સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો

– ચૂંટણી આવે છે એટલે હુમલો કરાવ્યો
-ચૂંટણી તો 2014 પછી દર વર્ષે હતી. બિહાર વખતે જ કરી દીધી હોત તો તે પછી દરેક ચૂંટણી જીતત. જોકે યુદ્ધ પછી ચૂંટણી જીતવાની કોઈ શક્યતા નથી હોતી. 1971ના યુદ્ધ પછી ઈન્દિરા ગાંધી 1977માં હાર્યાં હતાં. 1999ના કારગિલ યુદ્ધ પછી અટલજી જીત્યા હતા. 2008માં ઇતિહાસના સૌથી ભયંકર (મુંબઈ) હુમલા પછી પણ મનમોહન સરકાર દિલ્લીમાં અને કૉંગ્રેસ-એનસીપી સરકાર મહારાષ્ટ્રમાં ફરી જીત્યાં હતાં. એટલે યુદ્ધ પછી ચૂંટણી જીતે તેવી કોઈ લેખિત ફૉર્મ્યુલા નથી. અને અત્યારે લોકસભાની ચૂંટણી નથી. ઉ.પ્ર. , પંજાબ ને ગુજરાતની ચૂંટણી જીતવા યુદ્ધ ન કરે. માયાવતી (જેવી બબુચક)ની વિચારધારાનો પ્રભાવ છે કે શું?

– પણ બેચાર મચ્છરને મારવાથી ડેન્ગ્યુ ન મટે.

– તો શું એ બેચાર મચ્છરોને જીવતા રહેવા દઈ બીજાને પણ ડેન્ગ્યુ થવા દેવો? ડેન્ગ્યુ થયો હોય તો મચ્છર મારવા ઉપરાંત દવા પણ લેવી પડે. મચ્છર ન થાય તે માટે ઘરમાંય સ્વચ્છતા રાખવી પડે. (એ સ્વચ્છતા ન રાખી તેથી તો તમારા જેવા દેશવિરોધી મચ્છર પેદા થયા.)
– એના ઘરમાં ઘૂસીને નથી માર્યા
-એવું કેમ?
-પા.અ.કા. તો આપણું જ છે ને. એટલે એના ઘરમાં ઘૂસીને માર્યા ન કહેવાય.
– પણ અત્યારે છે તો પાકિસ્તાનના કબજામાં ને.
– મ્યાનમારમાં ઘૂસીને ત્રાસવાદીઓને માર્યા, પાકિસ્તાની બૉટ સળગાવી એ ઘટનાની જેમ આ પણ બોગસ છે
– સેના પાસે વિડિયો છે
-વિડિયો ઉપજાવેલો હોઈ શકે. અમેરિકા ચંદ્ર પર ગયું તેવી રીતે.
-પાકિસ્તાન પર ઇરાને પણ ગોળીબાર કર્યો.
-મૌન.
-તમે કહેતા હતા ને કે ભારત પાકિસ્તાનને એકલું પાડવા જતાં પોતે જ એકલું પડી ગયું. અત્યારે તો ભારતને અફઘાનિસ્તાન, ઈરાન ને બાંગ્લાદેશનો ટેકો છે. ચીને પણ તટસ્થ વલણ રાખ્યું છે.
-મૌન.
ઉંદર સાત પૂંછડિયાની વાર્તા સાંભળી હશે. પણ હવે ઉંદર શાણો થઈ ગયો છે. એ બીજાના ખેતરમાં જઈને પાકને નુકસાન કરી આવે છે.

બ્રિટન-અમેરિકાના દાખલા પરથી ભારત-પાકિસ્તાન ન શીખી શકે?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૫/૦૯/૧૬ના રોજ આ લેખ છપાયો.)

(ભાગ-૧ વાંચવા અહીં ક્લિક કરો: પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર)

(ગતાંકથી ચાલુ)

ગયા અંકે આપણે પાકિસ્તાન- રશિયાની નવી ધરીનું વિશ્લેષણ કરેલું તેના બેત્રણ દિવસમાં જ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કાશ્મીરના ઉડીમાં (સાચું નામ ઉડી છે, પણ અંગ્રેજો ‘ડ’નું ‘ર’ કરી નાખે છે. જેમ કે ‘સાડી’નું ‘સારી

’. તેમ ઉડીનું ઉરી થઈ ગયું છે.) ત્રાસવાદીઓના હુમલામાં ૧૮ જવાનો શહીદ થઈ ગયા! ભારતના કહેવાથી રશિયાએ પાકિસ્તાન સાથે સૈન્ય અભ્યાસ માંડી વાળ્યો. યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા. આ સ્થિતિમાં આપણે ગયા લેખના અંતમાં અધૂરી છોડેલી વાત વધુ પ્રાસંગિક બની છે.

કાશ્મીર પ્રશ્ન (અને એટલે પાકિસ્તાન સાથેની કાયમી સમસ્યા) ઉકેલવાની ચાવી આંતરરાષ્ટ્રીય સંબંધોના એક પેચીદા કેસ સ્ટડીમાં રહેલી છે તેવું લેખાંતે લખેલું. આ કેસ સ્ટડી છે બ્રિટન અને અમેરિકાના સંબંધનો.

અમેરિકામાં યુરોપના વિવિધ દેશોના લોકો આવીને વસ્યા અને તેમણે તેમનાં સંસ્થાનો બનાવ્યા. ઈ.સ. ૧૭૬૪-૬૫માં બ્રિટિશરોએ અમેરિકામાં સ્થાયી થયેલા તેમના જ મૂળ વતનીઓને લૂટવા માટે કરન્સી ઍક્ટ, સ્યુગર ઍક્ટ, સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટ લાદ્યા. આનાથી અમેરિકામાં વસેલા બ્રિટિશરો અને બ્રિટનના બ્રિટિશરો વચ્ચે સંઘર્ષ જન્મ્યો જે યુદ્ધમાં પરિણમ્યો. બાદમાં ફ્રાન્સ પણ તેમાં જોડાયું જે બ્રિટનના હાથે અગાઉ હાર પામી ચૂકેલું હતું. બંને પક્ષે ભારે ખુવારી થઈ. છેવટે ૧૭૮૨માં પેરિસમાં સંધિ માટે વાટાઘાટ શરૂ થઈ. આ વાટાઘાટમાં સ્પેન અને ફ્રાન્સ પણ સહભાગી હતા. પરંતુ અમેરિકામાં વસેલા બ્રિટિશરોને લાગ્યું કે તેમને સ્પેન અને ફ્રાન્સની મધ્યસ્થીથી ઝાઝું મળે તેમ નથી તેથી તેમણે બ્રિટન સાથે સીધી અને ગુપ્ત વાટાઘાટ આદરી.

તે વખતે બ્રિટનના વડા પ્રધાન વિલિયમ પેટ્ટીને લાગ્યું કે અમેરિકાને ફ્રાન્સ અને સ્પેનથી વિખૂટું કરી શકાય તેમ છે. આથી તેમણે ભૂતકાળ ભૂલી જઈને અમેરિકા સાથે સંબંધો મધુર કરવામાં હિત જોયું. તેમને લાગ્યું કે અમેરિકા તેનું નવું આર્થિક ભાગીદાર બની શકે તેમ છે. આમ, અમેરિકા સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.

અહીં એક આડ વાત. કેટલાક વિદ્વાનો એમ માને છે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી ભારત સ્વતંત્ર ન થયું હોત. જો થયું હોત તો કદાચ અરાજકતાવાળું હોત. આ લોકો ક્રાંતિકારીઓની ભૂમિકા પણ ઓછી આંકે છે. તેમના મતે, મહાત્મા ગાંધીજીના લીધે જ આપણને સ્વતંત્રતા મળી. આપણી પાસે તે પહેલાં બ્લુ પ્રિન્ટ જ નહોતી. તેમણે અમેરિકાનો આ દાખલો લઈને સમજવાની જરૂર છે. અમેરિકાનાં વિવિધ રાજ્યો (કૉલોનીઓ) બ્રિટિશરો સામે લડ્યાં અને સ્વતંત્ર થયા. અમેરિકા સુપર પાવર પણ બન્યું.

બ્રિટિશરોએ પોતાનો સુપર પાવર તરીકેનો ભૂતકાળ ભૂલીને અમેરિકાને સ્વતંત્ર થવા દીધું અને શાણપણ દાખવી તેની સાથે સંબંધો સુધારી લીધા. એટલું જ નહીં, તેને મોટા ભાઈ તરીકેય સ્વીકારી લીધું. જ્યારે બ્રિટિશરોએ ભારતમાં મુસ્લિમ-હિન્દુ ઝઘડાનાં બીજ રોપી કાયમ માટે આ બંનેને દુશ્મન બનાવી દીધા.

અને માત્ર બ્રિટન અને અમેરિકા જ શું કામ? બ્રિટન અને ફ્રાન્સ એક સમયે દુશ્મન હતા. આજે સાથી છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં જર્મની-જાપાન, અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ વિરુદ્ધ લડેલા. બીજા વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને અમેરિકા અને સોવિયેત સંઘે વહેંચી લીધું હતું. જર્મનીને શસ્ત્રવિહોણું બનાવી દેવામાં આવ્યું. જર્મની પાસેથી યુદ્ધનો ખર્ચો વસૂલવામાં આવ્યો. અનેક જર્મનોને મજૂર તરીકે લઈ જવામાં આવ્યા અને રસ્તામાં જ ભૂખમરાના કારણે અનેકોનાં મોત થયાં. અનેક જર્મન સ્ત્રીઓ પર બળાત્કાર થયા. (અમેરિકા-બ્રિટન વિજેતા હોવાથી અને મિડિયા પર પ્રભુત્વ હોવાથી જર્મનીમાં નાઝીઓ દ્વારા થયેલા અત્યાચારના કિસ્સા જ ચગાવવામાં આવે છે, બ્રિટિશરો અને અમેરિકનોએ કેટલા અત્યાચાર કર્યા તે વાત ઓછી નોંધાય છે.) તેમ છતાં આજે જર્મની અમેરિકાનું સાથી છે. જાપાનમાં પણ અમેરિકાએ અણુ બૉમ્બ ફેંકીને અમીટ વિનાશ વેર્યો. જાપાનને પણ નિ:શસ્ત્ર કરી નાખ્યું. આજે જાપાન અમેરિકાનું સાથી છે. આ કોઈ દેશ જૂના અત્યાચારોને યાદ કરીને કાયમ માટે દુશ્મનાવટ નથી રાખતા. બ્રિટન-અમેરિકાએ તો અમેરિકાની ક્રાંતિ દરમિયાન એકબીજા પર કરેલા અત્યાચારોને રેકોર્ડ પરથી મિટાવી દીધા છે. આ દાખલા ભારત-પાકિસ્તાનના સંદર્ભમાં કઈ રીતે જોઈ શકાય?

ભારત પર અનેક આક્રાંતાઓએ હુમલા કર્યા. તેમાં મુસ્લિમો પણ મોટા પાયે હતા. પરંતુ મોગલ સામ્રાજ્ય વખતે હિન્દુ-મુસ્લિમ એકતા નોંધપાત્ર પ્રમાણમાં હતી. બીજું કે ભારત મુસ્લિમ શાસકોનું ગુલામ બન્યું તેમાં ભારતના રાજાઓનો પણ વાંક હતો જ. મોહમ્મદ ગઝની ભારત પર ૧૭ વાર ચડી આવ્યો પરંતુ પહેલી જ વારના આક્રમણ પછી ભારતના કોઈ રાજાને કે રાજાઓના સમૂહને તેનો પીછો કરીને તેને ત્યાં જ પતાવી દેવાનું કેમ સૂજ્યું નહીં? (અત્યારેય આ નીતિ ચાલુ જ છે.) પૃથ્વીરાજ ચૌહાણે પણ અનેક વાર મોહમ્મદ ઘોરીને હરાવ્યા પછી માફ કરી દઈ જવા દીધો. આવી દયાભાવના શું કામ? અને બીજી વાત એ પણ માનવી રહી કે ભારતમાં મતાંતરણ કરીને મુસ્લિમો બનનારા બધા જ માત્ર તલવારના જોરે જ મુસ્લિમ નથી બન્યા. હિન્દુઓમાં ક્યાંક અહંકાર અને દૂરંદેશીનો અભાવ કંટક બન્યો તો ક્યાંક જાતિપ્રથા નડી ગઈ. મતાંતરણ કરનારાઓની ઘરવાપસી કરાવવાનું સૂજ્યું જ નહીં. જેને સૂજ્યું તેમને પંડિતોએ ના પાડી કે હિન્દુ પદ્ધતિમાં આવો નિયમ જ નથી. જે હોય તે, પણ એક વાત તો નિશ્ચિત છે કે ભારતીય ઉપખંડના હિન્દુ હોય કે મુસ્લિમ, શીખ હોય કે ખ્રિસ્તી-બધાના પૂર્વજો એક જ છે.

પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા (તેમનું નામેય અંગ્રેજી ખોટા સ્પેલિંગના લીધે ગુજરાતી લેખકોય ખોટું લખે છે.) ગુજરાતી હતા. તેમના દાદા પ્રેમજી ઠક્કર (ગોંડલ) હિન્દુ હતા. તેઓ વેરાવળમાં મચ્છીનો વ્યવસાય કરતા હતા. તેથી શાકાહારી લોહાણા સમાજે તેમને બહિષ્કૃત કર્યા. આ અપમાનથી તેમના દીકરા પૂંજાલાલ મુસ્લિમ બની ગયા. તેમના દીકરા ઝીણા પણ રાષ્ટ્રવાદી હતા, પરંતુ ગાંધીજીએ તુર્કીના ખલીફાને પદભ્રષ્ટ કરવાની ઘટના માટે અહીં ભારતમાં ખિલાફત આંદોલનને ટેકો આપીને મુસ્લિમોને ભારત બહાર જોતા કરી દીધા. એટલું જ નહીં, ગાંધીજીએ સત્યાગ્રહના આંદોલનની જાહેરાત કરી ત્યારે ઝીણાએ તેનો વિરોધ કર્યો અને ૧૯૨૦ના કૉંગ્રેસના અધિવેશનમાં તેઓ બોલવા ઊભા થયા ત્યારે કૉંગ્રેસના પ્રતિનિધિઓએ તેમને બોલવા જ ન દીધા! (ભાજપમાં શંકરસિંહ વાઘેલા-આત્મારામ પટેલ સાથે થયું તેવું જ.) ત્યાર પછી ઝીણાએ કૉંગ્રેસ છોડી. ઝીણાએ અગાઉ કૉંગ્રેસમાં ગાંધીજી અને નહેરુ સાથે એક જ મંચ પરથી વંદેમાતરમ્ ગાયું પણ હતું, હવે તેઓ વંદેમાતરમ્ નો વિરોધ કરવા લાગ્યા.

કહેવાનો અર્થ એ છે કે પાકિસ્તાન-ભારત અને મુસ્લિમ-હિન્દુનો ઝઘડો ભાઈ-ભાઈનો ઝઘડો છે. ભારતમાં લોકો લાગણીશીલ વધુ છે અને સમજદાર ઓછા. ભારતના વિભાજનથી લઈને ૨૦૧૩ના મુઝફ્ફરનગરનાં રમખાણો સુધી, મુસ્લિમ-હિન્દુઓ ઝઘડતા આવ્યા છે. જે જે વાત હિન્દુઓને પ્રિય કે પવિત્ર છે તે બધી ભારતના કટ્ટર મુસ્લિમોને નથી પસંદ. ચાહે તે વંદેમાતરમ્ હોય, ગોરક્ષા હોય કે યોગ. સ્વતંત્રતા પછી જેમ જેમ મુસ્લિમ તુષ્ટીકરણ વધતું ગયું તેમ તેમ હિન્દુઓમાં પણ કટ્ટરતા આવતી ગઈ.

પાકિસ્તાન-ભારતે સ્વતંત્રતા પછી જ સમાધાન કરીને અમેરિકા-બ્રિટન જેવા સંબંધો કરી લીધા હોત તો બંને દેશો દુશ્મનાવટના કારણે હેરાન ન થયા કરતા હોત. પરંતુ સ્વતંત્રતા પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. અત્યારે યુદ્ધના પડકારા થઈ રહ્યા છે ત્યારે હવે જે વાત લખવાનો છું તે ઘણાને પસંદ નહીં પડે. જે રીતે પ્રજામતના આધારે ભારતે હૈદરાબાદ અને જૂનાગઢ કબજે કર્યું તે જોતાં પાકિસ્તાન કાશ્મીર માટે (જમ્મુ કે લદ્દાખની વાત નથી) પ્રયાસ કરે તેમાં આપણને ખોટું ન લાગવું જોઈએ. અને કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી કેવી રીતે થઈ તે પણ વિચારવું રહ્યું. જો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને જાપાન એક થઈને આખા વિશ્વ પર રાજ કરી શકે તો ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, ભૂતાન કેમ એક ન થઈ શકે? અલબત્ત, સ્વતંત્રતા પછી નહેરુજીએ શેખ અબ્દુલ્લાને પાકિસ્તાન મોકલીને ભારત-પાકિસ્તાનનો સંઘ (જેમ યુરોપીય સંઘ છે તેમ) રચવા દરખાસ્ત કરેલી પરંતુ પાકિસ્તાનના પ્રમુખ અયુબ ખાને આ દરખાસ્ત ફગાવી દીધી હતી. આરએસએસ પણ ૧૪ ઑગસ્ટે અખંડ ભારત સંકલ્પ દિન ઉજવી સ્વતંત્રતા પહેલાના અખંડ ભારતનો સંકલ્પ કરે છે. મુલાયમસિંહ યાદવના વૈચારિક ગુરુ ડૉ. રામમનોહર લોહિયાએ આ વિચારને ૧૯૬૦ના દશકમાં સમર્થન આપ્યું હતું. ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ વર્ષ ૨૦૦૪માં ભારત-પાકિસ્તાનના કૉન્ફિડરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ થયો એક વિકલ્પ. બીજો વિકલ્પ અમેરિકાએ જર્મની અને જાપાન સાથે જે કર્યું તે કરવાનો છે. દુશ્મનમાં ફરીથી ઊભા થવાની ત્રેવડ જ ન રાખવી. ભારત પાકિસ્તાન સામે બે યુદ્ધમાં જીત્યું પરંતુ તે પછી ભારતે પાકિસ્તાનને નિ:શસ્ત્ર ન કર્યું. ન તેણે પચાવેલું કાશ્મીર પાછું લીધું. લાલબહાદુર શાસ્ત્રી હોય કે ઈન્દિરા ગાંધી, મંત્રણાના મેજ પર ભારત હારતું રહ્યું.

કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા માટે ચીનનો દાખલો પણ લઈ શકાય. ચીને તિબેટ કબજે કરીને તેનું ચીનીકરણ (શિનિકિઝેશન-sinicization-) કર્યું. ચીનના લોકોને ત્યાં વસાવ્યા. તિબેટિયન સંસ્કૃતિને બદલી. શિનજિયાંગ પ્રાંતમાં ચીને મુસ્લિમોના અલગતાવાદને ડામવા અને પ્રાંતને સ્વતંત્ર બનતો અટકાવવા રમઝાનમાં રોજા રાખવા સહિતના પ્રતિબંધો મૂકી દીધા. ચીન વિરોધી પુસ્તકો પર પણ પ્રતિબંધ છે.

કાશ્મીરમાં તો અલગતાવાદીઓને બધી સરકાર તેમની સુવિધાઓ ચાલુ રખાવે છે. ત્યાં બીજાં રાજ્યોની મુસ્લિમ ઇત્તર પ્રજા તો છોડો, પ્રતાડિત કરીને કાઢી મૂકાયેલા મૂળ કાશ્મીરી પંડિતોને પણ પાછા વસાવતા નથી. ત્રાસવાદ ફેલાવતા વહાબી પંથ દ્વારા જમીન પ્રાપ્ત કરીને મસ્જિદો બનાવાય છે તેને અટકાવવાની હિંમત નથી. ઈન્દિરા ગાંધીના સુવર્ણ મંદિરમાં સેના મોકલવાના દાખલા પછી કોઈ રાજકારણી ઉપાસના સ્થાનોમાં દેશવિરોધી પ્રવૃત્તિને અટકાવવાનું સપનેય વિચારી શકે તેમ નથી. ભારતમાં આસારામ અને સ્વામી અસીમાનંદની ધરપકડ થઈ શકે પણ શાહી ઈમામની નહીં. જે દિવસે કોઈ ખરેખર છપ્પનની છાતી ધરાવતો નેતા આવશે જે આ ઉપાસના પદ્ધતિના નામે જાહેરમાં દેખાડા બંધ કરાવી શકશે, વૉટ બૅંકનું રાજકારણ બંધ કરાવી શકશે, ઉપાસના સ્થાનોમાં દેશવિરોધી કે પછી અસામાજિક પ્રવૃત્તિ બંધ કરાવી શકશે તે દિવસે પાકિસ્તાન-કાશ્મીર-મુસ્લિમ-હિન્દુ ઝઘડા- એ બધા જ પ્રશ્નોનો ઉકેલ આવશે અને દેશનો સાચો વિકાસ થશે.

(સમાપ્ત)

‘બેબી-2: ઈસ્લામાબાદમાં ભગવો!

આપણને બધાને અત્યારે યુદ્ધની ખંજવાળ ઉપડી છે. અક્ષયકુમાર તેની ‘હોલિ ડે’ અને ‘બેબી’માં હાફિઝ સઈદ જેવા ત્રાસવાદીઓને સાઉદી અરબ જેવા દેશમાં જઈ જીવતા પકડી સહીસલામત ભારત પાછા ફરી જાય છે. સન્ની દેઓલ પાકિસ્તાન જઈ અમીષા પટેલને અને તેના દીકરાને ભારત પાછા લાવી શકે છે. આવું ફિલ્મોમાં જ જોઈને આપણે રાજી થઈએ છીએ.
તો વર્તમાન સંજોગો પરથી ફિલ્મ ‘બેબી-2’ બને તો? કથા કેવી હોય? મુખ્ય પાત્રો ‘બેબી’વાળા અક્ષયકુમાર, અનુપમ ખેર, રાણા દગ્ગુબાટી અને ડેની છે. બાકીનાં પાત્રો તમે સમજી જશો.
સીન 1
ઉડીમાં 18 જવાનો શહીદ થયા છે. દેશભરમાં આક્રોશ છે. વડા પ્રધાન લોઢીના જૂના ભાષણોની ક્લિપ સોશિયલ મિડિયામાં ફરી રહી છે. એક જવાન બસમાં કશ્મીર તો હોગા લેકિન પાકિસ્તાન નહીં હોગાની કવિતા બોલે છે તે વિડિયો પણ બહુ ફરે છે. રોટલીની લોઢીની જેમ વડા પ્રધાન લોઢી પણ હંમેશાં તપેલા રહે છે. તેઓ તાત્કાલિક બેઠક બોલાવે છે. તેમાં બધા યુદ્ધની સલાહ આપે છે. સેનાના વડા ડેની પણ આ જ સલાહ આપે છે. પણ લોઢી કહે છે કે આપણે યુદ્ધ ગરીબી, બેરોજગારી ને નિરક્ષરતા સામે લડવાનું છે. ડેની સમસમી જાય છે. બેઠક પૂરી થાય છે. બધા છૂટા પડી જાય છે. બીજા દિવસે તમિલનાડુમાં પક્ષની બેઠક છે.વરસાદ પ્રૂફ જર્મન ટેક્નૉલૉજીવાળો ડૉમ બાંધવાનો છે. ફૂલપ્રૂફ સુરક્ષા કરવાની છે. સેનાના જવાનોને હૈદરાબાદ પૂરરાહત કામગીરીમાં મોકલવાના છે.
સીન 2
ડેની ફોન કરે છે. વડા પ્રધાનના સચિવ ઉપાડે છે પણ એપોઇન્ટમેન્ટ મળતી નથી. તેઓ કહે છે કે તમે આસામના હેમંત શર્મા કે અરુણાચલના ખાંડુ જેવા કૉંગ્રેસી બળવાખોર હો તો કે રતન તાતાની જેમ નેનો લાવવા માગતા તો તમને પંદર મિનિટમાં એપોઇન્ટમેન્ટ અપાવી દઉં. હમણાં જ ઉત્તર પ્રદેશના બસપના બળવાખોરને અપાવી.
છેવટે ડેની અક્ષયકુમાર સાથે વડા પ્રધાનની ઑફિસે પહોંચે છે. એવું કહીને સચિવને એક લાફો મારે છે કે દેશ પર સંકટ છે ને તને ચૂંટણી યાદ આવે છે? એપોઇન્ટમેન્ટ મળી જાય છે.
સીન 3
વડા પ્રધાનની સામે ડેની બેઠો છે. અક્ષયકુમાર બહાર ઊભો છે. “બોલો,તમારી શું યોજના છે?
“સાહેબ, સીધી મિસાઇલ દાગી દઈએ.”
“બિલકુલ નહીં. અમેરિકાનું દબાણ છે.”
“સાહેબ, તમે જ બાપ કી અદાલતમાં કહેલું કે સવાસો કરોડનો દેશ દબાણ કરી શકે.”
“ભૂલ જાવ. એ વખતે હું મુખ્યપ્રધાન હતો. અને મને ઓબામાએ નોબેલની ગેરંટી આપી છે.”
“એ તો અનિલજીને પણ આપેલી…”
“હું એવો કાચો નથી. લેખિત બાંયધરી લઈ લીધી છે.”
“પણ સાહેબ, મારી યોજના તો સાંભળો.”
“બોલો. તમારી પાસે રોકડી બે મિનિટ છે.”
ડેની યોજના કહે છે. લોઢીજી ખુશ થઈ જાય છે. પણ પછી પૂછે છે, “પણ આમાં ઊંધુ પડ્યું તો?”
“તો આપણે કહીશું કે એને ઓળખતા જ નથી.”
ડેની અક્ષયને અંદર બોલાવી પરિચય કરાવે છે. લોઢીજી હાથ મેળવે છે. શાબાશી આપે છે અને ડેનીને કહે છે, “તો એક કામ કરજો. સેના ઇસ્લામાબાદ કબજે કરે ત્યારે ત્યાં ભગવો ધ્વજ ફરકાવડાવજો. અમારાવાળાઓને બહુ ગમશે.”
ડેની મનમાં જ એકાદ #@ બોલી નાખે છે.
પણ હા આ ત્રાસવાદીઓ શું કામ?
“કંઈ ઊંધુચત્તુ થાય અને આંતરરાષ્ટ્રીય દબાણ આવે તો તમારે કહેવાનું કે આ ત્રાસવાદીઓ મૂળ કાશ્મીરના જ હતા અને તેમના આકાઓથી ત્રાસીને પાકિસ્તાનનો વિનાશ કરવા માગતા હતા.”
સીન 4
અક્ષય, રાણા ને અનુપમ પાકિસ્તાનના ત્રાસવાદીઓ જેવો વેશપલટો કરે છે. વિદ્યાર્થીઓએ શંકાસ્પદ લોકોને હથિયાર સાથે જોયા હોય તેવી વાત પ્રસરે છે પણ પોલીસ પકડી શકતી નથી કારણકે તે મરાઠા આંદોલનને ડામવામાં વ્યસ્ત છે. અક્ષય, રાણા, અનુપમ મિસાઇલ કેન્દ્ર જાય છે. ત્યાં સિક્યોરિટીવાળા સૂતા છે. કેન્દ્રના જે ચાર અધિકારી છે તેમને જિયો કાર્ડ મફત મળ્યા છે. એક બુરખા દત્તને જિયો કાર્ડના કારણે વિડિયો કૉલિંગ દ્વારા લાઇવ ઇન્ટરવ્યૂ આપે છે. બધી સિસ્ટમ બતાવે છે. બુરખાની ચેનલ યેડીટીવી (મરાઠીમાં યેડા = પાગલ) પાકિસ્તાનવાળા ત્રાસવાદીઓમાં લોકપ્રિય છે. બીજો અધિકારી પોર્ન મૂવી જોઈ રહ્યો છે. ત્રીજો પ્રેમિકા સાથે લાઇવ વિડિયો ચેટ કરી રહ્યો છે. ચોથો યૂ ટ્યૂબ પર પાકિસ્તાનની સેનાની ક્ષમતાનો વિડિયો જુએ છે. આવા એક વ્યક્તિના કારણે જ આપણો દેશ સમોસૂતરો ચાલે છે. આ ચોથા અધિકારીનું ધ્યાન ત્રાસવાદીઓના વેશમાં આવેલા અક્ષય, રાણા ને અનુપમ પર પડે છે. તે તેમની સાથે લડે છે. અનિચ્છા છતાં અક્ષય તેને બેભાન કરે છે ને નિ:સાસા સાથે કહે છે, “હમારે દેશ મેં માર ઇમાનદાર ઔર સચ્ચે દેશભક્ત હી ખાતેં હૈં.”
અનુપમ મોબાઇલ નેટવર્ક જામ કરી દે છે. રાના લાઇટ ગૂલ કરી દે છે. અક્ષય સરળતાથી પેલા ત્રણેયને બેભાન કરી દે છે. તે પછી રાના લાઇટ ઑન કરે છે. અનુપમ મિસાઇલો લૉડ કરે છે. ટાર્ગેટ સેટ કરે છે. એક મિસાઇલ ઈસ્લામાબાદમાં વડા પ્રધાન નવાઝ શરીફના ઘર પર પડે છે. બીજી રાવલપિંડીમાં સેનાધ્યક્ષ રાહલ શરીફના ઘરને ઉડાડે છે. ત્રીજી હાફિઝ સઈદના ઠેકાણા પર પડે છે. તે રંગરેલિયા કરતો હોય છે (ફિલ્મમાં આવું બતાવવું પડે તેવું આજકાલ મનાય છે.) ને તે દોજખવાસી થઈ જાય છે. અડધી રાતે ઘસઘસાટ સૂતા પાકિસ્તાનવાસીઓમાં ધડાકાના અવાજથી દોડધામ મચી જાય છે. આ તરફ સેનાની ત્રણેય પાંખ એલઓસી વટાવીને ઈસ્લામાબાદ કબજે કરે છે. ભગવો લહેરાવાય છે. નંબરિયા પડે છે.
લોકો થિયેટરમાં ભારત માતા કી જય બોલાવીને પોપકૉર્ન ખાઈ કૉકાકોલા પી ઘરે જઈ ટીવી જુએ છે તો એમાં લોઢીજી તમિલનાડુમાં પક્ષની રેલીમાં હાર પહેરી ભાષણ કરી રહ્યા છે, “હિન્દુસ્તાન અને પાકિસ્તાનના લોકો ગરીબી, બેરોજગારી અને નિરક્ષરતા સામે લડે.” લોકો મનમાં બે #$ ચોપડાવી સૂઈ જાય છે.

(આ કટાક્ષ કથા કાલ્પનિક છે. બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)

પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૦૯/૨૦૧૬ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.)
પાકિસ્તાન અને રશિયા આ વર્ષમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાના છે તેવા સમાચાર આવતા ખળભળાટ મચી ગયો છે. ભારત અને અમેરિકા વચ્ચે હવે માત્ર વેપારી સંબંધો ન રહેતાં સૈન્ય સંબંધો થઈ જતાં સત્તાની ધરી પર એક સમયે અમેરિકાની સામે રહેલું રશિયા (ભાંગ્યું તોય ભરૂચ કહેવતની જેમ) ફરીથી સોવિયેત સંઘ તરીકે જે રૂઆબ હતો તે પ્રાપ્ત કરવા પ્રયાસ કરતું હોય તો તે પાકિસ્તાનને પોતાના પડખામાં લે તેનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાહોના જાણકારોને કોઈ નવાઈ લાગી નથી. અલબત્ત, હકીકત એ છે કે દેશના રાજકારણમાં આપણે જેમ અનુભવ કરતા આવ્યા છીએ કે ૧૯૮૯માં કૉંગ્રેસ સામે લડીને સત્તા પ્રાપ્ત કરનાર જનતા દળનું એક ફાડિયું જનતા દળ (એસ) એ જ કૉંગ્રેસના ટેકાથી ૧૯૯૬માં સત્તા પ્રાપ્ત કરે છે, તેવું જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે. કોઈ પણ બે દેશો એકબીજાના કાયમી દુશ્મન કે દોસ્ત હોતા નથી.

સ્વતંત્રતા પછી ભલે નહેરુજીએ ભારતને અમેરિકા કે સોવિયેત સંઘ બંનેથી અળગા રાખીને પોતાનો એક અલગ ચોકો ઊભો કરવા પ્રશંસનીય પ્રયાસ કર્યો હોય પરંતુ નહેરુજી પોતેય સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત હતા અને તેમના પછી આવેલા તમામ વડા પ્રધાનોએ સોવિયેત સંઘના નાના ભાઈ તરીકેની ભૂમિકા ચાલુ રાખી હતી. નરસિંહરાવના સમયથી થોડું બદલાયું પરંતુ અટલ બિહારી વાજપેયી સરકાર વખતે પોખરણ પરીક્ષણો થયાં અને એમાં અમેરિકા તથા તેના સાથી દેશોએ આર્થિક પ્રતિબંધો મૂકી દીધાં. ભારતને તેનાથી કોઈ ફેર પડ્યો નહીં. (એફડીઆઈ પર નિર્ભરતાની વાતો કરતા આર્થિક વિશેષજ્ઞો, યુપીએ સરકાર અને મોદી સરકારે આ વાત નોંધવા જેવી છે.) તે પછી અમેરિકાને લાગ્યું કે ભારતનું બજાર ગુમાવવા જેવું નથી. તેથી તેના વિદેશ પ્રધાન સ્ટ્રૉબ તાલબોટ્ટે વિદેશ પ્રધાન જશવંતસિંહ સાથે સાત દેશોમાં ૧૦ સ્થાન પર ૧૪ રાઉન્ડ મંત્રણા કરી! તાલબોટ્ટે પોતાના પુસ્તક ‘એન્ગેજિંગ ઇન્ડિયા: ડિપ્લોમસી, ડેમોક્રસી એન્ડ ધ બૉમ્બ’માં પાકિસ્તાનના તત્સમયના વડા પ્રધાન નવાઝ શરીફ અત્યંત ચાપલૂસ હતા તેમ લખ્યું છે. અટલજી વાતચીતમાં વચ્ચે લાં…બો પૉઝ લેતા તે ટેવની ટીકા કરી છે તો સાથે આઈ. કે. ગુજરાલ પોતાને જ સંભળાય તેમ બોલતા તેમ પણ લખ્યું છે પરંતુ જશવંતસિંહની ભરપૂર પ્રશંસા કરી છે. જશવંતસિંહે પોતાના દેશના હિતને આગળ વધાર્યું તેથી તેમના માટે પોતાને માન છે તેમ તાલબોટ્ટે લખ્યું છે. કહેવાનો અર્થ એ કે તે પછી અમેરિકા સાથે ભારતના ગાઢ સંબંધ ઉત્તરોત્તર બનતા ગયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં તે સંબંધો સૈન્ય માહિતીની લેતી-દેતી, પોતાના સ્થળોનો સૈન્ય કાર્ય માટે ઉપયોગ કરવાની અનુમતિ સુધી આગળ વધી ગયા. મોદી અને ઓબામા છેલ્લાં બે વર્ષમાં આઠ વાર એકબીજાને મળી ચૂક્યા છે અને તેમની વચ્ચે માત્ર બે દેશના સંબંધો પૂરતા સંબંધો નથી રહ્યા, પરંતુ તેઓ મિત્રો બની ચૂક્યા છે.

અમેરિકાને પાકિસ્તાનની ગરજ હવે રહી નથી. તેણે પાકિસ્તાનને અપાતી સહાયમાં કાપ પણ મૂક્યો છે. અગાઉ સોવિયેત સંઘને કાબૂમાં રાખવા માટે તે પાકિસ્તાનનો ઉપયોગ કરતું હતું અને તેનાથી સોવિયેત સંઘના સાથી ભારતને પણ નિયંત્રણમાં રાખી શકાતું હતું. આથી જ વિવિધ ત્રાસવાદી સંગઠનો ઊભાં થયાં. અમેરિકાને સિરિયા વગેરે દેશોમાં ત્રાસવાદી સંગઠનોનો હજુ ખપ છે પરંતુ ભારત બાબતે નહીં કારણકે હવે ભારતનો મોદીના રૂપમાં મજબૂત અવાજ રજૂ થવા લાગ્યો છે. આ સાથે એ પણ સમજવું રહ્યું કે પાકિસ્તાનની ચીન સાથે વધતી જતી મૈત્રીના સંદર્ભમા પણ અમેરિકાને ભારતનો ખપ વધુ છે. કારણકે ચીન અમેરિકાને હટાવીને સુપર પાવર બની જાય તે અમેરિકાને પાલવે નહીં. તાજેતરમાં જી-૨૦ શિખર પરિષદ ચીનમાં યોજાઈ ત્યારે ચીને ઓબામાના આગમન વખતે લાલ જાજમ ન બિછાવી તેમજ ઓબામા સાથે આવેલા અમેરિકાના પત્રકારોને પણ હડધૂત કર્યા. ચીનના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું, “આ અમારો દેશ છે.” અમેરિકાના એરપૉર્ટ પર કોઈ પણ દેશના મોટા નેતા કે અધિકારીને કપડાં ઉતરાવીને તપાસ કરાય છે તે તેની સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય હશે પણ બીજા બધા દેશોને તો તે અપમાન જ લાગે ને. પરમાણુ ક્લબ- એનએસજીમાં પણ અમેરિકાની અપીલ છતાં ચીને ધરાર ભારતને ઘૂસવા ન દીધું. અમેરિકાના પ્રભુત્વવાળા સંયુક્ત રાષ્ટ્રોની ટ્રિબ્યુનલે ચીન દક્ષિણ ચીન સમુદ્ર પર કબજો કરવાનો પ્રયાસ કરે છે તે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે તેવો ચૂકાદો આપ્યો તે ચીને માનવા ના પાડી દીધી છે. ટૂંકમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ધરીઓ રચાઈ રહી છે તે પાકું.

પણ સાથે ભારતને કાશ્મીરમાં કનડગત ચાલુ છે. આ કનડગત પાછળ પાકિસ્તાન છે તેમ બાળ મંદિરમાં ભણતું છોકરું પણ જાણે છે પરંતુ મોદી સહિત એકેય વડા પ્રધાન ખોંખારીને જાહેરમાં નામ દઈને આ વાત બોલી શકતા નથી. મોદી જી-૨૦ સમિટમાં ગયા ત્યારે બોલ્યા કે દક્ષિણ એશિયાનો એક દેશ આંતકીઓનો એજન્ટ છે. અરે! છપ્પની છાતી ધરાવવાનો દાવો કરતા હો તો બેધડક કહો ને પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવ છે. એક દેશ એમ શું બોલવાનું? મચ્છર જેવડું પાકિસ્તાન ભારતનું નામ દઈને કાશ્મીરમાં સેનાના અત્યાચારોની વાત કરે છે ત્યારે આપણા નેતાઓ હજુ નામ દેવામાં એ રીતે લાજે છે જાણે નવી વહુને પતિનું નામ બોલવામાં લાજ આવતી ન હોય!

જનતાના વેરાની રકમનો મોટો હિસ્સો કાશ્મીરને ભારત સાથે જોડાયેલું રાખવામાં ખર્ચાઈ રહ્યો છે. મહામૂલા જવાનો આ લડતમાં હોમાઈ રહ્યા છે. બીજી તરફ, કાશ્મીરને સ્વતંત્ર કરવાના કે તેને પાકિસ્તાનમાં ભેળવવાના દીવાસ્વપ્ન જોતાં પાકિસ્તાની પીઠ્ઠુ અલગતાવાદીઓને મારા-તમારા પૈસે વિદેશ ફરવા જવા મળે છે, સુરક્ષા મળે છે, અને તબીબી સારવાર પણ આપણા ખર્ચે કરે છે અને આ બધી સુવિધાઓ, પોતે જ એક માત્ર ‘રાષ્ટ્રવાદી’ હોવાનો દાવો કરતી મોદી સરકાર પણ બે વર્ષથી ચાલુ રાખે છે! વળી, શબરીમાલાથી લઈને હિન્દુ દીકરીને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર સુધીના પ્રશ્ને ચુકાદો આપતા સર્વોચ્ચ ન્યાયાલયને અલગતાવાદી નેતાઓ અલગતાવાદી નથી લાગતા! તે કહે છે કે તેમને અલગતાવાદી નહીં, હુર્રિયતના નેતાઓ કહો!

પ્રશ્ન એ છે કે કાશ્મીરની ગૂંચ ઉકેલવી કઈ રીતે? બલુચિસ્તાનના રૂપમાં પાકિસ્તાનનો વધુ એક ટુકડો કરવો એ એક ઉપાય ચોક્કસ હોઈ શકે અને તેનાથી નરેન્દ્ર મોદીને ઈન્દિરા ગાંધી જેવી પ્રશંસા પણ મળતી રહેશે પરંતુ સાથે એ વિચારવું રહ્યું કે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને બાંગ્લાદેશની રચના કરી તેનાથી શું વળ્યું? આપણો વધુ એક દુશ્મન ઊભો થયો. પાકિસ્તાનની આઈએસઆઈએ તો બાંગ્લાદેશનો ઉપયોગ પણ ભારતની વિરુદ્ધ ત્રાસવાદ, નકલી નોટો ફેલાવવા વગેરે માટે કર્યો. ભારતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન કાયમ માટે ઘર કરી ગયો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર પાકિસ્તાન જેટલો જ અથવા તે કરતાં કદાચ વધુ અત્યાચાર-નરસંહાર થાય છે. મંદિરો તોડાય છે. જોકે બલુચિસ્તાનની ભૂગોળ અલગ છે. તે ભારતની સરહદે નથી. તે અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે છે. મોદી અફઘાનિસ્તાનને મદદ કરીને, ઈરાન સાથે દોસ્તી કરીને પાકિસ્તાનને ઘેરી રહ્યા છે. મોદી પાકિસ્તાનના દુશ્મન અફઘાનિસ્તાનને કે ચીનના દુશ્મન વિયેતનામને મદદ કરે તેનાથી કૉંગ્રેસના પીઠ્ઠુ જેવા મિડિયાને પેટમાં દુ:ખે છે અને તેને આ રાજદ્વારી સહાય ‘ખેરાત’ લાગે છે! જ્યારે સોનિયા ગાંધી (એટલે કે સત્તાવાર રીતે મનમોહનસિંહ) સત્તામાં હોય ત્યારે ભારત વર્ષ ૨૦૧૧માં અફઘાનિસ્તાનને ૫૦ કરોડ ડૉલરની સહાય આપે ત્યારે આ કૉંગ્રેસ સ્પૉન્સર્ડ મિડિયાને ‘ખેરાત’ લાગતી નહોતી. ત્યારે શું ઘરના છોકરાને લોટ બરાબર મળી રહેતો હતો અને અત્યારે જ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો?

કાશ્મીરના પ્રશ્નના મૂળમાં પાકિસ્તાનનો અને એટલે કટ્ટર સુન્ની મુસ્લિમોનો ભારત પ્રત્યે દ્વેષ છે. કાશ્મીરના પ્રશ્નને ઉકેલવાની એક ચાવી આંતરરાષ્ટ્રીય સંબંધોના એક પેચીદા કેસ સ્ટડીમાં પણ રહેલી છે. તેની વાત આવતા અંકે.

(ક્રમશ:)

(ભાગ-૨ વાંચવા અહીં ક્લિક કરો: બ્રિટન-અમેરિકાના દાખલા પરથી ભારત-પાકિસ્તાન ન શીખી શકે?)

અંબાણી પરિવારના સંબંધો: ઈન્દિરાથી લઈને મોદી સુધી

indira-gandhi-dhirubhai-ambani

(મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૧૧/૯/૧૬ના રોજ આ લેખ છપાયો.)

હમણાં રિલાયન્સના નવા સિમ કાર્ડની ઑફરે મોટા પાયે હલચલ મચાવી દીધી. તે માત્ર ઉદ્યોગ જગત પૂરતી સીમિત નહોતી, રાજકીય વર્તુળોમાં પણ તેની અસર જોવા મળી. વાત એમ હતી કે જિયોની જાહેરખબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટા કદની તસવીરનો ઉપયોગ થયો છે. તેની ટીવીસી (અર્થાત્ ટીવી જાહેરખબર)માં પણ મોદીજીના ડિજિટલ ક્રાંતિના સ્વપ્નને અમે પૂરું કરીશું તેવું કહેવાય છે. આ તસવીરના કારણે હોબાળો મચી ગયો. કૉંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ મોદીને ‘મિ. રિલાયન્સ’ કહી દીધા. કૉંગ્રેસે વડા પ્રધાન કાર્યાલય પાસે સ્પષ્ટતા માગી કે મોદીએ પોતાની તસવીરનો ઉપયોગ કરવા રિલાયન્સને અનુમતિ આપી હતી?

પહેલી નજરે કંઈ ખોટું નથી તેમ લાગે કારણકે મોદી ગામડેગામડે ઇન્ટરનેટ પહોંચાડવા માગે છે. જ્યારે તેઓ ગૂગલ સાથે કરાર કરે છે અને ગૂગલ ૧૦ રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇફાઇ આપવાની જાહેરાત કરે છે ત્યારે કેમ કોઈને પ્રશ્ન નથી થતો કે મફતમાં વાઇફાઇ આપવા પાછળ ગૂગલનો છૂપો હેતુ શું હોઈ શકે? ફેસબુકે પણ ફ્રી ઇન્ટરનેટ માટે અભિયાન આદર્યું હતું, પરંતુ તેનો વ્યાપક વિરોધ થયો. ફેસબુકનો છૂપો હેતુ તો લોકો જાણી ગયા હતા કે ફેસબુક અને માર્ક ઝુકરબર્ગ ઈચ્છે તે વેબસાઇટો ફ્રીમાં જોવા મળે પરંતુ બીજી બધી નહીં.

સામે પક્ષે રિલાયન્સ પણ દાન-ધર્મ કરવા નીકળી નથી. તે મોદીનું નામ લઈને પોતાનું જિયો કાર્ડ વેચવા માગે છે. તે સ્પષ્ટ જ છે. પણ વાંધો મોદીએ કે તેમના વતી સરકાર કે ભાજપ સંગઠને લેવો જોઈએ. બીજી બાબત એ પણ છે કે લોકો હવે શાણા થઈ ગયા છે. ઓછામાં ઓછું જ્યારે સિમ કાર્ડ કે ઇન્ટરનેટ પેક લેવાનું હોય ત્યારે ખાસ. એટલે તેમને જો સિમ કાર્ડ સાથે જે સુવિધાઓ અપાવાની વાત કરી હશે તે ગમશે તો તેઓ લેશે. તેમાં વડા પ્રધાનની તસવીર હોય કે ન હોય. અને જો નહીં ગમે તો નહીં લે.

અરવિંદ કેજરીવાલે જ્યારે દિલ્લીમાં સરકાર નહોતી બનાવી ત્યારે રોજ કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓ સામે આક્ષેપો કર્યા હતા. તેમણે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારથી તેઓ અને રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને અદાણી અને અંબાણીના એજન્ટ તરીકે આક્ષેપ કરતા રહ્યા છે. જોકે એ અલગ વાત છે કે કેજરીવાલ સામે કૉલસા કૌભાંડમાં સરકારની તરફેણ (ફેવર) મેળવનાર નવીન જિંદાલના મળતિયા હોવાના આક્ષેપ પણ ભાજપ તરફી વર્તુળો દ્વારા થતાં રહ્યાં છે. કેજરીવાલ અને જિંદાલ હસ્તધૂનન કરતા હોય તેવી તસવીર પણ નેટ પર છે. ઉદ્યોગપતિઓનો વિરોધ કરતા કેજરીવાલે વર્ષ ૨૦૧૩માં ‘આપ’નું ઉદ્યોગપતિઓ અને વેપારીઓનું ફૉરમ બનાવ્યું હતું.

ચૂંટણી પહેલાં કૉંગ્રેસની યુપીએ સરકારે જતાં જતાં રિલાયન્સને ફાયદો કરાવવા કુદરતી ગેસના ભાવ એક એકમના ૪.૨ ડૉલરથી વધારીને ૮ ડૉલર અર્થાત્ બમણાં કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કેજરીવાલના વિરોધના કારણે ચૂંટણી પંચે આ નિર્ણય મોકૂફ રાખ્યો. તે પછી આવેલી મોદી સરકારે ભાવ વધાર્યા તો ખરા પરંતુ ૫.૬ ડૉલર સુધી. આથી મોદી-અંબાણીના સંબંધોમાં ઉષ્મા ઓછી થઈ.

સામે પક્ષે કેજરીવાલ અને મૂકેશ અંબાણીનાં સમીકરણો પણ બદલાયાં. ગત જાન્યુઆરીમાં પ. બંગાળમાં મમતા બેનર્જીએ અરવિંદ કેજરીવાલને બંગાળ ગ્લોબલ હાઉસ સમિટનું આમંત્રણ આપ્યું હતું. આ પરિષદમાં પહેલી વાર કેજરીવાલ અને મૂકેશ અંબાણી સાથે જોવા મળ્યા હતા. કેજરીવાલે ઉદ્યોગપતિઓને દિલ્લીમાં મૂડીરોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું હતું. વર્ષ ૨૦૧૪ની ચૂંટણી સુધી રિલાયન્સે હસ્તગત કરેલા નેટવર્ક ૧૮ની ચેનલોએ કેજરીવાલનો બહિષ્કાર કર્યો હતો પરંતુ દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલના વિજય પછી નેટવર્ક ૧૮એ કેજરીવાલનો બહિષ્કાર બંધ કરી નિયમિત રીતે તેમના ઇન્ટરવ્યૂ દેખાડવાના શરૂ કરી દીધા. પંજાબની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેજરીવાલે જુલાઈ મહિનામાં જ લુધિયાણામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓને રિઝવવાના પ્રયાસો કર્યા હતા.

અરુંધતિ રોય જેવી દેશવિરોધી લેખિકાએ તો મહાત્મા ગાંધીને ભારતના પહેલા કૉર્પોરેટ એજન્ટની ઉપમા આપી દીધી હતી. મહાત્મા ગાંધી બિરલા અને બજાજ પરિવારની સાથે નિકટના સંબંધો ધરાવતા હતા તે સમીકરણના આધારે તેણે આક્ષેપ કર્યો હતો. પરંતુ આંદોલન હોય કે સરકાર ચલાવવાનું કામ, ઉદ્યોગપતિઓ વગર કોઈને ચાલ્યું નથી. સરકારી નીતિઓ ઉદ્યોગજગત જ નક્કી કરે છે. જીએસટી માટે પણ ઉદ્યોગજગતને જ ઉતાવળ હતી. કેબલના બદલે સેટ ટોપ બૉક્સ ફરજિયાત કરવાનો નિર્ણય વિડિયોકોન, ડિશ (ઝી), ટાટા, એરટેલ, વગેરે પ્રમુખ કંપનીઓ જેમણે સેટ ટૉપ બૉક્સ દાયકા પહેલાં બજારમાં મૂકી દીધેલા પણ વરસાદ વગેરે સમયમાં પ્રસારણ ઠપ થતાં ચાલેલા નહીં તેના કારણે વેચાતાં નહોતાં અને યુપીએ સરકારે સેટ ટૉપ બૉક્સ ફરજિયાત કરવાનો નિર્ણય સારી ક્વૉલિટીના નામે કરી નાખ્યો. આ તો એવું થયું કે કાલે આ ઉદ્યોગગૃહો કેશકર્તનની શો રૂમ જેવી દુકાનો ખોલે તો સરકાર નિયમ બહાર પાડે કે રસ્તા પર વૃક્ષ નીચે પચાસ રૂપિયામાં કેશકર્તન કરાવવું નહીં કારણકે તમને આ શો રૂમમાં એર કંડિશનમાં ટીવી જોતાં જોતાં પાંચસો રૂપિયામાં કેશ કાપી આપશે.

કૉંગ્રેસ સરકારે આયોડિન મીઠું ફરજિયાત કરવાનો નિર્ણય કરી ટાટાને ફાયદો કરાવ્યો હતો. વળી, ટાટા માટે લોબિઇસ્ટ તરીકે કામ કરતી નીરા રાડિયા અને પત્રકાર બરખા દત્ત વચ્ચેની જે ઑડિયો ટેપ બહાર આવી હતી તે ચોંકાવી દેનારી હતી. આ ટેપ ૨-જી સ્પેક્ટ્રમ કેસ સંદર્ભે બહુ મહત્ત્વની કડીઓ હતી. બરખા દત્તની અત્યાર સુધી આદર્શ પત્રકાર તરીકેની રહેલી છબિ આ ટેપ બહાર આવ્યા પછી ધૂમિલ જ નહીં, પણ કડડભૂસ કહીને તૂટી ગઈ હતી.

આ બધું તો ઠીક, પરંતુ જ્યારે મોટી જાનહાનિ થાય, કોઈ ઉદ્યોગપતિ દોષી હોય ત્યારે પણ ભીનું સંકેલાઈ જાય તે કેવું? વોરેન એન્ડરસન નામ ઓછું યાદ હશે, પરંતુ ભોપાલની ગેસ આપત્તિ ભૂલાય તેવી નથી. ભોપાલમાં ૩ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ રવિવાર હોવાથી મીઠી નીંદર લઈ રહેલા લોકોને યુનિયન કાર્બાઇડની ફૅક્ટરીમાંથી લીક થયેલા ઝેરી ગેસે મોતની નીંદરમાં પોઢાડી દીધા. આ અમેરિકાની કંપની હતી. મધ્યપ્રદેશની કૉંગ્રેસની તત્કાલીન સરકારના વડા અર્જુનસિંહ ચૂંટણી સભામાં હતા ત્યારે તેમને દિલ્લીથી ફોન આવ્યો. અને અર્જુનસિંહે અધિકારીઓને નજરકેદમાં રહેલા વોરેન એન્ડરસનને ધરપકડના છ કલાકમાં જ દેશ બહાર જવા દેવા આદેશ આપ્યો. આના કારણે એન્ડરસનને ક્યારેય ભારતીય કૉર્ટનો સામનો કરવાનો વારો ન આવ્યો. તે સમયે કેન્દ્રમાં રાજીવ ગાંધી સરકાર હતી. તેમના મુખ્ય સચિવ રહેલા પી. સી. એલેક્ઝાંડરે ૨૦૧૦માં ઘટસ્ફોટ કર્યો હતો કે એન્ડરસનને ભાગી જવા દેવામાં રાજીવ ગાંધીની ભૂમિકા હતી. તેમણે કહ્યું હતું કે એન્ડરસનને છોડી મૂકવા અંગેની ચર્ચા કેબિનેટમાં થઈ નહોતી કે ન તો રાજ્ય સરકારને આ બાબતે કોઈ ઠપકો અપાયો. લલિત મોદી હોય કે વિજય માલ્યા, દોષિત ઉદ્યોગપતિઓ કે અધિકારીઓ દેશમાંથી છટકી કેમ શકે છે? તેમાંય વિજય માલ્યાએ તો બૅંકોનું દેવું ડૂબાડ્યું છે. જનતાના પૈસા ડૂબાડ્યા છે. તેમ છતાં આ બંનેને ભારત બહાર જવા દેવાયા તે સ્પષ્ટ બતાવે છે કે ઊંચા સ્થાને બેઠેલા રાજકારણીઓની અનુમતિ હોય તો જ આમ થઈ શકે. હા, દેખાવ પૂરતી કૉર્ટ કાર્યવાહી કરી લેવાની.

વાત આપણે અંબાણી પરિવારથી શરૂ કરી હતી અને તેનાથી જ લેખ સમાપ્ત કરીએ. મોદીને અંબાણીના એજન્ટ ગણાવતી કૉંગ્રેસ ભૂલી જાય છે કે રિલાયન્સ આટલું મોટું ઉદ્યોગગૃહ બન્યું તે કંઈ છેલ્લાં બે વર્ષમાં નથી બન્યું. ૧૯૯૦માં ભારતમાં પત્રકાર તરીકે નિમાયેલા ‘ફાર ઇસ્ટર્ન ઇકૉનોમિક રિવ્યૂ’ (ફીર)ના હેમીશ મેકડૉનાલ્ડને શરૂઆતમાં રિલાયન્સ સાથે મધૂરા સંબંધો હતા, જે બાદમાં ખાટા થયેલા. તેમણે ‘પોલિએસ્ટર પ્રિન્સ’ ના નામે ધીરુભાઈ પર પુસ્તક લખ્યું છે. આ પુસ્તક ભારતમાં પ્રકાશિત થવા દેવાયું નથી. ધીરુભાઈ અંબાણી અને બોમ્બે ડાઇંગવાળા નસલી વાડિયાની દુશ્મનાવટની ચર્ચા જાણીતી છે. ચર્ચા મુજબ, ધીરુભાઈ ઈન્દિરા ગાંધીની ખૂબ જ નજીક હતા. કટોકટી પછી આવેલી જનતા સરકાર ઉદ્યોગપતિઓ વિરુદ્ધની છબી ધરાવતી હતી. તે વખતે પણ ધીરુભાઈ ઈન્દિરાની પડખે હતા. એમ કહેવાય છે કે જનતા પાર્ટીની સરકાર ઉથલાવવામાં પણ ધીરુભાઈની ભૂમિકા હતી. એ તો ચર્ચાનો વિષય માની લઈએ પણ એ હકીકત હતી કે ઈન્દિરા ૧૯૭૯માં સરકારમાં પાછાં ફર્યાં ત્યારે તેમણે ઈન્દિરાના પુનરાગમનની પાર્ટી છડેચોક કરેલી અને તેમાં ઈન્દિરા ગાંધી પણ હાજર રહ્યાં હતાં! અત્યારના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઈન્દિરાના માનીતા આર. કે. ધવન સાથે ધીરુભાઈને તે સમયે ગાઢ સંબંધો હતા. એ બધાં વર્ષોમાં લાયસન્સ રાજ હતું પણ એમ કહેવાતું રહ્યું છે કે રિલાયન્સની તરફેણમાં નિયમો બદલાતા, બનાવાતા. રાજીવ ગાંધી જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે શરૂઆતમાં પ્રણવ અને આર. કે. ધવન પણ હાંશિયામાં ગયા હતા (અને તેથી કદાચ) રિલાયન્સ પણ. રાજીવનો ઝોક નસલી વાડિયા તરફે હતો. રાજીવના નાણા પ્રધાન વી. પી. સિંહે રિલાયન્સ સામે તપાસ પણ આદરેલી. પરંતુ પછી રાજીવ અને ધીરુભાઈ વચ્ચે સમાધાન થઈ ગયું. એમ કહેવાય છે કે તેમાં બચ્ચન પરિવારે મધ્યસ્થીની ભૂમિકા કરેલી. વી. પી.  ફેંકાઈ ગયા. પરંતુ ૧૯૮૯માં વી. પી. વડા પ્રધાન બન્યા. તે વખતે અંબાણી પરિવાર એલ એન્ટ ટીના બૉર્ડ ઑફ ડિરેક્ટરમાં હતા. પરંતુ વી. પી.એ સુનિશ્ચિત કર્યું કે અંબાણી તેમાંથી બહાર થઈ જાય. પરંતુ (જનતા પાર્ટીની સરકારની જેમ જ) જનતા દળની સરકાર પણ પડી ભાંગી. ચંદ્રશેખરની સરકાર રચાઈ. ચંદ્રશેખર અન રાજીવ બંને ધીરુભાઈ સાથે સારા સંબંધો ધરાવતા હતા. (અને કદાચ એટલે) સર્વોચ્ચમાં પણ ધીરુભાઈ તરફે ચૂકાદો આવ્યો.

૧૯૯૧ની નરસિંહરાવ-મનમોહનસિંહની કૉંગ્રેસ સરકાર વખતે ઉદારીકરણ શરૂ થયું હતું. તે વખતે તેલ ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકાયેલું. સ્પર્ધામાં રહેલી બીએચપી કંપનીએ આક્ષેપો કરેલા કે નિયમો છેલ્લી ઘડીએ બદલવામાં આવેલા. કહેવાની જરૂર નથી કે ઑઇલ ફિલ્ડનું કામ રિલાયન્સને મળેલું.

ઊર્જિત પટેલની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂક વખતે તેમણે પૂર્વે રિલાયન્સમાં કામ કર્યું હોવાથી તેમને આ પદ મળ્યુંની ગપશપ ચાલેલી. પણ એમ તો દિલ્લીમાં કેજરીવાલને જેમની સાથે વહુ-સાસુનો ઝઘડો છે તે લેફ્ટ. ગવર્નર નજીબ જંગે ઉપરોક્ત ઑઇલ ફિલ્ડમાં વચેટિયાની ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાય છે. અને તેમણે ૨૦૧૩માં દિલ્લીના લેફ્ટ. ગવર્નર નિમાતા પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં એનર્જી વિંગના હેડ તરીકે કામ પણ કર્યું હતું. પરંતુ તેમની નિમણૂક વખતે ઊર્જિત પટેલ જેવી ગપશપ સાંભળવા મળી હતી? કેમ? વિચારો!

તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિની ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૪/૯૧૬ના રોજ પ્રસિદ્ધ થયેલો લેખ.)

અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેટલા પૂર્વગ્રહિત છે! તેઓ હરિયાણામાં દિગંબર જૈન મુનિ તરુણ સાગરજીના વિધાનસભાને સંબોધનના અહેવાલમાં મુનિના નામની આગળ ‘ન્યૂડ જૈન મોન્ક’ લખવાનું ભૂલ્યા નહીં. આ જ પત્રકારો હિન્દી ફિલ્મમાં નગ્નતાના નામે અશ્લીલતા પર સેન્સર બૉર્ડની કાતર ચાલે ત્યારે ઉકળી ઊઠે છે. આ જ પત્રકારો જ્યારે વિદેશી સ્ત્રીઓને સ્કર્ટ ન પહેરવાની માર્ગદર્શિકા આપવામાં આવે છે ત્યારે રોષિત બને છે. (આ માર્ગદર્શિકા હતી. કાયદો નહીં. એટલી સીધી સાદી વાત પણ એ લોકો સમજી નથી શકતા.) આ પત્રકારો સ્મૃતિ ઈરાનીના નામની આગળ એક્ટ્રેસ ટર્નડ પોલિટિશયન અચૂક લખે છે પરંતુ સોનિયા ગાંધીના નામની આગળ તેમનો પૂર્વ વ્યવસાય લખવાની તેમની હિંમત નથી.

આમ આદમી પાર્ટીના નેતા અને સંગીતકાર વિશાલ દદલાનીએ તરુણ સાગરજીની નગ્નતાને નિશાન બનાવી ટ્વીટ કર્યું. મોટા ભાગના ફિલ્મ કલાકારોનાં પણ પેલા અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો જેવાં જ બેવડાં ધોરણ હોય છે. તેઓ ફિલ્મમાં અશ્લીલતા અને હિંસા વગેરેનો બચાવ કરશે પણ બુરખા સામે બોલવાની હિંમત નહીં કરે. તેઓ હિન્દુ સ્ત્રીઓના અધિકારો વિશે ઉછળી-ઉછળીને બોલશે પરંતુ મુસ્લિમ સ્ત્રીઓના અધિકારની વાત આવશે ત્યારે તેમનાં મોઢાં સિવાઈ જશે.

વિશાલનો મૂળ આશય કદાચ રિલિજિયન અને રાજકારણની ભેળસેળ સામે હતો. રિલિજિયનનો અર્થ લગભગ સંપ્રદાય કરી શકાય. પરંપરા કરી શકાય. પરંતુ ધર્મ ન કરી શકાય. ધર્મને રાજકારણ તો શું, કોઈ ક્ષેત્રથી અલગ ન પાડી શકાય. ધર્મનો એક અર્થ ફરજ છે. પરંતુ વર્ષો જતાં ધર્મનો સંકુચિત અર્થ ઉપાસના પદ્ધતિ પૂરતો સમેટાઈ ગયો છે. રામાયણમાં પિતા, માતા, પુત્ર, પત્ની, ભાઈ વગેરે દરેકનો શું ધર્મ છે તેની વાત વિગતે છે. મહાભારતમાં ભીષ્મ બાણની શય્યા પરથી યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ આપે છે. રાજ ધર્મને અંગ્રેજીમાં રોયલ કૉડ ઑફ કન્ડક્ટ કહી શકાય. આમ ધર્મ માટે અંગ્રેજીમાં રિલિજિયન શબ્દ વાપરવો ખોટો છે. તે જ રીતે ધર્મ માટે કૉડ ઑફ કન્ડક્ટ, ડ્યુટી કે લૉ આ શબ્દોને જે-તે સંદર્ભમાં આંશિક રીતે વાપરી શકાય પણ ધર્મ આ પૈકી કોઈ એક ચોક્કસ અંગ્રેજી શબ્દના ચોકઠામાં બંધ બેસતો નથી.

સંપ્રદાય અને રાજકારણની ભેળસેળ જરૂરી છે? ‘કડવે પ્રવચન’ માટે જાણીતા તરુણ સાગરજીનું પ્રવચન ધારાસભ્યો સાંભળે તેમાં કંઈ ખોટું નથી. તરુણ સાગરજી હોય કે અન્ય કોઈ ધર્મોપદેશક, તેમની વાતો, આપણા ધર્મગ્રંથોમાં ઉપદેશાયેલી વાતોને શાસકો વ્યવહારમાં ઉતારે તો ખરેખર રામરાજ્ય આવે. વર્ષ ૨૦૦૨માં રાજસ્થાનના રાજ્યપાલ અંશુમાનસિંહે દુષ્કાળ માટે ભંડોળ એકત્ર કરવા મોરારીબાપુની રામકથા યોજી હતી. તે વખતે ભાજપ વિરોધી પક્ષોએ કાગરોળ મચાવી દીધી હતી.

પહેલી નજરે તરુણ સાગરજી અને મોરારી બાપુના આ કાર્યક્રમો પ્રત્યે કોઈ વાંધો ન હોઈ શકે. પરંતુ શું આ મુનિ-સંતોનું સ્થાન એટલું ઊંચું ન હોવું જોઈએ કે તેમને વિધાનસભામાં જવું પડે તે કરતાં રાજાથી માંડીને રંક તેમનાં પ્રવચન સાંભળવા તેમની પાસે તેમના આશ્રમો, તેમનાં ઉપાશ્રયોમાં આવે? ભારતમાં સંપ્રદાય અને રાજકારણની ભેળસેળનાં ખતરનાક પરિણામો આપણે જોઈ ચૂક્યા છીએ. મહાત્મા ગાંધીજીએ આની શરૂઆત કરી હતી. તેઓ તેમની સભામાં રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવતા. અલબત્ત, ઈશ્વર અલ્લાહ તેરો નામ પંક્તિ ઉમેરીને આ ભજનને બિનસાંપ્રદાયિક બનાવી દેવાયું હતું. ગાંધીજીએ રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતાઓના વિરોધ છતાં તુર્કીની ખિલાફત ચળવળને ટેકો આપીને મુસ્લિમ તુષ્ટીકરણની ખોટી પરંપરા ઊભી કરી હતી. કટ્ટર મુસ્લિમોને ગાંધીજી ખૂંચતા હતા કારણ કે તેઓ ગોરક્ષાની, રામરાજ્યની વાતો કરતા. કટ્ટર હિન્દુઓને તેઓ નહોતા ગમતા કારણકે તેઓ મુસ્લિમ તુષ્ટીકરણ માટે વધુ ને વધુ ઝૂકતા જતા હતા. દેશને પણ ઝૂકવાની ફરજ પાડતા હતા.

ગાંધીજીના પગલાં પછી મુસ્લિમ તુષ્ટીકરણ સતત થતું જ ગયું. વંદેમાતરમ્ ને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારાયું નહીં. તેના બદલે બ્રિટિશ રાજા જ્યોર્જની પ્રશસ્તિમાં રચાયેલું મનાતું જન ગણ મન સ્વીકારાયું. ડૉ. આંબેડકરે સૂચવેલા હિન્દુઓમાં સુધારા કરતા કાયદાને હિન્દુઓના વિરોધ છતાં પસાર કરાયા જે સારું જ થયું પરંતુ મુસ્લિમોના પર્સનલ લૉને સુધારાયા નહીં. ૬૦ વર્ષીય શાહબાનોને તેને છૂટાછેડા આપનાર પતિએ ભરણપોષણ આપવું તેવો સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો હતો. કટ્ટર મુસ્લિમોને રાજી કરવા માટે રાજીવ ગાંધી સરકારે બહુમતીના જોરે કાયદામાં સુધારો કરી નાખ્યો. સલમાન રશદીના ભારતમાં પ્રકાશિત નહીં થયેલા પુસ્તક ‘સેતાનિક વર્સિસ’ પર પ્રતિબંધ મૂકી દેવાયો. રાજીવ ગાંધીની કૉંગ્રેસ અને ફારુક અબ્દુલ્લાની મિશ્ર સરકારે કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમા મૂકવાનો નિર્ણય પાછો લીધો કેમ કે કાશ્મીરના મુસ્લિમ વકીલોનો વિરોધ હતો! મુસ્લિમ તુષ્ટીકરણના આવા તો અસંખ્ય કિસ્સાઓ મળશે.

કૉંગ્રેસ અને જનતા દળ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પક્ષ, તૃણમૂલ કૉંગ્રેસ તેમજ ડાબેરી પક્ષો દ્વારા મુસ્લિમ તુષ્ટીકરણ ચાલુ રહ્યું. ઈફ્તાર પાર્ટીઓમાં જવા માટે નેતાઓ વચ્ચે હોડ લાગવા લાગી પરંતુ હિન્દુ તહેવારો પર શુભેચ્છાઓ આપવાનું યાદ પણ ન આવે. આ બધું ખોટું હતું. કૉંગ્રેસની લઘુમતી સરકારના વડા પ્રધાન પી. વી. નરસિંહરાવ ૧૯૯૩માં ઉતાવળે સંપ્રદાય (રિલિજિયન) અને રાજકારણની સાંઠગાંઠને તોડતા બે વિધેયક- બંધારણમાં ૮૦મો સુધારો અને જનપ્રતિનિધિત્વ કાયદામાં સુધારો- લાવેલા. મુસ્લિમ તુષ્ટીકરણથી ત્રાસીને અન્યાયની લાગણી અનુભવતા હિન્દુઓની લાગણી બરાબર ઉકળેલી હતી. અયોધ્યામાં વિવાદિત ઢાંચો તૂટ્યા પછી કૉંગ્રેસને ડર હતો કે હિન્દુત્વની ભાવના આ જ રીતે પ્રબળ રહેશે (અને હિન્દુઓ નાતજાતમાં નહીં વહેંચાય) તો ભાજપ બહુમતી મેળવીને સરકારમાં આવી જશે. સ્વાભાવિક જ ભાજપે આ વિધેયકોનો વિરોધ કર્યો હતો. વિરોધ કરવામાં ‘બિનસાંપ્રદાયિક’ કહેવાતા રાજકીય પક્ષો -જનતા દળ, તેલુગુ દેશમ પક્ષ અને ડીએમક પણ હતા. અરે! રિલિજિયનને અફીણ ગણાવતા ડાબેરી પક્ષોએ પણ તેનો વિરોધ કર્યો હતો! આ વિધેયકમાં એવી જોગવાઈ હતી કે જો ઉમેદવારો સંપ્રદાય કે સાંપ્રદાયિક પ્રતીકોનો ઉપયોગ ચૂંટણી જીતવા કરે તો તેઓ સંસદ કે ધારાસભાની ચૂંટણી પહેલાં અથવા ચૂંટણી દરમિયાન જ અમાન્ય ઠરી શકે. આ ઉપરાંત જો તેઓ ભારતના નાગરિકોમાં સંપ્રદાય, વંશ, સમુદાય કે ભાષાના આધારે શત્રુતા કે ધિક્કારની લાગણીને ઉત્તેજન આપે કે ઉત્તેજન આપવાનો પ્રયાસ કરે તો પણ તેઓ અમાન્ય ઠરે. માત્ર ઉમેદવારો જ નહીં, આ જોગવાઈ હેઠળ તો આખો રાજકીય પક્ષ પણ અમાન્ય ઠરી શકે. વિરોધના કારણે આ વિધેયકો મોકૂફ રખાયા હતા.

સંપ્રદાયને રાજકારણથી અલગ રાખનાર દેશોનો વિકાસ થયો છે. ફ્રાન્સમાં ચર્ચની દખલગીરી ટાળવા માટે ૧૯૦૫માં સેક્યુલરિઝમનો કાયદો લવાયેલો. ત્યાં બુરખા પર હિંમતપૂર્વક પ્રતિબંધ લાદી શકાય છે. જોકે ફ્રાન્સનો ઝોક ખ્રિસ્તીઓ પ્રત્યે તો છે જ. જેમ કે ખ્રિસ્તીઓના પવિત્ર દિવસોના રોજ જાહેર રજા છે (આપણે ત્યાં રામનવમીથી માંડીને જન્માષ્ટમીની રજાઓ હવે કહેવાતી હિન્દુવાદી ભાજપ સરકારો પણ નાબૂદ કરી રહી છે. પરંતુ અન્ય મતાવલંબીઓની રજા નાબૂદ કરવાની હિંમત તેનામાં નથી.), ફ્રાન્સમાં કેથોલિક શાળાઓના શિક્ષકોના પગાર સરકાર ચૂકવે છે. સ્પેનમાં પણ આવું જ છે. અમેરિકામાં વ્યક્તિ કોઈ પણ પંથની હોય, એરપૉર્ટ સિક્યોરિટી કે અન્ય નિયમોમાંથી છટકી ન શકે. યુકેના વેસ્ટ યૉર્કશરમાં મીરફિલ્ડ ફ્રી ગ્રામર સ્કૂલે શાળાની અંદર મુસ્લિમ વિદ્યાર્થીઓને નમાઝની મનાઈ કરી દીધી હતી. જર્મનીના કૉલોનમાં સેન્ટ્રલ મસ્જિદ બાંધવાની હતી ત્યારે મસ્જિદ પર લાઉડસ્પીકર નહીં મૂકવામાં આવે તેવી સરકારની શરત મુસ્લિમોએ માનવી પડી હતી. ડેનમાર્કમાં હેલ્થ કેર અને એજ્યુકેશનની શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓને ચોખ્ખું કહી દેવામાં આવ્યું હતું કે તેઓ નમાઝ નહીં પઢી શકે. ચીનમાં મુસ્લિમ બાળા કુરાન વાંચતી હોય તેવો વિડિયો બહાર આવ્યા પછી ગાંસુ પ્રાંતમાં સરકારી શાળાઓમાં તમામ સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સાંપ્રદાયિક હિંસાથી ગ્રસ્ત શિનજિયાંગ પ્રાતમાં તો રમઝાનમાં રોજા રાખવા પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો! ચીનમાં માત્ર ઈસ્લામ નહીં, નાતાલની ઉજવણી પર પણ મનાઈ મૂકાઈ હતી.

પરંતુ ભારતીય રાજકારણીઓને સંપ્રદાયો વગર ચાલતું નથી. કૉંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો દ્વારા મુસ્લિમોના તુષ્ટીકરણની વાતો કરી કરીને સત્તામાં આવનાર ભાજપ પણ હવે તુષ્ટીકરણ કરે તે કેવું! તરુણ સાગરજીનું સંબોધન એક માત્ર દાખલો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે હમણાં સુધી એવી છાપ હતી કે તેઓ હિન્દુઓનું પણ તુષ્ટીકરણ નથી કરતા અને તેમણે વિહિપના પ્રવીણ તોગડિયાને ગુજરાતમાં ઘણા અંશે કાબૂમાં રાખ્યા હતા. તેમણે અત્યાર સુધી ઇફ્તાર પાર્ટીમાં પણ જવાનું ટાળ્યું છે. ગયા વર્ષે સંઘના વડા મોહન ભાગવતે નિવેદન કરેલું કે મધર ટેરેસાનું ખરું ધ્યેય મતાંતરણ હતું. (આ કૉલમમાં ૧ અને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ તે વિશે બે ભાગમાં લખાયું હતું. વાંચો: (૧) ભાગવત, મધર ટેરેસા અને ભારતનું સેક્યુલરિઝમ અને (૨) મધર ટેરેસાના ચમત્કાર અને શરતી સેવા) સંઘના વડાની વાતને (એટલે કે આદેશને) ઉથાપીને મોદીજી ‘મન કી બાત’માં મધર ટેરેસાની પ્રશંસા કરે છે, સુષમાજીને વેટિકનમાં મધર ટેરેસાના સંતત્વના સમારોહમાં મોકલે છે! આવું કામ તો અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારે તૃણમૂલ, ટીડીપી, સમતા, નેશનલ કૉન્ફરન્સ જેવા પક્ષોનો ટેકો હોવાથી મોરચા ધર્મની વિવશતા છતાં નહોતું કર્યું.

આ પગલાંથી ભારતમાં મિશનરીઓ દ્વારા વટાળ પ્રવૃત્તિને કેટલો વેગ મળશે તેની તેમને કલ્પના હોય જ છતાં કેમ આમ કર્યું? દિલ્લી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક-બે ચર્ચ પર હુમલા થયાના કિસ્સા પછી અમેરિકા દ્વારા લઘુમતીઓની સલામતી માટે દબાણ કરાતા (એ અમેરિકામાં ભલે હિન્દુઓ, શીખો અને મુસ્લિમો પર હેટ્રેડ ક્રાઇમ થતા હોય) મોદીજીને હવે બિનસાંપ્રદાયિક છબી ઉપસાવવાની ઈચ્છા થઈ છે? નોબેલના ધખારા છે? ગુજરાતમાં ‘સૌની’ યોજનાના લોકાર્પણ વખતે મોદીજીએ પૂછેલું, ‘તમે જેવો મોકલ્યો તેવો જ છું ને?’ પરંતુ આપણે કહેવું જોઈએ કે મોદીજી, તમે ગુજરાતમાં આવા સ્યુડો સેક્યુલર નહોતા. શું મોદીજીને ખબર નથી કે તેમના આ પગલાંથી હિન્દુઓમાં અન્યાયની લાગણી બળવત્તર જ બનશે? હિન્દુઓના કહેવાતા સાધુ-સંતો જેલમાં છે અને શાહી ઈમામ પોતાને આઈએસઆઈ એજન્ટ કહેવડાવીને પણ છૂટા ફરે છે. ઝાકિર નાઈક દેશમાંથી ભાગી ગયો છે. હવે જૈનો પણ લઘુમતીનો દરજ્જો ધરાવે છે. આ દરજ્જો ગુજરાતની ભાજપ સરકારે જ આપ્યો છે. એટલે તરુણ સાગરજીને બોલાવીને ભાજપે લઘુમતીનું તુષ્ટીકરણ કર્યાની છાપ ઉપસે છે. કાલે સવારે અરવિંદ કેજરીવાલ કે કૉંગ્રેસ વિધાનસભા/સંસદમાં ઝાકિર નાઈકને, શાહી ઈમામ કે પોપને બોલાવશે ત્યારે ભાજપ કયા મોઢે તેનો વિરોધ કરશે?

સરકારી હોય કે ખાનગી કર્મચારી, સંવેદનહીનતાના કિસ્સા વ્યાપક છે!

(મુંબઈ સમાચારમાં રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૮/૦૮/૨૦૧૬ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.)

રિયો ઑલિમ્પિક પૂરી થઈ ગઈ. તેમાં માત્ર બે મેડલ મેળવ્યા. ઈ.સ. ૧૯૦૦ના વર્ષથી આપણે આ ખેલ મહોત્સવમાં ભાગ લેતા આવ્યા છીએ. ઈ.સ. ૧૯૦૦ના વર્ષમાં આપણને બે જ મેડલ મળ્યા હતા અને બંને રજત ચંદ્રક હતા. આ વર્ષે ૧૧૬ વર્ષ પછી આપણી સ્થિતિ બે જ મેડલની રહી. પણ એમાંય આપણું ધોરણ ઉતરતું થયું. આપણને એક રજત અને એક કાંસ્ય ચંદ્રક મળ્યો. પણ આપણો દેશ આ બે ચંદ્રકની ઉજવણીમાં લાગી ગયો. એમાં ખોટું પણ નથી. જેમ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે કહ્યું તેમ, આપણો દેશ નાની-નાની ખુશી પણ મોટા પાયે ઉજવે છે. આ વર્ષે કેમ વધુ ચંદ્રકો ન મળ્યા અને ચાર વર્ષ પછી વધુ ચંદ્રકો કેમ મળે તેની સમીક્ષા અને આયોજન કરીને ચાર વર્ષ પછીની તૈયારીમાં અત્યારથી લાગી જવું જોઈએ એ વાત સાચી પણ તેમાં જે બે ખેલાડીઓએ ચંદ્રક જીત્યા તેની ઉજવણી શા માટે ન કરવી?

પણ આ ઉજવણીમાં એક સમાચાર દબાઈ ગયા. મેરેથોન ખેલાડી ઓ. પી. જૈશાએ આક્ષેપ કર્યો કે તે દોડતી હતી ત્યારે માર્ગમાં નિશ્ચિત કરાયેલાં સ્થાનોએ ભારતીય અધિકારીઓએ પાણીની વ્યવસ્થા સુદ્ધાં કરી નહોતી. તેણે કહ્યું કે આઠ કિલોમીટરે મને એક જ વાર પાણી મળ્યું. મારું મૃત્યુ પણ થઈ શક્યું હોત.

મૂળ વાત સંવેદનાની છે. સરકારી અધિકારીઓ કે સરકારી કર્મચારીઓ સંવેદનહીન બની જાય છે. સરકારી હોય કે ખાનગી કર્મચારી, મહદંશે એવો જ ઈરાદો હોય છે કે ઓછામાં ઓછું કામ કેમ કરવું પડે. સરકારી કર્મચારીઓની સંવેદનહીનતાનાં અનેક ઉદાહરણો નજર સામે આ લેખકે જોયાં છે. ઘણાં વર્ષો પહેલાં ભાવનગરમાં એક વાર ટપાલ કચેરીમાં ગયેલો. કામકાજ બંધ થવાનો સમય ૩ વાગ્યાનો હતો અને હજુ પોણા ત્રણ વાગ્યા હતા. પણ કાઉન્ટર પર બેસેલા કર્મચારીએ જેનો વારો આવી ગયો હતો તે સિવાયના મારા સહિતના લોકોને કહી દીધું: “હવે સમય પૂરો!” મેં દલીલ કરી કે બંધ થવાનો સમય તો ત્રણ વાગ્યાનો છે. પણ તે સાંભળવા તૈયાર જ નહોતો. અને અમારી દલીલમાં જેનો વારો આવી ગયો હતો તે વ્યક્તિનું કામ ખોટી થતું હતું. એટલે તે પેલા કર્મચારીની તરફેણમાં મારી વિરુદ્ધ દલીલ કરવા લાગ્યો! લોકો પોતાના આવા ક્ષુલ્લક સ્વાર્થ જોતા હોય છે તેથી જ કામચોર સરકારી કે ખાનગી કર્મચારી ફાવી જતા હોય છે.

બીજું ઉદાહરણ પણ પૉસ્ટ ઑફિસનું જ છે. મારી નજર સામે બનેલી ઘટના. એક વૃદ્ધા પાસબુક લઈને આવેલાં. પરંતુ તે સમયે ડિજિટલાઇઝેશન થવાના કારણે નવા ખાતા નંબર ઈશ્યૂ થયેલા. એજન્ટોને જૂના નંબર સામે નવા નંબરનો ઇ-મેઇલ પણ થયેલો. એક પરિચિત એજન્ટના કારણે આ વાતની મને ખબર. પણ પેલાં વૃદ્ધા જૂનો ખાતા નંબર લખીને આવેલા. તેમની ઉંમરને ધ્યાનમાં લીધા વગર પૉસ્ટ ઑફિસના કર્મચારી જે પાછા મહિલા જ હતાં તેમણે કહી દીધું: નવો ખાતા નંબર લઈને આવો! મેં કહ્યું કે “તમે કમ્પ્યૂટરમાં જૂનો નંબર નાખશો તો તેની સામે નવો નંબર મળી આવશે.” પણ પેલા મહિલા કર્મચારીએ ધરાર ના પાડી દીધી! મહિલા કર્મચારીને કંઈ ખાસ તસદી લેવાની નહોતી તેમ છતાં વૃદ્ધાને ઘરે જઈને નવો ખાતા નંબર લઈને આવવાનું તેણે ફરમાન કરી દીધું! અમદાવાદમાં પૉસ્ટ ઑફિસ કંઈ નજીક નથી હોતી. ખાનગી બૅંકોનાં એટીએમની સુવિધા નજીકમાં મળી રહે પણ પૉસ્ટ ઑફિસ બાબતે તેવું નથી. અને ગમે તેમ, વૃદ્ધાની ઉંમર જોઈને મહિલા કર્મચારીએ માત્ર કમ્પ્યૂટરમાં જૂનો નંબર નાખ્યો હોત તો ફટ દઈને નવો નંબર નીકળી આવત. પણ તેણે સંવેદના દાખવી નહીં.

સંવેદના દાખવવા બાબતે ખાનગી કર્મચારીઓ પણ ઓછા નથી હોતા. ડૉક્ટર અને એમાંય ફેફસાં- હાર્ટના ડૉક્ટર હોય તો તેમણે સંવેદના રાખવી જરૂરી છે. મારાં વૃદ્ધ માતાને હાર્ટની તકલીફ થયેલી ત્યારે એક ડૉક્ટરને બતાવવા ગયેલાં. ડૉક્ટરનું ક્લિનિક ત્રીજા માળે. અને લિફ્ટ બંધ! આવી સ્થિતિમાં ત્રણ માળના દાદરા કેવી રીતે ચડી શકાય? પત્ની ક્લિનિકમાં ગઈ અને સ્ટ્રેચર લઈને નીચે આવવા કહ્યું પરંતુ ક્લિનિકમાંથી કોઈ ઝડપથી સ્ટ્રેચર લઈને આવ્યું નહીં. આથી પત્ની ફરીથી ત્રણ દાદરા ચડીને ઉપર ગઈ. તેણે ડૉક્ટર પાસે ફરિયાદ કરવાનું વિચાર્યું પણ ચા કરતાં કીટલી ગરમ એવા કેસ કાઢનારે કહ્યું કે “તમારા વારા વગર અંદર જઈ ન શકાય.” પત્ની કહે, “મારે સ્ટ્રેચરનું કહેવું છે.” છેવટે તેણે પેલા ભાઈને અવગણીને ડૉક્ટરની કેબિનમાં જઈ ફરિયાદ કરી ત્યારે વાત બની! માનો કે, નીચે જ હાર્ટ એટેક આવી ગયો હોત તો? તોતિંગ ફી લેતા ડૉક્ટરે એટલી કાળજી તો રાખવી જોઈએ ને કે જો પોતાનું ક્લિનિક ત્રીજા માળે હોય તો લિફ્ટ ચાલુ જ હોય અથવા પોતે નીચે આવીને દર્દીને તપાસી જાય.

સરકારી/સિવિલ હૉસ્પિટલની તો વાત જ નિરાળી હોય છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મારા પિતાને દાખલ કરવા પડેલા ત્યારે બે વૉર્ડ વચ્ચે એક જ મેટ્રન હતાં! અને બંને વૉર્ડ વચ્ચે ઘણું અંતર! મેટ્રનને બોલાવવા જવું હોય તો એ અંતર કાપવું પડે. મારા પિતાને કિડનીની તકલીફ થયેલી. તેમને ડાયાલિસિસ કરાવવા માટે હાથમાં ફિશ્ચ્યૂલા કરાવવાની હતી. અને તેમને સ્ટ્રેચરમાં લઈ જવા માટે કોઈ વૉર્ડબોય જ ન મળે! છેવટે હું સ્ટ્રેચરમાં લઈ ગયો. તે વખતે થયેલી વેદના અકથ્ય હતી. આજે પણ ‘અગ્નિપથ’માં નાના વિજયને તેના પિતાનો મૃતદેહ હાથ લારીમાં લઈ જતો જોઉં ત્યારે આંખમાં આંસું આવી જાય!

ખાનગી હૉસ્પિટલના વૉર્ડ બોયની લાપરવાહીના કિસ્સા પણ ઓછા નથી. એમાંય રાત્રે ડૉક્ટર ન હોય એટલે વૉર્ડ બોયને જલસા જ હોય. ગપ્પા મારતા હોય કે ટીવી પર મનગમતી ભંગાર ફિલ્મ જુએ અને રાત્રે દર્દીને તકલીફ પડે તેની કોઈ પરવા નહીં. તેમની દૃષ્ટિએ વિચારીએ તો તેમને આ રોજનું થયું હોય અને ઘણી વાર કેટલાક દર્દી કે તેમનાં સગાં વધુ પડતી કે ક્યારેક ખોટી રીતે પણ તકલીફ વૉર્ડ બોયને આપતા હશે, પરંતુ તેનો અર્થ એ નથી કે જેન્યુઇન તકલીફ હોય તેવા દર્દી પ્રત્યે બેધ્યાન થઈ જવું. (તેમાંય ડૉક્ટરો-વૉર્ડ બોય દર્દી જાણે નાન્યતર જાતિનું પ્રાણી હોય એમ પેશન્ટ આવ્યું એમ બોલે એટલે બહુ ખૂંચે.) વૉર્ડ બોય તો સમજ્યા, પણ માનવ સેવાનો ભેખ ધારેલા અને હિપ્પોક્રેટિક ઑથ લેનારા ડૉક્ટરોની સંવેદનહીનતાના કિસ્સા પણ અવારનવાર બહાર આવે છે. કોઈ એક દર્દી પૈસા દીધા વગર ભાગી જાય તેના કારણે ડૉક્ટરો પહેલાં જ પૈસા લઈ લે છે અને પછી જ દર્દીને તપાસે-ઑપરેશન કરે છે. અને કેટલાક કિસ્સામાં તો જો પૈસા આપી શકે તેમ ન હોય તો હૉસ્પિટલમાંથી રજા પણ ન આપવામાં આવે તેવું બને.

ડૉક્ટર-પેથોલોજી લેબોરેટરી-મેડિકલ સ્ટોર- ફાર્માસ્યુટિકલ કંપની વગેરેની સિન્ડિકેટના કારણે ખોટા ટેસ્ટ – ખોટી/મોંઘી દવાઓ વગેરેના કિસ્સા પણ અજાણ્યા નથી. મારા પરિચિતમાં જ બે કિસ્સા એવા બન્યા જેમાં બે પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટ સાવ અલગ-અલગ હોય! એક લેબોરેટરીમાં ડાયાબિટીસના રિપોર્ટમાં બ્લડ સ્યુગર ૪૦૦ આવી! હવે ડાયાબિટીસના જૂના દર્દીને પણ ૪૦૦ સ્યુગર આવે તો ફાળ જ પડે! તેમાં આ તો નવો જ દર્દી! પણ તેને વળી સૂજ્યું કે બીજી લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરાવી લઉઁ. ત્યાં કરાવ્યો તો શર્કરા ૨૫૦ જ આવી! બીજા એક પરિચિતને આ જ રીતે તાવ હતો અને રિપોર્ટમાં સ્વાઇન ફ્લુ આવ્યો! પણ તેણેય ઘર પાસેની લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો તો મેલેરિયા નીકળ્યો! આટલું અંતર! લેબોરેટરીના માલિક ડૉક્ટર હોય છે તે લેબોરેટરીની એકથી વધુ બ્રાંચ ખોલી નાખે છે અને પછી જુનિયરોના ભરોસે લેબોરેટરી ચાલતી હોય છે. (ઘણી જગ્યાએ તો ખોટા સર્ટિફિકેટ પર લેબોરેટરી ચાલતી હોવાના કિસ્સા પણ બન્યા છે. ઉપરાંત માત્ર સ્પેશિયલાઇઝ્ડ પેથૉલૉજિસ્ટ અને તેય એમસીઆઈમાં નોંધાયા હોય તે જ લેબોરેટરી ચલાવી શકે તેવી કૉર્ટમાં પિટિશન પણ થયેલી છે.) મોટી-મોટી હૉસ્પિટલમાં પણ આવું જ બનતું હોય છે. ક્લિનિક-હૉસ્પિટલને ‘ધંધો’ બનાવીને ગ્રાહકને કેમ મુંડવા તેની મોટા ભાગના આ સફેદપોશ કસાઈઓ વેતરણમાં હોય છે. અલબત્ત, તેમાંય અપવાદો હોય જ અને છે જ. પરંતુ જ્યારે દર્દીની જિંદગી-મૃત્યુની વાત હોય ત્યારે સંવેદનાહીન થવું કેમ પાલવે?

રણમાં મીઠી વીરડી સમાન કિસ્સા પણ જોવા મળી જાય! આધાર કાર્ડ કઢાવવા જવાનું થયું ત્યારે ૭૫ વર્ષના વૃદ્ધ સસરા સાથે હતા. લગભગ બે કલાક વિતી ગયા. અને બપોરના ૧.૩૦ વાગવા આવેલા. મારા સસરાના ઘરેથી આધાર કાર્ડનું સેન્ટર લગભગ ૧૮ કિમી દૂર. (એનું કારણ એ હતું કે અગાઉ ઘર પાસે ૨૦૧૧માં આધાર કાર્ડ માટે વિધિ કરેલી તે છેક ૨૦૧૬ સુધી આવ્યું નહીં. તેથી આટલે દૂર ઑથોરાઇઝ્ડ સેન્ટરે જવાનું નક્કી કરેલું. સરકારે પાછી આધાર કાર્ડની કાર્યવાહી ખાનગી સંસ્થાઓને કૉન્ટ્રાક્ટ પર આપેલી હોય છે અને તે જો ધારે તો આ ડેટાનો આરામથી દુરુપયોગ કરી શકે તે આખી અલગ વાત છે.) એક યુવાન માતા તેના નાનકડા પુત્રનું આધાર કાર્ડ કઢાવવા આવેલી. (આધારકાર્ડ ફરજિયાત નથી તેવા સુપ્રીમના બે-ત્રણ વાર નિર્દેશ છતાં સરકારમાં આધાર કાર્ડ ફરજિયાત કરી દેવાયું છે. હવે તો ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી દેવાયા છે.) આ યુવતીએ પોતાનો વારો જતો કરીને મારા સસરાને ફોટા- ફિંગર પ્રિન્ટ માટે આવી જવા કહ્યું. એટલું જ નહીં, પોતાના પુત્ર માટે બિસ્કિટ લાવેલી તે પણ તેણે મારા સસરાને આપવા ઈચ્છ્યા. જોકે તેમણે આદર સાથે તેનો ઈનકાર કર્યો પરંતુ કહેવાનો અર્થ એ છે કે સંવેદના સાવ મરી પરવારી નથી. આ યુવતી એકદમ આધુનિક પાશ્ચાત્ય શર્ટ-પેન્ટમાં હોવા છતાં તેનામાં વૃદ્ધ પ્રત્યે કાળજી હતી.

મૂળ વાત એ છે કે સંવેદનશીલ બનાવવાના કોઈ કોર્સ થતા નથી. થાય તોય આવે નહીં. એ અંદરથી જ ફૂટવી જોઈએ. કર્મચારી માત્ર એટલું જ વિચારે કે સામેવાળી વ્યક્તિની જગ્યાએ પોતે કે પોતાની માતા કે પિતા હોય તો તેને કેટલી તકલીફ પડે તો આવું સંવેદનહીન વર્તન ન થાય.