હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે ‘માછલી’નું રાજકારણ

Published by

on

પેટા મથાળું: ચૈત્રી પ્રતિપદાના આગલા દિવસે પોતે માછલી ખાતા હોય તેવો વિડિયો શૂટ કરીને તેજસ્વી યાદવે પ્રતિપદાના દિવસે જ કેમ મૂક્યો? તેમાં મૂકેશ સહાનીએ કોને મરચાં લાગશે તેમ કહ્યું? સેક્યુલર પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ નવરાત્રિમાં કર્ણાટકમાં ચીકન ખાતા હોય તેવો વિડિયો મૂકીને સેક્યુલર રાજકારણીઓની મદદ કરી.

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ. ૨૭/૦૪/૨૦૨૪)

આ દેશમાં કોણે શું ખાવું તેના પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ હિન્દુઓનો મોટો વર્ગ શાકાહારી છે. હિન્દુ અહિંસામાં માને છે. કોઈનો કારણ વગર જીવ લેવો તેનો સ્વભાવ નથી. આવામાં હવે માત્ર હિન્દુઓ જ નહીં, પરંતુ પૂરું વિશ્વ શાકાહાર તરફ વળી રહ્યું છે. એક તરફ, ફિલ્મોમાં પ્રાણીઓનાં દૃશ્યો હોય તો નીચે અસ્વીકરણ (ડિસ્ક્લેમર) લખવું પડે છે કે આ દૃશ્યો ફિલ્માવતી વખતે પ્રાણીઓ પર કોઈ અત્યાચાર કરાયા નથી. બીજી તરફ, પોતાના જીભના ચટાકા માટે કેટલાક લોકો મરઘીથી લઈને ગાય સુધીના અબોલ જીવોની હત્યા કરીને ઓહિયા કરી જતા હોય છે.

આવા લોકો પાછા મકરસંક્રાંતિ પર કબૂતર અને પંખીઓ માટે જીવ બાળતા હોય છે. હોળી અને દિવાળી પર પર્યાવરણની ચિંતા કરતા હોય છે. શ્રાવણમાં શિવલિંગ પર દૂધ ચડાવવાના બદલે ગરીબોને દૂધ આપવાની ચિંતા કરતા હોય છે, પરંતુ બધા જાણે છે કે માંસ સસ્તો આહાર નથી. માંસ મોંઘું હોય છે. તે ગરીબોને બહુ પરવડતું નથી. તો મોંઘું માંસ ખાવામાં તેમને ભૂખ્યા ગરીબોની ચિંતા થતી નથી.

આવા લોકોમાં રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને રાજદીપ સરદેસાઈ જેવા રાજકારણી અને પત્રકારોનો સમાવેશ થાય છે. તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિમાનમાં પ્રવાસ કરતી વખતે ઘાસચારા કૌભાંડના દોષિત લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે પોતાનો માછલી ખાતા હોય તેવો વિડિયો સૉશિયલ મીડિયા પર મૂક્યો.

આ વિડિયો આમ તો ૮ એપ્રિલે શૂટ કરાયો હતો. પરંતુ ૯ એપ્રિલે ચૈત્રી નવરાત્રિ શરૂ થતી હતી. હિન્દુ નવું વર્ષ શરૂ થતું હતું. મરાઠીઓનો ગુડી પડવાનો તહેવાર હતો. તેજસ્વી અથવા તેમની સૉશિયલ મીડિયા સંભાળતી ટીમે ૯ એપ્રિલે આ વિડિયો પૉસ્ટ કર્યો. પ્રશ્ન એ છે કે ૮ એપ્રિલે શૂટ કરાયેલો વિડિયો ૯ એપ્રિલે જ કેમ મૂક્યો? કોઈ તર્ક કરી શકે કે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી કદાચ તેજસ્વી કે તેમની ટીમને સમય નહીં મળ્યો હોય. પરંતુ આવું માની શકાય તેમ નથી. કારણકે આ વિડિયો મૂકવા પાછળનો આશય સ્પષ્ટ રીતે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો જ હતો.

સામાન્ય રીતે પોતે ભોજન કરતા હોય તો તેવી છબિ કે વિડિયો જો બીજાને બતાવવો હોય તો લોકો ભોજન કરતા હોય તેવું દર્શાવે છે, પરંતુ અહીં તેજસ્વી કેમેરાની નજીક લાવી-લાવીને માછલી બતાવે છે. એટલું જ નહીં, તેની સાથે રહેલા વીઆઈપી પક્ષના મૂકેશ સાહની કહે છે કે આ વિડિયોથી ઘણાને મરચાં લાગશે. આનો અર્થ શું થયો? મરચાં કોને લાગે? હિન્દુઓને જ લાગે. નવરાત્રિમાં તો માંસાહાર કરતા હિન્દુઓ પણ ઉપવાસ-એકટાણાં કરતા હોય છે અને માંસાહારથી દૂર રહેતા હોય છે. આવામાં નવરાત્રિમાં જ માંસાહાર કરતો વિડિયો મૂકીને તેજસ્વી અને મૂકેશ સાહનીએ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે.

શું તેજસ્વી અને મૂકેશ આવો જ વિડિયો રમઝાનમાં મૂકી શક્યા હોત? શું તેઓ ડુક્કરનું માંસ ખાતા હોય તેવો વિડિયો મૂકી શકત? અને તેમાં એવું બોલત કે ઘણાને મરચાં લાગશે? નહીં. આનું કારણ છે કે તો તેમની સામે તોફાન થઈ જાય. તેમની મત બૅંક તેમનાથી રિસાઈ જાય. તેમના પર ક્રોધિત થઈ જાય. પરંતુ અહીં તો હિન્દુઓ છે અને હિન્દુઓ સહિષ્ણુ છે. તેઓ દુઃખી થશે, સૉશિયલ મીડિયા પર બળાપો કાઢશે, બસ. તેજસ્વી અને મૂકેશ સાહનીને લાગતું હશે કે હિન્દુઓને ચીડવવાથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓના મતો તેમને ખોબલે ને ખોબલે મળશે.

આ ચીલો કૉંગ્રેસના (પડદા પાછળના) અધ્યક્ષ રાહુલ ગાંધીએ શરૂ કર્યો હતો. શ્રાવણ મહિનામાં તેઓ લાલુપ્રસાદ યાદવના ઘરે ગયા હતા અને તેમણે કેમેરા સામે ભરપેટ મટન ખાધું હતું. તેમણે વાતચીત કરી હોય અને બેઠક વહેંચણીની ચર્ચા કરી હોય તો સમજાય, પરંતુ મુલાકાતના રિપૉર્ટિંગમાં આવી તસવીર કે વિડિયો બહાર આવે તો સમજી શકાય કે તેની પાછળ તેમનો હેતુ શો છે?

કૉંગ્રેસના માનીતા સેક્યુલર પત્રકાર રાજદીપ સરદેસાઈ પણ આ રાજકારણીઓ કરતાં ઓછા નથી. તાજેતરમાં લોકસભા ચૂંટણીને કવર કરવા માટે તેઓ કર્ણાટક ગયા હતા. અહીં તેઓ કર્ણાટકના કૉંગ્રેસી મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાના અતિથિ બન્યા હતા. અને સિદ્ધરમૈયાએ તેમની ભરપૂર આગતાસ્વાગતા કરી હતી અને જમાડ્યા હતા. રાજદીપ સરદેસાઈએ પોતાની આ મુલાકાતનું જે ટ્વીટ કરી પોતાનો વિડિયો મૂક્યો જેમાં તેઓ બતાવે છે કે રાગી મુડ્ડેને હાથથી ગોળો બનાવીને ચિકન કઢીમાં ડુબાડીને કેવી રીતે ખવાય. સિદ્ધરમૈયા તેમને આ શીખવાડે છે.

કર્ણાટકમાં કૉંગ્રેસ સરકાર આવ્યા પછી કૉંગ્રેસના સાંસદ નાસીર હુસૈન રાજ્યસભાની ચૂંટણીમાં વિજયી બન્યા ત્યારે વિધાનસભામાં જ મુસ્લિમ યુવકોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નાં સૂત્રો પોકાર્યા હતા. બેંગ્લુરુમાં અત્યારે ભીષણ જળસંકટ છે. લોકો ઑફિસે નથી જઈ રહ્યા. કાર ધોવા પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. આ બધાની વચ્ચે આઈપીએલ મેચ રમાઈ. જો આવું જળસંકટ ગુજરાતમાં હોત અને અમદાવાદમાં મેચ રમાઈ હોત તો દેશનું બધું મીડિયા ડીબેટ પર ડીબેટ કરત કે જળસંકટ વચ્ચે મેચ રમાડી પાણીનો વેડફાટ કરવો છે. ગરીબોને પાણી મળતું નથી. આના માટે ઉત્તરદાયી કોણ? પરંતુ રાજદીપ સરદેસાઈએ સિદ્ધરમૈયાને આ અંગે કોઈ પ્રશ્ન ન કર્યો.

તાજેતરમાં બેંગ્લુરુમાં બૉમ્બ ધડાકો થયો હતો. તે અંગે પણ રાજદીપ સરદેસાઈએ સિદ્ધરમૈયાને કોઈ પ્રશ્ન ન પૂછ્યો. પરંતુ પોતે ચિકન કઢી ખાતા હોય તેવો વિડિયો મૂકીને હિન્દુઓને ચીડવવાનો પ્રયાસ કર્યો. તેમાં તેઓ પ્રસન્ન થઈને કહે છે કે હવે એવું નથી જોવા મળતું કે મુખ્ય પ્રધાન તમને તેમના વિસ્તારનું ભોજન કરાવે.

આ જ રાજદીપ આણિ મંડળી જો કોઈ પત્રકારે નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્ર પટેલના અતિથિ બનીને તેમનું ગુજરાતી ભોજન માણ્યું હોત તો કાળો કકળાટ કરી મૂકત. પત્રકારે સરકારનું ભોજન ન કરવું જોઈએ, આકરા પ્રશ્નો પૂછવા જોઈએ વગેરે.

તેજસ્વી યાદવનો વિડિયો આવ્યા પછી વડા પ્રધાન મોદીએ ચૂંટણી સભામાં આને મુદ્દો બનાવ્યો. તેમણે કહ્યું કે અમે કોઈ શું ખાય તેના વિરોધી નથી, પરંતુ શ્રાવણ અને નવરાત્રિ જેવા હિન્દુઓના પર્વોના દિવસોમાં જ તેજસ્વી યાદવ આ રીતે માછલી ખાય છે તો તેનો આશય કોને પ્રસન્ન કરવાનો છે? તેમણે કહ્યું કે આ લોકો એટલા માટે આ કરે છે કારણકે તેઓ ભારતની માન્યતાઓ પર આક્રમણ કરવા માગે છે. આ મોગલ વિચારસરણી છે અને તુષ્ટિકરણની રાજનીતિ છે.

મોદીજીએ કહ્યું, “આ લોકો શ્રાવણમાં દોષિત અને સજા ભોગવી રહેલા અપરાધીના ઘરે જઈને માંસ બનાવીને ભોજન લે છે. તેનો વિડિયો પણ બનાવે છે અને દેશના લોકોને ચીડવે છે. કાયદો અને મોદી કોઈને કંઈ ખાતા રોકતા નથી. પરંતુ આ લોકોનો આશય બીજો હોય છે.”

મોદીજીએ આ પ્રહાર કર્યો એટલે મમતા બેનર્જીને થયું કે મુસ્લિમ તુષ્ટિકરણમાં તેઓ કેમ બાકી રહે? તેમણે લોકોને પ્રશ્ન કર્યો કે ભાજપ નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઈએ? તેમણે લોકોને ભડકાવ્યા કે ભાજપના લોકોનું લક્ષ્ય છે કે તમારા જીવનની દરેક બાબત પર નિયંત્રણ કરવું છે. તમે કેવી રીતે જમો છો, કેવી રીતે સૂવો છો. તેમણે તૃણમૂલ કૉંગ્રેસના સૂત્ર ‘મા, માટી અને માનુષ’ના સૂત્રમાં એક બીજો ‘મ’ જોડી દીધો- માછ (માછલી)નો. જોકે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પણ મોટા પાયે માછલી ખાય છે. અને મહારાષ્ટ્રમાં પણ ખાતા હોય છે, પરંતુ અહીં પ્રશ્ન માછલી ખાવી કે ન ખાવી તેનો નથી. પ્રશ્ન શ્રાવણ કે નવરાત્રિમાં જ હિન્દુઓને ચીડવવા કેમેરા સામે દેખાડી-દેખાડીને માંસાહાર કરવો તેની પાછળ છુપાયેલા આશયનો છે. તેમાંય ચૂંટણી ટાણે જ આવો વિડિયો મૂકીને ‘ઇન્ડિ’ ગઠબંધનના આ નેતાઓ તેમની મુસ્લિમ-ખ્રિસ્તી મતબૅંકને ખુશ કરવા માગે છે તે સ્પષ્ટ છે.

જેમ ‘રામાયણ’ કાળમાં રાક્ષસો હવન કરતા ઋષિ-મુનિઓના હવનમાં હાડકાં નાખી જતાં હતાં, જેથી તે અપવિત્ર થઈ જાય તેમ આ સેક્યુલર નેતાઓ અને વર્ગ વિશેષના કટ્ટરપંથીઓ હિન્દુઓને ખિજવવા બધી જ સીમા આ વખતે પાર કરી ગયા છે. ભગવાન શ્રી રામ વિશે એલફેલ બોલવું, પવિત્ર ગ્રંથ શ્રી રામચરિત માનસની પ્રતિઓ સળગાવવી, સનાતનને સમાપ્ત કરવાની વાત કરવી, શ્રી રામની પૂજા કરનારાને પાખંડી માનવા, શ્રી રામજન્મભૂમિ સ્થાને મંદિરના બદલે હૉસ્પિટલ-શૌચાલય બનાવવાની વાત ૨૦૧૯ પહેલાં કરવી, શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્થિત ન રહેવું, શ્રી રામલલ્લાની શોભાયાત્રાને અનુમતિ ન આપવી, શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવો, સ્વામી રામદેવ વિરુદ્ધ ‘તમને ચીરી નાખીશું’ જેવી ટીપ્પણી ન્યાયમૂર્તિ અમાનુલ્લા દ્વારા કરાવી, નવરાત્રિને લવયાત્રી ગણાવતી ફિલ્મ બનાવવી અને તેવી જાહેરખબર બનાવવી, કન્યાદાન ખોટું છે તેમ કહેતી જાહેરખબર બનાવવી…સેક્યુલર જમાતનાં હિન્દુ વિરોધી કાળાં કૃત્યોની મોટી યાદી બને તેમ છે. આ લોકો શાંત અને સહિષ્ણુ હિન્દુઓના ધૈર્યની પરીક્ષા લઈ રહ્યા છે. તેમનો આશય દેશમાં હિન્દુઓને ઉશ્કેરી તોફાન કરાવવાનો છે. જેથી હિન્દુઓ અસહિષ્ણુ છે, બહુમતીમાં છે તેથી લઘુમતી પર અત્યાચાર કરે છે તેમ કહી શકાય. પરંતુ હિન્દુ તેની લડાઈ રાજકીય રીતે, અથવા વાતાવરણ બનાવીને કે પછી ન્યાયાલયમાં લડે છે. જે રીતે ૨૦૧૯ પછી આ સેક્યુલર નેતાઓ મંદિરે-મંદિરે જતા થઈ ગયા છે તેમ આવનારા ભવિષ્યમાં તેઓ શાકાહારના પણ ગુણગાન ગાતા થઈ જશે, તમે જોજો

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.