પાકિસ્તાનમાં ધાંધલવાળી ચૂંટણી પછી પણ ધાંધલ

Published by

on

A portrait of the former Prime Minister Imran Khan is seen amid flags of Pakistan Tehreek-e-Insaf (PTI) and the religious and political party Jamat-e-Islami (JI) as supporters attend a joint protest demanding free and fair results of the elections, outside the provincial election commission of Pakistan (ECP)in Karachi, Pakistan February 10, 2024. REUTERS/Akhtar Soomro

પેટા મથાળું: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલાં, ચૂંટણીમાં અને ચૂંટણી પછી ગડબડો થઈ છે. સેનાના વિરોધ છતાં ઈમરાન ખાન સમર્થિત અપક્ષો વધુ જીત્યા છે પણ સેના તેમને સત્તામાં આવવા નહીં દે. સામા પક્ષે નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટોના પક્ષો વચ્ચે સત્તાની ખેંચતાણ છે.

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ. ૧૭/૦૨/૨૦૨૪)

પાકિસ્તાનમાં આ વખતની ચૂંટણી તેના ઇતિહાસમાં સૌથી વધુ રસપ્રદ, સૌથી વધુ ગેરરીતિ અને સૌથી વધુ આશ્ચર્યજનક રહી. જેલમાં બંધ પાકિસ્તાની પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈ સાથે જોડાયેલા અપક્ષ ઉમેદવારોએ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતી.

પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ૮ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ અત્યાર સુધીમાં ૯૮ બેઠકો જીતી છે, જ્યારે ૨૨ બેઠકો પર હજુ દાવો નથી થયો. મોટાભાગના અપક્ષો ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સાથે જોડાયેલા છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની આગેવાની હેઠળના પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પક્ષ (પીએમએલએન), જે સેનાની માનીતી હોવાના કારણે જીતે તેવી સંભાવના હતી, તેણે અત્યાર સુધીમાં ૬૯ બેઠકો સાથે બીજા ક્રમે જીતી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ૫૧ બેઠકો સાથે ત્રીજા સ્થાને છે.

દેશના ત્રણ મોટા પક્ષોમાંથી કોઈ પણ પક્ષને સંસદમાં બહુમતી મેળવવા માટે જરૂરી ૧૬૯ બેઠકો જીતી નથી અને તેથી, તે પોતાના જોર પર સરકાર રચવામાં અસમર્થ છે, જેના કારણે દેશના આગામી વડા પ્રધાન તરીકે કોને પસંદ કરવામાં આવશે તે અસ્પષ્ટ છે. પાકિસ્તાનની સંસદમાં કુલ ૩૪૨ બેઠકો છે જેમાંથી ૨૬૬ બેઠકો પર સીધી ચૂંટણી થાય છે. ૭૦ બેઠકો મહિલાઓ અને પંથીય લઘુમતીઓ માટે અનામત હોય છે. છ બેઠક કેન્દ્રીય શાસિત આદિવાસી વિસ્તાર માટે અનામત હોય છે.

૯ ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલા ભાષણમાં, ઈમરાન ખાનના એઆઈ દ્વારા સર્જાયેલા સંસ્કરણમાં ચૂંટણીમાં વિજયનો દાવો કર્યો હતો અને તેમના સમર્થકોને “હવે તમારા મતનું રક્ષણ કરવાની તાકાત બતાવવા” માટે હાકલ કરી હતી.

ઈમરાન ખાન, જેઓ ગત ઑગસ્ટથી જેલના સળિયા પાછળ છે, તે સમર્થકોને સંદેશા પહોંચાડવા માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. “તમે મારો વિશ્વાસ જાળવી રાખ્યો છે, અને તમારા વિશાળ મતદાનએ બધાને દંગ કરી દીધા છે,” એઆઈ અવાજે વિડિયોમાં કહ્યું.

ઈમરાન ખાનના વિરોધી, ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફે દાવો કર્યો હતો કે તેમનો પીએમએલએન પાક્ષ સૌથી વધુ બેઠકો સાથે ઉભરી આવ્યો છે. તેમણે સ્વીકાર્યું કે તેમના પક્ષ પાસે સરકાર બનાવવા માટે બહુમતી નથી અને તે ગઠબંધન ભાગીદારોની શોધમાં છે.

શરીફ, જેમના શાસનનો એક વખત સૈન્ય બળવામાં અંત આવ્યો હતો, તેને વિશ્લેષકો દ્વારા આ વખતે સેનાના માનીતા ગણાય છે.

૧૦ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ સૈયદ અસીમ મુનીરે કહ્યું હતુ કે “રાષ્ટ્રને અરાજકતા અને ધ્રૂવીકરણની રાજનીતિમાંથી આગળ વધવા માટે સ્થિર હાથ અને ઉપચારાત્મક સ્પર્શની જરૂર છે.”

મતપત્રકોમાં ગડબડ અને ધીમી મત ગણતરીના આરોપોના કારણે ૯ ફેબ્રુઆરીએ હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. પાકિસ્તાનના માનવાધિકાર આયોગે ચેતવણી આપી હતી કે ચૂંટણી પરિણામોની જાહેરાત કરવામાં વિલંબ અને પારદર્શિતાનો અભાવખૂબ ચિંતાજનક છે.

ઈમરાન ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) અને પોલીસ અધિકારીઓ વચ્ચેના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વાના શાંગલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને ૨૪ ઘાયલ થયા હતા.

વિશ્લેષકો લોકોમાં રોષનું કારણ દેશની રખેવાળ સરકાર અને તેની શક્તિશાળી સૈના, જે લાંબા સમયથી પાકિસ્તાની રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે, તેણે ઈમરાન ખાન અને તેના સમર્થકોને દબાવવા માટે, જે કાવાદાવા કર્યા તેને કારણભૂત માને છે. તેમાં ઈમરાન ખાન અને તેમની સરકારમાં પ્રધાનો સામે ચૂંટણી લડવા અયોગ્ય ઠરાવવાથી માંડી ચૂંટણીમાં ગડબડનો સમાવેશ થાય છે.

ઈમરાન ખાને સૈન્ય પર ૨૦૨૨માં તેમના પદ પરથી હટાવવાનું ષડયંત્ર કરવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટના બની ત્યારે, તેમના હજારો સમર્થકો શેરીઓમાં ઉમટી પડ્યા હતા. સૈન્ય અને પાકિસ્તાનની રખેવાળ સરકાર બંનેએ ઈમરાન ખાન અથવા પીટીઆઈને દબાવવાનો નનૈયો ભણ્યો છે પણ આ વાસ્તવિકતા નથી.

પાકિસ્તાનમાં જોકે આવો ઘટનાક્રમ નવાઈ નથી. જે શાસક સેના અથવા અમેરિકાની કઠપૂતળી ન રહે તેને ભ્રષ્ટાચાર કે દેશદ્રોહના આરોપમાં કાં ફાંસી આપી દેવાય છે, કાં જેલ ભેગા કરી દેવાય છે, કાં લંડન ભાગી જવા દેવાય છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપી દેવાઈ હતી. ભુટ્ટોને ઉથલાવનાર ઝિયા ઉલ હકનું રહસ્યમય રીતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તે પછી બેનઝીર ભુટ્ટો સત્તામાં આવ્યાં હતાં પણ તેમની અને તેમના પતિ આસીફ અલી ઝરદારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં તેમને વિદેશ ભાગી જવું પડ્યું હતું. આવો ક્રમ મુશર્રફના શાસનમાં નવાઝ શરીફ, નવાઝ શરીફ-આસીફ અલી ઝરદારીના પક્ષના શાસનમાં પરવેઝ મુશર્રફ, અને ઈમરાન ખાનના શાસનમાં નવાઝ શરીફ સાથે થયો હતો. છેલ્લે રખેવાળ સરકાર નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફની બની હતી જેમાં નવાઝ શરીફ એક પછી એક કેસમાં નિર્દોષ સાબિત થતા ગયા અને ઈમરાન ખાન એક પછી એક કેસમાં ફસાતા ગયા. જોકે આ પહેલી વાર છે કે સૈન્ય સામે કોઈ રાજકીય પક્ષ ઝીંક ઝીલી રહ્યો છે. ઈમરાન ખાન સત્તા પરથી હટ્યા ત્યારે પણ સૈન્ય મથકો પર આક્રમણ થયાં હતાં.

વિશ્લેષકો આને અમેરિકા અને ચીન વચ્ચેની લડાઈ પણ માને છે. સીપીઇસી પ્રૉજેક્ટ અને લૉન દ્વારા ચીને પાકિસ્તાનને લગભગ પોતાનો દાસ દેશ બનાવી દીધો છે. અમેરિકા નવાઝ શરીફની તરફેણ કરે છે પણ ચીન ઈમરાન ખાનની. અમેરિકા પાકિસ્તાનના ભ્રષ્ટ સૈન્ય દ્વારા પાકિસ્તાનની રાજનીતિમાં હસ્તક્ષેપ કરતું આવ્યું છે. પણ આ વખતે ઈમરાન ખાન જેલમાં બંધ છે, તેમના પક્ષનું પ્રતીક છિનવી લેવાયું છે. પરિણામે તેમણે પક્ષના ઉમેદવારોને અપક્ષ ઊભા રાખ્યા હતા.

અને ચૂંટણીમાં આટલી ગડબડ છતાં તેમના ઉમેદવારો સૌથી વધુ જીત્યા. તેથી ચૂંટણી પંચે પરિણામો આપવામાં વિલંબ કર્યો, ચૂંટણી પંચની વેબસાઇટ બંધ કરી દીધી. આવું પરિણામ ઈ. સ. ૧૯૮૫માં પણ આવ્યું હતું. જોકે સૈન્ય શાસક ઝિયા ઉલ હકે એ ચૂંટણીમાં કોઈ પક્ષને ઉમેદવારો ઊભા રાખવા નહોતા દીધા. તેમને હતું કે તેમ કરવાથી તેમનું સમર્થન વધશે.

આ લખાય છે ત્યારે ૧૨ ફેબ્રુઆરીએ બપોરની સ્થિતિએ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના કાર્યકરો અને સમર્થકોએ સામાન્ય ચૂંટણીમાં કથિત ધાંધલ ધમાલને લઈને સમગ્ર દેશમાં વિરોધ શરૂ કર્યો હતો અને નવાઝ શરીફના પીએમએલએન તથા બેનઝીર ભુટ્ટોના પીપીપી વચ્ચે ગઠબંધન અંગે વાટાઘાટ શરૂ થઈ હતી. આ બંને પક્ષ વચ્ચે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પદ બાબતે મુખ્યત્વે ખેંચતાણ છે. પરંતુ આ સરકાર બનશે તો પણ ઈમરાન ખાનના સમર્થકો તેમને શાંતિથી શાસન કરવા નહીં દે તેમ લાગે છે. અધૂરામાં પૂરું બલોચિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાનના અત્યાચારો અને અન્યાય વિરુદ્ધ સ્વતંત્રતા માટે લડાઈ બળવત્તર બની છે.

હંગર ઇન્ડેક્સ હોય કે ભારતના પકડી લીધેલા કેપ્ટન અભિનંદન વર્ધમાનને છોડી મૂકવા ઈમરાન ખાને લીધેલો નિર્ણય હોય, ભારતના સેક્યુલરો અને મીડિયા પાકિસ્તાનનું ઉદાહરણ વાતવાતમાં આપતાં હોય છે. પરંતુ પાકિસ્તાન ખોબલા જેવડો દેશ છે જે ભારતનાં ચાર રાજ્યો જેવડો દેશ છે. ત્યાં આજ સુધી પારદર્શક રીતે એક ચૂંટણી નથી થઈ શકી. દરેક શાસકને બીજા શાસકના સમયમાં ફાંસી, જેલ કે અનૌપચારિક દેશનિકાલનો વારો આવે છે.

(તાજા કલમ: ૧૬ ફેબ્રુઆરીએ જ્યારે આ લેખ વેબસાઇટ પર અપલૉડ થઈ રહ્યો છે ત્યારે પણ પાકિસ્તાનમાં હજુ સરકાર કોની રચાશે તે સ્પષ્ટ નથી. એવા સમાચાર પણ છે કે સેનાએ જેલમાં બંધ ઈમરાન ખાનનો સંપર્ક સાધ્યો છે.)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.