film, international, media, sanjog news, vichar valonun

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮)

સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી સેક્સ, લોકો ગમે તેવાં કપડાં પહેરે તો પણ ચાલે, જાહેરમાં ભેટાભેટી કે કિસમકિસી કરે તો પણ ચાલે, બધી વૈજ્ઞાનિક શોધો ત્યાં જ થઈ, એ લોકો વૈજ્ઞાનિક અને તર્કવાદી જ્યારે ભારતના લોકો ગમાર, ગામડિયા, અંધશ્રદ્ધાળુ, જડસુ, વાનરસેના જેવા, અપ્રમાણિક, અસ્વચ્છ, સેક્સ પ્રત્યે સૂગ ધરાવે, કપડામાં અને ખાણીપીણીમાં રૂઢિચુસ્તતતા વગેરે વગેરે.

આનું કારણ એ છે કે આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ બહુ સંશોધનમાં પડવા નથી માગતા. તેમનો વન પૉઇન્ટ એજન્ડા જ હોય છે કે ભારતને ખરાબ ચિતરવું જેથી ભારતનું ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ વિદેશ જતું રહે. આના માટે તેમને વિદેશ તરફથી ડૉલર મળતા હશે કે નહીં તે તો રામ જાણે, પણ હા, તેનાથી તેમને કેટલાંક વર્તુળોમાં વાહવાહ જરૂર મળી રહે છે. આ વર્તુળમાં રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા છતાં લઘુતાગ્રંથિથી પીડાતાં સંગઠનોનો પણ સમાવેશ થાય છે જે પણ પેલા બ્રાહ્મણની મનોદશામાં આવી જાય છે કે ખભે ખરેખર કૂતરું જ છે.

હકીકતે ભારતની સંસ્કૃતિ પ્રશ્નો પૂછવાની અને તર્ક કરવાની રહી છે છતાં આપણને અંધશ્રદ્ધાળુઓમાં ખપાવી દેવામાં આવે છે. ભારતમાં તર્ક કરવો અને સંવાદ કરવો તે મુખ્ય સંસ્કૃતિ રહી છે. તેથી ખુલ્લું મન રાખવું જરૂરી છે. ભારતે અને હિન્દુ ધર્મે જેટલી નવી બાબતો સ્વીકારી, કેટલીક તો નુકસાન જાય એ હદે સ્વીકારી, (હવે તો ભગવાનની જન્મજયંતીએ કેક ધરાવાય છે!) તેટલી અન્ય કોઈ પંથે સ્વીકારી નથી, તેમ છતાં આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુ આ ધર્મને-આ દેશને સતત બદનામ કરવાની પ્રવૃત્તિમાં મંડી પડ્યા છે. તમે પરંપરાનો વિરોધ કરો તો તમે પ્રગતિશીલ ગણાવ તેવી માન્યતા ઠોકી બેસાડી છે. લઘુમતીને ભડકાવો, સ્ત્રીઓને પરંપરાઓ સામે બળવો કરવા ઉશ્કેરો, કપડાં ટૂંકા પહેરો, જાતીયતાનું પ્રદર્શન કરો, પબ્લિક ડિસ્પ્લે ઑફ અફૅક્શનના નામે જાહેરમાં પ્રેમચેષ્ટાઓ કરો તો તમે ઉદાર. તમે અંગ્રેજી બોલો તો તમે આધુનિક. તમે ખભા ઉલાળીને વાત કરો તો તમે વેલ બિહેવ્ડ. જાહેરમાં પ્રેમની ચેષ્ટા કરો તો તે કુદરતી આવેગની અભિવ્યક્તિ પરંતુ કુદરતી આવેગવશ અને જાહેર શૌચાલયના અભાવે દેવીલાલ (પૂર્વ નાયબ વડા પ્રધાન) સડક પર લઘુશંકા કરે તો તેનો અખબારમાં ફોટો છાપી તેમને બદનામ કરવામાં આવે! આનું કારણ ભારતીય મિડિયામાં ભારતીયતાના વિરોધી લોકો કુંડાળું મારીને બેઠા છે. રાષ્ટ્રવાદીઓ ખુલીને બહાર આવતા નથી. તેમનામાં સંપ નથી એ પણ કડવી હકીકત છે. ફિલ્મ જગત અને શિક્ષણ જગતમાં પણ આવું જ છે.

પરંતુ માત્ર ભારતમાં જ આવું નથી, પશ્ચિમના જે લોકો શિષ્ટતામાં માને છે, જે લોકો પરંપરામાં માને છે તેમની પણ આ જ વેદના છે. પશ્ચિમમાં હૉલિવૂડ, મિડિયા અને શિક્ષણમાં આ લિબરલો-કલ્ચરલ માર્ક્સિસ્ટો કઈ રીતે ચડી બેઠા? અને તેમણે એવો તે કઈ રીતે પગદંડો જમાવી દીધો કે કોઈ રૂઢિચુસ્ત (કન્ઝર્વેટિવ) હોય (રૂઢિચુસ્તનો અર્થ નેગેટિવ ન લેવો જોઈએ, સારી પરંપરા હોય તો શું તે માત્ર પરંપરા છે એ જ કારણસર ફગાવી દેવાની?) તો તેને કામધંધાની પણ મુશ્કેલી પડી જાય?

જે બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ એવી દલીલ કરે છે કે પશ્ચિમમાં તો અભિવ્યક્તિની ખૂબ જ સ્વતંત્રતા છે તેમના સુધી આ લેખ પહોંચશે અને વાંચશે તો ચોંકી જશે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર લિબરલો પૂરતી જ સીમિત છે. તમે જો લિબરલ ન હો તો તમને અભિવ્યક્તિની કોઈ સ્વતંત્રતા નથી. અને જો તમે એ સ્વતંત્રતાનો પ્રયોગ કરો તો તમારે કામધંધો ભૂલી જવાનો. તમારું જીવવાનું હરામ કરી નાખે આ લિબરલો. તેઓ ભારે અસહિષ્ણુ હોય છે, તેઓ ટોળકી જમાવીને બેસે છે. આ ટોળકીનું નેટવર્ક જબરદસ્ત હોય છે. માનો કે મિડિયાની જ વાત કરીએ તો, અલગ-અલગ ચેનલ કે અખબારમાં લિબરલો રહેલા હોય તો તેમની વચ્ચે જોરદાર સંપર્ક હોય છે. એમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ તેઓ તેમના પોતાના અખબાર કે ચેનલ તો ઠીક, પરંતુ હરીફ અખબાર કે ચેનલમાં પણ કોઈ વિરોધી વિચારવાળાને ઘૂસવા નહીં દે.

અમેરિકાની જ વાત કરીએ એટલે આ દાખલા વધુ સમજાશે કારણકે આપણને પશ્ચિમનાં ઉદાહરણોની ટેવ પડી ગઈ છે. નીલ ગ્રોસ નામના સૉશિયૉલૉજીના પ્રૉફેસર છે. તેમણે સૉશિયૉલૉજી અને પૉલિટિકલ વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં લેખ છે (અને તે પણ ગત જાન્યુઆરીનો એટલે કે તાજો જ) – ‘વ્હાય હૉલિવૂડ ઇઝ સૉ લિબરલ?’. આ લેખ વાંચવા જેવો છે. જેમ ભારતના ફિલ્મી એવૉર્ડમાં અભિનેતા-અભિનેત્રીઓ, ખાસ કરીને અભિનેત્રીઓ હવે નામ પૂરતાં કપડાં પહેરે છે, હિન્દી ફિલ્મ માટેનું ભાષણ અંગ્રેજીમાં આપે છે, વિદેશમાં પ્રશંસા મેળવવા પ્રિયંકા ચોપરા રોહિંગ્યા મુસ્લિમોને મળવા જાય છે (પરંતુ કાશ્મીરી પંડિતોને મળવા નથી જતા) તેમ હૉલિવૂડના એવૉર્ડનું પણ છે. ભારતમાં અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો ગમે તેટલી હિટ ફિલ્મો આપે તેમને એવૉર્ડ નહીં મળે. પોતાની એકેય ફિલ્મમાં હજુ સુધી કિસનું દૃશ્ય ન કરનાર સલમાનને પણ એવૉર્ડ ઓછા મળશે. આમીર ખાનને નહીં જ મળે. પરંતુ એવૉર્ડના સ્ટેજ પર ગે ચેષ્ટાઓ અને તેવા જૉક ફટકારનાર, બીજાનું અપમાન કરનાર, શાહરુખ-કરણ જોહર પર એવૉર્ડની વર્ષા થશે. નીલભાઈ લખે છે કે ગૉલ્ડન ગ્લૉબ અને ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડમાં પણ અભિનેતા-અભિનેત્રી પોતે કેટલા ‘પ્રૉગ્રેસિવ’ છે તે બતાવશે. એવૉર્ડ સ્વીકારતાં ભાષણોમાં વંશીય ન્યાય, માધ્યમોનું સ્વાતંત્ર્ય, માનવ અધિકારો વગેરેની મોટીમોટી વાતો કરશે.

આનું એક કારણ તો એ છે કે ભારતમાં જેમ મોટા ભાગના કલાકારો મુંબઈમાં રહે છે તેમ અમેરિકામાં હૉલિવૂડના ૫૭ ટકા લોકો કાં તો કેલિફૉર્નિયામાં રહે છે અથવા તો ન્યૂ યૉર્કમાં. કેલિફૉર્નિયા અને ન્યૂ યૉર્ક સામાન્ય રીતે ડેમૉક્રેટિક પક્ષના મજબૂત ગઢ છે. આથી ડેમૉક્રેટ પક્ષને નાખુશ કરીને તમે હૉલિવૂડ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકો.  ફિલ્મ જગતમાં રહેવું હોય તો યૂનિયનના સભ્ય પણ રહેવું પડે. ચાહે તે સ્ક્રીન ઍક્ટર ગિલ્ડ હોય કે ઍક્ટર્સ ઇક્વિટી ઍસોસિએશન, આ યૂનિયનો મોટાભાગનાં સામ્યવાદી છે. (ડિટ્ટો ભારતીય ફિલ્મ જગત. ત્યાં પણ સામ્યવાદીઓ પહેલેથી જ ચોકો જમાવી બેસી ગયા છે.) કોઈ ગુંડો કોઈ વ્યક્તિને એક વાર માર પડે પછી તે વ્યક્તિ હંમેશાં ગુંડાથી દબાયેલી જ રહે છે, તેમ કૉંગ્રેસે કટોકટી (ઇમર્જન્સી) લાદી અને તે વખતે ફિલ્મ કલાકારોને સંજય ગાંધીના દરબારમાં ફરજિયાત કાર્યક્રમો કરવા પડેલા. તે પછી એટલી હદે ધાક પેસી ગઈ કે તમે ૮૦ના દાયકામાં આવેલા જિતેન્દ્ર, હેમા માલિની, શ્રીદેવી અભિનિત ‘જસ્ટિસચૌધરી’ ફિલ્મમાં જસ્ટિસ ચૌધરી બનેલા જિતેન્દ્રના ઘરમાં દીવાલ પર પં. નહેરુની તસવીર જોઈ શકો. અરે! ૨૦૦૮માં આવેલી આમીર ખાન નિર્મિત ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’માં પરેશ રાવલના પોલીસ મથકની દીવાલ પર ઈન્દિરા ગાંધીની તસવીર દેખાશે. નરેન્દ્ર મોદીજીના માનીતા અને ભાજપ માટે પ્રચાર પણ કરતા નિર્માતા-કલાકારોની સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નહેરુ કે ઈન્દિરાજીની તસવીર પૉલીસ મથકમાં જોવા મળી હતી. પરંતુ જો આજે કોઈ ફિલ્મમાં દીવાલ પર અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદીની તસવીર દેખાય તો આ લિબરલો હોબાળો મચાવી દે! (આ તસવીરો પણ અચેતન મગજમાં એક સંદેશ આપતી હોય છે. જો તેમ ન હોત તો ભાજપના નેતાઓ મંચ પર નરેન્દ્ર મોદી-અમિત શાહ કે કૉંગ્રેસના નેતાઓ મંચ પર સોનિયા-રાહુલની વિશાળ તસવીરો સાથેનું બૅનર ન લગાડતા હોત)

આમ, હૉલિવૂડ કે બૉલિવૂડમાં તમારે કામ કરવું હોય તો લિબરલ ટોળકીના ભાગ રહેવું જ પડે. કલાના જગતમાં કોઈ અનામત નથી હોતી કે કોઈ એવા નિયમો નથી હોતા કે જેના વિરુદ્ધ તમે કૉર્ટમાં જઈ શકો. ઈમરાન હાશ્મીને મુંબઈમાં ઘર ન મળે તો તે બૂમરાણ મચાવી શકે છે જેને મિડિયા હાઇપ પણ આપે છે પરંતુ વિવેક ઓબેરોય ઐશ્વર્યા રાયને અતિશય હેરાનગતિ કરનારા સલમાન ખાન સામે પડે તો વિવેકની કારકિર્દીને એટલું નુકસાન થાય કે તે ક્યારેય બેઠો થઈ શકતો નથી. (આમાં અભિનયક્ષમતાની જો કોઈ બુઠ્ઠી દલીલ કરે તો તે ન ચાલે કારણકે વિવેકે ‘કંપની’ જેવી હાર્ડ હિટિંગ, ‘સાથિયા’ જેવી રોમેન્ટિક ફિલ્મ કે પછી ‘મસ્તી’ જેવી સેક્સ કૉમેડી ફિલ્મો દ્વારા પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરેલી જ છે.) એટલે હૉલિવૂડમાં પણ આવું જ છે. અહીં જો તમે લિબરલોની ટોળીના ભાગ ન હો તો તમને કામ મળવું મુશ્કેલ છે. સ્ટેશી ડેશ જેવી જાણીતી અભિનેત્રી, ટીમ એલન જેવા પ્રસિદ્ધ અભિનેતા અને કૉમેડિયન, અભિનેતા કેલસી ગ્રામર, અભિનેત્રી એન્જી હાર્મન સાથે શું કર્યું આ લિબરલોએ તે આવતા અંકે. લિબરલોની દાદાગીરી અંગે ઘણીઘણી વાતો કરવાની છે. આ કૉલમ ચૂકવાનું પોસાશે નહીં.

(ક્રમશ:)

Advertisements
film, gujarat guardian, legal

સલમાન ગુડ કે બેડ? સવાલ પર્સેપ્શનનો છે

સલમાન ખાન દોષી જાહેર થયો. સજા જાહેર થઈ. જામીન મળી ગયા. આ ઘટનાક્રમ પર આખું ભારત અત્યારે વહેંચાયેલું છે. એના વિપક્ષમાં અને પક્ષમાં દલીલોથી સોશિયલ મિડિયા છલકાઈ રહ્યું છે. એને જે રીતે જામીન મળી ગયા એ તો કાયદાની મજાક જ છે, પણ કોઈ લાલુપ્રસાદ યાદવને યાદ કરતું નથી જેમને ચૂંટણી પહેલાં જામીન મળી ગયા છે અને તેઓ પોતે ચૂંટણી લડવા તો ગેરકાયદે ઠર્યા પરંતુ તેમણે પોતાની દીકરીને ચૂંટણી લડાવી, અને હવે બિહારમાં વિધાનસભાની ચૂંટણી પણ જનતા પરિવારના નામે લડાવશે. એમાં કોઈ બેમત નથી કે આપણે ત્યાં ગરીબ માટે કાયદો અલગ છે અને વગદાર, પૈસાદાર, ખેલાડી, અભિનેતા તેમજ નેતા માટે કાયદા અલગ છે. જોકે અભિનેતા-અભિનેતામાંય ફરક હોય છે.

રઘુવીર યાદવ, શાઈની આહુજા જેવા ઓછું રળી આપતા અભિનેતાઓ માટે કાયદો અલગ છે અને સલમાન, શાહરુખ અને આમીર માટે કાયદા અલગ છે. સલમાનની વાત કરતી વખતે આમીરને ચિંકારા કેસમાં ગુજરાત હાઇ કોર્ટ તરફથી છૂટ મળી ગઈ એ વાત દબાઈ ગઈ છે. આદિત્ય પંચોલી જેવા માથાભારે સ્ટાર વારંવાર મારામારી કરે છે અને તેમ છતાં તેની સામે નહીંવત્ જેવી કાર્યવાહી થાય છે.

એટલે એક રીતે, અભિનેતા હોય કે કોઈ બીજા ક્ષેત્રની વ્યક્તિ, તે ક્ષેત્રમાં ટોચે પહોંચવા માત્ર પ્રતિભાની જરૂર નથી. સંબંધો, ઓળખાણ તેમજ તે ક્ષેત્રમાં પ્રવર્તતા રાજકારણમાં પોતાનો પગ જમાવવાની કળા પણ આત્મસાત્ હોવી જોઈએ. અને તદુપરાંત મસલ્સ પાવર પણ હોવો જોઈએ. દા.ત. બોલિવૂડમાં અંદર રહેવા માટે અંડરવર્લ્ડ કનેક્શન મજબૂત હોવા જરૂરી છે.

સલમાન ખાનને સજા જાહેર થઈ (મળી તે શબ્દ ખોટો છે કેમ કે તેણે ભોગવવી શરૂ નથી કરી) તે વખતે ચેનલ પર અને સોશિયલ મિડિયા પર તેની વિરુદ્ધ અને તરફેણમાં અભિપ્રાયોનો મારો ચાલુ થઈ ગયો. અમુક ફાંકાબાજોએ તો લખી નાખ્યું કે જોયું અમે કહ્યું તે સાચું પડ્યું. સલમાનને ઝાઝી સજા ન થઈ. હકીકત એ છે કે સલમાન સામે અગાઉ કેસ મોળો જ હતો.

જે વખતે સલમાન ખાનનો હિટ એન્ડ રનનો કેસ બન્યો તે વખતે કૉંગ્રેસ-એનસીપીની સરકાર હતી. તે વખતે ૧૦ દિવસમાં સલમાન ખાનની જેલમાંથી મુક્તિ થઈ ગઈ હતી. તે જેલમાં ગયો ત્યારે મુસ્લિમ ટોપી પહેરીને ગયો હતો. કદાચ એટલે કે તેને મુસ્લિમ હોવાના કારણે સહાનુભૂતિ મળી જાય. એ વખતે શિવસેના અને ભાજપ બંને વિપક્ષમાં હતા અને તેમણે આ મુદ્દે ભારત ગજવી દીધું હતું. સલમાન ખાન તે વખતે તેમના માટે એક મુદ્દો હતો એ બતાવવાનો કે કૉંગ્રેસ-એનસીપી  સરકાર મુસ્લિમ તુષ્ટીકરણ કરે છે. આથી વિપક્ષના દબાણમાં આવીને એનસીપીના નેતા અને ગૃહ પ્રધાન છગન ભુજબળે કલમ ૩૦૪ ભાગ બે જેવી વધુ કઠોર કલમ હેઠળ સલમાનની ફરી ધરપકડ કરવાનો આદેશ આપી દીધો.

અગાઉ સલમાન સામે કલમ ૩૦૪ એ હેઠળ ગુનો નોંધાયો હતો જેના માટે તેને મહત્તમ બે વર્ષની જ સજા થઈ શકે તેમ હતી. હવે તેના પર સદોષ માનવવધ, પરંતુ હત્યા નહીંનો આરોપ મૂકાયો હતો જે હેઠળ તેને દસ વર્ષની જેલની સજા થઈ શકે તેમ હતી.

પરંતુ એ વખતે ભાજપ-શિવસેનાએ સલમાન ખાન સામે કઠોર કાર્યવાહી કરવા માગણી કરી અને અત્યારે જે પેઢીના લોકો સલમાન ખાનને સજા થવી યોગ્ય ગણાવી રહ્યા છે, તેમનો સલમાન વિરુદ્ધ મત કેમ બંધાયો? વાત અવધારણા અથવા પર્સેપ્શનની છે. જેમ કે, એક કુટુંબમાં પતિ-પત્ની, દીકરી અને દીકરો રહે છે. દીકરો મોટો છે. તેણે બાપ અને માના ઝઘડા જોયા છે. બાપને માને મારતો જોયો છે. માને રડતી જોઈ છે. આથી દીકરીના મગજમાં તેના પિતા વિશે કેવી અવધારણા (પર્સેપ્શન) બંધાવાનું? એ જ કે તેના પિતા ખૂબ જ ખરાબ છે. તેની માને બહુ જ હેરાન કરે છે. મારે છે. બની શકે કે આ ઝઘડાના કારણે પિતાએ દીકરી પર તેના તોફાનના કારણે કે અન્ય કોઈ કારણસર હાથ ઉપાડ્યો હોય. આથી દીકરીના મગજમાં આ છાપ જડબેસલાક ઘૂસી જવાની. હવે જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યાં સુધીમાં માબાપ વચ્ચે મનમેળ થઈ જાય છે. પિતા પણ ઠંડા પડે છે અને કંઈક અંશે મા પણ સમાધાનકારી વલણ અપનાવી લે છે. આથી માબાપના ઝઘડા બંધ થઈ જાય છે. દીકરો જે જુએ છે તેનાથી તેના મનમાં તેના પિતા પ્રત્યે સારી છાપ બંધાય છે. વ્યક્તિ એક જ છે. પિતા એક જ છે, પણ તેની દીકરી અને દીકરા બંને તેને અલગ-અલગ રીતે જુએ છે.

સલમાન ખાન વિશે તે વખતે ભાજપનું જે પર્સેપ્શન હતું તે અત્યારે બદલાઈ ગયું છે. એ કેમ બદલાઈ  ગયું તેની પછી વાત કરીશું, પણ તે વખતે આવું પર્સેપ્શન કેમ હતું અને ૩૦ની ઉપરની પેઢીના લોકો તેને કેમ ગુનેગાર માને છે તે પાછળની હકીકત વર્ણવીએ.

૧૯૯૯માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ વખતે રાજસ્થાનમાં સલમાન ખાન, સૈફ, તબુ, નીલમ વગેરે કાળિયારનો શિકાર કરવા ગયા. આ કેસમાં ફસાયા. એ જ અરસામાં એ વખતે યુવાન હોઈ ગરમ મગજના સલમાનનો પત્રકાર કે ફોટોગ્રાફર સાથે ઝઘડો થયો. એટલે મિડિયા પણ તેની પાછળ પડી ગયું. એ વખતે એવા સમાચાર પણ આવ્યા હતા કે ‘હમ દિલ દે ચૂકે સનમ’ વખતે સલમાને સેટ પર પૂજા થયા પછી આરતી લેવાનો ઈનકાર કરી દીધો હતો. આમ તેની હિન્દુ વિરોધી છબી બંધાઈ. સલમાન ખાન તેની પ્રેમિકાઓ પ્રત્યે વધુ અધિકારભાવના રાખતો હતો. એક વાર સોમી અલીના માથે જાહેરમાં તેણે એક ઠંડા પીણાની બોટલ ફોડી અથવા તો ઠંડું પીણું રેડ્યું હતું. જોકે બાદમાં એક મુલાકાતમાં સોમી અલીએ આ વાતનો ઈનકાર કર્યો હતો, પરંતુ એ ઈનકાર સલમાનના દબાણમાં હોવાનું લોકોએ માન્યું. અથવા તો એ ઈનકાર લોકોના ધ્યાનમાં એટલો ન આવ્યો જેટલા પીણું રેડવાના સમાચાર આવ્યા.

‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મ પછી સલમાન અને ઐશ્વર્યા રાય નજીક આવી ગયા હતા. પરંતુ સલમાનની અધિકારભાવનાથી કંટાળીને કે પછી તેનો ઉપયોગ પૂરો થઈ ગયાનું લાગતા, ગમે તે કારણોસર, ઐશ્વર્યા તેનાથી અંતર રાખવા લાગી હતી. એક રાત્રે સલમાને ઐશ્વર્યાના ઘર બહાર તમાશો કર્યો હતો જેનાથી ઐશ્વર્યાના પડોશીઓ પણ ત્રાસી ગયા હતા. સલમાન ખાને કથિત રીતે ઐશ્વર્યાને મારી પણ હતી જેના મોઢા પર નિશાન હતા. આથી એ વખતે ઐશ્વર્યા રાય ફિલ્મફેર સમારંભમાં ચશ્મા પહેરીને આવી હતી. એવા સમયમાં ઐશ્વર્યા રાયને વિવેક ઓબેરોય નામનો નવોદિત અભિનેતા તરણોપાય લાગ્યો. તો વિવેકને સલમાને ધમકાવવાનું ચાલુ કર્યું હતું. સલમાને તેને ૪૩ કોલ કર્યા હતા, જે માટે વિવેકે એ વખતે પત્રકાર પરિષદ કરી હતી. એ પછી વિવેકની કારકિર્દીનું શું થયું તે બધા જાણે છે. વિવેકે એક કાર્યક્રમમાં સ્ટેજ પર જાહેરમાં કાનની બે બૂટ પકડીને સલમાનની માફી માગવી પડી હતી.

ઈ.સ. ૨૦૦૫માં અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની મુંબઈ આવૃત્તિ લોંચ થઈ રહી હતી તે વખતે તેણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેની કથિત વાતચીતની ટેપના સમાચાર પ્રકાશિત કર્યા. આ ટેપમાં થયેલી વાતચીત સાંભળો તો સલમાન વિશેની છબી વધુ ખરાબ બન્યા વગર ન રહે. તેમાં સલમાન ચોખ્ખું સ્વીકારે છે કે તે છોટા શકીલનો માણસ છે. તેને અંડર વર્લ્ડ સાથે સારા સંબંધ છે. તેને અબુ સાલેમ સાથે સારા સંબંધ છે. તે ઐશ્વર્યા રાયને કોઈ શોમાં ભાગ લેવા માટે દબાણ કરે છે. તે સ્વીકારે છે કે ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’માં અંડર વર્લ્ડના પૈસા લાગેલા છે તે તેને ખબર હતી. તે ઐશ્વર્યા રાય અને આમીર ખાન વિશે ખૂબ જ ગંદી વાત કરે છે.

આ ટેપ પછી ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસ ગઢ, મહારાષ્ટ્રમાં સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને  પ્યાર ક્યોં કિયા’નું થિયેટરમાં પ્રસારણ ભાજપ, વિહિપ, શિવસેનાના કહેવાતા કાર્યકર્તાઓએ અટકાવી દીધું હતું.

આ થયો સલમાન પ્રત્યે ‘બેડ બોય’ની ઇમેજ બનાવતો એક ભાગ.

હવે અત્યારે ભાજપ સલમાન ખાન વિરુદ્ધ એટલું નથી દેખાતું અથવા ઘણા લોકો તેની સજા ઓછી થાય તેવી તરફેણમાં છે. સલમાન ખાન વિશે સારું પર્સેપ્શન કેમ બન્યું?

જ્યારે શાહરુખ ખાન ‘માય નેમ ઇઝ ખાન’ની ફિલ્મની રજૂઆતના કેટલાક સમય પહેલાં અમેરિકા ગયો હતો ત્યારે તેણે વિવાદ જગાવેલો. તેણે એમ કહ્યું હતું કે તેની અટક ખાન હોવાથી (બિકોઝ માય નેમ ઇઝ ખાન) અમેરિકાના એરપોર્ટ પર મને અટકાવવામાં આવ્યો. સ્વાભાવિક જ આ ઘટનાની પ્રતિક્રિયા માગવા માટે પત્રકારો સલમાન ખાન પાસે ગયા. સલમાને કહ્યું કે મોટા ભાગના ત્રાસવાદીઓ મુસ્લિમો હોય છે તેથી સ્વાભાવિક છે કે મુસ્લિમો સામે તપાસ થાય. એમાં ખોટું શું છે?

સલમાન ખાન હવે મનથી નહીં મગજથી કામ લેવા લાગ્યો હતો, તે પત્રકારો સામે ઉશ્કેરાયા વગર જવાબ આપતો હતો. તે તેની પ્રેમિકા કેટરીના કૈફ સામે અધિકારભાવના રાખતો હોવાના સમાચાર એટલા નહોતા આવતા જેટલા ઐશ્વર્યાના આવતા હતા. તેણે બીઇંગ હ્યુમન નામની એનજીઓ ખોલીને બાળકો સહિત લોકોની મદદ કરવાની શરૂ કરી હતી. તેણે ગોવિંદા જેવા એક સમયના તેનાથી પણ ચડિયાતા અભિનેતાને ફરી લોંચ કરવામાં ભૂમિકા ભજવી. અનેક હિરોઇનોને લોંચિંગ પેડ આપ્યું. હિમેશ રેશમિયા, સાજિદ વાજિદ જેવા સંગીતકારો માટે અને બીજા અનેક કલાકારો માટે તે ગોડફાધર બન્યો. તે જાહેરમાં ગણેશપૂજા કરવા લાગ્યો. તેના પિતા સલીમ ખાન પણ અખબારોમાં ત્રાસવાદ અને મુસ્લિમ જોડાણ પર અખબારોમાં લેખ લખવા લાગ્યા.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણી સમયે સલમાન ખાને તત્કાલીન મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે પતંગ ચગાવ્યો. આમ, ગણેશ પૂજા અને મોદી સાથે નિકટતાના કારણે ઓવૈસી જેવા કટ્ટર મુસ્લિમોની નારાજગી મેળવી. તેની ફિલ્મો એક પછી એક હિટ જઈ રહી હતી. તેનો ટીવી શો ‘દસ કા દમ’ પણ હિટ ગયો. ‘બિગ બોસ’માં તેનું સંચાલન લોકોને ઘણું પસંદ પડ્યું.

ભાજપ જેવા પક્ષનું સલમાન ખાન પ્રત્યે આ કારણોસર પર્સેપ્શન બદલાઈ ગયું. ઈ.સ. ૨૦૧૦માં શિવસેનાએ જાહેર કરી દીધું હતું કે સલમાન ખાનનું કુટુંબ દેશભક્ત છે. તો જોધપુરમાં ચાલી રહેલા કાળિયાર કેસ બાબતે કૉર્ટમાં સલમાનને પૂછવામાં આવ્યું કે તે કયા ધર્મનો છે, ત્યારે સલમાને કહેલું – સૌથી પહેલાં તે ભારતીય છે. પછી તેણે આગળ કહ્યું કે તે હિન્દુ અને મુસ્લિમ બંને છે. શિવસેનાના ‘સામના’માં આ નિવેદનની પ્રશંસા કરવામાં આવી. સલમાનને દોષી જાહેર કરાયો ત્યારે એક સમયે જે શિવસેનામાં હતા તેવા રાજ ઠાકરે સલમાનને મળવા ગયા. એક સમયે શિવસેનામાં હતા તેવા નારાયણ રાણેના દીકરા નીતીશ રાણે સલમાનને મળવા ગયા. આ ઘટનાની કોણે નિંદા કરી? શરૂઆતમાં સલમાનને બચાવવા જે કૉંગ્રેસ-એનસીપીની સરકારે પ્રયાસ કર્યા હતા તે એનસીપીના વડા શરદ પવારે! આમ, સલમાનના ટેકેદાર રાજકીય પક્ષો બદલાઈ ગયા! ભાજપ-શિવસેનાને તાજા હિન્દુવાદી સલમાનનો ખપ છે જ્યારે હવે પવાર જેવાઓને તેનો ખપ નથી કારણ કે મુસ્લિમો સલમાન વિરુદ્ધમાં છે.

જે લોકોએ ૨૦૦૬ પછીના સલમાનને જોયો છે અથવા જેમના મનમાં સલમાનના તાજાં સંસ્મરણો છે તેમને સલમાન ‘ગુડ બોય’ લાગવાનો અને જેમણે ૨૦૦૬ પહેલાંનો સલમાન જોયો છે તેમને સલમાન ‘બેડ બોય’ લાગવાનો. મામલા પર્સેપ્શન કા હૈ ભાઈ! પણ એક વાત તો સ્પષ્ટ છે, કરેલા ગુનાની સજા તેને મળવી જ રહી, પછી તે ‘ગુડ બોય’ હોય કે ‘બેડબોય’.

(ગુજરાત ગાર્ડિયનની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૧૩/૫/૧૫ના રોજ આ લેખ છપાયો.)