ મમતા બેનર્જી વડા પ્રધાન મોદી પ્રત્યેની કડવાશ ભૂલી શક્યાં નહીં. ચૂંટણીના એક પછી એક તબક્કા જેમ જતા જાય છે તેમ મમતાદીદી વધુ ને વધુ આકરાં થતાં જોવાં મળ્યાં. છેલ્લે તો તેમણે (૭ મેએ) “મને મોદીને લોકશાહીની થપ્પડ મારવાનું મન થાય છે” તેમ કહી દીધું, પરંતુ તે પહેલાં આ વાવાઝોડા વખતે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થનારી બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો. એક તરફ મોદી અક્ષયકુમાર સાથેના ઇન્ટરવ્યૂમાં એમ કહે છે કે મમતાદીદી તો તેમને કુર્તા અને બંગાળી મીઠાઈ પણ મોકલાવે છે પરંતુ ચૂંટણી પ્રચારમાં પોતાને મોદી વિરોધી દેખાડવા કુદરતી આફત અંગેની બેઠકમાં તેઓ ન ગયાં. તેમણે કહ્યું, “હું તેમને દેશના વડા પ્રધાન નથી માનતી તેથી હું બેઠકમાં જોડાઈ નહીં. હું તેમની સાથે એક મંચ પર જોવા માગતી નથી અને હવે આના પર હું આગામી વડા પ્રધાન સાથે જ વાત કરીશ. અમે વાવાઝોડાનો સામનો કરવા પોતે જ સક્ષમ છીએ. અમારે કેન્દ્ર સરકારની મદદની જરૂર નથી.”

કદાચ મમતાને બીક હશે કે વડા પ્રધાન મોદી આ મદદનો રાજકીય લાભ ઉઠાવી લેશે તો? પરંતુ તેઓ જો તેમ કરવા જાય તો તેઓ જ ભોંઠા પડવાના હતા તે મમતાદીદીએ વિચાર્યું નહીં. અને બીજું કે તેઓ મોદીને દેશના વડા પ્રધાન જ નથી માનતાં તે જાહેરમાં કહેવું કેટલું યોગ્ય? વિચારો કે, ન કરે નારાયણ ને આવાં મમતા બેનર્જી આવતીકાલે વડાં પ્રધાન થાય અને તેમને અન્ય રાજ્યોના મુખ્યપ્રધાન વડાં પ્રધાન માનવા ઈનકાર કરી પોતાની રીતે જ રાજ્યનો વહીવટ ચલાવે તો? આ રીતે તો તો સમવાયતંત્ર (ફેડરલિઝમ) તૂટી પડે. કેન્દ્રમાં સત્તામાં હોય તે પક્ષથી વિરુદ્ધ પક્ષના શાસક મુખ્યપ્રધાનો પોતાની રીતે રાજ્ય ચલાવવા જાય તો દેશ ભાંગી પડે. મોદી પણ મુખ્યપ્રધાન હતા ત્યારે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા જતા હતા અને પોતાની વાત રજૂ કરતા હતા.

પોતાના રાજ્યમાં સીબીઆઈના અધિકારીઓને ન આવવા દેવા, આવે તો તેમની કોઈ ગલીના ગુંડાઓની જેમ ઘસડીને ધરપકડ કરવી, વિરોધી પક્ષના નેતાઓને ચૂંટણી પ્રચારમાં હેલિકૉપ્ટર ઉતરવા મંજૂરી ન આપવી, રથયાત્રા કાઢવા માટે મંજૂરી ન આપવી, ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારોને ફૉર્મ ભરવા પક્ષના ગુંડા જેવા કાર્યકર્તાઓ દ્વારા હુમલા કરાવવા…શું આ બધું લોકશાહીને શોભે? પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતમાં ૨૩ એપ્રિલે મતદાનના દિવસે જૂનાગઢના કેટલાક બદમાશો (જેમના રાજકીય ગોત્રની ખબર નથી) દ્વારા મતદાનને રોકવાનો વિડિયો વાઇરલ થયો એટલે મિડિયા પર શોરબકોર ચાલુ થઈ ગયો જ્યારે પશ્ચિમ બંગાળમાં તો લગભગ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જ પડી ભાંગી છે. મતદાનના દરેક તબક્કામાં, માત્ર ભાજપ જ નહીં, ડાબેરી, કોંગ્રેસ વગેરે પક્ષના નેતાઓ-કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. બુથ કેપ્ચર કરવાના પ્રયાસો થયા છે. પરંતુ સેક્યુલર-લિબરલ મિડિયા મૌન તમાશો જુએ છે.

 ઠીક છે. પરંતુ વાવાઝોડા ઉપરાંત બીજી એક બાબતે પણ ભારતે ખુશ થવા જેવું છે અને તે એ કે સંયુક્ત રાષ્ટ્રોએ ત્રાસવાદ વિરોધી કામમાં ભારતના ચાલુ રહેલા સમર્થનની પ્રશંસા કરી છે. ત્રાસવાદનો સૌથી વધુ ભોગ જો કોઈ બન્યું હોય તો તે ભારત અને નાઈજીરિયા જેવા દેશો છે. એટલે ભારત ત્રાસવાદ વિરોધી કામમાં સંપૂર્ણ રીતે સહાય આપે જ, તેમાં કોઈ નવાઈ નથી, પરંતુ આ સમાચારનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે તાજેતરમાં મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં સફળતા ભારતે મેળવી (જેને પણ લિબરલ-સેક્યુલર મિડિયાએ ડાઉનપ્લે કર્યું) અને શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદની આવડી મોટી ઘટના બની જેમાં ૨૦૦ કરતાં વધુ મૌલવીઓને દેશમાંથી હાંકી કઢાયા તે પછી આ ત્રીજા મોટા સમાચાર છે. સંયુક્ત રાષ્ટ્રોએ ભારતની પ્રશંસા કરી તે ઘટનાને પણ આ સેક્યુલર-લિબરલ મિડિયા દ્વારા ડાઉનપ્લે કરાયું.

કહેવાનો અર્થ એ છે કે ભારતમાં ટૅક્નૉલૉજી અને સાચી દિશામાં કામ કરવાની પદ્ધતિ વિકસે, કેન્દ્ર-રાજ્ય સંયુક્ત રીતે મળીને કામ કરે તો ચોક્કસ ફણીને ઉગારી શકાય છે, વળી, ગુપ્તચર તંત્રની સૂચના માનવામાં આવે તો કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં ત્રાસવાદી ઘટનાઓ બનતી રોકીને નાગરિકોની જાનહાનિ ટાળી શકાય છે.

Advertisements
abhiyaan, national, politics

મહાભિયોગની દરખાસ્ત: ન્યાયતંત્ર સામે અવિશ્વાસ જગાવવાની ચાલ?

(અભિયાન,તા. ૦૫/૦૫/૧૮નો અંક)
પહેલી વાર આ દેશના કોઈ મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની દરખાસ્ત રજૂ કરવાનું રાજકીય પક્ષોએ વિચાર્યું હશે. વિપક્ષોની પાસે તેમનાં કારણો છે. વિપક્ષોનું કહેવું છે કે તેમની વર્તણૂક ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના પદને શોભાવતી વ્યક્તિ જેવી નથી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે આ દરખાસ્ત પાછળ વિપક્ષોનો હેતુ સમજાવતા કહેલું કે તેમની પાસે આ દરખાસ્ત માટેનાં પાંચ કારણો છે.
૧. ઓડિશામાં પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એ ૪૬ સંસ્થાઓ પૈકીની એક હતી જેને કેન્દ્ર સરકારે બે શૈક્ષણિક વર્ષ માટે મેડિકલ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પ્રતિબંધિત જાહેર કરી હતી. તેનું કારણ મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાનો રિપૉર્ટ હતો. આ અહેવાલ મુજબ, તેમની ઉતરતી કક્ષાની આંતરમાળખાકીય સુવિધાઓ હતી અને નક્કી થયેલાં ધારાધોરણો પૂરાં ન કરવા તે હતું. આ કેસમાં ઑડિશા ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ આઈ. એમ. કુદુસ્સી, વચેટિયા વિશ્વનાથ અગરવાલ, અને પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટના બી. પી. યાદવ વચ્ચેની કથિત વાતચીતની બહાર આવેલી ટેપ મુજબ, વરિષ્ઠ ન્યાયાધીશોને લાંચ આપવાનો કૉલેજના અધિકારીઓનો ઈરાદો હતો. કૉંગ્રેસનો આક્ષેપ છે કે પહેલી નજરે એવું લાગે છે કે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર આ કેસમાં કદાચ સંડોવાયેલા હોઈ શકે.
૨. પ્રસાદ એજ્યુકેશનલ ટ્રસ્ટના કેસના દરેક કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી બૅન્ચે ચુકાદા આપ્યા છે. તેથી તેઓ પણ તપાસના પરીઘમાં આવી શકે તેવી બાબતમાં તપાસ માગતી રિટ પિટિશન પર પણ મિશ્રએ વહીવટી અને ન્યાયિક બંને રીતે કામ કર્યું છે. આ રીતે તેમણે ન્યાયાધીશોની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
૩. મુખ્ય ન્યાયમૂર્તિએ ૬ નવેમ્બર ૨૦૧૭ની તારીખનો વહીવટી આદેશની તારીખ અગાઉની નાખી હતી જે ગંભીર છેતરપિંડી અને બનાવટનું કૃત્ય બને છે.
૪. દીપક મિશ્રએ તેઓ જ્યારે વકીલ હતા ત્યારે જમીન મેળવી હતી. તે માટે તેમણે જે સોગંદનામું કર્યું તે ખોટું હોવાનું સાબિત થયું હતું. એડીએમે ૧૯૮૫માં આ જમીન ફાળવણીને રદ્દ કરી હતી. તેમણે જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયમાં પ્રમૉશન મેળવ્યું તે પછી ૨૦૧૨માં કથિત જમીન પાછી આપી દીધી હતી.
૫. મિશ્રએ રાજકીય રીતે સંવેદનશીલ કેસોમાં પૂર્વ નિર્ધારિત પરિણામ મેળવવા માટે ચોક્કસ વકીલોના કેસો પસંદગીના ન્યાયાધીશોને આપવા માટે પોતાની માસ્ટર રૉસ્ટર તરીકેની વહીવટી સત્તાનો દુરુપયોગ કર્યો છે.
આ મહાભિયોગની નૉટિસ આપનાર પક્ષોમાં કૉંગ્રેસ ઉપરાંત સમાજવાદી પક્ષ (સપ), બહુજન સમાજ પક્ષ (બસપ), રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી), સીપીએમ, સીપીઆઈ અને મુસ્લિમ લીગનો સમાવેશ થાય છે. તૃણમૂલ, શિવસેના, ડીએમકે, બીજદ, અન્નાદ્રમુક, સહિતના ભાજપના કટ્ટર વિરોધી પક્ષો પણ આ દરખાસ્તમાં જોડાયા નથી તે પણ નોંધપાત્ર છે.
આ મહાભિયોગની દરખાસ્તને તો ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ફગાવી દીધી એટલે હવે વિપક્ષો માટે ન્યાયાલયમાં જવાનો માર્ગ રહ્યો છે. આ દરખાસ્ત માટે જે પક્ષો આગળ આવ્યા છે તેમાં સ્પષ્ટ છે કે બધા કૉંગ્રેસના બગલબચ્ચાં જેવા પક્ષો છે અને મૂળ તો ડાબેરી તેમજ મુસ્લિમ લીગ જેવા કટ્ટરવાદી પક્ષ છે.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કૉંગ્રેસ અને તેના બગલબચ્ચાં જેવા સાથી વિપક્ષો શા માટે દીપક મિશ્ર સામે આટલા ઉકળી ઊઠ્યા છે? મિશ્ર તો બે ઑક્ટોબર ૨૦૧૮ના રોજ નિવૃત્ત થવાના છે. તો પછી આટલી ઉતાવળ શા માટે કે તેઓ તેમના પદ પરથી હટી જાય?
આને કૉંગ્રેસ અને ડાબેરીઓની મિલી ભગત તરીકે જોવાય છે. આ ન્યાયતંત્રમાં અવિશ્વાસ પેદા કરવાની ચાલ છે. સંસદ પર અવિશ્વાસ, સેના પર અવિશ્વાસ, પોલીસ પર અવિશ્વાસ અને હવે ન્યાયતંત્રમાં અવિશ્વાસ. અત્યાર સુધી ન્યાયતંત્રના ચુકાદાઓ ગમે કે ન ગમે, બધાએ સ્વીકાર્યા જ છે. પરંતુ તાજેતરમાં એક નવી ચાલ જોવા મળી છે.
ન્યાયાધીશ બ્રિજગોપાલ હરિકિશન લોયાના મૃત્યુના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે જાહેર હિતની અરજી ફગાવી દીધી તે પછી જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે આ ચુકાદાના દિવસને કાળો દિવસ ગણાવ્યો! આ એ જ પ્રશાંત ભૂષણ છે જે કાશ્મીરમાં લોકમત લેવાની વાત કરે છે, જે એક ત્રાસવાદી યાકૂબ મેમણ જેની સામે પદ્ધતિસર કેસ ચાલ્યો, સર્વોચ્ચ ન્યાયાલયમાં ચુકાદો આવ્યો, તે પછી તેના પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી તો પણ અડધી રાત્રે સર્વોચ્ચ ન્યાયાલય ખોલાવી તેની ફાંસી અટકાવવા માટે પ્રયાસો કર્યા. ૧૦ એપ્રિલ ૨૦૧૬ના રોજ આ પ્રશાંત ભૂષણે ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરના ન્યાયાધીશોને મૂર્ખ અને ભ્રષ્ટ ગણાવ્યા હતા! આ પ્રશાંત ભૂષણે નક્સલી વિસ્તારોમાં સેનાની હાજરી અંગે પણ જનમત લેવાની વાત કરી હતી. આ માટે પ્રશાંત ભૂષણને તેમની ઑફિસમાં જ ત્રણ જણાએ તમાચા માર્યા હતા, તો પણ તેઓ સુધરવાનું નામ લેતા નથી.
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે ૨૦૦૨ના નરોડા પાટિયા હત્યાકાંડમાં પૂર્વ પ્રધાન માયાબહેન કોડનાનીને નિર્દોષ જાહેર કર્યા તેની પણ કૉંગ્રેસે ટીકા કરી હતી. દરેક ચુકાદામાં ઉપરના ન્યાયાલયમાં જવાની છૂટ હોય જ છે. અરે! સર્વોચ્ચમાં ચુકાદો આવી જાય તો પણ તેની રિવ્યૂ પિટિશન, લાર્જર બૅંચ દ્વારા ચુકાદા માટે અરજી વગેરે કરી શકાતું હોય છે. પરંતુ ચુકાદાની આ હદ સુધીની ટીકા આ પહેલાં ક્યારેય થયાનું યાદ નથી આવતું.
અત્યારના મહાભિયોગના મુદ્દા પર પાછા ફરીએ. દરખાસ્તમાં ઉઠાવેલા મુદ્દા અંગે સુપ્રીમે પોતે ગત નવેમ્બર ૨૦૧૭માં ઠરાવ્યું હતું કે બૅન્ચોને કેસ સોંપવાના મુખ્ય ન્યાયમૂર્તિના વહીવટી કાર્યમાં કોઈ હિતનો ટકરાવ નથી થતો. વળી, દીપક મિશ્રએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે ચુકાદા આપ્યા છે તેને ટાંકીને એમ કહેવાય છે કે વિપક્ષોનો તેમનો વિરોધ પોતાની મત બૅંકને સાચવવા માટે છે. મુખ્ય ન્યાયમૂર્તિએ સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવાનું ફરજિયાત બનાવતો ચુકાદો આપેલો, યાકૂબ મેમણને ફાંસીની સજાવાળો ચુકાદો પણ તેમણે જ આપેલો, દિલ્લીની પેરા મેડિકલ વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારના ૨૦૧૨ના કેસનો કડક ચુકાદો પણ તેમણે જ આપેલો, ૨૦૦૮માં એક નાની બાળકીને ચૉકલેટ આપીને તેના પર બળાત્કાર કરનારને ફાંસીની સજા પણ તેમણે જ સંભળાવેલી.
હવે રામમંદિર કેસની સુનાવણી રોજબરોજ કરવાનું કૉર્ટે નક્કી કર્યું છે. પરંતુ કૉંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબલે આ કેસની સુનાવણી ૧૫ જુલાઈ ૨૦૧૯ સુધી મોકૂફ રાખવાની અપીલ કરી હતી. આ કેસની સુનાવણી દીપક મિશ્રની અધ્યક્ષતામાં થઈ રહી છે. કૉંગ્રેસને ડર હોઈ શકે કે રામમંદિર અંગે જો હિન્દુઓની તરફેણમાં ચુકાદો આવી જાય તો ભાજપને ૨૦૧૯ની ચૂંટણીમાં ફાયદો થઈ શકે. આ ઉપરાંત ચિદમ્બરમ્ ના દીકરા કાર્તિ ચિદમ્બરમ્ નો કેસ, અમિત શાહના પુત્ર જય શાહનો માનહાનિનો કેસ કપિલ સિબલ લડે છે અને આ કેસો પણ મુખ્ય ન્યાયમૂર્તિની કૉર્ટમાં ચાલે છે. કપિલ સિબલે તો એવી ઘોષણા પણ કરી દીધી છે કે તેઓ ૨૩ એપ્રિલથી મુખ્ય ન્યાયમૂર્તિની કૉર્ટમાં પોતાના અસીલો વતી રજૂઆત કરવા નહીં જાય. આમ તેમણે મુખ્ય ન્યાયમૂર્તિનો બહિષ્કાર કરી દીધો છે! આ પણ એક અભૂતપૂર્વ ઘટના છે. આનો અર્થ શું એવો કરવો કે કપિલ સિબલને ભીતિ છે કે અયોધ્યા સહિત ઉપરોક્ત ત્રણેય કેસોમાં તેમનો પક્ષ નબળો છે અને આથી ચુકાદા તેમની વિરુદ્ધમાં જ આવશે? આવું અત્યાર સુધી કોઈ વકીલે કર્યું નહીં હોય.
હકીકતે જેવી રીતે દિલ્લી અને બિહારની ચૂંટણી પહેલાં અસહિષ્ણુતાના નામે એવૉર્ડ વાપસીનું નાટક ચાલ્યું હતું અને સાહિત્યકારોથી માંડીને ફિલ્મ કલાકારો સુધીના લોકોએ અસહિષ્ણુતાનો રાગ આલાપી ચૂંટણી પ્રભાવિત કરવા સફળ પ્રયાસ કર્યો હતો તેમ છેલ્લા કેટલાક સમયથી ન્યાયતંત્ર સામે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેની સ્ક્રિપ્ટ સામ્યવાદીઓએ લખી હોય તેમ જણાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સામે ચાર ન્યાયમૂર્તિઓ જે. ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન બી. લોકુર અને કુરિયન જૉસેફે રીતસર જાહેરમાં પત્રકાર પરિષદ કરી બળવો પોકાર્યો હતો. આમાં સામ્યવાદી નેતા ડી. રાજાની ન્યાયમૂરતિ જે. ચેલમેશ્વર સાથેની મુલાકાતથી પડદા પાછળ સામ્યવાદીઓની સંડોવણીની શંકા દૃઢ બની હતી. આ બધા હોબાળા પછી જ વિપક્ષોની આ મહાભિયોગની દરખાસ્ત આવી છે તે પણ નોંધપાત્ર છે.
એ પણ નોંધપાત્ર છે કે અગાઉ ન્યાયમૂર્તિ રામાસ્વામી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પર ૧૯૯૩માં મહાભિયોગની દરખાસ્ત આવેલી ત્યારે આ કપિલ સિબલ તેમના બચાવમાં શિરમોર હતા. તે પછી ૨૦૧૧માં કોલકાતા હાઇ કૉર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સેન સામે નાણાકીય ગોટાળા અને હકીકતોના ખોટા અર્થઘટન સામે મહાભિયોગની દરખાસ્ત આવેલી ત્યારે પણ કૉંગ્રેસ સરકારમાં હતી. આ દરખાસ્ત રાજ્યસભામાં પસાર થઈ જતાં સૌમિત્ર સેને રાજીનામું આપી દીધેલું. ૨૦૧૧માં સિક્કિમ હાઇ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પી. ડી. દિનાકરન સામે જમીન પચાવી પાડવા, ભ્રષ્ટાચાર અને ન્યાયમૂર્તિ તરીકે પદનો દુરુપયોગ કરવાના આરોપસર તપાસ પંચને પ્રથમદર્શી પુરાવા જણાતાં મહાભિયોગની નૉટિસ અપાઈ હતી, પરંતુ તેમણે તેની કાર્યવાહી હાથ ધરાય તે પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.
રાજકારણીઓને પોતાનાં વિધાનો યાદ નથી રહેતા પરંતુ ડિજિટલ યુગમાં બધું ઑન રેકૉર્ડ હોય છે. ૨૦૧૮માં મહાભિયોગની દરખાસ્તની મજબૂત તરફેણ અને મુખ્ય ન્યાયમૂર્તિની કૉર્ટના બહિષ્કાર સુધીની હદે જનાર કપિલ સિબલે સૌમિત્ર સેન સામે મહાભિયોગની દરખાસ્ત વખતે વર્ષ ૨૦૧૦માં એનડીટીવીને કહ્યું હતું, “રાજકારણીઓ ન્યાયાધીશોનું ભવિષ્ય નક્કી કરવા માંડે તો તે રાષ્ટ્રની મોટી કુસેવા ગણાશે.” તેમણે આ પ્રક્રિયાને ગેરબંધારણીય પણ ગણાવી હતી.
કયા કપિલ સિબલ સાચા? ૨૦૧૮ના કે ૨૦૧૦ના?

બૉક્સ-૧
ન્યાયતંત્રના કાળા દિવસો તો ઈન્દિરા ગાંધી વખતે હતા!

ન્યાયતંત્રના અંધારા દિવસો તો ઈન્દિરા ગાંધી સરકાર વખતે હતા. કટોકટી કાળમાં વિરોધીઓને પકડી પકડીને જેલમાં પૂરી દેવાતા હતા. તેથી પોતાના લોકોની ભાળ મેળવવા માટે થયેલા હેબિયસ કૉર્પસ કેસમાં સરકાર વિરુદ્ધ વલણ લેનાર હંસરાજ (એચ. આર.) ખન્ના સૌથી સિનિયર હોવા છતાં ઈન્દિરા ગાંધી સરકારે તેમને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા નહોતા. આનાથી ઉલટું, ૧૯૬૯માં અજિતનાથ રે (એ.એન.રે)ને ઈન્દિરા ગાંધી સરકારે ત્રણ સિનિયર જજોને બાકાત રાખીને તેમનાથી જુનિયર હોવા છતાં મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા હતા. તે વખતે બાર એસોસિએશનોએ અને કાનૂની ગ્રૂપોએ ભરપૂર વિરોધ કર્યો હતો.
તે વખતે પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ મોહમ્મદ હિદાયાતુલ્લાહે કહ્યું હતું, “this was an attempt of not creating ‘forward looking judges’ but the ‘judges looking forward’ to the plumes of the office of Chief Justice”. જે ન્યાયાધીશોને પાછળ રાખીને એ. એન. રે મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા. તેમણે કહ્યું હતું કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર ન કરી શકે. એ. એન. રે આ ન્યાયાધીશો સાથે અસંમત અને સરકાર સાથે સંમત હતા. આ ચુકાદાના કારણે ઈન્દિરા ગાંધીને બંધારણમાં ફેરફાર (ખરેખર તો ચેડા) કરવાની છૂટ મળી ગઈ. આ ફેરફાર ૪૨મો સુધારો ગણાય છે જેમાં આમુખથી માંડીને ઘણી કલમોમાં ફેરફાર કરી નખાયા. ચૂંટણીના વિવાદો કૉર્ટના અધિકારક્ષેત્રથી બહાર રખાયા. રાજ્ય સરકારો સામે કેન્દ્ર સરકારની સત્તા વધી ગઈ. ન્યાયતંત્ર સામે સંસદની સત્તા વધી ગઈ. બંધારણના આમુખમાં સેક્યુલર અને સૉશિયલિસ્ટ શબ્દો ઉમેરાયા. તેમ છતાં ઈન્દિરા ગાંધી પછીની કોઈ પણ સરકારે આ ફેરફારો પાછા ખેંચ્યા નથી.

બૉક્સ-૨
મહાભિયોગ સામે મનમોહનસિંહ સહિતના કૉંગ્રેસીઓમાં વિરોધ!

કૉંગ્રેસ માટે ખૂબ જ આંચકા જેવી બાબત એ રહી કે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ જેમને વિરોધીઓ પણ તેમની પ્રમાણિકતા માટે માનભેર જુએ છે તેઓ, કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવી જે પોતે પણ સર્વોચ્ચમાં જાણીતા વકીલ છે, પૂર્વ નાણા પ્રધાન અને ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ્, પૂર્વ કાયદા પ્રધાન સલમાન ખુર્શીદ, પૂર્વ કાયદા પ્રધાન અશ્વિની કુમાર, પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલી અને પૂર્વ માહિતી તથા પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ આ દરખાસ્ત પર સહી કરવાની ના પાડી દીધી! મિડિયામાં આ સમાચારને ખાસ મહત્ત્વ ન મળ્યું પરંતુ કૉંગ્રેસ માટે આ બહુ મોટા સમાચાર છે કારણકે બીજા બધા તો ખરા જ પરંતુ મનમોહનને રિમૉટ કંટ્રૉલ્ડ પીએમ ગણાવાતા હતા. મનમોહનસિંહના મિડિયા સલાહકાર અને સત્તાવાર પ્રવક્તા રહી ચૂકેલા સંજય બારુએ લખેલા પુસ્તકમાં પણ આ વાત બહાર આવી હતી. હવે એ મનમોહન જેના પર સહી કરવાની ના પાડે તે દરખાસ્ત ફેંકી દેવા યોગ્ય હોય તો જ આવી વાત બની હશે ને?
જોકે પોતાનો ગાલ તમાચો મારી લાલ રાખવા માટે કૉંગ્રેસે એવી દલીલ કરી કે “અમે પોતે ઈરાદાપૂર્વક જ પૂર્વ વડા પ્રધાનને આમાં સંડોવ્યા નથી કારણકે તેઓ પૂર્વ વડા પ્રધાન છે.” અશ્વિનીકુમારે તો કહ્યું કે “મહાભિયોગ એ અંતિમ ઉપાય છે અને તે પણ મુખ્ય ન્યાયમૂર્તિ સામે આ દરખાસ્ત લાવવી એ અભૂતપૂર્વ પગલું છે અને તેને ટાળવું જોઈતું હતું.”
સલમાન ખુર્શીદને પણ આ આખી વાતથી અજાણ રાખવામાં આવ્યા હોય તેવું લાગે છે. તેમણે કહ્યું, “મહાભિયોગ ઘણી ગંભીર બાબત છે. કોઈ ચુકાદા સાથે અસંમત હો તો આ દરખાસ્ત લાવવી યોગ્ય નથી. આ બાબતે થયેલી ચર્ચામાં હું સામેલ નહોતો. તેથી આ દરખાસ્ત માટેનાં કારણો ન્યાયી હતાં કે નહીં તે હું નહીં કહી શકું.” આ ઉપરાંત ઓડિશા કૉંગ્રેસમાં પણ આ દરખાસ્તનો અંદરખાને વિરોધ છે કારણકે ઓડિશામાં ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણી આવશે અને દીપક મિશ્ર ઓડિશાના છે, તેથી નવીન પટનાયકનો બીજદ અને ભાજપ મિશ્રની તરફેણમાં છે. ઓડિશાની હાઇ કૉર્ટ અને અન્ય કૉર્ટોએ મિશ્રની તરફેણમાં કામકાજ બંધ રાખ્યું હતું.