આઠ કૉલમ અને બાઇટની દુનિયામાં ખોવાયો છે પત્રકાર

Published by

on

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૭/૧૮)

પત્રકારત્વ જગત માટે તાજેતરમાં ત્રણ આઘાતજનક સમાચાર આવ્યા. એક તો ‘ભાસ્કર’ સમૂહના નેશનલ એડિટર કલ્પેશ યાજ્ઞિકની આત્મહત્યાના. ‘અસંભવની વિરુદ્ધ’ એવી કૉલમ લખતા તંત્રી આત્મહત્યા કરે તેવું માનવામાં જ ન આવે. શરૂઆતમાં તો તેમનું અવસાન હૃદયરોગના હુમલાથી થયાના સમાચાર ‘ફેલાયા’. પછી પોલીસ ચિત્રમાં આવી અને ‘આત્મહત્યા’ કર્યાની પુષ્ટિ થઈ. આ આત્મહત્યા પાછળ અનેક કારણોની ચર્ચા/ગોસિપો ચાલી રહી છે. એક પત્રકાર-કૉલમિસ્ટના અવસાન પાછળનું રહસ્ય ક્યારેય બહાર આવશે? કદાચ નહીં. સંજય ગાંધી હોય કે સુનંદા પુષ્કર, આવા મોટા લોકોના રહસ્યમય મૃત્યુ વિશે રહસ્ય અને તેમના વિશે થતી વાતો ક્યારેય અટકતી નથી.

બીજા સમાચાર એટલે એક ગુજરાતી સમાચાર ચેનલમાં વરસાદનું થોડું પાણી ભરાયું તેને ચાર-પાંચ ફૂટ તરીકે રિપૉર્ટર દ્વારા વર્ણવાયું. ત્રીજા સમાચારમાં એક જગ્યાએ વરસાદનું એટલું પાણી નહોતું ભરાયું તો લીંબડી પાસે રણોલ ગામમાં લોકોને પાણીમાં બેસી જવા કહ્યું અને કેમેરા ટ્રિકથી તેઓ પાણીમાં ગળાડૂબ હોય તેમ દેખાડાયું.

પત્રકારને કેવું સ્ટ્રેસ? પત્રકાર તો મજાની જિંદગી જીવે. રોકટોક વિના ગમે ત્યાં જઈ શકે. પૉલિટિશિયન, પોલીસ અને પ્રૉસિક્યૂટર (વકીલો) સહિતના ત્રણેય ‘પી’ (અંગ્રેજી મૂળાક્ષર) ચોથા ‘પી’ એટલે કે પ્રેસ (પત્રકારો)ને હંમેશાં નમસ્કાર કરતા ફરે. તેમની ઓળખાણો નરેન્દ્ર મોદીથી માંડીને મેયર સુધી, રતન તાતાથી માંડીને કરશનભાઈ પટેલ સુધી, અમિતાભ બચ્ચનથી માંડીને નરેશ કનોડિયા સુધી, વિરાટ કોહલીથી લઈને પાર્થિવ પટેલ સુધી હોય. ચપટી વગાડતાં તેમનાં કામ થઈ જાય. તેમની અવગણના કરવાનું કોઈને પોસાય નહીં. તેમને અમેરિકામાં ડૉનાલ્ડ ટ્રમ્પ શું કરે છે તેનાથી માંડીને આગામી લોકસભાની ચૂંટણીમાં કોનેકોને ટિકિટ મળવાની છે ત્યાં સુધી બધી જ જાણકારી હોય.

ટીવીની સમાચાર ચેનલોમાં કામ કરતાં એન્કરો (આમ તો કામ કરતી એન્કરો, કારણકે ટીવી પત્રકારત્વમાં મહિલા ચહેરા વધુ દેખાય છે)ને તો કેટલા જલસા! સુંદર કપડાં, સરસ મજાનો મેક-અપ કરીને ચિલ્ડ એસીવાળા સ્ટુડિયોમાં મોટા-મોટા લોકો સાથે ડિબેટ કરવાની. સમાચાર વાંચવાના. ગમે તેવા રાજકારણી હોય કે પોલીસ, લાઇવ ટેલિકાસ્ટમાં ‘કામ કેમ નથી કરતા’ તેમ પૂછવાની સત્તા!

ઉપર કહ્યા તેવા મતો પત્રકારો વિશે જનતામાં સામાન્ય રીતે હોય છે. આ વાતો સાચી, પરંતુ શું પત્રકાર પણ એક સામાન્ય માણસ નથી? ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, માર્કેટિંગ, મેનેજમેન્ટ, આઈ.ટી. એન્જિનિયર જેવા ક્ષેત્રના લોકોને જેવો સ્ટ્રેસ હોય છે તેવો જ સ્ટ્રેસ પત્રકારોને પણ હોય જ છે. ચીફ એડિટરથી માંડીને રિપૉર્ટર સુધી બધા આ અનુભવ કરે જ છે. દરેક પર ટીઆરપી સારા લાવવા કે સમાચારપત્રનું વેચાણ વધારવાનું દબાણ હોય છે. સાચો પત્રકાર ચોવીસે કલાક પત્રકાર તરીકે જ જીવતો હોય છે. તેને દરેક બાબતમાં કોઈક સ્ટૉરીની આશા હોય છે. કોઈ સમાચાર બને તો તેનું રસાળ શૈલીમાં નાનકડું પણ ધ્યાનાકર્ષક મથાળું શું બની શકે તે વિચારો તેના મગજમાં તરત ચાલુ થઈ જાય છે. તેના મગજમાં કોઈ વિચાર ઝબુકે એટલે તે અડધી રાત્રે કે મોડી રાત સુધી પણ પેનથી ડાયરીમાં કે હવે મોબાઇલના જમાનામાં કલરનૉટમાં ટપકાવવા લાગે છે.

પરંતુ આ બધી મહેનત પર ક્યારેક ‘ઉપરવાળા’ (શ્લેષ અભિપ્રેત છે) પાણી ફેરવી દે અને આવું વારંવાર બને ત્યારે તેના મનમાં સ્વાભાવિક જ નિરાશા જન્મે છે. કામ માટે સમય ન જોનારો પત્રકાર જ્યારે તેના કામની કદર તો ઘરે ગઈ, પરંતુ તેના વિચારો, તેની સ્ટૉરી, તેના હેડિંગ, તેના એન્કરિંગને પાણીમાં પધરાવવામાં આવે, કોઈ ‘પૉલિટિક્સ’ ખેલાઈ જાય, તેની જાણ બહાર તેની સ્ટૉરીનું એડિટિંગ કોઈ બીજાને અપાઈ જાય, તેણે આખી સ્ટૉરી કે પૂર્તિ માટે મહેનત કરી હોય, પરંતુ છેલ્લી ઘડીએ બૉસના માનીતા કોઈ પત્રકારનું નામ ક્રેડિટ લાઇનમાં ઘૂસી જાય ત્યારે આવો સાચો પત્રકાર પડી ભાંગતો હોય છે.

પોતે સારું કામ કરતો હોય પરંતુ નવા તંત્રી આવે એટલે ઊંચા પગારે લાવેલા પોતાના માનીતા પત્રકારને જ્યારે એ જ ‘બીટ’ સોંપી દઈ પોતાને કોઈ બીજી નકામી (જેમ આઈએએસ અધિકારીને સાવ નકામા વિભાગમાં ફેંકી દેવામાં આવે કે ધારાસભ્ય/સાંસદને નકામું ગણાતું ખાતું આપવામાં આવે તેમ) ‘બીટ’ સોંપવામાં આવે ત્યારે આ પત્રકારનું હૈયું રડી ઊઠતું હોય છે. પોતે જે સ્ટોરીનો આઇડિયા આપ્યો હોય તે જ સ્ટોરી એડિટરે બીજા કોઈને સોંપી દીધી હોય તે જાણીને પત્રકારને આઘાત લાગવો સ્વાભાવિક છે. પોતે ઘણી મહેનત કરીને, દોડધામ કરીને, કોઈ ઑફિસમાં અજાણી વ્યક્તિ તરીકે ઘૂસ મારીને ઉદ્યોગપતિ-મંત્રી-પોલીસનું કૌભાંડ શોધી લાવ્યો હોય અને તે સ્ટોરી આવા વ્યક્તિ સાથે ‘સેટિંગ’ થઈ જવાથી ‘કિલ’ થઈ જાય ત્યારે પત્રકારની મનોદશા કલ્પના કોઈ ન કરી શકે.

સમાચાર કોને કહેવાય? સામાન્યતઃ વ્યાખ્યા આવી છે- કૂતરું માણસને કરડે તે સમાચાર ન કહેવાય, હા, માણસ કૂતરાને કરડે તો સમાચાર કહેવાય. ચીલાચાલુ સ્ટૉરી નહીં, મસાલેદાર, ધમાકેદાર સ્ટૉરી અખબાર વેચવા કે ન્યૂઝ ચૅનલ ચલાવવા જોઈએ. અખબારમાં હવે તસવીરોનું મહત્ત્વ યથાર્થ જ છે. તસવીરો માટે પણ ફૉટોગ્રાફરોની દોડધામની કલ્પના પત્રકારત્વ જગતની બહારના લોકો ન કરી શકે. સારા સમાચાર કે સારી તસવીર આવે તેની કદર મેનેજમેન્ટ તરફથી મોટા ભાગે નથી થતી, પરંતુ કોઈ સમાચાર ચૂક્યા કે ફૉટોગ્રાફર સારી તસવીર ન લાવી શક્યો તો આવી બન્યું! શહેરોમાં કેટલી બધી ઇવેન્ટ થતી હોય, તે બધી ઇવેન્ટ એક અખબારના જૂજ ફૉટોગ્રાફરોએ કવર કરવાની હોય. એટલે બાઇક કે કારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની મારામારી, વળી, સમયસર એ ફૉટો મોકલવાની મગજમારી…આ બધી પડદા પાછળની કવાયત છે. જનતા તો બીજા દિવસે સારો ફૉટો જોઈને રાજી થાય. કેટલા લોકો એ ફૉટો જોઈને તેના તસવીરકારનું નામ વાંચતા અને યાદ રાખતા હશે?

ઘણા વાચકોની યાદશક્તિ અદ્ભુત હોય છે. સ્વ. હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો રમૂજી કિસ્સો છે. “ઝરમર વરસાદ પડતો હતો. માંડ એક રિક્ષા મળી. હું તેમાં બેસવા જતો હતો, ત્યાં બે યુવાનો મારી પાસે આવ્યા. બેમાંના એકે કુતૂહલથી મને પૂછ્યું : “તમે જ વિનોદ ભટ્ટ છો?” મને એમ કે જો હું હા પાડીશ તો કદાચ તે વધુ પૂછશે અથવા મારો ઑટૉગ્રાફ માગશે. આમાં ને આમાં માંડ મળેલી આ રિક્ષા હાથમાંથી છટકી જશે. તેથી મેં નમ્રતાથી જણાવ્યું કે “ના, હું વિનોદ ભટ્ટ નથી”, ને રિક્ષામાં ગોઠવાઈ ગયો, એટલે બીજા યુવકે પહેલા યુવકને કહ્યું કે હું નહોતો કહેતો કે વિનોદ ભટ્ટ આવો ન હોય?”

આજે તો ‘સંજોગ ન્યૂઝ’ સહિત સમાચારપત્રોમાં લેખકોનાં નામ ઉપરાંત ફોટોગ્રાફ પણ પ્રસિદ્ધ થાય છે, ઇ-મેઇલ આઈડી પણ હોય છે, પરંતુ કેટલા વાચકો કૉલમિસ્ટોને ઓળખી શકે? એ તો જવા દો, પણ કેટલા વાચકો પોતે લેખનસામગ્રી માણી તે બદલ સમાચારપત્રોને ઇ-મેઇલ કે વૉટ્સએપ કરે છે? કૉલમિસ્ટોને માટે કદાચ સૌથી મોટું સન્માન કોઈ વાચક તેને પત્ર લખી કે રૂબરૂ મળે ત્યારે ઓળખીને તેનું લખાણ સાચા અર્થમાં (ખુશામત માટે નહીં) કેમ ગમ્યું તે કહે તે હોય છે.

ટીવીના રિપૉર્ટર અને કેમેરામેનનું કામ વધુ કપરું છે. તેમને વિઝ્યુલી સમાચાર બતાવવાના છે. અને એટલે જ દૃશ્યો સારાં હોવા જોઈએ. જેની સ્ટૉરી હોય તે વિઝ્યુઅલી સારી રીતે પ્રૅઝન્ટ થઈ શકે તેવી હોવી જોઈએ. સમાચારના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ પાસે નાનકડું નિવેદન (બાઇટ) લાવવું ફરજિયાત છે. જો તેમ ન હોય તો સ્ટૉરી ચાલે નહીં અને સ્ટ્રિંગરના કિસ્સામાં તો તેને પૈસા ન મળે. કદાચ ઉપરોક્ત કિસ્સા જેમાં રિપૉર્ટરે ચાલાકી કરી પાણીમાં બેસાડી કેમેરા ટ્રિકથી વધુ પાણી બતાવ્યું તેનું કારણ આ હોઈ શકે.

પત્રકાર માટે ઉનાળો, ચોમાસું કે શિયાળો, ત્રણેય ઋતુ સરખી. ૪૦થી ૪૫ ડિગ્રીમાં પણ સ્ટૉરી માટે કોઈએ સમય આપ્યો હોય તો દોડીને જવું પડે. વરસતા વરસાદમાં પણ ક્યાં ખાડો પડ્યો છે તેની જાણકારી લાવવી પડે. ટીવી પત્રકારને તો બિચારાને પલળતાંપલળતાં પણ સમાચાર આપવા પડે. અને આ બધામાં જે લોકો ઑફિસમાં કે સ્ટુડિયોમાં બેસીને કામ કરતા હોય છે તેમનો સ્ટ્રેસ ઓછો નથી હોતો. છેલ્લી ઘડીએ આવતી સ્ટૉરી વાંચી-મઠારી તેને આકર્ષક હેડિંગ આપીને જેટલી જગ્યા હોય તેમાં ફિટ બેસાડવાની છે. તેમાં જો જાહેરખબર આવી તો એડિટ કરવાની છે. આમ કરવા જતાં તેને સ્ટૉરી આપનાર પત્રકારના મનદુઃખનો સામનો પણ કરવાનો છે. સ્ટૉરીમાં કંઈ ચુકાય જાય તો પહેલો ઠપકો રિપૉર્ટરને નહીં, ડેસ્ક પરના કૉપી એડિટરને પડે છે. સ્ટુડિયોમાં બેસીને ઇનપુટનું કામ સંભાળતી વ્યક્તિને સાંભળવું પડે છે.

પત્રકાર તો ચોવીસ કલાક પત્રકાર હોય જ છે પરંતુ આજે બદલાયેલી કામ કરવાની પદ્ધતિમાં તેને ઑફિસ કે ઑફિસની બહાર દસ-બાર કલાક કામ કરવું પડે છે. વીકલી ઑફ જતા કરવા પડે છે. આ બધામાં પરિવાર-સામાજિક કામોને તે સમય ફાળવી શકતો નથી. ઘરમાં પત્ની કે પતિ માંદાં હોય તો ડૉક્ટર પાસે જવા માટે રજા કેટલાક કિસ્સામાં નથી પણ મળતી. બાળકોને પરીક્ષા હોય ત્યારે સરકારી કર્મચારી ફટાક દઈને રજા લઈ શકે છે, પરંતુ આવી સાહ્યબી પત્રકાર માટે નથી. પોતાનાં લગ્ન માટે પણ માંડ અઠવાડિયાની રજા મળતી હોય છે. અને તેની આગલા દિવસોમાં ઍડવાન્સમાં કામ પૂરું તો કરીને જવાનું જ. દિવાળી, બેસતું વર્ષ, નવરાત્રિ, ૩૧ જાન્યુઆરી લગભગ ઑફિસમાં જ વિતે છે.

રાતે ઉજાગરા, ખાવાપીવાના કોઈ ધડા નહીં, સતત સ્ટ્રેસ અને ટેન્શન.. પરિણામે સમાજ અને દેશનું આરોગ્ય સારું રહે તે માટે ઝઝૂમતા પત્રકારનું પોતાનું આરોગ્ય ક્યારે કથળી જાય છે, ક્યારે નાની ઉંમરે ધોળા વાળ થઈ જાય છે તે ખબર નથી પડતી. અને હવે વધુ ને વધુ પ્રૉફેશનલ અને ‘પ્રાઇવસી’ચાહક બનતા જતા સમાજમાં પત્રકારને સાજે-માંદે ખબર કાઢવાવાળું કોઈ ન આવે ત્યારે દુનિયાના રંગો સમજાઈ જાય છે. સ્ટૉરી માટે રોજ મળતા મિત્ર જેવા પત્રકારો ખરેખર મિત્રો હોય છે ખરા? કેટલા પત્રકારોના પરિવારો એકબીજાને ઓળખતા હશે? આવવાજવાનો સંબંધ હશે? કોઈ પત્રકારને શારીરિક-માનસિક કે આર્થિક તકલીફ પડે ત્યારે કેટલા પત્રકારો તેમને બીજી કોઈ મદદ તો ઘેર ગઈ, સધિયારો આપવા-હૂંફ આપવા પણ જાય છે?

એટલે જ હવે જ્યારે માહિતી અને મનોરંજનથી સભર ‘સંજોગ ન્યૂઝ’ વાંચો, કોઈ ચૅનલ જુઓ ત્યારે તેના આઠ કૉલમના આકર્ષક સમાચાર-લેખો પાછળનો પત્રકારોનો આ અકથ્ય સંઘર્ષ-પીડા-વેદના-મહેનત અચૂક યાદ કરજો.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.