politics, sanjog news, vichar valonun

પાંચ રાજ્યોની ચૂંટણી: દસ સૂત્રીય આકલન

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૧૨/૧૮)

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો ૧૧ ડિસેમ્બરે આવી ગયાં. બધાંએ ‘હું તો કહેતો હતો’ તેમ કહીને પોતપોતાનું વિશ્લેષણ કર્યું. ૨૦૧૪ પછી દિલ્લી-બિહાર અને હવે ત્રણ રાજ્યોને બાદ કરીએ તો ભાજપે ઘણાં રાજ્યોમાં મેળવેલી સફળતા જાણે કે ગુજરાત અને આ ત્રણ- મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનાં પરિણામોએ ધોઈ નાખી. કોઈએ નરેન્દ્ર મોદી-અમિત શાહના અંહકારને જવાબદાર ઠરાવ્યો તો કોઈએ વસુંધરા રાજે સિંધિયાના અહંકારને. ખરું અને તટસ્થ આકલન શું હોઈ શકે?

પહેલી વાત તો એ કે નફરત અને અહંકાર સામે વિનમ્રતા અને પ્રેમ જીતતો હોય છે. ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અહમદ પટેલને હરાવવા માટે ભાજપે પ્રયાસો કર્યા. તેમાં ખોટું નહોતું પરંતુ તે માટે કૉંગ્રેસને તોડીને સાતેક ધારાસભ્યોનાં રાજીનામાં મૂકાયાં અને પછી ટૅક્નિકલ ભોપાળું વાળ્યું (થેંક્સ ટૂ શક્તિસિંહ ગોહિલ જેમણે આ પકડી પાડ્યું) તેના કારણે કૉંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો. તે સમયે પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની શરૂઆત થઈ ગઈ અને ગુજરાતમાં રસ્તા ખરાબ હતા. કૉંગ્રેસે ૨૦૧૪ની ચૂંટણીનાં પરિણામોમાંથી બોધપાઠ લઈ સૉશિયલ મિડિયામાં દિવ્યા સ્પંદના જેવા યુવાન નેતાઓના હાથમાં તેને સોંપીને ભાજપ સામે તેનું જ શસ્ત્ર ઉગામ્યું. યુપીએ શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા તો નરેન્દ્ર મોદી કઈ રીતે મનમોહનસિંહને જવાબદાર ઠરાવતા તેની વિડિયો ક્લિપ ફરવા લાગી. બીજી તરફ, ગુજરાત સહિત દેશભરમાં ભાજપની સૉશિયલ મિડિયા ટીમ નબળી પડવા લાગી. સૉશિયલ મિડિયાની જવાબદારી ધરાવતા નેતા કે કાર્યકરો, ખબર નહીં કેમ, ઉદાસીન દેખાયા.

બીજો મુદ્દો એ છે કે અત્યાર સુધી સંઘ પરિવાર કૉંગ્રેસને તેનાં અનેક અલગ-અલગ સંગઠનો દ્વારા ચોતરફથી ઘેરતો રહ્યો.. આ જ નીતિ કૉંગ્રેસ અને તેના સાથીઓએ પણ અપનાવી. નરેન્દ્ર મોદી સરકારે એનજીઓના વિદેશ ભંડોળને અટકાવ્યું. અર્બન નક્સલીઓની ધરપકડ કરવામાં આવી. નોટબંધીમાં કાળાં નાણાં ધરાવનારાઓને (જેમાં ભાજપ સમર્થકો પણ હતા જ) તકલીફો પડી. તેથી ૨૦૧૪ પછીથી અને ખાસ કરીને ૨૦૧૬ પછીથી આ બધા જ લોકો ભાજપ પાછળ પડ્યા. ભાજપ શાસિત રાજ્યોમાં જ ખેડૂત આંદોલનો થયાં. ગુજરાતમાં પાટીદાર આંદોલન, મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન, રાજસ્થાનમાં રાજપૂતોનું કરણી સેનાનું આંદોલન તેમજ દેવકીનંદન ઠાકુર જેવા કથાકારનું સવર્ણો માટેનું આંદોલન થયું. સુપ્રીમ કૉર્ટમાં એસ.સી.-એસ.ટી. કાયદા પરના ચુકાદા પછી નરેન્દ્ર મોદી દલિતોનું તુષ્ટીકરણ કરવા ગયા. ૨૦૧૪ પછીથી રોહિત વેમૂલાથી માંડીને ગુજરાતમાં ઊના કાંડ પછીથી દલિતો ભડકેલા હતા જ. પરંતુ સુપ્રીમના એસ. સી.-એસ. ટી. કાયદા અંગેના ચુકાદા પછી વધુ ભડક્યા. સંઘના આગેવાનો મોહન ભાગવતે બિહાર ચૂંટણી પહેલાં અને ગુજરાતની ચૂંટણી પહેલાં મનમોહન વૈદ્યે અનામત સંદર્ભે આપેલાં નિવેદનો તોડીમરોડીને રજૂ કરાયાં તેની અસર પણ પડી.

ત્રીજો મુદ્દો મીડિયાનો છે. ભાજપ અને મીડિયાનો ઉંદર-બિલાડીનો પ્રેમ જાણીતો છે. આમેય મિડિયામાં શાસક પક્ષ હોય તેની વિરુદ્ધ વધુ લખાય કે બોલાય તે જાણીતી વાત છે. શાસકોનો કાન આમળવો જરૂરી હોય જ. પરંતુ હિન્દી ચેનલો, જેમના પર ભાજપ તરફી હોવાની છાપ લાગી છે તેમના પર પણ રામમંદિર, કૉંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ, દલિતો, આ બધા મુદ્દા છવાયેલા રહ્યા. કેરળમાં દલિતો પર અત્યાચાર, કર્ણાટકમાં ખેડૂતોની આત્મહત્યા, પંજાબમાં ૩૦ દિવસમાં ૪૨ જણાનાં ડ્રગ્સના લીધે મૃત્યુ, આ સમાચાર પણ જે-તે રાજ્યોના શાસક પક્ષોના હતા જ. તેની જેટલી થવી જોઈએ તેટલી ચર્ચા ન થઈ.

ચોથો મુદ્દો વર્ષોથી ચૂંટણીઓ જે મુદ્દે લડાય છે તે ખેડૂતોનો છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા ભાજપે ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી. ચૂંટણી જીત્યા પછી આમ કર્યું પણ ખરું. આના પગલે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં ખેડૂતોનું આંદોલન થયું. ગુજરાતમાં પણ મીડિયામાં ખેડૂતોની ચર્ચા વધુ થવા લાગી. ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે દરેક વિરોધ પક્ષને ફાયદો કરાવે છે અને દરેક રાજકીય પક્ષ તે વિપક્ષમાં હોય ત્યારે તેને ચગાવવામાં પાછી પાની નથી કરતો. પરંતુ જ્યારે તે શાસનમાં આવે છે ત્યારે તેના માટે તે જ મુદ્દો બૂમરેંગ સાબિત થાય છે. સ્વતંત્રતા પછી ખેડૂતો, દલિતો અને બેરોજગારી- આ ત્રણ મુદ્દા કોઈ પણ સરકાર માટે માથાના દુઃખાવા સાબિત થતા રહ્યા છે.

ગત વર્ષે અને આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે. લગભગ દુષ્કાળની જ સ્થિતિ છે. ખેડૂતોને બી, ખાતર અને સિંચાઈના પ્રશ્નો છે. પરંતુ સામે પક્ષે ખેડૂતોને સરકાર દ્વારા સહાય પણ મળે છે. જોકે તેનો અમલ બરાબર ન થતો પણ હોઈ શકે. પરંતુ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ટપક સિંચાઈ પદ્ધતિ કે વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતી કરાવવા તરફ સરકારો લઈ જતી નથી. પરિણામે આ પ્રશ્ન એમ ને એમ ઊભો રહે છે. ખેડૂતોના દેવા માફ કરવા તે શૉર્ટ ટર્મ અને સરકારની તિજોરીને સાફ કરવા જેવો ઉપાય છે. (રાહુલ ગાંધી પણ ૧૧ ડિસેમ્બરે જીત પછી હવે કહી રહ્યા છે કે દેવા માફી એ ઉકેલ નથી.)

આ જ રીતે પાંચમો મુદ્દો બેરોજગારીનો પણ છે. વાલીઓ દ્વારા બાળકોને મેડિકલ-એન્જિનિયરિંગ કે વ્હાઇટ કૉલર જૉબ તરફ પ્રેરાય તેવું જ શિક્ષણ આપવા ધકેલાય છે, અને સરકારી નોકરી એ જ એક માત્ર સુરક્ષિત નોકરી એમ માનીને તેના માટે પ્રયાસ કરવામાં આવે છે (તેમાં કંઈ ખોટું નથી) પરંતુ સરકારી નોકરી માટે અરજી કરનારા બધા જ બેરોજગાર હોય છે તેવું નથી હોતું, પરંતુ જેટલાં ફૉર્મ ભરાયાં હોય તે બધાં જ બેરોજગાર છે તેમ ચિત્ર ઊભું થાય છે. એટલે આ મુદ્દો પણ બધા શાસક પક્ષોને ૧૯૫૨થી કનડતો રહ્યો છે.

છઠ્ઠું ચિત્ર નોટાનું છે. કોઈ રાજકારણી કે કોઈ શાસક પક્ષ સારો નથી. આવું ચિત્ર મીડિયામાં ડિબેટ દરમિયાન કે કૉલમિસ્ટો દ્વારા પોતાને તટસ્થ ગણાવવા માટે તેમના લેખોમાં ઊભું થતું રહ્યું છે. (કોઈ પક્ષની સંપૂર્ણ તરફદારી ન કરો તે બરાબર છે, પરંતુ મુદ્દાસર સમર્થન કે વિરોધ તો હોય જ શકે.) વળી, એનજીઓ ટાઇપના લોકો પણ આવું ચિત્ર ઊભું કરે છે. તેથી ‘નૉટા’ને મળતા મતોનું પ્રમાણ ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭થી વધી રહ્યું છે. હું મારી ટીવી ચેનલ પરની ચર્ચામાં આ મુદ્દે દરેક રાજકીય પક્ષને ચેતવું છું. ખાસ કરીને ભાજપ અને કૉંગ્રેસને. તેઓ ડિબેટમાં બંને એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા કરે છે. રેલીઓમાં પણ આવું થાય છે. આ બધાંના લીધે કોઈ રાજકીય પક્ષ સારો નથી તેવું વધુ ને વધુ લોકોના મનમાં ઠસવા લાગ્યું છે. કર્ણાટક વિધાનસભામાં પણ આ પ્રમાણ વધ્યું હતું. તાજેતરની છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તો સમાજવાદી પક્ષ, આમ આદમી પાર્ટી વગેરે કરતાં ‘નૉટા’ને વધુ મતો મળ્યા છે!

સાતમો મુદ્દો એન્ટી ઇન્કમબન્સીનો છે. શાસક વિરોધી લાગણીની શરૂઆત સરકાર રચાય ત્યારથી જ શરૂ થઈ જતી હોય છે. પહેલાં તો પક્ષની અંદર જ આ લાગણી શરૂ થાય. જેમને મુખ્ય પ્રધાન ન બનવા મળે, જેમને પ્રધાન બનવા ન મળે કે જેમને પોતાનાં મનગમતાં ખાતાં ન મળે, કાર્યકર્તાઓને બૉર્ડ-નિગમોમાં ચૅરમેન બનવા ન મળે તેમનામાં શાસન વિરોધી જુવાળ જન્મે. તેઓ આ જુવાળ પોતાની આસપાસના લોકોમાં સીધી કે આડકતરી રીતે ફેલાવે. ચૂંટણી સમયે ટિકિટ ન મળે તેઓ પણ આ જુવાળ ફેલાવે.

આ જુવાળ ફેલાવનારો બીજો વર્ગ સ્વાભાવિક જ વિપક્ષો અને મીડિયા છે. ત્રીજો વર્ગ જનતા છે જેમની અપેક્ષા સંતોષાતી નથી અને ચોથો વર્ગ આંદોલનકારીઓ છે. દા.ત. ગુજરાતમાં પાટીદાર કે દલિત આંદોલન થયું કે કર્મચારીઓ આંદોલન કરે તો તેમને પોતાની માગણી ન સંતોષાય તો શાસન વિરોધી જુવાળ અનુભવાય છે. પાંચમો વર્ગ મિડિયા છે જે કોઈ પણ નકારાત્મક વાતને સીધી સરકાર સાથે જોડી દે છે.

કોઈ પણ સરકાર હોય તેને જનતા વધુમાં વધુ પંદર વર્ષ આપતી હોય છે. ૧૯૪૭માં સ્વતંત્રતા પછી કૉંગ્રેસની સરકાર રચાઈ ત્યારે તેને પણ પંદર વર્ષ મળ્યા હતા. ૧૯૬૨-૬૫ પછી વિવિધ રાજ્યોમાં સરકાર જવા લાગી હતી. પરંતુ કૉંગ્રેસે પક્ષો તોડી કે રાજ્યપાલોનો ઉપયોગ કરી યેનકેન પ્રકારેણ સત્તા ટકાવી રાખી. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આ કારણે જ ભાજપને ફટકો પડ્યો. અલબત્ત, પંદર વર્ષ પછી પણ મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસને સ્પષ્ટ બહુમત નથી મળ્યો તે બતાવે છે કે શિવરાજસિંહ ચૌહાણ હજુ પણ લોકપ્રિય છે અને એટલો જુવાળ તેમની સામે નહોતો. આ જ રીતે રાજસ્થાનમાં પણ ભાજપનાં સૂપડાં સાફ નથી થયાં. છત્તીસગઢ જરૂર આશ્ચર્યજનક છે. ત્યાં બહુ ઓછા લોકોએ ભાજપ જશે તેમ વિચારેલું.

આઠમો મુદ્દો વિક્ટિમ કાર્ડનો છે. કોઈ નેતાને સતત ટાર્ગેટ બનાવ્યા રખાય તો તે જનતામાં સહાનુભૂતિ મેળવી જાય છે. ઈન્દિરા ગાંધી, લાલુપ્રસાદ યાદવ, નરેન્દ્ર મોદી (૨૦૧૪ સુધી), અરવિંદ કેજરીવાલ આના દાખલા છે. ૨૦૧૪ પછીથી રાહુલ ગાંધીને ભાજપ દ્વારા સતત ટાર્ગેટ કરી પપ્પુ સાબિત કરવા પ્રયત્ન કરાયા. સંસદમાં રાહુલ નરેન્દ્ર મોદીને ગળે મળ્યા પછી મોદીએ તેમની મિમિક્રી કરી તે ભૂંડું હતું. સંસદમાં તો કમ સે કમ આ બાબત વડા પ્રધાનને ન જ શોભે.

નવમો એક મુદ્દો હિન્દુત્વનો છે તે ન ભૂલવું જોઈએ. ભાજપના પગલે કૉંગ્રેસે પણ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ગોમૂત્રના વ્યાવસાયિક વેચાણ, ગોશાળા બનાવવી, વેદિક સંસ્કાર બૉર્ડ વગેરેનાં વચનો આપ્યાં. રાહુલ ગાંધી શિવભક્ત બની મંદિરે મંદિરે ગયા છે. પારસી દાદા, હિન્દુ માતાના દીકરા રાજીવ ગાંધી અને ખ્રિસ્તી માતા સોનિયા ગાંધીના આ દીકરા અચાનક દત્તાત્રેય ગોત્રના બની ગયા. આ હિન્દુત્વની પણ જીત છે જ.

અને છેલ્લે દસમો મુદ્દો…ઇતિહાસનું પુનરાવર્તન. ૧૯૯૮માં ભાજપની કેન્દ્રમાં સરકાર બની. રાજસ્થાનમાં પોખરણ પરીક્ષણોમાં મોટા પ્રમાણમાં વપરાયેલી ડુંગળીના કારણે મોંઘવારી મુદ્દો બની ગયો. તે વખતે સોનિયા ગાંધી નવા-નવાં કૉંગ્રેસ અધ્યક્ષા બનેલા. પરંતુ તે પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્લીમાં કૉંગ્રેસ જીતી. આ જ રીતે અત્યારે રાહુલ ગાંધી નવા-નવા કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા તે પછી પેટ્રોલ-ડીઝલની મોંઘવારી અને ખેડૂતોના મુદ્દે કર્ણાટકમાં સરકાર અને મધ્ય પ્રદેશ-રાજસ્થાન-છત્તીસગઢમાં જીત મેળવવામાં સફળ થયા છે. અટલજીની સરકાર વખતે સંઘ પરિવારની વિહિપ અને સ્વદેશી જાગરણ મંચ સંસ્થાઓ સામે પડેલી. આજે ફરીથી વિહિપે મોદી સરકાર સામે બાંયો ચડાવી છે. ૨૦૦૪માં અટલજી હારેલા. અટલજી પછી અડવાણી ભાજપના નેતા બનેલા. અત્યારે યોગી આદિત્યનાથ તરફેણમાં યોગી ફૉર પીએમનાં હૉર્ડિંગ ઉત્તર પ્રદેશમાં લાગવા મંડ્યાં છે…આગામી કેટલાક મહિના રાજકારણમાં રસપ્રદ રહેવાનાં છે, તે નક્કી.

Advertisements
politics, sanjog news, vichar valonun

૧૧મી ડિસેમ્બર કોના માટે લાભદાયક રહેશે?


(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૯-૧૨-૨૦૧૮)
૧૧ ડિસેમ્બરે એટલે કે પરમ દિવસે પાંચ રાજ્યોનાં ચૂંટણીનાં પરિણામો છે. નરેન્દ્ર મોદીની ૨૦૧૪ની સરકાર બની ત્યારથી દર ચૂંટણી તેમની લોકપ્રિયતાની લહેરની કસોટી બની રહેશે તેમ સેક્યુલર મિડિયા ગણાવતું આવ્યું છે. પરંતુ દિલ્લી અને બિહાર જેવાં અમુક રાજ્યોને બાદ કરો તો મોટા ભાગે આ લોકપ્રિયતાની કસોટી પર ન માત્ર નરેન્દ્ર મોદી, પરંતુ ૨૦૧૪ની ચૂંટણી પછી મોદીના ભરોસે નિયુક્ત અમિત શાહ પણ ખરા ઉતર્યા. આ જોડી અજેય માનવા લાગી. જોકે આ બધામાં એક વાત એ પણ નોંધવા લાયક છે કે જે રાજ્યોમાં વિજય મળ્યો તેમાં ગુજરાતને બાદ કરતાં મોટા ભાગે વિપક્ષ અથવા કૉંગ્રેસની સરકાર હતી. હરિયાણા, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા વગેરેમાં કૉંગ્રેસની સરકાર, નેશનલ કૉન્ફરન્સની સરકાર અથવા સામ્યવાદી સરકાર સામે ભારે અસંતોષ હતો.

હરિયાણામાં ભૂપેન્દ્ર હુડા, મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચવ્હાણ, હિમાચલ પ્રદેશમાં વીરભદ્ર સિંહ વગેરેની સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા અને તેમાંય કૉંગ્રેસનું મા-બેટાનું નેતૃત્વ હતું જેની સામે પણ આરોપો થઈ શકતા હતા. પરંતુ ગુજરાત અને ગોવામાં થોડા ઘટાડા સાથે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ કબજો જમાવી રાખી શક્યા છે. કર્ણાટકમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે જરૂર ઉભર્યો પરંતુ સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યો. આની સામે પંજાબ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં તે ખાસ કાઠું કાઢી ન શક્યો. પંજાબમાં અકાલી દળ સાથેની મિશ્ર સરકારનો ખરાબ દેખાવ નડી ગયો. કેરળમાં ખાતું ખૂલ્યું. પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો મેળવી શક્યો. તમિલનાડુમાં ખાતું ખૂલ્યું નહીં.

આ ઉપરાંત પેટા ચૂંટણીઓમાં પણ ભાજપે હાર મેળવી છે. વર્ષ ૨૦૧૪માં જીતેલી આઠ બેઠકો તેણે ગુમાવી દીધી. તો ૨૭ બેઠકો વિપક્ષ પાસેથી ખૂંચવી લેવામાં પણ તે નિષ્ફળ રહ્યો છે.

આવું કેમ બન્યું? તેનાં કારણો જાણીએ અને પછી વાત કરીએ ૧૧ ડિસેમ્બરે આવનારાં પાંચ રાજ્યોનાં પરિણામોની. પહેલી વાત તો એ કે ભાજપને સામે મુખ્ય હરીફ તરીકે કૉંગ્રેસ હોય એટલે મજા આવે છે. કૉંગ્રેસના સાઇઠ-સિત્તેર વર્ષનો શાસનનો ખરડાયેલો ભૂતકાળ ભાજપ માટે કારગત નિવડે છે. વળી, લઘુમતીના તુષ્ટીકરણનો કૉંગ્રેસ પર આક્ષેપ છે તે હજુ પણ ભૂંસાય તેમ નથી. ઉલટું તેલંગણાના મુસ્લિમો લક્ષી ચૂંટણી ઢંઢેરાથી ઓર મજબૂત બન્યો છે. ભ્રષ્ટાચાર અંગેના કૉંગ્રેસ સામેના આક્ષેપો અગણિત છે. તેમાં ઑગસ્તા વૅસ્ટલેન્ડ વીવીઆઇપી ચૉપર કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન માઇકલના પ્રત્યર્પણથી આ આક્ષેપો ઓર પ્રબળ બનશે. કૉંગ્રેસમાં જૂથવાદ પ્રબળ છે. તેથી બહુ ઓછાં રાજ્યોમાં પહેલેથી મુખ્ય પ્રધાનના ઉમેદવાર નક્કી હોય છે. જ્યાં નક્કી હતા તે પંજાબમાં કૉંગ્રેસે વિજય મેળવ્યો છે. પરંતુ બીજી જગ્યાએ તેમ થતું નથી. સૌથી મોટું પાસું રાહુલ ગાંધી પોતે બને છે. તેમના પિછત્તીસ હજાર કે સાડે તીન લાખ પચાસ હજાર જેવાં છબરડાઓ થતા રહે છે. તેમનાં ભાષણો લખનાર સારું હૉમ વર્ક કરતા નથી. સંશોધન કરતા નથી. રાજ્યોમાં પણ નરેન્દ્ર મોદી સરકારને રાફેલ, નોટબંધી, જીએસટી જેવા મુદ્દા ઊછાળતા રહે છે. બીજી તરફ વચનોમાં પણ ખેડૂતોના દેવા માફી જેવી ઘસાયેલી રેકૉર્ડ જ વાગે છે. જોકે મધ્ય પ્રદેશમાં ગોશાળા જેવી પહેલ જરૂર કરી છે.

આની સામે નરેન્દ્ર મોદી રાજ્યલક્ષી મુદ્દા ઊછાળે છે, જેમ કે તેમણે કોટાને સ્માર્ટ સિટી બનાવવું જોઈએ તેમ કહ્યું. આના લીધે નેગેટિવ પ્રચારની સાથે પક્ષનો પૉઝિટિવ પ્રચાર પણ થાય છે. આથી જ ભાજપ કૉંગ્રેસ સામે બળવત્તર સાબિત થાય છે. પરંતુ…જ્યાં સ્થાનિક પક્ષોની વાત આવે ત્યાં ભાજપે પોતાની ક્ષમતા હજુ ઉત્તર પ્રદેશ સિવાય ક્યાંય બતાવી નથી. ઉત્તર પ્રદેશમાં લોકો મુલાયમસિંહ અને માયાવતીના વારાફરતી શાસનથી જબરદસ્ત કંટાળેલા હતા અને તેમાં યોગી આદિત્યનાથની લોકપ્રિયતા ભળી. નરેન્દ્ર મોદીનાં ભાષણો અને અમિત શાહની રણનીતિ રંગ લાવી. ઉત્તર પ્રદેશમાં એકલે હાથ ભાજપને બહુમતી મળી. પરંતુ દિલ્લી, બિહાર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર વગેરેમાં ભાજપ સ્થાનિક પક્ષોને પછાડી શક્યો નથી. એ અલગ વાત છે કે બિહારમાં નીતિશ અને લાલુને ડખા થયા તેમાં ભાજપને સત્તા મળી ગઈ અને જમ્મુ-કાશ્મીરમાં મુફ્તી મોહમ્મદ સઈદ અને બાદમાં મહેબૂબા મુફ્તી સાથે સમજૂતી કરવાથી સત્તાનાં ફળ ચાખવાં મળી શક્યાં. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ વિધાનસભા ચૂંટણીમાં ચાલુ રહ્યો છે. તમિલનાડુમાં જયલલિતાનો જાદુ હતો. હવે અન્ના દ્રમુક અને દ્રમુક બંનેમાં અંદર-અંદર ભારે સંઘર્ષ છે. કમલ હાસને નવો પક્ષ રચ્યો છે. આથી ત્યાં પણ ભાજપનો ગજ વાગ્યો નથી.

આ સ્થિતિમાં ૧૧ ડિસેમ્બરે જે પાંચ રાજ્યોનાં પરિણામો આવશે તે મહત્ત્વનાં બની રહેશે કેમ કે આ રાજ્યો ભાજપનો ગઢ ગણાતાં રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં ભાજપનું પંદર વર્ષથી શાસન છે. શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રિયતા છે, પરંતુ સામે કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજયસિંહનો વિભાજિત પડકાર છે. વિભાજીત એટલે કે તેમની વચ્ચે ડખા છે. વળી, બસપ કે સપએ કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું નથી. આ સંજોગોમાં અહીં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખશે તેમ એક કાચો અંદાજ મૂકી શકાય. મધ્યપ્રદેશ વિશે એવું કહેવાય છે કે જે માળવા જીતે તે મધ્ય પ્રદેશ જીતી શકે. બીજી તરફ, રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાની સામે પક્ષની અંદર અસંતોષ છે. તેને એકબાજુએ મૂકીએ પરંતુ રાજસ્થાનનો ઇતિહાસ એવું કહે છે કે જે મેવાડ જીતે તે રાજસ્થાન જીતી શકે.

વર્ષ ૨૦૧૩માં મધ્ય પ્રદેશમાં માળવા અને રાજસ્થાનમાં મેવાડમાં ભાજપનું મોજું ફરી વળ્યું હતું. મધ્ય પ્રદેશના માળવા અને મધ્ય ક્ષેત્રમાં ભાજપે પચાસ ટકાથી વધુ મતો મેળવ્યા હતા. માળવા પ્રદેશની ૫૦ બેઠકોમાંથી ભાજપે ૪૫ બેઠકો કબજે કરી હતી જ્યારે કૉંગ્રેસના ભાગે ચાર બેઠકો જ આવી હતી. અહીં ભાજપને ખેડૂતોનું આંદોલન અને સવર્ણોની નારાજગી નડી શકે છે. માળવાની ઓળખ ધાર્મિક કેન્દ્ર તરીકે પણ છે. આ પ્રદેશમાં ઉજ્જૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર આવે છે. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, અમિત શાહ અને રાહુલ ગાંધી એ બધા જ મહાકાળ બાબાના દર્શન કરી આવ્યા છે.

તો રાજસ્થાનમાં વર્ષ ૨૦૧૩માં મેવાડ અથવા ઉદયપુર પ્રદેશની ૨૮માંથી ૨૫ બેઠકો ભાજપે પ્રાપ્ત કરી હતી. કૉંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી હતી. રાજસ્થાન વિશે એમ કહેવાય છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાય છે. ગયા વખતે કૉંગ્રેસની સરકાર હતી તે પછી હાલ ભાજપની સરકાર છે. આ વખતે મતદારો કોની સરકાર લાવશે? તે તો ૧૧ ડિસેમ્બરે જ જવાબ મળશે પરંતુ આ સરકાર દર પાંચ વર્ષે બદલાવાનું કારણ મેવાડની જનસંખ્યા છે. અહીં ૭૦ ટકા વસતિ આદિવાસીઓની છે. તેમનો પ્રભાવ ૧૬ બેઠકો પર છે, જે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આદિવાસીમાં મુખ્યત્વે ભીલ વર્ગ છે. તે પછી મીના જનજાતિ વધુ છે. અહીંના મતદારો સરકારના કામકાજ પર મતદાન કરે છે. તેમને લાગે કે સરકારે પોતાનાં વચનો પૂરાં કર્યાં નથી તો તે સરકાર બદલી નાખે છે.
મેવાડની કહેવત છે, “પૂરી છોડ ને આધી ખાની, પણ મેવાડ છોડને કઠેઈ ન જાની’. અર્થાત્ ભલે અડધી રોટલી ખાવી પડે તો ખાવી, પરંતુ મેવાડ છોડીને ક્યાંય ન જવું. પદ્માવતીના પતિ રતનસિંહ, મહારાણા પ્રતાપ, રાણા સાંગા જેવા બહાદુર રાજાઓનો અહીં શૌર્યનો ઇતિહાસ સચવાયેલો છે. મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત અહીંથી જ કરી હતી. એક માન્યતા એવી છે કે જ્યારેજ્યારે તેમણે અહીંથી ચૂંટણી પ્રચાર આરંભ્યો ત્યારેત્યારે તેઓ સત્તામાં પાછાં આવી શક્યાં છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સવર્ણોને જીતવા રાહુલ ગાંધીએ બ્રાહ્મણ કાર્ડ ખેલ્યું છે અને પોતાનું ગોત્ર દત્તાત્રેય હોવાનું જાહેર કર્યું છે, પરંતુ બ્રાહ્મણો મૂર્ખ નથી. તેમને ખબર છે કે પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ખ્રિસ્તી હોય અને રાજીવના પિતા ફિરોઝ ગાંધી પારસી હોય (કે એક અફવા પ્રમાણે મુસ્લિમ હોય) તો ગોત્ર દાદીમાનું ન આવે. વળી, એક માન્યતા પ્રમાણે, દત્તાત્રેય આજીવન બ્રહ્મચારી હતા. તેથી તેમનો વંશ હોઈ શકે જ નહીં. આથી, જેમણે પણ રાહુલ ગાંધીને આ માહિતી શોધીને આપી છે તેમણે રાહુલ ગાંધીને ભોંઠા પાડવા જેવું કામ કર્યું છે. રાહુલે પોતે પણ અવિચારી રીતે આ માહિતી સ્વીકારી લઈ ભોપાળું વાળ્યું છે. આ બધી વાતોમાં પડવાના બદલે શાસક વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવાની જરૂર હતી, પરંતુ કૉંગ્રેસ ગુજરાતની ચૂંટણી હોય કે કર્ણાટકની, કે પછી રાજસ્થાનની, જાતિવાદના સહારે ચૂંટણી જીતવા જાય છે અને જીતની બાજી હારમાં પલટાવી દે છે.

આ જ રીતે છત્તીસગઢમાં ભાજપ, કૉંગ્રેસ અને માયાવતી-અજિત જોગીનો ત્રિકોણીયો જંગ છે. માયાવતી-જોગીની યુતિ બહુ ચમત્કારિક કાઠું ન કાઢે તો અહીં ભાજપની ફરીથી સરકાર બનશે. જ્યારે તેલંગણામાં ટીઆરએસ સત્તા જાળવી રાખશે તેમ મનાય છે કારણકે એવી ખાસ સત્તાવિરોધી લહેર નથી.

ડિસેમ્બર મહિનો આમ પણ નરેન્દ્ર મોદી માટે લાભદાયક સાબિત થતો રહ્યો છે. ગુજરાતની ચૂંટણી મોટા ભાગે ડિસેમ્બરમાં યોજાતી રહી છે. ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યર્પણથી મોદી અને ભાજપના બાવડામાં નવું જોર તો આવી જ ગયું છે. જોવાનું રહે છે કે ૧૧ ડિસેમ્બરનાં પરિણામો વધુ જોર આપે છે કે નહીં?

(લ.દિ.૦૫-૧૨-૨૦૧૮)

film, music, sanjog news, vichar valonun

મોહમ્મદ અઝીઝ હંમેશાં સંગીતપ્રેમીઓના અઝીઝ રહેશે

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨/૧૨/૧૮)

‘હર કરમ અપના કરેંગે’… દરેક ૧૫ અૉગસ્ટ, ૨૬ જાન્યુઆરીએ વાગતું એ ગીત હોય કે પછી ‘નટખટ બંસીવાલે ગોકુલ કે રાજા’ જેવું જન્માષ્ટમીનું ગીત હોય, ‘એક અંધેરા લાખ સિતારે’ કે ‘દુનિયા મેં કિતના ગ઼મ હૈ’, જેવું પ્રેરણાત્મક ગીત હોય કે ‘અમીરોં કી શામ ગરીબોં કે નામ’ જેવું નટબજાણિયાનું માનીતું ગીત, થોડા મહિનાઓ પહેલાં જે ગીતથી પેલા પ્રાધ્યાપક સંજીવ શ્રીવાસ્તવને આધેડ વયે પ્રસિદ્ધિ મળી ગઈ તે ‘મય સે મીના સે ના સાકી સે’ જેવું ડાન્સ ગીત, બદમાશો સામે બદમાશીની વાત કરતું ‘વન ટુ કા ફૉર’ હોય કે પછી ‘પતઝડ સાવન બસંત બહાર’ જેવું અર્ધશાસ્ત્રીય ગીત, ‘પ્યાર હમારા અમર રહેગા’ જેવું સદાબહાર પ્રેમનું ગીત હોય કે ‘રબ કો યાદ કરું, એક ફરિયાદ કરું’ જેવું વિરહનું ગીત, મોહમ્મદ અઝીઝે કયા મૂડનાં ગીતો નથી ગાયા? મંદ સપ્તકથી લઈ તાર સપ્તક સુધીનાં તમામ પ્રકારનાં ગીતોમાં એમનો અવાજ બંધ બેસતો.

મોહમ્મદ રફીના અવસાન પછી તેમના જેવા અવાજવાળા અનેક ગાયકો આવ્યા. અનવર તો અદ્દલ તેમના જેવો જ અવાજ. શબ્બીરકુમાર, વિપિન સચદેવ (કેટલાક બુદ્ધુજીવી તો નામ પણ નહીં જાણતા હોય), દેબાશીષ ગુપ્ત હોય, પરંતુ તેમાં મોહમ્મદ અઝીઝે સહેજ નાકવાળા અવાજ સાથે અનોખી અને અમીટ છાપ છોડી. એ જમાનો લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને બપ્પી લહેરી વચ્ચે મુખ્યત્વે વહેંચાયેલો હતો. પરંતુ મુન્નાભાઈ તરીકે જાણીતા ગાયક અનેક સંગીતકારો સાથે કામ કરી નામ પ્રમાણે સાચે જ હર દિલ અઝીઝ બની ગયા.

એ અઝીઝ બનવાની યાત્રા શરૂ થઈ કોલકાતાની હૉટલોથી. પોતે રફીને આરાધ્ય માનતા અને ૧૯૭૭માં આરાધ્ય અને ભક્તની મુલાકાત થઈ. બન્યું એવું કે મુન્નાએ પોતે જ પોતાનું એક આલબમ બહાર પાડ્યું અને તે વખતે રફી ત્યાં શૉ કરવા આવેલા. શૉના આયોજક ભગવતીજીએ અઝીઝનાં ગીતો રફીને સંભળાવ્યાં. રફીએ કહ્યું, “અરે, યે તો મેરે જૈસા ગાતા હૈ.” ભગવતીએ મુન્નાને વાત કરી અને કહ્યું, “આજે રફીનો કાર્યક્રમ છે અને તેમાં તને તેમણે બોલાવ્યો છે.” સ્વયં ભગવાન ભક્તને તેની પાસે બોલાવતા હોય તો પછી ભક્ત ઝાલ્યો રહે?

એ રાત્રે રફીએ ત્રણ ગુરુ મંત્રો અઝીઝને આપ્યા: એક, અભ્યાસ બહુ કરવો, બીજો, દારૂ ન પીવો અને ત્રણ, વડીલોને માન આપવું. મુન્નાએ આ ત્રણેય મંત્રો જીવનભર પાળ્યા. એટલે જ અાજના કેટલાક ઉછાંછળા ગાયકો-સંગીતકારોની જેમ તેમણે ક્યારેય જૂના ગાયકોનું અપમાન કરી વિવાદ સર્જી નેગેટિવ પબ્લિસિટી ન મેળવી. ઉર્દૂ શાયરો ને ફિલ્મી હસ્તીઓ સહિત કેટલાક લોકો દારૂનો મહિમા બહુ ગાતા હોય છે. કેટલાક માટે તો કહેવાય કે તે દારૂ પીને જ કલાપ્રદર્શન સારું કરી શકે. આ વાતને મુન્નાએ ખોટી પાડી. આગળ જતાં એ જ શિષ્યને પોતાના ગુરુ માટે શ્રદ્ધાંજલી ‘ક્રોધ’ ફિલ્મના એક ગીત દ્વારા આપવા મળી, ‘ન ફનકાર તુજસા તેરે બાદ આયા, મહંમદ રફી તૂ બહોત યાદ આયા’.

કોલકાતાથી તેઓ મુંબઈ આવ્યા, ઘરે એમ કહીને કે બે વર્ષનો સમય મને આપો. જો મેળ પડશે તો ઠીક, નહીંતર પાછા. સંઘર્ષ બહુ કરવો પડ્યો. બધાં સાંભળે, વખાણે પણ ખરા પરંતુ કામ ન આપે. સલીમ અખ્તર જેમણે ઈઝ્ઝત, દૂધ કા કર્ઝ જેવી ફિલ્મો બનાવેલી તેમના ભાઈ જાવેદે (પેલા કથાલેખક સલીમ-જાવેદ તો જુદા) કાગળ લખી આપેલો જેના આધારે સલીમને મળ્યા. સલીમે અનુ મલિક સાથે તેમની મુલાકાત કરાવી ભારપૂર્વક કહ્યું કે આની પાસે તારે ગવડાવવાનું જ છે. અનુ પણ પગ જમાવવા સંઘર્ષરત હતા. એટલે તરત તો કામ ન આપી શક્યા.

દરમિયાનમાં, પહેલી ફિલ્મ મળી ‘અંબર’ જેમાં સપન જગમોહનનું સંગીત હતું. તેના કોઈ વાદકની ભલામણથી ઉષા ખન્નાની ‘માનમર્યાદા’ મળી. અનેક નવા ગાયકોને તક આપનાર ઉષાજીએ મોહમ્મદ અઝીઝની ભલામણ પ્યારેલાલને કરી. પ્યારેલાલે લક્ષ્મીકાંતને વાત કરી પણ હજુ મેળ નહોતો પડ્યો.

એક દિવસ સવારે તેમને એવું તેડું આવ્યું જે તેમની જિંદગી બદલી દેનાર હતું, “ચાલો, અનુએ તમને બોલાવ્યા છે. ‘મર્દ’ ફિલ્મમાં તમારે અમિતાભ બચ્ચન માટે ગાવાનું છે.” કેવી ખુશી થઈ હશે તે વખતે મોહમ્મદ અઝીઝને? અમિતાભ જેવા સુપરસ્ટાર માટે અને તેમાં પણ મનમોહન દેસાઈ, જેમનો સૂર્ય હજુ તપતો હતો, તેમની ફિલ્મ માટે ગાવા મળી રહ્યું હતું! અને એ ફિલ્મ તેમજ ગીત સફળ રહ્યાં, ને મુન્નાભાઈની ગાડી ચાલી પડી.

પણ મોહમ્મદ અઝીઝ જેમણે શરૂઆતમાં મુન્ના નામથી પણ ગીતો ગાયાં તેમને તો લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતમાં ગાવું હતું, કારણકે એલપીનું સંગીત મોહમ્મદ અઝીઝને ગમતી ભારતીય શૈલીનું વધુ હતું. ‘મર્દ’ પછી બપ્પી લહેરીએ ‘ગિરફ્તાર’માં ગવડાવ્યું તે પછી એલપી પણ તેમના તરફ વળ્યા.

દિલીપકુમાર (ઈમલી કા બૂટા, બૈરી કા પૈડ), અમિતાભ બચ્ચન (તૂ મુઝે કુબૂલ મૈં તુઝે કુબૂલ), ઋષિ કપૂર (આજ કલ યાદ કુછ ઔર રહેતા નહીં), ધર્મેન્દ્ર (તુમસે બના મેરા જીવન, સુંદર સપન સલૌના), રાજેશ ખન્ના (ઐ મેરે દોસ્ત લૌટ કે આજા), જિતેન્દ્ર (આજ સુબહ જબ મૈં જગા), સન્ની દેઓલ (તેરા બીમાર મેરા દિલ), વિનોદ ખન્ના (તૂ મસીહા, તૂ મહોબ્બત તૂ ખુદા હૈ), કુમાર ગૌરવ (તૂ કલ ચલા જાયેગા તો મૈં ક્યા કરુંગા), નાના પાટેકર (પી લે પી લે ઓ મોરે જાની), ગોવિંદા (બાલી ઉંમર ને મેરા હાલ વો કિયા), અનિલ કપૂર (ખત લિખના હૈ પર કૈસે લિખું-પાકિસ્તાની ગાયકોના ભક્ત આરજેઓ આવાં ગીતો ક્યારેય નહીં વગાડે-જૂનાં ગીતો એટલે તેમને મન ફાસ્ટ રિધમવાળા આરડી ને કાં તો ગુલઝાર બ્રાન્ડ ગીતો!), જેકી શ્રોફ (ક્યા હૈ તુમ્હારા નામ, અલાદ્દિન) મિથુન ચક્રવર્તી (પ્યાર સે ભી જ્યાદા તુજે પ્યાર કરતા હૂં-નદીમશ્રવણનું લક્ષ્મી-પ્યારે સ્ટાઇલનું ગીત), આદિત્ય પંચોલી (મિતવા ભૂલ ન જાના), સાહિલ ચઢ્ઢા (અબ દવા કી ઝરૂરત નહીં-આનંદ મિલિન્દનું લક્ષ્મી-પ્યારે સ્ટાઇલનું ગીત), આશીષ ચનાના (એક લડકી જિસકા નામ મહોબ્બત-મંદાકિનીનું રૂપ-માદકતા જોવાં હોય તો આ ગીત જોવું), અવિનાશ વધાવાન (કિતને દિનોં કે બાદ હૈ આઈ સજના રાત મિલન કી, રાગ-પૂરિયા ધનશ્રી. આવાં ગીતો સંગીતના રિયાલિટી શૉમાં સાંભળવાં નહીં મળે), ફારૂખ શૈખ (ફૂલ ગુલાબ કા લાખો મેં હઝારો મેં), શાહરૂખ ખાન (ભંગડા પા લે આજા આજા), અક્ષયકુમાર (જબ દો દ઼લ મિલતે હૈ-મિ. બૉન્ડનું આ અદ્ભુત ગીત ફિલ્મમાં કેમ ન સમાવાયું તે રહસ્ય છે અને ઉદિત નારાયણના અવાજમાં દૂરદર્શન પર તે સમયે ૩૧ ડિસેમ્બરે ત્રણ કે ચાર અલગ-અલગ ડ્યુએટ લાઇવ બતાવાયેલાં તે પૈકીનું એક અને મોહમ્મદ અઝીઝ જેટલું જ મીઠું ઉદિતના અવાજમાં પણ લાગે છે), સુનીલ શેટ્ટી (મૈંને પી યા તૂને પી), અજય દેવગન (તેરા ગ઼મ અગર ના હોતા), નસીરુદ્દિન શાહ (આપ કા ચહેરા આપ કા જલવા), પ્રાણ (કૈસા કુદરત કા કાનૂન)… આમ ત્રણ પેઢીના હીરો અને ચરિત્ર પાત્રો માટે ગીતો ગાયાં. નૌશાદથી લઈ લક્ષ્મી-પ્યારે અને આનંદ-મિલિન્દ સુધી એમ ત્રણ પેઢીના સંગીતકારો માટે ગાયું. તેઓ વિવાદમાં ઓછા રહેતા અને પ્રસિદ્ધિમાં પણ. આથી કોઈ વિવાદ થાય તો ટીવીવાળા તેમની પાસે બાઇટ લેવા દોડી ન જતા. તેમનું હંમેશાં કામ જ બોલ્યું. તેમનાં પત્નીનું નામ શું છે તે પણ બહુ ઓછા જાણે છે. તેમની દીકરી સના પણ ગાયિકા છે અને બંગાળી ફિલ્મોમાં ગાય છે આ વાત પણ તેમના મરણના સમાચારમાં જ જાણવા મળી.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે આજે દરેક ફિલ્મમાં ‘ઘૂસાડાતા’ કહેવાતા સૂફી ગીતો વિશે સ્પષ્ટ કહેલું, “ગીતોમાં અલ્લાહ, મૌલા, સુભાનઅલ્લાહ, વગેરે શબ્દો ઘૂસાડી દેવાથી કે હાઇ પિચમાં ગાવાથી તે ગીત સૂફી નથી બની જતું. સૂફી ગીત કે ભજન તો હૃદયથી ગાવું જોઈએ.”

આજના ગાયકો વિશે તેમણે કહેલું, “આજે સૉશિયલ મિડિયાના કારણે પ્રમૉશન થવાથી એકાદ ગીતથી જ ગાયક હિટ થઈ જાય છે અને તેને ફિલ્મફેર પણ મળી જાય છે. અમારી વખતે લાઇવ રેકૉર્ડિંગ હતું, તેથી પં. શિવકુમાર શર્મા, હરિપ્રસાદ ચૌરસિયા, મનોહરીસિંહ, લૂઈ બેન્કસ જેવાં નિપુણ સંગીતજ્ઞો વગાડવામાં હોય ત્યારે એક ભૂલ થાય તો શરમ આવતી. તેથી ફાઇનલ એક્ઝામ હોય તેમ તૈયારી કરીને જતા. આજે તેવું એક સાથે રેકૉર્ડિંગ નથી થતું. આજે તો ગળું ખરાબ હોય ને તમે ગાવ તો પણ સૉફ્ટવેરથી સુધરી શકે છે. આજે તો હનીસિંહ અને મિકાસિંહ આવી ગયા છે.”

પોતાને ન મળતાં ગીતો વિશે તેમણે “હવે મને ફાવતું નથી” તેવાં બહાનાંના બદલે શબ્દ ચોર્યા વગર કહેલું, “આજે નવી પેઢી આવી ગઈ છે. તેમને કાં તો હું પસંદ નથી કાં તો મારી સાથે કામ કરવું નથી. એક જનરેશન ગેપ આવી ગયો છે.” તેઓ તેમની સાથે આ સ્વાર્થી ફિલ્મોદ્યોગે કરેલા વર્તનથી પણ દુ:ખી હતા. જે લોકો તેમના ઘરે આવજા કરતા હતા તેમણે તેમના ફૉન ઉપાડવાનું પણ બંધ કરી દીધેલું.

આજે તો પાતળા પણ ભંગાર અવાજવાળા રોજ નિતનવા ગાયકોનાં ગીતો આવી રહ્યાં છે. તેઓ તો ભૂલાઈ જવાના, પણ મોહમ્મદ અઝીઝ હંમેશાં સંગીતપ્રેમીઓના અઝીઝ રહેશે. સંયોગ તો જુઓ! અંતિમ સમય જન્મભૂમિ કોલકાતામાં શૉ કરીને ગાળ્યો (શૉ મસ્ટ ગો અૉન) અને કર્મભૂમિ મુંબઈ આવતી વખતે રસ્તામાં જ હૃદયરોગનો હુમલો થયો. અંતિમવિધિ મુંબઈમાં થઈ. અઝીઝના આત્માને પ્રભુ શાંતિ અર્પે!

બૉક્સ
મોહમ્મદ અઝીઝનાં આ ગીતો ખાસ સાંભળજો:
મૈં પ્યાર કા પૂજારી (હત્યા)
મૈને તુઝસે પ્યાર કિયા (સૂર્યા)
હમ તુમ્હેં ઈતના પ્યાર કરેંગે (બીસ સાલ બાદ)
કુછ હો ગયા, હાં, હો ગયા (કિશન કન્હૈયા)
પ્યાર હમારા અમર રહેગા (મુદ્દત)
બહેકે બહેકે યે જઝબાત (આપ કે સાથ)
તૂ ભી બેકરાર, મૈં ભી બેકરાર (વક્ત કી આવાઝ)
તેરી પાયલ બજી જહાં (બડે ઘર કી બેટી)
મહેકે હુએ તેરે લબ કે ગુલાબ (જૈસી કરની વૈસી ભરની)
મૈં તેરી મહોબ્બત મેં પાગલ હો જાઉંગા (ત્રિદેવ)
ના ઝુલ્મ ના ઝાલીમ કા અધિકાર રહેગા (હુકૂમત)
નય્યો જીના તેરે બિના (મુજરિમ)
કહેના ના તુમ યે કિસી સે (પતિ પત્ની ઔર તવાયફ)
શુરૂ હો રહી હૈ પ્રેમ કહાની (દૂધ કા કર્ઝ)
કાગઝ કલમ દવાત લા (હમ)
મૈં માટી કા ગુડ્ડા (અજૂબા)
કાલી ઝુલ્ફેં મસ્તાની ચાલ (પ્રતિકાર)
આજા ના ઝરા હાથ બટાના (ભાભી)
સારી દુનિયા પ્યારી (મીરા કા મોહન)
તુજે રબ ને બનાયા કિસ લિયે (યાદ રખેગી દુનિયા)
એક રાજા હૈ (એક રિશ્તા)

hindu, media, religion, sanjog news, vichar valonun

આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૪/૧૧/૧૮)

બે દિવસ પછી દિવાળી છે. આ દિવાળીએ શું ફટાકડા ઓછા ફૂટશે? ફટાકડા ફૂટશે તો સરકારી સમયની અંદર જ ફૂટશે? કેરળમાં સબરીમાલા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની સામે આંદોલન કરી રહેલા ભાજપની સરકાર ગુજરાતમાં ફટાકડા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનો અમલ ચુસ્ત રીતે કરાવશે?

પ્રશ્નો અનેક છે. શું માત્ર નવરાત્રિ પર જ લાઉડસ્પીકરનો ઘોંઘાટ પ્રદૂષણ અને માનસિક ત્રાસ ફેલાવે છે? અનેક મસ્જિદો પર એક સાથે દિવસમાં પાંચ વાર બેસૂરા અવાજમાં પોકારાતી બાંગથી પ્રદૂષણ અને માનસિક ત્રાસ નથી ફેલાતો? શું માત્ર ફટાકડાથી જ પ્રદૂષણ થાય છે? શું માત્ર દિવાળીએ જ આ આદેશનો ચુસ્તીથી અમલ થશે? નાતાલ અને ૩૧મી ડિસેમ્બરે રાત્રે આટલી ચુસ્તીથી અમલ થશે? દિવાળીએ તો લોકો સંયમિત રીતે ફટાકડા ફોડતા હોય છે. પરંતુ નાતાલ અને ૩૧મીએ છાકટા થઈને પૂરા મદમસ્ત થઈને ફટાકડા ફોડશે ત્યારે? બે વર્ષ પહેલાં ૩૧મી ડિસેમ્બરે બેંગ્લુરુમાં રાત્રે છોકરીઓની અને મહિલાઓની ભયંકર છેડતી થઈ હતી…પોલીસની ભરપૂર હાજરી હોવા છતાં. તો પછી ફટાકડા તો શું ચીજ છે?

જો ફટાકડા ફોડવાનું કોઈ હિન્દુ શાસ્ત્રોમાં નથી લખ્યું તો, ૩૧મી ડિસેમ્બરે છાકટા થવાનું, ફાર્મ હાઉસમાં દેશી-વિદેશી કૉલ ગર્લ બોલાવવાનું કે સૉફિસ્ટિકેટેડ હૉટલમાં બૅલે ડાન્સર બોલાવવાનું, દારૂ-માંસની જ્યાફત ઉડાવવાનું બાઇબલમાં લખ્યું છે? બકરી ઈદ પર બકરીને તડપાવી તડપાવીને મારવી કે પછી એક ઝાટકે મારવી તેવું કુર્આનની કઈ આયાત કહે છે? (કુર્આનની આયાત ૨૨:૩૭ તો કહે છે કે “તેનું માંસ અલ્લાહ સુધી નહીં પહોંચે અને ન તો તેનું લોહી, પરંતુ જે તેમની પાસે પહોંચશે તે છે તારી ભક્તિ.”)

રામમંદિરના કેસની સુનાવણી કરવા માટે સમય નથી પરંતુ ફટાકડાના કેસ, સબરીમાલાના કેસમાં ઝડપથી સુનાવણી થઈને ચુકાદા આવી જાય છે. આવું કેમ? બળાત્કારના આરોપી આસારામને જામીન નથી મળતા પરંતુ કેરળના બિશપ ફ્રાન્કો મુલક્કલને જામીન મળી જાય છે. આવું કેમ? (બંને કેસમાં ટૅક્નિકલ કારણો હશે જ જેના કારણે જ કૉર્ટે જામીન નહીં આપ્યા અથવા આપ્યા હશે, પરંતુ સામાન્ય લોકોને આ પ્રશ્ન થઈ રહ્યો છે.) આ બિશપને જામીન મળી ગયા પછી તેનું કેરળમાં ભવ્ય સ્વાગત થાય છે. આસારામના સમાચારોથી પાનાં ને પાનાં ભરી દેનારા અખબારો બિશપના સમાચાર કાં તો છાપતા જ નથી અથવા અંદરના પાને ખૂણામાં બે કૉલમમાં છાપી દે છે. આસારામ કેસમાં અમૃત પ્રજાપતિની હત્યા વખતે જેટલો હોબાળો મચ્યો હતો તેટલો હોબાળો બિશપ વિરુદ્ધ જુબાની આપનાર ફાધર કુરિયાકૉઝ મૃત મળી આવે છે તે સમાચાર પર નથી મચતો. ટીવી પર સાધુ કે શૈતાન જેવા અપર બૅન્ડ સાથે સામાન્ય લોકોના અચેતન મગજમાં સતત હિન્દુ સંતો બળાત્કારી, લંપટ અને વ્યભિચારી હોય છે તેવું ઠસાવતી ચેનલોએ બિશપના સમાચાર વિશે કેટલો સમય ફાળવ્યો? જેની ‘દયાની દેવી’ની છબી ઉપસાવી દેવાઈ તેવાં મધર ટેરેસાના ટ્રસ્ટની ખ્રિસ્તી નનો બાળકો વેચતાં પકડાઈ તેના વિશે મિડિયાએ કેટલી જગ્યા અથવા પ્રાઇમ ટાઇમનો સ્લૉટ ફાળવ્યો?

જૈન નમ્ર મુનિ પર બળાત્કારનો ખોટો આક્ષેપ થાય કે કોઈ જૈન મુનિ સંસારમાં પાછા ફરે ત્યારે સમાચાર ચેનલો અને અખબારોમાં તે સમાચારને જેટલું સ્થાન મળે છે તેટલું સ્થાન કોઈ મૌલવી બળાત્કારનો દોષિત ઠરે ત્યારે પણ મળે છે? (આરોપ લાગે ત્યારે તો નથી જ મળતું.) કોઈ સ્વામીનારાયણના સાધુનું કથિત દુષ્કૃત્યમાં નામ આવે ત્યારે જે રીતે અખબારો અને ટીવી ચેનલો મંડી પડે છે તે ચર્ચોમાં પાદરીઓના સજાતીય સંબંધો કે નનોના શારીરિક શોષણ અંગેના સમાચાર બતાવે છે? રોમન કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ વડા પૉપ ફ્રાન્સિસે ગત જાન્યુઆરી ૨૦૧૮માં નાના છોકરાઓના શારીરિક શોષણ કરી રહેલા પાદરીની સાથે ‘સાક્ષી’ રહેલા ચીલી દેશના બિશપનો બચાવ કરેલો તે સમાચાર તમારી પાસે પહોંચ્યા ખરા?

સુપ્રીમ કૉર્ટ પર પાછા ફરીએ. તાજેતરમાં સજાતીય સંબંધોની કલમ હટાવી દેવાઈ. વ્યભિચાર પરની કલમ ૪૯૭ હટાવી દેવાઈ. સજાતીય સંબંધ કે વ્યભિચાર ગુનો નથી તેવું કહેવાયું. બીજી તરફ, દિવાળીના દિવસે રાત્રે માત્ર આઠથી દસ વચ્ચે જ ફટાકડા ફોડવા તેવું કહ્યું. તે પછીના સમયમાં ફટાકડા ફોડાશે તો શું સજા થશે? સબરીમાલા મંદિરમાં માસિક ધર્મમાં હોય તે ઉંમરની સ્ત્રીઓના દર્શન પર પ્રતિબંધ સર્વોચ્ચ ન્યાયાલયે દૂર કરાવ્યો. પરંતુ જે સ્ત્રીઓએ અરજી કરી છે તેને હિન્દુ ધર્મ સાથે લેવાદેવા છે ખરી? ઇન્ડિયન યંગ લૉયર્સના વડા નૌશાદ અહેમદ ખાન છે જેણે અરજી કરી છે. જોકે સિફતપૂર્વક અરજીકર્તાઓનાં નામો ચાર હિન્દુ સ્ત્રીઓનાં જ જણાય છે.

ટીવી પર સબરીમાલાની ડિબેટ ચાલતી હોય ત્યારે પેનલમાં બિનહિન્દુ સ્ત્રીઓને બેસાડી દેવાય છે. તેઓ હિન્દુ સ્ત્રીઓને માસિક ધર્મમાં હોય તો પણ મંદિરમાં જઈ શકે તેવી દલીલ કરતી હોય છે. પરંતુ એ અલગ વાત છે કે તેમના પોતાના પંથમાં સ્ત્રીઓને ઉપાસના સ્થાનમાં જવાની છૂટ નથી હોતી. ટીવી સમાચાર ચેનલો આવી બિનહિન્દુ સ્ત્રીઓને ઈરાદાપૂર્વક બોલાવે છે?

લવ જિહાદની માન્યતાને સમર્થન આપનારા અનેક કિસ્સા મળી રહે છે, પરંતુ આનાથી વિપરીત વલણ જેવા કિસ્સામાં, હિન્દુ યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેનારી મુસ્લિમ રેહાના ફાતિમા સબરીમાલામાં ધરાર જવા માગે છે. તે પોતાનાં ઉપાસના સ્થળોમાં સ્ત્રીઓને પ્રવેશ માટે ચળવળ નથી ચલાવતી, પરંતુ તેને હિન્દુ ધર્મસ્થાનમાં પરંપરાને અને શ્રદ્ધાને તોડવી છે. હિન્દુ સ્ત્રીઓમાં શ્રદ્ધાળુ અને અશ્રદ્ધાળુ એવા ભાગલા પડાવવા છે. રેહાના મંદિરમાં સેનિટરી પેડ લઈને જવા માગે છે. તેને અટકાવવામાં આવે છે. આ રીતે તે હિન્દુ મહિલાઓને, જેમને તેમના પરિવારમાં તાર્કિક રીતે શિક્ષણ નથી મળતું કે તેઓ અપવિત્ર નથી, પરંતુ સ્વચ્છતાના નિયમના કારણે સબરીમાલા જેવા કેટલાંક મંદિરમાં જ દર્શન માટે નથી જઈ શકતી, તેમને ઉશ્કેરે છે. રેહાના ફાતિમા સામે હોબાળો કરવાના બદલે માધ્યમો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની ટીપ્પણીને ટ્વિસ્ટ કરીને હોબાળો કરે છે. સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું હતું કે તમે કોઈ બહેનપણીના ઘરે જાવ ત્યારે સેનિટરી પેડ લઈને જાવ છો? પરંતુ માધ્યમો ઈરાદાપૂર્વક એવા સમાચાર ફેલાવે છે કે સ્મૃતિ ઈરાનીએ મહિલાઓને માસિક ધર્મમાં હોય ત્યારે ઘરમાં જ બેસી રહેવા સલાહ આપી.

આ રેહાના ફાતિમા એ જ છે જેણે ‘કિસ ઑફ લવ’ના નામે જાહેરમાં અભદ્રતા (તેને પ્રેમ બિલકુલ ન જ કહેવાય)ની ઝુંબેશ ચલાવેલી. આ રેહાના ફાતિમા એ જ છે જેણે એક પ્રૉફેસરે અંગ પ્રદર્શન ન થાય તેવાં કપડાં પહેરવા કૉલેજની વિદ્યાર્થિનીઓને (કૉલેજ એ મૉડેલિંગ કરવાનું રૅમ્પ નથી. કેટલાક લોકો દલીલ કરશે કે સ્ત્રીએ કેવાં કપડાં પહેરવાં તે બીજાં કેવી રીતે નક્કી કરી શકે? જોકે આવી હાઇફાઇ સૉસાયટીવાળા પાછા પેજ થ્રી પાર્ટી રાખશે ત્યારે ચોક્કસ પ્રકારના કપડાં પહેરીને જ આવવું તેવા ડ્રેસ કૉડ રાખશે.) સલાહ આપી તો રેહાનાએ તરબૂચ સાથે ટૉપલેસ ફોટા પડાવ્યા. રેહાના ફિલ્મમાં ન્યૂડ સીન પણ આપી ચૂકી છે. મજાની વાત એ છે કે સેક્યુલર મિડિયામાં રેહાનાને ભક્ત (ડિવોટી) અને એક્ટિવિસ્ટ તરીકેનાં વિશેષણોથી સંબોધાય છે.

મોદી સરકારમાં કેરળના એક ખ્રિસ્તી પ્રધાન કે. જે. આલ્ફૉન્ઝે સબરીમાલા અંગે કહ્યું છે, “જે ખ્રિસ્તી છોકરી ચર્ચમાં પણ નથી જતી, જે મુસ્લિમ છોકરી મસ્જિદમાં માનતી નથી, તેઓ સબરીમાલામાં જવા માગે છે.” અચાનક મુસ્લિમ અને ખ્રિસ્તી યુવતીને ભગવાન અયપ્પામાં કેમ શ્રદ્ધા જાગી ગઈ?

‘બિગ બૉસ’માં દર વર્ષે પૉર્ન સ્ટાર કે ગૅ જેવા લોકોને કેમ લવાય છે? તે પ્રશ્ન પણ જાગે છે. અનુપ જલોટા અને જસલીન મથારુના કથિત પ્રેમના કિસ્સા અને તેને તમામ ભજનગાયકો સાથે જોડી દેવામાં આવે છે. જે રમૂજો સર્જાય છે તેમાં એવો અર્થ નીકળે છે કે ભજનગાયકો કરતાં પૉપ સિંગરો સારા. એ જ અનુપ જલોટા ‘બિગ બૉસ’માંથી હકાલપટ્ટી પામ્યા પછી ઘટસ્ફોટ કરે છે, “જસલીને મને કહ્યું હતું કે બિગ બૉસ તરફથી ફરજિયાત કહેવાયું હતું કે તે એક વિચિત્ર જોડી તરીકે જ જઈ શકે છે. (મતલબ કે જસલીને કોઈ એવી જોડી બનાવવી પડે કે જેનાથી દેશભરમાં ચકચાર મચે. આ જોડી લેસ્બિયનની હોઈ શકતી હતી, યા તો તેના કોઈ ગે પુરુષ સાથીની હોઈ શકતી હતી કે પછી અનુપ જલોટા જેવા ઘરડા વ્યક્તિની હોઈ શકતી હતી.) તમે મારા મેન્ટર છો. તમે ચાલો ને. તો મેં તેની અને તેના પિતાની વાત માની લીધી.”

‘બિગ બૉસ’માં જે પ્રેમાલાપો થાય છે તે મોટા ભાગે પબ્લિસિટી સ્ટંટ જ હોય છે? અનુપમા ચોપરા-આર્યન વૈદ્ય, પાયલ રોહતગી-રાહુલ મહાજન, વીણા મલિક-અસ્મિત પટેલ, ગૌહર ખાન-કુશાલ ટંડન, તનીષા મુખર્જી-અરમાન કોહલી, સારા ખાન-અલી મર્ચન્ટ, ગૌતમ ગુલાટી-ડાયાન્ડ્રા સોઅર્સ જેવાં દરેક સીઝનમાં મુખ્ય રૂપે ચર્ચિત યુગલો સીઝન પૂરી થયાં પછી છૂટાં પડી ગયા છે તેથી આવો પ્રશ્ન થાય છે.

આ બધું ‘કલ્ચરલ માર્ક્સિઝમ’ અથવા કહો કે ‘કલ્ચરલ ટેરરિઝમ’ના વિકૃત સિદ્ધાંત પર ચાલીને હિન્દુ સમાજને જ લક્ષિત કરાતું હોવાની છાપ પ્રથમ દૃષ્ટિએ ઉપસે છે.

ગુજરાત સહિત દેશભરમાં અનેક મહત્ત્વનાં મંદિરોનો વહીવટ સરકારોના હાથમાં છે, પરંતુ અન્ય પંથોનાં દેવસ્થાનો વિશે આવું નથી. આવું કેમ? અને કેરળમાં તો સામ્યવાદી સરકારે મંદિરોનો વહીવટ કરતા દેવસ્વોમ બૉર્ડમાં બિનહિન્દુને બૉર્ડના અધ્યક્ષ (કમિશનર) તરીકે મૂકવાની હિલચાલ કરેલી પરંતુ ભાજપના રાજ્ય પ્રમુખ પી. એસ. શ્રીધરને કેરળ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરતાં હાઇ કૉર્ટે કહ્યું કે માત્ર હિન્દુ જ બૉર્ડના અધ્યક્ષ બની શકે. ડાબેરી સરકારની આ બદમાશીને કેટલાં મિડિયાએ ઉજાગર કરી?

કેરળમાં હાઇ કૉર્ટે બીજો એક મહત્ત્વનો આદેશ આપ્યો. તેણે સબરીમાલા અંગે પોલીસને ચેતવણી આપી કે લોકોની (હિન્દુ શ્રદ્ધાળુઓ વાંચો)ની ભાવના સાથે ચેડા ન કરો. હિંસામાં સીધા સંડોવાયેલા હોય તેમની જ ધરપકડ કરો. ભીમા કોરેગાંવ કેસમાં સર્વોચ્ચના ન્યાયમૂર્તિ કહે કે સરકાર સામે અસંતોષ એ તો લોકશાહી માટે સૅફ્ટી વાલ્વ છે તો તેને અત્યંત મહત્ત્વ આપનારા મિડિયાએ કેરળ હાઇ કૉર્ટના ઉપરોક્ત બંને ચુકાદાને કેટલું મહત્ત્વ આપ્યું? પૂણેની કૉર્ટે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવનારા ઉપરોક્ત એક્ટિવિસ્ટોની જામીન અરજી ફગાવી દીધી અને કહ્યું કે પોલીસે એકઠા કરેલા પુરાવા આ એક્ટિવિસ્ટોના માઓવાદીઓ સાથેના સંબંધો દર્શાવે છે, તે સમાચારને મિડિયાએ કેટલું પ્રાધાન્ય આપ્યું?

પંજાબમાં ગત જૂન મહિનામાં ૨૩ મૃત્યુ ડ્રગ્ઝના લીધે થયા. ગુજરાતમાં સ્વાઇન ફ્લુના લીધે થતાં મૃત્યુના સમાચાર યથાર્થ રીતે બતાવાય છે પરંતુ શું ડ્રગ્ઝના લીધે આટલાં મૃત્યુ થયાં તે સમાચાર નોંધ લેવાને પણ લાયક નહોતા? પંજાબમાં અમૃતસર પાસે ટ્રેન અકસ્માતમાં નવજોતસિંહ સિદ્ધુ અને તેમનાં પત્ની નવજોત કૌરનાં જૂઠાણાં વિડિયોમાં પકડાઈ ગયા. આયોજક નવજોત કૌરની ચમચાગીરી કરતાં કહે છે કે “પાંચસો ટ્રેન ચાલી જશે તો પણ પાંચ હજારથી વધુ લોકો તમારી રાહ જોતાં ટ્રેક પર ઊભા હશે.” અને સિદ્ધુ આ અકસ્માતને ભગવાનનો પ્રકોપ ગણાવે તેવા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોના ઘા પર નમક ભભરાવતા નિવેદનનું ત્રિપુરાના મુખ્યપ્રધાન વિપ્લવ દેવનાં નિવેદનોને મળતા મહત્ત્વ જેટલું મહત્ત્વ પણ નહીં?

હમણાં સરદાર સરોવર ડેમ પાસે સ્ટેચ્યૂ ઑફ યૂનિટીના ખર્ચની સામે પ્રશ્નો ઉઠાવાયા પરંતુ કોઈએ કર્ણાટકમાં બી. ઝેડ. ઝમીર અહેમદ ખાન નામના કૉંગ્રેસી પ્રધાને એક રૅસ્ટૉરન્ટમાં ટિપ તરીકે રૂ. ૨૫,૦૦૦ આપ્યા તે સમાચાર ‘કોના બાપની દિવાળી’ કે ‘કોના બાપની ઈદ’ના હેડિંગને લાયક ન ગણાય? આ કર્ણાટકમાં જ કૉંગ્રેસી પ્રધાન ડી. કે. શિવકુમારે (જેમના રિસૉર્ટમાં ગુજરાતના કૉંગ્રેસી ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી વખતે ‘એન્જૉય’ કરવા ગયા હતા) પોતાના જ પક્ષની જૂની સરકારના લિંગાયતોને લઘુમતીનો દરજ્જો દેવાના નિર્ણયને ‘મોટી ભૂલ’ ગણાવ્યો અને માફી માગી જેના લીધે ત્યાં હોબાળો થઈ ગયો. આ સમાચાર તમારા સુધી પહોંચ્યા ખરા?

આ દિવાળીના તહેવારોમાં ઉપરોક્ત પ્રશ્નોરૂપી ફટાકડાઓ હિન્દુઓના મનમાં ધડાધડ ફૂટી રહ્યા છે. સરકાર, મિડિયા, કૉર્ટ- આ ત્રણેય-લોકશાહીના આધારસ્તંભો જો ફટાકડાઓને ઓલવી નહીં નાખે તો આ ફટાકડાઓ મોટો વિસ્ફોટ કરી શકે છે.

national, sanjog news, vichar valonun

યુવાનો, વેપારીઓ, પત્રકારો અને હડતાળિયા નેતાઓને સરદાર કેવી રીતે સંભાળતા?

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ,  દિ.૨૮/૧૦/૧૮)

“દુનિયાભર કે લોગોં મેં જિતના ઇલમ હૈ ઉસસે જ્યાદા હમારે લોગ મેં વિદ્યમાન હૈ. લેકિન હમ સંગઠિત ચલ નહીં સકતે હૈં. વ્યક્તિગત અલગ-અલગ અપની રાય રખતેં હૈં. વો નહીં કરના ચાહિએ. હમેં સમાજ કો સંગઠિત કરના ચાહિએ. તો વો ચીજ કરને કે લિયે પહેલે તો હમારે ..આજ કોઈ ભી ઝઘડા કા કામ હો, ફિસાદ કા કામ હો, ટંટા કા કામ હો, છોડ દેના ચાહિએ. પાંચ સાલ કામ કર લો. ઔર હમ લોગ તો અબ બુઢ્ઢે હુએ. હમારા કામ તો સિર્ફ ગુલામી મેં સે છુડાના થા. વો તો પૂરા હો ગયા. લેકિન ઉઠાને કે લિયે નૌજવાન તૈયાર ન હો તો ફિર બહોત મુશ્કિલ હો જાયેગી. તો, યે નહીં હૈ કિ હમારે નૌજવાનોં મેં દિમાગ નહીં હૈ. દિમાગ તો બહોત હૈ. તેજ હૈ. જ્યાદા તેજ હો ગયા હૈ. ઈસસે મુસીબત હોતી હૈ. જિતના હોના ચાહિએ તેજ, ઉસસે જ્યાદા હો જાતા હૈ.

તો, હર ચીજ મેં હમ એક પ્રકાર કી સબ કી ગલતી નિકાલને કા હમારા દિમાગ આગે ચલતા હૈ. તો એક ક્રિટિકલ દૃષ્ટિ હમને બનાયી હૈ કિ હર ચીજ કી ચેષ્ટા કરની, ટીકા કરની, ટીપ્પણ કરના ઉસ કે ઉપર…લેકિન હમેં પ્રેક્ટિકલ ચીજ, કોઈ વ્યવહારુ ચીજ કરની હો તો ફિર કિતાબ દેખતેં હૈં, કિતાબ મેં કયા લિખા હૈ…ઉસસે કામ નહીં હોગા…વો તો હાથ પૈર ચલાને કી બાત હૈ.

તો જો વેપારી લોગ, જો ધનિક લોગ હૈ, ઉનકે સાથ, હમેં યે જો ઇનકે પાસ ઇલમ હૈ, વો ઇલમ હમેં લેના પડેગા, ઔર ઉનકા સાથ લેના પડેગા કિ તુમ આઓ ભાઈ, મુલક તુમ્હારા હૈ. ઔર મુલક મેં આજ તો બહોત મૈદાન પડા હૈ…ઉસ મેં જિતના કામ આપ કરો, પરદેશિયોં કે સમય મેં જિતના કરતે થે ઉસસે જ્યાદા કરને કા મૌકા આપ કો મિલેગા. વો હમસે ડરતે હૈ. હમારા ઉસ પે ભરોસા નહીં હૈ. હમ ઉનકા ભરોસા નહીં કરતે. ઇસસે કામ નહીં ચલેગા. ઉનકા… એકદૂસરે કા વિશ્વાસ પૈદા કરના ચાહિએ…તબ કામ ચલતા હૈ..

તો, મઝદૂરો કા ધનિકો કે સાથ ઝઘડા…ઔર લોગ હૈ વો આપસ મેં ઝઘડા કરે…પ્રાંત-પ્રાંત કા ઝઘડા હૈ…એમ… ઇસ તરહ સે આપસ મેં સબ ઝઘડા કરતા રહે…તો હમારા કામ યે હૈ કિ હમ હિન્દુસ્તાન કે કોઈ ભી પ્રાંત મેં પડે હૈ…હમ હિન્દુસ્તાની હૈ…ઔર હમારા પ્રથમ કર્તવ્ય  હિન્દુસ્તાન કી હિફાઝત..હિન્દુસ્તાન કી રક્ષા ઔર હિન્દુસ્તાન કી આઝાદી કો …ઉસ કી અચ્છી તરહ સે…શોભે દીપે…ઇસ તરહ સે બનાના…ઇસ તરહ સે બનાના કે સબ કો સાથ લે કે …ઐસે રાષ્ટ્ર કે પર્વ પર જો પહેલે હમ આઝાદ થે, જો ખુશાલી થી…ઉસી પ્રકાર કી ખુશાલી કો …ઉસ પ્રકાર મુલક કો ઉઠાના હૈ…મિલઝુલ કે કામ કરના હૈ..”

આ ભાષણ આજે જેમનો જન્મદિન છે તે સરદાર વલ્લભભાઈ પટેલનું છે. રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં આ દિવસ ઉજવાય છે. સ્વતંત્રતા પછીના બે મહિનામાં તેમણે ૧૨ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ દશેરાના તહેવારના ઉપલક્ષ્યમાં ભાષણ આપેલું તેમાં પાંચ વાત મહત્ત્વની છે.

  • એક. વિશ્વ ભરના લોકોમાં જે પ્રતિભા-ટેલન્ટ (સરદારસાહેબે તેના માટે ઇલમ શબ્દ વાપર્યો છે) તેના કરતાં વધુ પ્રતિભા આપણા લોકોમાં છે. પરંતુ આપણે લોકો સંગઠિત નથી રહી શકતા. ભારતના લોકોની આ મોટી તકલીફ સદીઓથી રહી છે. વાદવિવાદ છોડી દેવો જોઈએ.
  • બે. યુવાનોમાં જરૂર કરતાં વધુ બુદ્ધિ છે. તેથી જ મુસીબત થાય છે. દરેક વાતને નેગેટિવ લેવામાં આવે છે. દરેક વાતની ટીકા કરવી, ટીપ્પણી કરવી અને વ્યવહારુ ચીજ હોય તો પુસ્તક જુએ છે. (આજનો યુવાન ગૂગલ કરે છે. ગૂગલમાં કંઈ ખોટું નથી પરંતુ) તેના માટે હાથપગ ચલાવવા જોઈએ. મહેનત કરવી જોઈએ. પરિશ્રમ કરવો જોઈએ.
  • ત્રણ. ધનિક લોકોના વિરોધી ન બનો. પહેલાં સામ્યવાદીઓ અને અત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉદ્યોગપતિઓની પાછળ પડી ગયા છે. સરદારસાહેબ કહે છે કે ધનિકો પાસે જે પ્રતિભા છે, તે જોઈ તેમને કહેવું જોઈએ કે આજે તમારી સમક્ષ ખુલ્લું મેદાન છે. પરદેશીઓના સમયમાં તમે જેટલું કામ કરતા હતા તેથી વધુ કરો.
  • ચાર. પરંતુ ધનિકો અને મજૂરો એકબીજાનો ભરોસો કરતા નથી. એ સિવાયના વર્ગોમાં (આજે જોઈએ, તો નારીવાદ-ફેમિનિઝમના નામે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે વર્ગવિગ્રહ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસો થઈ રહ્યા છે.) પણ ઝઘડા ચાલે છે. પ્રાંત-પ્રાંતના ઝઘડા થઈ રહ્યા છે. (ગુજરાતમાં ગુજરાતી વિરુદ્ધ પરપ્રાંતીય પ્રકારનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કરાયો પરંતુ તેને સરકારે અને શાણા ગુજરાતીઓએ નિષ્ફળ બનાવ્યો.)
  • અને પાંચ. આપણે સૌથી પહેલા હિન્દુસ્તાની છીએ. આ હિન્દુસ્તાનની આપણે સુરક્ષા કરવાની છે. અને ગુલામી પહેલાં જેવું ‘સોને કી ચીડિયા’ હતું તેવું રાષ્ટ્ર ફરીથી બનાવવાનું છે.

સરદાર સ્પષ્ટ અને નિર્ભીક વક્તા હતા, પરંતુ સારા વક્તા હતા તેવો ઉલ્લેખ નથી આવતો. ઉપરોક્ત ભાષણ સાંભળતા આ જ છાપ ઊભી થશે. ઘણા તો ગુજરાતી શબ્દો છે. જો આજની તારીખમાં તેઓ હયાત હોત તો પત્રકારોથી માંડીને સામાન્ય જનતાનો એક વર્ગ તેમની હિન્દીની મજાક ઉડાવત. આપણા કેટલાક ગુજરાતી નેતાઓને બાવા હિન્દી બોલે છે ત્યારે તેમની મજાક ઉડાવાય છે તેમ જ. હિન્દી ફિલ્મોમાં ગુજરાતીઓની હિન્દીની મજાક ઉડાવાય છે તેમ જ. પરંતુ શું બીજાં રાજ્યોના નેતાઓ કે લોકો શું શુદ્ધ હિન્દી બોલે છે? અરે, લાલુપ્રસાદ યાદવ જેવા બિહારી પણ શુદ્ધ હિન્દી નથી બોલતા. પરંતુ ગુજરાતીઓની મજાક ઉડાવવી એ ફૅશન બની ગઈ છે.

સરદાર પટેલના વખતે પણ નેગેટિવ થિંકિંગ બહુ જ હતું. દરેક વાતને નેગેટિવ દૃષ્ટિકોણથી જ જોવાતી હશે. શાસકમાં એક ગુણ બહુ જરૂરી છે. તેમણે પૉઝિટિવિટી ફેલાવવી પડે. લોકોનું મનોબળ વધારવું પડે. મનમોહન સરકારમાં સારાં કામ નહોતાં થયાં તેવું નથી, આરટીઆઈ, આરટીઇ, ખાદ્ય સુરક્ષા ધારો વગેરે ઘણાં સારાં કામો થયાં પરંતુ એ સરકારમાં મનમોહનસિંહજીથી માંડીને કોઈ એવા નેતા નહોતા જે જનતાનું મનોબળ વધારી શકે. જનતા સમક્ષ પૉઝિટિવિટી લઈને જાય. નરેન્દ્ર મોદી એટલે જ પત્રકારોની ટીકા છતાં ‘મન કી બાત’ કરે છે અને તેમાં લોકોના પૉઝિટિવ કિસ્સા વહેંચે છે. ઇવન, અટલ સરકારમાં પણ આ કામ નહોતું થતું. તેથી જ બીજી વાર ન આવી.

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા પ્રૉ. અબ્દુલ માજિદ ખાને ‘લાઇફ એન્ડ સ્પીચીસ ઑફ સરદાર પટેલ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં સરદારના અનેક કિસ્સાઓ છે. સરદાર નાનપણથી જ શિસ્તમાં માનતા હતા અને સાથે જ અન્યાય સામે વિદ્રોહ કરી બેસતા હતા. (પરંતુ આ વિદ્રોહની માત્રા રાષ્ટ્રની વાત આવે ત્યારે શૂન્ય થઈ જતી હતી જે પ્રથમ વડા પ્રધાન તરીકે ગાંધીજીએ સરદાર ચૂંટાઈને આવ્યા છતાં જવાહરલાલ નહેરુની પસંદગી કરી ત્યારે દેશે જોયું છે.)

સરદાર શાળામાં ભણતા હતા ત્યારની વાત છે. એક દિવસ નડિયાદની શાળામાં તેમના શિક્ષક શ્રી અગ્રવાલ વર્ગખંડમાં નહોતા આવ્યા. સરદારની છાપ કડક, સખ્ત વ્યક્તિની છે, તેથી આ કલ્પના પણ ન થઈ શકે તેવી વાત છે. શિક્ષક મોડા આવ્યા એટલે વિદ્યાર્થી વલ્લભ ઊભો થઈ ગીત ગાવા લાગ્યો! આખો વર્ગ તેમની સાથે ગીત ગાવા લાગ્યો. શિક્ષકે આવીને જોયું તો લાલઘૂમ થઈ ગયા. વલ્લભે ઊભા થઈ કહ્યું, “સાહેબ, તમે અહીં અમને ભણાવવા આવવાના બદલે ઑફિસમાં ગપ્પાં મારતા હતા. તમને અમને ખીજાવાનો કયો અધિકાર છે? વર્ગખંડમાં કોઈ ન હોય અને અમારી પાસે કોઈ કામ ન હોય ત્યારે અમે ગીત ગાઈએ તેમાં ખોટું શું?”

આ સાંભળી શિક્ષક વધુ ખીજાયા. તેમણે વલ્લભને વર્ગખંડમાંથી બહાર કાઢી મૂક્યો. પણ આ શું? તેમની સાથે આખો વર્ગ ખાલી થઈ ગયો. શિક્ષકે હેડમાસ્ટરને આ વાત કરી અને કહ્યું કે વલ્લભ માફી માગે. વલ્લભ કહે, “માફી શેની? ઉલટું શિક્ષકે માફી માગવી જોઈએ.”

બીજા એક કિસ્સામાં વલ્લભને ખબર પડી કે તેમના શિક્ષક પાઠ્યપુસ્તકોનું વેચાણ કાળાબજારમાં કરી રહ્યા છે ત્યારે તેમણે ચેતવણી આપેલી. પરંતુ તે બહેરા કાને પડી. તો તેમણે છ દિવસની હડતાળ પાડેલી અને શિક્ષકને દંડ અપાવેલો!

સરદારમાં ગાંધીજીને પણ સાચું કહેવાની શક્તિ હતી (અને તેથી જ કદાચ સ્વતંત્રતા પછી તેઓ સમગ્ર કૉંગ્રેસની સમિતિઓની પસંદ હતા, પરંતુ ગાંધીજીની નહીં.) એક વાર ગાંધીજીએ આમરણ ઉપવાસ આદર્યા. તેમણે સરદાર તરફ જોઈ કહ્યું, “હું તમને પણ ઉપવાસની અનુમતિ આપું છું.” સરદારે તરત જ રોકડું પરખાવ્યું, “હું શા માટે ઉપવાસ કરું? જો હું ઉપવાસ કરીશ તો લોકો મને મરવા દેશે. તેઓ તમારા મિત્રો છે અને તમારા ઉપવાસ તોડાવવા તેઓ ગમે તે કરી છૂટશે, મારા માટે નહીં.”

‘કલેક્ટેડ વર્ક્સ ઑફ સરદાર વલ્લભભાઈ પટેલ, વૉલ્યૂમ XI’ના મુખ્ય સંપાદક ડૉ. પી. એમ. ચોપરા મુજબ, સરદાર પટેલે બંધારણ ઘડવાની સમિતિના સભ્યોની પસંદગીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. મૂળભૂત અધિકારો, વડા પ્રધાનની ભૂમિકા, રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અને કાશ્મીર સહિત અનેક મુદ્દે તેમણે કોઈ જાતના ડર વગર નહેરુનો વિરોધ કરેલો. સરદારે સંવિધાન સભા પર એટલું વર્ચસ્વ જમાવેલું કે જે બંધારણ બન્યું તે તેમની છાપ સાથેનું હતું. ડૉ. પી. એમ. ચોપરા તો તેને ‘પટેલનું બંધારણ’ કહે છે. તેમણે લઘુમતીને અલગ ઇલેક્ટૉરેટ (મતદાન) અને અનામત બેઠકની માગણી પણ તેમણે ફગાવી દીધેલી.

તેઓ તડ ને ફડ કરવામાં માનતા હતા. એટલે જ નહેરુથી માંડીને સરોજિની નાયડુ સુધીનાને તેઓ ખૂંચતા હતા. સરોજિની નાયડુએ સરદારની મજાક ઉડાવતા કહેલું, “The only culture he knows is agriculture.” (સરદાર માત્ર એક જ સંસ્કૃતિ વિશે જાણે છે અને તે છે ખેતીની સંસ્કૃતિ). ૧૯૪૬માં જ્યારે કૉંગ્રેસ વચગાળાની સરકારમાં જોડાઈ ત્યારે મુંબઈમાં બસ કપંની ‘બેસ્ટ’ના જી. સી. મહેતાના નેતૃત્વમાં સમાજવાદી નેતાઓએ હડતાળ પાડી. ચાર સપ્તાહ સુધી બસ અને ટ્રામ વ્યવહાર ઠપ. સરદાર પટેલ ત્યાં પહોંચી ગયા અને પ્રવચન કર્યું.

“આ બૅસ્ટની હડતાળ જુઓ. આ સમાજવાદીઓ એવું માને છે કે તેઓ આવી રીતે સત્તા પર કબજો જમાવી શકશે. પરંતુ હું તેમને બહુ દોષ નથી દેતો. હું તો તમને નાગરિકોને દોષ દઉં છું. તમે કેમ હડતાળ ચાલુ રહેવા દીધી? અને આ માણસ જુઓ જે હડતાળનું નેતૃત્વ કરી રહ્યો છે. આ નેતાઓ એમ માને છે કે તેઓ બધી બાબતો વિશે બધું જ જાણે છે. હું તમને એક વાત કહું? હું જ્યારે રાજકારણમાં પ્રવેશ્યો ત્યારે શ્રી જી. સી. મહેતાનો જન્મ પણ નહોતો થયો!”

અને હડતાળનો અંત આવી ગયો!

પત્રકારોને પણ તડ ને ફડ કહેવાની પણ તેમની ટેવ હતી. (એટલે જ કૉન્વેન્ટિયા, કાળા અંગ્રેજ મિડિયાને ‘દેશી’ સરદાર અને સરદાર જેવા લોકો હંમેશાં ઓછા પસંદ આવે છે.) મુંબઈમાં એક પત્રકાર પરિષદ હતી. એક પીઢ પત્રકારે સરદારને વિનંતી કરી, “સર, કોઈ પ્રશ્નોની રાહ જોવાના બદલે તમે આજના સળગતા પ્રશ્નો વિશે એક નિવેદન કરી દો તો તમારો આભાર.”

સરદારે નમ્ર સૂરમાં કહ્યું, “મને આનંદ છે કે મુંબઈનું પ્રેસ અહીં મોટી સંખ્યામાં હાજર છે. મને આશા છે કે મુંબઈના પ્રેસની સંખ્યા વધતી જશે.”

અને પછી તેમણે કહ્યું, “મને આશા છે કે આ જેન્ટલમેનને જે નિવેદન જોઈતું હતું તે મળી ગયું હશે.”

આ હતા સરદાર!

politics, sanjog news, vichar valonun

સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીઃ કૉંગ્રેસના ઇતિહાસનું એક કડવું પ્રકરણ

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૧/૧૦/૧૮)

ઇતિહાસમાં ઘણાં ‘ઇફ્સ એન્ડ બટ્સ’ હોય છે. જો આમ થયું હોત તો…પરંતુ કેટલીક વાર સમય સાથ નથી દેતો. તે સારા માટે કે ખરાબ માટે તે નક્કી કરવાનું કામ વિશ્લેષકો પર છોડી જાય છે અને જે-તે સમયે જે કંઈ થયું તે સારા માટે થયું કે ખરાબ માટે તેની ચર્ચા ચાલતી જ રહે છે. ભારતની સાથે સમયે અને ઇતિહાસે સર્જેલા વિવાદનો આવો એક મુદ્દો એટલે સુભાષચંદ્ર બોઝની સાથે ઘટેલી ઘટનાઓ…

તેમના વિશે ‘જો અને તો’ ઘણા છે. આજે સુભાષબાબુએ દેશની બહાર રચેલી આઝાદ હિન્દ સરકારને ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે ભૂતકાળને ઉખેળવો જોઈએ, કારણકે આપણે ત્યાં ઘણો ઇતિહાસ મારીમચડીને રજૂ થયો છે.

સુભાષબાબુની આઝાદ હિન્દ સરકારને નવ દેશોએ માન્યતા આપી હતી. આ નાનીસૂની વાત નથી. વિકિપિડિયા ફંફોળશો તો તેમાં ‘માત્ર’ નવ દેશોની વાત આવશે અને તે નવ દેશોનાં નામ ‘નાઝી જર્મની’, ‘ઇમ્પિરિયલ જાપાન’ એ રીતે લખ્યાં છે. આમ કહીને વિકિપિડિયા કહે છે કે સુભાષબાબુની સરકારને તો માત્ર નવ દેશોની સરકારોએ જ માન્યતા આપી હતી અને તેમાંય જે હતા તે તો નાઝી જર્મની, ઇમ્પિરિયલ જાપાન અને તેના પીઠ્ઠુ દેશો હતા. ઇતિહાસ વિજેતાની દૃષ્ટિએ લખાતો હોય છે, બાકી અમેરિકા અને બ્રિટને કરેલા અત્યાચાર હિટલરના શાસનમાં જર્મનીએ કરેલા અત્યાચાર કે ઇમ્પિરિયલ જાપાન તરીકે વિકિપિડિયા જેને ઓળખાવે છે તેના અત્યાચાર કરતાં ઓછા નથી.

અને જે સમયે બ્રિટનનો સૂર્ય ક્યારેય આથમતો નથી તેમ કહેવાતું હોય તે સમયે નવ કે અગિયાર દેશોની માન્યતા મળવી તે પણ મોટી વાત છે. સુભાષચંદ્ર બોઝના અનુયાયીઓ અને સમર્થકોએ આ ૨૧ ઑક્ટોબરે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. જો તેઓ ન આવે તો પોતે પોતાની રીતે આ પ્રસંગ મનાવશે તેમ પણ કહ્યું હતું. મિશન નેતાજી સુભાષના સ્થાપક પ્રસનજીત ચક્રવર્તીએ વડા પ્રધાન મોદીને પત્ર લખી આ માટે વિનંતી કરતા લખ્યું છે,

“…સ્વતંત્રતા પછી આવેલી સરકારોએ ઈરાદાપૂર્વક આઈએનએ (આઝાદ હિંદ સેના) અને નેતાજી સુભાષચંદ્ર બોઝની મહાન નાયક જેવી સેવાને સંભવિત તમામ રીતે અવગણી છે. ક્રાંતિકારી નાયકોના અગણિત પ્રદાનને ભૂંસી નાખવા અને સ્વતંત્રતાથી જેમને લાભ મળ્યો છે માત્ર તેવા સ્વતંત્રતાની ચળવળના એક ચોક્કસ વર્ગને જ મહાન ચિતરવાના તમામ પ્રયાસો થયા છે…સાહેબ, જેમના ત્યાગ અને બલિદાનથી સ્વતંત્રતા મળી છે તેવા સાચા નાયકો પ્રત્યે જે અમાનવીય બેદરકારી બતાવાઈ તેનાથી ભારતની જનતા ભારે દુઃખી છે.”

તો, નેતાજીના પ્ર-ભત્રીજા (ગ્રાન્ડ નૅફ્યૂ) ચંદ્રકુમાર બોઝ જે ભાજપના પશ્ચિમ બંગાળના ઉપપ્રમુખ છે, તેમણે વડા પ્રધાન મોદી અને મમતા બેનર્જી સહિત તમામ મુખ્યપ્રધાનોને ૨૧મીના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. તેઓ સ્પષ્ટ કહે છે, “૨૧ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ આઝાદ હિન્દ સરકારની સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂરાં થયા તે નિમિત્તે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવા આપણે કોઈની અનુમતિની જરૂર નથી…મહાત્મા ગાંધી અને પં. નહેરુ સહિતના કૉંગ્રેસના નેતાઓએ તે સમયે આઝાદ હિંદ સરકારનો વિરોધ કર્યો હતો. જો તેમણે આને સમર્થન આપ્યું હોત, આઝાદ હિન્દ ફૌજે દિલ્લી તરફ કૂચ કરી હોત તો આપણે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ કરતાં ઘણા વહેલાં આઝાદ થઈ ગયા હોત. નહેરુ તો વિભાજીત ભારતના વડા પ્રધાન બન્યા, પરંતુ નેતાજી (સુભાષબાબુ) અખંડ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત.”

અહીં જો અને તોની વાત આવી. અગાઉ કહ્યું તેમ સુભાષબાબુ વિશે ઘણાં જો અને તો છે. સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસના સભ્ય હતા. તેમના ગુરુ ચિત્તરંજન દાસ હતા. ગરમ લોહી અને તેવો જ મિજાજ સુભાષબાબુને યુવાનોમાં લોકપ્રિય ન બનાવે તો જ નવાઈ હતી! કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં ભારતની વિરુદ્ધ બોલનાર અંગ્રેજ પ્રાધ્યાપક ઇ. એફ. ઑટન પર તેમણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી. આમ, સુભાષબાબુ આજના નેતાઓ જેવા નહોતા જે ઉશ્કેરીને તોફાનો-રમખાણો-હિંસા કરાવે અને કાર્યકર્તા જેલમાં જાય અને પોતે ગાદી મેળવે. સુભાષને તેની સજા મળી. તેમને કૉલેજમાંથી કાઢી મૂકાયા હતા.

કૉંગ્રેસમાં સુભાષની નહેરુ સાથે શરૂઆતમાં જોડી જામી હતી. બંને સફળ વકીલોના પુત્રો, ઇંગ્લેન્ડથી ભણીને આવેલા અને રાષ્ટ્રવાદી વિચારોના (તે સમયે રાષ્ટ્રવાદી કહેવામાં ગૌરવ અનુભવાતો, આજે જેમ કેટલાક લોકો તેને ટીકાત્મક શબ્દની જેમ લે છે તેવું નહોતું) હતા. તેથી જોડી જામવી સ્વાભાવિક હતી. કૉંગ્રેસમાં ‘ઇન્ડિપેન્ડન્સ ઑફ ઇન્ડિયા લીગ’ રચાયેલી જેના અધ્યક્ષ એસ. શ્રીનિવાસન અયંગર હતા અને મંત્રીઓ તરીકે સુભાષ અને નહેરુ હતા. ૧૯૨૮ના કોલકાતા અધિવેશનમાં ગાંધીજી અને મોતીલાલ નહેરુ ‘ડૉમિનિયન સ્ટેટસ’ની માગણી કરતો ઠરાવ લાવેલા. આનો અર્થ થાય કે મુખ્ય સત્તા બ્રિટનની જ રહે, તેના તાબા હેઠળ ખંડણિયા રાજાની જેમ આપણી સત્તા આવે. જે રીતે પાકિસ્તાનના તાબા હેઠળ કાશ્મીરનો એક ભાગ છે તેના જેવું. કહેવાતી સ્વાયત્તતા આપવાની. પરંતુ સુભાષબાબુ આના વિરોધી હતા. તેમણે આ ઠરાવમાં સુધારો સૂચવ્યો કે “જ્યાં સુધી બ્રિટનનો સંબંધ (ભારત સાથે) રહે ત્યાં સુધી સ્વતંત્રતા મળી તેમ ન કહી શકાય અને કૉંગ્રેસનો ઉદ્દેશ્ય સંપૂર્ણ સ્વતંત્રતાનો જ હોવો જોઈએ.” (નેતાજી કલેક્ટેડ વર્ક્સ, પૃષ્ઠ ૨૭૫-૨૭૮).

નહેરુએ પહેલાં તો આ સુધારાનું સમર્થન કર્યું પરંતુ પછી પિતા મોતીલાલ અને ગાંધીજીના સમર્થનમાં આવી ગયા. સુભાષબાબુનો સુધારો પસાર ન થયો. કૉંગ્રેસે એવું નક્કી કર્યું કે જો બ્રિટિશ સરકાર આપણો ઠરાવ માનીને બે વર્ષમાં ડૉમિનિયન સ્ટેટસ આપી દે તો કોઈ વાંધો નથી! પણ જો ન આપે તો (જ) સંપૂર્ણ સ્વરાજ માગવું. જોકે કૉંગ્રેસની અંદર જ પ્રચંડ વિરોધને જોઈને ગાંધીજીએ અંગ્રેજોને બે વર્ષના બદલે એક વર્ષનો સમય આપ્યો! તે પછીના વર્ષે નહેરુ કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા અને ૧૯ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો. આમ, પૂર્ણ સ્વરાજનો ઠરાવ હતો સુભાષબાબુનો પણ જશ મળ્યો નહેરુને. આમાં કોણ-કોણ જવાબદાર હતા તે કહેવાની જરૂર નથી.

આ જ રીતે કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે સુભાષબાબુએ ૧૯૩૮માં ભારત સ્વતંત્ર થાય પછીનું વિચારીને આર્થિક યોજના માટે પ્લાનિંગ કમિટી બનાવી હતી. તેમની ઉદારતા એ હતી કે તેના અધ્યક્ષ તરીકે તેમણે નહેરુને નિમ્યા હતા! (અને તેમને ફાસિસ્ટ કહેવાય છે!) આ સિવાય તેમણે વૈજ્ઞાનિક મેઘનાદ સહા, રાહુલ ગાંધીને જે નામ બોલતા જીભના લોચા વળી જાય છે તે નામ (પરંતુ વ્યક્તિ તે નહીં, તેઓ તો એમ. વિશ્વૈશ્વરયા હતા) આર્કિટેક્ટ વિશ્વૈશ્વરયા, વાણિજ્ય અને ઉદ્યોગના કે. ટી. શાહને આ સમિતિમાં નિમ્યા હતા. પરંતુ નહેરુ વડા પ્રધાન બન્યા પછી તેમને જ પંચવર્ષીય યોજના માટે શ્રેય અપાયો અને સુભાષબાબુને વિસરાવી દેવાયા.

સુભાષબાબુ જ એક એવા વ્યક્તિ હતા જે ગાંધીજીને તાબે ન થતા. ગાંધીજી માટે માન પૂરતું હતું પરંતુ વિચારોનો વિરોધ હતો. આથી ૧૯૩૯માં કૉંગ્રેસના પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ! ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભી સીતારમૈયા હારી ગયા! ગાંધીજીએ ત્રાગું કર્યું, ઇમૉશનલી બ્લેકમેઇલિંગ, કહ્યું કે પટ્ટાભીની હાર એ તેમની હાર છે. કૉંગ્રેસની કારોબારીમાં ગાંધીજી સમર્થકો વધુ હતા. સુભાષબાબુ માંદા હતા. તે વખતે કારોબારી બોલાવવામાં આવી. સુભાષબાબુએ તે બેઠક મોકૂફ રાખવા વિનંતી કરી. પરંતુ કારોબારીએ તેને સરમુખત્યાર પ્રકારનું પગલું ગણ્યું. પરિણામે તેઓ માંદગીમાં પણ આવ્યા હતા. તેમણે કૉંગ્રેસને સ્પષ્ટ ચેતવેલી કે આગામી સમયમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળશે તેનો લાભ લઈને પૂર્ણ સ્વરાજ માટે પૂરી શક્તિથી મેદાનમાં કૂદી પડવું જોઈએ. કૉંગ્રેસ કારોબારીમાંથી ટપોટપ રાજીનામાં પડ્યાં.

તેમને કૉંગ્રેસમાંથી નીકળી જવું પડે તેવું વાતાવરણ બનાવાયું. એપ્રિલ ૧૯૩૯માં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. જો તેઓ કૉંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા હોત તો? સરદાર પટેલને વડા પ્રધાન ન બનાવવા માટે કૉંગ્રેસ સમર્થકો દલીલ કરે છે કે તેઓ યુવાન નહોતા અને સ્વતંત્રતા પછી ત્રણ વર્ષમાં જ તેમનું નિધન થયું તેને ટાંકીને તેઓ પોતાની વાતનું સમર્થન પણ કરે છે. પરંતુ સુભાષબાબુ તો નહેરુ કરતાં આઠ વર્ષ નાના હતા! કૉંગ્રેસમાં રહ્યા હોત તો તેમને કૉંગ્રેસની અંદરના સમર્થનને જોતાં તેઓ દેશના પહેલા વડા પ્રધાન બને તેવી સંભાવના પ્રબળ હતી. વળી, જેમ સરદાર પટેલ પોતે ચૂંટાઈને આવ્યા તેમ છતાં ગાંધીજીની વાત માનીને નહેરુ માટે ખસી ગયા તેમ સુભાષબાબુ કદાચ ન ખસ્યા હોત.

આ જ રીતે સુભાષબાબુની આઝાદ હિંદ ફૌજનો રકાસ ન થયો હોત તો? જાપાન-જર્મનીનો વિજય થયો હોત તો? તો કદાચ ભારત અખંડ હોત. હિન્દુ-મુસ્લિમોના ઝઘડા ન હોત. મતબૅન્કનું રાજકારણ પણ ન હોત કારણકે સિંગાપોરમાં આપેલા એક ભાષણમાં તેમણે કહેલું કે ભારતને સ્વતંત્રતા પછી ઓછામાં ઓછાં ૨૦ વર્ષ કડક સરમુખત્યારની જરૂર છે. (જોકે સરમુખત્યારશાહીના ગેરલાભો પણ બહુ છે.)

સુભાષબાબુ ૧૯૪૫માં તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. જો તેમ ન બન્યું હોત તો? તો કદાચ, ભારતમાં તેમણે બહુ પહેલેથી મજબૂત વિપક્ષ અથવા તો કદાચ શાસક પક્ષ આપ્યો હોત! તો કદાચ કૉંગ્રેસનું વિભાજન પણ બહુ વહેલાં થઈ ગયું હોત. તો કદાચ…નહેરુના અને સરદારના આટલા મતભેદ ન થયા હોત, કારણકે સરદાર પણ સુભાષબાબુના વિચારોના ઘણા અંશે વિરોધી હતા!

સુભાષબાબુ ફાસિસ્ટ, સામ્યવાદી અને નાસ્તિક હતા? આવી ભ્રમણાઓ સ્વતંત્રતા પછી એટલી ફેલાવાઈ કે લગભગ એ જ મનમાં ઠસી જાય. દુશ્મનના દુશ્મનના સંબંધે તેમણે જર્મની અને જાપાનનો સહકાર માગ્યો હતો, તે એક કૂટનીતિ હતી જે નિષ્ફળ ગઈ (ચર્ચિલે પણ વિરોધી સ્ટાલિનનો ટેકો લીધેલો), સફળ ગઈ હોત તો તેમની ભરપૂર પ્રશંસા થઈ હોત. તેમણે કોલકાતાના મેયર તરીકે માત્ર ૩૩ વર્ષની વયે કહેલું કે આપણે ત્યાં તો સમાજવાદ (સૉશિયલિઝમ)નો પાયો એવો ન્યાય, સમાનતા અને પ્રેમ છે તેમજ યુરોપ જેને ફાસિઝમ કહે છે તેના તત્ત્વો એટલે કાર્યક્ષમતા અને શિસ્ત પણ છે. તેઓ સામ્યવાદી પણ નહોતા. હા, તેઓ સામ્રાજ્યવાદના વિરોધી હતા. તેમણે પોતાને સમાજવાદી ગણાવ્યા છે, સામ્યવાદી નહીં. તેઓ શિવ, શક્તિ અને દુર્ગા એમ ત્રણેય દેવીદેવતામાં માનતા હતા. તેથી તેઓ નાસ્તિક પણ નહોતા.

sanjog news, society, vichar valonun

MeToo: પુરુષે ફરજિયાત શ્રી રામના આદર્શોનું પાલન કરવું પડશે!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૧૦/૧૮)

તનુશ્રી દત્તાના અમેરિકાથી ભારતમાં આગમન સાથે #MeTooની મોસમ ફરી શરૂ થઈ ગઈ છે. તનુશ્રીએ દસ વર્ષ પહેલાંનો કેસ ઉખેળી નાના પાટેકર પર એક ગીતના ફિલ્માંકન દરમિયાન તેને ન પસંદ પડે તે રીતે સ્પર્શવાનો આક્ષેપ લગાવ્યો છે. નિર્દેશક વિકાસ બહલ સામે ‘બૉમ્બે વેલ્વેટ’ ફિલ્મની એક મહિલા સભ્યએ જાતીય સતામણીનો આક્ષેપ કર્યો. વિકાસ બહલની સામેના આક્ષેપો અનુરાગ કશ્યપને પણ દઝાડી ગયા કારણકે સભ્યએ કહ્યું કે તેમને પણ જાણ હતી. અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને બીજા બે જણા ‘ફેન્ટમ ફિલ્મ્સ’ નામની પ્રૉડક્શન કંપનીમાં ભાગીદાર હતા. આખી કંપની વિસર્જિત કરી દેવી પડી!

કંગના રનૌતે પણ વિકાસ બહલે તેની સાથે અભદ્ર ચેષ્ટા કરી હોવાનું કહ્યું.

હવે જરા ૧૯૯૩માં જઈએ. તે સમયની બહુ આધુનિક ‘તારા’ સિરિયલમાં નાયિકાને પુરુષ જેવા ટૂંકા વાળ સાથે અને સિગરેટ પીતી બતાવાઈ હતી. આજે પણ હિન્દી સિરિયલોમાં આવું બતાવવાનું કોઈ વિચારી શકતું નથી. તારા (નવનીત નિશાન) પરિણિત પુરષ (આલોકનાથ)ના પ્રેમમાં પડે છે અને આ પુરુષની તરુણ દીકરી (ગૃશા કપૂર) તેની નવી માતાને સ્વીકારી શકતી નથી. ગૃશા કપૂરને સિરિયલમાં બીયર પીતી દેખાડાઈ હતી. સિરિયલમાં નવનીત નિશાન અને દીપક શેઠ વચ્ચે ચુંબનનું દૃશ્ય પણ દેખાડાયું હતું જેનો તે સમયે બહુ જ વિરોધ થયો હતો. તારા કુંવારી માતા બને છે તેવી પણ વાર્તા તેમાં હતી.

સિરિયલની કથા માંડીને એટલા કહી કારણકે આવી સિરિયલની લેખિકા-નિર્દેશિકા વિનિતા (આમ તો તે તેઓ તેમના નામનો સ્પેલિંગ કરે છે તે પ્રમાણે વિન્તા) નંદાએ ૧૯ વર્ષ જૂનો કેસ ઉખેળી કહ્યું કે તે સમયે આલોકનાથે તેમના પર બળાત્કાર કર્યો હતો.

વિનિતાની લાંબી પૉસ્ટ વાંચવા જેવી છે. તેમણે લખ્યું તેનો સાર એ છે કે …તે (આલોકનાથ) સેટ પર દારૂ પીને ખરાબ વર્તન કરતો…તેથી અમે તેને ના પાડવાના હતા…ચેનલના સીઇઓએ અમને ‘તારા’માં મુખ્ય અભિનેત્રીને કાઢી નવી પેઢીને લાવવા કહ્યું. (આ ટ્રૅન્ડ પછી સ્ટાર પ્લસ અને એકતા કપૂરે બહુ વાપર્યો.) અમે તેમ કર્યું તો પણ એક દિવસ અમારો શૉ જ બંધ કરી દેવા કહ્યું કારણકે ટીઆરપી નહોતી આવતી. અમારા બીજા કાર્યક્રમો પણ બંધ કરી દેવાયા. હું સફળ મહિલા હતી. હું સિગરેટ- દારૂ પીતી. હું લિબરેટેડ (એટલે કે મુક્ત મનની) વ્યક્તિ હતી. એક દિવસ મને આ પુરુષ (આલોકનાથ)ના ઘરે પાર્ટી માટે આમંત્રણ મળ્યું. તેની પત્ની, જે મારી ગાઢ બહેનપણી હતી, તે ઘરમાં નહોતી. રાત જેમજેમ આગળ વધતી ગઈ તેમ મારા પીણાંમાં કંઈક ભેળવાયું. મને કંઈક વિચિત્ર લાગ્યું.

રાતના બે વાગે હું ત્યાંથી નીકળી ગઈ. મને કોઈ મારા ઘરે મૂકવા પણ ન આવ્યું. મેં ચાલવાનું શરૂ કર્યું. ત્યાં આ માણસ (આલોકનાથ) મારી પાછળપાછળ પોતાની કારમાં આવ્યો. મને ઘરે ઉતારી જવા કહ્યું. મેં તેના પર વિશ્વાસ કર્યો અને કારમાં બેસી ગઈ. તે પછી મને બહુ યાદ નથી. મને એટલું જરૂર યાદ છે કે મારા મોઢામાં દારૂ રેડાતો હતો અને મારા પર અંતહીન હિંસા થતી હતી. મારા પર માત્ર બળાત્કાર જ નહોતો થયો પરંતુ મારી સાથે ક્રૂર વ્યવહાર થયો હતો.

તે પછી બધા લોકોએ મને આ ભૂલી જવા કહ્યું. મારી કંપની બંધ થઈ ગઈ. પરંતુ મને એક ચેનલ માટે લેખન-નિર્દેશનનું કામ મળી ગયું. પણ તેણે (આલોકનાથે) એવું વાતાવરણ બનાવી દીધું જેનાથી મને ભય લાગવા લાગ્યો અને મેં મારા નિર્માતાને કહ્યું કે હું હવે નિર્દેશન નહીં કરું. મેં શૉ લખવાનું ચાલુ રાખ્યું. પછી હું નવી શ્રેણી લખી રહી હતી તે વખતે તેણે (આલોકનાથે) મને ફરી તેના ઘરે બોલાવી અને હું ત્યાં ગઈ. મેં મારા પર હિંસા થવા દીધી. (વિનિતા નંદા અંગ્રેજીમાં લખાયેલી પૉસ્ટમાં રૅપ શબ્દના બદલે વાયૉલેટ શબ્દ વાપરે છે.) મારે નોકરીની જરૂર હતી અને મારે તે છોડવી નહોતી કારણકે મારે નાણાંની જરૂર હતી. આ પછી જોકે મેં છોડી દીધું.

નાના અને આલોકનાથ-બંનેએ આક્ષેપો નકારી કાઢ્યા છે.

એઆઈબી નામનો વાહિયાત શૉ છે. વિદેશી ગ્રૂપ સ્ટાર જે કલ્ચરલ માર્ક્સિઝમ અંતર્ગત ભારતીય પરિવારો તૂટે તેવી સિરિયલો જ મોટા ભાગે પ્રસારિત કરે છે તેની ઍપ હૉટ સ્ટાર પર આ શૉ દર્શાવાય છે. એઆઈબીમાં કરણ જોહર, રણવીરસિંહ, અર્જુન કપૂરે તેમનાં સગાંની હાજરીમાં જે અભદ્ર જૉક અને ચેષ્ટાઓ કરેલી તેની તે સમયે બહુ ટીકા થઈ હતી. આ પછી તન્મય ભટ્ટે સચીન તેંડુલકર અને લતા મંગેશકરની વાહિયાત અને ગંદી મજાક ઉડાવી હતી.

આ એઆઈબીના ઉત્સવ ચક્રવર્તી સામે સૉશિયલ મિડિયા પર મહિલાઓને અભદ્ર તસવીરો મોકલવાનો આરોપ લાગ્યો છે. તો એક અજાણી સ્ત્રીએ આ ગ્રૂપના સહસ્થાપકો તન્મય ભટ્ટ અને ગુરસિમરન ખાંબા પર માનસિક સતામણીનો આક્ષેપ કર્યો છે. આક્ષેપો પછી એઆઈબીએ તેમને રજા પર મોકલી દીધા છે. (એટલે કે આક્ષેપો પુરવાર ન થાય તો તેમને પાછા લઈ લેવામાં આવશે.)

આ બધા MeToo આક્ષેપોમાં ફિલ્મ ઉદ્યોગ વહેંચાઈ ગયો છે. કંગના રનૌતે વિકાસ બહલ સામે આક્ષેપ કર્યા તો સોનમ કપૂરે કહ્યું કે (કંગનાના) આક્ષેપો માનવામાં નથી આવતા. તનુશ્રી દત્તાનું પ્રકરણ થયું ત્યારે તેની જગ્યાએ રાખી સાવંતને લેવામાં આવી હતી. રાખી સાવંત તો બોલવામાં બેફામ છે. તેણે આક્ષેપ કર્યો કે તે વખતે તનુશ્રી દત્તા ડ્રગ્સ લઈને વાનમાં બંધ રહેતી હતી અને કામ નહોતી કરતી એટલે કૉરિયોગ્રાફર ગણેશ આચાર્યએ મને બોલાવી અને મારે તેમના અને નાના પાટેકરના માન ખાતર ગીત કરવું પડ્યું.

આ બધામાં માત્ર વિન્તા નંદાએ બળાત્કારનો આક્ષેપ કર્યો છે, તેમના લખાણમાંથી પણ ઘણા પ્રશ્નો તો ઉઠે જ છે. બાકીના કેસોમાં બળાત્કારનો આક્ષેપ નથી. તનુશ્રી દત્તાના કેસમાં અઘટિત રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ છે, કંગનાએ વિકાસ બહલ તેના વાળ સૂંઘતો હોવાનું, પોતાનું માથું તેના ગળામાં નાખી દેતો હોવાનો અને બાથમાં કડકાઈથી જકડી લેતો હોવાનો આક્ષેપ કર્યો છે. વિકાસ પર ક્રૂ મેમ્બર મહિલાએ કરેલા આક્ષેપમાં વિકાસે ખૂબ જ અભદ્ર ચેષ્ટા કરી હોવાની વાત છે. એઆઈબીના કેસમાં પણ અભદ્ર ચેષ્ટાઓની વાત છે. બંનેમાં બીજી એક વાત એ પણ સરખી છે કે અનુરાગ કશ્યપને વિકાસ બહલના ગંદા પ્રકરણની ખબર હતી. તે જ રીતે તન્મય ભટને પણ ઉત્સવની ગંદી ટેવોની ખબર હતી.

ફિલ્મ ઉદ્યોગમાં માત્ર પડદા પર જ નહીં, પરંતુ શૂટિંગના પ્રમૉશનમાં, એવૉર્ડ કાર્યક્રમોમાં ભેટવું, ચુંબન કરવું એ તો જાણે સામાન્ય વાત છે. આ બધા કાર્યક્રમોમાં સ્ત્રી કલાકારો દ્વારા અંગ પ્રદર્શન થાય તેવાં કપડાં પહેરવાં તે પણ સામાન્ય વાત હતી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી વાત બહુ આગળ વધી ગઈ હતી. પુરુષ અને સ્ત્રી કલાકારો અંગ્રેજી પત્રકારોને ઇન્ટરવ્યૂ આપવામાં પણ બહુ બિન્દાસ બન્યા હતા.

સ્ત્રી કલાકારો દ્વારા પુરુષોની ચેષ્ટાને બહુ હળવાશથી લેવામાં આવતી હતી. બાકી, ‘શાહજહાં’, ‘દિલ્લગી’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘દુલારી’ જેવી ફિલ્મોના નિર્માતા-નિર્દેશક એ.આર. કારદાર દ્વારા ઑડિશન માટે સાડીમાં આવેલી યુવતીઓ પાસે કપડાં ઉતારાયાંની તસવીરો પ્રચલિત છે, એટલે ફિલ્મમાં કામ માટે પુરુષો દ્વારા સ્ત્રીનું શોષણ બહુ વખતથી ચાલ્યું આવે છે. વર્ષો પહેલાં પરવીન બાબીને પૂછાયું હતું કે શું તે અક્ષત યોનિ એટલે કે વર્જિન છે? ત્યારે તેણે જવાબ આપેલો, “ફિલ્મ ઉદ્યોગમાં કોઈ અક્ષત યોનિ નથી. જો તમે માનતા હો તો પણ તમને પુરુષો સ્ત્રીઓની ભૂમિકા કરતા જોવા મળશે.” પીઢ અભિનેત્રી નાદિરાજીએ તો કહેલું કે આ ઉદ્યોગ શબ્દ તો ફિલ્મવાળાઓને એક ગરીમા બક્ષે છે જેના માટે તે લાયક નથી. આ તો એક મોટું કૌભાંડ જ છે. ફિલ્મ ઉદ્યોગમાં ‘ગે’ નિર્માતા-નિર્દેશકોના કારણે, હવે સ્ત્રીઓ જ નહીં, પુરુષ કલાકારો પણ કાસ્ટિંગ કાઉચના ભોગ બનતા હોવાનું બહાર આવ્યું છે.

વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન એમ. જે. અકબર (જે પહેલાં તંત્રી-પત્રકાર હતા) સામે ત્રણ મહિલા પત્રકારોએ પણ જૂના કેસ ઉખાળી જાતીય સતામણીની ફરિયાદ કરી છે. આ અગાઉ ‘તહલકા’ના પૂર્વ સંપાદક તરુણ તેજપાલ સામે એક મહિલા પત્રકારે ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન લિફ્ટમાં ગંદી ચેષ્ટા કરી હોવાનો આરોપ લગાવતાં તરુણ જેલમાં છે.

૧૮મી-૧૯મી તારીખે દશેરા છે. પુરુષોએ હવે ચારિત્ર્યમાં શ્રી રામ જેવા ફરજિયાત બનવું જ પડશે. અત્યાર સુધી ભારતમાં કેટલાક પુરુષો સીતા જેવી પત્નીની આશા રાખતા હતા અને બહાર છિનાળાં કરતા હતા. પરંતુ હવે તેવું નહીં ચાલે. હવે કાયદા અને સામાજિક-મિડિયા-કૉર્ટનું વલણ બહુ બદલાઈ ગયાં છે. સ્ત્રી આક્ષેપ કરે તેના પરથી વાત સાચી માની લેવામાં આવે છે. ‘રામાયણ’ કાળમાં ધોબીના ખોટા આક્ષેપ પર સીતાનો ત્યાગ થયો હતો, હવે પુરુષે અગ્નિપરીક્ષા દેવાનો સમય આવ્યો છે! (અહીં કહેવાનો અર્થ એ નથી કે ઉપરોક્ત સ્ત્રીઓના ખોટા આક્ષેપો છે અને આરોપી પુરુષો પવિત્ર છે.) સર્વોચ્ચે ૪૯૭ કલમ રદ્દ કરી વ્યભિચારને માન્યતા આપી કે ન આપી તેના વિવાદમાં ન પડીએ પરંતુ જે રીતે બળાત્કાર અને MeToo અંતર્ગત જાતીય સતામણીના આક્ષેપો થવા લાગ્યા છે તે જોતાં, લાગે છે કે હવે પુરુષોએ સ્ત્રીઓથી દસ ફૂટનું અંતર રાખવું પડશે. ગળે મળવું, ભેટવું, ચુંબનની આપલે કરવી, વાળમાં હાથ પસારવા, હાથ પર હાથ મૂકવોથી માંડીને જૉકની કે સંદેશાઓની આપલે સુધી…કોઈ પણ વર્તન જે સ્ત્રીને ન ગમે તે જાતીય સતામણીમાં ખપી શકે છે.

ભાવનગરમાં સનાતન ધર્મ હાઇ સ્કૂલ માત્ર કિશોરો માટે જ છે અને માજીરાજ-મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય જેવી શાળા માત્ર કન્યાઓ માટે છે. એસએનડીટી માત્ર મહિલાઓની કૉલેજ છે. પરંતુ હવે જમાનો બહુ બદલાઈ ગયો છે. સહશિક્ષણથી હવે વાત સહનોકરી સુધી પહોંચી ગઈ છે. પુરુષ-સ્ત્રી માત્ર દોસ્ત હોઈ શકે છે તેવું પણ ઘણા કહે છે. પુરુષોમાં ઘણા ભ્રમરવૃત્તિના હોય છે તેથી સીતા જેવી મર્યાદાશીલ સ્ત્રી તરફ પણ વાસનાની દૃષ્ટિથી જોતા હોય તો પછી ફેમિનિઝમના વાવાઝોડામાં સ્ત્રીઓનાં કપડાં, તેમની બેસવા-ઉઠવાની મર્યાદા, વાતચીત, વગેરેમાં ઘણું પરિવર્તન આવ્યું છે. સ્ત્રી પણ હવે નૉનવેજ જૉક આપલે કરતી થઈ છે. દારૂ-સિગરેટની મોટાં મહાનગરોમાં નવાઈ નથી રહી. આવા સમયે નિકટતા આવે, મિત્રતા બને, ક્યારેક પુરુષ આવેગમાં તણાઈ જાય, ક્યારેક સ્ત્રી પુરુષને પોતાની તરફ આકર્ષે, તેવા સમયે હવે પુરુષે બહુ સાવધાન રહેવું પડશે, કારણકે પુરુષનું વર્તન કે સ્ત્રીનો એક સાચો-ખોટો આક્ષેપ પુરુષની કારકિર્દી બરબાદ કરી શકે છે. જિંદગી ધૂળધાણી કરી શકે છે. કેટલીક સ્ત્રીઓ શૂર્પણખાની જેમ સિડ્યૂસ કરનારી હોય તો પણ તેને સિફતપૂર્વક રવાના કરવી જરૂરી છે (નાકકાન તો શબ્દથી પણ ન કપાય, નહીં તો ખોટો આક્ષેપ પણ થઈ શકે). એટલું જ નહીં, પરંતુ અનુરાગ કશ્યપ, તન્મય ભટ્ટની જેમ જે પુરુષો પોતાના દોસ્ત કે પોતાની કંપનીના પુરુષો ખોટું કરતા હોય તે જાણતા હોય તેમને પણ તેમણે અટકાવવા પડશે, નહીં તો જાણ હોવાની કારકિર્દી પર ખરાબ અસર પડી શકે છે.