તુમ બિન જાઉં કહાં : રફીના અનેરા ચાહકની વાત

Published by

on

ઉમેશ મખીજાના 'રફીદર્શન'માં પુણ્યતિથિ અને જન્મદિવસે મોહમ્મદ રફીને ભક્તો શ્રદ્ધાપુષ્પ અર્પણ કરે છે
ઉમેશ મખીજાના 'રફીદર્શન'માં પુણ્યતિથિ અને જન્મદિવસે મોહમ્મદ રફીને ભક્તો શ્રદ્ધાપુષ્પ અર્પણ કરે છે

પી ૫૦૪, ઇન્દ્રપ્રસ્થ ટાવર, ગુરુકૂળ પાસે, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ.

આ એડ્રેસ કોનું છે?

જો મોહમ્મદ રફીના ચાહકોને પૂછો તો તેઓ કહેશે, રફીસા’બનું!

અને તેમની વાત પણ સાચી છે. ઇન્દ્રપ્રસ્થમાં તમે પી વિંગમાં લિફ્ટમાં ઉપર ચડીને ડાબી બાજુ બીજા બ્લોક ૫૦૪માં જાવ એટલે દરવાજાની ઉપર જ ‘રફી દર્શન’ લખેલું માલૂમ પડે. અંદર ઘરના માલિકને તમે કહો કે તમે રફીના ચાહક છો અને મળવા આવ્યા છો તો તે તમને એક ભગવાનના કોઈ ભક્ત બીજા એ જ ભગવાનના ભક્તને જેટલો આદર આપે અથવા એક ગુરુના શિષ્ય બીજા શિષ્યને જેટલો આદર આપે તે જ આદરથી પોતાના ભગવાનનું મંદિર બતાવવા માટે લઈ જશે.

રફીના ભક્ત ઉમેશ મખીજા
રફીના ભક્ત ઉમેશ મખીજા

રૂમના દરવાજા પર ફરી રફીનો ફોટો દૃષ્ટિગોચર થાય છે. અંદર જઈને ખબર પડે છે કે મંદિર માટે કોઈ ખૂણો કે કોઈ ગોખલો નહીં, પણ એક આખો રૂમ ફાળવાયેલો છે.

અહીં મંદિર શબ્દ એટલા માટે પ્રયોજ્યો છે કે તેની જાળવણી અને પવિત્રતા મંદિર જેટલી જ રાખવામાં આવે છે. રૂમમાં કોઈને સૂવા કે બેસવાની પરવાનગી નથી, ઘરના માલિક કે સભ્યોની પણ નહીં! જો તમારે આ મંદિર જેવા વિશિષ્ટ રૂમની મુલાકાત લેવી હોય કે તમે તેની મુલાકાત લઈ ચૂકયા હો પણ તમારે આ ભક્ત પાસે તેમના ભગવાન વિશે વધુ જાણવું હોય તો તેમનો અનુકૂળ સમય જાણી લેવો પડે (તેમના ફોન નંબર પણ રફીના જન્મદિવસ અને પુણ્યતિથિના આંકડાવાળા! એક નંબરના છેલ્લા આંકડા છે ૨૪-૧૨-૨૪ અને બીજા નંબરના છેલ્લા આંકડા ૩૧-૭-૮૦!), બાકી જન્માષ્ટમી કે શિવરાત્રિની જેમ જાહેર તહેવાર જેવા દિવસ એટલે કે રફીના જન્મદિવસ ૨૪ ડિસેમ્બર અને પુણ્યતિથિ ૩૧ જુલાઈએ વગર પૂછ્યે બપોરે ૨થી ૬ પહોંચી જાવ તો ચાલે.

૩૦મી જુલાઈ. મારા પર ફોન આવે છે. ‘જય રફીસાબ. કાલે ૨થી ૬ તમારે આવી જવાનું છે. તમને જે અનુકૂળ સમય હોય તે સમયે.’ એઝ યુઝ્યુઅલ, રફી વિશે થોડી વાતચીત પછી ફોન પૂરો થાય છે. પોતાની દીકરી આરતીનાં લગ્ન હોય તેવા ઉમળકાથી રફીની પુણ્યતિથિના કાર્યક્રમનું આમંત્રણ આપતા એ વ્યક્તિ એટલે ઉમેશ મખીજા. ૩૧મી જુલાઈએ સાંજે ૫ વાગ્યે હું ઇન્દ્રપ્રસ્થ પહોંચું છું એટલે માઇકમાં ગવાતા રફીના ગીતનો અવાજ નીચે લિફ્ટમાં થઈને મારા સુધી પહોંચે છે અને ઉપર ઘરમાં પ્રવેશતા જ ડ્રોઇંગરૂમમાં તેમના ચાહકો વારાફરતી તેમના પ્રિય ગાયકનાં ગીતો લલકારી રહેલા નજરે પડે છે. રફીના રૂમમાં ઉમેશભાઈના ખાસ દોસ્ત અને રફીના એવા જ ગાઢ ચાહક વસંતકુમાર સિંધવ વ્યવસ્થા જાળવવામાં મદદ કરી રહ્યા છે. ઉમેશભાઈની સાથે તેઓ વાતચીતમાં જોડાય છે.

૨૦૦૫માં ‘દિવ્ય ભાસ્કર’ની ‘નવરંગ’ પૂર્તિ –મેગેઝિન સાઇઝમાંથી ટેબ્લોઇડ થઈ ત્યારે તેમાં એક કોલમ ચાલુ કરેલી, ‘દીવાના મુઝસા નહીં’. આ કોલમ એવા લોકો માટે હતી જેમને બોલિવૂડના કોઈને કોઈ કલાકાર કે કલાકારો પ્રત્યે ભક્તિભાવ જેટલો અનુરાગ હોય અને કલેક્શન કરતા હોય કે તેમને જીવનમાં અપનાવ્યા હોય. આમાં શરૂઆત વસંતકુમાર સિંધવથી થઈને પછી તો ઉમેશ મખીજા, હરીશ રઘુવંશી, ગૌતમ મિસ્ત્રી, બાબુભાઈ એમ અનેક અમદાવાદ, વલસાડ, મોરબી એમ વિસ્તરતી ગઈ. ‘રોગ લાગુ પાડનારા તમે જ,’ ઉમેશભાઈ એ  ‘દીવાના મુઝસા નહીં’ કોલમમાં આવેલા પોતાના વિશેના લેખને યાદ કરીને કહે છે (આ તેમની ટિપિકલ સિંધી વ્યાપારીની સ્ટાઇલ છે), ‘એ કોલમે તો અનેક લોકો માટે સેતુની ગરજ સારેલી. પણ પછી એ કોલમ કેમ બંધ થઈ ગઈ? તમે ‘દિવ્ય ભાસ્કર’ કેમ છોડી દીધું?’ એવા સવાલોનો મારો થાય છે અને હું યોગ્ય જવાબ આપીને પછી મારી ટેવ મુજબ (ઉમેશભાઈને મળું ત્યારે દર વખતે પૂછાતો પ્રશ્ન) પૂછું છું, ‘નવું શું છે ઉમેશભાઈ એ કહો ને.’ ઉમેશભાઈ રફીના રૂમમાં, ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ એમ ત્રણેય ભાષામાં લખાયેલ રફીની બોર્ડર અને વચ્ચે તેમનાં ગીતોવાળી બેડશીટ, ઓશિકાના કવર બતાવે છે. આ વખતે એક નવી ચીજ જોવા મળે  છે, રફીના દીકરાના લગ્નમાં લતા મંગેશકર (ભૂલથી ઉમેશભાઈ આગળ લતાનું નામ લેવાય નહીં એ ધ્યાન રાખવું પડે, તો બીજા ગાયકોની વાત જ ક્યાં કરવી? ઉમેશભાઈ કહે છે એમ, જ્યારે તેમને રફી અને લતાની સ્પર્ધા કરાવવી હોય અને તેમાં રફીને જિતાડવા હોય ત્યારે જ બંનેનાં ડ્યુએટ સાંભળે છે) અને મદનમોહનની તસવીરવાળું કેલેન્ડર.

યશરાજ ફિલ્મ્સના લેટરહેડવાળો સંજીવ કોહલીનો પત્ર
યશરાજ ફિલ્મ્સના લેટરહેડવાળો સંજીવ કોહલીનો પત્ર

‘યશરાજ ફિલ્મ્સમાંથી સંજીવ કોહલી (મદનમોહનના દીકરા)નો ફોન આવ્યો હતો, મદનમોહનની આ તસવીર તેમને જોઈતી હતી. તે મેં તેમને મોકલી આપી. તે પછી આભાર માનતો પત્ર સંજીવે મોકલ્યો હતો,’ ઉમેશભાઈ કહે છે.

મદનમોહનના અપ્રસિદ્ધ ગીતોનું આલબમ ‘તેરે બગૈર’ રિલીઝ થવાનું હતું ત્યારે રફીના જમાઈ (જી હા, રફીના સ્વજનો સાથે ઉમેશભાઈને સારો ઘરોબો છે. રફીના સ્વજનો જ નહીં, વિતેલા જમાનાનાં પ્રમાણમાં ઓછા જાણીતા ગાયિકા ઉષા ત્રિમૂર્તિ, મહાભારતના અર્જુન – ફિરોઝ ખાન જેવા કલાકારોને મળવાનો પણ આ ઉમેશભાઈ અને વસંતભાઈનો શોખ.)પરવેઝભાઈનો ફોન આવ્યો હતો. પણ ઉમેશભાઈને પોતાની પાસે રહેલી માહિતી કે ગીતોનો ખજાનો કહીને સામેવાળાને આશ્ચર્ય આપવાની ખાસ ટેવ. તેમણે પરવેઝભાઈને ગીતોના નામ આપીને કહ્યું, ‘બે ગીત તો મારી પાસે છે.’ પરવેઝભાઈ કહે, ‘પણ આલબમ તો હજુ ક્યાં રિલીઝ થયું છે?’ પણ જે અપ્રસિદ્ધ હોય, દેશ કે વિદેશના ખૂણે ખાંચરે હોય ત્યાંથી શોધી કાઢીને પોતાનું કલેક્શન અને જ્ઞાન વધારતા જવું એ જ રફીના આ અનન્ય દીવાનાનું કામ.

અને તેમનું આ કામ ચાલુ જ છે અને ચાલુ રહેશે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.