કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પર ફિલ્મ કેમ ન બને?

Published by

on

ડાબેથી (૧) અમર અકબર એન્થોનીમાં ફાધર (૨) ચાચા ભતીજામાં ખાન ચાચા (૩) અનાડીમાં મિસ ડીસા (૪) સાગરમાં મિસ જોસેફ…ફિલ્મોમાં મુસ્લિમ અને ખ્રિસ્તી પાત્રો હંમેશાં સારાં કેમ?

પેટા મથાળું: શું હિન્દી ફિલ્મવાળાઓને પણ રાજકીય પક્ષોની જેમ બે જ લઘુમતી – મુસ્લિમ અને ખ્રિસ્તી દૃષ્ટિગોચર થાય છે? હિન્દી ફિલ્મોમાં સાધુ લંપટ હોય, ઠગ હોય, પરંતુ ઇમામ/ફાધર સારા હોય તેવાં પાત્રો તેમજ ‘અનાડી’ના મિસીસ ડીસોઝાથી લઈને ‘કભી ખુશી કભી ગમ’ના પ્રેમાળ આયા સુધીના પાત્રો કાં તો ખ્રિસ્તી, કાં મુસ્લિમ હોય છે. ફિલ્મવાળાઓને જૈન, પારસી, શીખ, યહૂદી, બૌદ્ધ વગેરે લઘુમતી કેમ નથી દેખાતી?

(પર્દા હૈ પર્દા કૉલમ, અગ્ર ગુજરાત, દિ. ૨૬/૦૪/૨૦૨૪)

‘તૂ હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ આ ગીત આપણે કેટલા હરખથી ગાઈએ છીએ. પરંતુ આવું કહેવાની આવશ્યકતા કેમ પડી? માણસાઈ જગાવવા માટે માણસ બન તેમ કહીએ છીએ, પરંતુ બાળકને નાનપણથી તૂ હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા તેમ કહેવાની આવશ્યકતા કેમ ફિલ્મવાળાઓએ ઊભી કરી? એના બદલે એમ જ કહેવાની જરૂર હતી કે સારો માણસ બનજે. એમાં પંથને વચ્ચે લાવવાની શું આવશ્યકતા?

આ ગીતની પૃષ્ઠભૂમિ પણ તપાસવાની આવશ્યકતા છે. ‘ધૂલ કા ફૂલ’ ફિલ્મમાં હિન્દુ પાત્રો – મીના અને મહેશ વચ્ચે પ્રેમ થાય છે. મીના બંનેના બાળકને જન્મ આપે છે. પરંતુ મહેશ તેને સ્વીકારવાની ના પાડી દે છે. મીના બાળકને જંગલમાં છોડી દે છે અને અબ્દુલ રશીદ નામના ભાઈ તેને જોઈ તેને ઉછેરવાનું કામ કરે છે. અને પછી આ ગીત ગાય છે. હવે તમે જ કહો, તેમને તો ખબર નહોતી કે તેમની પાસે સંતાન હિન્દુનું છે કે મુસલમાનનું. તો પછી આ ગીત ગાવાની શું જરૂર હતી? અને માનો કે હતી તો તેઓ પોતે મુસ્લિમ હોય તો એમ કહે કે બેટા, તું સાચો મુસ્લિમ બનજે. અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તો એમ કહે કે તું મુસ્લિમ નહીં, પણ માનવતાવાદી માણસ બનજે.

પરંતુ અહીં ગીતકારે હિન્દુઓ પર નાસ્તિકતા થોપવાનો પ્રયાસ કર્યો છે – તૂ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા.

અબ્દુલ રશીદ જેવાં કેટલાંય પાત્રો હિન્દી ફિલ્મોમાં મળી જશે જે સદા સારાં જ હોય. ‘ચાચા ભતીજા’માં ગુલ ખાન (અનવર હુસીન), ‘ઝંઝીર’માં શેર ખાન (પ્રાણ), ‘શોર’માં ખાન બાદશાહ (પ્રેમનાથ), ‘અમર અકબર એન્થની’માં ઇલાહાબાદી દરજી (શિવરાજ), ‘કુછ કુછ હોતા હૈ’માં હિન્દુ રાહુલ-ટીનાની દીકરી અંજલીને ઉછેરતાં રિફત બી (હિમાની શિવપુરી), ‘કભી ખુશી કભી ગમ’માં હિન્દુ માતાપિતાનાં સંતાનોને ઉછેરતી આયા સઈદા બેગમ (ફરીદા જલાલ)…યાદી લાંબી બને તેમ છે.

આ જ રીતે ‘અનાડી’થી માંડીને ‘કહો ના પ્યાર હૈ’ સુધી, ફિલ્મોમાં ગરીબ-અનાથ બાળકોના આશ્રયદાતા બને તો તે કાં તો ખ્રિસ્તી પાદરી હશે, કાં ખ્રિસ્તી માતા/દંપતી હશે. ‘અનાડી’માં લલિતા પવારની મિસિસ ડીસોઝાની યાદગાર ભૂમિકા જોઈ લો, ‘અમર અકબર એન્થની’માં નાઝીર હુસૈનની કેથોલિક પાદરીની ભૂમિકા યાદ કરો, ‘ચાચા ભતીજા’માં પોતાના ભાઈ સામે લડીને ઘરેથી ભાગી આવેલા શંકરને મોટો કરતાં દુર્ગા ખોટેની મિસિસ ડીસિલ્વાની ભૂમિકા પણ સ્મરણીય છે. ‘નસીબ’માં લલિતા પવાર ફરી મિસીસ ગોમ્સ નામનાં ખ્રિસ્તી મહિલા બને છે જે હિન્દુ નામદેવના દીકરા જૉની અને તેના ભાઈ સન્નીને મોટા કરે છે. ‘સાગર’માં રાજા (કમલ હસન) એક ખ્રિસ્તી મહિલા મિસ જૉસેફ (નાદીરા) સાથે રહે છે. ૨૦૦૦માં આવેલી ‘કહો ના પ્યાર હૈ’માં ફરીદા જલાલ એક ખ્રિસ્તી મહિલા લીલી તરીકે અનાથ રોહિત અને તેના ભાઈ અમિતને ઉછેરે છે.

હવે જેમ-જેમ લોકો ફિલ્મોને અલગ દૃષ્ટિકોણથી જુએ છે તેમ-તેમ હિન્દી ફિલ્મોમાં આ પાત્રો પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ બદલાતો જાય છે. પહેલાં આને હિન્દી ફિલ્મોનું સેક્યુલરીકરણ માનવામાં આવતું હતું. ઘણાએ ‘અમર અકબર એન્થની’માં અમર (વિનોદ ખન્ના), અકબર (ઋષિ કપૂર) અને એન્થની (અમિતાભ બચ્ચન) એક સાથે એક ઘરડી માતાને હૉસ્પિટલમાં એક સાથે લોહી આપે તે તર્ક વગરની વાતને પણ વધાવી લીધી હતી. આ ત્રણેય પાત્રોને ખબર નહોતી કે તેઓ જેને લોહી આપે છે તે તેમની માતા જ છે. અને લોકોએ એમ કહ્યું હતું કે હિન્દી ફિલ્મો તો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ વગેરે વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે.

પરંતુ હવે આ જ લોકો પૂછે છે કે માત્ર આ ચાર સંપ્રદાય જ કેમ? આ ચાર વચ્ચે જ ભાઈચારાને પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા કેમ છે? શું આપણા દેશમાં આ ચાર સિવાયના કોઈ પંથના લોકો વસતા નથી. જૈન, પારસી, બૌદ્ધ, યહૂદી વગેરેનો કેમ ફિલ્મોમાંથી ખો કાઢી નખાયો?

જેમ રાજકીય પક્ષોને લઘુમતીના નામે બે જ સંપ્રદાયો યાદ આવે છે – ઇસ્લામ અને ખ્રિસ્તી, તેમ ફિલ્મકારોને પણ તેમની ફિલ્મોમાં હિન્દુ સિવાયનાં પાત્રોમાં મુસ્લિમ અને ખ્રિસ્તી જ દેખાય છે? અને હિન્દુ ખરાબ, મુસ્લિમ અને ઇસાઇ સારા તેવું કેમ? હિન્દુ છોકરાને મુસ્લિમ અથવા ઇસાઈ જ કેમ ઉછેરે? ‘શોલે’માં ઇમામ પોતાના સંતાનને ગબ્બરસિંહ સામેની લડાઈમાં બલિદાન માટે ગર્વ લે અને બીજાં સંતાનો કેમ ઈશ્વરે ન આપ્યાં તેવું તે ઈશ્વરને પૂછશે તેમ કહે છે. પણ બીજી તરફ, હિન્દી ફિલ્મોમાં સાધુને હંમેશાં ઠગ કે લંપટ તરીકે જ દર્શાવાય છે. ‘શાન’ ફિલ્મમાં અમિતાભ અને શશી કપૂર સાધુનો વેશ ધારણ કરીને પાણી પર ચાલવાનો કીમિયો બતાવીને ‘દરિયા મેં જહાજ ચલે પાશા, દેખો નયા આજ તમાશા’ ગીત ગાઈને લોકોને ઠગે છે. ‘જૉની મેરા નામ’માં હેમામાલિની ભગવા વસ્ત્રોમાં જોગિણી બનીને મંદિરમાં ભગવાનનાં ઘરેણાં ચોરવાં જાય છે. તો ‘સુહાગ’માં અમજદ ખાન સાધુનો વેશ લઈને અમિતાભ બચ્ચન શશી કપૂરની મંદિરમાં નવરાત્રિ દરમિયાન હત્યા કરે તે ચોક્કસ કરવા આવે છે.

હવે જેમ-જેમ દેશ-વિદેશના એક-એક સમાચાર લોકોને મળી રહ્યા છે તેમ-તેમ લોકો પૂછે છે કે શું મૌલવી અને ફાધર સારા જ હોય છે? ચર્ચમાં બાળકોનાં તેમજ નનના જાતીય શોષણના ફ્રાન્સથી લઈને કેનેડા, અરે! ભારતમાં પણ અનેક કિસ્સાઓ છે. પરંતુ આજ દિવસ સુધી એકેય ફિલ્મમાં પાદરીને બળાત્કારી કે ઠગ બતાવાયો નથી. શાઈની આહુજાએ એક યુવતીનું જાતીય શોષણ કરી, તેને ગર્ભવતી બનાવ્યા પછી તેની હત્યા કરતા કેથોલિક પાદરીની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ ફિલ્મ વિશે જો વિકિપિડિયામાં સર્ચ કરશો તો તેમાં તેનો પ્લૉટ પણ નહીં મળે. મોટા ભાગની અન્ય હિન્દી ફિલ્મોની આખેઆખી કથા વિકિપિડિયામાં મળી જશે પરંતુ ‘સિન્સ’ની નહીં. ‘સિન્સ’ પછી શાઇની આહુજા પર બળાત્કારનો આરોપ લાગ્યો તે યોગાનુયોગ જ હશે? કારણકે બળાત્કારના આરોપો અને ‘મી ટુ’ના આક્ષેપો ફિલ્મ ઉદ્યોગમાં ઘણા જાણીતા અને મોટા દરજ્જાના કલાકારો પર લાગી ચૂક્યા છે, પરંતુ તેમનો વાળ પણ વાંકો થયો નથી. જ્યારે શાઇની આહુજા આ ફિલ્મ પછી ‘ગેંગ્સ્ટર’, ‘ભૂલભૂલૈયા’, ‘વેલકમ બેક’ જેવી ત્રણ-ચાર ફિલ્મો આવી પરંતુ તેને સુશાંતસિંહ રાજપૂતની જેમ હાંસિયામાં ધકેલી દેવાયો.

હવે લોકો એ પણ જાણે છે કે ખ્રિસ્તીઓમાં પણ કેટલાક એવા પાદરી/પુરોહિત જે કહેવાતા હોય તે એવા હોય છે જે જાહેર સંમેલનો ભરે છે અને ભુવાઓની જેમ દર્દીઓને જિસસના નામે ઠીક કરવાના ધતિંગો કરે છે જેને હુલા લુ લુ કહે છે. પરંતુ એકેય ફિલ્મમાં આ હજુ સુધી બતાવાયું નથી. એ જ રીતે દોરા-ધાગા, દરગાહ, આબે ઝમઝમ વગેરે રીતે કેટલાક મુસ્લિમ ફકીરો પણ ઝાડ-ફૂંક કરતા હોય છે. મૌલાના-મૌલવીઓ મદરસામાં બાળકોનું અને છોકરીઓનું શોષણ કરતા હોવાના અનેક વિડિયો સૉશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે પરંતુ આજ સુધી દરગાહને હંમેશાં પૉઝિટિવ જ બતાવાઈ છે. તેને ‘શાન’ કે ‘સિંહમ-૨’ જેવી ફિલ્મોમાં જે રીતે ઠગ કે લંપટ સાધુનું ચિત્રણ કરાયું તે રીતે ક્યારેય મૌલાના-મૌલવીઓને બતાવાયા નથી.

ઉપર કહ્યું તેમ ક્યારેય ફિલ્મમાં કોઈ જૈનને સારા દેખાડાયા નથી. ઉલટાના ગુજરાતીને કાં તો મૂર્ખ બતાડાશે જેનું હિન્દી સારું ન હોય, કાં કંજૂસ અને કાં પછી ઠગનારા. આવું જ શીખો બાબતે પણ છે. શીખો તો જાણે મોટે-મોટેથી બોલતા હોય, પતિયાલા પેગ દારૂ પીતા હોય, પરોઠા જ ખાતા હોય અને મૂર્ખ હોય. કેમ ક્યારેય ફિલ્મમાં નવકાર મંત્ર કરતા જૈનને બતાવાયા નથી? કેમ ક્યારેય કોઈ જૈન મુનિના કારણે વ્યક્તિ સુધરી તેમ નથી બતાવાતું? કેમ ક્યારેય શંકરાચાર્ય જેવું પાત્ર નથી બતાવાયું જે દેશમાં ઠેકઠેકાણે ફરીને હિન્દુ ધર્મનો ઉપદેશ આપે છે?

કેમ ક્યારેય આ દેશની પ્રગતિમાં ખૂબ સારું પ્રદાન કરનારા પારસી અને યહૂદીઓનાં સારાં પાત્રો નથી બતાવાયાં? પારસીઓને પણ હંમેશાં કૉમેડિયન તરીકે જ બતાવાયાં છે. ચાહે તે પછી ‘સીતા ઔર ગીતા’માં એક નાનાં દૃશ્યમાં આવતું પારસી દંપતી અને તેમનાં સંતાનો હોય જેમની કારનો અકસ્માત થતાં રવિ (સંજીવકુમાર) અને ગીતા (હેમામાલિની) સાથે ઝઘડો  થાય છે, તે હોય કે પછી ‘ઈશ્ક’માં દેવેન વર્માનું પારસી બહરામ તેમજ ગુલશન મઝદિઆશનીનું પાત્ર હોય. યહૂદી પર તો એક માત્ર સમ ખાવા પૂરતી ‘યહૂદી’ ફિલ્મ હતી. બસ. બૌદ્ધ સાધુઓ પર ‘તૃષાગ્નિ’ બની હતી. તેમાં પણ પલ્લવી જોશીને નહાતી જોઈને બૌદ્ધ ભિક્ષુનું મન ચળી ઊઠે છે તેમ બતાવાયું હતું. જોકે એકાદ વર્ષ પહેલાં આવેલી ‘અસૂર’માં ભલે પોલીસે ઉપજાવી કાઢેલા, પણ બાળ બૌદ્ધ ભિક્ષુનું પાત્ર સારું બતાવાયું હતું ખરું. એના ભાગે આવેલા સંવાદો પણ સારા હતા.

કહેવાનો અર્થ એ જ કે હિન્દી ફિલ્મી જગતે સ્ટીરિયોટાઇપમાંથી બહાર આવવું જોઈએ. તેમની પાસે શોધવા હોય તો ઘણા વિષયો છે. અને આ વાત માત્ર હિન્દી ફિલ્મ જગતને જ લાગુ નથી પડતી. ગુજરાતી ફિલ્મોને પણ લાગુ પડે છે. હવે ગુજરાતી ફિલ્મકારો પણ સાહસિક થયા છે અને ‘કસૂંબો’, ‘કમઠાણ’, ‘વશ’ જેવી ફિલ્મો તેમજ બાયૉપિક બનતી થઈ છે ત્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જેમણે આપણને સિદ્ધરાજ સોલંકીના સૂચનથી ગુજરાતી ભાષાનું વ્યાકરણ આપ્યું, તેમના પર કેમ ફિલ્મ ન બને?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.