politics, sanjog news, satsanshodhan, technology

જાસૂસીનાં અત્યાધુનિક સાધનોથી બચવું અઘરું છે!

(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૧૧/૧૭)

તાજેતરમાં હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીઓ બહાર આવી અને હોબાળો મચી ગયો. હાર્દિક પટેલે આ મુદ્દે મહિલા આત્મસન્માન અને પાટીદાર સમાજને બદનામ કરવાની વાહિયાત વાત કરી. પરંતુ હાર્દિકની એક વાત સાચી કે તેની જાસૂસી થઈ રહી છે. તેની સીડીઓ બની રહી છે. અગાઉ તે અમદાવાદની હૉટલમાં રાહુલ ગાંધી (અથવા તેના કહેવા મુજબ કૉંગ્રેસ ગુજરાત પ્રભારી અશોક ગહલોત)ને મળવા ગયો ત્યારે પણ સીસીટીવી ફૂટેજ જાહેર કરાયા હતા જેમાં તે ગયા ત્યારે ખાલી હાથે અને આવ્યા ત્યારે બેગ સાથે હતા.

હાર્દિક કહે છે કે ભાજપ તેની સીડી બહાર પાડે છે. તેની જાસૂસી કરાવે છે. કૉંગ્રેસ પણ હાર્દિકની સાથે છે. પરંતુ ભાજપ કહે છે કે આ તો ‘પાસ’ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ની અંદરઅંદરનો જ ઝઘડો છે. વળી, સીડી માટે અશોક ગહલોત તરફ આંગળી ચીંધી રાજસ્થાનના તત્કાલીન મંત્રી મહિપાલ મદેરણા અને ભંવરીદેવીના સીડી કાંડની યાદ અપાવે છે અને કહે છે કે હાર્દિક પટેલ કૉંગ્રેસ પાસે બહુ બાર્ગેનિંગ (પૈસા-ટિકિટની રીતે અને વળી અનામતના પેચીદા મુદ્દે) ન કરે તેથી આ કામ કૉંગ્રેસ દ્વારા જ કરાયું છે.

જાસૂસી રાજામહારાજાઓના સમયમાંથી થતી આવી છે. વિક્રમાદિત્ય રાજા તો પોતે જ વેશપલ્ટો કરી નગરચર્યાએ નીકળતા અને જનતામાંથી સાચી માહિતી મેળવતા. ચાણક્ય નીતિમાં જાસૂસ અને જાસૂસી પર બહુ જ જોર મૂકાયું છે. ચાણક્ય પાસે પણ જાસૂસોની મોટી સેના હતી. ચાણક્ય શત્રુઓની છાવણીમાં પણ પોતાના જાસૂસોને મોકલતા. સ્ત્રીઓનો ઉપયોગ પણ શત્રુઓને પરાસ્ત કરવા માટે થતો. આવી સ્ત્રીઓને વિષકન્યા તરીકે ઓળખાતી. આથી જ જાહેરજીવનમાં રહેલી વ્યક્તિ અને ખાસ કરીને સત્તા સાથે સંબંધિત વ્યક્તિએ અણીશુદ્ધ ચરિત્રના હોવું ઘટે.

સ્વતંત્ર ભારતમાં વિરોધીઓ પર ચરિત્ર સંબંધે કાદવઉછાળની પ્રવૃત્તિ સમયે સમયે થતી રહી છે. ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો, પંડિત જવાહરલાલ નહેરુના એડ્વિના માઉન્ટબેટન સહિતની સ્ત્રીઓ સાથે કથિત સંબંધો, અટલ બિહારી વાજપેયી બ્રહ્મચારી છે કે કુંવારા, સ્મૃતિ ઈરાની વિશે અભદ્ર ટીપ્પણીઓ, સોનિયા ગાંધીના ભૂતકાળ તેમજ રાજીવ ગાંધીને પરણ્યા પછી માધવરાવ સિંધિયા સાથે કથિત સંબંધો, રાહુલ ગાંધીની કથિત સ્પેનિશ ગર્લફ્રેન્ડ વેરોનિક કાર્ટેલી, રાહુલ ગાંધી અને અફઘાન રાજકુમારી નોઅલ ઝહેર, કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીનો સેક્સ વિડિયો, કૉંગ્રેસ નિયુક્ત રાજ્યપાલ એન. ડી. તિવારીની આંધ્રપ્રદેશના રાજભવનમાં સેક્સ કાંડ… સમયે સમયે આ બધી ગૉસિપિંગ થતી રહે છે, સીડી બહાર આવતી રહે છે અને વિરોધી કેમ્પો પોતાના પ્રચારમાં બળ ઉમેરતા રહે છે.

વિરોધીઓની જાસૂસી કરવાનો સિલસિલો પંડિત જવાહરલાલ નહેરુથી શરૂ થાય છે. નહેરુને ખતરો હતો તેવા બે હરીફો મુખ્ય હતા- સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલ. સરદાર પટેલનો રસ્તો તો નહેરુએ ગાંધીજી દ્વારા કઢાવી લીધો હતો અને સુભાષચંદ્ર બોઝ નામનો કાંટો પણ ગાંધીજી દ્વારા જ સાફ કરાયો હતો. ગાંધીજીના ત્રાગાના કારણે બોઝને કૉંગ્રેસ પ્રમુખ તરીકે સત્તાવાર ચૂંટાઈ આવ્યા હોવા છતાં નીકળી જવું પડ્યું હતું. સરદાર પટેલનું તો મૃત્યુ થઈ ગયું, પરંતુ સુભાષચંદ્ર બોઝ જીવિત હોવાની વર્ષો સુધી ચાલી અને આજે પણ કેટલાક માને છે કે બોઝ ભારતમાં ફૈઝાબાદમાં ગુમનામી બાબા તરીકે સાધુજીવન ગાળી રહ્યા હતા.

બે વર્ષ પહેલાં આઈબી (ઇન્ટેલિજન્સ બ્યુરો)ની જે ફાઇલો જાહેર થઈ ત્યારે એ ચોંકાવનારી વાત બહાર આવી હતી કે નહેરુએ બોઝના કુટુંબની જાસૂસી વીસ વર્ષ સુધી કરાવી હતી. કટોકટી કાળમાં ઈન્દિરા ગાંધીના જાસૂસો અને બાતમીદારો પણ લોકોની વચ્ચે ફરતા હતા. શત્રુઓ-હરીફોની જાસૂસી તો સમજાય, પરંતુ પોતાના કુટુંબીઓની જાસૂસી સમજાય? આઈબીના પૂર્વ સંયુક્ત નિર્દેશક મલોય ક્રૃષ્ણ ધારનું પુસ્તક ‘ઑપન સિક્રેટ્સ, ઇન્ડિયાસ ઇન્ટેલિજન્સ અનવેઇલ્ડ’ વાંચો. તેમાં લખાયું છે કે ઈન્દિરા ગાંધી તેમના જ ગૃહ પ્રધાન ઝૈલસિંહની જાસૂસી કરાવતાં હતાં. ઝૈલસિંહની વાતચીત ટેપ કરાવાતી હતી. એ તો ઠીક, પરંતુ ઈન્દિરાજીએ પોતાનાં જ પુત્રવધૂ મેનકા ગાંધી પર નજર રાખવા આઈબીને સૂચના આપી હતી! મેનકા ગાંધીની માતા, તેમના દ્વારા ચલાવાતા મેગેઝિનના સંપાદકો અને તેમનાં તમામ મિત્રો પર પણ આઈબી નજર રાખતો અને મેનકાની વાતચીત રેકૉર્ડ કરતો.

દીકરા રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે તેમણે રાષ્ટ્રપતિ ઝૈલસિંહની જાસૂસી કરવા આઈબીને સૂચના આપેલી! જોકે રાજીવ ગાંધી પોતે પણ જાસૂસીમાંથી બાકાત નહોતા રહ્યા. તેમના એક પૂર્વ કેબિનેટ સચિવે રાજીવની પોતાની સાથે એક વાતચીત રેકૉર્ડ કરેલી જેમાં રાજીવે તેને તેના સાઢુભાઈને ઈટાલીમાં કેશથી ભરેલી એક સૂટકેસ આપવા સૂચના આપેલી.

નરેન્દ્ર મોદી પર મુખ્યમંત્રી કાળમાં એક યુવતીની જાસૂસી કરાવવાના આક્ષેપો લાગેલા છે. પ્રણવ મુખર્જી જ્યારે નાણા પ્રધાન હતા ત્યારે તેમની ઑફિસમાં જાસૂસીનું સાધન મળી આવતાં ચકચાર જાગેલી. પ્રણવબાબુએ આ અંગે ફરિયાદ કરેલી. ચર્ચા એવી હતી કે સોનિયા ગાંધીને પ્રણવદા પર ભરોસો નહોતો તેથી ગૃહ પ્રધાન ચિદમ્બરમ્ પાસે તેમની જાસૂસી કરાવેલી. પછી કેસમાં ભીનું સંકેલી લેવાયેલું. તો જ્યારે ૨૦૧૩મા ભાજપ વિરોધ પક્ષમાં હતો ત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીની જાસૂસી કરાવાતી હતી. તેમના ફૉન ટેપ કરાયેલા.

બરખા દત્ત કૉંગ્રેસ તરફી પત્રકાર છે એ હવે જગજાણીતી વાત છે. પરંતુ એ બરખા દત્ત અને લૉબિઇસ્ટ (જૂની ભાષામાં દલાલ) નીરા રાડિયાના ફૉન પણ ટેપ થયેલા. એ વખતે ઑનલાઇન જમાનો હતો તેથી વેબસાઇટો પર પણ આ ઑડિયો મૂકાયાં હતાં. ઑપન મેગેઝિને તેની વાતચીત લેખિતમાં છાપી હતી. બરખા દત્ત-નીરા રાડિયાના ફૉન આવકવેરાની સૂચનાથી ટેપ થયેલા કારણકે તેને કાળાં નાણાં ધોળાં (મની લૉન્ડરિંગ)ની શંકા હતી. આથી ગૃહ મંત્રાલયની મંજૂરી પછી જ આ કામ થયું હતું. આ ટેપમાં ઉદ્યોગપતિ, પત્રકાર, લૉબિઇસ્ટ અને રાજકારણીઓની અનૈતિક સાંઠગાંઠ બહાર આવી હતી. કહેવાનો અર્થ એ કે હાર્દિક હોય કે અન્ય કોઈ વ્યક્તિ, જાહેરજીવનમાં આવે એટલે તેમણે જાસૂસી માટે તૈયારી રાખવી જ પડે.

પ્રશ્ન એ છે કે જાસૂસી થઈ રહી છે તે કેવી રીતે જાણવું? તમારો કોઈ સતત પીછો કરતો હોય તો તમને ગંધ આવે, પરંતુ જ્યારે તમે કોઈ સંગઠનને લઈને નીકળ્યા હો ત્યારે તેની અંદરના લોકો જ થોડા સમય પછી ફૂટી જાય? જ્યારે કોઈ પણ આંદોલન ઊભું થતું હોય છે ત્યારે વિરોધીઓ એ આંદોલનને તોડવા માટે આંદોલનકારીઓ વચ્ચે પોતાના માણસો મોકલતા હોય છે.

વર્ષ ૨૦૧૧માં અણ્ણા હઝારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થયું ત્યારે સ્વામી અગ્નિવેશ આવા જ જાસૂસ હતા જે કૉંગ્રેસના ઈશારે જાસૂસી કરતા હતા. આમ તો આ આંદોલન કૉંગ્રેસ દ્વારા જ સ્વામી રામદેવના આંદોલનને તોડી પાડવા ઊભું કરાયું હતું તેવા આક્ષેપો થતા રહ્યા છે. તો સ્વામી અગ્નિવેશ તે સમયે આંદોલન વકરતાં તત્કાલીન મંત્રી કપિલ સિબલને ફૉન પર માહિતી આપતા એક વિડિયોમાં પકડાયા હતા. માર્કંડેય કાત્જુ જેવા પૂર્વ ન્યાયાધીશ તો કૉંગ્રેસ પર અને ખાસ તો ગાંધીજી પર બ્રિટિશ સરકારના એજન્ટ હોવાના આક્ષેપ કરતા રહ્યા છે.

મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના ભત્રીજા સુજીત આઝાદે ગયા વર્ષે આક્ષેપ કર્યો હતો કે નહેરુએ ચંદ્રશેખર આઝાદ ક્યાં છે તેની માહિતી બ્રિટિશ સરકારને આપી હતી જેના લીધે ચંદ્રશેખર આઝાદને વીરગતિ વહોરવી પડી હતી.

આમ, પોતાની તરફે રહેલા માણસો જ જાસૂસ હોય અથવા આગળ જતાં વાંધો પડે અને વેર વાળવા પોતાનો ભાંડો ફોડી નાખે તે શક્યતા ભરપૂર રહેલી છે. આજે વરુણ પટેલ, રેશ્મા પટેલ અને ચિરાગ પટેલ, અશ્વિન સાકડસેરિયા વગેરે એકસમયના હાર્દિકનાં સાથીઓ આજે તેમની વિરુદ્ધ છે. અશ્વિન પર તો હાર્દિકની સેક્સ સીડી જાહેર કરવાના આક્ષેપો પણ છે. એટલે જ નેતાઓ સંગઠનમાં પોતાની પકડ રાખવા માટે પોતાના માણસો રાખતા હોય છે. ભાજપમાં તો સુધીન્દ્ર કુલકર્ણી જેવા સામ્યવાદીઓ ઘૂસી જાય છે અને નુકસાન પહોંચાડે છે પરંતુ સામ્યવાદીઓ ક્યારેય કોઈ વિરોધી વિચારધારાવાળાને પક્ષની અંદર અને ખાસ તો મહત્ત્વના સ્થાને આવવા નથી દેતા. આથી સામ્યવાદીઓની કોઈ ગુપ્ત અથવા વિરોધી વાત ક્યારેય જાહેરમાં બહાર નથી આવતી.

ઉપરાંત આજે ટૅક્નૉલૉજી એટલી હદે આગળ વધી ગઈ છે કે જાસૂસીથી છટકવું મુશ્કેલ બની ગયું છે. સીસીટીવી કેમેરા આવાં કામોમાં ઉપયોગી છે. હૉટલોના રૂમોમાં ખબર ન પડે તેમ કેમેરા મૂકાયા હોય છે અને પતિ-પત્નીની સત્તાવાર અંગત પળો કે પછી વ્યક્તિઓનાં વ્યભિચારો રેકોર્ડ કરાય છે. તેને પૉર્ન સાઇટ પર મૂકાય છે. કેટલાક તો પોતે જ રેકોર્ડ કરી આવી સાઇટો પર મૂકતા હોય છે.

જાસૂસીનાં સાધનો એટલાં ન ઓળખાય તેવાં અને ગુપ્ત વેશે આવે છે કે તમે કળી પણ ન શકો. હવે રિસ્ટ વૉચ પહેરી હોય તેમાં પણ સ્પાય કેમેરા આવે છે. શર્ટના બટનમાં પણ કેમેરા ફિટ હોઈ શકે છે. અરે! પેનમાં પણ કેમેરા ફિટ હોઈ શકે છે. સ્ક્રૂ, સૉડા કેન, કીચેઇન, પાવર એડપ્ટર, ઍર ફ્રૅશનર, સ્મૉક ડિટેક્ટર, ટોપી, ચશ્મા, ટાઇ, જૂતાં ટૉઇલેટ ક્લિનર, ટૉઇલેટ રૉલ ડિસ્પેન્સર, સાબુની ડિશ, રમકડાં, પ્લગ પૉઇન્ટ, સ્વિચ બૉર્ડ, પેન ડ્રાઇવ, તમે ન વિચારી શકો તેવાં તેવાં સાધનોમાં કેમેરા ફિટ હોઈ શકે છે. આજે ફૉન પર વાતચીત રેકૉર્ડ કરાય છે. વૉટ્સએપ એન્ડ ટૂ એન્ડ ઍન્ક્રિપ્શનના લીધે આ રીતે સુરક્ષિત છે પરંતુ ચૅટના સ્ક્રીનશૉટ બાજી બગાડી શકે છે.

આના લીધે પ્રશ્ન એ છે કે શું ટૅક્નૉલૉજી માણસને નૈતિક, ચારિત્ર્યવાન અને પ્રમાણિક બનવા વિવશ કરશે?

Advertisements
gujarat guardian, national, religion, sangh parivar

હોય નહીં, આરએસએસ અને ઇફ્તાર પાર્ટી?

પ જુલાઈ ને રવિવારના છાપામાં એક સમાચાર ચોંકાવનારા ચમક્યા. તેનું મથાળું હતું: આરએસએસે પ્રથમ વખત સમગ્ર દેશમાં ઇફ્તાર પાર્ટી યોજી. ઘણી વાર છાપામાં સમાચારમાં બદમાશી કરવામાં આવતી હોય છે. પીટીઆઈ સંસ્થા કે યુએનઆઈમાં વર્ષોથી સેક્યુલર અને સામ્યવાદી વિચારસરણીના લોકો હોવાથી તેઓ આવી બદમાશીભર્યા સમાચાર આપે છે અને તેના આધારે પ્રાંતીય ભાષાનાં અખબારો પણ તે મુજબ જ સમાચાર અનુવાદિત કરીને છાપતા હોય છે. તો ઘણી વાર સનસનાટી માટે હેડિંગમાં ચેડા કરવામાં આવતા હોય છે. દા. ત. હમણાં એક સમાચાર હતા કે જાસૂસી સંસ્થા રોના પૂર્વ પ્રમુખ દુલતે કહ્યું કે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી માનતા હતા કે વર્ષ ૨૦૦૪માં ભાજપ ચૂંટણી હાર્યો તેનું કારણ ગોધરાકાંડ પછી ગુજરાતમાં થયેલાં રમખાણો હતા. હવે આ સમાચારનું મથાળું આપી દેવામાં આવે કે ભાજપ હાર્યો તેનું કારણ નરેન્દ્ર મોદી હતા તેમ વાજપેયી માનતા હતા તો સનસનાટી મચી જાય.

આ જ રીતે આરએસએસે ઇફ્તાર પાર્ટી યોજી તેવા સમાચારમાં પણ ક્યાં તો બદમાશી છે અથવા તો સનસનાટી મચાવવાનો પ્રયાસ. સમાચાર વાંચો તો ખબર પડે કે મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ સમગ્ર દેશમાં ઇફ્તાર પાર્ટી આપી. ઇફ્તાર પાર્ટી એટલે મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનમાં સાંજે રોજું ખોલવા માટે મુસ્લિમ બંધુઓને બોલાવીને જમાડવામાં આવે તે. અત્યાર સુધી કૉંગ્રેસ તેમજ અન્ય સેક્યુલર પક્ષો આવી ઇફ્તાર પાર્ટી યોજતી આવી હતી. તેની આરએસએસ અને ભાજપ તેમજ વિહિપ જેવા હિન્દુવાદી સંગઠનો ટીકા કરતાં હતાં. હવે સ્વાભાવિક છે કે આરએસએસે ઇફ્તાર પાર્ટી યોજી તેવા સમાચાર વાંચીને સંઘના સમર્થકો ઉકળી ઊઠે. તો બીજી તરફ, સેક્યુલરો મલકાઈ ઉઠે કે આરએસએસ પણ લાઇનમાં આવી ગયો. તો આ મુસ્લિમ રાષ્ટ્રીય મોરચો વળી કઈ સંસ્થા છે અને તેની સાથે સંઘનું નામ કેમ જોડવામાં આવે છે?

ખરેખર હકીકત એ છે કે સંઘની ઇમેજ વર્ષોથી મુસ્લિમ વિરોધી બનાવી દેવામાં આવી. અલબત્ત, એમાં ઘણા અંશે સંઘનો પણ વાંક ખરો કે તેના સ્વયંસેવકોના મનમાં આઝાદી પહેલાં અને પછી થયેલા રમખાણો, તેમાં સૌથી મોટા તો વિભાજન વખતનાં રમખાણો, તેના કારણે મુસ્લિમો પ્રત્યે દ્વેષ પેદા થયો. મોટા ભાગના લોકો સંઘનો ઉદ્દેશ હિન્દુ ધર્મના ફેલાવાનો માને છે પરંતુ હકીકતે સંઘનો ઉદ્દેશ મુખ્યત્વે રાષ્ટ્રભક્તિનો છે. સંઘના બીજા પ્રમુખ મા.સ. ગોળવળકર ઉર્ફે ગુરુજીએ મંત્ર આપેલો: “ઓમ્ રાષ્ટ્રાય સ્વાહા, ઈદમ્ રાષ્ટ્રાય, ઈદમ્ ન મમ્” સંઘે કોઈ વ્યક્તિને ગુરુ સ્થાને નથી રાખ્યા કારણકે આસારામ સહિતના અનેક કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ તેમ ગુરુ તરીકે જેમને માન્યા હોય તેનું પતન થાય એટલે મનોબળ ડગી જાય, વિશ્વાસ ઊઠી જાય. આથી જ અનેક લોકોના આવાગમન, શંકરસિંહ વાઘેલાનો ખજૂરાહો કાંડ વગેરે અનેક કિસ્સાઓ છતાં સ્વયંસેવકોના મનમાંથી સંઘ પ્રત્યેની નિષ્ઠા અને સરવાળે દેશભક્તિ ટકી રહી. આ વિચારીને સંઘે ભગવા ધ્વજને ગુરુ તરીકે રાખ્યા. ભગવો રંગ શૌર્ય, ત્યાગ અને બલિદાનનું પ્રતીક ગણાય છે. તેથી તે પ્રેરણારૂપ છે તેમ સ્વયંસેવકો માને છે. સંઘના સ્વયંસેવકોએ ગાંધીજીની હત્યા (નથુરામ ગોડસે પહેલાં)ના ષડયંત્ર વખતે ગાંધીજીની રક્ષા કરી હતી. ગાંધીજી પણ સંઘની શાખામાં આવેલા અને જે રીતે ત્યાં નાતજાતના ભેદભાવ (જે એ વખતે બાકીના સમાજમાં ખૂબ જ પ્રબળ હતા) હટેલા તે જોઈને સંઘની પ્રશંસા કરી હતી. કાશ્મીર પર પાકિસ્તાને આક્રમણ  કર્યું અને તે પછી ચીન-ભારત વચ્ચે યુદ્ધ થયું ત્યારે સ્વયંસેવકોએ ભજવેલી ભૂમિકાથી પ્રભાવિત થઈ દેશના પ્રથમ વડા પ્રધાન પં. જવાહરલાલ નહેરુએ સંઘને ૨૬ જાન્યુઆરીની કૂચમાં ભાગ લેવા આમંત્રણ આપેલું. મચ્છુની હોનારત કે ૨૦૦૧ના કચ્છ ભૂકંપ વખતે પણ સંઘના સ્વયંસેવકોએ સારી રાહત કામગીરી કરી હતી. એ તો સમજી શકાય, પણ હરિયાણામાં ૧૨ નવેમ્બર ૧૯૯૬ના રોજ ચરખી દાદરી ગામમાં સાઉદી અરેબિયા જતું વિમાન તેમજ કઝાખસ્તાનથી દિલ્હી આવતું વિમાન અથડાઈને જે દુર્ઘટના થઈ તેમાં સંઘના સ્વયંસેવકોએ સારી રાહત કામગીરી કરી હતી. તે વખતની ઘટનાઓની સ્મૃતિ મુજબ, તે વખતે મુસ્લિમો સ્વંયસેવકોથી પ્રભાવિત થયા હતા અને તેમને સંઘના ગણવેશ-ખાખી ચડ્ડીમાં મસ્જિદોમાં પ્રવેશ આપ્યો હતો.

સંઘના નેતાઓ દ્વારા મુસ્લિમોને રાષ્ટ્રીય પ્રવાહમાં તેમની રીતે જોડવા પ્રયાસો ચાલુ હતા. , ડૉ. હેડગેવાર જેમણે સંઘની સ્થાપના કરી હતી તેઓ ક્રાંતિકારી તરીકે દેશની સ્વતંત્રતા માટે કામ કરતા હતા ત્યારે તેમના એક ક્રાંતિકારી મિત્ર મુસ્લિમ (મોટા ભાગે અશફાકુલ્લાખાન) હતા જેમણે મુસ્લિમ ટોપી છોડીને સ્વદેશી ટોપી પહેરવા લાગી હતી. કટોકટી પછી સંઘના પ્રમુખ બાળાસાહેબ દેવરસને મળવા મુસ્લિમ નેતાઓ આવ્યા હતા. સંઘની શાખાઓમાં પણ આજુબાજુ રહેતા મુસ્લિમો આવતા. ભાજપમાં સ્વ. સિકંદર બખ્ત, શાહનવાઝ હુસૈન અને મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓ તો હતા જ. પરંતુ આ બધા પ્રયાસોથી કંઈ નક્કર થતું નહોતું.

સંઘને લાગ્યું કે કંઈક નક્કર કરવું પડશે. એ વખતે સંઘના પ્રમુખ (જેને સંઘની ભાષામાં સરસંઘચાલક કહે છે) સ્વ. કે. એસ. સુદર્શન હતા. તેમની મુસ્લિમ નેતાઓ સાથે નિયમિત બેઠક થતી હતી. ૨૦૦૨નું (કુખ્યાત બની ચુકેલું) વર્ષ હતું. એ વર્ષે જ સંઘની એક મુસ્લિમ સંસ્થાએ જન્મ લીધો. તેનું નામ હતું- મુસ્લિમ રાષ્ટ્રીય મંચ! અલબત્ત, હિન્દુદ્વેષી મિડિયાએ ૨૦૦૨નાં ગોધરા કાંડ પછીનાં રમખાણોને જેટલા ચગાવ્યા તેના એક ટકા જેટલું મહત્ત્વ પણ આ સમાચારને આપ્યું નહીં. હિન્દુ-મુસ્લિમોને અલગ રાખવામાં મિડિયા, ખાસ કરીને અંગ્રેજી મિડિયા પણ આટલું જ દોષી ગણાય.

કેવી રીતે એ સંસ્થા જન્મી તેના અનેક કિસ્સાઓમાં એક રસપ્રદ કિસ્સો આવો છે. ડિસેમ્બર ૨૦૦૨માં સુદર્શને દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા પંચનાં સભ્ય એવાં નફીસા હુસૈનના ચાણક્યપુરીમાં આવેલા નિવાસસ્થાને કેટલાક લોકોને સંબોધ્યા હતા અને તેમની સાથે વિચારવિમર્શ કર્યો હતો. તેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ત્રાસવાદીઓ જે રીતે જેહાદનું અર્થઘટન કરે છે તે ઈસ્લામ પ્રમાણે ઉચિત નથી. આ કાર્યક્રમમાં હાજર રહેલા ઇથોપિયાની મેકેલે યુનિવર્સિટીના ભૂગોળના પ્રાધ્યાપક ડૉ. તાહીર હુસૈન સહિતના લોકોએ એકબીજાના ધર્મ પ્રત્યેની ખોટી ધારણાઓ ભાંગવા પ્રયત્ન કર્યો અને ‘માઇ હિન્દુસ્તાન’ (ભારત માતા) નામનું સંગઠન બનાવવા નિર્ણય કર્યો. આ સંસ્થાનું નામ બદલી બાદમાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચ અને તે પછી મુસ્લિમ રાષ્ટ્રીય મોરચા કરાયું.

દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીમાં તે વખતે પીએચ.ડી. વિદ્યાર્થી ઈમરાન ચૌધરીએ દેશના ૬૫મા સ્વાતંત્ર્યદિનના સપ્તાહ પૂર્વે જૂની દિલ્હીના તેના પડોશમાં કરેલી હરકતથી તેની આજુબાજુ કેટલાક કટ્ટર તો કેટલાક સંઘ પ્રત્યે શંકા ધરાવતા લોકો ચોંકી ઉઠ્યા. ઈમરાને પોસ્ટર ચોંટાડ્યાં હતાં જેમાં સંઘના પ્રચારક ઈન્દ્રેશકુમાર ૧૫ ઓગસ્ટે તેમના વિસ્તારમાં સભા સંબોધશે તેવી માહિતી હતી. કલાકોની અંદર આની વિરુદ્ધમાં પોસ્ટરો ચોંટાડાઈ ગયાં. તેમાં લખાયું હતું જે લોકો મુસ્લિમોના ખૂનના તરસ્યા છે તેઓ જ અહીં આવી રહ્યા છે. ચૌધરીને એક મુસ્લિમ ધર્મગુરુએ ખાનગીમાં સમજાવ્યું કે તું ભાજપને સમર્થન કરે એ સમજાય, પણ આરએસએસને?

મુસ્લિમો સાથે સેતુ બાંધવાની કોશિશ કોણ કરી રહ્યું હતું? સંઘના આદેશથી આ કોશિશ એ જ કરી રહ્યા હતા જેમના માથે કૉંગ્રેસની સરકારે સમજૌતા વિસ્ફોટ તેમજ હૈદરાબાદની મક્કા મસ્જિદ વિસ્ફોટનું આળ ચડાવી ભગવા આતંકવાદ નામનો શબ્દ વહેતો કર્યો હતો. અને જોવાની વાત એ છે કે જ્યારે આવું થયું ત્યારે આ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના ઈમરાન ચૌધરી સહિત અનેક મુસ્લિમો ઈન્દ્રેશકુમારના સમર્થનમાં આગળ આવ્યા હતા.

એમઆરએમ તરીકે ટૂંકમાં ઓળખાતું આ સંગઠન હવે તો ૨૭ રાજ્યોના ૨૦૦ જિલ્લાઓમાં હાજરી ધરાવે છે. તેના સભ્યો કંઈ સંઘની શાખામાં ખાખી ચડ્ડીમાં કૂચ (સંઘ તેને પથસંચલન કહે છે) કરતા નથી. આ સંગઠનને પણ સંઘની જેમ સાંસ્કૃતિક સંગઠન ગણાવાય છે. જોકે સંઘના શિબિરોમાં જેને સ્વેચ્છાએ જવું હોય તે જઈ શકે છે. દા. ત. ડૉ. તાહિર હુસૈન ભોપાલમાં યોજાયેલા સંઘના શિબિરમાં એક વાર ગયા હતા અને તે પણ રમઝાનના મહિનામાં! તેમને એક પ્રચારકે સૂર્યોદય પહેલાં ઉઠાડી દીધા જેથી તેઓ શેહરી (રોજું શરૂ થાય તે પહેલાં ખાઈ લેવું) લઈ શકે. તાહિર હુસૈનને સંઘના લોકો ધરતી સાથે જોડાયેલા નમ્ર લોકો લાગે છે. ઈમરાન ચૌધરી જ્યારે સંઘના હાલના પ્રમુખ મોહન ભાગવતને મળ્યો તે પછી તેને પણ લાગ્યું કે તેણે સંઘ પરિવારની અંતિમવાદી વિચારધારા વિશે જે સાંભળ્યું હતું તે બધું ખોટું છે. મોહન ભાગવત તેને ભેટ્યા. તેમણે ઈમરાનને હિન્દુ બનવા સહેજે દબાણ ન કર્યું. ઈમરાન કહે છે કે સંઘ- વિહિપ વિશે જે મુસ્લિમોના ધર્મપરિવર્તનની ધારણાઓ ફેલાવાઈ છે તે સાવ બોગસ છે.

નવાઈની વાત લાગશે, પરંતુ હિન્દુ-મુસ્લિમ વચ્ચે જે વર્ષોથી ખાઈ પડેલી છે તેને તોડવા માટે મુસ્લિમ રાષ્ટ્રીય મોરચો પ્રશંસનીય કાર્ય કરી રહ્યો છે. ઑગસ્ટ ૨૦૦૮માં મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ અમરનાથ યાત્રા માટે જમીન ફાળવાય તે માટે દિલ્હીના લાલ કિલ્લાથી કાશ્મીર સુધીની પૈગામ-એ-અમનની યાત્રા કાઢી હતી. જોકે એ યાત્રાને શરૂઆતમાં જમ્મુ-કાશ્મીર સરહદ પર જ અટકાવી દેવાઈ હતી પરંતુ બાદમાં જમ્મુમાં તેમને જવા દેવાયા હતા. નવેમ્બર ૨૦૦૯માં એમઆરએમે મુંબઈમાં કસાબ આણિ મંડળીએ પાકિસ્તાનના ઈશારે કરેલા હુમલાના વિરોધમાં તિરંગા યાત્રા કાઢી હતી. તેમાં એક હજાર સ્વયંસેવકોએ ત્રાસવાદ સામે લડવા અને પોતપોતાના જિલ્લામાં તેની સામે અભિયાન ચલાવવા પ્રતિજ્ઞા લીધી હતી. ઑક્ટોબર ૨૦૧૩માં ડૉ. તાહિર હુસૈને હરિયાણામાં ૧૨ ગામોની પંચાયત બોલાવી હતી જેમાં ગાયના માંસ પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર થયો હતો. નવેમ્બર ૨૦૦૯માં જમિયત ઉલેમા-એ-હિન્દે વંદેમાતરમ્ ગાવાનો વિરોધ કરતો ઠરાવ કર્યો તો મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે જે લોકો વંદેમાતરમ્ નથી ગાતા તેઓ ઈસ્લામ અને ભારતના વિરોધી છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં એમઆરએમે કાશ્મીરના વિકાસને અટકાવનારી કલમ ૩૭૦ને દૂર કરવા માગણી કરતી સહીઝુંબેશ ચલાવી હતી જેમાં સાત લાખ લોકોએ સહી કરી હતી.

જોકે એમઆરએમમાં જોડાતા મુસ્લિમોને તેમના સમાજના કેટલાક બની બેઠેલા કટ્ટર આગેવાનો અને સંસ્થાઓમાં વિરોધ તેમજ તેના કારણે હાનિનો સામનો કરવો પડે છે. જેમ કે ડૉ. તાહિર હુસૈન જામિયા માલિયા યુનિવર્સિટીમાં રિસર્ચ એસોસિએટ પણ છે. તેઓ કહે છે કે તેઓ આ એમઆરએમ સાથેના સંબંધના કારણે તેમને આ યુનિવર્સિટીમાં કાયમી નોકરી મળતી નથી. જોકે તેમને તેનો કોઈ વાંધો નથી.

પક્ષના રાષ્ટ્રીય સંયોજન મોહમ્મદ અફઝલ છે. સ્વાભાવિક છે કે આરએસએસ સાથે જોડાયેલી સંસ્થા હોવાથી તેમની સમક્ષ ૨૦૦૨નાં ગોધરા કાંડ પછીનાં રમખાણો અને ભાજપનો પ્રશ્ન ઉઠવાનો જ. પરંતુ તેઓ કહે છે કે કૉંગ્રેસે શીખો વિરુદ્ધ ૧૯૮૪માં રમખાણો કર્યાઁ હતાં તેના કારણે શીખોએ કૉંગ્રેસ પક્ષ છોડી દીધો નહોતો. તેઓ મુખ્યપ્રવાહમાં રહ્યા. તેનું પરિણામ એ આવ્યું કે ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા. તો મુસ્લિમોએ પણ ગોધરા પછીનાં રમખાણોના કારણે શા માટે ભાજપ છોડવો જોઈએ?

મુસ્લિમ રાષ્ટ્રીય મોરચા દ્વારા ઈફ્તાર પાર્ટી આ કંઈ પહેલી વાર નહોતી અપાઈ, પરંતુ તેની નોંધ વ્યાપક પણે પહેલી વાર લેવાઈ. ગયા વર્ષે ગુજરાતમાં પણ આ સંસ્થાએ ઈફ્તાર પાર્ટી આપી હતી. આ વખતે મિડિયાનું ધ્યાન કદાચ એટલે પણ ગયું કારણકે સંસદભવનના પરિસરમાં આ પાર્ટી હતી અને તેમાં ૭૦ ઇસ્લામિક દેશોના રાજદૂતો પણ હાજર હતા.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૮/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

gujarat guardian, national, politics

ભારતરત્ન આપવામાં પણ રાજકારણ રમાય છે

અંતે ધારણા મુજબ જ અટલબિહારી વાજપેયીને ભારતરત્ન એવોર્ડ અપાયો. આ બાબતમાં મોદી સરકારે જરાય વિલંબ ન દાખવ્યો.  જોકે જેમ મોટા ભાગના નેતાઓએ કહ્યું તેમ, અટલજીને એવોર્ડ મેળવવામાં તો વિલંબ થયો જ છે. ગયા વર્ષે સચીન તેંડુલકરને તેની વિદાય વખતે તાત્કાલિક જ ભારતરત્ન આપી દેવામાં આવ્યો અને એમ કહેવાય છે કે રાહુલ ગાંધી તેની પાછળનું મુખ્ય પરિબળ હતા.

ગયા વર્ષે યાદ હોય તો, નવેમ્બર આસપાસ નરેન્દ્ર મોદીનો પ્રચાર વીજળી વેગે ચાલતો હતો, કૉંગ્રેસ બધી રીતે બેકફૂટ પર હતી. કૌભાંડોની એબીસીડી ગણાવીને મોદી એક પછી એક શહેરમાં પ્રચાર કરી રહ્યા હતા. એવામાં સચીન તેંડુલકરની ક્રિકેટમાંથી વિદાય નક્કી થઈ. અલબત્ત, એ પણ કહેવું જોઈએ કે, એ વિદાય પરાણે હતી કેમ કે સચીનનું ફોર્મ જોતાં જો તેણે જાતે નિવૃત્તિ જાહેર ન કરી હોત તો તેને વિદાય કરવામાં આવ્યો હોત. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં જ એવી વાત ચાલી હતી કે સચીનને નિવૃત્તિ લઈ લેવાનું કહી દેવામાં આવ્યું છે. જોકે, એ અહેવાલને સત્તાવાર રીતે બૉર્ડે નકારી કાઢ્યો હતો. આમ, નિવૃત્તિ પહેલાંની છેલ્લી ટેસ્ટ વખતે ટીવી ચેનલોએ પણ સચીન-સચીન કરી નાખ્યું હતું. એવા વખતે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને માસ્ટરસ્ટ્રોક રમવાનું સૂજ્યું.

જે દિવસે સચીનની રમતનો છેલ્લો દિવસ હતો તે જ દિવસે તેને ભારતરત્ન એવોર્ડની જાહેરાત કરી દેવાઈ. એ મહિનાઓમાં સચીન કરતાં હોકીના જાદુગર ધ્યાનચંદ, વાજપેયીને ભારતરત્ન અપાવો જોઈએ તેવી માગણી થઈ રહી હતી, પરંતુ છેલ્લી ઘડીએ સચીનને ભારતરત્ન જાહેર કરી દેવાયો. સચીનની સાથે વૈજ્ઞાનિક સીએન રાવનું નામ પણ જાહેર કરાયું હતું, જેથી એકતરફી અને રાજકારણસભર નિર્ણય ન લાગે.

અત્યાર સુધી દેશમાં કૉંગ્રેસની સરકારો વધુ રહી છે. અને ભારતરત્નની બાબતમાં પણ કમનસીબે રાજકારણ વધુ રમાયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારતના શિલ્પી ગણાવાય છે, તેમને તેમના મૃત્યુના ચાર દાયકા પછી ભારતરત્ન અપાયો અને તે વખતે પણ શુદ્ધ ગાંધી (ઇન્દિરા ગાંધીવાળા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીવાળા ગાંધી નહીં)- નહેરુ કુટુંબના કે તેના તરફી વડા પ્રધાન નહોતા, પરંતુ પી.વી. નરસિંહરાવ વડા પ્રધાન હતા ત્યારે આ સર્વોચ્ચ સન્માન અપાયું હતું.

ડૉ.  બાબાસાહેબ આંબેડકર અને જયપ્રકાશ નારાયણને ભારતરત્ન તેમના મૃત્યુના દાયકાઓ પછી જ અપાયો એટલું જ નહીં, પરંતુ જ્યારે તેમને એવોર્ડ અપાયો ત્યારે બિનકૉંગ્રેસી સરકારો હતી. આંબેડકર તો આપણા બંધારણના ઘડવૈયા કહેવાય છે જ્યારે જયપ્રકાશ નારાયણે જો આંદોલન ન કર્યું હોત તો કદાચ ઇન્દિરા ગાંધી સરમુખત્યાર બની બેઠા હોત અને ઈરાક, સિરિયા, પાકિસ્તાન જેવા દેશોની જેમ વિપક્ષના નેતાઓ જેલમાં જ હોત.

આ જ રીતે મોરારજી દેસાઈને ૧૯૯૧માં ભારતરત્ન આપવામાં આવ્યો. તેઓ  વડા પ્રધાન પદેથી ઉતર્યા તેના બાર વર્ષ પછી તેમનું સન્માન થયું. મોરારજી દેસાઈ અનેક રીતે ભારતરત્નને લાયક હતા. તેમની સેવાઓ વડા પ્રધાન પહેલાં અને વડા પ્રધાન તરીકેની જાણીતી છે. તેમના શાસનકાળમાં ચીજો સોંઘી થઈ હતી, જે તે પછી કોઈ સરકાર વખતે થયું નથી. ઉપરાંત પાકિસ્તાન સાથેના સંબંધો સુધર્યા હતા. તે વખતે દૂરદર્શન અને આકાશવાણી બે જ હતા જે સરકાર હેઠળ હતા. તેને સ્વાયત્ત કરવાની દિશામાં સારી પહેલ થઈ હતી. પરંતુ તેમને ૧૯૯૦માં આપણા શત્રુદેશ પાકિસ્તાન તરફથી ત્યાંનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન-એ-પાકિસ્તાન મળ્યો તે પછી સરકારે ભારતરત્ન આપવાનું નક્કી કર્યું.

આની સામે રાજીવ ગાંધીને તેમની હત્યાના કેટલાંક અઠવાડિયાં માંડ વિત્યાં હતાં, ત્યાં ભારતરત્ન જાહેર કરી દેવાયો. રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા પછી તેમણે આપેલી સેવાઓ જાણીતી છે, જેમાં કમ્પ્યૂટર યુગની શરૂઆત થઈ અને ટેલિકોમ ક્ષેત્રે પણ ક્રાંતિ થઈ, પરંતુ બૉફોર્સ કાંડ પણ એટલું જ ચગ્યું હતું. જોકે રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધીના મૃત્યુને પગલે વડા પ્રધાન બની ગયા હતા. પરંતુ તે પહેલાં તેમણે ખાસ નોંધપાત્ર સેવાઓ આપી હોવાનું જાણમાં નથી. તો રાજીવનાં માતા ઇન્દિરા ગાંધીને અને નાના જવાહરલાલ નહેરુને ભારતરત્ન તો તેમના જીવતા જ આપી દેવાયો હતો! અલબત્ત, એમાં કોઈ ના નથી કે નહેરુ અને ઇન્દિરા ગાંધીની લાયકાત ભારતરત્ન માટે હતી જ પરંતુ તેઓ સત્તામાં હોય ને પોતે જ પોતાને ભારતરત્ન આપે તે કેવું?

ઉલ્લેખનીય છે કે અટલબિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે તેમના સાથી મંત્રીઓએ તેમના માટે ભારતરત્નની ભલામણ કરી હતી, પરંતુ વાજપેયીએ સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો કે ના, આવું જરા પણ ન થઈ શકે. દલા તરવાડીની જેમ પોતે જ પોતાને ભારતરત્ન આપી દે તે કેવું કહેવાય? આમ તો, ભારતરત્નનું નામ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાય છે, પરંતુ આપણે ત્યાં રાષ્ટ્રપતિ લગભગ કઠપૂતળી જેવા હોય છે અને કોને આ એવોર્ડ આપવો તે સરકાર જ નક્કી કરતી હોય છે.

આપણે ત્યાં ભારતરત્ન માટેની માગણી તો ઘણા બધા લોકો કરતા હોય છે, તેમાં ઘણા આ એવોર્ડ માટે લાયક નથી પણ હોતા. દલિતવાદી બસપ નેતા કાંશીરામ, ગાયક મોહમ્મદ રફી, હોકીના ખેલાડી ધ્યાનચંદ, વિજ્ઞાની વિક્રમ સારાભાઈ, શાયર મિર્ઝા ગાલિબ, ઓડિશાના નેતા બીજુ પટનાયક, આંધ્રપ્રદેશના પહેલા બિન કૉંગ્રેસી મુખ્યમંત્રી એન.ટી. રામારાવ,  કૉંગ્રેસના પૂર્વ નેતા અને વડા પ્રધાન સ્વ. નરસિંહરાવ સહિતના માટે ભારતરત્નની માગણી થઈ છે. ભારતરત્નનો વિવાદ પણ થયો છે. ભારતરત્ન વિજેતા ગાયિકા લતા મંગેશકરે ૨૦૧૪ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનવા જોઈએ તેવું જાહેરમાં નિવેદન કર્યું ત્યારે મુંબઈ કૉંગ્રસના પ્રમુખ જનાર્દન ચંદુરકરે તેમની પાસેથી ભારતરત્ન પાછો લઈ લેવા નિવેદન ઠપકારી દીધું હતું, તો આ જ રીતે ભાજપના નેતા નરેન્દ્ર મોદીની ટીકા બદલ એ જ અરસામાં ભાજપના નેતા ચંદન મિત્રાએ પણ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પાસેથી ભારતરત્ન પાછો લેવા કહ્યું હતું. આ બંને નિવેદનોના વિવાદ થયા હતા અને પ્રશ્ન થયો હતો કે શું ભારતરત્ન એવોર્ડ દેશસેવા બદલ અપાય છે કે કોઈ પક્ષની સેવા માટે? આ એવોર્ડ ભારતનો છે, તે કોઈ પક્ષની અંગત જાગીર નથી.

સચીનને જ્યારે એવોર્ડ અપાયો ત્યારે તેનો વિવાદ અને ટીકા બંને થયા હતા. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન નીતીશકુમારના પક્ષ જનતા દળ યુનાઇટેડના એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે સચીને એવી કઈ મોટી ધાડ મારી છે? તે ક્યાં મફતમાં રમે છે? તે તો ભારેખમ પૈસા લઈને રમે છે. એમાં કઈ મોટી દેશસેવા તેણે કરી?

આમ જુઓ તો વાત સાચી પણ છે, પરંતુ સચીને અનેક રેકોર્ડ બનાવ્યા ને દેશનું નામ ગજવ્યું. અનેક વાર વિજયી ઇનિંગ્સ રમીને ભારતને વિજય અપાવ્યો. સચીનનો પ્રવેશ ક્રિકેટમાં એવા સમયે થયો હતો જ્યારે ભારત વિશ્વકપ તો જીતી ચૂક્યું હતું પરંતુ તે પછી મોટા ભાગે હાર જ પામી રહ્યું હતું. પાકિસ્તાન સામે માનસિક રીતે તે હારી જતું હતું. સચીને તેનું મજબૂત મનોબળ બતાવીને અનેક સારા સારા બોલરોને ભૂ પીતા કરી દીધા હતા. જોકે, હોકીના જાદુગર ધ્યાનચંદ પણ અનેક ગણી વધારે રીતે ભારત દેશના સર્વોચ્ચ સન્માનને લાયક છે. તેમણે ન માત્ર આ રમતમાં ભારતને વિજયી બનાવ્યું, પરંતુ એક અલગ રીતે પણ દેશસેવા કરી.

કિસ્સો એવો છે કે, ૧૯૩૬માં જર્મનીના બર્લિનમાં ઓલિમ્પિકની ફાઇનલ હતી. ધ્યાનચંદ સહિતની ભારતીય ટીમે જર્મનીને ૮-૧ જેવી પ્રભુત્વવાળી રમતથી હરાવી દીધું. એ મેચ જોવા જર્મનીના પ્રમુખ એડોલ્ફ હિટલર પણ આવ્યા હતા. હિટલર ભારતની જીત અને જર્મનીની હારથી ધૂંઆપૂંઆ થઈ ગયા. તેમણે સુવર્ણચંદ્રક આપવાના હતા, પરંતુ હારના કારણે તેઓ સ્ટેડિયમમાંથી નીકળી ગયા.

બીજા દિવસે ધ્યાનચંદને હિટલરે મળવાનું કહેણ મોકલ્યું. જ્યારે ધ્યાનચંદને આ સંદેશો મળ્યો ત્યારે તેઓ ચિંતામાં પડી ગયા. તેમણે હિટલર વિશેની વાતો સાંભળી હતી. તે દિવસે ન તો તેમને જમવાનું ભાવ્યું કે ન તો ઊંઘ આવી.

તે પછી ધ્યાનચંદ તેમને મળવા ગયા. હિટલરે તેમને પૂછ્યું કે તેઓ શું કરે છે, ધ્યાનચંદે કહ્યું કે તેઓ ભારતીય સેનામાં સૈનિક છે. હિટલરે ધ્યાનચંદને જર્મન સેનામાં વધુ ઊંચું પદ આપવા લાલચ આપતાં જર્મનીમાં વસવાટ કરવા કહ્યું. ધ્યાનચંદે સ્પષ્ટ ના પાડી દીધી.

વાજપેયીને ભારતરત્ન મળ્યો છે તે યથાર્થ જ છે. તેમણે વડા પ્રધાન બન્યા પહેલાં જ દેશની સેવા અનેક તબક્કે અનેક રીતે કરી હતી. તેઓ વિરોધીઓની પ્રશંસા કરવાનું પણ ચૂકતા નહીં. બાંગ્લાદેશની રચના વખતે ભારતે કરેલી સહાય બાબતે ઇન્દિરા ગાંધીની તેમણે પ્રશંસા કરી હતી. (જોકે દુર્ગા સાથે ઇન્દિરાને તેમણે સરખાવ્યાં નહોતાં. આ અંગેની ચોખવટ તેમણે ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં કરી હતી). નરસિંહરાવ વડા પ્રધાન હતા ત્યારે તેમણે વાજપેયીને યુનોમાં મોકલ્યા હતા. અને યુનોમાં જઈને વાજપેયી પાકિસ્તાનના છક્કા છૂટી જાય તેવું ભાષણ કરી આવેલા. કટોકટી વખતે પણ વાજપેયીએ પ્રશંસનીય લડત આપી હતી અને જનસંઘને જનતા પક્ષમાં ભેળવી દઈ મજબૂત સરકાર મળે તે માટે પ્રયાસો કર્યા હતા. વી. પી. સિંહની મોરચા સરકાર લાંબુ ચાલી નહીં. તે પછી ચંદ્રશેખરની સરકાર પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શકી નહી. જનતા દળના દેવેગોવડા અને આઈ. કે. ગુજરાલ બંને પોતાની મુદ્દત પૂરી કરી શક્યા નહીં.

આમ જોઈએ તો કોઈ બિનકૉંગ્રેસી સરકારના વડા પ્રધાન પાંચ વર્ષની મુદ્દત પૂરી કરી શક્યા નહોતા. પરંતુ વાજપેયીએ ૨૮ જેટલા નાના-મોટા પક્ષોને સાથે લઈને પોતાની સરકાર સફળ રીતે પૂરી કરી હતી.

તેમના સમયમાં પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયા તેની અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએને ગંધ સુદ્ધાં આવી નહોતી. પરમાણુ પરીક્ષણ તો કરી નાખ્યા, પરંતુ તે પછી અમેરિકા અને જાપાન સહિતના દેશોએ આર્થિક પ્રતિબંધો લાદી દીધા. આમ છતાં વાજપેયીએ હિંમત હાર્યા વગર સરકાર ચલાવી અને આર્થિક પ્રતિબંધોની ઐસી કી તૈસી કરી દીધી. તેમણે બતાવી દીધું કે અમેરિકા અને જાપાન જેવા દેશોની આપણને જેટલી જરૂર છે તે કરતાં તેમને આપણી જરૂર વધારે છે. અને આપણો જીડીપી આઠ ટકાએ લાવી દીધો. તેમની નેશનલ હાઇવે ડેવલપમેન્ટની યોજના પણ સારી હતી. પરંતુ તે પછીની યુપીએ સરકારે તે પ્રોજેક્ટ લટકાવી દીધો. સ્વયં યુપીએ સરકારે સર્વોચ્ચ અદાલતમાં આ વાત સ્વીકારી છે કે વાજપેયીની એનડીએ સરકારમાં હાઇવેનું કામ ખૂબ જ સારું થયું છે. આ જ રીતે નદીઓને જોડવાની તેમની યોજના પણ સારી હતી, જે પણ પછી લટકાવી દેવામાં આવી. જોકે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એ નર્મદાનું પાણી લાવીને સાબરમતીને લગભગ બારેય મહિના બે કાંઠે વહેતી રાખી.

વાજપેયી સરકાર ચલાવતા ત્યારે ક્યારેય પોતાના વિચાર થોપતા નહોતા. તેઓ બધાનું સાંભળતા અને પછી નિર્ણય લેતા. આથી જ જ્યારે તેમને ભારતરત્નની જાહેરાત થઈ ત્યારે બધા જ રાજકીય પક્ષોમાંથી તેને આવકાર મળ્યો છે.

((ગુજરાત ગાર્ડિયન વર્તમાનપત્રની બુધવારની પૂર્તિમાં વિશેષ કૉલમમાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ છપાયેલો લેખ))

 

 

economy, gujarat guardian

જીએસટીથી સામાન્ય માનવીને શું અસર થશે?

જેની ઘણા વખતથી પ્રતીક્ષા હતી તે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ખરડો આખરે ૧૯ ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરાયો. આનાથી આપણી કરપદ્ધતિમાં બહુ મોટો સુધારો આવશે તેવી હવા છે. સત્ય શું છે તે જાણવાનો અત્રે પ્રયાસ છે.

પહેલાં તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે શું તે જાણીએ. નામ મુજબ, માલ અને સેવા પર લાગતો વેરો એવું સાદી રીતે સમજાય અને જે સાચું પણ છે. આમ જોઈએ તો તેને વેલ્યૂ એડેડ ટેક્સ અર્થાત્ મૂલ્ય વર્ધિત વેરો પણ કહેવાય તો ખોટું નથી. એવો પ્રચાર છે કે તેના કારણે માલ અને સેવા પર જે આડકતરા અથવા તો પરોક્ષ વેરા લદાય છે તે નાબૂદ થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે તો અનેક દેશોમાં (અંદાજે ૧૪૦ દેશોમાં, સૌથી પહેલો દેશ ફ્રાન્સ હતો, જ્યાં ૧૯૫૪થી જીએસટી છે!) જીએસટી છે જ અને તે કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એકાત્મતા અથવા એકરૂપતા થશે.

આ વેરાના મુદ્દે ભારે ઉતારચડાવ અને વલણોમાં ૧૮૦ ડિગ્રીનાં પરિવર્તન જોવાં મળી રહ્યા છે. હકીકતે તો અત્યારે જે સરકાર આ ખરડો લાવી રહી છે તે સરકારના વડા નરેન્દ્ર મોદી જ આ વેરાના વિરોધી હતા. એમ કહેવાય છે કે, તેમાં રાજકારણ પણ હતું. એક તો કેન્દ્ર સરકાર મોદીની પાછળ હાથ ધોઈને ૨૦૦૨નાં રમખાણો તેમજ એન્કાઉન્ટર કેસોના મુદ્દે પડી ગઈ હતી. ગુજરાતમાં ચૂંટણી જીતવા કેન્દ્ર સરકારનો અન્યાય એ મુદ્દો ઉપયોગી સાબિત થાય તેમ હતો. બીજી તરફ, બિહારના તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી આ જીએસટીની પેનલના વડા હતા. સુશીલ મોદી નરેન્દ્ર મોદી તરફી નહોતા. તેથી જ એક વર્ષ પહેલાં ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તત્કાલીન કેન્દ્ર પ્રધાન જયરામ રમેશનું નિવેદન આવ્યું કે નરેન્દ્ર મોદીએ એકલા હાથે આ વેરાને અટકાવી દીધો. એક તરફ એક મોદી (સુશીલ મોદી) તેની પ્રખર તરફેણ કરે છે તો બીજી તરફ, બીજા મોદી (નરેન્દ્ર મોદી) કટ્ટર વિરોધ.

નરેન્દ્ર મોદી કયા મુદ્દે વિરોધ કરતા હતા? તેમની તત્કાલીન રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલનું નિવેદન તે સમયે અખબારોમાં ચમક્યું હતું તેમાં સૌથી મોટી દલીલ એ હતી કે તેનાથી રાજ્યોની આર્થિક સ્વાયત્તતા પર કાપ આવશે. સૌરભ પટેલે કહ્યું હતું કે તેમાં રાજ્યની વિકાસલક્ષી જરૂરિયાતો તેમજ આર્થિક સ્વાયત્તતા પર ધ્યાન દેવાયું નથી. હવે એ જ નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ને અચાનક યુ-ટર્ન આવી ગયો! એ જ નરેન્દ્ર મોદીના નાણા પ્રધાન અરુણ જેટલીએ હવે જીએસટી ખરડો રજૂ કર્યો છે. શું મોદીને મુખ્ય પ્રધાન તરીકે જે મુદ્દે વિરોધ હતો તે હવે વડા પ્રધાન બન્યા પછી પૂરો થઈ ગયો કે પછી તેમની જે ચિંતા હતી તે હવે ખરડામાં દૂર કરવામાં આવી છે? કદાચ બીજી બાબત વધુ સાચી છે. અરુણ જેટલીએ રાજ્યોને વળતર આપવા તેમજ એક પરિષદ બનાવીને તેમની આર્થિક સ્વાયત્તતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખ્યો છે. પરંતુ કોઈ એમ માનતું હોય કે કૉંગ્રેસનો આ ખરડો નરેન્દ્ર મોદીએ આગળ ધપાવ્યો છે તો તે ખોટું છે.

હકીકતે તો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર અથવા તો વાજપેયી સરકારે જ આ મુદ્દે હિલચાલ શરૂ કરી હતી. પશ્ચિમ બંગાળના તત્કાલીન નાણા પ્રધાન અસીમ દાસગુપ્તાના નેતૃત્વમાં એક સમિતિ બનાવાઈ હતી અને તેને કામ સોંપાયું હતું કે જીએસટી મોડેલની ડિઝાઈન બનાવે. ૨૦૦૪માં ભાજપની સરકાર ગઈ અને કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર આવી. પણ યુપીએ સરકારે ભાજપની સરકારનો આ ખરડો હોવાથી તેને અભેરાઈએ ચડાવ્યો નહીં. (કેટલીક બાબતો એવી હોય છે કે ગમે તે સરકાર આવે, ચાહે, ભાજપ, કૉંગ્રેસ કે ત્રીજા મોરચાની, પરંતુ તે બદલાતી નથી, બદલાવી પણ ન જોઈએ. વિદેશ નીતિ અને આર્થિક બાબતો પર એક સરખી નીતિ રહે તે ઘણી વાર હિતાવહ પણ હોય છે.) જીએસટી મુદ્દે તો વિશ્વ બૅન્કનું દબાણ પણ જવાબદાર છે કેમ કે વિશ્વ બૅન્કે નવી મોદી સરકાર આવી ત્યારે ૨૦ જૂન, ૨૦૧૪ના રોજ જ કહી દીધું હતું કે જીએસટી લાવો અને સબસિડી ઘટાડો! (આપણી આર્થિક નીતિ ૧૯૯૧ પછીથી મોટા ભાગે અમેરિકા અથવા તેના પ્રભુત્વવાળી સંસ્થાઓ જેમ કે આઈએમએફ અને વિશ્વ બૅન્કના ઈશારે ઘડાતી હોવાની વાત ઘણાં વર્ષોથી કહેવાતી રહી છે અને તેમાં કેટલેક અંશે તથ્ય પણ છે.)

એટલે ૨૦૦૭-૨૦૦૮માં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ જાહેરાત કરી દીધી કે ૧ એપ્રિલ, ૨૦૧૦થી જીએસટીનો અમલ શરૂ થઈ જશે અને કેન્દ્ર સરકાર સાથે રાજ્યના નાણા પ્રધાનોની સમિતિ આ માટે કામ કરશે. રાજ્યના નાણા પ્રધાનોનું એક જૂથ બન્યું જેમાં કેન્દ્રીય નાણા પ્રધાનના સલાહકાર તેમજ મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવો તેમજ રાજ્યના નાણા સચિવો પણ ઉમેરાયા. આ જૂથે આંતરિક ચર્ચા તો કરી જ પરંતુ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે પણ ચર્ચા કરી તેનો અહેવાલ સોંપી દીધો.

સમિતિમાં આ અહેવાલ ચર્ચાયો અને તેના આધારે કેટલાક સુધારા જીએસટીમાં કરાયા. ૨૦૦૮માં અંતિમ અહેવાલ મોકલવામા આવ્યો, જેના પર કેન્દ્ર સરકારે ૧૨ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ પોતાની ટીપ્પણી મૂકી. તેના પર પણ સમિતિએ વિચાર કર્યો. તેનો અભ્યાસ કરવા રાજ્યના નાણા પ્રધાનો યુરોપના પ્રવાસે પણ જઈ આવ્યા. ૨૦૧૦માં ગુજરાતે વિરોધ કર્યો. વિરોધ માત્ર ગુજરાતનો જ નહોતો, બીજા રાજ્યો (જેમાં કૉંગ્રેસ શાસિત રાજ્યો પણ હતાં)ને પણ આશંકા હતી અને છે. હવે ૨૦૧૪માં ગુજરાતનો વિરોધ શમી ગયો છે.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી આરૂઢ થતાં જ ૨૨ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ સૌરભ પટેલે નિવેદન આપી દીધું કે હવે નવી સરકાર આવી છે અને નાણા પ્રધાન અરુણ જેટલીએ આશ્વાસન આપ્યું છે કે રાજ્યોની ચિંતા ધ્યાનમાં લેવામાં આવશે. સરકાર ક્યારેય વિરોધમાં જ નહોતી. જોકે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનવું હતું એટલે તેમણે ચૂંટણી પહેલાં જ ઉદ્યોગોને (અને વિશ્વ બૅન્કને પણ) ખાતરી આપી દીધી હતી કે ભાજપ જીએસટીની તરફેણમાં છે.

હવે ભાજપના વિરોધમાં પડેલાં પક્ષો જીએસટીને એક યા બીજી રીતે ખોરવવાના પ્રયાસમાં પડ્યા છે. મમતા બેનરજીને ડર છે કે પશ્ચિમ બંગાળમાં ક્યાંક ભાજપ મોદીના મેજિક પર સવાર થઈને ઘૂસ ન મારી દે. તેથી તેમણે વિરોધ કર્યો છે. તેમણે પણ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારની દલીલ જેવી જ દલીલ કરી છે કે અમે જીએસટીના વિરોધી નથી, પરંતુ રાજ્યોની આર્થિક સ્વાયત્તતા પર તરાપ ન મૂકાવી જોઈએ. તેમણે રાજ્યોને વળતર બાબતમાં પણ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે જીએસટી અંગે સર્વસંમતિ સાધવા પ્રયાસ થવો જોઈએ તો અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષી ઠર્યા અને તમિલનાડુનાં મુખ્યપ્રધાન પદેથી ઉતર્યા તે પહેલાં જયલલિતાએ કેન્દ્રને અનુરોધ કર્યો હતો કે તમાકુ અને ઈંધણને જીએસટીના ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવે. જયલલિતાના અનુગામી પનીરસેલ્વમે પણ અનુરોધ કરી દીધો છે કે રાજ્યોની ચિંતા દૂર કરવામાં આવે. કૉંગ્રેસ અને બીજા કેટલાક પક્ષો સીધી રીતે વિરોધ નહીં કરે પરંતુ અત્યારે જેમ નિરંજન જ્યોતિ કે સાક્ષી મહારાજના નિવેદનોના બહાને સંસદ ચાલવા દેતા નથી, તેવું કરશે.

માનો કે જીએસટી ખરડો પસાર થઈને કાયદો બની જાય તો શું? સામાન્ય માનવીને તેનાથી શું ફાયદો? સામાન્ય માનવીને સીધી રીતે તો કોઈ ફાયદો નથી, પરંતુ ઉદ્યોગોને અને કેન્દ્ર- રાજ્યોને ફાયદો છે. એક તો અનેક આડકતરા વેરાઓ સેન્વેટ, કેન્દ્રીય વેચાણ વેરો, રાજ્યનો વેચાણ વેરો, ઑક્ટ્રોય (જે જોકે ગુજરાતમાં તો નાબૂદ થઈ ચુકી છે) વગેરે નાબૂદ થઈ જશે. જીએસટીના જોકે ત્રણ પ્રકાર તો હશે જ- સીજીએસટી (કેન્દ્રીય જીએસટી), એસજીએસટી (રાજ્ય જીએસટી), આઈજીએસટી (ઇન્ટિગ્રેટેડ જીએસટી). અને નિષ્ણાતો એમ માને છે કે તે બીજું કંઈ નથી પણ કેન્દ્રીય એક્સાઇઝ અથવા સેવા વેરો, વેટ અને કેન્દ્રીય વેચાણ વેરાના નવાં રૂપો છે. આનાથી એક તો કાગળકામ ઓછું થઈ જશે. પરિણામે ઉદ્યોગોને પણ ફાયદો થશે. જેટલા તબક્કે મૂલ્ય વધશે તેટલા તબક્કે જીએસટી લાગતો જશે. હાલ થાય છે એવું કે ઉદ્યોગોને કેન્દ્ર અને રાજ્ય દ્વારા પૂરવઠાની સાંકળની દરેક કડીએ ટેક્સ ભરવા પડે છે. દલીલ એવી છે કે આનાથી ઉત્પાદન અને સેવાની કિંમત વધતી જાય છે, જે જીએસટીમાં નહીં બને. પરિણામે ઉત્પાદનનો ખર્ચ ઘટશે. આનાથી કૉર્પોરેટ્સની કમાણી વધશે, મૂડીરોકાણ પણ દેશમાં વધુ આવશે, રોજગારી સર્જાશે, કેન્દ્રની મહેસૂલ આવક પણ વધશે અને સરવાળે અર્થતંત્ર તેજીમાં આવશે. ન્યૂઝીલેન્ડમાં ૨૦૧૩માં જીએસટી અમલમાં આવ્યો અને તેની આવકમાં ધારણા કરતાં ૪૫ ટકા વધારો થયો હતો.

ઉત્પાદનનો ખર્ચ તો, ધારી લઈએ કે, જીએસટીના અમલ બાદ ઘટી જાય છે, પરંતુ જો કંપનીઓ ઉત્પાદનની કિંમત ઘટાડે નહીં અને પોતાનો નફો વધુ લેવાનો વિચાર કરે તો? ગ્રાહકભાઈને તો એનાથી કોઈ ફાયદો નહીં ને? (એક અંદાજ મુજબ, જો ઉત્પાદનનો ખર્ચ ૨ ટકા પણ ઘટે તો કંપનીનો નફો ૨૦ ટકા વધી જાય.) અત્યારે પણ જોઈએ તો, છેલ્લા છ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા છે, પરંતુ તેનાથી કરિયાણા, દૂધ, તેલ વગેરે જીવનજરૂરી ચીજો, અન્ય સેવાઓના ભાવ ઘટ્યા? જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા તો પરિવહન ખર્ચ મોંઘો થયો તેમ દલીલ કરીને આ બધાના ભાવ વધારી દેવામાં આવ્યા હતા, પરંતુ એક વાર કિંમત વધી જાય પછી ઘટતી નથી. વળી, જીએસટીના દર ૨૦ ટકા રાખવાનું વિચારાય છે, જે પણ વધુ છે. વળી, દારૂ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને રિયલ એસ્ટેટને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે, જેનાથી જીએસટી દર વધશે, પરિણામે મોંઘવારી ઓછી થવાની કોઈ સંભાવના દેખાતી નથી.

ઑસ્ટ્રેલિયામાં ઈ.સ. ૨૦૦૦માં જીએસટી દાખલ કરાયો ત્યારે તેનો લાભ ગ્રાહકોને મળે અને તેમનાં હિતોની રક્ષા થાય તે માટે એક પંચ બનાવાયું હતું. આ પંચે ભાવ પર નજર રાખી કે જેથી વેરાના દરોમાં ઘટાડો થાય તેનો ગ્રાહકોને લાભ મળે. અને જો વેરાના દર વધે તો પંચ એ ધ્યાન રાખતું હતું કે ગ્રાહકો પર જરૂર કરતાં વધુ બોજો ન લદાય, પરંતુ ભારતમાં ગ્રાહકને કહેવા પૂરતો તો રાજા કહેવાય છે, પણ તેની શું સ્થિતિ છે તે અજાણ્યું નથી. એટલે જે રીતે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડા પછી મોંઘવારીમાં કોઈ ફેર પડ્યો નથી તે જોતાં એમ કહી શકાય કે જીએસટીથી કૉર્પોરેટ અને કેન્દ્ર-રાજ્ય સરકારોને તો ફાયદો છે, પણ સામાન્ય માનવીને નહીં થાય. જોકે આ લેખક ખોટો પડશે તો તેનો તેને આનંદ થશે.

(ગુજરાત ગાર્ડિયનની બુધવાર પૂર્તિની વિશેષ કૉલમમાં તા.૨૪/૧૨/૧૪ના રોજ છપાયો)

national, sikka nee beejee baaju

મોદી કાળની સંસદ : નો હ્યુમર, ઓન્લી બિઝનેસ?

૧૨ ઓગસ્ટ, ૨૦૧૪નો દિવસ હતો. એ દિવસે નવા નવા વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ સંસદમાં બોલતા કહેલું કે સંસદમાં રમૂજ અને હાસ્ય જાણે અલોપ થતું જાય છે. સાંસદોને કદાચ બીક છે કે મિડિયા તેને કઈ રીતે ચલાવશે. મોદીની વાત સાચી પણ હતી. મિડિયા કઈ બાબતને કેવી રીતે પકડી લે તે કહેવાય નહીં. આ સ્મૃતિ ઈરાનીનો કિસ્સો જ લઈ લો ને. મિડિયાએ એટલો હોબાળો કર્યો પરંતુ એ જ મિડિયા પોતે જ્યોતિષીઓને પકડી પકડીને ફલાણી ફલાણી વ્યક્તિનું ભવિષ્ય કેવું છે તે અચૂક પૂછે છે, ટીવી ચેનલો પર જ્યોતિષીઓને ખાસ ટાઇમ સ્લોટ ફાળવાય છે. ગુજરાતી ટીવી ચેનલોમાં તો નીચે સ્ક્રોલિંગમાં, છાપામાં જેમ ક્લાસિફાઇડ આવે તેમ, તમારી પત્ની તમારા કહ્યામાં ન હોય તો વશીભૂત કરો, તેવી જાહેરખબરો પણ મૂકતા અચકાતા નથી. જોકે ચેનલોના માલિકો પૈકી કેટલાની પત્ની તેમના કહ્યામાં છે તે જોવું પડે.

જોક્સ એપાર્ટ. મોદીએ રમૂજની વાત કરી, કારણ કે મોદી પોતે પણ જોક કરી જાણે છે. તેમના ભાષણોમાં રમૂજનું તત્ત્વ હોય છે. તેઓ મિમિક્રી કરીને પણ, દેશી ગુજરાતીમાં જેને ‘પટ્ટી ઉતારી’ અથવા ‘ફિલમ ઉતારી’ કહેવાય તે કરતા હોય છે, ચાહે રાહુલ ગાંધી હોય કે કેજરીવાલ.

આપણે સાંસદોની ફિલમ નથી ઉતારવી, પરંતુ કેટલાક વખાણ કરવા છે, મોદીને જે ગમે છે તે રમૂજની વાત કરવી છે, અને સાથે સાથે નરેન્દ્ર મોદીનું પહેલું સત્ર સંસદમાં હતું, તે કેટલું સારું હતું કે ખરાબ, તે મોદીના શાસનના છ મહિના પૂરા થયા છે ત્યારે તેના લેખાજોખા કરવા છે અને સાથે સંસદીય પ્રક્રિયાઓમાં કેટલાક સુધારા જરૂરી છે તેની વાત પણ કરવી છે.

પહેલાં લેખાજોખાથી શરૂઆત કરીએ. એમ કહેવાય છે કે સંસદનું પહેલું જે સત્ર હતું તે વિતેલાં દસ વર્ષમાં સૌથી સારું, ફળદાયી સત્ર હતું! છેલ્લાં દસ વર્ષમાં સરકાર અને વિરોધપક્ષો વચ્ચે અને ઘણી વાર તો સરકારના સાથી પક્ષો તેમજ સરકાર વચ્ચે પણ એટલું ઘર્ષણ રહેતું કે વારંવાર ગૃહ મોકૂફી કરવી પડતી હતી. ક્યારેક સરકાર વિપક્ષોના સાંસદોની ચર્ચાની માગણી ફગાવે તો ક્યારેક સાથી પક્ષોના સાંસદો, જે મોટા ભાગે પ્રાદેશિક પક્ષો હતા, તેમના પ્રદેશની માગણીઓ માટે ગૃહની કામગીરી ખોરવી નાખતા. વળી, કૌભાંડો એટલાં બહાર આવ્યાં કે તેના પર વિપક્ષોને સત્ર ખોરવવાનું સારું બહાનું મળી રહેતું. એમાંય આદર્શ અને કોમનવેલ્થ કૌભાંડ બહાર આવ્યું તે પછી તો કૌભાંડોની હારમાળા બહાર આવવા લાગી, અને સત્રમાં કામગીરી ઘટવા લાગી.

એક તબક્કો તો એવો આવેલો, અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલના આંદોલનને લીધે કે સંસદીય પ્રણાલિ પરથી વિશ્વાસ જ ઉઠી જાય. સંસદમાં સર્વસંમતિથી લોકપાલ અંગે ઠરાવ પસાર થાય અને પછી લોકપાલના મુદ્દે ઈરાદાપૂર્વક છેલ્લા દિવસે ચર્ચા થાય અને છેલ્લી ઘડીઓમાં જ યુપીએ સરકારના સાથી પક્ષ, લાલુપ્રસાદ યાદવના રાજદના એક નેતા રાજનીતિપ્રસાદ ઊભા થઈને લોકપાલનો ખરડો ફાડી નાખે, હોહા થાય ને, વિપક્ષની સત્ર લંબાવવાની માગણી છતાં, રાજ્યસભાના અધ્યક્ષ હમીદ અન્સારી, જે આપણા ઉપરાષ્ટ્રપતિ પણ ગણાય છે, તે સંસદનું સત્ર મોકૂફ રાખી દે, તેલંગણા મુદ્દે આંધ્રપ્રદેશના એક સાંસદ એલ. રાજગોપાલ સંસદમાં મરચાનો પાવડર છાંટે…આ બધું બધા સાંસદો પરથી માન ઉતરી જાય તેવું હતું.

પરંતુ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને સંસદીય પ્રણાલિથી ઓછા માહિતગાર હોવા છતાં (પ્રત્યક્ષ રૂપે ભાગ ન લીધો હોવાથી, બાકી ૧૯૯૯થી ૨૦૦૩ સુધી તેઓ કેન્દ્રીય સ્તરે, ભાજપના પ્રવક્તા હતા, એટલે બધી ખબર તો હોય જ.) પહેલું સત્ર સુમેળે ચાલ્યું એટલું જ નહીં, એમ કહી શકાય કે વિતેલાં દાયકામાં સૌથી સારું સત્ર એ હતું.

એ સત્રમાં એવી તે શું વિશિષ્ટતા હતી?

લોકસભા અને રાજ્યસભા બંને એ સત્રમાં તમામ નિર્ધારિત સમય મુજબ મળ્યાં. લોકસભા સમયના ૧૦૪ ટકા ચાલી, તો રાજ્યસભા ૧૦૬ ટકા. લોકસભામાં કામગીરી ઓછી ખોરવાઈ, તેના પ્રમાણમાં રાજ્યસભામાં કામગીરી વધુ ખોરવાઈ. જોકે રાજ્યસભાએ અનેક દિવસ મોડે સુધી કામ કરીને એ ખોરવાયેલી કામગીરીના સમયને સરભર કરી નાખ્યો.

૧૬મી લોકસભાના પ્રથમ અંદાજપત્રીય સત્રમાં સંસદે કેન્દ્રીય અને રેલવે બજેટની ચર્ચા કરી. રાષ્ટ્રીય સ્તરે ન્યાયાધીશોની નિમણૂંક માટે પંચ રચવા અંગેના ખરડા સહિત અનેક ખરડા પસાર કર્યા. લોકસભામાં ચોમાસુ, મોંઘવારી, એન્સેફેલાઇટિસ, મહિલા અને બાળકો પર અત્યાચારો, કોમી હિંસા આ બધા મુદ્દે ચર્ચા થઈ.

જોકે અત્યારે ચાલી રહેલા શિયાળુ સત્રમાં પાછું કાળાં નાણાં મુદ્દે બે દિવસ ધમાલ રહી પરંતુ આ લખાય છે ત્યારે ત્રીજા દિવસે કામગીરી સારી ચાલી છે. લોકસભામાં દિલ્હી સ્પેશિયલ પોલીસ સ્થાપના ખરડો પસાર થઈ શક્યો છે અને સીબીઆઈના વડાની નિમણૂક કઈ રીતે કરવી તેનો ખરડો પણ પસાર થયો છે.

જ્યારે જ્યારે કામગીરી ખોરવાય છે ત્યારે દેશને કેટલું નુકસાન થાય છે તે જાણો છો? સંસદની એક મિનિટ રૂ. ૨.૫ લાખમાં પડે છે. ના, કોના બાપની દિવાળી, જેવો આ મનઘંડત આંકડો નથી. આ સરકારે પોતે કહેલો છે. ૭ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ જ્યારે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ બહુ ઉધામા મચાવતો હતો ત્યારે સરકારે કહેલું કે તમે સંસદની જે કામગીરી ખોરવો છો તેમાં દેશને એક મિનિટના રૂ. ૨.૫ લાખ લેખે નુકસાન થાય છે. આવું હોય ત્યારે કહેવાનું મન થાય કે તો પછી આખા દેશને દોરવતા અને આખા દેશને સુધારવા નીકળતા, આ હેડમાસ્તરો જેવા સાંસદો પોતે સંસદની કામગીરી કેમ બરાબર થવા દેતા નથી. સંસદની પોતાની જ પ્રક્રિયામાં કેટલા સુધારા જરૂરી છે?

મોટાભાગના લોકો અધ્યક્ષ દ્વારા આકરી શિસ્તની વાત કરે છે. એ જરૂરી પણ છે. હકીકતે બે પ્રિસાઇડિંગ ઑફિસરોને તોફાની સભ્યોને બહાર મોકલવા કે સસ્પેન્ડ કરવાની સત્તા છે અને આ બાબતે સર્વ પક્ષ સંમત છે. પરંતુ જેમ બાળકો, તેમ સાંસદો, માત્ર ડંડાના જોરે સીધા ચાલે તેવા નથી. તેમાં જે પાયામાં કેટલીક ઉણપો રહેલી છે તે પૂરી કરવી પડે. દા.ત. કામગીરી ખોરવવાનું મોટા ભાગનું કારણ અને સૌથી મોટું કારણ ચર્ચા માટે એજન્ડા નક્કી કરવા અને ચર્ચા થાય તો તેના પર મતદાન કરાવવું કે નહીં તે અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે સમજૂતીનો અભાવ છે. છેલ્લા એક દાયકામાં સંસદની કામગીરી સતત ખોરવાઈ તેનું કારણ આ જ હતું. ક્યાં તો સરકાર વિરોધ પક્ષોની ચર્ચાની માગણી સ્વીકારે નહીં, જો માગણી સ્વીકારે તો તેના પર મતદાન કરાવવું કે નહીં, તેના પર મડાગાંઠ થાય. અથવા તો ઉપર કહ્યું તેમ, જ્યારે સરકાર પોતે ભીંસમાં હોય અને મતદાનમાં કે અન્ય કોઈ રીતે ફસાયેલી હોય ત્યારે તેના સાથી પક્ષોના સભ્યો જ વિરોધ કરીને કામગીરી ખોરવી નાખે.

અંગ્રેજોના કાળથી, આગુ સે ચલી આતી હૈ, પરંપરાની જેમ, આ બધું ચાલતું આવે છે. અન્ય દેશોની લોકશાહીમાં સીધા, સરળ ને સટ નિયમો બનાવાયા છે જેથી ચર્ચા માટે કયા મુદ્દા હાથ ધરાવા જોઈએ ને કયા નહીં અને મતદાન થવું જોઈએ કે નહીં. જેમ કે યુકેની સંસદમાં વિરોધ પક્ષો દ્વારા સૂચિ માટે મૂકાય તે બાબતો માટે કેટલાક ખાસ દિવસ જ નિર્ધારિત રખાયા છે. અથવા તો જો ૪૦ સાંસદો માગણી કરે કે ચર્ચા માટે અમુક બાબત હાથ ધરવામાં આવે તો તેમ કરવામાં આવે છે.

ભારતમાં, સૂચિબદ્ધ કરવા માટે ઓછામાં ઓછા એકથી ત્રણ સાંસદોની સહી જરૂરી છે. પરંતુ તે પછી શું? તેના માટે કોઈ મજબૂત નિયમ નથી. તે ચર્ચા માટે હાથ ધરવી કે નહીં તે અધ્યક્ષની વિવેકબુદ્ધિ પર આધારિત છે. જો બહુમતી સાંસદોએ તે માટે સહી કરી હોય તો પણ તમામ પક્ષોની કાર્ય સલાહ સમિતિ (બિઝનેસ એડવાઇઝરી કમિટી)માં તેના પર સર્વસંમતિ થાય છે કે કેમ તે જોવામાં આવે છે!

જેના પર અધ્યક્ષની વિવેકબુદ્ધિ જોવામાં નથી આવતી તેવી એક માત્ર બાબત છે અવિશ્વાસનો પ્રસ્તાવ. તેના માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદોની સહી જરૂરી છે. જોકે આ અવિશ્વાસનો પ્રસ્તાવ છાશવારે લાવવામાં નથી આવતો, કેમ કે, અંતે તો સરકાર અને વિપક્ષ વચ્ચે કેટલીક બાબતોમાં ગાંધી-વૈદ (મોદી પહેલાંની મનમોહન સરકારના અર્થમાં કહીએ તો ગાંધી-સ્વરાજનું) સહિયારું હોય છે. વળી, જૂની યુપીએ સરકાર તો બહુમતી કેવી રીતે મેળવી લેવી તે સારી રીતે જાણતી હતી (૨૦૦૮માં આપણે ન્યૂક્લિયર ડીલ વખતે જોયેલું છે.) એટલે તો સરકાર વિપક્ષોને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા ટોણો મારી શકતી હતી અને આ રીતે કોઈ ચર્ચા માટે ધરાસાર ના પાડી દેતી હતી.

એટલે જ અધ્યક્ષની વિવેકબુદ્ધિ કે સર્વસંમતિનું તૂત છોડીને કેટલાક સરળ અને બાધ્ય એવા નિયમો બનાવવાની જરૂર છે. વળી, સાંસદોની હાજરી અંગે તો કોઈ નિયમો જ નથી. સચીન તેંડુલકર, લતા મંગેશકર જેવી મહાન વિભૂતિઓ પણ સંસદમાં હાજરી અંગે ટીકાપાત્ર થયેલી છે. તેમને એ વિચારથી નિમવામાં આવે છે કે તેઓ તેમના ક્ષેત્રની વાતને સારી રીતે રજૂ કરી શકશે. પરંતુ જેમના માથે એક સમયે દેશનું નેતૃત્વ કરવા કૉંગ્રેસે જવાબદારી આપી હતી અને નરેન્દ્ર મોદીના વાવાઝોડામાં, જે વડા પ્રધાન થતા બચી ગયા તે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતે કેટલા હાજર રહે છે? વિખ્યાત સામયિક ઇન્ડિયા ટૂડે અને બે એનજીઓ સતર્ક નાગરિક સંગઠન અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સે કરેલા એક સર્વેક્ષણમાં રાહુલ ગાંધી સાંસદોના કરાયેલા વિશ્લેષણમાં નીચેથી સત્તરમા ક્રમે આવતા હતા, અને તેમની હાજરી માત્ર ૪૩ ટકા જ નોંધાઈ હતી. જ્યારે સરકાર કે વિપક્ષ ભીંસમાં આવે નહીં, અને ફરજિયાત હાજરી માટેનો વ્હિપ જાહેર ન થાય તેવા સંજોગોને બાદ કરતાં કેટલા સાંસદો રોજેરોજ હાજર જ રહે છે?

વળી, નરેન્દ્ર મોદી સરકારે જેમ કર્મચારીઓ માટે ફરજિયાત સવારે ૯ વાગે આવી જવાનો તેવો નિયમ કર્યો, જે સારી વાત પણ છે, પરંતુ સાંસદો માટે આ નિયમ કોણ કરશે? સાંસદોએ પૂર્ણ સમય હાજર રહેવું તેવો નિયમ તો હોવો જોઈએ ને. વળી, મનમોહન સરકારના વખતથી જ સંસદના સત્રના દિવસો ઓછા થતા ગયા છે અને નરેન્દ્ર મોદી પોતે પણ ગુજરાતના મુખ્યપ્રધાન હતા એ વખતે ગુજરાત વિધાનસભાના સત્રના દિવસો ઘટાડીને સાવ ઓછા કરી નાખ્યા છે. જોકે મોદીના ‘વિકાસ’ના વાવાઝોડામાં હઝારે-કેજરીવાલની સંસદીય પ્રણાલિમાં સુધારાની (જે એક સમયે ભાજપ પણ ઉઠાવતો હતો) વાત કોરાણે રહી ગઈ છે.

છેલ્લે, હાસ્યેન સમાપયેતની જેમ સંસદમાં થતી કેટલીક રમૂજોની વાત. જેથી આખો લેખ ગંભીર ન બને અને હાસ્ય સાથે આપણે પૂરું કરીએ. સંસદમાં રમૂજોની છોળ ઉડતી રહે છે અને તે ઘણી વાર ઊંચી હોય છે તો ઘણી સહજ હોય છે.

એક વખત એક સભ્યએ આચાર્ય કૃપલાણીનું ધ્યાન દોર્યું કે તેઓ કૉંગ્રેસની જે ટીકા કરે છે તેનાથી તેમની પત્ની પણ આકર્ષાઈ છે. (આચાર્ય કૃપલાણીની પત્ની સુચિત્રા કૃપલાણી પોતે કૉંગ્રેસમાં હતાં.) રમૂજમાં હાજરજવાબી એવા આચાર્યએ વળતી સિક્સર ફટકારી: “આ તમામ વર્ષોમાં હું માનતો હતો કે કોંગ્રેસીઓ માત્ર મૂર્ખાઓ જ છે. મને ખબર નથી કે તેઓ ગેંગસ્ટર પણ છે જે બીજાની પત્નીઓ સાથે ભાગી જાય છે.’ આખા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

જ્યારે ડૉ. રામમનોહર લોહિયા વિનંતી કરી રહ્યા હતા કે રશિયાના સરમુખત્યાર સ્ટાલીનની પુત્રી શ્વેતલાના એક ભારતીય બ્રજેશસિંહને પરણી હોવાથી તેને ભારતમાં આશરો આપવામાં આવે, ત્યારે સુંદર સાંસદ તારકેશ્વરી સિંહાએ વચ્ચે દખલ દેતાં ટીપ્પણી કરી કે ડૉ. લોહિયા કઈ રીતે લગ્નની ભાવના સમજી શકે, જ્યારે તેમણે પોતે જ લગ્ન નથી કર્યાં? ત્યારે ડૉ. લોહિયાએ વળતો ઘા મારતા કહેલું: “તારકેશ્વરી, તમે મને ક્યારે કોઈ તક આપી જ છે?” (આજની આ ઘટના હોય તો મિડિયા ચડી બેસે કે ડૉ. લોહિયાએ એક મહિલાની ગરીમાનું અપમાન કર્યું વગેરે વગેરે.)

એક વાર વજનદાર પીલૂ મોદી, જે ગુજરાતની ગોધરા બેઠક પરથી ચોથી લોકસભામાં ચૂંટાયેલા, તેમના પર લોકસભાના અધ્યક્ષના અપમાનનો આક્ષેપ થયો કેમ કે તેઓ બોલતા હતા ત્યારે તેમની પીઠ અધ્યક્ષ તરફ હતી. મોદીએ તેમના બચાવમાં કહેલું: “સાહેબ, મારે ન તો આગળનો ભાગ છે ન તો પાછળનો. હું તો ગોળમટોળ છું.”

જોકે કૉંગ્રેસે છેલ્લે છેલ્લે જોહુકમી બતાવવા માંડેલી પરંતુ જેમની ૧૨૫મી જન્મજયંતિ હાલમાં મનાવાઈ રહી છે તે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના વખતમાં સાવ એવું નહોતું. એક વખત સંસદમાં એક ખરડા પર ચર્ચા ચાલતી હતી. તેમાં નહેરુએ સ્વતંત્ર પાર્ટીના સી. રાજાગોપાલચારીએ રજૂ કરેલો એક સુધારો ફગાવી દેતાં કહ્યું કે “મારી બાજુએ બહુમતી છે.” (આઈ હેવ ધ મેજોરિટી ઓન માય સાઇડ). રાજગોપાલાચારી ઉર્ફે રાજાજીએ વળતો જવાબ ફટકાર્યો, “પણ તર્ક મારી બાજુએ છે.” (આઈ હેવ લોજિક ઓન માય સાઇડ). અને બહુમતી નહેરુના પક્ષે હોવા છતાં તર્ક એટલે કે લોજિક જીત્યું અને ખરડામાં સુધારો કરવામાં આવ્યો. મનમોહન અને મોદીના સમયમાં આવું શક્ય છે?

અટલ બિહારી વાજપેયીના વખતમાં જોકે, અલગ વાતાવરણ હતું. વાત ૧૯૯૬ની છે. પ્રમોદ મહાજન તેમની રમૂજો માટે જાણીતા હતા. તેમણે એક વાર લાલકૃષ્ણ અડવાણીના સંદર્ભમાં કહેલું કે તેઓ સંસદમાં ત્યારે આવ્યા છે જ્યારે તેઓ કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયા છે. તો તમે કહો છો કે લો વિલ ટેક ઇટ્સ ઑવ્ન કૉર્સ (કાયદો કાયદાનું કામ કરશે). તમે રેસકૉર્સ (વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનનું સરનામું)માં બેઠા છો અને તેમને અલગ કૉર્સમાં મોકલો છો તે કેમ ચાલે? દેવેગોવડાની સંયુક્ત મોરચા સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે બોલતા તેમણે કૉંગ્રેસના વરિષ્ઠ સાંસદ (હવે સ્વ.) પ્રિયરંજનદાસ મુન્શી અંગે ઉલ્લેખ કર્યો અને પછી કહ્યું કે કદાચ તેઓ અત્યારે ગૃહમાં નથી ત્યારે કોઈએ કહ્યું, ‘સો રહે હૈં’ ત્યારે પ્રમોદ મહાજને કહ્યું, ‘ઈસ સદન મેં કોઈ સોતા નહીં હૈ, સબ ચિંતન કરતે હૈં’ અને સાંસદો ખડખડાટ હસી પડેલા.

એ વખતે ભારતની સરકારની જે સ્થિતિ હતી તે અંગે સાચી રમૂજ કરતા તેમણે કહ્યું કે : “એક વાર અમે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈને ચીન ગયા હતા. આજકાલ ચીનમાં લોકશાહી વિશે જાણવાની ઉત્સુકતા વધી છે. ત્યાં કોઈકે અમને પૂછ્યું કે તમારે ત્યાં લોકશાહી કેવી ચાલે છે? મેં તેમને જવાબ આપ્યો : આઈ એમ પ્રમોદ મહાજન, એમપી ઑફ લોકસભા. હું લોકસભાના સૌથી મોટા પક્ષનો સભ્ય છું. એન્ડ આઈ એમ ઇન ઑપોઝિશન. પેલા ભાઈ તેમને આશ્ચર્યથી જોવા લાગ્યા કે તમે સૌથી મોટા એક પક્ષ છો અને છતાં વિપક્ષમાં બેઠા છો? પછી અમે ચિંતામન પાણીગ્રહીનો પરિચય આપ્યો અને કહ્યું કે તેઓ બીજા સૌથી મોટા એક (સિંગલ) પક્ષના છે. તેઓ બહાર બેઠા છે અને સરકારને સમર્થન આપે છે. બીજા એક સાંસદનો પરિચય આપતા તેમણે કહ્યું કે તેઓ ત્રીજા સૌથી મોટા એક પક્ષના સભ્ય છે. તેમનો પક્ષ સરકાર જે મોરચાની છે તે મોરચામાં તો છે, પણ સરકારમાં નથી. ત્યાર પછી રમાકાંત ખલપ નામના સાંસદનો પરિચય આપતા કહ્યું કે તેઓ તેમના પક્ષના એક માત્ર ચૂંટાયેલા સાંસદ છે અને તેઓ સરકારમાં છે!

આ જ પ્રસ્તાવ પર બોલતા સુષ્મા સ્વરાજે પણ ટીખળ કરેલી કે શરદ પવાર શરદ પવારની ભૂમિકા નથી ભજવતા, પણ લલિતા પવારની ભૂમિકા ભજવે છે! સાંસદો હસી પડ્યા હતા. સુષ્માએ તેમના ભાષણની શરૂઆતમાં જ કહ્યું (એ વખતે ભાજપની સરકાર ૧૩ દિવસ જ ચાલેલી અને કોઈ બીજા પક્ષોનો ટેકો ન મળતાં, અટલ બિહારી વાજપેયીએ રાજીનામું આપી દીધું હતું) કે ત્રેતામાં મંથરાએ રામને શાસનથી વંચિત રાખેલા, દ્વાપરમાં ધર્મરાજ યુદ્ધિષ્ઠરને શકુનિની ધૃત ચાલોએ શાસનથી વેગળા રાખેલા. ત્યારે અત્યારે તો અમારી સામે કેટલી મંથરા અને કેટલા શકુનિઓ છે. એ વખતે હો હા થઈ ને કોઈએ બે-ત્રણ વાર એવી ટીપ્પણી કરી કે દ્રોપદી કોણ છે? આવી ટીપ્પણી છતાં સુષ્મા સ્વરાજે કોઈ વાંધો ન લેતાં પોતાનું ભાષણ આગળ ધપાવેલું.

આ બધાં ઉદાહરણો પછી વર્તમાન સંજોગોમાં આપણે તો એમ કહી શકીએ કે હે સાંસદો, તમે સંસદમાં ગંભીર જ રહો તેવું અમે ઈચ્છતા નથી, ભલે રમૂજોની છોળો ઉડાડો, પરંતુ કામ કરો.

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિ ‘ઉત્સવ’માં તા.૭/૧૨/૧૪ના રોજ ‘સિક્કાની બીજી બાજુ’ કોલમમાં છપાયેલો લેખ)

international, national

ઓવૈસી, જાવેદ મિયાંદાદ અને રહેમાન મલિક : સેક્યુલરિઝમ ક્લિન બોલ્ડ!

ફરી એક વાર કોંગ્રેસની અંગ્રેજશાહી ‘ભાગલા પાડો અને રાજ કરો’ અથવા ‘લઘુમતીની ખોટી આળપંપાળ’ની નીતિ છતી થઈ ગઈ! આંધ્રપ્રદેશમાં એમઆઈએમના ટૂંકા નામે ઓળખાતા ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન નામના પક્ષના સાંસદ અસાઉદ્દીન ઓવૈસીના ભાઈ તેમજ આંધ્રના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ ૨૪ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ આંધ્રપ્રદેશના અદિલાબાદ જિલ્લામાં જે નફરતભર્યું ભાષણ કર્યું તેની સર્વત્ર ટીકા થઈ. આ ભાષણમાં તેણે કસાબને બાળક કહ્યો અને કસાબને ફાંસી અપાય તો નરેન્દ્ર મોદીને શા માટે નહીં? તેવો પ્રશ્ન ઉઠાવ્યો. બાંગ્લાદેશનાં લેખિકા તસલીમા નસરીનને તો હૈદરાબાદ આવવાં દીધાં નહોતાં, મોદીમાં હિંમત હોય તો આવી દેખાડે, તેવો પડકાર પણ ફેંક્યો. આ બધું તો ઠીક, પણ તેણે, મુસ્લિમો હિન્દુઓને ચપટીમાં ચોળી નાખી શકે છે તેવી શેખી મારતી વખતે જે સંબોધન કર્યું તે  હતું કે – અરે! હિન્દુસ્તાન! મતલબ કે અકબરુદ્દીન નામના આ ભાઈ પોતાને હિન્દુસ્તાનનો ભાગ નથી માનતા અને તેને ત્યારે જે ૨૫ હજાર ટોળાનું ચિચિયારીઓ સાથે સમર્થન મળતું હતું તે ટોળું પણ પોતાને હિન્દુસ્તાનનો ભાગ નથી માનતું. વળી, કસાબની સરખામણી મોદી સાથે કરી. કસાબ જે પાકિસ્તાની હતો અને જેણે અમુક ત્રાસવાદીઓ સાથે મળીને વિદેશીઓ સહિત ભારતીયોને મુંબઈમાં મારી નાખ્યા.

આ ભાષણ જો કોઈ ધાર્મિક મુસ્લિમ સંગઠન કે અન્ય કોઈ બિન રાજકીય મુસ્લિમ સંગઠનના વડાએ આપ્યું હોત તોય સમજાય તેવું હતું, પરંતુ આ ભાષણ એક રાજકીય પક્ષના ધારાસભ્ય આપે છે. આ ભાષણની ગુજરાતી માધ્યમોમાં સૌપ્રથમ નોંધ ‘ગુજરાત સમાચાર’માં લેવાઈ હતી.  ભાષણના દસ દિવસ પછી પણ આંધ્રપ્રદેશની કોંગ્રેસ સરકાર તરફથી કાર્યવાહી થતી નથી. કેમ? કારણ એમઆઈએમ નામનો પક્ષ થોડા મહિનાઓ પહેલાં કેન્દ્રમાં અને રાજ્યમાં કોંગ્રેસનો ટેકેદાર પક્ષ હતો. આંધ્રમાં કોંગ્રેસમાંથી છૂટા થયેલા જગન રેડ્ડીએ પેટા ચૂંટણીમાં જે રીતે માથું કાઢ્યું હતું, તે જોતાં ૨૦૧૪માં આવનારી વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા આવે તો એમઆઈએમનો ટેકો લેવાની જરૂર પડી શકે અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી કેન્દ્રમાંય તેનું સમર્થન અનિવાર્ય બની શકે તેવી ‘દૂરંદેશી’ (!)થી આંધ્રમાં કિરણ રેડ્ડીની સરકાર અને કેન્દ્રમાં મનમોહન સરકાર રહી છે. ગઈ કાલે (તા.૩ જાન્યુઆરી)એ આ અંગે કિરણ રેડ્ડીને સવાલ પૂછાતાં તેમણે જવાબ ટાળી દીધો હતો.

ઓવૈસી સામે સ્થાનિક ન્યાયાલયમાં કેસ થયો છે તે કોઈ વકીલે કર્યો છે, સરકારે નથી કર્યો. દિલ્હી બળાત્કાર કેસ બહુ ચલાવ્યા પછી ઇલેક્ટ્રોનિક મિડિયાનું ધ્યાન ૨જી તારીખથી (જે દિવસે આ કેસ થયાના સમાચાર આવ્યા) આ સમાચાર પર પડતાં તેમણે આ મામલો ચગાવ્યો અને એટલે પોલીસને ગઈ કાલે (૩જી જાન્યુ.એ) ઓવૈસી સામે ફરિયાદ નોંધવી પડી. ઓવૈસી સામે ફરિયાદ નોંધવી પડી.

કોંગ્રેસ અને અન્ય પક્ષોનું આ સેક્યુલરિઝમ છે. ટીવી પર ચર્ચામાં મહિલા સામાજિક કાર્યકર શબનમ હાશ્મી, કટ્ટરવાદના વિરોધના નામે માત્ર હિન્દુત્વનો અને સંઘ પરિવારનો વિરોધ કરતાં તિસ્તા સેતલવાડના પતિ જાવેદ આનંદ (જેઓ કમ્યૂનલિઝમ કોમ્બેટ, અર્થાત કોમવાદ સામે લડત નામનું એક માસિક ચલાવે છે) આ બધાએ ઓવૈસીની સામે પગલાં લેતાં પહેલાં પ્રવીણ તોગડિયા, ઉમા ભારતી, સાધ્વી ઋતુંભરા, અડવાણી, બાળ ઠાકરે જેવા નેતાઓ સામે પણ પગલાં ભરાતાં નથી કે ભરાયાં નથી, ભાજપ શાસિત રાજ્યોમાં પણ ઉશ્કેરણીજનક ભાષણો સામે કાર્યવાહી થતી નથી, તેવી પાયાવગરની, અર્થહીન  દલીલો કરી. અરે ભાઈ! હિન્દુત્વની પ્રયોગશાળા મનાતા ગુજરાતમાં પ્રવીણ તોગડિયાની એક નહીં બબ્બેવાર ધરપકડ થઈ ચૂકી છે. અડવાણી, ઉમા ભારતી, સાધ્વી ઋતુંભરા સામે વિવાદિત ઢાંચાના ધ્વંસ બદલ કેસ ચાલે છે. વરુણ ગાંધી સામેય કેસ ચાલે છે. બાળ ઠાકરેને તો ઉશ્કેરણીજનક ભાષણ બદલ મતાધિકારથી વંચિત કરી દેવાયા હતા (મતલબ કે તેમનું નાગરિકત્વ જ રહ્યું ન ગણાય.). ઓવૈસીના મામલે અલબત્ત, ભાજપના સૂરેય બોદા છે. શિવસેનામાં તો બાળ ઠાકરે રહ્યા નથી, એટલે ઉદ્ધવ ઠાકરે હજુ શોકમાં હોય તેમ લાગે છે. રાજ ઠાકરે કઈ દિશા પકડવી એ વિચારી રહ્યા હોય તેમ લાગે છે. સંઘ પરિવાર તરફથી કંઈ અવાજ સંભળાયો નથી.

બીજો મામલો જાવેદ મિયાંદાદને વિઝાનો છે. પ્રશ્ન એ થાય કે જાવેદ મિયાંદાદ તો ક્રિકેટર છે, તેને વિઝાનો વિરોધ શા માટે હોઈ શકે? ક્રિકેટર તરીકે તે કટ્ટરતાથી ભારત સામે રમ્યો હતો તે ભૂલી જાવ પણ સૌથી મોટી વાત તો એ છે કે અમેરિકાએ જેને સૌથી શોધિત (મોસ્ટ વોન્ટેડ) ત્રાસવાદી જાહેર કર્યો છે (માનસિક ગુલામ એવા ઘણા ભારતીયો માટે ભારત કરતાં, અમેરિકા કે બ્રિટન વગેરેનાં પ્રમાણપત્ર બહુ મહત્ત્વ ધરાવે છે) તે દાઉદ ઈબ્રાહિમનો તે વેવાઈ થાય છે. અનેક વાર્તાલાપોમાં તે દાઉદ સાથે નજદિકી જાહેર કરી ચુક્યો છે. વળી, દાઉદની જેમ મેચ ફિક્સિંગમાં પણ તેની સંડોવણી બહાર આવી છે. ક્રિકેટ અને રાજકારણને ન ભેળવવાની દુહાઈ દેતા કોંગ્રેસિયાઓ, દક્ષિણ આફ્રિકા સામે ભારત સહિતના દેશો ક્રિકેટ રમતા નહોતા, અને છેક ૯૦ના દાયકામાં રમવાનું શરૂ કર્યું હતું તે વાત સિફતપૂર્વક ભૂલી જાય છે. અને મિયાંદાદને વિઝા આપવો જ હોય તો તેને શરતી વિઝા આપી શકાય છે, કે તેની પૂછપરછ થશે. શ્રીલંકામાં ત્રાસવાદ ફેલાવનાર તમિલ વ્યાઘ્રોના પ્રભાકરનની માતાને તબીબી કારણોસર ભારત આવવું હતું ત્યારે આજથી ત્રણ વર્ષ પહેલાં, ૨૦૧૦ની સાલમાં તેમને શરતી વિઝા આપવાની દરખાસ્ત થઈ હતી જે પ્રભાકરનની માતાએ ફગાવી દીધી હતી. અને યાદ રહે, પ્રભાકરનની દુશ્મની ભારત સામે કે ભારતની અખંડિતતા સામે નહોતી, જ્યારે દાઉદે તો સ્મગલર તરીકે નહીં, પણ એક ત્રાસવાદી તરીકે ભારતને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે અને પહોંચાડતો રહે છે. પણ આ મામલે સરકાર સાવ બોદી પુરવાર થઈ. જેવી રીતે પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિક ભારત આવ્યા ત્યારે થઈ હતી. રહેમાન ભારતમાં આવીને મુંબઈના (૨૬ નવેમ્બર) હુમલા અને બાબરી ધ્વંસની સરખામણી કરી ગયા હતા. મુંબઈ હુમલાના આરોપી અબુ જુંદાલને ભારતીય ગુપ્તચર સંસ્થાનો એજન્ટ ગણાવ્યો હતો.

મૂળ તો, પાયાનો પ્રશ્ન એ છે કે પાકિસ્તાન સાથે આપણને સારા સંબંધો રાખવાની ‘ખંજવાળ’ કેમ ઉપડે છે? અને આ માટે માત્ર કોંગ્રેસ સરકાર જ જવાબદાર છે તેવું નથી. કોંગ્રેસનો ચેપ ભાજપની એનડીએ સરકારને પણ લાગ્યો હતો. પહેલાં લાહોર-અમૃતસરની બસ શરૂ કરી, તે પછી કારિગલમાં પાકિસ્તાની સેના ઘૂસી આવી, કબજો કરી લીધો, તેને માંડમાંડ ખદેડ્યા, તોય વાજપેયી સરકારે મુશર્રફને આગરામાં લાલ જાજમ પાથરી બોલાવ્યા. એટલું ઓછું હોય તેમ ૨૦૦૧માં ફરી સંસદ પર હુમલો થયો. તે પછી પાકિસ્તાન સાથે સંબંધો કાપી નાખ્યા. અને ફરી મનમોહનસિંહની સરકાર વખતે સંબંધો ચાલુ થયા. આવું જ ક્રિકેટ બાબતે થતું રહ્યું છે. ૨૦૦૮ના મુંબઈ હુમલા પછી ૨૦૦૯માં મનમોહન સરકારે પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટ ટીમનો પ્રવાસ પડતો મૂક્યો હતો. તો હવે એકાએક શું પાકિસ્તાન સુધરી ગયું કે તેની ક્રિકેટ ટીમને ભારતના પ્રવાસ માટે ૨૦૧૨માં આમંત્રણ આપી દીધું? શું મનમોહન સરકારે પાકિસ્તાને ‘સરબજીત’ અને  ‘સૂરજીત’ના મામલે કરેલી રમત ભૂલી ગયું? (પાંચ કલાક સુધી સરબજીતને છોડવાની વાત કરીને મધરાત્રે અચાનક સૂરજીતને છોડવાનો પાકિસ્તાનના પ્રમુખ આસીફ અલી ઝરદારીએ કરી ભારતીયોની લાગણી સાથે રીતસર ક્રૂર મજાક કરી હતી.)

ઓવૈસી, મિયાંદાદ અને રહેમાન મલિક કે પાકિસ્તાન- આ ત્રણેય મુદ્દા ભલે લાગે અલગ, પણ ક્યાંક તેમના તાર જોડાય છે. ઓવૈસીએ તો ખુલ્લેઆમ રાષ્ટ્રદ્રોહ કે ભારત સરકાર સામે બળવાનું બ્યૂગલ ફૂંકવા જેવી ચેષ્ટા કરી છે. અણ્ણા કે કેજરીવાલ જેવા દેશભક્તો સાંસદો સામે ટીપ્પણી કરે ત્યારે તેની સામે વિશેષાધિકાર ભંગ જેવા પગલાં લેવાની ચેષ્ટા કરતા રાજકારણીઓ ઓવૈસી મામલે મૌન છે, મિયાંદાદ અને મુશર્રફ કે હેમાન મલિક જેવાની મહેમાનનવાઝી માટે તત્પર છે! ભગવાન, આ દેશને બચાવે!

bjp, politics, rss, sangh parivar, vhp

લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર પ્રકરણ : ભૂલ કોની હતી?

સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે જશવંત : જશના માથે જૂતાં!
સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે જશવંત : જશના માથે જૂતાં!

સૌથી પહેલા તો જશવંતસિંહની વાત. જશવંતસિંહે ઝીણા પર પુસ્તક લખ્યું ને કથિત રીતે ઝીણા કરતાં નહેરુ-સરદારને ભારતના ભાગલા માટે જવાબદાર ગણાવ્યા એમાં તેમની હકાલપટ્ટી થઈ. તેમને કોઈ પણ ઔપચારિકતા વિના રુક્ષતાથી કાઢી મૂકવામાં આવ્યા.

યે તો સરાસર નાઇન્સાફી હૈ! અરે ભાઈ, જે સ્થાપનાકાળથી સંકળાયેલા હોય તેમની સાથે આવો વ્યવહાર. સંઘ પણ લોકોને જોડવાની વાત કરે છે-લોકોને સાથે લઈને ચાલવાની વાત કરે છે. એકાએક જશવંતસિંહ એટલા બધા ખરાબ થઈ ગયા? માન્યું કે તેમની ઘણી ભૂલો હતી. તેઓ ગત ચૂંટણીમાં નોટ વહેંચતા પકડાયા હતા. ચૂંટણી પછી જાહેરમાં તેમણે પક્ષ સામે અવાજ ઉઠાવ્યો હતો. (પણ પક્ષમાં તેમનો અવાજ નહીં સંભળાયો હોય ત્યારે ને?)

બીજું તો ઠીક, પણ તેમણે વિદેશ મંત્રી તરીકે જે ભૂમિકા ભજવી હતી તેની નોંધ ઇતિહાસમાં લેવી પડી હોત, પણ આ બધાય દેકારા (ભાજપના ઉધામા)ના કારણે જ આ ન બન્યું. પોખરણ -૨ પછી અમેરિકાએ ભારત પર પ્રતિબંધો મૂક્યા હતા તે પછી અમેરિકાના વિદેશ પ્રધાન સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે તેમણે મંત્રણાઓનો દોર ચલાવ્યો હતો અને અમેરિકાને ભારતની તાકાત માનવી પડી હતી. એ સિવાય ફ્રાન્સ, જર્મની સહિતના યુરોપીય દેશો અને તુર્ક જેવા આરબ દેશો સાથે પણ સંબંધો સુધારવામાં તેમની ભૂમિકા પ્રશંસનીય હતી. તે પછી યશવંતસિંહાને વિદેશ મંત્રી બનાવાયેલા પણ તેઓ કોઈ ઉલ્લેખનીય કામગીરી (જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી) કરી શક્યા નહોતા.

માટે જશવંતસિંહ સાથે જે વર્તન થયું તે યોગ્ય નથી. ભાજપની સરકાર ફરી (જો) બનત તો તેમની વિદેશ પ્રધાન તરીકે સેવાનો સારો ઉપયોગ કરી શકાયો હોત.

****************

હવે બીજી વાત.

અડવાણી : કિસ કે સુનાઉં હાલ દિલ-એ-બેકરાર કા!
અડવાણી : કિસ કે સુનાઉં હાલ દિલ-એ-બેકરાર કા!

અત્યારે લાલકૃષ્ણ આડવાણીને પણ હટાવવાની વાત ચાલી રહી છે, જાણે કે તેમણે પક્ષમાં કંઈ કર્યું જ નથી, તેઓ સત્તાલાલસુ છે, પદને વળગી રહ્યા છે વગેરે વાતો ચાલી રહી છે. ઝીણા વિવાદ પછી માધ્યમો સહિત પક્ષની અંદર પણ કોઈ મહત્ત્વ નથી મળી રહ્યું. પક્ષમાં આજકાલ છવાયેલા નેતાઓ પોતાને તેમના કરતાં મોટા સમજવા લાગ્યા છે. આ ભારતીય સંસ્કૃતિ નથી. આડવાણીએ પક્ષના માટે આપેલો ભોગ-બલિદાન વિસરવું યોગ્ય નથી અને કંધાર (તે મુદ્દે આ જ લેખમાં આગળ છણાવટ વાંચો) મુદ્દે જે કંઈ હોય તે, પણ તેમની ટીકા કરવી યોગ્ય નથી.

આડવાણી, અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોષી, ગોવિંદાચાર્ય, કુશાભાઉ ઠાકરે, સુંદરસિંહ ભંડારી, પ્રમોદ મહાજન (અલબત્ત, સરકારમાં આવ્યા પછીની તેમની ભૂમિકાની વાત નથી), ઉમા ભારતી જેવા અનેક કાર્યકર્તા – જે બાદમાં નેતા બની ગયાની મદદથી ભાજપ અત્યારે જે છે તે છે. પણ તેમાં આડવાણી, વાજપેયી અને જોષીની ભૂમિકા દેખાય તેવી હતી. આડવાણીની રથયાત્રાના કારણે ભાજપ સત્તામાં આવે તેવી ભૂમિકા રચાઈ ગઈ હતી. (રાજીવ ગાંધીની હત્યા ન થઈ હોત તો શું ખબર પક્ષ સત્તામાં હોત પણ ખરો?)

હવાલાકાંડ થયો ત્યારે પદની સહેજ પણ લાલચ રાખ્યા વગર-જરા પણ વિલંબ વગર આડવાણીએ રાજીનામું આપી દીધું હતું અને તે પછી વાજપેયીને જ સતત આગળ કર્યા હતા. વાજપેયી સક્રિય હતા ત્યાં સુધી આડવાણી પાછળ જ રહ્યા. અને વાજપેયી નિષ્ક્રિય થયા પછી આડવાણી જ સ્વાભાવિક રીતે તેમના ઉત્તરાધિકારી બનવાને લાયક હતા અને અત્યારે પણ છે જ.

****************

સંઘના વરિષ્ઠ અધિકારીઓ - સુદર્શનજી અને ભાગવતજી
સંઘના વરિષ્ઠ અધિકારીઓ - સુદર્શનજી અને ભાગવતજી

અત્યારે ખોટી રીતે એક નવો કન્સેપ્ટ ઉભરી રહ્યો છે. ઉંમરમાં વૃદ્ધો ન ચાલે. કમનસીબે રા.સ્વ.સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ ભાજપમાં યુવાન નેતાની વાત કહી. કોંગ્રેસમાં પણ યુવાન નેતાની વાત ચાલી રહી છે. મિડિયામાં તો યુવાનોની વાત ઘણા સમયથી ચાલે જ છે, અને મિડિયાની વાત રાજકીય પક્ષો પૂરતી મર્યાદિત નથી. હિન્દી ફિલ્મોમાં ૪૦થી મોટી ઉંમરના અભિનેતા તેમનાથી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે ભૂમિકા ભજવે કે કોલેજિયન બને ત્યારે તે ટીકા કરવા લાગે છે.

યુવાનોમાં જોશ હોય છે, પણ કામ માટે જે હોશ જોઈએ તે અનુભવી વ્યક્તિ જ આપી શકે અને અનુભવ તો ઠરેલ-વધુ ઉંમરવાળા પાસે હોય ને. (અપવાદ બંને તરફે હોઈ શકે છે. યુવાન પણ ઠરેલ હોઈ શકે અને વૃદ્ધો પણ સાઠે બુદ્ધિ નાઠી જેવું વર્તન કરી શકે). આડવાણી ઉંમરની રીતે વૃદ્ધ હોઈ શકે પણ કામની રીતે – શારીરિક રીતે વૃદ્ધ થયા લાગતા નથી. જો આ બખેડો ન થયો હોત તો તેઓ ભાજપમાં નવું જોમ પૂરવા રથયાત્રા કાઢવાના હતા. આખા ભારતમાં ભાજપના કાર્યકર્તાઓને મળવાના હતા. ગૃહ મંત્રી તરીકે પણ તેમની કામગીરી ઘણી સારી રહી. કાશ્મીરમાં તેમના સમયમાં ઘણા ત્રાસવાદીઓનો સફાયો થયો હતો. રોજે રોજ એકબે-એકબે કરતાં ઘણા ત્રાસવાદી સાફ થતા હતા. તેમણે મોદીને બચાવવામાં ભૂમિકા ભજવી હોય તો તે પણ યોગ્ય જ હતી. વાજપેયી દિલથી વિચારનારા માણસ. પણ આવા કિસ્સામાં સંતુલિત બુદ્ધિથી વિચારવું જરૂરી હતું.

ખેર. હવે તો વાત વટે ચડી ગઈ છે. જશવંત ગયા છે અને આડવાણી પણ જશે. તે બંને અત્યારે જે રીતે ચિતરાઈ રહ્યા છે તેવું નથી. તેઓ ખરાબ નથી, તેમનો સમય ખરાબ છે.

****************

ભાજપ અને તેમના સાથી સંગઠનો- સંઘ, વિહિપ વગેરે ઘણી વાર તેમની અને ઘણી વાર મિડિયાની માયાજાળમાં ફસાઈ જતા હોય છે. તેનો મોટો દાખલો એટલે ઝીણા મુદ્દે આડવાણીનો વિવાદ. ત્યારે સંઘ અને વિહિપ જો કટાસરાજ મંદિરના પુનઃ ઉદ્ઘાટનના મુદ્દે બોલ્યા હોત-પ્રચાર કર્યો હોત તો સારું રહેત. પણ વિહિપના બડબોલિયા નેતાઓ ચૂપ ન રહી શક્યા. મિડિયાએ તો ખોટું (અથવા જાતે કરીને) અર્થઘટન કર્યું જ હતું. તેમની માયાજાળમાં આખો પરિવાર આવી ગયો. (ડૉ. હેડગેવારે અમસ્તું જ કંઈ સંઘને પ્રસિદ્ધિ પરાંગમુખ નહોતો રાખ્યો. અત્યારે ફરી સંઘે તેના છ અધિકારીઓને મિડિયા માટે નિયુક્ત કર્યા છે. ફરી એ જ થવાનું. જશવંતસિંહના ઝીણા વિવાદ પછી જે રીતે કુ.સી.સુદર્શનજી બોલ્યા તેનો વિવાદ થયો જ, ભલે સુદર્શનજી જરા પણ ખોટું નથી બોલ્યા. અને તેનો સવાલ ભાગવતજીને પણ શુક્રવાર તા. ૨૮ની પત્રકાર પરિષદમાં પૂછાયો જ હતો. એટલે મિડિયા ગમે તેમ સંઘને ભેરવવાનું છે, ખાસ કરીને જ્યારે તેમાં મોટા ભાગના સામ્યવાદી, સ્યુડો સેક્યુલર અને માત્ર સનસનાટી ઈચ્છતા પત્રકારો છે.

કંધાર વખતે એક તો, વિમાન ભારતની સરહદ બહાર ચાલ્યું ગયું હતું. (ભારતની અંદર જ ન રોકી શકાયું તે જરૂર ભૂલ ગણાય. બીજું, કારગિલ વખતે પણ સરહદ પાર નહીં કરવા (ખોટી) સૂચના સૈન્યને અપાઈ હતી તો આ વખતે સરહદપાર જઈને કમાન્ડો ઍક્શન લેવાય તેવી આશા કેમ રાખી શકાય? વળી, તે વખતે સમાચાર ચૅનલોએ હોબાળો મચાવી દીધેલો, ઉતારુઓના સગાઓના વિઝ્યુઅલ બતાવી બતાવીને. સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. સરવાળે, કોઈનો મત એવો નહોતો કે ગમે તેમ કરીને ત્રાસવાદીઓને તો ન જ છોડવા. મુફ્તિ મોહમ્મદ સઈદની દીકરીની જેમ એક જ વ્યક્તિનો અહીં કિસ્સો નહોતો. છોડવાનો નિર્ણય મજબૂરી હતી અને તેમાં વળી જશવંતને જવું પડ્યું. ગત ચૂંટણીમાં જ્યારે કૉંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે આ વાતનો ભાજપ જડબાતોડ જવાબ આપી શક્યું હોત, પણ એમ ન થઈ શક્યું.

****************

એમ તો રાવણ પણ મહાન શિવભક્ત હતો, પણ તેથી કંઈ તેને દેવ કે ભગવાન ન ગણી શકાય. રાવણનો પૂર્વાર્ધ ન જોવાય. કંસે પણ જો આકાશવાણી ન થઈ હોત તો બહેન-બનેવીને ન પૂર્યા હોત. તેનો પણ પૂર્વાર્ધ ન જોવાય. તેમ ઝીણા પણ એક સમયે રાષ્ટ્રભક્ત હતા. સેક્યુલર પણ હતા. પણ એ તેમનો પૂર્વાર્ધ છે. (તેઓ રાષ્ટ્રભક્તમાંથી કેમ હાડોહાડ કોમવાદી બન્યા તે માટે પાછું ગાંધીજીની ખિલાફત ચળવળ જેવા મુસ્લિમ તુષ્ટીકરણના મુદ્દા જવાબદાર છે. ) પણ તેમણે જે ‘ડાયરેક્ટ ઍક્શન’નો આદેશ આપેલો તે ભૂલી શકાય તેવો નથી, જે લોહી વહેવડાવ્યું હતું તે ભૂલી શકાય તેવું નથી. ગાંધીજી તો તેમને વડા પ્રધાન બનાવવા તૈયાર થઈ ગયા હતા. અને કદાચ એટલે જ સત્તા મેળવવા આતુર નહેરુ અથવા તો બીજો કોઈ વિકલ્પ ન લાગતા, કે પછી, ચાલો, આ રીતે હિન્દુઓ આ તરફ ને મુસ્લિમ પેલી તરફ, એમ ભાગલા થઈ જતા હોય તો ભલે થઈ જાય, પણ પછી તો શાંતિથી રહી શકાશે, એમ વિચારીને નહેરુ-સરદારે ભાગલા સ્વીકારી લીધા હોય તો તે સમયે જે થયું તે, તે સમયના સંજોગો પ્રમાણે યોગ્ય જ ગણાય.

બોધપાઠ તો ઇતિહાસમાંથી એ લેવો જોઈએ કે તે સમયે જે ભૂલો થઈ તે ફરી ન થાય. પણ અત્યારે એવો બોધપાઠ આ વિવાદોના પક્ષકારોમાંથી કોઈ લઈ રહ્યું છે? એવું લાગતું નથી. ઍડવાન્ટેજ? કૉંગ્રેસ¡! ડિસઍડવાન્ટેજ? લોકશાહી, કેમ કે લોકશાહીમાં શાસક અને વિપક્ષ બંને મજબૂત હોય તે ખૂબ જ જરૂરી છે.