international, media

અમેરિકી મિડિયામાં ટ્રમ્પને નેગેટિવ કવરેજ ઝાઝું મળવા પાછળ શું કારણ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧૫/૭/૧૮)

‘સંજુ’ ફિલ્મમાં મિડિયા માટે એક ખાસ ગીત છે. ‘બાબા બોલતા હૈ’. સંજય દત્તની પાછળ મિડિયા કેવી રીતે પડી ગયું હતું તે દર્શાવવા માટે આ ગીત છે એટલે તે સંદર્ભમાં મિડિયા પર દોષારોપણ કરવું ખોટું છે. ઉલટાનું, ઘણા મિડિયાએ સંજય દત્તની તે વખતે (પેઇડ) તરફદારી પણ કરી હતી, જેમાં અંગ્રેજી અખબારો અને ફિલ્મ મેગેઝિનનો પણ સમાવેશ થાય છે. તે વખતના વાચકોને યાદ હશે કે તે વખતે એક નંબર વન અંગ્રેજી સમાચારપત્રમાં રોજ સંજય દત્તની તરફેણમાં કોણ શું બોલ્યું અને કોણે મોરચો કાઢ્યો તે સમાચાર આવતા હતા.

પરંતુ આ ગીતને જો સ્વતંત્ર રીતે જોવામાં આવે તો તેમાં કેટલીક વાત મજાની કહેવાઈ છે જેમ કે તમે બેઠા હો તો આંખ પટપટાવતી વખતે તમારી આંખ બંધ થવાની જ. તે ક્ષણનો ફોટો પાડી લેવામાં આવે તો તમે કોઈ જાહેર કાર્યક્રમમાં સૂતા છો તે દર્શાવી શકાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોઈ કાર્યક્રમમાં આંખ બંધ કરીને બેઠા હોય તેવું ધ્યાનમાં નથી પણ કેટલાક વિરોધીઓએ તેમની આ પ્રકારની અને તે પણ સંસદની અંદર, તસવીર વહેતી કરી. તેમનાં સંસદનાં તમામ ભાષણો ઑનલાઇન પ્રાપ્ત છે. તેમાં ક્યાંય તેઓ સૂતા દેખાતા નથી.

ફિલ્મ સેલિબ્રિટીથી માંડીને રાજકારણીઓ અને સામાન્ય લોકો કેમ મિડિયા સાથે લવ-હૅટનો સંબંધ ધરાવે છે? કોઈ પણ ટીવી ચેનલ ખોલશો તો જો કોઈ ઘટના લાઇવ બતાવતા હશે જેમાં રાજકારણી, સેલિબ્રિટી કે બીજા કોઈની બાઇટ લેવાની હોય તો પત્રકારો અશિસ્તની રીતે પોતાના માઇક પર પોતાની ચેનલનો લૉગો ટીવીમાં દેખાય તે માટે પડાપડી કરતા દેખાશે, તેમાં ઘણી વાર તો તેઓ અંદરોઅંદર ઝઘડી પડે છે તો કેટલીક વાર બાઇટ આપનાર વ્યક્તિના મોઢા સુધી તેમને વાગી શકે તે રીતે માઇક ઘૂસાડતા દેખાય છે.

પત્રકાર અને લેખક તરીકે સમજું છું કે ટીવી પત્રકારોને સ્પર્ધા હોય છે, પોતાના માઇકનો લૉગો દેખાય તેમ રાખવા સૂચના હોય છે પરંતુ શું તંત્રીઓ જેમની ઘણી વાર ઉઠકબેઠક સાથે હોય છે, તેઓ નક્કી ન કરી શકે કે પોતાની ચેનલનો લૉગો ન દેખાય તો ચાલશે? કુંવરજી બાવળિયા હજુ તો ભાજપમાં જોડાવા પ્રદેશ કાર્યાલયના દાદરા ચડી રહ્યા હતા ત્યારે ટીવી પત્રકારો તેમની બાઇટ લેવા ધસી ગયા. કુંવરજી ચડી રહ્યા છે અને પત્રકારો ઉપરની લૉબીમાં છે તેવા વખતે સ્વાભાવિક કુંવરજી માટે અસુવિધા થાય. તેથી તેમને પછી બાઇટ લેવા કહેવામાં આવ્યું. આમાં તો ભાજપ કુંવરજીનો અવાજ રૂંધવા માગે છે તેવી વાત મિડિયામાં ચાલવા લાગી.

બીજી તરફ પત્રકારોને પણ અસુવિધા થતી હોય છે. તેમને બાઇટ સરળતાથી અને સમયસર મળી જાય તે રાજકીય પક્ષ કે અન્ય કોઈ ઇવેન્ટ ઑર્ગેનાઇઝરે જોવું જોઈએ. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે તેમના કિસ્સા અનેક પત્રકારો કહે છે. તેઓ કોઈ કાર્યક્રમમાં જવાના હોય તો પહેલાં બાઇટ આપીને જતા. આના લીધે કાર્યક્રમ વખતે જ તેમની બાઇટ ટીવી પર ચાલી શકતી. પરંતુ આવી મિડિયા સૂજ કેટલા લોકોની હશે?

આજે ભાજપ સમર્થકોથી માંડીને કૉંગ્રેસ, આમ આદમી પક્ષ, ડાબેરીઓ બધા જ એવા સંદેશાઓ વહેતા કરે છે કે મિડિયામાં આ નહીં બતાવાય. લોકોને મેઇનસ્ટ્રીમ મિડિયા જેને કહેવાય તે સમાચારપત્રો અને ટીવી ચૅનલો પર ભરોસો શૂન્યવત્ થવા લાગ્યો છે. તેનું કારણ મેઇનસ્ટ્રીમ મિડિયા પોતે પણ છે જ. કોંગ્રેસના દિગ્વિજયસિંહ હાફીઝ સઈદને હાફીઝજી કહે તો મોટો ઈશ્યૂ બને છે, પરંતુ ભાજપના રવિશંકર પ્રસાદ હાફીઝ સઈદને હાફીઝજી કહી બેસે તો તે જોરશોરથી બતાવાતું નથી. આ જ રીતે પંજાબમાં ૩૨ દિવસમાં ૪૨ યુવાનોના ડ્રગ્ઝના કારણે મૃત્યુ થાય તો તે સમાચાર ક્યાંય દેખાડાતા નથી. પરંતુ આની સામે ગુજરાતમાં ચાર જણા લઠ્ઠો પીને બીમાર પડે તો લઠ્ઠાકાંડ થયો, લઠ્ઠાકાંડ થયો તેની બૂમરાણ પડે છે.

દિલ્લીના ઉપ રાજ્યપાલ સામે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના કેસનો સર્વોચ્ચ ન્યાયાલયમાં ચુકાદો આવે તો બધાં છાપાંમાં મુખ્ય હેડલાઇન બને પરંતુ ઉપરાજ્યપાલ બીજા દિવસે કહે તે વાત સિંગલ કૉલમમાં છપાય તો સ્વાભાવિક જ લોકોને મિડિયા બાયસ લાગવાનો. મોદી સરકાર ખેડૂતો માટે દોઢ ગણા ટેકાના ભાવ જાહેર કરે તે સમાચારને અંદરના પાને મૂકી દેવામાં આવે અને સામે કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો તે મેઇન હેડલાઇન બને તો લોકોને સ્વાભાવિક જ ફેર દેખાવાનો. આનું કારણ એ છે કે દરેક પક્ષના આઈટી સેલે તેમના સમર્થકોને મિડિયાનું વિશ્લેષણ કરતા શીખવાડી દીધું છે. બીજું કારણ એ પણ છે કે દરેક વાચક કે દર્શક પાસે આજે એક કરતાં વધુ છાપાં લેવા, એક કરતાં વધુ ચેનલ જોવાની સગવડ છે.

પરંતુ મિડિયા પર અવિશ્વાસ એ ભારતમાં જ છે તેવું નથી, અમેરિકામાં પણ છે! સીએનએનની વેબસાઇટ પર એસ. ઈ. કુપ નામની મહિલા ટેલિવિઝન સંચાલિકા અને લેખિકાએ લખ્યું છે કે હૉલિવૂડની જેમ મિડિયા પણ લિબરલોનો અડ્ડો છે. તેમાં સામાન્ય માનવીની કોઈ દરકાર જ નથી. ૧૯૬૬માં ટાઇમ મેગેઝિને ‘ઇઝ ગૉડ ડેડ?’ આવું મુખપૃષ્ઠ છાપ્યું હતું. તે સ્વાભાવિક જ લોકોની આસ્થા પર જબરો ધક્કો લગાડનારું હતું. વિયેતનામ સામે યુદ્ધ લડીને આવતા સૈનિકને ગમે ત્યારે ફૂટવાની તૈયારીવાળા બૉમ્બ તરીકે દર્શાવ્યો હતો. તેનાથી સ્વાભાવિક જ દેશભક્ત લોકોને ગુસ્સો આવે. અમેરિકામાં મિડિયા કન્ઝર્વેટિવ કે રિપબ્લિકનોને ધિક્કારે છે. તેથી જ તો જ્યૉર્જ બુશ હોય કે ડૉનાલ્ડ ટ્રમ્પ, તેમના ચિત્રવિચિત્ર ફૉટા, કે તેમનાં નિવેદનોમાંથી કેટલોક ભાગ પસંદ કરી તેમને વિલન કે કાર્ટૂન તરીકે ચિતરવાનો પ્રયાસ કરે છે. જોકે અમેરિકાનું મિડિયા તેમના વિરોધી દેશોના લોકોને પણ આવા જ ચિતરે છે.

અમેરિકાનું પ્યૂ રિસર્ચ સેન્ટર તેનાં સર્વેક્ષણો માટે જાણીતું છે. તેણે અમેરિકામાં નવા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારે શરૂઆતના દિવસોમાં તેમને મિડિયાએ કેવું કવરેજ આપ્યું તેનું સર્વેક્ષણ કર્યું. એટલું જ નહીં, તેણે જૂના સમાચારપત્રો અને ચેનલો ખંખોળી બિલ ક્લિન્ટન, જ્યૉર્જ ડબ્લ્યૂ. બુશ, બરાક ઓબામા વગેરેને કેવું કવરેજ શરૂઆતના દિવસોમાં મળ્યું હતું તે પણ તપાસ્યું. ત્યાર બાદ બંનેની સરખામણી કરી.

તેનાં પરિણામો શું આવ્યાં? મિડિયાએ પહેલેથી જ ટ્રમ્પને ધિક્કારતા હોવાના કારણે તેને નેગેટિવ કવરેજ જ આપ્યું હતું. મિડિયાનું ૬૨ ટકા કવરેજ નેગેટિવ હતું. ઓબામા માટે માત્ર ૨૦ ટકા કવરેજ જ નેગેટિવ હતું! પરંતુ જ્યૉર્જ ડબ્લ્યુ. બુશ માટે તે ૨૮ ટકા હતું. બિલ ક્લિન્ટન માટે પણ ૨૮ ટકા હતું! આનો અર્થ એ થાય છે કે મિડિયાએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે ટ્રમ્પને ખરાબ પ્રમુખ સાબિત કરવા જ છે. અને ગણિતના પ્રમેયમાં જેમ પહેલેથી સાધ્ય નક્કી હોય છે તેમ મિડિયા માટે સાધ્ય નક્કી હતું. તેમાં માત્ર સાબિતી જ ફિટ બેસાડવાની હતી.

હવે પૉઝિટિવ કવરેજની વાત કરીએ. ટ્રમ્પનું માત્ર ૫ ટકા કવરેજ જ પૉઝિટિવ હતું. આની સામે ઓબામાનું ૪૨ ટકા કવરેજ પૉઝિટિવ હતું! જ્યૉર્જ બુશનું અને બિલ ક્લિન્ટનનું માત્ર ૨૨ ટકા જ કવરેજ પૉઝિટિવ હતું. મિડિયાએ પહેલા બે મહિનામાં ટ્રમ્પની નીતિઓને ધ્યાનમાં લીધી જ નહીં અને યેન કેન પ્રકારેણ, જે પણ રીતે કરી શકાય તે રીતે નેગેટિવ પ્રસિદ્ધિ જ આપી તેમ અમેરિકાનો પૉલિટિકલ બ્લૉગ હૉટ ઍર કહે છે.

૩૩ વર્ષથી ચાલતા અમેરિકાના ઇન્વેસ્ટર્સ બિઝનેસ ડેઇલીમાં ૧૦ માર્ચ ૨૦૧૭નો તંત્રી લેખ છે. તેમાં સ્પષ્ટ કહેવાયું છે કે મોટા ભાગનું મિડિયા ડેમોક્રેટિક પાર્ટી, પ્રગતિશીલ વિચારો (એટલે સાચી પરંપરાનો પણ ખોટો વિરોધ, સારે નિયમ તોડ દો ઇન્કલાબ ઝિંદાબાદ જેવી ગુલઝારનુમા કલ્ચરલ માર્ક્સિસ્ટ થિયરીવાળા વિચારો) અને આત્યંતિક એવી ડાબેરી અંતિમવાદી રાજકીય ચળવળોનાં મુખપત્રો બની ગયા છે.

આપણા અખબારોનું પણ ડિટ્ટો આવું જ છે. ટ્રમ્પના કઈ પૉર્નસ્ટાર સાથે સંબંધ હતા તે તો આપણા અખબારોમાં છપાશે પરંતુ હિલેરી ક્લિન્ટનના એજન્ટોએ ટ્રમ્પની રેલીમાં હિંસા ફેલાવવા પેઇડ પ્રૉફેશનલ એજિટેટર રાખ્યા હતા તેવું એક સ્ટિંગ ઑપરેશનમાં બહાર આવ્યું તે સમાચાર આપણા સુધી પહોંચાડ્યા? આવું અત્યારે આપણા દેશમાં પણ નહીં બનતું હોય તેની ખાતરી નથી.

દલિતો પર હિંસાના સમાચાર દેખાડી વિદેશથી ફંડો મેળવવા કેટલાક ખોટા કિસ્સા પણ ઊભા કરાય છે અથવા તો ઘટનાને તોડીમરોડી બતાવવામાં આવે છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા જમીન માફિયાઓએ કરી તે કિસ્સો રાષ્ટ્રીય સ્તરે કેટલો ચગ્યો? છત્રાલમાં અશોક પટેલની હત્યા થઈ તે કિસ્સો રાષ્ટ્રીય સ્તરના કયા મિડિયાએ ચગાવ્યો? કદાચ, ગુજરાત સ્તરના મિડિયામાં પણ પૂરતી નોંધ નથી લેવાઈ. હકીકતે આરોપી હોય કે પીડિત, કોઈને જાતિ સાથે સાંકળી લઈ હેડિંગ કે અંદર સમાચાર લખાવા જ ન જોઈએ, પરંતુ જે રીતે કોઈ ચોક્કસ ઈરાદાથી દલિતો સંદર્ભે ખોટા સમાચાર ઊભા કરાઈ રહ્યા છે તે જોતાં સામે આવા પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે.

માત્ર રાજકીય સમાચારોની જ વાત નથી, ફિલ્મ, રમતગમત, ઉદ્યોગજગત દરેક બાબતને લગતા સમાચારોમાં આવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.મેઇનસ્ટ્રીમ મિડિયાએ જો પોતાનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકાવવું હોય તો પોતાની તટસ્થતા અને વિશ્વસનીયતા પુનઃ સાબિત કરવી જ પડશે.

Advertisements
economy

કાળાં નાણાં પર નોટિકલ સ્ટ્રાઇક: ટૂંકા ગાળાની તકલીફ, લાંબા ગાળાના ફાયદા

આઠ નવેમ્બર ૨૦૧૬નો દિવસ ભારતના આર્થિક અને રાજકીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે. દિવાળીના તહેવારો ભારતની જનતાએ ધામધૂમથી ઉજવ્યા હતા. કારતક સુદ આઠમ હતી. બધા હજુ કામધંધે ચડી રહ્યા હતા. એકબીજાના ઘરે નૂતન વર્ષાભિનંદન પાઠવવા આવવા-જવાનું ચાલુ હતું. લોકોમાં ચર્ચા હતી તો પણ એ વાતની કે અમેરિકામાં ચૂંટણી થઈ રહી છે તો કોણ જીતશે? ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક, તેમનું સૂત્ર ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ અપનાવનાર અને આતંકવાદ સામે લડવાની વાત કરનાર ડૉનાલ્ડ ટ્રમ્પ કે પછી આતંકવાદ સામે નરમ વલણ અપનાવનાર હિલેરી ક્લિન્ટન?

પાકિસ્તાન ભારત સરહદે શસ્ત્રવિરામનું છાશવારે ઉલ્લંઘન કરી રહ્યું હતું. આઠ નવેમ્બરે સાંજે વડા પ્રધાનની અધ્યક્ષતામાં મોદી મંત્રીમંડળની બેઠક મળી રહી હતી. મંત્રીઓને ફોન લાવવાની મનાઈ કરવામાં આવી હતી. બેઠકમાં પ્રધાનોને જગ્યા નહીં છોડવાનો આદેશ આપી વડા પ્રધાન સીધા રાષ્ટ્રપતિને ત્યાં ચાલ્યા ગયા. થોડા સમયમાં બધાના વૉટ્સએપ પર સંદેશો આવ્યો: “ટીવી ચાલુ કરો. આઠ વાગે વડા પ્રધાન દેશને સંબોધન કરવાના છે.” બધા ચોંકી ઉઠ્યા. શું ઉડી હુમલાના જવાબમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ત્રાસવાદીઓના શિબિરો પર ભારતીય સેનાના હુમલા પછી પણ પાકિસ્તાન સખણું ન રહેતાં હવે ભારત પાકિસ્તાન પર હુમલો કરશે? કેમ કે આઠ નવેમ્બરે અમેરિકામાં ચૂંટણી હોવાથી સમગ્ર દુનિયાનું ધ્યાન અમેરિકા તરફ હોય તે સ્વાભાવિક છે. આથી ઓચિંતો હુમલો કરી દે તો બધાનું ધ્યાન ભારત તરફ ઓછું રહે. હુમલો અટકાવવાની શક્યતા ધરાવનાર અમેરિકા પોતે પણ તેના પ્રમુખની ચૂંટણીમાં વ્યસ્ત હોય એટલે ચંચૂપાત કરવાની કોઈ તક ન રહે. આતુરતાથી બધાએ ટીવી ચાલુ કર્યું. વડા પ્રધાન ટીવીના પડદે હાજર હતા. શરૂઆત તેમણે ગરીબોના બૅંકમાં શૂન્ય સિલક સાથે જનધન યોજના શરૂ કરી તેની વાતથી કરી. લોકોને સમજાતું નહોતું કે વડા પ્રધાન ચૂંટણી સભાને સંબોધી રહ્યા છે કે શું? ત્યાં અચાનક તેમણે કહ્યું કે “હું હવે કડક નિર્ણયની વાત કરવા જઈ રહ્યો છું.” ….અને આ નિર્ણય હતો ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો બંધ કરવાનો અને તે પણ આઠ નવેમ્બરની મધરાતથી!

લોકોમાં સનસનાટી પ્રસરી ગઈ. ઠંડી હજુ એટલી ચાલુ નહોતી થઈ પરંતુ બધાના રૂંવાડા ઊભા થઈ ગયા! વૉટ્સ એપ પર વડા પ્રધાનના કડક નિર્ણયની પ્રશંસાના મેસેજ ચાલુ થઈ ગયા. જો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ભારતીય સેનાએ ઉડી હુમલાના જવાબમાં કરેલી કાર્યવાહી સર્જિકલ સ્ટ્રાઇક હતી તો આઠ નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે વડા પ્રધાને કરેલી જાહેરાત એ નોટ-ઇકલ (Note-ical) સ્ટ્રાઇક હતી! કાળાં નાણાં, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર અને ડ્રગ્સ એમ ચાર મોરચા પર આ સીધો પ્રહાર હતો અને વડા પ્રધાને તેમના મંત્રીમંડળના સાથીઓને પણ ગંધ આવ્યા દીધા સિવાય આ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જે પોતે પણ પહેલાં નાણા પ્રધાન રહી ચૂક્યા છે તેમણે આ નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી.

વડા પ્રધાનની જાહેરાત અનુસાર, આઠ નવેમ્બરની મધરાતથી ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો હવે માન્ય નહોતી રહેતી પરંતુ એકાએક નોટ બંધ કરી દેવામાં આવે તો મુશ્કેલી પડે તે  વિચારીને પેટ્રોલ પંપ, સરકારી હૉસ્પિટલો, વિમાન મુસાફરી અને રેલવે બુકિંગમાં, એરપોર્ટ અને રેલવે કાઉન્ટર પર, સરકારી બસ ડેપોના કાઉન્ટર પર, દૂધની દુકાનો અને કેન્દ્ર દ્વારા માન્ય કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટિવ સ્ટોર, સ્મશાન અને કબ્રસ્તાનમાં ૭૨ કલાક સુધી આ નોટો માન્ય હતી.

જેમની પાસે ઘરમાં રોકડ રૂપે ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો પડેલી હોય તેનું શું? જેમને મહેનતની કમાણીના પૈસા હતા તેમણે ગભરાવાની જરૂર નથી. તેઓ ૧૦મી નવેમ્બરથી ૩૦મી ડિસેમ્બર સુધી બેંકો-પોસ્ટ ઓફિસમાં રૃ. ૫૦૦-૧૦૦૦ની ગમે તેટલી નોટો જમા કરાવી શકાશે.

વડા પ્રધાને જાહેરાત કરી તે મુજબ, નવમી અને ૧૦મી નવેમ્બરે એટીએમ બંધ રહેવાના હતા.. એ પછી એક વખતમાં ફક્ત રૂ. બે હજાર ઉપાડી શકાશે. એટીએમમાંથી ઉપાડવાની રોજિંદી લિમિટ રૂ. દસ હજાર અને સપ્તાહની મર્યાદા રૂ. વીસ હજાર રહેવાની જાહેરાત થઈ. ઉપરાંત ૧૦મી નવેમ્બરથી ૨૪મી નવેમ્બર દરમિયાન ઓળખપત્ર બતાવીને રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો આપીને રૂ. ચાર હજાર મેળવી શકાશે. ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને ક્રેડિટ કાર્ડથી થતાં નાણાકીય વ્યવહારો પર કોઈ અસર થઈ નહીં.

આ નિર્ણય એકાએક કેમ કરવામાં આવ્યો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાંક મહત્ત્વનાં કારણો આપ્યાં હતાં. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશભરમાં ભ્રષ્ટાચારના રોગ જોરદાર વકર્યો છે અને કાળાં નાણાંના મૂળિયાં પણ ઊંડે સુધી પહોંચી ગયાં છે. ભ્રષ્ટાચાર, કાળું નાણું અને આતંકવાદીઓ દ્વારા ઘૂસાડાતી નકલી નોટો સામે લડવા આ નિર્ણય લેવો જરૂરી હતો. આખો દેશ આ દુષણના કારણે ખોખલો થઈ રહ્યો હતો.

આ દરમિયાન મોદીએ દેશવાસીઓને પણ અપીલ કરતા કહ્યું હતું કે, આ નિર્ણયથી ચોક્કસ તકલીફ પડશે, પરંતુ મહેરબાની કરીને એના પર ધ્યાન ન આપતા. દેશના ઈતિહાસમાં ક્યારેક એવી ક્ષણો આવતી હોય છે, જ્યારે રાષ્ટ્રનિર્માણમાં લોકોએ પણ ભાગીદારી કરવી પડે છે. આવી તક બહુ ઓછીવાર મળતી હોય છે. મોદીએ કહ્યું હતું કે, અમે કાળુ નાણું કાબૂમાં લેવા અઢી વર્ષમાં ઘણાં બધા નિર્ણયો લીધા છે. ભ્રષ્ટાચારી દેશોની યાદીમાં ભારતનું સ્થાન ૧૦૦મું હતું પણ અત્યારે માંડ ૭૬એ પહોંચ્યું છે. આ બધા આંકડા દર્શાવે છે કે, દેશમાં ભ્રષ્ટાચારનું જાળું કેટલું ફેલાયું છે. દેશમાં અનેક લોકો પોતાની સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે.

આઠ નવેમ્બરની મધરાતથી બંધ થઈ તે રૂપિયા ૫૦૦ની નોટ ઑક્ટોબર ૧૯૮૭માં રિઝર્વ બૅન્કે ચલણમાં મુકી હતી. ૩૦ વર્ષે એ નોટનું આયુષ્ય હવે પૂરું થયું છે. એ વખતે ફૂગાવાને ધ્યાનમાં રાખીને આ નોટ ચલણમાં ઉતારાઈ હતી. જ્યારે ૧૦૦૦ની નોટ સૌથી પહેલી વખત ૧૯૫૪માં અસ્તિત્વમાં આવી હતી. પરંતુ ૧૯૭૮માં સરકારે અત્યારની જેમ જ એ નોટને ચલણમાંથી હટાવી લીધી હતી. એ પછી ફરીથી ૧૦૦૦ રૂપિયાની નોટ ૨૦૦૦ની સાલમાં ચલણમાં મુકાઈ હતી.

વર્તમાન ૫૦૦ અને હજાર બન્ને ચલણી નોટોમાં એક તરફ તો ચલણમાં કાયમી સ્થાન ધરાવતા ગાંધીજી છે. ૫૦૦ની નોટમાં બીજી તરફ દાંડીકૂચના સ્મારકનું ચિત્ર છે. ૧૦૦૦ રૂપિયાની નોટમાં બીજી તરફ ભારતના કૃષિ અને ઉદ્યોગને મહત્ત્વ આપવામાં આવ્યુ છે. હવે એ બધી જ નોટો રાતોરાત નકામી બની ચૂકી છે.અગાઉ ભારતમાં દસ હજાર સુધીની નોટો ચલણમાં હતી. પરંતુ સરકારે કાળાં નાણાંને નાથવા માટે ૧૦૦૦, ૫૦૦૦ અને ૧૦,૦૦૦ની નોટો ૧૯૭૮માં રદ કરી હતી. ત્યારથી ૧૦૦૦ની નોટ ભારતની સૌથી મોટી ચલણી નોટ બની રહી હતી. આઠ નવેમ્બરના નોટબંધીના નિર્ણય બાદ રૂ. ૨૦૦૦ની નવી નોટો આવી છે, જે ભારતનું સૌથી મોટું ચલણ બનશે.

નોટો રદ કરવાના નિર્ણયમાં ગુજરાતીઓનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. આઝાદી પછી પહેલી વખત ચલણનું અવમૂલ્યન કર્યું ત્યારે ગુજરાતી મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા. તેમણે કાળાં નાણાં કાબુમાં લેવા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સરકાર ભાજપ (ત્યારે જનસંઘ)ની ભાગીદારીવાળા જનતા પક્ષની હતી. એ વખતે છ વર્ષથી સસંદમાં મોટી ચલણી નોટો નાબુદ કરવાની માગ થઈ રહી હતી. એ માટે સરકારે સીધા કરવેરા તપાસ સમિતિ (વાંચ્છુ સમિતિ) પણ રચી હતી. આ સમિતિએ ૧૯૭૦-૭૧માં સરકારને ગુપ્ત અહેવાલ આપી નોટો રદ કરવાની ભલામણ કરી હતી.

મોરારજી સરકારમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં અને તેનો અમલ કરવામાં નાણા મંત્રી એચ.એમ.પટેલનો મોટો ફાળો હતો. આ વખતે નોટો નાબુદીનો નિર્ણય વડા પ્રધાને જાહેર કર્યો છે, જ્યારે એ વખતે નાણા પ્રધાન પટેલે જ જાહેરાત કરી હતી. આ વખતે નિર્ણયમાં જે રીતે ગુજરાતી વડા પ્રધાન છે, તેમ બીજા ગુજરાતી પટેલનો પણ મહત્ત્વનો રોલ છે. એ પટેલ એટલે રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ. વડા પ્રધાને પોતાનુ સંબોધન પૂર્ણ કર્યા પછી તુરંત આરબીઆઈ ગવર્નર પટેલે આ નિર્ણય અંગેની વિગતવાર માહિતી આપી હતી. કોઈને એમ થાય કે વડા પ્રધાન મોદીએ એકાએક આઠ નવેમ્બરે આ જાહેરાત કરી નાખી, પરંતુ ચૂંટણીમાં કાળાં નાણાંને બંધ કરવાનું વચન આપીને સત્તામાં આવેલા વડા પ્રધાનના એકએક નિર્ણય પર બાજ નજર રાખી હોય તેમના માટે આ નિર્ણય એકાએક નહોતો…!

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા તે ૨૬ મે ૨૦૧૪. કાળાં નાણાં, પાકિસ્તાન અને ત્રાસવાદ બંને ચીરકાલીન પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પહેલા જ દિવસથી, હકીકતે, તે અગાઉથી જ મોદી તત્પર હતા. એટલે જ તો શપથ સમારંભમાં સાર્ક દેશોના બધા વડા- જેમાં પાકિસ્તાન પણ આવી જાય- તેમને આમંત્રણ પાઠવી દીધાં. ૨૬મેએ બધા હાજર પણ રહ્યા. ૨૭મી મેએ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સાથે મંત્રણા પણ કરી. પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદીઓ, ખાસ તો ૨૬ નવેમ્બર ૨૦૧૧ના મુંબઈ હુમલાના જવાબદાર ત્રાસવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા શરીફને જણાવી દીધું. ૨૭મીએ જ મંત્રીમંડળની પહેલી જ બેઠક હતી અને તેમાં તેમણે કાળાં નાણાં અંગે સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ એમ. બી. શાહની અધ્યક્ષતામાં વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી)ની રચના કરવાનો નિર્ણય લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલયે આ ટુકડી રચવા બે વર્ષ પહેલાં આદેશ આપી દીધો હતો પણ મોદીની પુરોગામી મનમોહન સરકારે બે વર્ષ નિર્ણયને ટાળ્યા રાખ્યો હતો.

મનમોહન સરકાર વખતે પણ મોટી નોટો પાછી ખેંચવાની વિચારણા થઈ હતી પરંતુ તે વખતે ભાજપે વિરોધ કર્યો હતો કારણ કે જો નોટો એકાએક પાછી ખેંચાય તો લોકોને તકલીફ પડે તે સ્વાભાવિક છે. પરંતુ નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો પાછી ખેંચતા પહેલાં લોકોને ગંધ પણ ન આવે તેમ જનધન યોજના શરૂ કરાવી. આ યોજના હેઠળ ગરીબ શૂન્ય સિલક સાથે ખાતું ખોલાવી શકતો હતો. બૅન્કોના કર્મચારીઓ લાગી ગયા. ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં બૅન્ક કર્મચારીઓએ રેકોર્ડ પણ નોંધાવી દીધો! પાંચ જ મહિનામાં ૧૧.૫૦ કરોડ ખાતાં ખુલ્યાં. આનો પ્રત્યક્ષ લાભ એ થયો કે ગેસ સબસિડી સીધી લોકોના બૅન્ક ખાતામાં જમા થવા લાગી. પરિણામે વચેટિયા અને ભ્રષ્ટાચાર નાબૂદ થયો. પરંતુ અપ્રત્યક્ષ લાભ આઠ નવેમ્બરના નોટ બંધીના નિર્ણય બાદ મળવાનો હતો. ગરીબો નોટ બદલવા કે જમા કરાવવા ખાતું ન હોય તો ક્યાં જાય?

કાળુ નાણું એટલે હિસાબ વગરની સંપત્તિ. કાળુ નાણું એટલે કર ભર્યા વગરના નાણાં કે સંપત્તિ. કાળુ નાણું દેશમાં પણ હોય અને વિદેશમાં પણ હોય. એટલે વિદેશમાંથી કાળુ નાણું પાછું લાવવાની સાથે દેશમાંથી પણ કાળુ નાણું કઢાવવાની કવાયત કરવી પડે. આજથી બે વર્ષ પહેલાં એટલે કે નવેમ્બર ૨૦૧૪માં જી-૨૦ દેશોની શિખર પરિષદ હતી. આ સમૂહમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસએ અને યુરોપીય સંઘનો સમાવેશ થાય છે. કોઈ પણ જાતનો રાષ્ટ્રીય પ્રશાસનનો અનુભવ ન ધરાવતા મોદી પહેલી વાર જી-૨૦ શિખર મંત્રણામાં ભાગ લઈ રહ્યા હતા. અને તેમણે પોતાની પહેલી જ શિખર મંત્રણામાં કાળાં નાણાં અને કરચોરીનો મુદ્દો ઉઠાવી જી-૨૦ દેશોને આ મુદ્દે કડક અને નક્કર કાર્યવાહી કરવા સૂચન કર્યું.

કરચોરી માટે વિદેશી સ્વર્ગ જેવા દેશો સ્વિત્ઝર્લેન્ડ, મોરેશિયસ સાથે કર સંધિ (ટૅક્સ ટ્રીટી)માં જરૂરી ફેરબદલ કર્યા. વર્ષ ૨૦૧૫માં એક યોજના લાવવામાં આવી જે હેઠળ વિદેશમાં કાળુ નાણું ધરાવનારા ભારતીયો બ્લેક મની (અનડિસ્ક્લૉઝ્ડ ફૉરેઇન ઇનકમ એન્ડ એસેટ્સ) એન્ડ ઇમ્પોઝિશન ઑફ ટૅક્સ ઍક્ટ, ૨૦૧૫ હેઠળ પોતાનું વિદેશનું કાળુ નાણું જાહેર કરી શકતા હતા. આ યોજના ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ પૂરી થઈ ગઈ.

તે પછી ચાલુ વર્ષે ૧ જૂને એક બીજી યોજના જાહેર કરાઈ. જેમની પાસે કાળુ નાણું હોય તેમને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાની સંપત્તિ-અસ્ક્યામતો જાહેર કરીને સ્વચ્છ થઈ જવાની છૂટ અપાઈ હતી. અલબત્ત, તેમાં ટૅક્સ વગેરે કાયદા મુજબ ભરવો જરૂરી હતો. આ યોજનાને ભારે સફળતા મળી. લગભગ રૂ. ૬૫,૨૫૦ કરોડનું કાળુ નાણું જાહેર થયું. આ ઉપરાંત મોદી સરકારે મકાન-ઈમારતો ખરીદવામાં કાળુ નાણું વપરાય છે તેને નિયંત્રણમાં લાવવા રૂ.૨૦,૦૦૦ કરતાં વધુ તમામ રોકડ વ્યવહાર પર ૨૦ ટકા દંડ નાખ્યો. ઉપરાંત રૂ. ૨ લાખથી વધુ રકમની રોકડથી ખરીદી પર ૧ ટકાનો વેરો નાખ્યો. ચાલુ વર્ષે ઑગસ્ટમાં સંસદે બેનામી વ્યવહાર (પ્રતિબંધ) સુધારો કાયદો ૨૦૧૬ પસાર કર્યો. તે ૧ નવેમ્બર ૨૦૧૬થી લાગુ થયો. કાળાં નાણાં ધરાવનારા લોકો પોતાના ડ્રાઇવર, નોકર, રસોઈયા વગેરેના નામે સંપત્તિ લેતા હોય છે તેને બેનામી સંપત્તિ કહે છે. આ રીતે કાળાં નાણાંને સફેદ કરવાનું અટકાવવામાં આવ્યું.

છેલ્લાં કેટલાંક વર્ષોથી મોરચા સરકારના યુગના કારણે એવી પ્રથા પડી ગઈ હતી કે સરકાર તો ડરાવે. કાયદાની ધમકી આપે. યોજનાઓ જાહેર કરે. પરંતુ આપણે તેનો અમલ ન કરીએ તો ચાલે. સરકાર કંઈ કરવાની નથી. કેટલાક લોકો એમ જ માનતા હતા કે ચૂંટણી જીતવા નરેન્દ્ર મોદીએ કાળાં નાણાંને સમાપ્ત કરવાનું વચન આપી દીધું છે. આથી તેઓ પ્રશ્નો પણ પૂછતા હતા કે વડા પ્રધાને કાળાં નાણાંને દૂર કરવા શું કર્યું? પરંતુ આઠ નવેમ્બરની જાહેરાત અને આ લખાય છે ત્યાં સુધી તેના કડક અમલને જોતાં હવે ભાગ્યે જ કોઈ આ સરકારના કોઈ પગલાંને હળવાશથી લેવાની હિંમત કરશે.

એ તો મોદીજીએ આઠ નવેમ્બરે જ કહ્યું હતું કે લોકોને તકલીફ પડશે. અને લોકોને તકલીફ પડી જ. નિર્ણયના એકાએક અમલના કારણે જેમના સગા ખાનગી હૉસ્પિટલમાં હોય અને જેમની પાસે રોકડ રકમ હોય તેમને મુશ્કેલી પડી. કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થયાં. તો બેચાર કિસ્સામાં લાઇનમાં ઊભા રહેતાં એક યા બીજા કારણસર મૃત્યુ થયાના કિસ્સા પણ આવ્યા. જોકે બધાં મૃત્યુ આ નિર્ણયના કારણે થયા તેમ કહેવું યોગ્ય નથી. દા.ત. કર્ણાટકના ઉડુપીમાં બૅન્ક આગળ લાંબી લાઇનમાં ઊભા રહેલા ૯૬ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું. આ દુ:ખદ બનાવ માટે મોદીના નોટબંધીના નિર્ણયને જવાબદાર ગણાવી શકાય? વૃદ્ધના દીકરાનું જ કહેવું છે કે તેના પિતાના મૃત્યુને બૅન્ક આગળ લાઇનમાં ઊભા રહેવા સાથે કોઈ સંબંધ નથી. કોઈને ત્યાં લગ્ન હતા તો તેને તકલીફ પડી. પરંતુ આ વાજબી કારણ નથી. લગ્ન મોકૂફ પણ રાખી શકાય અને સાદાઈથી પણ કરી શકાય. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો ત્યારે લગ્ન મોકૂફ રખાયાં હતાં અથવા સાદાઈથી સંપન્ન કરાયા હતા. આપણે ત્યાં લગ્ન હોય અને કોઈક સગું ગુજરી જાય તો આપણે સાદાઈથી લગ્ન કરતા જ હોઈએ છીએ. આમ, મુખ્ય તકલીફ બીમાર સભ્યવાળા પરિવારને થઈ.

પરંતુ નોટોની અછત અને ૫૦૦-૧,૦૦૦ની નોટો બંધ થવાથી શાકભાજી, કરિયાણાવાળા વગેરે વેપારક્ષેત્રે મંદી આવી છે પરંતુ તે કામચલાઉ રહે તેવી સંભાવના છે. મુખ્ય વાત એ છે કે આ નિર્ણય એવો છે જેમાં ટૂંકા ગાળે તકલીફ છે, લાંબા ગાળે ફાયદો છે. મુંબઈની પત્રકાર પૂજા મહેતાએ બૅન્કમાં સ્વયંસેવા આપી ત્યારે એક ગુજરાતી ૮૦ વર્ષના વૃદ્ધે કહ્યું કે હું આ લાઇનમાં એટલે ઊભો હતો કે જેથી તમારી પેઢી વધુ સારું ભારત જોઈ શકે.

આશા રાખીએ કે આ નિર્ણયથી હવે કાળાં નાણાંના સર્જનમાં બહુ મોટો ઘટાડો આવશે. લોકો પણ જાગૃત થશે અને ચેક-ડેબિટ-ક્રેડિટ કે પછી પે-ટીએમ જેવી રીતે સફેદ નાણામાં ચુકવણી કરશે, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, ડ્રગ્સના વેપાર વગેરેના ખરાબ દિવસો આવશે અને ભારતના ‘અચ્છે દિન’ આવશે.