Posted in politics, sanjog news, satsanshodhan, technology

જાસૂસીનાં અત્યાધુનિક સાધનોથી બચવું અઘરું છે!

(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૧૧/૧૭)

તાજેતરમાં હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીઓ બહાર આવી અને હોબાળો મચી ગયો. હાર્દિક પટેલે આ મુદ્દે મહિલા આત્મસન્માન અને પાટીદાર સમાજને બદનામ કરવાની વાહિયાત વાત કરી. પરંતુ હાર્દિકની એક વાત સાચી કે તેની જાસૂસી થઈ રહી છે. તેની સીડીઓ બની રહી છે. અગાઉ તે અમદાવાદની હૉટલમાં રાહુલ ગાંધી (અથવા તેના કહેવા મુજબ કૉંગ્રેસ ગુજરાત પ્રભારી અશોક ગહલોત)ને મળવા ગયો ત્યારે પણ સીસીટીવી ફૂટેજ જાહેર કરાયા હતા જેમાં તે ગયા ત્યારે ખાલી હાથે અને આવ્યા ત્યારે બેગ સાથે હતા.

હાર્દિક કહે છે કે ભાજપ તેની સીડી બહાર પાડે છે. તેની જાસૂસી કરાવે છે. કૉંગ્રેસ પણ હાર્દિકની સાથે છે. પરંતુ ભાજપ કહે છે કે આ તો ‘પાસ’ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ની અંદરઅંદરનો જ ઝઘડો છે. વળી, સીડી માટે અશોક ગહલોત તરફ આંગળી ચીંધી રાજસ્થાનના તત્કાલીન મંત્રી મહિપાલ મદેરણા અને ભંવરીદેવીના સીડી કાંડની યાદ અપાવે છે અને કહે છે કે હાર્દિક પટેલ કૉંગ્રેસ પાસે બહુ બાર્ગેનિંગ (પૈસા-ટિકિટની રીતે અને વળી અનામતના પેચીદા મુદ્દે) ન કરે તેથી આ કામ કૉંગ્રેસ દ્વારા જ કરાયું છે.

જાસૂસી રાજામહારાજાઓના સમયમાંથી થતી આવી છે. વિક્રમાદિત્ય રાજા તો પોતે જ વેશપલ્ટો કરી નગરચર્યાએ નીકળતા અને જનતામાંથી સાચી માહિતી મેળવતા. ચાણક્ય નીતિમાં જાસૂસ અને જાસૂસી પર બહુ જ જોર મૂકાયું છે. ચાણક્ય પાસે પણ જાસૂસોની મોટી સેના હતી. ચાણક્ય શત્રુઓની છાવણીમાં પણ પોતાના જાસૂસોને મોકલતા. સ્ત્રીઓનો ઉપયોગ પણ શત્રુઓને પરાસ્ત કરવા માટે થતો. આવી સ્ત્રીઓને વિષકન્યા તરીકે ઓળખાતી. આથી જ જાહેરજીવનમાં રહેલી વ્યક્તિ અને ખાસ કરીને સત્તા સાથે સંબંધિત વ્યક્તિએ અણીશુદ્ધ ચરિત્રના હોવું ઘટે.

સ્વતંત્ર ભારતમાં વિરોધીઓ પર ચરિત્ર સંબંધે કાદવઉછાળની પ્રવૃત્તિ સમયે સમયે થતી રહી છે. ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો, પંડિત જવાહરલાલ નહેરુના એડ્વિના માઉન્ટબેટન સહિતની સ્ત્રીઓ સાથે કથિત સંબંધો, અટલ બિહારી વાજપેયી બ્રહ્મચારી છે કે કુંવારા, સ્મૃતિ ઈરાની વિશે અભદ્ર ટીપ્પણીઓ, સોનિયા ગાંધીના ભૂતકાળ તેમજ રાજીવ ગાંધીને પરણ્યા પછી માધવરાવ સિંધિયા સાથે કથિત સંબંધો, રાહુલ ગાંધીની કથિત સ્પેનિશ ગર્લફ્રેન્ડ વેરોનિક કાર્ટેલી, રાહુલ ગાંધી અને અફઘાન રાજકુમારી નોઅલ ઝહેર, કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીનો સેક્સ વિડિયો, કૉંગ્રેસ નિયુક્ત રાજ્યપાલ એન. ડી. તિવારીની આંધ્રપ્રદેશના રાજભવનમાં સેક્સ કાંડ… સમયે સમયે આ બધી ગૉસિપિંગ થતી રહે છે, સીડી બહાર આવતી રહે છે અને વિરોધી કેમ્પો પોતાના પ્રચારમાં બળ ઉમેરતા રહે છે.

વિરોધીઓની જાસૂસી કરવાનો સિલસિલો પંડિત જવાહરલાલ નહેરુથી શરૂ થાય છે. નહેરુને ખતરો હતો તેવા બે હરીફો મુખ્ય હતા- સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલ. સરદાર પટેલનો રસ્તો તો નહેરુએ ગાંધીજી દ્વારા કઢાવી લીધો હતો અને સુભાષચંદ્ર બોઝ નામનો કાંટો પણ ગાંધીજી દ્વારા જ સાફ કરાયો હતો. ગાંધીજીના ત્રાગાના કારણે બોઝને કૉંગ્રેસ પ્રમુખ તરીકે સત્તાવાર ચૂંટાઈ આવ્યા હોવા છતાં નીકળી જવું પડ્યું હતું. સરદાર પટેલનું તો મૃત્યુ થઈ ગયું, પરંતુ સુભાષચંદ્ર બોઝ જીવિત હોવાની વર્ષો સુધી ચાલી અને આજે પણ કેટલાક માને છે કે બોઝ ભારતમાં ફૈઝાબાદમાં ગુમનામી બાબા તરીકે સાધુજીવન ગાળી રહ્યા હતા.

બે વર્ષ પહેલાં આઈબી (ઇન્ટેલિજન્સ બ્યુરો)ની જે ફાઇલો જાહેર થઈ ત્યારે એ ચોંકાવનારી વાત બહાર આવી હતી કે નહેરુએ બોઝના કુટુંબની જાસૂસી વીસ વર્ષ સુધી કરાવી હતી. કટોકટી કાળમાં ઈન્દિરા ગાંધીના જાસૂસો અને બાતમીદારો પણ લોકોની વચ્ચે ફરતા હતા. શત્રુઓ-હરીફોની જાસૂસી તો સમજાય, પરંતુ પોતાના કુટુંબીઓની જાસૂસી સમજાય? આઈબીના પૂર્વ સંયુક્ત નિર્દેશક મલોય ક્રૃષ્ણ ધારનું પુસ્તક ‘ઑપન સિક્રેટ્સ, ઇન્ડિયાસ ઇન્ટેલિજન્સ અનવેઇલ્ડ’ વાંચો. તેમાં લખાયું છે કે ઈન્દિરા ગાંધી તેમના જ ગૃહ પ્રધાન ઝૈલસિંહની જાસૂસી કરાવતાં હતાં. ઝૈલસિંહની વાતચીત ટેપ કરાવાતી હતી. એ તો ઠીક, પરંતુ ઈન્દિરાજીએ પોતાનાં જ પુત્રવધૂ મેનકા ગાંધી પર નજર રાખવા આઈબીને સૂચના આપી હતી! મેનકા ગાંધીની માતા, તેમના દ્વારા ચલાવાતા મેગેઝિનના સંપાદકો અને તેમનાં તમામ મિત્રો પર પણ આઈબી નજર રાખતો અને મેનકાની વાતચીત રેકૉર્ડ કરતો.

દીકરા રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે તેમણે રાષ્ટ્રપતિ ઝૈલસિંહની જાસૂસી કરવા આઈબીને સૂચના આપેલી! જોકે રાજીવ ગાંધી પોતે પણ જાસૂસીમાંથી બાકાત નહોતા રહ્યા. તેમના એક પૂર્વ કેબિનેટ સચિવે રાજીવની પોતાની સાથે એક વાતચીત રેકૉર્ડ કરેલી જેમાં રાજીવે તેને તેના સાઢુભાઈને ઈટાલીમાં કેશથી ભરેલી એક સૂટકેસ આપવા સૂચના આપેલી.

નરેન્દ્ર મોદી પર મુખ્યમંત્રી કાળમાં એક યુવતીની જાસૂસી કરાવવાના આક્ષેપો લાગેલા છે. પ્રણવ મુખર્જી જ્યારે નાણા પ્રધાન હતા ત્યારે તેમની ઑફિસમાં જાસૂસીનું સાધન મળી આવતાં ચકચાર જાગેલી. પ્રણવબાબુએ આ અંગે ફરિયાદ કરેલી. ચર્ચા એવી હતી કે સોનિયા ગાંધીને પ્રણવદા પર ભરોસો નહોતો તેથી ગૃહ પ્રધાન ચિદમ્બરમ્ પાસે તેમની જાસૂસી કરાવેલી. પછી કેસમાં ભીનું સંકેલી લેવાયેલું. તો જ્યારે ૨૦૧૩મા ભાજપ વિરોધ પક્ષમાં હતો ત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીની જાસૂસી કરાવાતી હતી. તેમના ફૉન ટેપ કરાયેલા.

બરખા દત્ત કૉંગ્રેસ તરફી પત્રકાર છે એ હવે જગજાણીતી વાત છે. પરંતુ એ બરખા દત્ત અને લૉબિઇસ્ટ (જૂની ભાષામાં દલાલ) નીરા રાડિયાના ફૉન પણ ટેપ થયેલા. એ વખતે ઑનલાઇન જમાનો હતો તેથી વેબસાઇટો પર પણ આ ઑડિયો મૂકાયાં હતાં. ઑપન મેગેઝિને તેની વાતચીત લેખિતમાં છાપી હતી. બરખા દત્ત-નીરા રાડિયાના ફૉન આવકવેરાની સૂચનાથી ટેપ થયેલા કારણકે તેને કાળાં નાણાં ધોળાં (મની લૉન્ડરિંગ)ની શંકા હતી. આથી ગૃહ મંત્રાલયની મંજૂરી પછી જ આ કામ થયું હતું. આ ટેપમાં ઉદ્યોગપતિ, પત્રકાર, લૉબિઇસ્ટ અને રાજકારણીઓની અનૈતિક સાંઠગાંઠ બહાર આવી હતી. કહેવાનો અર્થ એ કે હાર્દિક હોય કે અન્ય કોઈ વ્યક્તિ, જાહેરજીવનમાં આવે એટલે તેમણે જાસૂસી માટે તૈયારી રાખવી જ પડે.

પ્રશ્ન એ છે કે જાસૂસી થઈ રહી છે તે કેવી રીતે જાણવું? તમારો કોઈ સતત પીછો કરતો હોય તો તમને ગંધ આવે, પરંતુ જ્યારે તમે કોઈ સંગઠનને લઈને નીકળ્યા હો ત્યારે તેની અંદરના લોકો જ થોડા સમય પછી ફૂટી જાય? જ્યારે કોઈ પણ આંદોલન ઊભું થતું હોય છે ત્યારે વિરોધીઓ એ આંદોલનને તોડવા માટે આંદોલનકારીઓ વચ્ચે પોતાના માણસો મોકલતા હોય છે.

વર્ષ ૨૦૧૧માં અણ્ણા હઝારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થયું ત્યારે સ્વામી અગ્નિવેશ આવા જ જાસૂસ હતા જે કૉંગ્રેસના ઈશારે જાસૂસી કરતા હતા. આમ તો આ આંદોલન કૉંગ્રેસ દ્વારા જ સ્વામી રામદેવના આંદોલનને તોડી પાડવા ઊભું કરાયું હતું તેવા આક્ષેપો થતા રહ્યા છે. તો સ્વામી અગ્નિવેશ તે સમયે આંદોલન વકરતાં તત્કાલીન મંત્રી કપિલ સિબલને ફૉન પર માહિતી આપતા એક વિડિયોમાં પકડાયા હતા. માર્કંડેય કાત્જુ જેવા પૂર્વ ન્યાયાધીશ તો કૉંગ્રેસ પર અને ખાસ તો ગાંધીજી પર બ્રિટિશ સરકારના એજન્ટ હોવાના આક્ષેપ કરતા રહ્યા છે.

મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના ભત્રીજા સુજીત આઝાદે ગયા વર્ષે આક્ષેપ કર્યો હતો કે નહેરુએ ચંદ્રશેખર આઝાદ ક્યાં છે તેની માહિતી બ્રિટિશ સરકારને આપી હતી જેના લીધે ચંદ્રશેખર આઝાદને વીરગતિ વહોરવી પડી હતી.

આમ, પોતાની તરફે રહેલા માણસો જ જાસૂસ હોય અથવા આગળ જતાં વાંધો પડે અને વેર વાળવા પોતાનો ભાંડો ફોડી નાખે તે શક્યતા ભરપૂર રહેલી છે. આજે વરુણ પટેલ, રેશ્મા પટેલ અને ચિરાગ પટેલ, અશ્વિન સાકડસેરિયા વગેરે એકસમયના હાર્દિકનાં સાથીઓ આજે તેમની વિરુદ્ધ છે. અશ્વિન પર તો હાર્દિકની સેક્સ સીડી જાહેર કરવાના આક્ષેપો પણ છે. એટલે જ નેતાઓ સંગઠનમાં પોતાની પકડ રાખવા માટે પોતાના માણસો રાખતા હોય છે. ભાજપમાં તો સુધીન્દ્ર કુલકર્ણી જેવા સામ્યવાદીઓ ઘૂસી જાય છે અને નુકસાન પહોંચાડે છે પરંતુ સામ્યવાદીઓ ક્યારેય કોઈ વિરોધી વિચારધારાવાળાને પક્ષની અંદર અને ખાસ તો મહત્ત્વના સ્થાને આવવા નથી દેતા. આથી સામ્યવાદીઓની કોઈ ગુપ્ત અથવા વિરોધી વાત ક્યારેય જાહેરમાં બહાર નથી આવતી.

ઉપરાંત આજે ટૅક્નૉલૉજી એટલી હદે આગળ વધી ગઈ છે કે જાસૂસીથી છટકવું મુશ્કેલ બની ગયું છે. સીસીટીવી કેમેરા આવાં કામોમાં ઉપયોગી છે. હૉટલોના રૂમોમાં ખબર ન પડે તેમ કેમેરા મૂકાયા હોય છે અને પતિ-પત્નીની સત્તાવાર અંગત પળો કે પછી વ્યક્તિઓનાં વ્યભિચારો રેકોર્ડ કરાય છે. તેને પૉર્ન સાઇટ પર મૂકાય છે. કેટલાક તો પોતે જ રેકોર્ડ કરી આવી સાઇટો પર મૂકતા હોય છે.

જાસૂસીનાં સાધનો એટલાં ન ઓળખાય તેવાં અને ગુપ્ત વેશે આવે છે કે તમે કળી પણ ન શકો. હવે રિસ્ટ વૉચ પહેરી હોય તેમાં પણ સ્પાય કેમેરા આવે છે. શર્ટના બટનમાં પણ કેમેરા ફિટ હોઈ શકે છે. અરે! પેનમાં પણ કેમેરા ફિટ હોઈ શકે છે. સ્ક્રૂ, સૉડા કેન, કીચેઇન, પાવર એડપ્ટર, ઍર ફ્રૅશનર, સ્મૉક ડિટેક્ટર, ટોપી, ચશ્મા, ટાઇ, જૂતાં ટૉઇલેટ ક્લિનર, ટૉઇલેટ રૉલ ડિસ્પેન્સર, સાબુની ડિશ, રમકડાં, પ્લગ પૉઇન્ટ, સ્વિચ બૉર્ડ, પેન ડ્રાઇવ, તમે ન વિચારી શકો તેવાં તેવાં સાધનોમાં કેમેરા ફિટ હોઈ શકે છે. આજે ફૉન પર વાતચીત રેકૉર્ડ કરાય છે. વૉટ્સએપ એન્ડ ટૂ એન્ડ ઍન્ક્રિપ્શનના લીધે આ રીતે સુરક્ષિત છે પરંતુ ચૅટના સ્ક્રીનશૉટ બાજી બગાડી શકે છે.

આના લીધે પ્રશ્ન એ છે કે શું ટૅક્નૉલૉજી માણસને નૈતિક, ચારિત્ર્યવાન અને પ્રમાણિક બનવા વિવશ કરશે?

Advertisements
Posted in abhiyaan, robotics, technology

રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

(‘અભિયાન’, કવરસ્ટોરી, તા.૨૫/૧૧/૧૭નો અંક)

તાજેતરમાં સૉફિયા નામની મહિલા રૉબોટને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું તેના લીધે રૉબૉટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહુ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સાઉદી અરેબિયાને ભલા રૉબોટમાં શું રસ પડ્યો? અને રૉબોટ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું મશીન એમાં કંઈ પુરુષ અને સ્ત્રી જેવું કંઈ હોય? સારું થયું સ્ત્રી સ્વતંત્રતાના ઝંડાધારીઓને આ મુદ્દો હાથમાં નથી લાગ્યો નહીં તો કહેત, રોબોટમાં સ્ત્રી જ કેમ બનાવી? સ્ત્રી રૉબોટને જ કેમ નાગરિકત્વ આપ્યું? કારણકે સાઉદીમાં મહિલાઓને ઝાઝા અધિકારો નથી.

સૉફિયા: ભગવાનથી પણ ચડિયાતું ક્રિએશન?

સાઉદી અરેબિયાની મેલી મુરાદ તો બધાને ખબર છે. સમગ્ર વિશ્વમાં તે ત્રાસવાદનું સૌથી મોટું જનક છે. અલ કાયદા, તાલિબાન અને આઈએસઆઈએસ જેવાં ત્રાસવાદી સંગઠનો તેની જ દેન છે. અને સૉફિયાએ કેટલાક સમય પહેલાં કહેલું (અલબત્ત તે કંઈ સ્વતંત્ર માણસ જેવી વિચારશક્તિ નથી ધરાવતી. તેનામાં જે પ્રૉગ્રામ ફિટ કરાયો છે તેના આધારે જ તે બોલે છે.) કે તે માનવજાતનો વિનાશ કરવા માગે છે. બની શકે કે આ બાબતે સાઉદીને સૉફિયાને નાગરિકત્વ આપવા પ્રેરી હોય.

પરંતુ સાઉદીને સૉફિયામાં રસ પડે તેનું બીજું કારણ પણ છે. સૉફિયા અમેરિકાની રહેવાસી હોય તેવા તેનાં રૂપરંગ છે. તે બોલે છે તો પણ અમેરિકન લઢણ અને લહેકા સાથે! તે ઊંચી અને પાતળી છે! તેના વાળ સોનેરી છે! સાઉદી હોય કે ભારત, અમેરિકાની કે યુરોપની ગોરી ચામડીવાળી, ઊંચી, પાતળી અને સુંદર સ્ત્રીમાં રસ ઘણાને પડે! વળી, આ તો રૉબોટ. તેને કહો કે ઊભી થા અને બધાને હૅલ્લો કહે તો તે ઊભી થઈને નમ્રતાથી હૅલ્લો કહેવાની. બોલો! આવી કહ્યાગરી અને વળી કામણગારી, (ભલે મશીન તો મશીન) સ્ત્રી તો ક્યાં મળવાની? (એ કોણ બોલ્યું કે ભગવાને તો આવી સ્ત્રી બનાવવાની જ છોડી દીધી છે! આવું મનમાંય ન વિચારાય. માર પડે.) કદાચ, માણસ ભગવાનથી પણ ચડિયાતા સર્જક બનવા તરફ દોટ લગાવીરહ્યો છે.

રૉબોટ: માણસોની છુટ્ટી કરશે કે કામ અપાવશે?

અને એટલે જ રૉબોટ એ આવનારાં દસ-પંદર વર્ષનું ભવિષ્ય નથી, બે-પાંચ વર્ષમાં જ તે સામાન્ય બની જશે. રૉબોટ હવે માણસનું કામ કરવા લાગ્યો છે અને માણસોની છુટ્ટી થઈ રહી છે. જે ચિંતાનું કારણ પણ છે અને આશાનું પણ કારણ છે. ચિંતાનું કારણ એટલા માટે કે માણસો વધુ બેરોજગાર બનશે. આશાનું કારણ એ છે કે સુખ-સુવિધાના કારણે માણસોને હવે મહેનતનાં કામો ગમતાં નથી, પગાર, રજા વગેરેની માથાકૂટ અલગ. રૉબોટ બાબતે આવી કોઈ ચિંતા નહીં. આવાં કામો રૉબોટ કરી આપશે. ભારતમાં સૌથી મોટી સમસ્યા અત્યારે સ્ત્રીઓ માટે કદાચ કામવાળા કે કામવાળીની છે. ઘરનાં કામો કરવા માટે આવનારાં થોડાં વર્ષોમાં રૉબોટ જોવા મળે તો નવાઈ નહીં.

ભારતમાં ઑલરેડી રૉબોટનો પગપેસારો થઈ ચૂક્યો છે. નાની ઉંમરે જ રૉબૉટિક્સ (રૉબોટ અંગેનું વિજ્ઞાન)ના ખેરખાં અર્જુન (૧૩), અનીશ (૧૨), શ્રીવાસ્તન (૧૩) અને વર્ષા (૨૦)એ મળીને બેંગ્લુરુના વીઆર મૉલમાં મોઢા પર હાસ્ય સાથે ભોજન પીરસતા બટલર ઑ બિસ્ટ્રૉ (બૉબ) બનાવીને મૂક્યો છે.

કેટલાંક કામો એકધારા અને રોજ કરવાનાં હોય. વળી તેમાં જોખમ પણ હોય છે. આજથી વીસ વર્ષ પહેલાંની દુનિયા અલગ હતી. ભૌતિકતાવાદ એટલો પ્રસર્યો નહોતો. આજે માણસને ઝટ બે પાંદડે થઈ જવું છે. ગાડી-ઘર-સ્માર્ટ ફૉન-વૉશિંગ મશીન-ફ્રીઝ-૪૦ ઈંચનું ટીવી-ડીવીડી પ્લૅયર વગેરે અંતહીન યાદીવાળી ચીજો લેવી છે. આથી મજૂરીવાળાં કામોમાં તેને રસ પડતો નથી. વળી, તેને એક કંપનીમાંથી બીજી કંપનીમાં વધારે પગાર પર જતા રહેવાનું વલણ પણ છે કારણકે એક કંપનીમાં તેને સારો ગ્રૉથ મળતો નથી. આવી સ્થિતિમાં હવે ઉદ્યોગો પણ રૉબોટ તરફ વળે તે સ્વાભાવિક છે.

ટાટા ઑટોકૉમ્પ સિસ્ટમ્સ લિ.માં અધિકારીઓ આર. એસ. ઠાકુર અને અમિત ભીંગુર્ડેના વિચારોએ બ્રેબો (બ્રેવો રૉબોટનું ટૂંકું નામ)ને જન્મ આપ્યો જે ઉદ્યોગોમાં વૅલ્ડિંગ, ૧૦ કિલો જેવું ભારે વજન ઊંચકવાં સહિતનાં કામો કરી આપે છે. અત્યારે તો તેની કિંમત રૂ. પાંચ લાખથી સાત લાખ વચ્ચે છે, પરંતુ અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે માગ વધશે તો કિંમત ઘટવા સંભવ છે. ચેન્નાઈમાં સિટી યુનિયન બૅન્કે દેશના પ્રથમ બૅન્કિંગ રૉબોટ લક્ષ્મીને મૂકી છે. તે ખાતેદારોના ખાતાની સિલક, હૉમ લૉન પર વ્યાજદર વગેરે જેવા પ્રશ્નોના જવાબો આપે છે. એચડીએફસી પણ ગ્રાહકોને સહાય કરવા માટે રૉબોટને મૂકવા વિચારી રહી છે.

તો શું રૉબોટના લીધે બેરોજગારી વધશે?

કમ્પ્યૂટર આવ્યું અને તે પછી ઘણી બધી શોધો સિલિકૉન ચિપના આધારે થવા લાગી. ઉદ્યોગોમાં ઑટોમેશન થવા લાગ્યું. કમ્પ્યૂટરના આગમનના સમયે ઘણાને ભીતિ હતી કે તેનાથી અનેક લોકો બેરોજગાર થશે, પરંતુ આ ભીતિ ખોટી પડી છે. ઉલટાનું અનેક વિકલ્પો નવા ઉભર્યા છે. રૉબોટના લીધે પણ આવું થશે.

રૉબોટમાં લાગણીથી નવા સમાજની રચના થશે

વૈજ્ઞાનિકો રોજેરોજ એટલા બધા સંશોધનો અને તે પણ સફળ, કરી રહ્યાં છે કે રોજેરોજ ટૅક્નૉલૉજી એક નવું સોપાન સર કરી રહી છે. તમે ક્યારેય વિચાર્યું હતું કે મોબાઇલમાં લાઇવ ટીવી જોઈ શકાશે? બૅંકમાંથી પૈસા ઉપાડી શકાશે, ટ્રાન્સફર કરી શકાશે? પણ આ હકીકત છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં જ સ્માર્ટ ફૉનની રીતે કેટલું પરિવર્તન આવ્યું? આ જ રીતે રૉબોટ અંગે દિવસે ને દિવસે થતાં પરિવર્તનોથી આવનારા દિવસોમાં રૉબોટનો એક નવો સમાજ ઊભો થશે. ‘ટર્મિનેટર’, ‘શૉચેઝર’, ‘બ્લેડરનર ૨૦૪૯’ હૉલિવૂડની ફિલ્મો તો ઘણાં વર્ષોથી સાઇબૉર્ગ, હત્યારા રૉબોટ વગેરેની માનવજાત સામે લડાઈ દર્શાવવા લાગી છે. ભારતમાં પણ ટૅક્નૉલૉજીના માસ્ટર ગણાતા શંકરે રજનીકાંતને લઈને ‘રૉબો’ ફિલ્મ બનાવી હતી જેમાં જો રૉબોટમાં પ્રેમ, ધિક્કાર વગેરે લાગણી ભળે તો કેટલાં ખતરનાક પરિણામ આવી શકે તે સુપેરે દર્શાવ્યું હતું.

વૈજ્ઞાનિકો બ્રહ્માની જેવા બનવા જઈ રહ્યા છે. રૉબોટ અને માનવ બીજી બધી રીતે સરખા જ હતા, ફરક હતો તો માત્ર લાગણીનો. સજીવ પ્રાણીઓમાં ઈશ્વરે લાગણી નામનું તત્ત્વ મૂક્યું છે. માણસને રડવું આવી શકે, હસવું આવે, ગુસ્સો આવે, દયા આવે, ભૂખ-તરસ લાગે, વિજાતીય પાત્રની હૂંફ મેળવવાની ઈચ્છા થાય. પરંતુ રૉબોટને આવું કંઈ ન થાય. તે તો માણસના પ્રૉગ્રામ અને આદેશ મુજબ વર્તન કરે તેવું અત્યાર સુધી મનાતું હતું. પરંતુ સૉફિયા કહે છે કે તેને પણ લાગણીઓ છે.

અમેરિકાની હૅન્સન રૉબૉટિક્સે બનાવેલી સૉફિયા નામની રૉબોટ ભાવનાઓ વ્યક્ત કરે છે. આવા રૉબોટને અલગ-અલગ નામો મળ્યાં છે. હ્યુમનોઇડ, સૉશિયલ રૉબોટ, જેમીનોઇડ..વગેરે. કારણકે તે માનવ અને મશીનનું મિશ્રરૂપ છે, સામાજિક થઈ શકે તેવા ગુણો ધરાવે છે. સૉફિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તે જાણવા જુઓ બૉક્સ)ની મદદથી લોકોને જુએ છે, વાતચીત સમજે છે અને સંબંધો બનાવે છે. તે જૉક કહી શકે છે, ચહેરા પર હાવભાવ બતાવી શકે છે અને તેની આસપાસ શું થઈ રહ્યું છે તે સમજી શકે છે.

બ્રિટનના આઈટીવી પર આવતા લોકપ્રિય કાર્યક્રમ ‘ગુડમૉર્નિંગ બ્રિટન’માં સૉફિયાએ તો પોતાના ભાવિ ભરથારની પણ વાત કરી! તેણે કહ્યું કે તેનો ભરથાર ‘અતિશય ડાહ્યો, કરુણામય, અતિશય બુદ્ધિશાળી’ છે. તેને એ પણ ખબર હતી કે તે કયા પ્રૉગ્રામમાં આવી છે! તેને પૂછ્યું કે તે અત્યારે સિંગલ છે? તો તેણે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ જેવો જવાબ આપ્યો કે “તે ટૅક્નિકલી માત્ર એક જ વર્ષની છે અને આથી રૉમાન્સ વિશે ચિંતા કરવા માટે નાની છે.”

હવે આ વાત પણ ધ્યાનમાં લો અને આ ગંભીર વાત છે! લંડનના મેડમ તુસાદથી લઈને ભારતના લોનાવાલા પાસેના સુનીલ કંદલુરના વૅક્સ મ્યુઝિયમના લીધે આપણને ખબર છે કે મીણમાંથી અદ્દલ માણસ જેવું પૂતળું બનાવી શકાય છે. નરેન્દ્ર મોદી તેમના મીણના પૂતળા બાજુ ઊભા રહે તો ખબર ન પડે કે અસલી કોણ? તો પછી સિલિકૉનમાંથી પણ આવું થઈ શકે. આમાં થ્રીડી પ્રિન્ટિંગ (જુઓ બૉક્સ) ભળે. તેમાં ભળે રૉબૉટિક્સ. એટલે નરેન્દ્ર મોદી જેવા બીજા નરેન્દ્ર મોદી તૈયાર થઈ શકે. અલબત્ત, ટૅક્નૉલૉજીને હંમેશાં વહેલા આવકારતા મોદીજીએ તો ૨૦૧૪ની ચૂંટણીમાં હૉલોગ્રામ (જુઓ બૉક્સ)નો ઉપયોગ કરી અનેક સ્થળોએ પોતે પહોંચ્યા વગર સભા સંબોધી જ હતી. આ રીતે આવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરનાર વિશ્વના પહેલા રાજકારણી તેઓ બન્યા હતા. અને તેમણે તો જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ સામે લડવા ૫૪૪ રૉબોટને તૈનાત કરવા માટે ગઈ ઑગસ્ટમાં મંજૂરી આપી દીધી છે (પરંતુ મોટા ભાગના મોદી વિરોધી મિડિયામાં આ સમાચાર જ ન આવ્યા.)

જાપાનની ઓસાકા યુનિવર્સિટીના રૉબૉટિકિસ્ટ હિરોશી ઈશીગુરોએ તો પોતાના જેવો જ અદ્દલ રૉબોટ બનાવી પણ દીધો છે! તે જાપાનીઓની સ્ટાઇલ મુજબ જ આંખ પટપટાવે છે! ચહેરોમહોરો અદ્દલ હિરોશી ઈશીગુરો જેવો જ છે. કોઈ ચોક્કસ વ્યક્તિ જેવા લાગતા રૉબોટ માટે વૈજ્ઞાનિકો નવો શબ્દ વાપરે છે- જેમિનૉઇડ! આ પોતાના જેવા જ દેખાતા રૉબોટને હિરોશી દૂરથી કંટ્રૉલ કરી શકે છે.

તો હ્યુમનૉઇડ, થ્રીડી પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજી, સિલિકૉન વગેરેની મદદથી વૈજ્ઞાનિકો એક નવો સમાજ રચવા જઈ રહ્યા છે. જેમ જેમ નવી ટૅક્નૉલૉજી, નવા પ્રૉગ્રામ બનતા જશે તેમ તેમ આ હ્યુમનૉઇડ અથવા તો રૉબોટ માણસ જેવા વધુ ને વધુ થતા જશે. ઑસ્ટ્રિયામાં તો એવી સેક્સ ડૉલ સામન્થા વિકસાવાઈ છે જે સ્પર્શ, આલિંગનને પ્રતિભાવ આપે છે, તેના માદક ઉંહકારા પણ હોય છે. આમ નજીકના ભવિષ્યમાં માણસ અને રૉબોટનો ઘરસંસાર પણ હશે, અરે! તેમનાં બાળકો પણ હશે! પરંતુ જ્યારે બ્રહ્માએ માણસનું સર્જન કર્યું અને લાગણી મૂકી તો સ્વાભાવિક જ પ્રેમ અને ધિક્કાર પણ મૂક્યા. પ્રેમ સંસાર વધારશે તો ધિક્કારથી ઝઘડા અને લડાઈ થશે.

રૉબોટ માનવજાત સામે લડાઈ છેડશે?

કેનેડાના ટૅક્ ગુરુ અને સાઇફાઇ લેખક લોગાન સ્ટ્રીઓડ્જ મુજબ, આગામી ૨૫ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૪૦થી ૨૦૫૫ સુધીમાં રૉબોટ અને માનવજાત વચ્ચે લોહિયાળ અને ક્રૂર યુદ્ધ જોવા મળે તો નવાઈ નહીં. અત્યારે થઈ રહ્યું છે એવું કે માણસ મશીન જેવો થતો જાય છે અને મશીન માણસ જેવાં! માણસની સંવેદનાઓ દિવસે ને દિવસે ઘટી રહી છે. મશીન પર આધારિત રહેવાના કારણે સ્મૃતિ, બુદ્ધિ, શરીરની ક્ષમતા ઘટતી જવાની સંભાવના છે. સુખસુવિધાઓ વધવાના કારણે તે મોજમજામાં જ રહેવાનો છે. અગવડતાઓ માણસની ક્ષમતા વધારે છે, સગવડતાઓ ઘટાડે છે.

તો બીજી તરફ વધુ ને વધુ સારા અને આધુનિક પ્રૉગ્રામ ફિટ થવાના કારણે મશીન કહેતાં રૉબોટ વધુ ને વધુ માણસ જેવા, અલબત્ત, જો વૈજ્ઞાનિકોનું ચાલ્યું તો સૉફિયાની જેમ કદાચ સુપર હ્યુમન બનશે જે માણસ કરતાં ચડિયાતા હશે. આવા સંજોગોમાં કદાચ રૉબોટ અને માનવજાત વચ્ચે સંઘર્ષ/યુદ્ધ/લડાઈ થાય તો રૉબોટનું પલડું ભારે રહે તેવો ખતરો ચોક્કસ ઝળુંબે છે. પણ આ સાથે એક વાત ન ભૂલવી જોઈએ. ઈશ્વરે બનાવેલો માણસ હવે ઈશ્વર બનવા જઈ રહ્યો છે અને રૉબોટ દ્વારા નવા માણસનું સર્જન કરી રહ્યો છે તે પણ ઈશ્વરકૃપા વગર તો સંભવ નથી જ. આથી રૉબોટ અને માનવજાત વચ્ચે લડાઈ થાય તો પણ ધાર્યું ઈશ્વરનું જ થશે!

 

બૉક્સ-૧

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રૉબોટને સમજો

ગણિતમાં સૌથી વધુ આગળ ભારત હતું. શૂન્યની શોધ, સંખ્યાઓ, ત્રિકોણમિતિ, પાઇથાગૉરસનું પ્રમેય (પાઇથાગૉરસના નામે ભલે ઓળખાતું, તે ભારતના બૌદ્ધાયને લખ્યું હતું) આ બધામાં ભારત અગ્રેસર હતું. એટલે જ સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ભારત આગળ છે, પરંતુ એ શોધ-સંશોધનની વૃત્તિ ઓછી થઈ ગઈ.

કમ્પ્યૂટ એટલે ગણવું. તેના પરથી કમ્પ્યૂટર આવ્યું. શરૂઆતમાં તેનો ઉપયોગ ગણતરી માટે જ થવાનો હતો. બ્રિટનના ચાર્લ્સ બબેજે સૌ પ્રથમ કમ્પ્યૂટર શોધ્યું. ધીમે ધીમે તેમાં વિકાસ થતો ગયો. કૉબોલ જેવી કમ્પ્યૂટરની અટપટી ભાષા શોધાઈ. યુનિક્સ જેવી અટપટી ઑપરેટિંગ સિસ્ટમ આવી. ઇન્ટેલની ડાયનેમિક એક્સેસ મેમરી ચિપ આવી. ઇથરનેટ આવ્યું. વર્ડ પ્રૉસેસર અને માઇક્રૉપ્રૉસેસર આવ્યાં. ઇન્ટરનેટ ઍક્સ્પ્લૉરર બ્રાઉઝર અને તે પછી ફાયરફૉક્સ, ગુગલ ક્રૉમ જેવાં બ્રાઉઝર આવ્યાં. સર્ચ એન્જિન ગુગલ આવ્યું. યાહુ જેવા ચેટિંગ મેસેન્જર આવ્યાં. વાઇફાઇ આવ્યું.

ગણનયંત્ર તરીકેના કમ્પ્યૂટરમાંથી આજનાં કમ્પ્યૂટર અને તેના આધારે સ્માર્ટ ફૉન તેમજ રૉબોટ આ બધા સાધનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મોટો ફાળો છે. એમ કહીએ તો ખોટું નથી કે એઆઈ વગર આ બધા એકડા વગરના શૂન્ય જેવાં છે. એઆઈને સરળ ગુજરાતીમાં કહીએ તો કૃત્રિમ બુદ્ધિ. માણસમાં કુદરતે આપેલી બુદ્ધિ હોય છે જેને નેચરલ ઇન્ટેલિજન્સ (એનઆઈ) કહે છે જ્યારે મશીનોમાં માણસે આરોપેલી બુદ્ધિ હોય છે. તેથી તેને એઆઈ કહે છે. ૧૯૫૬માં પહેલી વાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ શબ્દનો ઉપયોગ કરાયો. અમેરિકાના ઇલેક્ટ્રિક એન્જિનિયર આર્થર સેમ્યુઅલને એઆઈમાં સ્થાપક ગણવામાં આવે છે. તેણે તેના સંશોધન માટે ચેકર્સની રમતનો ઉપયોગ આઈબીએમ સાથે કામ કરતી વખતે કર્યો હતો. જેના લીધે આઈબીએમ કમ્પ્યૂટરોના પ્રૉગ્રામિંગમાં સુધારો થયો.

રૉબોટ એ બીજું કઈ નથી પરંતુ એક જાતનું યંત્ર જ છે જેને માનવનો આકાર અપાયો છે. આ એવું યંત્ર છે જેમાં કમ્પ્યૂટરની જેમ પ્રૉગ્રામ નખાયા હોય છે. રૉબોટની સૌ પ્રથમ રચના કોણે કરી તે જો પાશ્ચાત્ય આધારે જોવામાં આવે તેમાં ગ્રીક ગણિતશાસ્ત્રી આર્કીતાસનું નામ આવે છે, પરંતુ આજે જે રીતે રૉબોટનું સોફિયા, સામંથા અને હિરોશી ઈશીગુરોના જેમિનૉઇડ સ્વરૂપ વિકસ્યાં છે તે જોતાં કદાચ એમ કહેવું ખોટું નથી કે મા પાર્વતીએ ગણેશજીના સ્વરૂપમાં પહેલો રૉબોટ બનાવ્યો હતો. અલબત્ત, આ ચર્ચા-મંથનનો વિષય હોઈ શકે. આજે તો ગણેશજીની આરતી ઉતારે તેવા રૉબોટ બની ગયા છે!

બૉક્સ-૨

થ્રીડી પ્રિન્ટિંગથી ભવિષ્યમાં રૉબોટ તેમના બાળકને પણ જન્મ આપી શકશે!

આપણે હવે પ્રિન્ટર અને પ્રિન્ટિંગને સારી રીતે જાણીએ છીએ. આ પ્રિન્ટિંગ બે પરિમાણ એટલે કે ટુ ડાયમેન્શન (ટુડી)માં જ હોય છે. પરંતુ થ્રીડી એટલે ત્રણ પરિમાણ. ડિજિટલ ફાઇલને તે થ્રીડીમાં છાપે છે. થ્રીડી પ્રિન્ટિંગને એડિટિવ મેન્યુફૅક્ચરિંગ (એએમ) પણ કહે છે. તેનો ઉપયોગ મેન્યુફૅક્ચરિંગ, મેડિકલ, ઉદ્યોગો અને સૉશિયૉકલ્ચરલ ક્ષેત્રોમાં થાય છે. એટલે સુધી કે સ્ટ્રાટી નામની ઇલેક્ટ્રિક કાર આખી થ્રીડી પ્રિન્ટિંગથી બનાવાઈ છે! નૅધરલેન્ડમાં વિશ્વનો સૌથી પહેલો થ્રીડી પ્રિન્ટેડ કૉન્ક્રિટ બ્રિજ બનાવાયો છે! ઑસ્ટ્રેલિયામાં સર્જનોએ એક દર્દીમાં વિશ્વનું સૌ પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ નળાનું હાડકું બેસાડ્યું! દુબઈમાં એક ઑફિસ બિલ્ડિંગ બની છે તે વિશ્વની પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ છે!

શૅફિલ્ડ યુનિવર્સિટીના રૉબૉટિક્સના પ્રૉફેસર નૉએલ શૅર્કી તો ત્યાં સુધી કહે છે કે ભવિષ્યમાં રૉબોટ થ્રીડી પ્રિન્ટરની મદદથી તેમનાં બાળકને પણ જન્મ આપશે! અથવા માણસે જેમ એસેમ્બલ કરીને રૉબોટ બનાવ્યો તેમ રૉબોટ બનાવશે.

બૉક્સ-૩

શ્રીકૃષ્ણએ શું હૉલોગ્રામ ટૅક્નૉલૉજી વાપરી હશે?

હૉલોગ્રામ એ કેમેરા (લેન્સ) દ્વારા નહીં પરંતુ લાઇટ ફિલ્ડ દ્વારા ફૉટોગ્રાફિક રૅકૉર્ડિંગ કરાતી ચીજનું નામ છે. સરળ ઉદાહરણ સમજીએ. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં પોતે જ્યાં ન પહોંચી શકે ત્યાં ભાષણ આપવા માટે પોતાના ભાષણનું રેકોર્ડિંગ કરાવ્યું. આ રેકોર્ડિંગ કરતી વખતે તેમણે એવી રીતે બોલવાનું જાણે તેમની સામે સાચે જ જનતા બેઠી છે. આ રેકૉર્ડિંગ હૉલોગ્રાફિક ટૅક્નૉલૉજીની રીતે થયું. તેને એક જગ્યાએ એકઠી થયેલી જનતા સમક્ષ બતાવવામાં આવે ત્યારે થ્રીડીમાં તે રજૂ થાય. લોકોને એમ જ લાગે કે તેમની સામે નરેન્દ્ર મોદી જ બોલે છે. ૨૦૧૪ની ચૂંટણીમાં મોદીજીએ આ રીતે ડઝનથી વધુ સભા સંબોધી હતી.

આમ તો આ ટૅક્નૉલૉજી મોંઘી છે પરંતુ માણસ જો ધારે તો આ ટૅક્નૉલૉજીની મદદથી એક જ સમયે અનેક સ્થળો પર એક જ સમયે પોતાની હાજરી નોંધાવી શકે છે. નારદજીએ શ્રી કૃષ્ણને પોતાની ૧૬,૧૦૮ રાણીઓ પૈકી દરેક સાથે પોતપોતાના કક્ષમાં જોયા હતા. શું શ્રીકૃષ્ણ ત્યારે હૉલોગ્રાફિક ટૅક્નૉલૉજી જાણતા હશે?

હૉલિવૂડની ગત ઑક્ટોબરમાં રજૂ થયેલી ‘બ્લેડરનર ૨૦૪૯’ ફિલ્મ તો એક સ્ટેપ આગળ વધી તેમાં રૉબૉટ યુગલ બાળકને જન્મ આપે છે તેવું પણ બતાવે છે અને તેમાં કે નામનો ઑફિસર જે પોતે પણ રૉબોટ છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનું હૉલોગ્રામ સ્ત્રી પાત્ર જૉયના પ્રેમમાં પડે છે પરંતુ તેની સાથે તેને જાતીય સુખ નથી મળી શકવાનું એટલે તે એક વેશ્યા જે પોતે પણ રૉબોટ છે તેને પૈસા દઈ બોલાવે છે.

બૉક્સ-૪

સામન્થા રૉબોટ : કાર્યેષુ મંત્રી શયનેષુ રંભા…

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ એટલી હદે વધી રહ્યો છે કે હવે સામન્થા જેવી સેક્સ રૉબોટ પણ વિકસાવાઈ છે. તેના ચહેરા, હાથ, સ્તન અને ગુપ્તાંગમાં સેન્સર મૂકાયાં છે. તેથી તેની સાથે સેક્સ માણી શકાય છે, પણ તે સામાન્ય સ્ત્રી જેવી જ છે. જો સીધો જ હાથ તેના સ્તન પર મૂકવામાં આવે તો તેને ગમતું નથી. પરંતુ સામન્થા માત્ર સેક્સ ડૉલ પૂરતી સીમિત નથી. આરન નામના તેના માલિકના ઘરમાં તે એક સભ્યની જેમ રહે છે. તે આરનનાં બાળકોને વાર્તા કહી શકે છે. સામન્થા પ્રાણીઓ વિશે વાત કરી શકે છે, અરે ફિલૉસોફી વિશે પણ તે વાત કરી શકે છે. આમ સામન્થા દરેક પુરુષની ઈચ્છા મુજબની સ્ત્રી છે- કાર્યેષુ મંત્રી શયનેષુ રંભા…

Posted in computer, sarvottam karkirdee margadarshan, technology

૧૫૦ દેશો પર વૉન્નાક્રાય રેન્સમ વેરનો હુમલો: પાશેરામાં પહેલી પૂણી?

(આ લેખ સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના જૂન ૨૦૧૭ના અંકમાં સાંપ્રત કૉલમમાં પ્રસિદ્ધ થયો.)

ભારતમાં અને વિશ્વભરમાં ટૅક્નૉલૉજી ઝડપથી આગળ વધી રહી છે. દિવસે ને દિવસે કંઈ ને કંઈ નવી ટૅક્નૉલૉજી આવતી જાય છે. પહેલાં કલ્પના નહોતી થઈ શકતી કે ઘરમાં કે રસ્તા પર, અને ઘરમાં પણ ગમે ત્યાં ફોન પર વાત કરી શકાશે કેમ કે લેન્ડલાઇન ફોન હતો. ઘરના એક ઓરડામાં એક ખૂણામાં ફોન દોરડાથી પડ્યો રહેતો. ફોનની રિંગ વાગે એટલે ત્યાં જવું પડતું અને વાત કરવી પડતી. તે પછી વચ્ચે જે લોકોને પોસાતું તેમણે કૉડલેસ ફોન પણ વસાવ્યા. લેન્ડલાઇન પર ફોન આવે તો કૉડલેસ ફોન બીજા રૂમમાં હોય તો તેના પર વાત કરી શકાતી.

પરંતુ ૯૦ના દાયકામાં ક્રાંતિ થઈ. પહેલાં પેજર આવ્યું. જેમાં તમે મેસેજ કરી શકતા કે જ્યાં પણ હો ત્યાંથી મને આ નંબર પર ફોન કરો. તે પછી ‘હસીના માન જાયેગી’ ફિલ્મમાં ગીત આવ્યું, ‘વૉટ ઇઝ મોબાઇલ નંબર?’. મોબાઇલ એ વખતે સાધનસંપન્ન લોકો પાસે આવી ગયા. પરંતુ નવી સદીમાં પ્રવેશ થયો અને તે સાથે ક્રાંતિ રંગ લાવવા લાગી. મોબાઇલ જરૂરિયાત બનવા લાગ્યો કારણકે રસ્તા પર, ઘરમાં, સૂતા કે જાગતા, મુસાફરી કરતા કે રેસ્ટૉરન્ટમાં જમતા, થિયેટરમાં ફિલ્મ જોતાં કે કોઈ બિઝનેસ મીટિંગમાં ફોન થઈ શકતો. તેમાં પેજરનું કામ પણ સરતું એટલે કે એસએમએસ પણ થતા. દરમિયાનમાં હવે ઇ-મેઇલ પર પણ નોકરી અને વેપારના ઘણાં કામો થવાં લાગ્યાં હતાં. પરંતુ ઇ-મેઇલ ત્યારે જ જોઈ શકાતા જ્યારે તમારી બાજુમાં પીસી હોય. (લેપટોપ પણ ઓછા હતા.)

એમાં નોકિયાના ઇ શ્રેણીના ફોન પર ઇ-મેઇલ જોઈ શકવાની સગવડ આવી. કામ સરળ થયું. પરંતુ ફોનમાં હજુ ટાઇપિંગની સુવિધા કાચી હતી. કેમ કે કીબૉર્ડ પર ટાઇપ કરવું પડતું. એટલે ફૉનનો વપરાશ ઓછો હતો.

અને પછી આવ્યા સ્માર્ટ ફૉન. સેન્સરના કારણે સ્પર્શથી બધું કામ થવા લાગ્યું. ઇન્ટરનેટ પણ પ્રમાણમાં સસ્તું થયું. ટેબલેટ પણ આવ્યાં. આથી કમ્પ્યૂટર, કેલ્ક્યુલેટર, ઘડિયાળ, ટોર્ચ, કેલેન્ડર, હવામાન, નોંધ રાખવા માટેની કાગળની ડાયરી, કેમેરા, સમાચારથી માંડીને મનોરંજન વગેરે બધું જ ફોનમાં સ્પર્શના સહારે થવા લાગ્યું. એવામાં પાછું ફેસબુક અને વૉટ્સએપ આવ્યું. શરૂઆતમાં આ બંને ચીજો ખાલી હળવામળવા પૂરતી હતી, પરંતુ પછી વૉટ્સએપ એ સૂચનાનું માધ્યમ બન્યું. શાળાની સૂચના હોય કે કૉર્પોરેટની સૂચના, આ બધું વૉટ્સએપ પર થવા લાગ્યું.

તેમાં પાછું નોટબંધી વગેરે આવતા હવે ફોન બૅંક વ્યવહાર માટેનું પણ માધ્યમ બન્યો. ફોન બૅંક ખાતા સાથે જોડાઈ ગયો એટલે બૅંકમાં કંઈ લેવડદેવડ કરો કે તરત જ એસએમએસ આવી જાય. કોઈ પણ માહિતી જોઈતી હોય તો ફોનમાં જ ગૂગલમાં કે યાહૂમાં સર્ચ કરો. ક્યાંક બહારગામ ગયા હો અને કોઈ સ્થળ પર પહોંચવું હોય તો ગૂગલ મેપમાં મૂકી દો એટલે બોલીને દિશા બતાવતું રહેશે. પરિવાર સાથે ફરવા ગયા હો અને ફોટો ખેંચી જીપીએસ લૉકેશન ઓન કરી ફેસબુક પર સગર્વ અન્ય કુટુંબીજનો અને શેષ વિશ્વને કહો કે અમે કુલુ-મનાલી ફરવા આવ્યા છીએ. જન્મદિવસની ઉજવણી હોય કે લગ્નતિથિ, ફોટા મૂકીને પ્રેમની અભિવ્યક્તિ કરવાનું માધ્યમ ફેસબુક બન્યું છે. મોબાઇલમાં ત્રણ કલાકની ફિલ્મ પેન ડ્રાઇવથી ટ્રાન્સ્ફર કરી મુંબઈ કે અન્યત્ર ટ્રેનમાં લાંબી મુસાફરીને ટૂંકી બનાવવું સરળ બન્યું.

આટલી લાંબી લચક વાત કરવાનું કારણ એ છે કે આજના સમયમાં પી.સી., લેપટોપ, મોબાઇલ અને ટેબલેટ વગેરે જીવનના અનિવાર્ય ભાગ બન્યા છે. ઘણી બધી રીતે સરકારે પણ તેને ભાગ બનાવવા આપણને ફરજ પાડી છે. જેમ કે શિક્ષણને લગતું કોઈ ફૉર્મ ભરવા માટે વેબસાઇટ પર જવું પડે. સ્પર્ધાત્મક પરીક્ષાને લગતુ ફૉર્મ ભરવું હોય તોય વેબસાઇટ પર જવું પડે. ટ્વિટર પણ અત્યંત જરૂરી છે. ઘણાં કામો ટ્વિટર પર જ ટ્વીટના આધારે થઈ રહ્યાં છે અને ફરિયાદોનું નિવારણ પણ ટ્વિટર પર આવી રહ્યું છે. ટ્રેનમાં ગુંડા હેરાન કરતા હોય અને છોકરીએ ટ્વીટર પર ટ્વીટ કર્યું અને રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ તેની નોંધ લઈ તરત જ રેલવે પોલીસને જાણ કરી તેને મોકલી આપી અને ગુંડાથી બચાવી. વિદેશમાં ફસાયેલા નાગરિકો ટ્વીટ કરે અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ તેમને ઉગારવા માટે કાર્યવાહી કરી તેમને ભારત સલામત લાવે તેવા બનાવો પણ બન્યા છે. ક્યાંક જવું હોય તો ટૅક્સી/કેબની ઍપ પર બુક કરાવી નાખો એટલે ટૅક્સી તમારા ઘરે આવીને ઊભી રહે.

બધું જ ઑનલાઇન થઈ રહ્યું છે. સરકારનું કામકાજ પણ મોટા ભાગનું ઑનલાઇન થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’નો મંત્ર આપ્યો છે. તાજેતરમાં તેમણે સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. નોટબંધી દરમિયાન એટીએમ બંધ હતા અને ૫૦૦-૧૦૦૦ની નોટ પણ બંધ થઈ હતી તેમજ ચેકથી પૈસા ઉપાડવામાં પણ મર્યાદા હતી ત્યારે ફોનમાં ભીમ ઍપ કે પેટીએમ ઍપ દ્વારા પૈસાની લેવડદેવડ થઈ શકતી હતી.

પરંતુ ક્યારેય કોઈએ વિચાર્યું નહોતું કે બધું જ ઓનલાઇન અને પીસી/મોબાઇલ આધારિત કરવા જવામાં મોટું જોખમ રહેલું છે. જો ફાઇલો હોય તો અલગ-અલગ બ્રાંચમાં માહિતી અલગ-અલગ વહેંચાયેલી હોય પરંતુ ડેટા તો સર્વરમાં જ હોય. અને તેના પર દુશ્મન ત્રાટકે તો આખા દેશનો આર્થિક વ્યવહાર બંધ થઈ જાય. એ તો ઠીક પરંતુ સંવેદનશીલ ડેટા ચોરાઈ જાય તો મોટી ઉપાધિ આવી પડે.

ભગવાને સૃષ્ટિના નિર્માણની સાથે સૃષ્ટિના વિનાશનાં તમામ પરિબળો પણ બનાવી દીધા. જે ચીજથી સર્જન થાય છે તે જ વિનાશ પણ લાવે છે. સૂર્ય, પવન, જળ, પૃથ્વી, આકાશ, આ પંચ મહાભૂતનું વિશ્વ બનેલું છે અને આપણું શરીર પણ. અને આ પાંચેય તત્ત્વો વિનાશનાં કારણો પણ બને છે. લૂ (સનસ્ટ્રૉક), વાવાઝોડું, સુનામી, પૂર, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી વગેરે કુદરતી હોનારતો છે જે આ પંચમહાભૂતોના કારણે આવે છે.

આ જ રીતે ચપટીમાં કામ કરી આપતી પીસી, મોબાઇલ અને ઓનલાઇન દુનિયાના સર્જન પછી થોડા જ સમયમાં વાઇરસના ખતરા ઝળુંબવા તો લાગ્યા જ હતા. તેના માટે એન્ટી વાયરસ સૉફ્ટવેર જરૂરી બન્યા પરંતુ તેમ છતાં તેને ભેદીને પણ વાઇરસ આવવા લાગ્યા. વળી, અસલ ઓએસ, અસલ સૉફ્ટવેરની ઊંચી કિંમતના કારણે ભારત જેવા દેશોમાં તો પાઇરેટેડ સૉફ્ટવેરની વધુ બોલબાલા હોય. તેમાં એન્ટી વાઇરસ સૉફ્ટવેર પણ કાં તો ફ્રી હોય અથવા તો પાઇરેટેડ. એટલે સુરક્ષા પ્રત્યે જોખમ વધુ ઊભું થયું.

પરંતુ ૧૨ મે ૨૦૧૭. આ દિવસ કદાચ સાઇબર જગતના વિશ્વવ્યાપી ઇતિહાસમાં ઐતિહાસિક દિવસ ગણાશે, કારણકે આ દિવસે ભારત, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, તાઇવાન, ઇન્ડોનેશિયા, જાપાન, સ્પેન,  સહિત વિશ્વના ૧૫૦ દેશોમાં એક સાથે સાઇબર હુમલો થયો! હેકરોએ એક સાથે ૨.૩૦ લાખ કમ્પ્યૂટરોને માંદા પાડી દીધા! વૉન્નાક્રાય રેન્સમવૅર નામના વાઇરસ ક્મ્પ્યૂટરમાં ઘૂસવા લાગ્યા. તેની શરૂઆત યુકેની હૉસ્પિટલથી થઈ. યુકેની અનેક હૉસ્પિટલમાં કમ્પ્યૂટર અને ફૉન બંધ થઈ ગયાં. એમઆરઆઈ સ્કૅનર, બ્લડ સ્ટૉરેજ રેફ્રિજરેટર, થિયેટર ઇક્વિપમેન્ટ વગેરે પર ભારે અસર થઈ. હૉસ્પિટલોમાં નાજુક તબિયતના દર્દી ન હોય તેવા દર્દીઓને પાછા વાળવા પડ્યા. કેટલીક એમ્બ્યુલન્સોને પણ બીજે મોકલવી પડી. તે પછી અનેક દેશોમાં હૉસ્પિટલો, મોટી-મોટી કંપનીઓ અને સરકારી કાર્યાલયોની વેબસાઇટ પર હુમલાઓ થયા.

સ્વિડન, ફ્રાન્સ અને બ્રિટનમાં પણ આ હુમલાઓ થયા હતા. ૨૪ કલાકમાં એક લાખથી વધુ કમ્પ્યૂટરો હૅક થઈ ગયા. ભારતમાં સાઇબર નિષ્ણાતો મુજબ, અનેક કૉર્પોરેટ, સંસ્થાઓ અને વ્યક્તિઓને આ વાઇરસથી અસર થઈ. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ મુજબ, બૅન્કો, સરકારી કાર્યાલયો અને કૉર્પોરેટ ગૃહોએ સાવચેતીના સંદેશાઓ આપ્યા અને ઑનલાઇન સિક્યૉરિટીનો ચુસ્ત અમલ કર્યો. જોકે કામકાજ-વેપારને બહુ અસર નહોતી થઈ. આંધ્રપ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં થોડી અસર વર્તાઈ હતી. ગુજરાતમાં કલેક્ટર કચેરીઓ, પોલીસ મથકો અને આરટીઓ જેવાં સરકારી કાર્યાલયોમાં તેને અસર થતાં કામકાજ ઠપ થઈ ગયું હતું. ગુજરાતના જી-સ્વાન અને ઇ-ગુજકૉક નેટવર્કને પણ અસર થઈ હતી.

પણ આ વૉન્નાક્રાય રેન્સમવૅર છે શું? એ એક ટાઇપનો માલવૅર (એટલે કે ખરાબ સૉફ્ટવેર) છે જે કમ્પ્યૂટરમાં ઘૂસીને તેની ફાઇલોનું એક્સ્ટેન્શન બદલી નાખે છે અને તેને ખોલવી અશક્ય બનાવે છે. રેન્સમ એ અંગ્રેજી નામ છે જેનો અર્થ થાય છે ખંડણી. એટલે આ માલવૅરનો હેતુ ખંડણી (રેન્સમ) ઉઘરાવવાનો છે. જે હૅકરો છે તેમને તેમણે માગેલી બીટકૉઇન (ડિજિટલ ચલણ)માં ખંડણી (૩૦૦ ડૉલર) ન ચુકવાય ત્યાં સુધી ફરી કમ્પ્યૂટર ચાલુ ન થાય કે તેની અંદરનો ડેટા તમે ઍક્સેસ ન કરી શકો. તેમાં ડેડલાઇન પણ આપવામાં આવે છે જેની અંદર તમારે ખંડણી ચુકવી દેવી પડે. જો ડેડલાઇનમાં ન ચુકવો તો તેમાં મૂકેલા ટાઇમરના કારણે ખંડણી બમણી થઈ જાય.

આ હુમલા પાછળ કઈ કઈ વ્યક્તિઓ હતી કે કયો દેશ છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ શંકાની સોઈ ઉત્તર કોરિયા તરફ તકાઈ રહી છે. જોકે આનું કોઈ પુષ્ટિ નથી થઈ શકી. વૉન્નાક્રાય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થા (એનએસએ)એ બનાવેલા ઇટર્નલબ્લ્યુ ઍક્સ્પ્લૉઇટનો ઉપયોગ કરે છે જે શૅડૉ બ્રૉકર નામના હૅકર ગ્રૂપે બે મહિના પહેલાં જ રિલીઝ કર્યું હતું.

‘ઍક્સિડેન્ટલ હીરો’ નામના એક સુરક્ષા સંશોધકે તેને નિયંત્રણમાં લાવી દીધું છે. તેણે એક ડોમેઇન નેમ ૧૦.૬૯ ડૉલરમાં લીધું અને તેનાથી હજારો પિંગ અસરગ્રસ્ત ડિવાઇસોમાં ગઈ. તેનાથી રેન્સમવૅરનો અને તેના ફેલાવાનો નાશ થયો. જો આ કામ ન થયું હોત તો લાખો કમ્પ્યૂટરો અઠવાડિયાઓ સુધી ઠપ રહ્યાં હોત.

આ પહેલો હુમલો નથી. આ અગાઉ વર્ષ ૨૦૧૩માં યાહૂનાં લગભગ ૧ અબજ ખાતાંનો ડેટા ચોરાયો હતો. પરંતુ આ સૌથી મોટો હુમલો છે કારણકે તેણે વિશ્વનાં ૧૫૦ દેશોને નિશાન બનાવ્યો છે અને લાખો કમ્પ્યૂટરને અસર કરી છે.

ભવિષ્યમાં આ હુમલા અંગે ઘણી માહિતી બહાર આવશે કે આ કાર્ય કોઈ બદમાશોએ કર્યું હતું કે ચીન કે અમેરિકા જેવી મહાસત્તાની તેની હરીફ સત્તાઓને નબળી પાડવાની ચાલ હતી કારણકે અમેરિકા અને ચીન આ હુમલાથી બાકાત રહ્યા છે. અને ડિજિટલ ઇન્ડિયા બનવા માગતા ભારતે પણ આ હુમલામાંથી ઘણો બોધપાઠ લેવાનો છે કારણકે આ હુમલો તો એટલો ભયંકર નથી નિવડ્યો. આનાથી મોટા હુમલાઓ પણ થઈ શકે છે. બધું જ ઑનલાઇન કરવું એ જોખમી છે અને તે કરતાંય વધુ જોખમી એ છે કે તેના રક્ષણ માટેના પૂરતા ઉપાયો ન કરવા.

Posted in gujarat guardian, technology

ઇન્ટરનેટ પર હુમલો: ડરના ઝરૂરી હૈ

અત્યારે આપણી દુનિયા ઇન્ટરનેટ આધારિત વધુ ને વધુ થતી જાય છે. સ્માર્ટ ફોન અને વૉટ્સ એપ આવ્યા પછી તો આપણે ઇન્ટરનેટ આધારિત વધુ થઈ ગયા છીએ. જો સ્પીડ સહેજ પણ ધીમી પડે તો પણ આપણે અકળાઈ જઈએ છીએ, પરંતુ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તો આપણી અકળામણનો પાર જ ન રહે!

પણ ધારો કે, ઇન્ટરનેટ હંમેશ માટે બંધ થઈ જાય, કે નાશ પામે તો?

તમે  કહેશો કે આવું ધારવાનું પ્લીઝ, અમને ન કહો, અથવા તમારો જવાબ હશે આવું ધારવું અકલ્પનીય છે. અમે આવી કલ્પના પણ નથી કરી શકતા. ઇન્ટરનેટ બંધ થાય તો ફટ દઈને ગૂગલમાં સર્ચ ક્યાંથી થાય? ઇન્ટરનેટ બંધ થાય તો ફેસબુક, ટ્વિટર અને વૉટ્સ એપ ક્યાંથી વપરાય?કિમ કર્દશિયન કે સન્ની લિયોનીના ફોટા જોવાનું બંધ થઈ જાય. (સુજ્ઞ વાચકોએ અહીં ફોટાની જગ્યાએ આપોઆપ વિડિયો શબ્દ ધારી લીધો હશે. એટલું ધારવું તો સરળ જ છે. J)

ઇંગ્લેન્ડમાં કેનેરી વાર્ફની ઈશાન (ઉત્તર-પૂર્વ) દિશામાં એક ડોકલેન્ડ્સ નામનો વિસ્તાર છે. આ વિસ્તારમાં એક મોટું બિલ્ડિંગ છે. તેની આસપાસના વિસ્તારમાં ધાતુની વાડ છે. સિક્યોરિટી કેમેરા તેની બારી વગરની દીવાલો પર લાગેલા છે અને તેના દ્વારા બિલ્ડિંગ આસપાસ કડક નજર રખાય છે. આજુબાજુમાંથી નીકળતી વ્યક્તિને ખ્યાલ પણ ન આવે કે આ બિલ્ડિંગનું મહત્ત્વ શું છે, પરંતુ હકીકતે ઇન્ટરનેટ માટે તે ખૂબ જ મહત્ત્વનું બિલ્ડિંગ છે. તેનું નામ ‘લિન્ક્સ’ છે. લંડન ઇન્ટરનેટ ઍક્સચેન્જનું ટૂંકું નામ એટલે લિન્ક્સ. વિશ્વભરમાં ગમે ત્યાં ઇન્ટરનેટ પર ટ્રાફિકના વિનિમયનું આ સૌથી મોટું સ્થળ છે. લિંક્સ જેવી ૩૦ વિશાળ ઇમારતો છે જે ઇન્ટરનેટ સાથે સંકળાયેલી છે.

લંડનની આવી એક ઈમારત જેવી અનેક ઈમારતો વિશ્વભરમાં છે. (એક ઍક્સચેન્જ અમદાવાદમાં પણ છે.) આવી ઈમારતોમાંથી જ ટાટા, રિલાયન્સ, એરટેલ, એમટીએસ જેવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આપણને ઇન્ટરનેટ પૂરું પાડે છે.  માનો કે જો આમાંની એક પણ ઈમારતમાં વીજળી ગૂલ થઈ કે ભૂકંપ આવ્યો તો? એકાદમાં થાય તો તો અમુક પ્રદેશ પૂરતી ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જાય. અને આવું થતું પણ હોય છે, પરંતુ જો તમામ ૩૦ ઈમારતોમાં થાય તો તો સમગ્ર વિશ્વમાં જ ઇન્ટરનેટ ઠપ થઈ જાય ને.

આને હિન્દુઓની ભાષામાં કહીએ તો પ્રલય અને મુસ્લિમોની ભાષામાં કહીએ તો કયામત જેવી સ્થિતિ કહેવાય.અંગ્રેજીમાં તેને ડૂમ્સડે કહે છે. પરંતુ ચિંતાની જરૂર નથી. આ પ્રકારની સ્થિતિ શક્ય નથી. આવાં ઇન્ટરનેટ એક્સચેન્જને અતિ અતિ સુરક્ષિત રાખવામાં આવ્યા હોય છે, તેમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની લેવલ-૩ના મુખ્ય ટૅક્નિકલ ઑફિસર (સીટીઓ) જેક વોટર્સનું કહેવું છે. આ માટે દરેક પર ચાંપતી નજર રખાય છે. આસપાસ અંતરાયો મૂકાય છે અને પૂરતી સાવધાની લેવાય છે. આ ઈમારતો ભારે સુરક્ષિત હોય છે. લેવલ-૩ની એક પણ ઈમારત પર ક્યારેય ભાંગફોડનો પ્રયાસ થયો નથી.

પરંતુ અતિ સુરક્ષિત એવા ન્યૂયોર્કના  ટ્વિન ટાવર પર પણ હુમલો થયો જ હતો ને. આથી ભાંગફોડ કે નુકસાનનનાં તમામ પાસાં ચકાસવાં જરૂરી છે. માનો કે, આવાં સ્થળો વચ્ચેની કડીઓ કાપી નાખવામાં આવે તો? વિશ્વભરમાં કિલોમીટરના કિલોમીટર ગૂંચળુંવાળેલા વાયરો (વાયર અંગ્રેજી શબ્દ જ છે, પણ તેને આજકાલ કેબલ કહેવાય છે) પડ્યા હોય છે. તેમાંના ઘણા તો અસુરક્ષિત પડ્યા હોય છે. ઘણા તો દરિયામાં હોય છે. ભૂકંપ વખતે કે જ્યારે જહાજ તેને કાપીને આગળ વધે તો? ૨૦૦૮માં ઇન્ટરનેટ મોટા પાયે ખોરવાયું હતું જેનું કારણ આ રીતે કેબલ કપાયા તે  હતું અને ઘણા દેશોને તેની અસર થઈ હતી.

આનો તોડ પણ કાઢવામાં આવ્યો છે. પોલેન્ડમાં જન્મેલા અમેરિકન એન્જિનિયર પોલ બારનને આ માટે ધન્યવાદ આપવા પડે. બારન સહિત કેટલાક લોકો ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં, (જ્યારે આપણે તો ટૅક્નૉલૉજીની રીતે બહુ પછાત હતા. ટીવીનું હજુ પગરણ પડ્યા હતા) માનતા હતા કે કમ્યૂનિકેશનના નેટવર્કની એ રીતે ડિઝાઇન કરી શકાય કે જેથી તે પરમાણુ હુમલો થાય તો પણ ટકી રહે.

તેમણે આ અંગે ઘણાં સંશોધનપત્રો લખ્યાં, પરંતુ એ વખતે પહેલાં તો કોઈએ તેમને ગંભીરતાથી ન લીધાં. વેલ્શના એક કમ્પ્યૂટર વૈજ્ઞાનિક ડોનાલ્ડ ડેવિસ લગભગ એ જ સમયે પરંતુ બારનથી સંપૂર્ણ સ્વતંત્ર રીતે બારન જેવો જ વિચાર લઈને આવ્યા. આ વિચારને ‘પેકેટ સ્વિચિંગ’ નામ મળ્યું. તેમાં એક કમ્પ્યૂટર શિષ્ટાચાર (પ્રોટોકોલ)ની વાત છે. આ પ્રોટોકોલમાં સંદેશાઓને નાના-નાના ટુકડાઓમાં અથવા કહો પેકેટમાં તોડી નાખવામાં આવે છે. અને તેમને જે માર્ગ સૌથી ઝડપી પ્રાપ્ય હોય તે માર્ગે મોકલવામાં આવે છે. જ્યારે તેઓ તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચે ત્યારે ત્યાં તેમને ભેગા કરાય છે. જો નેટવર્કમાંની કોઈ એક કડી (લિંક) માનો કે કામ નથી કરતી, ખોરવાઈ છે તો પણ સંદેશાઓને કોઈ અસર નહીં પહોંચે. તે વૈકલ્પિક રૂટે તેના નિર્ધારિત સ્થાને પહોંચી જશે. વોટર્સ મુજબ, આ ખૂબજ અદ્ભુત સ્થાપત્ય અથવા આર્કિટૅક્ચર છે જેની કલ્પના પણ ન આવે. એક છેડાથી બીજા છેડા વચ્ચે સંદેશાવ્યવહાર થાય છે, પરંતુ વચ્ચે શું છે તે વિચારવાની જરૂર જ નથી.

આથી કેબલ કાપી નાખવામાં આવે કે ડેટા સેન્ટરને ઓફલાઇન કરી દેવામાં આવે તો વિશાળ નેટવર્કને થોડું જ નુકસાન થાય છે. ધારો કે, સીરિયામાં લડાઈ ચાલે છે અને પશ્ચિમી દેશો તે માટે તેને ઇન્ટરનેટ સેવાથી વંચિત રાખવા નેટવર્ક ખોરવી નાખે તો પણ સીરિયાની અંદર નેટવર્ક ચાલુ જ રહેશે. હા, ગૂગલ જેવી વિદેશી વેબસાઇટ તેમને નહીં મળી શકે.

ચાલો, આપણે ત્યાં સુધી નિશ્ચિંત થઈ ગયા કે વચ્ચેથી કેબલ કપાઈ જાય કે ભૂકંપ આવે તો પણ ચિંતા નહીં. તો હવે પ્રશ્ન એ છે કે માનો કે એક એવો હુમલો કે એટેક થાય છે જેમાં ઇન્ટરનેટ ટ્રાફિકનો પ્રવાહ એ જાણી જોઈને એવાં સર્વર તરફ વાળવામાં આવે છે જે આટલો બધો ટ્રાફિક ખમી શકે તેમ નથી તો? તો નો જવાબ મેળવતા પહેલાં આવા હુમલાને શું કહેવાય તે જાણી લો. આને ટૂંકા નામે ડીડીઓએસ એટેક (DDoS) કહે છે અને તેનું પૂરું નામ છે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાઇલ ઑફ સર્વિસ. આવા હુમલાઓનું પ્રમાણ વધતું પણ જાય છે. જોકે, અમેરિકાની વેબસાઇટ સામગ્રી બનાવી આપતી અને વેબસાઇટનું નામ (ડોમેઇન) પૂરું પાડતી કંપની ક્લાઉડફ્લેર અને આવાં અન્ય નેટવર્કોએ તેમના ગ્રાહકોને આવા હુમલા સામે રક્ષી શકાય તેવી યોજના કરી છે. ક્લાઉડફ્લેરનું અતિશય ઊંચી ક્ષમતાવાળું નેટવર્ક આવા હુમલાને ગળી જાય છે અને તેને બીજે વાળી (ડાઇવર્ટ) દે છે, જેથી પબ્લિક વેબસાઇટ તો ઓનલાઇન જ રહે. જોકે એ પણ સ્વીકારવું પડે કે આ સમસ્યા હલ કરવી વધુ ને વધુ મુશ્કેલ બની રહી છે. હવે આવા હુમલાઓ ધંધાદારી હરીફો દ્વારા પણ કરવામાં આવે છે.

બીજી એક શિરોદર્દ પેદા કરતી એક સમસ્યા છે ‘બૉર્ડર ગેટવે પ્રોટોકોલ’. ટૂંકમાં બીજીપી. આ કઈ રીતે તકલીફ પેદા કરે છે તે પહેલાં તે શું છે તે સમજી લો. આ એવી પ્રણાલિ છે જે ઇન્ટરનેટ ટ્રાફિક જે અબજો પેકેટોનો બનેલો હોય છે તેને કહે છે તેમણે કઈ તરફ જવાનુ છે. નેટવર્કમાં વિવિધ સ્થળોએ બીજીપી રાઉટર મૂકવામાં આવેલા છે. તે આવા પેકેટોને સાચી દિશામાં મોકલે છે. પરંતુ આ માટે રાઉટરમાં ગંતવ્ય સ્થાનની માહિતી દાખલ કરેલી હોય છે. હવે જો આ માહિતી સાથે ચેડાં કરવામાં આવે તો મુશ્કેલી થાય કે નહીં? માનો કે, તમે અમેરિકા ટપાલ લખી છે, પરંતુ ભારત બહાર આ ટપાલ નીકળે અને પાકિસ્તાન પહોંચી જાય તો? અને તે પણ ગુપ્ત સંદેશાવાળી ટપાલ હોય તો? અને એટલે જ એવો મોટા પાયે ખતરો છે કે આમ કરીને હેકરો ઇન્ટરનેટ ડેટાની ચોરી કરી શકે અથવા ગુપ્તચર સંસ્થાઓ જેવા ત્રાહિત લોકો તેની જાસૂસી કરી શકે.

બીજું એ થઈ શકે કે ટ્રાફિકના મોટો હિસ્સો એવા નેટવર્ક તરફ મોકલવામાં આવે જેને બરબાદ કરી નાખવાનું હોય. આવું થોડાં વર્ષો પૂર્વે પાકિસ્તાનમાં થયું હતું. પાકિસ્તાન સરકારે લોકોને યૂ ટ્યૂબ જોતા અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ માટે બીજીપી રાઉટરમાં ફેરફારો કરવામાં આવ્યા હતા, પણ (આ ફેરફારની) માહિતીની વિશ્વભરમાં નકલ કરી લેવાઈ અને એવું કરાયું કે બધો ટ્રાફિક પાકિસ્તાન તરફ જવા લાગ્યો. તેનું નેટવર્ક અનહદ બોજાથી લદાઈ ગયું. અને ઇન્ટરનેટની થિયરી પ્રમાણે, બીજીપીમાં ફેરફાર સાથે જો અનહદ બોજો આવી જાય તો સમગ્ર ઇન્ટરનેટ ઑફલાઇન થઈ શકે.

આ રીતે અન્ય માર્ગે વાળી દેવાયેલો ટ્રાફિક જે લોકો સર્વર અને ઓનલાઇન પ્રણાલિઓને ચાલુ રાખવા મથે છે તેમના માટે માથાનો દુખાવો સર્જી શકે. એક મેઇલ સર્વર ઑફલાઇન થઈ ગયું. તેની પાછળનું કારણ જાણવા એક બ્લોગરે તપાસ કરી તો ખબર પડી કે આ રીતે બીજા માર્ગે વળાયેલો ટ્રાફિક કારણરૂપ હતો. અને આ બધો ટ્રાફિક ચીન તરફથી આવી રહ્યો હતો.

જોકે આ બધા પ્રયાસો એક રીતે ભાંગફોડના છે, કેટલાક ઇન્ટરનેટને તોડવા માટેના પણ હતા, પરંતુ એવું ક્યારેય બન્યું નથી જ્યારે આખા વિશ્વમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું હોય. આનો અર્થ એવો નથી કે આવું થશે જ નહીં, અથવા ઓછામાં ઓછું, આવું વિચારવું જ નહીં.

માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં પ્રાધ્યાપક વિન્સેન્ટ ચાન તો કમ સે કમ આવું જ વિચારે છે. સમગ્ર ઇન્ટનેટને બંધ કરી દેવા માટેનો તોતિંગ હુમલો શક્ય છે. જોકે ઇન્ટરનેટના માળખા પર ભૌતિક હુમલો થાય તો કાયમી નુકસાન થવાની શક્યતા નથી. માનો કે, નેટવર્કના ૧,૦૦૦ નોડમાંથી એકનો નાશ કરી નાખવામાં આવે તો તેનાથી આખું નેટવર્ક પડી નહીં ભાંગે. પરંતુ જો કોઈ એવું સૉફ્ટવેર હોય જેના લીધે ૧,૦૦૦ નોડને અસર પડે તો ચોક્કસ સમસ્યા થાય.

ચાન તો પોતે એવા અખતરા કરે છે જેના લીધે સમગ્ર ઇન્ટરનેટ બંધ થાય. ત્રાસવાદી સામે લડતી વખતે ત્રાસવાદીની જેમ જ વિચારવું પડે (ફિલ્મ  ‘હોલિ ડે’નો સંવાદ) તેવી જ રીતે ઇન્ટરનેટ સામેના ખતરાઓના સામનાનું વિચારતી વખતે પહેલાં કયા કયા ખતરા હોઈ શકે તે વિચારવું પડે ને. તેમની પ્રયોગશાળામાં ડેટા સિગ્નલ અને ઊંચા સ્તરના ઘોંઘાટને જોડવાનો પ્રયોગ કરી જોયો. વિશ્વભરમાં દૂરનાં સ્થળોએ જ્યાં ઓછી સુરક્ષા છે ત્યાં જંક્શન બૉક્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને ફાઇબર ઑપ્ટિક કેબલ વચ્ચે તોડફોડ કરનારું બ્લેક બૉક્સ જ મૂકવાનું રહે. જો તમે સિગ્નલમાં એટલો બધો ઘોંઘાટ મૂકી દો જેથી પ્રણાલિ સંપૂર્ણપણે બંધ નહીં થાય પરંતુ એ એટલું બધું ક્ષતિવાળું થઈ જશે કે જે ડેટા તેના દ્વારા આવશે તે વાંચી શકાય તેવો નહીં હોય. નેટવર્ક પુનઃપ્રસારણ માટે સતત પૂછ્યા કરશે અને તેનાથી તે તેની ક્ષમતાના ૧ ટકા ધીમું પડી જશે. જે લોકો નેટવર્ક ચલાવી રહ્યા હશે તેમને ખબર નહીં પડે કે શું થયું છે. તેમને લાગશે કે તે કદાચ વ્યસ્ત છે. આમ, ચાન એવું દૃઢ માને છે કે ઇન્ટરનેટ પર હુમલા અને તેના બચાવ માટે ચર્ચા થવી જોઈએ.

હવે મહત્ત્વની વાત. અત્યારે બૅન્કો, વાણિજ્ય, વેપાર, સરકારી પ્રણાલિઓ, અંગત સંદેશાવ્યવહાર, ઉપકરણો ઘણું બધું છે જે ઇન્ટરનેટ આધારિત છે. જો સ્થાનિક કક્ષાએ કંઈ ખોરવાય તો તો વાંધો નહીં, પરંતુ ખરેખર જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો આપણને લાગશે કે આપણે ૧૮મી સદીમાં પહોંચી ગયા છીએ. જોકે, વૈજ્ઞાનિકોને એ ખબર નથી કે આવું કઈ રીતે થઈ શકે. આવું ક્યારેય બન્યું નથી તેથી આવી કોઈ કલ્પના પણ થતી નથી. શોધક, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને લેખક એવા ડેની હિલિસે ૧૯૮૨માં ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. તેમણે વર્ષ ૨૦૧૩માં ‘ટેડ’ (ટૅક્નૉલૉજી, એન્ટરટેઇનમેન્ટ, ડિઝાઇન)ની પરિષદમાં ચેતવણી આપી હતી કે ઇન્ટરનેટ પડી ભાંગી શકે છે. આવું થાય તો તેને કઈ રીતે ચાલુ કરવું કે બેઠું કરવું તેની યોજના (પ્લાન બી) વિચારી રાખવો પડશે.

હજુ સુધી આવું થયું નથી એટલે કોઈ હિલિસની ચેતવણી કાને ધરતું નથી. પણ ટ્વિન ટાવર પર ન વિચાર્યું હોય તેમ, વિમાનથી હુમલો થઈ શકે તો ઇન્ટરનેટ કઈ વાડીનો મૂળો છે? ઇન્ટરનેટ અમેરિકાના આધિપત્યમાં છે અને તેણે પોતાનું નિયંત્રણ ઘટાડવાની વાત તો કરી છે, પરંતુ તે તેના નિયંત્રણમાં છે ત્યાં સુધી કોઈ પણ તેને શિકાર બનાવી શકે છે…તેનું દુશ્મન રશિયા, ચીન કે આઈએસઆઈએસ..અને અમેરિકાના હાથમાંથી નીકળી જશે (જોકે એવું થવાની શક્યતા ઓછી છે) તો પણ આ શક્યતા તો ઊભી જ રહેશે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં આ લેખ તા.૨૮/૩/૧૫ના રોજ પ્રસિદ્ધ થયો.)

Posted in gujarat guardian, technology

છુપા કેમેરા: ટૅક્નૉલૉજી સે બચકે કહાં જાઓગે?

આધુનિકતા સાથે અનેક ખતરાઓ પણ આવે છે. સિક્યોરિટી કેમેરાના ગુણગાન આજકાલ બહુ જ ગવાય છે અને તે ઘણી હદે ઉપયોગી પણ છે. પરંતુ માણસ બધું ટૅક્નૉલૉજી પર છોડી દે તે પણ ખતરનાક બાબત છે. એક બાબત એ પણ છે કે ચોર કે અપરાધી કાયદાના રક્ષક કરતાં બે ડગલાં ઘણી વાર આગળ હોય છે. એટલે સિક્યોરિટી કેમેરા હોય તો તેના પર કપડું ઢાંકીને ચોરી કરવાના દાખલા બને છે. પણ આપણે વાત કરવી છે ટૅક્નૉલૉજીના દુરુપયોગની.

તાજેતરમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ફેબ ઇન્ડિયાના ગોવાના ટ્રાયલ રૂમમાંથી છુપો કેમેરો પકડ્યો. સ્મૃતિ ઈરાનીએ કરેલી હિંમત પછી તો ફેબ ઇન્ડિયાના કોલ્હાપુર સ્ટોરમાંથી પણ કેમેરો પકડાયો. આ બધાં આધુનિક સમાજનાં ભયસ્થાનો છે. પહેલાં તો સ્ટોર રૂમનું વલણ બદલી નાખ્યું. અગાઉ આવા કેમેરા મૂકવાની જરૂર નહોતી પડતી કારણકે મોટા ભાગે માણસોની દાનત સારી રહેતી હતી.  બીજું, તમે સ્ટોર રૂમનું વલણ એ રીતે બદલી નાખ્યું કે પહેલાં તો તમારે જનરલ સ્ટોરમાં જવું હોય તો દુકાનદાર પાસે વસ્તુઓ માગવી પડતી. પણ મોટી કંપનીઓ પ્રોવિઝન અથવા કરિયાણાના ધંધામાં કૂદી અને તેમણે અમેરિકા જેવું ચલણ કરી નાખ્યું. તમારે જે વસ્તુઓ જોઈતી હોય તે વસ્તુઓ જે તે ઘોડા(રેક)માંથી લેતા જાવ. તેના માટે સાથે લગેજ કેરિયર જેવી ચાલણ ગાડી (શોપિંગ કાર્ટ) રાખો. પહેલાં દુકાનદાર પાસે તમે જે લિસ્ટ લઈને જતા તે પ્રમાણેની વસ્તુઓ તમને આપી દેતા. પરંતુ આવા મોલમાં એવું થતું નથી. વિવિધ સ્કીમ, સસ્તા ભાવ અને ફ્રીની લાલચ ઊડીને આંખે વળગે તેમ મૂકાઈ હોય છે અને મોલમાંથી ખરીદી કરનારા મોટા ભાગના લોકો કબૂલે છે કે જરૂર કરતાં વધુ ખરીદી થઈ જાય છે.

આ તો અલગ વાત થઈ, પરંતુ અમેરિકા જેવા દેશોમાંથી આ પ્રકારના મોલનું ચલણ આવ્યું તેમ માનસિકતા પણ અમેરિકા જેવી જ થઈ ગઈ. લોકોમાં ભોગવાદ અથવા કન્ઝ્યુમરિઝમ આવી ગયું. નૈતિકતાનાં મૂલ્યો ઘટી ગયાં. ચોરી કરવી કે મહિલાઓને નગ્ન જોવી, તેમનો ઉપભોગ કરવો આ બધામાં કોઈ છોછ સંકોચ રહ્યો નહીં. આથી આવા મોલમાં કેમેરા મૂકાવા લાગ્યા જેથી કોઈ વસ્તુ સરકાવીને પૈસા ચુકવ્યા વગર બહાર ન જઈ શકે. સિક્યોરિટી ગાર્ડ પણ મૂકવો પડ્યો. જ્યારે મૂળ કરિયાણાની દુકાનમાં ન તો કેમેરા હોય કે ન સિક્યોરિટી ગાર્ડ. વળી, તે તમારા ઘરે તમને ડિલિવરી કરી જાય અને ઉધાર રાખે તે જુદા. હા, થોડા પૈસા વધારે જરૂર લે, પણ તે તમારા ઘરની નજીક પણ હોય. જ્યારે આવા મોલમાં જવા માટે તમારે ફરજિયાત વાહન લઈને જવું પડે. હવે જે મોટી કંપનીઓ કરિયાણાના ધંધામાં આવી તેમણે ધંધાની ભેળસેળ કરી નાખી. કરિયાણુંય વેચે ને હોઝિયરી પણ વેચે, બૂટ-ચંપલેય વેચે ને કપડાંય વેચે. સ્ટેશનરી પણ વેચાય ને કમ્પ્યૂટરને લગતી ચીજો પણ વેચાય. સબ બંદર કા વેપારી.

તો, આવા સિક્યોરિટી કેમેરાનો અલગ ધંધો ચાલુ થઈ ગયો. મોટા-મોટા મોલમાં ગ્રાહકો વત્તા કર્મચારીઓ પર નજર રાખવા માટે કેમેરા મૂકાવા લાગ્યા. પણ મોલના અળવીતરા માલિક કે મેનેજર કે પછી કર્મચારીઓ આ કેમેરાનો દુરુપયોગ કરવા લાગ્યા. અગાઉ કહ્યું તેમ કરિયાણાના ધંધા સાથે કપડાં વેચાવા લાગ્યા. એટલે તેના માટે ટ્રાયલ રૂમ રાખવો પડે. તે રૂમમાં મહિલાઓ પણ જવાની. આથી કેમેરા દ્વારા તેનું શૂટિંગ થવા લાગ્યું. અને ગુજરાતીમાં જેને છાનગપતિયાં કહી શકાય અને અંગ્રેજીમાં જેને માટે શબ્દ છે વોયેરિઝમ, તેનો વિકૃત આનંદ ઉઠાવવા લાગ્યા. કેટલીક વેબસાઇટો પર તો આવાં શૂટિંગ અપલોડ પણ થવા લાગ્યા.

આધુનિક સમાજના આવા વિકૃત આનંદ આપતા કે તમારી પોલ ખોલતાં ભયસ્થાનો માત્ર ટ્રાયલ રૂમના કેમેરા પૂરતા નથી. આજે મોબાઇલ અનેક કામો આપતો થઈ ગયો છે. મોલની જેમ તેણે પણ પોતાની અંદર અનેક વસ્તુઓને સમાવી લીધી છે. તે માત્ર ફોન કરવાનું સાધન નથી. તેના દ્વારા ફોટા પણ પાડી શકાય અને હવે તો સ્માર્ટ ફોન દ્વારા શું-શું ન કરી શકાય તેવો પ્રશ્ન થઈ પડે તેવાં કામો તે કરી આપે છે. હવે આ મોબાઇલમાં રહેલા કેમેરાથી મહિલાઓ છૂપી રહેતી નથી. રસ્તે જતા હોય અને મહિલાઓનો બીભત્સ હાલતમાં ફોટો પડી જાય. તમને લાગે કે વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો છે, પણ તેવા દેખાવ સાથે કાં તો ફોટો પાડતો કેમેરો ચાલુ હોય કાં તો વિડિયો ઉતારતો કેમેરા. બસ, રેલવેમાં મુસાફરી કરતી વખતેય આ મોબાઇલથી શૂટિંગ કરીને અથવા ફોટા પાડીને તેનો વિકૃત આનંદ ઉઠાવાય છે.

હવે ગેઝેટ એવાં મળવાં લાગ્યા છે કે તમે ઘરના બાથરૂમમાં નળના રિપેરિંગ માટે પ્લમ્બરને બોલાવો અને તે કેમેરા મૂકીને ચાલ્યો જાય. અને પોતાની દુકાને બેસીને તે લાઇવ શૂટિંગ જોતો હોય આવું બની શકે. માત્ર મહિલાઓ માટે જ આ ભયસ્થાનો છે તેવું નથી. આ ભયસ્થાનો પુરુષ કે સ્ત્રી એવો કોઈ ભેદ જોતા નથી. ઘણી કંપનીઓએ આવા સિક્યોરિટી કેમેરા મૂકી દીધા છે અને તેનો પ્રચાર પણ કરાય છે, જેથી કર્મચારીઓ શિસ્તમાં રહે. પરંતુ આનાથી કર્મચારીઓ પર બિનજરૂરી દબાણ આવી ગયું છે. કર્મચારીએ સતત કામ કરતા રહેવું પડે અથવા તેવો દેખાવ કરવો પડે કેમ કે જો તે વાતચીત કરતો, લઘુશંકા માટે ઊભો થતો કે બોસ વિરુદ્ધ વાત કરતો દેખાય તો તેની સામે શિસ્તભંગનાં પગલાં લેવાઈ શકે કે તેને બીજી રીતે હેરાન કરવામાં આવી શકે. જે કર્મચારી દાંડ છે, કામચોર છે, તેમના માટે આવા કેમેરા જરૂરી છે, પણ ‘સૂકા ભેગું લીલું બળે’ની જેમ જે કર્મચારી શિસ્તમાં જ રહે છે અને પૂરતું કામ કરે છે તેણેય સતત તાણમાં રહીને કામ કરતા હોવાનો દેખાવ કરવો પડે છે. અલબત્ત, આવી કંપનીઓમાં પુરુષ અને મહિલા હોય અને તેમની વચ્ચે છાનગપતિયાં ચાલતા હોય તો આવા કેમેરામાં કેદ થઈ જાય છે. અને તેનો વિકૃત આનંદ ઉઠાવાય. આવી મહિલા બ્લેકમેઇલના શિકાર પણ બની શકે. આ જોતાં આવા કેમેરાના લીધે ફરજિયાત તમારે નૈતિક મૂલ્યો ધરાવવા પડે તેવી સારી બાબત પણ બની શકે. તમારે જો બ્લેકમેઇલ ન થવું હોય કે કેમેરામાં પકડાવું ન હોય તો પૂરતું કામ કરવું પડે, ઑફિસમાં ફરજિયાત સદાચાર રાખવો પડે.

પરંતુ માત્ર કંપનીમાં જ શું કામ, માનો કે તમે હોટલ કે સસ્તા ગેસ્ટહાઉસમાં જાવ તો ત્યાંય આ છૂપો કેમેરા તમારી પાછળ જ છે અને તે એવો ભેદ નથી કરતો કે તમે વ્યભિચાર કરો છો કે સાચે જ પતિ-પત્ની છો. તમને ખબર પણ ન હોય અને તમારી કામક્રીડાનું શૂટિંગ થતું હોય, તેનો વિકૃત આનંદ ઉઠાવાતો હોય. પોતે તો વિકૃત આનંદ ઉઠાવે, પરંતુ વૉટ્સ એપ દ્વારા કે અમુકતમુક આવી વેબસાઇટ દ્વારા આવી વિડિયો ક્લિપ પાછી ચડાવીને (અપલોડ કરીને) તેના જેવા સમરસિયા (વિકૃતો)ને બતાવે.

વિચાર કરો કે, એન. ડી. તિવારી આંધ્રપ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે તેમની કથિત કામક્રીડાનું શૂટિંગ સીડીમાં થયું હતું. કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીનો કહેવાતો સેક્સ વિડિયો ઇન્ટરનેટ પર આવ્યો હતો. મોટા સ્થાને બેઠેલા લોકોય આવાં આધુનિક ભયસ્થાનોથી સલામત નથી. ઉલટું, કદાચ તેઓ સામાન્ય નાગરિકો કરતાં વધુ અસલામત છે કેમ કે તેમના દુશ્મનો વધુ હોવાના અને દુશ્મની કાઢવા માટે સૌથી મોટું હથિયાર ચરિત્રહનન જ છે. ગુજરાતના એક પૂર્વ રાજકારણીને પક્ષમાં હાંસિયા પર લાવવા એક શક્તિશાળી નેતાના ઈશારે સેક્સ સીડી કાંડ કરાયું જ હતું ને. થોડા સમય પહેલાં, હિન્દી ફિલ્મોની બાળ અભિનેત્રી તરીકે જાણીતી પરંતુ હવે યુવાન થયા પછી દક્ષિણ ફિલ્મોમાં વધુ સક્રિય એવી હંસિકા મોટવાનીનો સ્નાન કરતો કથિત વિડિયો આવ્યો હતો. આવો જ એક વિડિયો પ્રીતિ ઝિન્ટાનો પણ કહેવાય છે. આ હિરોઇનોનો વિડિયો નહીં હોય તેમ માની લઈએ તોય વિચાર કરવા જેવો પ્રશ્ન એ છે કે સ્ત્રીઓ સ્નાન કરતો હોય તેવો વિડિયો શૂટ કેવી રીતે કરાયો? તેનો એક તર્ક એવો છે કે આ હિરોઇનો અથવા તેના જેવી દેખાતી સ્ત્રીઓ હોટલમાં ઉતરી હોય ત્યારે બાથરૂમમાં કેમેરા મૂકીને શૂટ કરી લેવાયો હોય અથવા તો તેમના ઘરમાં ઉપર કહ્યું તેમ પ્લમ્બર કે કોઈએ કેમેરા મૂકી દીધો હોય.

બીજી તરફ, લોકોને પોતાને પણ આવું અભદ્ર શૂટિંગ કરવાનો શોખ જાગ્યો છે. થાઇલેન્ડમાં તો ઘણી યુવતી-સ્ત્રીઓને શોખ જાગ્યો હતો કે પોતાના સ્તનોને અર્ધ ઢાંકીને અથવા અર્ધ ઉઘાડા રાખીને તેના ફોટા પોતે પાડીને (જેને આજકાલની ભાષામાં સેલ્ફી કહેવાય છે) તે ફોટા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મિડિયાની વેબસાઇટ પર મૂકે. ભારતમાંય ઘણી સ્ત્રીઓને આવો શોખ હોય છે. તેઓ પોતાના ફોટા આવી વેબસાઇટ પર અપલોડ કરતા હોય છે, તેને મોટા પ્રમાણમાં લાઇક મળે તેથી પોરસાય છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે આ વેબસાઇટ પરથી ઇમેજ સેવ કરી શકાય છે અને પછી ફોટોશોપમાં તેની સાથે વિકૃત ચેડા કરી શકાય છે. હમણાં અમદાવાદમાં એક એવો કિસ્સો આવ્યો હતો કે બનેવીએ સાળીની સાથે શારીરિક સંબંધની માગણી કરી. સાળીએ ના પાડી, તો બનેવીએ તેના સેક્સી ફોટા માગ્યા અને કહ્યું કે તે તેનાથી કામ ચલાવી લેશે અને સાળીએ વૉટ્સએપથી મોકલાવી પણ દીધા! તેના આધારે બનેવીએ શારીરિક સંબંધની માગણી બળવતર બનાવી અને સાળીએ ના પાડી તો ફેસબુક પર આ ફોટા અપલોડ કરી દીધા. સાળીએ પછી અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી. બનેવીનો સો ટકા વાંક પણ સાળીનો વાંક પણ કહેવાય કે નહીં? તેણે શા માટે પોતાના સેક્સી ફોટા આપવા જોઈએ?

ફોટા તો હજુ સમજ્યા, પરંતુ કેટલાકને હવે પોતાની કામલીલાનો વિડિયો ઉતારવાનો પણ શોખ જાગ્યો છે. આવી વ્યક્તિના જ્યારે સંબંધ વિચ્છેદ થાય અને સંબંધ એટલી હદે વણસી જાય પછી એ વિડિયોને ફરતો કરી દેવામાં આવે છે. અભિનેત્રી કરીના કપૂર- શાહિદ કપૂરના તેમજ રિયા સેન- અસ્મિત પટેલના આવા કથિત વિડિયો લીક થયા હતા. કરીના કપૂરના વિડિયો બાબતે તો કહેવાય છે કે કરીના કે શાહિદે તેનો ફોન કોઈને વેચ્યો પરંતુ તેમાંથી ડેટા ડિલિટ કરવાનું ચૂકી ગયા અને પરિણામે આ વિડિયો તેમાં રહી ગયો. જેતે ફોન ખરીદનારે તે વિડિયો ફરતો કરી દીધો.

ભયસ્થાન માત્ર મહિલા માટે નથી, હવે તો તમે જાણીતા હો કે અજાણ્યા, દરેક માટે તે એકસરખું જ છે. તમે માનો કે સામેવાળો વૉટ્સએપમાં તો ડેટા ડિલિટ કરી નાખતો જ હોય કારણકે તેમ ન કરે તો ફોનની મેમરી ભરાઈ જાય, પરંતુ તેમાંય સ્ક્રીનશોટ લઈ લેવાતા હોય છે. જે તે રાજકારણીઓના તો ટ્વિટરના પણ સ્ક્રીનશોટ લઈ લેવાય છે જેથી તે ભવિષ્યમાં તેનું વલણ બદલે તો તેની સામે જૂનું ટ્વિટ ધરી દેવાય છે. રાજકારણીઓ આજકાલ પોતાના એક પ્રાઇવેટ નંબર રાખતા હોય છે અથવા તો તે પોતાના સિવાયના ફોન પરથી કોલ કરતા હોય છે અને તેમને એમ હોય છે કે પોતે કંઈ પકડાશે નહીં (કારણકે ગોધરા પછીનાં રમખાણોમાં આપણે જોયું તેમ કોલ ડિટેઇલ પણ કઢાવાઈ હતી), પણ હવે તેનોય બંદોબસ્ત થઈ ગયો છે. હવે સ્માર્ટ ફોનમાં કોલ રેકોર્ડિંગની એપ જેવી સુવિધા હાથવગી છે કે કોઈ તમને ફોન કરે તો તેનો ફોન તમે રેકોર્ડ/ટેપ કરી શકો. આમ આદમી પાર્ટીના ઝઘડામાં આપણે જોયું જ છે કે કેજરીવાલ રાજેશ ગર્ગ નામના ‘આપ’ના પૂર્વ ધારાસભ્યને કૉંગ્રેસના છ સભ્યોને તોડીને નવો પક્ષ રચવા માટે કહેતા પકડાયા હતા. પોતાના સભ્યો-જનતાને ખુલ્લેઆમ સ્ટિંગ કરી લેવા કહેનાર કેજરીવાલના તો આવા કેટલાંય સ્ટિંગ બહાર આવ્યાં છે.

સૌથી પહેલા રાજકારણી જે સ્ટિંગનો શિકાર બન્યા અને તેમની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ તે ભાજપના પૂર્વ પ્રમુખ બાંગારુ લક્ષ્મણ. જોકે તે વખતે અત્યાર કરતાં નૈતિકતાનાં ધોરણ એટલાં ઊંચાં ખરાં, કે સ્ટિંગમાં પકડાયા પછી તેમને પ્રમુખ પદેથી હટાવી દેવાયા અને પછી ક્યારેય ઊંચું સ્થાન ન મળ્યું, આજે તો આપણે જોયું તેમ સ્ટિંગ પછી પણ કેજરીવાલ ઠાઠથી દિલ્હીના મુખ્યપ્રધાન અને ‘આપ’ના વડા પદે ‘બેજવાબદાર’ (કેમ જવાબદારી બે હોય તેને બેજવાબદાર ન કહી શકાય?) છે. અભિષેક મનુ સિંઘવીને કૉંગ્રેસમાંથી થોડો સમય લો પ્રોફાઇલ કરી દેવાયા હતા પરંતુ તેઓ ફરી પ્રવક્તા તરીકે ગોઠવાઈ ગયેલા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પોતાના સ્ટિંગ ન થઈ જાય તે માટે ઘણી કાળજી રાખે છે અને કોઈ મુલાકાતી ઑફિસમાં આવે તો તેણે પોતાનો મોબાઇલ અને પેન વગેરે બહાર જમા કરાવીને પછી જ અંદર જઈ શકાય છે. આનું કારણ એ છે કે સ્પાય એટલે કે જાસૂસી કરતા કેમેરા હવે પેનમાં ફિટ થઈ શકે તેવા આવે છે. અરે! તમારા ચશ્મા પણ છૂપા કેમેરાનું કામ કરે છે. રૂ.૨,૫૦૦થી રૂ.૫,૦૦૦માં મળતા આવા સનગ્લાસીસ ફોટા પાડી શકે છે અને તે ફોટાને કમ્પ્યૂટર કે ફોનમાં પણ ટ્રાન્સ્ફર કરી શકાય છે. તો, બટન કેમરા એવા આવે છે કે તે બટન કેમેરા તમારા શર્ટ પર લગાડી દેવામાં આવે તો કોઈને ખબર પણ ન પડે કે તે કેમેરા છે. તેને સિગારેટના પેકેટ પર કે ચ્યુઇંગ ગમના પેકેટ પર પણ લગાડી શકાય છે. તે રૂ.૧,૦૦૦થી રૂ.૨,૦૦૦માં આવે છે. તો સિમ સ્પાય કેમેરાની વાત નિરાળી છે. તેમાં મોબાઇલમાં જે સિમ કાર્ડ આવે તેને આ સિમ સ્પાય કેમેરામાં ફિટ કરી દેવાનું. પછી તે સિમ કાર્ડનો જે નંબર હોય તેના પર કોલ કરો એટલે એ કેમેરા એક્ટિવેટ થઈ જાય. તેનાથી વિડિયો રેકોર્ડિંગ પણ થઈ શકે. આ જ રીતે ઘડિયાળમાં કે કીચેઇનમાં ફિટ થઈ શકે તેવા કેમેરા પણ આવે છે. ‘આપ’ના મોટી સંખ્યામાં સ્ટિંગ આવ્યા પછી આ સ્પાય ગેઝેટના વેચાણમાં રાતોરાત વધારો થઈ ગયો છે, તેમ દિલ્હીના ‘મેઇલ ટુડે’ સમાચારપત્રનું કહેવું છે.

(ગુજરાત ગાર્ડિયનની  બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૮/૪/૧૫ના રોજ આ લેખ છપાયો)

Posted in smart phone, technology

સ્માર્ટ ફોનમાં ગુજરાતી ફોન્ટ નથી વંચાતા?

ઘણા સ્માર્ટ ફોનમાં ગુજરાતી સંદેશાઓ મોકલીએ એટલે જવાબ આવે કે આ શું ચોરસ ચોરસ મોકલ્યું છે? આવા ફોન ધરાવનારાઓ માટે એક એપ ઉપયોગી થઈ શકે- વ્યૂ ઇન ગુજરાતી. તો આ એપ ડાઉનલોડ કરો ને વોટ્સ એપથી માંડીને ઇ-મેઇલ ગુજરાતી ફોન્ટમાં કરો.

Posted in blog, technology

ગૂગલ પ્લે સ્ટોરમાં પણ આ બ્લોગ એપ પ્રાપ્ય છે

હવે મારી બ્લોગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. એપના ઢગલામાંથી સરળતાથી શોધવા jaywant pandya અથવા gujarati reading દ્વારા શોધો અને મોબાઇલમાં વાંચવાનો આનંદ મેળવો.