Mumbai Samachar, national, sikka nee beejee baaju

કાશ્મીરની એ ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ની કાળમુખી રાત

બુદ્ધુજીવી કૉલમિસ્ટો માટે સેક્સ, મહિલાઓ, અને યુવાનો આ ત્રણ સિવાય કોઈ વિષય નથી હોતા. ઊંડાણપૂર્વકનું સંશોધન કરીને સત્ય લખવાની હિંમત નથી. તાલિબાન હોય કે ત્રાસવાદીઓ, ઝાયરા વાસીમ હોય કે ઓવૈસી, દરેક મુદ્દે વર્ષમાં એકાદ લેખ ઠપકારીને તટસ્થતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.અને એમાંય રાષ્ટ્રવાદીઓને ગાળો આપવાનું નહીં ચૂકે. એય પાછી વાજબી હોય તો સમજ્યા. પણ સ્વદેશી, કે પછી પાકિસ્તાની કલાકારોનો વિરોધ એ મુદ્દે સમજ્યા વગર સાચા રાષ્ટ્રવાદીઓની ટીકા કરવી એ જાણે ફેશન છે. જેમ રાજકારણીઓની મતબૅંક હોય છે કે ટીવીની ટીઆરપી હોય છે તેમ ઘણા કૉલમિસ્ટોની પણ રીડરબૅંક હોય છે.
 
જમ્મુ-કાશ્મીર મુદ્દે જ્યારે પણ લખવા બેસે ત્યારે પીડીપીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું છે તેથી બુદ્ધુજીવી કૉલમિસ્ટો પીડીપીને ભાંડ્યા વગર રહેતા નથી. પરંતુ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પીડીપી કરતાં વધુ નુકસાન અબ્દુલ્લા એન્ડ સન્સે અને તે કરતાંય કૉંગ્રેસે કર્યું છે. ઈન્દિરા ગાંધી પાકિસ્તાન સામે યુદ્ધ જીતી ગયેલી સેનાને ભોંઠું પાડતું કામ કરેલું. વિભાજનવાદી શેખ અબ્દુલ્લા કાશ્મીરની પ્રજામાંથી ભૂલાઈ ગયેલા. તેમના માટે થઈને ઈન્દિરા ગાંધીએ પોતાની કૉંગ્રેસની સરકારનો ભોગ આપેલો અને નેશનલ કૉન્ફરન્સના એકેય ધારાસભ્ય ન ચૂંટાયા હોવા છતાં, શેખ અબ્દુલ્લા પોતે પણ ન ચૂંટાયા હોવા છતાં તેમને કૉંગ્રેસના ટેકે મુખ્યપ્રધાન બનાવી દેવાયા. તો જગમોહનની વારંવાર ચેતવણી છતાં રાજીવ ગાંધીના આંખ આડા કાનના લીધે ફારુખ અબ્દુલ્લાના રાજમાં ૧૯૯૦માં કાશ્મીરી હિન્દુઓની ભારે ભૂંડી, વસમી અને દારુણ દશા થયેલી.
 
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અત્યારે જે છે તે કેમ છે તેને સમજવા માટે એક લેખ નહીં, અનેક લેખની શ્રેણી જોઈએ. પરંતુ જો તેના પર કથિત લોકપ્રિય લેખકો લખવા બેસે તો કપોળકલ્પિત રીડરબૅંકનું શું? અને અખબારોના પૂર્તિ સંપાદકોમાં પણ એક વિષય પર એક જ લેખ હોવો જોઈએ એવી ખોટી માન્યતા ઘર કરી ગઈ હોય છે. ત્યારે મુંબઈ સમાચારમાં મારી કૉલમ સિક્કાની બીજી બાજુમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર મેં એક વર્ષથી વધુ સમય શ્રેણી લખી. તેના બધા હપ્તા તો બ્લૉગ પર અપડેટ નથી થઈ શક્યા. પરંતુ જેટલા છે તે આ લિંક અને તેની નીચે આગામી ભાગની લિંક એમ લિંક ખોલીને વાંચી શકાય છે. આ ઉપરાંત ફેસબુક પર ફોટો આલબમમાં સિક્કાની બીજી બાજુ આલબમમાં મેં આ લેખો મૂક્યા જ છે.
 
આ મુદ્દો ઉખેળવાનું કારણ એ કે આજે ૧૯ જાન્યુઆરી છે. આપણા દેશમાં બધાને ૬ ડિસેમ્બર યાદ રહી ગઈ છે પરંતુ તે એક નિર્જીવ અને વણવપરાયેલી ઈમારત હતી જે ઇસ્લામ પંથ મુજબ પણ મસ્જિદ કહેવાને પાત્ર નહોતી. આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવાય છે.દર ૨૭ ફેબ્રુઆરીના રોજ ગુલબર્ગ સોસાયટીની એનજીઓ પ્રાયોજિત મિડિયા મુલાકાત કરીને તેની વેદનાને વાચા અપાય છે. પરંતુ ૧૯ જાન્યુઆરીના દિવસને નહીં.
 
કદાચ જે હિન્દુઓ પીડિત હોય છે તેમને ઝાકિયા જાફરીની જેમ રોઈ રોઈને પોતાની વેદના કહેતા નથી આવડતું અને કહે તો તેને બતાવનાર કોઈ પ્રસાર માધ્યમ નથી. ઝી ન્યૂઝ પર તેનું સારું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરાયેલું પરંતુ તે તો અપવાદ. અત્યારે આપણને આટલી કડકડતી ઠંડી લાગે છે અને ગઈ કાલે આજતકમાં બતાવાયું તેમ જમ્મુ-કાશ્મીરમાં તો હિમયુગ આવી ગયો હોય તેમ ખૂબ ખરાબ પરિસ્થિતિ ઠંડીની રીતે છે. તો વિચાર કરો કે આજથી સત્યાવીસ વર્ષ પહેલાં ૧૯ જાન્યુઆરીની રાત્રે ગાત્રો થિજવતી ઠંડીમાં જે પણ મળ્યું તે વાહનમાં કાશ્મીરી હિન્દુઓને ભાગવું પડ્યું તેની કેટલી વેદના હશે. પોતાના મકાનો છોડીને સંપત્તિ છોડીને જે હિન્દુઓ રહે છે, જેમની બહેન, દીકરી, વહુ, પર બળાત્કાર થયા છે તેમની મનોદશા શું હશે? આજે પણ પરિસ્થિતિમાં ખાસ ફેર પડ્યો નથી. કોઈ એકાદ ઈમરાન હાશ્મી કે મિસ્બાહ કાદરી જેવી કોઈ પત્રકાર પોતાને મુંબઈમાં મકાન નથી મળતું તેવી (કેટલાક કિસ્સામાં ખોટી રાડારાડ) કરે ત્યારે કોઈને વિચાર નથી આવતો કે કાશ્મીરમાં તો જેમણે પોતાની વર્ષોની મહેનતની કમાણીથી મકાનો બનાવેલાં છે તેમાં તે મકાનમાલિક કાશ્મીરી હિન્દુઓ રહેવા નથી જઈ શકતા. એ સંપત્તિ પર તો હવે ત્યાંના માથાભારે મુસ્લિમોએ કબજો કરી લીધો છે. કેટલાકને શૌચાલય બનાવી દેવાયાં છે! અને આ કટ્ટરવાદી ગુંડા જેવા મુસ્લિમોની રાડ માત્ર હિન્દુઓ પૂરતી સીમિત નથી. ત્યાંના ઉદારવાદી મુસ્લિમોએ પણ ફફડીને રહેવું પડે છે. કોઈ થિયેટર નથી કામ કરતું. થોડા વખત પહેલાં સુધીમાં તો બાળકો શાળાએ પણ નહોતા જઈ શકતા. પથ્થરમારાનો અને બોમ્બ વગેરે ત્રાસવાદી સામગ્રીનો ગૃહઉદ્યોગ જ વિકસેલો. ભલું થજો નરેન્દ્ર મોદીનું કે નોટબંધીના કારણે પથ્થરમારા પર હાલ પૂરતી તો બ્રેક વાગી ગઈ છે.
 
દંગલ જેવી સાફ સુથરી ફિલ્મમાં કિશોરીની ભૂમિકા કરનાર કાશ્મીરી ઝાયરા વાસીમને પણ માફી માગવા મજબૂર થવું પડે તે શું બતાવે છે? ત્યાં મહિલાઓનું મ્યૂઝિક બેન્ડ પણ નથી કામ કરી શકતું. જ્યારે તેની વાત નીકળે છે ત્યારે અસહિષ્ણુતાના રાગ આલાપનારા શાહરુખ ખાનો, આમિર ખાનો અને સલમાન ખાનોનાં મોઢાં સિવાઈ જાય છે. કારણકે તેમને ખબર છે કે ત્યાં જો કાંઈ બોલવા ગયા તો ભાઠાં પડવાનું જ જોખમ નથી પરંતુ હત્યા થવાની પણ પૂરી સંભાવના છે. #19January1990 #Kashmiri_Pandits #Exodus
 
લિંક : (૨) http://wp.me/phzA7-v6
Advertisements
politics, sikka nee beejee baaju

દ્વારકાપ્રસાદ મિશ્ર: કૉંગ્રેસી જે નહેરુના કડક ટીકાકાર અને ઈન્દિરાના પ્રશંસક હતા

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૫/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

નોટબંધી અને તે પછી સહારા-બિરલાની વાતમાં સિનેમાગૃહોમાં રાષ્ટ્રગીતની વાત થોડા વિવાદ પછી ભૂલાઈ ગઈ. આપણે સિનેમાગૃહોમાં રાષ્ટ્રગીત વગાડવું જોઈએ કે નહીં તેની વાત નથી કરવી. પરંતુ એક જૂની વાત જરૂર કરવી છે. શું તમને કોઈએ કહ્યું કે ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતીયોમાં રાષ્ટ્રભક્તિ જગાવવા માટે સિનેમા ઘરોમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવ્યું હતું?

૧૯૬૨માં આ નિર્ણય કરાયો તે મધ્ય પ્રદેશના કૉગ્રેસી નેતા દ્વારકાપ્રસાદ મિશ્ર (સાચી અટક મિશ્ર છે તેના પરથી ઘણા અપભ્રંશમાં મિસર પણ લખે છે, પરંતુ અંગ્રેજી સ્પેલિંગ મુજબ જેમ રામનું રામા, કૃષ્ણનું ક્રિષ્ના, શુક્લનું શુક્લા થયું તેમ મિશ્રનું મિશ્રા થયું)ની ભલામણ પર થયો હતો. આપણે વાત આ મિશ્રજીની કરવી છે. તેઓ ડી.પી.મિશ્રા તરીકે પણ ઓળખાય છે.

યુદ્ધ થયું ત્યારે વડા પ્રધાન તો નહેરુજી જ હતા પરંતુ દીકરી ઈન્દિરા ગાંધીને કેન્દ્રીય નાગરિક પરિષદનાં અધ્યક્ષા બનાવાયેલા. મધ્યપ્રદેશના મિશ્ર જનસંપર્ક સમિતિના અધ્યક્ષ હતા. આ મિશ્રજીની ભલામણ પર સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવાનો આદેશ થયેલો. તે વખતે ફિલ્મના અંતમાં રાષ્ટ્રગીત વગાડાતું. પડદા પર રાષ્ટ્રધ્વજ અને મહાત્મા ગાંધીજીનું ચિત્ર દેખાડવું ફરજિયાત હતું. થિયેટરોના દરવાજા બંધ કરી દેવા પણ ફરજિયાત હતા. રાષ્ટ્રગીતનું આ મધ્યપ્રદેશ કનેક્શન હતું જે તાજેતરમાં ફરી જીવંત થયું કેમ કે તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયે જે ચુકાદો આપ્યો તે મધ્યપ્રદેશના રહેવાસી શ્યામનારાયણ ચૌકસેની અરજી પર આપેલો અને જે ન્યાયમૂર્તિએ ચુકાદો આપ્યો તે ન્યાયમૂર્તિ દીપક મિશ્ર પણ મધ્યપ્રદેશના! આ દીપક મિશ્રએ તેર વર્ષ પહેલાં આ જ અરજદારની અરજી પર આવો જ ચુકાદો આપેલો અને કરણ જૌહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માંથી જ્યાં સુધી રાષ્ટ્રગીતનું દૃશ્ય કાઢી ન નખાય ત્યાં સુધી થિયેટરોમાં દેખાડવા પર પ્રતિબંધ મૂકેલો.

એક બીજી રસપ્રદ વાત ઇતિહાસ ફંફોળતા એ પણ જાણવા મળી કે ૧૯૬૧માં નહેરુની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા પરિષદે ભલામણ કરી હતી કે શાળા-કૉલેજોમાં શરૂઆત રાષ્ટ્રગીત ગાવાથી થવી જોઈએ. આ ભલામણનો અમલ સૌ પહેલાં જમ્મુ-કાશ્મીર અને મદ્રાસ (તે વખતે મદ્રાસ રાજ્ય હતું) તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોએ કર્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પંજાબે પછી અમલ કરેલો.

સિનેમાઘરો, શાળા-કૉલેજો તો ઠીક પરંતુ ટીવી પર પણ રાષ્ટ્રગીત વગાડાતું હતું! ત્યારે જોકે ટીવી ઘરેઘરમાં નહોતું. ટ્વિટર પણ નહોતું નહીંતર ટ્વિટર પર સેક્યુલરો-લિબરલો મંડી પડ્યા હોત. અત્યારે તો એટલી ખરાબ મજાક ઉડાવાઈ કે વાત ન પૂછો. ૩ જૂન ૧૯૬૪ના રોજ ઉત્તર પ્રદેશનાં સાંસદ સરલા ભદૌરિયાએ સરકારને પ્રશ્ન કરેલો કે ટીવી પર જ્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે  દિલ્લીમાં લોકો ટીવી સામે ઊભા નથી થતા, બેઠા જ રહે છે, ત્યારે માહિતી અને પ્રસારણ પ્રધાન સત્યનારાયણ સિંહાએ જવાબ આપેલો કે સરકારને આ બાબતની જાણ નથી.

હવે મિશ્રજીની વાત. મિશ્રજીને ઇતિહાસ ચાણક્ય તરીકે ઓળખે છે. અટલ બિહારી વાજપેયી સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા બ્રિજેશ મિશ્રના તેઓ પિતા થાય અને ‘ઈસ રાત કી સુબહ નહીં’ ફિલ્મના નિર્દેશક સુધીર મિશ્રના દાદા થાય. તેમણે સરદાર પટેલના ઉપ મંત્રી તરીકે સ્વતંત્ર ભારતની પહેલી સરકારમાં ગૃહ ખાતામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. એક તરફ, તેમણે ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર લાગેલા પ્રતિબંધને ઉઠાવવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી તેવો દાવો પણ છે તો બીજી તરફ, તેમણે ગાંધીજીની હત્યા પછી સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવ ગોળવળકરની ધરપકડ કરાવવામાં ભૂમિકા ભજવી હોવાનું પણ કહેવાય છે. મિશ્રજીને સંઘના પ્રચારક, વિચારક અને ભારતીય મઝદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણ મંચ જેવી સંસ્થાઓના સ્થાપક દત્તોપંત ઠેંગડી સાથે ખૂબ જ સારું બનતું. ૧૭ ઑક્ટોબર ૧૯૪૯ના રોજ બેઠકમાં મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન તરીકે તેમણે સંઘના સ્વયંસેવકોને કૉંગ્રેસમાં સ્થાન મળે તે માટે તરફેણ કરતા કહેલું કે “જ્યારે કૉંગ્રેસીઓ જમાયતે-ઉલ-ઉલેમાના સભ્યોને કૉંગ્રેસના સભ્ય બનતા રોકતા નથી અને ભારત વિભાજનમાં જેની ભૂમિકા રહી છે તે મુસ્લિમ લીગના સભ્યોનું કૉંગ્રેસમાં સ્વાગત કરે છે તો પછી કોઈ કારણ નથી કે કૉંગ્રસીઓ સંઘના સભ્યોના કૉંગ્રેસમાં પ્રવેશનો  વિરોધ કરે.” મિશ્રએ એમ પણ કહેલું કે “વિભાજનકાળ વખતે હિંસામાં હિન્દુઓની રક્ષા કરવા માટે સંઘના સ્વયંસેવકો સિવાય કોણ તૈયાર હતું? સંઘના સ્વયંસેવકોએ પાકિસ્તાનના લાખો હિન્દુઓ જેમાં કૉંગ્રેસના નેતા અને કાર્યકર્તા પણ હતા તેમને મરતા બચાવેલા.” આમ, પહેલો દાવો વધુ યોગ્ય લાગે છે.

દ્વારકાપ્રસાદ મિશ્રનું વ્યક્તિત્વ આપણા ઈન્દુલાલ યાજ્ઞિક સાથે થોડું સામ્ય ધરાવે છે. ઈન્દુલાલ ગાંધીજી અને સરદાર પટેલના ટીકાકાર હતા તેમ દ્વારકાપ્રસાદ કૉંગ્રેસના હોવા છતાં જવાહરલાલ નહેરુના ટીકાકાર હતા. ઈન્દુલાલની જેમ તેમણે પણ ફિલ્મ નિર્માણ પર હાથ અજમાવેલો અને અમૃત બઝાર પત્રિકા (આજનું એબીપી)માં રિપોર્ટર તરીકે શરૂઆતમાં કામ પણ કરેલું. તેમણે પુસ્તક લખ્યું છે ‘ધ નહેરુ એપોચ: ફ્રોમ ડેમોક્રસી ટૂ મોનોક્રસી’. તેમણે પોતાના પુસ્તકમાં સરદાર પટેલે તેમને લખેલા પત્રનો સમાવેશ કર્યો છે જેમાં સરદાર પટેલે લખેલું, “જોકે નહેરુ ચોથી વાર કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા છે, પરંતુ હજુ પણ તેઓ એક બાળકના ભોળપણ (ચાઇલ્ડલાઇક ઇન્નોસન્સ) સાથે કામ કરે છે જેનાથી તેઓ આપણને બધાને બહુ મોટી મુશ્કેલીઓમાં મૂકી દે છે.” આ પત્રમાં સરદારે સંવિધાન સભામાં શીખ પ્રતિનિધિઓની ચૂંટણીમાં તેમનો હસ્તક્ષેપ અને કેબિનેટ મિશનના પ્રસ્તાવો વિશે પત્રકાર પરિષદમાં તેમની નકારાત્મક પ્રતિક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. પટેલ મુજબ, કેબિનેટ મિશનના પ્રસ્તાવ મુજબ, જે વચગાળાની સરકાર બની તે સાથે મુસ્લિમ લીગ પાસે નિષેધાધિકાર (વીટો)ની તાકાત બચતી નહોતી. પરંતુ નહેરુએ ૧૯૪૬માં કહ્યું કે બહુમતી અને લઘુમતી વચ્ચેની સમસ્યા હિન્દુસ્તાનની આંતરિક સમસ્યા હતી અને તેમાં અંગ્રેજોને દખલ દેવાની જરૂર નથી. તેનાથી ઝીણાને પાકિસ્તાનની માગણી ઉઠાવવાનું બહાનું મળી ગયું.

કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે સરદાર પટેલ તરફી પુરુષોત્તમદાસ (પી.ડી.) ટંડન ચૂંટાયા ત્યારે નહેરુનો તેમની સામે વિરોધ હતો. નહેરુની રીતિનીતિના કારણે ટંડને કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે સ્વમાનભેર હટી જવા નિર્ણય કર્યો પરંતુ મિશ્રજીના નેતૃત્વમાં કૉંગ્રેસની અંદર નહેરુ વિરોધી જૂથ બની ગયું હતું. નહેરુએ કૉંગ્રેસ કાર્યકારી સમિતિમાંથી રાજીનામું આપીને ત્રાગું કરેલું ત્યારે ૨૨ ઑગસ્ટ ૧૯૫૧ના રોજ મિશ્રજીએ એક જાહેર નિવેદન કરીને કહેલું કે નહેરુનાં કાર્યો આપખુદ પ્રકારનાં છે અને જો સરદાર પટેલ જીવતા હોત તો તેમણે તેમનો પૂરો ટેકો ટંડનને આપ્યો હોત. (ધ કૉંગ્રેસ પાર્ટી ઑફ ઇન્ડિયા: ધ ડાયનેમિક્સ ઑફ અ વન પાર્ટી ડેમોક્રસી, લેખક: સ્ટેનલી એ. કોચાનેક)

મિશ્રજીએ ચીન અને પાકિસ્તાન અંગે નહેરુની નીતિઓનો વિરોધ કર્યો પરિણામે તેમને કૉંગ્રેસમાંથી બહાર નીકળવું પડ્યું. રાજીનામા વખતે તેમણે નહેરુ પર ઘણા આક્ષેપો કર્યા. તેમણે ભવિષ્યવાણી કરેલી કે એક દિવસ નહેરુની નીતિઓના કારણે ચીન અને પાકિસ્તાન ભારત પર હુમલા કરશે. તેઓ એ વાતથી ખૂબ જ ક્રોધિત હતા કે ભારતે તિબેટને ચીનના હાથમાં સોંપી દીધું.

મિશ્રજીએ એમ પણ કહેલું કે “નહેરુ એમ માનતા કે સેક્યુલરિઝમ માત્ર હિન્દુઓએ જ રાખવું જોઈએ. જ્યારે તેમણે (નહેરુએ) સરદાર પટેલને પત્ર લખેલો કે હૈદરાબાદના મુસ્લિમોના મતને મહત્ત્વ મળવું જોઈએ. પરંતુ જમ્મુ-કાશ્મીર બાબતે નહેરુ આ વાત ભૂલી ગયેલા કે એ રાજ્ય હિન્દુ બહુમતીવાળું રાજ્ય છે.

કૉંગ્રેસ છોડ્યા પછી જન સંઘ (ભાજપનો પૂર્વાવતાર)માં જોડાયા અને પછી પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાયા હતા. તેઓ બાર વર્ષ કૉંગ્રેસથી દૂર રહ્યા. જોકે સમાજવાદીઓ એ વખતે કૉંગ્રેસ અને સંઘ બંને માટે પડકારરૂપ હતા. દત્તોપંત ઠેંગડી સાથે આ સમાજવાદીઓને કેવી રીતે પરાજિત કરવા તેના પરામર્શમાં મિશ્રજીએ કહેલું, “તેમના કાર્યકર્તાઓને આરામપ્રિય અને તેમના નેતાઓને સ્ટેટસ પ્રિય કરી દો (સ્ટેટસ એટલે વૉટ્સએપ-એફબી નહીં, પરંતુ માનમોભાનું સ્ટેટસ). કાર્યકર્તાઓ જનતા સાથેનો સંપર્ક ગુમાવી દેશે અને નેતાઓ કાર્યકર્તાઓ સાથેનો.” આજે કૉંગ્રેસ-ભાજપમાં આમ જ થયું છે ને.

જોકે મિશ્રજીને ઈન્દિરા ગાંધી સાથે સારું બનતું. તેથી તેઓ બાર વર્ષ પછી કૉંગ્રેસમાં પાછા ફર્યા અને બાદમાં મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન પણ બન્યા. કૉંગ્રેસમાં નહેરુજીના અવસાન બાદ ઈન્દિરાજી અને મોરારજી વચ્ચે સત્તાની સાઠમારી હતી. તેમની મહત્ત્વની ભૂમિકાના કારણે ઈન્દિરા અને મોરારજી વચ્ચે સમજૂતી થયેલી કે ઈન્દિરા વડાં પ્રધાન અને મોરારજી નાયબ વડા પ્રધાન બને. જોકે તે સમજૂતી તૂટી પડી અને કૉંગ્રેસના ઈન્દિરા અને સિન્ડિકેટ કૉંગ્રેસ એમ બે ભાગલા પડ્યા. તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહના મિડિયા ઍડ્વાઇઝર રહેલા હરીશ ખરે મુજબ, ડી. પી. મિશ્ર તરીકે પણ જાણીતા મિશ્રજીએ ઈન્દિરા ગાંધીને વડા પ્રધાન બનાવવા માટે તેમની તરફેણમાં મુખ્યપ્રધાનોને મનાવેલા. તેના કારણે તેમને ચાણક્યનું બિરુદ મળ્યું હતું.

આજે ઉત્તરાખંડમાં અને અરુણાચલ પ્રદેશમાં પક્ષપલટાના કારણે સરકાર તૂટતી અને બનતી જોઈએ છીએ પરંતુ દ્વારકાપ્રસાદ મિશ્રના સમયમાં આ ખેલ ખેલાતો હતો. ઈ.સ. ૧૯૬૩માં તેઓ જ્યારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા ત્યારે કૉંગ્રેસ પાસે માત્ર ૧૪૨ બેઠકો હતી. તે વખતે પ્રજા સમાજવાદી પક્ષ (પીએસપી)ના ચોવીસ ધારાસભ્યો પક્ષાંતર કરીને કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા!

મિશ્રજીના કાર્યકાળમાં વિદિશામાં બીજામંડલ મંદિર અને મસ્જિદનો વિવાદ ચગેલો. ઔરંગઝેબે બીજામંદિર (વિજયમંદિર)નો ધ્વંસ કર્યો હતો. તેના સ્થાને બનેલી મસ્જિદ બીજામંડલ મસ્જિદ કહેવાતી હતી. તેણે વિદિશાનું નામ બદલીને આલમગીરપુર રાખી દીધું હતું. પરંતુ મિશ્રજીએ ૧૯૬૫માં આ મસ્જિદને સંરક્ષિત સ્મારક ગણાવીને ત્યાં નમાઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

કેન્દ્રમાં કૉંગ્રેસ સરકારમાં માનવ સંસાધન પ્રધાન રહેલા અર્જુનસિંહ (જે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન પણ હતા) હોય કે ભાજપના સુંદરલાલ પટવા (તા.ક.: તેમનું ૨૮ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ નિધન થયું), તેઓ મિશ્રજીની કાર્યશૈલી પર ચાલતા હતા. વર્ષ ૨૦૦૦માં તેમની જન્મશતાબ્દિ ઉજવાઈ ત્યારે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ વડા પ્રધાનો નરસિંહરાવ,  ઈન્દ્રકુમાર ગુજરાલ એમ બધા પક્ષના મહાનુભાવો એકત્ર થયા હતા. હરીશ ખરે મુજબ, મિશ્ર તેમના રાજકીય હરીફોને દુશ્મન નહોતા માનતા.

અત્યારે આવું કોઈ વ્યક્તિત્વ છે ખરું?

gujarat, hindu, politics, sikka nee beejee baaju

આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

બ્રિટિશરોએ પોતાનું આડકતરું શાસન ચાલુ રાખવા માટે દેશની શિક્ષણ વ્યવસ્થા સમૂળગી બદલી નાખી. તે પછી કૉંગ્રેસના લાંબા શાસનમાં સામ્યવાદીઓના હાથમાં શિક્ષણ તંત્ર મોટા ભાગે આવ્યું અને કૉંગ્રેસ તરફી ઇતિહાસ તેમજ હિન્દુ વિરોધી ઇતિહાસ ભણાવાતો રહ્યો અને હજુ ભણાવાય છે. આના વિશે મુંબઈ સમાચારના આદરણીય કૉલમિસ્ટ સૌરભ શાહે ઉત્તમ લેખન કર્યું છે. કેવું કેવું ભણાવાય છે તે પુનરાવર્તિત કરવાની જરૂર નથી.

પરંતુ એ બધું કૉંગ્રેસ શાસનમાં થયું અને એટલે એવું જ હોય તેવું માની લઈએ પરંતુ નરેન્દ્ર મોદી સરકારને અઢી વર્ષ થઈ ગયા છે ત્યારે એ બધું હજુ પણ ચાલુ રહે તે કેવું? સંઘ-ભાજપની મોટી તકલીફ એ છે કે તે જ્યારે સત્તામાં આવે છે ત્યારે વિરોધી વિચારધારાવાળા ઘૂસી જાય છે અને સરકારને ગેરમાર્ગે દોરતા રહે છે. કહેવાતાં મોટાં નામો પોતાની છાવણીમાં આવે ત્યારે સંઘ-ભાજપ પણ ફૂલાઈ જાય છે અને તેમને બે હાથે આવકારે છે, એમ માનીને કે તેમને આપણે બદલી નાખીશું, પરંતુ તેવું થતું નથી. ઘણી વાર તો હંમેશાં વિરોધ કરનારા- કહેવાતા મોટા ઇતિહાસકાર-સમાજસેવક-નેતા- કૉલમિસ્ટ-લેખ વગેરેને સમારંભોમાં બોલાવાય- કૉર ટીમમાં સામેલ કરાય છે, તેમની સાથે સંઘ-ભાજપના લોકો પોતાની સેલ્ફી લઈ પોતાને ગર્વાન્વિત અનુભવે છે. ચાલો માનીએ કે એક વાર બોલાવી લઈ અખતરો કર્યો કે સામે વાળી વ્યક્તિ બદલાય છે કે નહીં. પરંતુ તે વ્યક્તિ જ્યારે તમારો વિરોધ જ કરતી રહે અને પોતે કથિત મોટી વ્યક્તિ છે તેવા તે વ્યક્તિના પ્રચારના ભ્રમમાં તેને તમે બોલાવતા રહો ત્યારે તે વ્યક્તિને પણ મજા આવતી હોય છે. તે તેનો ફાયદો ઉઠાવી પોતાની છાવણીમાં એવો પ્રચાર કરે છે કે આ લોકોનો વિરોધ કરો તો તમને બોલાવે. આ રીતે તેઓ પોતાનું માર્કેટિંગ કરી લે છે. કૉંગ્રેસ-સામ્યવાદીઓ ક્યારેય આવું કરતા નથી.

જ્યારે ઇતિહાસકારો-ફિલ્મકારો-વૈજ્ઞાનિકો એવૉર્ડ પાછા આપી રહ્યા હતા ત્યારે પણ સંઘ-ભાજપ પાસે બહુ ઓછા લોકો હતા જે ટીવી પર કે અન્યત્ર તેમની તરફેણમાં આવી શકે, કારણકે જે તરફેણવાળા લોકો છે તેમની હંમેશાં અવગણના કરવાનું જ સંઘ-ભાજપ શીખ્યા છે. આનું સૌથી મોટું ઉદાહરણ સુધીન્દ્ર કુલકર્ણી અને અરુણ શૌરી છે. સુધીન્દ્ર કુલકર્ણી ડાબેરી સીપીએમના કાર્ડ હૉલ્ડર હતા. તેઓ પહેલાં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સલાહકાર બની ગયા અને તેઓ નિવૃત્ત થયા તે પછી લાલકૃષ્ણ અડવાણીના. તેમણે અડવાણીને ગેરમાર્ગે દોર્યા હોવાનું જાણીતું છે. તા. ૪/૧૨/૧૬ની આ કૉલમ(“કૉંગ્રેસ સરકારે સૂચના આપેલી કે તેલંગણા, અન્નાને ન દેખાડો”)માં આપણે જોયું હતું કે કેશ ફોર વૉટનું સ્ટિંગ કર્યા પછી ભાજપ નેતૃત્વએ એ સ્ટોરી બ્રેકિંગ ન્યૂઝ માટે રાજદીપ સરદેસાઈના વડપણવાળી સીએનએનઆઈબીએન ચેનલને આપેલી. અને દેખીતી રીતે જ રાજદીપે એ સ્ટોરીને પ્રસારિત ન કરીને કૉંગ્રેસ સરકારનું હિત સાધી આપેલું.

અરુણ શૌરીનો દાખલો લઈએ તો, શૌરીએ એક પત્રકાર તરીકે કટોકટી કાળમાં ખૂબ જ સારું કામ કર્યું હતું. તેમણે ‘વર્લ્ડ ઑફ ફતવા’ જેવું પુસ્તક લખ્યું. મુસ્લિમ મહિલાઓને ત્રણવાર તલાક બોલીને અપાતા છૂટાછેડા સામે પણ તેમણે વિરોધ કર્યો હતો. રાજીવ ગાંધી સરકારે સર્વોચ્ચના ચુકાદાને બદલીને શાહબાનો નામના વૃદ્ધ મહિલાને છૂટાછેડા પછી પતિ દ્વારા ભરણપોષણથી વંચિત રાખેલાં તેનો તેમણે વિરોધ કર્યો હતો. તેમણે છડેચોક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના હેતુઓને સમર્થન આપ્યું છે. તેમણે ખ્રિસ્તી મિશનરીઓ પર પુસ્તક લખ્યું છે. પરંતુ તેમણે ૨૦૦૯ની ચૂંટણી પછી ભાજપને આત્મમંથન કરવા સલાહ આપી તેથી તેઓ ધીમે ધીમે હાંશિયા પર ધકેલાતા ગયા.

આ પૂર્વભૂમિકા એટલા માટે કે કહેવાતા લિબરલો કેવા કટ્ટર છે તેનું વધુ એક ઉદાહરણ તાજેતરમાં બહાર આવ્યું. અન્ય ચેનલો પર રોજેરોજ એટીએમનો કકળાટ બતાવાઈ રહ્યો હતો ત્યારે ઝી ન્યૂઝ ચેનલે શિક્ષણમાં કેવું ઝેર ફેલાવાય છે તેનો ચોંકાવનારો રિપૉર્ટ બતાવ્યો. રિપૉર્ટ સીબીએસઇના ધોરણ બારમામાં ભણાવાતા પૉલિટિકલ સાયન્સ વિશે હતો. જી હા, એ જ પોલિટિકલ સાયન્સ જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. અને એ જ મોદી સરકારનાં અઢી વર્ષના શાસન છતાં વર્ષ ૨૦૦૨નાં ગુજરાત રમખાણો વિશે હજુ પણ ભણાવાય છે!

હા, એ જ રમખાણો, જેણે નરેન્દ્ર મોદીને ઘણા બધાની દૃષ્ટિમાં ઝીરો બનાવ્યા અને ઘણા બધાની દૃષ્ટિમાં હીરો બનાવ્યા. એ જ રમખાણો, જેના લીધે નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા ન મળ્યા. એ જ રમખાણો, જેના લીધે મોદીએ વર્ષ ૨૦૧૧માં પોતાની છબી બદલવા માટે સદ્ભાવના મિશન નામના ઉપવાસોના કાર્યક્રમો કરવા પડ્યા. એ જ રમખાણો, જેના લીધે મોદી વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયે ઝાહિરા શૈખ કેસમાં તીખું અવલોકન કર્યું હતું અને મોદીને વર્તમાન નીરો સાથે સરખાવ્યા હતા. એ જ રમખાણો, જેના લીધે મોદીએ કરણ થાપરના ઇન્ટરવ્યૂને અધવચ્ચે જ અટકાવી દીધો હતો. અને તેમ છતાં એ રમખાણો બારમા ધોરણમાં ભણાવાય અને તે પણ મોદી સરકારના નાક નીચે તે કેવું!

અને આ કંઈ એવું નથી કે ઝી ન્યૂઝના રિપોર્ટથી જ આ જાણકારી બહાર આવી. આ તો છેક વર્ષ ૨૦૦૬થી જાહેર થયેલું છે. અર્થાત્ કે આ વાતને દસ વર્ષ વિતી ગયાં. આ કોઈ ચૂપકીદીથી કરાયેલું કામ નહોતું. તેના વિશે ૨૦૦૬માં સમાચારપત્રોમાં અહેવાલો આવ્યા હતા કે એનસીઇઆરટી પૂટ્સ ગુજરાત રાયૉટ્સ ઇન ટૅક્સ્ટબુક. ૨૦૦૬થી માંડીને અત્યાર સુધી ભાજપમાં કોઈને આ વિશે ખબર જ નહોતી? સંસદમાં આ મામલે કોઈએ અવાજ જ ન ઉઠાવ્યો? રાજકીય વિજ્ઞાનમાં ઇતિહાસ ન ભણાવવો જોઈએ તેવું કહેવાનો હેતુ નથી. વિરોધ એ વાતનો છે કે માત્ર હિન્દુ વિરોધી દૃષ્ટિકોણ વિકસે અને એ કરતાંય આતંકવાદી તૈયાર થાય તેવું વિચારબીજ રોપાય તે બિલકુલ ચલાવી ન લેવાય.

પૉલિટિકલ સાયન્સના ધોરણ બારના વિષયમાં ભણાવાય છે કે “ગુજરાત કે મુસ્લિમ વિરોધી દંગે”. તેમાં ગોધરામાં સાબરમતી ઍક્સ્પ્રેસના એસ-૬ ડબ્બાને ષડયંત્રપૂર્વક સળગાવી દઈ ૫૯ નિર્દોષ કારસેવકોને બાળીને મારી નખાયાની ઘટનાનો મામૂલી ઉલ્લેખ કર્યો છે અને લખાયું છે કે કેટલાક મુસ્લિમોએ આ કૃત્ય કર્યું હોવાના સંદેહ પર મુસ્લિમ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં. હકીકતે ૨૦૦૨નાં રમખાણોમાં હિન્દુઓ પણ મર્યા જ હતા. એટલે તેને મુસ્લિમ વિરોધી દંગે કેવી રીતે કહી શકાય? આ તો પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ તૈયાર કરવાની ફૅક્ટરી કે પછી ભારતમાં કેટલીક મદરેસાઓમાં ભણાવાતા અભ્યાસ જેવો કિસ્સો થયો. અને વળી રમખાણો ભણાવવાં જ હોય તો દેશમાં કે પછી કમ સે કમ ગુજરાતમાં થયેલાં તમામ રમખાણો આવરી લેવાં જોઈએ. ઝી ન્યૂઝના પત્રકાર રાહુલ સિંહાએ સારો શબ્દ સૂચવ્યો કે તેને મુસ્લિમ વિરોધી દંગેના બદલે સમાજવિરોધી દંગે કહી શકાયું હોત.

આ પુસ્તકમાં અયોધ્યાનો વિવાદિત ઢાંચાનો ઇતિહાસ પણ ભણાવાય છે પરંતુ કાશ્મીરમાં આયોજનપૂર્વક હિન્દુઓને તગેડી મૂકાયા તે ઇતિહાસ કે પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓનો નરસંહાર અને તેમના પર ધર્મના આધારે થતા અન્યાય-અત્યાચારનો ઇતિહાસ સિફતપૂર્વક ચૂકી જવાયો છે.

વળી આ રમખાણોમાં સરકારી મશીનરીનો ઉપયોગ થયો હોવાનું કહીને તત્કાલીન મોદી સરકાર તરફ પણ અંગૂલિનિર્દેશ કરાવાનું ભૂલાયું નથી. અને આ પાઠ્યપુસ્તક પાછળ ભેજું કોનું છે? યોગેન્દ્ર યાદવનું. એ જ યોગેન્દ્ર યાદવ (જેમણે હરિયાણા ચૂંટણી વખતે જાહેર કરેલું કે તેમનું ખરું નામ સલીમ છે) જે દૂરદર્શન પર પ્રણોય રોયના ચૂંટણી કવરેજ વખતે અને બાદમાં એનડીટીવી પર સેફોલૉજિસ્ટ તરીકે આવતા હતા, જે બાદમાં વર્ષ ૨૦૧૧માં ભ્રષ્ટાચાર સામેના અણ્ણા હઝારેના આંદોલનમાં જોડાયા, જેમણે અરવિંદ કેજરીવાલ સાથે આમ આદમી પક્ષ રચ્યો, દિલ્લીમાં જીત પાછળ મુખ્ય ભેજું બન્યા, જેને અને પ્રશાંત ભૂષણને કેજરીવાલે ખૂબ જ આપખુદ રીતે કાઢી મૂક્યા અને જેમણે થોડા સમય પહેલાં સ્વરાજ ઇન્ડિયા નામના પક્ષની રચના કરી.

એ યોગેન્દ્ર યાદવ આ રમખાણોવાળો અભ્યાસક્રમ દાખલ કરાયો ત્યારે એનસીઇઆરટીની ટેક્સ્ટ બુક તૈયાર કરવાની પેનલમાં મુખ્ય સલાહકાર હતા. તેમણે વર્ષ ૨૦૦૬ના એ પ્રેસ રિપોર્ટમાં કહ્યું હતું કે “અમે આ બનાવો (એટલે કે અયોધ્યા-ગુજરાત રમખાણો) વિશે સત્ય કહીશું. ટેક્સ્ટબુક તટસ્થ રીતે તૈયાર લખાશે અને તેમાં આ મુખ્ય બનાવ પહેલાંના અને પછીના ઘટનાક્રમ પણ હાઇલાઇટ કરાશે.” અહીં આ “પણ” અને “હાઇલાઇટ” શબ્દો નોંધવા જેવા છે. હાઇલાઇટનો અર્થ ઝલક માત્ર થતો હોય છે. તેમાં ડિટેલિંગ નથી આવતું. તેથી ઘટના શા માટે બની તે જાણવા ન મળે. અને “પણ” શબ્દ જાણે ઉપકાર કરતા હોય તેવો ભાવ દર્શાવે છે. જોકે હકીકતે તટસ્થ રીતે કંઈ લખાયું નહીં, તેમની મનમાં જે ધારણા હતી (અને સરકાર દ્વારા જે કંઈ સૂચના હશે) તેમ જ લખાયું.

જોવા જેવી વાત એ છે કે (લિબરહાન પંચને લગતો) અયોધ્યા કેસનો હજુ ચુકાદો આવ્યો નથી. ૨૦૦૬માં સાબરમતી ઍક્સ્પ્રેસને સળગાવી દેવાયા પછીનાં રમખાણોના કેસોનો ચુકાદો પણ આવ્યો નહોતો તો પછી યોગેન્દ્ર યાદવ અને તેમના સાગરિતો કઈ રીતે એવો અભ્યાસક્રમ તૈયાર કરાવી શકે જેમાં કૉર્ટના ચુકાદા પહેલાં જ ચુકાદો આપી દેવાય?

જોવા જેવી વાત એ પણ છે કે સીબીએસઇના અભ્યાસક્રમમાં પ્રથમ વડા પ્રધાન નહેરુ બંધારણના ઘડવૈયા આંબેડકરને ચાબુક મારતા હોય તેવા કાર્ટૂન અંગે ૧૧ મે ૨૦૧૨ના રોજ સંસદમાં હોબાળો થતાં માનવ સંસાધન પ્રધાન કપિલ સિબલને માફી માગવી પડી હતી. તે સાંજે યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલ્શિકરને એનસીઇઆરટીમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. આનો અર્થ એ થયો કે યોગેન્દ્ર યાદવ ભલે ‘આપ’ પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેઓ કૉંગ્રેસ સરકારની ગુડ બુકમાં તો, આ વિવાદ થયો ત્યાં સુધી હતા જ. ૧૯૬૧માં જ્યારે એનસીઇઆરટીની સ્થાપના કરાઈ ત્યારે શિક્ષણને રાષ્ટ્રની એકતા માટેનું એક અગત્યનું માધ્યમ ગણવામાં આવતું હતું પરંતુ સલીમ યાદવ ઉર્ફે યોગેન્દ્ર યાદવ જેવા સલાહકારોએ તેને હિન્દુ-મુસ્લિમોને વિભાજિત કરવાનું માધ્યમ બનાવી દીધું અને ભગતસિંહ જેવા દેશભક્તને ત્રાસવાદી ગણાવ્યા.

સલીમ યાદવ ઉર્ફે યોગેન્દ્ર યાદવ જેવા શિક્ષણ સલાહકારોને પ્રશ્ન એ પણ પૂછવો જોઈએ કે જ્યારે કોઈ આતંકવાદી ઘટના બને છે ત્યારે તમે લોકો કહો છો કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, તો પછી રમખાણોનો ધર્મ તમે કેવી રીતે નક્કી કર્યો? ગુજરાતનાં મુસ્લિમ-હિન્દુ રમખાણોને તમે મુસ્લિમ વિરોધી રમખાણો એવું લેબલ કયા આધારે આપ્યું?

તમે આવું ભણાવીને શાળાઓમાં આતંકવાદીઓ તૈયાર કરવા માગો છો કે શું? મુસ્લિમ વિદ્યાર્થી આ ભણશે તો શું વિચારશે? ગુજરાતી હિન્દુઓએ અમારા ભાઈઓ પર કેટલા અત્યાચાર કર્યા? હિન્દુ વિદ્યાર્થી આ ભણશે તો એવું જ વિચારશે ને કે અમારા હિન્દુ ભાઈઓ કેવા કે નિર્દોષ મુસ્લિમોને રહેંસી નાખ્યા?

અને આ અભ્યાસક્રમ માટે માત્ર યોગેન્દ્ર યાદવ જ નહીં, તે વખતની કૉંગ્રેસ સરકાર, માનવ સંસાધન પ્રધાન કપિલ સિબલ પણ જવાબદાર છે; પણ તે કરતાંય છેલ્લા અઢી વર્ષથી રાષ્ટ્રવાદના બણગા ફૂંકતી મોદી સરકાર વધુ જવાબદાર છે. સરકાર પાસે હજુ પણ અઢી વર્ષ છે. આવા લોકો જે આવી મહત્ત્વની સંસ્થાઓમાં બેઠા છે તેમને વિરોધની પરવા કર્યા વગર તગેડી મૂકવા જ રહ્યા.

media, sikka nee beejee baaju

“કૉંગ્રેસ સરકારે સૂચના આપેલી કે તેલંગણા, અન્નાને ન દેખાડો”

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૦૪/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

(ગતાંકથી ચાલુ)

કહેવાતા લિબરલો કેટલા ઉદાર છે તેનાં ત્રણ ઉદાહરણ આપણે ગયા અંકે જોયાં. વાતને આગળ ધપાવીએ. ‘ન્યૂઝ લૉન્ડ્રી’ વેબસાઇટના સ્થાપક તંત્રી મધુ ત્રેહાને પુણ્ય પ્રસૂન વાજપેયીના લીધેલા ઇન્ટરવ્યૂમાં કહેવાતા ઉદારતાવાદીઓની ઉદારતા વધુ ખુલ્લી પડે છે. પુણ્ય પ્રસૂન કહે છે કે “કૉંગ્રેસ સરકાર અમને એડવાઇઝરી આપે છે. કેટલીક ચીજો તમારા સ્ક્રીન પર ન દેખાડો. અત્યારે દરેક સંપાદક કાં તો ડરેલો છે અથવા તો સત્તાની સમીપ રહેવાનું સુખ મેળવવા માગે છે….તે સમયે તેલંગણાનો મુદ્દો (આંદોલન) ચાલી રહ્યો હતો. તો સરકારે કહેલું કે તેને ન દેખાડો….અત્યારે કહે છે કે અન્નાને ન દેખાડો…પહેલાં જે (ચેનલો) અન્નાને દેખાડતી હતી તે હવે નથી દેખાડતી.” મધુ કહે છે કે “અન્નાએ છેલ્લા જે ઉપવાસ કર્યા તે ટીવીમાં ઓછા દેખાડ્યા…તેનું કારણ તમે જે કહો છો તે (સરકારની સૂચના) છે.” પુણ્ય પ્રસૂન કહે છે, “ (મનમોહન સરકાર વખતે) પીએમઓમાં જ્યારે ટી. કે. નાયર પ્રિન્સિપાલ સેક્રેટરી હતા ત્યારે તેમણે એક પાર્ટી રાખી હતી. બધા જ એડિટરો હાજર હતા અને બધાના હાથમાં (દારૂના) જામ હતા.” હવે આ બધું બંધ થઈ ગયું છે અને એટલે જ દિલ્લીના પત્રકારોના પેટમાં દુઃખે છે!

આઈબીએન સેવન (અત્યારે ન્યૂઝ ૧૮)  હિન્દી ચેનલના પૂર્વ મેનેજિંગ એડિટર અને અત્યારે આમ આદમી પક્ષના નેતા આશુતોષનો પણ મધુએ ઇન્ટરવ્યૂ લીધો છે. (જોકે તે વખતે તેઓ ‘આપ’માં જોડાયા નહોતા.) આ ઇન્ટરવ્યૂમાં અંગ્રેજી પત્રકારત્વ સામે હિન્દી (આપણે તેની જગ્યાએ ગુજરાતી કે અન્ય સ્થાનિક ભાષાને પણ મૂકી શકીએ) પત્રકારત્વ વચ્ચેની સરખામણી આબાદ છતી થાય છે.

પછી અન્ના હજારેની વાત નીકળે છે. આશુતોષ કહે છે, “કહેવાતા બુદ્ધિજીવીઓ ભ્રષ્ટાચાર સામે જબરદસ્ત આંદોલન ખડું કરનાર અન્નાને નીચા દેખાડવા પ્રયાસ કરે છે કારણકે એ માણસ સાતમું ધોરણ પાસ છે, તેણે સેના છોડી છે, તેઓ અંગ્રેજી નથી બોલતા, કૉન્વેન્ટ ગ્રેજ્યુએટ નથી, તેમણે જેએનયુમાંથી ભણતર નથી મેળવ્યું.” હવેની વાત ધ્યાન દઈને વાંચજો. આશુતોષ કહેવાતા ઉદારતાવાદી-દંભી બુદ્ધુજીવીઓને કેવા ઉઘાડા પાડે છે. તેઓ કહે છે, “આ બુદ્ધિજીવીઓનો દંભ જુઓ. આ જ લોકો વિનાયક સેનનું મહિમા ગાન કરે છે કારણકે તે સારું અંગ્રેજી બોલે છે અને અંગ્રેજીમાં ભણાવે છે. અને વિનાયક સેન કોણ છે? એ જે ભારતીય બંધારણમાં માનતા નથી. તેઓ ભારતની લોકશાહીમાં માનતા નથી. તેઓ ભારતની સંસદમાં માનતા નથી. અને તેઓ હિંસામાં માને છે. “

અનેક પત્રકારોના આદર્શ, હિન્દુ વિરોધીઓના પ્રિય એવા રાજદીપ સરદેસાઈના ઇન્ટરવ્યૂમાં ટૅક ઑફ પોઇન્ટ રાજદીપના પુસ્તક ‘૨૦૧૪: ધ ઇલેક્શન ધેટ ચેન્જ્ડ ઇન્ડિયા’ છે. આખા ઇન્ટરવ્યૂ પર બેથી ત્રણ લેખ થાય તેમ છે, પરંતુ આપણે તેમાંથી થોડી જ વાત લઈશું.

શરૂઆતમાં રાજદીપ નામ લીધા વગર મોદી વિરોધી વાત કરે છે કે “અત્યારના નેતાઓ કરતાં પહેલાંના નેતા સારા હતા. અત્યારે તો ટીકા કરો તો તમને દુશ્મન માનવા લાગે છે.” તો મધુ ત્રેહાન કહે છે, “ના રાજદીપ. હું તમને કહું. મોરારજી દેસાઈએ મને પ્રેસ કૉન્ફરન્સમાંથી તગેડી મૂકી હતી. ઈન્દિરા ગાંધીએ ‘ઇન્ડિયા ટૂડે’ના પત્રકારને કાઢી મૂક્યો હતો. જવાહરલાલ નહેરુને જ્યારે લાગ્યું કે તેમની ટીકા થઈ રહી છે ત્યારે તેમણે કલમ ૧૯માં સુધારો કર્યો હતો.”

રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત વગેરે સેક્યુલર પત્રકાર ટોળીએ ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો છેક સુધી ઉછાળ્યે રાખ્યો. વર્ષ ૨૦૧૨માં સુપ્રીમ કૉર્ટ તરફથી નરેન્દ્ર મોદીને રમખાણો અંગે ક્લીન ચિટ મળી અને વર્ષ ૨૦૧૩માં યુકેના સાંસદો તરફથી તેમને આમંત્રણ મળ્યું ત્યારે સીએનએન-આઈબીએન પર રાજદીપે બ્રિટનના લેબર પાર્ટીના સાસંદ બેરી ગાર્ડનર સાથે વાત કરી તે ઇન્ટરવ્યૂ યૂ ટ્યૂબ પર જોવા જેવો છે. બેરી ગાર્ડનર મોદીની ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સફળતાની વાત કરે છે, ગુજરાતમાં થયેલી આર્થિક ક્રાંતિની વાત કરે છે, તેઓ ભારતના ખૂબ જ મહત્ત્વના રાજકારણી અને વિપક્ષના નેતા હોવાની વાત કરે છે, પરંતુ રાજદીપની પિન ૨૦૦૨ પર ચોંટી જાય છે. બેરી કહે છે કે “સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે માન આપીએ છીએ.” પણ રાજદીપ પ્રશ્ન પૂછે છે કે શું મોદી મનમોહન કરતાં વધુ સારા વડા પ્રધાન પદના ઉમેદવાર છે? ગાર્ડનર કહે છે કે “ભારતના રાજકારણમાં અમારે માથું ન મારવાનું હોય. અમે તો બ્રિટનના ગુજરાત સાથેના સારા સંબંધોને ધ્યાનમાં લઈએ છીએ.”

અરે! રાજદીપે તો મોદી વડા પ્રધાન બન્યા અને અમેરિકા ગયા તો ત્યાં પણ મેડિસનમાં ૨૦૦૨નાં રમખાણોના મુદ્દે પ્રશ્ન પૂછી એનઆરઆઈઓને ઉશ્કેર્યા અને તેમના હાથે માર ખાધો. એટલે રાજદીપના પુસ્તકની વાતમાં રમખાણોનો મુદ્દો કેમ છૂટી જાય? મધુ વારંવાર પૂછે છે કે “તમે મોદીને જ કેમ નિશાન બનાવ્યા? અન્ય રમખાણો કેમ નહીં?” રાજદીપ હાસ્યાસ્પદ બચાવ કરે છે કે “૮૪નાં રમખાણો વખતે હું ૧૯ વર્ષનો જ હતો…તે વખતે પત્રકાર નહોતો. એટલે કેમ કહી શકું? ૯૨-૯૩ વખતે મેં કૉંગ્રેસ-એનસીપીની સરકારને ઘેરી હતી અને શિવસેના-ભાજપને પણ.” અહીં રાજદીપ ભૂલી જાય છે કે તે વખતે એનસીપીનો ઉદ્ભવ પણ નહોતો થયો. અને તેઓ શિવસેના-ભાજપનું નામ લેવાનું ભૂલતા નથી. માની લઈએ કે ‘૮૪ વખતે રાજદીપ નાના કીકલા હતા પરંતુ ૨૦૦૨ વખતે તો તેઓ ‘૮૪ની વાત કરી શકતા હતા. ૯૨-૯૩ વખતે શરદ પવારે તેમને પત્રકાર પરિષદમાંથી હાંકી કાઢેલા કારણ કે સેના મોકલવામાં વિલંબ અંગે રાજદીપે પ્રશ્ન પૂછેલો, પરંતુ ૯૨-૯૩નાં રમખાણો વખતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કોણ હતા તે યાદ છે? મધુ રાજદીપને છોડે તેમ નથી. તેઓ પૂછે છે કે “એ બધું જવા દ્યો. મુઝફ્ફરનગર…” તો રાજદીપ ફરી એ જ રેકર્ડ વગાડે છે કે “મેં ૯૨-૯૩નાં રમખાણો પણ ગુજરાતનાં રમખાણોની જેમ સઘન રીતે જ કવર કર્યા હતા.”

આ ઇન્ટરવ્યૂ જેમ અંત તરફ આગળ વધે છે તેમ રાજદીપ પોતે જ કહે છે, “જ્યારે અમે દૂરદર્શન માટે એનડીટીવીનો કાર્યક્રમ ન્યૂઝ ટુનાઇટ કરતા હતા ત્યારે અમારે એક માણસને વિડિયો ટેપ લઈને દૂરદર્શન પર મોકલવો પડતો. તે કાર્યક્રમ સેન્સર થાય પછી જ અમે તે પ્રસારિત કરી શકતા. એક વખત નરસિંહરાવના સચિવે અમને કહ્યું કે ન્યૂઝ તો સરકારની મોનોપોલી છે. તેને તમે વાપરી શકો નહીં. અને અમારે આખા કાર્યક્રમમાંથી એ શબ્દ દૂર કરવો પડ્યો હતો. અને એ રીતે એ કાર્યક્રમનું નામ ન્યૂઝ ટુનાઇટમાંથી ટુનાઇટ થયું.” વિચારો! જો અત્યારે આવું થયું હોય તો રાજદીપ, બરખા, રવીશકુમાર આણિ મંડળી એનડીટીવી પર, ફેસબુક-ટ્વિટર પર કેટલી મજાક ઉડાવે? માઇમવાળાઓને બોલાવી કેવાં નાટકો કરે! ઇન્ટરવ્યૂના અંતમાં રાજદીપ પોતે જ સ્વીકારે છે કે “દૂરદર્શનના જમાના કરતાં અત્યારનો જમાનો વધુ સારો છે. અત્યારે આપણે માનવું પડશે કે (અભિવ્યક્તિની) સ્વતંત્રતા શું છે અને તેનો વધુ સારો ઉપયોગ (મોદીને ગાળો દેવા માટે) કરવો પડશે.”

કહેવાતા ઉદારતાવાદી રાજદીપ સરદેસાઈની ઉદારતાનો વધુ એક દાખલો એટલે કેશ ફૉર વૉટ કૌભાંડ. ૨૦૦૮માં અમેરિકા સાથે પરમાણુ સમજૂતીના મુદ્દે ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો અને સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો. પૂરી શક્યતા હતી કે સોનિયા ગાંધી દ્વારા પડદા પાછળ ચલાવાતી કૉંગ્રેસ સરકાર તૂટી પડે. આ મુદ્દે ડાબેરી પક્ષના એ. બી. બર્ધને હૉર્સ ટ્રેડિંગ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં કહેલું કે એક સાંસદ માટે રૂ. ૨૫ કરોડની બોલી બોલાય છે. આ મુદ્દે કૉંગ્રેસના નેતાઓ પકડાય તેમ હતા. તેઓ ભાજપના ત્રણ સાંસદોને ખરીદવા માગતા હતા. ભાજપે સીએનએન-આઈબીએન પર આ સ્ટિંગ થાય તે માટે રાજદીપનો સંપર્ક કર્યો. ચેનલના યુવાન પત્રકાર સિદ્ધાર્થ ગૌતમે સ્ટિંગ કર્યું, પરંતુ રાજદીપ સરદેસાઈએ સ્ટિંગનું પ્રસારણ અટકાવી દીધું! તેમણે ચેનલ પર તે રાત્રે કારણ શું આપ્યું? ‘રાષ્ટ્રના હિતમાં અમે આમ  કર્યું છે.” આ સ્ટિંગમાં ચર્ચાતી વાતો મુજબ, સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ પણ સાંસદોને ખરીદવાના કૌભાંડમાં સામેલ હતા. ઇન્ટરવ્યૂમાં રાજદીપ ગોળગોળ શબ્દોમાં કહે છે, “અમે જર્નાલિસ્ટિક એક્સર્સાઇઝ કરવા માગતા હતા…તે દિવસે બીજા ઘણા મહત્ત્વના સમાચારો હતા…અમે વકીલોનો અભિપ્રાય માગ્યો હતો…” મધુ પોઇન્ટેડ સવાલ પૂછે છે, ““વ્હાય ડિડ યૂ કિલ ધ સ્ટોરી? તમારે એવા વકીલ પકડવા જોઈએ જે ગમે તેમ આ સ્ટોરી પ્રસારિત કરવા તમને કાનૂની રસ્તો શોધી આપે.” રાજદીપ પાસે કોઈ જવાબ નથી.

મધુ પૂછે છે, “સિદ્ધાર્થ ગૌતમે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ ટેપને બાદમાં એડિટ કરીને તપાસ સમિતિને અપાઈ હતી.” રાજદીપ ફરી પાંગળો બચાવ કરે છે, “મને નથી લાગતું, તેણે આવું કહ્યું હોય. અમે તો ટેપને હાથ પણ નહોતો લગાડ્યો.” પણ રાજદીપ સ્વીકારે છે કે કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે અને અહેમદ પટેલને આ ટેપ અંગે તેમને ફોન કર્યો હતો. હકીકતે તો એ વખતે ભાજપનું નેતૃત્વ જ બેવકૂફ પુરવાર થયું. અડવાણીજીના સલાહકાર સુધીન્દ્ર કુલકર્ણી મૂર્ખ બનાવી ગયા કે બન્યા. તેમને ખબર હોવી જોઈએ કે આટલાં વર્ષોથી રાજદીપનો ઝોક હંમેશાં ભાજપવિરોધી જ રહ્યો છે. તેને આવી સ્ટોરી ન સોંપાય.

બીજાને ઉદાર થવાની અને પોતાને પ્રશ્નો પૂછવાની સત્તા આપવા સલાહ આપતી ચેનલ એનડીટીવીની ફરી વાત કરીએ. બરખા દત્તે વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલાના લાઇવ પ્રસારણ દરમિયાન કેવા ગંભીર ઇનપૂટ ત્રાસવાદીઓને પૂરા પાડી દીધા તે અંગે ચૈતન્ય કુંતે નામના બ્લૉગરે બ્લૉગ પૉસ્ટ લખેલી. (બ્લૉગ અને સોશિયલ મિડિયા જેવા અલ્ટરનેટિવ મિડિયાના કારણે કેટલાક સ્થાપિત હિત ધરાવતા પત્રકાર-કૉલમિસ્ટોને પેટમાં દુઃખી રહ્યું છે કારણકે તેમની પોલ ખુલ્લી પડી જાય છે.) બરખા દત્તે એનડીટીવી દ્વારા લિગલ નૉટિસ આપીને એ પૉસ્ટ દૂર કરાવડાવી! (જો મોદીએ આવું એનડીટીવીની વેબસાઇટ પર કરાવ્યું હોય તો એ જ બરખા દત્ત ગોકીરો મચાવી દે.) મધુ ત્રેહાનને આપેલા ઇન્ટરવ્યૂમાં બરખા દત્તે સ્વીકારવું પડ્યું કે ઓબેરોય હોટલમાં કેટલા લોકો છુપાયા છે તેની માહિતી તેણે આપી હતી. સુપ્રીમ કૉર્ટે ૨૦૦૮ના મુંબઈ હુમલા પર ચુકાદો આપતી વખતે કહેલું કે લાઇવ ટીવી કવરેજના કારણે રાષ્ટ્રની સુરક્ષા ખતરામાં મૂકાઈ ગઈ હતી!

economy, sikka nee beejee baaju

“હું લાઇનમાં એટલા માટે ઊભો જેથી તમારી પેઢી વધુ સારું ભારત જોઈ શકે.”

(આ લેખ મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૦/૧૧/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.)

હું જેને નોટિકલ (Note-ical) સ્ટ્રાઇક કહું છું તે ૫૦૦-૧,૦૦૦ની નોટો પર પ્રતિબંધ મૂકાયાની અત્ર, તત્ર, સર્વત્ર, ચોવીસ કલાક ચર્ચા છે. લોકોને બહુ તકલીફ પડી રહી છે તેવું મોટા ભાગનું મિડિયા આપણને બતાવી રહ્યું છે જેમાં ઘણા અંશે સત્યતા પણ છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના મંત્રી ઈકબાલ મહેમૂદને માટે એચડીએફસી બૅન્ક બંધ થઈ ગઈ હોવા છતાં ખોલીને તેમને નોટ આપવામાં આવે છે તે દૃશ્ય ૧૭મી નવેમ્બરે બધાએ જોયું. આનાથી રાજકારણીઓ પર ગુસ્સો આવવો સ્વાભાવિક છે. આ નિર્ણયના લીધે લાઇનમાં ઊભા રહેવાના કારણે કેટલાંક મૃત્યુ થયાંના સમાચાર પણ છે, પરંતુ તેમાં બધાં મૃત્યુ નોટ બંધ કરવાના નિર્ણયના કારણે થયા તેમ કહી શકાય નહીં. દા.ત. કર્ણાટકના ઉડુપીમાં બૅન્ક આગળ લાંબી લાઇનમાં ઊભા રહેલા ૯૬ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું. આ દુ:ખદ બનાવ માટે મોદીના નોટબંધીના નિર્ણયને જવાબદાર ગણાવી શકાય? વૃદ્ધના દીકરાનું જ કહેવું છે કે તેના પિતાના મૃત્યુને બૅન્ક આગળ લાઇનમાં ઊભા રહેવા સાથે કોઈ સંબંધ નથી.

આ જ રીતે કેરળમાં બૅન્કની બ્રાન્ચ જ્યાં આવેલી છે ત્યાં બાંધકામ ચાલી રહ્યું હતું અને એક ૪૫ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ બૅન્કમાં પૈસા જમા કરાવ્યા બાદ પડી જવાથી થયું જે કદાચ આ નિર્ણય ન હોત તો પણ થયું હોત.

ગમે તેમ, મૃત્યુ મૃત્યુ જ હોય છે. હૉસ્પિટલમાં પણ નોટબંધીના કારણે મૃત્યુ થયાના દાખલા છે. પરંતુ એકદંરે લોકો ઘણી તકલીફ હોવા છતાં આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે કારણકે તેઓ માને છે કે કેશ બદલવાની સાથે દેશ પણ બદલાઈ રહ્યો છે. વાંધો કોને પડી રહ્યો છે તે દરેક ક્ષેત્રે દેખાઈ રહ્યું છે- ચાહે તે રાજકારણી હોય, મિડિયા હોય કે વેપારી.

મિડિયાનું કામ એક તરફ સરકારના કાન પકડવાનું છે ત્યારે બીજી તરફ પોઝિટિવ વાત દ્વારા અને સાથે જાગૃતિ ફેલાવીને લોકોને ધરપત આપવાનું – શિક્ષિત કરવાનું પણ છે. પરંતુ કેટલાક મિડિયાનું વર્તન દેશ પર જ્યારે આપત્તિ આવે ત્યારે બેજવાબદાર બની જાય છે, ચાહે તે મુંબઈ હુમલા હોય કે નોટ બંધીનો નિર્ણય…

નોટ બંધીના નિર્ણયના કારણે લાઇનો દેખાડવી એ જરૂરી છે પરંતુ સાથે વૃદ્ધો માટે ખુરશી મૂકાય, મુંબઈમાં એચડીએફસી બૅન્કની આગળ ખુરશીમાં બેસાડી શિસ્તબદ્ધ રીતે રાહ જોતા લોકોની રણમાં મીઠી વીરડી સમાન તસવીર કથા જો મિડિયા દેખાડવી પણ એટલી જ જરૂરી નથી? મુંબઈની મેજિક દિલ નામની ડૉક્ટરોની એક સંસ્થાએ કસાઈ તરીકે ઓળખાવા લાગેલા ડૉક્ટરો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કટોકટીની ક્ષણોમાં આ સંસ્થા એક મિસ્ડ કૉલ પર ઘરે આવીને ઉધારી પર દર્દીનો ઈલાજ કરી જાય છે!

રાંચીમાં વિનાયક હૉસ્પટલ એન્ડ રિસર્ચ સેન્ટરે ૧૦થી ૧૩ નવેમ્બર દર્દીઓને નિ:શુલ્ક ટ્રીટમેન્ટ આપી. મેંગ્લુરુ આમ તો દક્ષિણ ભારતનું શહેર પરંતુ ત્યાં એક શીખ ભાઈ બલવિન્દરસિંહ વીરડીએ જોયું કે પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. તેમણે તેમના સમાજના લોકોની મદદ માગી. ૨૦ જણા આગળ આવ્યા. તેમણે શહેરના રેલવે મથકે અંદાજે ૨,૦૦૦ લોકોને નિ:શુલ્ક ખોરાક પૂરા પાડ્યા. પંજાબમાં પણ શીખ બંધુઓએ બૅન્ક ગ્રાહકોને લંગાર (નિ:શુલ્ક ભોજન) અને પાણી પૂરું પાડી તેમની માનવતા દર્શાવી. કેરળના એર્નાકુલમના કક્કાનાદમાં એક ચર્ચે રવિવારે પ્રાર્થના (માસ)માં આવેલા ખ્રિસ્તી બંધુઓ માટે તેની બે દાનપેટી ખુલ્લી મૂકી દીધી અને જેમને જરૂર હોય તેમને તેમાંથી પૈસા લેવા છૂટ આપી.

પિઝા હટના કર્મચારીઓએ મુંબઈ, દિલ્લી અને બૅંગ્લુરુમાં લાઇનમાં ઊભેલા લોકોને નિ:શુલ્ક ખોરાક અને પાણી પૂરાં પાડ્યા. તો અમદાવાદ અને રાજકોટમાં ફ્રીલો નામની કંપનીએ પણ બૅન્કની લાઇનમાં ઊભેલા લોકોને વેફર અને પાણીપુરી ખવડાવી. તમિલનાડુની શ્રી બાલાજી હોટલે જેમની પાસે જૂની નોટો જ હતી તેમને બે વિકલ્પ આપ્યા: કાં તો નિ:શુલ્ક જમો અથવા બાદમાં પૈસા આપી જજો.

દેશભક્તિ એટલે માત્ર વંદેમાતરમ્ કે જયહિંદના નારા લગાવવા નથી. પાકિસ્તાન સામે યુદ્ધના પોકાર નથી. સામાન્ય રીતે દરેક આપત્તિમાં આરએસએસના સ્વયંસેવકો તેના ગણવેશમાં સેવા કરવા દોડી જાય છે પરંતુ આ નોટબંધીના આવેશજનક વાતાવરણમાં તેની પ્રત્યક્ષ અનુપસ્થિતિ જણાઈ. ત્યારે અનેક લોકોએ જાતે આગળ આવીને સ્વયંસેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું જેમ કે મુંબઈની એક પત્રકાર પૂજા મહેતા. પૂજાની માતા પંજાબ નેશનલ બૅન્કમાં કર્મચારી છે. એક બૅન્ક કર્મચારીની દીકરી હોવાથી તેને બૅન્કને લગતાં કામોની ચિંતા ક્યારેય રહી નહોતી. પરંતુ તે કાંદિવલી પશ્ચિમમાં આવેલી બૅન્કમાં ગઈ. ત્યાં લોકો સવારે છ વાગ્યાથી બૅન્ક ખોલવાની રાહ જોતાં પંક્તિબદ્ધ હતા. તે તો પત્રકાર તરીકે સ્થિતિ જોવા ગઈ હતી પરંતુ તેને થયું કે તેણે સેવા પૂરી પાડવી જોઈએ.

પૂજાને દસ્તાવેજોની ખરાઈ કરવાનું કામ સોંપાયું. દસ વાગ્યા ત્યારે શટર ખોલવામાં આવ્યું અને આતુર જનતા દાખલ થવા લાગી. બૅન્કના સ્ટાફે પહેલેથી જ તેમને નોટ બદલવાનાં ફૉર્મ અને ટૉકન આપી દીધા હતા. પરંતુ લોકો મૂંઝાયેલા અને થાકેલા હતા. તેમણે કાઉન્ટર પર સૌથી પહેલી પૂજાને જોઈ. પૂજાએ તેમને સ્મિત સાથે આવકાર્યા. કાઉન્ટર પર આવતા લોકો સાથે તે વાત કરતી રહી. તેમનાં મંતવ્યો જાણતી રહી. કેટલાક નિર્ણયની તરફેણમાં હતા તો કેટલાક વિરુદ્ધમાં. પૂજા લખે છે કે “જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેની પાસે એક મિનિટની પણ નવરાશ નહોતી. સાત કલાકમાં માત્ર તેને જમવાનો જ બ્રૅક મળ્યો અને તે પણ ઝડપથી પતાવ્યો.

બૅન્ક પાસે રૂ. ૧૦૦ની ઓછી નોટો હતી. તેથી સ્ટાફને કમને રૂ.૨,૦૦૦ની નોટો આપવી પડતી હતી. આથી લોકો ગુસ્સામાં અથવા હતાશ હતા. આવા સમયે પણ માનવતા દેખાઈ આવી. પૂર્વ સૈનિક એવા સુરક્ષા કર્મચારીને રોષે ભરાયેલા લોકોને નિયંત્રિત કરવા મુશ્કેલ પડી રહ્યા હતા ત્યારે એક ગ્રાહકે સામેથી આવીને લોકોને નિયંત્રિત કરવામાં તેને મદદ કરી.

એક ૮૦ વર્ષના ગુજરાતી વૃદ્ધ નોટ બદલવા આવ્યા તો સ્ટાફે તેમને પ્રાથમિકતા આપી. તેઓ આ બૅન્કના નિયમિત ગ્રાહક હતા તેથી સ્ટાફને ઓળખતા હોય તે સ્વાભાવિક છે. આથી તેમણે પૂજાના રૂપમાં નવો ચહેરો જોઈ પૂછ્યું કે તેને કામચલાઉ આ બ્રાન્ચમાં મૂકવામાં આવી છે કે શું? પૂજાએ કહ્યું કે તે વીકએન્ડમાં સેવા આપવા બેઠી છે. જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે તેમણે પૂજાને કહ્યું. “હું આ પંક્તિમાં એટલા માટે ઊભો હતો કે જેથી તમારી પેઢી વધુ સારું ભારત જોઈ શકે.” તેમણે પૂજાની સેવા માટે આભાર માન્યો અને ચાલ્યા ગયા. પૂજા કહે છે કે તેમના શબ્દોએ મને ગળગળી કરી નાખી. તેમની આશાભરેલી આંખો અને તેમનું મારી પીઠને થપથપાવાથી મારો દિવસ સુધરી ગયો. તેણે આ રીતે દેશની સેવા કરી તે માટે પૂજા ગર્વ અનુભવે છે.

પૂજા મહેતા જેવો જ એક કિસ્સો નમિતા લહકરનો છે. ગુવાહતીનાં પૂર્વ બૅન્ક કર્મચારી જ્યારે પૈસા જમા કરાવવા ગયાં ત્યારે ત્યાં તેમણે લોકોનો ખૂબ જ ધસારો જોયો. આ જોઈને તેમને થયું કે તેમની પૂર્વ બૅન્કનો સ્ટાફ કામને પહોંચી નહીં વળે. આથી તેઓ મદદ કરવામાં જોડાઈ ગયાં. પંજાબ નેશનલ બૅન્કના પૂર્વ કર્મચારી ક્રિષ્નને પણ આ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની સેવા આપી. ભૂજમાં પોલીસ કર્મચારીઓએ બૅન્કમાં લાઇનમાં ઊભા રહેલા લોકોને પાણી પૂરું પાડ્યું. ઉત્તર પ્રદેશમાં પણ મહિલા પોલીસે બૅન્ક સમક્ષ લાઇનમાં રહેલી મહિલાઓ સહિત લોકોને પાણી આપી માનવતાનો દાખલો બેસાડ્યો. ચેન્નાઈમાં એસબીઆઈની બૅન્કોમાં તો સ્વયંસેવકોનું પૂર આવ્યું. તેમણે લોકોને એક્સચેન્જ ફોર્મ ભરવા, પાણી આપવા સહિતની મદદ કરી. એક બૅન્ક કર્મચારીએ ૧,૨૦૦ ગ્રાહકો માટે પોતાનું જમવાનું જતું કર્યું. આ જોઈ, તેના પિતરાઈ ભાઈ સેન્થિલ નયગમ જે ઉદ્યોગપતિ છે તેમણે ૧૩ નવેમ્બર ને રવિવારે આખો દિવસ વિલિવક્કમમાં એસબીઆઈ બ્રાન્ચમાં સેવા આપી. રાતોરાત ચેન્નાઈમાં ચેન્નાઈ ટ્રાયકલર નામની સંસ્થા રચાઈ જેમાં ૨૦૦ લોકોએ નામ નોંધાવ્યા. તિરુવનમિયુરમાં એક એસબીઆઈ બ્રાન્ચમાં એક વિદેશી પાસે રૂ. ૧,૦૦૦ની ચાર નોટો હતી અને તેને છૂટા નાણાં જોઈતાં હતાં પરંતુ તેણે બંધ થયેલી નોટો બદલાવી લીધી હોઈ બૅન્ક વધુ છૂટા આપી શકે તેમ નહોતી. આ જોઈ સ્વયંસેવકો આગળ આવ્યા અને તેમણે પોતાની પાસે નવી કાઢેલી રૂ. ૨,૦૦૦ની નોટો આપી દીધી!

મોરબીમાં એક કારખાનેદારે તેની પાસે (સ્વાભાવિક) રહેલી મોટા પ્રમાણમાં ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો તેના કારખાનામાં કામ કરતી દીકરીઓને આપી. અને આ રકમ નાનીસૂની નહોતી. એક જણને રૂ.૨૫,૦૦૦ મળ્યા હતા! મોદીએ કહ્યા પ્રમાણે, ભલે રૂ. ૧૫ લાખ નહીં તોય રૂ. ૨૫,૦૦૦ તો આવ્યા!

ઉત્તર પ્રદેશના સહારનપુરના પિંજોરા ગામના શિવકુમાર પાઠકે તો કહેવાતા નાના માણસની મોટપ દેખાડી દીધી. નાના પાયાના ખેડૂત એવા આ પાઠકજીએ બૅંકમાં રૂ.૩,૦૦૦ની કિંમતની ૧૦૦ અને ૫૦ની નોટ જમા કરાવી જેથી છુટાની મારામારીના સમયમાં બૅંકમાં કતારમાં ઊભા રહેતા લોકોને આપી શકાય. તેમની પાસે બાળકો અને પત્નીની બચત મળીને છ હજાર હતા. તેમાંથી અડધી રકમ પોતાની પાસે રાખી. તેમનો ત્રણ મહિનાનો ખર્ચ તેમાંથી નીકળી જાય છે. બાકીની રકમ બૅંકમાં આપી. આ નાના માણસની ઉદારતા જોઈને બૅંકના મેનેજર તેમના માનમાં ઊભા થઈ ગયા. પાઠકને પોતાની કેબિનમાં જ ખુરશીમાં બેસાડી ફૉર્મ ભરાવ્યું અને પૈસા જમા કરાવી દીધા.

ગરીબ ગણાતા ઓડિશાના ભુવનેશ્વરમાં પાણીપુરી (ત્યાં તેને ગુપચુપ કહે છે) વેચનારા શિવશંકર પાત્રા હવે પૅ-ટીએમ રાખવા માંડ્યા છે જેથી ગ્રાહકને પૈસાની કોઈ માથાકૂટ નહીં. બિહારના પટનામાં મગધ મહિલા કૉલેજ પાસે તો આ નોટબંધી પહેલેથી જ પાણીપુરીવાળા સત્યમ નામના ભાઈ પૅ-ટીએમથી પૈસા લે છે. તે સાધારણ ખેડૂતનો દીકરો છે. ૧૨ પાસ છે. પરંતુ તેને આગળ ભણવું પણ છે. તેને કૉલેજની વિદ્યાર્થિનીઓએ જ આના વિશે માહિતી આપી હતી.

લાગે છે કે કેશની સાથે સાચે જ દેશ બદલાઈ રહ્યો છે.