નરેન્દ્રના લગ્નમાં કરશનદાદા રિસાયા

Courtesy: http://rajeshartworld.blogspot.in/2013_02_01_archive.html Caricature by: Rajesh Y Pujar

Courtesy: http://rajeshartworld.blogspot.in/2013_02_01_archive.html
Caricature by: Rajesh Y Pujar

‘ઉહૂં…હું નહીં આવું’
‘એમ ન કરાય પપ્પા, આપણે ઘરે પ્રસંગ હોય, મારાં દીકરાના, આપણા નરેન્દ્રનાં લગ્ન હોય ને તમે આવું કરો તે કેમ ચાલે?’
‘એક વાર કીધું ને કે નહીં આવું.’
‘પપ્પા માની જાવ ને.’
‘ના.’
‘પપ્પા…’
‘ના…’
‘પણ પપ્પા, તમે આવા સમયે મારા પિતરાઈના ઘરે રહો તે કેમ ચાલે? સમાજ શું કહે?’
‘….’
‘આપણે ઘેર માંડવો હોય, નરેન્દ્ર સજીધજીને ઘોડા પર બેસવા થનગનતો હોય, આપણી હારે નહોતા બોલતા તેવા લોકોય આપણા પ્રસંગમાં આવ્યા હોય ને તમે…આવા જ સમયે શિવાભાઈના ઘરે જઈને બેસો તે કેમ ચાલે?’
‘મને ત્યાં ગોઠતું નથી…નરેન્દ્ર બહુ ખેપાની છે.’
‘એ શિવાભાઈ પણ નરેન્દ્રને પોંખવા આવવાના જ છે, ત્યારે તમે પણ આવી જાવ ને.’
‘એ નરેન્દ્રને મેં જ ભણાવ્યો ગણાવ્યો, દુનિયાદારી શીખવાડી પણ હવે મારા કહ્યામાં નથી.’
‘પપ્પા…’
‘ખબર છે? તે દિવસે, મહેમાનો ભેગા થયા ત્યારે નરેન્દ્ર વાત કરતો હતો, તે પછી મારી વાત કરવાની વારી આવી ત્યારે તમે બધા ઊભા થઈને ચાલ્યા ગયા હતા…મને કેટલું ખોટું લાગ્યું હતું? એ નરેન્દ્ર હવે સારી કમાણી કરતો થઈ ગયો છે, એટલે તમને હવે મારી કોઈ જરૂર રહી નથી. હું તો રહ્યો પેન્શનર.’
‘પપ્પા…આવું ના બોલો. તમે બોલવા બેસો તો લોકોને સમજાતું નથી. હવે જમાનો બદલાઈ ગયો છે, પપ્પા. મહેમાનો પાછા તમારી કે મારી ઉંમરના હોત તો બરાબર હતું. એ તો નવી પેઢીના મહેમાનો હતા.એમને સમજાય તેવું બોલવું જોઈએ ને.’
‘હા, એ વાત સાચી. હું તો હવે ગઢો થઈ ગયો ને? તમને ખબર છે, આપણું ઘર કેવું હતું? સાવ ગરીબ હતા. બે ટંક ખાવાનાય સાંસા હતા. અમે ચણા મમરા ફાકીને ચલાવતા હતા. સાઈકલ પર જતા હતા. એક રૂમના ઘરમાં કફની-લેંઘો પહેરીને ફરતા હતા. તમને લોકોને કઈ રીતે મોટા કર્યા છે તે મારું મન જાણે છે. સમાજમાંય ખાસ માનપાન નહીં. ક્યાંક ગયા હોય તો સરખી રીતે બોલાવે પણ નહીં. એ સંઘર્ષ તમને ક્યાંથી ખબર હોય, બેટા? અને તમને તો હજુય આછું પાતળું યાદ હોય, પણ નરેન્દ્રને ક્યાંથી ખબર હોય?’
‘પપ્પા, એ તો ભૂતકાળની વાત થઈ. હવે તો આપણે આ નરેન્દ્ર થકી સુખસાહ્યબી છે ને. હવે તો આપણે પ્રાઇવેટ જેટ ને હેલિકોપ્ટરોમાં ઉડીએ છીએ ને. તમને પહેલાં પ્રમોદ નામનો ભત્રીજો નહોતો ગમતો? તે આપણા ઘર માટે અવારનવાર ગિફ્ટ લઈ આવતો તે તમને ગમતું નહોતું? તમે જ એક સમયે નહોતું કહ્યું, માણસની મુખ્ય જરૂરિયાત હવે રોટી, કપડા, મકાન ઔર મોબાઇલની થઈ ગઈ છે..પ્રમોદે ધીરુકાકા સાથે મોબાઇલનું ચક્કર ગોઠવીને આપણને બે પાંદડે નહોતા કર્યા?
‘પણ અત્યારે તો રાજુ, તારું કંઈ હાલતું નથી. તું તો કહેવા પૂરતો જ ઘરનો વડો છો. બધું નરેન્દ્ર કહે એમ જ થાય છે. એના લગ્નનું મેનું, કોણ રસોઈયો હશે, કોણ ફોટોગ્રાફર, કોણ વિડિયોગ્રાફર, કંકોત્રી કેવી છાપવી, કોણે કેવા કપડાં પહેરવા, અરે! મારે કેવાં કપડાં પહેરવાં, મારે ક્યાં ઊભા રહેવું એ બધું એ જ નક્કી કરે છે. કોને લગ્નમાં બોલાવવા ને કોને નહીં એ પણ એ જ નક્કી કરે છે. જાણે હું ને તારો મુરલીકાકો તો મૂઆ જ છીએ. અટલદાદાનું તો હમજ્યા. બિચારા બીમાર છે.’
‘પપ્પા…એ હવે નાનો છોકરો નથી રહ્યો…એ ૩૦ વર્ષનો થયો..આપણે ક્યાં સુધી આપણી ધોરાજી ચલાવ્યા રાખીશું? તમે કહ્યું તેમ ઘણાં વર્ષ ઘર ચાલ્યું. આપણું સંયુક્ત કુટુંબ હતું. તમે, અટલદાદા, મુરલી કાકા બધા કહે એમ જ થતું ને.’
‘તો શું થયું? હજુ પણ થવું જોઈએને. કુટુંબનો મોભી છું. તમે લોકો મારું કહ્યું માનો તો સમાજમાં સારું કોનું લાગવાનું ખબર છે? મારું નહીં, તમારું જ સારું લાગશે. અને મારું કહ્યું માનશો તો જે લોકો આપણા પ્રસંગમાં નહીં આવતા હોય, પેલા નીતીશભાઈ ને મમતાબેન ને વળી નવીનભાઈ જેવા લોકો, જેમની હારે તમે વ્યવહાર બંધ કરી દીધો છે, સંબંધ કાપી નાખ્યા છે, એ લોકો પણ મારી શરમે ધરમે આવશે. લોકોની મોટી સંખ્યામાં હાજરી હોય તો પ્રસંગ દીપી ઉઠે. ‘
‘એ લોકોની જરૂર નથી. નરેન્દ્રની ઓળખાણ આજકાલ એટલી વધી ગઈ છે, તમને ખબર છે હવે તો અમેરિકામાંથીય લોકો બોલાવે છે એને…પેલા પાસવાનભાઈએ સંબંધ તોડી નાખ્યો ત્યારે તમે તેને રોકી શક્યા નહોતા, એને નરેન્દ્ર જ પાછો લઈ આવ્યો ને. અને તમને આમ અચાનક શિવાભાઈ વહાલા લાગવા લાગે તે વળી કેવું?’
‘ના પણ તમે લોકો બિચારી મારી દીકરી સુષમાનેય પૂછતા નથી. જ્યારે આપણી પેલી પડોશણ સોનિયા બાધવા આવેલી ત્યારે સુષમા જ એની સામે લડવા ગઈ હતી. એની જીભ એવી જોરદાર છે ને…પણ નરેન્દ્ર જ્યારથી કમાતો ધમાતો થયો છે ને તારા માટે ગિફ્ટો લાવવા લાગ્યો છે ત્યારથી તને એ સારો લાગવા માંડ્યો છે ત્યારે તારે મન એ દીકરીનુંય કંઈ મહત્ત્વ નથી રહ્યું.’
‘પપ્પા, દીકરી તો પારકી થાપણ કહેવાય. એ ક્યાં સુધી આપણા ઘરમાં રહેવાની. આપણું ઘર, આપણો વંશ તો નરેન્દ્ર થકી જ ઉજળો રહેવાનો ને.’
‘તમારા લોકો પર તો જાણે નરેન્દ્રએ ભૂરકી છાંટી દીધી છે. બિચારા મુરલીકાકાએ પણ કાશીથી લાવેલી સરસ મજાની ખુરશી ખાલી કરીને નરેન્દ્રને બેસવા આપી દેવી પડી. બસ, એની જીદ આગળ તમે બધા ઝૂકતા જાવ છો, પણ એનો આ દાદો નહીં ઝૂકે એની આગળ. હા. કહી દેજે એને.’
‘પપ્પા, આવા પ્રસંગ વારંવાર નથી આવતા હોતા. નરેન્દ્ર ક્યારે ઘોડે ચડશે? આ એક જ વાર ને. એ વખતે તમારે ગમ ખાઈ જવો જોઈએ.’
‘લે, વાહ ભાઈ વાહ, મારે ગમ ખાઈ જવાનો. નરેન્દ્ર એક વાર ઘોડે ચડવાનો છે તે અમારે શું આવા પ્રસંગ વારંવાર આવવાના છે? મારો તો હવે છેલ્લો પ્રસંગ છે, ને તમારી જે ભવાઈઓ છે, તે જોતાં હું તો રામજીને પ્રાર્થના કરું છું કે મને જલદી હવે ઉપાડી લે.’
‘તમે આવું કચવાતું ન બોલો, પપ્પા. દુઃખ થાય છે.’
‘તે અમને કેટલું દુઃખ થાય છે, તે તમને જુવાનિયાઓને ક્યાંથી ખબર? પેલો યેદુડો, પોલીસને ચોપડે ચડેલો માણસ, એને તમે ઘરમાં આશરો દીધો. આપણે સોનિયાના કુટુંબ સાથે જરાય બનતું નથી, પણ તારો લાડકો નરેન્દ્ર આજકાલ સોનિયાના કુટુંબના માણસોને નોતરાં દઈ આવ્યો છે. એ બધા માણસોને કામેય સોંપ્યાં છે. એને પોતાનો પ્રસંગ ભવ્ય દેખાય તેનો મોટો ચસકો છે, પણ ખબર નથી કે સોનિયાના ઘરના લોકો તમારું સારું નથી જોઈ શકતા. એ બધા પ્રસંગમાં ખામી રાખી દેશે. ભાઈ, પોતાના એ પોતાના અને પારકા એ પારકા.’
‘પપ્પા, નરેન્દ્ર તો એ સોનિયાબેનને જ નીચું દેખાડવા એના કુટુંબીજનોને નોતરાં દઈ આવ્યો છે. અને એને ખબર છે કે એેને કયાં કામ સોંપાય ને કયાં નહીં. એ લોકોને એ એવાં જ કામ સોંપશે જેનાથી એ લોકોનું નીચું દેખાય. આ તો પ્રસંગ પૂરતી જ વાત છે. પ્રસંગ પૂરો થયો નથી ને એ લોકોને હાલતા કર્યા નથી.’
‘પણ એકલો એ પોતે જ કામ કરે છે. અમને – તને મને કોઈને ગણકારતો નથી. કહેતો નથી કે ચાલો દાદા, આટલી કંકોત્રી તમે વહેંચી આવો. કેટરિંગનું તમે નક્કી કરી નાખો.’
‘તમે આમ રિસાઈને બેઠા રહો, મોઢું બગાડીને તો તમને ક્યાંથી કામ ચીંધવાનો હતો એ, કહો જોઈએ. અને આજકાલ તો તમને વાતે વાતે રોવું પણ આવી જાય છે. તે દિવસે સુષમાએ તમારા વખાણ કર્યા ત્યારે તમે કેવા રોઈ પડ્યા હતા. કેવું લાગે? ગામવાળા તો એવી જ વાત કરે ને કે આ નરેન્દ્ર ને એનો બાપ રાજુ એમના કરશનદાદાને બરાબર સાચવતા નથી ને એકલી સુષમા જ સાચવે છે. હું પણ કામ કરું છું, પણ મારે બહારનું કામ ન હોય. નરેન્દ્ર જુવાનિયો છે તે બહારની દોડાદોડી એ કરે, હું ઘરે બેઠો બેઠો કામ કરું છું ને. એટલે બધાને લાગે કે નરેન્દ્ર એકલો જ કામ કરે છે.’
‘આવા તો કેટલાય પ્રસંગો અમે જોઈ નાખ્યા. કોઈ પ્રસંગ વખતે અમે ન તો એકલા દોડાદોડી કરી ન તો એકલા જશ ખાટ્યો. દર વખતે તારા અટલદાદા ને મુરલીકાકાને પૂછીને જ નિર્ણય લેતા. ત્યારે તો આ સંયુક્ત કુટુંબ ટક્યું. લોકોમાં આપણી શાખ બની. ને આ નરેન્દ્રએ તો અડોશપડોશમાં ઝઘડા કરીને આપણા કુટુંબની શાખ બગાડી.’
‘તે પપ્પા, લોકો ઝઘડવા સામેથી આવે તો આપણે માર ખાઈ લેવાનો? એમનો ત્રાસ સહન કરી લેવાનો?’
‘એ વખતે મેં જ નરેન્દ્રનું ઉપરાણું લીધું હતું.’
‘તો હવે શું વાંધો છે? નરેન્દ્ર થોડો બદલાઈ ગયો છે?
‘મને એ પૂછતો નથી.’
‘પપ્પા, તમારી કેસેટ તો એક વાત પર અટકી ગઈ છે. હું તો પૂછું છું ને.’
‘નરેન્દ્ર….પૂછતો નથી ને….’
‘પણ પપ્પા, હું પૂછું તેનું કંઈ નહીં? હું તમારો દીકરો નથી? નરેન્દ્ર જ સર્વસ્વ છે તમારા માટે?’
‘હોય જ ને બેટા. એ તો વ્યાજ. એને નાનપણથી મોટો કર્યો. સંસ્કાર સિંચન કર્યા. એને જવાબદારી આપી, જવાબદારીને વહન કરતા શીખવ્યું. તેના સાચા ખોટા ઝઘડામાં ઉપરાણું લીધું ને હવે એ એના આ દાદાને ભૂલી જાય તે કેમ ચાલે?’
‘લાગે છે કે મારે નરેન્દ્રને જ મોકલવો પડશે, તમને મનાવવા.’
‘હવે તો નરેન્દ્ર આવે તોય હું માનવાનો નથી, હા, કહી દઉં છું. બહુ દિલ દુખવ્યું છે એણે મારું.’
‘મને ખાતરી છે પપ્પા, તમે માની જશો. એનાં લગ્ન લખાયાં ત્યારેય તમે આવા જ નારાજ થઈ ગયા હતા, પણ પછી એ તમારી પાસે આવ્યો ત્યારે તમે કેવા માની ગયા હતા? આ વખતે પણ તમે માની જ જશો ને આપણો પ્રસંગ રંગેચંગે પાર પડશે. હા…તમે માની જ જશો…તમે માની જ જશો…’

દિવ્યા ભારતી: ઐસી હિરોઇન દેખી નહીં કહીં!

divya bharti24

સુંદર અને અકાળે મોતને ભેટેલી અભિનેત્રી દિવ્યા ભારતીનો આજે જન્મદિવસ. જો હયાત હોત તો ૪૦ વર્ષની થઈ હોત. અને કદાચ પરણીને ઠરીઠામ થઈ ગઈ હોત. કે પછી માધુરીની જેમ તેની કમબેકની ચર્ચા ચાલી હોત કે પછી કોઈ રિયાલિટી શોમાં જજ બનીને આવતી હોત. શું ખબર કદાચ રાજકારણમાં પણ ઝંપલાવત…હવે આ બધું ‘જો’ અને ‘તો’માં જ સીમિત છે. પણ એક વાત ચોક્કસ છે કે એણે ટૂંક સમયમાં સફળતા અને લોકચાહના બંને પ્રાપ્ત કરી હતી.

શરૂઆતમાં એની નોંધ શ્રીદેવીની ડુપ્લીકેટ તરીકે લેવાઈ, પણ કાળનો ક્રમ જુઓ! એના મૃત્યુ પછી એની અધૂરી રહેલી ફિલ્મમાં શ્રીદેવી આવી અને એ ફિલ્મ હતી ‘લાડલા’! એણે આટલા ટૂંકા સમયમાં ઋષિ કપૂર (દીવાના) નામના એ વખતના ચલણી અને રોમેન્ટિક હીરોથી માંડીને, જેકી શ્રોફ (દિલ હી તો હૈ), ગોવિંદા (શોલા ઔર શબનમ, જાન સે પ્યારા), સન્ની દેઓલ (વિશ્વાત્મા) નવોદિત શાહરુખ ખાન (દિલ આશના હૈ અને દીવાના) અને ‘વિક્ટોરિયા નં.૨૦૩’ના નિર્માતા બ્રિજ સદાનાના દીકરા કમલ સદાના (રંગ), અવિનાશ વધાવાન (ગીત), સુનીલ શેટ્ટી (બલવાન), પૃથ્વી (જી હા, એ નામનો એક અભિનેતા પણ હતો, દિલ કા ક્યા કસૂર ફિલ્મ યાદ છે? આ પૃથ્વી, જે એક સમયે અજય દેવગનના કોસ્ટાર તરીકે પ્લેટફોર્મ ફિલ્મમાં દેખાયો હતો, તે જ પૃથ્વી, અજય દેવગનના કોસ્ટાર અર્શદ વારસીની હિરોઇન મયૂરી કાંગોના પિતા તરીકે ‘હોગી પ્યાર કી જીત’માં દેખાયો હતો) સાથે કામ કરી ચૂકી હતી. દિવ્યા ભારતી વિશે એના ગીત ‘ઐસી દિવાનગી દેખી નહીં કહીં’ પરથી ટૂંકમાં એટલું જ કહી શકાય,

ઐસી હિરોઇન દેખી નહીં કહીં!

તમારું રુદિયું શું કહે છે?

#માતૃભાષાદિવસ: આજે માતૃભાષા દિવસ નિમિત્તે એક હળવી ટપાલ એટલે કે પોસ્ટ.
હિન્દી સમાચાર ચેનલો પર અમુક શબ્દો રૂઢ થઈ ગયા છે. એટલે ગુજરાતી સમાચાર ચેનલો પર તેનો જેમનો તેમ ઉપયોગ ન કરતા ‘દેશી’ (હા ગુજરાતીમાં પણ એવું હોય!) ગુજરાતી શબ્દપ્રયોગ કરવા જોઈએ, જેમ કે:
- હિન્દીમાં પૂછાય છે, વહાં ક્યા કુછ હો રહા હૈ, તો ગુજરાતીમાં પૂછાય, ન્યાં શું હાલે છે?
- હિન્દીમાં પૂણ્ય પ્રસૂન બાજપેયી જેવા એન્કર પૂછે, આપ કે જહન મેં ઈસ વક્ત ક્યા ચલ રહા હૈ, આવા ગંભીર શબ્દો માટે પણ ગુજરાતીમાં શબ્દો છે જ. ગુજરાતી ચેનલનો/ની એન્કર પૂછી શકે: તમારું રુદિયું શું કહે છે? તમારું દલડું શું કહે છે?
- હિન્દીમાં જાણીતો સવાલ છે: આપ કો ઇસ વક્ત કૈસા લગ રહા હૈ? ગુજરાતીમાં પૂછો: હું લાગે છે, સરકાર રહેશે કે જશે?
- હિન્દીમાં કહેવાય છે: આઈએ, આપ કો સીધે લિયે ચલતે હૈ ઘટનાસ્થલ પર. ગુજરાતીમાં કહો: હાલો, ન્યાં જ જઈને ચોવટ માંડીએ.
-હિન્દીમાં કહે છે: વહાં બડા જનસૈલાબ ઉમડ પડા હૈ. અથવા તો વહાં બડી તાદાદ મેં લોગ આયે હૈં, અથવા તો વહાં બડા હુજૂમ જમા હો ગયા હૈ. આપણે ગુજરાતીમાં જવા દો: કીડીયારાની જેમ માણસું ઉમટી પડ્યા છે. શું દાટ્યું હશે ત્યાં?
- હિન્દીમાં કહે છે : લગતા હૈ, હમારે સંવાદદાતા સે હમારા સંપર્ક કટ ગયા હૈ. આપણે ગુજરાતીમાં કહો: લાગે છે કે અમારા પ્રતિનિધિ પાણી-પેશાબ કરવા ચાલ્યા ગયા છે.
- હિન્દીમાં કહે છે: હમારી આવાઝ આપ તક પહૂંચ રહી હૈ? ગુજરાતીમાં થવા દ્યો: મારો અવાજ હંભળાય છે ને? ન હંભળાતો હોય તો કહી દે, રાગડા તાણીને બોલું. અને હા, કાનમાંથી મેલ કાઢવાનું રાખજે ભાઈ.

સત્યા નાડેલા અંગે ભારતીયો હરખપદૂડા કેમ ન થાય?

સત્ય નાડેલા. માઇક્રોસોફ્ટના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ).  હૈદરાબાદમાં જન્મેલા અને પેઢીઓથી પેઢીઓ નહીં, માત્ર ૧૯૯૨માં જ અમેરિકા જઈ વસેલા, ભારતમાં જ ભણેલા એવા વ્યક્તિ માઇક્રોસોફ્ટ જેવી કમ્પ્યૂટરના પ્રાણ કહેવાતી ઓપરેટિંગ સિસ્ટમ અને સૉફ્ટવેર બનાવતી કંપનીના છેક સીઈઓ પદે પહોંચે તો ભારતીયોમાં હરખની હેલી ન ચડે તો જ નવાઈ!  ભાઈ, આપણામાંથી જ એક વ્યક્તિ સિદ્ધિ મેળવે તો તેનો આનંદ ન હોય? હોય જ .

પણ બધી જ વાતોમાં નિરાશા જોતા, પેસિમિઝમમાં જીવતા, લેખકોને આજકાલ સત્ય નાડેલા સીઈઓ બને તેમાં અને ભારતીયો તેનો હરખ કરે તેમાં પેટમાં દુખાવો ઉપડ્યો છે. ભારતની પરિસ્થિતિ એવી ને એવી છે અને ભારતીય મૂળની વ્યક્તિ સિદ્ધિ મળે એમાં આપણે શું? શકોરું? આવી આ લોકોની માનસિકતા છે.

હકીકતે હીરાને બજારમાં વેચાતો હીરો બનાવવો હોય તો તેમાં પાસા પાડવા પડે, એમાં કાપા મૂકવા પડે, મૂર્તિઓ હોય કે માટલાં, એને માટીમાંથી તૈયાર કરાતી વખતે ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે ને એ સહેલી નથી હોતી. ભારતના વાતાવરણમાં શિસ્ત કે સમયપાલન કે ગ્રાહક પ્રત્યે સજાગતા, ચેતના નથી તે સ્વીકાર્ય, પણ આવા જ વાતાવરણમાંથી એ.પી.જે. અબ્દુલ કલામ, મહેન્દ્રસિંહ ધોની, નરેન્દ્ર મોદીથી  માંડીને સત્યા નાડેલા સુધીની હસ્તીઓ ઘડાયેલી છે.  ઘણી વખત બધી જ સુવિધાઓ જેને મળેલી હોય તેવા વિદ્યાર્થી કરતાં અભાવવાળા વિદ્યાર્થી વધુ કાઠું કાઢતા હોય છે.  અમદાવાદમાં કહેવાય છે કે કોન્વેન્ટમાં શિસ્ત અને સુખસુવિધાવાળા છોકરા કરતાં શાહપુરમાં કે પોળમાં ઉછરેલા છોકરાઓ વધુ ઘડાયેલા, તૈયાર હોય છે. કદાચ એટલે જ અમેરિકા કરતાં ભારતના વિદ્યાર્થીઓ વધુ હોંશિયાર પાકે છે? ઓબામાને પણ અમેરિકાના વિદ્યાર્થીઓને કહેવું પડ્યું છે. અને કદાચ, ભવિષ્યમાં આપણી ભારતની નવી પેઢી પણ અમેરિકાના વિદ્યાર્થીઓ જેવી થઈ જાય તો નવાઈ નહીં, જેમને બે ગુણ્યા બે કરવા માટે પણ કદાચ મોબાઇલની અંદર કેલ્ક્યુલેટર (કેલ્સી, યૂ નો!)ની મદદ લેવી પડે. પ્રભુ શ્રી રામના પિતા કોણ હતા તે જાણવા ગૂગલિંગ કરવું પડે.

આશા રાખીએ કે એવું નહીં જ થાય, પણ હે નિરાશાવાદી મહાન લેખકો, તમારી નિરાશા બધાના માથે થોપો નહીં. જેવું છે તેવું આપણું ભારત છે, અને એ આપણા જેવા લોકોમાંથી જ બનેલું છે, અહીં રહેવું હોય તો પૂરા જોશ અને ઉમળકા સાથે એને સ્વીકારો, એને સુધારવા પણ પ્રયત્ન કરો, બાકી ન ગમતું હોય તો ભારત છોડી બીજે ચાલ્યા જાવ. અહીં તમારા જેવા નિરાશાવાદીઓનું કામ નથી. ભારતમાં ઘણું સારું થઈ રહ્યું છે અને થવાનું છે. માત્ર નિરાશા જ દેખાતી હોય તો તમારો કોઈ ઈલાજ નથી.

જૂનું ગુજરાતી-૧

#જૂનુંગુજરાતી: કેટલાક શબ્દો આપણે ત્યાં ભૂલાતા જાય છે. હિન્દી ચેનલોના પ્રભાવમાં, ગુજરાતી ચેનલો અને ગુજરાતી છાપાઓમાં જે ભાષા વપરાય છે, તેના લીધે. અને કેટલાક શબ્દો આપણે બેઠા અંગ્રેજી વાપરીએ છીએ. એટલે ક્યારેક, ક્યારેક, યાદેચ્છિક રીતે, હું આ હેશ ટેગ સાથે જૂના પણ હજુ ઘણી જગ્યાએ પ્રચલનમાં રહેલા ગુજરાતી શબ્દો મૂકવા પ્રયાસ કરીશ. જેને ગમે તેને લાઇક કરવાની અને કંઈ કહેવાની ઈચ્છા થાય તો, કમેન્ટ કરવાની છૂટ. બાકીના જલસા કરે. આજનો શબ્દ છે,
ઓરવું : પહેલાં ઘંટીમાં આપણા બા (મમ્મી, મોમ યૂ નો), અનાજ ભરડતા કે દળતા ત્યારે ઘંટી ફેરવતા હોય ત્યારે જે અનાજ નખાતું જાય તેને ઓરવું કહેવાય. આ ઉપરાંત અનાજને રાંધવા મૂકીએ તેને પણ ઓરવું કહેવાય.

ગુજરાતીમાં પરભાષાના વઘાર

ગુજરાતી ટીવી ચેનલો પર રેસિપી શીખવતી બહેનો માટે લીલા મરચા એ ગ્રીન ચિલીઝ (બહુવચનમાં, ઝ કે સ બોલવો ફરજિયાત છે, બિસ્ક્ટિ્સ, ચોક્લેટ્સ, ફ્રૂટ્સ, ડિશીસ) છે, મરી એ કાલી મિર્ચ અથવા પીપર છે, એલચી એ ઇલાયચી છે, લોયું એ કડાઈ છે, માખણ એ બટર છે, ચપટીના બદલે પિંચ છે, ચટણી કે લુગદીના બદલે પેસ્ટ છે, તળવું એ ફ્રાય કરવું છે, તેલ એ ઓઇલ છે, ચમચીના બદલે ટી સ્પૂન છે, વઘારના બદલે ‘તડકો’ છે (ગુજરાતીમાં તડકો એટલે સૂર્યપ્રકાશ). જય જય ગરવી ગુજરાતી.

‘આપ’જોક્સઃ ‘આપ’અક્કલ, ‘આપ’ મૂઆ ઔર ડૂબ ગઈ દુનિયા

#આપજોક્સ: (1)’આપ’વાળા કેમ હંમેશાં કોઈનો કોઈ માગણીસર આંદોલન કરતા રહેવાના?
કારણકે પાર્ટીનું નામ જ ‘આપ’ છે.
(2)  ‘આપ’માં જોડાય તેને શું કહેવાય?
- ‘આપ’ઘાત!
(3) ‘આપ’વાળા શું સંભળાવે?
- ‘આપ’વીતી!
(4) મતદારો ‘આપ’ને શીલા દીક્ષિતને ભ્રષ્ટાચાર માટે પકડવા ચૂંટે પણ ‘આપ’ એ ઉપકાર ભૂલી જાય તેને શું કહેવાય?
-’આપ’કાર
(5) કેટલીક કહેવતો -શબ્દાવલિઓ (સૌજન્યઃ ભગવદ્ ગોમંડળ)
આપ મૂઆ ઔર ડૂબ ગઈ દુનિયા – પોતાનું કામ થઈ જાય પછી બીજાની દરકાર ન કરવી (અણ્ણા હઝારેને પડતા મૂકી દેવા)
આપ કી લાપસી પરાયે કી કુસકી – અર્થ પોતાનું સારું, પારકાનું બધું ખરાબ.
આપથી ઉતરતી સગા બાપની – પોતાના સ્વાર્થ આગળ માણસ પોતાના બાપના હિતની ફિકર પણ નથી કરતો. (પૉલીસ સસ્પેન્ડ કરવાની પોતાની જિદ માટે આમ આદમીની બે દિવસ મેટ્રો બંધ કરાવી)
આપનાં પાપ અંતર જાણે – સહુ પોતાના કરેલાં પાપ અંતરમાં જાણતું જ હોય છે. (ફોર્ડ ફાઉન્ડેશનના ફ્રોડ તો પોતાને ખબર જ હોય ને).
આપને દૂર ખેંચવું – પોતાનો ખૂબ વિચાર કરવો (પોતાના માટે બે ડુપ્લેક્સ બંગલા લેવા પણ તૈયાર).
આપવિતી સહુ જાણે, પરવિતી કોઈ ન જાણે – સહુ પોતપોતાનાં દુઃખ રડે, પારકાનું દુઃખ કોઈ ન જાણે (હમારી ઔકાત હી ક્યા હૈ જી, હમ તો છોટે આદમી હૈ…જોકે આજકાલ આ રાગ માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં નરેન્દ્ર મોદી પણ આલાપી રહ્યા છે )
આપઅક્કલ: પોતાની સમજ પૂરમાણે વર્તનાર, બીજાની સલાહ ન લેનાર! (કેજરીવાલને આપઅક્કલ કહેવાય?)
આપઅખત્યાર: ન્યાયાન્યાયનો વિચાર કર્યા વગર પોતાની મરજી મુજબ સત્તા ચલાવનાર. (બીજું કોણ?)
આપ ભલા તો જગ ભલા – જેવા હોય તેવી દુનિયા દેખાય (આખું જગત જેને ભ્રષ્ટાચારી લાગતું હોય તે ?)
આપઆપ – હું પદ, સ્વાર્થીપણું
આપડાહ્યલું – પોતાને બહુ ડાહ્યું માનનાર