વંદન આ માતાને!

Published by

on

‘મમ્મી, આપણે અજમલ કસાબને મળવા જઈશું?’

‘કેમ બેટા?’

‘પપ્પા તેને શૂટ કરવા ગયા હતા ને, પપ્પા તો  હવે રહ્યા નહીં, પણ અમારે

શહીદ અશોક કામટેનાં પત્ની વિનિતા કામટે
શહીદ અશોક કામટેનાં પત્ની વિનિતા કામટે

હવે તેને શૂટ કરી દેવો છે.’

 

‘બેટા એ માટે આઇપીએસ (પોલીસ અધિકારી) બનવું પડે.’

ઉપરોક્ત પ્રકારના સંવાદો થયા વિનિતા કામટે અને તેમના બે દીકરા રાહુલ અને અર્જુન વચ્ચે.

વિનિતા કામટેનો ઇન્ટરવ્યૂ મુંબઈના અંગ્રેજી દૈનિક ‘મિડ ડે’માં છપાયો છે. અને છપાયો છે બરાબર ૨૬મી નવેમ્બરે જ્યારે મુંબઈ પર એ પાશવી હુમલાને એક મહિનો પૂરો થાય છે.

રાજકારણીઓ કદાચ આ હુમલાને ભૂલી જશે, જનતાનો કેટલોક વર્ગ એ હુમલાને ભૂલીને ૩૧મી ડિસેમ્બરની પાર્ટી, ૧૪ જાન્યુઆરીની મકરસંક્રાંતિ, ૧૪ ફેબ્રુઆરીના વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીમાં પડી જશે, પણ સંવેદનશીલ લોકો ક્યારેય એ હુમલાને ભૂલી શકવાના નથી. સવાલ એ થાય છે કે ત્રાસવાદી હુમલામાંથી બચવા આપણે શું કરી શકીએ? અનેક સૂચનો આવે છે. કોઈ કહે છે, પાકિસ્તાન પર હુમલો કરો. કોઈ કહે છે, ઇન્ટેલિજન્સ સંસ્થાઓમાં સંકલન વધારો. કોઈ કહે છે, પોલીસમાં સંખ્યા વધારો.

પણ જો સૂચનકર્તાઓને પૂછવામાં આવે કે તમે શું કરશો તો માથું ખંજવાળવા લાગશે. બધા કહે છે, છત્રપતિ શિવાજી જેવા બાહોશ શાસકો આવવા જોઈએ, પણ એ છત્રપતિ શિવાજી મારા ઘરમાં નહીં, બાજુના ઘરમાં જન્મવા જોઈએ!

પોલીસમાં કે સેનામાં ભરતી થવી જોઈએ તેમ ઘણા લોકો માને છે, પરંતુ પોતાના દીકરાને જો તેમાં મોકલવાનો થાય તો કેટલા લોકો તૈયાર થશે?

કહે છે કે સંતાનની પ્રથમ શિક્ષક માતા હોય છે. પરંતુ આજે માતા ક્યાં તો નોકરી કરતી હોય છે અથવા તો ઘરે હોય તો પણ કિટી પાર્ટી કે સાસુવહુની સિરિયલ, અઠવાડિયામાં એક વાર બહાર તો જમવાનું જ, બે અઠવાડિયે એક વાર બ્યુટી પાર્લર જવાનું જ…આ બધા કામોમાંથી થોડો સમય મળે તો સંતાનોના ઉછેરમાં ધ્યાન આપવાનું.

ઘણા મિત્રોએ ‘શિવાજીને નીંદરું ન આવે, માતા જિજાબાઈ ઝુલાવે’ એ હાલરડું સાંભળ્યું હશે. માતા જિજાબાઈ નાનપણથી જ શિવાજીને તૈયાર કરતાં હતાં. તેમના સંસ્કારો અને ઉછેરે જ શિવાજીને શિવાજી બનાવ્યા. કોઈની સામે ન ઝુકવાનું અને મોગલો સામે લડવાનું શીખવ્યું.

વિનિતા કામટે એ જ પ્રકારની માતા છે. ત્રાસવાદીઓનો શિકાર બનેલા અશોક કામટે તો બહાદૂર હતા જ, પરંતુ વિનિતા પણ તેમના જેવાં જ વીરાંગના છે. તેઓ કહે છે, ‘મારા પતિ અમારા દીકરાઓ પોલીસમાં જોડાય તેમ ઈચ્છતા હતા, હું તેમનું એ સપનું પૂરું કરવા ઈચ્છું છું.’

મહારાષ્ટ્ર સરકારે વિનિતા અને તેમનાં બાળકો માટે રૂ.૨૫ લાખ અને એક ફ્લેટ આપવાની ઘોષણા કરી છે. આ પૈસામાંથી વિનિતા અશોકના નામે એક ટ્રસ્ટ શરૂ કરવા માગે છે, જેના ભંડોળમાંથી તે જરૂરિયાતમંદ પોલીસ કર્મચારીઓના કુટુંબોને મદદ કરશે.

આપણે પોલીસના ભ્રષ્ટાચારની- પોલીસની કામગીરીની  અવારનવાર ટીકા કરતા આવ્યા છીએ, પરંતુ કોઈએ તેમની તકલીફોનો વિચાર કર્યો છે ખરો? તેમને રજા ઘણી વાર રદ્દ થઈ જાય છે, તેમને વિષમ સંજોગોમાં, અતિશય દબાણ હેઠળ કામ કરવાનું આવે છે અને તેમના કેટલા ટૂંકા પગાર હોય છે! પોલીસ અને સેનાના જવાનોને સર્વોચ્ચ પગાર હોય અને તેમને ઉત્તમોત્તમ સુવિધાઓ મળતી હોય તો ઘણી સમસ્યાઓ ઓછી થઈ જાય. દેશ માટે લડતા જવાન કે પોલીસ શહીદ થાય અને પછી તેમની કોઈ નોંધ ન લે તે કેવું?

આપણા સમાજના નાયકો કે હીરો, શાહરુખ, સલમાન કે આમિર જેવા લોકો કે પછી પૈસા માટે રમતા ક્રિકેટરો બનવા જોઈએ કે જેઓ માત્ર પૈસા પાછળ દોટ મૂકે છે, ચારિત્ર્ય અને દેશભક્તિમાં સાવ મીંડું છે (જોકે પોતાની સદી મુંબઈ પર હુમલામાં શહીદ થયેલાઓને અર્પણ કરનાર સચિન તેંદુલકર જેવા અપવાદ પણ છે જ) કે પછી અશોક કામટે કે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન કે પોલીસ કૉન્સ્ટેબલ તુકારામ ગોપાલ ઓમ્બલે જેમણે લાઠીઓ વડે ત્રાસવાદીઓની બુલેટનો સામનો કરી તેમની યોજનાને ધૂળમાં મેળવી તેવા લોકો હોવા જોઈએ? ઘણાં મા-બાપો પોતાના સંતાનને નાનપણથી જ ગાવાનું શીખવતા હોય છે, ડાન્સ શીખવતા હોય છે. તેમને પોતાનું સંતાન લિટલ ચેમ્પ કે છોટે ઉસ્તાદ બને તેમાં વધુ રસ હોય છે. અરે, પોતાની દીકરીને નાનપણથી જ તે મોટી થઈને મિસ વર્લ્ડ સ્પર્ધા જ્યાં અંગે અંગનું પ્રદર્શન થતું હોય છે તેમાં ભાગ લઈ મિસ વર્લ્ડ બને તે રીતે તૈયાર કરતા હોય છે. તેમને પોતાની દીકરી ફિ્લ્મોમાં જાય તો પણ વાંધો નથી હોતો. તેમને નથી રસ હોતો તો પોતાનું સંતાન એક ઉત્તમ ચારિત્ર્યની વ્યક્તિ બને, દેશભક્ત બને તેમાં. 

વિનિતાએ પોતાના દીકરાઓને આઇપીએસ બનાવવાનું સપનું જોયું છે. તેનું સપનું પૂરું થશે કે નહીં તે તો આવનારો સમય કહેશે, પણ સપનું જોવું અને તે પૂરું કરવામાં ભગીરથ પ્રયાસો કરવા તે પણ એક સિદ્ધિ જ છે.

વંદન આ માતાને!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.