જિજાજી ફિર સે છત પર ક્યોં હૈ?

Published by

on

પેટા મથાળું: સબ ટીવી પર ‘જિજાજી છત પર હૈ’ ફરીથી શરૂ થઈ છે. આ એક નવો ટ્રેન્ડ છે કે પ્રાઇમ ટાઇમમાં જૂની સિરિયલના એપિસૉડ ફરીથી બતાવવા. જોકે નવી સિરિયલો અને ફિલ્મો કરતાં જૂનાં ધારાવાહિકો અને ફિલ્મોને દર્શકો વધુ પસંદ કરે છે. તેથી તેનું આખો દિવસ પુનઃપ્રસારણ કરાતું રહે છે.

(પર્દા હૈ પર્દા કૉલમ, અગ્ર ગુજરાત, દિ. ૨૯/૦૩/૨૦૨૪)

સબ ટીવી પર રાત્રે ૧૦.૩૦ વાગે ‘જિજાજી છત પર હૈ’ ધારાવાહિક પુનઃ પ્રસારણ શરૂ થયું છે. રાતના સાડા દસ વાગે ઍન્ડ ટીવી પર, બધા જાણે છે તેમ, છેલ્લાં નવેક વર્ષથી ‘ભાભીજી ઘર પર હૈ’ ધારાવાહિક આવે છે. આ બંને કૉમેડી ધારાવાહિક છે અને નામ પરથી કળી શકાય તેમ છે કે આ બંને ધારાવાહિકો ‘એડિટ – ટુ’ પ્રૉડક્શનનાં છે. એટલે કૉમેડી પસંદ કરનારા દર્શકોને પોતાની તરફ કરવા, આ બંને ધારાવાહિકો વચ્ચે એક રીતે સ્પર્ધા થશે.

‘જિજાજી છત પર હૈ’ ધારાવાહિકના પ્રસારણ સાથે ઉપર એક ટેગલાઇન આવે છે – ખુશિયાં રિવાઇન્ડ. એટલે કે જૂનું ધારાવાહિક ફરીથી બતાવાય છે. તે નવી વાર્તા અને નવા એપિસૉડ સાથે નથી. હવે ટીવી ધારાવાહિકો પર પ્રાઇમ ટાઇમ રાતના ૧૧ વાગ્યા સુધી લંબાયો છે, તે જોતાં પ્રાઇમ ટાઇમમાં જૂના ધારાવાહિકનું પુનઃપ્રસારણ કદાચ પહેલી વાર હશે, બાકી, આખો દિવસ તો જૂના ધારાવાહિકોના પુનઃ પ્રસારણની શરૂઆત તો સંભવત: સબ ટીવીએ જ કરી હતી ને?

હા, દિવસ આખો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બતાવવાનું સબ ટીવીએ જ શરૂ કર્યું હતું અને લગભગ એક દાયકાથી વધુ સમયથી આ ક્રમ નિરંતર ચાલ્યો આવે છે. આનું ફળ એ મળ્યું છે કે નવી સહસ્રાબ્દિના બીજા દાયકામાં જન્મેલી બાળગોપાળની પેઢી પણ આજે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ચાહક બની ગઈ છે. લગભગ ઘરે-ઘર સવારે ૧૦.૩૦થી સાંજના છ-સાડા છ સુધી ટીવી પર કોઈ ને કોઈ સમયે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જોવાતું હોય છે.

કોને ખબર હતી કે આપણા ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતાએ લખેલા હાસ્ય ધારાવાહિક ‘દુનિયાને ઊંધા ચશ્મા’નો ટપુડો ૪૮ વર્ષ (૭ જૂન ૧૯૭૧થી ૧૨ એપ્રિલ ૨૦૧૯) સુધી લોકોનું મનોરંજન તારક મહેતાના શબ્દચિત્ર દ્વારા કરતો હતો તે ટપુડો ટીવીના પડદે પણ છેલ્લાં સોળ વર્ષથી આવું જ મનોરંજન કરશે? હવે તો ધારાવાહિકમાં વર્તમાનમાં ટપુડો કૉલેજમાં આવી ગયો છે અને હવે તોફાન કરવાનાં બંધ થઈ ગયાં છે. અને એટલે જ બાળગોપાળને ‘તારક મહેતા…’ના જૂના એપિસૉડ જોવા વધુ ગમે છે.

પરંતુ બાળગોપાળ જ શું કામ, યુવાન-વૃદ્ધો બધાને આ સિરિયલના જૂના એપિસૉડ જોવા વધુ ગમે છે. તેનું કારણ એ હતું કે આજની જેમ બધું સુષ્ઠુ-સુષ્ઠુ નહોતું બતાવાતું. બધા વચ્ચે સાવ સંપ જ હોય તેવું નહોતું બતાવાતું. એક સંવાદ પર બધાની પ્રતિક્રિયા નહોતી બતાવાતી. મેક-અપના થથેડા નહોતા બતાવાતા. વળી, વાર્તા બે-ત્રણ હપ્તામાં પતી જતી હતી. આજે તો એક-એક વાર્તા અઠવાડિયું ખેંચી કાઢે છે. વળી, જૂના એપિસૉડમાં શાબ્દિક અને સ્થૂળ બંને પ્રકારનું હાસ્ય નિષ્પન્ન થતું હતું, જેનો હવે એકંદરે અભાવ જોવા મળે છે.

એક સમયે ફિલ્મો જોવાનું માધ્યમ માત્ર ને માત્ર થિયેટર હતું ત્યારે જૂની સફળ ફિલ્મ ફરી રજૂ થતી. તેને બિઝનેસની ભાષામાં રિરિલીઝ અથવા રિ-રન કહેવાય છે. આ રીતે ‘બરસાત’, ‘શ્રી ૪૨૦’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘જોની મેરા નામ’, ‘શોલે’ જેવી જૂની ફિલ્મો આ લેખકે રિ-રિલીઝ થતાં થિયેટરમાં જોયેલી છે. ધારાવાહિકોનું રિ-રિલીઝ કરવા માટે એક આખી ચેનલ ઊભી કરાઈ છે, તે ખબર છે?

સોની ટીવીની ચેનલ ‘સોની પલ’ આવી જ ચેનલ છે. તેના પર સોની ટીવી અને સબ ટીવીનાં ધારાવાહિકોના જૂના એપિસૉડ આખો દિવસ ચાલ્યા કરે છે. આવી જ બીજી ચેનલ ‘સ્ટાર ઉત્સવ’ છે. તેના પર સ્ટાર પ્લસ અને સ્ટાર ગ્રૂપની અન્ય ચેનલોનાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ વગેરે જૂનાં ધારાવાહિકો ફરીથી બતાવાય છે. ‘ઝી અનમોલ’ પર ઝી ટીવીના ‘પવિત્ર રિશ્તા’, ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ સહિત જૂનાં ધારાવાહિકો બતાવાય છે. તો કલર્સ ચેનલ પર આવી ગયેલાં ધારાવાહિકો ‘છોટી સરદારની’, ‘નાગિન’, ‘ઉદારિયાં’ વગેરેને ફરીથી જોવા હોય (અને તમારા ભોગ લાગ્યા હોય) તો તેના માટે કલર્સ રિશ્તે ચેનલ જોવી પડે.

આ રીતે જૂનાં ધારાવાહિકો માટે આ ચેનલોની કંપનીએ પોતપોતાની એક અલગ ચેનલ જ ઊભી કરી દીધી. પરંતુ અગાઉ કહ્યું તેમ, પાછું મૂળ ચેનલ પર તો ગમે તે એક જૂના ધારાવાહિકના જૂના હપ્તા તો આવ્યા જ કરે છે. સબ ટીવી પર ‘તારક મહેતા..’ની જેમ, ઍન્ડ ટીવી પર મોટા ભાગનો દિવસ ‘ભાભીજી ઘર પર હૈ’ના જૂના હપ્તા દેખાડાય છે, તો કલર્સ પર ‘બાલિકા વધૂ’, ‘સસુરાલ સિમરન કા’ વગેરે ધારાવાહિકોનું પુનઃપ્રસારણ આખો દિવસ ચાલ્યા કરતું હોય છે. ‘બિગ બૉસ’માં જે રીતે ગાળાગાળી, પુખ્ત વયના જ જોઈ શકે તેવી બીભત્સ સામગ્રી આવે છે તે જોતાં તેને રાતનો સમય ફાળવવા માગણી થઈ હતી. તે મુજબ રાત્રે તો તે દસ વાગે આવે છે. પરંતુ કલર્સ પર તેના જૂના હપ્તા રોજ સવારે ચલાવવામાં આવે છે. પરંતુ તે તરફ કોઈનું ધ્યાન ગયું નથી. સ્ટાર ભારત પર લગભગ આખો દિવસ ‘સાવધાન ઇન્ડિયા’ની ક્રાઇમ સ્ટૉરીના નામે હત્યા અને અનૈતિક સંબંધોની વાર્તાઓ ચાલતી રહે છે. આ જ રીતે સોની ટીવી પર ‘ક્રાઇમ પેટ્રૉલ’ના જૂના એપિસૉડ ચાલતા રહે છે.

પહેલાં ફિલ્મોને થિયેટરમાં રિરિલીઝ કરવામાં આવતી હતી, પરંતુ હવે તેવું થતું નથી. થિયેટરમાં એક ફિલ્મ વારંવાર જોવી મોંઘી પડે છે. બાકી, ભૂતકાળમાં ઘણા લોકોએ દેવ આનંદ, રાજ કપૂર, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્નાની એકની એક ફિલ્મો પચ્ચીસ વાર જોઈ હોય તેવા પણ દાખલા છે. હવે એક વાર પણ જોવી મોંઘી પડે છે. થિયેટરોએ પોતે જ પોતાના પગ પર કુહાડી મારી છે. એક તો ટિકિટ મોંઘી, બીજું ત્યાં નાસ્તો-પાણી લઈ જવા ન દે અને ત્યાંનો નાસ્તો પણ ખૂબ જ મોંઘો. આના પર કોઈ સરકારી નિયમ લાગુ પડતો નથી. આની વિરુદ્ધ કોઈ ગ્રાહક સુરક્ષા કૉર્ટમાં પણ જતું નથી. જોકે જાય તોય તેમની જ તરફેણમાં ચુકાદો આવે કારણકે હવે બીજા ઉદ્યોગોની જેમ આ ઉદ્યોગ પણ કેન્દ્રીકૃત થઈ ગયો છે. એટલે કે આજે પીવીઆર, સિનેપોલિસ, વગેરે મોટી કંપનીઓની સમગ્ર દેશમાં થિયેટરોની શ્રૃંખલા છે.

પરંતુ થિયેટરોના બદલે હવે ફિલ્મ નિર્માતા પણ સેટેલાઇટ અધિકારો ફિલ્મ ચેનલોને વેચીને રોકડી કરી લે છે. આથી થિયેટરમાં ફિલ્મ રજૂ થયાના કેટલાક મહિનામાં જ ટીવી પર ફિલ્મ આવી જાય છે. વળી, હવે ઘણાં ઘરોમાં ૪૦ ઇંચના મોટાં ટીવી પણ વસાવાઈ રહ્યાં છે. હૉમ થિયેટર જેવી સિસ્ટમ લોકો ખરીદે છે. આથી ઘરમાં જ થિયેટર જેવું અનુભવી શકાય છે.

આથી ટીવી પર ફિલ્મોની ચેનલોમાં નવી ફિલ્મ અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો ચાલતી રહે છે. આમાં પણ કેટલીક ફિલ્મો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જૂના એપિસૉડની જેમ વારંવાર બતાવાતી રહે છે.

અમિતાભ બચ્ચનની બેવડી ભૂમિકાવાળી ‘સૂર્યવંશમ્’ રજૂ થઈ તે વખતે કમાણીની રીતે નિષ્ફળ સાબિત થઈ હતી. પરંતુ સેટ મેક્સ પર તેને અઠવાડિયામાં એકથી વધુ સમય બતાવવામાં આવે છે. આના પર અનેક જૉક અને આજની ભાષામાં મિમ પણ બની ચૂક્યા છે. આવાં બે મિમ: ૧. યે સૂર્યવંશમ્ સેટ મેક્સ પર આતી હૈ કિ સેટ મેક્સ સૂર્યવંશમ્ પર? નેશન વૉન્ટ્સ ટૂ નૉ. ૨. અરવિંદ કેજરીવાલ ઉપવાસ પર ખરાબ તબિયત સાથે આંખ બંધ કરીને સૂતા છે અને મનીષ સિસોદિયા પૂછે છે, અરે યે ક્યા હુઆ? કેજરીવાલ કહે છે, સેટમેક્સ ને ફિર સે સૂર્યવંશમ્ દિખા દી.

એક જણાએ તો ગુસ્સે થઈને સેટ મેક્સને પત્ર લખી નાખ્યો. ડી. કે. પાંડેય નામના આ ભાઈએ લખ્યું કે “તમારી કૃપાથી અમે હીરા ઠાકુર (અમિતાભનું આ ફિલ્મમાં પડદા પરનું નામ) અને તેના પરિવારને સારી રીતે જાણી ચૂક્યા છીએ. અમને આ ફિલ્મ જોઈજોઈને કંઠસ્થ થઈ ગઈ છે. હું તમારી ચેનલ પાસેથી એ જાણવા માગું છું કે આ ફિલ્મનું પ્રસારણ અત્યાર સુધીમાં કેટલી વખત થયું છે અને હજુ કેટલા વખત સુધી થશે? જો અમારી માનસિક સ્થિતિ પર તેની વિપરીત અસર થશે તો તેનું ઉત્તરદાયિત્વ કોનું રહેશે?”

પણ માત્ર ‘સૂર્યવંશમ્’ જ નહીં, આવી અનેક ફિલ્મો થિયેટરમાં ફ્લૉપ રહી, ટીવી પડદે હિટ છે. શાહરુખ ખાન-ટ્વિન્કલ ખન્નાની ‘બાદશાહ’ બીફૉરયૂ ચેનલ પર ‘સૂર્યવંશમ્’ જેટલી જ વાર બતાવાઈ ગઈ છે. વારંવાર બતાવાતી ફિલ્મોમાં ચિરંજીવીની ‘ઇન્દ્ર ધ ટાઇગર’, ‘હમ આપ કે હૈ કૌન!’, ‘નદીયા કે પાર’, ‘ક્રાંતિવીર’, ‘તિરંગા’, ‘જાલ: ધ ટ્રેપ’ ફિલ્મોનો પણ સમાવેશ કરવો પડે. કૉમેડી ફિલ્મોમાં ‘વેલકમ’, ‘દુલ્હે રાજા’, ‘ફિર હેરાફેરી’, ‘ચૂપ ચૂપ કે’, ‘ભાગમ્ભાગ’, ‘અપના સપના મની મની’ વધુ બતાવાય છે. એવો પાંગળો બચાવ થઈ શકે કે ફિલ્મો ૨૪ કલાક બતાવવાની હોય ત્યારે આવું તો રહેવાનું. વાત પણ સાચી છે, પરંતુ શેડ્યૂલિંગ જો વ્યવસ્થિત થાય અને બીજી ઘણી ફિલ્મો છે, જેના અધિકારો સુલભ અને સસ્તા હોય તેને થોડા અંતરાલ સાથે બતાવવામાં આવે તો દર્શકોને કંટાળો ન આવે. નહીંતર હવે દર્શકો પાસે યૂટ્યૂબ જેવું ફ્રી માધ્યમ છે જ. હવે તો ટીવી પણ સ્માર્ટ આવી ગયાં છે. યૂટ્યૂબને ટીવી સાથે જોડી દો એટલે ફિલ્મ માણી શકાય છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.