વિદ્યાર્થી અવસ્થા હોય કે કેરિયર, ડાઇવર્સિફિકેશન અત્યંત આવશ્યક

Published by

on

પેટા મથાળું: શૅરબજારમાં મૂડીરોકાણ માટે જેમ સલાહ અપાય છે તેમ સંબંધોમાં કે કેરિયરમાં પણ ડાઇવર્સિફિકેશન આવશ્યક છે. અમિતાભ હોય કે સચીન તેંડુલકર, તેમણે ડાઇવર્સિફિકેશન કર્યું એટલે તેઓ સફળ છે.

(અબીલગુલાલ કૉલમ, ગુજરાત મિત્ર, દિ. ૨૮/૦૪/૨૦૨૪)

મૂડીરોકાણ સંદર્ભે આર્થિક નિષ્ણાતો એવી સલાહ આપતા હોય છે કે તમારું રોકાણ ડાઇવર્સિફાઇડ હોવું જોઈએ. એટલે કે વૈવિધ્યસભર હોવું જોઈએ. થોડુંક એફ.ડી.માં કરો, થોડુંક પૉસ્ટ ઑફિસની કોઈ યોજનામાં કરો, થોડુંક મ્યુચ્યુઅલ ફંડમાં કરો. જો શૅરબજારમાં રોકાણ કરતા હો તો પણ એક જ કંપનીના ઝાઝા બધા શૅર લેવાના બદલે અલગ-અલગ કંપનીઓના શૅર લો, જેથી બહુ મોટું નુકસાન ન જાય.

ખૂબ સાચી સલાહ છે, અને આ સલાહ આપણને જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગે તેવી છે. કઈ રીતે? સમજીએ.

દા. ત. આપણને ગળ્યું ભાવે છે. તો એકલું ગળ્યું જ વધુ ખાધા રાખીએ તો શું થાય? ડાયાબિટીસ થઈ જાય. ડાયાબિટીસ થાય એટલે સાથે બીજા ઘણા રોગો લેતો આવે. તો ભોજનમાં સંતુલન આવશ્યક છે. છએ છ રસ આવશ્યક છે. મીઠો, ખાટો, ખારો, તીખો, કડવો અને તુરો. આમાંથી કોઈ એક રસ પર આપણે ચડી જઈએ, તો શું થાય? તીખું જ ખાવા લાગે તો હરસ થાય, એસિડિટી થાય, અલ્સર થાય. આમ, ડાઇવર્સિફિકેશન આવશ્યક છે.

હવે વિદ્યાર્થીઓની વાત કરીએ. માનો કે વિદ્યાર્થી માત્ર ભણેશરી જ હોય તો? તો તે જીવનના ગણિતમાં કાચો રહી જશે. તેને સોય પરોવતા કે સાઇકલની ચેઇન ચડાવતા નહીં આવડતું હોય. તેને ચૅક ભરતા નહીં આવડે. તે શારીરિક રીતે ચુસ્ત નહીં હોય. તરત થાકી જશે. એટલે વિદ્યાર્થી હોય તો પણ તેણે પોતાના સમયનો, શૅરબજારની ભાષામાં કહીએ તો, પૉર્ટફૉલિયો ડાઇવર્સિફાય કરવો આવશ્યક છે. કેટલો સમય વાંચવું, કેટલો સમય રમવું, કેટલો સમય ટીવી જોવું, કેટલો સમય મોબાઇલ પર વિતાવવો, કેટલો સમય માતાપિતા કે ભાઈ-બહેન સાથે વાતો કરવી, એ નક્કી કરવું પડે. જો જરૂર હોય તો ‘સ્ટૉક માર્કેટ ઍક્સ્પર્ટ’ની જેમ ‘કેરિયર ઍક્સ્પર્ટ’ એવાં માતાપિતા કે શિક્ષકોની સલાહ લેવી જોઈએ. મોટાં ભાઈ કે બહેનની સલાહ પણ લઈ શકાય.

રાજકારણમાં પણ તમારા સંબંધોના પૉર્ટફૉલિયોનું ડાઇવર્સિફિકેશન આવશ્યક છે. તમારા પક્ષ પર કોઈ એક સમાજનો હોવાનો થપ્પો લાગી જાય તો તે પક્ષને ચૂંટણીમાં ખાસ લાભ થતો નથી. આજે કેટલાક પ્રાદેશિક પક્ષોને કે કૉંગ્રેસને આવા થપ્પા જ નડી રહ્યા છે. એટલું જ નહીં, રાજકીય પક્ષની અંદર પણ તમને કોઈ જૂથના હોવાનો થપ્પો લાગી જાય તો તેનાથી નુકસાન થાય છે. તમારા ગૉડફાધરની ખુરશી ક્યારે છિનવાઈ જાય તે રાજકારણમાં નક્કી હોતું નથી. પછી તમે પણ ક્યાંય ખૂણે ફેંકાઈ જતા હો છો. હા, કોઈ જૂથમાં ન હોવાનું નુકસાન પણ છે. તેનાથી તમારી પ્રગતિ ધીમી થશે, પરંતુ એ પ્રગતિ મક્કમ હશે. એવા ઘણાય નેતા આજે શીર્ષ પર છે જેના પર કોઈ જૂથમાં હોવાનો થપ્પો કહી શકાય નહીં.

ફિલ્મોમાં પણ આવું જ છે. જો તમારા પર કોઈ ચોક્કસ રૉલનો થપ્પો લાગી ગયો તો તેવી જ ફિલ્મો મળતી રહે. જગદીશ રાજ, ઇફ્તેખાર કે રાજ મહેરા જેવા કલાકારો બિચારા, આખું જીવન પોલીસ કમિશનર કે પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા કરતા રહ્યા. એ જ રીતે તમે કોઈ ચોક્કસ પ્રકારની ફિલ્મો જ કરતા રહ્યા તોય દુઃખ. તમે કોઈ એક-બે નિર્માતા કે નિર્દેશકને વહાલા થઈ એમની જ ફિલ્મો મેળવતા રહ્યા તો એ નિર્દેશકની ફિલ્મ નહીં ચાલે ત્યારે તમારી નૈયા પણ ડૂબી જશે.

એટલે તો કારકિર્દીની શરૂઆતમાં ઍક્શન સ્ટારનું છોગું લાગેલા અભિનેતાઓ અક્ષયકુમાર અને અજય દેવગને પછી રૉમેન્ટિક ભૂમિકાઓ પણ કરી અને કૉમેડી ફિલ્મો પણ કરી. ફિલ્મોમાં પણ તેમણે ઍક્શનના બદલે રૉમેન્ટિક, સસ્પેન્સ, થ્રિલર અને સામાજિક ફિલ્મોય કરી. નસીરુદ્દીન શાહ એક સમયે માત્ર આર્ટ ફિલ્મોના અભિનેતા ગણાતા. પરંતુ બાદમાં આ છોગામાંથી બહાર નીકળવા તેમણે ‘કર્મા’, ‘ત્રિદેવ’, ‘સર’, ‘મહોરા’ જેવી કૉમર્શિયલ ફિલ્મો કરી. તેમાંય ક્યાંક ઍક્શન હીરો તો ક્યાંક વાલી, તો ક્યાંક વિલનની ભૂમિકા કરી.

અમિતાભ બચ્ચન સાથે પણ આવું થયું હતું. તેઓ ઍંગ્રી યંગ મેનની ભૂમિકા જ કરતા રહ્યા. જોકે કારકિર્દી પહેલી વાર જ્યારે હાલકડોલક થઈ ત્યારે ‘મૈં આઝાદ હૂં’ જેવી ફિલ્મ કરી હતી. વચ્ચે અલ્પવિરામ લઈ પરત ફર્યા ત્યારેય ‘મૃત્યુદાતા’, ‘મેજરસાબ’ જેવી મારધાડની ફિલ્મો કરી. તે વખતે કદાચ અત્યાર જેવી ‘ડાઇવર્સિફાય’ ફિલ્મોય નહોતી બનતી. પરંતુ જ્યારે બનવા લાગી ત્યારે તેમણે ‘બ્લેક’, ‘પા’, ‘પિકુ’, ‘શમિતાભ’ અને ‘પિંક’ આ પ્રકારની ફિલ્મો કરી પોતાના અભિનયના પૉર્ટફૉલિયોમાં ડાઇવર્સિફિકેશન કરી નાખ્યું.

સંબંધોમાં પણ આવું જ હોય છે. જીવનમાં ઘણા લોકો મિત્રો માટે ખુવાર થઈ જતા હોય છે. મિત્ર ઘણી વાર શેરી મિત્ર કે તાળી મિત્ર નીકળે છે. આવા મિત્રો સ્વાર્થ પૂરો થાય ત્યારે પગલુછણિયાની જેમ ઉપયોગ કરે છે. ત્યારે દુઃખી થવાય છે. એટલે જ મિત્રો ભલે ઓછા રાખો, પરંતુ સ્નેહીઓનું- સંબંધીઓનું વર્તુળ મોટું હોવું જોઈએ.

આનો અર્થ એ પણ નથી કે ઘડીકમાં તમે આની સાથે સમય વિતાવો, ઘડીકમાં આની સાથે. ઘડીકમાં આ પ્રવૃત્તિ કરો, તો ઘડીકમાં બીજી. જો તમારે સિદ્ધિ મેળવવી હોય તો એક પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું પડશે. પંડિત ભીમસેન જોશી કે લતા મંગેશકર બનવું હોય તો ગળાડૂબ રીતે સંગીતનો મહાવરો કરતા રહેવું પડે. સચીન તેંડુલકર બનવું હોય તો રોજ ઘણો સમય પ્રૅક્ટિસ કરવી પડે. પરંતુ સચીન તેંડુલકર બન્યા પછી માત્ર ક્રિકેટ પર જ કમાણી માટે આધાર ન રાખી શકાય. તેની કમાણીનું ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન સારું મળે તે રીતે કરી નાખવું પડે. ક્રિકેટર તરીકે ખ્યાતિ મળી ગયા પછી સંબંધો એવા રાખવા પડે કે મૂકેશ અંબાણી પણ બોલાવે અને શાહરુખ ખાન પણ.

ઇસી લિએ ડાઇવર્સિફિકેશન મેં હી સમજદારી હૈ.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.