ધુળેટી કે ધુલેન્ડી ? ખરેખર કેવી રીતે રમવાની હતી, કેવી રીતે રમીએ છીએ ?

Published by

on

પેટા મથાળું: અનેક રાજ્યોમાં તો હોળીનો તહેવાર પાંચ-પાંચ દિવસ ચાલે છે અને પાંચમા દિવસને રંગપંચમી કહે છે. તો હરિયાણા સહિત અનેક જગ્યાએ હોળીના બીજા દિવસને ‘ધુલેન્ડી’ અથવા ‘ધૂલિવંદન’ કહે છે. ખરેખર તો આ દિવસે ધૂળની વંદના કરવાની છે.

(અબીલગુલાલ કૉલમ, ગુજરાત મિત્ર, દિ. ૨૪/૦૩/૨૦૨૪)

આપણે ત્યાં ગુજરાતમાં હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. તે એક દિવસે બધા રંગોથી રમીને આનંદ માણે છે, પરંતુ ઉત્તર ભારતના લોકોને ગુજરાતમાં મજા આવતી નથી. આથી સુરત-અમદાવાદમાં રહેતા રાજસ્થાની કે ઉત્તર ભારતીય સ્થળાંતરિતો પોતાના દેશ પાછા ચાલ્યા જાય છે. હા, તેમના માટે પોતાનું ગૃહનગર એ તેમનો દેશ છે. પહેલાં રજવાડાં હોવાથી અલગ રાજ્યમાં જવું તેને દેશાંતર કરવું તેમ કહેવાતું હતું. આજે પણ મુંબઈના જૂની પેઢીના લોકો કચ્છમાં કે સૌરાષ્ટ્રના પોતાના ગૃહનગરમાં આવવાને દેશમાં જવું તેમ જ કહે છે.

એટલે ગુજરાતીઓ માટે, આ અર્થમાં ‘પરદેશ’ ગણાય તેવા છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સહિત ઘણી જગ્યાએ રંગોનો આ તહેવાર પાંચ-પાંચ દિવસ સુધી ઉજવાય છે. પાંચમા દિવસને ‘રંગપંચમી’ કહે છે. આપણો દરેક તહેવાર ઉપાસના સાથે જોડાયેલો છે, માત્ર ઉજવણીના જ નથી. એટલે રંગ પંચમી વિશે એમ મનાય છે કે તે પાંચ તત્ત્વો-પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને વાયુને સક્રિય કરવા મનાવાય છે અને આ પવિત્ર દિવસે પૂજા કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે.

આપણે ત્યાં ભક્તિનો મહિમા ખૂબ જ છે. એટલે જે કંઈ કરવું, જે કંઈ ભોગવવું તે ભગવાનને અર્પણ પહેલાં કરવું. તે હિસાબે, આ દિવસે અબીલ (તેને ઉત્તર ભારતમાં અબીર કહે છે) ગુલાલ દેવી-દેવતાઓને અર્પિત કરવામાં આવે છે. આનાથી કુંડળીમાં રહેલા દોષો દૂર થાય તેમ જ્યોતિષશાસ્ત્ર કહે છે.

રંગોથી રમવાનું કારણ ? હિરણ્યકશિપુ, હોલિકા અને પ્રહલાદની પૌરાણિક કથા જાણીતી છે. તેને કહેવાની આવશ્યકતા નથી. ભક્ત પ્રહલાદ અગ્નિમાં બચી ગયો તેથી બીજા દિવસે તેના આનંદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. તેને રાધા-કૃષ્ણ સાથે પણ સાંકળીને ઉજવાય છે. પ્રત્યેક ભક્ત પોતાને ગોપી અથવા રાધા સમજે છે અને એ રીતે શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે. વૃંદાવનમાં ફૂલોથી ધુળેટી મનાવાય છે. પ. બંગાળના વૈષ્ણવો તેને ‘દોલ જાત્રા’ અથવા ‘દોલ પૂર્ણિમા’ કહે છે. ગુજરાતમાં હોળી પછીના દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિવસે ઠાકોરજીને હિંચકે ઝુલાવતાં રંગોને છાંટવામાં આવે છે અને તેને ‘દોલોત્સવ’ કહે છે.

આ તો થયાં ઉપાસનાં-આસ્થાનાં કારણો. પરંતુ રંગોથી રમવાનું બીજું કારણ તો હજુ મળ્યું નહીં. આ દિવસે ગુજરાતમાં કેસૂડાનાં ફૂલોના રંગથી ધુળેટી મનાવવાનું મહાત્મ્ય છે. શિયાળામાં ઠંડીના કારણે ઘસીને ઘણા નહાયા ન હોય. તેથી ચર્મરોગ થવાની શક્યતા રહે. કેસૂડનાં ફૂલોનો રંગ છાંટીને નહાવું કે કેસૂડાનાં ફૂલોવાળાં પાણીથી સ્નાન કરવું તે ચર્મરોગમાં હિતકારક છે. કેસૂડાને હિન્દીમાં પલાશ કહે છે. તેના પરથી યાદ આવ્યું કે દૂરદર્શનના સમયમાં કેવાં-કેવાં ધારાવાહિકો બનતાં હતાં તેનું વધુ એક ઉદાહરણ એટલે ‘પલાશ કે ફૂલ’ ધારાવાહિક. ૧૯૮૯માં આવેલા આ ધારાવાહિકનું નિર્માણ ગુજરાતી અભિનેત્રી આશા પારેખે કર્યું હતું. હું ભૂલતો ન હોઉં તો તેનું ગીત હતું- જબ જબ મેરે ઘર આના તુમ, ફૂલ પલાશ કે લે આના તુમ. એક આડ વાત, દૂરદર્શન તેનાં બધાં જ જૂનાં ધારાવાહિકોને ફરીથી બતાવવાં જોઈએ. કથાસાગર, દર્પણ, એક કહાની, ચુનૌતી, કુછ ખોયા કુછ પાયા…તો દૂરદર્શનની વ્યૂઅરશિપ ફરી વધી જાય.

વ્યૂઅરશિપ વધારવા માટે લોકોએ ટીવી જોવું પડે અને તે માટે તેમની આંખ સારી પણ હોવી જોઈએ. આજે તો ટીવી કરતાંય લોકો મોબાઇલમાં જ આંખો ખોડીને બેસી રહે છે, હરતાંફરતાંય મોબાઇલમાં જ આંખો હોય છે. આથી આંખોની સમસ્યા વધી છે. કેસૂડો અથવા પલાશ આંખનું તેજ વધારે છે. રતાંધળાપણા અને મોતિયામાં પણ તે ફાયદારૂપ છે. તેનાથી અતિસાર એટલે કે ઝાડામાં પણ ફાયદો થાય છે અને રક્તસ્ત્રાવ પણ અટકે છે. બાળકોને લુ, શરદી, તાવથી સંરક્ષણ મળે છે. તેનું વૃક્ષ ચાલીસ-પચાસ વર્ષ સુધી ટકી રહે છે.

હરિયાણા, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હોળીના બીજા દિવસે મનાવાતા તહેવારને ધૂલેન્ડી કહે છે. તેના પરથી જ ગુજરાતમાં ધુળેટી શબ્દ આવ્યો હોવો જોઈએ કારણકે ગુજરાતમાં ઉત્તર ભારતથી જ લોકો વસેલા છે. તે દિવસે સવારે હોળી ઠંડી થાય તેની રાખ એક બીજા પર નાખવામાં આવે છે. કાશીમાં સ્મશાનની રાખથી આ તહેવાર ઉજવાય છે. ધૂલેન્ડીની સાથે તેને ધૂલિવંદના પણ કહે છે. ધૂળની વંદના. ધૂળથી વંદન. એટલે લોકો એકબીજા પર ધૂળ અને કીચડ લગાવે છે. આ બધાનું નામ સાંભળી કેટલાકે નાકનું ટીચકું ચડાવ્યું હશે: છી ! ધૂળ અને કાદવ લગાવવાનો ! પરંતુ તેનું સ્વાસ્થ્યમાં આજકાલ મહત્ત્વ પાછું વધ્યું છે.

આજકાલ જો અંગ્રેજીમાં નામકરણ કરી દો તો તેનું મહાત્મ્ય વધી જાય છે. હર્બલ બાથ કહો તો ઔષધીય પત્તાં નાખીને સ્નાન કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ જડીબુટ્ટીવાળું સ્નાન કહો તો નાકનું ટીચકું ચઢે. માલિશ કહો તો મોઢું મચકોડવામાં આવશે, પરંતુ મસાજ કે સ્પા કહો તો તરત તૈયાર ! એ જ રીતે કાદવ લગાવવાના બદલે જો મડ થેરેપી કહો તો હજારો રૂપિયા ખર્ચવા લોકો તૈયાર છે.

અને એમાંય જો ઉર્વશી રૌતેલા જેવી સુંદર અભિનેત્રી મડ થેરેપીવાળી તસવીર ઇન્સ્ટા પર મૂકે તો મડ થેરેપી વિશે ઇન્સ્ટન્ટ સંશોધન થવા લાગે ! મડ થેરેપી પણ ચર્મરોગ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. ટૂંકમાં, ધૂળ અને કીચડથી ધુળેટી રમો અને પછી કેસૂડનાં ફૂલોથી સ્નાન કરો તો શિયાળામાં ન નહાયા હો કે અધકચરા નહાયા હો તો શરીરનો મેલ ઉતરી જાય.

આપણા તહેવારો શરીર અને મનનો મેલ ઉતારવા માટે તક લઈને આવે છે, તેનો ઉપયોગ કરી શકો તો કરવો, પણ પાકા રંગોથી રમવા, સ્ત્રીઓને છેડવા માટે કે ભાંગ-દારૂ પીને ટુન્ન થવા માટે દુરુપયોગ તો ન જ કરવો.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.