gujarat, Mumbai Samachar, politics

ગુજરાતનું રાજકારણ: ‘ભુક્કા કાઢી નાખો’થી ‘સબ કા સાથ સબ કા વિકાસ’ વાયા ‘ખામ’

(મુંબઈ સમાચારને જુલાઈ ૨૦૧૭માં ૧૯૫ વર્ષ પૂરા થયા તે નિમિત્તે વાર્ષિક અંકનો લેખ)

ગુજરાત ભલે ત્યારે બૃહદ મુંબઈ રાજ્યનો હિસ્સો હતું પરંતુ સ્વતંત્રતા પછી ૧૯૫૨માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે તેમાં સ્વાભાવિક જ કૉંગ્રેસ બહુમતીથી ચૂંટાઈ આવી હતી. કૉંગ્રેસે ત્યારથી લઈ, ૧૯૬૦માં ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટાં પડ્યાં ત્યારથી નવા ગુજરાત રાજ્યમાં ૧૯૭૫ સુધી અબાધિત રીતે રાજ્ય કર્યું. તે પછી ૧૮ જૂન ૧૯૭૫થી ૧૨ માર્ચ ૧૯૭૬ એમ નવ મહિના બાબુભાઈ જશભાઈ પટેલ તેમજ ૧૧ એપ્રિલ ૧૯૭૭થી ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ ૧૦ મહિના વળી પાછા બાબુભાઈ જશભાઈ પટેલના જનતા મોરચાના એમ કુલ ૧૯ મહિનાને બાદ કરો તો ૧૯૮૯ સુધી કૉંગ્રેસે સત્તા ભોગવી.

૧૯૯૦માં ચીમનભાઈ પટેલ, જૂના કૉંગ્રેસી, પરંતુ નવા જનતા દળ પક્ષના સહારે સત્તામાં આવ્યા ખરા, પરંતુ રામમંદિર આંદોલન પછી કેન્દ્રમાં વી. પી. સિંહની રાષ્ટ્રીય મોરચા સરકારને ભાજપે ટેકો પાછો ખેંચ્યો તે પછી ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં રહેલી જનતા દળ – ભાજપની સંયુક્ત સરકારને પણ ફટકો પડ્યો. કેન્દ્રના નેતાઓએ ચીમનભાઈને ભાજપના સભ્યોનાં રાજીનામાં લઈ લેવા કહ્યું અને ભાજપના ધારાસભ્યોએ સામે ચાલીને રાજીનામાં ધરી દીધાં. તે પછી ચીમનભાઈએ સત્તા માટે પોતાનો અલગ પક્ષ જનતા દળ (ગુજરાત) રચી કૉંગ્રેસનો ટેકો લઈ ફરી સરકાર બનાવી. આ સરકાર ચાર વર્ષ ચાલી. ચીમનભાઈના અવસાન બાદ છબીલદાસ મહેતા મુખ્યપ્રધાન બન્યા અને તેમણે એક વર્ષ સુધી સરકાર ચલાવી.

૧૯૯૬માં ભાજપમાંથી બળવો કરી શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા અને રાષ્ટ્રીય જનતા પક્ષ (રાજપ) રચ્યો. તેમણે પણ કૉંગ્રેસના ટેકાથી સરકાર ૨૩ ઑક્ટોબર ૧૯૯૬ના રોજ બનાવી અને ૨૭ ઑક્ટોબર ૧૯૯૭ સુધી ‘ટનાટન’ ચલાવી. દિલ્લીની દેવગોવડા સરકારની જેમ ગાંધીનગરમાં પણ કૉંગ્રેસને વાંધો પડ્યો અને દિલ્લીની જેમ જ એક જ વર્ષમાં ગાંધીનગરમાં પણ સુકાની બદલાયા અને દિલીપ પરીખ આવ્યા. દિલીપ પરીખ ૨૮ ઑક્ટોબર ૧૯૯૭થી ૪ માર્ચ ૧૯૯૮ મુખ્યમંત્રી કૉંગ્રેસની મહેરબાનીથી રહ્યા. આમ, શંકરસિંહના પક્ષ રાજપએ એક વર્ષ પાંચ મહિના કૉંગ્રેસના ટેકાથી સત્તા ભોગવી.

આ રીતે જોઈએ તો કૉંગ્રેસે ૧૯૬૦થી ૧૯૮૯ એમ ૨૯ વર્ષ સીધું અને તે પછી ચીમનભાઈ-છબીલદાસના પાંચ અને શંકરસિંહ-દિલીપ પરીખના દોઢ વર્ષ એમ સાડાં છ વર્ષ આડકતરી રીતે શાસન કર્યું. કુલ સાડા પાંત્રીસ વર્ષ શાસન કર્યું.

ભાજપ ૧૯૯૮થી વર્તમાન સમય સુધી એમ કુલ ૧૯ વર્ષથી અબાધિત શાસન કરી રહ્યો છે. તેણે પરોક્ષ રીતે પોતાના પૂર્વાવતાર જનસંઘ તરીકે બાબુભાઈ જ. પટેલની ૧૯૭૫માં તેમજ ૧૯૭૭માં ફરીથી બાબુભાઈ જ. પટેલની રચાયેલી સરકારમાં એમ કુલ એક વર્ષ સાત મહિના પરોક્ષ શાસન કર્યું. એટલે ભાજપ કુલ ૨૦ વર્ષ સાત મહિનાથી સત્તા ભોગવે છે.

ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો ૧૯૬૦માં. આમ અત્યારે કુલ ૫૭ વર્ષ થયાં. તેમાંથી કૉંગ્રેસે કુલ સાડાં પાંત્રીસ વર્ષ અને ભાજપે કુલ ૨૦ વર્ષ સાત મહિના શાસન કર્યું. એટલે એમ કહી શકાય કે ગુજરાતમાં રાજકારણની વિકાસ યાત્રાના બે ધ્રૂવ કૉંગ્રેસ અને ભાજપ રહ્યાં છે. આજનું ગુજરાત જે કંઈ ઉચ્ચ સ્થાને છે તે આ બંને પક્ષોને આભારી છે અને જે કંઈ ખૂટે છે તે પણ આ બંને પક્ષોને આભારી છે.

ગુજરાતમાં પક્ષો તો ઘણા આવ્યા અને ગયા. કેટલાક ટકી ગયા પરંતુ તેમાંના આ ચીમનભાઈ પટેલના અલ્પજીવી કિસાન મજૂર લોક પક્ષ (કિમલોપ), રાજપ જેવા એકાદ બેને બાદ કરો તો કોઈ શીર્ષ સ્થાને પહોંચી શક્યો નથી.

ભારતને સ્વતંત્રતા અપાવવામાં સિંહફાળો ગણાય તેવા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના, મોરારજી દેસાઈ પણ ગુજરાતના હોવાથી ગુજરાતને પ્રાદેશિકતાવાદનો રંગ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક વગેરે રાજ્યોની જેમ ક્યારેય નથી લાગ્યો અને તેના પરિણામે જ અહીં બેય રાષ્ટ્રીય પક્ષોનું વર્ચસ્વ રહ્યું. કિમલોપ, રાજપ, જનતા દળ (ગુ) અને કેશુભાઈ પટેલનો ગુજરાત પરિવર્તન પક્ષ જેવા ગુજરાતના પોતાના પ્રાદેશિક પક્ષો રચાયા ખરા, પરંતુ તે ટૂંક સમયમાં રાષ્ટ્રીય પક્ષો સાથે ભળી બાળ મરણ પામ્યા.

કિસાન મજદૂર પ્રજા પક્ષ અને સમાજવાદી પક્ષોના ઉદ્દેશ સમાન હતા તેથી બંનેએ ૧૯૫૨ની ચૂંટણી પછી જોડાણ કરી પ્રજા સમાજવાદી પક્ષ બનાવ્યો. ગુજરાતમાં અશોક મહેતા, જસુ મહેતા, સનત મહેતા, જયંતી દલાલ વગેરેએ પ્રજા સમાજવાદી પક્ષનો પાયો નાખેલો. તેને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો આવકાર મળેલો પરંતુ તે લાંબો વખત ન ચાલ્યો. સ્વાધીન ભારતમાં કૉંગ્રેસ પછી સમાજવાદી પક્ષ લોકપ્રિય હતો, પરંતુ તે તેનો વિકલ્પ ન તો અખિલ ભારતીય સ્તરે બની શક્યો કે ન તો ગુજરાતના સ્તરે બની શક્યો. અને પછી તો તે કૉંગ્રેસમાં જ ભળી ગયો.

ગુજરાતના મહાન હસ્તી કનૈયાલાલ મુન્શી, રાજગોપાલાચારી અને મીનુ મસાણીએ ૧૯૫૯માં સ્વતંત્ર પક્ષ રચેલો. આ પક્ષને ખેડૂત, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજવી અને સનદી અધિકારીઓનો ટેકો મળ્યો હતો. ગુજરાતમાં ૧૯૬૨ની ચૂંટણીમાં તેને ૨૬ બેઠકો મળેલી અને તે સૌથી મોટો વિરોધ પક્ષ બન્યો હતો. ૧૯૬૭ની ચૂંટણીમાં તેને ૬૬ બેઠકો મળી હતી. આમ, તે ફરી અસરકારક વિરોધ પક્ષ બન્યો. પરંતુ ૧૯૭૨માં તેનું ધોવાણ થઈ તેને માત્ર ચાર બેઠકો જ મળી હતી. તેનું કારણ તેના કોઈ સિદ્ધાંતો નહોતા. પટેલો અને ક્ષત્રિયોના આધારે ચૂંટણી લડતો અને બેઠકો જીતવા માટે પક્ષના પ્રતિબદ્ધ કાર્યકરોની અવગણના કરી જીતી શકે તેવા ઉમેદવારોને પસંદ કરતો. આ વ્યૂહરચના લાંબી ન ચાલી. પક્ષમાંથી કાર્યકરો નીકળવા લાગ્યા. ૧૯૭૨ પછી તે જનતા મોરચામાં વિલીન થઈ ગયો.

માધવસિંહ સોલંકી અને ઝીણાભાઈ દરજીની ‘ખામ’ (ક્ષત્રિય, હરિજન આદિવાસી અને મુસ્લિમ) થિયરીથી દુઃખી રતુભાઈ અદાણી, મહિપત મહેતા, વાડીલાલ કામદારે રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરેલી પરંતુ તેનું પણ બાળમરણ થઈ ગયું.

સોવિયેત સંઘમાં સામ્યવાદી વિચારસરણી ઉદ્ભવી અને દુનિયાભરમાં ફેલાઈ. ભારત અને ગુજરાત તેની અસરમાંથી બાકાત રહ્યું નહીં. પરંતુ તેની અસર બહુ નજીવી રહી. ખાસ કરીને ભાવનગર જિલ્લા આસપાસ તે વિદ્યમાન રહ્યો. આજે પણ અરુણ મહેતા તેને જાળવીને બેઠા છે. અલબત્ત, સત્તા સ્થાને કે તેના ટેકાથી સરકાર બને તેવું થયું નથી. સીપીઆઈ (એમ)ના બટુક વોરા પાલિતાણામાંથી ધારાસભ્ય બન્યા હતા. નીરુબહેન પટેલ પણ ભાવનગરમાં સક્રિય રહ્યાં. પરંતુ ગુજરાતને અને સામ્યવાદી વિચારસરણીને બાર ગાઉનું છેટું રહ્યું.

એક સમયે ભાજપમાં ગૃહ પ્રધાન રહેલા ગોરધન ઝડફિયાએ નરેન્દ્ર મોદી દ્વારા પોતાની ઉપેક્ષા બાદ ભાજપમાંથી રાજીનામું આપી વર્ષ ૨૦૦૮માં મહા ગુજરાત જનતા પક્ષ રચેલો. પરંતુ ૨૦૧૨ની ચૂંટણી આવતા સુધીમાં તેમનો પક્ષ ગુજરાત પરિવર્તન પક્ષમાં જોડાઈ ગયો. આ નવો પક્ષ કોનો હતો? જેમના નેતૃત્વમાં ભાજપ ૧૯૯૫ અને ૧૯૯૮માં સત્તામાં આવેલો તે કેશુભાઈ પટેલનો આ પક્ષ હતો. વર્ષ ૨૦૦૧માં જેમના કારણે સત્તા ગુમાવવી પડી તે નરેન્દ્ર મોદીને હરાવવા તેમણે જીપીપી રચ્યો હતો. જોકે આ પક્ષના પણ દાળિયા ઉપજ્યા નહીં. માત્ર બે જ બેઠકો મળી. છેવટે તે ભાજપમાં સમાઈ ગયો. કેશુભાઈ નિવૃત્ત થઈ ગયા, તેમના દીકરા ભરતભાઈ પટેલ ભાજપમાં આવી ગયા.

આ બધા તો ઠીક, પરંતુ જેના કારણે ગુજરાત અલગ રાજ્ય બન્યું, મતલબ જેમના કારણે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો તેવા ઈન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ‘ઈન્દુચાચા’એ મહા ગુજરાત જનતા પરિષદ નામનો પક્ષ રચેલો. તેમને આચાર્ય કૃપલાણી તેમને મુક્કા-ભુક્કા યાજ્ઞિકજી કહેતા કારણ તેઓ બોલતા- ભુક્કા કાઢી નાખો. તે વખતે ગુજરાતના રાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ નેતા મોરારજી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વિરોધી હતા. તેથી ૧૯૫૬ની ૯ સપ્ટેમ્બરે આ નવા પક્ષની સ્થાપના કરવામાં આવી હતી. આ પક્ષ (અરવિંદ કેજરીવાલના આમ આદમી પક્ષની જેમ) વિરોધાભાસી વિચારસરણીના લોકોનો સમુદાય હતો. તેમાં સામ્યવાદીઓ પણ હતા અને જમણેરી પણ હતા. પ્રજા સમાજવાદીઓ પણ તેમાં હતાં. અમદાવાદ શહેર, ખેડા જિલ્લા અને મહેસાણામાં તેનો પ્રભાવ સારો હતો. સૌરાષ્ટ્રમાં તેની અસર નહીંવત્ હતી. ગુજરાત રાજ્યની સ્થાપના માટે તેનો જન્મ થયો હોવાથી કૉંગ્રેસને તે પડકારરૂપ જણાતો હતો. તેણે ધારાસભાની ચૂંટણીમાં કુલ ૧૩૨ બેઠકમાંથી ૮૪ બેઠક પર અને લોકસભાની ૨૨ બેઠકમાંથી ૧૭ બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. પરંતુ અગાઉ કહ્યું તેમ વિરોધાભાસી વિચારધારાવાળા હોવાથી સંગઠનમાં સમન્વય-સંકલનનો અભાવ હતો. તેથી તેને ધારાસભામાં માત્ર ૨૯ અને લોકસભામાં માત્ર પાંચ બેઠક જ મળી. ૧૯૫૬માં આ પક્ષના કુલ ૧.૮૨ લાખ સભ્યો હતા જે માત્ર બે જ વર્ષમાં ઘટીને ૩૬ હજાર થઈ ગયા. ૧૯૬૦માં અલગ ગુજરાત રાજ્ય બનતાં પક્ષનો મુખ્ય મુદ્દો જતો રહ્યો. નવા મુદ્દા તેણે પકડ્યા નહીં. રાજ્યની રચના અગાઉ જ માર્ચ  ૧૯૬૦માં વીસનગરના અધિવેશનમાં આ પક્ષને વિખેરી નાખવા નિર્ણય થયો. તેમાંના કેટલાક કૉંગ્રેસમાં જોડાઈ ગયા. કેટલાક ડાબેરી લોકોએ ઈન્દુલાલ યાજ્ઞિકને સાથે લઈ નૂતન મહાગુજરાત જનતા પરિષદ રચ્યો. ૧૯૬૯માં કૉંગ્રેસના ભાગલા પડતાં ઈન્દુલાલ યાજ્ઞિક પોતે જ કૉંગ્રેસમાં જોડાઈ ગયા. આમ, મહાગુજરાત જનતા પરિષદ અને નૂતન મહાગુજરાત જનતા પરિષદ નામશેષ થઈ ગઈ.

આમ, અહીં પ્રાદેશિક પક્ષો પણ સફળ ન થયા અને પ્રદેશ વાદ પણ ખાસ ન ચાલ્યો.

ગુજરાતમાં આંદોલનો ઘણાં થયાં, પડકારો પણ ઘણા આવ્યા પરંતુ વિકાસયાત્રા અવિરત ચાલતી રહી. ગુજરાતે અનેક દિગ્ગજ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ આપ્યા. ગુજરાતની સ્થાપનાથી જ પહેલા મુખ્યપ્રધાન ડૉ. જીવરાજ મહેતા સામે વિરોધનો વાવંટોળ કૉંગ્રેસમાં ફૂંકાયેલો. કૉંગ્રેસના જ એક વર્ગે તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા વિચાર્યું હતું! છેવટે કામરાજ યોજના હેઠળ તેમને રાજીનામું આપવા ફરજ પડી.

પછી કચ્છમાં છાડબેટ સહિતના પ્રદેશ પર આક્રમણ થયું ત્યારે સીઆરપીએફ અને રાજ્યના પોલીસ કર્મચારીઓએ તેને બહાદૂરીપૂર્વક ખાળ્યું હતું. પાકિસ્તાનની હલકાઈના કારણે બીજા મુખ્યપ્રધાન બળવંત મહેતાનું વિમાન તૂટી પડ્યું અને તેઓ શહીદ થયા હતા. કચ્છના અગ્રગણ્ય પત્રકાર કીર્તિ ખત્રી મુજબ, જ્યારે પાકિસ્તાને છમકલાં શરૂ કર્યાં ત્યારે જ વિધાનસભામાં અબડાસાના તત્કાલીન ધારાસભ્ય માધવસિંહ જાડેજાએ પ્રશ્ન ઉઠાવ્યો પરંતુ તત્કાલીન કૉંગ્રેસ સરકારના ગૃહ પ્રધાન હિતેન્દ્ર દેસાઈએ તે પ્રશ્નને હસી કાઢતાં કહ્યું હતું કે “આ વાર્તા જેવું લાગે છે.” (મુંબઈ સમાચાર, રવિવારની પૂર્તિ, કચ્છ મુલકજી ગાલ કૉલમ) પરિણામે આપણે છાડબેટ સહિત કચ્છનો કેટલોક ભાગ ગુમાવવો પડ્યો! આની સામે તમામ વિરોધ પક્ષના નેતાઓએ કચ્છમાં ખાવડાથી સત્યાગ્રહ કર્યો પરંતુ તેનું પરિણામ કંઈ આવ્યું નહીં.

બળવંત મહેતા રાજા પૃથુ પછી પંચાયતી રાજના બીજા હિમાયતી હતા. તેમની અધ્યક્ષતામાં સંસદની એસ્ટિમેટ કમિટી લોકશાહીના વિકેન્દ્રીકરણનો અહેવાલ આપ્યો હતો જે પંચાયતી રાજ તરીકે હવે જાણીતો છે.

ભાવનગર જિલ્લાના મહુવાના જશવંત મહેતાની આગેવાની હેઠળ ગુજરાતીઓએ દીવ,દમણ અને ગોવા મુક્તિનો સંગ્રામ પણ કર્યો.

નવનિર્માણ આંદોલન પણ ગુજરાતમાંથી થયું જેણે અશોક ભટ્ટ, નરહરિ અમીન, નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ આપ્યા. આ આંદોલન કેન્દ્ર અને રાજ્યના નેતા વચ્ચેની ટક્કરમાંથી જન્મેલું. ચીમનભાઈ પટેલ ઈન્દિરા ગાંધી સામે બળવો કરી કાંતીલાલ ઘિયા સામે ચૂંટાઈને મુખ્યપ્રધાન બનેલા જેના પરિણામે ઈન્દિરાએ કેન્દ્ર તરફથી ગુજરાતને મળતો ઘઉંનો પૂરવઠો ઓછો કરી નાખ્યો. ૧.૫ લાખ ટનમાંથી માત્ર ૫૫ હજાર ટન ઘઉં જ ગુજરાતને મળવા લાગ્યા. રેશનમાં ઘઉંના ભાવ સિત્તેર પૈસા પ્રતિ કિગ્રા હતા પરંતુ બજારમાં પાંચ રૂપિયા! આથી વિદ્યાર્થીઓને હૉસ્ટેલમાં મળતી સબસિડીને ચીમન પટેલે રદ્દ કરી. આથી ભોજન ખર્ચ પાંચ ગણો વધી ગયો. આથી ચીમનભાઈને ઉથલાવવા જ ઈન્દિરાના ઈશારે નવનિર્માણ શરૂ થયું, ચંદ્રશેખર ભૂતપૂર્વ વડા પ્રધાન જે તે સમયે ઇફ્કૉના ફુલપૂર પ્લાન્ટના ઉદ્ઘાટન માટે આવેલા તેમણે તત્કાલીન નાણા પ્રધાન જશવંત મહેતાને કહેલું કે “તમને ચીમનભાઈ વિરુદ્ધ આંદોલન કરવા કહેવાયું છે? પાછા જઈ તમારા નેતાને કહો કે ચીમનભાઈને દૂર કરવા જે આંદોલન તેમણે (ઈન્દિરાએ) શરૂ કરાવ્યું છે તે તેમના હાથમાંથી જતું રહેશે.” અને થયું એવું જ. બાદમાં તે વિરોધ પક્ષના હાથમાં જતું રહ્યું. (કૉંગ્રેસ ફ્રૉમ સોનિયા ટૂ ઇન્દિરા, વિજય સંઘવી)

આ ગુજરાતના રાજકારણની તાસીર છે. ગુજરાતીઓ કોઈને છેડતા નથી પરંતુ તેમને કોઈ છંછેડે તો તેને છોડતા નથી. ૧૯૭૯ની મચ્છુ ડેમ હોનારત હોય કે ૨૦૦૧નો કચ્છ ભૂકંપ, ૧૯૯૮નું કચ્છ બંદરગાહ પર ત્રાટકેલું વાવાઝોડું, સુરતમાં ૧૯૯૪માં પ્રસરેલો પ્લેગ કે ૨૦૦૬માં આવેલું ભયંકર પૂર, ૧૯૮૬-૨૦૦૦-૨૦૧૨માં દુષ્કાળ કે અપૂરતા વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની ભયંકર તંગી, અને સૌરાષ્ટ્રમાં તો ૧૯૮૦થી ૧૯૮૭ સુધી સતત દુષ્કાળ રહ્યા, આ બધામાંથી ગુજરાતે માર્ગ કાઢ્યો છે અને આપત્તિને આશીર્વાદ માનીને માર્ગ કાઢ્યો છે. સુરતમાં પ્લેગ પછી સ્વચ્છતા એટલી વધી કે તે દેશનું ચોથા ક્રમનું સ્વચ્છ શહેર બન્યું તો કચ્છ પણ ભૂકંપ પછી આશ્ચર્યજનક રીતે નવનિર્માણ પામ્યું. એક સમયે પાણીની ભારે તંગી ભોગવતા સૌરાષ્ટ્ર-કચ્છ નર્મદાનાં જળ પહોંચવાના કારણે પ્રમાણમાં પાણીની બાબતમાં સુખી છે. મુસ્લિમ- હિન્દુઓ વચ્ચેનાં રમખાણો ચાહે તે ૧૯૬૯નાં હોય કે ૧૯૮૫નાં, ૧૯૯૨-૯૩નાં હોય કે ૨૦૦૨નાં, ગુજરાતે તોફાન પણ જોયાં છે અને સદ્ભાવના પણ જોઈ છે. અને આ તોફાનોમાંથી જન્મતા રાજકારણને પણ જોયું છે અને તેમાંથી ફેંકાતા (માધવસિંહ) કે પછી ક્રમશ: વડા પ્રધાન તરીકે આગળ આવેલા (નરેન્દ્ર મોદી)ને પણ જોયા છે. અનામત વિરોધી આંદોલન પણ અહીં ૧૯૮૩માં થાય અને ૨૦૧૫માં ફરીથી જન્મ લે. અને બંને વખતે મુખ્યપ્રધાનોએ (૨૦૧૫ પછી આનંદીબહેન પટેલને) વિદાય લેવી પડી છે. ચીમનભાઈ પટેલે નર્મદા માટે ગુજરાતની અસ્મિતા જગાડી અને કેન્દ્ર સ્તરે ગુજરાતનો અવાજ સંભળાતો કર્યો.

૧૯૯૦માં રામમંદિર નિર્માણ માટે સોમનાથથી નીકળેલી અયોધ્યા સુધીની રથયાત્રાએ તો ગુજરાત અને દેશના રાજકારણના ઇતિહાસમાં નવો જ વળાંક આપ્યો અને હિન્દુત્વવાદી ગણાતી ભાજપ સરકારોનું ગાંધીનગર અને (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯થી ૨૦૦૪ એમ છ વર્ષ તેમજ ૨૦૧૪) દિલ્લીની ગાદી પર સ્થાપન પણ કરી દીધું. ૨૦૦૨નાં રમખાણો બાદ ગુજરાતમાં મૂડીરોકાણ લાવવા નરેન્દ્ર મોદીએ વિકાસનો મંત્ર ગૂંજતો કર્યો. સાથે ગુજરાતની અસ્મિતાની આહલેક જગાડી. ૨૦૧૧માં સદ્ભાવના ઉપવાસ સાથે સબ કા સાથ સબ કા વિકાસનો મંત્ર આપ્યો. આ મંત્ર હાલ રાષ્ટ્રીય સ્તરે ગૂંજી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર એમ ઠેકઠેકાણે ચૂંટણીમાં આ મંત્રની ગૂંજ સંભળાઈ હતી.

વર્તમાનમાં ત્રણ આંદોલનો પાટીદાર, ઓબીસી અને દલિત આંદોલનમાંથી ત્રણ નેતાઓ તો બહાર નીકળ્યા છે જેમાં હાર્દિક પટેલનો પ્રભાવ ખાસ દેખાતો નથી. અલ્પેશ ઠાકોર નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે, આગામી સમયમાં તે પોતાનો પક્ષ રચે છે કે ભાજપ કે શંકરસિંહ વાઘેલા તરફ જાય છે તે જોવું રહ્યું, તો ત્રીજી તરફ જિજ્ઞેશ મેવાણીનો સામ્યવાદી ઝુકાવ ગુજરાતમાં ખાસ અસર પાડી શકે તેમ લાગતો નથી.

Advertisements
sankalan shreni

મતકારણે જયલલિતાને હિન્દુવાદી અને ઘોર હિન્દુવિરોધી બનાવ્યાં

(સંકલન શ્રેણી પાક્ષિક તા.૨૧/૧૨/૧૫ના અંકની કવરસ્ટોરી)

તમિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાનું અવસાન થયું. તેમના ભ્રષ્ટાચાર, તેમના એમ. જી. રામચંદ્રન સાથેના સંબંધો, તેમના સંઘર્ષ વગેરેની વાતોથી સમાચારપત્રો ભરાઈ ગયા, પરંતુ તેમના વિશે વણલખાયેલી વાતો લખવી છે.

પહેલી વાત તો એ કે માનો કે જયલલિતા હિન્દુ બ્રાહ્મણ હતાં અને તમિલનાડુમાં બ્રાહ્મણો વધુ ચુસ્ત હોય છે. તેમની અંતિમવિધિ ભૂમિમાં સમાધિરૂપે થઈ કારણકે પક્ષના તમામ નેતાઓને સમાધિ અપાઈ હતી. જો જયલલિતા મુસ્લિમ હોત અને તેમની અંતિમવિધિ અગ્નિદાહ આપીને થઈ હોત તો?

બીજી વાત. સમાચારપત્રોમાં એ વાત તો આવી કે વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની લહેરને જયલલિતાએ તમિલનાડુમાં અટકાવી હતી. આ વાત ભાજપને નીચું દેખાડવા લખાઈ હતી કારણકે તમિલનાડુમાં બે જ પક્ષોનું વર્ચસ્વ રહ્યું છે- અન્નાદ્રમુક અને દ્રમુક. તેથી કેન્દ્રમાં ગમે તેની લહેર હોય તો પણ તમિલનાડુમાં તે લહેર પ્રવેશતી નથી. પરંતુ સમાચારપત્રોમાં એ વાત ન આવી કે વર્ષ ૨૦૦૨માં જ્યારે ગુજરાતને રમખાણો બાબતે ખૂબ જ કલંકિત કરાઈ રહ્યું હતું ત્યારે શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરે પછી એક માત્ર જયલલિતા જ હતા જેમણે નરેન્દ્ર મોદી સરકારને સમર્થન આપ્યું હતું.

સમગ્ર દેશમાં જ્યારે વૉટ બૅંક માટે એક તરફી સેક્યુલરિઝમ ચાલી રહ્યું હતું ત્યારે શિવસેનાના બાળ ઠાકરેને બાદ કરતાં જયલલિતા એક માત્ર બિનભાજપી નેતા હતાં જેમણે રામમંદિરને સમર્થન આપ્યું હતું. વર્ષ ૨૦૦૩માં તેમણે અયોધ્યામાં રામમંદિરના નિર્માણને ટેકો જાહેર કરતાં કહ્યું હતું, “જો આપણે ભારતમાં પ્રભુ શ્રી રામનું મંદિર ન બનાવી શકીએ તો બીજે ક્યાં બનાવીશું? રામમંદિર બનાવવું જ જોઈએ.”

એટલું જ નહીં, તેઓ શિવસેનાને બાદ કરતાં એક માત્ર બિનભાજપી નેતા હતા જે મક્કમ પણે માનતા હતા કે તમામ પંથ-ઉપાસના પદ્ધતિ માટે પર્સનલ લૉના બદલે સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ. તેમણે વર્ષ ૨૦૦૩માં જ કહ્યું હતું કે “સમાન નાગરિક સંહિતા દેશ માટે અત્યંત જરૂરી છે.”

જયલલિતા તમિલનાડુનાં મુખ્યપ્રધાન બન્યા તે પછી વર્ષ ૨૦૦૨માં તેમણે રાજ્યમાં પંથાતરણ (ધર્માંતરણ કહેવાય છે) વિરોધી કાયદો લાવ્યો હતો. સ્વાભાવિક રીતે જ દ્રમુક અને કૉંગ્રેસે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો. આ કાયદા મુજબ, બળ, લોભલાલચ કે છળકપટથી પંથાતરણ કરાવી શકાય નહીં. જો કરાય તો અવૈધાનિક થઈ જતું હતું. ગુજરાતમાં પણ આ કાયદો તે પછી આવ્યો હતો. કાયદો ભલે ભારતના એક નાનકડા રાજ્યમાં બન્યો હોય પણ તેની અસર દૂર-દૂર વેટિકન સુધી વર્તાઈ હતી. કેથોલિક સંપ્રદાયના વડા પોપ જૉન પૉલ દ્વિતીયએ આ કાયદાને અન્યાયી ગણાવ્યો હતો. પરંતુ લોખંડી મહિલા ગણાતાં જયલલિતાએ પોપને સદંતર ઝાટકી નાખ્યા હતા અને કહ્યું હતું કે “પોપને તેમની સરકાર કે દેશમાં અન્ય કોઈ પણ રાજ્યની સરકાર દ્વારા બનાવાયેલા પંથાતરણ વિરોધી કાયદા પર બોલવાની કોઈ સત્તા નથી.” આ સમયે એક પત્રકારે (ખ્રિસ્તીઓ દ્વારા પંથાતરણની તરફેણ કરતા) કહ્યું હતું કે, “પોપ ખ્રિસ્તી સમુદાયના સર્વોચ્ચ વડા છે.” તે સમયે જયલલિતાએ જરા પણ સમય અને શબ્દ ગુમાવ્યા વગર તેને ઝાટકતા કહ્યું હતું, “તેથી શું થઈ ગયું?”

વર્ષ ૧૯૯૮માં લોકસભાની ચૂંટણી પૂર્વે તમિલનાડુના કોઇમ્બતુરમાં વિસ્ફોટો થયા હતા. તેમાં ઓછામાં ઓછા ૫૮ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. ૧૧ સ્થળોએ ૧૨ વિસ્ફોટો થયા હતા અને તે પણ ૧૨ કિમીની ત્રિજયામાં. કાર, મોટરસાઇકલ, સાઇકલ, સ્કૂટરના સાઇડ બૉક્સ, કોથળીઓમાં આ બોમ્બ મૂકવામાં આવ્યા હતા. આ હુમલા પાછળ અલ ઉમ્મા નામનું ઈસ્લામી ત્રાસવાદી સંગઠન જવાબદાર હતું. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તે શહેરમાં સભા સંબોધવાના હતા તેની થોડી મિનિટો પહેલાં જ બૉમ્બ ધડાકા થયા હતા. ૧૯૯૮માં ભાજપનો વિજય નિશ્ચિત હતો. આથી તેને ધ્યાનમાં રાખીને અડવાણીજીની હત્યા કરવાના ઉદ્દેશ્યથી આ ધડાકા કરવામાં આવ્યા હતા તે દેખીતું હતું. અડવાણીની રેલીમાં હાજરી આપવા આવેલા ઘણા યુવાનો આ ધડાકામાં માર્યા ગયા હતા. રાજ્યમાં દ્રમુક પક્ષના એમ. કરુણાનિધિનું શાસન હતું જે ઇસ્લામિક વૉટ બૅંક પર મદાર રાખતી હતી. જયલલિતાએ કરુણાનિધિને ‘રાષ્ટ્રવિરોધી’ કહીને તેમની સરકારને બરતરફ કરવા માગણી કરી હતી. તે પછી કેન્દ્રમાં ભાજપ -શિવસેના, જયલલિતાના અન્નાદ્રમુક, સમતા, મમતા પક્ષ વગેરેના સંયુક્ત –એનડીએ- નામના મોરચા દ્વારા સત્તામાં આવ્યો હતો અને જયલલિતાએ કરુણાનિધિ સરકારને બરતરફ કરવાની માગણી કરી હતી.

જોકે એ વાત પણ સત્ય છે કે અટલ બિહારી વાજપેયી સરકારને હેરાન કરવામાં જયલલિતા, ચંદ્રાબાબુ નાયડુ અને મમતા બેનર્જીએ કોઈ કસર બાકી રાખી નહોતી. વાજપેયીજીનું જયલિલતાએ અપમાન પણ કર્યું હતું. જયલલિતાની કરુણાનિધિ સરકારને બરતરફ કરવા ઉપરાંત સુબ્રમણિયન સ્વામી (જે તે વખતે જનતા પક્ષમાં હતા)ને નાણા પ્રધાન બનાવવા માગતા હતા. અટલજીએ તેમની સરકારનું પતન થયા પછી ૧૯૯૯માં કહેલું કે જ્યારે માર્ચ ૧૯૯૮માં તેમની સરકાર બની પણ નહોતી ત્યારે જયલલિતાએ સમર્થન પત્ર પકડી રાખીને પોતાનાં ત્રાગાં ચાલુ કરી દીધાં હતાં. ૧૯૯૮માં પંદર ઑગસ્ટના આગલા દિવસે પણ તેમણે સમર્થન પાછું ખેંચવા ધમકી આપી હતી. અટલજીએ આની પાછળનાં કારણો આપતા કહ્યું હતું કે “જયલલિતા ન્યાયાલયોમાં તેમની વિરુદ્ધ રહેલા તમામ કેસો પાછા ખેંચાય અને કેન્દ્રીય સંસ્થાઓ દ્વારા તેમની સામે ચાલતી તપાસ પાછી ખેંચાય તેવું ઈચ્છતા હતા. ઉપરાંત તેઓ તમિલનાડુમાં ડીએમકે સરકારને બરતરફ કરાય તેમ પણ માગણી કરી રહ્યાં હતાં. અમે તેમના બ્લેકમેઇલિંગને વશ ન થયાં.”

જયલલિતા શું મત માટે થઈને હિન્દુવાદી બન્યા હતા? આવો પ્રશ્ન પૂછવાનું મન એટલે થાય કારણકે રામમંદિર, સમાન નાગરિક સંહિતાને ટેકો આપનાર, ૨૦૦૨નાં ગુજરાત રમખાણો મુદ્દે હિન્દુઓ તરફી વલણ અપનાવનાર અને તમિલનાડુમાં પંથાતરણ વિરોધી કાયદો લાવનાર જયલલિતાએ વર્ષ ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીમાં હાર બાદ આ કાયદો પાછો ખેંચી લીધો હતો તેમના શાસનમાં વર્ષ ૨૦૦૬માં એ જ પોપ જૉન પૉલ દ્વિતીયની પ્રથમ પુણ્ય તિથિએ તેમની ૨૨ ફીટ ઊંચી પ્રતિમા ખુલ્લી મૂકાઈ હતી. આ પ્રતિમા બનાવનાર વ્યક્તિનું નામ છે શિહાન હુસૈની. તેઓ ઘણી બધી નિપુણતા ધરાવે છે. માર્શલ આર્ટ્સમાં ચેમ્પિયન છે, શિલ્પકાર છે, તમિલ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ચિત્રકાર છે. અને એ કરતાંય તેમની મોટી નિપુણતા એ છે કે તેઓ જયલલિતા ભક્ત છે! તેમણે જયલલિતાનું ચિત્ર પોતાના લોહી દ્વારા બનાવ્યું હતું! આનું પરિણામ એ આવેલું કે જયલલિતાએ તેમની કરાટે શાળા માટે ૧૮ મેદાનો આપી દીધાં હતાં! વર્ષ ૨૦૦૫માં જયલલિતાના ૫૬મા જન્મદિને તો તેમણે હદ વટાવીને પોતાના લોહી દ્વારા જયલલિતાનાં ૫૬ ચિત્રો બનાવ્યાં હતાં! જયલલિતાના ૬૫મા જન્મદિને તેમણે વધુ હદ વટાવી અને તેમણે ૧૧ લિટર લોહી એકત્ર કર્યું જેમાં તેમનું પોતાનું પણ હતું અને તેના વડે જયલલિતાનું પૂતળું બનાવેલું. કહેવાની જરૂર નથી કે પોપ જોન પૉલ દ્વિતીયની પ્રતિમા પાછળ ખરું મહોરું તો જયલલિતા જ હતાં. જયલલિતાએ વર્ષ ૨૦૦૪ પછી હિન્દુવાદી સંસ્થાઓ સામે પણ કડક વલણ અપનાવ્યું હતું.

જયલલિતા વર્ષ ૨૦૧૧માં ફરીથી સત્તામાં આવ્યા પછી સંઘ દ્વારા વિજયાદશમીની આસપાસ થતા પથસંચલન પર તેમણે રોક લગાવી દીધી હતી. એટલું જ નહીં, તમિલનાડુમાં સંઘનું પથસંચલન વર્ષ ૧૯૪૦થી ચાલતું રહ્યું હતું. જયલલિતાએ આ માટે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિનું કારણ આગળ ધર્યું હતું. અલબત્ત, વર્ષ ૨૦૧૪માં ૭ નવેમ્બરે ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયે સંઘની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને પથસંચલન તેમજ વિજયાદશમીના ઉત્સવની ઉજવણીની પરવાનગી આપી હતી પરંતુ જયલલિતાએ ન્યાયાલયની ઉપરવટ જઈને સંઘના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો હતો.

સંઘના તમિલનાડુ પ્રચાર પ્રમુખ સદગોપન નારાયણને તે સમયે કહ્યું હતું, “જ્યારે ન્યાયાલયે પથસંચલનને અનુમતિ આપી ત્યારે પોલીસ અમને કઈ રીતે અટકાવી શકે? શું પોલીસ ન્યાયાલય કરતાં પણ મોટી સત્તા છે? આની પાછળ રાજ્ય સરકાર છે. વર્ષ ૨૦૧૧માં સત્તામાં આવ્યા પછી જયલલિતા શાસનમાં હિન્દુવાદી નેતાઓની હત્યા પણ મોટા પ્રમાણમાં થવા લાગી હતી. સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ મુનાની જેવાં હિન્દુ સંગઠનોના નેતાઓ, અરે, ભાજપના નેતાની પણ હત્યાઓ થઈ હતી. માર્ચ ૨૦૧૬ની સ્થિતિ પ્રમાણે, આઠ હિન્દુવાદી નેતાઓની હત્યાનું રહસ્ય વણઉકેલાયેલું રહ્યું હતું.

વર્ષ ૨૦૧૩માં સંઘના અધિકારીઓએ અન્ય હિન્દુ જૂથોના નેતાઓ સાથે મળીને હિન્દુ નેતાઓની સુરક્ષા માટે જયલલિતાને મળવા પ્રયાસો કર્યા હતા પરંતુ તેમને એપોઇન્ટમેન્ટ અપાઈ જ નહીં. તે સમયે પણ સદગોપન નારાયણને કહ્યું હતું, “જયલલિતા ઈમામો અને ખ્રિસ્તી પંથોના પાદરીઓને મળે છે. તેઓ હિન્દુ નેતાઓને કેમ નથી મળતાં?”

ભાજપના નેતા અને કેન્દ્રીય વીજ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે “દેશનો આ એક એવો ભાગ છે જેમાં હું મુખ્યપ્રધાન સુધી પહોંચી શકતો નથી. સંસદમાં તેમને ચેન્નાઈથી કહેવામાં ન આવે તો એક પણ સભ્ય એક શબ્દ પણ બોલતા નથી.” ગોયલ કેન્દ્ર સરકારના વીજ સુધારાની યોજના ‘ઉદય’ પર તમિલનાડુ દ્વારા હસ્તાક્ષર ન કરાવાના મુદ્દે આમ કહ્યું હતું.

એક સમયે રાજીવ ગાંધીની નજીક રહેલા જયલલિતા વર્ષ ૧૯૯૮માં ભાજપ સાથે આવ્યા પણ એક વર્ષની અંદર જ તેઓ પોતાની માગણીઓ ન સ્વીકારાતાં અટલ સરકારને ઉથલાવવા સોનિયા ગાંધી સાથે થઈ ગયેલાં. તે પછી તેઓ ફરી ૨૦૦૨માં હિન્દુવાદી બન્યાં. તે પછી ૨૦૦૪માં હિન્દુવાદીઓની પીછેહટ થતાં તેઓ ફરી સેક્યુલર બની ગયાં.

media, sikka nee beejee baaju

“કૉંગ્રેસ સરકારે સૂચના આપેલી કે તેલંગણા, અન્નાને ન દેખાડો”

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૦૪/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

(ગતાંકથી ચાલુ)

કહેવાતા લિબરલો કેટલા ઉદાર છે તેનાં ત્રણ ઉદાહરણ આપણે ગયા અંકે જોયાં. વાતને આગળ ધપાવીએ. ‘ન્યૂઝ લૉન્ડ્રી’ વેબસાઇટના સ્થાપક તંત્રી મધુ ત્રેહાને પુણ્ય પ્રસૂન વાજપેયીના લીધેલા ઇન્ટરવ્યૂમાં કહેવાતા ઉદારતાવાદીઓની ઉદારતા વધુ ખુલ્લી પડે છે. પુણ્ય પ્રસૂન કહે છે કે “કૉંગ્રેસ સરકાર અમને એડવાઇઝરી આપે છે. કેટલીક ચીજો તમારા સ્ક્રીન પર ન દેખાડો. અત્યારે દરેક સંપાદક કાં તો ડરેલો છે અથવા તો સત્તાની સમીપ રહેવાનું સુખ મેળવવા માગે છે….તે સમયે તેલંગણાનો મુદ્દો (આંદોલન) ચાલી રહ્યો હતો. તો સરકારે કહેલું કે તેને ન દેખાડો….અત્યારે કહે છે કે અન્નાને ન દેખાડો…પહેલાં જે (ચેનલો) અન્નાને દેખાડતી હતી તે હવે નથી દેખાડતી.” મધુ કહે છે કે “અન્નાએ છેલ્લા જે ઉપવાસ કર્યા તે ટીવીમાં ઓછા દેખાડ્યા…તેનું કારણ તમે જે કહો છો તે (સરકારની સૂચના) છે.” પુણ્ય પ્રસૂન કહે છે, “ (મનમોહન સરકાર વખતે) પીએમઓમાં જ્યારે ટી. કે. નાયર પ્રિન્સિપાલ સેક્રેટરી હતા ત્યારે તેમણે એક પાર્ટી રાખી હતી. બધા જ એડિટરો હાજર હતા અને બધાના હાથમાં (દારૂના) જામ હતા.” હવે આ બધું બંધ થઈ ગયું છે અને એટલે જ દિલ્લીના પત્રકારોના પેટમાં દુઃખે છે!

આઈબીએન સેવન (અત્યારે ન્યૂઝ ૧૮)  હિન્દી ચેનલના પૂર્વ મેનેજિંગ એડિટર અને અત્યારે આમ આદમી પક્ષના નેતા આશુતોષનો પણ મધુએ ઇન્ટરવ્યૂ લીધો છે. (જોકે તે વખતે તેઓ ‘આપ’માં જોડાયા નહોતા.) આ ઇન્ટરવ્યૂમાં અંગ્રેજી પત્રકારત્વ સામે હિન્દી (આપણે તેની જગ્યાએ ગુજરાતી કે અન્ય સ્થાનિક ભાષાને પણ મૂકી શકીએ) પત્રકારત્વ વચ્ચેની સરખામણી આબાદ છતી થાય છે.

પછી અન્ના હજારેની વાત નીકળે છે. આશુતોષ કહે છે, “કહેવાતા બુદ્ધિજીવીઓ ભ્રષ્ટાચાર સામે જબરદસ્ત આંદોલન ખડું કરનાર અન્નાને નીચા દેખાડવા પ્રયાસ કરે છે કારણકે એ માણસ સાતમું ધોરણ પાસ છે, તેણે સેના છોડી છે, તેઓ અંગ્રેજી નથી બોલતા, કૉન્વેન્ટ ગ્રેજ્યુએટ નથી, તેમણે જેએનયુમાંથી ભણતર નથી મેળવ્યું.” હવેની વાત ધ્યાન દઈને વાંચજો. આશુતોષ કહેવાતા ઉદારતાવાદી-દંભી બુદ્ધુજીવીઓને કેવા ઉઘાડા પાડે છે. તેઓ કહે છે, “આ બુદ્ધિજીવીઓનો દંભ જુઓ. આ જ લોકો વિનાયક સેનનું મહિમા ગાન કરે છે કારણકે તે સારું અંગ્રેજી બોલે છે અને અંગ્રેજીમાં ભણાવે છે. અને વિનાયક સેન કોણ છે? એ જે ભારતીય બંધારણમાં માનતા નથી. તેઓ ભારતની લોકશાહીમાં માનતા નથી. તેઓ ભારતની સંસદમાં માનતા નથી. અને તેઓ હિંસામાં માને છે. “

અનેક પત્રકારોના આદર્શ, હિન્દુ વિરોધીઓના પ્રિય એવા રાજદીપ સરદેસાઈના ઇન્ટરવ્યૂમાં ટૅક ઑફ પોઇન્ટ રાજદીપના પુસ્તક ‘૨૦૧૪: ધ ઇલેક્શન ધેટ ચેન્જ્ડ ઇન્ડિયા’ છે. આખા ઇન્ટરવ્યૂ પર બેથી ત્રણ લેખ થાય તેમ છે, પરંતુ આપણે તેમાંથી થોડી જ વાત લઈશું.

શરૂઆતમાં રાજદીપ નામ લીધા વગર મોદી વિરોધી વાત કરે છે કે “અત્યારના નેતાઓ કરતાં પહેલાંના નેતા સારા હતા. અત્યારે તો ટીકા કરો તો તમને દુશ્મન માનવા લાગે છે.” તો મધુ ત્રેહાન કહે છે, “ના રાજદીપ. હું તમને કહું. મોરારજી દેસાઈએ મને પ્રેસ કૉન્ફરન્સમાંથી તગેડી મૂકી હતી. ઈન્દિરા ગાંધીએ ‘ઇન્ડિયા ટૂડે’ના પત્રકારને કાઢી મૂક્યો હતો. જવાહરલાલ નહેરુને જ્યારે લાગ્યું કે તેમની ટીકા થઈ રહી છે ત્યારે તેમણે કલમ ૧૯માં સુધારો કર્યો હતો.”

રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત વગેરે સેક્યુલર પત્રકાર ટોળીએ ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો છેક સુધી ઉછાળ્યે રાખ્યો. વર્ષ ૨૦૧૨માં સુપ્રીમ કૉર્ટ તરફથી નરેન્દ્ર મોદીને રમખાણો અંગે ક્લીન ચિટ મળી અને વર્ષ ૨૦૧૩માં યુકેના સાંસદો તરફથી તેમને આમંત્રણ મળ્યું ત્યારે સીએનએન-આઈબીએન પર રાજદીપે બ્રિટનના લેબર પાર્ટીના સાસંદ બેરી ગાર્ડનર સાથે વાત કરી તે ઇન્ટરવ્યૂ યૂ ટ્યૂબ પર જોવા જેવો છે. બેરી ગાર્ડનર મોદીની ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સફળતાની વાત કરે છે, ગુજરાતમાં થયેલી આર્થિક ક્રાંતિની વાત કરે છે, તેઓ ભારતના ખૂબ જ મહત્ત્વના રાજકારણી અને વિપક્ષના નેતા હોવાની વાત કરે છે, પરંતુ રાજદીપની પિન ૨૦૦૨ પર ચોંટી જાય છે. બેરી કહે છે કે “સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે માન આપીએ છીએ.” પણ રાજદીપ પ્રશ્ન પૂછે છે કે શું મોદી મનમોહન કરતાં વધુ સારા વડા પ્રધાન પદના ઉમેદવાર છે? ગાર્ડનર કહે છે કે “ભારતના રાજકારણમાં અમારે માથું ન મારવાનું હોય. અમે તો બ્રિટનના ગુજરાત સાથેના સારા સંબંધોને ધ્યાનમાં લઈએ છીએ.”

અરે! રાજદીપે તો મોદી વડા પ્રધાન બન્યા અને અમેરિકા ગયા તો ત્યાં પણ મેડિસનમાં ૨૦૦૨નાં રમખાણોના મુદ્દે પ્રશ્ન પૂછી એનઆરઆઈઓને ઉશ્કેર્યા અને તેમના હાથે માર ખાધો. એટલે રાજદીપના પુસ્તકની વાતમાં રમખાણોનો મુદ્દો કેમ છૂટી જાય? મધુ વારંવાર પૂછે છે કે “તમે મોદીને જ કેમ નિશાન બનાવ્યા? અન્ય રમખાણો કેમ નહીં?” રાજદીપ હાસ્યાસ્પદ બચાવ કરે છે કે “૮૪નાં રમખાણો વખતે હું ૧૯ વર્ષનો જ હતો…તે વખતે પત્રકાર નહોતો. એટલે કેમ કહી શકું? ૯૨-૯૩ વખતે મેં કૉંગ્રેસ-એનસીપીની સરકારને ઘેરી હતી અને શિવસેના-ભાજપને પણ.” અહીં રાજદીપ ભૂલી જાય છે કે તે વખતે એનસીપીનો ઉદ્ભવ પણ નહોતો થયો. અને તેઓ શિવસેના-ભાજપનું નામ લેવાનું ભૂલતા નથી. માની લઈએ કે ‘૮૪ વખતે રાજદીપ નાના કીકલા હતા પરંતુ ૨૦૦૨ વખતે તો તેઓ ‘૮૪ની વાત કરી શકતા હતા. ૯૨-૯૩ વખતે શરદ પવારે તેમને પત્રકાર પરિષદમાંથી હાંકી કાઢેલા કારણ કે સેના મોકલવામાં વિલંબ અંગે રાજદીપે પ્રશ્ન પૂછેલો, પરંતુ ૯૨-૯૩નાં રમખાણો વખતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કોણ હતા તે યાદ છે? મધુ રાજદીપને છોડે તેમ નથી. તેઓ પૂછે છે કે “એ બધું જવા દ્યો. મુઝફ્ફરનગર…” તો રાજદીપ ફરી એ જ રેકર્ડ વગાડે છે કે “મેં ૯૨-૯૩નાં રમખાણો પણ ગુજરાતનાં રમખાણોની જેમ સઘન રીતે જ કવર કર્યા હતા.”

આ ઇન્ટરવ્યૂ જેમ અંત તરફ આગળ વધે છે તેમ રાજદીપ પોતે જ કહે છે, “જ્યારે અમે દૂરદર્શન માટે એનડીટીવીનો કાર્યક્રમ ન્યૂઝ ટુનાઇટ કરતા હતા ત્યારે અમારે એક માણસને વિડિયો ટેપ લઈને દૂરદર્શન પર મોકલવો પડતો. તે કાર્યક્રમ સેન્સર થાય પછી જ અમે તે પ્રસારિત કરી શકતા. એક વખત નરસિંહરાવના સચિવે અમને કહ્યું કે ન્યૂઝ તો સરકારની મોનોપોલી છે. તેને તમે વાપરી શકો નહીં. અને અમારે આખા કાર્યક્રમમાંથી એ શબ્દ દૂર કરવો પડ્યો હતો. અને એ રીતે એ કાર્યક્રમનું નામ ન્યૂઝ ટુનાઇટમાંથી ટુનાઇટ થયું.” વિચારો! જો અત્યારે આવું થયું હોય તો રાજદીપ, બરખા, રવીશકુમાર આણિ મંડળી એનડીટીવી પર, ફેસબુક-ટ્વિટર પર કેટલી મજાક ઉડાવે? માઇમવાળાઓને બોલાવી કેવાં નાટકો કરે! ઇન્ટરવ્યૂના અંતમાં રાજદીપ પોતે જ સ્વીકારે છે કે “દૂરદર્શનના જમાના કરતાં અત્યારનો જમાનો વધુ સારો છે. અત્યારે આપણે માનવું પડશે કે (અભિવ્યક્તિની) સ્વતંત્રતા શું છે અને તેનો વધુ સારો ઉપયોગ (મોદીને ગાળો દેવા માટે) કરવો પડશે.”

કહેવાતા ઉદારતાવાદી રાજદીપ સરદેસાઈની ઉદારતાનો વધુ એક દાખલો એટલે કેશ ફૉર વૉટ કૌભાંડ. ૨૦૦૮માં અમેરિકા સાથે પરમાણુ સમજૂતીના મુદ્દે ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો અને સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો. પૂરી શક્યતા હતી કે સોનિયા ગાંધી દ્વારા પડદા પાછળ ચલાવાતી કૉંગ્રેસ સરકાર તૂટી પડે. આ મુદ્દે ડાબેરી પક્ષના એ. બી. બર્ધને હૉર્સ ટ્રેડિંગ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં કહેલું કે એક સાંસદ માટે રૂ. ૨૫ કરોડની બોલી બોલાય છે. આ મુદ્દે કૉંગ્રેસના નેતાઓ પકડાય તેમ હતા. તેઓ ભાજપના ત્રણ સાંસદોને ખરીદવા માગતા હતા. ભાજપે સીએનએન-આઈબીએન પર આ સ્ટિંગ થાય તે માટે રાજદીપનો સંપર્ક કર્યો. ચેનલના યુવાન પત્રકાર સિદ્ધાર્થ ગૌતમે સ્ટિંગ કર્યું, પરંતુ રાજદીપ સરદેસાઈએ સ્ટિંગનું પ્રસારણ અટકાવી દીધું! તેમણે ચેનલ પર તે રાત્રે કારણ શું આપ્યું? ‘રાષ્ટ્રના હિતમાં અમે આમ  કર્યું છે.” આ સ્ટિંગમાં ચર્ચાતી વાતો મુજબ, સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ પણ સાંસદોને ખરીદવાના કૌભાંડમાં સામેલ હતા. ઇન્ટરવ્યૂમાં રાજદીપ ગોળગોળ શબ્દોમાં કહે છે, “અમે જર્નાલિસ્ટિક એક્સર્સાઇઝ કરવા માગતા હતા…તે દિવસે બીજા ઘણા મહત્ત્વના સમાચારો હતા…અમે વકીલોનો અભિપ્રાય માગ્યો હતો…” મધુ પોઇન્ટેડ સવાલ પૂછે છે, ““વ્હાય ડિડ યૂ કિલ ધ સ્ટોરી? તમારે એવા વકીલ પકડવા જોઈએ જે ગમે તેમ આ સ્ટોરી પ્રસારિત કરવા તમને કાનૂની રસ્તો શોધી આપે.” રાજદીપ પાસે કોઈ જવાબ નથી.

મધુ પૂછે છે, “સિદ્ધાર્થ ગૌતમે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ ટેપને બાદમાં એડિટ કરીને તપાસ સમિતિને અપાઈ હતી.” રાજદીપ ફરી પાંગળો બચાવ કરે છે, “મને નથી લાગતું, તેણે આવું કહ્યું હોય. અમે તો ટેપને હાથ પણ નહોતો લગાડ્યો.” પણ રાજદીપ સ્વીકારે છે કે કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે અને અહેમદ પટેલને આ ટેપ અંગે તેમને ફોન કર્યો હતો. હકીકતે તો એ વખતે ભાજપનું નેતૃત્વ જ બેવકૂફ પુરવાર થયું. અડવાણીજીના સલાહકાર સુધીન્દ્ર કુલકર્ણી મૂર્ખ બનાવી ગયા કે બન્યા. તેમને ખબર હોવી જોઈએ કે આટલાં વર્ષોથી રાજદીપનો ઝોક હંમેશાં ભાજપવિરોધી જ રહ્યો છે. તેને આવી સ્ટોરી ન સોંપાય.

બીજાને ઉદાર થવાની અને પોતાને પ્રશ્નો પૂછવાની સત્તા આપવા સલાહ આપતી ચેનલ એનડીટીવીની ફરી વાત કરીએ. બરખા દત્તે વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલાના લાઇવ પ્રસારણ દરમિયાન કેવા ગંભીર ઇનપૂટ ત્રાસવાદીઓને પૂરા પાડી દીધા તે અંગે ચૈતન્ય કુંતે નામના બ્લૉગરે બ્લૉગ પૉસ્ટ લખેલી. (બ્લૉગ અને સોશિયલ મિડિયા જેવા અલ્ટરનેટિવ મિડિયાના કારણે કેટલાક સ્થાપિત હિત ધરાવતા પત્રકાર-કૉલમિસ્ટોને પેટમાં દુઃખી રહ્યું છે કારણકે તેમની પોલ ખુલ્લી પડી જાય છે.) બરખા દત્તે એનડીટીવી દ્વારા લિગલ નૉટિસ આપીને એ પૉસ્ટ દૂર કરાવડાવી! (જો મોદીએ આવું એનડીટીવીની વેબસાઇટ પર કરાવ્યું હોય તો એ જ બરખા દત્ત ગોકીરો મચાવી દે.) મધુ ત્રેહાનને આપેલા ઇન્ટરવ્યૂમાં બરખા દત્તે સ્વીકારવું પડ્યું કે ઓબેરોય હોટલમાં કેટલા લોકો છુપાયા છે તેની માહિતી તેણે આપી હતી. સુપ્રીમ કૉર્ટે ૨૦૦૮ના મુંબઈ હુમલા પર ચુકાદો આપતી વખતે કહેલું કે લાઇવ ટીવી કવરેજના કારણે રાષ્ટ્રની સુરક્ષા ખતરામાં મૂકાઈ ગઈ હતી!

film, media, politics

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. ‘બોલ રાધા બોલ’ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને.

એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની બન્યા જેમ્સ બૉન્ડ માટે. પહલાજ નિહલાનીનો પક્ષ માત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ને તેના ગુજરાતી નવગુજરાત સમયમાં છપાયાનું યાદ છે. શિકારીઓની રજૂઆત એવી હતી કે પહલાજ નિહલાનીએ જેમ્સ બૉન્ડમાં પ્રણય પ્રચુરતાનાં દૃશ્યો પર કાતર ફેરવડાવી. પણ ઉપરોક્ત સમાચારપત્રમાં છપાયેલા પહલાજ નિહલાનીના પક્ષ મુજબ, જેમ્સ બૉન્ડના ફિલ્મકારે ‘એ’ના બદલે ‘યુએ’ સર્ટિ. માગેલું તેથી તેમને કટ કરવા પડ્યા.

ડાબેરી કમ લિબરલ ગેંગનો ત્રીજો શિકાર સૂરજ બડજાત્યા બન્યા. સૂરજ અને તેમના બાપદાદાની ફિલ્મોની વિશેષતા એ રહી છે કે તેઓ સારો સંદેશ આપતી, ઘણી હદે સ્વચ્છ, પારિવારિક અને સુમધૂર સંગીતમય ફિલ્મો આપે છે. આ ફિલ્મોમાં હિન્દુત્વ ઝળકતું હોય છે. જેનાથી આ ગેંગ સૂરજને ઝપટમાં લેવા માગે છે. ‘ગે’ સહિત અનેક વિકૃતિ ફેલાવતા શાહરુખ ખાનની ચમચી ફરાહ ખાને શાહરુખ નિર્મિત ‘ઓમ્ શાંતિ ઓમ્’માં સૂરજની મજાક ઉડાડેલી. તે પછી સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’ આવી એટલે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની ચિબાવલી સમીક્ષકે લખ્યું સંસ્કારી ઑર્ગેઝમ! બીજા સમીક્ષકોએ પણ ફિલ્મને ઉતારી પાડી. (આ સમીક્ષકો યશરાજ, કરણ જોહર, વિધુ વિનોદ ચોપરા/રાજકુમાર હિરાણી, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શાહરુખ ખાન, આમીર ખાન જેવા મિડિયાના ફેવરિટ લોકોની સમીક્ષામાં સમરકંદ બુખારા ઓવારી જાય છે પણ અક્ષયકુમાર, ૠત્વિક રોશન, ટાઇગર શ્રોફ જેવાની ફિલ્મોને ઉતારી પાડે છે. તાજેતરમાં આ લોકો શાહરુખની ‘ફેન’ પર આફરિન થઈ ગયા હતા જ્યારે ટાઇગરની ‘બાગી’ ને ઉતારી પાડેલી. આ જ રીતે ‘ઉડતા પંજાબ’ વિશે પણ થયું. એક સમીક્ષકે તો હેડિંગમાં લખ્યું: સોલિડ કિક! બીજી તરફ અક્ષયકુમારની ‘હાઉસફૂલ-3’ને ઉતારી પાડી. પણ દર્શકોએ ‘બાગી’ અને ‘હાઉસફૂલ-3’ બંનેને હિટ બનાવી દઈ આ બબુચકોને મોઢે તમાચો માર્યો.)

એકતા કપૂરની વાહિયાત ‘ક્યા કૂલ હૈ હમ-૩’માં પણ સૂરજ બડજાત્યા અને સંસ્કારીપણાની મજાક ઉડાવાઈ.
સૂરજ પોતે શરમાળ છે. તે પોતાની ફિલ્મનો પણ ખાસ પ્રચાર નથી કરતા તો આવા લોકોને જવાબ ક્યાંથી આપે? એટલે આ લિબરલ ગેંગની વાયડાટી ચાલે છે. આ લિબરલ ગેંગનો ચોથો શિકાર બન્યાં સચીન તેંડુલકર અને લતા મંગેશકર. તન્મય ભટ્ટ ને એના બીજા મિત્રો જેમાં એક મહેશ ભટ્ટનો થનારો કે થઈ ચૂકેલો જમાઈ રોહન જોશી પણ છે એ ભેગા થઈને ‘એઆઈબી’માં મહાન હસ્તીઓની અત્યંત બેહૂદી મજાક ઉડાવે છે. આમાંથી તન્મયે સ્વતંત્ર રીતે સચીન ને લતાજીની કનિષ્ઠતમ મજાક ઉડાવી પબ્લિસિટી મેળવી લીધી.

આ ગેંગનો ૨૦૧૪થી નિરંતર એક પ્રયાસ છે અને તે એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તેને મોદીભક્ત ગણાવી દેવા. મિડિયાની હલકાઈ જુઓ સાહેબ! તે મનમોહનસિંહ આગળ ડૉ. લખવાનું ચૂકતું નથી. મનમોહન વ્યવસાયિક ડૉ. નથી. તેમ છતાં પૂર્વ વડાપ્રધાન છે અને દસ વર્ષ રાજકીય સ્થિરતા આપી દેશ ચલાવ્યો એ સિદ્ધિ બદલ એમની આગળ ડૉ. લખાય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ જેણે કાશ્મીરનું ઇસ્લામીકરણ ને પાકિસ્તાનીકરણ કર્યું કે થવા દીધું તે ફારુક અબ્દુલ્લાના નામ આગળ પણ લિબરલ તંત્રી- પત્રકાર ડૉ. લખવાનું ભૂલતા નથી. એ લોકો નહેરુ આગળ પં. એટલે કે પંડિત લખવાનું ચૂકતા નથી. ઇન્દિરાનો ઉલ્લેખ કરે ત્યારે એમની કલમ આપોઆપ પાછળ જી લગાવી દે છે. સોનિયા પાછળ પણ તેઓ જી અચૂક લગાવે જ પણ મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ મોદીના નામની આગળ વડા પ્રધાન તો જવા દો, પાછળ જી પણ લગાવતા નથી. સ્મૃતિ ઇરાની ભૂતકાળમાં નિપુણ અભિનેત્રી હતાં. પણ હવે તેઓ ફૂલટાઇમ પોલિટિશિયન છે અને માનવ સંસાધન વિકાસ જેવા મહત્ત્વના ખાતાના પ્રધાન પણ છે પરંતુ આ મિડિયા તેમના નામ આગળ એક્ટ્રેસ ટર્ન્ડ પોલિટિશિયન લખીને સ્મૃતિને ઉતારી પાડવાનો મોકો ચૂકતા નથી. ‘ટેલિગ્રાફ’એ તો તેમને ‘આંટી નેશનલ’નું બિરુદ આપી દીધું. પણ લિબરલ ગેંગનું સાચું નિશાન મોદી નથી, મોદી સમર્થકો છે. એ લોકો એક વાત સારી રીતે જાણે છે કે મોદીજી તેમના તમામ પ્રપંચોને નિષ્ફળ બનાવી દેશે પણ સમર્થકો નહીં હોય તો મોદીજી શું કરવાના? આજે કદાચ સંઘ કે બીજી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ કરતાં મોદીજી સૌથી લોકપ્રિય છે. લિબરલ ગેંગને એ ખબર નથી કે સંઘના સ્વયંસેવકો કરતાં બહારના લોકો વધુ મોદીસમર્થક છે. સંઘના સ્વયંસેવકો તો વ્યક્તિપૂજામાં માનતા નથી. એટલે એમને માટે ભગવાધ્વજ સિવાય કોઈ મોટું નથી. મોદી પણ નહીં.

લિબરલ ગેંગ મોદીસમર્થકોને મોદીભક્ત કહી હવે ભક્તિ શબ્દને ગાળમાં ખપાવવા જોરશોરથી પ્રયત્નશીલ છે. કોઈ વ્યક્તિ મોદીની કોઈ વાતનું સમર્થન કરે એટલે એને મોદીભક્તમાં ખપાવી તેને ઉતારી પાડવાનો જેથી એ બીજી વાર મોદીજીનું સમર્થન ન કરે.

કોઈ વ્યક્તિ સતત સારું કરે તો તેની પ્રશંસા થવાની જ. પછી તે અમિતાભ બચ્ચન હોય કે માધુરી દીક્ષિત, સચીન તેંડુલકર હોય કે લતા મંગેશકર. લાખો-કરોડો લોકો રોજ અમિતાભ-માધુરી-સચીન કે લતાના ફોટા કે તેમની વિગતો મૂકે છે. તો શું એ એમના ભક્ત થઈ ગયા? આમાંના ઘણા એવા પણ હશે જે ઉપરોક્ત હસ્તીઓની સાથે રાજેશ ખન્ના, શ્રીદેવી, સૌરવ ગાંગુલી કે આશા ભોસલેના ચાહક હશે. આ જ રીતે મોદીનું સમર્થન કરનારા મનમોહન, જયલલિતાનું સમર્થન કરનારા પણ હોઈ શકે.

જે તંત્રી-પત્રકાર સોનિયા કે પ્રિયંકાને જોઈને મોઢેથી લાળ ને નીચેથી શી***ન કરી બેસે છે કે અહેમદ પટેલના ચમચા છે તેઓ કે તેમની શેહમાં આવીને અન્યો સોનિયાના બારગર્લવાળા ભૂતકાળ વિશે  છાપવાની હિંમત ધરાવતા નથી.  સોનિયાને કઈ રહસ્યમય બીમારી છે એ જાણવા એ લોકો ઇન્વેસ્ટિગેશન કરાવી શકતા નથી. સુબ્રમણિયન સ્વામી એ બહાર પાડ્યું તો પણ નેશનલ હેરાલ્ડ કૌભાંડના સમાચાર કરતાં અન્ય સમાચારને પ્રાથમિકતા આપવી એ તેમનો ચમચાધર્મ છે. અને સમાચાર છાપશે તો મોદીજી જાણે ખોટી રીતે સોનિયાને ફસાવતા હોય એ રીતે છાપશે. કેજરીવાલે કાયદો તોડીને ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવપદની લહાણી કરી દીધી. એ સમાચાર હોય કે કેજરીવાલના મુખ્ય સચિવના કૌભાંડના કારણે સીબીઆઈના દરોડાના સમાચાર, આ ચમચાઓ કેજરીવાલ સામે મોદીજી વેરવૃત્તિથી કાર્યવાહી કરતા હોય એવાં મથાળાં બાંધશે. આ ચમચાઓ અનુગોધરા રમખાણો પછી ‘સિટ’ તપાસ, ઈશરત કેસ વગરેમાં આવાં મથાળાં બાંધતા નહોતાં.

લિબરલ ગેંગને કોઈએ પ્રશ્ન ખરેખર તો એ પૂછવા જોઈએ કે
૧. મોદીજીમાં એવા તે શું હીરામોતી ટાંગ્યાં છે કે લોકો વધુ ને વધુ મોદીસમર્થક બની રહ્યા છે?
૨. શું મોદીજી એવા હેન્ડસમ છે અથવા અમિતાભ જેવાં હાઇટ-બૉડી ધરાવે છે?
૩. શું મોદીજી સોનિયા જેવા ગોરા છે?
૪. શું મોદીજી ચિદમ્બરમ્ જેવું અંગ્રેજી કે અટલજી જેવું હિન્દી બોલી શકે છે?
૫. શું મોદીજી સંપત્તિમાંથી બધાના એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા કરાવે છે?
૬. મોદીજી ગરીબ દેખાતા નથી. એ કેજરીવાલ કે મમતા બેનર્જીની જેમ સાદાં કપડાં નથી પહેરતા, આ લિબરલ ગેંગ લખે છે તેમ હવામાં સતત ઉડતા રહે છે, તો પછી સામાન્ય માનવી કેમ મોદીસમર્થક છે? જેને અમેરિકાએ નવ નવ વર્ષ વિઝાનો ઇન્કાર કર્યો તે મોદીને જ્યારે અમેરિકા બોલાવે ત્યારે સામાન્ય ભારતીય કેમ વિજય મળ્યો હોય એમ ખુશ થાય છે?
૭. લિબરલ ગેંગ જ એવું લખે છે કે મોદી યુઝ એન્ડ થ્રો કરે છે ને અરુણ શૌરી આવું બોલે છે ત્યારે એને સમાચાર તરીકે ચગાવે છે પણ પ્રશ્ન એ છે કે મોદીજી આવું કરતા હોય તો એમના સમર્થકોની સંખ્યા તો એકદમ ઘટી જવી જોઈએ? એવું કેમ નથી થતું?
૮. માન્યું કે મોદીજી પાસે આઇટી પ્રોફેશનલની સારી ટીમ છે પણ મોદીજીને જિતાડનાર (મોદીજીને યશ ન દેવો પડે એટલે સોનિયાચમચા આવાં ગતકડાં શોધી કાઢે છે) પ્રશાંત કિશોર તો હવે આ તંત્રી-પત્રકારોના માનીતા સોનિયા-રાહુલને સેવા આપે છે. કેમ એ મોદીની જેવી હવા રાહુલની તરફેણમાં ઊભી નથી કરી શકતા?
૯. લિબરલો શોધે છે કે કૉંગ્રેસ નહીં તો કોણ? એટલે નીતીશ-કેજરી-વગેરે જે મોદીવિરોધી છે તેમની પછેડી પકડી લે છે. કેજરીવાલ પાસે પણ યુવાનોની આઇટી ટીમ છે. એ કેમ કેજરીની તરફેણમાં મોજું છોડો, લહેરખી પણ સર્જી નથી શકતા?
૧૦. એવું શું કારણ છે કે આજતક, એનડીટીવી સહિતની ચેનલો ને અનેક છાપાં મોદીવિરોધી છે, રોજેરોજ તેઓ મોદીવિરોધી સમાચાર ચગાવે છે ને મોદીતરફી સમાચાર દબાવી દે છે, આ જ રીતે મોદીવિરોધીઓના સારા સમાચાર ચગાવે છે ને મોદીવિરોધીઓના ખરાબ સમાચારને દબાવી દે છે તો પણ મોદીના સમર્થકોની સંખ્યા ઘટતી કેમ નથી?
૧૧. જ્યારે જ્યારે ચીન, અમેરિકા કે પાકિસ્તાન ભારતવિરોધી કૃત્યો કરે છે ત્યારે આ લિબરલ ગેંગ દેશની દુશ્મન હોય તેમ ખુશ થઈ ‘હાથતાળી’ કેમ આપે છે? ભારતની પીછેહટ તેમને ‘મોદીના ગાલ પર તમાચો’ કેમ લાગે છે? શું તેઓ મોદીવિરોધમાં આંધળા થઈને અજાણતા મોદી = ભારત આવું સમીકરણ તો નથી બેસાડી રહ્યાને?
૧૨. ક્યાંક આ લિબરલ ગેંગના રોજેરોજ આંધળા વિરોધના કારણે જ મોદીની લોકચાહના આટલી વધી નથી રહી ને? કારણકે હંમેશાં મક્કમ મજબૂત વ્યક્તિની પાછળ દુનિયા પડે ત્યારે લોકો તેના સમર્થક બની જતા હોય છે. આથી જ ભારતમાં લોકો માટે મહારાણા પ્રતાપ હારવા છતાં અકબરથી વધુ મહાન છે. સિકંદર કરતાં પોરસ વધુ લોકપ્રિય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે આજે પણ કહેવાય છે કે ખૂબ લડી મર્દાની, વો ઝાંસીવાલી રાની થી.
૧૩. દુર્યોધનો કે શિશુપાલો સત્તાના મદમાં શ્રી કૃષ્ણની ઊંચાઈ સમજી શક્યા નહોતા. (સાવધાન! આ નઠારા ક્યાંક એવું ન કહી દે કે મેં મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા.વાતને આડે પાટે ચડાવવામાં આ લોકો હોશિયાર હોય છે.) લિબરલ ગેંગ સાથે આવું તો નથી ને?

ahmedabad, gujarat, media, politics

૭૦ ટકા જીતને વ્હાઇટવોશમાં બતાવવાની કળા

anandiben patel-hardik patel
ફોટો સૌજન્ય: પીટીઆઈ

 

 

સચીન તેંડુલકર દર વખતે મેદાનમાં ઉતરતો ત્યારે તેની પાસે તોફાની બેટિંગ, ચોગ્ગા અને છગ્ગાની અપેક્ષા રાખવામાં આવતી. તેમાંય તે મોટો સ્કોર ખડકે અને દર વખતે તે ભારતીય ટીમને જીતાડે જ એવી પણ અપેક્ષા રાખવામાં આવતી. અને સચીને ઘણી-ઘણી મેચોમાં ભારતને વિજય અપાવ્યો અને પોતાની સદીની પરવા કર્યા વગર ઘણી વાર ૭૦થી ૯૦ રન કરીને પણ તે આઉટ થયો હોય તેવું બન્યું, પરંતુ માધ્યમોમાં તેની ઇમેજ કેવી બની?

સચીન તો પોતાના માટે જ રમે છે. સચીનની ઉંમર થઈ એટલે કાઢી મૂકો. સચીન સારું રમે છે ત્યારે ભારતને વિજય મળતો નથી.

હશે. થાય આવું. બધાના પોતપોતાના વિચાર હોય, તેને અભિવ્યક્ત કરવાની છૂટ હોય અને ભલે કરતા.

તાજેતરમાં ગુજરાતમાં ૨ ડિસેમ્બરે પરિણામો આવ્યા એમાં તો આનંદીબહેન પટેલ અને ભાજપના માથે એટલાં માછલાં ધોવાયાં જાણે તેમણે ભૂંડોભખ પરાજય મેળવ્યો હોય. આ પરિણામોના કારણો અને તારણો પહેલાં ચૂંટણી પહેલાંની સ્થિતિને સમજવાની જરૂર છે.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનીને ગુજરાતમાંથી ગયા એટલે ઘણાને હાશ થઈ હતી. ઘણા એટલે દરેક ક્ષેત્રના ઘણા. ઉદ્યોગ-વેપાર-મનોરંજન-રમતગમત- અને ખાસ તો મિડિયાના ચોક્કસ વર્ગને. માધવસિંહ સોલંકીની સત્તા ગઈ એમાં મિડિયાનો ચોક્કસ વર્ગ અને કેટલાક પત્રકારો પોતાને કિંગમેકર અને કિંગડિસ્ટ્રોયર માનવા લાગ્યા હતા. આ જ વર્ગને ત્યારે પણ તકલીફ પડી હતી જ્યારે કેશુભાઈ પટેલની પહેલી સરકાર હતી કેમ કે એ વખતે પણ નરેન્દ્ર મોદી જ પડદા પાછળ હતા. આથી તેમને શંકરસિંહ વાઘેલા બળવો પોકારે તેમાં રસ હતો. રોજેરોજ સમાચારમાં આવતું ‘નમોને નમો તો બહુ ગમે’, ‘નેતાઓ ચૂંટાયા પછી અહંકારી થઈ ગયા છે’, ‘કાર્યકરોને ભૂલી જવાયા છે’ વગેરે વગેરે. આવી વાતો પાછળ કાર્યકરોના નામે પોતાની વેદના વ્યક્ત થતી હતી. એટલે જ જ્યારે મોદીને ગુજરાત બહાર તગેડાયા ત્યારે ઘણાએ મીઠાઈ વહેંચી હતી. પરંતુ એમની એ ખુશી બહુ ઝાઝી ચાલી નહીં.

૨૦૦૧માં મોદી પાછા ગુજરાત આવ્યા. કમનસીબે પહેલાં સાબરમતી એક્સ્પ્રેસમાં એસ-૬ ડબ્બો સળગાવાનો નૃશંસ હત્યાકાંડ બન્યો અને પછી ગુજરાતનાં અનુગોધરા રમખાણો થયાં. સેક્યુલર મિડિયાએ આ સાબરમતી કાંડ જો એકલો થયો હોત તો તેને દેશમાં અન્યત્ર થયેલી ત્રાસવાદી ઘટનાઓની જેમ તત્પૂરતો ચગાવીને ભૂલી ગયા હોત, પરંતુ રમખાણો થયાં જેમાં મુસ્લિમો સાથે હિન્દુઓ પણ મર્યા અને પોલીસ કાર્યવાહીમાં હિન્દુઓ મર્યા હતા, અનેક હિન્દુઓ જેલમાં ગયા, બાકાયદા તપાસપંચ થયું, પહેલી વાર કોઈ મુખ્યમંત્રી તપાસ પંચ સમક્ષ કલાકો સુધી ઉલટતપાસ કરાવતા રહ્યા, કોર્ટ કેસ ચાલ્યા. ફેક એન્કાઉન્ટરના કેસો બન્યા.પહેલી વાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટે કોઈ રાજ્યની કોર્ટના જજો પર ન્યાય માટે શંકા વ્યક્ત કરી હોય (જે જજો તેમની અંડરમાં અને કોંગ્રેસની સરકારે જ નિમેલા હતા) અને રાજ્ય બહાર કેસ ચલાવવા ગયા હોય.

૨૦૦૨માં મોદી જીત્યા. તે પછી ૨૦૦૭ આવ્યું. તે વખતે પણ મિડિયાનો આ જ વર્ગ… કેશુભાઈ પટેલ અને પટેલ ફેક્ટર મોદીને હરાવશે તેવી ચર્ચા… સોનિયા-રાહુલને તોતિંગ પબ્લિસિટી…મોદી અને અડવાણી વચ્ચે મતભેદો…૨૦૦૯માં મોદીએ સદ્ભાવના ઉપવાસ કર્યા તો તેની પણ ટીકા… ટૂંકમાં હિન્દુવાદી વલણ અપનાવે તોય ટીકા અને સદ્ભાવના રાખે તોય ટીકા. આ જ મિડિયાના એક વર્ગે ૨૦૧૨માં પણ કેશુભાઈ પટેલ અને પટેલ ફેક્ટરને અતિશય  ચગાવ્યું. લપોડશંખ અને હિટલર વગેરે વગેરે કંઈક ઉપનામો મળ્યા મોદીને. તોય મોદી જીત્યા. ૨૦૧૪માં પણ આ જ પરિસ્થિતિ.

પરંતુ તે પછી મોદી દિલ્લી ગયા અને હાશકારો થયો. કોઈ માર્ક કરે તો આ ચૂંટણી સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં યોજાવાની હતી. તેના ત્રણેક મહિના પહેલાથી અચાનક પટેલ અનામત આંદોલનની રેલીઓ શરૂ થઈ. મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ હતાં. અનેક પટેલો પણ મંત્રીઓ તરીકે હતા. ધારાસભ્યો તરીકે પણ અનેક પટેલ હતા. સરકારે મંત્રણા માટે બોલાવ્યા પરંતુ કોઈ આવવા તૈયાર નહીં. અને વાતે વાતે વાંધા પાડે. રીતસર એક જ એજન્ડા. સરકારની સામે લોકો, ખાસ તો પટેલો કેમ ઉશ્કેરાય? મિડિયાના આ એક વર્ગે ચગાવ્યું કે આંદોલન પાછળ નરેન્દ્ર મોદી છે- ઇબીસી લાવવા માગે છે. તો સંઘના મોહન ભાગવતના નિવેદનને પણ તોડીમરોડીને રજૂ કરાયું. હકીકતે ભાગવતે કહ્યું હતું કે અનામત નીતિની સમીક્ષા કરો કે જેને લાભ મળવો જોઈએ તેમને કેમ નથી મળતો? આમાં અનામત કાઢવાની વાત જ નહોતી.

ખેર, હવે તો એ જાણીતું છે કે આંદોલન પાછળ કોણ હતું. આ આંદોલન પાછળ શંકરસિંહ વાઘેલા હોવાનું તેઓ પોતે સ્વયં સ્વીકારી ચુક્યા છે. આ આંદોલનના બે હેતુ હતા. એક તો ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને હરાવવો અને સામે બિહારમાં પ્રચાર કરતા મોદીનું ધ્યાન ગુજરાતમાં કેન્દ્રિત રાખવું. જો કોંગ્રેસના નેતાઓ ગુજરાત મોડલની હવા કાઢવા જાય તો કોઈ વાતને માને નહીં, કેમ કે બધા જાણતા હતા. અરવિંદ કેજરીવાલ જેવાએ પણ પ્રયત્ન કરી જોયો પણ તેનેય કોઈએ સ્વીકાર્યા નહીં. તો એવો કોઈ ચહેરો જોઈએ જે એકદમ નવો હોય, યુવાન હોય, તેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા ન હોય, અને એંગ્રી યંગમેન બની શકે તેમ હોય. આવો ચહેરો મળ્યો હાર્દિક પટેલના રૂપમાં.

૨૫ ઑગસ્ટની રેલી માટે જીએમડીસી ગ્રાઉન્ડ મફત આપ્યું, રિવરફ્રન્ટ પર પાર્કિંગની સુવિધા આપી. એ રેલી દરમિયાન હાર્દિકે પોતાના ભાષણને અનામત કરતા ઝાઝું, ફોઈ અને મોદી વિરોધી વાતો કરવામાં ઝાઝું કેન્દ્રિત કર્યું. નીતીશ અને કેજરીવાલના વખાણ કર્યા. એજન્ડા સ્પષ્ટ હતો. હવે તો બહાર આવેલી લાલજી પટેલની ટેપની વાતના લીધે એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે તોફાનો થાય અને બેચાર મરે તો વાંધો નહોતો પણ ઉશ્કેરાટ ફેલાવવો જોઈએ તેવું વાતાવરણ બનાવવું હતું. થયું. તોફાનો થયાં. એ પછીનો ઇતિહાસ બધા જાણે છે કે હાર્દિક કેટલી હદ સુધી ગયો હતો.

આ બધા દરમિયાન નેટ પર વારંવાર પ્રતિબંધ આવ્યો. એ યાદ રહે કે નેટ પર પ્રતિબંધ માત્ર મોબાઇલ પૂરતો હતો, વાઇફાઇ, બ્રોડબેન્ડ પર નહોતો. એનાથી કોઈ ધંધારોજગાર ઠપ થવાના નહોતા. કોઈ મુશ્કેલી પડવાની નહોતી, પરંતુ વાતાવરણ એવું સર્જવાનો પ્રયાસ કરાયો કે જાણે મિની કટોકટી લાદી દેવામાં આવી છે. કેટલાકે પોતાના નેટ પેકના પૈસા વસૂલ ન થવાની ફરિયાદો પણ કરી. ટૂંકમાં ૨૦૦-૩૦૦ રૂનું નેટ પેક સમાજની શાંતિ કરતાં મહત્ત્વનું બની ગયું હતું. મિડિયાનો આ જ વર્ગ રોજેરોજ….પહેલાથી છેલ્લા પાના સુધી…દરેક સમાચારમાં પાટીદાર, પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ…અને બદમાશી જુઓ સાહેબ…જ્યારે હાર્દિક પટેલ ચગેલો હોય અને તેને લાલજી પટેલ સાથે વાંધો હોય ત્યારે લાલજી પટેલને મહત્ત્વ નહીં આપવાનું અને જ્યારે હાર્દિક પટેલ જેલમાં હોય ત્યારે એ જ લાલજી પટેલના સમાચાર આઠ-આઠ કોલમના હેડિંગ બનાવીને છાપવાના. ટૂંકમાં, ભાજપ-સરકાર વિરોધી વાતાવરણ બનાવવાનો પ્રયત્ન મિડિયાના આ વર્ગે કર્યો.

નરેન્દ્ર મોદી-અમિત શાહના નેતૃત્વમાં ભાજપે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા અને કાશ્મીરની ચૂંટણી જીતી- ત્યાં સરકાર બનાવી, વસુંધરા રાજેના લલિત મોદી સંદર્ભે ઉછાળાયેલા ભ્રષ્ટાચાર કેસ છતાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વ્યાપમના હોબાળા છતાં સ્થાનિક ચૂંટણીઓમાં જીત મેળવી, કેરળ જેવા સામ્યવાદી અને કોગ્રેસી શાસનના ઇતિહાસવાળા રાજ્યમાં ભાજપની પહેલી વાર નોંધપાત્ર આગેકૂચ, લેહલદ્દાખની સ્થાનિક ચૂંટણીઓમાં ઝળહળતી સફળતા આ બધું ઈરાદાપૂર્વક દબાવી દેવાયું પણ. દિલ્હીમાં હારી ગયા અને તે પછી બિહારમાં રાજકીય પક્ષો, મિડિયાના આ વર્ગ અને અસહિષ્ણુ સેક્યુલર બુદ્ધિજીવીઓના કારણે હાર થઈ. તેના પરિણામે મોદી પર છાજિયા એટલા લેવાયા કે વાત ન પૂછો. એ જ વાતો. અહંકાર…વિદેશ પ્રવાસ…સૂટ બૂટ…પરંતુ મોદીએ લોકસભામાં તેમના વિદેશ પ્રવાસની એકએક મિનિટનો હિસાબ આપેલો તે ભૂલી જવાયો. વિદેશમાં તેમણે કેટકેટલી મહત્ત્વની સમજૂતી કરી તે ભૂલી જવાઈ. યુએને યોગ દિવસ મનાવવા મંજૂરી આપી, કેનેડા યુરેનિયમ આપવા તૈયાર થયું, યુએઇ જેવા કટ્ટર ઈસ્લામી દેશના અબુધાબીમાં મંદિર બનાવવા માટે જમીન આપવા સરકાર તૈયાર થઈ, દાઉદ મુદ્દે સહકાર કરાયો, જીડીપીમાં સતત વધારો, મેક ઇન ઇન્ડિયામાં સતત પ્રગતિ…ચીન કરતાં વધી રહેલું એફડીઆઈ…જાપાને અમદાવાદ-મુંબઈની બુલેટ ટ્રેન માટે કરેલી સમજૂતી…યુકેએ શ્યામજી કૃષ્ણ વર્માને આપેલી સનદ…અમદાવાદ-લંડન વચ્ચે યુપીએ સરકારે બંધ કરી દીધેલી સીધી ફ્લાઇટ ફરી શરૂ કરવી…બધા જ પ્રવાસોમાં યુનોની સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાન આપવા મોદીનો હકપૂર્વકનો (મનમોહનની જેમ મીંદડી અવાજે નહીં, ખુમારી સાથે) દાવો…શું આ સુરક્ષા પરિષદને કાયમી સ્થાન મળશે તો તે મોદીને અંગત ફાયદો છે? કાલે સવારે મોદીની જગ્યાએ કોઈ પણ વડા પ્રધાન બનશે તો ભારત પોતાની વાત હકપૂર્વક રજૂ નહીં કરી શકે?

તો અહીં આનંદીબહેન પહેલાં મુખ્યપ્રધાન બન્યા એટલે મિડિયાના આ વર્ગને તો જે નારાજગી હતી તે રહી જ, પણ ભાજપના કેટલાક અસંતુષ્ટ મંત્રીઓ, જેમને મુખ્યપ્રધાન બનવાના અભરખા હતા તે પણ સહન ન કરી શક્યા. ઘણા હિન્દુવાદીઓનો પણ આનંદીબહેન સામે પહેલેથી જ વિરોધ હતો. ભલે સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરીએ, પણ સ્ત્રીને બોસ તરીકે સ્વીકારવી અઘરી જ છે,  ઈન્દિરા ગાંધી સામે પણ કૉંગ્રેસમાં ખુલ્લેઆમ વિરોધ થયો હતો અને કૉંગ્રેસના બે ભાગલા પડી ગયા હતા…આનંદીબહેને પહેલી વાર સ્ત્રી તરફી બજેટ આપ્યું, ૫૦ ટકા અનામત લાગુ કરી, શૌચાલય હોય તો જ ચૂંટણી લડી શકાય તેવો નિયમ લાવ્યા, જમીનનો રેકોર્ડ બાબતે મહત્ત્વનાં કાર્યો કર્યા…ગરીબોને ઘર આપવા માટે યોજના આગળ વધારી,આવી તો અનેક વાતો હતી. મોદીકાળમાં જે ભપકાવાળા કાર્યક્રમો થતા હતા તે બંધ કર્યા. સૌથી મોટી વાત એ હતી કે પોતે પટેલ છે તેથી પટેલ અનામત આંદોલન જ્યાં સુધી શાંતિથી ચાલ્યું ત્યાં સુધી જીએમડીસી ગ્રાઉન્ડ મફત આપવા સહિતની સુવિધાઓ આપી, પરંતુ જ્યારે તોફાને ચડ્યા ત્યારે રાજધર્મ નિભાવી કડક પગલાં લીધાં. અનામત આપવાની ચોખ્ખી ના પાડી. આના કારણે જો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાવ સફાયો થયો હોત તો ખુરશી જવાની શક્યતા હોત. (હજુ પણ આ ૩૦ ટકા પરાજયને વ્હાઇટ વોશ બતાવી તેમને કાઢવાની પેરવીઓ થઈ જ રહી છે) પરંતુ તેમણે એ જોખમ લઈને પણ છેક ચૂંટણી સુધી અનામત આપવાની માગણી ફગાવતા જ રહ્યા. બીજી તરફ, જરૂરિયાતાર્થી સવર્ણો માટે અભૂતપૂર્વ એવું પેકેજ જાહેર કર્યું. માત્ર પટેલને જ શા માટે પેકેજ મળે? બધા જરૂરિયાતવાળા સવર્ણોને કેમ ન મળે?

અને મિડિયાના જે વર્ગને નારાજગી હતી તે રોજેરોજ કોઈને કોઈ રીતે, ક્યારેક લાલજી પટેલના નામે (કારણ હાર્દિક પટેલ તો જેલમાં હતો), ક્યારેક ચૂંટણી  પંચ પર પ્રહારો કરીને આનંદીબહેન પટેલ સરકારને નિશાન બનાવતો હતો. ચૂંટણી પંચની ભૂલો દર વખતે થતી હોય છે. મતદાર યાદીમાંથી નામ દર વખતે દૂર થતા હોય છે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા અને ચૂંટણી પંચ કેન્દ્નની કૉંગ્રેસ સરકારના હાથમાં હતું ત્યારે પણ આમ થતું જ હતું. પરંતુ આ વખતે જે નામો દૂર થયા તેમાં કેટલાક પટેલ નામો હતાં, અને કેટલાક તો સરનામા બદલાવાના કારણે ભૂલી ગયા હતા. મંત્રી રમણલાલ વોરાના કેસમાં જ આવું થયું તો પછી સામાન્ય નાગરિકના કેસમાં આવું ન થાય? આથી મિડિયાએ ‘અમે પાટીદાર છીએ કે પાકિસ્તાની’ કહીને તેમને ભડકાવ્યા. ચૂંટણી પંચ જાણે રાજ્ય સરકાર કહે તેમ કરતું હોય તેવી છાપ ઉપસાવી. આ જ મિડિયા જ્યારે નરેન્દ્ર મોદી ચૂંટણી પંચના કમિશનર લિંગદોહ સામે બોલતા હતા ત્યારે શાંતિથી તમાશો જોતું હતું.

આ પરિસ્થિતિમાં પણ છ મહાનગરોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપે જીત મેળવી છે. પરંતુ તેને કઈ રીતે અંડરમાઇન (નબળી અંકાય) કરાય છે? ભાજપની જીત પરંતુ બેઠકો ઘટી… રાજકોટમાં ભાજપ માંડમાંડ જીત્યું… અરે ભાઈ! તમે જ ઉછળી ઉછળીને રોજ લખતા હતા કે પટેલ ફેક્ટર કામ કરશે. ભાજપ અત્ર-તત્ર-સર્વત્ર હારશે. એકેય સમાચાર એવા નહોતા કે તમે પટેલનો પ ન લખ્યો હોય. અને પરિણામ બુધવારે (૨ ડિસેમ્બરે) આવી ગયું. ગુરુવારના છાપામાં વિશ્લેષણ પણ આપી દીધું, પરંતુ સતત બીજા દિવસે- શુક્રવારે (આજે, ૪ ડિસેમ્બર ૨૦૧૫)ના રોજ પણ વિશ્લેષણ! તેમાં સતત એક જ વાત- આનંદીબહેન અને ભાજપના નેતાઓનો અહંકાર નડ્યો, પટેલ પાવર ચાલી ગયો…જે ન કરવા જેવાં કામો હોય તે ન કરે તો આનંદીબહેન અહંકારી? મિડિયાને ઇન્ટરવ્યૂ ન આપે તો અહંકાર? સચિવાલયમાં મિડિયા પરનો બાન ન ઉઠાવે એટલે અહંકાર? અને જો ગામડામાં પટેલ ફેક્ટર ચાલ્યું તો શહેરમાં કેમ ન ચાલ્યું? અમદાવાદ, સુરત, ભાવનગર અને રાજકોટ…એમાંય અમદાવાદ સુરત અને રાજકોટમાં તો કેટલાક પટેલોએ સૌથી વધુ તોફાનો કર્યાં હતાં. બોપલ ઘૂમા જેવા પટેલ પ્રભુત્વવાળા વિસ્તારોમાં તો કોંગ્રેસ અને બોપલ-ઘૂમા વિકાસ પરિષદના નામે ચૂંટણીમાં ઊભા રહેલા પાટીદારો ભાજપના કાર્યકરો-ઉમેદવારોને કેટલાક વિસ્તારોમાં આવવા પણ નહોતા દેતા. અનેક જિલ્લાઓમાં તો પટેલોએ બોર્ડ માર્યા હતા- અમે મત નહીં આપીએ, અહીં રાજકારણીઓએ આવવું નહીં. આવું વલણ હોય તો પછી મતદાર યાદીમાં નામ નથીની બૂમરાણ શા માટે? એક બાજુ કહેવું કે મત નહીં આપીએ અને બીજી બાજુ મતદાર યાદીમાં નામ દૂર થવાની વાત ચગાવીને રાજ્ય સરકારને અને તે રીતે કેન્દ્રમાં મોદીને ભાજપને દુનિયાભરમાં બદનામ કરવી આ જ ઉદ્દેશ હતો કે બીજો કોઈ?  અને એ વાતેય સિફતપૂર્વક ભૂલી જવાઈ કે મિડિયાનો આ વર્ગ પટેલ પાવર, પટેલ ફેક્ટર, પાટીદાર શક્તિ…કહીને ચગાવતો હતો તે હાર્દિક પટેલના ત્રણ ગઢ- વિરમગામ, બોપલ-ઘૂમા અને સુરત ત્રણેયમાં ભાજપ મોટા પાયે સારો દેખાવ કરી શક્યો.

હકીકતે બધા પટેલો હાર્દિક પટેલની સાથે હતા તે વાત જ મૂર્ખામીભરી હતી જે મિડિયાના વર્ગે વાચકોના મનમાં ઠસાવવા પ્રયાસ કર્યો હતો. આંદોલન દરમિયાન પણ અનેક સમજદાર પટેલોએ વિડિયો સાથે, સમાજના બહિષ્કારની સાડાબારી રાખ્યા વગર વૉટ્સએપ અને ફેસબુક પર મેસેજ વહેતા કર્યા હતા કે હાર્દિક જે કરે છે તે ખોટું છે. પણ એને આ મિડિયાના વર્ગે કોઈ જગ્યાએ સ્થાન ન આપ્યું. આ બધા છતાં છ એ છ મહાનગરપાલિકામાં ભાજપ જીત્યો. નગરપાલિકાઓમાં પણ તેણે ખૂબ જ સારો દેખાવ કર્યો છે. હા, ગામડાઓમાં ફટકો જરૂર પડ્યો છે, પરંતુ તેને પાટીદાર ઇફેક્ટ કહીને ગજવી મૂકવી તે જે કેટલાક જ્ઞાતિવાદી પટેલો છે તેના અહંકારને-જ્ઞાતિવાદને પોષવા જેવું કામ છે. કેમ કે, છેલ્લા કેટલાક વખતથી આંદોલનના કારણે કેટલાક જ્ઞાતિવાદી પટેલોમાં એવી ‘હવા’ ભરાઈ ગઈ હતી, કે સરકાર તો અમે જ બનાવીએ. અમે ધારીએ તે જ સરકાર ચૂંટાય. છએ છ મહાનગરોમાં આવા અહંકારી અને ઘોર જ્ઞાતિવાદી ‘પટેલો’ની હવા મતદારોએ ફુસ્સ કરતી કાઢી નાખી છે.

તો ગામડાઓમાં ભાજપ હાર્યો તેનું કારણ શું? કારણ ૧. મોંઘવારી. કારણ ૨. સરકાર વિરોધી લાગણી જે દર વખતે સરકારને નડતી હોય છે (એન્ટી ઇન્કમબન્સી ઇફેક્ટ). કારણ ૩. અમરેલી, ઉત્તર ગુજરાતમાં પુષ્કળ વરસાદ-પૂર અને તેમાં નરેન્દ્ર મોદી સરકારે કરેલી ગુજરાતની ઉપેક્ષા. કારણ ૪. જે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કપાસના ભાવો માટે કોંગ્રેસની સરકારની સામે ઉછળી ઉછળીને બોલતા હતા તે જ જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે કપાસનો પૂરતો ભાવ ન અપાવી શક્યા. અને સામે પક્ષે આનંદીબહેન પટેલ પણ ભાવ લાવી ન શક્યા. ચૂપચાપ જે આપ્યું તે સ્વીકારી લીધું. ૪. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુ્ખ્યપ્રધાન હતા ત્યારે તેમના તરફી વોટ્સએપ-એફબી સંદેશાઓ ફરતા, તેમનો સીધો સંપર્ક જનતા સાથે રહેતો, પરંતુ આનંદીબહેનની પોતાની વેબસાઇટ પર પણ પૂરતી પ્રચાર સામગ્રી મૂકાતી નથી. ગુજરાત સરકારના કાર્યક્રમો રોજેરોજ કેમ એફબી પર ન મૂકાય? (ટીવી ચેનલોનો એક વર્ગ અને પ્રિન્ટ મિડિયાનો એક વર્ગ તો તે નથી જ બતાવો તેમ માનીને)આનંદીબહેનના ભાષણો કેમ યૂટ્યૂબ પર ન મૂકાય?

એટલે આ ચૂંટણીઓના કારણે આનંદીબહેન કે ભાજપના કોઈ સમર્થકે હતાશ થવા જેવું નથી. હજુ ૨૦૧૭ને બે વર્ષની વાર છે. એટલા સમયમાં ગામડાઓ ફેંદી વળો. જે મંત્રીઓ સહકાર ન આપતા હોય તેમને વટથી પડતા મૂકો. વડા પ્રધાન મોદી પાસે પણ ગુજરાતના હક માટે લડત આપો. એવું ન લાગવું જોઈએ કે તમે નબળા મુખ્યપ્રધાન છો. જો આવી સ્થિતિમાં પણ ૬૦-૭૦ ટકા જીત મળી શકતી હોય તો બે વર્ષમાં તો પરિસ્થિતિ ઘણી સુધારી શકાય છે. જય જય ગરવી ગુજરાત.

hindu, media, national, sikka nee beejee baaju

કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

(ભાગ-૨૦)

શાહબાનો કેસમાં વડા પ્રધાન રાજીવ ગાંધી જે રીતે કટ્ટરવાદી મુસ્લિમો સમક્ષ ઝૂકી ગયા તેનાથી જમ્મુ-કાશ્મીરમાં મુખ્યપ્રધાન જી. એમ. શાહ અને તેમના સાથીઓનો ઉત્સાહ પણ વધ્યો. તેઓ જમાત-એ-ઇસ્લામીની માગો માનવા લાગ્યા. એવામાં અફવાઓ ફેલાવાની શરૂ થઈ. જમ્મુમાં કંઈ બન્યું જ નહોતું તેવી બાબત પર અફવા ફેલાઈ. તેના કારણે હિંસક સરઘસો અને બાદમાં કોમી રમખાણો ફાટી નીકળવાનાં શરૂ થયાં.

૨૦ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ આ અભૂતપૂર્વ કોમી રમખાણો શરૂ થયાં. પ્રારંભ અનંતનાગથી થયો. જે પછી બિજબેહરા, દાનવ બોગંડ, અકૂરા, વન્પોહ, લોક ભવન, ચોગામ વગેરે જગ્યાએ ફેલાયાં. તેમાં ૩૦૦ હિન્દુઓએ ઘર ગુમાવ્યાં. વિજેશ્વર અને વિતસ્તા નદીના કિનારે હરિશ્ચંદ્ર ઘાટ પર આવેલું શંકર ભગવાનનું એક મંદિર (જે વારાણસીના મંદિર પરથી બનાવાયું હતું) એમ બે મંદિરોને સળગાવી દેવાયાં. રાજ્યની બહુમતી પ્રજા કાશ્મીરી મુસ્લિમોની સરકારે અને અખબારોએ આ રમખાણોને ઢાંકવાની ભરપૂર કોશિશ કરી. અનંતનાગની સ્થાનિક મુસ્લિમ સરકારે તો આ ઘટનાને કલ્પના જ ગણાવી. વિજય કે. સઝવાલ નામના કાશ્મીરી પંડિતે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ નામના અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા સમાચારપત્રને કાશ્મીરમાં હિન્દુ લઘુમતી સાથે કેવો ખરાબ વ્યવહાર થાય છે તે વિશે પત્ર લખ્યો તો તેના તંત્રી તરફથી શું જવાબ આવ્યો ખબર છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ અંગ્રેજી સમાચારપત્રો, વિદેશી માધ્યમો અને વિદેશી સરકાર માત્ર મુસ્લિમોને થતી પીડા, તેમને થતા અન્યાયને જ મોટી ઘટના ગણે છે, કારણકે તેમાં તેમને રસ છે. ભારત અસ્થિર રહે તે તેમની ઈચ્છા છે. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના  તંત્રી તરફથી પ્રતિભાવ આવ્યો, “ યુ કેન નોટ બી સિરિયસ. આર યૂ ટેલિંગ અસ હિન્દુઝ આર સફરિંગ ઇન પ્રીડોમિનન્ટલી હિન્દુ ઇન્ડિયા?” એટલે તંત્રી એવું માનતા હતા કે પાકિસ્તાન ધર્મના આધારે છૂટું પડ્યું અને ઈસ્લામી દેશ બની ગયો એટલે ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે. (અને આપણે ભારતને બિનસાંપ્રદાયિક જ ગણાવતા આવ્યા છીએ. એ પ્રયત્નો જ હવે છોડી દેવાની જરૂર છે. જેમ ચીન માનવાધિકારના ભંગ બાબતે પશ્ચિમી દેશોનું કંઈ સાંભળતું જ નથી, તેમ આપણેય આપણી છબીને સુધારવાના પ્રયાસો પાછળ સમય અને પરિશ્રમ વેડફવાની જરૂર નથી, કેમ કે એનાથી કંઈ વળવાનું જ નથી.) તે પછી વિજયનો પત્ર નવી દિલ્હીમાં સમાચારપત્રના બ્યૂરો ચીફ સ્ટીવન વૈઝમેનને મોકલવામાં આવ્યો તો વૈઝમેને વિજય અને તેમના તંત્રીને વળતો પત્ર લખ્યો, “મુસ્લિમોએ કાશ્મીરી પંડિતોના ઘર અને દુકાનો પર તેમજ મંદિરો પર હુમલા કર્યા.”

આ વિજય સઝવાલે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકાના પંચ (યુએસસીઆઈઆરએફ)ને ટેસ્ટીમોની લખી હતી. આ પંચ અમેરિકી સરકારને પોતાનો અહેવાલ આપતું હોય છે.

રમખાણોનાં બે અઠવાડિયામાં કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો. રાજ્યપાલ જગમોહનને તો આટલું જ જોઈતું હતું. તેમણે ૬ માર્ચ ૧૯૮૬ના રોજ દિલ્હી ગયેલા જી. એમ. શાહને તાબડતોબ બોલાવ્યા. જી. એમ. શાહને ખબર હતી કે તેમને શા માટે બોલાવાઈ રહ્યા છે. તેમણે બહાનું કાઢ્યું કે તેમને સવારની ફ્લાઇટની ટિકિટ નથી મળી. આથી તેમના માટે ખાસ વિમાન મોકલવામાં આવ્યું!

કાશ્મીરમાં આવીને રાજભવનમાં રાજ્યપાલ જગમોહનને મળવા જવાના બદલે તેમણે ઘરે ભોજન માટે જવાનું પસંદ કર્યું. હવે એ તો કોઈ પણ માણસને હક છે કે તે પ્રવાસેથી આવે તો ઘરે થાક દૂર કરવા- ભોજન લેવા જાય. (ભલે ને એરલાઇન્સમાં ભોજન મળ્યું હોય તોય) પરંતુ જી. એમ. શાહનો ઘરે ભોજન લેવા જવા પાછળ બીજો ઈરાદો હતો – ડિપ્લોમસીનો. થોડા વખત પછી જ્યારે તેઓ ભોજન લઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે તેમના મંત્રીમંડળના દસ સાથીઓ હતા!

કેટલાક લોકો સત્તા માટે કેવાં કેવાં નાટકો કરી શકે, કેવા યુ ટર્ન મારી શકે તે જોવા જેવું છે. (એક સમયે લાલુપ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ માટે વખોડનારા કેજરીવાલ આજે સત્તા માટે બિહારમાં તેમનો પ્રચાર કરી રહ્યા છે જ ને. ક્યાં ગયા તેમના ભ્રષ્ટાચાર સામેના સિદ્ધાંતો, લડાઈ? જે લાલુપ્રસાદ યાદવ કટોકટીની વિરુદ્ધ લડ્યા અને કટોકટીના કાળા કાયદા મીસા પરથી તેમણે તેમની દીકરીનું નામ મીસા પાડ્યું તે મીસા કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે એક જ મંચ પર જોવા મળી રહ્યાં છે. સત્તા માટે સિદ્ધાંતોની આવી બાંધછોડ?) ભોજનમાં અચાનક જ જી. એમ. શાહે ધડાકો કર્યો: આપણો પક્ષ નેશનલ કૉન્ફરન્સ (કે) (કે એટલે ફારુકની બહેન ખાલિદાનો કે, પણ એ નામ પૂરતો જ, હકીકતે તો જી. એમ. શાહ જ સર્વેસર્વા હતા)ને ફારુક અબ્દુલ્લા હસ્તકની નેશનલ કૉન્ફરન્સમાં વિલીન કરવામાં આવે છે!

જી. એમ. શાહે સત્તા માટે જે ફારુક અબ્દુલ્લાને ભ્રષ્ટ ગણાવ્યા, કોમવાદી ગણાવ્યા, અલગતાવાદી ગણાવ્યા, સત્તા બચાવવા તે જ ફારુક અબ્દુલ્લાની શરણે જવા તૈયાર થઈ ગયા. એમાંના છ જણા જોકે ખમીરવાળા હોય કે ગમે તે કારણે, તેમણે આ નિર્ણયનો વિરોધ કર્યો. ત્રણ દિવસ પછી જી. એમ. શાહના ૧૪ મંત્રીઓએ જાહેર કર્યું કે એન. સી. (કે)નું અસ્તિત્વ હવે રહ્યું નથી ત્યારે તેઓ પોતાનું જૂથ રચશે.

જોકે, જી. એમ. શાહે ૭ માર્ચે ભોજન પર જે નિર્ણય કર્યો તેનાથી તેઓ પોતાની ખુરશી બચાવી શક્યા નહીં. તે દિવસે બપોરે શાહની રાહ જોઈ જોઈને કંટાળી ગયેલા જગમોહને ચાર લાઇનનો એક પત્ર રવાના કરી દીધો જેમાં શાહ સરકારને બરતરફ કરવાની જાહેરાત હતી. આ તરફ, જી. એમ. શાહ એન. સી. (કે)ના એન. સી. (એફ)માં વિલીનીકરણ અંગેના પત્ર અને રાજીનામાને લઈને સજ્જ હતા, પરંતુ હવે મોડું થઈ ચુક્યું હતું. જી. એમ. શાહના ૨૦ માસના શાસનનો અંત આવી ગયો હતો…

સામાન્ય રીતે રાજ્યપાલનું શાસન લદાય તે કોઈને ગમતું નથી. લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર જ લોકોને પસંદ પડે. પરંતુ જગમોહનના પગલાંને બધાએ આવકાર્યું. ફારુક અબ્દુલ્લાના પક્ષે પણ આવકાર્યું. તેમની માતાએ રાજ્યપાલના શાસનને આવકારતું નિવેદન આપતા કહ્યું, “અમે પૂર્ણ સહકાર આપીશું.” પીપલ્સ લીગના અબ્દુલ ગની લોને (જેમના દીકરા સજ્જાદ લોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમના પક્ષ પીપલ્સ કૉન્ફરન્સે પીડીપી-ભાજપ યુતિને ટેકો આપેલો, તેઓ જમ્મુ-કાશ્મીર સરકારમાં ઘેટા અને પશુ સંવર્ધન પ્રધાન પણ છે.) પણ જગમોહનના પગલાને સાચી દિશાનું પગલું ગણાવ્યું.

જી. એમ. શાહની સરકાર વખતે હડતાલ અને આંદોલનો રોજબરોજની ઘટના બની ગઈ હતી. તેનો હવે અંત આવી ગયો. રાજકીય પ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકો અને સામાન્ય લોકો સાથે બેઠકો કરીને જગમોહને સંચારબંધી તબક્કાવાર ઉઠાવી લીધી. તેમણે કહ્યું, “મારી પહેલી પ્રાથમિકતા કોમી સંવાદિતા અને લઘુમતી (એટલે કે હિન્દુઓ)માં વિશ્વાસ પાછો લાવવાની છે.” ભારે ઉત્સાહથી જગમોહન કોઈ સમય વેડફ્યા વગર રાજ્યને પજવતી સમસ્યાઓ ઉકેલવામાં લાગી ગયા. જી. એમ. શાહના ભ્રષ્ટાચારની તપાસ કરવાનો તેમણે જોકે ઈનકાર કરી દીધો. (આપણે ત્યાં આવું જ થાય છે. આક્ષેપો તો બધા જાતજાતના કરે છે, પરંતુ તપાસ કરવાની આવે ત્યારે તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવું થાય છે. વી. પી. સિંહ બોફોર્સના દસ્તાવેજો ખિસ્સામાં લઈ લઈને બધે ફર્યા અને રાજીવ ગાંધી સહિતના દોષિતોને સજા કરવાનું કહેલું. કંઈ થયું? તે પછી ભાજપની સરકાર આવી ત્યારે પણ બોફોર્સ કાંડમાં કંઈ નક્કર થયું નહીં. હવે જ્યારે સુષમા સ્વરાજ સામે સંસદમાં લલિત મોદીને તેમની પત્નીની સારવારના કિસ્સામાં મદદ કર્યાની વાત ઉઠે છે ત્યારે સુષમા રાહુલ ગાંધીને કહે છે કે “મમ્મીને પૂછો કે આપણને ક્વાત્રોચીના કિસ્સામાં કેટલા પૈસા મળ્યા? ડેડીએ (ભોપાલ ગેસ કાંડના આરોપી) એન્ડરસનને કેમ ભાગવા દીધો?” અરે ભાઈ! અત્યારે તમારી જ સરકાર છે. માત્ર આક્ષેપો શા માટે કરો છો? બોફોર્સની તપાસ કરાવો અને તમે જ કહો કે ક્વાત્રોચીના કેસમાં રાજીવ ગાંધી પરિવારને કેટલા પૈસા મળ્યા હતા?)

જગમોહને કારણ એવું આપ્યું કે જી. એમ. શાહ સરકારમાં ભ્રષ્ટાચારની તપાસ કરવાથી અધિકારીઓ તેમાં જ રોકાયેલા રહેશે અને રાજ્યની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત નહીં થાય. જગમોહને શ્રીનગરના ડિવિઝનલ કમિશનર તરીકે હમીદુલ્લા ખાન અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર તરીકે એ. એમ. વત્તાલીને ફરી પદસ્થાપિત કર્યા. આ લોકોએ ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાના માણસોને ગેરરીતિઓ કરતા રોક્યા હતા.

જગમોહનનું રાજ્યપાલનું શાસન ૭ માર્ચ ૧૯૮૬થી ૬ સપ્ટેમ્બર ૧૯૮૬ એમ છ મહિના ચાલ્યું. તેમાં તેમણે જમ્મુ-કાશ્મીર રાજ્ય ગૌણ સેવા ભરતી કાયદો લાવ્યો. તે સહિત ઘણી બાબતો તેમણે આ ટૂંકા ગાળામાં ઠીક કરવાની કોશિશ કરી. તેમણે રાજ્યમાં પાણી અને વીજળીની સમસ્યા હળવી કરી. પાણી અને વીજળી લોકોમાં અસંતોષનું એક મોટું કારણ હતી. વહીવટ પારદર્શી બની ગયો. તેમણે અધિકારીઓને કેટલાંક લક્ષ્યાંકો સમયબદ્ધ પૂરા કરવા આપીને તેમને જવાબદેહી બનાવ્યા. ભ્રષ્ટાચાર દૂર કરવા તેમણે સાર્થક પ્રયાસો કર્યા. રસ્તા, જાહેર પરિવહન, આરોગ્ય, શિક્ષણ, જાહેર બાંધકામ વગેરે ખાતાઓમાં નોંધપાત્ર સુધારો થયો. જગમોહનના વહીવટના કારણે તેમના માટે તમામ ધર્મ-પંથના લોકોમાં તેમના માટે આદર ઉત્પન્ન થયો. તેનાથી સ્થાપિત હિતો એકઠાં થયા. રાજકારણીઓ, દાણચોરો, ડ્રગ વેચનારાઓ, ભ્રષ્ટ અધિકારીઓ, કાળા બજારિયાઓ, સત્તાના દલાલો આ બધાએ જગમોહન સામે બદનામ કરતી ઝુંબેશ ચલાવી અને તેમને ‘મુસ્લિમોને નફરત કરનારા અને હિન્દુવાદી” ગણાવ્યા. (આ જગમોહને નહીં,પણ કર્નલ તેજ કે. ટિક્કુએ તેમના પુસ્તક ‘કાશ્મીર: ઇટ્સ એબ્રોજિન્સ એન્ડ ધેર એક્ઝોડસમાં લખ્યું છે.) પરિણામે ૬ સપ્ટેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું.

શૈખ અબ્દુલ્લાએ જે સડો દાખલ કરી દીધો હતો તે એટલો બધો વકરી ગયો હતો કે તેમના પરિવારજનો, પછી તેમના દીકરા ફારુક હોય કે તેમના જમાઈ જી. એમ. શાહ, બધા એ સડાને વધારતા જ ગયા અને પોતાનો લાભ લેતા ગયા. ફારુક અબ્દુલ્લા જગમોહનના શાસન પછી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમણે ઉપરોક્ત ભરતી કાયદો હટાવી દીધો!

ફારુક અબ્દુલ્લાએ જી. એમ. શાહ નામનો કાંકરો તો કાઢી નાખ્યો, પરંતુ પરંતુ જગમોહનના શાસનના કારણે પોતાના લાભો મળતા બંધ થઈ ગયા હતા. તેને દૂર કરવા કેન્દ્રમાં રાજીવ ગાંધી સાથે મૈત્રી જરૂરી હતી. આથી તેમણે તે માટે દાણા નાખવા માંડ્યા…

(ક્રમશ:)

ભાગ- ૧  કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

ભાગ-૨ કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

ભાગ-૩ કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

ભાગ-૪ નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

ભાગ-૫ શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

ભાગ-૬ હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડયંત્ર

ભાગ-૭  ઈન્દિરાની નિષ્ફળતાઃ યુદ્ધ જીત્યાં પણ કાશ્મીર પાછું ન મેળવ્યું

ભાગ-૮ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

ભાગ-૯ શૈખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધું!

ભાગ-૧૦ કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

ભાગ-૧૧ ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો

ભાગ-૧૨ ઈન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!

ભાગ-૧૩કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

ભાગ-૧૪ ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

ભાગ-૧૫ જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

ભાગ-૧૬ ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

ભાગ-૧૭ પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

ભાગ-૧૮ પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભાગ-૧૯ શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

ભાગ-૨૧ કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!