film, international, media, sanjog news, vichar valonun

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮)

સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી સેક્સ, લોકો ગમે તેવાં કપડાં પહેરે તો પણ ચાલે, જાહેરમાં ભેટાભેટી કે કિસમકિસી કરે તો પણ ચાલે, બધી વૈજ્ઞાનિક શોધો ત્યાં જ થઈ, એ લોકો વૈજ્ઞાનિક અને તર્કવાદી જ્યારે ભારતના લોકો ગમાર, ગામડિયા, અંધશ્રદ્ધાળુ, જડસુ, વાનરસેના જેવા, અપ્રમાણિક, અસ્વચ્છ, સેક્સ પ્રત્યે સૂગ ધરાવે, કપડામાં અને ખાણીપીણીમાં રૂઢિચુસ્તતતા વગેરે વગેરે.

આનું કારણ એ છે કે આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ બહુ સંશોધનમાં પડવા નથી માગતા. તેમનો વન પૉઇન્ટ એજન્ડા જ હોય છે કે ભારતને ખરાબ ચિતરવું જેથી ભારતનું ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ વિદેશ જતું રહે. આના માટે તેમને વિદેશ તરફથી ડૉલર મળતા હશે કે નહીં તે તો રામ જાણે, પણ હા, તેનાથી તેમને કેટલાંક વર્તુળોમાં વાહવાહ જરૂર મળી રહે છે. આ વર્તુળમાં રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા છતાં લઘુતાગ્રંથિથી પીડાતાં સંગઠનોનો પણ સમાવેશ થાય છે જે પણ પેલા બ્રાહ્મણની મનોદશામાં આવી જાય છે કે ખભે ખરેખર કૂતરું જ છે.

હકીકતે ભારતની સંસ્કૃતિ પ્રશ્નો પૂછવાની અને તર્ક કરવાની રહી છે છતાં આપણને અંધશ્રદ્ધાળુઓમાં ખપાવી દેવામાં આવે છે. ભારતમાં તર્ક કરવો અને સંવાદ કરવો તે મુખ્ય સંસ્કૃતિ રહી છે. તેથી ખુલ્લું મન રાખવું જરૂરી છે. ભારતે અને હિન્દુ ધર્મે જેટલી નવી બાબતો સ્વીકારી, કેટલીક તો નુકસાન જાય એ હદે સ્વીકારી, (હવે તો ભગવાનની જન્મજયંતીએ કેક ધરાવાય છે!) તેટલી અન્ય કોઈ પંથે સ્વીકારી નથી, તેમ છતાં આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુ આ ધર્મને-આ દેશને સતત બદનામ કરવાની પ્રવૃત્તિમાં મંડી પડ્યા છે. તમે પરંપરાનો વિરોધ કરો તો તમે પ્રગતિશીલ ગણાવ તેવી માન્યતા ઠોકી બેસાડી છે. લઘુમતીને ભડકાવો, સ્ત્રીઓને પરંપરાઓ સામે બળવો કરવા ઉશ્કેરો, કપડાં ટૂંકા પહેરો, જાતીયતાનું પ્રદર્શન કરો, પબ્લિક ડિસ્પ્લે ઑફ અફૅક્શનના નામે જાહેરમાં પ્રેમચેષ્ટાઓ કરો તો તમે ઉદાર. તમે અંગ્રેજી બોલો તો તમે આધુનિક. તમે ખભા ઉલાળીને વાત કરો તો તમે વેલ બિહેવ્ડ. જાહેરમાં પ્રેમની ચેષ્ટા કરો તો તે કુદરતી આવેગની અભિવ્યક્તિ પરંતુ કુદરતી આવેગવશ અને જાહેર શૌચાલયના અભાવે દેવીલાલ (પૂર્વ નાયબ વડા પ્રધાન) સડક પર લઘુશંકા કરે તો તેનો અખબારમાં ફોટો છાપી તેમને બદનામ કરવામાં આવે! આનું કારણ ભારતીય મિડિયામાં ભારતીયતાના વિરોધી લોકો કુંડાળું મારીને બેઠા છે. રાષ્ટ્રવાદીઓ ખુલીને બહાર આવતા નથી. તેમનામાં સંપ નથી એ પણ કડવી હકીકત છે. ફિલ્મ જગત અને શિક્ષણ જગતમાં પણ આવું જ છે.

પરંતુ માત્ર ભારતમાં જ આવું નથી, પશ્ચિમના જે લોકો શિષ્ટતામાં માને છે, જે લોકો પરંપરામાં માને છે તેમની પણ આ જ વેદના છે. પશ્ચિમમાં હૉલિવૂડ, મિડિયા અને શિક્ષણમાં આ લિબરલો-કલ્ચરલ માર્ક્સિસ્ટો કઈ રીતે ચડી બેઠા? અને તેમણે એવો તે કઈ રીતે પગદંડો જમાવી દીધો કે કોઈ રૂઢિચુસ્ત (કન્ઝર્વેટિવ) હોય (રૂઢિચુસ્તનો અર્થ નેગેટિવ ન લેવો જોઈએ, સારી પરંપરા હોય તો શું તે માત્ર પરંપરા છે એ જ કારણસર ફગાવી દેવાની?) તો તેને કામધંધાની પણ મુશ્કેલી પડી જાય?

જે બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ એવી દલીલ કરે છે કે પશ્ચિમમાં તો અભિવ્યક્તિની ખૂબ જ સ્વતંત્રતા છે તેમના સુધી આ લેખ પહોંચશે અને વાંચશે તો ચોંકી જશે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર લિબરલો પૂરતી જ સીમિત છે. તમે જો લિબરલ ન હો તો તમને અભિવ્યક્તિની કોઈ સ્વતંત્રતા નથી. અને જો તમે એ સ્વતંત્રતાનો પ્રયોગ કરો તો તમારે કામધંધો ભૂલી જવાનો. તમારું જીવવાનું હરામ કરી નાખે આ લિબરલો. તેઓ ભારે અસહિષ્ણુ હોય છે, તેઓ ટોળકી જમાવીને બેસે છે. આ ટોળકીનું નેટવર્ક જબરદસ્ત હોય છે. માનો કે મિડિયાની જ વાત કરીએ તો, અલગ-અલગ ચેનલ કે અખબારમાં લિબરલો રહેલા હોય તો તેમની વચ્ચે જોરદાર સંપર્ક હોય છે. એમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ તેઓ તેમના પોતાના અખબાર કે ચેનલ તો ઠીક, પરંતુ હરીફ અખબાર કે ચેનલમાં પણ કોઈ વિરોધી વિચારવાળાને ઘૂસવા નહીં દે.

અમેરિકાની જ વાત કરીએ એટલે આ દાખલા વધુ સમજાશે કારણકે આપણને પશ્ચિમનાં ઉદાહરણોની ટેવ પડી ગઈ છે. નીલ ગ્રોસ નામના સૉશિયૉલૉજીના પ્રૉફેસર છે. તેમણે સૉશિયૉલૉજી અને પૉલિટિકલ વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં લેખ છે (અને તે પણ ગત જાન્યુઆરીનો એટલે કે તાજો જ) – ‘વ્હાય હૉલિવૂડ ઇઝ સૉ લિબરલ?’. આ લેખ વાંચવા જેવો છે. જેમ ભારતના ફિલ્મી એવૉર્ડમાં અભિનેતા-અભિનેત્રીઓ, ખાસ કરીને અભિનેત્રીઓ હવે નામ પૂરતાં કપડાં પહેરે છે, હિન્દી ફિલ્મ માટેનું ભાષણ અંગ્રેજીમાં આપે છે, વિદેશમાં પ્રશંસા મેળવવા પ્રિયંકા ચોપરા રોહિંગ્યા મુસ્લિમોને મળવા જાય છે (પરંતુ કાશ્મીરી પંડિતોને મળવા નથી જતા) તેમ હૉલિવૂડના એવૉર્ડનું પણ છે. ભારતમાં અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો ગમે તેટલી હિટ ફિલ્મો આપે તેમને એવૉર્ડ નહીં મળે. પોતાની એકેય ફિલ્મમાં હજુ સુધી કિસનું દૃશ્ય ન કરનાર સલમાનને પણ એવૉર્ડ ઓછા મળશે. આમીર ખાનને નહીં જ મળે. પરંતુ એવૉર્ડના સ્ટેજ પર ગે ચેષ્ટાઓ અને તેવા જૉક ફટકારનાર, બીજાનું અપમાન કરનાર, શાહરુખ-કરણ જોહર પર એવૉર્ડની વર્ષા થશે. નીલભાઈ લખે છે કે ગૉલ્ડન ગ્લૉબ અને ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડમાં પણ અભિનેતા-અભિનેત્રી પોતે કેટલા ‘પ્રૉગ્રેસિવ’ છે તે બતાવશે. એવૉર્ડ સ્વીકારતાં ભાષણોમાં વંશીય ન્યાય, માધ્યમોનું સ્વાતંત્ર્ય, માનવ અધિકારો વગેરેની મોટીમોટી વાતો કરશે.

આનું એક કારણ તો એ છે કે ભારતમાં જેમ મોટા ભાગના કલાકારો મુંબઈમાં રહે છે તેમ અમેરિકામાં હૉલિવૂડના ૫૭ ટકા લોકો કાં તો કેલિફૉર્નિયામાં રહે છે અથવા તો ન્યૂ યૉર્કમાં. કેલિફૉર્નિયા અને ન્યૂ યૉર્ક સામાન્ય રીતે ડેમૉક્રેટિક પક્ષના મજબૂત ગઢ છે. આથી ડેમૉક્રેટ પક્ષને નાખુશ કરીને તમે હૉલિવૂડ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકો.  ફિલ્મ જગતમાં રહેવું હોય તો યૂનિયનના સભ્ય પણ રહેવું પડે. ચાહે તે સ્ક્રીન ઍક્ટર ગિલ્ડ હોય કે ઍક્ટર્સ ઇક્વિટી ઍસોસિએશન, આ યૂનિયનો મોટાભાગનાં સામ્યવાદી છે. (ડિટ્ટો ભારતીય ફિલ્મ જગત. ત્યાં પણ સામ્યવાદીઓ પહેલેથી જ ચોકો જમાવી બેસી ગયા છે.) કોઈ ગુંડો કોઈ વ્યક્તિને એક વાર માર પડે પછી તે વ્યક્તિ હંમેશાં ગુંડાથી દબાયેલી જ રહે છે, તેમ કૉંગ્રેસે કટોકટી (ઇમર્જન્સી) લાદી અને તે વખતે ફિલ્મ કલાકારોને સંજય ગાંધીના દરબારમાં ફરજિયાત કાર્યક્રમો કરવા પડેલા. તે પછી એટલી હદે ધાક પેસી ગઈ કે તમે ૮૦ના દાયકામાં આવેલા જિતેન્દ્ર, હેમા માલિની, શ્રીદેવી અભિનિત ‘જસ્ટિસચૌધરી’ ફિલ્મમાં જસ્ટિસ ચૌધરી બનેલા જિતેન્દ્રના ઘરમાં દીવાલ પર પં. નહેરુની તસવીર જોઈ શકો. અરે! ૨૦૦૮માં આવેલી આમીર ખાન નિર્મિત ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’માં પરેશ રાવલના પોલીસ મથકની દીવાલ પર ઈન્દિરા ગાંધીની તસવીર દેખાશે. નરેન્દ્ર મોદીજીના માનીતા અને ભાજપ માટે પ્રચાર પણ કરતા નિર્માતા-કલાકારોની સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નહેરુ કે ઈન્દિરાજીની તસવીર પૉલીસ મથકમાં જોવા મળી હતી. પરંતુ જો આજે કોઈ ફિલ્મમાં દીવાલ પર અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદીની તસવીર દેખાય તો આ લિબરલો હોબાળો મચાવી દે! (આ તસવીરો પણ અચેતન મગજમાં એક સંદેશ આપતી હોય છે. જો તેમ ન હોત તો ભાજપના નેતાઓ મંચ પર નરેન્દ્ર મોદી-અમિત શાહ કે કૉંગ્રેસના નેતાઓ મંચ પર સોનિયા-રાહુલની વિશાળ તસવીરો સાથેનું બૅનર ન લગાડતા હોત)

આમ, હૉલિવૂડ કે બૉલિવૂડમાં તમારે કામ કરવું હોય તો લિબરલ ટોળકીના ભાગ રહેવું જ પડે. કલાના જગતમાં કોઈ અનામત નથી હોતી કે કોઈ એવા નિયમો નથી હોતા કે જેના વિરુદ્ધ તમે કૉર્ટમાં જઈ શકો. ઈમરાન હાશ્મીને મુંબઈમાં ઘર ન મળે તો તે બૂમરાણ મચાવી શકે છે જેને મિડિયા હાઇપ પણ આપે છે પરંતુ વિવેક ઓબેરોય ઐશ્વર્યા રાયને અતિશય હેરાનગતિ કરનારા સલમાન ખાન સામે પડે તો વિવેકની કારકિર્દીને એટલું નુકસાન થાય કે તે ક્યારેય બેઠો થઈ શકતો નથી. (આમાં અભિનયક્ષમતાની જો કોઈ બુઠ્ઠી દલીલ કરે તો તે ન ચાલે કારણકે વિવેકે ‘કંપની’ જેવી હાર્ડ હિટિંગ, ‘સાથિયા’ જેવી રોમેન્ટિક ફિલ્મ કે પછી ‘મસ્તી’ જેવી સેક્સ કૉમેડી ફિલ્મો દ્વારા પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરેલી જ છે.) એટલે હૉલિવૂડમાં પણ આવું જ છે. અહીં જો તમે લિબરલોની ટોળીના ભાગ ન હો તો તમને કામ મળવું મુશ્કેલ છે. સ્ટેશી ડેશ જેવી જાણીતી અભિનેત્રી, ટીમ એલન જેવા પ્રસિદ્ધ અભિનેતા અને કૉમેડિયન, અભિનેતા કેલસી ગ્રામર, અભિનેત્રી એન્જી હાર્મન સાથે શું કર્યું આ લિબરલોએ તે આવતા અંકે. લિબરલોની દાદાગીરી અંગે ઘણીઘણી વાતો કરવાની છે. આ કૉલમ ચૂકવાનું પોસાશે નહીં.

(ક્રમશ:)

Advertisements
gujarat guardian, literature, television

ના આ હસવાની વાત નથી, હાસ્ય કવિ પણ અભિનય કરે છે!

(ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં ‘ટેલિટોક’ કૉલમમાં તા. ૧૮/૯/૧૫ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.)

એવું કહેવાય છે કે કવિને ત્યાં ખાવાના ફાંફા હોય, પણ સંભળાવવા માટે કવિતા ભરપૂર હોય. કવિ હંમેશાં ગરીબ હોય. કુર્તા-પાયજામામાં હોય, ખભે થેલો લટકાવેલો હોય. ટૂંકમાં સરસ્વતીના ભરપૂર આશીર્વાદ હોય પરંતુ લક્ષ્મીજી કુપિત હોય.

જોકે આ જૂના જમાનાની વાત હશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કવિઓને સારા એવા પૈસા અને પ્રસિદ્ધિ મળવા લાગ્યા છે, થેંક્સ ટૂ ટીવી. જો તમે ૩૦થી ઉપરની ઉંમરના હશો તો તમને હોળી વખતે આવતા હાસ્ય કવિ સંમેલન યાદ હશે. તેમાં શૈલ ચતુર્વેદી, અશોક ચક્રધર, શરદ જોશી, કાકા હાથરસી વગેરે યાદ હશે.

તમે નવી પેઢીના હશો તો બેએક વર્ષ પહેલાં સબ ટીવી પર એક કાર્યક્રમ આવેલો તે યાદ હશે- વાહ વાહ ક્યા બાત હૈ. આ કાર્યક્રમનું સોની પલ પર પુનઃપ્રસારણ થાય છે. (દરેક ચેનલોની એવી ભગિની ચેનલો હોય જ છે, જેના પર તે ચેનલના જૂના કાર્યક્રમો દર્શાવાય, જેમ કે, સ્ટાર પ્લસની સ્ટાર ઉત્સવ, ઝીની ઝી અનમોલ, સોની-સબની સોની પલ, કલર્સની રિશ્તે…) આ ‘વાહ વાહ ક્યા બાત હૈ’નું સંચાલન શૈલેષ લોઢા- નેહા મહેતા (‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના તારક  મહેતા અને અંજલી) સાથે કરતાં.

અને તમને એ પણ યાદ હશે કે ૨૦૦૬ની આસપાસ સ્ટાર વન (જેનું નામ બાદમાં લાઇફ ઓકે કરી નખાયું) તેના પર ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ નામનો શો આવતો હતો. તેમાં બીજા બધા ઉપરાંત અહેસાન કુરૈશી તેની હાસ્ય કવિતા (કવિતા કહેવાય કે નહીં તે એક સવાલ છે) અને તેના વાળના અને મોઢાના ઝટકાના તેમજ બોલવાના લહેકાના કારણે પ્રચલિત થયા હતા.

તમને થશે કે આ કૉલમ તો ટેલિવિઝનની છે, તેમાં કવિઓની વાત શા માટે? અરે ભાઈ! હજુ ન સમજાયું? આમાંથી મોટા ભાગના વચ્ચે, તેઓ કવિ હોવા સિવાય, બીજી એક વાત સામાન્ય છે. તેઓ બધા ટીવી સિરિયલો સાથે સંકળાયેલા છે. યાદ આવી ગયું? હજુ યાદ ન આવ્યું? ચાલો, એક-એક કલાકાર વિશે વાત કરીએ એટલે યાદ આવતું જશે.

શરદ જોશી એટલે હિન્દીના ધૂરંધર કવિ. તેમની કવિતાઓમાં હાસ્ય જેટલું જ વ્યંગ પણ હોય. તેઓ કવિ હોવા ઉપરાંત લેખક, વ્યંગકાર, સંવાદલેખક, કથા લેખક હતા. તેમનું પ્રદાન ટીવી ક્ષેત્રે ઘણું છે. ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ કોમેડી સિરિયલ કહી શકાય તેવી ‘યે જો હૈ ઝિંદગી’ના લેખક તેઓ હતા. તેમણે  ‘વિક્રમ ઔર બૈતાલ’, શેખર સુમન અને કિરણ જુનેજાની રોમેન્ટિક કોમેડી સિરિયલ ‘વાહ જનાબ’ સિરિયલો લખેલી. તેમનું નિધન ૧૯૯૧માં થઈ ગયેલું પરંતુ તેમના સર્જન પર બેએક વર્ષ પહેલાં સબ ટીવી પર નિર્માતા-નિર્દેશક અશ્વિની ધીરે ‘લાપતાગંજ’ સિરિયલ અને અજય દેવગન, કોંકણા સેન શર્મા અભિનિત ‘અતિથિ તુમ કબ જાઓગે’ ફિલ્મ બનાવી હતી.

આવા કવિઓ અભિનેતા બને ત્યારે તેમને જોઈને એવું કહેવાનું મન ન થાય કે ‘તુમ કબ જાઓગે?’. શૈલ ચતુર્વેદીની જ વાત કરીએ તો તેમણે માત્ર સિરિયલો જ નહીં, પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જેમ હિન્દી ફિલ્મોમાં સલીમ-જાવેદ સૌથી સફળ લેખકમાંના એક ગણાય છે તે જ રીતે મનોહર શ્યામ જોશી પણ ટેલિવિઝન ખાતે સૌથી સફળ લેખક પૈકીના એક નિઃશંક કહી શકાય. દૂરદર્શનના (અને ટીવીના પણ) શરૂઆતના તબક્કામાં સફળ ધારાવાહિકો પૈકી ઘણા ખરા મનોહર શ્યામ જોશીએ લખ્યા હતા. નામ નોંધવા હોય તો નોંધી લો:  હમ લોગ, બુનિયાદ, મુંગેરીલાલ કે હસીન સપને, હમરાહી, ઝમીન આસમાન, ગાથા. અરે એક નામ તો રહી જ ગયું. ‘કક્કાજી કહીન’.

તમે કહેશો કે આ ‘કક્કાજી કહીન’ પેલી ઓમ પુરીવાળી તો નહીં જેમાં ઓમ પુરી નેતા હોય છે અને મોટા અવાજે (‘યમ હૈ હમ’ના યમરાજા-ચિત્રગુપ્ત યાદ આવી જાય તેવું) અટ્ટહાસ્ય કરે છે? તો હું કહીશ, ‘સહી પકડે હૈં’. આ ‘કક્કાજી કહીન’ રાજકારણીઓ પર વ્યંગવાળી સિરિયલ હતી. તેમાં નેતાનું પાત્ર શૈલ ચતુર્વેદી નામના દૂરદર્શનના હોળી નિમિત્તે હાસ્ય કવિ સંમેલનમાં અચૂક જોવા મળતા હાસ્ય કવિ ભજવતા હતા. આ શૈલ ચતુર્વેદીની વ્યંગ રચના પણ જોઈએ. તેમણે ‘બાઝાર કા યે હાલ હૈ’ કવિતામાં લખેલું:

કિતાબવાલા કહેતા હૈ-

ક્યા કહા?પ્રેમચંદ કા ગોદાન?

યે કિતાબો કી દુકાન હૈ

કિસી ભી ગૌશાલા મેં જાઈયે શ્રીમાન

યહ નામ તો હમને પહલી બાર સુના હૈ

આપને ભી કૌન સા ઉપન્યાસ ચુના હૈ

હમ તો પ્રેમકથાયેં બેચકર બૂઢોં કો જવાન કર રહે હૈં

મામૂલી દુકાનદાર હૈ લેકિન રાષ્ટ્રીય ચરિત્ર કા નિર્માણ કર રહે હૈ

શૈલ ચતુર્વેદીએ ‘કક્કાજી કહીન’ ઉપરાંત ‘બ્યોમકેશ બક્ષી’, ‘ઝબાન સંભાલ કે’ અને ‘શ્રીમાન શ્રીમતી’ (ભાભીજી ઘર પે હૈનું જૂનું વર્ઝન)માં અભિનય કર્યો હતો તો ‘ઉપહાર’, ‘ચિતચોર’, ‘ચમેલી કી શાદી’, ‘નરસિંહા’, ‘ધનવાન’ અને ‘કરીબ’ જેવી ફિલ્મો પણ કરી હતી.

શૈલ ચતુર્વેદી જે સમયમાં હાસ્ય કવિ સંમેલનોમાં આવતા તે વખતે એક બીજા કવિ પણ હતા – અશોક ચક્રધર. તેમની હાસ્ય કવિતાઓ પણ સારી હતી. તેમના શ્લેષ અલંકાર પણ યાદગાર હતા. તેઓ ઝી ન્યૂઝ પર ૧૯૯૮ વખતે ચૂંટણીને લગતા હાસ્ય કાર્યક્રમનું એન્કરિંગ કરતા હતા. તેમણે ચૂંટણીને લગતા સમાચારોને પાનના ગલ્લા જેવા ગણાવતા શ્લેષ (અંગ્રેજીમાં પન) કરેલો કે ચુનાવ કથા ઐસી હૈ જૈસે ચૂના વ કથ્થા.

આ અશોક ચક્રધરનું જોકે અભિનેતા તરીકે બિલકુલ અલગ રૂપ સોની ટીવી પર આવેલી ‘છોટી સી આશા’ સિરિયલમાં જોવા મળેલું. તેમાં તેઓ લાગણીશીલ દેખાયા હતા. જો ભૂલતો ન હોઉં તો મોટા ભાગે તેઓ ત્રણ બાળકોના દાદા હતા, જેમનો દીકરો ગુજરી જાય છે. પછી તેમની પુત્રવધૂ પોતાનાં બાળકોને અલગ-અલગ લોકોને દત્તક દઈ દે છે. સુપરહિટ ‘એક દૂજે કે લિયે’ બનાવનાર જાણીતા તમિલ નિર્દેશક કે. બાલાચંદર આ સિરિયલના નિર્દેશક હતા.

જેમ ૩૦થી ઉપરની ઉંમરની પેઢી ‘હમલોગ’ સિરિયલમાં અંતે અશોકકુમાર આવતા તેની મિમિક્રી (છન્ન પકૈયા છન્ન પકૈયા) કે તે વાતો યાદ કરે છે તે જ રીતે વર્ષો પછી જ્યારે લોકો આજના સમયને યાદ કરતા હશે, ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લે શૈલેષ લોઢાના સૂત્રધાર તરીકેના કામને યાદ કરશે. તેમની ઝડપથી બોલવાની સ્ટાઇલ, હંગામે તો બહોત હોંગે, લેકિન આપ કે ઘર મેં ઠહાકે ગૂંજેંગે, દેખતે રહિયે મેરે સાથ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા..આ બધું યાદ કરાશે. શૈલેષ લોઢા અભિનેતા બન્યા તે પહેલાં તેઓ કવિ તરીકે ઘણી નામના મેળવી ચુક્યા હતા. તેમને એક હાસ્ય કવિ સંમેલનનું સંચાલન કરતા જોઈ સબ ટીવી (જ્યારે તેને સોની નેટવર્કે ખરીદી નહોતી અને અધિકારી બ્રધર્સની માલિકીની હતી) પર ‘વાહ વાહ’ નામના કવિઓના કાર્યક્રમનું સંચાલન કરવા કહ્યું. તે પછી તો ‘તારક મહેતા…’ સિરિયલ મળી અને પછી તો એ જ નેહા મહેતા સાથે ‘વાહ વાહ ક્યા બાત હૈ’માં એન્કરિંગ પણ કર્યું. તેમાંય બ્રેક લેવાની તેમની સ્ટાઇલ જાણીતી બની હતી. હમ દેતે હૈ અગલે કવિ કા અભી નામ, લેકિન ઈસ વક્ત એક અલ્પવિરામ…

ઉપર વાત કરી તેમ સ્ટાઇલના મામલે અહેસાન કુરૈશી પણ જાણીતા બન્યા. ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં તેમની સ્ટાઇલ અને તેમની કહેવાતી હાસ્ય કવિતાએ નિર્ણાયકો શેખર સુમન અને નવજોતસિંહ સિદ્ધુને જ નહીં, એ કાર્યક્રમ જોતા ઘણા ખરા દર્શકોને પેટ પકડીને હસાવ્યા. અહેસાન કુરૈશી મૂળ તો શિક્ષક હતા. પણ આ કાર્યક્રમે તેમના માટે એક નવી ક્ષિતિજ ઉઘાડી દીધી અને પછી તો તેમની ગાડી નિકલ પડી. તેમણે ‘બિગ બોસ’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો. ‘બોમ્બે ટૂ ગોવા’ (મહેમૂદવાળી નહીં, સુનીલ પાલવાળી) અને થોડા મહિનાઓ પહેલાં આવેલી ‘એક પહેલી લીલા’માં માનસિંહનું પાત્ર ભજવ્યું અને હવે સબ ટીવી પર આવતી ‘હમ આપ કે ઘર મેં રહતે હૈં’માં પ્રોફેસર ત્રિપાઠીની ભૂમિકા ભજવી રહ્યા છે. દેખો મૈં પહેલે હી બતા દેતા હૂં આપ મુઝે સી..ઇઇરિયસલ  લીજિયે….અને ગધા કહીં કા…ચલ સોરી બોલ…આ તકિયાકલામ સાથે તેમનો અભિનય લોકોને બહુ હસાવે છે.

gujarat guardian, television

પ્રાઇમ ટાઇમ રિપીટ કરી શકાય?

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘ટેલિટોક’ કૉલમમાં આ  લેખ તા. ૧૧/૯/૧૫ના રોજ પ્રસિદ્ધ થયો.)

સામાન્ય રીતે ભારતીય ટેલિવિઝન પર પ્રાઇમ ટાઇમ ૮ વાગ્યાથી ચાલુ થઈને ૧૧ વાગ્યા સુધી ચાલે છે. આ સમય દરમિયાન સિરિયલોના નવા હપ્તા દર્શાવાય છે. ચેનલોને લાગે કે જે સિરિયલો વધુ સારી ચાલી શકે તેમ છે, તેવી સિરિયલોને આ સમયગાળા દરમિયાન દર્શાવાય છે. પરંતુ આ સમયગાળા દરમિયાન આવતી પોતાની મનગમતી સિરિયલ જોઈ ન શકે તેવા લોકોએ શું કરવાનું? ઋષિ-મુનિઓની જેમ મોહમાયા ત્યાગી દેવાની? એક કરતાં વધુ હપ્તા જો ચુકાઈ જવાય તો પછી લોકો એ સિરિયલ જોવાનું જ બંધ કરી દે. આ તો ટીવી ચેનલ માટે ખોટની વાત પુરવાર થાય. તેમને દર્શક ગુમાવવો પોસાય નહીં.

આજે ભાગદોડનો જમાનો છે. દરેક જણ કમાવા માટે દોડે છે. કમાઈને પાછું મનોરંજન પણ મેળવવું છે. પણ દરેક વ્યક્તિ એવી સદભાગી નથી હોતી કે સવારે ૧૦થી ૬ની જ નોકરી હોય. અનેક લોકો પાળી (શિફ્ટ)માં કામ કરતા હોય છે. વળી, મુંબઈ જેવું શહેર હોય કે હવે તો અમદાવાદમાં, પણ ઘણી વાર રાત્રે ૧૦ કે ૧૧ વાગે પહોંચતા હોય તેવું બને છે. તો ઘણા પુરુષોને આ સમય દરમિયાન સમાચાર જોવા હોય છે. આના કારણે ઘણી વાર રાત્રે ૮થી ૧૧ વાગ્યાના સ્લોટમાં આવતી સિરિયલો ચુકી જવાય છે. આના માટે કોઈ ઉપાય?

ઉપાય છે અને નથી પણ.

કઈ રીતે? આવો સમજીએ. મોટા ભાગની જીઇસી એટલે કે સામાન્ય મનોરંજન આપતી ચેનલો (સબ, સોની, ઝી, સ્ટાર પ્લસ, લાઇફ ઓકે, કલર્સ, એન્ડ ટીવી, બિગ મેજિક વગેરે) ચોવીસ કલાકની હોય છે. હવે ચેનલને ચોવીસ કલાક ચલાવવી હોય તો બધી સિરિયલોના નવા હપ્તા દર્શાવવા મોંઘા પડે. એટલે મુખ્યત્વે સાંજે પાંચથી રાતના ૧૧ વાગ્યા સુધી સિરિયલોના નવા હપ્તા દર્શાવાય અને બાકીના સમયમાં આ સિરિયલોનું પુનઃપ્રસારણ કરાય છે. એટલે આ ઉપાય તો થયો કે જે લોકો રાતના આઠથી અગિયાર વાગ્યા સુધીમાં સિરિયલની ગાડી ચુકી ગયા હોય તેઓ આ પુનઃપ્રસારણ જ્યારે થાય ત્યારે ગાડી પાછી પકડી લે.

જ્યારે કલર્સ ચેનલની શરૂઆત થઈ ત્યારે તેના ઘણા કાર્યક્રમો નિશ્ચિત સમયે રિપીટ થતા હતા. થોડા મહિનાથી એન્ડ ટીવી નવી નવી શરૂ થઈ છે તો તેના બેચાર કાર્યક્રમો આખો દિવસ રિપીટ થયા કરે છે. એક ઉદાહરણ. એન્ડ ટીવી પર ‘ભાભીજી ઘર પે હૈ’ સિરિયલ ખૂબ જ લોકપ્રિય છે. સબ ટીવી પર ‘એફઆઈઆર’ બનાવનાર કંપની એડિટ-૨ની આ સિરિયલ છે. તેના નિર્દેશક પણ ‘એફઆઈઆર’વાળા જ છે- શશાંક બાલી. તેમાં મુખ્ય ચાર પાત્રો- વિભૂતિ (આસીફ શેખ), અનિતા (સૌમ્યા ટંડન), તિવારી (રોહિતાશ ગૌડ), અંગૂરી (શિલ્પા શિંદે)નાં પાત્રો તો જોરદાર છે જ, પરંતુ સાથે હવાલદાર (યોગેશ ત્રિપાઠી), વિભૂતિની માતા (મંજુ શર્મા), તિવારીની માતા (સોમા રાઠોડ), પંડિત (શેખર શુક્લ), પાગલ સક્સેના (સાનંદ વર્મા) તેમજ મૂંગા રિક્ષાવાળો પેલુ (અક્ષય પાટીલ)નું પાત્ર પણ અદ્ભુત છે. આ પેલુ એટલે કે અક્ષય પાટીલ તો પાછો આ સિરિયલનો સહાયક નિર્દેશક પણ છે. આ સિરિયલનો મૂળ સમય રાતના ૧૦.૩૦નો છે. પરંતુ તેનું પુનઃપ્રસારણ રાતના ૧૧.૩૦ વાગે થાય છે. આમ તમે રાતના ૧૦.૩૦ વાગે ન જોઈ શક્યા હોય તો રાતના ૧૧.૩૦ વાગે તમે જોઈ શકો.

માનો કે રાતના પણ નથી જોઈ શક્યા તો સવારના ૮.૩૦ વાગે તમે જોઈ શકો છો. અરે, તમે સવારના ૮.૩૦ વાગે પ્રાતઃવિધિ કે પૂજાપાઠમાં હો તો સવારના ૯.૩૦ વાગે જોઈ શકો છો. માનો કે સ્ત્રીઓને પણ આ સિરિયલ ગમે છે (કેમ કે મોટા ભાગે પુરુષોને તે વધુ પસંદ પડે છે) તો તેઓ સાંજના ૬.૩૦ વાગે જોઈ શકે છે!

બોલો! એક જ સિરિયલનું કેટલી વાર પુનઃપ્રસારણ! પરંતુ માનો કે ચેનલ આટલી બધી  વાર પુનઃપ્રસારણ કરી ન શકે તો બે વાર નિશ્ચિત સમયે તો ફરી દર્શાવી જ શકે. સબ ટીવી પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સામાન્ય રીતે ગુજરાતીઓની ફેવરિટ સિરિયલ છે. (અન્ય ભાષીઓને પણ આ સિરિયલ ગમે જ છે.) આ સિરિયલ મુંબઈ સ્થિત પાત્રોવાળી છે. અને મુંબઈના ગુજરાતી લોકોને પસંદ પડે તેવી ઘણી બાબતો તેમાં હોય છે. પરંતુ મુંબઈના લોકો રાતના ૮.૩૦ વાગે કંઈ આ સિરિયલ જોઈ ન શકે. નોકરી-ધંધા પરથી આવતા રાતના ૯ કે ૧૦ તો વાગી જ જાય. એટલે આ સિરિયલ ઘણા સમયથી રાતના નિશ્ચિત સમયે ફરીથી દેખાડાય છે. અને તે સમય છે ૧૧ વાગ્યાનો. એટલે જે લોકો રાતના ૮.૩૦ વાગે નથી જોઈ શકતા તેઓ રાતના ૧૧ વાગે ફરીથી જોઈ શકે છે.

મને યાદ છે, વર્ષો પહેલાં ઝી ટીવી નવું નવું હતું ત્યારે તેની સિરિયલોની જાહેરખબર વખતે તેમાં એવું બોલાતું હતું કે ‘હમ પાંચ’ ભારતમાં ૮ વાગે અને યુએઇમાં આટલા વાગે. ચતુર દર્શકો યુએઇના સમયને ભારતના સમયમાં રૂપાંતરિત કરી એ સમયે ચુકી ગયેલો હપ્તો જોઈ લેતા.

અગાઉ એક એવો ટ્રેન્ડ પણ ચાલ્યો હતો કે સોમથી શુક્રવારમાં ‘તારક મહેતા…’ના જે હપ્તા દેખાડાયા હોય તેને શનિવારે સળંગ ફરીથી દર્શાવવા. આના કારણે શનિવારની રજામાં લોકો આખા અઠવાડિયાના હપ્તા જોઈ શકતા હતા. (જોકે આનો લાભ માત્ર સરકારી કર્મચારીઓ, સ્ત્રીઓ અને શાળામાં ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને જ મળે.)

જોકે એન્ડ ટીવી, કલર્સ અને સબ ટીવી જેવી બધી ચેનલો નથી, જેની ફેવરિટ સિરિયલોના પુનઃપ્રસારણના સમય એકધારા જળવાય. સબ ટીવીમાંય ‘તારક મહેતા’ના પુનઃપ્રસારણનો સમય (રાતના ૧૧વાળો) જ એકધારો જળવાઈ રહ્યો છે. બાકીની સિરિયલોના સમય બદલાતા રહે છે. બીજા દિવસે સવારથી લઈ સાંજ સુધી જે કાર્યક્રમો દર્શાવાય છે તેમાં પણ કોઈ એકધારો સમય નથી હોતો કે આ સિરિયલ આટલા વાગે જ ફરીથી બીજા દિવસે બતાવાશે. સ્ટાર પ્લસની વાત કરીએ તો તેના પર ‘તેરે શહેર મેં’ સિરિયલ આવે છે. તેમાં જોકે અત્યારે એવો ધડમાથા વગરનો વળાંક અપાયો છે કે માનવામાં ન આવે. તેમાં શરૂઆતમાં એવું દર્શાવાયું હતું કે સ્નેહા માથુર (ગૌતમી ગાડગીલ)ની દીકરી અમાયા પેરિસમાં ભણતી હતી. અને અન્ય છોકરીઓ મુંબઈ રહેતી હતી. સ્નેહાના પતિએ દેવું કરીને આપઘાત કરી લીધો છે. હવે તે લોકો બનારસમાં રહેવા આવ્યા છે. હવે બનારસમાં એક માથાભારે સ્ત્રીને માથુર પરિવાર સાથે વાંકુ પડતાં તે બ્લેકમેઇલિંગ કરે છે અને રચિતાના બદલે અમાયાનાં લગ્ન તેના દીકરા રામા સાથે કરાવે છે. તે વારેવારે સ્નેહાનું સત્ય બહાર પાડી દેવાની ધમકી આપે છે. અમાયા આ ધમકી સામે ઝૂકી જઈ રામા સાથે લગ્ન કરી લે છે. પેરિસમાં ભણેલી કોઈ છોકરી અત્યારે આ રીતે બ્લેકમેઇલિંગને વશ થઈ જાય? શું તે તેની માતાને કે બહેનોને કે નાનાને વાત ન કરી શકે? શું તે પેલી માથાભારે સ્ત્રીનું વિડિયો રેકોર્ડિંગ ન કરી શકે? શું તે પોલીસમાં ફરિયાદ ન કરી શકે?

ઠીક છે. હવે આ સિરિયલ પહેલાં ૧૦ વાગે આવતી હતી. પણ ૩૧ ઑગસ્ટથી ‘સુમિત સંભાલ લેગા’ને ૧૦ વાગ્યાના સમયથી શરૂ કરાઈ એટલે ‘તેરે શહેર મેં’ને ખસેડીને રાતના ૧૦.૩૦ના સમયે લઈ જવાઈ. ‘તેરે શહેર મેં’ રાતના જોવાનું ચુકી ગયેલી સ્ત્રીઓ સવારના ૧૧.૩૦ વાગે રિપીટ ટેલિકાસ્ટમાં જોઈ શકતી હતી, પરંતુ હવે તેને સવારના ૬.૩૦ વાગે જ દર્શાવાય છે. બોલો, સવારના ૬.૩૦ વાગે કોણ જોઈ શકવાનું હતું?

ચાલો, પુનઃપ્રસારણ છોડો. આ જમાનો ઇન્ટરનેટનો છે. લોકોએ ખાંખાખોળા કરીને શોધી કાઢ્યું છે કે જે તે સિરિયલના હપ્તા રાતના ૧૧ વાગ્યા પછી કેટલીક વેબસાઇટ પર મૂકી દેવામાં આવે છે. એમ તો યૂ ટ્યૂબ પર પણ હપ્તા મૂકાય છે, પરંતુ તે હપ્તા તે જ દિવસે રાતે નથી મૂકાતા અને વળી આ હપ્તા જે-તે ચેનલ તરફથી સત્તાવાર રીતે મૂકાય છે અને તેમાં કેટલોક ભાગ એડિટ કરી દેવાય છે. પણ ઇન્ટરનેટ પર તકલીફ એ છે કે જે વેબસાઇટો પર મૂકાય છે, તે વેબસાઇટ કમાણી કરવા માટે જાહેરખબર દર્શાવે છે. આ જાહેરખબરો ઘણી વાર અશ્લીલ અથવા ગેમ્બલિંગ (જુગાર)ની હોય છે. ઇન્ટરનેટથી પાકા માહિતગાર લોકો ન હોય તેવા લોકો ભળતી લિંક પર ક્લિક કરીને માલવેર, સ્પાયવેર, એડવેર કે એવા નુકસાન કરે તેવા સૉફ્ટવેરને ડાઉનલોડ કરી દે તેવું પણ બને. ઉપરાંત આ વેબસાઇટો પર એક જ હપ્તાની ત્રણ ચાર લિંક આપવામાં આવી હોય છે. તેમાંથી ક્યારેક અમુક લિંક તો ક્યારેક બધી લિંક કામ કરતી નથી હોતી. માનો કે બધું સમુસૂતરું પાર ઉતરી જાય અને તમે ઇન્ટરનેટ પર હપ્તા જોઈ શકો છો, તો વળી, પ્રશ્ન એ આવે કે ઇન્ટરનેટ પર હપ્તા જોવાના કારણે ડેટા તો વપરાવાનો જ. તેના પૈસાનું શું? કેબલ/સેટ ટોપ બૉક્સના પૈસાય ભરવાના ને ઇન્ટરનેટ પર સિરિયલ જોઈને તેના ડેટાવપરાશ માટેય પૈસા આપવાના?

અમને લાગે છે કે ચેનલોએ જ આનો ઉપાય કરવો જોઈએ. આનાથી તેમને લાભ છે જ. કઈ રીતે? જુઓ, ચેનલો ચોવીસ કલાક કાર્યક્રમો આપવા પ્રાઇમ ટાઇમની સિરિયલોનું પુનઃ પ્રસારણ તો કરે જ છે. પરંતુ તે તેના પુનઃ પ્રસારણના સમયની જાહેરાત વગર આમ કરે છે. આથી દર્શકોએ નવરાશ મળે ત્યારે ટીવી શરૂ કરીને જોવું પડે કે કઈ સિરિયલ કેટલા વાગે પુનઃ પ્રસારિત કરાય છે. હવે ચેનલો તેમની ઘણી સિરિયલોનું માર્કેટિંગ તો કરે જ છે. સિરિયલમાં આવનારા વળાંકની જાહેરખબરો તો દર્શાવે જ છે. તે સાથે તે સિરિયલનો પ્રાઇમ ટાઇમવાળો સમય પણ કહેવાય છે. દા.ત. ‘તારક મહેતા..’ની જાહેરખબરમાં દર્શાવાશે કે ઈસ જન્માષ્ટમી પે ટપુ સેના ક્યા ધમાલ કરતી હૈ…દેખિયે રાત ૮.૩૦ બજે. હવે જો આ મુખ્ય સમયની સાથે જ તેના પુનઃપ્રસારણના સમય પણ બોલવામાં અને દેખાડવામાં આવે તો દર્શકો નવરા પડે ત્યારે ટીવી ચાલુ કરીને પુનઃપ્રસારણનો સમય શોધવાની માથાકૂટમાંથી બચી જાય. આનાથી ચેનલોવાળાને એ લાભ થાય કે તેમની સિરિયલોના દર્શકો તૂટતા બચે. (અને એ રીતે તે સિરિયલોમાં આવતી જાહેરખબર પણ દર્શકો જુએ.) બીજી બાજુ દર્શકોને પણ લાભ થાય કે જો તેઓ મુખ્ય સમયમાં જોવાનું ચૂકી ગયા હો તો પુનઃપ્રસારણના નિશ્ચિત સમયે તે જોઈ શકે. આમાં, ક્રમ પણ એ પ્રાઇમ ટાઇમવાળો જ રાખવાનો. દા.ત. સ્ટાર પ્લસ પર રાતે આઠ વાગે ‘તૂ મેરા હીરો’ આવે છે. તે પછી ‘બદ્તમીઝ દિલ’, તે પછી ‘દિયા ઔર બાતી હમ’, તે પછી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, તે પછી ‘સુમિત સબ સંભાલ લેગા’, અને તે પછી ‘તેરે શહેર મેં’ આવે છે. તો આ બધી સિરિયલોનું પુનઃ પ્રસારણ આ જ ક્રમમાં એટલે કે પહેલાં ‘તૂ મેરા હીરો’ પછી ‘બદ્તમીઝ દિલ’ એ રીતે એક નિશ્ચિત સમયે કરવામાં આવે તો દર્શકો આપોઆપ સમય પણ યાદ રાખી શકે. આમ ચેનલ પોતાનું સ્થાન સ્પર્ધામાં મજબૂત રાખી શકે. તેની સિરયલોની ટીઆરપી પણ જળવાઈ રહે.

આમ, જો ચેનલોવાળા પ્રાઇમ ટાઇમની સિરિયલોનું રિપીટ ટેલિકાસ્ટ એક નિશ્ચિત સમયે કરે તો સરવાળે તેમના લાભમાં જ છે.

 

gujarat guardian, television

જ્યારે કૃષ્ણ અવતાર લે છે…અલબત્ત, સિરિયલમાં!

(આ લેખ તા. ૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં પ્રસિદ્ધ થયો છે.)

આવતીકાલે જન્માષ્ટમી! ભગવાન કૃષ્ણનો જન્મદિન. આવતીકાલે જાણે આખું વિશ્વ ગોકૂળમય થઈ જશે અને મધરાત્રે ભગવાનના પ્રાગટ્યની આતુરતાથી રાહ જોશે. સિરિયલોમાં પણ ભગવાન કૃષ્ણના જન્મદિનને ધામધૂમથી મનાવાશે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના બુધવાર (તા.૨ સપ્ટેમ્બર ૨૦૧૫)ના એપિસોડમાં રક્ષાબંધનની વાત પૂરી થઈ ગઈ અને હવે માધવી ભીડે તેમજ ટપુ સેના ગોકુળધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેને સસ્પેન્સવાળો સવાલ પૂછીને ચીડવે છે કે તમે કંઈક ભૂલી રહ્યા છો. અને ભીડેના મગજમાંથી જન્માષ્ટમીની વાત ભૂલાઈ ગઈ છે તેવું દેખાડાશે.

સામાન્ય રીતે  દહીહાંડી અથવા મટકી ફોડનો કાર્યક્રમ બતાવાતો હોય છે, પરંતુ આ વખતે ‘તારક મહેતા..’માં જુદું કઈ રીતે દેખાડાય છે તે જોવાનું રહેશે. ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’ સિરિયલમાં તો ઓલરેડી જન્માષ્ટમી મનાવાઈ પણ ગઈ! ઘણી વાર સિરિયલોના એપિસોડ આગળપાછળ થતા હોય છે એટલે બરાબર તહેવારની આજુબાજુ જ એપિસોડ આવે તેવું બનતું નથી. ‘અશોક’માં રાણીઓએ પોતપોતાની મટકી તૈયાર કરવાની હતી અને તેમનાં સંતાનોને કહેવાનું નહોતું કે કઈ મટકી તેમની માતાની છે. રાજા બિંદુસારે પોતે પણ માખણ કાઢવાનું નક્કી કર્યું હતું. પણ તેને કાઢતા આવડતું નહોતું એટલે અશોક તેની માતા જે અત્યારે દાસી ધર્મા બની છે તેને લઈ આવે છે. ધર્મા બિંદુસારને માખણ કાઢતા શીખવાડે છે.

હવે બિંદુસારની ચોથી પત્ની છે તે તો જાહેર થઈ ગયું છે, પણ તે કોણ અને ક્યાં છે તે બિંદુસારને  પણ ખબર નથી. તેમ છતાં માટલી ટીંગાડવાની હોય તેમાં ત્રણ રાણીઓનાં ત્રણ માટલાંની સાથે ચોથું માટલું પણ ટીંગાડાયેલું હોય છે. મોટી રાણી ચારુમિત્રાનો દીકરો સુસીમ, જે હંમેશાં ખટપટ જ કરતો હોય છે તે તેની માતા પાસેથી ઈશારાથી જાણવા પ્રયાસ કરે છે પરંતુ નૂર જોઈ જાય છે અને તે તેને અટકાવે છે. આ તરફ અશોક સેનાપતિ મીરને ફસાવવા જતા ખોટો માર ખાય છે તેથી તેને બહુ દર્દ થતું હોય છે. તેમ છતાં તે મટકીફોડ કાર્યક્રમમાં આવે છે. તેના મિત્ર અને રાજકુમાર શ્યામકને એમ કે અશોક તેની મદદ કરશે પરંતુ અશોક કહે છે કે હું આ કાર્યક્રમમાં ભાગ લેવાનો નથી.

શ્યામક તેની રીતે ચડવા જાય છે, અને પડે છે, પરંતુ અશોક તેને પકડી લે છે અને પછી પોતાને દર્દ થતું હોવા છતાં તેના ખભા પર શ્યામકને બેસાડીને પોતે ચડે છે અને શ્યામકના હાથે માટલી ફોડાવે છે.

આ તો થઈ ઉજવણીની વાત. હવે આપણે કરીએ ભગવાન કૃષ્ણની વાત. હા, હવે ટેલિવિઝન સિરિયલોમાં ભગવાન કૃષ્ણ આવવા લાગ્યા છે. આપણને ‘ઓહ માય ગોડ’ ફિલ્મની તો ખબર જ છે. તેમાં કૃષ્ણ (અક્ષયકુમાર) પોતે ધરતી પર આવીને કાનજીભાઈને સાચો ધર્મ શીખવાડે છે અને કેસ જીતવામાં મદદ કરે છે. આ જ રીતે આ ફિલ્મમાં કાનજીભાઈનો સહાયક બનેલો તે કલાકાર નિખિલ રત્નપંખી ‘કૃષ્ણ કન્હૈયા’માં કન્હૈયાલાલ ગુપ્તા બન્યો છે. કન્હૈયાલાલ ગુપ્તાનું પાત્ર કાનજીભાઈ જેવું જ છે. તે પાકો વેપારી છે. તેને પૂજાપાઠ, ધર્મ ધ્યાનમાં શ્રદ્ધા નથી. પરંતુ એક વાર તેની દીકરીની ફી માટે તે મંદિરની દાનપેટીમાંથી ૫૦ હજાર રૂપિયા ચોરે છે. તે પછી તેને અજાણી વ્યક્તિનો ફોન આવવા લાગે છે અને તેમાં બોલનાર એમ જ કહે છે, “કન્હૈયાલાલ…ચો..ર”. કન્હૈયાલાલને આશ્ચર્ય થાય છે કે તેણે કરેલી ચોરીની વાત કોને ખબર પડી ગઈ? પેલી વ્યક્તિ તેને લાલ કિલ્લા પર બોલાવે છે. ત્યાં જાય છે તો સૂટબૂટમાં પણ વાંસળી સાથે એક વ્યક્તિ હોય છે. કન્હૈયાલાલ પૂછે છે તો તે કહે છે કે “હું કૃષ્ણ છું.” કન્હૈયાલાલ કહે છે, “જાવ જાવ, હવે કંઈ સૂટ બૂટમાં થોડા ભગવાન હોય.”

એટલે કૃષ્ણ કહે છે કે “હું કેમ સૂટબૂટ ન પહેરી શકું?” પછી કન્હૈયાલાલને તેઓ જણાવે છે કે તેઓ તેના પ૦ હજાર લેવા આવ્યા છે. સામે કન્હૈયાલાલ પણ શરત મૂકે છે કે તે તેના પૈસા દેશે પણ તે એક સવાલ પૂછશે અને ભગવાન તેનો જવાબ આપશે એટલે સો રૂપિયા આપશે.

આ સિરિયલમાં જે સવાલો પૂછાય છે તે આજના જીવન સાથે સંલગ્ન છે. જેમ કે, “લોકો રોજ તમને બોલાવે છે. તમે કહ્યું છે કે તમે સજ્જનોના રક્ષણ માટે અવતાર લેશો. તમે લોકોની તકલીફ દૂર કરવા કેમ આવતા નથી?” “ભગવાન, તમે આ ધર્મગુરુઓ અને બાબા કેમ બનાવ્યા?” “આટલા બધા ધર્મો કેમ છે?”, “નબળા માણસની સાથે જ કેમ અન્યાય, તેને જ કેમ દબાવાય છે?” “સાચા મિત્રની ઓળખ કેમ કરવી?”

કૃષ્ણ ભગવાન આ બધા સવાલોના જવાબ સીધા આપવાના બદલે કન્હૈયાલાલને કંઈક એવું કરવાનું કહે છે જેના કારણે શરૂઆતમાં તો કન્હૈયાલાલને લાગે છે કે આ તો મને ઊંધું જ કરવાનું કહ્યું, પરંતુ પછી તેને પોતાને જ જવાબ મળી જાય છે. દા.ત. તેના દીકરા નટીની સોબત મોટા ઘરના બગડેલા છોકરાઓ સાથે થઈ. તેમાંથી એક છોકરો નટીની બહેન સાથે લફરું કરવા માગતો હતો. કન્હૈયાલાલ નટીને ના પાડી દે છે કે તેણે આવા છોકરાઓની સોબત કરવી નહીં. તેના કારણે ઘરમાં અશાંતિ થઈ જાય છે. કન્હૈયાલાલ કૃષ્ણને પૂછે છે કે સાચો મિત્ર કોણ તે ખબર કેવી રીતે પડે? તો કૃષ્ણ ભગવાન જવાબ આપવાના બદલે કહે છે કે “તું એક કામ કર. નટીના દોસ્તો સાથે દોસ્તી કરી લે. તેમના જેવી ભાષા, હાય બ્રો, યો, ડ્યુડ, કૂલ વગેરે શીખી લે. તેમની સાથે ડિસ્કોથેકમાં જા.” કન્હૈયાલાલને પહેલાં અજુગતું લાગે છે, પરંતુ તે તેમ કરે છે. બાદમાં કંઈક એવું બને છે કે કન્હૈયાલાલને સમજાય છે કે હાય બ્રો, યો, ડ્યુડ, કૂલ જેવી ભાષા બોલનારા બધા લોકો ખરાબ નથી હોતા.

એક હપ્તામાં કન્હૈયાલાલ કૃષ્ણને પૂછે છે કે શક્તિશાળી માણસ કેમ નાના માણસને દબાવે છે? તો કૃષ્ણ ભગવાન કહે છે કે તેં શાકભાજીવાળાની સાથે પૈસા બાબતે માથાકૂટ કરી, રિક્ષાવાળાની સાથે પૈસા બાબતે માથાકૂટ કરી, પણ મોટી દુકાનો-મોલમાં ક્યારેય તેં રકઝક કરી? કન્હૈયાલાલ કહે છે કે આ દુનિયા એક લાઇન છે. તેમાં બધા ઊભા છે. પાછળથી એક ધક્કો આવે છે એટલે તેની આગળ ઊભેલી વ્યક્તિને લાગે છે. તેનો ધક્કો તેની આગળ ઊભેલી વ્યક્તિને લાગે છે. તેમ કરતાં કરતાં છેક આગળ ઊભેલી વ્યક્તિને ધક્કો લાગે છે. કૃષ્ણ ભગવાન ત્યારે સરસ વાક્ય કહે છે, પણ તું આગળ ધક્કો પસાર ન થવા દે. તારા સુધી જ રોકી લે તો?

આમ, આ સિરિયલમાં કૃષ્ણ ભગવાન કન્હૈયાલાલને જવાબ આપવા જે કંઈ કરવાનું કહે છે તેનાથી કોમેડી તો સર્જાય જ છે, પરંતુ સાથે સાથે જીવનનું  માર્મિક સત્ય- ગીતાનો ઉપદેશ સરળ રીતે કહી દેવામાં આવે છે.

ઈ ટીવી ગુજરાતી (જે હવે કલર્સ ગુજરાતી) તરીકે જાણીતી છે. તેના પર પણ આવી જ એક સિરિયલ આવે છે જેનું નામ છે ‘કાન્હો બન્યો કોમનમેન’. તેમાં ગોપાલ નામનો યુવાન અકસ્માતમાં મરી જાય છે, પરંતુ તે તેનું મૃત્યુ સ્વીકારવા તૈયાર નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે મૃત્યુ તેના કર્મનું પરિણામ છે. ગોપાલ ભગવાન કૃષ્ણને પડકાર આપે છે કે તેઓ એક જ દિવસ, માત્ર એક જ દિવસ પૃથ્વી પર રહી બતાવે અને પ્રમાણિક રહીને બીજાનું ભલું કરી બતાવે. ભગવાન કૃષ્ણ ગોપાલ બનીને પૃથ્વી પર આવે છે.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ બનાવનાર નિર્માતા આસીતકુમાર મોદીની અગાઉ સ્ટાર પ્લસ પર એક સિરિયલ આવતી હતી ‘સારથિ’. તેમાં મહાભારતનાં પાત્રો હતા. વાર્તા આધુનિક હતી. પરંતુ પાત્રો બધા મહાભારતના પાત્રોના નામ અને તેમના જેવા ગુણો પરથી. તેમાં પણ કૃષ્ણનું પાત્ર હતું.

આમ, એક રીતે એવું કહી શકાય કે ભગવાન ભલે સદેહે પૃથ્વી પર અવતાર લે કે ન લે, પણ સિરિયલોમાં અવતાર લે છે અને તે પણ આધુનિક પરિવેશમાં અને તેના દ્વારા આધુનિક પ્રશ્નોના આપણને જવાબ આપી રહ્યા છે. આપણા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બનીને આપણી મુશ્કેલીઓ દૂર કરી રહ્યા છે.

તો બોલો જય કન્હૈયાલાલ કી.