મોહન ભંડારીએ અભિનય માટે બૅન્કની નોકરી છોડી દીધી હતી!

Published by

on

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘ટેલિટૉક’ કૉલમમાં તા.૨/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.)

માનો કે તમે ઋષિ કપૂરના અતિશય ચાહક છો. તમને રણબીર કપૂર પણ ગમે છે, પરંતુ થોડાં વખત પછી તમને ખબર પડે છે કે રણબીર કપૂર ઋષિ કપૂરનો દીકરો છે. તો તમારું આશ્ચર્ય આનંદમાં પરિણામે કે નહીં? તમે કહેશો કે એ તો બધાને ખબર જ હોય ને. પણ ટીવી જગતની રીતે વાત કરીએ તો તેની કેટલીક માહિતી તમને એટલી જલદી મળતી નથી. અથવા તો બીજી રીતે કહીએ તો ટીવી જગત એટલું મોટું થઈ ગયું છે કે એની દરેકે દરેક માહિતીનો દાવો ક્વિઝ માસ્ટર જેવા ગણ્યાગાંઠ્યા લોકો જ કરી શકે. એટલે જ જ્યારે અભિનેતા મોહન ભંડારીના નિધનના સમાચાર આવ્યા ત્યારે એ સમાચારના દુઃખ સાથે એક આનંદ પણ થયો કે વાહ! ‘તેરે શહેર મેં’માં મોન્ટુ બનતો ધ્રૂવ ભંડારી એ મોહન ભંડારીનો દીકરો છે! એટલે મોહન ભંડારી પોતાની પાછળ એક અડીખમ વારસો મૂકતા ગયા. અને તે પછી તમને એકેક નિશાનીઓ મળવા લાગે. ખાસ કરીને ધ્રૂવની ગુચ્છેદાર હેરસ્ટાઇલ, ભલે તે પાથી જમણી બાજુ પાડતો હોય. એ જ મોઢું. હા, મોહન ભંડારીમાં જે પૌરુષત્વ દેખાય તે ધ્રૂવમાં હજુ ઓછું દેખાય. પણ અમાયા સાથેના તેના રોમેન્ટિક ટ્રેક, ઉમા સાથેના તેના ઝઘડા આ બધું લોકોને ગમી જ ગયું છે.

એ ધ્રૂવે જ સમાચાર અગાઉ આપેલા કે તેના પિતા બીમાર છે, પરંતુ ટીવીને લગતા જે સમાચારો છવાયા રહે છે તે આવા છે- ‘બિગ બોસ’માં મિયા ખલીફા નામની પોર્ન સ્ટાર આવશે (જોકે હવે તેણે ઈનકાર કરી દીધો છે અને એક રીતે ભારતના મોઢા પર થૂક્યું છે કે તે ક્યારેય ભારતમાં પગ નહીં મૂકે), એક ટીવી કલાકાર બળાત્કારના આક્ષેપમાં પકડાયો- ડોલી બિન્દ્રાએ રાધે મા સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા વગેરે વગેરે. આવા બધા સમાચારોમાં મોહન ભંડારીના સમાચાર ઢંકાય જાય તે સ્વાભાવિક છે. એમ તો મોહન ભંડારીના નિધનના સમાચારને પણ સમાચારપત્રોએ ક્યાં એટલું અગત્ય આપ્યું?! સમાચારપત્રોમાં પેઢી બદલાઈ ગઈ છે અને નવી પેઢી મોહન ભંડારીને ઓળખતી ન હોય તે બને, પણ જૂની પેઢીય મોહન ભંડારીને ભૂલી ગઈ? કેટલાક સમાચારપત્રોમાં મોહન ભંડારીના નિધનના સમાચાર પણ ન છપાયા!

જે માણસે એસબીઆઈ જેવી આકર્ષક નોકરીને જતી કરી તેનો અભિનય પ્રેમ કેવો કહેવો? સમાચારપત્રોની ભાષામાં જ કહીએ તો, મળતી માહિતી મુજબ, ૩૧ જુલાઈએ (તેમનું જન્મ વર્ષ નથી મળતું.) જન્મેલા મોહન ભંડારી મૂળ તો ઉત્તરાખંડના અલ્મોડાના મવડા ગામના નિવાસી હતા. તેમના પિતા હંસદત્ત ભંડારી કુમાઉ રેજિમેન્ટ કેન્દ્રની ચાર કુમાઉમાં મેજર હતા. એટલે જ તો મોહન ભંડારી પણ કોઈ મેજર જેવા જ દેખાતા. મોઢા પર કરડાઈ, આંખો પાણીદાર, નાની પણ ધ્યાનાકર્ષક મૂછો, ગુચ્છેદાર હેરસ્ટાઇલ, કોટપેન્ટ, ભરાવદાર પહાડી અવાજ. મોહનના પિતા દ્વિતીય વિશ્વયુદ્ધમાં લાપતા થઈ ગયા હતા.

મોહનના પિતરાઈ ભાઈ પણ લેફ્ટ. જનરલ હતા. તેમનું નામ મોહનચંદ્ર ભંડારી. બંને મોહન સાથે રમતા. અભિનેતા મોહનના પિતા સેનામાં હોવાના કારણે તેમની બદલી થતી રહેતી હતી. મોહન હલ્દવાની અને પૂણેમાં ભણ્યા.

કહે છે કે તેમણે મરાઠી થિયેટરમાંથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ‘સીઆઈડી’માં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવતા શિવાજી સાટમે મોહન ભંડારીને યાદ કરતા લખ્યું કે તેમણે બંનેએ એક નાટકમાં સાથે કામ કર્યું હતું. ભારતમાં ટીવી જગતના આરંભકાળની સિરિયલો જોનારાને યાદ હશે, બુધવારે ‘ખાનદાન’ સિરિયલ આવતી હતી, જેમાં ડૉ. શ્રીરામ લાગુ, નીના ગુપ્તા, મોહન ભંડારી, જયંત કૃપલાણી, વિવેક વાસવાણી, શેહનાઝ પટેલ વગેરે કલાકારો હતાં. તે ઉપરાંત કૉલેજના વિદ્યાર્થીઓના જીવન પર આધારિત સિરિયલ ‘ચુનૌતી’ને પણ લોકો નહીં ભૂલ્યા હોય. ભૂલાતું ન હોય તો તેમાં મોહન ભંડારી પ્રાધ્યાપક બન્યા હતા. તે પછી તો તેમણે ‘કર્ઝ’, ‘પરંપરા’, નીના ગુપ્તાની ‘પલછિન’, ‘જીવન મૃત્યુ’, ‘પતઝડ’, ‘અભિમાન’, ‘ગુમરાહ’, ‘મિલે સૂર મેરા તુમ્હારા’ જેવી અનેક સિરિયલોમાં કામ કર્યું. ઝી ટીવી પર આવેલી ‘કિટી પાર્ટી’માં પણ તેમણે કામ કર્યું હતું.

વચ્ચે થોડા સમય અમેરિકા ચાલ્યા જવાના કારણએ ટીવી પડદેથી દૂર રહ્યા પછી તેમણે ‘સાત ફેરે’માં સલૌનીના પિતા નર્પતસિંહની ભૂમિકા ભજવી હતી. જોકે તે ભૂમિકા મોહનની સામાન્યતઃ જેવી ભૂમિકાઓ રહેતી તેવી નહોતી. નર્પતસિંહ એક લાચાર અને મજબૂર પિતા હતો. મોહન ભંડારીએ એક મુલાકાતમાં કહ્યું હતું, “આ ભૂમિકાથી મને બે પ્રકારની પ્રતિક્રિયાઓ મળી. લોકોને આશ્ચર્ય થયું કે મોહન આવી લાચાર પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. લોકો કહેતા, “ઐસા ભી કર લેતે હો, ઇતના મજબૂર કેરેક્ટર?” તો કેટલાક આનંદ વ્યક્ત કરતા કે મજબૂત પાત્રોની ભૂમિકાઓ બહુ ભજવી, હવે લાચાર પિતાની ભૂમિકા પણ સારી કરી રહ્યા છો.”

તેમને એ વાતનો રંજ હતો કે તેમને પોતાનું માર્કેટિંગ કરતા નથી આવડતું. તેઓ કહેતા કે અગાઉ એક-એક પાત્ર સારી રીતે ઘડવામાં આવતું. અત્યારે તો ટીઆરપી જ ભગવાન છે. ‘આધે પકાયે, કુત્તે ખાયે’.

તેઓ કેટલા આશાવાદી હતા કે તેઓ જ્યારે નવી કાર ખરીદતા ત્યારે પોતાની જાતને કહેતા કે આ મારી છેલ્લી કાર નથી!

ગોવિંદ નિહલાણીની ‘પાર્ટી’, સુજાતા મહેતાના કારણે વધુ જાણીતી ‘પ્રતિઘાત’માં ઇન્સ્પેક્ટર અજય શ્રીવાસ્તવ, ‘યલગાર’માં દીપ્તિ નવલના પતિ અને ઇન્સ્પેક્ટર દીપક જે ફિરોઝ ખાનનો દોસ્ત હોય છે, જેની ડ્રગ્સના ગુંડા દ્વારા હત્યા થઈ જાય છે, ‘બેટા હો તો ઐસા’માં એડ્વોકેટ ચંદર, ‘બવંડર’, શાહરુખ ખાનની ‘પહેલી’માં ઠાકુરની ભૂમિકા, હેમા માલિની દિગ્દર્શિત ‘ટેલ મી ઓ ખુદા’માં દીવાનજીની ભૂમિકા તેમણે ભજવી હતી.

મોહન ભંડારીની માતા તેમના પતિ (મોહન ભંડારીના પિતા) ગૂમ થઈ ગયા બાદ તેમના ગામ મવડાના ગ્વેલ દેવતા મંદિરમાં જતાં. અઢી વર્ષ પછી તેમના સકુશળ હોવાની ખબર મળ્યા પછી તેમની આસ્થા વધી ગઈ. મોહન ભંડારીને પણ આ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા હતી. તેઓ પાંચ વર્ષ પહેલાં સુધી આ મંદિરે આવતા. બજારોમાં સામાન્ય માણસની જેમ ફરતા અને કુમાઉમાં જ બધા સાથે વાત કરતા.

મોહન ભંડારી યુએસમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ૧૯૯૬માં પહેલો એટેક આવેલો. તેમની સાથે કામ કરનાર ટીવી પ્રોડ્યૂસર મનીષ ગોસ્વામી કહે છે, “તે વખતે અમે પરંપરા અને કર્ઝ નામની બે સિરિયલ કરી રહ્યા હતા. મોહન ભંડારીની અસ્વસ્થતાના કારણે અમારે કથા બદલવી પડેલી.” તેમના પર ૧૮ વર્ષ પહેલાં બ્રેઇન ટ્યુમર માટે સર્જરી કરવામાં આવી હતી. અગાઉ કહ્યું તેમ તેમાંથી બેઠા થયા બાદ તેમણે ‘સાત ફેરે’ સિરિયલ કરી. તે ઉપરાંત ‘બા બહુ ઔર બેબી’માં લીલાના પિતા પ્રિયવર્ધન રાયચુરાની ભૂમિકા કરી હતી. વર્ષ ૨૦૦૯માં એનડીટીવી ઇમેજિન પર આવેલી સિરિયલ ‘દહલીઝ’માં તેમણે ધનિક ઉદ્યોગપતિ મિ. બક્ષીની ભૂમિકા ભજવી હતી. ૨૦૧૦માં તેમણે એક થ્રિલર શો ‘રક્તસંબંધ’ કર્યો હતો. જેમાં તેમના દીકરા ધ્રૂવે પણ કામ કર્યું હતું. તેઓ તેમના દીકરા ધ્રૂવની પ્રગતિથી ખુશ હતા. તેઓ તેને અભિનય અંગે સૂચનો કરતા. મોહન ભંડારીએ શીલા પોહાની સાથે લગ્ન કર્યા હતા. ધ્રૂવ સિવાય તેમને મનુજ નામનો દીકરો પણ છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.